સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: વાર્તા

શીલા – ૩

શીલા -૧ ; શીલા – ૨

શીલાના બે અવતાર પછી, પર્વતની દિવાલ પરની એક જીવસૃષ્ટિ જોતાં ઊભરેલી આ કલ્પના આ શ્રેણીની કથાઓમાં એક નવો ફણગો છે !

શીલાની થોડેક નીચે પર્વતની કાળમીંઢ દિવાલ નિસાસા નાંખી રહી હતી. તળેટીમાં જઈ સંસ્કૃતિને મહેંકાવવાનું એના નસીબમાં ન હતું. નિર્જીવ, જડ એ દિવાલમાં કોઈ વિજપ્રપાત વડે તરાડ પડે અને કોઈક બીજ એમાં વૃક્ષ બનીને મહોરી ઊઠે એ પણ એના ભાગ્યમાં ન હતું.

એ હતી કાળમીંઢ જડ દિવાલ માત્ર જ –

કોઈ સંવેદનાની સંભાવના વિનાની જડ દિવાલ.

એક દિ’ વરસાદની ઝાપટોથી એ દિવાલ ભીંજાઈ. એની કશુંક કરવાની આરઝૂ પ્રદિપ્ત થઈ ઊઠી. એ સંવેદનાના પ્રતિઘોષમાં વાયરો એક સાવ નાનકડા લીલના કણને તાણી લાવ્યો. એ થોડું જ  કોઈ બીજ  હતું, જેની ખાનદાની રસમ કોઈ વૃક્ષ કે નાના છોડ કે કમ સે કમ ઘાસના તણખલાંની પ્રસૂતિ કરી શકે?  પણ એને ઘટાક ઘટાક પાણી પીતાં આવડતું હતું.

 એ તો માળો પાણીના સબડકાં લેતો એ કાળમીંઢ દિવાલને પોતાનું ઘર બનાવી ચોંટી ગયો. એકમાંથી બે અને બેમાંથી ચાર … એની વસ્તી તો વધવા માંડી. લીલી છમ વસાહત!

બીજા કોઈક દિવસે ફૂગનો નાનકડો કણ વાયરાની સવારી કરીને  વળી આ વસાહતનો મહેમાન બન્યો. એ જનાબની ખાનદાની રસમ વળી કાંઈક ઓર જ હતી. એ તો પૂરેપૂરો પરોપજીવી જીવ. જાતે કાંઈ પેદા કરવાની ન તો એની મજાલ કે ન તો કોઈ એવા ઓરતા! એ તો લીલબાઈના તૈયાર માલ આરોગવાના  નિષ્ણાત !

લીલબાઈને એની કાંઈ પડી ન હતી., હવે એની પ્રજા તો પૂરબહારમાં ખીલી રહી હતી.

અને જુઓ તો ખરા – લીલ બાઈ અને ફૂગની આ જુગલબંધીમાં કાળમીંઢ, જડ દિવાલ સોનેરી વાઘાથી ઝળહળી ઊઠી .

દૂરથી કોઈ માનવની એની પર નજર પડી અને એણે એ જડ દિવાલને નામ આપ્યું –

El Dorado – સોનાનો દેશ !

સંદર્ભ –

lichen

શીલા – ૨

શીલા -૧

શીલા -૧ લખ્યે ૧૪ વર્ષ વીતી ગયાં. રોકી પર્વતમાળાની તળેટીમાં આવેલ ડેનવરની આજુબાજુમાં આવેલા નાના પર્વતો પર ફરતાં ફરતાં આ બીજો ભાગ સૂઝ્યો છે. એ વાંચો અને માણો

શીલા- ૧ ની શરૂઆતમાં …

   ફરી વાદળ ઘેરાયાં અને ફરી વિજળી તાટકી. આ વખતે તેની ટોચના બીજા પડખે બીજી તરાડ ઊભરી આવી. કાળક્રમે તે પણ વધતી ચાલી. ચાર પાંચ વરસ વીતી ગયાં અને ઉત્તુંગ શીલાને પહેલી વાર ઘડપણ આવ્યું હોય તેમ લાગવા માંડ્યું. તેના દેહ પર પાંચ છ તરાડો હવે ઘર કરી બેઠી હતી અને દિન પ્રતિદિન તે વધતી જતી હતી. તેના દર્પને સ્થાને હવે એક અજ્ઞાત ભય ઘર ઘાલી બેઠો હતો.

હવે વાત સાવ અલગ દિશામાં આગળ વધે છે –

હજારો વર્ષ વીતી ગયાં. ધરતી પરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. હવે શીલાને મળતો ધવલ બરફનો શણગાર એ ભૂતકાળની બાબત બની ચૂકી હતી. વાયરાના વંટોળ ધરતી પરથી ક્ષુદ્ર ધૂળનાં રજકણોના જથ્થે જથ્થા શીલાના દેહને મલીન બનાવી રહ્યા હતા. તેની ચળકતી, લીસી દેહયષ્ટિ ધૂળધાણી બની ગઈ હતી. બધી તરાડો એ ધૂળમાંથી બનેલા સૂકાયેલા કાદવથી ખદબદતી હતી.

   શોકમગ્ન શીલા આ અધોગતિ પર પોશ પોશ આંસું સારી રહી હતી. ત્યાં એક દિ’ વાયરો એક સાવ નાનકડા પીળા રંગના કણને તાણી લાવ્યો. સાવ નિર્જીવ લાગતો એ કણ ધબાકા સાથે એ કાદવમાં ચોંટી ગયો. સાતેક દિવસ એ આમ સુષુપ્ત અવસ્થામાં પડી રહ્યો.

