સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: સ્વાનુભવ

૧૫, ઓગસ્ટ – ૧૯૪૭

 એ સપરમો દિવસ મને બરાબર યાદ છે.

અમારાં બહેન, બાપુજી અને અમે ત્રણ ભાઈઓ રણછોડજીની પોળ, સારંગપુર, અમદાવાદમાં આવેલા અમારા મકાનમાં રહેતાં હતાં. અમારી બાને અમે બહેન કહેતાં હતાં. હું ત્યારે માંડ સાડા ચાર વરસનો હતો. એ દિવસે, અમને ત્રણ ભાઈઓને સાથે લઈને, અમારા બાપુજી અમદાવાદના ભદ્રના કિલ્લા પાસે લઈ ગયા હતા.

મારા બાપુજી મને તેડે એ મને બહુ ગમતું. પણ એ મને હવે ચાલવાનો જ આગ્રહ કરતા હતા. હું ચાલીને બહુ જ થાકી ગયો હતો. આટલા બધા રાક્ષસ જેવા ઊંચા માણસોની વચ્ચે ચાલતાં મને બીક પણ લાગતી હતી. સાંજનું અંધારું થઈ ગયું હતું. પણ રસ્તા પર માણસોની ભીડ પાર વિનાની હતી. કદાચ મારાથી નાની બહેનનો જન્મ હજુ બે ત્રણ અઠવાડિયા બાદ થવાનો હતો. એટલે અમારાં બહેન અમારી સાથે નહોતા આવ્યાં – એમ મારું માનવું છે.

મને એટલું જ યાદ છે કે, હું સખત થાકેલો હોવા છતાં, આજુબાજુ ટોળામાંના બધા માણસો અત્યંત ખુશ હતા – તે મને બહુ જ ગમતું હતું.  મોટેથી બરાડી બરાડીને કાંઈક બોલતા હતા. ( કદાચ ‘જયહિંદ’ અથવા ‘ભારતમાતાકી જય’ હશે.) મને એનાથી કોઈક અજાયબ લાગણી થતી હતી. કાંઈક હરખ થાય એવું બની ગયું હતું; કે બનવાનું હતું. ‘ગુલામી શું? આઝાદી શું?’ એવા બધા અઘરા વિચારો મારા નાના ( કે મોટા !) મગજમાં હજુ પ્રવેશી શકે તેમ ન હતું. પણ એ થાક અને હર્ષની મિશ્રિત લાગણી પંચોતેર વરસ પછી આજે પણ તરોતાજા છે.

હવે ભીડને કારણે બાપુજીએ મને તેડી લીધો હતો. એ આનંદના અતિરેકમાં બેય મોટા ભાઈઓનું અનુકરણ કરીને હું પણ તાળીઓ પાડવા માંડ્યો હતો. ચારે બાજુ અપ્રતિમ ઉલ્લાસ છવાયેલો હતો. હરખના સરોવરમાંથી, આનંદના ઓઘ અને ધોધના ઢગલે ઢગલા, ઢળી ઢળીને છલકાઈ રહ્યા હતા.

પાછા ઘેર જતાં અમારા બાપુજી કદી અમને લઈ જતા ન હતા; તે ‘ચન્દ્રવિલાસ’[1]નાં ફાફડા-જલેબી ખવડાવ્યાં હતાં. મારા મોટાભાઈને ડરતાં ડરતાં મેં કાનમાં પૂછ્યું હતું,  “સિનેમા કહે છે – તે આ છે?!”. અને બાપુજી આ સાંભળી; ‘હોટલ કોને કહેવાય અને સિનેમા કોને?’ તે વિશે અમારાં અજ્ઞાન અને ભોળપણ જોઈ, પોતાના પુત્રોના સંસ્કાર માટે આનંદિત થયા હતા; એવું આછું આછું યાદ પણ છે.

ઘેર આવ્યા ત્યારે ફાનસના  આછા ઉજાસમાં2] હું ક્યારે પોઢી ગયો તે ખબર ન પડી. પણ અમારી બહેનના મોં ઉપર બધી વાતો સાંભળી; જે આનંદ અને ઉલ્લાસ પ્રગટ્યાં હતાં તે હજુય યાદ છે.

ત્યાર બાદ તો  સ્વતંત્રતા દિનની અનેક ઉજવણીઓ જોઈ છે. ધ્વજવંદનો કર્યાં છે. શાળામાં ક્વાયત કરીને ધ્વજને છટાભરી સલામી આપી છે. બેન્ડના સૂર સાથે ‘ જન ગણ મન’ ગાયું છે. ટીવી ઉપર લાલ કિલ્લા પરથી થતું ધ્વજવંદન અને પ્રધાનમંત્રીઓનાં પ્રવચનો પણ સાંભળ્યાં, જોયાં છે.

પણ સ્વતંત્રતાના જન્મ વખતની એ સાદગી, એ ઉત્સાહ અને માતૃભૂમિ માટેનું એ વખતના લોકોનું ગૌરવ – એ બધાં ભુલ્યાં ભુલાતાં નથી


[1] એ વખતના રીચી રોડ -હાલના ગાંધી માર્ગ- પરની દેશી ઢબની અતિવિખ્યાત હોટલ

[2] અમદાવાદમાં રહેતાં હોવા છતાં, અમારે ઘેર તે વખતે વીજળી આવી ન હતી!

