સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: મિત્રાનુભવ

બહુમાળી મકાનમાં….

 (  એક મીત્રના અનુભવ ઉપર આધારીત)

       તમે નવાસવા જ હજુ અમેરીકા આવ્યા છો. તમારા અંગત સગાને ઘેર, શીકાગોના એક પરામાં તમારો નીવાસ છે. તમારા આગમનને માત્ર બે એક મહીના જ થયા છે. આટલા મોટા શહેરની ઝળાંહળાં અને ચહલપહલથી તમે અંજાયેલા છો. તમારા સદભાગ્યે તમારા સગાના એક મીત્ર જ્યાં કામ કરે છે; તે કાનુની પેઢીમાં તમને કામચલાઉ નોકરી પણ મળી ગઈ છે. તમે કામથી અને શહેરથી થોડા થોડા માહીતગાર પણ થવા માંડ્યા છો. પણ આ અવનવા દેશની અજાણી હરકતો તમને અવારનવાર પજવ્યા કરે છે.

      એક સલોણી સવારે તમને સોંપાયેલા એક કામ માટે તમે નીકળી પડો છો.  પેઢીના એક ઘરાકને તમારે શીકાગો ડાઉનટાઉનમાં આવેલી કોર્ટમાં લઈ જવાના છે, અને વકીલ પાસે પહોંચાડી દેવાના છે. ઘરાક પણ આવડા મોટા શહેર માટે તમારી જેમ બીન અનુભવી છે. તમે સીંદબાદની પહેલી સફરની જેમ આ મહાન કાર્ય પાર પાડવા કૃતનીશ્ચય છો. ઘરાકની સાથે તમારી જાણીતી લોકલ ટ્રેનમાં ચડો છો. મુંબાઈની ટ્રેનની સાથે તમારા મનમાં આની સરખામણી થતી રહે છે. ક્યાં તે હૈયા સાથે હૈયું ભીંસાય તેવી હકડેઠઠ ભીડ, અને ક્યાં આ રાજરાણી? તમને વતનની એ ક્ષણોની યાદ તાજી થઈ આવે છે. મુંબાઈની એ મુશ્કેલીનો અભાવ (!) તમને સાલે છે પણ ખરો. અહીં બધું વ્યવસ્થીત છે; અને છતાંય કાંઈક ખુટે છે. એ ખુટતું શું છે, તેનો ઉકેલ હજી તમને મળ્યો નથી.

        ગાડી પુરપાટ ડાઉનટાઉન તરફ ધસી રહી છે; તમારા વીચારોના ટોળાંની જેમ. છેવટે તમારે ઉતરવાનું સ્ટેશન આવી ગયું. તમે બન્ને ઉતરીને સ્ટેશનની બહાર આવો છો. તોતીંગ ઈમારતોનો સમુહ તમને ઘેરી વળે છે. ‘ વીન્ડી સીટી ‘ તરીકે કુખ્યાત શીકાગોની એ કડકડતી ઠંડી હજુ તમારા કોઠાને સદી નથી. તમારું એકમાત્ર લક્ષ્ય છે – તમારે જે મકાનમાં પહોંચવાનું છે તેની અંદરની ઉશ્મા! તમે બન્ને મુંગા મુંગા એ દીશા તરફ લગભગ દોડો છો. ઓવરકોટ અને બુટમોજાંના ઠઠારા તમને બહુ આકરા લાગે છે.

         છેવટે તમે એ મકાનમાં પહોંચી જાઓ છો. તમારે બેંતાળીસમા માળે પહોંચવાનું છે. આઠ દસ લીફ્ટમાંની કઈ લીફ્ટ તમને ત્યાં પુગાડશે , તે અસમંજસમાં તમે પહેલી જે લીફ્ટ આવે છે; તેમાં ચડી બેસો છો. અંદર ગયા પછી તમને ખબર પડે છે કે, આ તો એકી નમ્બરના માળોએ પહોંચાડતી લીફ્ટ છે. તમે તો દેશી બુદ્ધી વાપરી એકતાળીસમા માળે ઉતરી જાઓ છો. એક જ માળ ચઢવાનું છે ને? તમે દાદર તરફ જવાનો રસ્તો વીજેતાની મુદ્રાથી શોધી કાઢો છો. પેલા ઘરાક તો તમારા જેટલા પણ જાણીતા નથી. તમે બન્ને એક દાદરો ચઢી કોર્ટવાળા માળના બારણાને હડ્સેલો છો.

       અને જો થઈ છે … એ બારણું ખુલતું નથી.

        તમે અસમંજસમાં પડી જાઓ છો. તમારા બે સીવાય ત્યાં કોઈ જ નથી. તમે બારણું ધમધમાવો છો. પણ  બારણાની બીજી તરફ કદાચ કોઈ જ નથી. હવે તમારા હોશકોશ ઉડી જાય છે. માત્ર પંદર જ મીનીટ બાકી છે. તમે બીજો એક દાદર ચઢી જાઓ છો. પણ ત્યાં ય મુઈ આ જ સીસ્ટમ છે. હવે આ કડકડતા શીયાળામાં તમને પસીનો છુટી જાય છે. તમે પાછા દાદરા ઉતરીને ફરી બેંતાળીસમા માળે આવી જાઓ છો. કદાચ તમારા સદનસીબે બારણાને સદબુદ્ધી આવી હોય અને તે ખુલી જાય. પણ પરીસ્થીતીમાં કશો ફરક પડ્યો નથી.

         તમે હવે હાંફળા ફાંફળા બની જાઓ છો. એક મહાન નીર્ણય તમારા ચીત્તપ્રદેશમાં જન્મ લઈ ચુક્યો છે.  છેક નીચે પહોંચી જવાનો. માળની ગણતરી ન ભુલાય તેટલી જ માત્ર શુધબુધ રાખી, મુઠીઓ વાળીને તમે બન્ને સડસડાટ નીચે ઉતરવા માંડો છો. પતનમાં પણ આટલો પ્રયત્ન કરવો પડે; તેની સામે તમારા મનમાં આક્રોશ આકાર લેવા માંડે છે. આખી સીસ્ટમ અને આજના તમારા મુકદ્દર સામે તમારો ગુસ્સો ઠલવાતો જાય છે. ઉતરવાનો પ્રયત્ન, સમયસર નહીં પહોંચવાનો ડર અને આ નવો જન્મેલો ક્રોધ તમારા પસીનાની માત્રાને ઓર વધારી મુકે છે. અને તમે તો ખમીસ, લાંબી બાંયનું  સ્વેટર તેમજ મફલરની ઉપર ચઢાવેલો ઓવરકોટ કાઢવાનું પણ ભુલી ગયા છો!

         રસ્તામાં કદાચ તમારું નસીબ જોર કરી જાય તેમ, તમે બેચાર બારણાં ખોલવા નીશ્ફળ પ્રયત્ન પણ કરી જુઓ છો. અડધે રસ્તે માંડ પહોંચો છો અને પગના ગોટલા ચઢવા માંડે છે. ઉતરવાનો થાક પણ જીરવવો કઠણ થતો જાય છે. પણ ઈશ્વરકૃપાએ, બેળે બેળે તમે પતનના અંતીમ ચરણરુપ, પહેલે માળે આવી પહોંચો છો. મનમાં ડર તો છે જ કે, જો એ બારણું બંધ મળ્યું તો મરાણા!

       પણ તમારું રીસાયેલું નસીબ આખરે યારી આપે છે. એ સ્વર્ગનું દ્વાર ખુલી જાય છે, તમારા બન્નેના દીલમાં ‘હાશ! છુટ્યા.” નો મીઠ્ઠો મધ જેવો શબ્દ સરી પડે છે. હવે તમે બહુ ચોકસાઈ પુર્વક લીફ્ટ કયા માળે જવાની છે,  તેની ચકાસણી કર્યા વીના લીફ્ટમાં ચઢવું નથી; તેવો શુભસંકલ્પ કરી લો છો. તમારી દેશી અંગ્રેજીમાં તમે ત્રણ ચાર સહપ્રવાસીઓને પુછી પણ લો છો. માંડ માંડ એ ગોટપીટમાંથી તમને સધીયારો અને માર્ગદર્શન મળે છે કે, કઈ લીફ્ટ તમારા લક્ષ્ય સ્થાને તમને પહોંચાડવા સક્ષમ છે. હવે તમને લીફ્ટની અંદર લખાઈને આવતી સુચનાઓ પણ ધીમે ધીમે સમજાવા માંડે છે.

