સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: વ્યક્તિપરિચય

ઈશ્વર સાથે વાત કરનાર

       નીલ સાવ રસ્તા પર આવી ગયો. એક કાર અકસ્માતમાં તેનું ગળું  બહુ ગંભીર રીતે ઘવાયું હતું. એક વર્ષ હોસ્પિટલમાં ગાળ્યા બાદ તે પાછો ફર્યો, ત્યારે તેની પત્નીએ તેને છૂટા છેડા આપી દીધા હતા; એટલું જ નહીં – ઘર પર કબજો જમાવી તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.

      એક જમાનામાં પોતાનો સ્વતંત્ર ધંધો કરનાર નીલ રસ્તા પરથી પીણાંઓનાં કેન વીણી, તેના વેચાણમાંથી માંડ જીવન ટકાવી રાખવાની અવસ્થામાં આવી ગયો. માંડ માંડ તેને છૂટક નોકરી  મળવા માંડી, પણ જે ઊંચાઈ પરથી તે ગબડ્યો હતો, ત્યાં ફરી ચઢવાનું અશક્ય જ હતું. તેને એક કાયમી નોકરી છેવટે મળી. પણ તેનો મ્હાંયલો મૂંઝાતો જ રહેતો હતો.

   નિરાશાના ગર્તામાં ગળાડૂપ ઘેરાયેલો નીલ ૧૯૯૨ની ફેબ્રુઆરીની એક રાતે જાગી ગયો અને ઈશ્વરને ઉદ્દેશીને   નિરાશા વ્યક્ત કરતો એક સંદેશ તેણે કાગળ પર લખ્યો.

‘મારા જીવનને શી રીતે કામ કરતું કરવું?’

     અને તેના જમણા ખભા પાસેથી તેણે એક અગમ્ય અવાજ સાંભળ્યો

‘તારે આનો જવાબ ખરેખર જોઈએ છે,
કે આ માત્ર હૈયાવરાળ જ છે?

      તેણે આ જવાબ પણ કાગળ પર ટપકાવી દીધો. અને એક નવી જ પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ. તે પોતાના મનમાં ઊઠતા વિચારો  લખે, અને એનો જવાબ કોઈક ગેબી સ્રોતમાંથી આવતો રહે. આ પ્રક્રિયા ત્રણ  વર્ષ ચાલુ રહી.

      છેવટે  ૧૯૯૫માં કોઈ ફેરફાર વિના તેણે આ સવાલ/  જવાબ ભેગા કરી એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું .

        અને બાપુ! નીલની ગાડી તો ધમધમાટ દોડવા લાગી. આ પુસ્તકની નકલો ચપોચપ વેચાવા લાગી.  નીલ ડોનાલ્ડ વેલ્શની જીવન નૌકા  હવે તીરની જેમ સમંદરની પારના ક્ષિતિજને આંબવા લાગી. 

      ૧૩૭ અઠવાડિયાં સુધી ન્યુ યોર્ક ટાઈમ્સના સૌથી વધુ વેચાતા પુસ્તકોની યાદીમાં એના આ પુસ્તકનું નામ ગાજતું રહ્યું. ત્યાર બાદ તો નીલે ૧૨ પુસ્તકો લખ્યાં  છે. એ બધાં પણ બહુ જ લોકપ્રિય નીવડ્યાં છે. જગતની ૩૭ ભાષાઓમાં તેના પુસ્તકોના અનુવાદ પ્રગટ થયા છે.  તે એક સરસ વક્તા પણ છે અને દેશ પરદેશમાં તેણે અનેક વ્યાખ્યાનો આપ્યાં  છે.  પોતાના અંતરના અવાજને પ્રેરિત, નવઘોષિત કરે તેવી ઘણી જગ્યાઓની મુલાકાત પણ તેણે લીધી છે. ઘણી પ્રેરક ફિલ્મોમાં પણ તેણે ભાગ લીધો છે ; બનાવી પણ છે.  અંગત જીવનમાં કવયિત્રી એની ક્લેર સાથે તેણે લગ્ન કર્યાં છે અને બન્નેને નવ બાળકો છે.

        પણ એ યાત્રાની શરૂઆત શી રીતે થઈ – એની અલપઝલપ ઝાંખી આ રહી –

      ૧૦, સપ્ટેમ્બર -૧૯૪૩ના દિવસે, મિલવાઉકી, વિસ્કોન્સિનમાં  યુક્રેનિયન- અમેરિકન/ રોમન કેથોલિક  માબાપના ઘેર નીલનો જન્મ થયો હતો. તેની મા પાસેથી તેને ઊંડા ધાર્મિક વિશ્વાસનો વારસો મળ્યો હતો. તેણે જ તેને ઈશ્વરને સજા દેનાર નહીં, પણ પરમ મિત્ર ગણવા શીખ આપી હતી. ૧૫ વર્ષની ઉમરે તેને આધ્યાત્મિક વિચારો આવવાની શરૂઆત થઈ હતી અને એ સંતોષવા તેણે ઘણી જુદી જુદી માન્યતાઓ અને ફિલસૂફીનો અભ્યાસ કર્યો હતો. એમાં રૂગ્વેદ અને રામકૃષ્ણ પરમહંસના વિચારોનો પણ સમાવેશ થાય છે.

       તેણે સ્થાનિક યુનિ.માં અભ્યાસ કરવા પ્રવેશ તો મેળવ્યો, પણ એક વરસમાં જ તેને એમાં કાંઈ રસ ન પડ્યો અને અભ્યાસ પડતો મૂક્યો. મેરીલેન્ડના એનાપોલિસના એક સ્થાનિક રેડિયો સ્ટેશનમાં નીલ નોકરી કરવા લાગ્યો. અહીં વિવિધ જાતના અને વિચારો વાળા લોકો સાથે સંપર્કમાં આવવાની તેને મનગમતી તક મળી ગઈ. અહીં એની ઠીક ઠીક પ્રગતિ થઈ અને એ રેડિયો સ્ટેશનમાં પ્રોગ્રામ ડિરેક્ટર ઉપરાંત સ્થાનિક અખબારના ખબરપત્રી તરીકે પણ તે કામ કરવા લાગ્યો.