એલ. ડી.માં પહેલું વર્ષ

નેટ મિત્ર અને કોલેજના એક ભૂત પૂર્વ વિદ્યાર્થી શ્રી. અશોક વૈષ્ણવના બ્લોગ પર એક સ્તૂત્ય શ્રેણી શરૂ કરવામાં આવી છે –

એલ.ડી. એન્જિ. કોલેજના જૂના વિદ્યાર્થીઓની યાદદાસ્તો

[ એ બધી વાંચવા/ માણવા અહીં પહોંચી જાઓ. ]

ત્યાં ‘સુજા’નો અનુભવ પણ પ્રકાશિત થયો છે. એ ફરી અહીં………

૧૯૬૧ – જૂન

સુરેશ જાની,

જૂન મહિનાના એ યાદગાર દિવસે તમે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વ્યાખ્યાન ખંડમાં પહેલી વાર પગ મૂક્યો. એ વખતમાં સૌથી વધારે માંગ વાળી મિકે. એન્જિ. શાખામાં અને માદરે વતન અમદાવાદમાં જ પ્રવેશ મેળવવા તમે સદભાગી થયા હતા. બીજા મિત્રોને કાં તો વિદ્યાશાખા કે કોલેજના સ્થળની બાબતમાં સમાધાન કરવું પડ્યું હતું.

પણ તમારા દિલમાં આ બાબત કશો ઉમંગ ન હતો. ગુજરાત કોલેજમાં ઇન્ટર સાયન્સના આખા વર્ષ દરમિયાન તમે ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રના મનગમતા વિભાગમાં ઘણે ઊંડે સુધી ચાંચ ડૂબાડવા પ્રયાસ કર્યો હતો. બીજા બે સમરસિયા મિત્રોની સંગતમાં તમારો આ રસ કેળવાયો હતો. તમારું સ્વપ્ન હતું – આઈન્સ્ટાઈન કે હાઈસનબર્ગની જેમ એ ક્ષેત્રમાં નામના મેળવવી.  અરેરે! કુટુંબમાં આની ખબર પડતાં, ‘આખી જિંદગી માસ્તરગિરી’ કરવાનો? ‘ અને એવાં અનેક દબાણોને વશ થઈ, તમારે  એ સપનું સંકેલી લેવું પડ્યું હતું. પણ અંતરનો એ ડંખ શૂળની જેમ સતત ભોંકાયા કરતો હતો.

પહેલું વ્યાખ્યાન શરૂ થયું અને એ શૂળના દર્દની સાથે ગોટપિટ ગોટપિટ ભાષામાં તમને એક પણ વાક્ય ન સમજાયાનું દર્દ ઊમેરાઈ ગયું. તમારું અંગ્રેજી વાંચન સારું હોવા છતાં, સળંગ ગુજરાતી માધ્યમમાં ભણેલા તમે કદી આટલા લાંબા સંભાષણ માટે ટેવાયા ન હતા. રાતે ઘેર આવીને તમારી આંખો આંસુથી ઊભરાતી રહી. ‘સરસ્વતીચન્દ્ર’ની કુમુદ સુંદરીની જેમ ‘ પડ્યું પાનું નિભાવી લેવા’ તમે મજબૂર બની ગયા.

ધીમે ધીમે એ ડૂમો શમવા લાગ્યો, પણ એકાદ મહિના પછી એની અસર તમારી તબિયત પર જણાવા લાગી. સામાન્ય શરદીમાંથી ઊંટાટિયા જેવી અસહ્ય ઉધરસે તમને ઘેરી લીધા. છેવટે સારવાર માટે તમારે કોલેજ જવાનું બંધ કરવું પડ્યું. ભારેખમ દવાઓથી એ હુમલો ખળાયો તો  ખરો, પણ બહુ અશક્તિનો દોર શરૂ થઈ ગયો.  

ત્રણ મહિનાની લાંબી ગેરહાજરી પછી, બીજી ટર્મમાં સાઈકલ પર કોલેજ જવાની તાકાત જ ન હતી, આથી તમે પાંચ પૈસા કન્સેશનની ટિકિટ પર મ્યુનિ. બસમાં કોલેજ જવાનું શરૂ કર્યું. જતી વખતે તો બેસવાની જગ્યા મળી જતી, પણ પાછા વળતાં થાકેલાં મન અને શરીર પર આખે રસ્તે ઊભા રહેવાની સજા રોજની રામાયણ બની ગઈ.