       અને છેવટે તમે એ બેતાળીસમા માળે આવી પુગો છો. તમે પાંચ મીનીટ મોડા પડ્યા છો; તેનો અત્યંત રંજ અને ગુનાની લાગણીથી તમે ઘેરાયેલા છો. લોબીમાં તમારા વકીલની શોધ તમે આદરો છો.  સદભાગ્યે તે મહાશય હજુ આવ્યા લાગતા નથી.

       અરે બાપલા! કાગડા બધે કાળા જ હોય છે. અને કાળા ડગલા પહેરેલા વકીલો તો કાગડાથી પણ ચઢીયાતા હોય છે. તમને એક દુશ્ટ વીચાર પણ આવી જાય છે કે, જજ અને વકીલ બન્નેને ‘ અમ વીતી તુજ વીતશે… “ વાળી થાય તો કેવી મજા પડી જાય ?!

        આમ તમારું મહાભીનીશ્ક્રમણ પાર પડે છે.

      બપોરે પાછા ઓફીસ પહોંચો છો; ત્યારે તમારા સહકાર્યકરો સહાનુભુતીથી તમારી કરમ કઠણાઈ સાંભળે છે. પછી તમને જ્ઞાન આપવામાં આવે છે કે, દરેક માળ પર ગોખલા જેવા કબાટમાં એક સ્વીચ આપેલી હોય છે; જેનાથી તમે માળની લોબીમાં ઉઘડતું બારણું સહેલાઈથી ખોલી શકો છો. તમને પણ આવા બેંતાળીસ ગોખલા જોયાનું હવે તરત યાદ આવી જાય છે !

       જીવનમાં આવતી મુશ્કેલીઓની ચાવીઓ ધરાવતા આવા ગોખલા શોધી કાઢવાની પ્રવીણતા પ્રાપ્ત કરવા તમે હવે કૃતનીશ્ચય બનો છો. આ વીચીત્ર દેશની અનેક વીચીત્રતાઓમાં તમારો આ નવો અનુભવ, આ નવી હરકત, એક ઓર વધારો છે.

        તમારા ઘડતરની એક ઓર પાયાની ઈંટ તમને આજે પ્રાપ્ત થઈ છે.

ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ – હરનિશ જાની

          ત્રીસ વરસ પહેલાં જ્યારે સેવન – ફોર્ટી- સેવન જમ્બો પ્લેઈન નહોતાં ત્યારે, એર ફ્રાન્સના સેવન-ઓ-સેવન જેટમાં ભારત છોડ્યું. અમેરીકા આવતા હજારો ઈમીગ્રન્ટ્સને પોતાનો પહેલો દીવસ જીવનભર યાદ રહે છે. નવો પ્રકાશ, નવી હવા, અને એ હવાની જુદી જ ગંધ, ઘોંઘાટનો અભાવ – આ બધું કેનેડી એરપોર્ટ પર ઉતરનારા અનુભવે છે.

          બે સ્વેટર, એક જાડો ગરમ સુટ, કાનટોપી અને સુખડના દસ હારથી દબયેલો હું પ્લેનમાં પેઠો. જોયું તો મારી બાજુની સીટમાં એક ભાઈ મારા કરતાં વહેલા આવી બેઠા હતા. પ્લેઈન ક્યાંકથી આવ્યું હતું. મુંબઈથી અમે પંદર જણ ચઢ્યા હતા. પેલા ભાઈનાં બાએ માથું હોળ્યું હોય તેવા પાંથી પાડેલ, તેલ નાંખેલ વાળ અને કાળી, જાડી ફ્રેઈમનાં ચશ્માં પર મારી નજર પહેલાં ગઈ. તેમની સાથે બોલ્યા ચાલ્યા સીવાય હું બેસી ગયો.

           હૃદય ખુબ ભારે હતું. આખા દીવસની મુંબઈની દોડાદોડીને લીધે શારીરીક રીતે પણ થાકી ગયો હતો અને મા, ભાઈઓ, બહેનો, સગાંસંબંધીઓને છોડવાનું દુખ હતું. પ્લેઈને જેવો ટેકઓફ લીધો કે એકદમ રડી પડાયું. એટલી હદે કે, ધ્રુસકા સાથે રડ્યો. હાથરુમાલમાં મોં નાખીને, ઘુંટણ પર કોણી ટેકવીને હું રડતો હતો. ત્યાં કોઈકે મારા ખભે હાથ મુક્યો. મેં જોયું તો મારી બાજુવાળા ભાઈ હતા.

          તે બોલ્યા ,” રડવું આવે છે ને! આ બીજું નથી. જે આપણે જાણતા નથી તેનો ડર છે. બધાંને છોડવાના દુખ કરતાં તો સામે કાંઠે આપણને કોઈ આવકારવા ઉભું નથી તેનો ડર છે. આપણને ડર છે, આપણા અજ્ઞાત ભવીશ્યનો.” આંખો લુછીને મેં તેની સામે જોયું. કાર્ટુન જેવી દેખાતી આ વ્યક્તીની આંખોમાં મેં દ્રઢતા અને આત્મવીશ્વાસ જોયાં. તેણે મારા ઉપર ઉંડી છાપ પાડી. માણસ વ્યવહારુ લાગ્યો.

          એકમેક સાથે વાતો કરતાં ખબર પડી કે, તે પણ ‘વીલીયમ એન્ડ મેરી કોલેજ’ માટે વર્જીનીયા જવાનો છે. આખી કોલેજમાં બે જ દેશી હતા. અને બન્ને મુંબઈથી એક જ ફ્લાઈટમાં જઈ રહ્યા હતા. જો અમે પહેલેથી સાથે જવાનો પ્લાન કર્યો હોત તો પણ આમ સાથે જવાનું શક્ય ન બન્યું હોત. પ્લેઈનની મુસાફરીએ અમને બન્નેને મીત્રો બનાવી દીધા. તેનું નામ હતું સુરેશ ગાંધી.

           પ્લેઈનની મુસાફરી અમારા માટે નવી હતી. સીટ પરનો સેઈફ્ટી બેલ્ટ કેવી રીતે બાંધવો- પ્લાસ્ટીકના પેકમાં આવતું દુધ – ઓરેન્જ જ્યુસ અને ખાવાનું કેવી રીતે ખાવું, પીવું, શેમાં મીટ-માંસ નથી, બાથરુમનો ઉપયોગ કેવી રીતે કરવો- ટેન્શન, ટેન્શન, ટેન્શન. આ અગાઉ અમારા બન્નેમાંથી કોઈ કદી એકે સ્ટારવાળી હોટલમાં ગયા નહોતા. સુરેશ પાસે ‘અમેરીકામાં ભારતીય વીદ્યાર્થી’ માટેની ગાઈડ કોઈક આફ્રીકાવાળાએ બહાર પાડી હતી, તે હતી. તે તેમાંથી વાંચી વાંચીને સાંત્વન મેળવતો હતો.

            સવારે છ વાગ્યે પેરીસ આવ્યું. સુરેશે કાંડા ઘડીયાળમાં જોયું. તે બોલ્યો ,” આપણે શુક્રવારે અડધી રાતે બેઠા અને યુરોપમાં શનીવારની સવાર થઈ. આપણે ત્યાં અત્યારે સવારના સાડા અગીયાર થયા હશે. અમે લોકો મારા કાકાના દીકરા કીશોરભાઈને ત્યાં ઉતર્યા હતા. બપોરે કીશોરભાઈ અને ભાભી મારી બાને સાડી અપાવવા ફોર્ટમાં લઈ જવાના છે. સાથે મારો નાનો ભાઈ પણ જશે…..” મને તેની વાતમાં રસ નહોતો. થાક અને ભુખ વગેરેથી માથું ભારે હતું. દેશ છોડ્યે બાર કલાક થયા હતા, તોયે ટાઈની ગાંઠ પણ ઢીલી કરી ન હતી!

             અમે પેરીસના એરપોર્ટ ઉપરથી એફીલ ટાવર જોવાનો પ્રયત્ન કર્યો. જીવનમાં પહેલી જ વાર એસ્કેલેટર જોયું હતું. તેના પર દસ – પંદર વાર રાઈડ લીધી. એર ફ્રાન્સની કુપન વાપરીને કાફેટેરીયામાં ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી. કોકાકોલા પીધી. ગજવામાં આઠ ડોલરનું એક્સચેન્જ પકડી રાખ્યું હતું.