      વધારે ઊંચી છલાંગ ભરવા તેણે ઓરેગન રાજ્યમાં સ્થળાંતર કર્યું અને જાહેર સંબંધો અને માર્કેટિન્ગ  માટેની પોતાની કમ્પની શરૂ કરી.

    પણ ઉપર જણાવ્યા મુજબ કાર અકસ્માતમાં તેની દુનિયા રસાતાળ બની ગઈ અને તે રસ્તા પર આવી ગયો. જો આમ ન થયું  હોત તો નીલ એક ચીલાચાલુ વ્યવસાયી બની રહ્યો હોત અને  નેમ કે નામ વગરનો એક અદનો આદમી જ હોત. ઘણા હવાતિયાં માર્યા બાદ તેને કાયમી નોકરી મળી તો ગઈ, પણ અંતરનો અવાજ વધુ ને વધુ પ્રબળ બનતો ગયો, જેની પરાકાષ્ઠા રૂપે ‘ઈશ્વર સાથે સંવાદ’ નો જન્મ થઈ શક્યો . 

       હવે તો હજારો લોકો નીલ પાસેથી જીવન સંઘર્ષ માટે પ્રેરણા લે છે. એની વેબ સાઈટ પરથી એની માહિતી મેળવી શકાશે –

સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/Neale_Donald_Walsch

http://www.nealedonaldwalsch.com/

ગાંધીજી અને ત્રણ વાંદરા

money-set

बुरा मत देखो
बुरा मत बोलो
बुरा मत सुनो

      મૂળે જાપાનીઝ એવું આ રમકડું જોઈએ;  અને ગાંધીજી યાદ આવી જાય, ગાંધીગીરી યાદ આવી જાય. કોઈ પણ ભારતીયને આ રમકડાં વિશે અને ગાંધીજીને કેમ બહુ પ્રિય હતું – એ સમજાવવું ન પડે.

      અલબત્ત આચરણમાં મુકતા હોય તો નવાઈની વાત ખરી ! પણ એ નકારાત્મક વાત નથી કરવી. વાત છે –  આ રમકડું ગાંધીજીને કોણે આપ્યું ? થોડાક વધારે જાણકાર એમ કહેશે કે,

nichidatsu

Nichidatsu Fujii

( ઉપર ક્લિક કરી, તેમના વિશે જાણો )

પણ, આપણામાંના કેટલા એમના વિશે જાણે છે?

અમદાવાદના પત્રકાર શ્રી. વિશાલ શાહે તેમના બ્લોગ પાર આ ખોટ પૂરી પાડી આપી છે …

monkey

     વિગતમાં વાંચતાં, આ મહાન સાધુની નેમ ભારતમાં બુદ્ધ વિચાર અને વિપશ્યનાને ફરીથી પ્રચલિત બનાવવાની હતી. તેમની પ્રેરણાથી બિહારમાં નાલંદા ખાતે  વિપશ્યના માટેનો એક પેગોડા પણ ઊભો કરવામાં આવ્યો હતો.pagoda

વિપશ્યના વિશે ……

–   ૧   –      :     –   ૨   –     :      –   ૩   –    :      –   ૪   –

મન હોય તો માળવે જવાય – કે વેન્ગુર્લા?

સાભાર – શ્રી. શરદ શાહ

     આ પ્રેરણા આપે તેવો લેખ વાંચતાં પહેલાં મહારાષ્ટ્રનાં આવાં છ મધ્યમ કક્ષાના શહેરોમાં એક જ વર્ષમાં આવેલ કચરા- પરિવર્તન વિશે જાણો …. અહીં

Innovating Waste Management

vengurla

          આ કહેવત ૩૮ વર્ષના યુવાન, મહેનતુ અને કર્તવ્યનિષ્ઠ સરકારી અધિકારી રામદાસ કોકરેને બરોબર લાગુ પડે છે. કોઈ પણ કામને પૂરા કરવાનો એક વખત નિશ્ર્ચય કરી લીધો તો પછી એને દુનિયાની કોઈ તાકાત અટકાવી શકતી નથી. બસ તમારે ફકત તમારા ઉદ્દેશ્યને પૂરા કરવા પર અટલ રહેવું જોઈએ. જો એટલું કરી શકો તો આપોઆપ તમારે રસ્તે આડા આવનારા તમામ વિધ્નો દૂર થઈ જાય છે એવોજ કંઈક રામદાસ કોકરેની લાઈફનો ફંડા છે.

rk

રામદાસ કોકરે – તેમના ફોટા પર ક્લિક કરો અને તેમને ફેસબુક પર અભિનંદન આપો.

આભાર શ્રી. ફિરોઝ ખાન, મુંબાઈ – ફેસબુક માહિતી માટે      

રામદાસ કોકરે મહારાષ્ટ્રના કોંકણ જીલ્લાના પર્યટનસ્થળ તરીકે લોકોમાં જાણીતા બનેલા વેંર્ગુલા શહેરના નગરપરિષદના ચીફ એક્ઝિકયુટિવ ઑફિસર છે. તેમના પ્લાસ્ટિક નિર્મૂલન અભિયાન, કચરા નાબૂદી અભિયાન અને તમામ ડમ્પિંગ ગ્રાઉન્ડને દૂર કરવાના અભિયાનને કારણે તેઓ ફકત કોંકણમાં જ નહીં પણ મહારાષ્ટ્રના તમામ જીલ્લાઓમાં જાણીતા બની ગયા છે. રાજયની તમામ મોટા જીલ્લાઓની મહાપાલિકાઓ તેમને કમિશનર બનાવવા તત્પર છે અને હાલમાં જ તેમની આ કામગીરીને કારણે થાણે મહાનગરપાલિકા અને કલ્યાણ-ડોંબીવલી મહાનગરપાલિકાના નગરસેવકોએ રામદાસ કોકરેની ટ્રાન્સફર તેમને ત્યાં કરાવવાની માગણી કરી હતી. સરકારી અધિકારીથી લોકો દૂર ભાગતા હોય છે, પણ આ અધિકારી એવો છે જેને પોતાને ત્યાં બોલાવવા લોકો ઉત્સુક છે.

