સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: સત્યકથા

પાંચી

રશ્મિ સંપટ. ( મુંબઇ)

સત્યકથા આધારિત

કોઈ કારણસર હાઈવે ટ્રાફિક માટે બંધ હતો. ‘ડાયવર્ઝન’નું બોર્ડ મારેલું હતું. ડ્રાઇવરે ગાડી કાચા રસ્તે લીધી. રસ્તામાં ભરવાડ ઘેટાં-બકરા લઈને નીકળ્યો, સાંકડો રસ્તો ‌હોઈ ગાડી થોભાવવી પડી.

      માલવિકા મેડમની નજર નજીકના એક કાચા ગાર-માટીના ઘર પર પડી. એક યુવતી દિવાલ પર સુંદર મજાના મોર, પોપટ અને ફૂલવેલનું ચિતરામણ ગળીથી કરી રહી હતી. ચિતરામણ પૂરું થયું એટલે આંગણું સાફ કરી શાકભાજી વાવેલા તે ક્યારા સાફ કરવા લાગી.

    માલવિકા મેડમને તે છોકરી પોતાના એકનાએક, હાવર્ડ યુનિવર્સિટીમાંથી હમણાં જ એમબીએ થઈને આવેલા અને પિતાના ‘બિઝનેસ’માં લાગેલ યુવાન પુત્ર મૌલિક માટે ગમી ગઈ.  તેની પારખું નજરે જોયું કે આ છોકરી પાસા પાડ્યાં વગરનો હીરો છે.  રસ્તો ખાલી થતાં ડ્રાઈવરે ગાડી આગળ લીધી.  સાંજે કામ પતાવી પાછા ફરતાં પણ, તે ઘર આગળથી નીકળ્યા ત્યારે પણ તે છોકરી કંઈક ભરત ભરી રહી હતી અને લોકગીત ગાઈ રહી હતી.

   ઘરે આવીને તેમણે બધી વાત તેમના પુત્ર અને પતિને કરી. આપણા મૌલિક માટે મને તે છોકરી ગમી ગઈ છે. તે છોકરી આપણો બિઝનેસ અને ઘર બંને સંભાળી લેશે.

   બીજે દિવસે માલવિકા મેડમ તે છોકરી માટે પોતાના પુત્રનું માંગુ લઈને ગયા.  તેનું નામ પાંચી હતું. તે ગરીબ ખેતમજુરની દીકરી હતી અને ચાર ધોરણ જ ભણેલી હતી.  પાંચીના મા-બાપને થયું આટલા મોટા શેઠના એકનાએક દીકરાને તો છોકરીવાળા માથે પડે.  અમ ગરીબની ચાર ચોપડી ભણેલી પાંચી માટે સામું માગું લઈને આવ્યા છે.  દીકરીના મા-બાપ તરીકે ચિંતા થઈ.. કંઈ આડું અવળું તો નહીં હોયને?  માલવિકા મેડમે ધરપત આપી કે તમે અમારા વિશે તપાસ કરી લો પછી જવાબ આપજો.

     પાંચીના પિતાને કંઇ બનાવટ જેવું ન લાગ્યું. તેમણે આ સંબંધ માટે હા પાડી પણ શરત રાખી લગન તો મારા આંગણે મારી ત્રેવડ પ્રમાણે થશે. જાનમાં વીસ માણસો લઈને આવજો.  

     માલિકા મેડમે હા પાડી. દેશના અતિ ધનાઢ્યના દીકરાના લગ્ન એક ખેત મજુરની દીકરી સાથે તેના જ આંગણામાં સાવ સાદાઈથી થયાં.

   માલવિકા મેડમે પાંચીને ક્યારેય કોઈ જાતની રોકટોક ન કરી.  ત્રણ વર્ષમાં પાંચી એટલી તૈયાર થઈ ગઈ કે આજે ‘બોર્ડ ઓફ ડિરેક્ટર્સ’ની મિટિંગમાં ‘બિઝનેસ’ની, દેશ-વિદેશની ‘સ્ટ્રેટેજી’ વિશે, ભાવિ આયોજન, નવા પરિવર્તન, સરકારી નીતિનિયમો વિશે.. વિદેશી મહેમાનોની સામે જ્યારે પોતાની વાત વિદેશી ભાષામાં તથા ‘ફરાટેદાર’ અંગ્રેજીમાં કરી ત્યારે બધાએ ઊભા થઈને તાળીઓથી વધાવી. પાંચીમેડમની દૂરંદેશી અને કુનેહના ખૂબ વખાણ કર્યા.

  માલવિકા મેડમની પસંદગી માટે શેઠ અને મૌલિકને તો ક્યારેય કંઇ કહેવાપણું ન લાગ્યું.  રાત્રે ‘સેવનસ્ટાર હોટલ’ માં ‘ડિનર પાર્ટી’માં ચાંદીના ‘ડિનર સેટ’માં જમ્યા.  છુટા પડતી વખતે એક વિદેશી મહેમાને પાંચીના માતા-પિતાને મળવાની ઇચ્છા દર્શાવી. પાંચીએ કહ્યું: “ભલે, કાલે ચાર વાગ્યે જઇશું.”

   બીજે દિવસે પાંચીએ, તેમની માતાએ આપેલા સાવ સાદાં કપડાં પહેર્યાં, હાથમાં બંગડીઓ પહેરી, કપાળમાં મોટો ચાંદલો કર્યો.  ‘બી એમ ડબલ્યુ’ ગાડી ‘ડ્રાઇવ’ કરીને પોતાના પિતાના ઘરે વિદેશી મહેમાનને લઈ ગઈ.

    એક કાચા ઘર આગળ ગાડી ઉભી રહી.  પાંચીના માતા-પિતા વેવાઈને સામા આવ્યા, બે હાથ પકડી રામરામ કર્યા.  ખાટલો ઢાળી માથે ગોદડું પાથરી બેસાડ્યાં, ખબર-અંતર પૂછ્યાં.  એક ગરીબ ખેતમજૂર પાસે દુનિયાની કઈ વાત હોય?!   તે, ઉમળકાથી ખેતરની, પોતાની ગાયની, વાડામાં વાવેલ ચીભડાં વગેરેની વાતો કરી.  એક ‘એલ્યુમિનીયમ’ની કિટલીમાં ચા લાવી હાથમાં રકાબી આપી તેમાં ચા રેડી.  લીંબુના પાંદડાં અને લીલી ચા ઉકાળીને ચા  બનાવેલ.  ગાયતો વસુકી ગયેલ હોઈ, દૂધતો ઘરમાં ક્યાંથી હોય?

વાતો કરતાં હતાં ત્યાં ગાય સુરાવા મંડી.  ગાય વિંયાણી.  પાંચીએ કછોટો વાળ્યો અને ગાયને દોહી. બાજરાની ઘઉંરી ખવડાવી.  ઓર ઉકરડે નાંખી આવી.  ગમાણ સાફ કરી.  ગાયને ધુમાળી કરી પછી પોતે નાહીધોઇને તૈયાર થઈ ગઈ.  મહેમાન તો જોતાં જ રહી ગયા.  તેને થયું ક્યાં કાલની પાંચી મેડમ અને કયા આજની!   તેમને અહીં કશો નવો જ આધ્યાત્મિક અહેસાસ થતો હતો.  તેમને પોતાના વૈભવ  સુખ વામણા લાગવા મંડ્યા.

  પાંચીના પિતાએ કહ્યું, “વાળુંનો ટેમ થઈ ગયો છે તો વાળું કરીને જજો.”   કોઈ કાંઈ બોલે તે પહેલાં જ મહેમાને કહ્યું, “હા… હા.. જમીને જઈશું.”  જમવામાં બાજરીના રોટલા, તુરિયાનું શાક અને ડુંગળી જ હતાં.

  જમીન ઉપર બેસીને પતરાવળીમાં જમ્યાં.  મહેમાને જમવાનો આવો અમૃતનો સ્વાદ તેની જિંદગીમાં ક્યારેય નો’તો ચાખ્યો.  જવા સમયે પાંચીના પિતાએ મહેમાન અને વેવાઈને ‘ધડકી’ ભેટ આપી.  પાંચીને ફાળિયાના છેડેથી 10ની નોટ કાઢીને આપી.

વિદેશી મહેમાને પાંચીના નાના ભાઈને બે હજારની પાંચ ‘નોટ’ કાઢીને મોકલાણી આપવા ગયા તો પાંચીના પિતા કહે: “દીકરીના ઘરનું ન લેવાય, અમારામાં અગરજ હોય.”   ત્યારે વિદેશી મહેમાનને થયું.. સાચા શ્રીમંત તો આ લોકો છે. જ્યારે મારા વેવાઈને ૫૦૦ કરોડની સહાય કરી, બેન્કમાંથી ૩૦૦ કરોડની ‘લોન’ મારી શાખે અપાવી દીધી તોય વેવાઈને વાકું પડ્યું. જ્યારે અહીં દીકરીના ઘરનું અગરજ હોય.

   એક વિદેશી મહેમાન જે અરબપતિ હતો તે, જતી વખતે, એક સાવ ગરીબ ખેતમજુર એવા પાંચીના પિતાને ભેટીને રડી પડ્યાં અને બોલ્યા: “સાચા સુખી તો તમે જ છો.”

ઉત્તર કોરિયાનો ખિસ્સાકાતરૂ

ઉત્તર કોરિયાના પાટનગર પ્યોન્ગ્યાન્ગમાં પોલિસ ઓફિસરના પુત્ર તરીકે ૧૯૯૨માં જન્મેલો સુન્ગજુ  લી આઠ વર્ષનો હતો ત્યારે, ત્રણ બેડરૂમના એપાર્ટમેન્ટમાં  બહુ જ લાડકોડમાં ઉછરી રહ્યો હતો. ટીવી પરથી સતત પ્રચાર થઈ રહેલા દેશભક્તિ અને મુડીવાદને ધિક્કારતા સમાચારો અને માનાસિક ધોવાણની જેહાદથી( Brain washing)દોરવાઈ, તે જાપાન અને અમેરિકા જેવા મુડીવાદી દેશથી પોતાના દેશનું રક્ષણ કરવા અને પોતાના બાપની જેમ લશ્કરમાં જોડાઈ,  સેનાપતિ બનવાના સપનાં સેવી રહ્યો હતો.  શક્તિશાળી બનવા તે  ‘ટાય-કોન-ડો’ના ક્લાસમાં માર્શલ આર્ટની તાલીમ પણ લઈ રહ્યો હતો.  પ્યોન્ગ્યાન્ગના ફન પાર્કમાં કોઈ પણ સુખી શહેરી બાળક માણે, તેવી મજા માણવા તેનાં માબાપ તેને લઈ જતાં હતાં. કેટકેટલી વાર તેણે રોલર કોસ્ટરમાં સહેલ માણી હતી! પણ તે વખતે બિચારા, નાનકડા સુન્ગજુને ક્યાં ખબર હતી કે, તેની જિંદગીનો એક ભયાનક રોલર કોસ્ટર તેની રાહ જોઈ રહ્યો હતો ?  