  પણ આ શું? એની ઉપરનું સૂકું આવરણ તોડીને એક સફેદ અંકુર ફૂટી આવ્યો હતો. શીલા આ નવતર ઘટનાને કુતૂહલથી નિહાળી રહી. દિન પ્રતિદિન એ કાદવમાં રહેલા પાણી અને આકાશમાંથી વરસી રહેલી સૂરજદાદાની ગરમીના સહારે ઓલ્યામાંથી લીલી છમ્મ પર્ણિકાઓ ફૂટવા લાગી અને હવામાંથી પોષણ મેળવવા લાગી. નાનકડો એ અંકુર પણ પુષ્ટ બનીને  બદામી, અને ઘેરો બદામી બનવા લાગ્યો. પર્ણિકાઓ અને નવા નવા બાલ અંકુરો એમાંથી ફૂટવા લાગ્યા.

  શીલામાં ધરબાઈને રહેલું પ્રછ્છન્ન માતૃત્વ સળવળી ઊઠ્યું. તે આ નવજાત શિશુ પર ઓવારી ગઈ અને તેના ઊંડાણમાંથી જલ ધાવણના ઓઘ પ્રસરવા લાગ્યા. ઓલ્યો પણ સતત ચસચસ એ વ્હાલ ભર્યા ધાવણને ધાવવા લાગ્યો.

વરસ, બે વરસ અને  હવે એ અંકુર નવયુવાન બની ગયો હતો.

એની મોહક હરિયાળી શીલાનો નૂતનતમ શણગાર બની રહી. જગતની સઘળી દુષિતતાઓને નીલકંઠની જેમ ગટગટાવી જઈ એ જીવન વર્ધક પ્રાણવાયુ પ્રસારતી રહી.  

——————–

આવતીકાલે – શીલા – ૩

શીલા – ૧

અધઃ પતન અને પુનરુત્થાનની ગાથા

પ્રારંભ 

  પર્વતના ઉત્તુંગ શિખર ઉપર તે પોતાના ગર્વમાં મુસ્તાક મલકી રહી હતી. ભૂમિ પરનાં બધાં તત્વો દૂર તળેટીમાં સાવ વામણા લાગતાં હતાં. સૌથી નજીકના લીલાં શંકુદ્રુમ વ્રુક્ષો પણ નાના છોડવા જેવા ઘણે દૂર , નીચે મગતરાં જેવાં લાગતાં હતાં. એ કાળમીંઢ ચટ્ટાન આખા જગતના છત્રપતિ જેવો ભાવ ધારણ કરી પોતાની એકલતાના સામ્રાજ્યમાં રમમાણ હતી. તેને કશાનો ડર ન હતો. કોઈ તેની પાસે ઢુંકી શકે તેમ ન હતું. એક મહાન ઈશ્વર જેવા તેના હોવાપણાના ગર્વમાં તે શીલા મહાલી રહી હતી. કોની મગદુર છે તેના એક કણને પણ ચળાવી શકે? ઓતરાદા પવન હોય કે દખણાદા; હમ્મેશ ધવલ બરફના વાઘા તે હમ્મેશ ધારણ કરી રાખતી.   કોઈ ઉષ્માની, સુર્યના કોઈ કિરણની મગદૂર ન હતી, તેના આ વાઘાને લવલેશ ઊતારી શકે. ધવલગિરિનું આ સૌથી ઉંચું  શિખર સંસારનું સર્વોચ્ચ બિન્દુ હતું તેવો તેને દર્પ હતો.

        એક કાજળકાળી, ઘનઘોર રાતે નભોમંડળમાં કાળાંડિબાંગ વાદળો આ શિખરથી ઘણે ઊંચે ઘેરાયેલાં હતાં. શીલા તેની એકલતામાં એક નાનો શો ભય દિલમાં ધારણ કરીને બેઠી હતી. કાંઈક છુપો અણસાર તેના દર્પને પડકારી રહ્યો હતો. આ પોચાં ગાભાં જેવાં વાદળ  તેનાથી ઘણે ઉપર જાણે તેની હાંસી ઉડાવી રહ્યાં હોય તેવો તેને આભાસ થતો હતો. તે ઘણે ઉંચે હતાં અને તેનાથી ઘણાં મોટાં હતાં. પણ વાયરો તેમને હમણાં તાણી જશે તેની તેને ખાતરી હતી. હમ્મેશ આમ જ બનતું આવ્યું હતું. વાદળો વિખેરાઈ જતાં, અને શીલા પોતાની મગરુરીમાં પાછી મહાલવા માંડતી. પણ આજની રાત વિલક્ષણ હતી. કાંઈક અણધાર્યું બનવાનું છે તેવા ભયનો ઓથાર તેના ચિત્તને કોરી રહ્યો હતો.

અધઃ પતન

         અને એ વાદળાં ટકરાયાં. વિદ્યુતનો એક કડાકો થયો. પહેલાં પણ આમ ઘણી વાર બનતું હતું અને શીલા થરથરી ઉઠતી. એ વિજળીની ક્રોધભરી નજર અચુક પેલાં વામણાં વ્રુક્ષો  ઉપર પડતી અને તે સળગી ઉઠતાં. બસ એવા સમયે શીલાને તેમના માટે ઘડી બે ઘડી કરુણા ઉપજતી. પણ આજે આ વિજળીબાઈના મગજમાં શું થયું કે, તેણે પોતાનો ગુસ્સો ઠાલવવા આ શીલાને લક્ષ્ય બનાવી. આજે એ કડાકો શીલાના મસ્તક ઉપર તાટક્યો. પણ એ કાંઈ થોડી જ પેલાં નિર્માલ્ય વ્રુક્ષો જેવી હતી? એક ક્ષણ એ થથરી અને પછી બધું હતું તેમનું તેમ.

        બધાં તોફાન શાંત થઈ ગયાં. બીજા દિવસના સવારના ઉજાસમાં શીલાએ પોતાના દેહ પર નજર કરી. એક નાનીશી તરડ તેના ઉત્તુંગ શિખરની   એક કિનારી ઉપર સર્જાઈ હતી. ક્ષણ  બે ક્ષણ માટે પોતાની અજેયતા ઉપર શીલાને શંકા પેદા થઈ. પણ તેણે તે વિચાર ખંખેરી નાંખ્યો. પણ ગઈ રાતના તોફાની વરસાદે એ તરડમાં થોડું પાણી જમા કરી દીધું હતું.

