30 મે, 2009, ટ્રેન્ટન, ન્યુ જર્સી
( ગાર્ડન સ્ટેટ તરીકે જાણીતા રાજ્યનું પાટનગર )
સાંજના આશરે ચાર વાગ્યા છે. મારા માનીતા લેખક, મારા સર્જનગુરુ, અને વ્હાલસોયા સ્વજન જેવા શ્રી. હરનિશ જાનીને એમના ઘરમાં પ્રત્યક્ષ મળવાનો અભરખો સંતોષી, એ સંતોષના ઓડકારને પચાવતો હું બે ઘડી વીરામ કરવા માંડ આડો પડ્યો છું. મારો પરમ મીત્ર રાજેન્દ્ર, તેની પત્ની ગીતા, હરનિશ ભાઈ અને હરનિશ ભાઈનાં પત્ની હંસાબેન પણ પોરો ખાવા આડા પડેલા છે.
ત્યાં જ ઘરની ઘંટડી રણકી ઉઠે છે. એ લોકો આવી ગયા છે. હું ઝટપટ તૈયાર થઈ દીવાનખંડ તરફ પ્રયાણ આદરું છું. આંગણામાં એક વયોવૃધ્ધ વ્યક્તી બીજા ત્રણ જણ સાથે દૃષ્ટીગોચર થાય છે. એ છે – જેમની અમે આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યા હતા; તે શ્રી. પ્રદ્યુમ્ન તન્ના. તેમની સાથે આકર્ષક વ્યક્તીત્વવાળાં અને દેખીતી રીતે વયમાં તેમનાથી ઘણાં નાનાં, તેમનાં ઈટાલીયન પત્ની રોઝાલ્બા, શ્રી. કિશોર રાવળ અને શ્રીમતી કોકીલા રાવળ પણ ઘરમાં પ્રવેશ કરે છે.

શ્રી. પ્રદ્યુમ્ન તન્ના અને રોઝાલ્બા

રાજેન્દ્ર ત્રીવેદી, કિશોર રાવળ, હરનિશ જાની

હંસા જાની, કોકીલા રાવળ, ગીતા ત્રીવેદી
શ્રી. કિશોર રાવળનો પરીચય થતાં જ મન અહોભાવથી છલકાઈ ઉઠે છે. કલાગુરુ સ્વ. રવિશંકર રાવળના ભત્રીજા, અને તેમના જીવન અને કવનને ઉપસાવતી, માહીતી અને ચીત્રસભર વેબ સાઈટના સર્જક, ફુલગુલાબી ચહેરા વાળા કિશોરભાઈ, ઈન્ટરનેટ ઉપર મેં જોયેલી સૌથી પહેલી વેબ સાઈટ ‘કેસુડા ડોટ કોમ’ ના જનક છે. મારી આંગળીઓને પહેલીજ વાર નોન યુનીકોડ, ‘ગુજરાઈટી’ સોફ્ટવેર વડે કોમ્પ્યુટરના મોનીટરના સ્ક્રીન પર ગુજરાતી અક્ષર ઉપસાવવા માટે સક્ષમ બનાવનાર પણ એ જ છે. મારા ગુજરાતી લેખનશોખના પાયામાં તેમનું પ્રદાન યાદ કરી મન મહોરી ઉઠે છે.
ઔપચારીક વાતચીત અને ચાપાણી પતાવી, સૌ આતુરતાથી શ્રી. પ્રદ્યુમ્નભાઈને સાંભળવા ટાપીને બેઠા છે. કશીક વાતમાંથી દોર સાધીને, હું એ વાર્તાલાપ શરુ થવાની ક્ષણનો પ્રસવ કરાવવા સફળ બનું છું! પછી ધીમા પણ મક્કમ અવાજે એમનો વાણીપ્રવાહ શરુ થાય છે. તેઓ જોખી જોખીને, લગભગ ચીપી ચીપીને કહી શકાય એ રીતે, બોલતા જાય છે. એમની વાતનો સાર છે –
પ્રદ્યુમ્નભાઈ મુળ સૌરાષ્ટ્રના, પણ પેઢીઓથી ગુજરાતના છેક દક્ષીણ ભાગમાં આવેલા દહાણુંમાં સ્થાયી થયેલા કુટુમ્બમાં જન્મ્યા હતા. તેમની કારકીર્દીનો આરમ્ભ મુંબાઈમાં કાપડની મીલોમાં કપડાંની ડીઝાઈન બનાવવાથી થયો હતો. તેમના મતે, આખા વીશ્વમાં કાપડની અવનવી ડીઝાઈનોના સર્જનમાં ભારતનું ટેક્ષટાઈલ ક્ષેત્ર બેમીસાલ છે. આ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરીને ચીત્રકળાની સાધના માટે તેઓ ઈટાલી ગયા હતા.
ત્યાં કેન્વાસ પર પેઈન્ટીન્ગ કરતાં કરતાં, રસ્તાના સમારકામની આજુબાજુ, નારંગી રંગની, જાળી વાળી આડશના બાકોરામાંથી ઉબડ ખાબડ સપાટીનો ફોટો પાડતાં, તેમને ફોટોગ્રાફી કળાની એક આગવી રીત જડી આવી. ઉપરછલ્લી રીતે સાવ અનાકર્ષક આ પાર્શ્વભુમાંથી એક નવી જ, અને આંખને ગમી જાય તેવી પેટર્ન ઉપસાવવામાં તેઓ સફળ બન્યા હતા. કલાસર્જનની એક નવી જ દીશા તેમણે શોધી કાઢી હતી. પછી તો આ યાત્રા આગળ વધતી જ રહી. ન કલ્પી હોય તેવી જ્ગ્યાઓમાંથી ફોટોગ્રાફીક સૌંદર્ય પ્રગટાવવાની તેમની આગવી સુઝ વીકસતી રહી. ઈટાલી અને અન્ય દેશોના સામાયીકોએ અને કલાસંસ્થાઓએ એમની આ સુઝને આવકારી. તેમને નવું કામ કરવાની અને વીદ્યાર્થીઓને કલાસુઝ કેળવવાની તાલીમ આપવાની તકો સતત મળતી રહી. વીશ્વમાં અનેક જગ્યાઓએ તેમની કલાકૃતીઓનાં પ્રદર્શનો પણ યોજાવા માંડ્યા.
તેમના જીવનના આ પાસાંની સાથે તેમનો કવીજીવ પણ પાંગરતો રહ્યો. કેન્વાસ અને ફોટોગ્રાફીક પ્લેટ પર સૌંદર્ય ફેલાવનાર આ જણ એવી જ સુંદર કવીતાઓ પણ લખતો થયો.
અમારી વાતનો દોર હવે એમની કવીતા તરફ વળે છે. એમના જ અવાજમાં એમની એક કવીતા સાંભળી મન પ્રફુલ્લ બની જાય છે.
લો તમે પણ સાંભળો.
અને ત્યાં જ હરનિશભાઈ સુચન કરે છે કે, ‘અંધારું થાય તે પહેલાં, નજીકમાં જ આવેલી પ્રીન્સટન યુનીવર્સીટીની મુલાકાત લઈએ તો કેમ?’ તરત અમે બધાં હરીયાળીથી ભરચક, આ બહુ જુની અને જાણીતી યુનીવર્સીટી તરફ પ્રયાણ કરીએ છીએ. હરનિશભાઈ અમને યુનીવર્સીટીના વીવીધ સ્થળો બતાવવાના ઉત્સાહથી તલપાપડ છે. પણ પ્રધ્યુમ્ન ભાઈનો અલગારી જીવ તો એમની આગવી શોધમાં જ ભટકે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન જે ઘરમાં રહેતા હતા એની તસ્વીર ઝડપી, 81 વરસના એ યુવાન તો કેમેરા હાથમાં પકડી. અમારાથી દુર છટકી જાય છે; અને અવનવાં સૌંદર્યને ક્લીક કરતા રહે છે!! એમાં ઝાડ, પાન, ઘાસ, ફુલો, મકાનો, બેસવાની પાટલીઓ, સ્ટ્રીટ લાઈટ, બાળક અથવા નવયૌવના પણ આવી શકે છે!

