વલીદા, કૃતેશ અને હું જનાબ નસિર ઈસ્માઈલીને (નઈ)મળવા ગયેલા એ યાદગાર સાંજની આ વાત છે.

વાત તો અમારે એમની પાસે એમની સાહિત્યયાત્રાની સાંભળવી હતી. એમની સંવેદનાના સૂરો પાછળની ભીતરી સંવેદના સમજવી હતી.
પણ વાત કોઈ જૂદા જ પાટે ફંટાઈ ગઈ. એમ બન્યું કે, વલીદાએ તા. 16 ડિસેમ્બરના રોજ યોજેલા સાહિત્યરસિકોના મિલન સમારંભમાં હાજર રહી વિશેષ મહેમાન તરીકે હાજર રહેવા નિમંત્રણ આપ્યું. મેં અને કૃતેશે પણ એમાં ટાપશી પૂરાવી.
ન.ઈ. –” વાત તો બહુ મજાની હે; પણ ઇચ્છા થશે તો જરૂર આવીશ.”
મેં કહ્યું,” તમને વાત મજાની લાગે છે, એટલે ઇચ્છા થઈ જ ગણાય ને?”
ન.ઈ.- “વાત મારી ઇચ્છાની નથી. દાદાની ઇચ્છાની છે.”
અમે ચોંકી ગયા. ૬૭ વર્ષના ન.ઈ.નાય દાદા હાજર છે?
તેમણે ચોખવટ કરી,” આ દાદા.”
અને એમની પાછળ ભીંત પર લટકતા ‘દાદા ભગવાન’ના કેલેન્ડર તરફ હાથ લાંબો કર્યો.

અને ત્યારે અમને ખબર પડી કે મુસ્લિમ ધર્મના આ ખોજા મોશાય દાદા ભગવાનના ‘મહાત્મા’ પણ છે.
અને આખી સાંજ એમના દાદા ભગવાન સાથેના સત્સંગની / દાદા પ્રત્યે તેમના અનહદ અનુરાગની વાતો સાંભળવામાં જ વીતી ગઈ.
કેવી અદ઼્ભૂત એ વાત હતી, જ્યારે ન.ઈ.એ એમના પોપટિયાવાડ( દરિયાપુર, અમદાવાદ) ખાતેના નિવાસસ્થાને દાદાની પધરામણી કરાવેલી? વાચકોની જાણ સારૂ …….. પોપટિયાવાડનો એ વિસ્તાર અમદાવાદનો નામચીન વિસ્તાર છે. ન.ઈ.ના ઘરથી ચોથે જ ઘેર એ વિસ્તારનો નામચીન ગુંડો અબ્દુલ વહાબ રહેતો હતો!
અમદાવાદની સાંકડી પોળનું એ મકાન – નાની ગલી અને જૂનાં, પુરાણાં, બંધિયાર મકાનો. અને બધી વસ્તી ચુસ્ત મુસ્લિમ.
ન.ઈ. એ વખતે બહુ ભીડમાં, બહુ જ આકરા પરિતાપથી ભરેલી જીવન અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હતા. કોઈ આશાનું કિરણ નજરે જ ન પડે. ચારે બાજુથી ઘેરાઈ ગયેલા. અંત વિનાના, અંધારઘેર્યા બોગદામાં સલવાયેલા. અને એમને ક્યાંક દાદા ભગવાનનો સત્સંગ માણવા મળ્યો. ( મારી ભૂલ ન થતી હોય તો, ન.ઈ.એ એમ કહેલું કે, એમના ખાસ મિત્ર અને જાણીતા ગુજરાતી સાહિત્યકાર શ્રી. રાધેશ્યામ શર્માએ એમને એ રસ્તે દોરેલા.) ભાવાવેશમાં આવીને ન.ઈ. તો દાદાની પધરામણી પોતાને ઘેર કરવાનું ઈજન આપી બેઠા.
ઘેર આવ્યા બાદ અને એ નશો ઉતરતાં એમને ભાન થયું કે, કેટલી ખતરનાક રમત એ રમી ચૂક્યા હતા? પોતાના આવા વિસ્તારમાં એક બિન મુસ્લિમ સંતને બોલાવવા, એમનો આદર સત્કાર કરવો; એ વાઘની બોડમાં હરણને લઈ આવવા જેવી બાબત હતી.
આખી રાત એમને ઉંઘ ન આવી. દાદા પોતે ના પાડે , તેવી અલ્લાને ઈબાદત કરી.
