સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: લઘુનવલ

કોટવેથી મેનહટન

        ‘વેબ ગુર્જરી’  માટે શ્રી. વલીભાઈ મુસાના પ્રૂફ રિડિંગ સાથે આ સત્યકથા લઘુનવલ તરીકે લખી અને પ્રકાશિત થઈ ત્યારે  એની ઈ-બુક બનાવવાનો આછો પાતળો ખ્યાલ હતો. પછી તો એ વાત વિસરાઈ જ ગઈ. પણ એ અડધી બહાર પડી ત્યારે પ્રતિલિપિ વાળાં કુ. સહૃદયી મોદીએ એને ઈ- બુક તરીકે પ્રતિલિપિ પર મુકવાનું નક્કી કર્યું હતું. કાળક્રમે બહેનની એ વાત પણ ભુલાઈ ગઈ.

     પણ આજે જ એકાએક  ખબર પડી કે, આ કામ એવણે કરી દીધું છે. આ રહ્યું…

km

આ ચિત્ર પર ક્લિક કરો

હાર્દિક આભાર – પ્રતિલિપિ ટીમનો.

આ બ્લોગ પર એ લઘુનવલ આ રહી, જે અલગ અલગ પ્રકરણ તરીકે ત્યાં વાંચી શકાશે.

એક સંવેદન શીલ જણ

સાભાર – શ્રી. વિનોદ પટેલ, ફેસબુક!

sensitive

કોટવેથી મેનહટન – આખરી જાહેરાત

રવિવાર તા. ૨૦, સપ્ટેમ્બર- ૨૦૧૫ ના રોજ આ લઘુનવલનું વેબ ગુર્જરી પર સમાપન થયું.

આભાર
‘વેબ ગુર્જરી’ નો
અને ખાસ તો
બંધુ સમાન મિત્ર
શ્રી. વલીભાઈ મુસાનો. 

     બધાં પ્રકરણોનું વિહંગાવલોકન કરતાં – ‘વેબ ગુર્જરી’ પર સરેરાશ ૭૯ વાચકોએ આ લઘુનવલનો આસ્વાદ લીધો.  એ સૌ વાચકોનો દિલી આભાર.   જે વાચકમિત્રોએ પ્રતિભાવ આપીને આ લઘુનવલમાં ઊંડો રસ લીધો છે – એ સૌનો વધારે દિલી આભાર.

     પણ આ વાર્તા લખવા પાછળનું પ્રયોજન સિદ્ધ થયું કે નહીં – તે ચકાસવાની કોઈ પારાશીશી ઉપલબ્ધ નથી!

ખેર… એ કારણ ફરીથી દોહરાવીને ……. અલવિદા

     આપણને પણ એવો ભાવ જાગી આવે કે સમાજનાં આવાં કચડાયેલાં દુ:ખીજનો માટે આપણે કાંઈક કરીએ. એવાં અનેક બાળકો હશે જ કે જેમનામાં ફિયોનાના જેવી શક્તિઓ સુષુપ્ત પડી હોય! એવા પણ સમાજસેવકો હશે કે જેમનામાં આવી શક્તિઓને બહાર લાવવાની તમન્ના હોય ! એમની તમન્ના એ પણ હોય કે આવી ઝળહળતી સફળતા ન પામી શકે, તો પણ એ હતાશ, નિર્માલ્ય બાળકોમાં ખુમારીથી જીવન જીવવાની તમન્ના જાગી ઊઠે; સમાજ માટે બોજારૂપ બનવાને બદલે સમાજમાં એમનું નાનકડું પ્રદાન આપીને સારા સ્વાસ્થ્ય સાથે સુખી જીવન જીવતાં નાગરિકો બને. આવો ભાવ આપણામાં જાગે તે અંતરની આશા છે. આપણે એ આશાની મશાલને પ્રજ્વલિત બનાવતાં રહીએ.

અસ્તુ.

બધાં પ્રકરણો અહીં ….

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૮ , કોટવેની રાણી

       ચેસની રમત –સમૃદ્ધ સમાજોમાં પણ છેવાડાની રમત – ખૂણેખાંચરે, નાનકડા ટેબલ પર રમાતી રમત – ટીવી અથવા બીજા કોઈ પ્રસાર માધ્યમોમાં કદી ન દર્શાવાતી રમત. તો પછી વીસ વીસ વર્ષથી આંતરવિગ્રહ અને દારૂણ દરિદ્રતામાં સબડતા, સાવ છેવાડાના, યુગાન્ડા જેવા દેશની રમતની આ વીરાંગનાની કથા આપણા સુધી શી રીતે આવી રહી છે?

       આ પ્રશ્ન કદાચ ઘણાંને પ્રાસ્તાવિક વેળાએ થયો હશે! અને આ પ્રશ્ન બહુ જ સ્વાભાવિક પણ છે. છેલ્લા ચરણમાં આવી પહોંચેલી આ કથા આગળ વધારીએ, તે પહેલાં આ શંકાનું સમાધાન કરીએ.

      જ્યારે યુગાન્ડાની ટીમ સુદાનથી પાછી આવી, ત્યારે કોટવેના ચેસ પ્રૉજેક્ટને શરૂઆતથી જ સબળ ટેકો આપનાર અને સ્પોર્ટ્સ આઉટરીચ, યુગાન્ડાના પ્રમુખ રોડની સુદીથને ફિયોના અને તેના બે સ્લમ સાથીઓની આ પ્રગતિને ઉજાગર કરવાનું સૂઝ્યું. રોડનીએ તેમના સમાચાર પત્ર (Newsletter)માં આ ત્રણ જણની કોટવેના સ્લમથી સુદાનમાં સફળતા સુધીની સફરનું બહુ જ ટૂંકમાં વર્ણન કર્યું. અમેરિકામાં આ સમાચાર પત્ર ટ્રોય બુડરના વાંચવામાં આવ્યો. હંમેશાં કરતો હતો, તેમ તેણે આ પત્રને કચરાપેટીમાં ઉશેટી દીધો. પરંતુ રાતે ઘેર ગયો, ત્યારે તેને આ સફરની અદભુતતા માટે કુતૂહલ થયું. આ વિચારનો કીડો તેના મનમાં ઘુમરાતો જ રહ્યો. બીજા દિવસે તેણે કચરાપેટામાંથી એ લેખ કાઢ્યો અને બરાબર ધ્યાનથી વાંચ્યો. ત્રણ ચાર મહિના પછી, દલિત લોકોના પ્રશ્નો અંગેના એક સેમિનારમાં તેનો મિત્ર ટીમ ક્રોથર્સ આવા જ એક વિષય પર વ્યાખ્યાન આપી રહ્યો હતો. એ વ્યાખ્યાન પતી ગયા પછી, ટ્રોયે તેને આ વાત કરી. લેખક હોવાના સબબે ટીમને તો આ વાતમાં બહુ જ રસ પડ્યો. તેણે પણ એ સમાચાર પત્ર વાંચ્યો.

       હવે ટીમની ઊંઘ હરામ થઈ ગઈ. (આ રૂપાંતરકારની થઈ ગઈ હતી, તેમ જ તો!) તેણે આ અંગે સંશોધન કરીને એક પુસ્તક લખવાનો પ્રસ્તાવ ESPN આગળ મૂક્યો. ESPNના મેગેઝિન વિભાગના વડા બી. મોરિસને પણ એવો જ રસ પડ્યો. સપ્ટેમ્બર -૨૦૧૦ના ખેન્તિ મેન્સિયાક ઓલિમ્પિયાડમાં ફિયોનાએ લીધેલ ભાગના અછડતા સમાચાર મોરિસે સાંભળ્યા હતા. તેણે તરત ચક્રો ગતિમાન કર્યા અને ટીમ કમ્પાલા પહોંચી ગયો. જ્યારે તે રોડની, ફિયોના અને કટેન્ડેને મળ્યો; ત્યારે તેને ખ્યાલ આવી ગયો કે ફિયોનાની સફર તે સમાચાર પત્ર કરતાં તો ઘણી વધારે ઊંડી હતી. તે તો બરાબર ખાઈ ખબુસીને ફિયોના, કટેન્ડે, રોડની અને બીજાં બધાંનાં જીવન અને કવનની કડીઓ ભેગી કરવા મચી જ પડ્યો. ખૂટતી વિગતો મેળવવા તે ઓગસ્ટ-૨૦૧૧માં ફરી વખત કમ્પાલા ગયો. કટેન્ડે અને રોડનીએ આપેલી વિગતોના પ્રતાપે આ કથામાં તે વાસ્તવિકતા ભારોભાર ઠાંસી શક્યો.

      છેવટે તેની અથાક મહેનતના પરિણામે ઓક્ટોબર-૨૦૧૨માં જગતને ‘‘કોટવેની રાણી’ પુસ્તક મળ્યું. પ્રગટ થતાંની સાથે જ આ પુસ્તકે તો જબરી હિલચાલ મચાવી દીધી. જે વાતની કમ્પાલાના બહુ જ થોડા લોકોને ખબર હતી, તે વાત જગજાહેર થઈ ગઈ અને આ લખનારના વાંચવામાં આવ્યા પછી ‘વેગુ’ના ફલક પર પ્રસિદ્ધ થવાનું સૌભાગ્ય તેને સાંપડ્યું છે.

      ભારતીય મૂળનાં જાણીતાં દિગ્દર્શક મીરાં નાયરે, આ પુસ્તક પરથી એક ડોક્યુમેન્ટરી બનાવી છે.( A Fork, A Spoon & A Knight) અને ડિઝની ફિલ્મવાળાઓએ આ પુસ્તક પરથી પૂર્ણ લંબાઈની ફિલ્મ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે.

……

હવે વાર્તા આગળ વધારીએ….