      ‘ ઠીક , હશે! આ ક્ષુદ્ર જીવડાં જેવું પાણી મારું શું બગાડી દેવાનું હતું?’ – શીલાએ વિચાર્યું.

       હવે દિવસમાં પાછું ઠંડીનું મોજું આવ્યું અને બરફ વર્ષા શરુ થઈ ગઈ. પાણીનાં એ થોડાં ટીપાં પણ બરફ બની ગયાં. શીલાને અકળામણ થઈ. આ ક્ષુદ્ર જંતુઓ તેને દબાવી રહ્યાં હતાં. છટ્. આવાની તો એસી તેસી. પણ તેણે જોયું કે પેલી તરડ તો થોડી લાંબી બની હતી. બીજો વરસાદ અને થોડું વધારે પાણી ‘માન ન માન પણ હું તારો મહેમાન ‘ કરીને આ તરડમાં ઘૂસી ગયું. ફરી બરફ અને ફરી એ અકળામણ.

      તરડ તો મોટી ને મોટી થતી જતી હતી.   અજેય, અવિચળ એ શીલાના  દર્પભંગનો  પ્રારંભ થઈ ચૂક્યો હતો.

        ફરી વાદળ ઘેરાયાં અને ફરી વિજળી તાટકી. આ વખતે તેની ટોચના બીજા પડખે બીજી તરાડ ઊભરી આવી. કાળક્રમે તે પણ વધતી ચાલી. ચાર પાંચ વરસ વીતી ગયાં અને ઉત્તુંગ શીલાને પહેલી વાર ઘડપણ આવ્યું હોય તેમ લાગવા માંડ્યું. તેના દેહ પર પાંચ છ તરાડો હવે ઘર કરી બેઠી હતી અને દિન પ્રતિદિન તે વધતી જતી હતી. તેના દર્પને સ્થાને હવે એક અજ્ઞાત ભય ઘર ઘાલી બેઠો હતો. કશુંક અમંગળ બનવાનું છે તેવી ધાસ્તિ તેને લાગી રહી હતી.

      અને એવા જ એક અમંગળ દિવસે ધવલગિરિ ધણહણી ઉઠ્યો. આખી ધરતી કંપી રહી હતી. એ કંપનો એક ઉલાળો અને શીલા તહસ નહસ થઈને ધવલગિરિથી છૂટી પડી ગઈ. પર્વતના ઢોળાવ પર તે ગબડવા લાગી. કોઈ તેને બચાવી શકે તેમ ન હતું.  પર્વતની કોર આગળ આવીને તે ઉભી.પેલાં ક્ષુદ્ર  વ્રુક્ષોએ તેને ટેકો આપ્યો. તેની અધઃપતનની ગતિ રોકાણી. તે વ્રુક્ષોને ચગદી શીલા અટકી ગઈ હતી.

    તેની ભયમાં બંધ થયેલી આંખો ખુલી. અને એક પ્રચંડ ભય તેના સમગ્ર હોવાપણાને થરથરાવી ગયો. જેનું ઊંડાણ કળી ન શકાય તેવી ભયાનક ખીણની ઉપર, પર્વતની એક કોર ઉપર તેનો નવો મુકામ હવે થયો હતો. જે તળેટીઓની તે હાંસી ઉડાવતી આવી હતી, તે તળેટીઓ તેને નીચે આવવા આમંત્રણ આપી રહી હતી.

      પોતાના વિતેલી ઉત્તુંગતાના મહાન દિવસો યાદ કરી, શીલા પોશ પોશ આંસુડાં સારી રહી હતી.

    કંઈ કેટલાય વર્ષ  વીતી ગયા – આમ પર્વતની કોરે લટકતા રહીને. શીલાને આધાર આપી પોતાના પ્રાણની આહૂતિ આપનાર વ્રુક્ષો તો ક્યારનાય નામશેશ થઈ ગયા હતા. પર્વતની જે કોરને શિખર પર બિરાજેલી શીલા તુચ્છકારથી મગતરા જેવી ગણતી હતી; તે જ કોર આજે તેના અસ્તિત્વનો આધાર બની રહી હતી. પણ તેની નીચેની ધરતી દર સાલ વરસાદને કારણે ધોવાતી રહી. જે આધાર પર શીલા ટેકવાઈને બેઠી હતી, તે આધાર પણ હવે નિર્બળ થવા માંડ્યો. કોક દુર્ભાગી પળે એ ધરતીના કણ સરકવા માંડ્યા. મોટું પોલાણ થઈ ગયું. શીલાના વજનને ટેકો આપી રહેલી માટી જ ન રહી. રહીસહી માટી સાગમટે ધસી પડી. શીલાએ પોતાનું સમતુલન ગુમાવ્યું. એક પ્રચંડ ધડાકા સાથે શીલા હજારો ફુટ ઊંડી ખીણમાં ફંગોળાઈ ગઈ. હર ક્ષણે તેના પતનનો, વિનિપાતનો વેગ વધવા માંડ્યો. છેવટે જ્યારે તે ખીણના દુર્ગમ પાતાળ સાથે  અફળાઈ, ત્યારે તેના સહસ્ત્ર ટુકડા થઈ ગયા. એક ટુકડો આમ પડ્યો તો બીજો તેમ.

તેનું શિખર પરના ભુતકાળનું ગૌરવ નામશેષ થઈ ગયું.
એ સલ્તનત સંકેલાઈ ગઈ.
એ દર્પ સમયના વહેણમાં ક્યાંય ઓગળી ગયો.
એ ઉન્મત્તતાનો કોઈ અવશેષ ન બચ્યો.
તેનો કોઈ ઈતિહાસ ન લખાયો. 