અંતરનો હાયકારો પોકારી પોકારીને ‘જીવન ઝેર બની ગયું.’ના ગાણાં ગાતું રહેતું. પણ ધીમે ધીમે વ્યાખ્યાનોમાં સમજ પડવા લાગી. મોટા ભાગના વિષયોમાં રસ પણ પડવા માંડ્યો. પણ બાકી રહેલા ટર્મ વર્કનું શું? બધી લેબોરેટરીઓ,  ડ્રોઈંગ, અને ખાસ તો શારીરિક શ્રમ માંગી લેતા વર્કશોપના જોબમાં તો ન પૂરી શકાય તેવી ખાધ હતી. ટર્મ ગ્રાન્ટ નહીં થાય અને જિંદગીમાં પહેલી વાર ડ્રોપ લેવો પડશે – એવા ભયનો ઓથાર પણ સતત  ઝળુંબી રહયો  હતો.

પણ, ‘નિર્બલકે બલ રામ’ એ ન્યાયે તમારા સહાધ્યાયીઓની બેનમૂન મદદ તમને મળતી રહી. વર્કશોપમાં શિક્ષકોની પણ સહાનુભૂતિના સબબે બેળે  બેળે જોબ બનતા ગયા. એ સહૃદયી શિક્ષકો અને જિંદાદિલ મિત્રોનાં નામ તો યાદ નથી, પણ એમની સહાય અને હમદર્દીની સુખભરી યાદનું પોટલું  જીવનભરની જણસ બની રહ્યું.

છેવટે અભિમન્યૂના બધા કોઠા જીતાયા અને સૌ  સંઘર્ષોના અંતિમ પરિપાક રૂપે તમે પહેલા વર્ષની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.

સુગમ સંગીત મુશાયરો

આશરે મે, ૨૦૦૩

તે દિવસે એક ગુજરાતી મિત્રના ઘેર પાર્ટી હતી. મને તો કોઈ ત્યાં ન ઓળખે. એકલતાને કોસતો હું બાજુમાં ખુરશી પર બેઠો હતો. મારી આગળ થોડાક સજ્જનો ભેગા મળી વાતો કરતા હતા. એકાએક એમની વાતોમાંથી મને ‘સોલી કાપડિયા’ નામ સંભળાઈ ગયું.  એ તો મારા પ્રિય ગાયક. હું સફાળો ઊઠીને તેમની પાસે ગયો અને પૂછપરછ કરી. વાત એમ હતી કે, સોલી અને નિશા ડલાસમાં આવ્યા હતા અને એક મિત્ર શ્રી. સુધીર દવેએ એમનાં ગીતોનો કાર્યક્રમ યોજ્યો હતો. બીજા કોઈને તો સોલીનું નામ પણ સાંભળ્યું ન હતું. સુધીર ભાઈ તો મારી પર ખુશ ખુશ થઈ ગયા. અને બધાને એ કાર્યક્રમની વિગતો આપતું ફરફરિયું પકડાવી દીધું.

   પછી તો ધીમે ધીમે હું આવા કાર્યક્રમોના ચાહકોમાં પ્રવેશ મેળવી શક્યો આગળ જતાં ‘શોધ’ નામનું સાહિત્ય ગ્રુપ સ્થપાયું એમાં શરૂઆતથી જ સભ્ય બની ગયો. આને કારણે મારો સાહિત્ય રસ ફરીથી જાગૃત થયો,
    પહેલાં સાંભળવાનો, પછી વાંચવાનો અને છેલ્લે આવડે તેવી  રીતે કવિતા  લખવાનો છંદ વળગ્યો! ઈમેલ મારફતે મળતી રહેતી માહિતી પરથી સ્વ. કિશોર રાવળે બનાવેલ ‘ ગુજરાઈટી’ સોફ્ટ્વેર  વડે ગુજરાતીમાં લખવાની શરૂઆત કરી, પણ છેવટે બધે વાપરી અને વાંચી શકાય તેવા ‘ઇન્ડિક – શ્રુતિ’ ફોન્ટ મળી ગયા, અને સુજાની ગાડી પૂરપાટ દોડી!

   એ સંદર્ભમાં જ નેટ પર ‘ રીડ ગુજરાતી’ વાંચતાં કોઈકની કોમેન્ટમાં ‘બ્લોગ’ શબ્દ જાણવા મળ્યો . પૃચ્છા અને ખાંખાંખોળાં કરતાં ૨૦૦૪ના છેવટના ભાગમાં ગૂગલના ‘બ્લોગર’ પર પહેલો બ્લોગ બનાવ્યો. પણ બે ત્રણ મહિના પછી વર્ડપ્રેસની ભાળ મળી અને ત્યાં કવિતાનો બ્લોગ અને પછી ‘પરિચય’ બ્લોગ શરૂ કર્યા.

   ત્યાર પછીની મારી બ્લોગયાત્રા ઠીક ઠીક જાણીતી છે. 

    બ્લોગિંગ ઉપરાંત અંગ્રેજી સાહિત્ય વાચનનો શોખ પણ બાળકો માટે લાયબ્રેરીમાંથી ચોપડીઓ લાવતાં થયો. આ વીસ વર્ષમાં જાતજાતનું વાંચન એના કારણે થઈ શક્યું છે.