કોઈ પણ જાતની પબ્લિસિટી સ્ટંટ કરવાને બદલે ચૂપચાપ દિવસરાત પોતાના કામમાં વ્યસ્ત રહેનારા આ યુવાન અધિકારીની કામગીરીની નોંધ હાલમાં ખુદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીધી છે. તેમની કચરાના નિકાલ માટે અપનાવેલી વેંગુર્લા પેટર્નને રાજયભરમાં અમલમાં લાવવા બાબતે પણ સરકાર વિચારાધીનહોવાનું હાલમાં જ રાજયના ચીફ જનરલ સેક્રેટરી સ્વાધીન ક્ષત્રિયએ કહ્યું હતું. મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં જો તેમની કચરાના નિકાલ માટેની વેંગુર્લા પેટર્ન સફળ થાય તો ભવિષ્યમાં દેશના અન્ય રાજયમાં પણ તે ઉપયોગી સાબિત થઈ શકે છે.

        રામદાસ કોકરેએ જે પધ્ધતિએ વેંર્ગુલા શહેરને શૂન્ય કચરામુકત અને ડમ્પિંગગ્રાઉન્ડમુકત કરીને કચરામાંથી નગરપરિષદને આવક ઊભી કરી આપી છે તેની નોંધ લઈને મુખ્ય પ્રધાને હાલમાં જ તેમનું સન્માન પણ કર્યું હતું. તો હાલમાં જ તેમને વસુંધરા પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતા. સંત ગાડગે બાબા સ્વચ્છતા અભિયાન અતંર્ગત તેમના કાર્યની નોંધ લઈ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

       મૂળ સોલાપુરના કર્નાલા તાલુકાના રીતેવાડી ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા રામદાસનો પરિવાર ખેતીવાડી સાથે સંકળાયેલો હોવાને કારણે નાનપણથી તેમને ગ્રીનરી અને પર્યાવરણ માટે ખાસ લાગણી રહી છે. નાનપણમાં ભણવામાં હોશિયાર પણ ખોબલા જેવા ગામડામાં રહેલી પ્રાથમિક શાળાની ઈમારત ખખડી ગયેલી હોવાને કારણે સ્કૂલમાં એડમિશન લીધા બાદ પણ ભણવા માટે સ્કૂલમાં જગ્યા નહીં હોવાને કારણે પહેલા ધોરણને બદલે તેમને સીધા બીજા ધોરણમાં બેસાડી દેવામાં આવ્યાં હતા. ચોથા ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ આ સ્કૂલમાં જ લીધા બાદ બાજુના ગામમાં રહેલી શાળામાં દસમા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો અને મૂળ તો ખેડૂત પરિવારના હોવાને કારણે દસમાની બોર્ડની પરીક્ષા પાસ કરીને પૂણેનીએગ્રીકલ્ચર કોલેજમાં એડમિશન લીધું હતું. કોલેજના અભ્યાસ દરમિયાન જ સરકારી નોકરીમાં જોડાઈને પોતાના ગામના અન્ય યુવાનોની માફક દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી. ગ્રેજ્યુએશન કરીને એગ્રીકલ્ચરમાં એમએસસી કર્યા બાદ તેમણે સરકારી નોકરી માટે પરીક્ષા આપી હતી અને પહેલી નોકરી તેમણે પોલીસ ઈન્સ્પેકટર તરીકે કરી હતી.

        પોલીસ ઈન્સ્પેકટર તરીકે કામગીરી તો કરી પણ કામનો ખરો આનંદ તેમને આવતો નહોતો. પહેલેથી જ પર્યાવરણ માટે ખાસ લાગણી ધરાવતા રામદાસનું મન કંઈક અલગ કરવા તત્પર રહેતું હતું. પોલીસ ખાતાની નોકરીમાં મન નહોતું લાગતું. એ દરમિયાન તેમણે અન્ય સિવિલ પરીક્ષા આપવાની ચાલુ જ રાખી હતી અને એમાં પાસ થતા તેમને કોંકણ જિલ્લાના દાપોલી ગામના નગરપાલિકાના ચીફ ઍક્ઝિક્યુટિવની પોસ્ટ મળી હતી. આ પોસ્ટ એટલે ભાવતું હતું અને વૈદ્યે કીધું જેવુ તેમને માટે થઈ ગયું હતું. વર્ષોથી પર્યાવરણના જતન માટે શું કરી શકાય તેની યોજનાઓ બનાવી રહ્યાં હતા તેને દાપોલીમાં અમલમાં લાવવા માટેના તેમના પ્રયાસ શરૂ થઈ ગયા હતા. પ્લાસ્ટિકમુકત, કચરામુકત તેમની યોજનાઓ પર તેમણે કામ શરૂ કરી દીધું હતું પણ પોતાની યોજના પૂર્ણ રીતે અમલમાં લાવે એ પહેલાં જ તેમની ટ્રાન્સફર વેંર્ગુલા નગરપરિષદના ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે થઈ ગઈ હતી. મહારાષ્ટ્રમાં જ નહીં પણ દેશભરમાં પર્યાવરણ માટે લોકોને જાગૃત કરવાનો નેક ઈરાદો રાખનારા રામદાસ કોકરે જે કામ દાપોલીમાં કરી શકયા નહીં તે તેમણે વેંર્ગુલામાં કરી બતાવાની ચેલેન્જ સ્વીકારી લીધી હતી, જેમાં અડચણો તો ઘણી આવી પણ પોતાની ઈચ્છાશક્તિ અને સ્થાનિક નાગરિકોના સહકારથી વર્ષનું માત્ર ને માત્ર ૧૬ કરોડ રૂપિયાનું આર્થિક બજેટ ધરાવતા વેંર્ગુલા શહેરને માત્ર ચાર મહિનાની અંદર શૂન્ય કચરામુકત, પ્લાસ્ટિકમુકત અને ડમ્પિંગગ્રાઉન્ડમુકત કરીને મહારાષ્ટ્રની અન્ય મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને એક આદર્શ ઉદારણ પૂરું પાડયું છે.