    ૧૯૯૪માં ઉત્તર કોરિયાના તારણહાર મનાતા પ્રેસિડેન્ટ કિમ ઈલ સુન્ગના અવસાન બાદ, અણઘડ વહિવટના કારણે, આખા દેશનું ભવિષ્ય ધીમે ધીમે, ઊંડા અને ઊંડા ખાડામાં સરકી રહ્યું  હતું. નવ વર્ષની ઉમરે તેના માબાપ વેકેશનમાં જવાનું છે, તેવું બહાનું બતાવી, થોડોક સામાન લઈ દેશના ઉત્તર ભાગના સાવ છેવાડાના ગ્યોન્ગ સ્યોન્ગ ગામમાં  હિજરત કરીને તેને લઈ ગયા. એ નાના બાળકને તો તેમણે ગંધ પણ આવવા ના દીધી કે, પોલિસ ખાતાના આંતરિક રાજકારણના કારણે તેના બાપની બદલી દૂરના અને કોઈ અગત્ય વિનાના સ્થળે થઈ ગઈ હતી. ગંદી ગોબરી ટ્રેનમાં મુસાફરી કરતાં, અને ટ્રેનથી પણ વધારે ગંદા અને સાવ નાનકડા શહેરમાં જતાં તેને આશ્ચર્ય તો  થયું જ કે, વેકેશન કાંઈ આવું તે હોય? પણ તેને બાપમાં બહુ વિશ્વાસ હતો, એટલે તે ચૂપચાપ બેસી રહ્યો. એક જ ઓરડાના, કોઈ આધુનિક સગવડ વિનાના  અને ઉબડ ખાબડ મકાનને તે શી રીતે  પોતાનું ઘર માની શકે? એના જીવનમાં આવનાર ઘોર વિનિપાતની આ તો શરૂઆત જ હતી.

     થોડાક દિવસ બાદ સાવ ગામઠી અને શહેરી સવલતો વિનાની શાળામાં તેને દાખલ કરવામાં આવ્યો;  ત્યારે પાટનગરમાંથી આવેલો હોવાના કારણે તેને શિક્ષકે સીધો મોનિટર બનાવી દીધો! આના કારણે તેને સાથી વિદ્યાર્થીઓની ઈર્ષ્યા અને રેગિંગનો ભોગ પણ બનવું પડ્યું. પણ એને કુદરતી રીતે જ સ્વરક્ષણ કરવાની કુશળતા આવડી ગઈ! તેને હવે સમજાવા લાગ્યું હતું કે, આ જ તેની નિયતિ છે.

     એક દિવસ તો સાવ નાની ચોરી માટે પકડાયેલ એક પુરૂષ અને અને દેશ છોડી જતાં પકડાયેલી એક સ્ત્રીને જાહેરમાં ફાંસી આપવાનો તાયફો જોવા શાળાના બધા વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા. વાંસડા સાથે બાંધી રાખેલા આ બે જણની ગોળીબારથી હત્યા કરવાનું લોહિયાળ દૃષ્ય તેને કમકમાટી સાથે જોવું પડ્યું.

       દેશમાં ચાલી રહેલા દારૂણ દુષ્કાળના કારણે તેના બાપની આછી પાતળી નોકરીમાંથી જીવન નિર્વાહ ચલાવવાનું કપરું બનતું ગયું અને તેમણે બચાવેલી મુડી બહુ ઝડપથી ખતમ થવા લાગી. અંતે બાપની સાથે બાજુના જંગલમાંથી શિકાર કરીને ખોરાક મેળવી લેવામાં તેનો ઘણો સમય જવા માંડ્યો. બીજા સાથીઓની જેમ નિશાળે જવાનું તો બંધ જ થઈ ગયું હતું. આ પરિસ્થિતિનો અંત આણવા તેનો બાપ ચીન ભાગી ગયો. મહિનો એક માંડ વિત્યો હશે અને તેની મા પણ તેની પિત્રાઈ બહેનને મળવાનું બહાનું કાઢીને તેને સાવ નિરાધાર છોડીને ચાલી ગઈ. સુન્ગજુ માટે આ બહુ જ મોટો આઘાત હતો. તેને માબાપની આ વર્તણૂંક બેજવાબદાર લાગી. ઘણાં વર્ષ સુધી તેને આમ સાવ એકલો છોડી દેવા માટે તે તેમને માફ ન કરી શક્યો. પણ આ તો તેની આવનાર આપત્તિઓની માત્ર શરૂઆત જ હતી.

      માત્ર ૧૧ વર્ષની ઉમરે સુન્ગજુ લી એકલો, નિરાધાર અને અસહાય બની ગયો. રડી રડીને આંસું પણ સૂકાઈ ગયાં.  ખાવા માટે વલખાં મારતાં તેને ભીખ પણ માંગવી પડી. પણ મોટા ભાગની પ્રજા અભાવમાં જીવતી હોય, ત્યાં ભીખ પણ કોણ આપે? છેવટે જીવન ટકાવી રાખવાના અનેક દારૂણ સંઘર્ષો બાદ, રસ્તે રઝળતા અન્ય કિશોરોની જેમ તે પણ ખિસ્સાકાતરૂ બની ગયો. પ્યોન્ગ્યાન્ગમાં લીધેલી ‘ટાય-કોન-ડો’ની તાલીમ આ કપરા કાળમાં તેને કામ આવી ગઈ.

       થોડાએક મહિના બાદ, તેણે શાળાના જૂના  પાંચ મિત્રો સાથે પોતાની એક ખિસ્સાકાતરૂ  ગેન્ગ બનાવી દીધી! બજારના વેપારીઓ અને બાજુના ગામડાંઓમાંથી વેચવા આવતી બાઈઓ પાસેથી શી સિફતથી મતા સેરવી લેવી, તે કળામાં આ સૌ માહેર બની ગયા. પોતાના આ મિત્રો માટે ભાઈ જેવી લાગણી હજુ સુન્ગજુ ના દિલમાં મોજૂદ છે.

ઉત્તર કોરિયાનાં રઝળતાં ફૂલ

     પણ થોડાક જ મહિના બાદ વેપારીઓ આ તસ્કર વિદ્યા માટે તેમને ઓળખતા થઈ ગયા. તેમનું કામ વધારે ને વધારે મુશ્કેલ બનતું ગયું. આથી છ યે જણ ટ્રેનમાં ખુદાબક્ષ મુસાફરી કરી, બીજા શહેરમાં પહોંચી ગયા. પણ ત્યાં તો  તેમના કરતાં ઉમરમાં મોટા અને બળવાન યુવાનો સાથે તેમને હરીફાઈમાં ઉતરવાનું હતું. એ મુઠભેડમાં તેનો એક જિગરી દોસ્ત સખત માર ખાઈને મરણતોલ હાલતમાં બેભાન બની ગયો. એની ચાકરી તો સૌએ કરી, પણ તેને તેઓ બચાવી ન શક્યા. સ્વજનના  મોતના આટલી નજીકથી દર્શને એ સૌના સીના અને મગજમાં શૂન્યાવકાશ પેદા કરી દીધું. 

       આવા કારમા અનુભવ પછી આખી ગેન્ગ ત્રીજા શહેરમાં પહોંચી ગઈ.  આમ તેમણે ચાર વખત શિકારની જગ્યાઓ બદલી!  એક શહેરમાં તો એક સરકારી ખેતરમાંથી બટાકા ચોરવા માટે  તેમનો એક બીજો સાથી પણ ચોકીદારોનો માર ખાવાને કારણે મૃત્યુ પામ્યો. આખી ગેન્ગ માટે સગો ભાઈ મરી ગયો હોય, તેવો આ બીજો આઘાત હતો. આ દુઃખને ભુલવા સુન્ગજુ અફીણના રવાડે ચઢી ગયો. એ પહેલાં બધા ભુખ અને હાડમારીનું દુઃખ ભુલવા ચોખામાંથી બનાવેલો દેશી દારૂ પીતા તો થઈ જ ગયા હતા. એમનો એક સાથી વેશ્યાવૃત્તિ કરાવતી મેડમના આડતિયા (pimp) તરીકે પણ સારું મહેનતાણું મેળવી લેતો હતો.

     એક શહેરમાં તો સુન્ગજુ તેના બીજા એક સાથી સાથે ચોરી કરતાં પકડાયો પણ ખરો અને જેલ ભેગો થઈ ગયો. આશ્ચર્યની વાત તો એ છે કે, જેલમાંથી જ પોલિસ રક્ષણ હેઠળ બધા તસ્કરોને શહેરમાં લઈ જવામાં આવતા. તેમની કાળી કમાણીમાંથી જેલના સ્ટાફને દારૂની જ્યાફત માટે નાણાં મળી જતાં! શિયાળાની ભીષણ ઠંડીમાં કોઈક બળિયા ઓઢવાના આછા પાતળા રગ પચાવી પાડતા અને બીજા નિર્બળ અને નાના કિશોરો એકમેકને વળગી, ટૂંટિયું વાળી ટાઢ ખાળવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા. એ જેલમાં  પકડાયેલી છોકરીઓ જ નહીં પણ છોકરાઓનું પણ દરરોજ  જાતીય શોષણ થતું રહેતું. હૃદયની જગ્યાએ પથરો હોય તેવો લાગણીશૂન્ય સુન્ગજુ બની ગયો. જેલની નર્કથી પણ બદતર જિંદગીનો આ અનુભવ સુન્ગજુ કદી ભુલી શકતો નથી. ઘણી વાર રાતે એ કારમા દોજખનાં  ભયાનક સપનાંથી તે હજુ પણ જાગી જાય છે.