જાગૃતિમાં હરણફાળ

     ૨૦૦૦ ની સાલમાં નિવૃત્ત થયા પછી જાતજાતની અને ભાતભાતની અનુભૂતિઓએ સુજાને નવી નવી દિશાઓ જરૂર આપી, પણ પોતાની કાબેલિયતનો અહં અને કર્તાભાવ હજુ વારંવાર ફૂંફાડા માર્યા કરતા હતા. આના પ્રતાપે અન્યને જેવા હોય, તેવા સ્વીકારી શકવા જેવી કાબેલિયત વિકસી શકતી ન હતી. બ્લોગિંગ પૂરબહારમાં હતું એ વખતે એ માધ્યમ દ્વારા જ કલ્યાણ મિત્ર શરદ ભાઈ શાહના પરિચયમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એમની સાથે આ બાબત ઘણી ચર્ચા અને ઉગ્ર વાદ વિવાદ પણ થતા. ૨૦૧૦ ની સાલમાં અમદાવાદની મુલાકાત દરમિયાન એમની ઓફિસમાં સાક્ષાત મુલાકાત થઈ. એ વખતે તેમણે તેમના ગુરૂ શ્રી. બ્રહ્મવેદાન્ત સ્વામીની વાત કરી, અને માધવપુર, ઘેડમાં આવેલા એમના આશ્રમના ફોટા બતાવ્યા. એ વખતે તો સમયના અભાવે ત્યાં જઈ ન શકાયું. પણ ૨૦૧૨ની સ્વદેશયાત્રા વખતે અમે બન્ને અમદાવાદથી ત્યાં  ગયા અને તેમના ત્યાં આવેલા ફ્લેટમાં ત્રણ દિવસ રહ્યા. સ્વામીજીની દિવ્ય કાંતિ અને સીધા દિલમાં ઊતરી જાય તેવાં, સાવ સરળ ભાષામાં બે પ્રવચનો પણ સાંભળ્યા. એમને પથ્થરની જૂની ખાણોમાં ખોદકામ કરતા શિષ્યોને દોરવણી આપતા અને જાતે સાવરણાથી સફાઈકામ કરતા પણ જોયા.

   આમ છતાં સુજાની સાચી જાગૃતિ આવવાની ઘડી બે વર્ષ દૂર હતી. એ અંતરાલ પછી છેવટે શરદ ભાઈએ કહ્યું,”સુરેશ ભાઈ! હવેની વખતે તમે આવો ત્યારે, ગુરૂજીની જાતે જ પૂછી લેજો. “

    એ સુભગ ક્ષણનો અનુભવ આ રહ્યો –

સ્વામીજી સાથે અંગત સંવાદ

૨૦૧૩, જાન્યુઆરી, ઓશો આશ્રમ, માધવપુર, ઘેડ

બ્રહ્મવેદાન્ત સ્વામી

  સવારનું સ્વામીજીનું પ્રવચન પતી ગયું છે. શરદભાઈએ સ્વામીજીને ઘેર એમની સાથે અંગત મુલાકાત ગોઠવી આપી છે. લક્ષ્મીકાન્તભાઈ ઠક્કર અને શરદભાઈ સાથે સુજા પહોંચી જાય છે. શરદભાઈતો ત્યાંના સ્ટાફ સાથે આગળના નાના મેદાનની સફાઈના કામમાં જોડાય છે. લક્ષ્મીકાન્તભાઈ અને સુજા વરંડામાં બેઠેલા સ્વામીજીને વંદન કરી એમની સામેની ખુરશીમાં બેસે છે. થોડીક ઔપચારિક વાતો પછી –

સ્વામીજી – “બોલો, શું સંશય છે?”

સુજા – “કર્તાભાવ જતો નથી. સ્વીકારભાવ આવતો નથી, અને શરણાગતિભાવ તો કદી આવશે જ નહીં  – એમ લાગે છે.

     સ્વામીજી આંખો મીંચી દે છે. બે ત્રણ મિનિટ વીતી જાય છે. સંશયાત્મા સુજાને વળી સંશય થાય છે કે, સ્વામીજી તેના આટલા ટૂંકા સવાલ કદાચ ન સમજ્યા હોય. પણ સ્વામીજી આંખો ખોલી, પ્રેમાળ નજરથી સુજાની આંખોમાં આંખ પરોવી કહે છે. “તમે તમારી જાતનો સ્વીકાર કરો છો ખરા?“

સુજા – “ના. હું બરાબર નથી. બહુ સુધરવાની જરૂર છે.”

સ્વામીજી – “બસ, આ છોડી દો. તમે જો જાતને જ સ્વીકારતા નથી, તો બીજાનો સ્વીકાર શી રીતે કરી શકશો?”

અચંબો પામીને સુજા – “પણ તો તો આગળ શી રીતે વધાય?”

અને સ્વામીજીએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, “કશે જવાનું  જ નથી. કશું બનવાનું જ નથી. આપણે જેવા છીએ, તેવા જ રહેવાનું છે. આપણને જેવા બનાવવામાં આવ્યા છે – તે બરાબર જ છે. માત્ર આપણે જે કાંઈ વિચારીએ કે કરીએ, તે જોતાં થવાનું  છે.“

અને એકાએક સુજાના મનનો બધો અંધકાર/ નિર્વેદ ગાયબ બની ગયા. અહોભાવથી અંતર છલકાઈ ગયું અને તે બોલ્યો,” એ તો સાવ સહેલું છે.”

