સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: વિચારમંથન

બે ચહેરા

આ બે ફોટા જુઓ

એક જ દિવસે પાડેલા આ વ્યક્તિના બે પોઝ – એક પોઝિટિવ અને બીજો નેગેટિવ. પણ એ તો ફોટોગ્રાફી કળાની વાત. અહીં વાત બીજી કરવાની છે.

કોઈને પણ ડાબી બાજુ વાળો ચહેરો જ વધારે ગમે. આ લખનાર પણ એમાંથી બાકાત નથી. પણ જણ તો એનો એ જ છે. માત્ર બાહ્ય દેખાવ જ ભિન્ન છે. ભિન્ન જ નહીં – એકમેકથી સાવ વિરોધાભાસી.

પણ અંદર?

એ જણની કે કોઈ પણ જણની અંદર પણ બે જણ બિરાજમાન હોય છે. ભલે ને એ મહાન સંત કેમ ન હોય?

આપણને ગમે કે ન ગમે – પણ એ જ તો વાસ્તવિકતા છે ને?

બન્નેનો સ્વીકાર

ન ગમ્યું ને?

ન જ ગમે !

આપણને કુરૂપને દૂર રાખવા કેળવણી આપવામાં આવી છે.

પણ કેળવણીની બીજી રીત એ પણ છે કે,

* જે છે – તેનો સ્વીકાર

* એ બે ભિન્ન સ્વરૂપો પ્રગટ થાય – ત્યારે એને તટસ્થ રીતે જોવાનો મહાવરો

* સાક્ષી ભાવ

અનુભવે એમ સમજાયું છે કે, જેમ જેમ આ મહાવરો પુષ્ટ બનતો જાય, તેમ તેમ અસદનું પ્રમાણ ઘટવા લાગે . ધીમે ધીમે એ જ કાદવમાંથી કમળના છોડનો અંકૂર ફૂટે .

ફૂટે…. ફૂટે …. ને ફૂટે જ


કારણ એ કે, માનવ પિંડના પાયાના જિન્સમાં એ અંકૂર સુષુપ્ત હોય જ છે. એને પોષણ મળે તો એમાંથી નવું સર્જન થાય અને એની ચરસીમામાં કમળ પ્રગટે.

સતત જાગૃતિ.

સતત જાતના સ્વભાવ અને વર્તનનું નિરીક્ષણ.

ક્ષતિ તો થવાની જ. પણ એ માટે પ્રતિક્રમણ .

ફરી એ ન થાયએ માટે શક્તિ આપવાની પરમ તત્વને પ્રાર્થના.

ચાલતા રહીએ

આ લેખના વિચારને સમરૂપ અગાઉના લેખ પણ કદાચ વાચકને ગમે –

રૂપ કુરૂપ

સદ – અસદ

સર્જનની પીડા

ડો. જેકિલ અને મિ. હાઈડ

ધડાકો

આ બીગ બેન્ગની વાત નથી અને લડાઈના બોમ્બ ધડાકાની વાત પણ નથી. કોઈ જ્વાળામુખી ફાટવાના સમાચાર પણ નથી. પણ આ એવા ધડાકાની વાત છે કે, જે બહુ શાંત રીતે અને સતત આપણા જીવનને અસ્ત, વ્યસ્ત, ધ્વસ્ત કરી રહ્યો છે. દુઃખની વાત તો એ છે કે, આપણે એને બહુ સારી રીતે જાણીએ છીએ, પણ એનાથી એક ઇન્ચ પણ દૂર ભાગી શકતા નથી. ઉલટાંનું આપણે રોકેટની ગતિથી એની નજીક સરકવામાં આનંદ માણીએ છીએ !

કેવી અજીબોગરીબ વાત લાગી નહીં? પણ એ બાબત બે શબ્દ લખું – એ પહેલાં આ ચિત્ર જુઓ –

ગઈકાલે એક મિત્રે ખબર આપી અને એક વોટ્સ એપ ગ્રુપમાં જોડાયો. એક દિવસ પણ પૂરો નહોતો થયો અને ઉપરના સામાયિકોની પીડીએફ ફાઈલો મને સાવ મફતમાં મળી ગઈ !

કુલ ૨૦૯ પાનાંનું વાંચન

– માત્ર ૨૦૯ પાનાં!

આજે બીજો દિવસ છે, અને આવાં બીજાં સામાયિકોનો જથ્થો હાજર કરી દેવામાં આવ્યો છે. આટલું બધું વાંચવાનો કોને સમય હશે? મારા માત્ર ૪૦૦ – ૫૦૦ શબ્દોના લખાણ પણ કોઈ અંગત સંબંધી કે મિત્ર વાંચતા હશે કે કેમ ? – એ સવાલનો જવાબ મને હજી મળ્યો નથી! અને …

આ તો પાશેરામાં એક નાની પૂણી પણ નથી. સોશિયલ મિડિયામાં જાતે બનાવેલી કે કોઈકની બનાવેલી એંઠી સામગ્રીનો અવિરત ઢગલો ખડકાતો જ રહે છે – સતત…. સહેજ પણ અટક્યા વિના. ઢગલાબંધ વિડિયો પણ !

આને ધડાકો ન કહેવાય તો બીજો કયો શબ્દ છે?

તમારી પાસે આનાથી બચવાનો કોઈ રસ્તો છે ખરો?

સોશિયલ મિડિયા પર એક ચિંતન અહીં ….