કેમેરાધારી, 81 વરસના યુવાન
હરનિશભાઈ અને કિશોરભાઈ અમને વીવીધ સ્થાનો બતાવતાં પહેલાં કાર પાર્ક કરવા જાય છે. કેમ્પસમાં યોજાયેલા, 1959ની સાલમાં સ્નાતક થયેલા, જુના વીદ્યાર્થીઓના એક સમ્મેલનને કારણે, નજીકમાં પાર્કીન્ગની જગ્યા મળતી નથી. તેને કારણે થયેલી અવઢવને કારણે, અમે સૌ દીશા અને સુકાની વગરની નૌકાની જેમ એક કલાક આમથી તેમ ભટકતા રહીએ છીએ. હરનિશભાઈ તો સીફતપુર્વક આવીને અમારી પાસે પહોંચી જાય છે; પણ ત્યાંના રસ્તાઓથી અજાણ કિશોરભાઈનો ક્યાંય પત્તો નથી. અલગારી રખડપટ્ટી કરનાર અને પોતાના તાનમાં મસ્તાન, બુઝુર્ગ, તન્નાજીને એક શીલ્પ પાસે અમે પકડી પાડીએ છીએ; અને શીલ્પ પાસે ઢગલાબંધ ફોટા પાડી મન મનાવીએ છીએ. રહોડ આઈલેન્ડમાં રહેતા એક વૃધ્ધ અમેરીકન યુગલનો ફોટો પાડી આપતાં, તેમની સાથે વાતચીત શરુ થઈ જાય છે, અને ત્યાં પ્રદ્યુમ્નભાઈનો વીનોદપ્રીય અને સાવ સરળ સ્વભાવ છતો થઈ જાય છે. તેમના મુખમાંથી ઈટાલીની વાતો અને ઈટાલીયન જોક સરતાં રહે છે. યુનીવર્સીટીની દસ પંદર જગ્યાઓ ન જોઈ શકવાનો વીષાદ આ આહ્લાદક વાર્તાલાપમાં ક્યાંય ઓગળી જાય છે.
અને ઘણી તકલીફ બાદ, કિશોરભાઈ સાથે અમારું પુનર્મીલન શક્ય બને છે. પાછા વળતાં પણ પ્રદ્યુમ્ન ભાઈ ઝાડપાનને કેમેરાની આંખ વડે કેદ કરતા રહે છે. અંધારું વધતું જાય છે; અને અમે સૌ હરનિશભાઈના ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. જમી કરીને ચારેય મહેમાનો વીદાય લે છે; ત્યારે ગુજરાતની આ બે આગવી પ્રતીભાઓને મળવાના અને તેમની સાથે સંવાદની અમુલ્ય તક મેળવ્યાના પરીતોષથી મન અભીભુત બની રહે છે.
=======================
તેમનાં કાવ્યો વાંચો
ફોટો/ વીડીયો સૌજન્ય : ડો. રાજેન્દ્ર ત્રીવેદી
મુલાકાતની સમગ્ર વ્યવસ્થા માટે શ્રી. હરનિશ જાની અને શ્રીમતી હંસા જાનીનો હાર્દીક આભાર.
વાચકોના પ્રતિભાવ