સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ભાશા

બીન ગુજરાતીને ગુજરાતી – એક સત્યકથા

    અમેરીકાની બ્રેટલબરો યુનીવર્સીટીના એ ક્લાસરુમમાં તંગદીલીભરી ચુપકીદી છવાયેલી હતી. એકત્રીસ વીદ્યાર્થીઓ આતુરતાથી નવા પ્રોફેસરની રાહ જોઈ રહ્યા હતા. દસ અમેરીકન, બે ઈટાલીયન, પાંચ ફ્રેન્ચ, બે રશીયન, ત્રણ જર્મન, ચાર મેક્સીકન, બે ચાઈનીઝ, બે જાપાનીઝ અને એક વીયેટનામી એમ કુલ એકત્રીસ જણ પાટલીઓ પર બેઠેલા હતા.

      અને ત્યાં પીટરે બારણામાંથી ઓરડામાં પ્રવેશ કર્યો. એની સાથે ખાદીનો જભ્ભો અને પાયજામો પહેરેલા કનુભાઈ પણ પ્રવેશ્યા. બધા વીદ્યાર્થીઓએ ઉભા થઈને બન્નેનું અભીવાદન કર્યું. પીટરે એ સ્વાગતનો સ્મીત ભરેલા ચહેરે  સ્વીકાર કર્યો; અને બધાંને બેસી જવા સુચના આપી.

   હવે પીટરે બોલવાનું શરુ કર્યું. “વ્હાલા વીદ્યાર્થીઓ! તમે બધા શીક્ષણશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છો. શીક્ષણના પાયાના સીધ્ધાન્તો તેમ જ આધુનીક વીચાર ધારાઓ અને સંશોધનો તમને સમજાવવા, એ તમારા અભ્યાસનું પ્રધાન લક્ષ્ય છે. આજથી બે મહીના માટે આ બાબત તમે બધા એક અભુતપુર્વ પ્રયોગમાં સહભાગી થવાના છો. આ પ્રયોગ માટે આપણી યુનીવર્સીટીનું આમંત્રણ સ્વીકારી અમદાવાદ, ભારતથી શ્રી. કનુભાઈ જાની ખાસ પધારેલા છે. મને બહુ જ આનંદ છે કે, તમે સૌએ સ્વેચ્છાએ આ પ્રયોગમાં સ્વયંસેવક થવા તૈયારી બતાવી છે. આપણી યુનીવર્સીટી આ માટે તઁમારા સૌની ઋણી છે. હવે હું તમારી અને કનુભાઈની વચ્ચેથી રજા લઉં છું. મને આશા છે કે, આ પ્રયોગ સફળ નીવડે. હું તમને અને કનુભાઈને આ માટે યુનીવર્સીટી વતી શુભેચ્છા પાઠવું છું. “

   આટલું કહી, પીટરે ક્લાસરુમમાંથી વીદાય લીધી.

 kanubhai_jani.jpg

     હવે કનુભાઈએ પોતાનું સંભાષણ શરુ કર્યું. “ મીત્રો, મારું કામ તમને મારી માતૃભાષા ગુજરાતીનું પ્રારંભીક જ્ઞાન આપવાનું છે. મને અને ત્તમને બરાબર ખબર છે કે, આ ભાષા જાણીને તમને કશો ફાયદો થવાનો નથી. એ તમે કદી વાપરવાના નથી; સીવાય કે, તમારામાંના કોઈ ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવે. પણ મને જરુર વીશ્વાસ છે કે, ભાષા શીક્ષણનો એક બહુ જ મહત્વનો સીધ્ધાન્ત, કદી ન ભુલાય એ રીતે તમે જાણી લેશો. ભાષાશીક્ષણની તમારી ભવીષ્યની કારકીર્દી માટે આ સીધ્ધાન્ત તમને અવશ્ય કામ લાગશે, એની પણ મને શ્રધ્ધા છે. અંગ્રેજીમાં બોલાયેલું આ મારું છેલ્લું સંભાષણ છે. હવે પછી હું માત્ર ગુજરાતી ભાષા જ બોલીશ અને તમે પણ અંગ્રેજી કે બીજી કોઈ ભાષા નહીં બોલો. હું જે શબ્દ બોલું, તેનું તમે પુનરાવર્તન કરશો. આપણે દરરોજ એક કલાક માટે બે મહીના સુધી મળવાના છીએ. હું તમને ખાતરી સાથે જણાવું છું કે, એ સમય બાદ તમે સૌ વીશ્વાસ સાથે, સામાન્ય વ્યવહાર માટે જરુરી ગુજરાતી બોલતા થઈ જશો અને તમારામાંના મોટાભાગના ગુજરાતી લખાણ પણ વાંચી શકશે. કદાચ લખી પણ શકશે.  ”  