    છેવટે દોજખ જેવી એ જેલમાંથી બારી તોડીને બન્ને મિત્રો એક રાતે ભાગી છૂટ્યા. બાકી રહેલા મિત્રો સાથે સુન્ગજુ ગ્યોન્ગસ્યોન્ગ પાછો ફર્યો. હવે તો એ બધા રીઢા ચોર બની ગયા હતા. ઉમર વધવા સાથે અને ઉઠાવેલી યાતનાઓના પ્રતાપે તેમની શારીરિક તાકાત પણ વધી હતી. હવે એક નવો ધંધો તેમને મળી ગયો. વેપારીઓ જ પોતાના માલ અને મતાના રક્ષણ માટે અને બીજી ગેન્ગોથી રક્ષણ મેળવવા આ ચારની સેવા લેવા માંડ્યા!

    એક બે વર્ષ જ જો આમ વિત્યા હોત તો, સુન્ગજુ અંધારી આલમનો ડોન બની ગયો હોત. પણ તેના સદનસીબે એક દિવસ એક વૃદ્ધ માણસને આછું પાતળું લાગ્યું કે, સુન્ગજુ તેનો ખોવાયેલો પૌત્ર છે. તે તેની પાસે આવ્યો અને તેને પોતાને ઘેર આવવા કહ્યું. તેણે તેનું નામ સુન્ગજુ છે, એમ કહીને પણ ઓળખાણ તાજી કરવા કોશિશ કરી.  કોઈનો પણ વિશ્વાસ  નહીં રાખવાની સૂઝ છતાં, આ સજ્જનને ઘેર ચોરી કરી, રાતે ભાગી જવાના ઇરાદાથી તેણે સાથે જવા કબૂલ્યું,

   તે વૃદ્ધના વાડી સાથેના મોટા મકાનમાં ચાર વર્ષ બાદ સુન્ગજુએ પોતાના માબાપનો ફોટો જોયો અને ચોધાર આંસુએ રડી પડ્યો. દાદા-દાદીને ભેટતાં તેને કૌટુમ્બિક પ્રેમની ફરીથી અનુભૂતિ થવા લાગી. દાદા દાદી ઠીક ઠીક સમૃદ્ધ હતાં. એમની પાસે શાકભાજીની વાડી અને થોડાંક ઘેટાં બકરાં પણ હતાં.  દાદી પાસે તેનું ભણતર પણ શરૂ થવા લાગ્યું. તેનું ખોવાયેલું બાળપણ ધીમે ધીમે તેને પાછું મળવા લાગ્યું. આમ છતાં તે તેના ભાઈ જેવા સાથીઓને ભુલી ગયો ન હતો. દર રવિવારે દાદીએ બાંધી આપેલા ભોજનના મોટા પેકેટ સાથે તે ગ્યોન્ગસ્યોન્ગ જતો અને આખો દિવસ તેમની સાથે મજા માણી દાદાના ઘેર પાછો ફરતો.

      એક  રાતે એક સાવ અજાણ્યા માણસે તેમના ઘરનું બારણું ખટખટાવ્યું. અંદર આવીને તેણે દાદાને એક પત્ર બતાવ્યો, જેમાં સુન્ગજુ ના બાપે આ માણસની ઓળખાણ આપી હતી અને સુન્ગજુને તેની સાથે મોકલવા કહ્યું હતું. સાથે પોતાની ઓળખનું એક ચિહ્ન પણ તેને આપેલું હતું. તે માણસને  સુન્ગજુને કોરિયાની સીમા ચોરી છૂપીથી ઓળંગી ચીનમાં ઘુસાડવાનું કામ સોંપાયું હતું. 

   સુન્ગજુ દાદા દાદીનો પ્રેમ સભર આશરો છોડી સાવ અજાણ્યા ભવિષ્યમાં શગ માંડવા લગીરે તૈયાર ન હતો. પણ એક વાર બાપને મળી તેની સાથે ઝગડો કરવાની તેની આકાંક્ષા સતેજ થઈ ગઈ. છેવટે બહુ આક્રંદ સાથે સુન્ગજુએ દાદા દાદીનું ઘર છોડ્યું. અનેક આફતો અને ભયના ઓથાર વચ્ચે ૧૬ વર્ષનો સુન્ગજુ બોર્ડરની પેલે પાર આવેલા ચીનના એક નાના શહેરમાં પહોંચી ગયો. ત્યાં એક બીજા માણસના ઘેર તેને આશરો મળ્યો. તે માણસે તેને બનાવટી પાસપોર્ટ અને વિસા આપ્યા અને સ્થાનિક એરપોર્ટ પરથી વિમાનમાં ચઢાવી દીધો. માલગાડીમાં ખુદાબક્ષ કરી ભટકતા રહેલા સુન્ગજુ માટે આ પહેલી વિમાની સફર હતી.

      વિમાને જ્યારે ઊતરાણ કર્યું ત્યારે બધા થોડીક જુદી લહેકની પણ કોરિયન ભાષા જ બોલતા હતા, તેથી તેને આશ્ચર્ય તો થયું જ. પણ તેને ક્યાં ખબર હતી કે, તે દક્ષિણ કોરિયાના પાટનગર સેઉલમાં પહોંચી ગયો છે? ત્યાં પણ ઇમિગ્રેશન વખતે ખોટા પાસપોર્ટ માટે તે પકડાઈ ગયો. એક કોટડીમાં પૂરાયેલા સુન્ગજુના રોમે રોમમાં ભયનું લખલખું ફરી વળ્યું. ‘હવે તો તેને સીધો પ્યોન્ગ્યાન્ગ જ ડિપોર્ટ કરશે અને ગોળીબારથી વીંધીને ફાંસી આપવામાં આવશે.’ – આ ભયનો ઓથાર સહી ન શકાય તેવો ભયાવહ હતો.  પણ તેના બાપે લાંચ આપેલી હોવાના કારણે ઇમિગ્રેશનના વડાની ઓફિસમાં તેને લઈ જવામાં આવ્યો. અને ત્યાં? હાજર રહેલા પોતાના બાપુને તે ઓળખી ગયો. તેમને મળતાંની સાથે જ ઝગડો કરવાનો સુન્ગજુ નો ઈરાદો ક્યાંય ખોવાઈ ગયો. તે બાપને ચોધાર આંસુઓ સાથે ભેટી પડ્યો.

    પછી તો સુન્ગજુના જીવનની કેડી સાવ જ બદલાઈ ગઈ. સ્વતંત્રતાની હવાની લહેરખીમાં તેનું કલેવર બદલાવા માંડ્યું. એ હવામાં એના બધા કુટિલ સંસ્કાર ઓગળવા લાગ્યા. પણ ઉત્તર કોરિયાના ઉત્તર ભાગના નાના નાના શહેરોમાં સબડી રહેલા બાંધવો અને તેમના જેવા દુર્ભાગી, રખડેલ મવાલીઓ અને ખિસ્સાકાતરૂ  માટે તેના દિલમાં અનહદ પ્રેમનો આતશ હજુ ઓલવાયો નથી. ઉલટાનું ભણતરના સંસ્કારથી એમની યાતના શી રીતે દૂર થઈ શકે? – તેના ખ્યાલ જ તેના મનમાં ઘોળાતા રહે છે.

      તેની માતાને શોધી કાઢવા તેના બાપે અનહદ પ્રયાસો કર્યા પણ તેનો કશો પતો હજુ સુધી લાગ્યો નથી. પરંતુ એ શોધમાં ઉત્તર કોરિયા અને ચીનમાં તેની મા જેવી ઘણી દુર્ભાગી મહિલાઓને સુન્ગજુના બાપે ગાંઠનું ગોપિચંદન કરી, દોજખ જેવી જિંદગીમાંથી છોડાવી છે અને  દક્ષિણ કોરિયામાં સ્થાયી અને સુખી કરી છે.   

સેઉલમાં સુન્ગજુ લી

૨૭ વર્ષની ઉમરે દક્ષિણ કોરિયાના પાટનગર સેઉલમાંથી માસ્ટરની ડીગ્રી મેળવી, તે અત્યારે અમેરિકાના વોશિંગ્ટન ડી.સી. માં પી.એચ. ડી. મેળવવા માટે  ભણી રહ્યો છે.  તેણે કેનેડાના HanVoice Pioneers Project માં પણ ‘તેના દુર્ભાગી ભાંડવો જેવા અનેકને માટે નવી આશા શી રીતે ઊભી કરી શકાય?’- તે માટેના પ્રયાસોમાં મદદ કરી છે. એ પ્રોજેક્ટના ભાગ રૂપે તેણે વિશ્વના બે ત્રણ અત્યંત વિકસિત દેશોમાં, ઉત્તર કોરિયાની વાસ્તવિક પરિસ્થિતિ વિશે વ્યાખ્યાનો પણ આપ્યાં છે.

      ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા વિરોધાભાસ વાળા બે કોરિયા ફરીથી જોડાઈ એક દેશ બને – તે સુન્ગજુ નું સ્વપ્ન છે. તેનું બીજું સ્વપ્ન છે – તેના અભાગી ખિસ્સાકાતરૂ  ભાઈઓને મળવાનું અને તેમને પણ સ્વતંત્રતા અને ઊજળા ભાવિનો અહેસાસ કરાવવાનું.

    આપણા માનસને જકડી રાખતી અને વિચારતા કરી દે તેવી સુન્ગજુ લીની આસમાની સુલતાનીની – એના રોલર કોસ્ટર જેવા જીવનની વ્યથા–કથા વાંચવા મળી અને ગુજરાતી વાચકો સમક્ષ એને ટૂંકમાં રજુ કર્યા વિના રહી શકતો નથી. આ લેખ તો એક નાનીશી ઝાંખી જ છે. પણ તેની જિંદગીના ઉતાર ચઢાવને પૂરી રીતે સમજવા , તેની આ આત્મકથા ‘Every falling star’  વાંચવી જ રહી .

