સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: વિજ્ઞાન

માણસનું મગજ – પી. કે. દાવડા

અગાઉ માનવામાં આવતું કે બુધ્ધિ જન્મથી મળે છે. કેટલાક લોકો જન્મથી ઓછી બુધ્ધિવાળા હોય છે અને જીવનભર એવા રહે છે. તદ્દન સાચું નથી. હાલમાં વિજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે શરીરના અન્ય અંગોને જેમ પોષણ અને કસરતથી સશક્ત કરી શકાય છે, તેમ મગજને પણ શક્તિશાળી કરી શકાય છે. મગજ જીવનભર વિકસતું રહે છે.

આ ચિત્ર પર ક્લિક કરી વધારે જાણો

માનસિક વિકાસ માટે યોગ્ય ખોરાક, કસરત અને ઊંઘ ખૂબ મહત્વના છે. શારિરીક અને માનસિક કસરતથી બાળકોમાં અને વયસ્કોમાં Brain Power માં સતત વધારો કરી શકાય છે. રાત્રે સારી ઊંઘ આમાં મહત્વનો ભાગ ભજવે છે.

મગજની કસરતમાં ધ્યાન કેંદ્રિત કરવાની કસરત (concentration) સૌથી અગત્યની છે. આપણે જે કામ કરતા હોઈએ, અથવા જે વાંચતા હોઈએ, એમાં ૧૦૦ % આપણું ધ્યાન હોવું જોઈએ. સમયે જો આપણે બીજી કોઈ વાત વિચારતા હોઈએ તો માનસિક શક્તિ વધારવામાં બાધારૂપ બને છે.

જેવીરીતે Electronic Circuits માં જો લાંબા સમય સુધી કરન્ટ પસાર થાય તો કટાઈ જાય છે અને કામ કરતી બંધ પડી જાય છે, એવી રીતે મગજની સર્કીટમાં યાદ રાખવાની કસરત કરતા રહીએ તો બુધ્ધિનો વિકાસ અટકી જાય છે. આજકાલ લોકો વિચારે છે કે ગુગલ છે તો પછી કંઈપણ યાદ રાખવાની શું જરૂર છે? ગુગલને પૂછી લઈશું. એક નુકશાન કારક માન્યતા છે. અસામાન્ય માહીતિ માટે ગુગલ કે પુસ્તકોનો સહારો લેવો વ્યાજબી છે, પણ સામાન્ય માહીતિ ગુગલમાં નહીં, આપણા મગજમાં સચવાયલી રહેવી જોઈએ.

આજકાલ લોકોની Short Term Memory માં ખૂબ ધટાડો થયો છે. થોડી ક્ષણો પહેલા સાંભળેલા નામો, કે માહીતી લોકો ભૂલી જાય છે, અને ખૂબ મથામણ કરવા છતાં જલ્દી યાદ આવતી નથી. ખામી માત્ર ધ્યાન કેંન્દ્રીત કરવાની અને યાદ રાખવાની કસરત સતત ચાલુ રાખવાથી દૂર કરી શકાય છે. દરેક માહીતિ મહત્વની છે, એમ માનીને એને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ તો આમાં ચોક્ક્સ સુધારો થઈ શકે છે.

જીવનભર નવું નવું જાણવાની ઉત્કંઠા,
આપણા માનસિક વિકાસ માટે
ખૂબ જરૂરી આદત છે.

હું એવી થોડી વ્યક્તિઓને ઓળખું છું જે નાનપણમાં બુધ્ધુમાં ગણાતા મોટા થઈ જીવનમાં ખૂબ સફળ થયા છે. વાત પૂરવાર કરે છે કે બુધ્ધિનો વિકાસ કોઈપણ વયમાં થઇ શકે છે.