        હવે તો તેના વારસ જેવી ભેખડો પરથી પર્વતનાં ઝરણાંથી પુષ્ટ બનેલી જલધારાઓ પ્રચંડ પ્રપાત બનીને અફળાતી રહી. શીલાના ફરજંદ નાના મોટા પથ્થરો આ પ્રપાતમાં ઘસાતા રહ્યા, આમથી તેમ અફળાતા રહ્યા. જે કોઈ નાના ટૂકડાઓ હતા તે, પાણીના પ્રવેગમાં ખેંચાઈ આગળ ધકેલાતા ગયા, હડસેલા ખાઈ ખાઈને તેમની તિવ્ર ધારો ઘસાતી રહી. તેના મૂળ પ્રતાપના બધા અવશેષ નામશેશ થતા રહ્યા. લાખો વરસની આ સતત પ્રક્રિયાએ મોટાભાગના ટુકડાઓનું રુપ જ જાણે બદલી નાંખ્યુ. એ સૌ ધવલગિરિના શિખરે બેઠા હતા તે યાદો પણ ભુલાવા માંડી. પવનના સુસવાટા સિવાય જ્યાં કોઈ અવાજ શીલાને સંભળાતો ન હતો; ત્યાં સતત જલપ્રપાતનો ઘોર રવ દિન રાત તેના શ્રવણને બધીર બનાવતો રહ્યો. ક્રૂર વર્તમાનની થાપટો ખાતાં ખાતાં દુર્દશા જ તેમની દશા બનતી રહી.

‘સગાં દીઠાં મેં શાહઆલમનાં,
ભીખ માંગતાં શેરીએ.. ‘

પુનરૂત્થાન 

       જ્યારે શીલાના આ સંતાનો નદીના પ્રવાહની સાથે તણાતા મેદાનો સુધી આવી પહોંચ્યા, ત્યારે તે સૌ માંહોમાંહે બાખડીને ચળકતી રેતીના સાવ નાનાં કણ જ બની ગયા હતા. હવે તેનો પ્રતાપ ઓસરી ગયો હતો, જે શીલાની ઉપર એક તરણું પણ ઉગવાની હેસિયત કરી શકતું ન હતું, તેની અંદર ભાતભાતની વનસ્પતિ ઊગવા લાગી. વિવિધ કિટકો તેમાં પોતાનો આવાસ બનાવી રહ્યા. તેમના રેશમ જેવા નાજુક પોતમાં પશુ પંખીઓ કિલ્લોલ કરવા માંડ્યા. બાળકો રેતીના કિલ્લા બનાવી મોજ માણવા લાગ્યા. તેના ઢગલાઓમાં માટી કે ચુનો ભેળવી માણસો પોતાના નિવાસો બનાવવા લાગ્યા. જે શીલા ઉત્તુંગ શિખરે પોતાના એકલવાયા, એક્દંડીયા મહેલમાં મદમાં ચકચૂર બની મહાલતી હતી, તેના વારસોની વચ્ચે માનવજીવન ધબકવા લાગ્યું. સંસ્કૃતિના પાયાની ઈંટો શીલાના આ શત શત વિન્યાસ પર ચણાવા લાગી.

        કોઈ સુભગ પળે, નદીના ઉપરવાસમાં રખડતા કોઈ માનવને હાથે હજુ મેદાન સુધી ન પહોંચેલો શીલાનો એક ટુકડો આવી ગયો. તેની હેરતભરી આંખો આ ચળકતા, લિસ્સા પથ્થરને જોઈ રહી. તેણે એ ટુકડાને ઊઠાવ્યો અને વસ્તીમાં પોતાના મિત્રોને બતાવવા લઈ ગયો. અણીશુધ્ધ અંડાકાર અને ચમકતા નખશીષ કાળા આ પથ્થર માટે સૌને અહોભાવ ઉપજ્યો. કદી કોઈએ આટલો મોટો અને અણીશુધ્ધ ગોળાકાર અને ચળકતા રંગનો પથ્થર જોયો ન હતો.

       વસ્તીના મુખીયા જેવા વયોવૃધ્ધ વ્યક્તિએ કહ્યું, ‘અરે , આ તો ઊપરવાળાની મહેરબાની છે. આ તો સાક્ષાત પ્રભુ સ્વયંભુ પ્રગટ્યા. ચલો આપણે તેમનું  સન્માન અને અભિવાદન કરીએ.’

     એ ગોળમટોળ પથ્થર દેવ બનીને ગામના મંદિરમાં બિરાજ્યો. મંગળ ગીત ગવાણાં અને આબાલ વૃધ્ધ સૌ અહોભાવથી ઈશ્વરના આ અવતારને નમી રહ્યા.

      શીલાનો આ નવો અવતાર મનોમન વિચારી રહ્યો,

 કયું ગૌરવ સત્ય?
પર્વતની ટોચ પરનું,
રેતીમાંનું
કે
આ સિંહાસને બિરાજેલા
કહેવાતા દેવનું? ‘

      અને ઊપરવાળો શીલાની, આ ગોળ પથ્થરની, રેતીના કણોની અને માણસોની આ બાલિશતા પર મંદ મંદ  સ્મિત  કરી રહ્યો.

પિત્ઝા

(વોટ્સએપ પર વાંચેલ એક અંગ્રેજી સંદેશનો ભાવાનુવાદ)

નિરંજન મહેતા

સવારના શ્રીમતીજીનો હુકમ છૂટ્યો કે આજે ધોવા માટે બહુ કપડાં ન નાખતા. કેમ? ના જવાબમાં જણાવાયું કે આજે અને કાલે રાધાબાઈ કામ પર નથી આવવાની.

‘અરે, ગયા અઠવાડિયે તો તેણે રજા લીધી હતી, હવે ફરી કેમ?’

‘હોળી આવે છે તો તે બે દિવસ પોતાની દોહિત્રીને મળવા ગામ જાય છે.’

‘ભલે હું કપડાં ઓછા નાખીશ.’

‘શું હું તેને રૂ. ૫૦૦/- બોનસ રૂપે આપું?’

‘આપણે તો દર દિવાળીએ બોનસ આપીએ છીએ તો આજે કેમ આમ પૂછ્યું?’