ખલીલ ધનતેજવી હવે નથી

આજે અવસાન પામેલા બુલંદ અવાજવાળા , મનગમતા , અમદાવાદી શાયર સ્વ. ખલીલ ધનતેજવીનો આ શેર નેટમિત્ર નિરંજન મહેતાએ મોકલ્યો અને એની પર ગઝલાવલોકન લખવા ચળ ઊપડી !

પણ એ અવલોકન પહેલાં ખલીલજીનો પરિચય વાંચી લો – અહીં

ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.

હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.

એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.

આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને,
એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !

જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.

ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?

પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.

– ખલીલ ધનતેજવી

અને હવે…… ગઝલાવલોકન

એમના અવસાન કાળે જીવન અને મરણ વિશેની આ ગઝલ એ બન્ને વિશે ઘણું બધું કહી જાય છે. ગઝલાવલોકનમાં કાવ્ય રસ દર્શન કરવાની ઝંઝટ નથી હોતી; એટલે સીધા જ મનમાં આવેલા વિચારો-

જીવનની ભરબપોરે ગુમાનમાં ચકચૂર આપણને આપણો પડછાયો દેખાતો નથી હોતો ! અજ્ઞાનથી ભરેલી અંધારી મધરાતે પણ આપણો નકારાત્મક દેહ આપણે જોઈ શકતા નથી હોતા. પણ જીવનની હકીકત એ છે જ કે, આપણે હર ક્ષણે મરતા હોઈએ છીએ! આપણી મગરૂરીમાં મુસ્તાક એવા આપણને એ ભાન નથી હોતું કે, મરણ એક એક ક્ષણે નજીક આવતું જ હોય છે –

અચૂક ……

મોટા ભાગે તો આપણે મડદા જેવા જ મુડદાલ હોઈએ છીએ. જીવતા હોવાનો તો એક ખયાલ જ હોય છે. આપણને જીવવું શી રીતે એ શીખવવામાં જ આવ્યું નથી હોતું – ભલે પી. એચ.ડી. સુધીની ‘ઉપાધિ’ પ્રાપ્ત કરી હોય! પીપળા જેવો ઊંચો આપણો અહંકાર દિવાલ ફાડી નાંખે તેવો હોય છે.

આમ જ જીવનનાર સૌને …..

અવસાન મુબારક !

સોશિયલ મીડિયા

એક સમય હતો કે, ગુજરાતી સાહિત્યિક વર્તુળોમાં શંકા કુશંકા સેવાતી હતી કે, ગુજરાતી ભાષા મૃતઃપ્રાય બની જશે કે કેમ? અત્યંત શુદ્ધ ભાષાના હિમાયતીઓનો એ ડર હજુ પણ છે જ.  પણ વીતેલા વર્ષોમાં એમાં ઘણો  ફરક પડયો છે. આ લેખમાં એ શંકા–કુશંકાઓ નવા પ્રતિપ્રેક્ષ્યમાં ચર્ચી છે. નવા સંદર્ભોમાં થોડીક નવી વાત કહેવા મન થાય છે.

ગમતાં નો  ગુલાલ

       પ્રિન્ટ મિડિયા શરૂ થયું એની પહેલાં ભક્તિ, ધર્મ કે બહુ બહુ તો ભવાઈ જેવા લોકપ્રિય કલા પ્રકારો પૂરતું જ ગુજરાતી સાહિત્ય મર્યાદિત હતું. ઓગણીસમી સદીના મધ્યકાળમાં પ્રિન્ટ મિડિયાના આગમન સાથે એ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું અને ગુજરાતી સાહિત્યનો આધુનિક યુગ શરૂ થયો.

    પણ ત્યારે એક જ  વ્યવસ્થા હતી – સર્જકને જે પીરસવું છે એનો આસ્વાદ જ સમાજ માણી શકતો. બહુ બહુ તો ચર્ચામંડપો કે દૈનિકો/ સામાયિકોમાં ચર્ચા ચોરાના પ્લેટફોર્મ પર વાંચનાર વ્યક્તિ  પોતાના વિચાર, પ્રતિભાવ,  પ્રત્યાઘાત કે આક્રોશ રજુ કરી શકતી. એથી એનું પ્રમાણ બહુ જ સીમિત હતું. વ્યાપારી ધોરણે જે વધારે વેચાય – તે સામગ્રી અને તેના સર્જકનો જ જયવારો રહેતો. એ વખતે ગુલાલ વહેંચવાનું કામ ઈજારાધારીઓ પાસે જ હતું!

        ઇન્ટરનેટના ફેલાવા સાથે એ પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વેબ સાઈટો, બ્લોગો, વિડિયો ચેનલો અને હવે સોશિયલ મિડિયાની સાઈટો પર સામાન્ય માણસ કોઈ રોક ટોક વિના સર્જક બની શકે છે; પીરસાયેલ સાહિત્ય કે સામગ્રી પર  પોતાના વિચાર, પ્રતિભાવ,  પ્રત્યાઘાત, આક્રોશ રજુ કરી શકે છે. પોતાને ગમેલું કોઈ પણ લખાણ/ ચિત્ર/ વિડિયો આડેધડે પોતાના મિત્ર વર્ગમાં કે ગ્રુપમાં  મોકલી શકે છે. એમાં વ્યાપારી વ્યવસ્થા એ જ એકમાત્ર વ્યવસ્થા નથી રહી. હવે તો સાવ સામાન્ય માણસ –  રસોઈ બનાવતી ગૃહિણી કે , બગીચાના બાંકડે બેસી મરવાના વાંકે સૂસવાતો વૃદ્ધ જન પણ –  એક બે ક્લિકમાં દુનિયાના બીજા છેડે પોતાના મનની વાત કે, ગમેલી વાત મોકલી શકે છે.

