સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: વિચારમંથન

સોશિયલ મિડિયા

! ! !

   એક સમય હતો કે, ગુજરાતી સાહિત્યિક વર્તુળોમાં શંકા કુશંકા સેવાતી હતી કે, ગુજરાતી ભાષા મૃતઃપ્રાય બની જશે કે કેમ? અત્યંત શુદ્ધ ભાષાના હિમાયતીઓનો એ ડર હજુ પણ છે જ.  પણ વીતેલા વર્ષોમાં એમાં ઘણો  ફરક પડયો છે. આ લેખમાં એ શંકા–કુશંકાઓ નવા પ્રતિપ્રેક્ષ્યમાં ચર્ચી છે. નવા સંદર્ભોમાં થોડીક નવી વાત કહેવા મન થાય છે.

ગમતાં નો  ગુલાલ

       પ્રિન્ટ મિડિયા શરૂ થયું એની પહેલાં ભક્તિ, ધર્મ કે બહુ બહુ તો ભવાઈ જેવા લોકપ્રિય કલા પ્રકારો પૂરતું જ ગુજરાતી સાહિત્ય મર્યાદિત હતું. ઓગણીસમી સદીના મધ્યકાળમાં પ્રિન્ટ મિડિયાના આગમન સાથે એ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું અને ગુજરાતી સાહિત્યનો આધુનિક યુગ શરૂ થયો.

    પણ ત્યારે એક જ  વ્યવસ્થા હતી – સર્જકને જે પીરસવું છે એનો આસ્વાદ જ સમાજ માણી શકતો. બહુ બહુ તો ચર્ચામંડપો કે દૈનિકો/ સામાયિકોમાં ચર્ચા ચોરાના પ્લેટફોર્મ પર વાંચનાર વ્યક્તિ  પોતાના વિચાર, પ્રતિભાવ,  પ્રત્યાઘાત કે આક્રોશ રજુ કરી શકતી. એથી એનું પ્રમાણ બહુ જ સીમિત હતું. વ્યાપારી ધોરણે જે વધારે વેચાય – તે સામગ્રી અને તેના સર્જકનો જ જયવારો રહેતો. એ વખતે ગુલાલ વહેંચવાનું કામ ઈજારાધારીઓ પાસે જ હતું!

        ઇન્ટરનેટના ફેલાવા સાથે એ પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વેબ સાઈટો, બ્લોગો, વિડિયો ચેનલો અને હવે સોશિયલ મિડિયાની સાઈટો પર સામાન્ય માણસ કોઈ રોક ટોક વિના સર્જક બની શકે છે; પીરસાયેલ સાહિત્ય કે સામગ્રી પર  પોતાના વિચાર, પ્રતિભાવ,  પ્રત્યાઘાત, આક્રોશ રજુ કરી શકે છે. પોતાને ગમેલું કોઈ પણ લખાણ/ ચિત્ર/ વિડિયો આડેધડે પોતાના મિત્ર વર્ગમાં કે ગ્રુપમાં  મોકલી શકે છે. એમાં વ્યાપારી વ્યવસ્થા એ જ એકમાત્ર વ્યવસ્થા નથી રહી. હવે તો સાવ સામાન્ય માણસ –  રસોઈ બનાવતી ગૃહિણી કે , બગીચાના બાંકડે બેસી મરવાના વાંકે સૂસવાતો વૃદ્ધ જન પણ –  એક બે ક્લિકમાં દુનિયાના બીજા છેડે પોતાના મનની વાત કે, ગમેલી વાત મોકલી શકે છે.

મને ગમ્યું એનો હું ગુલાલ કરું – વહેંચું.

        આમ તો આ બહુ જ મોટું અને આવકારદાયક પરિવર્તન છે;  પણ દરેકને ગમતી વાત તો હજારો હોવાની જ. એની આપ-લેના કારણે એક બહુ જ મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે. હાલમાં તો એનો કોઈ ઉકેલ કે વિકલ્પ નજરે ચઢતો નથી. ગુલાલ એટલો બધો વહેંચાય છે કે, બીજા કોઈ રંગ માટે કોઈ અવકાશ જ જાણે નથી! ખાસ કરીને સોશિયલ મિડિયાના ઉત્થાન સાથે એક નવો રોગ પેદા થયો છે. પિન્ગ પોન્ગના બોલની જેમ સારી નરસી અનેક બાબતો  ફોરવર્ડ થતી રહે છે – આમથી તેમ ફંગોળાયા કરે છે.