‘એક તો આપણને આ કોરોનાના સમયમાં બહુ મદદરૂપ થઇ છે. વળી તમે તો જાણો છો કે હાલમાં બધું કેટલું મોંઘુ થઇ ગયું છે. હોળી ઉજવણી માટે ભેટ અને જવા આવવા તેને થોડા પૈસાની જરૂર પડશે પણ તે મને કહેશે નહીં. એટલે મને લાગ્યું કે હું જ સામે ચાલીને તેને થોડી મદદ કરૂં.’

‘તું બહુ ભાવનાશીલ છે તેની મને ખબર છે. પણ રૂ. ૫૦૦/- તારી પાસે છે?

‘હા, આજે પિત્ઝા માટે તમે મને રૂ. ૫૦૦/- આપ્યા હતા પણ હું તે નહીં મંગાવું. બ્રેડના આઠ ટુકડામાં શા માટે આ વેડફું? તેને બદલે આમ સદઉપયોગ થતો હોય તો શા માટે ના કરૂં?’

‘વાહ, મારા પિત્ઝાને છીનવી લઈને બાઈને મદદ? ઠીક છે, તને તેમ કરવું યોગ્ય લાગે તો હું કોણ વાંધો લેનાર?’

હોળીના બે દિવસ પછી રાધાબાઈ પાછી આવી ત્યારે મેં તેને પૂછ્યું કે ગામ જઈ બધાને મળી તો તને અને બધાને કેવું લાગ્યું?

‘સાહેબ, બહુ ખુશી થઇ મને અને દીકરી-દોહિત્રીને. જમાઈરાજને પણ આનંદ થયો.’

‘વાહ, સરસ. મારે પૂછવું ન જોઈએ પણ તને સરલાએ રૂ. ૫૦૦/- આપ્યા હતા તે બધા વાપર્યા?’

‘હા સાહેબ, હું જે ભેટ લઇ ગઈ હતી તે જોઈ બધાને આનંદ થયો. મારી દોહિત્રી માટે રૂ. ૧૫૦/- નો ડ્રેસ લીધો હતો અને તેને માટે રૂ. ૪૦/-ની એક ઢીંગલી પણ લઇ ગઈ હતી, તે જોઇને તે અત્યંત ખુશ થઇ.ગઈ અને રોજ તેની સાથે રમવા લાગી. દીકરી માટે બંગડીઓ લઇ ગઈ તેમાં રૂ. ૨૫/- ખર્ચ્યા. બધા માટે મીઠાઈ લઇ ગઈ તેમાં રૂ. ૫૦/-નો ખર્ચો થયો. તો જમાઈરાજ કેમ બાકી રહે? તેમને માટે રૂ. ૫૦/-નો બેલ્ટ લઇ ગઈ હતી જે જોઈ તે પણ ખુશ. ત્યાના મંદિરમાં રૂ. ૫૦/-ની ભેટ ચઢાવી તેને કારણે મને પણ મનની શાંતિ મળી. જવા આવવાના બસના રૂ. ૬૦/- થયા. આમ કર્યા બાદ જે રૂ. બચ્યા તે મારી દીકરીને આપ્યા કે તે તેની દીકરી માટે નોટબુક અને પેન્સિલ લાવે.’

આ વિગતવાર હિસાબ તો તેણે આપ્યો પણ તે આપતા તેના ચહેરા પર જે આનંદની લહેરખી ફરી વળી તે જોઈ મને થયું કે ફક્ત રૂ. ૫૦૦/-માં આ બાઈએ આટલું બધું કર્યું અને તેનો કેટલો બધો આનંદ મેળવ્યો? રૂ. ૫૦૦/- કે જેનાથી આઠ કટકાનો એક પિત્ઝા આવે અને તેનો જે મને આનદ મળતે તેનાથી ક્યાય અધિક આનંદ આ બાઈએ મેળવ્યો.

મારી સામે આઠ કટકાનો એ પિત્ઝા તરવરવા લાગ્યો અને અનાયાસે મારાથી એક સરખામણી થઇ ગઈ.

પિત્ઝાનો એક કટકો એટલે ડ્રેસ .

પિત્ઝાનો બીજો ટુકડો એટલે મીઠાઈ

પિત્ઝાનો ત્રીજો ટુકડો એટલે મંદિરમાં ભેટ.

પિત્ઝાનો ચોથો ટુકડો એટલે જવા આવવાનો ખર્ચ

પિત્ઝાનો પાંચમો ટુકડો એટલે ઢીંગલી

પિત્ઝાનો છઠ્ઠો ટુકડો એટલે બંગડીઓ

પિત્ઝાનો સાતમો ટુકડો એટલે જમાઈરાજ માટે બેલ્ટ.

પિત્ઝાનો આઠમો ટુકડો એટલે નોટબુક અને પેન્સિલ.

પિત્ઝાના આઠ ટુકડા સામે આવી આઠ પ્રકારની વિવિધ ઉપયોગિતા! અત્યાર સુધી મેં પિત્ઝાને એક જ દ્રષ્ટિથી જોયો હતો પણ આજે આ બાઇએ મને તે જુદા દ્રષ્ટિકોણથી દેખાડ્યો અને તેથી આજે હું જિંદગીનો એક નવો પાઠ શીખ્યો.