પ્લાસ્ટિકનો મૃત્યુઘંટ

    પ્લાસ્ટિક બાયો ડિગ્રેડેબલ છે –  એટલે કે, હજારો વર્ષો સુધી પણ પ્લાસ્ટિક સડતું નથી. આથી ક્ચરાના ઢગલામાં પણ તેનું બીજા ઓર્ગેનિક પદાર્થોની જેમ રૂપાંતર થતું નથી.

આ માન્યતા ખોટી છે !

૧૬ વર્ષની બે યુવા વૈજ્ઞાનિકોએ એવા બેક્ટેરિયા શોધી કાઢ્યા છે – જે આ કામ કરી શકે છે; અને ખાસ તો માનવ જીવન માટે હાનિકારક મનાતા પ્થેલિક એસિડનું પણ.

આ વિડિયો જુઓ અને આનંદો. યુવા પેઢી માટે નીરાશાના સૂરો કાઢતા વડીલો આ ખાસ વાંચે…

https://ted.com/talks/view/id/1722

બીજમાં વૃક્ષ તું..

ગણિતની સીમાઓ જ્યાં આવી જાય છે, તેવાં ગૂઢ ગણિતીય શાસ્ત્રોમાં એક  ‘ કેઓસ થીયરી’ (!) આવે છે. એમાં સાવ અવ્યવસ્થિતતામાં પણ ગણિતજ્ઞો પેટર્ન  જોઈ શકે છે. આવી એક ફ્રેકટલ ભૂમિતીનો મેન્ડલબ્રોટ સેટ જોવામાં આવ્યો    —-   આ રહ્યો એ સેટ.

અને મન ઝૂમી ઊઠ્યું….આ તો નરસૈંયાનું દર્શન!

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
 જોઉ પટંતરે એ જ ભાશે,

ભણે નરસૌંયો એ મન તણી શોધના,
        પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે…

પરીવર્તન – 10 : ખગ્રાસ સુર્યગ્રહણ

ખગ્રાસ સુર્યગ્રહણ- 22 જુલાઈ : સાભાર - નહેરુ પ્લેનેટરીયમના વૈજ્ઞાનીકો

ખગ્રાસ સુર્યગ્રહણ- 22 જુલાઈ : સાભાર - નહેરુ પ્લેનેટરીયમના વૈજ્ઞાનીકો

ખગ્રાસ સુર્યગ્રહણ … અને ગદ્યસુર પર?

હા! સુર્યને રાહુ અને કેતુ ગ્રસી ગયા! સુર્યને અને ચન્દ્રને તો સૌએ જોયા છે. પણ આ રાહુ અને કેતુ જોવા દુરબીનમાંથી આંખો ફાડી ફાડીને પ્રયત્નો કર્યા, પણ કાંઈ ભળાયું નહીં. કદાચ જુના જમાનામાં વરાહ મીહીરને ઈશ્વરે દીવ્યચક્ષુ આપ્યા હશે અને તેના થકી કોઈ સાધન વગર તેઓ આ ઉપદ્રવી આકાશી પદાર્થો જોઈ શક્યા હશે!

હળવી મજાક બાજુએ મુકી દઈએ તો એક વાત નીર્વીવાદ છે કે, જ્યારે બાકીનું વીશ્વ અજ્ઞાનના ગર્તામાં ગરકાવ હતું; ત્યારે ભારતના વીચારકો અને વૈજ્ઞાનીકોનો  સુવર્ણયુગ હતો.કશા કેલ્ક્યુલેટર, કોમ્યુટર કે ગણીતીય લોગેરીધમ ટેબલ પણ વાપર્યા વગર જે ચોકસાઈથી આકાશી પદાર્થોની ગતીની ચોક્કસ ગણતરી  કરવાની પધ્ધતી આપણા એ મહાન વ્યક્તીઓએ શોધી કાઢી હતી; તે જોઈ આપણે આશ્ચર્ય ચકીત થઈ જઈએ છીએ.