સંદર્ભ –

સુન્ગજુ લી ની ફેસબુક વોલ –

https://www.facebook.com/sungju.andrew.lee

http://www.koreatimes.co.kr/www/nation/2017/06/103_231348.html

https://www.bbc.com/news/magazine-37914493

એક મંદિરની શોધમાં – ભાગ-૨

આટલા મોટા તળાવમાં કયા કિનારે ઊતરવું? પણ ભોમિયો હોંશિયાર હતો.  તેણે કહ્યું – ” જો કોઈ મોટી જગ્યા હશે તો તેના લોકોએ તળાવમાંથી પાણી ત્યાં સુધી લઈ જવાની નીક કે નહેર બનાવી હશે.” મુહોતને આ વાત ઠીક લાગી. આથી તળાવની ઉત્તર દિશાના છેડે પહોંચી, આવી કોઈ નહેરની તપાસ શરુ કરી. ભાગ્યવશાત્ આવી એક સાંકડી નહેર મળી આવી પણ ખરી. તેમાં બન્ને કનો હંકારી. માંડ એક કનો જાય તેટલી જ પહોળાઈ હતી. કો’ક ઠેકાણે તો તે કચરાથી પૂરાઈ ગયેલી પણ હતી. ત્યાં તો ચાલીને કનો ખેંચવી પણ પડી. ઘણે ઠેકાણે બે ય કાંઠાં પરનાં ઝાંખરાં ભેગાં થઈ ગયા હતાં. તે કાપવા પણ પડ્યાં.

થોડેક આગળ ગયા અને નહેર તો પૂરી થઈ ગઈ. ત્યાંથી જ પત્થરથી લાદેલો દસેક ફૂટ પહોળો રસ્તો શરુ થતો હતો. ચારે જણ ઉત્સાહમાં નાચી ઉઠ્યા. પણ એ આનંદ ક્ષણજીવી જ નિવડ્યો. રસ્તાની બન્ને બાજુથી દુર્ગમ ઝાડીઓ કેલાઈ ગયેલી હતી.એ ઝાડીઓ કાપતાં કાપતાં ચારેક કલાક પછી સાંજના સમયે તે લોકો એક મોટા દરવાજાની સામે આવી પહોંચ્યા.

મુસાફરી શરુ કર્યે એક મહિનો થઈ ગયો હતો. પણ આ શોધે તેમનામાં નવી આશાનો સંચાર કર્યો. દરવાજાની બન્ને બાજુ એક ખાસી મોટી માનવસર્જિત ખાઈ હતી. ૨૦૦ વાર પહોળી તે ખાઈ બન્ને તરફ એક માઈલ સુધી વિસ્તરેલી હતી. પણ તેમને તો દરવાજાની અંદર શું છે? – તે જોવામાં વધારે રસ હતો. ખાઈ ઓળંગીને બધા આગળ વધ્યા, હવે રસ્તો વધારે વ્યવસ્થિત હતો, થોડે આગળ જતાં એક અદ્ભુત દ્રશ્ય નજરે પડ્યું. ત્રણ ઊંચા શિખરો વાળા અને અત્યંત ઊંચી દિવાલોથી ઘેરાયેલા એક ભવ્ય મંદિરની સામે તેઓ આવી પહોંચ્યા હતા. બહારની દિવાલો પર જાતજાતના શિલ્પ કોતરેલા હતા.  દિવાલ પર થોડે ઉપર નૃત્યાંગનાઓનાં સુમધુર શિલ્પો દેખાતાં હતા. મંદિરનો દરવાજો ઓળંગી તેઓ અંદર પેઠા.

જગતના સૌથી મોટા મંદિરમાં પાંચસો વર્ષ પછી કોઈ માનવે પગ મૂક્યો હતો. આ અંગકોરવાટનુંમહાનમંદિર હતું.  બધા ઉત્સાહમાં નાચી ઊઠ્યા. એક મહિનાની મહેનત અને મુશ્કેલીઓ સફળ નિવડી હતી. કમ્બોડિયાના ‘ તોન્લે સેપ ‘ તળાવની નજીક આવેલા આ મહાન મંદિરને ભૂતકાળની કરાળ કંદરામાંથી તેમણે બહાર આણ્યું હતું.

અર્વાચીન યુગની સાત અજાયબીઓમાંની એક અને ભારતના ભવ્ય ભુતકાળને ઉજાગર કરતા, આ મંદિર બાંધવાની શરૂઆત રાજા સૂર્યવર્મન બીજાએ કરી હતી. ‘અંગકોર વાટ ‘ના મંદિર માટે વધુ માહિતી અહીં –

https://en.wikipedia.org/wiki/Angkor_Wat

જગ્યાનું વિગતે અવલોકન કરતાં તેમને આ મંદિરની ભવ્યતાનો ખ્યાલ આવ્યો. ફૂટબોલના નવ મેદાન થાય તેટલી મોટી જગ્યામાં આ મંદિર બનાવેલું હતું. ચારે બાજુ એક એક માઈલ લાંબી દિવાલો હતી અને તેની બહાર ચારે બાજુ ખાઈ. મંદિરની દિવાલો પર ઘણાં બધાં લખાણો કોતરેલાં હતાં. મોટા ભાગનાં લખાણો સંસ્કૃત ભાષામાં હતાં. જો કે, કોઈને પણ એ ભાષા આવડતી ન હતી. મુખ્ય ભાગમાં હિન્દુ દેવતાઓની મોટી મૂર્તિઓ હતી. ક્યાંક ક્યાંક તો મૂર્તિઓ પર સોનાના અવશેશો પણ દેખાતા હતા. વચ્ચે એક રાજાની મૂર્તિ પણ સ્થાપેલી હતી. કદાચ તે પણ દેવોની જેમ પૂજાતી હશે તેમ લાગ્યું.

કોઈ પણ ગ્રીક કે રોમન સ્થાપત્યને ઝાંખું પાડી દે તેટલી તેની ભવ્યતા હતી. બુદ્ધ સાધુઓ પણ આ જગ્યાનો સાધના અને પૂજા માટે તેનો ઉપયોગ કરતા હશે, તેમ જણાયું. મદિરની પાછળની બાજુએ બીજો વધુ મોટો દરવાજો હતો; અને તેમાંથી આગળ વધારે મોટો રસ્તો જતો હતો. હજુ તેમને માટે વધારે રહસ્યો ખૂલવાનાં બાકી હતાં!

તેમણે ફરી આગળ પ્રયાણ શરુ કર્યું. હવે આગળનો રસ્તો એટલો કઠણ ન હતો કારણકે, મંદિરમાંથી પાછળની બાજુનો દરવાજો અને આગળ જતો રસ્તો, બન્ને ઘણા મોટા હતા.  રસ્તો પણ રાજમાર્ગ જેવો લાગતો હતો. આ રસ્તા ઉપર પણ ઝાડીઓ તો છવાયેલી જ હતી. બે જ માઈલ ચાલ્યા બાદ તેઓ એક બીજા મોટા દરવાજાની સામે આવી પહોંચ્યા. દરવાજાની બન્ને બાજુ એક કિલ્લાની મસ મોટી દિવાલ હતી. તેની અંદર એક મોટું શહેર, અતીતના ગર્ભમાં લપાઈને ઘોરતું હતું. તેની આ કુમ્ભકર્ણ નિદ્રાનો પ્રકૃતિએ પૂરો લાભ ઊઠાવ્યો હતો. અહીં સંસ્કૃતિ ઉપર પ્રકૃતિએ આક્રમણ કર્યું હતું!  વિષુવવૃત્તીય આબોહવાથી વકરેલી વનસ્પતિ સૃષ્ટ્રિએ માનવ ગેરહાજરીનો પૂરો લાભ ઉઠાવ્યો હતો!

ખ્મેર પ્રજાનું આ  ‘ અંગકોરથોમ ‘ શહેર હતું.  ૪૦ ચોરસ માઈલ વિસ્તારમાં ફેલાયેલું આ શહેર, કદાચ તેના સમયગાળાના વિશ્વમાં સૌથી મોટા શહેરોમાંનું એક હતું.  પણ સર્વનાશની સુનામી તેની ઉપર મન મૂકીને ફરી વળેલી હતી. ચારે બાજુ ખંડેરોના ઢગના ઢગ ખડકાયેલા હતા. સેંકડોની સંખ્યામાં મંદિરો, મોટા મહાલયો, અને હજારો નાનાં મોટાં ઘરો – આ બધાંની ઉપર સર્વનાશનું ઘોડાપૂર ફરી વળેલું હતું. પાંચસો વર્ષ સુધી વનરાજી આ બધા ઉપર વકરી અને વિફરી હતી. મકાનોની આખી ને આખી દિવાલો મદમસ્ત વૃક્ષોએ પાડી નાંખી હતી. મસ મોટાં વૃક્ષો ઘરોની છતને તોડી ફોડીને ઉપર વિલસી રહ્યાં હતાં.  અનેક તૂટેલાં શિલ્પો કકડા થઈને બાજુમાં પડ્યાં હતાં.

અહીં પણ, ધોળે દહાડે વાઘોની ત્રાડો અને જંગલી હાથીઓની ચિંઘાડો તો સંભળાતાં જ હતાં. સ્તબ્ધ બનેલી આ ટુકડી હવે પાછી વળી. ગણતરીના દિવસોમાં જ બધા ગામમાં સહીસલામત પાછા આવી ગયા. ગરીબડી પ્રજાએ તેના ગજા પ્રમાણે મુહોત અને પીટરનું સન્માન કર્યું. મુહોત નોમ પેન્હ પાછો ફર્યો. ત્યાંની ફ્રેન્ચ સરકાર પણ આ શોધને આગળ ધપાવે તેવી સક્ષમ કે દૂરંદેશી વાળી ન હતી. તેમની નજર તો વ્યાપાર, ધર્મ અને શાસનના પ્રસારથી વધારે આગળ જોઈ શકે તેમ ન હતી.