              શનીવારના સવારના સાડા દસ વાગ્યે ન્યુયોર્ક જતા પ્લેઈનમાં બેઠા. સુરેશે કાંડા- ઘડીયાળ જોઈ અને બોલ્યો, “ સાડી ખરીદીને એ લોકો જલદીથી આવી જાય તો સારું. બોમ્બે સેન્ટ્રલ પહોંચતાં તેમને કલાક લાગશે. નવ વીસની લોકલ પકડવા આઠ વાગ્યે તો પહોંચવું જોઈએને! મારા બાપુની ખોટ સાલે છે. જો એ જીવતા હોત તો તો વાત જુદી હોત. “

              અમારું પ્લેઈન એટલાન્ટીક ઉપર ઉડતું હતું. ખાવાનું ખાઈને ઉંઘ આવતી, અને આંખ ખોલતાં ખાવાનું આવતું. એટલી વારમાં કેપ્ટને એનાઉન્સ કર્યું કે, અડધા કલાકમાં ન્યુયોર્ક આવશે. ન્યુયોર્કમાં સાંજના પાંચ થયા છે. મેં મારું ઘડીયાળ મેળવી લીધું. દેશ છોડવાનું મારું દુખ ભુલાઈ ગયું, અને ન્યુયોર્કથી વર્જીનીયા કેવી રીતે જવું તેની ચીંતામાં પડ્યો. ત્યાં સુરેશ બોલ્યો,” એ લોકો અત્યારે ટ્રેઈનમાં ઉંઘી જાય તો સારું. રાજકોટ પહોંચતાં હજુ પાંચ – છ કલાક થશે. મારો નાનો ભાઈ આમ તો હોંશીયાર છે. મારી બાની સંભાળ જરુર રાખશે.”

             ન્યુયોર્ક ઉતરીને અમે ન્યુપોર્ટ ન્યુઝ – વર્જીનીયાનું પ્લેઈન પકડ્યું. રાતે દસ વાગે ઉતર્યા. અમને લેવા લોક્લ ચર્ચના મી. વીલીયમ્સ આવ્યા હતા. અને તે અમને ‘વાય.એમ.સી.એ.’ માં લઈ જવાના હતા. જેવા સ્ટેશન વેગનમાં બેઠા કે સુરેશે ઘડીયાળ જોયું. “અત્યારે રાજકોટમાં સવાર પડી. આજે બાનું મેડીકલ ચેક-અપ કરાવવાનું છે. મારા નાના ભાઈને યાદ રહ્યું હોય તો સારું.” મને હવે તેની વાતોથી કંટાળો આવતો હતો.

             બીજે દીવસે રવીવારે અમને એક બે રહેવાની જગ્યાઓ મી. વીલીયમ્સે બતાવી. અમે એક છુટું ઘર પસંદ કર્યું. તેમાં બધુ જ ફર્નીચર હતું. સુરેશ સાથે મેં વાતો કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે કશું બોલતો ન હતો.

              રાતે અમે સાથે બેઠા હતા. અમેરીકા આવ્યાને લગભગ ચોવીસ કલાક થઈ ગયા હતા. આવતી કાલથી કોલેજ ચાલુ થશે. મેં જોયું કે, સુરેશ તેની કાંડા ઘડીયાળ પકડીને ડાયલ જોયા કરતો હતો. મેં તેને કહ્યું કે,” કેમ, તું અમેરીકાનો સમય ગોઠવવાનો કે નહીં? કોલેજ અમેરીકાના ટાઈમ પ્રમાણે ખુલશે- ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે નહીં.”

            સુરેશે કાંડા ઘડીયાળ બે હાથમાં નાજુક કબુતર પકડ્યું હોય તેમ પકડ્યું હતું. તે મારા તરફ જોઈને બોલ્યો ,” તારા ઘડીયાળમાં કેટલા વાગ્યા છે? “ મેં કહ્યું,” બરોબર રાતના દસ.”

            સુરેશે તેના ઘડીયાળના કાંટા ફેરવવા માંડ્યા – ખુબ જ ધીમેથી. સમય મેળવીને તે ડાયલને એકીટશે જોર્ર રહ્યો, એણે ચશ્માં કાઢી નાખ્યાં. ટેબલ પર બે હાથ વચ્ચે માથું મુકી દીધું. ડુસકાંનો અવાજ સંભળાયો. બા, ભાઈ સાથે બંધાયેલો દોર તુટી ગયો. નવા જગતમાં તેની દુનીયા લુંટાઈ ગઈ. સમય બદલાતાં જ દુનીયા બદલાઈ ગઈ, જીવન બદલાઈ ગયું. મજબુત હૃદયનો વ્યવહારુ માણસ ક્યાંય ગાયબ થઈ ગયો.

            હવે એના ખભે હાથ મુકી સાંત્વન આપવાનો વારો મારો હતો.

હરનિશ જાની

     હરનિશભાઈ આમ તો હાસ્યલેખક છે, પણ આ સત્યકથામાં જીવનની સંવેદના ધરબાઈને પડેલી છે.  અહીં હરનિશભાઈએ તેમની આગવી શૈલીમાં ધીરે ધીરે, હળુ હળુ, વાતની જમાવટ કરીને વતન ઝુરાપાની લાગણીને અંતમાં કેવી સરસ રીતે ઉજાગર કરી છે?

કરુણા – જિગીષ પરીખ.

        મારું હાલનું નીવાસસ્થાન  ટેક્સાસ રાજ્યની રાજ્ધાની ઓસ્ટીન છે. અને તે “હીલ કન્ટ્રી ઓફ ટેક્સાસ”  તરીકે નામે પ્રખ્યાત છે. આમ તો અમેરીકામાં ચોક્ખાઈ આંખે ઉડીને વળગે એવી હોય છે; પણ રાજ્ધાની હોવાના કારણે ઓસ્ટીનની રોનક કંઈ ઓર જ છે. આ ઓસ્ટીનમાં ઠેક-ઠેકાણે ‘ રનીંગ ટ્રેઈલ ‘ , એટલે કે દોડવા માટેના ખાસ નાના રસ્તા છે. શાંત અને રમણીય કોલોરાડો નદીના કીનારે બન્ને બાજુએ, શહેરના એક છેડેથી બીજા છેડે સુધી, દોડવાના આવા રસ્તા હોય છે; અને ઘણી જગાએ સરસ મજાના, ગીચ ઝાડોની વચ્ચેથી પસાર થતા હોય છે. પાછાં વચ્ચે વચ્ચે પીવાના પાણીના ‘ફાઉન્ટન ‘ અને નહાવાના ‘ ઓપન શાવર’  પણ હોય.  દોડ્યા પછી પહેરેલ કપડે જ પાણીની ચકલી ચાલુ કરીને, નીચે ઉભા રહીએ, એટલે ઠંડક લાગે અને થાક ઉતરી જાય.

       મજાની વાત એ કે, દોડવું હોય ભલેને ૨ માઈલ; પણ એના માટે થઈને ૨૦ માઈલ દુરથી ગાડી ચલાવીને, ગેસ ( પેટ્રોલ!) બાળીને લોકો આવે. આટલી બધી સ્વાસ્થ્ય અંગે સભાનતા. અને પાછું બીજું એ કે, અહીં તમે ગમે તે રસ્તાની બાજુમાં દોડી ન શકો. અમુક રસ્તાઓ પર તો સ્પશ્ટ લખેલું હોય કે ‘ વોકીંગ, રનીંગ કે સ્કેટીંગ કરવા મંજુરી નથી. ભંગ કરનારની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. ‘ એટલું જ નહીં, પોલીસ તમને એ રસ્તા પર ચાલવા બદલ ટીકીટ ( કોર્ટમાં જવાની કંકોતરી! ) આપી શકે . અને હા, બધાય માળા દોડવા માટેના ખાસ ફીટમ્-ફીટ કપડાં પહેરીને જ આવે.

       આ મારા બેટા ધોળીયાઓ દોડે બહુ હોં !  મારી એક અમેરીકન મીત્ર ‘શાના’ એ મને આ દોડવાના ‘ ટ્રેઈલ ‘  બતાવ્યા. એ તો મારી બેટી, સતત ૧૦-૧૦ માઈલ દોડે. અંદાજે ૧૬  કીલોમીટર!  મને થાય કે, ‘ધન્ય છે આ દેશને, જ્યાંની સ્ત્રીઓ પણ આટલી મજબુત છે!’  આપણાં દેશમાં કદાચ છોકરાઓ પણ આટલું ના દોડે. વાંક એમનો નથી.  વાંક ઉછેરમાં રમત-ગમતને પુરતું પ્રાધાન્ય ન આપવાનો છે. મને યાદ છે – મારી મમ્મીએ મને ઘણી વાર ‘ હોમવકૅ બહુ છે; પતશે નહીં’  એમ કરીને સાંજે રમવા જવાની ના પાડી જ હોય. શીક્ષકો એક રમત રમીને ‘ સ્કોર કાર્ડ ‘ લાવવાનું  હોમવકૅ આપે તો કેવું ?! 