     એકત્રીસે એકત્રીસ જણ અંગ્રેજીમાં બોલાયેલ આ સંભાષણ હેરતપુર્વક સાંભળી રહ્યા.

     હવે કનુભાઈએ  પોતાના ડાબા હાથની આંગળી જમણા હાથ પર મુકી અને બોલ્યા. “ હાથ “

   એકત્રીસ જણાએ ‘હાથ’ નો પ્રતીઘોષ કર્યો. આમ જ કનુભાઈ શરીરના વીવીધ ભાગ પર આંગળી મુકતા ગયા અને તેમના ગુજરાતી નામ બોલતા ગયા.  આખી પ્રક્રીયાનું પાંચ વખત પુનરાવર્તન કરવામાં આવ્યું.

     અલબત્ત ઘણા વીદ્યાર્થીઓ આ હરકતથી કંટાળવા માંડ્યા હતા. એના પ્રતીબીંબ સ્વરુપે એક વીદ્યાર્થીનીએ બગાસું ખાધું!  કનુભાઈની ચકોર આંખોએ આ સ્વાભાવીકતા પારખી લીધી; અને તરત જ  બોલી ઉઠ્યા, “ બગાસું!” તેમણે પોતે પણ બગાસું ખાવાનો ડોળ કર્યો અને બોલ્યા, “ બગાસું.”

   આખા ક્લાસે પુનર્જીવીત થયેલા ઉત્સાહથી બગાસાં ખાવાનો આનંદ માણ્યો અને ‘ બગાસું’ શબ્દને આત્મસાત કર્યો. 

   આ શીક્ષણયાત્રા આમ જ ચાલતી રહી, એક પછી એક દીવસ બાદ, સતત અને સતત બગાસા જેવા મનોરંજનોની સાથે ! પહેલા અઠવાડીયા બાદ , રોજના વીસ –  પચીસ શબ્દોના દરે, 150 શબ્દો બધા શીખી ગયા હતા. ક્રીયાપદો, વીશેષણો વી. પણ પછી તો ઉમેરાતા ગયા અને લીપીનું જ્ઞાન પણ.

  બે મહીનાના અંતે બધા વીદ્યાર્થીઓ ગુજરાતી બોલતા થઈ ગયા હતા. અમુક તો ગુજરાતી લખી પણ શકતા હતા. કનુભાઈ જાનીએ યુનીવર્સીટીને એ સાબીત કરી આપ્યું હતું કે,

    ” કોઈ પણ ભાષા શીખવાનો સૌથી સારો અને સરળ રસ્તો છે –  એક નાનકડું બાળક પોતાની માતૃભાષા જે રીતે શીખે છે તે – બીજી કોઈ પણ ભાષાના માધ્યમ અને અંતરાય વગર. “

———————-

   આ સત્યકથા આ લેખના લેખકે શ્રી. કનુભાઈ જાની પાસેથી સ્વમુખે સાંભળેલી છે.