શું છે વેંર્ગુલા પેટર્ન ?

       દેશના એક રાજયના આર્થિક બજેટ કરતા પણ મોટું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકા માટે પણ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવો માથાનો દુખાવો બની ગયો છે ત્યારે રામદાસ કોકરેએ વેંગુર્લા શહેરને કચરામુકત કરીને એ કચરામાંથી જ વીજનું અને કોલાસાનું ઉત્પાદન કરીને નગરપાલિકાને આવક તો ઊભી કરી આપી પણ સાથે જ કચરામાં રહેલાં પ્લાસ્ટિકનો ઉપયોગ વેંર્ગુલાના રસ્તા બનાવવા માટે કર્યો છે.

વેંર્ગુલા પેટર્ન કઈ રીતે કામ કરે છે?

         પહેલા તો કચરાના વર્ગીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નગરસેવકોને અને જનતાને વિશ્ર્વાસમાં લીધા. લોકો સાથે મીટિંગ કરીને જનજાગૃતિ અભિયાન ચલાવ્યું. રોજ જમા થતા કચરાનું વર્ગીકરણ કેટલું મહત્ત્વનું છે તે લોકોના ગળે વાત ઉતારી. તે મુજબ સૂકો અને ભીનો કચરો અલગ, પ્લાસ્ટિકનો અલગ અને કાચ તથા અન્ય ધાતુ એમ ચાર પ્રકારે વર્ગીકરણ કરવાનું હાઉસિંગ સોસાયટીઓને માટે ફરજિયાત બનાવ્યું. આ કાર્યપધ્ધતિ અમલમાં લાવવા ‘ગુડ મોર્નિંગ ટીમ’ની સ્થાપના કરી અને એના દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવામાં આવી. પ્રત્યેક વોર્ડમાં નગરસેવક અને એક અધિકારી અને અન્ય કર્મચારી એમ પંદર જણની ટીમ બનાવી અને તેમના પર વેંગુર્લાના નગરઅધ્યક્ષ અને ખુદ રામદાસ કોકરે ધ્યાન આપતા હતા. કચરાનું વર્ગીકરણ કર્યું ન હોય તેમનો કચરો લેવો નહંીં અને તેમને દંડ ફટકારવો એવો સખત કાયદો બનાવ્યો. નવી સોસાયટી બનાવતા સમયે કચરાનું વર્ગીકરણની શરત ફરજિયાત રાખવામાં આવી અને બેદરકારી જણાઈ આવે તો સબંધિત બિલ્ડર, સોસાયટીઓને ઓકયુપેશન સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. લગભગ એક વર્ષથી ચાલતી આ કામગીરી દરમિયાન રામદાસ કોકર અને તેમના અધિકારીઓએ આખા વર્ષ દરમિયાન એક દિવસની પણ રજા લીધી નહોતી. વર્ષના ૩૬૫ દિવસ સવારના ૭ થી સાંજના ૮ વાગ્યા સુધી આ જ કામમાં રચ્યા પચ્યા રહેતા હતા.

    કચરામાંથી આવક ઊભી કરી આખા વેંગુર્લામાં કચરાનું ચાર પ્રકારણે વર્ગીકરણ કરીને તેને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં  વવામાં આવે છે ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેનું વર્ગીકરણ કરીને રાખવામાં આવે છે. જેમાં ધાતુ, કાચની બાટલીઓ, પ્લાસ્ટિકની વસ્તુઓને ભંગારમાં વેચી દેવાતા પૈસાની આવક થાય છે. પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકના કાગળ વગેરેને ક્રશર મશીનમાં નાખીને ક્રશ કરીને ૨૦ રૂપિયે કિલો વેચવામાં આવે છે અને તેનો જ ઉપયોગ રસ્તો બનાવવામાં માટે કરવામાં આવે છે. રસ્તો બનાવવા માટે ડામરમાં આઠ ટકા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાને કારણેે રસ્તાની લાઈફ પાંચ ટકા વધી ગઈ હોવાનું કહેવાય છે. સૂકા કચરામાંથી કોલસો બનાવવામાં માટે ખાસ મશીન લેવામાં આવ્યું છે અને તેમાંથી કોલસો બને છે જે અનેક કંપનીઓ અને કારખાનાઓ ખરીદી કરે છે. એટલું જ નહીં પણ કચરામાંથી બાયોગેસ પ્રોજેકટ પણ ચલાવવામાં આવે છે. ભીના કચરામાંથી મિથેન વાયુ ભેગો કરીને જનરેટરના માધ્યમથી વેંર્ગુલા નગરપરિષદની ઓફિસ માટે વીજનું ઉત્પાદન કરવામાં આવે છે અને વેંર્ગુલાની સ્ટ્રીટ લાઈટ પર આ વીજળીના ઉપયોગથી જ ચાલે છે. સરકારી અધિકારીનું નામ પડતા લોકોના નાકનું ટેરવું ચડી જતું હોય છે, પણ રામદાસ કોકરે એમાં અપવાદ છે.

        આ એવો અધિકારી છે જેના ઉજળા કામ લોકોના જીવનમાં ઉજાસ લાવી દે છે અને સરકારની પ્રતિમા ઉજળી બનાવે છે.

મૂળ લેખ….

 

rk1

બીજાને મદદ કરવાની લાગણી

     “મારી પાસે જે છે તેનાથી મને સંતોષ છે, અને એનાથી ઓછામાં પણ મને ચાલી શકે. મને વધુની જરુર નથી. વધારેને હું શું કરું?”

     એ પુછે છે – એ બતાવે છે કે તમારી પાસે બીજાને મદદ કરવાની લાગણી માત્ર હોવી જોઈએ.

 

        કોની વાત છે આ?