          હશે, એ વાત જવા દો.

          આ અમેરીકન ચીઝ મારા શરીરને બરાબર માફક આવી ગઈ છે. સાચું કહો તો, કોને માફક નથી આવતી ? ઈન્ડીયામાં ભરપેટ, અને વજનની ચીંતા કર્યા વગર, બીન્ધાસ્તપણે દેશી ઘી ખાનારા કંઈ એમને એમ અહીં આવીને કેલરી-કોન્શીયશ નથી થઈ જતા !એક’દી આ વણનોતર્યા મહેમાન એવા, ચરબીના થરને દુર કરવા, મેં નીયમીત રીતે દોડવા જવાનું નક્કી કર્યું.  શાનાએ મને સાથ આપ્યો. હું કે શાના દોડવામાં એક્લા નહોતા. બીજા સેંકડો લોકો પણ આ  ટ્રેઈલ પર દોડવા આવેલા હતા. 

         હું જ્યારે પહેલી વખત ગયો’તો ત્યારે, ઘરમાં પહેરવાનું ધોયેલું ટી-શટૅ અને બરમુડા ચડ્ડી પહેરીને ગયો હતો. આપણને એમ થાય કે  ‘માળું હારું; દોડવા માટે કંઈ મુળાના પતીકા જેવા, મોંઘા પાડનાં ૪૦-૫૦ ડોલરના  કપડાં તે લવાતાં હશે ?  એટલામાં તો દેશમાં ઘરમાં બધાને સારું એક-એક જોડ દીવાળીનાં કપડાં આવી જાય !  ‘

        પણ ભાઈ,દેશ એવો વેશ, અહીં રહેવું તો અહીંનાંની જેમ રહેવું. તો જ તમે હળી મળી શકો; નહીં તો એકલા અટુલા પડી જાઓ.

        એક દીવસ દોડતાં દોડતાં એક નાનો પ્રસંગ આંખે ચઢી ગયો, અને યાદ રહી ગયો.

         એક જુવાન સ્ત્રી-પુરુષ રસ્તાની બાજુમાં ઉભા હતા. પતી-પત્નીના બદલે સ્ત્રી-પુરુષ શબ્દ હું સમજીને વાપરુ છું.  કારણકે અહીંની સંબંધોની સીસ્ટમ, આપણી સમજની બહારની હોય છે. જ્યાં સુધી પાકે-પાયે ખબર ના હોય ત્યાં સુધી પતી-પત્ની કરતાં, સ્ત્રી-પુરુષ કહેવું વધુ ઉચીત ગણાય !  બન્ને જણાએ રનીંગ સુટ પહેરેલાં હતાં.  સ્ત્રીને જોતાં જ જણાઈ આવતું હતું કે તે ગર્ભવતી  હતી. પુરુશના હાથમાં પટ્ટો હતો; અને એના બીજા છેડે એક નાનું કુતરું બાંધેલું હતું. નાનું એટલે કેવડું?  ત્રણ વેંતથી વધારે નહીં હોય.  વજન બે કીલોગ્રામ તો હદ થઈ ગઈ! 

       હવે બન્યું એવું કે બન્ને જણા વાતોમાં મશગુલ થઈ ગયા હશે, તે એ ભાઈશ્રીની પટ્ટા પરની પકડ ઢીલી થઈ ગઈ.  કુતરાભાઈ માટે તો ‘ ભાવતું’તું ને વૈદે કીધું’  એના જેવો ઘાટ થયો.  તે તો પકડ છોડાવીને ફટાક કરતા દોડ્યા રસ્તા પર. માંડ ૫૦ ફુટ દુરથી એક ગાડી ખાસ્સી ઝડપથી આવતી હતી,. અહીં તો પાછા બધા માઈકલ શુમાકરના પીતરાઈ ભાઈઓ નહીં? ! પેલા ભાઈ દોડયા કુતરાને બચાવવા. સમયસર ઉંચકીને તેને બીજી જ ક્ષણે બાજુ પર ખસી ગયા. કુતરા પર ખીજ કાઢવા માટે એને જોરથી બે ત્રણ ટપલીઓ મારી દીધી. 

           મારી બાજુમાં ઉભેલી શાના કહે, “પુઅર ડોગ,આઈ ફીલ સોરી ફોર હીમ.”

           બરાબર એજ વખતે મારી નજર પેલી સ્ત્રી ઉપર પડી. જ્યારે એનો મીત્ર પેલા કૂતરાને બચાવી રહ્યો હતો,  ત્યારે એણે ખીસ્સામાંથી સીગારેટ કાઢીને સળગાવી. મને થયું – ‘ આ અમેરીકન માતાને એના ઉદરમાં ઉછરતા બાળકની ચીંતા નહીં થતી હોય?’  મેં શાનાને આ વાત કહી. અને પછી ઉમેર્યું –  “આઈ ફીલ સોરી ટુ ફોર ધ ચાઈલ્ડ.”

           અને શાનાએ હકારમાં માથું ધુણાવ્યું.

           હતી તો બન્ને કરુણા જ – એક ભારતીય અને એક અમેરીકન.

જિગીષ પરીખ

     જિગીષ ૨૪ વર્ષીય, ઈલેક્ટ્રીકલ એન્જીનીયર છે. (મારો ધંધાકીય પીતરાઈ! ) એક મીત્રની પ્રેરણાથી તેણે પોતાના જાત અનુભવનો આ પ્રસંગ ટાંક્યો છે. અમેરીકન સમાજ અને રહેણીકરણી વીશે આપણે દેશમાં બહુ ઓછું જાણીએ છીએ. અને જે જાણીએ છીએ, તે પણ ઘણા પુર્વગ્રહો અને ખોટી માહીતીના આધાર પરથી હોવાને કારણે બહુ સીમીત હોય છે.

      આવા પ્રસંગો વધુ વાંચવા મળે તે બહુ જરુરી છે. બીજા મીત્રોને પણ પોતાના અનુભવો સૌની સાથે વહેંચવા ઈજન છે. 

ચીપીયો – માનસી પટેલ

       દરેકના જીવનમાં નાના-મોટા પ્રસંગો બનતા હોય છે, અને એમાંના કેટલાક ખુબ ઉંડી છાપ છોડી જતા હોય છે.  કેટલાક પ્રસંગો હસાવનારા, કેટલાક રડાવનારા તો કેટલાક જીંદગીના પાઠ શીખવાડનારા પણ હોય છે. મારા જીવનનો એક પ્રસંગ મારે અહીં બધાંને જણાવવો છે. 

        આ ત્યારની વાત છે, જ્યારે હું દસમા ધોરણમાં ભ­ણતી હતી. દસમાના વેકેશનમાં હું મારા કાકાના ઘરે પીતરાઈ ભાઈબહેનો સાથે થોડા દીવસ રહેવા અને રમવા ગઈ હતી. મારાં કાકા-કાકીને ચાર બાળકો – જોડીયાં ( દિવ્ય અને દ્રષ્ટિ) અને  બે નાની દીકરીઓ (આકૃતિ અને હાર્દિકા)  છે. એમની સાથે પાંચમી હું. અમે બધાં  ભેગાં મળીને મોજ-મસ્તી કરતાં હતાં.  નાનપણથી જ મને વાળ સાથે જુદી જુદી હેર-સ્ટાઇલના પ્રયોગો કરવાનો ખુબ જ શોખ. એટલે હું મારી બહેનના વાળ સાથે અખતરા કરતી’તી.

       મને થયું કે, લાવ આજે હું અંબોડાનો પ્રયત્ન કરું. એટલે મેં કાકીને કહ્યું, ” મારે અંબોડો વાળવો છે, તમારી પાસે ચીપીયા( અંબોડા માટે વપરાતા)  છે? મારે જોઇએ છે.”  કાકીએ કહ્યું , ” હશે આટલાંમાં કશેક. જો જરા. ”

      હું તો આસપાસમાં શોધી વળી. હું નવી નવી જગ્યાઓ જોતી જાઉં, અને એ કહેતા જાય કે , “અહીં હશે;  અરે અહીં નહીં હોય તો ત્યાં હશે.” અડધો કલાક સુધી શોધ્યા પણ કંઈ પતો ના પડ્યો; એટલે કાકીએ કહ્યું, ” માળું,યાદ નથી આવતું. ક્યાં મુકી દીધા, અત્યારે તો નથી મળતા, બેટા ! ” એટલે હું થોડી નીરાશ થઈ ગઈ, અને ગણગણાટ કરવા લાગી કે “એક તો બાર વર્ષે બાવો બોલ્યો, જા બચ્ચા, દુકાલ પડેગા !”