   એમની જીવનઝાંખી વાંચો

ગુજરાતી બચાવ ઝુંબેશ – એક સમાચાર

    ઈન્ટરનેટ ઉપર જે વ્યક્તી ગુજરાતી વાંચે છે; તેને ગુજરાતી ભાષા માટે લાગણી છે. જે લખે છે, તેને આ લાગણીના વ્યાપમાં રસ છે. આ સૌને સતત સતાવતી ચીંતા છે –

“શું ગુજરાતી ભાષા મરવા પડી છે?”

   ગુજરાતી પ્રજા સૈકાઓથી ગુજરાતની સીમાઓ ઓળંગી બહાર રહેવા ટેવાયેલી પ્રજા છે. છતાં તેણે પોતાની ગુજરાતીતા પેઢી દર પેઢી જાળવી રાખી છે. આથી કદી આવી ચીંતા પેદા થઈ ન હતી.

   પણ સતત વધતા જતા વૈશ્વીકરણની એક અસર રુપે આ ચીંતા ઉદભવી છે. વધારે અને વધારે કુટુમ્બો ગુજરાતમાંથી બહાર જવાની હીજરતમાં જોડાવા માંડ્યા છે. ગુજરાત રાજ્યે પણ વીશ્વના સમૃધ્ધ દેશોની હરોળમાં પોતાની સ્થીતી હાંસલ કરવાની દોડમાં, વીશ્વ કક્ષાના નેતાની દોરવણી હેઠળ હરણ ફાળ ભરી છે.

    આના કારણે ગુજરાતી ભાષા અંગે ઉદાસીનતા વ્યાપક થયેલી જોવા મળે છે. આ ઘર ઘરની કહાણી છે. ઓફીસે ઓફીસની કહાણી છે. આ ચીંતા દરેક ગુજરાતીના હૃદયની ચીંતા છે.

    આના શક્ય ઉકેલ શોધવા ગુજરાતના પ્રથમ કક્ષાના સાક્ષરોની સાન્નીધ્યમાં ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ ‘ યોજવામાં આવી છે.

દીવસ

14 ફેબ્રુઆરી – 2009 : શનીવાર

સમય

સવારે દસ વાગે

સ્થળ

1) ગુજરાત વીધાપીઠનો દરવાજો અને

2) ગુજરાતી સાહીત્ય પરીષદના મકાનમાં આવેલ હોલ
– અમદાવાદ 

મુખ્ય વક્તાઓ

 

શ્રી. સુરેશ દલાલ 

શ્રી. ગુણવંત શાહ

શ્રી. રઘુવીર ચૌધરી   

વીગતવાર માહીતી જાણવા આ સાથેની ફાઈલ ડાઉન લોડ કરો.

આ કાર્યક્રમને આનુષંગીક ‘ ગુજરાતી ભાષા પરીષદ’ ના મંત્રી શ્રી. કિરણ ત્રિવેદીનો સંદેશ 