મને ગમ્યું એનો હું ગુલાલ કરું – વહેંચું.

        આમ તો આ બહુ જ મોટું અને આવકારદાયક પરિવર્તન છે;  પણ દરેકને ગમતી વાત તો હજારો હોવાની જ. એની આપ-લેના કારણે એક બહુ જ મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે. હાલમાં તો એનો કોઈ ઉકેલ કે વિકલ્પ નજરે ચઢતો નથી. ગુલાલ એટલો બધો વહેંચાય છે કે, બીજા કોઈ રંગ માટે કોઈ અવકાશ જ જાણે નથી! ખાસ કરીને સોશિયલ મિડિયાના ઉત્થાન સાથે એક નવો રોગ પેદા થયો છે. પિન્ગ પોન્ગના બોલની જેમ સારી નરસી અનેક બાબતો  ફોરવર્ડ થતી રહે છે – આમથી તેમ ફંગોળાયા કરે છે.

         હવે સફળતાનો માપદંડ છે – વાઈરલ થવું!

        સમાજના સ્વસ્થ વિકાસ સામે આ એક બહુ જ મોટો ભય – એક રોગ આકાર લઈ ચૂક્યો છે એનો ભરડો રાતદિન વધતો જ જાય છે. કોરોના વાઈરસની રસી તો બની ગઈ છે. પણ આ રોગનો કોઈ જ પ્રતિકાર નજરે ચઢતો નથી. 

       બીજી વાત એ છે કે, આ બધામાં એક વાત સામાન્ય છે. એમાં ‘હું‘ જ એકમાત્ર કર્તા છે.  એમાં સહિયારાપણું    બહુ જ અલ્પ છે. સોશિયલ મિડિયામાં ગ્રુપો તો અસંખ્ય છે. પણ ભાગ્યે જ ક્યાંક ગ્રુપ એક્ટિવિટિ, સંઘકાર્ય નજરે ચઢે છે.

         ત્રીજી વાત એ કે, છેલ્લા પંદરેક વર્ષમાં આ બહુ જ મોટું પરિવર્તન આવ્યું હોવા છતાં, જે રીતે એનો વ્યાપ રોકેટની જેમ વધી રહ્યો છે – એનાથી એક નવો ભય પેદા થયો છે. અતિ સર્જન અને અતિશય ફેલાવાના કારણે એનું મૂલ્ય ઘટી ગયું છે. ક્યાંક તો નવાં સર્જનો સાવ ઉવેખાય જ છે. સર્જનોની ગુણવત્તા પર પણ કોઈ નિયમન નથી રહ્યું. પરિણામે સારી, નરસી અને મધ્યમ ગુણવત્તા બધાં ‘ટકે શેર ભાજી….’ના ન્યાયે રઝળતાં બની ગયાં છે. આના કારણે મોટા ભાગે માન્ય કળા સંસ્થાઓ અને કળા વિવેચકો સંસ્થાપિત સર્જકો તરફ જ ધ્યાન આપતાં રહ્યાં છે. વાચક પણ ‘ઘરકી મુર્ગી દાલ બરાબર.’ જેવી મનોવૃત્તિ જ હજુ સેવતો રહ્યો છે. હજુ ઈજારાધારી સર્જકોની જ બોલબાલા સમાજમાં જારી છે!

     ચોથી વાત એ  છે કે, આ પંદરેક વર્ષમાં અનેક વેબ સાઈટો અને બ્લોગો પર વિવિધ પ્રકારની અને  ઉત્તમ કક્ષાની સાહિત્ય સામગ્રીઓ એકત્ર થઈ છે, થઈ રહી છે – એટલું જ નહીં , અવનવી ટેક્નોલોજીના પ્રતાપે એમાં ઘણી બધી નવી સવલતો પણ ઉમેરાઈ છે. માત્ર લખાણ જ નહીં પણ ચિત્રો, વિડિયો, ઓડિયો અને એનિમેશન માધ્યમો પણ પૂરબહારમાં ખેડાઈ રહ્યાં છે. આમ હોવા છતાં અને કદાચ એના અત્યંત ઝડપી ફેલાવાને કારણે – એમાંની મોટા ભાગની જગ્યાઓએ વાપરનારની તીવ્ર કમી વર્તાઈ રહી છે! વક્તા ઘણા છે – શ્રોતા/ વાચકો ઓછા થઈ ગયા છે.

      આ પ્રક્રિયા સોશિયલ મિડિયાના કારણે વધારે ગંભીર બનતી જાય છે. કારણ એ કે, મોટા ભાગના વપરાશ કર્તાઓ પાસે કોઈ  લાંબી, ગંભીર અને સમય / વિચાર માંગી લેતી સામગ્રી માણવા માટે સમય નથી, એમાં બહુ ઓછા લોકોને રસ હોય છે. બ્લોગ જગત મરવાના વાંકે જીવી રહ્યું છે. પ્રતિષ્ઠિત અને સામૂહિક પ્રયત્નોથી ચાલતી વેબ સાઈટો પર પણ કાગડા ઊડે છે!