         હવે સફળતાનો માપદંડ છે – વાઈરલ થવું!

        સમાજના સ્વસ્થ વિકાસ સામે આ એક બહુ જ મોટો ભય – એક રોગ આકાર લઈ ચૂક્યો છે એનો ભરડો રાતદિન વધતો જ જાય છે. કોરોના વાઈરસની રસી તો બની ગઈ છે. પણ આ રોગનો કોઈ જ પ્રતિકાર નજરે ચઢતો નથી. 

       બીજી વાત એ છે કે, આ બધામાં એક વાત સામાન્ય છે. એમાં ‘હું‘ જ એકમાત્ર કર્તા છે.  એમાં સહિયારાપણું    બહુ જ અલ્પ છે. સોશિયલ મિડિયામાં ગ્રુપો તો અસંખ્ય છે. પણ ભાગ્યે જ ક્યાંક ગ્રુપ એક્ટિવિટિ, સંઘકાર્ય નજરે ચઢે છે.

         ત્રીજી વાત એ કે, છેલ્લા પંદરેક વર્ષમાં આ બહુ જ મોટું પરિવર્તન આવ્યું હોવા છતાં, જે રીતે એનો વ્યાપ રોકેટની જેમ વધી રહ્યો છે – એનાથી એક નવો ભય પેદા થયો છે. અતિ સર્જન અને અતિશય ફેલાવાના કારણે એનું મૂલ્ય ઘટી ગયું છે. ક્યાંક તો નવાં સર્જનો સાવ ઉવેખાય જ છે. સર્જનોની ગુણવત્તા પર પણ કોઈ નિયમન નથી રહ્યું. પરિણામે સારી, નરસી અને મધ્યમ ગુણવત્તા બધાં ‘ટકે શેર ભાજી….’ના ન્યાયે રઝળતાં બની ગયાં છે. આના કારણે મોટા ભાગે માન્ય કળા સંસ્થાઓ અને કળા વિવેચકો સંસ્થાપિત સર્જકો તરફ જ ધ્યાન આપતાં રહ્યાં છે. વાચક પણ ‘ઘરકી મુર્ગી દાલ બરાબર.’ જેવી મનોવૃત્તિ જ હજુ સેવતો રહ્યો છે. હજુ ઈજારાધારી સર્જકોની જ બોલબાલા સમાજમાં જારી છે!

     ચોથી વાત એ  છે કે, આ પંદરેક વર્ષમાં અનેક વેબ સાઈટો અને બ્લોગો પર વિવિધ પ્રકારની અને  ઉત્તમ કક્ષાની સાહિત્ય સામગ્રીઓ એકત્ર થઈ છે, થઈ રહી છે – એટલું જ નહીં , અવનવી ટેક્નોલોજીના પ્રતાપે એમાં ઘણી બધી નવી સવલતો પણ ઉમેરાઈ છે. માત્ર લખાણ જ નહીં પણ ચિત્રો, વિડિયો, ઓડિયો અને એનિમેશન માધ્યમો પણ પૂરબહારમાં ખેડાઈ રહ્યાં છે. આમ હોવા છતાં અને કદાચ એના અત્યંત ઝડપી ફેલાવાને કારણે – એમાંની મોટા ભાગની જગ્યાઓએ વાપરનારની તીવ્ર કમી વર્તાઈ રહી છે! વક્તા ઘણા છે – શ્રોતા/ વાચકો ઓછા થઈ ગયા છે.

      આ પ્રક્રિયા સોશિયલ મિડિયાના કારણે વધારે ગંભીર બનતી જાય છે. કારણ એ કે, મોટા ભાગના વપરાશ કર્તાઓ પાસે કોઈ  લાંબી, ગંભીર અને સમય / વિચાર માંગી લેતી સામગ્રી માણવા માટે સમય નથી, એમાં બહુ ઓછા લોકોને રસ હોય છે. બ્લોગ જગત મરવાના વાંકે જીવી રહ્યું છે. પ્રતિષ્ઠિત અને સામૂહિક પ્રયત્નોથી ચાલતી વેબ સાઈટો પર પણ કાગડા ઊડે છે!

    ગમતાંનો ગુલાલ કરનારા બિલાડીના ટોપની જેમ ફાલી રહ્યાં છે.  કદાચ આ સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત છે.  આ પાયાના ફેરફાર ધ્યાનમાં લઈને એક થોડોક અલગ વિચાર નવા પરિપ્રેક્ષ્યમાં અહીં રજુ કરું છું .