ગ્રહણ થાય ત્યારે આખા સમાજમાં શોક અને ભયનું વાતાવરણ વ્યાપી જતું; અને બધાં ગ્રહણ છુટે ત્યારે હાશકારો અનુભવતા’ અને સ્નાન કરતા. અમે ભાઈ બહેનો નાનાં હતાં ત્યારે આ અંધશ્રધ્ધાને ભારોભાર તીરસ્કારથી હસી કાઢતા.

પણ આ એકવીસમી સદીમાં અને તે પણ અતી આધુનીક ઉપકરણો અને જ્ઞાનનો ઉપયોગ કરનાર, અમેરીકાની નાસા સંસ્થાએ પણ ત્સુનામી, વાવાઝોડા, અભુતપુર્વ ભરતી વી. થવાની આશંકા વ્યક્ત કરી; આગોતરી ચીમકીઓ આપી હતી. સુર્ય અને ચન્દ્રના એક જ દીશામાં કાર્યરત થતા ગુરુત્વાકર્ષણના બળને પ્રતાપે આમ થવાની શક્યતા એમને પુર્ણ વેજ્ઞાનીક રીતે જણાઈ હતી.

આ બાબત મારું જ્ઞાન તો બહુ જ સીમીત છે. પણ નવસારીના શ્રી. ગોવીંદ મારુના બ્લોગ’ અભીવ્યક્તી’ પર આ વીષય પર બે અભ્યાસ પુર્ણ લેખ વાંચવાનું સૌ વાચકોને જરુર ગમશે.

–  1  – :  –  2   –

અને આ બાબત અંધશ્રધ્ધા અંગે એક લેખ પણ

વીશેષ અભ્યાસ માટે ‘ નાસા’ ની આ વેબ સાઈટ પણ જોવી ગમશે.

અને

એક સરસ, માહીતીપુર્ણ વીજ્ઞાન લેખ

હવે એક ગદ્યસુરી વાત!

ગ્રહણ થાય એ તો કુદરતી ઘટના છે. પણ વ્યક્તીગત અને સામાજીક જીવનમાં પણ ગ્રહણો થતાં હોય છે. ક્યાંક કશુંક બને છે અને કશુંક ગ્રસાઈ જાય છે. ઘોર અંધકાર વ્યાપી જાય છે. પૃથ્વી રસાતાળ જવાની હોય, સેંકડો જ્વાળામુખી ફાટી જતા હોય, ધરતીકંપોના આંચકાથી બધું ઉપરતળે થઈ ગયું હોય; તેવો નીર્વેદ અને ગમગીની જીવનને ક્ષુબ્ધ કરી નાંખે છે. અંધારા બોગદાનો કોઈ છેડો જ ન હોય તેવી, શોકમય અનુભુતીમાં આપણે અથવા સમાજ ગરકી જતાં હોઈએ છીએ.

પણ..

જેમ દરેક ગ્રહણ અલ્પ સમય માટે જ ટકતું હોય છે અને ફરીથી ચમકતો અને દમકતો સુર્ય  નીર્વીઘ્ને તેની ગતી ચાલુ રાખે છે ; તેમ બધી વ્યથાઓ અને બધા સંતાપો અલ્પકાલીન જ હોય છે.

કશું શાશ્વત નથી. સુખ પણ નહીં અને દુખ પણ નહીં.

‘ આનંદમયી મા ‘ એ કહ્યું હતું તેમ,

‘ वो भी चला जायगा ‘

અને આ ક્ષણે ન. ભો. દિવેટીયા યાદ આવી ગયા …

‘ કાળા ઘને ઉજ્જ્વળ સૂર્ય બીંબ ઢંકાયું , તે ચિત્ર દીસે અગમ્ય.

પરંતુ તે છાંયની પેલી પારે, જ્યોતિ રહ્યો ઝળહળી ન કદીય ખૂટે.’