————————————————————- 
વ્હાલા ગુજરાતીઓ,

  ઉપરોક્ત ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ’ના ચાર ઉદ્દેશ છે

 1. માતૃભાષામાં શીક્ષણ – વૈશ્વીકરણની આક્રમક પ્રક્રીયા અને વ્યાપારીકરણના પ્રતાપે શીક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીનું મહત્વ સતત વધતું રહ્યું છે. વીશ્વભરના શીક્ષણકારોનો એવો અભીપ્રાય રહ્યો છે કે, બાળકને શીક્ષણ તેની માતૃભાષામાં જ આપવું જોઈએ. આ શાણપણ સામાન્ય માણસના મનમાં સ્થાપીત કરવા માટે આપણે કામ કરવું જોઈશે.
 2. ભાષાનું સરલીકરણ – તાગ ન પામી શકાય તેવા વ્યાકરણ અને જોડણીના નીયમોના કારણે, ગુજરાતી ભાષાનો વપરાશ ઓછો થતો રહ્યો છે. લીપી નવા જમાનાની ટેક્નોલોજી માટે જટીલ અને બીન વ્યવહારુ બની ગયેલી છે. જોડણી અને અન્ય ભાષાકીય સુધારા અપનાવવા માટે આપણે જાગવું જરુરી બની ગયું છે. આ માટે સરકારી તંત્ર અને સક્ષમ સંસ્થાઓની સંવેદનશીલતા જગવવા અને જાહેર જનતાનો અભીપ્રાય બુલંદ બનાવવા આપણે સૌએ જાગૃત થવાની જરુર છે.
 3. ગુજરાતી સાહીત્યનો વ્યાપ – ગુજરાતની જનતામાં ગુજરાતી વાંચન માટે ખાસ રસ નથી. ગુજરાતી ભાષાના વાતચીત સીવાય ઘટતો જતા ઉપયોગના કારણે, ગુજરાતી સાહીત્ય તરફ તેમની ઉપેક્ષા વધી રહી છે. આને કારણે ગુજરાતી સંસ્કૃતી તરફ પણ અભાવ વધતો રહ્યો છે. આથી ગુજરાતી સાહીત્ય વાંચવાની ટેવ વીકસે અને વધુ સાહીત્યનું સર્જન થાય તે માટે આપણે પ્રયત્નો કરવા જરુરી છે.
 4. અંગ્રેજી માટે બીન જરુરી ઘેલછાનો ઉકેલ – વૈશ્વીક ભાષા બની ગયેલી, અને જ્ઞાન અને દુરંદેશી માટે અનીવાર્ય, અંગ્રેજી ભાષાની જરુર અને મહત્વનો આપણે અનાદર કે અવગણના ન જ કરી શકીએ. પણ વાલીઓની આ માટે વધતી જતી ઘેલછા અને શાળાઓની વેપારી મનોવૃત્તી અને સરકારની ખાનગીકરણની નીતી અને પહેલા ધોરંણથી અંગ્રેજી માધ્યમ અમલી કરવાની નીતીનો આપણે વીરોધ કરવો જરુરી છે.

આ બધા ઉમદા હેતુઓના સંવર્ધન માટે, આ ઝુંબેશને ટેકો આપવા, આ સાથે જોડેલી પુસ્તીકા વાંચવા, તેને બને તેટલા વધારે લોકોને વંચાવવા, યોજેલ રેલીમાં ભાગ લેવા અને જ્યાં શક્ય હોય ત્યાં અને તે રીતે તે અંગે આપની અભીવ્યક્તી કરવા હું આપ સૌને વીનંતી કરું છું.

–  કિરણ ત્રિવેદી
મંત્રી , ગુજરાતી ભાષા પરીષદ

સાર્થ ગુજરાતી જોડણીકોશ

     આજનો દીવસ મારે માટે એક બહુ જ યાદગાર દીવસ છે. ભાવનગરની ‘પ્રસાર’ સંસ્થા દ્વારા સીમેઈલ વાટે -જેની હું બહુ આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યો હતો તે – ‘જોડણીકોશ’ મને મળી ગયો છે. સાથે જેમને માટે મને અત્યંત આદર છે; તેવા ફાર્બસ સાહેબ અને અન્ય વીભુતીઓના જીવનની માહીતી આપતું પુસ્તક ‘ ગુજરાતના ઘડવૈયા’ પણ મને મળ્યું છે. આ માટે ‘પ્રસાર’ નો અહીં જાહેર આભાર માનું છું.

      ઉંઝા આધારીત ‘ સરળ’ જોડણી અપનાવ્યા બાદ; અને આદરણીય શ્રી. રતિલાલ ચંદરયાના અથાક પ્રયત્નો થકી, વીનામુલ્યે, નેટ ઉપર જગતભરમાં ઉપલબ્ધ બનેલા ‘ લેક્સીકોન’ શબ્દકોશ બાદ; આ ગ્રંથની મને ખાસ જરુર નથી જ. પણ ગુજરાત અને ગુજરાતી માટે ગૌરવ ધરાવતા દરેક ખમતીધર ગુજરાતીના ઘરમાં આ ગ્રંથ એક ધર્મપુસ્તકની જેમ હોવો જોઈએ એમ હું માનું છું.