    ગમતાંનો ગુલાલ કરનારા બિલાડીના ટોપની જેમ ફાલી રહ્યાં છે.  કદાચ આ સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત છે.  આ પાયાના ફેરફાર ધ્યાનમાં લઈને એક થોડોક અલગ વિચાર નવા પરિપ્રેક્ષ્યમાં અહીં રજુ કરું છું .

ગુલાલને ગમતો કરીએ

      ‘મને’ ગમે છે તે નહીં, પણ ‘આપણને’ ગમે છે – તેનો વ્યાપ કરવા વિશે આ વિચાર છે. આ એક બહુ મુશ્કેલ વાત છે.  જેવું કર્તા સ્થાન ‘હું’માંથી ‘આપણે’ તરફ વળે – તેમ તરત જ એક સીમા, એક બંધન પ્રવેશી જાય છે.  જ્યારે ‘આપણને‘ ગમતી વાત આવે, ત્યારે સૌને અથવા મોટા ભાગના લોકો  માટે સામાન્ય હોય – એવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. એ પોતે જ બહુ મુશ્કેલ બાબત છે. કળાના ક્ષેત્રો પણ એટલા બધા વિવિધ છે કે, દરેકના ચાહકોનો વર્ગ અલગ અલગ જ રહેવાનો. દા.ત. સાહિત્યના ચાહકને ચિત્રકામ કે ક્રાફ્ટ માં રસ ન પણ હોય.

     પણ જો કોઈ રસ્તો એ માટે શોધી શકાય તો હજારો લોકોના પ્રયત્નો ધારી દિશામાં એક મહાન બળ સર્જી શકે. સમાજને એક ચોક્કસ દિશામાં વાળવા આવા રસ્તા  તાકાતવાન નીવડી શકે.

એક વિચાર એવો પણ છે કે, લગભગ સરખો રસ ધરાવતી સામાન્ય  વ્યક્તિઓનાં મંડળો ઊભાં થાય. એવા મંચ આકાર લે, જેમાં ઉપરના પાયાના વિચારો સાથે એકમત હોય, તેવી વ્યક્તિઓ અરસ્પરસ આદાન – પ્રદાન દ્વારા એક નવી કેડી કંડારવા પ્રયત્ન કરે.

    આવી એક નાનકડી કેડી અથવા થોડી કેડીઓ જો આકાર લે તો, કાળક્રમે એ ઉન્નત ભવિષ્ય તરફ સમાજને લઈ જતો રાજમાર્ગ બની શકે. છૂટાં છવાયાં આવાં મંડળો અસ્તિત્વ ધરાવે પણ છે. જો સમાજમાં એ પ્રવાહ બળવત્તર બને  અને વધારે ને વધારે કેન્દ્રિત (focused) બાબતોમાં રસ અને જાગરૂકતા કેળવાય તો સામાન્ય માણસમાં પણ કુતૂહલ, શોધ, કલ્પના શક્તિ અને સર્જકતા મ્હોરી શકે.  આ માટે થોડાક નૂસખા –

    આવા પ્રવાહો માત્ર સાહિત્ય જ નહીં પણ અન્ય લલિત કળાઓ અંગે પણ આકાર લેતા થાય તો…

અવનવા ચાહક વર્ગ ઊભા થાય અને
વિચાર શૂન્યતા તરફ ધસી રહેલા સમાજને કોઈક નવી દિશા મળી  પણ જાય.  

જીવનની સંધ્યાએ

એક સરસ સંદેશ હિન્દીમાં નેટ પરથી મળ્યો – એનો ગુજરાતી અનુવાદ –

ઈર્ફાન ખાન જાણીતો ફિલ્મી અદાકાર – એણે માત્ર ૫૩ વર્ષની ઉમરે વિદાય લઈ લીધી. એણે પણ જીવનમાં અનેક ઝંઝાવાતો અને લીલીસૂકી જોયેલી. કદાચ એના પ્રતાપે જ જીવનના અંત ભાગની નજીક એની આંતરિક જાગૃતિ વિકાસ પામેલી .

એના જીવન વિશે અહીં વિશેષ માહિતી ….

વાત તો સાવ સાચી છે. મોટા ભાગના લોકોનો જાત અનુભવ . આ લેખ પણ –

‘રાંડ્યા પછીનું ડહાપણ જ !

બહુ ઓછા હશે કે, જે નાની ઉમરમાં જાગૃત થયા હોય અને અંતરયાત્રામાં ખૂબ આગળ ધપ્યા હોય. પણ બીજી વિચારે….

એ જ તો જીવનની ડિઝાઈન નથી વારૂ? જો બધા ૧૬ – ૨૦ વર્ષની ઉમરે જાગૃતિની મજા માણતા થઈ જાય તો પછી….

વાર્તાઓનું શું ?

ઈતિહાસનું શું ?

ધર્મોપદેશકોનું શું ?

આજ ફિર જીનેકી તમન્ના હૈ!

