સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: યોગ

અફલાતૂન તબીબ, ભાગ-૧૧ ; પ્રાણાયમ

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

     આજે પ્રાણાયમ પરનો એક સ્વાનુભવ વાચકો સાથે વહેંચવો છે. પ્રાણાયમની શાસ્ત્રીય ચર્ચા કરવાનું આ જણનું ગજું નથી; અને એવો કોઈ ઉત્સાહ કે વૃત્તિ પણ નથી.

      વાત જાણે એમ છે કે, ત્રણ મહિનાથી યોગાસન, પ્રાણાયમ, સુદર્શન ક્રિયા અને છેલ્લે શબાસનમાં વિપશ્યનાનો ક્રમ જાળવી રાખ્યો છે. આખી પ્રક્રિયા ૪૫ મિનીટથી ધીમે ધીમે વધારતા જઈ હાલ એક કલાક ચાલે છે. બે મહિના બાદ, એનું સરવૈયું બનાવી મૂક્યું હતું. ( એ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.)

     આ પ્રક્રિયામાં પ્રાણાયમ આશરે ૭ થી ૮ મિનીટ માંગી લે છે. ત્રણ તબક્કાના પ્રાણાયમના બધું મળીને ૨૪ રાઉન્ડ અને ભર્ત્સિકા પ્રાણાયમના કુલ ૬૦ રાઉન્ડ થાય છે.

    છેલ્લા એક અઠવાડીયાથી આ બધા પ્રાણાયમ વજ્રાસનમાં બેસીને કરી શકવા જેવી ક્ષમતા આવી છે. એ અગાઉ તો સુખાસનમાં ( સાદી ભાષામાં પલાંઠીમાં ) બેસીને જ આમ કરી શકતો હતો.

     ગઈકાલે અમારા જિમમાં ગયો હતો. સહેજ પણ આરામ લીધા વિના ૧૨ લેપ તરી શકાયું. ખાસ હાંફ કે થાક પણ વર્તાયા ન હતા. થોડીક વધારે જહેમત ઊઠાવી હોત તો, બીજા બે લેપ પણ થઈ જાત.

     આ પહેલાં કદી ચાર લેપથી વધારે તર્યો નથી; અને એ પણ વચ્ચે ત્રણ વખત આરામ લઈને.

       આ શક્ય બન્યું , તે માટે ચોક્કસ રીતે પ્રાણાયમ અને ઊંડા શ્વાસ લેવાની પડેલી ટેવ જ જવાબદાર છે; એમ કહું તો એમાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

     આપણે યોગિક ક્રિયાઓ સાથે ધર્મ અને ધાર્મિક માન્યતાઓને બિનજરૂરી રીતે સાંકળી લેતા હોઈએ છીએ. પણ, વિજ્ઞાનની રીતે વિચારીએ તો, શ્વાસ એ આપણા શરીરમાં પ્રવેશતું એક પાયાનું ઈનપુટ (ગુજરાતી?) છે.  એ વધારે સારી રીતે કરી શકીએ; પ્રત્યેક શ્વાસ સાથે વધારે પ્રાણવાયુ ( ઓક્સિજન ) ફેફસાંમાં જાય; તો લોહીના લાલ કણો વધારે શક્તિમાન બને , બને અને બને જ. એમાં કશું નવીન છે ખરું?

આથી ખોરાક માટે સભાન બનવાની સાથે
શ્વાસ માટે પણ જાગૃત બનવું એકદમ તાર્કિક નથી?

ત્રણ તબક્કાના પ્રાણાયમનું નિદર્શન અહીં જુઓ.

ભર્ત્સિકા પ્રાણાયમ વિશે વિગતવાર માહિતી.