ચમત્કાર

સાભાર – શ્રીમતિ અંજલિ ભટ્ટ

ક્રિસમસ આવી રહી છે, તે ટાણે અંગ્રેજી પરથી એક ભાવાનુવાદ …

તે દિવસે મિટિંગ માટેનો હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો. — કમ્પનીનો બધો સ્ટાફ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો કે, ક્રિસમસ લોટરીમાંથી કોનું નામ નીકળે છે. ૩૦૦ જણના સ્ટાફ વાળી એ કમ્પનીના દરેક કામદારે ૧૦ ડોલર જેકપોટના ડબ્બામાં નાંખેલા હતા. બીજા ડબામાં કોને લોટરી મળે એના નામની ચિઠ્ઠી દરેક જણે નાંખી હતી. જે ૩,૦૦૦ ડોલર ભેગા થાય; તેમાં બીજા ૩,૦૦૦ ડોલર કમ્પની ઉમેરે અને કુલ ૬,૦૦૦ ડોલરની રકમ નસીબદારને મળે – એવો દર સાલનો રિવાજ હતો.
જેક છેલ્લો આવ્યો અને જિસસને યાદ કરીને તેણે દસ ડોલર અને ઈનામ કોને મળે તેના નામની ચિઠ્ઠી નાંખ્યા. ઓફિસમાં સફાઈનું કામ કરતી માર્થા બહુ જ ગરીબ હતી. તેનો દીકરો બે દિવસ પહેલાંજ ગંભીર બિમારીમાં પટકાયો હતો અને હોસ્પિટલમાં કણસી રહ્યો હતો. માર્થા પાસે એનું ઓપરેશન કરવા માટે રકમ ન હતી. જેકે ધડકતા દિલથી જિસસને પ્રાર્થના કરી કે, આ વર્ષનું ઈનામ માર્થાને મળે. ચમત્કાર થાય તો એની આ પ્રાર્થના ફળે.
બધાની આતુરતાનો અંત છેવટે આવ્યો અને મેનેજિંગ ડિરેકટર સાહેબ આવી ગયા. થોડીક વાતચીત પછી, તેમણે બીજા ડબામાં હાથ નાંખ્યો અને એક ચિઠ્ઠી ઉપાડી. હોલમાં ટાંકણી પણ પડે તો સંભળાય, એટલી શાંતિ છવાયેલી હતી. સાહેબે ચિઠ્ઠી ખોલી અને મોટેથી જાહેર કર્યું , “ આ વર્ષની લોટરી માર્થાને મળે છે.”
બધાંએ તાળીઓના ગડગડાટથી આ જાહેરાતને વધાવી લીધી. જેક હરખના અતિરેકમાં ઊછળી પડ્યો. પણ એને નવાઈ તો લાગી જ કે, બીજા સૌ પણ એના જેટલા જ ખુશખુશાલ હતા.
માર્થાની આંખમાં હર્ષનાં આંસું છવાઈ ગયાં. એ સ્ટેજ પર આવી અને લોટરીનું ઈનામ સ્વીકારતાં રડી પડી. ‘હવે તેનો દીકરો જીવી જશે.’
પછી તો ક્રિસમસની પાર્ટી શરૂ થઈ. અને બધાએ ભોજનના ટેબલ તરફ પ્રયાણ કર્યું. પણ જેકના અંતરમાં ચટપટી હતી. તેને જાણવું હતું કે, આ ચમત્કાર શી રીતે થયો? હવે કોઈનું ધ્યાન સ્ટેજ પરના ટેબલ તરફ નહોતું. જેકે ચિઠ્ઠી વાળા ડબામાંથી બીજી એક ચિઠ્ઠી ખોલી. એમાં પણ માર્થાનું જ નામ હતું . આમ તેણે દસ બાર ચિઠ્ઠીઓ ખોલી અને બધામાં માર્થાનું જ નામ લખેલું હતું .
જેકને ખાત્રી થઈ ગઈ કે, એ ચમત્કાર ખરેખર દૈવી હતો – એ દૈવ જેણે સૌના અંતરમાં માર્થા માટે સહાનુભૂતિ અને શુભેચ્છા પ્રગટાવ્યાં હતાં.

ચગડોળ

ભાઈલા ચગડોળ!  કેમ દુઃખી દુઃખી થઈ ગયો? આ બધા ક્રુતઘ્ની માણસો તારી પર જ સવારી કરીને તારી જ ખોદણી કરે છે, એ જોઈ દુઃખી કાં થાય? એમની નપાવટ જિંદગીને તારી સાથે સરખાવે છે. એ તો જાત જ એવી. જેનું ખાય એનું જ ખોદે.

ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?

પણ બધા એવા નથી હોં ! જો ને, આ અવિનાશ વ્યાસે તારી કેવી મોટી મસ કદર કરી છે?

અદ્ધર પદ્ધર હવામાં સદ્ધર
એનો હીંચકો હાલે, એનો હીંચકો હાલે
નાનાં મોટાં સારાં ખોટાં બેસી અંદર મ્હાલે
અરે બે પૈસામાં બબલો જોને
આસમાનમાં મ્હાલે

ખેર, છોડ એ વાત. તારી ઉત્પત્તિને યાદ કર. તું કેવો નિલગિરિ પર્વત પર સાગના ઝાડ પર મ્હાલતો હતો? એ ઠંડી હવા, એ પર્વતોની ટોચ પર તારો મુક્ત સ્વૈરવિહાર. એ વનપંખીઓની તારી ડાળ પર ઝૂલીને મધુરાં ગીતો ગાવાની મજા. એ સુગ્રીવ અને વાલીના વંશજોની તારી ડાળો પકડીને હૂપાહૂપ. એ બધી મહોલાત આ માનવજંતુઓનાં નસીબમાં ક્યાંથી?

તું કહીશ, “ ते हि न दिवसाः गताः । “

પણ, ભાઈલા મારા! પેલા મહાન ગુજરાતી દાદા કહી ગયેલા તે યાદ કર –

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.
તેથી જ શાણા સજ્જનો લવલેશ મૂંઝાતા નથી.
[ ‘રાઇનો પર્વત – રમણ ભાઈ નીલકંઠ ]

માટે જ મારા ભાઈ! આ તરણેતરના મેળામાં મ્હાલ . જલસા કર ભાઈ, જલસા !

સોયનો જન્મ

મનુ થરથરતો એની ગુફામાં બેઠો હતો અને હાડ સુધી ઊંડે ઊતરી ગયેલી ટાઢને તાપણાંના તાપથી દૂર કરવા વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો. હમણાં જ તે હરણનો શિકાર ખભે ચઢાવીને લાવ્યો હતો. હરણની પાછળ દોડતાં છાતી અને પેટ પર બાંધેલા, જીર્ણ શિર્ણ બની ગયેલા ચામડાના બે ય પટ્ટા ટૂટી ગયા હતા. શિયાળાની સૂસવાટા ભરેલા, ઠંડાગાર પવન એને તીરની જેમ ભોંકાઈ રહ્યા હતા. મનુને મનમાં થતું કે, આના કરતાં એના તીરે જેમ હરણને મરણ શરણ કરી દીધું હતું, તેમ પોતે પણ અવલધામ પહોંચી જાય તો વધારે સારું.