      અમારા વચ્ચેની વાતો મારાં બીજાં ભાઈ બહેન સાંભ­ળતાં હતાં. એમાંથી એકે  પુછ્યું, ” દીદી, તમારે શું જોઇએ છે, ચીપીયો? મને ખબર છે કે ક્યાં છે એ.  હું હમણાં જ જઈને લઈ આવું છું .” અમે બધાં વીચારમાં પડી ગયાં કે, ‘આણે વળી ચીપીયા કયાં જોયા હશે?’

       એટલામાં  રસોડામાંથી દિવ્ય  આવ્યો.  અને બોલ્યો, ” આ રહ્યો ચીપીયો.  અહીં રસોડામાં તો હતો. તમને લોકોને તો કશું શોધતાં જ નથી આવડતું! ”   ભાઈ  મારો ચીપીયો તો લાવ્યો, પણ રોટલી શેકવાનો !  તે હાથમાં મોટો ચીપીયો લઈને બલ્લવ રસોઈયાની જેમ ઉભો હતો.

       અમે બધાં પેટ પકડીને જે હસ્યાં છીએ, જે હસ્યાં છીએ, કે ના પુછો વાત!

~ માનસી પટેલ

       ઈલેક્ટ્રીકલ એન્જીનીયર, અને હાલ અમેરીકાના કેલીફોર્નીયામાં માસ્ટરનું ભણતી,  ચી. માનસીને મારું ઉંઝામાં લખાણ વાંચવું ગમતું તો નથી, પણ બહુ જ ખેલદીલીપુર્વક, તેણે મને તેની આ અનુભવકથા અહીં પ્રગટ કરવા અનુમતી આપી છે.

       ( સાચ્ચું કહું? શરુઆતમાં આ ચોંસઠ  વરસના ડોહાને પણ નહોતું ગમતું;  પણ હવે વાંચવાની ટેવ અને લખવાની  સરળતા થઈ ગઈ છે ! ઘણાં બધાંય ઉત્સાહથી અહીં અપાતાં લખાણો વાંચવા માંડ્યા છે, હોં ! )

મનાલીમાં પર્વતારોહણ – એક અનુભવ – રાજેન્દ્ર ત્રીવેદી

      1966 ની સાલની આ વાત છે. હું ત્યારે મગજનો ડોક્ટર બન્યો ન હતો. નહીં તો આ ઘટના જે ઘટી તે કદાચ ન ઘટી હોત !

     વાત જાણે એમ છે કે, ગુજરાત યુનીવર્સીટી તરફથી મને મનાલી પર્વતારોહણ માટે નીયુક્ત કરવામાં આવ્યો હતો. દેશના અલગ અલગ પ્રાંતોમાંથી મારા જેવા નવલોહીયા બીજા સાત યુવાનો મનાલી માઉન્ટેનીયરીંગ સંસ્થામાં બેઝીક સ્નો- ક્લાઈમ્બીંગ   ટ્રેનીંગ માટે આવ્યા હતા. બધાનો ઉત્સાહ તો ભભુકે. તરવરાટ તો બાપુ, એવો કે  સીધા ટ્રેનીંગ પછી સીધું એવરેસ્ટ જ આપણું ગોલ ! કાંઈ ઓછું નો હાલે !    

      અમારા ઈન્સ્ટ્રક્ટરને તો આવા પ્રાથમીક જુસ્સાનો બહુ જ અનુભવ. તેમણે આખા કાર્યક્રમની રુપરેખા આપી. સાત દીવસમાં ત્રણ કેમ્પ કરવાના અને પર્વતના શીખર ઉપર પહોંચવાનું.  ખાસ ભાર દઈને તેમણે કહ્યું કે ” ટીમ વર્ક અને કામનું આયોજન બરાબર કરશો તો જ ફાવશો.  બધી જરુરીયાતોનું ચીવટથી લીસ્ટ બનવું જોઈશે.  બધી તૈયારી બરાબર  હોય તો પણ, જો હવામાન યોગ્ય ન હોય તો હાર સ્વીકારી શીખર સર કર્યા વીના પાછા જવા પણ તૈયારી રાખી લેજો.”  હવે અમારા મનોરથોના ધમસતા ઘોડા કાંઈ આવી સુફીયાણી સલાહ સાંભળતા હશે?  બે કાન ભગવાને શું કામ આપ્યા છે? !   

      ટીમના જોશે અને એકતાના સહારે, વીશ્વાસ સાથે અમારી આગેકુચ શરુ થઈ. મારા મનમા તો ગુંજે….

ભોમીયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી.

        બધાએ પહેલા કેમ્પ પર 17,000 ફુટની ઉચાઈએ પડાવ નાંખ્યો.  બીજા દિવસે પરોઢના ત્રણ વાગે અમે તો તૈયાર થઈ ગયા અને જોડીમાં આગળ પ્રયાણ શરુ કર્યું. અમારા ક્વાર્ટર-માસ્ટર બકરા, ખચ્ચર અને શેરપા સાથે નીકળેલા. સવારના દસેક વાગે તો બીજા કેમ્પ પર 19,000 ફુટની ઉંચાઈ પર અમે પહોંચી ગયા. ઠંડી તો ગાત્રો થીજવી નાંખે તેવી. ગરમ કપડાંની અંદરેય ઠંડી ઘુસી ગયેલી. ચાની બરાબર તલપ લાગેલી. ટેન્ટો પીચ કરી અમે તો ચા બનાવવા લાઈટર કે દીવાસળી શોધીએ. પણ લીસ્ટ બનાવી ચોકસાઈથી લાવ્યા હોઈએ તો  મળે ને? અમે તો એકમેકના મોંઢા સામું જોયા કરીએ.

          બાકીના સાથીઓ અગીયાર વાગે અમારી સાથે આવી પુગ્યા. અમે પહેલો સવાલ એ કર્યો ” અલ્યા! કોઈની પાસે દીવાસળી કે લાઈટર છે? ”  નવા આવેલાના મોં ય શીયાંવીયાં થઈ ગયાં. એ લોકોય ભુલી ગયેલા. બધા ઠંડીમાં ભરબપોરે, સુર્યની હાજરી છતાં  બરાબર ઠઠરે. કોઈ નીચે ઉતરે અને પાછું આવે તો તો રાત પડી જાય. બરફ અને સ્નોના સામ્રાજ્યમાં આ પાયાની જરુરીયાતો વગર શી રીતે ચલાવવું? લીલોતરીને તો ક્યારનીય વીદાય આપી દીધેલી હતી. પહેલા દીવસે જે સ્નો વ્હાલસોયો લાગતો હતો તે,  હવે કરાળ કાળ જેવો લાગવા માંડ્યો.

       બધાએ નક્કી કર્યુ. ‘ ચાલો પાછા.  આવી ભુલ ઉતાવળના કારણે ફરીથી નહીં કરીએ.’ લાવેલ સામાન અને તંબુઓ ભરબપોરે બે નંબરના કેમ્પ પર મુકી, સાજે પાંચ વાગે લીલા તોરણે હંધા પાછા.

     આ અનુભવ ભલે નીશ્ફળતાનો હતો, પણ વ્યવસ્થીત થવાનો પાઠ અમે ત્યારથી બરાબર શીખી ગયા.  