સાભાર – શ્રી. મોઇઝ ખુમરી

કેર્લીફોર્નિયા યુનિવર્સીટીના સાઈકોલોજી વિભાગના પ્રોફેસર ડો. રચેલ વોએ એક અભ્યાસમાં કહ્યું છે કે-
“મોટી ઉંમરમાં નવો હુન્નર શીખવાથી, છ જ સપ્તાહમાં તમારું મગજ ત્રણ દાયકા જેટલું યુવાન થઇ જાય છે.”
વૈજ્ઞાનિકો કહે છે કે-
“યાદદાસ્ત ઓછી થવી, નિર્ણયશક્તિ ધીમી થઇ જવી અને બોલવામાં મુશ્કેલી આવવી તેવી મોટી ઉંમરની અલ્ઝેઈમરની બીમારીમાં ફોટોગ્રાફી, સંગીત, પેઇન્ટિંગ કે લખવા જેવા શોખ મગજના પાવરને મજબુત બનાવે છે!

જીવંત રહેવા માટે જીવવું જરુરી છે.
ઉમંગ સાથે,
ઉત્સાહ સાથે,
સ્વિકાર સાથે,
અને
ગમતીલી પ્રવૃતિઓ સાથે
તથા
ગમતીલા વ્યક્તિ સાથે.
આ જ મંગળ જીવન!

ઉંમર અને શોખને કે ઉંમર અને ગમતી પ્રવૃતિને કોઇ બંધન હોતુ નથી.

*તમારુ જીવન; તમારા શોખ!
આપણા દેશમાં, સમાજમાં લોકોને ઉંમરને લઈને બહુ વાંધા હોય છે.
“આ ઉંમરે તેણે આવું બધું કરવાની શું જરૂર છે?” એવું લોકો પૂછ-પૂછ કરે.
આ માનસિકતા બદલવાની જરૂર છે. તમારામાં થનગનાટ હોય, અને મન ખુલ્લું હોય, તો તમે જે ચાહો તે શીખી શકો છો.
શોખને ઉંમરનુ કોઇ બંધન નહિ હોવું જોઈએ.
ઉલ્ટુ ઉંમર થાય, તેમ શોખનું મહત્વ વધવુ જોઇએ.
શોખ ખર્ચાળ હોય, તેવુ પણ જરૂરી નથી.
શોખ હોવો જરુરી છે.
એક ધ્યેય, મક્સદ, પાગલપન જરૂરી છે.

મોટી ઉંમરે કેવી રીતે જીવાય!?
તે વહીદા રહેમાન પાસે શીખવા જેવું છે.
‘પ્યાસા,’ ‘કાગજ કે ફૂલ,’ ‘સાહેબ, બીબી ઔર ગુલામ,’ ‘ગાઈડ’ અને ‘નીલ કમલ’ જેવી યાદગાર ફિલ્મોની સ્ટારને તેની સમકાલીન એક્ટ્રેસ આશા પારેખ (74) અને હેલન (81) સાથે ખાસ બહેનપણાં છે.
ત્રણે અવારનવાર રખડવા ઉપડી જાય.
સિનેમા જોવા જાય. ખાવા-પીવા માટે ભેગાં થાય.
એકલા હશો તો તુટી જશો.
પેલી લાકડાની ભારી જેવુ.
સયુક્ત હશો તો જલદી નહિ તુટો!
Like minded લોકો સાથે જીવવાનો આગ્રહ જરૂરી છે.
મોટી ઉમ્મરે Marriage પણ કરાય.
અથવા Live in Relationships માં પણ રહેવાય.
પણ મસ્ત જ જીવાય!
આ મસ્ત જીવન માટે શારીરિક અને આર્થિક તંદુરસ્તી એ પાયાની શર્ત છે.
બાકી ઘડપણ એ દયા નથી, વૈભવ છે!
ઇશ્વરે આપેલી ઉમદા તક છે.
જે તમે તમારા વ્યસ્ત જીવનમા નહિ કરી શક્યા, ન પામી શક્યા તે બધુ જ ઘડપણમાં મેળવવાની સુવર્ણ તક છે.!
હમણાં થોડા દિવસ પહેલાં ટ્વિંકલ ખન્નાએ વહીદા રહેમાન સાથે એક નાનકડો ઈન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
એમાં ટ્વિંકલે પૂછ્યું હતું કે-
“હવે જીવનમાં શું કરવાનું બાકી છે?”
ત્યારે વહીદાએ આંખનું મટકું માર્યા વગર કહ્યું હતું, સ્કૂબા ડાઈવિંગ!!
ટ્વિંકલ સ્તબ્ધ થઇ ગઈ!
“૮૧ વર્ષની ઉંમરે સ્કુબા ડાઈવિંગ કરવું છે?”
“તો શું થયું?”
વહીદાએ વળતો સવાલ કર્યો.
“હું તંદુરસ્ત હોઉં, તો હું એ પણ કરી જ શકું.”
“તો શું થયું?”
તેમાં ઢળતી ઉંમરે કેવી રીતે વ્યસ્ત અને સકારાત્મક જીવાય, તેનો મંત્ર છુપાયેલો છે.
શિક્ષણનો અર્થ જ થાય શીખવું!
તમે કોઇની પણ સારપના એકલવ્ય થઈ જ શકો! તમે જ તમારા ગુરુ.
તમારુ જીવન જ તમારૂ ગુરુર!

છેલ્લે..

મારે મારા અરમાનોને મારી મરવું નથી.
કોઇ મને દોરવે, કોઇ મને જીવાડે
એમ મારે જીવવું નથી.
મારુ જીવન, મારી ઇચ્છાપૂર્તિ સાથે
મસ્ત જાય. અસ્ત થાય.
બસ એજ પાર્થના!