        ખેન્તિ મેન્સિયાસ્ક પછી તરત જ ઘરઆંગણે ભણતર માટે ૭૫ ડોલર (વાર્ષિક)ની એન્ડ્રુ પોપ મેમોરિયલ સ્કોલરશીપ ફિયોનાને મળવા લાગી હતી. વધારે સંખ્યામાં બાળકો ભાગ લઈ શકે, તે માટે કટેન્ડેનો ચેસ પ્રૉજેક્ટ કોટવેમાં જ આવેલા અગેપ ચર્ચના મોટા હોલમાં ખસેડાયો હતો. એ કહેવાની જરૂર છે ખરી કે, ફિયોના તેમાં કોચ તરીકે સેવા આપતી થઈ ગઈ હતી?! એટલું જ નહીં, કમ્પાલાનાં અતિ શ્રીમંત કુટુંબોનાં બાળકોને ઘેર જઈને પણ ફિયોના ચેસની રમત શીખવાડતી થઈ ગઈ હતી.

     વિશ્વ ફલક પર પણ ફિયોનાની સફર જેટ ગતિએ આગળ વધતી રહી. ઇસ્તમ્બુલ (તુર્કસ્તાન) ખાતે રમાયેલી ૪૦મી ઓલમ્પિયાડમાં ફિયોનાએ વધારે સારો દેખાવ કર્યો હતો; અને તેને Woman Candidate Master (WCM) નો ઇલ્કાબ એનાયત થયો હતો. ટ્રોમ્સ, નોર્વેમાં યોજાયેલી ૪૧મી ઓલિમ્પિયાડમાં પણ તેણે ભાગ લીધો હતો.

    પરંતુ પુસ્તકના પ્રકાશન બાદ તો તે જગજાહેર બની ગઈ હતી. આજની તારીખ સુધીમાં તેણે અમેરિકાની ત્રણ વખત મુલાકાત લીધી છે, જે પૈકીની એક તો વિશ્વના ધનાઢ્ય ગણાતા એવા બિલ ગેટ્સ દ્વારા સ્પોન્સર્ડ થઈ હતી. વળી ૨૦૧૩માં તો ન્યુયોર્કના વૈભવશાળી મેનહટન વિસ્તારમાં તેના હીરો – વિશ્વ વિખાત, ચેસ ગ્રાન્ડ માસ્ટર ગેરી કાસ્પારોવ સાથે પણ એક મૈત્રી રમત રમવાનો લ્હાવો તેને મળ્યો.

ડોક્યુમેન્ટરી

તેનું પોતાનું કથન

કાસ્પારોવ સાથેની રમત

          ફિયોનાની આ વિવિધરંગી સફરના સમાપન વેળાએ સૌ વાચકો જોગ એક દર્દભરી વિનંતી વ્યક્ત કરવાની આરજૂ રોકી શકાય તેમ નથી.

       આપણી આજુબાજુ થોડીક જ નજર લંબાવીએ; તો ફિયોના, બેન્જામિન, ગ્લોરિયા, બ્રાયન, નાઈટ, હેરિયેટ અથવા કટેન્ડે હાજરાહજૂર જોવા મળી જાય એમ ન બને? આ કથા વાંચ્યા પછી, શું આપણે આપણી આંખો અને બધી સંવેદનાઓ બંધ રાખી શકીશું ખરાં?

     વિચારી જોજો.

(સંપૂર્ણ)

સંદર્ભ

વિકિપિડિયા પર

ફિયોનાની વેબ સાઈટ

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૭, ખેન્તિ મેન્સિયાસ્ક

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

         નૈરોબી (કેન્યા) અને અને દુબાઈમાં પ્લેન બદલીને કટેન્ડે, ફિયોના અને યુગાન્ડાની બીજી ચાર યુવતીઓ રશિયાના મધ્ય ભાગમાં આવેલા ખેન્તિ મેન્સિયાસ્ક પહોંચ્યાં, ત્યારે કોઈક સાવ અજાણ્યા ગ્રહ પરની ધરતી પર તેમણે પગ માંડ્યો હોય, તેવી લાગણી તેમને થઈ. કોટવે તો શું – ક્યાં કમ્પાલાના પછાત આફ્રિકન દેશની ધરતી અને ક્યાં દુબાઈના એરપોર્ટની માયાવી નગરી? અને ક્યાં સાઇબિરિયાના સ્ટેપ્સમાં એકલું અટૂલું ખેન્તિ મેન્સિયાસ્ક?

       ખેન્તિ મેન્સિયાસ્ક – રશિયા અને સાઈબિરિયાને છૂટા પાડતી યુરલ પર્વતમાળાનો પૂર્વ ઢોળાવ ઉતરતાં અને સાઇબિરિયાના પશ્ચિમ ભાગમાં આવેલું, મહાન ઓબ નદીને દક્ષિણમાં મળતી ઈર્તિશ નદીના પૂર્વ કાંઠે વસેલું, માંડ ૮૧,૦૦૦ ની વસ્તી ધરાવતું, પેટ્રોલિયમ બુમ ટાઉન. તેનું સરેરાશ ઉષ્ણતામાન -૧ અંશ સે., અને ઓછામાં ઓછું માત્ર -૪૯ અંશ સે.! ઇર્તિશ નદી તો શિયાળામાં ઠરી જ જાય. એની પર અને બાજુના પર્વતોના ઢોળાવો પર સ્કીઈંગ કરવાના ધખારાવાળા ત્યાં ધસી જાય અને એકેય હોટલમાં શિયાળામાં જગ્યા ન મળે!

     પંદરમા માળે આવેલા હોટલના રૂમમાંથી ફિયોનાએ નજર માંડી, તો નીચે કીડીમંકોડા જેવાં કો’ક કો’ક રડ્યાંખડ્યાં વાહનો જ દેખાતાં હતાં. આખો રસ્તો સાવ નિર્જન અને છીંક આવે તેવો ચોખ્ખો હતો. હોટલથી થોડેક જ દૂર એકેય વાહન ન હોય તો પણ, ચાર રસ્તા પરનો ટ્રાફિક સિગ્નલ લીલો, પીળો અને લાલ થતો રહેતો હતો! કદીક કોઈ વાહન આવી ચઢે તો પણ તે લાલ લાઈટ જોઈ, અચૂક થોભી જતું હતું. ફિયોનાને કોટવેના ધૂળિયા રસ્તાઓમાં કોઈ રોકટોક વિના ઘૂમતાં વાહનો યાદ આવી ગયાં. એવા એક વાહન સાથે અથડાતાં માંડ હેરિયેટ બચી ગઈ હતી,તે પણ તેને યાદ આવી ગયું. અહીંના લોકોની મુર્ખામી પર તે હસી પડી. તેણે બહારની હવા માણવા બારી સહેજ જ ખોલી અને થીજી જવાય એવી ઠંડી હવા રૂમમાં ઘૂસી ગઈ.

     આવા આ શહેરમાં ત્યાંની ઉગરા ચેસ એકેડેમીના સૌજન્યથી ૨૦૧૦ના સપ્ટેમ્બર મહિનામાં ચેસ ઓલિમ્પિયાડ યોજાઈ હતી. એમાં ૧૧૫ દેશો અને ૧૩૦૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં સ્ત્રીઓ માટેની સ્પર્ધામાં યુગાન્ડાની પાંચ મહિલાઓ હાજર રહી હતી. ફિયોના આ બધામાં સૌથી નાની હતી- માત્ર ચૌદ જ વરસની. યુગાન્ડા ૧૯૮૦થી ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેતું આવ્યું હતું; પણ આ પહેલી જ વાર યુવતીઓ માટેની સ્પર્ધામાં તેણે ખેલાડીઓને મોકલ્યા હતા.

      આટલા બધા ખેલાડીઓ હોવાના કારણે અહીં ઓલિમ્પિક નિયમો પ્રમાણે ચાર કક્ષાનાં ટેબલો પર અલગ અલગ દેશોના ચાર કક્ષાના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા થતી હતી – પહેલા ટેબલ પર ઉચ્ચ કક્ષાના ખેલાડીઓ અને ચોથા ટેબલ પર નિમ્ન કક્ષાના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાઓ. ફિયોનાના રેન્કિંગ પ્રમાણે તે બે નમ્બરના ટેબલ માટે નિયુક્ત થઈ.

     વિશાળ ટેનિસ સ્ટેડિયમમાં ટુર્નામેન્ટ શરૂ થઈ, બીજા દિવસે ફિયોનાએ એક નાનકડી ભૂલ કરી અને સામેવાળી તાઇવાનની યુવતીના ફાંસલામાં તે એવી તો જકડાઈ ગઈ કે તેણે હાર કબૂલ કરવી જ પડી. તે રાતે તે ઊંઘી ન શકી અને સતત રડ્યા જ કર્યું.

     પણ હવે તેને સમજાયું હતું કે આફ્રિકામાં રમવું એ એક વાત હતી અને વિશ્વ કક્ષાના ખેલાડીઓ સાથે ઓલિમ્પિયાડમાં રમવું એ બીજી વાત હતી. ત્રીજા દિવસે તેની મૂળ સ્વસ્થતા પાછી આવી ગઈ હતી, પણ ઇજિપ્તની મોના ખાલેદની રમતિયાળ ચાલો જોઈ ફિયોનાનો વિશ્વાસ ખૂલી ગયો અને એ અતિ વિશ્વાસમાં તે ફરીથી ભૂલ કરી બેઠી. મોનાની કુશળ ચાલો આગળ તેણે ફરીથી હાર કબૂલ કરવી પડી. પણ હવે તેણે હિંમત હાર્યા વિના કટેન્ડેને વિશ્વાસ અપાવ્યો કે હવે તે જીતીને જ રહેશે.

     છેક નવમા દિવસે તેના નસીબે યારી આપી અને ઇથિયોપિયાની એબેરા સામે તે જીતી શકી.