ગુલાલને ગમતો કરીએ

      ‘મને’ ગમે છે તે નહીં, પણ ‘આપણને’ ગમે છે – તેનો વ્યાપ કરવા વિશે આ વિચાર છે. આ એક બહુ મુશ્કેલ વાત છે.  જેવું કર્તા સ્થાન ‘હું’માંથી ‘આપણે’ તરફ વળે – તેમ તરત જ એક સીમા, એક બંધન પ્રવેશી જાય છે.  જ્યારે ‘આપણને‘ ગમતી વાત આવે, ત્યારે સૌને અથવા મોટા ભાગના લોકો  માટે સામાન્ય હોય – એવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. એ પોતે જ બહુ મુશ્કેલ બાબત છે. કળાના ક્ષેત્રો પણ એટલા બધા વિવિધ છે કે, દરેકના ચાહકોનો વર્ગ અલગ અલગ જ રહેવાનો. દા.ત. સાહિત્યના ચાહકને ચિત્રકામ કે ક્રાફ્ટ માં રસ ન પણ હોય.

     પણ જો કોઈ રસ્તો એ માટે શોધી શકાય તો હજારો લોકોના પ્રયત્નો ધારી દિશામાં એક મહાન બળ સર્જી શકે. સમાજને એક ચોક્કસ દિશામાં વાળવા આવા રસ્તા  તાકાતવાન નીવડી શકે.

      એક વિચાર એવો પણ છે કે, લગભગ સરખો રસ ધરાવતી સામાન્ય  વ્યક્તિઓનાં મંડળો ઊભાં થાય. એવા મંચ આકાર લે, જેમાં ઉપરના પાયાના વિચારો સાથે એકમત હોય, તેવી વ્યક્તિઓ અરસ્પરસ આદાન – પ્રદાન દ્વારા એક નવી કેડી કંડારવા પ્રયત્ન કરે.

    આવી એક નાનકડી કેડી અથવા થોડી કેડીઓ જો આકાર લે તો, કાળક્રમે એ ઉન્નત ભવિષ્ય તરફ સમાજને લઈ જતો રાજમાર્ગ બની શકે. છૂટાં છવાયાં આવાં મંડળો અસ્તિત્વ ધરાવે પણ છે. જો સમાજમાં એ પ્રવાહ બળવત્તર બને  અને વધારે ને વધારે કેન્દ્રિત (focused) બાબતોમાં રસ અને જાગરૂકતા કેળવાય તો સામાન્ય માણસમાં પણ કુતૂહલ, શોધ, કલ્પના શક્તિ અને સર્જકતા મ્હોરી શકે.  આ માટે થોડાક નૂસખા –

     ચર્ચા ચોરા, શબ્દ રમત, કોયડા, શેરાક્ષરી,શબ્દાંતરી, એકાદ વિષય કે ચિત્ર પરથી સહિયારાં સર્જન, મનગમતી હોબી/ ક્રાફ્ટ માં સર્જનો વિગેરેની  આપ-લે … અથવા આવા કોઈ પણ સહિયારી , મનગમતી રમતો.

    આવા પ્રવાહો માત્ર સાહિત્ય જ નહીં પણ અન્ય લલિત કળાઓ અંગે પણ આકાર લેતા થાય તો, અવનવા ચાહક વર્ગ ઊભા થાય અને વિચાર શૂન્યતા તરફ ધસી રહેલા સમાજને કોઈક નવી દિશા મળી  પણ જાય. 

થોડાક આવા સહિયારાં પ્રયત્નો –

સહિયારાં સર્જનો 

શબ્દ રમતો ( શબ્દાંતરી સિવાય )

ઝટપટ કોયડા 

રત્નકણિકા

સ્વ. બ્રહ્મ વેદાન્ત સ્વામી

વોલ્ટ ડિઝની

કોણે આ નામ નહીં સાંભળ્યું હોય?

સ્વપ્નદૃષ્ટા

એમની જીવનકથા વાંચી અને મન અભિભૂત થઈ ગયું . અહીં એમની જીવનકથા લખવા આશય નથી. પણ એમનાં ગમી ગયેલાં બે વચનો રજુ કરતાં આનંદ – ઉત્સાહ વિભોર થઈ જવાય છે –

“Somehow I can’t believe that there are any heights that can’t be scaled by a man who knows the secrets of making dreams come true. This special secret, it seems to me, can be summarized in four Cs. They are curiosity, confidence, courage, and constancy, and the greatest of all is confidence. When you believe in a thing, believe in it all the way, implicitly and unquestionable.”