—————————————————-

       જે થોડીક મોટી ઉમ્મરની વ્યક્તીઓને અધીકાર અને પ્રેમથી હું ‘તું ‘ કારે બોલાવી શકું તેવો રાજેન્દ્ર ; લગભગ મારી જ ઉમ્મરનો, અમદાવાદમાં મોટો થયેલો, મારી સાથે કોલેજના પહેલા વરસમાં માત્ર એક જ સાલ મારી સાથે ભણેલો, મારો નેટ મીત્ર છે.  અમે લગભગ એક વરસથી નેટ ઉપર ઘનીશ્ઠ પરીચયમાં આવ્યા છીએ.  તેની સાથે ફોન ઉપર ઘણી વાતો થાય છે. તેની પાસે વીવીધ પ્રકારના જીવંત અનુભવોનો, સમ્પર્કોનો  ઘણો મોટો ખજાનો છે.  મગજના ડોક્ટર (માનસ શાસ્ત્રી) તરીકે તેને જીવનના વીધ વીધ પાસાંઓનો, જીવનમાંથી સીધો મળેલો વીશદ અનુભવ છે. તદુપરાંત ભક્ત પીતા અને દેવી જેવાં માતાનો આધ્યાત્મીક વારસો પણ તેણે અકબંધ સાચવી રાખ્યો છે. તેના સ્વ. પીતાશ્રી મુળશંકર ત્રીવેદીના રચેલાં ભજનો તમે ‘  તુલસીદલ ‘ પર વાંચી શકશો.

      આપણે આશા રાખીએ કે, આ અનુભવકથા પાશેરામાં ( કે મણ રુની ગાંસડીમાં ?! )  પહેલી પુણી બની રહે. તેની પાસેથી માનવમનની ગહરાઈઓનાં અનેક શબ્દચીત્રો મેળવવાની આપણે આશા રાખીએ છીએ.

વાંસળીના સુર – સુનીલ શાહ

      વાત છે….૧૯૮૪–૮૫ની સાલની. બી.એડ.ની તાલીમ દરમ્યાન ૨૫ જેટલા છોકરાઓ સાથે એક વર્ષ હોસ્ટેલમાં રહેવાનું બન્યું. હોસ્ટેલનું જીવન જીંદગીના ઘણાં પાઠ શીખવી જાય છે, ઘણાં સંસ્મરણો મુકી જાય છે.

       આખો દીવસ કોલેજમાં પસાર કર્યા પછી સાંજના ભોજન અને રાત્રે વાંચનનો કાર્યક્રમ એ સ્વાભાવીક ક્રીયા. પણ જુદા જુદા વાતાવરણમાંથી, પોતાના ઘરથી દુર, હોસ્ટેલમાં રહેતા તાલીમાર્થીઓ એકબીજાથી પરીચય– આત્મીયતા કેળવવા પ્રયાસ કરતા રહે. તેમાંય મારા જેવા ટીખળીને નીર્દોષ ટીખળ કરીને વાતાવરણ હળવું બનાવવાનું સારું આવડે.

      મને બરાબર યાદ છે કે, મનોજ ભટ્ટ નામનો મારો સહાધ્યાયી અભ્યાસમાં મારી સાથે તંદુરસ્ત સ્પર્ધા કરે. હું થોડોક આગળ નીકળી જાઉં, તો મને પછાડવા ગંભીરતાથી વાંચનકાર્યમાં લાગી જાય. અલબત્ત અભ્યાસને લગતી મુશ્કેલીઓ એકબીજા સાથે ચર્ચીએ, અન્ય વીદ્યાર્થીઓને જરુર પડે ત્યાં સંયુક્ત માર્ગદર્શન પણ આપીએ તેવી નીકટતા–નીખાલસતા પણ ખરી. મનોજ એકલો પડે ત્યારે હોસ્ટેલના એકાદ ખુણે બેસી વાંસળીના મધુર સુર રેલાવતો.  જાણે વાતાવરણમાં સુવાસ ભરી દેતો.

        ખબર નહીં, એક દીવસ અન્ય બે–ત્રણ મીત્રોની સાથે મળીને મનોજને ચીડવવાનો વીચાર આવ્યો. ત્રણેક મીત્રો એક કોયડા પર ચર્ચા કરતા હતા. ત્યાં કો‘ક બાજુના રુમમાંથી મનોજને બોલાવી લાવ્યું. મનોજને ચેલેન્જ ઉપાડવામાં મઝા આવે. કહે, ‘બોલ શી મુંઝવણ છે?’ મેં કોયડો કહ્યોઃ  “ત્રણ કીડી એક જ દીશામાં એકની પાછળ એક એમ એક જ હારમાં જતી હતી. પહેલી કીડી કહે, મારી પાછળ બે કીડી છે. બીજી કહે, મારી પાછળ પણ બે કીડી છે આ કેવી રીતે શક્ય બને?”

         મનોજે જાતજાતના તર્ક અમારી સમક્ષ રજુ કર્યા. હું દર વખતે કહેતો, ” આ જવાબ સાચો નથી, આનો જવાબ શોધવા તો મગજ કસવું પડે. બાકી જવાબ તો બહુ જ સરળ છે.” મનોજે બીજે દીવસે જવાબ આપવાનું કહી પોતાના રુમ તરફ ચાલતી પકડી. આ કોયડાનો જવાબ મેં અન્ય મીત્રોને પણ ન કહ્યો;  રખેને કોઈ તેને કહી દે !

          મનોજ જેનું નામ.  હાથમાં કાગળ–પેન લઈ કીડીને જુદીજુદી રીતે સીધી લીટીમાં ગોઠવી જોવાનો પ્રયાસ કરવા લાગ્યો. હું તેના રુમમાં ગયો. કહ્યું;  ‘બરાબર છે, પ્રયત્ન ચાલુ રાખ. તું જવાબની નજીક છે.’ રાત્રે સાડાબાર સુધી બીચારાએ ઘણા પ્રયત્નો કર્યા, જાતજાતની આકૃતીઓ દોરી જોઈ. પણ વ્યર્થ. હું દુરથી આ બધું જોઈ મનોમન હસતો રહ્યો. 

         બીજે દીવસે સવારે થાકી હારીને તે મારા રુમમાં આવ્યો. કહે :  ‘ સુનીલ, મને તો જવાબ ન મળ્યો. તું જ કહી દે કે, સાચો જવાબ શો છે?’ આ ક્ષણે તેના ચહેરાની નીરાશા જોવા જેવી હતી.

        મેં કહ્યું : ‘બસ હારી ગયો?’  બીચારો મૌન. મેં ફરી કહ્યું; ‘ સાવ સામાન્ય જવાબ છે. એમાં શું ? બીજી કીડી જુઠ્ઠું બોલી!’

       મારો જવાબ સાંભળતા જ પળવારમાં પોતે ઉલ્લુ બન્યાની ખબર પડી ગઈ. તેના ચહેરાની રેખાઓ તંગ બની ગઈ. ગુસ્સામાં તે મને મારવા દોડયો. આખી હોસ્ટેલમાં હું તેનાથી બચવા દોડતો રહ્યો, બીજા મીત્રો તેને ચીડવતા રહ્યા.. તેણે મારી તરફ એક પથ્થર ફેંક્યો. હું બચી ગયો. છેવટે મેં તેની માફી માંગી. તે પણ ઉદાર દીલનો, વાતને સહજ રીતે લઈ હસી પડયો. બસ તેને અફસોસ એક જ વાતનો થયો કે, રાત્રે બે ત્રણ કલાક નકામા બગાડયા. જો કે પછી મને પણ આવું ક્રુર ટીખળ કરવાનો અફસોસ થયો.

        આજે એ દશ્ય યાદ આવે છે ત્યારે હસવું રોકી શકાતું નથી પણ, સાથે સાથે મનોજની મીત્રતા અને  ઉદારતા તેની વાંસળીના સુર કરતાં પણ મીઠાં હતાં એ વાત યાદ આવતાં આંખો ભીની થઈ જાય છે. મનોજ પછી તો શીક્ષક બનવાને બદલે કોઈ બેન્કમાં જોડાયાનું સાભળ્યું હતું. બસ, પછી તેના સમાચાર નથી.

——————————–

સુનીલભાઈની આ વાત વાંચી મને ‘મેરા નામ જોકર’  ફીલ્મ યાદ આવી ગઈ.

तीतरके दो आगे तीतर, तीतरके दो पीछे तीतर,
आगे तीतर, पीछे तीतर, बोलो कीतने तीतर?

પંજાબી ડ્રેસ- નિકુલ પટેલ

       આ સ્વાનુભવની ઘટના મુળ વડોદરાના, પણ હાલ ચેન્નાઈમાં કામ કરતા શ્રી. નિકુલ પટેલે ટાઈપ કરીને મોકલી છે. અહીં ‘ઘરે બાહીરે’ આ પહેલી જ રચના છે !  
      સૌ વાચક મીત્રોને પણ બધાને રસ પડે તેવા, તેમના અનુભવો ગુજરાતી વાચકો સાથે વહેંચવા પ્રેમપુર્વક ઈજન છે. મુળ વાત અંગ્રેજીમાં મોકલશો તો પણ ચાલશે.