સ્વામીજી – “ હા! એમાં કાંઈ જટિલતા છે જ નહીં. જેમ જેમ આમ જોતાં થશો તેમ તેમ, કર્તાભાવ એની મેળે ઓગળતો જશે. જે કરતા હો તે કરતા રહો. કાંઈ છોડવાનું છે જ નહીં. માત્ર સતત જાગૃત રહો – મોજમાં રહો. અહંને ઓગાળવાનો ‘અહં’ -પણ નહીં રાખવાનો. એની મેળે જ એ સરતો  જશે.  ‘કર્તા ભાવ કાઢવો છે’ – એ જ સૌથી મોટો કર્તાભાવ છે, અહં છે!”

સુજા – “પણ શરણાગતિનું શું? “  

સ્વામીજી – “ એ પણ એની મેળે જ ખીલતી જશે. જેમ જેમ, ‘બધું જેમ છે, તે બરાબર છે.’ એ સ્વીકારતા થશો પછી એની મેળે શરણાગતિ આવવા માંડશે. એ માટે પણ કશી જહેમત કરવાની નથી.”

સુજા – “શરણાગતિ થાય પછી કશું  નહીં કરવાનું?”

અને છેલ્લું બ્રહ્માસ્ત્ર……

 સ્વામીજી – “નમાલા, હારી ગયેલાની કદી શરણાગતિ ન થાય. એ તો વીર સૈનિક વરસતી ગોળીઓ વચ્ચે દેશને ખાતર જાનની આહૂતિ આપે, તેમ પરમ ચેતનાને આપણા સમગ્ર અસ્તિત્વનું  સમર્પણ. આપણા કાર્યમાંથી એક ડગલું પણ પીછેહઠ કરવાની નથી. એનું ફળ મળે કે ન મળે, પૂર્ણ નિષ્ઠાથી અને પૂર્ણ આનંદથી કામગરા રહેવાનું છે. આ શૂરાનો માર્ગ છે – થાકેલા/ હારેલાનો નહીં“

સુજા- “ અર્જુનની જેમ?”

સ્વામીજી – “એને તમે જોયો છે? !”

સુજા – “ ના, વાંચેલું છે.”

સ્વામીજી – “ એ બધાં શાસ્ત્ર કાંઈ કામ ના આવે. એની તમારે કશી જરૂર નથી. તમારે જાતે હેંડવું પડશે -આંખો ખુલ્લી રાખીને.”

અહોહો! બધા સંશય ટળી ગયા. હવે બસ ચાલવાની મજા, જીવવાની મજા- હરેક ક્ષણ  –  જાગતા રહીને. કોઈને માટે દ્વેશ નહીં, કોઈની પ્રશંસાની જરૂર નહીં. કોઈ દ્વેશ કરે, તે માટે મનમાં કોઈ ભાર નહીં. કોઈ પાસેથી કશી અપેક્ષા નહીં”  

અમે બન્નેએ પ્રણામ કરીને સ્વામીજીની રજા લીધી.

બસ. એ ઘડી અને…
સુજાની ઘોર નિદ્રા ગાયબ થઈ ગઈ.

કુળદેવીની પહેલી યાત્રા

૧૯૭૭ , કનોડા

શિયાળાની બપોર હોવા છતાં. ધોમધખતો તડકો હતો. અમારા જોડિયા દીકરા આશરે બે વર્ષના હતા અને તેડાવા માટે રડતા હતા. રસ્તો સાવ ધૂળિયો અને આબડ ખુબડ હતો. હજી અમારાં કુળદેવી બહુસ્મર્ણા માતાના મંદિરની ધજા તો ઘણે દૂર હતી. રીક્ષા કે ગાડા જેવું કોઈ સાધન મળી જાય એની અમે આશા રાખતાં હતાં. એસ. ટી ની બસે અમને કલાક પહેલાં , ડામરના રસ્તા પરથી આ ધૂળિયા રસ્તાના જન્કશન પાસે છોડી દીધા હતાં.
આ દુઃસાહસ કરવા માટે મનોમન અફસોસ પણ થઈ રહ્યો હતો. પણ છેવટે એ વ્યથાનો અંત આવ્યો, અને પડું પડું કરી રહેલા મંદિરના દરવાજા પાસેના ઓટલા પર ધબ કરીને અમે બેસી ગયા! થોડોક હાહ ખાઈ અમે અંદર ગયા અને મંદિરની હાલતની ચાડી ખાતા ધર્મશાળના એક જૂના ઓરડામાં આશરો મેળવ્યો. સાથે અમને પાણીનું માટલું અને કોલસાનો ચૂલો પણ જાતે ભોજન બનાવવા મળી ગયો!