જીવન વિશે એક દર્શન

જીવન વિશે વિચારો અને વિધવિધ દૃષ્ટિ બિંદુઓથી દર્શન એ આ બ્લોગ પર શરૂઆતથી જ ગમતીલો મત્લા રહ્યો છે. કેલિફોર્નિયાના બે વિસ્તારમાં રહેતાં કલ્પનાબેન રઘુ શાહના વિચારો દર્શાવતો એક વિડિયો આજે જોવા મળ્યો અને ગમી ગયો – આ રહ્યો

કલ્પના બહેનના ઘણા બધા વિડિયો અહીં
( તેમના પતિ ડો. રઘુ શાહની વિડિયો કળાને સો સલામ )

કલ્પનાનું મંથન – 13

વાત છે મનીષની. ઘરની મુખ્ય વ્યક્તિ મનીષને દસ વર્ષથી જેમાં કામ કરતો હતો તે કંપનીએ તેને ફાયર કર્યો. ત્રણ મહિના થઈ ગયાં. સંયુક્ત પરિવારનાં ખર્ચાને પરિણામે હતાશા ઘેરી વળી. બાળકો અને વૃદ્ધ માતાપિતાની જવાબદારીને કારણે મહિમા ઘર સંભાળતી. એકલે હાથે તૂટી ગયેલાં મનીષને તેના વૃદ્ધ અનુભવી પિતા એક રીંછની વાર્તા સંભળાવે છે. રીંછ જંગલમાં જીવ જંતુઓ અને શાકભાજી ખાઈને જીવન ગુજારતું. એક દિવસ જંગલમાં વરસાદ આવ્યો. આખું જંગલ પાણીથી ભરાઈ ગયું. ખોરાકની મુશ્કેલી ઊભી થઈ. હવે તેણે તરવાનું શીખવા માંડ્યું. ફિશિંગ કરીને ખોરાક મેળવતું. એ ખુશ હતું. પરંતુ પછી પાણી સુકાવા માંડ્યું. ગરમીથી દુકાળ પડ્યો. પાણી અને શાકભાજીની અછત ઊભી થઈ. પછી તે મધપૂડામાંથી મધ મેળવવા ઝાડ પર ચઢતાં શીખ્યું. ટૂંકમાં રીંછના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ તેણે જીવવા માટે નવી નવી રીત શીખવા માંડી. જોબ ગુમાવવી જીવનનો અઘરો ફૅઝ છે પરંતુ વ્યક્તિએ નિષ્ફળતા અને નકારાત્મકતામાંથી બહાર આવવું જ રહ્યું નહીં તો ડિપ્રેશનનો શિકાર થતાં વાર લાગતી નથી. એક ગુરુએ તેનાં ચેલાને પૂછ્યું, સફળતાનું રહસ્ય શું છે? તો ચેલાએ તરત જવાબ આપ્યો, પરિશ્રમ. ગુરુએ ના કહી. ચેલો કહે, તેજસ્વી બુધ્ધી? પ્રમાણિકતા? પ્રેમ? આખરે ગુરુદેવે કહ્યું, સફળતાનું રહસ્ય, નિષ્ફળતા છે.

આવી કહાણી અનેક ઘરની બની ગઈ છે. દેશ હોય કે વિદેશ, તેમાં ય ખાસ કોઈ વ્યક્તિ કલાક્ષેત્રમાં હોય ,બીજી કોઈ આવકનું સાધન ના હોય ત્યારે ઊભી થતી આર્થિક ભીંસ, તણાવ એક નાગ બનીને ભરડો લે છે. ત્યારે રીંછની વાર્તા ઘણું શીખવી જાય છે! બાકી ડિપ્રેશન એવી ઊધઈ છે, જે માણસને અંદરથી કોરી ખાય છે અને તેને ખબર પણ નથી પડતી. તેની અસર સમગ્ર પરિવાર પર પડે છે. પોતે જાતે જ તેના ડૉક્ટર બનવું પડે છે.

જિંદગી એ કેવાં કેવાં રૂપ બતાવ્યાં છે? ક્યારેય વિચાર્યું છે, આયખું એક જ વાર મળે છે પરંતુ માણસ જન્મથી મૃત્યુ સુધી એક જિંદગીમાં કેટલાં ય પશુની જિંદગી જીવી રહ્યો હતો? ગધેડાની જેમ આખી જિંદગી ભાર વંઢેરતો, પોતાના સ્વાર્થ ખાતર બીજાને લાત મારી ને પલટી ખાઈ જતો, વાંદરાની જેમ કુદકા મારતો તો ક્યારેક શક્તિ પ્રદર્શન કરવા આખલો બનતો. ક્યારેક સાપ બનીને ડંખ મારતો તો વળી સિંહ કે લુચ્ચું શિયાળ બનીને પણ રહેતો. ઘડપણમાં કૂતરાની જેમ હડ હડ થાય તો દૂર થતો અને બુચકારતા તો પાસે આવતો. ગાય જેવો બિચારો બનીને રહી જતો. રોજ વહેલી સવારે એલાર્મ સાંભળીને કૂકડાની જેમ ઊઠી જતો, વેધર ચેક કરીને નોકરીએ જવાની તૈયારી કરીને….ઘડિયાળના કાંટે જિવાતું જીવન આજનો યુવાન જીવતો. પરંતુ જ્યારે વેદમાં વર્ણવેલ માનવના આચરણનું ઉલ્લંઘન કરીને તે પશુતા પર ઊતરીને પ્રકૃતિ સામે બાથ ભીડવા ગયો…ત્યારે?