પરીવર્તન…પરીવર્તન…પરીવર્તન…

સઘળું અનીત્ય છે.

કેવળ વર્તમાન જ સતત છે.

ગુફાઓ, ભાગ -2 : સોલ્યુશન ગુફાઓ : Solution caves

કાર્લ્સબાડ ગુફા, ન્યુ મેક્સીકો

કાર્લ્સબાડ ગુફા, ન્યુ મેક્સીકો

બધી જાતની ગુફાઓમાં સૌથી વધારે આકર્ષક આ જાતની ગુફાઓ હોય છે. જમીન કોતરીને માણસે ઘણાં બોગદાં બનાવેલાં છે. ઈન્ગ્લીશ ચેનલની નીચે ટ્રેન અને કાર જેવાં વાહનોને પસાર કરતું બોગદું (ટનલ) એ માનવીની કાબેલીયતનો ઉત્કૃષ્ઠ નમુનો છે. હેરત પમાડે તેવી આવી માનવીય રચનાઓ થોડાંએક મહીના કે બે ચાર વરસમાં જ બનાવી શકાતી હોય છે.

પણ કુદરતે બનાવેલી સોલ્યુશન  ગુફાઓ લાખો અથવા કરોડો વરસની પ્રક્રીયાના કારણે બનતી હોય છે. મહાસાગરના તળીયે પ્રવાળ, છીપલાં, શંખ, જેવાં દરીયાઈ જીવોનાં કંકાલ હર ક્ષણે ખડકાતાં  હોય છે. આ ઘટના માઈલોના માઈલો સુધી દરીયાના  પટમાં સતત ચાલતી જ  રહેતી હોય છે. કરોડો વર્ષ પહેલાં પણ આમ બનતું આવતું હતું. આ કંકાલ ઉચ્ચ કક્ષાના કેલ્શીયમથી ભરપુર હોય છે. વરસો વરસ આમ થતું રહેવાના કારણે અત્યંત જાડો, કેલ્સાઈટનો થર દરીયાના તળીયે જમા થતો રહે છે. ક્યાંક તો આ થર સેંકડો ફુટ જાડો બની જાય છે. પણ આ થર ખાલી કેલ્સાઈટનો જ હોય એમ તો ક્યાંથી બને? એમાં રેતી, માટી, કાદવ અને બીજા પદાર્થો પણ ભળેલા હોય છે.  અથવા એની ઉપર બીજા પદાર્થોના થર પણ જામતા રહે છે. દરીયાના પાણીના દબાનને કારણે  આ થર દબાઈ દબાઈને કઠણ ખડક બની જાય છે. આને લાઈમસ્ટોન અથવા ચુનાના પથ્થર કહે છે.

અને કોઈક ક્ષણે, ભીષણ ધરતીકંપના પ્રતાપે પૃથ્વીનો નકશો બદલાઈ જાય છે. જ્યાં જળ હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જળ – એમ  બધું ઉપરતળે થઈ જાય છે. ક્યાંક દરીયો નીચે પણ બેસી જાય છે. આમ  લાઈમસ્ટોનનો આ જથ્થો જમીન ઉપર આવી જાય છે. જ્વાળામુખીમાંથી ફેલાતા લાવાના પ્રતાપે એની ઉપર ખડકોના થરના થર જામતા રહે છે.