    મનુ આવો બધો બડબડાટ કરતો તાપણે શેક લઈ રહ્યો હતો. ત્યાં તેની પત્નીને હરણના શબને સાફ કરતાં, એના શિંગડામાં ભરાયેલી ડાળી પરનો લાંબો કાંટો નજરે ચઢ્યો. કાંટાની તીણી અણી જોતાં એકાએક એને મનમાં ઝબકાર થયો.  તેણે શિંગડામાંથી એ ડાળી છૂટી કરી અને સાચવીને એ કાંટાને ડાળીના સાવ નાના ભાગની સાથે પથ્થરની છરીથી કાપીને જૂદો કર્યો. બાજુમાં સૂકવેલા આંતરડામાંથી ભેગી કરેલી મજબૂત દોરીઓ લટકી રહી હતી. તેણે કાંટા સાથે કસીને એ દોરી બાંધી દીધી. પછી ચામડાના ઢગલામાંથી એક મોટો ટૂકડો લઈ આઠ દસ જગ્યાએ પથ્થરની છરી વડે કાપા પાડ્યા. એ કાપામાંથી કાંટા વડે તેણે દોરી પરોવીને ગાંઠ મારી દોરીના ટૂકડા બાંધી દીધા.

     મૂળ બે જ દોરડાની જગ્યાએ ચામડાને બાંધવાની પાંચ મજબૂત કસો તેણે બનાવી દીધી હતી. મનુ આ જોઈ રહ્યો હતો. હવે તેની ટાઢ પણ ઊડી ગઈ હતી. તેણે ઊભા થઈને વ્હાલસોયી પત્નીને આલિંગનમાં જકડી લીધી.

  માનવસમાજનું પહેલું સીવેલું વસ્ત્ર જન્મી ચૂક્યું હતું.

  એનાથી સહેજ જ પહેલાં  સોય પણ જન્મી ચૂકી હતી.

    અને એનાથી અગત્યની અને અપરંપાર ખુશીની વાત તો એ હતી કે, મુશ્કેલીને તકમાં પરિવર્તિત કરવાની માનવની મૂળભૂત ખૂબીમાં યશકલગીનું એક ઓર પીંછું પણ ઉમેરાઈ ગયું  હતું .  

ગરમાળાનો જન્મ

આજથી એક લાખ વર્ષ પહેલાં…..

  પર્વતની તળેટીમાં, ધરતીના પેટાળમાં સોનું સોડ વાળીને સૂતું હતું. તાકાત વાળી મહાકાય  નદીએ લાખો વર્ષ વહી વહીને એને જમીનની સપાટીની ઘણી નજીક લાવી દીધું હતું. હવે એને પાતાળની ગરમી ખાસ સહન કરવી પડતી ન હતી. નદીનાં ઠંડા જળથી હવે તેના અંગે અંગમાં શીતળતા પણ વ્યાપી હતી.

     એક દિ’ એના સુષુપ્ત આત્માને કોઈએ ઢંઢોળી જગાડ્યો. જમીન પર લહેરાતા સાવ નાનકડા વૃક્ષના મૂળના છેડાએ એને ગલીપચી કરી! સોનાને હસવું આવી ગયું.

   મૂળાંકુરે કહ્યું,” ચાલ! મારી જોડે જોડાઈ જા. તને હવાની લહેર બતાવું. ઝળહળતો સૂરજ દેખાડું .”

   સોનું ,” એ તે વળી શી બલા? અહીં નિબીડ અંધકારમાં પોઢવાની મજા જ મજા છે.“

  મૂળાંકુર ,” એક વાર બહારની સફર કરી તો જો. એ મજા પણ માણી જો ને.”

   સોનું ધીમે ધીમે મૂળાંકુરના રસમાં ઓગળવા લાગ્યું. છેવટે એ વૃક્ષની ટોચ પર આવેલી નાનકડી ડાળીની અંદર સળવળવા લાગ્યું. પણ હજી એને સૂરજદાદા દેખાતા નહોતા. એણે ડાળી વીંધીને ચપટીક બહાર ડોકિયું કર્યું .

     અને અહોહો ! બહાર તો સૂરજદાદા તપી રહ્યા હતા. વૃક્ષની ટોચ પરથી આજુબાજુની લીલી છમ્મ ધરતી પણ સ્વર્ગ સમાન લાગતી હતી.  દૂર ઊંચે પર્વતનું શિખર એની મહાનતામાં આકાશને આંબી રહ્યું હતું.  ટપ્પાક દઈને સોનાં બહેન તો એ અંકુરમાંથી પીળી ચટ્ટાક પાંદડીઓ બનીને લહેરાવાં લાગ્યાં.

ગરમાળાના એ વૃક્ષને

સોનેરી બાલિકા જન્મી ચૂકી હતી.   

કંકોતરી – શરદ શાહ

બીજી ઓક્ટોબર. ગાંધી જયંતિ. પણ પ્રાઇવેટ નોકરીમા રજા થોડી હોય? નોકરી પરથી છુટી પંકજ સીધો ઘેર આવ્યો. પત્નીએ દરવાજો ખોલ્યો કે ખોલતાની સાથે પ્રશ્નોની ઝડી વરસી.

” સુલુ (સુલોચના) એક કંકોતરી ટ્રિપાઇ પર રહી ગઇ હતી, એ ક્યાં છે? તારા હાથમાં આવી? મને યાદ છે ત્યાં સુધી મેં ત્યાં જ મૂકી હતી. તેં લઇને કબાટમાં તો નથી મૂકીને?.

” સુલોચના, ” કોની હતી? તે આમ હાંફળા ફાંફળા થાઓ છો?”

“અરે,મારા શેઠના છોકરાના પાંચમીએ લગન છે તેની કંકોતરી હતી.”