       એ કોઈ ધર્મગુરૂ કે ઉપદેશક નથી. આ રહ્યા એ સાદા, સીધા, ચા વાળા shekhar

વિશેષ વાંચન માટે નીચેના ફોટા પર ક્લિક કરો….

gv

આવા ગુજરાતીઓ પણ હોય – રવજીભાઈ સાવલિયા

       વલોણાવાળા રવજીભાઈ ક્યાં રહે છે? તો જવાબ મળે પવનચક્કીવાળા બંગલામાં.

        મુલાકાતો જેમ જેમ વધતી ગઈ તેમ “વાળા રવજીભાઈ સાવલીયા” ગયું પણ આગળના શબ્દો નવા નવા પ્રકારના ભરતી થતા રહ્યા, ને વળી જૂનાને હટાવ્યા વગર જ. એ ચીજ નવાઈ પમાડનારી હતી. ઘરઘંટીવાળા…… વીજળી બચાવનારી ઈલેક્ટ્રિક મોટરવાળા, હીરાઉદ્યોગ માટે સગવડ ભરી ઓછી ગરમી પેદા કરીને હીરાઘસુઓને ભઠ્ઠી જેવા તાપમાંથી ઉગારનારી ઈલેક્ટ્રિક સગડીવાળા, ફૂટપંપવાળા, બેટરીથી ચાલતી સાઈકલવાળા, કુત્રિમ વરસાદ વરસાવવાવાળા, જળસંચયવાળા, ગુજરાત સરકારને ભોગવવી પડતી વીજ કટોકટીનું નિવારણ શોધવાવાળા, કીર્તિ સુવર્ણચંદ્રક પ્રદાન કરવાવાળા, રેશનાલિસ્ટોને મદદ કરનારા, તો સાગમટે અનેકોને ખગોળ દર્શન કરાવીને એની ભલભલાને છક્કડ ખવડાવી દે તેવી સરળ સમજૂતી આપવાવાળા રવજીભાઈ, શાળા-કોલેજો સંસ્થાઓમાં ગાંઠને ખર્ચે ફરી ફરીને (છેક મુંબઈ લગી જઈને) વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દેનારા વિજ્ઞાનના રહસ્યો ખોલતાં ભાષણો આપવાવાળા, મોટરકારના આંતરિક દહનયંત્ર ( ઈન્ટર્નલ કમ્બશન એન્જિન)માં પેદા થતી અફાટ ગરમીનું ગતિ-શક્તિમાં રૂપાંતરિત કરી આપવાવાળા રવજીભાઈ……

–  રજનીકુમાર પંડ્યા.

વાંચતાં મન મહોરી ઊઠે તેવો પરિચય…

આ ચિત્ર પર 'ક્લિક' કરો

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો

થોડીક શરૂઆતની જે લીટીઓમાં આ માણસને ‘ઓશો’ રજનીશ ગમતા હતા – તે જાણીને આનંદ આનંદ થઈ ગયો.

છૂના હૈ આસમાન – પ્રેરણાત્મક વ્યક્તિઓ

અમદાવાદના શ્રી. ભજમન નાણાવટીના બ્લોગ પર આજે આકસ્મિક મુલાકાત લીધી અને એક સરસ લેખ શ્રેણી વાંચવા મળી.

મુશ્કેલીઓના ડુંગરને અતિક્રમી
શિખર સર કરનારી
આ સર્વે વ્યક્તિઓને
સાદર પ્રણામ…

  1. અરૂણિમા સિંહા
  2. કલ્પના સરોજ
  3. ફિલિપ્પે ક્રોઇઝોન

હાથ, પગ અને હૈયું

હાથ, પગ અને હૈયું – ત્રણ પાયાની મુડી, એ સાબૂત હોય તો દુનિયા ઝખ મારે છે.

પણ..

પહેલા બે ન હોય તો?

તો પણ દુનિયા ઝખ મારે છે.

નિક વુજિસિક ઉવાચ

——————-

      ઓસ્ટ્ર્લિયાના મેલબોર્નમાં ૧૯૮૨માં એક પણ હાથ કે પગ વગર જન્મેલો નિક, કશી આશા ન હોવા છતાં અત્યારે આખી દુનિયાના નીરાશ, વ્યથિત, અપંગ લોકોના જીવનમાં આશા અને ઉમંગ પૂરી રહ્યો છે.

     એના અને એના કામ વિશે વિશેષ – માત્ર ૧૭ વર્ષની ઉમ્મરે એણે બનાવેલી વૈશ્વિક સંસ્થાની વેબ સાઈટ પર જ વાંચી/ નિહાળી લો ને?

– અહીં ‘ક્લિક’ કરીને…

અને ..

‘વિકી’ ઉપર …

   અને લો! આ સ્લાઈડ શો અહીં જોઈ લો – બાબાથી આંતરરાષ્ટ્રીય વક્તા અને ……  ‘બાપા’ બનવા સુધીની જીવન યાત્રાનો.

મિત્રોને , સંબંધીઓને બતાવો, અને હસતા રહો, સ્વપ્નો સેવતા અને એને માટે ઝઝૂમતા રહો…

This slideshow requires JavaScript.

સ્વપ્ન બુલંદ હોય અને
હાથ પગ  ન હોય તો  પણ;

હવાઈ કિલ્લા
જમીન પર ઉતારી શકાય છે.

જન લોકપાલ બીલ – અરવિંદ કેજરીવાલ, – ગુણવંત છો. શાહ

 સાભારશ્રી. ભીખુભાઈ જે. મિસ્ત્રી, હ્યુસ્ટન
———————-
જન લોકપાલબીલ જેની કાખનું બાળક છે એ  અરવિંદ  કેજરીવાલ કોણ છે?