સોલ્યુશન ગુફાઓ માટે આ પાયાની સામગ્રી હોય છે. વરસાદનું પાણી જમીનમાં અને ખડકો વચ્ચેની ફાટોમાથી નીચે ઉતરતાં આ લાઈમ સ્ટોનમાંનો ચુનો ઓગળવા માંડે છે. હવામાંનો કાર્બન ડાયોક્સાઈડ વાયુ પાણીમાં ભળવાના  કારણે પાણી થોડું એસીડીક પણ હોય છે. આને કારણે ચુનો ઓગળવાની પ્રક્રીયા વેગ પકડે છે.  ક્યાંક જમીનના તળીયેથી નીકળતા કુદરતી વાયુમાં હાઈડ્રોજન સલ્ફાઈડ જેવા વાયુઓ પણ આ પાણી સાથે સંયોજાઈ તેનું વધારે જલદ એસીડમાં રુપાંતર કરે છે. જેમ જેમ આવું પાણી નીચે ઉતરતું જાય છે; તેમ તેમ તેનો જથ્થો સંઘરાતાં જતાં, જમીનની નીચે પાણીનાં   સરોવરો, ઝરા અને નદીઓ ઉદ્ભવવા માંડે છે. આને કારણે લાઈમસ્ટોન ઓગળી ઓગળીને ખડકોની વચ્ચે પોલાણ થવા માંડે છે. અને એસીડીક પાણીના ઝરા વધારે વેગથી ત્યાં વહેવા માંડે છે. ધોવાણની  પ્રક્રીયા વધારે વેગ પકડતી જાય છે. પહોળી, ઉંચી અને લાંબી ગુફા આકાર લેવા માંડે છે. લાઈમસ્ટોન, જીપ્સમ કે ડોલોમાઈટના ખડક જ આમ ધોવાઈ શકે છે. બીજી જાતના ખડકો એમના એમ રહી જાય છે. આથી ગુફાનો આકાર ચીત્ર વીચીત્ર  બને છે.

હજારો વર્ષ વીતી જાય છે. બીજા કોઈ ધરતીકંપના  કારણે આવો  પ્રદેશ ઉંચકાઈ જાય છે, અથવા જમીન તળેના પાણીનો પ્રવાહ બીજે ક્યાંક ફંટાઈ જાય છે. અને આના પ્રતાપે ગુફામાં ભરાયેલું પાણી હવે ખાલી થવા માંડે છે. આ પાણી બહાર નીકળીને જે નદીમાં ભેગું થતું હોય, તે પણ ખડકોને કોરી કોરીને નીચે ને નીચે ઉતરતી જાય છે. હવે ગુફા ખાલી થઈ જાય છે. કાળક્રમે ગુફાના તળીયે જ ચુવાતા પાણીનો પ્રવાહ બાકી રહે છે.

અને સૌથી વધારે રસીક તબક્કો હવે શરુ થાય છે. ગુફાની છતમાંથી ચુવાઈને આવતું પાણી હવાના સમ્પર્કમાં બાષ્પીભવન પામે છે. આથી પાણીમાં ઓગળેલો ક્ષાર છત પર જમા થવા માંડે છે. ગુફાના તળીયે ટપકતાં ટીપાંમાંથી પણ બાષ્પીભવનના કારણે ક્ષારનો થર જમા થવા માંડે છે. સાવ ઉલટી જ પ્રક્રીયા! ક્ષાર ધોવાવાની જગ્યાએ ક્ષારના થરના થર જમા થતા રહે છે. અને ગુફાની સર્જકતા હવે પુર બહારમાં ખીલી ઉઠે છે. ટપકતા પાણીના જથ્થાના પ્રમાણ, દીશા, તેમાં ઓગળેલા ક્ષારની જાત આવા વીવીધ કારણોને લઈને જાતજાતના અને ભાતભાતના આકારો ગુફાની છત પર, તળીયે અને બાજુની દીવાલો પર ઉભરવા માંડે છે. આ પ્રક્રીયા પણ હજારો વરસ ચાલતી રહે છે.

જુઓ આવી ગુફાઓના જાતજાતના શણગાર.