પણ દાદા જેમનું નામ? એમની ‘હા’ની ખબર બીજા દા’ડે આવી ગઈ!
અને ન.ઈ. તો જે મુંઝાણા છે! હવે શું કરવું? ચોક્કસ હુલ્લડનું બી રોપાઈ ગયું! એમના એક ખાસ નાગર મિત્રની સલાહ લીધી. એ મિત્રે તે દિવસે હાજર રહી, મામલો સમાલી લેવાની હૈયાધારણ આપી.
અને તે દિવસ છેવટે આવી પહોંચ્યો.
દાદા શિષ્યોની સાથે પધાર્યા. ન.ઈ.ના ઘરના ટૂટલ ફૂટલ દાદરા પરથી ઉપરના ઓરડામાં એમની પધરામણી કરાવી. બધી બારીઓ બંધ.
દાદા- ‘કેમ આમ બારીઓ બંધ રાખી છે?”
ન.ઈ. (સંકોચથી) – “શેરીનો ઘોંઘાટ ન આવે અને શાંતિમાં સત્સંગ થાય ને?”
દાદા – ‘ના, ના, ચોખ્ખી હવા અને ઉજાસ આવવા દો ને.”
કમને બારીઓ ખોલી નાંખી અને ભજન કિર્તન અને ચરણવિધી શરૂ થયા. પોળનાં આજુબાજુનાં મકાનોમાંથી પાડોશીઓ આ તાસીરો જોવા ડોકિયાં કરવા લાગ્યા.
ન.ઈ.નો જીવ તો તાળવે ચોંટેલો!
અને આજુબાજુની વસ્તીને પણ ભજનનો લય ગમ્યો; અને તાલમાં તાળીઓ પડવા લાગી.
રંગે ચંગે સત્સંગ તો પતી ગયો. પાડોશીઓને પણ પ્રસાદ વહેંચ્યો અને સૌએ ભાવથી આરોગ્યો પણ ખરો.
હવે દાદાની આખી ટોળી તાળીઓ અને મંજીરા નિનાદ સાથે ‘દાદા ભગવાનનો અસીમ જયજયકાર હો! ‘ ગાતી શેરીમાંથી પાછી વળી.
ન.ઈ. તો એમ કે હવે કાંઈક અજૂગતું ન બને તો સારૂં. આ થોડું એમનું ઘર હતું? એ તો હતો… પોપટિયાવાડનો જાહેર વિસ્તાર.
શેરીના નાકે આ હાઉસન જાઉસન પહોંચ્યું. નાકે જ સ્થાનિક મસ્જીદના મૌલવી આ તાસીરો જોતા ઊભા હતા.ન.ઈ. ને તો ….’ઉપર આભ અને નીચે ધરતી.’
પણ સદ્ભાગ્યે કશી ધાંધલ ધમાલ ન થઈ, અને દાદાની પાર્ટી તો વિદાય થઈ ગઈ.
પેલા મૌલવી કહે,” ये आदमी कौन था?”
ન.ઈ. અને નાગર મિત્ર તો અસમંજસમાં ચૂપ.
ત્યાં મૌલવી જ બોલી ઊઠ્યા,
” जो भी था, अल्लाका ओलिया था |”
————————–
ન.ઈ.એ આ વાત પતાવી અને અહોભાવથી આખો પ્રસંગ અમારી સામે જ બની ગયો હોય, તેવા ભાવસમાધિમાં અમે ડૂબી ગયા. પછી તો કમ સે કમ એક કલાક ન.ઈ.ના આધ્યાત્મિક અનુભવોની વાતોના માહોલમાં જ અમે તરબતર થતા રહ્યા.
કેવો ગળી ગયેલો માણસ? કોઈ વહેમ કે માન્યતાઓનાં વમળ નહીં. અહંકાર સાવ ઓગળી ગયેલો.
એમની ઘણી બધી ચોપડીઓ પસિદ્ધ થઈ છે, અને હજી ઘણી બધી છપાવી શકાય એટલું સર્જન ન.ઈ.એ કરેલું છે. પણ હવે એમને પ્રસિદ્ધિનો કોઈ મોહ નથી.
સતત જાત સાથે રહેતા આ સાંસારિક સંતને અમે મનોમન નમી રહ્યા.
શ્રી. નસિર ઈસ્માઈલીનો પરિચય અહીં વાંચો.
વાચકોના પ્રતિભાવ