      મારા સદ્ ગત પીતાશ્રીએ તેમની ટાંચી આવક અને પાંચ પાંચ સંતાનો ઉછેરવાનો બોજો હોવા છતાં, અમારા ઘરમાં ‘ખીસ્સાકોશ’ વસાવ્યો હતો. તેમના કરતાં ઘણી બહોળી આવક ધરાવતો હોવા છતાં, અને અઠ્ઠાવન વરસ સુધીની જીંદગી અમદાવાદમાં વીતાવી હોવા છતાં; આ ગ્રંથ ઘરમાં વસાવવાની બાબતમાં હું ઉદાસ રહ્યો છું ; તેનું મને દુખ થાય છે. પણ એ અક્ષમ્ય ભુલ આજે નીવારાઈ છે.

       એ ભુતકાળ યાદ કરતાં એક હળવી યાદ પણ તાજી થઈ આવી છે. ‘ખીસ્સાકોશ’ તો ખીસ્સાકાતરુઓ માટે જ હોય (!) તેવી ન જાણે કેમ, પણ ખોટી છાપ મારા કીશોરમાનસમાં પડેલી હતી. આથી તેનો ઉપયોગ મેં કદી કર્યો નથી. ખોટું શું કામ બોલું? એ અવસ્થામાં કીશોરવર્ગમાં એકમેકને બહુ રસપુર્વક શીખવાડાતા અપશબ્દો તેમાં શોધવા જરુર પ્રયત્ન કર્યા હતા! અને તે ન મળતાં નીરાશા પણ થઈ હતી ! કદાચ આથી જ તેનો ઉપયોગ ટાળ્યો હશે?!

       આજે પહેલો જ દીવસ છે; અને તેની અનેક પ્રસ્તાવનાઓ વી. ઘણા બધા લેખ વાંચવાના બાકી છે. પણ પ્રારંભીક નજરે ઉડીને આંખે વળગે તેવી થોડીક વાતો અહીં રજુ કરવાનો લોભ જતો કરી શકતો નથી.