થોડા સમય બાદ મુહોત વતન જવા પાછો ઉપડ્યો. તેણે લાઓસમાંથી પસાર થઈને બર્મા જવાનું હતું. પણ લાઓસના જંગલોમાં જ તેનું મેલેરિયાના કારણે મૃત્યુ થયું. સદ્ ભાગ્યે તેનો સામાન તેના સાથીદારોએ સ્થાનિક ફ્રેન્ચ હકૂમતને સુપ્રત કર્યો. છેવટે તેનો બધો સામાન ૧૮૬૧ ની સાલમાં પારિસ પાછો ફર્યો. તેની નોંધપોથીઓ પરથી આ બધી ઘટના પ્રકાશમાં આવી.

ત્રણ જ વર્ષમાં આ નોંધપોથીઓ ફ્રાન્સ અને બ્રિટિશ જર્નલોમાં છપાઈ. ત્યારે પશ્ચિમના જગતને આ ભૂલાયેલા મહાન સ્થાપત્યોની જાણ થઈ. ફ્રેન્ચ સરકાર સફાળી જાગી ઊઠી. આ સ્થળના સંશોધન અને વિકાસ માટે યોજનાઓ ઘડાઈ, અને અમલમાં મૂકાઈ. સો વર્ષ કામ ચાલ્યું અને પુરાણા સ્થાપત્ય અને ઈ્તિહાસના મહાન વારસા તરીકે, બન્ને સ્થળોનો થઈ શકે તેટલો સર્વાંગ વિકાસ કરવામાં આવ્યો.

આજની તારીખમાં ‘અંગકોર વાટ’ અને ‘અંગકોર થોમ‘ કમ્પુચી (કમ્બોડીયા) ના સૌથી વિશિષ્ઠ સહેલાણી ધામો બની ગયાં છે અને અબજો ડોલરની કમાણી કમ્બોડિયાને કરાવે છે.

ફ્રેન્ચ અને ડચ વિદ્વાનોએ દક્ષિણ ભારતના તજજ્ઞોની મદદથી, પ્રાપ્ત બધાં લખાણોનો અભ્યાસ કરી, અંગકોરના સામ્રાજ્યનો વિગતવાર ઈતિહાસ ખંખોળી નાંખ્યો છે ; અને તેને તવારીખવાર સંશોધિત કર્યો છે. ટૂંકમાં તેની વિગત નીચે પ્રમાણે છે –

.પુર્વે૮૦૦  –  ભારતના વેપારીઓ અને સાગર ખેડૂઓએ ત્યાંની આદિવાસી પ્રજાને હિન્દુ ધર્મ આપ્યો.

.૮૫૦ – ખ્મેર રાજા જયવર્મન બીજાએ ૫૦ વર્શ રાજ્ય કરી અંગકોરના સામ્રાજ્ય અને રાજવંશની સ્થાપના કરી. તેણે પોતાની જાતને ખ્મેર પ્રજાના રાજા અને ઈશ્વરના અવતાર તરીકે સ્થાપિત કરી. તેના વંશજોએ અંગકોરમાં ૬૦૦ વર્ષ રાજ્ય કર્યું.

.૮૯૯ – તેના પુત્ર યશોવર્મને ‘અંગકોર થોમ‘ શહેર બનાવવાની શરુઆત કરી.

.૧૦૦૦ –   અંગકોર થોમ શહેરનો પૂર્ણ વિકાસ

.૧૨૦૦ – રાજા સુર્યવર્મને ‘ અંગકોર વાટ મંદિર’ બનાવવાની શરુઆત કરી.

જયવર્મન સાતમાએ અંગકોર થોમ શહેરને ફરતો કોટ બનાવ્યો.

.૧૪૦૦ – ગજા ઉપરાંતના મહાન સ્થાપત્યના ખર્ચા અને સિયામ (અત્યારનું થાઈલેન્ડ ) ના આક્ર્મણ સામે અંગકોર ટકી ન શક્યું. ખ્મેર રાજા અને બધી વસ્તી ભાગીને ‘નોમ પેન્હ’ જઈને વસ્યા.

બે વર્ષ બાદ સિયામના આક્રમકો પાછા અંગકોર થોમ આવ્યા, પણ શહેર અને મંદિર બન્ને વેરાન બનેલાં હતાં. જંગલોમાં ઘેરાયેલી બન્ને જગાઓમાં પછીના કોઈ શાસકોને રસ ન હતો.

લગભગ૧૫૦૦ – પોર્ચુગિઝ લોકોએ પહેલી વાર ખંડેરો જોયાના સમાચાર આપ્યા, પણ આ પ્રદેશ વેપારી દ્રષ્ટિએ અગત્યનો ન હોવાથી આ વાત ભુલાઈ ગઈ.

૧૮૫૦ – કમ્બોડિયા, લાઓસ અને વિયેટનામ ફ્રેન્ચ શાસન નીચે આવ્યા.

૧૮૬૦ – મુહોતનું સાહસ અને શોધ.

૧૮૬૩ – અંગકોરના જીર્ણોદ્ધારની શરુઆત.

૨૦૦૭ – અંગકોર વાટનો વિશ્વની સાત અજાયબીઓમાં સમાવેશ.

શ્રી. હરીશ દવેના ‘અનુપમા’ બ્લોગ પર સરસ , માહિતી સભર લેખ અહીં :

https://gujarat3.wordpress.com/2018/05/31/angkor-wat-temple-cambodia-archaeology-lidar-technology/

એક મંદિરની શોધમાં – ભાગ-૧

[ પુરાતત્વની એક સત્યકથા પર આધારિત ]

શનિવારની એક સાંજે, જંગલમાંથી આવીને તે થાક ઊતારી રહ્યો હતો; અને ભેગા કરેલા અવનવી વનસ્પતિના નમૂના વિભાગવાર જુદા પાડી રહ્યો હતો. વિષુવવૃત્તીય વિસ્તારના એક દેશના એક તળાવની થોડે દક્ષિણે આવેલા એક નાના-શા શહેરમાં તે હજુ બે એક અઠવાડિયા પહેલાં જ આવ્યો હતો. હેન્રી મુહોતને પેરિસથી એ દેશના વિષુવવૃત્તીય જંગલોની વનસ્પતિઓની શોધખોળ કરવા, એક વર્ષ પહેલાં નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ નાના’શા ગામમાં તે સાવ કંટાળી ગયો હતો. આમ તો તે ધાર્મિક ન હતો, પણ બીજાં ફ્રેન્ચ ભાષા બોલતાં લોકોને મળાશે, તે આશાએ તેણે રવિવારની ચર્ચની સભામાં જવાનું નક્કી કર્યું.

બીજા દિવસે તે ચર્ચમાં ગયો. પીટર નામનો પાદરી મોટે ભાગે તો સ્થાનિક ભાષામાં જ બાઈબલમાંથી વાંચી રહ્યો હતો; પણ થોડાએક શબ્દો, થોડાં ઘણાં ફ્રેંચ સાંભળનારાં માટે પણ બોલી રહ્યો હતો. સભા પતી ગઈ, પછી પીટરે બીજી ઔપચારિકતા પતાવી, બધા ફ્રેન્ચ લોકોને પોતાના કમરામાં આવવા નિમંત્ર્યાં. સ્વાભાવિક રીતે જ તેનું ધ્યાન નવાગંતુક મુહોત પર વધારે રહ્યું. ઘણી બધી વાતો થઈ. મુહોતને સ્થાનિક ઈતિહાસ, ભૂગોળ, રીતરિવાજ વિગેરે વિશે જાણવાની ઘણી ઉત્કંઠા હતી. કાળી ગરમાગરમ ચા અને સ્થાનિક બનાવટના બિસ્કિટની સાથે વાતોના ગપાટા પણ ખાસ્સાં ચાલ્યાં.  વાતવાતમાં પીટરે એક લોકવાયકાની વાત કરી. ગામથી પચાસેક માઈલ દૂર, તળાવની ઉત્તરે ભયંકર જંગલની વચ્ચે ઘણાં જૂનાં ખંડેરો છે; પરંતુ દુર્ગમ જંગલને કારણે કોઈ ત્યાં જઈ શકતું નથી. તે કોણે બનાવ્યાં અને શા કારણે તૂટી ગયાં તે પણ કોઈ જાણતું ન હતું.

મુહોત ઘેર ગયો, પણ આ વાત તેના મગજમાં ઘૂમરાતી રહી. તેને વનસ્પતિશાસ્ત્ર ઉપરાંત ઈતિહાસમાં બહુ જ રસ હતો. આ પ્રદેશ વિશે તેને આવું બધું જાણવાની બહુ ઈચ્છા હતી, પણ સ્થાનિક લોકોમાં ભણેલા ગણેલા લોક ખાસ ન હતા. જે હતા તે પણ આવી વાયકાઓ સિવાય કશું જ જાણતા ન હતા. તે આ દેશના પાટનગરમાં આવ્યો ત્યારે તેને એટલું જાણવા મળ્યું હતું કે, ઈ.સ. ૧૫૦૦ ના અરસામાં પહેલવહેલા પોર્ચુગિઝ લોકો આ બાજુ આવ્યા હતા અને તેના સો એક વરસ પહેલાં, અહીં બહુ જ જાહોજલાલી વાળી સંસ્કૃતિ અને સામ્રાજ્ય હતાં, પણ દુશ્મનોના આક્રમણમાં તે સામ્રાજ્યનો અંત આવ્યો હતો. અહીંની સ્થાનિક પ્રજા બહુ જ ગરીબ હતી. પીટર પણ વર્ષો પહેલાં આવી ગયેલા પોર્ચુગિઝ લોકોના અહેવાલો, લોકવાયકાઓ વિ. સિવાય કાંઈ જાણતો ન હતો.

મુહોતને તે રાત્રે સપનાંમાં ચિત્રવિચિત્ર પહેરવેશ પહેરેલા, કો’ક અજાણ્યા લોકો કોઈક સાવ અજાણ્યા ભગવાનની અવનવી મૂર્તિની પૂજા કરતાં, ઢોલના ધબકારે નાચતાં અને તેની તરફ ધસી આવતાં દેખાયાં. પસીને રેબઝેબ તે ઝબકીને જાગી ગયો. સવારની ચા પીતાં તેણે સંકલ્પ કર્યો કે, તે ખંડેરોની ભાળ ગમે તે ભોગે કરવી જ.