વાત એમ છે કે, મારાં સાસુ – સસરાએ સિદ્ધપુરમાં એમનાં કુળદેવી સિદ્ધેશ્વરી માતાના થાનકમાં હવન રાખ્યો હતો. બે દિવસ ત્યાં બાદશાહી મજા માણી અમે અમદાવાદ પાછા જવા નીકળ્યા હતાં. સાથે જ્યોતિના કાકા મુકુંદરાય જાની અને કૈલાસકાકી પણ હતાં. સિદ્ધપુરથી નીકળતી વખતે એમણે વાત વાતમાં કહ્યું હતું ” આપણાં કુળ દેવી બહુસ્મર્ણા માતાનું થાનક રસ્તામાં જ આવે છે. ”
મારા બાપુજીએ પણ આ વાત મને કહી હતી, પણ પગપાળો અને કઠણ રસ્તો હોવાના કારણે એ અમને ત્યાં લઈ ગયા ન હતા. આથી અમે નક્કી કર્યું કે, રસ્તામાં આવતા સદુથલા ગામ સુધીની જ ટિકિટ લેવી અને ઘણી જૂની આશકા પૂરી કરવી. આમ જાતરા કહેવાય એવી, અમારી કઠણ જાતરાની શરૂઆત થયેલી!

થોડોક આરામ કરી, કૂવાના થાળા પરથી જાતે ડોલ વડે પાણી ખેંચી અમે બાજુની ટૂટલ ફૂટલ ઓરડીમાં નાહ્યાં અને પછી મંદિરમાં માતાજીનાં દર્શન કરવા ગયાં. ઉપર બતાવેલ મૂર્તિ તો હમણાંની છે . ( ફોટો સૌજન્ય – અમારી ભત્રીજી કૌમુદી જાની) પણ એ વખતે તો એક નાના ગામના મંદિરની હાલત જેવી હોય તેવી જ મંદિરની હાલત અને એવા જ મૂર્તિના શણગાર હતાં.

પણ, અમે શ્રધ્ધાથી માતાજીની પૂજા કરાવી, અંતરથી વંદન કર્યા અને સિદ્ધ પુરથી લાવેલ નાળિયેર ચઢાવી, સાસુમાએ આપેલ મગસનો પ્રસાદ ધરાવી, માતાજીનો પ્રસાદ ભાવથી આરોગ્યો .

સાંજે જ્યોતિ અને કૈલાસ કાકીએ ઘણા વખત પછી કોલસાનો ચૂલો પ્રગટાવવાની જહેમત તાજી કરી અને ગામના કરિયાણાની દુકાનમાંથી લાવેલ ચોખા અને દાળ ઓરી ખોચડી રાંધી. ત્યારે અમે બરાબરની ઊઘડેલી ભૂખને સંતોષી શક્યા!

રાતે ગંધાતી ગોદડીઓ પર આડા તો પડ્યા, પણ મછ્છરોના પ્રેમને શી રીતે રોકવો એ અનેક સમસ્યાઓમાંની એક હતી! પણ થાક એટલો બધો લાગેલો કે, જેમ તેમ સવાર તો પડી અને અમે પાછા એ જ રસ્તે રિટર્ન મુસાફરી શરૂ કરી. જો કે, એક ગાડાંની સહેલ મળી ગઈ હતી, એટલે પહોંચતી વખતની હરકતો ન હતી. સાત વરસની દીકરી અને જોડિયા દીકરાઓને પણ આ અવનવા વાહનમાં મુસાફરી કરવાના નવા અનુભવનો ઉલ્લાસ હતો. આથી અમે નિર્વિઘ્ને મહેસાણાની બસ પકડી અને ત્યાંથી બીજી બસમાં અમદાવાદ પાછા ફર્યા.

આ થઈ ૪૨ વર્ષ પહેલાંની અમારી પહેલી યાત્રાની કથા.

અલબત્ત, પછી તો કુળદેવીના ઘણા ભક્તો ત્યાં જતાં થયાં. વ્યવસ્થા માટે એક ટ્રસ્ટ સ્થપાયું, અને ઘણા બધા ભાવિકોની સખાવતથી અત્યારે તો મદિરની જાહોજલાલી ઘણી વધી ગઈ છે. રહેવા, જમવાની પણ બહુ જ સરસ વ્યવસ્થા છે. વિજળી અને પમ્પના કારણે બધી આધુનિક સગવડો પણ થઈ ગઈ છે. એ વિસ્તારમાં ઓ.એન.જી.સી. ની ઓઈલ ડ્રિલિંગ કામગીરીને કારણે છેક ગામ સુધી પાકો રસ્તો પણ બન્યો છે. એસ. ટી. ની એક બસ પણ દરરોજ ત્યાં જવા અને પાછા આવવા મળી જાય છે.

હાલનું મંદિર

પણ, એ અફલાતૂન મુસાફરીની યાદ
અમારા દિલો દિમાગમાં કાયમી રહી ગઈ છે !