છતનો શણગાર

છતનો શણગાર

જીપ્સમ ફુલ

જીપ્સમ ફુલ

હેલેક્ટાઈટ

હેલેક્ટાઈટ

મોતી

મોતી

પડદા, ડ્રેપરી

પડદા, ડ્રેપરી

સ્ટેલેક્ટાઈડ

સ્ટેલેક્ટાઈડ

સ્ટેલેગ્માઈટ

સ્ટેલેગ્માઈટ

કોલમ, થાંભલો

કોલમ, થાંભલો

ક્યાંક પર્વતના એક કોરાણે આવી ગુફા ખુલતી હોય છે. ક્યાંક એ સાવ છુપાયેલી હોય છે; અને આકસ્મીક જ માણસના  ધ્યાન પર તે ચઢી શકે છે. ન્યુ મેક્સીકોની કાર્લ્સબાડ ગુફા, તેમાંથી બહાર ઉડીને આવતાં અસંખ્ય ચામાચીડીયાઓ   એક ભરવાડ(કાઉ બોય)ના છોકરાની નજરે   ચઢી જતાં શોધાઈ હતી. ટેક્સાસના જ્યોર્જ ટાઉન પાસેની ગુફા હાઈવે બનાવવાને આનુષંગીક, જમીન પરીક્ષણ માટેના બોર શારતાં મળી આવી હતી.

ભાગ –1

કાર્લ્સબાડ ગુફા, ન્યુ મેક્સીકો અંગે  વીશેષ માહીતી

જ્યોર્જ ટાઉન, ટેક્સાસ નજીક આવેલી, ઈનર સ્પેસ ગુફા અંગે વીશેષ માહીતી

ગુફાઓ : ભાગ -1

ગુફામાંથી મેદાનમાં વસતા થયેલા લોકોની કથા લખતાં ગુફાઓ વીશેની ચોપડી હાથમાં આવી ગઈ. વાંચતાં જ ગમી પણ ગઈ. આથી ગુફાઓ વીશેનો આ માહીતી લેખ લખવા પ્રેરાયો છું.  આશા રાખું કે, ગદ્યસુરના વાચકોને આ માહીતીપ્રધાન લેખ ગમશે.

————————-

વીશ્વમાં જાતજાતની ગુફાઓ  મળી આવે છે. આખી દુનીયામાં હજારોની સંખ્યામાં ગુફાઓ અસ્તીત્વ ધરાવે છે. કોઈક ગુફા એક નાનકડા ટેલીફોન બુથ જેવડી પણ હોઈ શકે છે, તો કોઈક એક મોટા ઘર કે હોટલ જેવી મોટી પણ હોઈ શકે છે. અમુક ગુફાઓ તો લાંબી લચક હોય છે. અમેરીકાના કેન્ટકી રાજ્યમાં આવેલી મમુથ ગુફા 300  માઈલ લાંબી છે ! અમુક ગુફાઓ બહુ ઉંડી હોય છે. ફ્રાન્સની જીન બર્નાર્ડ ગુફા 5256 ફુટ ઉંડી છે! ખાલી યુ.એસ.ની જ વાત કરીએ; તો તેમાં 17,000 ગુફાઓ આવેલી છે.

રઝળતા આદીમાનવો રક્ષણ માટે આવી ગુફાઓઅમાં વસતા હતા. એમની સંસ્કૃતીના વીકાસ સાથે ગુફાઓ એમના માટે રહેઠાણ ઉપરાંત ઈશ્વરની પુજાના સ્થાન તરીકે, કે અંતીમ ક્રીયા માટે કે ચીત્રકામ માટે પણ વપરાતી હતી. આવી પણ ઘણી ગુફાઓ આદીમ સંસ્કૃતીની સાક્ષી પુરે છે.

અલ્ટા મીરા ગુફા, સ્પેનમાં બાઈસનનું ચીત્ર

અલ્ટા મીરા ગુફા, સ્પેનમાં બાઈસનનું ચીત્ર - ઈ.સ. પુર્વે 16,000 વર્ષ

પ્રાથમીક રીતે ગુફાઓ ચાર પ્રકારની હોય છે.