 • 1929 માં પહેલી આવ્રુત્તી માત્ર 500 પ્રત સાથે પ્રગટ થઈ હતી. એ કાળમાં વીદ્યા અને શીક્ષણનો અલ્પ પ્રસાર અને ટાંચી વસ્તી જોતાં આ કદાચ સમજી શકાય. પણ ગાંધીજીની ચકોર નજરમાં આ બાબત ચઢેલી હતી, એ તેમની પ્રસ્તાવનાના  ઉપરછલ્લા વાંચન પરથી માલુમ થયું.
 • પહેલા પાને જ ગાંધીજીનું વાક્ય ‘ હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર નથી.’ ઉડીને આંખે વળગે છે. આની સામે 80 વરસ બાદ પણ સુશીક્ષીત વ્યક્તીઓ દ્વારા થતી જોડણીની ભુલો જોઈ પારાવાર દુખ થાય છે. કાબેલ પ્રુફરીડરો વીના કેટલાં પુસ્તકો સાચી જોડણીમાં પ્રકાશીત થાય; તે છાપાંઓની જાહેરખબરો, સરકારી પરીપત્રો અને બ્લોગ પરનાં શીક્ષીત લોકોનાં લખાણોના વાંચન પરથી તરત દેખાઈ આવે છે.
 • સાથે એટલું જરુર ઉમેરીશ કે એ સત્યના પુજારી અને સમર્થ સુધારકે કદી સુધારાઓનો વગર વીચાર્યે વીરોધ કર્યો ન હતો. એમણે કહેલું બીજું વાક્ય પણ આ સાથે યાદ આવી ગયું કે – ” હું મારા મનના ઘરની બધી બારીઓને ખુલ્લી રાખીશ જેથી બધી બાજુના વીચારો તેમાં મુક્ત રીતે પ્રવેશી શકે.
 • ત્યાર બાદ લગભગ 80 વરસ વીત્યાં છતાં બધી આવ્રુત્તીઓ અને પુનર્મુદ્રણને ગણતાં પણ, આ કોશની કુલ 54,100 નકલો જ છાપવામાં આવી છે. અત્યારે તે લગભગ અપ્રાપ્ય છે. વીશ્વભરમાં ગુજરાતીઓની છ કરોડ જેટલી હાલની વસ્તી નજરમાં રાખીએ તો આ સંખ્યા હાસ્યાસ્પદ છે. આની સામે ભાગ્યેજ કોઈ એવું શીક્ષીત ગુજરાતી કુટુમ્બ હશે, કે જેમાં અંગ્રેજી શબ્દકોશ નહીં હોય. કેટલાં ઘરોમાં ગુજરાતી શબ્દકોશ હશે? મારા ઘરમાં તો નહોતો જ. માત્ર એક ટકા સમ્રુધ્ધ અને શીક્ષીત ગુજરાતીઓ જ તે વસાવે, અને ઘર દીઠ પાંચ જણની વસ્તી ગણીએ તો પણ 1,20,000 પ્રતો ખપવી જોઈએ. દરેક પુસ્તકાલય, શાળા અને કોલેજમાં તો આની ઓછામાં ઓછી પાંચ પ્રત હોવી જોઈએ. આની સામે 80 વરસમાં 54,000 નો આંક જાણી મસ્તક શરમથી ઝુકી જાય છે. આ માટે મારી અંગત બેજવાબદારી અને ભાશાની ઘોર અવજ્ઞા કર્યાની જાહેર કબુલાત પણ કરું છું. એક પ્રજા તરીકે આપણે જેમાં વીચારીએ છીએ; જેમાં આપણે સ્વપ્નો જોઈએ છીએ;  તે ભાશા માટે આપણને કેટલો આદર છે : તે દર્શાવવા આ એક જ ઉદાહરણ પુરતું છે.
 • પુરતી માંગના અભાવે 2006 ના છેલ્લા પુનર્મુદ્રણમાં તેની માત્ર 3,000 નકલો જ છાપવામાં આવી હતી. એકવીસમી સદીમાં આ આંકડો એક ‘મહાજાતી ગુજરાતી’ ને ગૌરવ અપાવે તેવો તો નથી જ. આનું પણ પુનર્મુદ્રણ થાય તો ઠીક!  
 • સાધન-સમ્પન્ન ગુજરાતીઓ અને એનારાઈઓ સુખ સગવડ અને મોજશોખ માટે જે રકમ ખર્ચે છે; તેની સરખામણીમાં તેની અત્યારની કીમ્મત માત્ર 250/- રુ.  હોવા છતાં, આ ગ્રથની માંગ લગભગ નહીંવત્ છે. આની સામે અંગ્રેજી શબ્દકોશ ગુજરાતમાં ઠેર ઠેર વેચાતો આપણે જોઈ શકીએ છીએ. આજની તારીખમાં એક સામાન્ય વ્યક્તી આ રકમની કીમ્મતના,  પગમાં પહેરવાના, જોડા  ખરીદતી હશે!
 • પાંચમી આવ્રુત્તી છેક 1967 માં પ્રગટ થઈ હતી. ત્યાર બાદ અનેક નીર્ણયો છતાં, નાણાં અને પુરતા પ્રયત્નોના અભાવે નવી આવ્રુત્તી પ્રસીધ્ધ કરાઈ નથી.
 • 2006 માં માત્ર 74 પાનાંની પુરવણી અલગ વીભાગમાં કરવામાં આવી છે. તેમાં ઘણા અંગ્રેજી શબ્દો સમાવવામાં આવ્યા છે. અંગ્રેજીનો વ્યાપ અને લોકપ્રીયતા જોતાં આ પ્રયત્ન સ્તુત્ય છે. પણ જ્ઞાન, વીજ્ઞાન અને શીક્ષણના વ્યાપને નજરમાં રાખતાં આ 74 પાનાં પુરતાં નથી જ. ઘણા સંશોધન અને સતત પ્રયત્નો આ માટે આવશ્યક છે.
 • આ પુરવણી મુળ કોશની અંદર જ સમાવી લેવાની બહુ આસાન તકલીફ પણ લેવામાં આવી નથી; જે અક્ષમ્ય છે. જો  કોઈ શબ્દ શોધવો હોય તો બે જગ્યાએ શોધવું પડે તેમ છે. જગતની કોઈ ડીક્શનેરીમાં આમ હશે ખરું?