     યુગાન્ડાની છેલ્લી રમતમાં ફિયોનાને એક નંબરના ટેબલ પર મોઝામ્બિકની વેનિયા ફોસ્તો સામે રમવાનું થયું. કટેન્ડેને હવે થઈ ગયું કે આમાં તો ફિયોનાને જીતવાની કોઈ જ શક્યતા ન હતી, પણ આશ્ચર્યજનક રીતે ફિયોના હવે પરાજયને સ્વીકારવા જેટલી સ્વસ્થ અને મજબૂત બની ગઈ હતી. બધાંના આશ્ચર્ય વચ્ચે એ રમતમાં વેનિયાની બાજી પાછી પડતી ગઈ અને તેણે ફિયોના પાસે ડ્રોની માગણી કરવી પડી. ફિયોના માટે આ સૌથી મોટો વિજય હતો. રમતના હોલમાંથી બહાર આવીને ફિયોનાએ પોતાનો દબાવી રાખેલો વિજયોલ્લાસ મુઠ્ઠીઓ ઊંચી કરીને અને હર્ષોલ્લાસની રણહાક પાડીને માણી લીધો. હવે ઓલિમ્પિયાડમાં પણ જીતી શકાય તેવો આત્મવિશ્વાસ તેણે મેળવી લીધો હતો.

     પરંતુ એકંદરે યુગાન્ડાનો દેખાવ નબળો જ રહ્યો. જીતેલા પહેલા દસ દેશોમાં પણ યુગાન્ડાનું નામ તમે નહીં વાંચી શકો. આફ્રિકાનો કોઈ દેશ કે ભારત પણ નહીં! ટુર્નામેન્ટના છેલ્લા દિવસે, એવોર્ડ આપવાના ભવ્ય જલસામાં ફિયોના અને કટેન્ડે સમેત યુગાન્ડાના બધા ખેલાડીઓ બહુ જ નિરાશ થઈ ગયા. તેમને કોઈ ટ્રૉફી કે મેડલ મળ્યાં ન હતાં, પણ યુગાન્ડાના બધા ખેલાડીઓમાં ફિયોનાનો દેખાવ સૌથી વધારે સારો રહ્યો હતો. એક નંબરના ટેબલ પરની તેની જીતે હવે પછીની ઓલિમ્પિયાડ માટે તેનું સ્થાન નિશ્ચિત બનાવી દીધું હતું. વિશ્વના ફલક પર ફિયોનાનું નામ જાણીતું કરવા માટે આ સ્પર્ધા ઓટલા પરના ઉમરા જેવી બની રહી.

     વતન પાછા આવ્યા બાદ ફિયોનાની શાળામાં તો મોટો ઉત્સવ યોજાઈ ગયો હતો. શાળાની નજીકના પેટ્રોલ પમ્પ પરથી ભાડે લાવેલી કારમાં ફિયોનાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો! રસ્તાની બન્ને બાજુ લોકોનાં ટોળેટોળાં તેનો સત્કાર કરવા કલાકોથી ઊભાં રહ્યાં હતાં અને હાથથી બનાવેલાં પોસ્ટરો ફરકાવતાં હતાં. તેને મળેલી ભથ્થાની રકમમાંથી તે આખી નિશાળનાં છોકરાંઓ માટે, નવાઈ પમાડે તેવી રશિયન કેન્ડી લાવી હતી.

     કોટવેના તેના ઘરમાં ફિયોનાનો મિજાજ હવે સાવ બદલાઈ ગયો હતો. સુદાનથી પાછા આવ્યા બાદનો વિષાદ હવે સદંતર ગાયબ થઈ ગયો હતો. તે એક પૂરા અઠવાડિયા સુધી રાતના અંધારામાં અને ગાભાની ગોદડી પર સૂતાં સૂતાં બ્રાયન અને રિચાર્ડને સાઇબિરિયા, થીજાવી નાંખે તેવી ઠંડી, વિમાની મુસાફરી, ભવ્ય હોટલ અને ટુર્નામેન્ટની રસભરી વાતો કરતી રહી. જ્યારે તેણે કહ્યું કે રશિયાના છેક ઉત્તરના પ્રદેશોમાં છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ હોય છે, ત્યારે એના ભાંડુઓ એ વાત માનવા તૈયાર ન હતાં! વિશ્વ વિખ્યાત ગેરી કાસ્પારોવને પણ તે મળી શકી હતી. રશિયાના લોકોને આફ્રિકાના લોકોના ફોટા પાડવાનું ઘેલું લાગેલું હતું અને તે માટે તેઓ એમને રસ્તા પર રોકી પાડતા હતા.

     નાના રિચાર્ડે પુછ્યું,” એમને કેમ તમારા ફોટા પાડવા હતા?”

    ફિયોનાએ કહ્યું, “એ લોકોને વિશ્વાસ બેસતો ન હતો કે, અમે બધાં ખરેખર કાળા ભૂત જેવાં છીએ! એમને તો એમ જ હતું કે, આ આફ્રિકન લોકો સવારે રંગ લગાડીને ઘરની બહાર નીકળતા હશે!”

      છેવટે રશિયાનાં સંસ્મરણોનું સ્થાન તેમની ભવિષ્ય માટેની આશાઓમાં પરિવર્તન પામવા લાગ્યું. બાળક સહજ આશાઓના મિનારા હવે ચણાવા માંડ્યા હતા. તેમણે મોટા થઈને એન્જિનિયર, ડોક્ટર કે મેનેજર બનવાનાં સપનાં જોવા માંડ્યા હતા! ‘તેમનું ભવિષ્યનું સપનાનું મકાન સાત રૂમવાળું હશે; અને તેની પાછળના વંડામાં તરવાનો પુલ પણ હશે! વૃદ્ધ થઈ ગયેલી તેમની મા ઊંચા પલંગ પર આખો દિવસ સૂતી રહેશે.’

     ચેસની રમતનાં રાજા અને રાણી તો નિર્જીવ હતાં; પણ તેમણે આ નિર્દોષ બાળકોના મનોરાજ્યમાં તેમને તેમની સપન ભોમકાનાં રાજા રાણી બનાવી દીધાં હતાં. અનેક હતાશાઓ અને વ્યથાઓની વચ્ચે નવી આશાઓનો સૂર્ય ઝળહળવા લાગ્યો હતો.


( ક્રમશ: )

ચર્ચાની એરણે …

      સુદાનના ભવ્ય વિજય પછીનો ફિયોનાનો વિષાદ અને ખેન્તિ મેન્સિયાસ્કમાં નબળા દેખાવ છતાં પ્રગટેલી આશા –  આ ફેરફારને તમે મનોવૈજ્ઞાનિક રીતે કઈ રીતે મૂલવશો? 


રેફરન્સ :

ખેન્તિ મેન્સિયાસ્ક

૨૦૧૦ ચેસ ઓલમ્પિયાડ

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૬, યુગાન્ડામાં જયજયકાર

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’

– મણિલાલ દ્વિવેદી

       દુઃખો અને હતાશાઓ કાં તો માણસના જુસ્સાને તોડી નાંખે છે અથવા તેને બેઠો કરી દે છે. ફિયોનાની હતાશાએ એના જીવનના એક માત્ર આશાકિરણ માટે તેને સાબદી કરી દીધી. ગ્રાન્ડ માસ્ટર બનવાનું તેનું સ્વપ્ન હવે સતત ચાલી રહેલી પ્રક્રિયા બની ગયું. પરંતુ હવે તેને લાગ્યું કે આ માટે માત્ર બાળકો સામે જ નહીં, પણ પુખ્ત ઉંમરની વ્યક્તિઓ સામે પણ તેણે મૂઠભેડ કરવી જોઈએ. તેની નજર ૨૦૦૯ના નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રીય સ્પર્ધા પર પડી. વચ્ચેના ગાળામાં બીજી ત્રણ નાની નાની સ્પર્ધાઓ થવાની હતી. જો એ બધાયમાં હારી જાય, તો પણ તેના આ ત્રણ વર્ષના દેખાવના આધારે તેને રમવાની તક તો આયોજકોએ આપવી જ પડે. તેણે કટેન્ડેને આ માટે વિનંતી કરી, પણ કટેન્ડેને લાગ્યું કે મોટાંઓ સાથે રમવાનો સમય હજુ ફિયોના માટે પાક્યો નથી. તે યુગાન્ડાના ઉચ્ચ કક્ષાના ખેલાડીઓ વિશે માહિતગાર હતો. તેણે ચેસના ખાં ગણાતા શાસ્ત્રીય વિવેચકો ઝિરેમ્બુઝી અને જોકીમની કલમે ચેસના માંધાતા જેવા ખેલાડીઓની આલોચના વાંચેલી હતી. ઘણા તો કમ્પ્યુટર પર ચેસ રમવાની તાલીમ લેતા હતા. તેની નજરમાં ફિયોનાએ આ માટે હજુ ઘણી લાંબી સફર કાપવાની હતી.

       પણ સ્પર્ધા શરૂ થવાની હતી તેના એક અઠવાડિયા પહેલાં ગલીએ તેને ફોન કર્યો,” નવેમ્બર માટે ફિયોનાનું નામ કેમ નોંધાવ્યું નથી?” રોબર્ટે એનાં કારણો દર્શાવ્યા, ત્યારે ગલીએ વળતાં કહ્યું,” તે ન પણ જીતે, પણ રમતમાં તે જે ઊંડાણથી રમી શકે છે તે જોતાં તેને મોટાંઓ સાથે રમવાની અને તેમની રમતનો અભ્યાસ કરવાની તક આપવી જ જોઈએ. કમ સે કમ એ ધુરંધર ખેલાડીઓને જરૂર આહ્વાન (Challenge) આપી દે તેવી રમત તો રમશે જ. કદાચ આવતા વર્ષે તે સારો દેખાવ કરી પણ શકે.” રોબર્ટે કમને ગલીની વાત સ્વીકારી. તેણે ફિયોનાને આ વાત કરી, ત્યારે તેને આનંદ તો થયો જ અને સાથે થોડીક ગભરામણ પણ. આ વખતે તેને ખરેખર મોટા માથાંઓ સાથે મગજમારી કરવાની થવાની!