બીજા રવિવારે ફરી પાછો આ જ ક્રમ ચાલ્યો. મુહોતે કહ્યું –“ પાદરી સાહેબ, મારે ગીચ જંગલોમાં, છેક અંદરના ભાગમાં મારા કામ અંગે જવું છે. જો તમે તૈયાર હો તો, આપણે તે જ વિસ્તારમાં મારી શોધખોળ માટે જઈએ. ખંડેરોની તલાશ પણ થશે, અને મારી વનસ્પતિની પણ. એક સાથે બે કામ થશે.”

પીટરે કહ્યું “ ચર્ચ માટે બીજી કોઈ વ્યવસ્થા થાય તો હું આવું. મને પણ આવું સાહસ કરવાનું ગમે. આવા કામમાં એકાદ બે અઠવાડિયા તો થઈ જ જાય ને.”

બન્ને યુવાન હતા, અને બહુ આસાનીથી મિત્રો બની ગયા હતા. આ કામ અંગે સાથે રહેવાની તક મળશે, તેવું બન્નેને મન થયું.

પછીના અઠવાડિયે તે દેશના પાટનગરમાં આવેલી, દેવળની મોટી કચેરીમાંથી આ માટેની વ્યવસ્થા થઈ ગઈ. બીજા પાદરીને એક મહિના માટે નીમવામાં આવ્યો. આમ ૧૮૬૦ ના માર્ચ મહિનામાં બન્ને મિત્રો પૂરતી સાધન સામગ્રી, અને માણસોનું હાઉસન જાઉસન બે ગાડાંઓમાં ભરીને ઊપડ્યા. સાથે સ્થાનિક જંગલના બે ભોમિયાઓને પણ લઈ લીધા.

ગામ અને ખેતરો પૂરાં થયાં, અને ભયંકર જંગલની શરૂઆત થઈ. ઉત્તર દિશા જાળવી રાખી, કાફલો આગળ વધ્યો. અડાબીડ મોટાં વૃક્ષોની વચ્ચે બકરાં ચરાવનાર ગોવાળિયાઓએ બનાવેલી, નાનીશી કેડી તેમણે પકડી. બે ત્રણ માઈલ તો મુસાફરી ઠીક ઠીક ચાલી. પણ પછી એકાએક કેડી બંધ થઈ ગઈ. હવે શું કરવું?

હવે તો જંગલને કાપીને જ રસ્તો કરવો પડે તેમ હતું. યાહોમ કરીને ઓછાં ઝાડ કાપવા પડે તે રીતે, તેમણે આવા કામના જાણકાર, સ્થાનિક મુખિયાની મદદથી રસ્તો કરવા માંડ્યો. ગીચ ઝાડી કાપવી પણ કાંઈ રમત વાત ન હતી. નીચે ઘણી જગ્યાએ છીછરા પાણીનાં ખાબોચીયાં કે કાદવ પણ હતાં. ઘણીવાર તેમની સાથેનાં ગાડાંઓનાં પૈડાં કાદવમાં અડધા ખૂંપી જતાં હતાં. માંડ માંડ મજૂરો ગાડાંને ઘાંચમાંથી બહાર કાઢતા.

હવે રસ્તો સીધો ઉત્તર તરફ ન રહ્યો. વાંકાંચૂંકા થતાં, મંથર ગતિએ તેઓ આગળ વધતા ગયા. રાતે વાઘોની ડરામણી ત્રાડો અને દિવસે જંગલી હાથીઓની ચિંઘાડો હૈયું વિદારી નાંખતી હતી. ખાવાપીવામાં ય રસ્તામાં જે કાંઈ મળે, તેનાથી ચલાવી લેવાનું હતું, કારણકે લોટ વિ., સામગ્રી બહુ મર્યાદિત હતી. સ્થાનિક રસોઈયાની સમજ અને આવડત સ્વીકારી લીધા વિના બીજો કોઈ વિકલ્પ ન હતો. રસ્તે ચાલતાં સ્થાનિક મજૂરો તેમની કર્ણપ્રિય પણ સમજ ન પડે તેવી ભાષામાં ગીતો ગાઈ રહ્યા હતા. પીટરે સમજાવ્યું કે તેમની જૂની વાયકાઓની કથાઓ, અને યુદ્ધમાં કામ આવી ગયેલા યોદ્ધાઓની શૂરાતન કથાઓનાં આ ગીતો હતાં. મુહોતને તો હવે દિવસે પણ પેલાં સ્વપ્નો દેખાવાં માંડ્યાં!

ઘણી જગ્યાઓએ તો મોટાં ઝાડ એટલાં અડાબીડ ઉગેલાં હતાં કે, બે ચાર ઝાડ કાપ્યાં સિવાય છૂટકો જ ન હતો. આમ થાય ત્યારે કાફલો સાવ રોકાઈ જતો. માત્ર એક બે ભોમિયા જ આગળ જાત માહિતી મેળવવા જઈ આવતા. મેલેરિયામાં પટકાઈ ન જવાય તેનો હમ્મેશ ભય પણ માથે સવાર રહેતો.

પીટરને થતું કે ‘ક્યાં આ જંજાળ વહોરી?’. પણ મુહોતના જ્ઞાનથી તે બહુ જ પ્રભાવિત થયો હતો. તેમની નવી દોસ્તી બરાબર જામી ગઈ હતી. એકલા પાછા જવામાં વધારે મોટાં જોખમો હતાં. હવે તો આગળ ધપવા સિવાય બીજો કોઈ જ આરો ન હતો. મુહોત તેની અજાણ એવી જાતજાતની વનસ્પતિઓની જાણ પેલા ભોમિયા અને દુભાષિયા પીટરની સહાયથી લઈ રહ્યો હતો. તેની સ્કેચબુક સુંદર વનસ્પતિ ચિત્રોથી ભરાવા માંડી હતી.

આમ સફરને ત્રણ અઠવાડિયાં તો જોતજોતામાં થઈ ગયાં. જંગલ તો ક્યાંય ટસનું મસ થતું ન હતું. ક્યાંક હાથીઓએ કરેલા રસ્તા મળતા, પણ તેમની દિશા ભાગ્યે જ અનુકૂળ આવતી. આશાનો દિપક બુઝાવાની તૈયારી કરી રહ્યો હતો. મજૂરો પણ થાકથી લોથ પોથ થઈ ગયેલા હતા. બધા ઘેર પાછા જવાની આશા સેવી રહ્યા હતા.

પીટરે હિમ્મત કરીને કહ્યુ, ” મુહોત! પાછા ફરવામાં જ ડહાપણ છે. ”

મુહોતે કહ્યું , ”મને પણ એમ જ થાય છે. આપણે ત્રણ દિવસ રાહ જોઈએ. જો આ જ ક્રમ ચાલુ રહે અને તળાવ ન મળે તો પાછા.”

આમ બે મિત્રો વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી હતી; ત્યાં એક ભોમિયો ભરેલા શ્વાસે દોડતો આવ્યો અને કહ્યું ” હાથીઓએ બનાવેલો એક જૂનો રસ્તો મળ્યો છે, અને તે બરાબર ઉત્તર દિશામાં જ જાય છે. ” બન્ને મિત્રોમાં આશાનો સંચાર થયો. કાફલો પણ ઉત્સાહમાં આવી ગયો. બેળે બેળે ભોમિયાએ કહ્યું હતું તે કેડી સુધી તો પહોંચ્યા. કેડી મળ્યા પછી કામ થોડું સરળ બન્યું. ઝાડ કાપવાની નોબત ફરી ન આવી. એ જ દિવસે સાંજે તો આખો કાફલો તળાવના કાંઠે આવી પહોંચ્યો.

તળાવ ઘણું મોટું હતું. આરામ કરી બીજા દિવસની સવારે આગળ પ્રયાણ માટે બાથ ભીડી. સાથે માત્ર બે જ નાનકડી હોડી (canoe) હતી. આથી એમ નક્કી કર્યું કે, કાફલો ત્યાં જ રહી પડાવ નાંખે, અને મુહોત, પીટર, એક ભોમિયો અને એક સશક્ત મજૂર એટલા જ આગળ વધે. સાથે જરુરી ખોરાક અને ઝાડી ઝાંખરા કાપવાનો સામાન લીધો. ……

ઘર વિનાના સૌ

આમ તો આ સત્યકથાનું મૂળ નામ જાળવી રાખીએ તો ‘મારા જેવા જ જુદા’ ( SAME KIND OF DIFFERENT AS ME) રાખવું જોઈએ પણ એનો મક્તા છે – ‘ઘર વિનાના સૌ’

      એમ શા માટે? – એ જાણવા આખી કથા વાંચવી પડશે. એ આખી કથા તો બહુ લાંબી છે. એનું તો ૩૦૦  જેટલા પાનાં વાળું  પુસ્તક લખાયું છે અને ફિલ્મ પણ બની છે. પણ અહીં એનો ટૂંક સાર જ આપી શકાય ને?

      રોન હિલ બહુ સુખી માણસ છે. એના માબાપનું ટેક્સાસમાં મોટું રેન્ચ ( ફાર્મ હાઉસ ) છે. એ પોતે પણ મોંઘી કળા કૃતિઓ વેચવાનો માતબર ધંધો કરે છે.   પણ લગ્નેતર સંબંધના કારણે તેનું લગ્ન ખરાબે ચઢ્યું છે. બન્નેનું  લગ્ન જીવન વિચ્છેદના આરે આવીને ઊભેલું છે,  પણ બે બાળકોના સબબે એ કિનારે આવીને અટકેલું છે. એની પત્ની ડેબોરા( ડેબી)  સૂચવે છે કે, સ્થાનિક દેવળમાં તે સેવા આપે છે –  તે કામમાં રોન મદદ કરે. કદાચ એનાથી એમનું લગ્ન જીવન બચી જાય.