“I just want to leave you with this thought, that it’s just been sort of a dress rehearsal, and we’re just getting started. So if any of you start resting on your laurels, I mean just forget it, because…we are just getting started.”

અનાગ્રહ

આમ તો આ શબ્દ ગુજરાતી શબ્દકોશમાં સમાવેશ કરાયેલો શબ્દ છે, પણ ખાસ વપરાતો નથી. ગાંધીજીએ પ્રચલિત કરેલો શબ્દ ‘સત્યાગ્રહ’ બહુ જાણીતો છે. ગાંધીજીએ એનો ઉપયોગ બહુ ચિંતન અને ક્વચિત જ જોવા મળતી, પોતાના પર સ્વેચ્છાથી લાદેલી આચાર સંહિતા સાથે શરૂ કરેલો. પણ એમના ગયા પછી, એ ઘણી વખત ખોટી રીતે વપરાયેલી રીત રહી છે. આપણને સૌને એના દુરૂપયોગ વિશે ઘણી ખબર છે .

ખેર, મૂળ શબ્દ પર આવીએ તો – ‘અનાગ્રહ’ એ બહુ જૂની ભારતીય જીવન અને તત્વ દર્શનની પ્રણાલિ રહી છે. એ કદાચ સમસ્ત વિશ્વમાં માત્ર ભારત અને પૂર્વ એશિયાની સંસ્કૃતિઓનું પાયાનું લક્ષણ છે.

કોઈ પણ વિચારધારા કે મત માટે આગ્રહ નહીં.

સામી વ્યક્તિની અલગ રીતે વિચાર કરવાની સ્વતંત્રતાનો સ્વીકાર.

‘આપણે જ સાચા.’ બે જ મત – મારો અને ખોટો ! એ આપણી સૌની મનોદશા હોય છે.

‘વરસું તો હું ભાદરવો’ આ ગઝલાવકોનમાં એ વિશે ઠીક ઠીક વિસ્તારથી લખ્યું હતું , એટલે અહીં એનું પુનરાવર્તન નથી કરવું.
એ ગઝલાવલોકન વાંચવા અહીં ક્લિક કરો.

સામ્પ્રત સમાજમાં વૈશ્વિક ધોરણે અનાગ્રહની રીતે વ્યાપક બને – એ આજની તાતી જરૂર નથી વારુ?

‘સંદેશ’ પર આ બાબત એક મનનીય લેખ આ રહ્યો ..

હાથનું બળ

અહીં મનની તાકાતની ઘણી વાતો કરી છે. પણ આજે નીચેનું ચિત્ર જોવા મળ્યું, અને હાથનું બળ યાદ આવી ગયું –

જેણે પણ આ ફોટો પાડ્યો હોય,
એની કલ્પના અને કારીગીરીને સો સલામ.

મનથી ગમે તેટેલી કલ્પના કે સર્જન કર્યું હોય – તે હાથની કારીગીરી વિના માત્ર વિચાર વાયુ જ ને?

પુખ્ત બનવું એટલે શું?

આદિ શંકરાચાર્ય

પુખ્તતા એ છે કે …

 1. જ્યારે તમે બીજાને બદલવાનું છોડી દઈને જાતને બદલવા પ્રયત્નશીલ રહો.
 2. જ્યારે તમે અન્યને એ જેવા છે, તેમ સ્વીકારી શકો.
 3. જ્યારે તમે ‘દરેક જણ પોતાની રીતે સાચા હોઈ શકે.’ એ સમજી શકો.
 4. જ્યારે તમે જતું કરવાનું શીખી લો.
 5. જ્યારે તમે સંબંધોમાંથી અપેક્ષાઓ રાખવાનું ત્યજી દો અને આપવાના આનંદ માટે જ કાંઈ પણ આપો.
 6. જ્યારે તમે જે કાંઈ પણ કરો તે માત્ર તમારી શાંતિ માટે જ કરો.
 7. જ્યારે તમે કેટલા બુદ્ધિશાળી છો , એ બધાંને સાબિત કરવાનું છોડી દો.
 8. જ્યારે તમે બીજાની પાસેથી સ્વીકૃતિ અને દાદ મેળવવાની વૃત્તિ છોડી દો.
 9. જ્યારે તમે તમારી જાતની બીજા સાથે સખામણી કરવાનું છોડી દો.
 10. જ્યારે તમે તમારી જાત સાથે શાંત ચિત્ત હોવાની અનુભૂતિ કરતા થાઓ.
 11. જ્યારે તમે ‘જરૂરિયાત’ અને ‘લાલસા’ વચ્ચેનો તફાવત સમજી જાઓ અને લાલસાઓને ત્યજી શકો.
 12. જ્યારે તમે ‘ભૈતિક ચીજોમાંથી સુખ મળે છે.’ – એની સાથેનો લગાવ છોડી શકો.