———————————————————- 

         ચાલો, આજે એક પ્રસંગની વાત કરું. એક ઘટના, જે ઘટી હતી આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં……..

         અમે પાંચ મીત્રો –  અમર, સુહાસ, ભાવેશ, ગૌરવ અને હું.  બધા એક જ નાવના મુસાફરો (એક જ બેચના, એક જ કંપનીમાં કામ કરતા, અને  હૈદરાબાદ-સીકન્દરાબાદ સ્થીત અમારાં 2BHK  ફ્લેટના રુમ પાર્ટનર). કંપનીમાં શરુઆતની ટ્રેઇનીંગ પછી, અમે બધા પહેલી જ વાર ગુજરાત પાછા જવાના હતા. કોલેજ પછી તરત લાગેલી નવી નવી નોકરી, નવોસવો મીઠાઈ જેવો પગાર, અને પાછું ગુજરાત ઘેર પાછા જવાનું; એટલે અમે ઘરનાં લોકો માટે કંઇક ભેટ લઇ જવાનું નક્કી કર્યું.

          અમરે જણાવ્યું કે એને બહેન માટે પંજાબી સુટ લેવો છે. હવે અમારા પાંચમાંથી એક પણ જણે પહેલાં કદી એકલા લેડીઝ ડ્રેસ ખરીદેલા નહી. ભાવેશ,અમર અને ગૌરવને બહેનો ખરી. પણ એમને પણ કદી એવો પ્રસંગ આવેલો નહીં. અને મારે અને સુહાસને બહેનો જ નહી, એટલે આ અનુભવ થવાની શક્યતા ક્યાંથી હોય? 

           જો જો હોં ! સાચ્ચું કહું છું …. કમભાગ્યે અમારામાંથી કોઇને Girl Friends  પણ નહોતી! હવે સાઇઝ વિશે તો અમરને પણ ખબર નહી. ઘેર તો બહેનને પુછાય નહી, નહી તો ઘરમાં બધાંને ખબર પડી જાય – અમારા Surprise ની. એટલે, અમે સુટની જગ્યાએ ડ્રેસ મટીરીયલ લેવાનું નક્કી કર્યું.

            એક સાંજે અમે પાંચ પાંડવો યાહોમ કરીને નીકળી પડ્યા –  લેડીઝ ડ્રેસની અમારા બધાની સૌ પ્રથમ ખરીદી માટે. રહેવાનું રાણીગંજમાં એટલે અમે M.G. રોડ પર ચાલતા ચાલતા નીકળ્યા. રોડ પર લેડીઝ કપડાંની દુકાન શોધતા અમે ગાંધી સર્કલ પાસેની એક દુકાનમાં જઈ ચડ્યા. હવે અમારામાંથી કોઇને તેલુગુ આવડે નહીં; એટલે કોઈ કાંઈ પુછે એ પહેલાં જ અમે કહી દીધું. “પંજાબી ડ્રેસ મટીરીયલ”  – ના કોઇ વાક્ય, ના કોઇ વ્યાકરણ,  બસ ભીન્ન ભાષી વ્યક્તીઓ વચ્ચે, શબ્દસમુહો વડે થતો વાર્તાલાપ ! અમે આવી થોડી  આદત પાડેલી, હૈદરાબાદ જઈને.

        “પંજાબી ડ્રેસ મટીરીયલ” લેવા કે જોવા આવેલા, પાંચ લબરમુછીયાઓને જોઇને કાઉન્ટર પરની  સેલ્સગર્લ  થોડી ગભરાયેલી  લાગી. ‘એક મીનીટ’   કહીને એ તો ગઈ; અને અમને મદદ  કરવા એક ભાઈને મોકલી આપ્યા. નવા સેલ્સમેન પર પણ એજ નુસખો. તેના આવતાંવેંત જ અમે કહી દીધું . “પંજાબી ડ્રેસ મટીરીયલ”.

        પછી એ ભાઇએ તેલુગુમાં કાંઈક પુછ્યું; પણ અમને એ ગુડગુડમાં શેની કશી સમજ પડે?  એટલે મેં કીધું – “તેલુગુ રાદુ. હીન્દી માટલાડુ” (‘તેલુગુ નથી આવડતું, હીન્દી બોલો.’  તેલુગુમાં માટલાં !!!! ) માત્ર આ બે તેલુગુ વાક્ય અમે રટી કાઢેલાં. જેના વડે હજુ પણ ખેંચે રાખીયે છીયે ! ) હવે પેલા ભાઈને હીન્દી ના આવડે. એટલે એમણે ભાંગી તુટી અંગ્રેજીમાં પુછ્યું – “Range, Colour ?”. અમે એના એકશબ્દી જવાબ આપ્યા. પેલા ભાઈએ એક પછી એક મટીરીયલ બતાવવા માંડ્યાં. ભાંગીતુટી અંગ્રેજીમાં દરેક કાપડ વીશે કાંઈક કહેતા પણ જાય.

       અડધો કલાક આ વીધી ચાલી. કાઉન્ટર પર કપડાંનો મોટો ઢગલો થઇ ગયો. કોઈનો કલર પસંદ ના પડે, તો કોઇની ડીઝાઇન, તો કોઈનું કાપડ. એમાં પાછા અમારા પાંચેયનાં માથાં અલગ અલગ ધુણે ! ( એમ તો અમારાં પાંચમાંથી કોઇને પણ કોટન અને ટેરીકોટન કપડાં વચ્ચે ફરક કરતાં આવડે નહી! અમે બધા કાપડ હાથમાં લઇને આવડે એવાં નામ આપતા’તા! 

         આમ કાપડ જોતાં મારી નજર એક પુતળીને પહેરાવેલા ડ્રેસ પર પડી,  જે  દુકાનના ઉપરના માળેથી નીચે ટીંગાડેલી હતી.  મને એ ડીઝાઇન અને કલર ગમ્યાં. મેં બધાને એ ડ્રેસ બતાવ્યો. પણ અમને એટલી ખબર કે, શોમાં મુકેલા ડ્રેસ મોટેભાગે દુરથી જ સારા દેખાય. એટલે અમે પેલા ભાઈ ને પુતળી બતાવી અને પહેલાં કીમ્મત પુછી.  રખે ને માલ કઢાવીએ અને પછી બજેટની બહાર જાય. એમ પણ એ હવે થોડા ચીડાયા’તા. (ચીડાય જ ને. એક ડ્રેસની ખરીદી માટે પાંચ પાંચ છોકરાઓ અડધો કલાકથી આ નહીં ને પેલું કરાવતા હતા !)

      કીમ્મત તો અમારી Range માં હતી. અમે એ ડ્રેસ બતાવવા કહ્યું. પેલા ભાઈએ એજ પેટર્નનું બીજા રંગમાં કાપડ બતાવ્યું, જે અમને જરાય પસંદ ના આવ્યું. એણે પુતળી તરફ આંગળી કરી જણાવ્યું કે – “લાસ્ટ પીસ. ”  હવે અમે પણ ભુરાંટા થયા’તા. માંડ માંડ એક પીસ પસંદ આવ્યો, અને એ પણ લાસ્ટ  પીસ?  હાથના ઈશારા વડે એ પુતળીને અમે નીચે ઉતારવા કહ્યું.

      એક મોટું સ્ટુલ અને મોટી લાકડી વડે ભારે જહેમત બાદ અમારાં ડ્રેસવાળાં પુતળીબેનને સુરક્ષીત નીચે ઉતારવામાં આવ્યાં.

      ડ્રેસ સાથે એ પુતળી અમારા પાંચેના હાથમાં ફરી વળી.  અંતે બધાને એ મટીરીયલ(કાપડ, કલર અને ડીઝાઇન) ગમ્યું. પુતળી નહીં હોં ! અને ખાસ તો અમરને સૌથી વધારે પસંદ પડ્યું. અમે આપસમાં વાત કરી કે, ‘લાસ્ટ પીસ છે,  શું કરવું છે ? ‘ બધા એકમત પર આવ્યા કે ‘ આ દુકાનમાંથી આજે ખાલી હાથે તો  પાછા નથી જ જવું.’ (આખરે અમારી પણ ઈજ્જતનો સવાલ હતો ને! )

       અમે પેલા ભાઈને જેમતેમ કરીને સમજાવ્યું કે, અમારે આજ પીસ જોઇએ છે. તેને સમજ પડતાં આનાકાની કરવા મંડ્યો. અમે એના માલીક તરફ ઈશારો કરીને કહ્યું, “Ask Him”. પેલાએ માલીક જોડે ગુફ્તગુ કરી અને બીજી સેલ્સગર્લને પુતળી આપી પેક કરવા જણાવ્યું. ( આ બધું અમે ખાલી હાવભાવ અને વાતના વલણ પરથી તારવી શક્યા. )

       આખરે અમે પાંચ પાંડવો એ પુતળીનું પંજાબી ડ્રેસ મટીરીયલ લઈને જ જંપ્યા. મટીરીયલ પેક થઇને આવ્યું. બીલ ચુકવીને અમે સીધા ઘર ભણી સીધાવ્યા. તે દીવસ માટે આ એક જ ખરીદી બહુ થઇ ગઇ’તી !