     છેવટે એ સ્પર્ધા આવી પહોંચી. કહેવાની જરૂર છે ખરી કે, આ ગાળામાં ખેલાયેલી બાળકો માટેની બીજી ત્રણ સ્પર્ધાઓમાં કોઈ ફિયોનાને હરાવી શક્યું ન હતું?! આ સ્પર્ધા ત્રણ મહિનાના ગાળા પર પથરાયેલી હતી. દરેક શનિવારે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે રમત યોજાઈ હતી. ભાગ લેનાર ખેલાડીઓમાં દસ મહિલાઓ હતી અને તેમની વચ્ચે રાઉન્ડ રોબીન ફોર્મેટમાં રમતો રમાવાની હતી. તેમાંથી પાંચ શ્રેષ્ઠ મહિલાઓ ૨૦૧૦માં રશિયા ખાતે રમાનાર ‘મહિલા ચેસ ઓલમ્પિયાડ’ માટે Qualify થવાની હતી.

    આમ ફિયોના કુલ નવ રમતો રમી. પહેલા બે શનિવારોએ તો રોબર્ટ એ સ્પર્ધા જોવા જઈ શક્યો ન હતો, પણ બન્ને દિવસોએ આવીને ફિયોનાએ પોતે જીત્યાના સમાચાર તેને આપ્યા. રોબર્ટને એમ કે એ તો નબળી ખેલાડીઓ હશે. તેણે એ રમતોમાં ખેલાયેલી ચાલોનું પત્રક જોયું અને તેને ખ્યાલ આવી ગયો કે ફિયોનાની રમત જોરદાર(!) હતી. તેણે રમેલી પાંચ રમતોમાંથી તે ત્રણ જીતી હતી, એકમાં સામા ખેલાડીને ડ્રો કરવાની ફરજ પાડી હતી; અને માત્ર એકમાં જ તે હારી હતી. ગલીએ ફોન કરીને રોબર્ટને કહ્યું,” અરે! ફિયોના ચોક્ક્સ ઓલમ્પિયાડમાં જવા માટે સિલેક્ટ થશે જ. – બાકીની ચાર રમતોમાં તે હારી જાય તો પણ.”

     રોબર્ટ આ વાત માની જ ન શક્યો! ‘ગંદી ગોબરી, ૧૦x૧૦ની ઝૂંપડીમાં રહેનારી, હજુ ૧૩ જ વરસની આ બલા રશિયા જશે?!’ અને બધી રમતો પતી., ત્યારે ફિયોના બીજા નંબરે આવી હતી. એક બહુ જ જાણીતી અને કસાયેલી મહિલા ખેલાડીએ તો પોતાની પ્રતિષ્ઠા ના જોખમાય તે માટે ફિયોનાને ડ્રો કરવા વિનંતી કરી હતી! રીટા નસુબુગા નામની જાણીતી મહિલાએ તો કહ્યું પણ ખરું,” રશિયા ઓલિમ્પિયાડ માટે ક્વોલિફાય થવાનું હતું, એટલે અમે બધાં બહુ જ ઉત્તેજનાથી રમતાં હતાં. પણ ફિયોનાનું લક્ષ્ય તે તરફ હતું જ નહીં. તે તો નિશ્ચિંતતાથી રોજની જેમ જ રમી રહી હતી. તેની સ્વસ્થતા (poise) જોતાં મને ખરેખર તેનો ડર લાગી રહ્યો હતો.” બીજી ખેલાડીઓએ પણ કબૂલ કર્યું કે, ‘ફિયોના ખરેખર એક (Threat) છે!

    છેવટે યુગાન્ડાની મહિલાઓને ખાસ ઉત્તેજન આપવા FIDE વતી જાહેર કરવામાં આવ્યું કે, ‘આ દસે દસ મહિલાઓને ઓલમ્પિયાડ જવા માટેનો બધો ખર્ચ તે ઉપાડશે.’ આ જાહેરાત બાદ સ્પોર્ટ્સ આઉટરીચના પ્રમુખ, રોડની સુદિથે રોબર્ટને પણ આ બધાંના ટીમ કેપ્ટન તરીકે મોકલી શકાય તે માટે ફાળો ઉઘરાવવાનું શરૂ કરી દીધું. આમ ફિયોનાના પ્રતાપે રોબર્ટ કટેન્ડેની પણ પહેલી વિદેશ સફર નક્કી થઈ ગઈ!

      સપ્ટેમ્બર-૨૦૦૯ ની શરૂઆતમાં યુનિવર્સલ જુનિયર પ્રાઈમરી સ્કૂલના આચાર્યને સાતમા ધોરણમાં ભણતી ફિયોના મુતેસીને એક મહિના માટે રશિયાની ઓલિમ્પિયાડમાં ભાગ લેવા માટે શાળાની હાજરીમાંથી મુક્તિ આપવા માટે વિધિસરનો કાગળ મળ્યો, ત્યારે તેની ડઝન કોપી કરીને તેણે દરેક વર્ગમાં એ ચિટકાડાવ્યો!

ધૂળિયા શાળાનું
એક ધૂળધોયું રતન
દુનિયાના બીજા છેડે
છેક…
રશિયા પહોંચી જવાનું હતું.

        ફિયોનાના વર્ગ શિક્ષકે બોર્ડની ઉપર દુનિયાનો નકશો પાથરી છોકરાંવને પૂછ્યું,” બોલો! કોણ આ નકશામાં રશિયા બતાવી શકશે?” તેત્રીસમાંથી ચાર જ જણાંએ હાથ ઊંચો કર્યો – અને એમાં ફિયોના ન હતી!

       યુગાન્ડાની ટીમ રશિયા જવા નીકળવાની હતી, તેના આગલા દિવસે પત્રકાર પરિષદમાં યુગાન્ડાની રમતગમતની સંસ્થાના ચેરમેન જોસેફ કમ્મુએ કહ્યું,” ૧૯૭૨ની સાલમાં આપણો એક દેશવાસી જહોન અક્કી બુઆ મ્યુનિચ ઓલમ્પિકની Hurdle race માં દોડ્યો, ત્યારે કોઈને સ્વપ્ને પણ કલ્પના ન હતી કે, તે યુગાન્ડાનો પહેલો સુવર્ણ ચન્દ્રક જીતી લાવશે. તમે સૌ જ્યારે ઠંડાગાર સાઈબિરિયાના ખાન્તિ મન્સિયાસ્કની ધરતી પર પગ મૂકો, ત્યારે અક્કી બુઆને જરૂર યાદ રાખજો. તમે દસ જણ ત્યાં નથી જતાં- ત્રણ કરોડ યુગાન્ડનો તમારી સાથે હશે.’

      અને છેવટે આ દસ જણાં અને રોબર્ટ કટેન્ડેને લઈને વિમાને દોટ મેલી, ત્યારે ચેસ પ્રૉજેક્ટનાં છ બાળકો અને ફિયોનાનું આખું કુટુંબ તેને હાથ ઊંચા કરીને શુભેચ્છા પાઠવી રહ્યાં હતાં. નાઈટની ત્રણ વરસની દીકરી રીટા તો ગભરાઈને ચીસ પાડી ઊઠી, ‘ફિયા માસીને ‘મઝુન્ગુ’ (લુગાન્ડા ભાષામાં બાવો!) ઉપાડી જાય છે.”

       પહેલી વિમાની સફર માણી રહેલા કટેન્ડેને ફિયોનાએ મજાકમાં કહ્યું,” સર! પ્લેનમાં હું તમારી કોચ!”

( ક્રમશ: )


કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૫, ઠેરના ઠેર

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

          પાછા આવ્યા પછી; બે દિવસ સુધી ફિયોનાએ કશું જ ખાધું નહીં. ક્યાં હોટલની એરકન્ડિશન રૂમની એ બાદશાહી પથારી, એ ટીવી, એ ફ્લશ ટોયલેટ, એ ગરમ/ઠંડા પાણીવાળો શાવર બાથ, અનેક વાનગીઓવાળાં જમણો અને ક્યાં રંગહીન, પ્લાસ્ટર વિનાની ઈંટોની દિવાલો, પતરાંનં કાણાંવાળાં છાપરાં અને માત્ર એક જૂનાપુરાણા કપડાથી ઢાંકેલા બારણા વાળી ૧૦ ફૂટ x ૧૦ ફૂટની આ ઝૂંપડી? સૂતાં સૂતાં પણ નજરે ચઢે – ગંદી ગોબરી વળીઓ વચ્ચે લટકતાં કરોળિયાનાં જાળાં અને દોરીઓ પર સૂકવવા મુકેલાં, આવતી કાલે પહેરવાનાં કપડાં. ઝૂંપડીના એક ખૂણામાં હતી પતરાંના ત્રણ ટુકડા ગોઠવીને બનાવેલી, એક બાલદી સહિતની બાથરૂમ અને બીજી દિવાલ પર રંગ પણ ન ઓળખાય તેવા પ્લાયવુડના ટુકડાથી ઢાંકેલી એક માત્ર બારી.