સાભાર – શ્રી. સુબોધ ત્રિવેદી

જોકર

વલીભાઈ અને આ જણના નવા બ્લોગનું મુખ્ય પાત્ર

પણ એની વાત છેલ્લે. પહેલાં ‘સુજા – સ્વઉક્તિ’ માણો!

સુરેશલાલ! તમે જાતને બહુ મોટી થઈ ગયેલી માણો છો. પણ તમને યાદ નથી કે તમારા જીવનની શરૂઆત આમ થયેલી!

સાવ પરવશ. આંખ પણ બંધ. આંખ ખૂલ્યા પછી પણ, માત્ર ટાંટિયા હલાવવા જેટલી જ તાકાત. તમે પથારીમાં પેશાબ પણ બિન્ધાસ્ત જ કરતા હતા – એ યાદ છે? અને બાળોતિયું ભીનું થાય અને ટાઢ વાય એટલે મસ મોટો ભેંકડો મારતા’તા એ તો ક્યાંથી યાદ હોય? માને ધાવવા માટે પણ તમે જાતે સક્ષમ હતા ખરા?

અને પછી મોજમાં આવીને
પોતાની પરવશતાને ઐસી તૈસી કરી
આમ મસ્તી પણ તમે જ કરતા’તાને?

સુરેશલાલ!

પછી તો તમે મોટા થયા – ઉમરમાં અને કહેવાતા ગનાનમાં આગળ વધ્યા. મોટા પદે પહોંચી ગુમાનમાં મૂછો મરડતા થઈ ગયા.

પણ તમે જ કહો, સુરેશલાલ! તમે હવે દુઃખ આવી પડે તો – ભેંકડો મારીને રડી શકો એમ છો? તમે તમારા અજ્ઞાન / તમારી બેકાબેલિયત પર આમ હસી શકો છો ખરા?

આગળ વધ્યા કે પાછા પડ્યા?!

માટે જ ‘જોકર’ આ સુજાનું પ્રિય પાત્ર છે.

જીવનની કરૂણતાઓ અને વિવશતાઓ પર
હસી શકવાની એની કાબેલિયત કાબિલેદાદ છે.

આમ …

જો આ વાતમાં કાંઈ માલ લાગે તો –

સાવ છેલ્લે તબક્કે પહોંચી ગયેલ તમારા ખડખડ પાંચમ ખંડેર જેવા ખોળિયામાંથી છેલ્લા શ્વાસ રૂપે તમે ઊડી જાઓ અને તમારા લાકડું બની ગયેલ એ ખોળિયાને મુસ્કેટાટ બાંધી તમારા જ દીકરા બળબળતી આગમાં હોમી દે કે, કબરની અંદર પોઢાડી દે

એ પહેલાં ….

અહીં જરીક જ લટાર મારજો ને ?

આ પણ અહં!

અહં ઓગાળવાની, એનાથી વિમુક્ત થવાની શાણી સલાહ આપણને બહુ આપવામાં આવે છે. પણ મોટે ભાગે એવી સલાહ આપનારા ઉપદેશકોનો બહુ મોટો દિવ્ય અહં હોય છે!

આજે આ વિડિયો જોવા મળ્યો અને મન વિચારે ચઢી ગયું –

એ ભૂલકાનું નીચે ઊતર્યા બાદનું સ્મિત

👇

આ પણ અહં જ ને?

ના!
આ કુદરતે આપણને
બાળપણથી આપેલી
બહુ મોટી સંપદા છે.

આપણી ક્ષમતાને અતિક્રમીને નવાં ક્ષિતિજો સર કરવાની, પાયાની મનોવૃત્તિ . આ પણ અહં નો જ એક ફાંટો – પણ સાવ કુદરતી . આપણે કદી એ ન ભૂલવું જોઈએ કે,

આપણને મળેલી એ બક્ષિસને

આમ કુદરતી રીતે ,

ફરીથી વાપરતા થઈએ તો ?

જીવન નૌકા કે ટ્રેન?!