જાગૃતિની શરૂઆત

૨૦૧૧, જાન્યુઆરી – અમદાવાદ

‘સુજા’ – તમે દેશની મૂલાકાત વખતે મોટાભાઈને ઘેર મળવા આવ્યા છો. થોડીક વાર પછી, એમની પુત્રી કૌમુદી બહારથી થાકીપાકી આવે છે. ખભા પરનો થેલો ઊતારી સામે બેસે છે. તમને ખબર છે કે, તે આર્ટ ઓફ લિવિન્ગની શિક્ષિકા છે, અને કલોલમાં એનું શિક્ષણ આપીને આવી છે.  થોડીક વાતચીત પછી તમે મનમાં સળવળતો કુતૂહલનો કીડો સંતોષવા એને પૂછો છો –

“આ આર્ટ ઓફ લિવિન્ગ શું છે?”

     કૌમુદી – “એ સમજવા કે જાણવાથી તમને કશો ફાયદો નહીં થાય. તમારે એની બરાબર તાલીમ લેવી પડે, અને એનો નિયમિત અભ્યાસ કરવો પડે.”

     પછી તો તમે ઘેર ગયા. પણ મનમાં જવાબ ન મળવાની ચટપટી વળગી ગઈ. એકાદ અઠવાડિયા પછી, તેને વિનંતી કરી કે, એના હવે પછીના કોર્સમાં તમને સામેલ કરે. એણે તમને દાખલ પણ કરાવી દીધા. કાળક્રમે એમાં પહેલા દિવસે ગયા પછી, બીજું કામ આવવાના કારણે એ પૂરો ન થઈ શક્યો. કૌમુદીને એ ન ગમ્યું – એટલે બીજા બે ત્રણ સંબંધી અને અન્ય વીસેક ભાઈ બહેનોની એક ખાસ બેચ બનાવી તેણે અમદાવાદમાં જ એક કોર્સ યોજ્યો.

   આર્ટ ઓફ લિવિન્ગની સુજાને મળેલી આ બીજી તક પણ એના સ્વભાવ મુજબ ‘ગનાન’ મેળવવા પૂરતી જ મર્યાદિત રહી!  

   પણ છ મહિના પછી, જુલાઈ – ૨૦૧૧ માં અરવિન, ટેક્સાસ ખાતે યોજાયેલ રિફ્રેશર કોર્સમાં તમે ફરીથી ભરતી થઈ ગયા. એના અંતે એના શિક્ષક શ્રી. વેન્કટે પ્રતિજ્ઞા લેવડાવી કે,

    ‘ચાલીસ દિવસ એની સાધના ચાલુ રાખીશ. જો એકાદ દિવસ પડે તો વાંધો નહીં, ફરીથી એકડે એકથી શરૂઆત કરીને નવા ચાલીસ દિવસ સાધના કરીશ.“

    અને……એ બીજી નાનકડી સૂચના કામ કરી ગઈ! સુજા – તમે બરાબર ચાલીસ દિવસ યોગ, પ્રાણાયમ અને સુદર્શન  ક્રિયાની સાધના પૂરી કરી શક્યા.

    બસ – એ ઘડી અને એ સતત મહાવરો – આજના દિન સુધી એ અભ્યાસ જારી રહી શક્યો છે. અલબત્ત એમાં પણ ઘણીવાર ઘણી ચૂક થઈ છે. પણ દસ વર્ષના મહાવરાના કારણે, શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી મનના પ્રવાહો અને આવેગો પર નજર રાખી શકવાની આદત તમને હવે ‘સહજ’ બની ગઈ છે.

એના ફાયદા સ્વયંસંચાલિત રીતે ( automatically) મળતા થવાના કારણે, એ પધ્ધતિ કામ કરે છે.’

– એ વિશ્વાસ તમારા ચિત્તમાં વજ્રલેપ બની ગયો છે.

ભજન / માળાને રામ રામ !

૨૦૦૨ની સાલમાં આશરે નવેમ્બર મહિનો

સુજા તમે કાર ચલાવતાં સ્થાનિક મંદિર તરફ જઈ રહ્યા છો. આખા રસ્તે ગાયત્રી મંત્રની માળા ચાલુ જ છે.  પાંચ માળા પૂરી કરવાનો નિત્ય નિયમ ચૂક્યા વિના પાળવાનો છે. દીકરીના ઘરના બેક યાર્ડમાં આવેલા હિંચકા/ લપસણી પર એનાં બાળકોને ઝૂલાવતાં તમે પાંચ ભજનનો ક્વોટા પૂરો કરી દીધો છે. છેલ્લી માળાનો છેલ્લો શ્લોક પતાવી  ‘આજનું કામ પૂરું થયું.’ એવો હાશકારો કરી તમે ઉપરછલ્લો આનંદ માણી લો છો. પણ,  ‘આમ માળા/ ભજન કરવાથી પરમ આનંદ અને શાંતિ મળશે.’  –  એ માન્યતા રોજની જેમ જ ઠગારી નિવડી છે. ખેર! આ જ તમારી નિયતિ છે, એમ મન મનાવી તમે કાર પાર્ક કરીને મંદિર તરફ પ્રયાણ આદરો છો.