        અને ઘરવખરીમાં? ગોબાવાળા એલ્યુમિનિયમના બે જગ, ચાની એલ્યુમિનિયમની કિટલી, એલ્યુમિનિયમની એવા જ ગોબાવાળી તપેલી, કપડાં ધોવાનું, રંગ ઊડી ગયેલું પ્લાસ્ટિકનું ટબ, કેરોસીનનો દીવો, પતરાંની ડોલમાંથી જાતે બનાવેલી, માટીથી લીંપેલી કોલસાની ભઠ્ઠી, થોડીક પ્લાસ્ટિકની રંગ ન ઓળખાય તેવી ડીશો, બધાંની વચ્ચે વાપરવાનું એક જરી પુરાણું ટુથ બ્રશ, માંડ ચહેરો દેખાય એવો એક આયનો, ચાર જણ વચ્ચે સૂવાની બે ગાભાની ગોદડીઓ અને જર્જરિત પાનાંવાળું બાઈબલ! કોલસાની ભઠ્ઠી પાસે હતાં – રસોડાના શણગાર જેવી, ચોખા, મસાલાનો પાવડર, ચા, ખાંડ, અને મીઠાની પાંચ પ્લાસ્ટિકની કોથળીઓ અને એવી જ જરી પુરાણી પ્લાસ્ટિકની ચમચીઓ.

home

         કોઈક પ્રવાસીએ લખ્યું છે,” આફ્રિકાની સામાન્ય પ્રજાના ચહેરા પર જીવનની અનેક કઠણાઈઓની વચ્ચે પણ અજાયબી ભરેલાં શાંતિ અને સંતોષ જણાયા વિના રહેતાં નથી – જે સુસંસ્કૃત લોકોના ચહેરા પરની ચિંતા અને તાણની મશ્કરી ઊડાવતાં લાગે છે. સંયોગો અને અભિગમ વચ્ચે એ પ્રજાએ સિદ્ધ કરેલા સુમેળભર્યા સમાધાનની એ ચાડી ખાય છે. સમાજના બે વાડા વચ્ચે ન પૂરી શકાય તેવી મોટી ખાઈ હોવા છતાં, જીવનની આ શક્યતાને પશ્ચિમી માનસ કદી ન સમજી શકે.”

        આનું કારણ સાવ સાદું, સીધું છે. કોટવેના લોકોને જીવનની બીજી કોઈ શકયતાની કશી જાણ જ નથી. એ પ્રજા એના દરિદ્રતાભર્યા અજ્ઞાનની ખુમારીમાં જ મુસ્તાક છે. ઈવાન, બેન્જામિન અને ફિયોના જેવાં જે કમભાગી (!) એ લક્ષ્મણ રેખા ઓળંગી બીજી કોઈ શક્યતાઓનાં દર્શન કરી શકે છે; તેમનાં જીવતર ત્રિશંકુના આધાર વિનાના કોઈક અંધારભર્યા, ભેંકાર કોરાણે ફંગોળાઈ જાય છે. એ દુર્ભાગી લોકો નથી રહેતા ઘરના કે નથી રહેતા ઘાટના.

        બ્રાયને પૂછ્યું,” સુદાનમાં ખાવાનું કેવું હતું?”

       ફિયોના,”!”

      બ્રાયન,” પ્લેનમાં તને કેવું લાગતું હતું?”

      ફિયોના,”!”

      બ્રાયન,” પ્લેનમાં પી પી શી રીતે કરવાની?”

       હવે ફિયોના હસી પડી અને મહાપ્રયત્ને ફ્લશ કરી શકાય તેવા ટોયલેટનો બ્રાયનને ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો!

       પણ ફિયોનાનું અંતર આંસુઓ વિનાની દારૂણ ગમગીનીમાં રડી રહ્યું હતું. ફરી એ સપન ભોમકા આ દુર્દશા વચ્ચે કદી આવવાની ન હતી. બ્રાયન તેની વ્યથા અંતરની કોક અગમ્ય સૂઝથી સમજી શક્યો. એક મહિના સુધી તેણે યુગાન્ડાના ચમકતા હીરા જેવી વ્હાલસોયી બહેનને કશું કામ કરવું ન પડે, તેની કાળજી લીધા કરી. તેને માટે તો તેની બહેન એક રાજકુમારી કે પરી બની ગઈ હતી.

       જ્યારે હેરિયેટ, રિચાર્ડ સાથે થાકેલી પાકેલી મોડી સાંજે પાછી આવે, ત્યારે તો બ્રાયન અને ફિયોના સૂઈ ગયેલાં જ હોય. ચાર દિવસ બાદ, માર્કિટ બંધ હોવાના દિવસે, રવિવારે જ ફિયોના હેરિયેટ સાથે વાત કરી શકી અને તેને અને તેના મિત્રોને સુદાનમાં મળેલ વિજયની માંડીને વાત કરી. રૂપકડું સર્ટિફિકેટ પણ બતાવ્યું. હોટલમાંથી આણેલા સાબુ, પેન, નેપકીન વગેરે ઝવેરાત જેવી સોગાતો પણ બતાવી! મેડલ તો ચોરાઈ જવાની બીકે કટેન્ડેને સોંપી દીધો હતો, પણ હેરિયેટ માટે એ બધા કરતાં તેની દીકરી સહીસલામત અને વિજયી બનીને પાછી આવી હતી તે જ બહુ મોટા આનંદની વાત હતી. એ ધર્મભીરુ મહિલા, જિસસનો આભાર માનવા તરત ચર્ચમાં દોડી ગઈ.

       વતન પાછા આવ્યાના બીજા દિવસે ફિયોના તેની શાળામાં હાજર થઈ; ત્યારનો અનુભવ પણ એવો જ રહ્યો. પ્લાસ્ટિકની લીલી થેલી લઈને, પાંચ કિલોમિટર ચાલીને, તેની નિશાળ -યુનિવર્સલ જુનિયર પ્રાઈમરી સ્કૂલ- ગઈ ત્યારે સાવ સાંકડી, ધૂળથી છવાયેલી અને જાજરૂઓની દુર્ગંધથી સુવાસિત (!) આંગણું તેને ‘જુબા-સુદાન’ ખાતેના સ્ટેડિયમના પ્રતિભાશાળી વિસ્તારની યાદ આપ્યા વિના ન જ રહ્યાં. આંગણામાં ટ્રકના પૈડાની રીમ અને પૈડું ખોલવાનો ક્રોબાર(?) નિશાળના ઘંટનું કામ આપી રહ્યો હતો! એ ઉબકા આવે તેવો વિરોધાભાસ તેણે શી રીતે જીરવ્યો હશે; તે તો એવી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિ જ સમજી શકે.

        આફ્રિકન અમેરિકન લોકોની સમાન હક્કની લડત (Civil rights campaign) દરમિયાનનું ગીત ‘We shall overcome’ તેમની શાળા શરૂ થતી વખતનું પ્રાર્થના ગીત હતું. તે ગવાઈ રહ્યું હતું, ત્યારે તે ગીતના શબ્દે શબ્દ તેના મનમાં ચાલી રહેલા પ્રચંડ તાંડવને ઉદ્દીપ્ત કરતા રહ્યા. તેણે જોયેલી જીવનની ગુણવત્તાની શક્યતા અને તેના ચાલુ જીવનના નર્ક વચ્ચેના તફાવત તરફ તેના આક્રોશને પુષ્ટિ આપતા રહ્યા.

       પણ આ બધી હતાશાની વચ્ચે, વાદળોની કોર પર સુવર્ણરેખા જેવી એક બાબતની પણ આપણે નોંધ લેવી ઘટે. શાળા શરૂ થયા બાદ, શાળાના આચાર્ય, ઝકાબા અલ અબ્દલે બેન્જામિન અને ફિયોનાએ મેળવેલી સિદ્ધિ માટે તેમનું અભિવાદન કર્યું; અને જાહેર કર્યું કે, ‘હવેથી બેન્જામિન અઠવાડિયામાં ત્રણ વખત શાળાના બાળકોને ચેસ શીખવશે; અને ફિયોના તેને મદદ કરશે.’ આ જાહેરાત પછી બન્નેએ પોતાને સુદાનમાંથી મળેલ નાના સરખા ભથ્થામાંથી બચાવીને લાવેલી રકમમાંથી સુદાનના ચલણની પાઈઓ શાળાના બાળકોને વહેંચી; ત્યારે આચાર્યની આંખમાં આ બે જણાની ખાનદાની અને જિંદાદિલી માટે હર્શ્રાશ્રુ આવી ગયાં. તેણે મનોમન પ્રાર્થના કરી કે,’અલ્લા આ બાળાને જન્નત જેવી જગ્યાએ પહોંચાડે, એવી મારી દુવા છે.’

‘We shall overcome’ – song


……………..(ક્રમશ: )


ચર્ચાની એરણે :

         આફ્રિકા જેટલા મોટા ખંડના ફલક પર મેળવેલ સિદ્ધિ પછીના ફિયોનાના જીવનના આ અવરોહને તમે શી રીતે મૂલવશો?  તેમાં બદલાવ માટે કોઈ દિશાસૂચન?

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૪, આફ્રિકામાં બાળ ચેમ્પિયન

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

          જુબા ખાતેની સ્પર્ધામાં ૧૬ દેશોનાં એટલે કે કુલ ૪૮ બાળકોએ ભાગ લીધો હતો. એ બધાંમાં કોટવેનાં આ ત્રણ જણ ઉંમરમાં સૌથી નાનાં હતાં. એમના સિવાય બીજાં કોઈ સ્લમવાસીઓ પણ નહોતાં, સ્પર્ધા શરૂ થઈ તે પહેલાં…

        રોબર્ટ કટેન્ડે,” આ બાળકો પ્લેનમાં બેસીને સુદાન ગયાં, તે જ મારા માટે એક મોટી સિદ્ધિ હતી. તેઓ જીતીને પાછાં આવશે કે નહીં, તેનો મને વિચાર પણ આવતો ન હતો.”

        ગોડફ્રે ગલી,” આટલા બધા દેશોનાં બાળકો, જેમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો આગોતરો અનુભવ હતો જ, અને એમની વચ્ચે આ ત્રણ જણ સારો દેખાવ પણ કરી શકે; તેમ હું માનતો ન હતો. તેઓ હિમ્મત ન હારી જાય, એની જ મને ચિંતા હતી.”