આજે કોવિડમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ટચ સ્ક્રીન પર ટેરવા ઘસાતા જાય છે અને જીવવાના ભ્રમમાં જિંદગી ઉમેરાતી જાય છે. શરૂમાં થયું ઘરમાં બધા જ સાથે સમય પસાર કરીશું. રોજ નવું નવું ખાવાનું, આરામ કરવાનો, ના કોઈ આવે ના ક્યાંય જવાનું. ઘેરબેઠાં ગ્રોસરી આવે. પતિદેવ પણ પત્નીને ઘરકામમાં મદદ કરે. બાળકો, મા – બાપ બધા જ ઓનલાઇન. zoom પરનાં કાર્યક્રમોથી બધાને મળવું, લેક્ચર સાંભળવા, અવનવા પ્રોગ્રામ જોવાના, જાણે ઘેર બેઠાં ગંગાનો અનુભવ દરેક કરતાં રહ્યાં. હમેશા બદલાવ સૌને ગમતો હોય છે.

જોતજોતામાં મહિનાઓ વીતી ગયાં. નહીં કલ્પેલાં સ્વર્ગના અનુભવની તૃપ્તિ! પણ પછી નશો ઊતરી ગયો. ઘરમાં રહીને પરિવાર સાથે સમય ગાળવા તરસતો માનવ હવે કંટાળ્યો. એક છત નીચે ટકટક ચાલુ થઈ. દરેકને બંધનનો અનુભવ થવા માંડયો. સ્પેસની જરૂર ઊભી થઈ. ઘરમાં હલનચલન અટકી ગયું.ચાલુ ફૅશનના કપડા, દાગીના બધું જ કબાટમાં અકબંધ. મુવી, મેળાવડા, રેસ્ટોરન્ટનું ખાવાનું બધું બંધ.

બાળ ઉછેર એક મોટી સમસ્યા બની ગઈ. શિક્ષણના અનેક પ્રશ્નો ઉભા થયા. વૃદ્ધ તો પ્રાણીસંગ્રહાલયના પ્રાણીની જેમ પુરાઈ ગયા. હેલ્થને લગતા પ્રશ્નો વધ્યા. કોઈને મળાય નહીં. મંદિરમાં જવાય નહીં. ઘરમાં બધાં તેમના લેપટોપમાં ઓનલાઈન વ્યસ્ત રહેતાં. એકલતા ભરડો લેવા માંડી. સામાજિક પ્રાણી કહેવાતા માણસને તરોતાજા રાખતું વિટામિન…. “રૂબરૂ મળીને વિચારોનું આદાન-પ્રદાન કરવું …”જે બિલકુલ બંધ થઈ ગયું. અનેક પ્રશ્નોની વણઝાર.. ઘણાંની નોકરી જતાં આર્થિક પ્રશ્નો ઊભા થયાં. પરિણામે ડિપ્રેશન મોટી સમસ્યા થઈ ગઈ. મોટિવેશનલ થેરાપી જરૂરી બની ગઈ.

કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી. વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી. જ્યાં સુધી સોલ્યુશન ના મળે ત્યાં સુધી પ્રૉબ્લેમ રહે છે માટે તેને સ્વીકારે જ છૂટકો. તેનું નામ જીવન. જીવનમાં વ્યક્તિ સતત સમાધાન શોધતો હોય છે કારણકે જીવન પ્રશ્નોથી ભરેલું હોય છે. સમાધાન ત્યારે જ થઈ શકે છે જ્યાં સકારાત્મકતા હોય. સમાધાનથી સાતા મળે છે. અંતે મન ગાઈ ઊઠે છે,

જીવન તુમને દીયા હૈ, સંભાલોગે તુમ
આશા હમેં હૈ, યે વિશ્વાસ હૈ
હર મુશ્કીલ સે, વિધાતા, નિકાલોગે તુમ…

અને નેટ પરથી મળેલ એક નાનકડો વિચાર

સમય નથી? – -મૌસમી શુક્લ

‘સમય નથી હોતો એવું કદી નથી હોતું – તે પ્રસંગ કે વ્યક્તિ તમારી priority નથી હોતી’ – આવું ક્યાંક વાંચ્યું હતું. જો તમે તમારી જાત ને પ્રમાણિકતા થી સવાલ પૂછી શકતા હોવ તો આ કરવા જેવું છે. આ વાકય મોટા ભાગે સાચું પડે છે તે પ્રતીતિ થશે. જે પ્રસંગ – ઘટના – વ્યક્તિ આપણા જીવન ની priority હોય તેને માટે થઈ આપણે કોઈ પણ રીતે ‘સમય’ કાઢી લેતા હોઈએ જ છે.
જે વ્યક્તિ ને પોતાના બાળક ને બે ટંક નું ભોજન પૂરું પાડવાનું હોય તેને માટે બાળક સાથે સમય વિતાવવો શકય ન બને તે સ્વાભાવિક છે કેમકે તે ક્ષણે તેની તે priority જ નથી.