       ઘરે પહોંચીને જે અમે હસ્યા છીએ,  કે ના પુછો વાત.

       આજે અમે પાંચેય જણ વીખરાઇ ગયા છીએ. અમર અને સુહાસ યુ.એસ.માં; ગૌરવ લગન પછી લંડનમાં; ભાવેશ દીલ્હી-નોઈડામાં અને હું ચેન્નાઇમાં. પણ આજેય કોઇ દુકાનમાં સજાવેલી પુતળી જોઇએ ત્યારે અમને બધાને આ પ્રસંગ અચુક યાદ આવી જાય છે.

ચાલુ દીવસની સવાર – કેનેડામાં

સવારના સાડા છનો સુમાર હતો.. બેબીને જોબ પર જતાં પહેલાં નાસ્તો કરવાની ઉતાવળ હતી ( મારી દીકરી સ્તો!). જમાઈ બીચારા ચીંતામાં હતા, તેમના મોજાં જડતાં ન હતા. બાબલાનું રમકડું ખોવાયું હતું તે માટે ચીંતાતુર હતો. બાબલો ( બેબીનો જ તો! ) આ બધી ધમાલથી છટકવાના ઈરાદે બોલ્યો ” નાના! તમે પ્રાણાયમનું કહેતા હતા, તે મને શીખવાડો ને ! ”  હજુ ગઈ કાલે તો મારા રીટાયર થયા બાદ અમે અમદાવાદથી ઓટાવા બેબીને ઘેર આવ્યા હતા. મને શુર ચડ્યું. ચાલ બાબાને ભારતીય સંસ્કૃતીનો પહેલો પાઠ આપવાનું આજથી જ શરુ કરી દઈએ.

મેં મારી ‘એ’ ને કહ્યું – “ ચાલ ઘરની બહાર ઓટલા પર પ્રાણાયમ કરીએ. ચાલ, બાબલા! મઝા પડશે.” બાબલો આ નવા સાહસની શક્યતાથી ઉત્સાહમાં આવી તૈયાર થઇ ગયો. મારાં પત્ની પણ બહાર આવી ગયાં. અમે પ્રાણાયમ શરુ કર્યા. થોડી વારે જમાઇ દરવાજામાંથી બહાર આવ્યા અને બારણું લોક કરીને વીદાય થયા. પાંચ મિનીટમાં બેબી પણ ગેરેજમાંથી ગાડી કાઢીને અમને ‘બાય’ કહીને વીદાય થઈ.

કેનેડીયન ઘરની બંધીયાર હવામાં નહીં પણ, બહારની શુદ્ધ્ હવામાં કસરત અને પ્રાણાયમ કરીએ, તો તબીયત કેવી બને તેવું મારું ભાષણ બાબલો ધ્યાનપુર્વક સાંભળતો હતો અને, મારી ચાર મણની કાયાને અને ખાસ તો તેના શણગાર રુપ નાનાના પેટને જોવાની મઝા માણતો હતો. મારાં પત્ની એક ચીત્તે તેમની નમણી કાયા પાછલી ઉમ્મરમા પણ સોળ વર્ષની કન્યા જેવી રહી શકશે તેના ઉત્સાહમાં બરાબર કસરત-રસ્ત હતા.

“ હવે ચાલો ઘરમાં જઈએ.” થાકેલા સ્વરે હું બોલ્યો. આખા લશ્કરે ઘરના બારણાં ભણી વીજયયાત્રા આરંભી. બાબલો સૌથી આગળ. પેલું ખોવાયેલું રમકડું હવે પાછું યાદ આવ્યું હતું, તે મળશે એ આશાએ.

પણ, બારણું તો બંધ! વળી ઘરમાં તો કોઈ જ નહીં. આ સાવ અવનવા દેશનાં બારણાં પણ કેવાં ? ઓટોમેટીક તાળું વસાઈ જાય. ક્યાં તો અંદરથી ખોલો, અથવા ચાવી હોય તો ખોલીને અંદર જાઓ.

હવે શ્રીમતીજીના સોળ સાલની સુંદરી થવાના સપનાંઓ પર પાણી રેડાઈ ગયું.” તમને આવા ચાળા સુઝે છે. હવે શું થશે? “ તેઓ વદ્યાં.

હું તો હતપ્રભ જ થઇ ગયો હતો. નોકરી કરતો હતો ત્યારે ય આવા ધર્મસંકટમાં કદી પડ્યો ન હતો. મેડમનો કકળાટ ચાલુ જ હતો. હવે કરવું શું? પાસે ફોન પણ નહીં. અને કોઇ આડોશી પડોશી પણ દેખાય નહીં. બધાનાં બારણાં બંધ. અને સાવ અજાણ્યાના ઘેર જવાય પણ શી રીતે? અને પાછી ધોળા લોકોની વધારે પડતી શીસ્ત! આપણે તો બાપુ જબરા હલવાણા!

પણ આ કેનેડામાં ઉછરતી નવી પેઢી સ્માર્ટ ઘણી હોં ! પોયરાના તરોતાજા દીમાગમાં ઝબકારો થયો. તે કહે “ મારી બેબી-સીટર સાવ નજીકમાં રહે છે. ચાલો નાના! ત્યાં જઈને મમ્મીને ફોન કરીએ.”

અમારું લશ્કર તો ઉપડ્યું – બેબી-સીટરને ઘેર. બાબલો અને નાની તો કંઇક વ્યવસ્થીત પોશાકમાં હતા, પણ બંદા તો ચડ્ડી – બનીયનધારી !! અને ત્રણે ય ખુદાબક્ષો અમદાવાદી હોલબુટમાં, એટલે કે ખુલ્લા પગે!  બધું હાઉસન જાઉસન તો ચાલ્યું. આગળ આ નવા સાહસથી ઉત્સાહમાં આવી ગયેલો, અને આટલા મોટ્ટા માણસોના ગાઈડ થવાની, અણધારી બઢતી મળ્યાની તકથી ઉછળતો બાબલો, પાછળ ચીંતાગ્રસ્ત વદને, પણ થોડા ક્ષોભવાળા ચહેરે હું અને સૌથી પાછળ ફ્યુઝ ઉડી ગયેલી નાની.

રસ્તામાં સ્વાસ્થ્ય માટે બહુ સભાન અને સવારના પહોરમાં ચાલવા નીકળેલા કેનેડીયનો, વીસ્ફારીત નજરે અમને નીહાળી રહ્યા હતા. અમે તો મીંયાની મીંદડીની જેમ નજર નીચી કરીને ધસમસતા હતા. ક્યારે બેબી-સીટર બેનશ્રીનું ઘર આવે અને અમારા આ ધર્મસંકટનો અંત આવે?

એટલું સારું હતું કે બાબલો સૌથી વધારે મુડમાં હતો . જો રડતો હોત તો, કોઇ શીશુ-સાથી , પરોપકારી સજ્જનની કૃપાથી અમે પોલીસથાણે પણ પહોંચી ગયા હોત – આ અવનવા દેશમાં !

છેવટે અમે ત્યાં પહોંચ્યા. પેલાં બહેન તો અમારા દીદાર જોઇને ડઘાઈ જ ગયા. પણ મામલો સમજાવતાં થાળે પડ્યો. દીકરી સાથે વાત થઈ ગઈ અને પંદરેક મીનીટમાં તે આવી પણ ગઈ, અને અમને યથાસ્થાને પાછા સુખરુપ ગોઠવી દીધા. ઘટનાનું પુનરાવર્તન ન થાય તે શુભાશયથી , સાંજે અમને ચાવીની બીજી કોપી પણ મળી ગઇ !

પણ એ અડધોએક કલાકની કેનેડાની પહેલી સવાર જીંદગીભર યાદ રહી જશે.

[ એક મીત્રની આપવીતી પર આધારીત સત્યકથા ]