       આ ત્રણ જણના મનમાં તો જાતજાતની ગડભાંજો ચાલુ જ હતી. આટલી બધી ઉચ્ચ જીવન પદ્ધતિ તેમને માટે અકળાવનારી તો હતી જ; પણ અધૂરામાં પૂરું અંગ્રેજી ન બોલી શકવાના કારણે, તે લોકો કોઈ પણ વિદેશી સાથે વાત પણ કરી શકે તેમ ન હતું. બીજા દિવસે સ્પર્ધા શરૂ થવાની હતી. આથી પોતાની ટીમનો ડર ભાંગવા ગલીએ હોટલની લોબીમાં સૌથી શ્રેષ્ઠ મનાતી કેન્યાની ટીમ સાથે મૈત્રી રમત રમવાનું આયોજન કર્યું. દરેક જણ કેન્યાના બીજા એકની સામે ત્રણ ત્રણ રમત રમ્યાં અને આશ્ચર્યજનક રીતે બધી રમતમાં ત્રણે જણ જીતી ગયાં. કારણ સાવ સાદું હતું. આ ત્રણને માટે એ માત્ર રમત ન હતી. એ જીવન કે મરણ જેવી બાબત હતી. હવે તેમને સધિયારો થયો કે સ્પર્ધામાં તેમને તકલીફ નહીં પડે.

      સ્પર્ધા શરૂ થઈ. પહેલી જ રમતમાં ફિયોનાની સામે તેની સાથે રૂમમાં રહેતી કેન્યન છોકરી એસિએમા હતી. આવી ઉચ્ચ વર્ગમાથી આવતી, વિદેશી ભાષા બોલતી અને તેના કરતાં ત્રણ ચાર વર્ષ મોટી છોકરી સાથે રહેવાના કારણે ફિયોના પહેલી જ ક્ષણથી લઘુતાગ્રંથિ અનુભવતી હતી. તેના હાથ પગ કાંપતા હતા. તે કૂકરી પણ સ્થિર રીતે પકડી શકતી ન હતી. આથી તેણે એકદમ રક્ષણાત્મક ચાલો ચાલીને જ સતોષ માન્યો. એસિએમા બહુ જ આક્ર્મક હતી, પણ રમત થોડીક જ આગળ ચાલતાં, તે ફિયોનાની રક્ષણાત્મક દિવાલમાં જાતે જ ફસાવા લાગી! તે હવે એક પછી એક ભૂલો કરવા લાગી અને તેનાં છૂટાં પડી ગયેલા અને રક્ષણ વિનાનાં પ્યાદાંઓ અને મોટી કૂકરીઓ એક પછી એક ફિયોનાના હાથે વધેરાવા માંડી. અલબત્ત, ફિયોનાની કૂકરીઓ પણ અદૄશ્ય થતી જ હતી; પણ તેની હાલત તે ઠીક ઠીક ટકાવી શકી. રમત બહુ જ લાંબી ચાલી, પણ છેવટે એસિએમા પાસે માત્ર રાજા જ બાકી રહ્યો. ફિયોના પાસે હજુ રાજા ઉપરાંત હાથી અને ચાર પ્યાદાં બાકી રહ્યાં હતાં. બહુ સરળતાથી ફિયોનાએ એસિએમાના રાજાને ચેકમેટ કરી દીધો. આમ પહેલી જ રમતથી ફિયોનાની વિજય કૂચ શરૂ થઈ ગઈ. બેન્જામિન અને ઈવાન પણ તેમના પ્રતિસ્પર્ધીઓ કરતાં આગળ રહી શક્યા હતા.

      પહેલા દિવસના અંતે બીજી બધી ટીમોમાં ભયનું મોજું ફરી વળ્યું. યુગાન્ડાની ટીમને શી રીતે હરાવી શકાય તે માટે દરેક દેશના કોચ તેમના ખેલાડીઓને આ યુગાન્ડનોની ચાલબાજીઓ સમજાવતા રહ્યા – તેમનો પ્રતિકાર કરવાના રસ્તા શીખવાડતા રહ્યા.

      પણ આ ત્રણ જણને એમના જીવનના અનુભવો પરથી દરેક બદલાતી પરિસ્થિતિનો શી રીતે પ્રતિકાર કરવો તેની પાયાની આવડત સાધ્ય થઈ ગઈ હતી. સ્પર્ધાને અંતે ફિયોના આઠે આઠ રમતો જીતી ગઈ હતી. તેના સાથીઓ પણ ક્યાં કમ હતા. એ બેમાંથી એક પણ હાર્યો ન હતો. (તેમની અમુક મેચો ડ્રો થઈ હતી.) આમ જયજયકાર સાથે યુગાન્ડા ચેમ્પિયન જાહેર થયું. મેડલો, સર્ટિફિકેટો અને ચેમ્પિયન ટ્રૉફી હવે તેમણે પોતાની સાથે પાછાં લઈ જવાનાં હતાં. ટ્રૉફી તો તેમના નાનકડા બગલથેલામાં સમાવવા માટે ઘણી જ મોટી હતી, પણ તેમને અને તેમનાં ઘરવાળાંઓને તો મગીબીમાંથી મળતી હતી તેવી કડકડતી શિલિંગની નોટો જ વધારે આકર્ષક અને કામની હતી!

       કટેન્ડેને નિયમિત રીત દરરોજની રમતનો અહેવાલ ઇન્ટરનેટ પરથી મળતો હતો. જ્યારે તેણે જાણ્યું કે ત્રણે જણ સુવર્ણચન્દ્રક અને ટ્રૉફી જીતીને પાછાં આવી રહ્યા છે, ત્યારે આ સમાચાર તેણે રોડની સુદિથ અને ‘સ્પોર્ટ્સ આઉટરીચ’ની ઑફિસમાં સૌને જણાવ્યા. કોઈ પણ વ્યક્તિ આ સમાચાર માનવા તૈયાર ન હતી! પણ બીજા દિવસનાં અખબારો થકી આખા યુગાન્ડામાં આ વિજયની ઘોષણા થઈ ગઈ.

      સ્વદેશ પાછાં વળ્યાં ત્યારે એરપોર્ટ પર કટેન્ડેની બાજુમાં કમ્પાલાના મેયર ખુદ આ ત્રણ બાળકોનો સત્કાર કરવા હાજર રહ્યા હતા. સ્લમનાં બાળકો માટે જ નહીં પણ સમસ્ત સ્લમવાસીઓ માટે આ અભૂતપૂર્વ સિદ્ધિ હતી. કોટવે પહોંચ્યા બાદ મુગેરવાની ઓફિસ પાસે ટોળેટોળાં તેમનો સત્કાર કરવા, પિપૂડાં અને વાવટાઓ સાથે હાજર હતાં. ફિયોનાને તો બ્રાયને તેના ખભા પર બેસાડી દીધી અને શોરબકોર વચ્ચે રસ્તાઓ પર સરઘસ આગળ ધપતું રહ્યું. બધાંના ચહેરા પર અનુપમ વિજયનો ઉત્સાહ અને આનંદ મર્ચિસનના ધોધની જેમ ઉછળી રહ્યો હતો – સિવાય કે, આ ત્રણ જણના ચહેરાઓ પર.

       તેમના ચહેરાઓ પરથી ‘જુમા’નો અને ‘એન્ટેબે’ના એરપોર્ટ પરનો ઉત્સાહ અને આનંદ હવે વિદાય લઈ ચૂક્યાં હતાં. ફરી પાછી ઝૂંપડાની એ જ જિંદગી, એ જ ગંદા રસ્તાઓની આબડખૂબડ, એ જ રોજિંદી યાતનાઓ અને જીવન સંઘર્ષો….ચિત્કારી ચિત્કારીને તેમની મૂળ હસ્તીની બિહામણી જાણ કરી રહ્યાં. વર્તુળનો ઘેરાવો એક ચક્કર મારીને ફરી હતો ત્યાં પાછો આવીને ઊભો રહી ગયો હતો.

……..(ક્રમશ: )

———————–
ચર્ચાની એરણે…

‘એકસરખા દિવસ સુખના કોઈની જાતા નથી.’ (રાઈનો પર્વત, રમણ ભાઈ નીલકંઠ) યાદ આવી ગયું.

તમે સફળતાની ચરમસીમા પછીની એ ત્રણ બાળકોની મનોદશાને શી રીતે મૂલવો છો?

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૩, જુબા, સુદાન

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

       તે દિવસે વહેલી સવારે બ્રાયને તેને માંડ માંડ ઊઠાડી હતી. રોજના નિયમ મુજબ, ઘણી વહેલી સવારે, હેરિયેટ તો ઊંઘતા રિચાર્ડને તેડીને કિબુયે માર્કિટમાં શાક ખરીદવા નીકળી ગઈ હતી. ફિયોનાએ ચિઢાઈને કહ્યું,” થોડું ઉંઘવા દે ને. ક્યાં દૂર જવાનું છે?”

     બ્રાયને કહ્યું,” જો તું એરપોર્ટ જવાની બસ ચૂકી જાય; તો હું ગુનામાં આવું.”

     ફિયોના,” વહેલી સવાર સવારે આમ મજાક ના કર.” અને તેણે ફરી આંખો મીંચી દીધી.

      બ્રાયને હવે કપડાં ધોવાનો ધોકો હાથમાં લીધો; અને ફિયોનાને અડાડ્યો.

     ફિયોના સફાળી ઊભી થઈ ગઈ; અને ઝટપટ તૈયાર થઈ ગઈ. ફિયોનાનાં બધાં જ સારાં કપડાં ભરીને બેગ તો આગલી રાતથી જ તૈયાર રાખેલી હતી, પણ બ્રાયનની બેગ બનાવી ન હતી; તેનું અચરજ ફિયોનાને રાતથી જ હતું. બન્ને ભાઈબહેન લગભગ દોડતા જ મુગેરવાની ઓફિસે પહોંચ્યાં હતાં. મીનીબસ તેમની જ રાહ જોઈ રહી હતી. તેમની સાથે બેન્જામિન અને ઈવાન તો હતા; પણ સાથે ઈવાનની મા એનેટ નકીવાલા અને બેન્જામિનની બહેન અને ફિયોનાની પહેલી શિક્ષક ગ્લોરિયા પણ હતાં! હવે ફિયોનાને શંકા પડી કે, એનેટ બધું કામ પડતું મુકીને આમ સ્પર્ધામાં કેમ આવે છે?