પણ, થોડું વધારે કામ કરી હું luxurious life જીવવાના સાધનો વસાવું કે જરૂરિયાત થોડી ઓછી કરી કુટુંબ સાથે સમય વિતાવું તે નક્કી કરવાની સ્વતંત્રતા હોય ત્યારે આપણે ‘priority’ પ્રમાણે વર્તીએ છીએ. ઉદાહરણ તરીકે –

‘બહેન, તમને આ પુસ્તક મોકલુ છું. તમારી પાસે સમય નહીં હોય પણ આ બે પ્રકરણ વાંચજો’
અનુક્રમણિકા જોઈને મને લાગ્યું કે આ પુસ્તક તો વાંચવું જ જોઈએ.
‘ના, આ પુસ્તક તો હું ચોક્કસ જ વાંચીશ. સરસ પુસ્તક છે’

અને વ્યસ્ત schedule હોવા છતાં એ પુસ્તક વાંચી જ શકાયું કેમકે subconscious mind માં તેની priority નક્કી થઈ ગઈ હતી.

તોયે, મને ઉપર નું વાકય અધૂરું લાગે છે. મારે જો લખવાનું હોય તો હું લખું -‘સમય નથી હોતો એવું કદી નથી હોતું – તે પ્રસંગ કે વ્યક્તિ તમારી priority નથી હોતી અથવા તો તમને time management નથી આવડતું.’

દરેક વ્યક્તિ પાસે સમય નિર્ધારિત હોય છે અને તેને શી રીતે વિતાવવો તે આપણા હાથ માં હોય છે. તેથી દરેક ટાસ્ક ને Urgent – Important ના square માં જોયા કરવું જરૂરી છે. કયું કામ તાત્કાલિક કરવું, કયું કામ રાહ જોઈ શકે છે, કયા કામ ની જવાબદારી બીજા ને આપી શકાય છે, કયું કામ કરવાની જરૂર નથી – આટલા મુદ્દા વિશે clarity હશે અને તમારા જીવન ની priorities નક્કી હશે તો કદી ‘સાચા સબંધ અને સાચા વ્યક્તિ’ ને તમે સમય ન આપી શકવાને લીધે અન્યાય નહીં કરો.

એક સરસ લેખ માં વાંચ્યું હતું
– Life is a picture but we live in Pixel.

50-60 વર્ષે જ્યારે તમે તમારા જીવન ની છબી જોવા માંગો છો ત્યારે તેમાં શું જોવા માંગો છો? તે પરિપૂર્ણ ચિત્ર ને અર્થપૂર્ણ બનાવે છે – દરેક દિવસ અને તે દિવસ ની પ્રત્યેક ક્ષણ!

તેથી –
‘ ઓહ, તમારા મેસેજ નો – મેલ નો જવાબ જ ન અપાયો, કેમકે ખૂબ busy હતી.’
‘ઘણા સમય થી ફોન કરવો હતો પણ busy હતી’
‘sorry child, મારે તારો Annual day જોવા આવવું હતું પણ urgent meeting હતી’

આવા બધા જવાબ આપતા પહેલા એક સવાલ જાત ને ચોક્કસ પૂછીશું કે આ વ્યક્તિઓ મારા જીવન ની priorities નથી?

જો છે તો તેમની માટે ચોક્કસ જ સમય નીકળશે – હું તે સમય ફાળવીશ જ.

ટાઈમ મેનેજમેન્ટ – ચીરાગ પટેલ

કુટુંબ – વીનેશ અંતાણી

કુટુંબ શબ્દ છે બહુ નાનો, પરંતુ એના અર્થ અપાર છે. દરેક વ્યક્તિને એના પરિવારમાં થયેલા અનુભવ પ્રમાણે એના અર્થ બદલાતા રહેશે. તેમ છત‍ાં કુટુંબનો અર્થ સમજાવવાની કોશિશ કરતી દરેક વ્યક્તિ માટે એક વાત સામાન્ય જ રહેશે કે એનું કુટુંબ એની જિંદગીનું કેન્દ્રબિંદુ છે.

દરેક પરિવારને મજબૂત ટીમવર્કની જરૂર પડે છે. પરિવારમાં એકતા, સલામતી આપવાનું કમિટમેન્ટ અને એકબીજાનાં સપનાં સાકાર કરવા માટે બધું કરી છૂટવાની ભાવના વગેરે કોઈ પણ પરિવારનો આદર્શ હોવો જોઈએ. કોઈ પણ સમાજમાં કુટુંબ નાનું, પરંતુ ખૂબ મહત્ત્વનું, એકમ હોય છે. કુટુંબમાંથી વિખૂટો પડી ગયેલો માણસ દોરી તૂટી જવાથી વેરવિખેર થઈ ગયેલાં મોતી જેવો હોય છે. કોઈએ કહ્યું છે કે ભગવાનની સૌથી ઉત્તમ કલાકૃતિ કુટુંબ છે.

આખો લેખ વાંચવા વેબ ગુર્જરીના લોગો પર ક્લિક કરો…

આજનો દિવસ મજામાં ગયો? – ઈકિગાઈ

સાભાર – શ્રી. ઉત્તમ ગજ્જર

દક્ષિણ જાપાનના ઓકીનાવા ટાપુઓના ૧૦૦ + ઉમર વાળા વયસ્કોની જીવન જીવવાની રીત

નેટમિત્ર ઉત્તમ ગજ્જર અવારનવાર એમના વાંચનમાંથી ગમેલી વાતો મોકલે છે. આજે મોકલેલ આ વાત બહુ જ ગમી ગઈ. આખો લેખ નીચેની .pdf ફાઈલ ડાઉનલોડ કરીને વાંચો.