અણ્ણા હજારે સાથે – અરવિંદ કેજરીવાલ

લોકપાલ બીલના નામે આખા દેશમાં પ્રચંડ મોજું ફેલાવનાર અણ્ણા હઝારેની પાછળ જે વ્યક્તિ છે અને લોકપાલ બીલ જેની કાખનું બાળક છે એ પડદા પાછળની અતિ મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ છે. અરવિંદ  કેજરીવાલ જેઓ હરિયાણાના હિસારના છે. એમના પિતા એન્જીનીયર હતા. ખડગપુરની આઈઆઈટી કોલેજમાંથી તેઓ કેમીકલ એન્જીનીયર થયા અને તાતા સ્ટીલમાં એક્ઝીક્યુટીવ ઓફિસર બન્યા.
એ સાથે એમણે ૨૪ વર્ષની ઉંમરમાં જ આઈએએસની પરીક્ષા પાસ કરી અને ઇન્કમટેક્ષ કમિશનરની નોકરી કરી. એમને ઈન્કમટેક્ષ ઓફિસરની નોકરી કરતા જોયું કે સામાન્ય કરદાતાએ પોતાનો કર ભરવો હોય તો પણ ઈન્કમટેક્ષ ઓફિસના દરેક નોકરિયાતના ટેબલના ખાના કાળા નાણાના રૂપિયાની થપ્પીઓથી ભરેલા હોય છે. ત્યારે એણે ‘પરિવર્તન’ નામની એક એનજીઓ શરૂ કરી. એનો ઉદ્દેશ્ય હતો સામાન્ય માણસને માર્ગદર્શન આપવું.
અત્યારે ૪૨ વર્ષના થયેલા એ અરવંિદે એ પછી રાજસ્થાન કેડરના આઈએએસ ઓફિસર અરૂણા રોયની સાથે મળીને રાઈટ ટુ ઈન્ફોર્મેશન (માહિતી મેળવવાનો અધિકાર)ની ઝુંબેશ શરૂ કરી.
એમને એમની એ ઝુંબેશમાં અંતે સફળતા મળી (ત્યારે ‘નેટવર્ક’માં આરટીઆઈ વિષે પાંચ લેખ આપેલા) અને મનમોહન સરકારી ૨૦૦૧માં સંસદમાં માહિતી મેળવવાના અધિકારનો કાયદો પસાર કર્યો.
પરંતુ ત્રણ વર્ષ પછી ખ્યાલ આવ્યો કે કાયદો તો કેન્દ્ર સરકારે કર્યો છે પણ રાજ્ય સરકારો કે કેન્દ્રના જૂદા જૂદા ખાતાઓ એનો અમલ નથી કરતા. (જેમ ગુજરાત સરકાર ગૌહત્યાઓ, ગુટકાનો, લોકાયુક્તનો વગેરે કાયદાનો અમલ નથી કરતી.( ગુજરાત સરકાર તો માહિતી મેળવવાના કાયદામાં પણ ટાંગ અડાવીને જરૂરી માહિતી આપવામાંથી જનતાને વંચિત રાખે છે) એટલે તેઓ ઉપવાસ ઉપર બેઠા એટલે મનમોહન સરકાર જાગી (જેમ અણ્ણાના ઉપવાસ વખતે અઠવાડિયા પછી જાગી) અને કાયદાનો અમલ કરાવવાના પગલાં લીધા. (મનમોહનસંિહ ‘માસ્તર મારે ય નહીં અને ભણાવેય નહીં’ તેનો આ દાખલો!)
કેજરીવાલને ધમકીઓ તો મળ્યા કરતી હતી અને એમની નોકરી પણ ચાલુ હતી.
એમની પત્ની સુનીતા ઈન્કમટેક્સ ખાતામાં જ ઓફિસર છે એટલે એની આવકમાંથી કુટુંબનું અને સંભાળ રાખી શકાય એવી યોજના કરીને એમણે ૨૦૦૬માં પોતાનો બધો સમય સમાજ સેવામાં આપવાનું એમણે ગોઠવ્યું.
એ જ વર્ષે એમને રેમન મેંગેસેસ એવોર્ડ પણ મળ્યો. એ એવોર્ડની રકમમાંથી એમણે ‘લોકકારણ રિસર્ચ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી.
લોકપાલ બીલ અથવા જનલોકપાલ બીલ આ અરવિંદ  કેજરીવાલનો વિચાર છે અથવા કાખનું બાળક છે. ૨૦૧૦માં જ્યારે કોમન વેલ્થ ગેમ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનું બહાર આવ્યું એથી તેઓ ચોંકી ગયા. એ વખતે એમના મગજમાં અણ્ણા હઝારે નહોતા પણ બાબા રામદેવ હતા એટલે એ પહેલાં એમને મળ્યા અને પછી શ્રી શ્રી રવિશંકરને મળ્યા.
એમનું માર્ગદર્શન લઈને એ સુપ્રિમ કોર્ટમાં વકીલ ભૂષણ પિતાપુત્રને અને માજી ન્યાયમૂર્તિ તથા કર્ણાટકના લોકાયુક્ત હેગડેને મળ્યા. એમની પાસે લોકપાલ બીલનો ડ્રાફ્‌ટ કરાવરાવ્યો અને એને વેબસાઈટ ઉપર મૂકીને સરકારને અપીલ કરી કે ભ્રષ્ટાચારનો ખાતમો બોલાવવા લોકપાલ બીલ તૈયાર કરે.
એમાં બધા જ પ્રધાનો, બધા જ મુખ્યપ્રધાનો અને વડાપ્રધાનને પણ આવરી લેવાનું જણાવ્યું.
એ જનલોકપાલ બીલ તૈયાર કરતાં પહેલાં એમણે સંિગાપુર, અમેરિકા અને બીજા કેટલાક દેશોમાં આવા જે કાયદા છે એનો અભ્યાસ કર્યો.
કેજરીવાલ જાણે છે કે સરકાર નોકરશાહી, અમલદાર શાહી અને પ્રધાનશાહી ભેગા મળીને જનતાને અને દેશને ચુસી રહ્યા છે.
એ ત્રિપુટીના સાણસામાં આ દેશની બધી જ સરકારો છે એટલે જનલોકપાલ બીલ લાવવું હોય તો ઘણો સંઘર્ષ કરવો પડશે અને સરકાર ઉપર દબાણ લાવવું પડશે.
દરમ્યાનમાં એમણે મહારાષ્ટ્રના લોકસેવક અણ્ણા હઝારે યાદ આવ્યા. એટલે એ સીધા મુંબઈ આવ્યા અને ફેબુ્રઆરીની ૨૨ તારીખે મુંબઈથી રાણેગાંવ સિઘ્ધિ ગયા અને અણ્ણાને જનલોકપાલ બીલ સમજાવ્યું. એ બીલ લાગુ થાય એ માટે દિલ્લી આવીને સરકાર ઉપર દબાણ થાય એમ કરવા અણ્ણાને સમજાવ્યા.
અણ્ણાએ લગભગ અડધી કલાક સુધી વિચાર કરીને કેજરીવાલને હા કહી.
દેશવ્યાપી આંદોલનનો આ છે પાયો.
– ગુણવંત છો. શાહ