સુજ્ઞેશુ કીમ્ બહુના?

એક બીજો પ્રયોગ !

પ્રીય ભાઇ શ્રી. કાર્તીક મીસ્ત્રીના બ્લોગ ‘મારા વીચારો, મારી ભાષામાં’ પરની એક ટપાલ વાંચીને આ ડોહાને શુર ચડ્યું કે ,ગુજરાતી કક્કો આખો આવી જાય તેવું વાક્ય લખું તો જ ભડનો દીકરો ખરો !!

અને બાપુ ! આંય કણે આ ડોહો મચી પડ્યો…..  જુઓ આ ગઇકાલ રાતનું સર્જન  –

ઇ.સ. 1978 ની 25 તારીખે, 06-34 વાગે, ઐશ્વર્યવાન, વફાદાર , અંગ્રેજ ઘરધણીના આ ઝાડ પાસે ઉભેલા બાદશાહ; અને ઓસરીમાંના ઠળીયા તથા છાણાના ઢગલા દુર કરીને, ઔપચારીકતાથી ઉભેલા ઋષી સમાન પ્રજ્ઞાચક્ષુ ખાલસાજી ભટ મળ્યા હતા.

આમાં ‘અ’ ની બારાખડી ; ‘ક’ થી ‘જ્ઞ’ વ્યંજનો અને 0 થી 9 ના આંકડા આવી જાય છે !!!

હવે ટેસ્ટીંગ વાળા ભાયું ને બેન્યું , આ અંગ્રેજ ઘરધણી, બાદશાહ અને ભટજીની વાત દીલ દઇને વાપરો…

ગુજરાતી લીપીમાં ધ્વની અભ્યાસ

મેળાની વેળા જે જે જીતી હતી તે તે મેહુના માં વીચારો કમના પા હેલાં બીંદુની જે ચમતા તા. ‘શું શોના  દોડીને તેનેકાશે કે, મોંઢું ઢાવીને ચાતી પકશે?’

————————————————–

       ઉપરના એક સાવ નાના વાક્યનો આપણે અભ્યાસ કરીએ. આ અભ્યાસમાં માત્ર  ‘અ’,  ‘એ’ અને ‘ઓ’ ની બારાખડી ઉપર ધ્યાન કેન્દ્રીત કરેલું છે. જે જે અક્ષરો થોડી મોટી માત્રામાં બોલાય છે તેમને અહીં લાલ દર્શાવ્યા છે. જે જે અક્ષરો થોડી નાની માત્રામાં બોલાય છે તે વાદળી અક્ષરે દર્શાવ્યા છે.

          બહુ જ સરળતાથી આપણે અહીં જોઇ શકીએ છીએ કે, જેમ બોલીએ છીએ તેમ આપણે લખતા હોતા નથી.  અને આ બધાને ચુસ્તીથી જુદા તારવવા લીપી સર્જીએ તો તે કેટલી ક્લીશ્ટ થઇ જાય. આપણને આમ જ વાંચવા ટેવ પડેલી છે, માટે આપણને તે સહેજ પણ કઠતું નથી. હવે આ જ વાક્ય સામાન્ય રીતે લખેલું વાંચો –

—————————————————–

        મેળાપની વેળા જેમ જેમ નજીક આવતી હતી તેમ તેમ મેહુલના મનમાં વીચારો કમળના પાન પર રહેલાં જળબીંદુઓની જેમ ચમકતા હતા. ‘શું શોભના  દોડીને તેને આવકારશે કે, મોંઢું ચઢાવીને ચાલતી પકડશે?’