    રોન કમને આ સૂચન કબૂલે છે. આના કારણે એમના જીવનમાં એક અદભૂત વળાંક આવે છે. ઘર વગરના લોકોને ભોજન આપવાની પ્રવૃત્તિમાં રોન તેની પત્નીને મદદ કરવા લાગે છે. એ નિરાશ્રિત લોકોમાંના એક એવા અમેરિકન હબસી ડેનવરની અત્યંત ઘૃણાપાત્ર અને બહુ જ આક્રમક રીતભાત જાણી તેને શરૂઆતમાં તો તેના માટે તિરસ્કાર જ પેદા થાય છે. પણ દૈવી વૃત્તિ વાળી અને માનવતાવાદી ડેબીના સૂચનથી રોન ડેનવર સાથે મિત્રતા કેળવવા પ્રયાસ કરે છે. બન્ને ધીમે ધીમે એકમેકની નજીક આવવા માંડે છે. અને માનવ જીવનની સાવ અજાણી વિવશતા અને કરૂણતા તરફ રોન સજાગ બનવા માંડે છે.

     નાની ઉમરમાં બાપ મરી ગયો હોય અને મા ભાગી ગઈ હોય , તેવા ડેનવરને તેના બાપની માએ  ઉછેર્યો હતો. ઘરમાં આગ લાગતાં  તેણે દાદીનો સહારો પણ ગુમાવી દીધો અને તેનું બાળપણ અસહ્ય દુઃખના ગર્તામાં સરી ગયું. લુઇસિનિયાના એક પ્લાન્ટેશનમાં લગભગ ગુલામી કહી શકાય તેવી મજૂરી; ગોરા ત્રાસવાદીઓનો જુલમ, ત્યાંથી ભાગીને ન્યુ ઓર્લિયન્સમાં રસ્તા પર રઝળપાટ અને ગુનાખોરીથી ગુજરાન ચલાવતો કિશોર  અને ગુનો કરતાં પકડાતાં લાંબા સમય માટે જેલ નિવાસ. આમ ડેનવરનું  જીવન હતાશા અને દુર્દશાની ખાઈમાં નીચે ને નીચે અધઃ પતન કરતું રહે છે.

      નિષ્ઠુર અને પથ્થર જેવા બની ગયેલા તેના દિલમાં ગોરા માણસો માટે ધિક્કાર સિવાય બીજી કોઈ જ  લાગણી બચી નથી.  પણ ડેબી અને રોનના પ્રયત્નોથી આધેડ અવસ્થામાં  આવી પહોંચેલા ડેનવરના પથ્થર જેવા દિલમાં એક કૂમળી કૂંપળ ફૂટી નિકળે છે, જેમને ડેનવર હાડોહાડ ધિક્કારતો હતો તેવા ગોરા લોકોમાંના એક કુટુમ્બ  સાથે ડેનવરનો સંબંધ હવે કેળવાવા લાગે છે.

     આશ્ચર્ય જનક રીતે આના કારણે રોનના દિમાગમાં પણ પરિવર્તનના પવન ફૂંકાવા લાગે છે. એના વહાણનું સૂકાન  જીવનની એક સાવ અલગ જ દિશામાં ફંટાવા લાગે છે.

    એક બે વર્ષ આમ પસાર થાય છે. પણ ડેબીને બહુ છેલ્લા તબક્કાનું કેન્સર છે, એમ નિદાન આપતાં નવા બનેલા આ બે મિત્રો માટે ડેબીનું જીવન ઊગરી જાય તે માટે શુભ સંકલ્પ જાગે છે. ડેબીના દિલના માનવતાના ઝરણાંમાંથી આકાર લીધેલો પ્રવાહ હવે બે મિત્રોના વ્હાલની ધસમસતી નદીમાં રૂપાંતર પામે છે. 

   ડેબી તો બચી શકતી નથી, પણ રોન અને ડેનવર નિરાશ્રિત લોકો માટે રહેઠાણ બનાવવાની પ્રવૃત્તિ શરૂ કરે છે. ડેબીના મરણ બાદ ભરાયેલી શોકસભામાં ડેનવરને મુખ્ય વક્તવ્ય આપવા કહેવામાં આવે છે. અને તે ભાવુકતાથી બોલી ઊઠે છે કે,

       “ભલે આપણા સૌની જીવનકથા એકમેકથી સાવ નિરાળી હોય, આપણે બધા સરખા જ છીએ. આપણે સૌ પોતાના મૂળ ઘરમાંથી વિખૂટા પડી જીવન ભર આથડતા જ રહેતા હોઈએ છીએ. ડેબીની જેમ મરણ બાદ જ સૌ પોતાના મૂળ ઘર તરફ પ્રયાણ કરી ત્યાં પહોંચી શકે છે.“

   અનેક આરોહ અવરોહ લેતી આ સત્યકથા   જીવનના એક એવા પરિમાણ તરફ અંગુલિ નિર્દેશ  કરે છે કે, જેનાથી આપણને પણ એમ લાગી આવે કે, આપણે સૌ એકમેકથી સાવ વિભિન્ન હોવા છતાં, જીવનભર નિરાશ્રિતો જ હોઈએ છીએ – સૌ ઘર વિનાનાં.

   તે બાદ તો આ બન્ને મિત્રો અને એમના શુભચિંતકોના પ્રયાસથી લાખો ડોલરના દાનનો પ્રવાહ એમના કલ્યાણકારી કામને પુષ્ટિ આપતો રહ્યો છે. એમણે સાથે લખેલ એ પુસ્તકનું વેચાણ પણ આની સાક્ષી પૂરે છે.

   મૂળ પુસ્તક અથવા આ વિડિયો એક વિશિષ્ઠ અને ન ભુલાય તેવી અસર આપણા મનમાં સ્થાયી કરી દે છે.  

સંદર્ભ

https://en.wikipedia.org/wiki/Same_Kind_of_Different_as_Me

https://www.supersummary.com/same-kind-of-different-as-me/summary/

અલગારી રખડપટ્ટી

ફરવા જવાનું તો સૌને  ગમે. અમુક જણને બહુ ગમે. એને રખડપટ્ટી કહેવાય! પરંતુ ગમે તેટલું ફરો, હરો કે રખડો પણ છેવટે તો ઘેર પાછા જ આવવાનું ને? કહે છે ને કે, ‘પૃથ્વીનો છેડો ઘર.’

    પણ કોઈક એવા પણ અલગારી હોય છે, જે રખડ્યા જ કરે. એમને ઘર પાછા ફરવાનો ઉમળકો લગીરે હોતો નથી. કદાચ એમને ઘર હોતું જ નથી!

    એક એવા અલગારીની આ વાત છે. એનું નામ છે – પોલ સલોપેક.

એને કોઈ પુછે કે, “તમારું ઘર ક્યાં? “

       તો એનો લાક્ષણિક જવાબ છે ,” જન્મ – અમેરિકામાં, ઉછેર – મધ્ય મેકિસિકોમાં, જુવાનીનો મોટા ભાગનો સમય આફ્રિકામાં ઠેર ઠેર રખડપટ્ટી. મારું ઘર જ્યાં હું ઊભો હોઉં, તે એક મિટર x  એક મિટર  જમીન .“

   આ પોલ ભાઈને નેશનલ જ્યોગ્રાફિકે એક કામ સોંપ્યું છે – રખડયા કરવાનું! અને કોઈ વાહનમાં નહીં – બસ પગપાળા પ્રવાસ જ! દુનિયાના  ચારેય  ખંડોને આવરી લેતી આ સફર આફ્રિકાના જિબુતી દેશમાંથી જાન્યુઆરી – ૨૦૧૩ માં શરૂ થઈ હતી.  ૨૧,૦૦૦ માઈલ લાંબી અને દસેક વર્ષ સુધી ચાલુ રહેનારી આ સફર આર્જેન્ટિનાના છેક દક્ષિણે આવેલ ટેરા ડેલ ફુએગોમાં પૂરી થશે.  હાલમાં પોલ  ભારતમાં છે.

એના પ્રવાસી અનુભવો જાતજાતના છે અને ભાતભાતના લોકો સાથે છે. પંજાબમાં એની સાથે રસ્તા પર ચાલી રહેલા ખેડૂત યુવાનોનો ધખારો છે –  ગમે તેમ કરીને ન્યુઝિલેન્ડ પહોંચી જવું અને જીવનમાં નવો નિખાર લાવવો. આવા તો અસંખ્ય અનુભવો પોલને આટલા વર્ષોમાં થયા છે, થતા રહે છે.  એનો એક ઇન્ટરવ્યૂ લાંબો છે, પણ નીચેની લિન્ક પર વાંચવા જેવો છે

https://www.nationalgeographic.com/travel/intelligent-travel/2015/08/07/walking-the-world-with-paul-salopek/

    પોલના સચિત્ર અનુભવો નેશનલ જ્યોગ્રાફિકાની વેબ સાઈટ પર અપડેટ થતા રહે છે.

     આપણને સ્વાભાવિક રીતે થાય કે, ‘શું કામ આ બધા ઉધામા?’

     વાત એમ છે કે, નેશનલ જ્યોગ્રાફિકે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે ‘Out of Eden walk’ એ પ્રોજેક્ટને સમજવા આપણે માણસજાત આખી દુનિયા પર શી રીતે ફેલાઈ ગઈ, તે વિશે થોડુંક જાણવું જોઈશે. આમ તો આ બહુ મોટો વિષય છે. ઇથિયોપિયા, જિબુતી દેશોના વિસ્તારમાંથી સૌથી જૂનું માનવ હાડપિંજર મળી આવ્યું હતું. (આશરે ૩૨ લાખ વર્ષ જૂનું ) એક માન્યતા પ્રમાણે એ સ્ત્રીને માનવ જાતની આદિમદાદી ગણવામાં આવે છે! આ શાસ્ત્રના તજજ્ઞોમાં એ  લ્યુસી તરીકે જાણીતી છે.

      એક માન્યતા એવી છે કે, ત્યાંની માનવ વસ્તીની નાની નાની ટુકડીઓ જાતજાતનાં કારણોને લીધે આગળ અને આગળ વધતી ગઈ અને લાખો વર્ષોના અંતે આખી દુનિયામાં ફેલાઈ ગઈ. જો કે, આ માન્યતાને પડકારતા બીજા પુરાવા પણ મળ્યા છે. પણ અહીં આપણે એ ચર્ચામાં નથી પડવા માંગતા. 