મિત્રો મળ્યા – પ્રભુશ્રીના આશિષ

હા! ખરેખર પ્રભુશ્રીના આશિષ જ કે, મિત્રો મળ્યા.

પણ આજે જે મિત્ર અંગે વાત કરવાની છે; તે અચૂક પ્રભુશ્રીના આશિષ પાઠવીને જ ઈમેલ પૂરો કરે છે !

આ મિત્રને મળવા જતાં મને એમને સરપ્રાઈઝ આપવાનું મન થયું. સવારમાં વહેલો, સીધો એમની ઓફિસે પહોંચી ગયો. અમદાવાદ મ્યુનિ. ના નવરંગપુરા સ્ટેડિયમના સમૃદ્ધ વિસ્તારમાં એમની અર્ધ સરકારી સંસ્થાની ઓફિસ આવેલી છે. પટાવાળો પણ હમણાં જ આવ્યો હતો અને સાફસૂફીમાં વ્યસ્ત હતો. તેણે એમની ઓફિસ સાફ કરી મને બેસાડ્યો. મારી ધીરજ ખૂટી જવાની તૈયારીમાં જ હતી; અને ત્યાં એ આશિષદાતા આવી પહોંચ્યા.

કોણ? ખબર ન પડી ને? પણ જે લોકો એમની સાથે ઈમેલ સમ્પર્કમાં છે; એ બધા તો શિર્ષક વાંચીને તરત એમને ઓળખી ગયા હશે.

લો .. એમની છબી જ જોઈ લો.

 અને એમનો પરિચય – એમના પોતાના જ શબ્દોમાં – આ રહ્યો.

શરદ શાહ – પ્રભુશ્રીના આશિષે મળ્યા.

optimized-img_20170214_122218

આ છે શરદ શાહ. આમ તો કોમર્સ ગ્રેજ્યુએટ છે; પણ ગુજરાતના ઘણા બધા પ્રોજેક્ટોને એમનાં સલાહ સૂચનો મળેલાં છે. અને મારી અંતરયાત્રાના પ્રોજેક્ટના પણ એ ગાઈડ છે. 

પણ એ મૂલાકાત દરમિયાન ઘણું મોડું થઈ ગયું હતું. મારે બીજા એક અગત્યના કામે જવાનું હતુ. મને એમની સાથે સત્સંગ કરવાનો જે લ્હાવો હતો; અને જ્યાં જવાનું બહુ જ મન હતું તે, માધવપુરના ઓશો આશ્રમની એમની પાસેથી અલપ ઝલપ ઝાંખી મેળવી, મેં વિદાય લીધી. તે આશ્રમની મૂલાકાત લેવાનો સંકલ્પ તો કર્યો; પણ વિધિનું કરવું તે, અઢી મહિનાની દેશયાત્રા પતી ગઈ તો પણ ત્યાં ન જ જવાયું.

પણ એમની સાથે બેસી સત્સંગ કરવાની તડપન તો રહી જ. એ ક્યાં સંતોષાઈ હતી? ફરી એમનો સમય લઈ, રજાના દિવસે એમને ઘેર જ પહોંચી ગયો; અને એ યાત્રા પણ કેવી યાદગાર? મને એમનું ઘર નહીં જડે , એમ જાણીને મને લેવા એ સામા કારમાં આવ્યા. પણ ભવના ભવરણમાં ભટકવું પડે છે; તેમ આ સ્કૂટરચાલક એમને અનુસરી ન શક્યો. પણ બે ચાર વાર સેલફોન સમ્પર્કે પાછો લાઈન પર આવી ગયો!

અને એમના દિવાનખંડમાં અમારો સત્સંગ શરૂ થયો.  એ સત્સંગની વાતો કરવા આ મિત્ર પરિચયની જગ્યા થોડી જ વપરાય? પણ અહીં આવ્યા બાદ પણ, એમની સાથે નેટ સત્સંગ ચાલુ છે. અને એ સત્સંગનો મર્મ પચાવ્યા વિના એના વિશે લખવું પણ ઠીક નહીં. 

પણ.. એમના આશિષ અને સદભાવના જોરે આ નૌકા જરૂર લક્ષ્યસ્થાને પહોંચી જશે; એવી શ્રદ્ધા આ અશ્રદ્ધાળુ જણના ચિત્તમાં જરૂર સ્થાપિત થઈ છે.

સ્વામી શ્રી. બ્રહ્મવેદાન્ત – ઓશો આશ્રમ, માધવપુર

એમના ગુરુશ્રી કે જેમણે ઓશો રજનીશ અને ગુર્જિયેફના સિદ્ધાંતોને પચાવ્યા છે; અને કામ કરતાં કરતાં જ આત્મજ્ઞાન મેળવવાનું જે શીખવે છે તે, શ્રી. બ્રહ્મવેદાન્ત સ્વામી વિશે જાણવા અહીં ‘ક્લિક’ કરો.

આ લખાણની સમાપ્તિ પોંડિચેરી આશ્રમના માતાજીના, મને બહુ જ ગમતા આ સંદેશ સાથે કરવા મન થાય છે-

 Let us work as we pray;
for work indeed is
body’s best prayer
to the Divine.