      તેણે પૂછ્યું,” આજે તમે રજા રાખી છે?”

       એનેટ બોલી,”હા. હું કામે મોડી જઈશ. તું, ઈવાન અને બેન્જામિન સુદાન જાઓ; તો પ્લેન સુધી તમને વિદાય કરવા કોઈક મોટાએ તો આવવું જ જોઈએ ને?” પણ હજુ ફિયોનાના મગજમાં ઊતરતું ન હતું કે, ‘તેમના જેવાં સાવ મુફલિસો તો કાંઈ પરદેશ જઈ શકે ખરાં? એવું તો બહુ મોટ્ટા લોકોના જ નસીબમાં હોય ને?!’

       કોટવેથી બસ ઉપડી. કિબુયે માર્કિટ પાસેના ધૂળિયા રસ્તા પરથી પસાર થઈ ગઈ; ત્યાર પછીનો રસ્તો પાકો અને ફિયોના માટે સાવ અજાણ્યો હતો. ઉંઘથી ભરેલી આંખે તે જોઈ રહી કે, તેમની બસ દક્ષિણ દિશા તરફ જઈ રહી હતી. તેને અચરજ તો થયું જ કે, આમ નગરના મધ્ય ભાગથી દૂર બસ ક્યાંક અવળી દિશામાં કેમ જઈ રહી છે? અત્યાર સુધીની બધી સ્પર્ધાઓ તો ઉત્તર દિશામાં કમ્પાલામાં અથવા ઈન્ટર પ્રૉજેક્ટ સ્પર્ધાઓ પશ્ચિમ દિશામાં મગીબીમાં યોજાતી હતી. કદાચ એનેટ અને બ્રાયન કહે છે; તેમ હોય પણ ખરું! અને આ શંકા કુશંકામાં તેની આંખો ફરીથી ઘેરાઈ ગઈ.

      તેની આંખ ખૂલી ત્યારે તેઓ કોઈક જુદી જ જગ્યાએ આવી પહોંચ્યાં હતાં. જેમને માત્ર જમીન પરથી અને સાવ રમકડા જેવડાં જ જોયાં હતાં, તેવાં અનેક વિમાનો ઊડવા માટે તૈયાર ઊભાં હતાં; તેવા એન્ટેબે એરપોર્ટ નજીક બસ તેમને લાવી હતી.

entebbe

        ૨૦૦૭ની સ્પર્ધામાં ચેમ્પિયન તરીકેની ટ્રૉફી જીતી લીધા બાદ, ફિયોનાએ ૨૦૦૮ અને ૨૦૦૯માં પણ તે જાળવી રાખી હતી. હવે તે પોતે ટ્રૉફી કરતાં થોડીક ઊંચી થઈ ગઈ હતી! ૨૦૦૯ના ઉનાળાના પાછળના ભાગમાં, પહેલવહેલી વાર, UNESCO અને FIDE (Federation Internationale des Echecs) ના સંયુક્ત ઉપક્રમે આફ્રિકાનાં બાળકોમાં ચેસની રમતને વધારે પ્રચલિત કરવા અને ‘યુનો’ના શાંતિમય સહઅસ્તિત્વના કાર્યક્રમના એક ભાગ રૂપે જુબા, દક્ષિણ સુદાન ખાતે આફ્રિકન દેશોનાં ૧૬ વર્ષથી નાનાં બાળકો માટેની સ્પર્ધા યોજાઈ હતી. દરેક દેશે બે છોકરા અને એક છોકરી, એમ ત્રણ બાળકોને મોકલવાનાં હતાં. યુગાન્ડાની ત્રણ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા બનવાને કારણે ફિયોનાનું નામ તો નિશ્ચિત જ હતું, પણ છોકરાઓમાંથી આ માટે યોગ્યતા ધરાવતાં ઉચ્ચ વર્ગનાં વાલીઓએ સ્લમના બાળક સાથે પોતાના બાળકને મોકલવાની પરવાનગી આપી ન હતી. આમ ઈવાન અને બેન્જામિન બન્નેનો સમાવેશ આ સ્પર્ધામાં કરવો પડ્યો હતો. જ્યારે રોબર્ટે આ નિર્ણયની જાણ ત્રણે જણને કરી, ત્યારે તેમણે એને મજાક જ ગણી હતી; અને એ વાત ભૂલી જ ગયા હતા.

       હા, ફિયોનાનો પાસપોર્ટ બનાવવા માટે તેની સહી ફોર્મમાં રોબર્ટે લીધી હતી; પણ તેના જન્મ અંગે વિગતો ન હોવાને કારણે બહુ વાર થઈ હતી. જો ગોડફ્રે ગલીએ પોતાની વગ વાપરીને એ બાબતે રસ ન લીધો હોત; તો સરકારી તંત્રમાંથી ફિયોના માટે પાસપોર્ટ મેળવવાનું શક્ય જ ન બન્યું હોત!

     એરપોર્ટ પર ગલીએ આ ત્રણે બાળકોનું સ્વાગત કર્યું. તે તેમના વાલી તરીકે જુબા સ્પર્ધામાં હાજર રહેવાનો હતો. ચૌદમી સદીનો કોઈ ગામડિયો મોટા શહેરની ચમકદમક ને રોશની જોઈને અંજાઈ જાય; તેમ ફિયોના અને એના સાથીઓ આ માયાવી નગરી જેવું એરપોર્ટ વિસ્ફારિત નજરે જોઈ રહ્યાં. સુરક્ષા તપાસ પતાવીને ફિયોનાએ એરપોર્ટની બારીમાંથી એનેટ, બ્રાયન અને ગ્લોરિયાને રડતાં જોયાં, ત્યારે તેને છેવટે ખાતરી થઈ કે, તે ખરેખર પરદેશ યાત્રા પર જઈ રહી છે!

     છેવટે પ્લેન ઉપડ્યું. ફિયોનાને તો તરત ઉલટી જ થઈ ગઈ. થોડી સૂધબૂધ આવતાં, પ્લેનની નીચે વાદળો જોઈ, ફિયોનાએ ગલીને પુછ્યું,” આપણે સ્વર્ગમાં છીએ?”

      ગલીએ હસીને કહ્યું,” ના! એ તો હજી થોડુંક વધારે ઊંચું છે!”

      અવનવી રીતે જમવા માટે આપેલો નાસ્તો એ ત્રણ જણને શી રીતે ખાવો; તે પણ ગલીએ શીખવવું પડ્યું! અને આમ ૯૦ મિનિટના અવનવા આશ્ચર્યો બાદ વિમાને જુબાના એરપોર્ટ પર ઉતરાણ કર્યું.

juba

         જ્યારે બધાં ઉતારાની હોટલમાં પહોંચ્યાં, ત્યારે ફિયોના જિંદગીમાં પહેલી વાર પોતાને માટે અલગ પથારી જોઈ, માની ન શકી કે, તેમાં તેણે એકલીએ સૂવાનું છે! અલબત્ત, તેની સાથે રૂમમાં કેન્યાની બીજી એક છોકરી પણ હતી, પણ તેની સાથે તે કશી વાતચીત કરી શકે તેમ ન હતી. અંગ્રેજી તો ઠીક, બન્નેની માતૃભાષા પણ સાવ અલગ અલગ હતી. હોટલના રૂમમાં પણ કેટલાં બધાં આશ્ચર્યો હતાં? ટીવી, એરકન્ડિશનર, ફ્લશ થઈ શકે તેવું ટોયલેટ, અને શાવર બાથ! તેણે અગણિત વખત, એ ટોયલેટને ફ્લશ કર્યે જ રાખ્યું, એ અવાજ અને એ ઘુમરીઓની મજા તેણે માણ્યે જ રાખી. શાવર ચાલુ કરતાં જ ઠંડાગાર પાણીથી તે ભીજાઈને ગભરાઈ ગઈ. ગરમ પાણીનો અલગ નળ પણ હોય, તે પેલી કેન્યન સાથીએ તેને શિખવાડ્યું!

       કોટવે, કમ્પાલા કે યુગાન્ડા સિવાય અને અનેક આશ્ચર્યોથી ભરપૂર, પણ કોઈ જગત હોઈ શકે, તેની ફિયોનાને પહેલી વાર પ્રતીતિ થઈ.


….ક્રમશઃ


ચર્ચાની એરણે

તમારી પહેલી પ્લેન / ટ્રેન યાત્રા વિશે અમને જણાવશો? આ લખનારની પહેલી ટ્રેન યાત્રા આ રહી !

https://gadyasoor.wordpress.com/2007/09/06/first_travel/

રેફરન્સ :

http://www.fide.com/fide.html

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૨, યુગાન્ડામાં બાળ મહિલા ચેમ્પિયન

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

      “ખૂબીની વાત તો મેં એ જોઈ કે તે એક વાક્ય પણ અંગ્રેજીમાં બોલી શકતી ન હતી; અને લુગાન્ડામાં (કમ્પાલામાં વપરાતી બહુમતી ભાષા) પણ તે ખાસ બોલતી ન હતી. મને તે વખતે જ થયું કે, આ લિંડોળિયા જેવી છોકરી તેના લક્ષ ઉપર કેન્દ્રિત થયેલા પોતાના મનથી જગતમાં યુગાન્ડાનું નામ જરૂર રોશન કરશે.”