     નેશનલ જોગ્રાફિકે  ‘આ માન્યતા મુજબના રૂટ પર હાલ શી હાલત છે?’ – એ જાણવા આ પ્રોજેક્ટ વિચાર્યો હતો અને એ કામ પોલ ભાઈને સોંપ્યું હતું. એણે આખા રૂટ પર ચાલતા જઈને જાતતપાસ કરવાની છે કે, ‘હાલમાં આ રૂટ પર માનવ હિજરત જારી છે કે, કેમ? અને એનાં શાં કારણો છે?’

      જ્યાં જ્યાં પોલ રખડયો, ત્યાંથી એ બાતમી લાવ્યો છે કે, માણસને એક સ્થાયી સ્થિતિ સ્વીકાર્ય નથી, અને તે હમ્મેશ હિજરત કરતો આવ્યો છે. ઘણી વખત આવી હિજરત મજબૂરીના કારણે પણ થતી હોય છે. ગરીબી, ભૂખમરો, જાતિ જાતિ વચ્ચેના સંઘર્ષો, ધાર્મિક અસહિષ્ણુતા વિગેરે અનેક કારણોના લીધે માણસ પોતાનું વ્હાલું વતન છોડવા મજબૂર બની જતો હોય છે. આવી અનેક દુખિયારી જનતાનો અને એમની વ્યથાઓનો પોલે અનુભવ કર્યો છે. એમના માટે એના દિલમાં દર્દ અને સહાનુભૂતિ છે.

       પણ મજબૂરીથી થતી હિજરતની વ્યથાઓ બે ત્રણ પેઢી પછી હળવી બની જતી હોય છે અને હિજરતી જાત નવા સમાજમાં સમાઈ જતો હોય છે. વખાના માર્યા ગુજરાત આવેલા પારસી લોકો આનું સરસ ઉદાહરણ છે. કેરાલાના સિરિયન ખ્રિસ્તી લોકો પણ આવી જ રીતે ભારતીય સમાજમાં ભળી ગયેલી જાતિ છે.

       સાથે સાથે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા પણ માણસ કાયમને માટે વતન છોડતો હોય છે. આખી  દુનિયામાં ફેલાઈ ગયેલા ડાયાસ્પોરા ગુજરાતીઓ અંગે  આપણને સૌને ખ્યાલ છે જ. અમેરિકાના બન્ને ખંડના બધા દેશો પણ મૂળ હિજરતી લોકોના સ્વદેશ બની ગયા જ છે ને?

    વેપાર માટે પણ સોદાગરો સૈકાંઓથી દૂર દૂર જઈ, સસ્તી કિમતમાં માલ ખરીદી વતનમાં એની ઉપર અઢળક નફો પણ રળતા આવ્યા જ છે ને? એ સ્વાર્થી વેપારી રસમ ભલે હોય, પણ એના કારણે માનવજાતિઓ વચ્ચે અનેક જાતનાં આદાન પ્રદાન પણ થયાં જ છે.  એક માન્યતા એવી પણ છે કે, આવાં આદાન પ્રદાનના કારણે પણ જ્ઞાન અને વિજ્ઞાનનો વિસ્તાર થયો છે.    

    વૈશ્વિક સ્તરે એક નાનું જૂથ એમ પણ માને છે કે, માણસજાત અત્યારે જે  તબક્કે આવીને ઊભી છે, તેમાં વૈશ્વિક નાગરિકતા સ્થાપિત કરવાનો સમય પાકી ગયો છે. દેશ દેશ વચ્ચેના સીમાડા ભૌગોલિક નકશાઓમાં નથી હોતા! ‘વિશ્વમાં કોઈ પણ માણસને પોતાની હાલત સુધારવા હિજરત કરવાનો હક્ક હોવો જોઈએ.’ – એ પ્લેટોનિક ખ્યાલ ભલે હોય, પણ એના વિશે જાગરૂકતા વધતી જાય છે.

     પોલના એક સરસ વિચાર સાથે આ લેખનું સમાપન કરીએ –

     The world is growing complicated. To understand it, we don’t need more information, we need more meaning. A walked journey spanning four continents and seven years is just one way to try and tackle this challenge.

માનો જીવ

લેખિકા – રશ્મી સંપત
અમારી ગંગા ગાયને સુંદર મજાની વાછડી હતી.એના કપાલમાં ‘ટીલડું’ હતું એટલે અમે એનું નામ ‘ ટીલડી ‘ પાડેલ.અમે એની સાથે રમતાં. ટીલડી પણ અમારી હેવાઇ થઇ ગયેલ.

ગંગા સાંજે ધણમાંથી આવે તો એટલી રધવાટ ભરેલી આવે માથું ઘુણાવે એટલે ગલાની ધંટડી મધુર અવાજે વાગે.ટીલડી પણ માને જોઇને હરખાય.
મેપો ગોવાલ જ્યારે ગાયને દોહવા આવે ત્યારે ખીંટેથી છોડે ત્યારે ટીલડી દોડીને માના આંચલે વલગે.ટીલડી માને ધાવી લ્યે એટલે મેપો ગંગાના મોઢા આગલ ટીલડીને મુકે ગંગા એને ચાટતી જાય અને વહાલ કરતી જાય.

એક દિવસ ટીલડીને તાવ આવ્યો મેપાએ એને પરાણે ગંગા પાસે મુકી ન તે ધાવી કે કંઇ ચેષ્ટા બતાવી. ગંગા ટીલડીને ચાટતી જાય અને ભાંભરડાં નાંખતી જાય.ટીલડીનું પ્રાણ પંખેરૂં ઉડી ગયું.ગંગાની આંખ માંથી અશ્રુની ધારા વહેવા લાગી.જ્યારે કસાઈ આવીને ટીલડીના મૃતદેહને લઇ જવા લાગ્યો તો ગંગા ટીલડીનાં શબને હાથ પણ ન લગાવવા દ્યે. શીંગડા ભેરવે.

આખરે જેમ તેમ કરીને ટીલડીનાં દેહને ગંગાથી અલગો કર્યો અને લઇ જવા લાગ્યા તો ગંગાએ ખૂંટો ઉખેડી નાંખ્યો અને રાંભોટા નાંખતી પાછલ દોડી. જાણે કહેતી ના હોય-
મારી ટીલડીને નહિ લઇ જવા દઉં.

આખરે ” માનો જીવ” હતો ને!

અંધકારમાં ઝળહળતો ઉજાસ

એક પ્રજ્ઞાચક્ષુના જીવનનો ઉજાસ

છ જ વર્ષની ઉમરે ટાઈફોઇડ અને પછી મેનન્જાઇટિસની બિમારી બાદ અંધ બની ગયેલા પ્રવીણભાઈની સત્યકથા વાંચવા મળી અને મન ભાવવિભોર બની ગયું. વાપી નિવાસી શ્રીમતિ નૂતન કોઠારી ‘નીલ’ ની કલમે આલેખાયેલી એ કથા નીચેના સરનામે ક્લિક કરી વાંચો…

ઇન્ટરનેટ પર અજાણ્યા લોકો સાથે દોસ્તી કરવી કેટલું ખતરનાક છે?

અલીસિયા કોજાકેવિજ

      અલીસિયાને બીજાં બાળકોની જેમ ઇન્ટરનેટ પર નવાં નવાં દોસ્ત બનાવવાનું, ચેટિંગ કરવાનું બહું જ ગમતું હતું. એ વખતે તે તેર વર્ષની હતી. અલીસિયા એનાં માતા-પિતા સાથે અમેરિકાના પીટસબર્ગ શહેરમાં રહેતી હતી. પરિવારને એ વાતની ખબર હતી કે નાનકડી અલીસિયા કમ્પ્યુટર પર ભણવા ઉપરાંત દોસ્તો સાથે વાતચીત પણ કરતી રહે છે. અલબત્ત, દીકરીને અવારનવાર તેના મિત્રો સાથે લાઇવ ચેટ કરતી જોવા છતાં તેને કદી રોકી નહોતી. ક્રમશ : અલીસિયાને ઇન્ટરનેટનું વ્યસન થઈ ગયું.

      અલીસિયા હવે સોશિયલ મીડિયા પર હતી. નેટ પર તેને એક યુવાન સાથે દોસ્તી થઇ ગઇ. અલબત્ત, એ છોકરો સ્કૂલમાં ભણતો નહોતો. એ છોકરાને તે કદી રૂબરૂ મળી નહોતી. પરંતુ સોશિયલ મીડિયા પર એ છોકરા સાથે વાત કરવાનું અલીસિયાને બહુ જ ગમતું હતું. બેઉ જણ લાંબી લાંબી વાતો કરતાં, નેટ પર તે છોકરાની તસવીર પણ અલીસિયાને ગમી ગઇ. તસવીર જોતાં એને લાગ્યું કે, એ છોકરો તેની જ વયનો છે.

પછી શું થયું?

DP11

આ ચિત્ર પર ક્લિક કરો…

સૌ કોઈએ પોતાનાં સંતાનોને આ લેખ વંચાવવો જ જોઈએ.

In English here….

 

એક અદભૂત જીવનકથા

       જેને ઉદ્દેશીને અલવિદા કહેવાનું હોય એ જ ધૂળમાં મળી જાય અને અલવિદા કહેનારો અડીખમ ઊભો રહે.

     કુદરતની એ લીલામાં આપણા ભાગે કયો સંવાદ છે એ જાણતા નથી. જાણવું પણ નથી. કારણ કે એથી પટકથામાં કોઈ જ ફરક પડવાનો નથી. ને બનવાકાળ બનવાનું છે ત્યારે પાછળ કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિકના (હિન્દી ફિલ્મ જેવા) કરુણ સૂરો વાગે તેવી આગોતરી ગોઠવણ આપણાથી થઈ શકવાની નથી. થાય તો એ આપણે સાંભળી શકવાના નથી.

      પણ બનવા કાળની કલ્પિત પટકથા કરતાં થઈ ગયેલાની પટકથાના કેટલાક ટુકડા ચોક્કસ જાણવા-માણવા જેવાછે.

શી વાત છે, આ બધી?

અહીં એ અદભૂત જીવન કથા વાંચવા – માણવાનું ન ચૂકતા….

wegu_logo

આ લોગો પર ક્લિક કરો