ગઈકાલે મારી દીકરીના દીકરા સાથે સંવાદ કરતાં આ વિચાર પ્રગટ્યો. આપણા સાહિત્યમાં જીવન-નૌકા શબ્દ બહુ પ્રચલિત છે. પણ અહીં એક જૂદો અભિગમ રજુ કરવો છે. જીવનને નાવ સાથે સરખાવવાનું આમ તો ઉચિત જ છે. કારણકે, આપણા પ્રશ્નો આપણે જાતે જ ઉકેલવા પડતા હોય છે. સંઘર્ષોનો મુકાબલો કરવા સાથી કે માર્ગદર્શક મળે, પણ એ પ્રેરણા, સધિયારો કે ટેકો જ આપી શકે.

જીવનનૌકાને તરતી, આગળ ધપતી રાખવા
હલેસાં તો જાતે જ મારવા પડે ને?

તો પછી આ ટ્રેનની વાત વળી શી? સમજાવું …..

નૌકામાં બંધ ઓરડા નથી હોતા! ખુલ્લા આકાશ નીચે એ સાવ રામભરોસે કે બાવડાંની તાકાતથી ચાલતી એક જાતની ઝૂંપડી જ હોય – એવી કલ્પના છે.

પણ …

આપણે એમ સાવ નિરાધાર નથી હોતા.

આપણા જીવનમાં માત્ર એક જ ઓરડો રાખવાની જરૂર સહેજ પણ નથી. એને લાંબી લચક ટ્રેન બનાવવાની આવડત આપણે કેળવી શકીએ.

અનેક ડબ્બાઓવાળી ટ્રેન!

દિવસના ચોવીસ કલાકમાંથી આઠ કલાક ઊંઘના અને આઠ કલાક આપણા કામના સમય બાદ કરીએ અને બીજી બધી જીવન પ્રવૃત્તિઓના બીજા થોડાક કલાક બાદ કરીએ તો પણ એકાદ બે કલાક તો આપણે માત્ર આપણા પોતાના માટે જરૂર અલાયદો ફાળવી શકીએ.

માત્ર …

આપણા પોતાના જ માટેનો

એક એર-કન્ડિશન્ડ ડબ્બો !

અને બીજા ડબ્બા પણ સાવ અલગ રાખી શકીએ. દા.ત. ઓફિસના પ્રશ્નોનો ડબો અલગ અને ઘરનો અલગ. એ બેને ભેગા કરવાની સહેજ પણ જરૂર નથી. એમને અલાયદા રાખવાની આવડત કાંઈ ખાસ તકલીફ વાળી નથી જ !

ચાલો…
જિંદગીની
છૂક છૂક …..

છૂક છૂક……
ગાડી….

ગાડી….
રમીએ !

એક જ વિકલ્પ

વોટ્સ એપ પરથી આ ચિત્ર સંદેશ મળ્યો અને વિચારો ઘોડાપૂરે ઊમટી આવ્યા. જીવનમાં આમ કદી બને? જન્મ્યા ત્યારથી જ વિકલ્પો અને ત્રિભેટા આપણી નિયતિમાં ખડકાતા જ ગયા છે. કદાચ મરણ બાદ પણ!

હિન્દુ તરીકે જીવ્યા હોઈએ, તો ચિતા પર જલવાનું, મુસલમાન કે ખ્રિસ્તી હોઈએ તો જમીનમાં દટાઈ જવાનું અને ખદબદતા કીડા આપણું ભક્ષણ કરે. પારસી હોઈએ તો ગીધડાંના ટોળે ટોળાં આપણા બહુ કિમતી દેહ પર ટૂટી પડે.

તમે કહેશો – ‘આવી અશુભ વાત જીવતે જીવ શીદ કરો છો? ‘

પણ જીવનની વાત કરીએ તો પછી આ ચિત્ર સંદેશ એક કલ્પના માત્ર જ ને?

ના, એ વાત શક્ય છે. વિકલ્પો અને ત્રિભેટા તો જીવનમાં આવે જ જવાના. એ જ તો જીવનરીત છે.

પણ આપણે એવી રીતે જીવી શકીએ કે….

જીવન ઝંઝાવાતો આપણી નાવને ગમે ત્યાં ફંગોળે –

એમાંથી આનંદી કાગડો બનવાનો

એક માત્ર વિકલ્પ પસંદ કરવાની

સ્વતંત્રતાની બક્ષિસ

નિયતિએ

આપણને આપી જ છે.

કયો વિકલ્પ?

આપણા આનંદને
મિલિમિટરના હજારમા ભાગ જેટલો પણ
ચલાયમાન ન થવા દેવાનો

વિકલ્પ