“તે એમા આમ રઘવાયા શું કામ થાઓ છો. મળી જશે. અને ન મળેતો કાલે ઓફીસમાથી બીજાને આપેલ હોય તેનો મોબાઈલ માં ફોટો પાડી લેજો્”

“સુલુ, એ વાત નથી. ગઇકાલે શેઠે પગારના વીસ હજાર આપેલા તે પણ મેં એમાં મૂકેલા.

” “પીળા રંગનુ કવર હતું?”

“હા, હા એ જ.” પકજ બોલ્યો.

“હાય રામ. આજે જ મેં પસ્તીવાળાને પસ્તી આપી તેમા પૂંઠા, નકામી નોટો, છુટ્ટા કાગળો, જાહેરાતના ચોપાનિયા બધુ છાપાઓની વચ્ચે ઘુસાડી આપી દીધું. મુઓ, છાપાની પસ્તીના બાર રુપિયા અને આવા કાગળોના બે રુપિયા જ આપે છે. એટલે હું તો દરવખતે પસ્તી આપું ત્યારે આવું બધુ છાપામા ઘુસાડી દઉં. જરુર એ પીળુ કવર પસ્તીવાળાને અપાઇ ગયું છે.”

સુલોચનાએ ડર સાથે કથની કહી. પંકજની નીચેથી ધરતી સરકી ગઇ.

” અરે, હવે આ મહિને રોહિતની સ્કુલની ફી, કિરાણાનુ બીલ, લાઇટ, દુધ, છાપાના પૈસા કેમ ચુકવશું?

ઘરનુ વાતાવરણ ગમગીન થઇ ગયું . સાંજનુ ન વાળુ કરી શક્યા કે ન રાત્રે સૂઇ શક્યા. બીજે દિવસે ઓફીસના બીજા કર્મચારીઓ પાસે ઉધાર માંગી કરીને દસેક હજાર ભેગા કર્યા. થોડા ઘણા સુલોચનાએ બચાવેલ અને બીજા બેંકમા બચતમાંથી ઉપાડી વીસ હજારનો મેળ કર્યો.

આજે પાંચમીએ શેઠના છોકરાના લગનમા જવા બસમા જ ગયા. હોલના પગથિયા ચઢતાતા ત્યાં એક આધેડ વયનો માણસ સામે આવ્યો અને બોલ્યો, ” બેન તમે શારદા સોસાયટીમાં રહો છો?

એક અજાણ્યા માણસનો સવાલ સાંભળી સુલોચનાબેન ઘડી ખચકાઇને બોલ્યા,

“હા,”

ત્યાં તો બીજો સવાલ આવ્યો. , ” તમે બે ત્રણ દિવસ પહેલા પસ્તી આપી હતી?”

સુલોચના અને પંકજના કાન ઉંચા થઇ ગયા. અને સુલોચનાબેને કહ્યું,

“હા”.

“બેન એ પસ્તીવાળો હું જ છું. અહીં લગનમા આવીને તમને શોધવાના હતા એટલે દાઢી કરાવી, મારા ભાણેજ જમાઇને ત્યાં થી લગનમા શોભે તેવા કપડા પહેરીને આવ્યો ને એટલે તમે મને ઓળખી નહીઁ શક્યા. પણ રાત્રે છાપાની પસ્તીમાંથી પૂંઠા ને કાગળો છુટા પાડતો હતો ત્યારે આ એક કંકોતરી નીકળી. બેન લોકો છાપા ભેગા આવા કાગળો નાખી દેતા હોય છે જે અમારે રોજ છુટા કરીને ફક્ત છાપા જ વહેપારીને આપીએ તો પૂરતા પૈસા આપે. નહીં તો ૨૦%ઓછા આપે. કંકોતરી વજનદાર લાગી એટલે મેં ખોલી તો અંદરથી વીસ હજાર રુપિયા નીકળ્યા. કકોતરીની તારિખ જોઇ તો પાંચમી હતી. એટલે થયું કે જેમની પસ્તીમાંથી આ કંકોતરી નીકળી છે તે લગનમા આવશે. એટલે તેમને લગ્નના હોલ પર શોધી કઢાશે. એટલે હું અહી તમને શોધવા જ આવ્યો.”

એમ કહેતા એ પસ્તીવાળાએ પોતાના પાકિટમાંથી પેલી કંકોતરી કાઢી ને સુલોચનાબેનના હાથમા મૂકી. ઝટ પંકજે કંકોતરીનુ કવર ખોલી વીસ હજાર જોતાની સાથે ખુશ ખુશ થઇ ગયો. વીસ હજારમાંથી એક હજાર પસ્તીવાળાને આપવા હાથ લંબાવ્યો,

પણ પસ્તીવાળાએ હક વગરના પૈસા ન લીધા તો ન જ લીધા.

નૂતન ભારત – ૧

આજથી ‘વેબ ગુર્જરી’ પર શરૂ થયેલી એક લેખ શ્રેણીના પ્રાસ્તાવિકમાંથી…

     પ્રિન્ટ મિડિયા અને હવે તો નેટ ઉપર પણ, સમાચારોનું વર્ગીકરણ કરીએ તો મોટા ભાગના સમાચારો ફિલ્મો, રાજકારણ, ધર્મ કારણ, હિંસા, અત્યાચાર, સેક્સ, બદ દાનતો,ભ્રષ્ટાચાર વિ. ને લગતા જ વાંચવા મળે છે – મોટા માણસોની નાની નિયતની ઘણી બધી વાતો. ભારતમાં તો બધું આવું જ છે, અને એમ જ ચાલે – તેવી માન્યતા વિશ્વમાં તો શું ખુદ ભારતીય લોકોના માનસમાં પણ ઘર ઘાલી ગઈ છે.

     પણ છેક એમ નથી. નાના માણસોની મોટી વાતો પણ છે જ. એ પૂણ્યના પ્રતાપે તો દેશનું ગાડું ચાલે છે.

પહેલી વાર્તા…

http://webgurjari.in/2016/10/16/the-modern-india_1/