     ઇન્ટર પ્રૉજેક્ટ ટુર્નામેન્ટમાં રૂપકડું ઈનામ મળ્યે માંડ પાંચ મહિના થયા હતા અને જાન્યુઆરી-૨૦૦૭માં યુગાન્ડાની અન્ડર-૨૦ રાષ્ટ્રીય સ્પર્ધામાં જોડાવાની તક ફિયોનાને મળી ગઈ.

lugogo      આ બહુ જ મહત્ત્વની સ્પર્ધા હતી; અને કમ્પાલાના અત્યંત પ્રતિષ્ઠિત અને વિશાળ લુગોગો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ હતી. આખા દેશમાંથી બધા મળીને ૭૦ ખેલાડીઓએ તેમાં ભાગ લીધો હતો, જેમાં રોબર્ટના પ્રૉજેક્ટના ચાર ઘટકોમાંથી કુલ ૨૦ બાળકો પણ હતાં. સ્વાભાવિક રીતે અહીં છોકરાઓ અને છોકરીઓ સામેલ હતાં. ફિયોના અહીં એકલી છોકરી ન હતી, પણ તે માત્ર ૧૧ જ વર્ષની હતી; જ્યારે બીજી બધી છોકરીઓ ૧૮ થી ૨૦ વર્ષની વચ્ચેની, ઉચ્ચ વર્ગમાંથી આવતી, ટાપટીપવાળાં વસ્ત્રો પહેરેલી, કૉલેજકન્યાઓ હતી ! પણ હવે ફિયોનાનો ડર ભાંગી ગયો હતો. તેનું ધ્યાન મત્સ્યવેધ કરી રહેલા અર્જુનની જેમ તેની રમતમાં આવનાર રાજા પર જ હતું; જેને બચાવવો એ જ તેનું એક માત્ર લક્ષ્ય હતું.

     ઇન્ટર પ્રૉજેક્ટ સ્પર્ધામાં ફિયોનાના ત્રીજા દિવસના દેખાવ પછી કટેન્ડે માટે ફિયોનાની જીત કે હાર એટલાં બધાં અગત્યનાં ન હતાં. આખી સ્પર્ધા દરમિયાન તેનું ધ્યાન તેના વીસેય ખેલાડીઓ વચ્ચે વહેંચાયેલું હતું. આથી તે ફિયોનાની રમત પર ખાસ ધ્યાન આપી શકે તેમ ન હતું.

     પણ ગોડફ્રે ગલી આ નાનકડી બાળાની માનસિક સ્વસ્થતા જોઈ પહેલેથી પ્રભાવિત થયેલો હતો. તેણે ફિયોનાની એક આખે આખી રમત ધ્યાનથી જોઈ હતી. તેના પોતાના જ શબ્દોમાં…

= = =

       “…. તે રમતનો અંત આવવાની વેળા આવી ગઈ હતી. ફિયોનાની બાજી ચારેબાજુથી ઘેરાયેલી હતી. બધે શિકારને જાળમાં ફસાવવાનાં છટકાં ગોઠવાયેલાં હતાં. હું વિચારતો હતો કે, જો ફિયોના તેના એક ઘોડાને (Knight) એક ખાસ જગ્યાએ નહીં મૂકે; તો તે ચોક્કસ હારી જ જશે. તે બે ત્રણ મિનિટ વિચારતી બેસી રહી, અને તેણે તેનો ઘોડો બરાબર એ જ જગ્યાએ મૂકી દીધો. આના પછી ફરી પાછી તેના માટે કટોકટી ઊભી થઈ. આ વખતે તો મને ચોક્કસ ખાતરી હતી જ કે, તેનું ઊંટ (Bishop) અમુક જગ્યાએ મૂકવાનું તેને નહીં જ સૂઝે અને તો તો તેનો સર્વનાશ નક્કી જ હતો. ફરી તેણે ઊંટને તે જગ્યાએ ખસેડી દીધું. આવી ચાર વ્યૂહાત્મક રીતે, બહુ જ લાંબી નજર માંગી લે તેવી ચાલ તે ખેલી શકી. છેવટે સામેવાળી, અત્યંત આકર્ષક દેખાવ વાળી, તેનાથી આઠ વર્ષ મોટી કોલેજ કન્યાને તેણે મહાત કરી દીધી. આખી રમત દરમિયાન તેના ચહેરા પર કોઈ જ ઉશ્કેરાટ, ગભરામણ કે લઘુતાગ્રંથિ જણાતાં ન હતાં. તેનું આખું ધ્યાન રમતના બૉર્ડ પર જ કેન્દ્રિત થયેલું હતું. તેની આ રમત જોઈને મને ચેસના ગ્રાન્ડ માસ્ટરોની આવી બેનમૂન ચાલો યાદ આવી ગઈ. ખૂબીની વાત તો મેં એ જોઈ કે તે એક વાક્ય પણ અંગ્રેજીમાં બોલી શકતી ન હતી અને લુગાન્ડામાં (કમ્પાલામાં વપરાતી બહુમતી ભાષા) પણ તે ખાસ બોલતી ન હતી. મને તે વખતે જ થયું કે, આ લિંડોળિયા જેવી છોકરી તેના નિશ્ચિત લક્ષ તરફ કેન્દ્રિત થયેલા મનથી જગતમાં યુગાન્ડાનું નામ જરૂર રોશન કરશે.”

     આ સ્પર્ધા રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહી હતી. (સ્પર્ધાની દરેક વ્યક્તિ બીજાં બધાંની સામે રમે તેવું આયોજન) આમ દરેક ખેલાડીએ ૬૯ રમતો રમવાની હતી. આથી કોણ જીતી રહ્યું છે, તેની જાણ થઈ શકે તેમ ન હતું. સ્પર્ધકોની ઉમર ધ્યાનમાં રાખીને હાર કે જીતની કોઈ જાહેરાત પણ કરવામાં આવતી ન હતી. ફિયોનાને એની કશી દરકાર પણ ન હતી. તે કેટલી રમતો જીતી હતી; તે પણ તેને યાદ ન હતું. તેને અંતરથી સંતોષ હતો કે, તે ઠીક ઠીક રીતે રમી હતી; અને તેના માટે અત્યંત માનભર્યા રોબર્ટ સરની પ્રતિષ્ઠાને બટ્ટો લાગે તેવી, પાંચ મહિના પહેલાંની, ત્રીજા દિવસની સ્પર્ધા જેવી, હીણપતભરી રીતે તે રમી ન હતી. તેને પોતાનું કર્તવ્ય નિભાવ્યાનો આત્મસંતોષ હતો.

‘રાઉન્ડ રોબિન ફોર્મેટ’ વિશે વધારે માહિતી આ રહી
….. round-robin tournament (or all-play-all tournament)

      છેવટે સ્પર્ધાનાં પરિણામો જાહેર કરવાની વેળા આવી પહોંચી. સ્પર્ધાના નિયમો મુજબ છોકરાઓ અને છોકરીઓ માટે અલગ રીતે વિજેતાઓનાં નામ જાહેર કરાઈ રહ્યાં હતાં. છોકરીઓ માટેના ત્રીજા અને બીજા નંબરની વિજેતાઓ સ્ટેજ પર આવીને ટ્રૉફીઓ અને ઈનામો લઈ ગઈ. બધાંની જેમ ફિયોના પણ પહેલો નંબર કોણ જીતી જાય છે, તેની આતુરતાથી વાટ જોઈ રહી હતી. કટેન્ડેને તો ફિયોના માટે આટલી મોટી સ્પર્ધામાં કશી આશા જ ન હતી. તેને તો ફિયોના તેનાથી સાત આઠ વર્ષ મોટી, અત્યંત સુઘડ કપડાં પહેરેલી અને સભ્ય સમાજમાંથી આવતી વ્યક્તિઓ સાથે સ્વસ્થતાથી રમી રહી હતી; તે જ એક બહુ મહત્ત્વની વાત હતી.

      અને ફિયોનાને ખાતરી ન થઈ કે, તેનું નામ પ્રથમ વિજેતા તરીકે જાહેર થઈ રહ્યું હતું. તે લગભગ મૂર્છિત અવસ્થામાં પોતાનું નામ સાંભળી રહી. બાજુમાં બેઠેલી એક છોકરીએ ગોદો મારીને તેને ઊભી કરી, ત્યારે ફિયોના ઊઠી અને સ્ટેજ પર જઈ, તાળીઓના ગડગડાટ અને સ્લમવાસી બાળકોના જયઘોષ વચ્ચે ટ્રૉફી અને ઈનામ સ્વીકાર્યાં. બધાં જોઈ રહ્યાં કે, લગભગ પોતાની ઊંચાઈ જેટલી મોટી એ સોનેરી ટ્રોફી ફિયોના માંડ હાથમાં પકડી શકી હતી!

      કટેન્ડે સ્ટેજ પર રીતસર દોડી જ ગયો અને તેણે ફિયોનાને તેડી લીધી. બેન્જામિને આવીને ફિયોનાના હાથનો ભાર ઓછો કર્યો.

     અને એ ઘડીએ ફિયોના પોતાની અંદર સમાવી રાખેલા આનંદના ઓઘને સમાવી ન શકી. ચોધાર આંસુઓની પાવક વર્ષા તેની વર્ષોની વ્યથાઓને; તેના નાનકડા જીવનની બધી મલિનતાઓ, દુર્દશાઓ, હતાશાઓને ધોઈ રહી હતી. આ દૃશ્ય જોનાર ઉજળા વર્ગના બાળકોની સાથે આવેલી સભ્ય સમાજની મહિલાઓની આંખો પણ ભીની થઈ ગઈ.

     સ્ટેડિયમથી કોટવે જતાં ફિયોનાના ચિત્તમાં હવે યુગાન્ડાની પહેલી મહિલા ગ્રાન્ડ માસ્ટર બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી ઊઠી.


………………(ક્રમશ: )


ચર્ચાની એરણે

જીવનમાં મહત્ત્વાકાંક્ષાઓ હોવી જોઈએ કે નહીં? – તે વિશે તમારું શું માનવું છે?

(કોઈ વાચક ભારતના ક્રિકેટ ખેલાડી ‘ઈરફાન પઠાણ’ વિશે આવી માહિતી ટૂંકમાં આપશે, અથવા તેને લગતી માહિતીની લિન્ક આપશે, તો સૌ વાચકોને પણ આપણા આવા એક સ્લમડોગ મિલિયોનેરની કથા જાણી ગૌરવ થશે.)


‘ સ્લમ ડોગ મિલિયોનેર અને લગાન’ – એક વિચારતા કરી દે તેવી સરખામણી …… અહીં