મૂળ આરંભ
“ચંપકલાલ મારફતિયા” ધીરધાર પેઢીના માલિક ચંપકલાલ યુવાન વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.
ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.
બરાબર ત્રેવીસ વર્ષ પછી સત્યેન્દ્રે MBA( FINANCE) કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.
———————————- તેર તેર શક્ય અંતો વાંચ્યા!
હવે વાંચો છેવટનો અંત!
સત્યેન્દ્ર વિચારતો બેઠો હતો; ત્યાં જ એના રૂમનું બારણું ખૂલ્યું. મુનિમજી ચાર ગુંડાઓ સાથે દાખલ થયા અને લાકડીઓ મારી મારીને સત્યેન્દ્રને અવલ મંજિલ પહોંચાડી દીધો. આ આઘાત ન જિરવી શકાતાં ચંપાબેને આપઘાત કર્યો. મુનિમને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા હવે છૂટ્ટો દોર મળી ગયો.
…
સત્યેન્દ્રે પેઢીનો વહિવટ હસ્તગત કર્યો. એની બાહોશી જોઈ સૂર્યપ્રસાદે રાહતનો દમ ખેંચ્યો અને હરદ્વાર જઈ આત્માના કલ્યાણ માટે ભજન, ધ્યાન જેવી પ્રવૃત્તિઓમાં સમય ગાળવા માંડ્યો.
—
હજુ બીજા બે ચાર શક્ય અંતો મનમાં આકાર લઈ રહ્યા છે !
પણ આ કથા કોઈ જૂદા જ રાહ પર મારા મનમાં ફંટાઈ રહી છે.
આ આમંત્રણને વધારે જાહેરાત અને પ્રચારથી વધારે લોકો સુધી પહોંચાડી શકાયું હોત. દૈનિકોના માધ્યમનો સહારો લઈ, લાખો લોકો સુધી પહોંચાડી શકાયું હોત. અંગ્રેજી, હિન્દી, મરાઠી , તામીલ., સ્પેનીશ … ભાષીઓ સુધી આ ઈજન વિસ્તરી શક્યું હોત.
જાતજાતના લોકોની ભાતભાતની વિચારસરણીને છૂટ્ટો દોર આપી શકાયો હોત. અને એક જ મૂળના, એક જ આરંભવાળા વાર્તાપ્રવાહને સાવ વિભિન્ન દિશાઓમાં વાળી શકાયો હોત.
અનુભવી નિરીક્ષકો પાસે આ હંધીય કથાઓનું વિવેચન કરાવી શકાયું હોત. કાબેલ નિર્ણાયકો પાસે એ સૌનું મૂલ્યાંકન કરાવી ઈનામો આપી શકાયાં હોત.
પણ .. એમ નથી કરવું – નથી કર્યું !
હવે તો આખાયે પ્રયોગ પર સુરેશ જાની બ્રાન્ડ ‘અવલોકન’ કરવાનો વખત આવી પૂગ્યો છે!
…………….
જીવનની બધીયે વાર્તાઓનું મૂળ એક જ. શ્રી. દિનેશ વકીલ જેવા કો’ક સર્જકને એક દી’ દિવ્ય કે દુષ્ટ વિચાર આવ્યો અને સર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. એની ચરમસીમાએ માનવજીવ સર્જાયો અને લો! બધીયે ઘડભાંગ શરૂ. એક જ પ્રસંગ અને અનેક અંત. અનેક વિચાર ધારાઓ, અનેક સંસ્કાર. અનેક ભાષાઓ, ધર્મો, રિવાજો, રસમો, રીતભાતો. અનેક મૂલ્યાંકનો. જ્ઞાન અને વિજ્ઞાન. યુદ્ધ અને વિનાશ. વિજય અને હાર. વિકાસ અને આગેકૂચ. સંસ્કૃતિઓનો પ્રાદુર્ભાવ, ઉત્થાન અને પતન. અનેક સુધારકો, વિચારકો, પેગંબરો, રાજાઓ, સમ્રાટો, સેનાપતિઓ આવ્યા અને ગયા. નકશાઓ બદલાતા રહ્યા. વાતાવરણ અને પર્યાવરણ પલટાતાં ગયાં. અનેક રૂપે નવી નવી વાર્તાઓ આકાર લેતી ગઈ. જીવનની જટીલતા વધતાં માનવજીવનના સ્ફટિકમાં અનેક પાસાં ઊમેરાતાં ગયાં.
આ જ તો છે. માનવ મનના મેઘધનુષ્યના રંગો. અરે! એ સાત રંગો તો શું? પેઈન્ટ શોપની કલર પેલેટના હજારો રંગોને પણ રજકણ સમાન બનાવી દે; તેવાં આ અફલાતૂન માનવ મનના રંગો છે. એની કથા હજારો મહાભારતને પણ પાછા પાડી દે તેવી મહાકાય છે.
ધન્ય છે શ્રી. દિનેશ વકીલને – ભૂલ્યો એ અજાણ્યા અણદીઠ સર્જકને – જેણે આ ગુરુકથાના નાયક જેવા માનવ જંતુનું સર્જન કર્યું. કદાચ એ પણ પસ્તાતો હશે.
જો કે, આપણા દિનેશ ભાઈ તો આ પ્રયોગથી બહુ ખુશ છે, એવો ઈમેલ સંદેશ મળ્યો છે !!
વાચકોના પ્રતિભાવ