Mataji

મિત્રો મળ્યા – એકલવીર

વહેલી સવારે હું જામનગરના બસ સ્ટેન્ડ પરથી, એ એકલવીરના ‘વિસામો’ ફ્લેટ પર પહોંચી ગયો છું. એમના મહેમાનો માટેના રૂમમાં ટુવાલ, નેપકિન અને નવો નક્કોર સાબુ મારે માટે ગોઠવીને તૈયાર રાખેલાં છે.

ચહેરો, હાથ-પગ ધોઈ, બસની રાત્રિ-મુસાફરીના થાકને તિલાંજલિ આપી; હું એમની સાથે રસોડામાં ગપસપ કરવા પહોંચી જાઉં છું. એકલવીર અમારા બે માટે ચા બનાવી રહ્યા છે. ઘરનો ખૂણે ખૂણો વ્યવસ્થિત જણાય છે. કશે કશું  અવ્યવસ્થિત નથી – બધું ચોક્ખું ચણાક. મારા આવવાની ખબર હોવા છતાં, એકલા પુરુષને માટે આ વ્યવસ્થિતતા ઊડીને આંખે વળગે તેટલી અસામાન્ય છે!

જમવાના સમયે એકલવીરે આંગળાં ચાટી ખાઈ જઈએ તેવાં સરસ મજાનાં શાક, ભાત અને દાળ બનાવ્યાં છે.  માત્ર રોટલી જ નજીકમાં રહેતી એમની દિકરી આપી ગઈ છે.

હવે તો ખબર પડીને એ એકલવીર કોણ છે?

આ જ સ્તો !

 

જામનગરમાં 'વિસામો' ખાતે રહેતા શ્રી. અરવિંદ અડાલજા

બારેક વર્ષ પહેલાં અવસાન પામેલ, વ્હાલસોયી પત્નીના વિરહને આ એકલવીરે જિરવી જાણ્યો છે. એક દિકરી પાસેથી રસોઈ બનાવતાં શિખ્યા છે; અને બીજી પાસેથી બ્લોગિંગ!

બીજા શિક્ષણનો ઉપયોગ એમણે નીડર રીતે, ક્રાન્તિકારી કહી શકાય તેવા, વિચારો  વ્યકત કરવામાં કર્યો છે – એમના આ બ્લોગમાં.

અરવિંદ અડાલજાનો બ્લોગ

અને એટલે જ એમને એકલવીર કહેવાનું આ બીજું કારણ છે. સમાજમાં ઘર કરી ગયેલાં કુરૂઢીઓ, ગેરશિસ્ત, ભ્રષ્ટાચાર, કથળી ગયેલાં મૂલ્યો પ્રત્યે આ એકલવીરને આક્રોશ છે. યુવાનીથી જ આંધળી અંધશ્રદ્ધા તરફ એમણે સૂગ કેળવી છે.  આંગળીના વેઢે ગણી શકાય તેટલા ગુજરાતી બ્લોગરો જ આ બાબતમાં જાગૃતિ પ્રસારવા કટિબદ્ધ છે.

એમના પોતાના શબ્દોમાં…

હું વાંચવાનો શોખ ધરાવું છું પરંતુ હું ,મેં કોઈ વેદ-ઊપનિષદ કે પુરાણો વાંચ્યા હોવાનો દાવો કરતો નથી. માત્ર મેં જે કોઈ પુસ્તકો વાંચ્યા છે અને મારાં ચિત્તમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયા તેના ઉપર વિચાર કરતા મને જે જવાબો મળ્યા તે જણાવ્યા છે એટ્લે મારાં વિચારો સાથે ઘણા સહમત ના પણ થઈ શકે તેમ બનવાની શક્યતાઓ રહેલી છે.ટુંકમાં હું કાંઠે ઉભી છબ છબીયા કરનારાથી વિશેષ નથી. મારું અલ્પ જ્ઞાન અન્યો સાથે શેર કરવાનો મારો નમ્ર પ્રયાસ છે.

ઉપરાંત હું કોઈ સાહિત્યકાર કે લેખક પણ નથી અને એટ્લે શક્ય છે કે મારો બ્લોગ વાચનારને કદાચ મારી ભાષા  અને શૈલી  તેમના જેવી -સાહિત્યકાર કે લેખક જેવી-સમૃધ્ધ ના પણ લાગે. આ તો એક સામાન્ય વાચકનો બલોગ છે અને તેના વિચારો પોતાની સરળ અને સાદી ભાષામાં રજૂ કરવાનો  પ્રયાસ માત્ર છે તે સતત યાદ રાખવા વિનંતિ છે.

એમની દિકરીને ચિત્રકળા માટે મોકળું મેદાન મળી રહે; તે શુભ આશયથી, પોતાના ફ્લેટના ભોંયતળિયે, સ્ટુડિયો માટે એક રૂમ અપાવ્યો છે. ચાર ઘર દૂર રહેતી એ દિકરી અને જમાઈના આગ્રહ છતાં; એકલવીર સ્વયંપાકનો આનંદ માણે છે.

 

દિકરીના સ્ટુડિયોમાં

એમની દિકરીએ પોતાના ઘરમાં કાચ પર આકારેલું ચિત્ર

સાંજે એમની સાથે બાળકોના ડો. મૌલિક શાહે યોજેલ ‘આંગણવાડી’ ની બહેનો માટેના અભિવાદન સમારંભમાં અમે બન્ને પહોચી જઈએ છીએ; અને ત્રણ ગુજરાતી બ્લોગરોનું સુભગ મિલન પણ યોજાઈ જાય છે ! પણ એની વાત તો ફરી કદીક.

 

ત્રણ બ્લોગરો

રાતના દસ વાગે એમના જમાઈ અને દિકરી સાથે એ મને બસ સ્ટેન્ડ પર મૂકવા આવે છે; ત્યારે એકમેક માટે અહોભાવ છતો થયા વિના રહેતો નથી. અમેરિકા પહોંચી ગયો હોવા છતાં, એમના ટૂંકા સહવાસની  સુવાસ  હજુ પણ એમની એમ મઘમઘતી છે.

જામનગરમાં ખીલેલું સદાબહાર કમળ એટલે –

અરવિંદ અડાલજા