લાવા ટ્યુબ ગુફા ,  દરીયાઈ ગુફા,  રેતાળ પથ્થરની ગુફા ( સેન્ડ સ્ટોન),  સોલ્યુશન ગુફા

લાવા ટ્યુબ ગુફાઓ

લાવા ટ્યુબ ગુફા

લાવા ટ્યુબ ગુફા

રેલ્વેના બોગદા જેવી આ ગુફાઓ જ્વાળામુખી ફાટતાં બહાર નીકળતી લાવાની નદીને કારણે બનતી હોય છે. લાવા બહાર વહી જતાં બાકી રહી ગયેલો ખડક ઠંડો પડી જતાં તે બનતી હોય છે. ઉંડી ગુફાઓ લાવાના ઉભા પ્રવાહને કારણે બનેલી હોય છે. પણ પર્વતના ઢોળાવ અથવા સપાટ મેદાનમાંથી વહેલા લાવાને કારણે મમુથ ગુફા જેવી ગુફા બનતી હોય છે. આવી ગુફાઓ ત્રીસેક ફુટ જેટલા વ્યાસની અને માઈલોના માઈલો લંબાઈની પણ હોઈ શકે છે.

દરીયાઈ ગુફાઓ

દરીયા કે મોટા સરોવરના કીનારે મળી આવતી આ ગુફાઓ લાખો વર્ષોથી પાણીના મોજાં વડે કીનારાના થતા ઘસારા અને ધોવાણના કારણે બનતી હોય છે. નબળા ખડકો આમ તુટી જતાં પોલાણો પેદા થાય છે. પાણીના મોજાંની સાથે આવતા પથ્થરના નાના ટુકડા અને રેતી ઘસારાની આ પ્રક્રીયાને વેગ આપે છે – જાણે કે અનેક નાનકડી હથોડીઓ ન હોય! યુ.એસ.ના ઓરેગોન  રાજ્યમાં આવેલી સી લાયન ગુફાઓ વીસ માળના મકાન જેટલી ઉચી અને ફુટબોલના મેદાન જેટલી લાંબી છે!

રેતાળ પથ્થરની ગુફાઓ

અનાસાઝી ક્લીફ પેલેસ ગુફા

અનાસાઝી ક્લીફ પેલેસ ગુફા

ટેકરીઓની તળેટીમાં પોચા ખડકો ઝરા અને નદીના પ્રવાહને કારણે ધોવાતાં આવી ગુફાઓ બને છે. હજારો વર્ષો આમ બનતું રહેવાના કારણે મોટી ગુફાઓ આકાર લે છે. આદીમાનવો સમાન્ય રીતે આવી ગુફાઓમાં રહેતા હતા કારણકે, જીવવા માટે જરુરી પાણીનો પુરવઠો ત્યાં હાથવગો રહેતો. કોલોરાડોની મેસા વર્દ ગુફા ક્લીફ પેલેસ તરીકે જાણીતી છે, જેમાં ઈ.સ. 1200 ની આસપાસ આનાસાઝી નેટીવ અમેરીકનોએ ભવ્ય રહેઠાણો બનાવ્યાં હતાં.

સોલ્યુશન ગુફાઓ

કાર્લ્સ બાડ ગુફા, ન્યુ મેક્સીકો, યુ.એસ.

કાર્લ્સ બાડ ગુફા, ન્યુ મેક્સીકો, યુ.એસ.

સૌથી વધારે સંખ્યામાં અને ભવ્યતા માટે જાણીતી ગુફાઓ આ પ્રકારની હોય છે. ચુનો, ડોલોમાઈટ, જીપ્સમ, આરસ જેવા પથ્થરોમાંથી આવી ગુફાઓ બનતી હોય છે. આ ગુફાઓ બનવાની પ્રક્રીયા બહુ જટીલ હોય છે અને તેના કારણે અદભુત પ્રાકૃતીક શીલ્પ આકાર લેતું હોય છે.

….  પણ એની વાત આવતા અંકે.