  ‘દેશમાં કેવી દોમ દોમ સાહ્યબી હતી? કમ્પનીએ આપેલ મહેલ જેવા ક્વાર્ટરમાં ચાર ચાર કામ કરનારા મદદનીશો હતા. (ચોવીસ કલાક માટે નોકરો માટેના ક્વાર્ટરમાં રહેતી કામવાળી બાઈ, ઘરની સાફસૂફી માટે સફાઈ કામદાર, મોટા બગીચામાં કામ કરવા માટે માળી અને કમ્પનીએ આપેલ ગાડી ચલાવવા માટે ડ્રાઈવર). ઓફિસમાં એક પટાવાળો માત્ર તમારી સેવા માટે હાજર રહેતો. અંગત સ્ટેનોગ્રાફર – ભૂલ્યો, પ્રાઈવેટ સેક્રેટરી તમારો પડ્યો બોલ ઝીલી લેવા તમારી ઓફિસની બહાર હમ્મેશ હાજર રહેતો. ૧૫૦ ઓફિસરોની ફોજ તમારી ૨૫૦૦ માણસોની સેનાના મોખરે હતી.’

  ‘અને આ દોજખમાં? દિવસમાં ત્રણ વખત વાસણ ઊડકવાનાં- એ તો ઠીક; દોહિત્રોનું મેલું પણ તમારે સાફ કરવું પડે છે. રાજરાણીની જેમ દેશમાં  મ્હાલતી તમારી પત્ની અહીં રસોયણ છે. મેલાં લુગડાં એને જ ધોવાં અને વાળવાં પડે છે.’

  ‘બધી મજા ઓસરી ગઈ.
એ સલ્તનત ભાંગીને ભૂક્કો બની ગઈ.
એ તાજ ગયો, એ પાટ ગઈ, એ શહેનશાહી ગઈ.
જીવન ઝેર જેવું બની ગયું.’

    આ રોજ અનેક વાર થતી સ્વગતોક્તિ ક્યારે તમારો પીછો છોડશે? આવા હાયકારા સાથે તમે મંદિરમાં પ્રવેશો છો. આજે દેશમાંથી આવેલા, દંતાલીના સચ્ચિદાનંદ સ્વામીનું વ્યાખ્યાન છે. તમે સાવ નીરસ ભાવે એ સાંભળવા ખુરશી પર બિરાજમાન થાઓ છો. એમના તેજસ્વી મુખારવિંદ સામે જોતાં  તમે ચપટિક ઈર્ષ્યાભાવ પણ સેવી લો છો. ‘આવી પરમ શાંતિ અને સંતોષ આ જન્મમાં કદી તમારા નસીબે આવશે ખરાં?’

     સ્વામીજીનું વ્યાખ્યાન શરૂ થાય છે. એમની વેધક અને અસ્ખલિત  વાણીના પ્રવાહમાં તમે તણાવા લાગો છો. ધીમે ધીમે એમના વિચાર અને વાણી તમારા ચિત્તમાં કોઈક નવા જ પ્રવાહોને જન્મ આપવા માંડે છે. ‘મરણ બાદ મોક્ષ પ્રાપ્તિના લક્ષ્ય કરતાં, આ ક્ષણમાં જીવતા થવાની  વાત જરૂરી છે.’  એમ વળી વળીને અને અનેક ઉદાહરણો આપીને સ્વામીજી સમજાવતા રહે છે. કશીયે સાધના વિના તમારા અંતરમાં એક ટાઢો શેરડો વહેતો થયાનો ક્ષણિક ઉલ્લાસ તમારા કોશે કોશમાં તમે અનુભવો છો. સેવાના આનંદની સર્વોત્તમતા પણ સ્વામીજીએ દાખલા દલીલો સાથે સમજાવી છે. દીકરીના ઘરમાં કામ કરી, તમે પણ એક નાનકડો સેવાયજ્ઞ આદર્યો છે – એ સત્ય તમને સમજાતું જાય છે.

     વ્યાખ્યાન પૂરું થાય છે. આખા રસ્તે કોઈક પરમ ઉલ્લાસ તમારા અંગેઅંગમાં ફરી વળ્યાનો અહેસાસ તમે કરતા રહો છો. આશાના એક નવા કિરણ સાથે તમે ઘેર પાછા ફરો છો. ‘આજથી જ બધા ભજન અને માળાને બાય બાય…’ આ સંકલ્પ સાથે તમે મોડી સાંજના ઘેર પહોંચો છો. કેટલા બધા મહિના પછી તમને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે.

    એ ઘડી અને એ પ્રસંગ –

‘સુજા’એ પાછું વાળીને જોયું નથી.

અફલાતૂન તબીબ – ૧૩૮/ ૮૦

હૃદયના દબાણનું માપ – દસ મિનિટ પહેલાં

૨૦૦૮ માં પહેલી વાર ઉપરનું દબાણ ૧૭૦ની આસપાસ હતું, ત્યારે અહીંના ડોક્ટરે લોહીના દબાણ માટેની ગોળી શરૂ કરાવી હતી. આ ૧૩ વર્ષમાં એ ગોળી કરતાં વધારે પાવર વાળી બે ગોળીઓ છેલ્લા એક વર્ષથી ચાલુ હતી. અને આજે?

૧૩૮/ ૮૦ – દસ દિવસથી

એ બન્ને ગોળીઓ વિના !

કોણ છે એ અફલાતૂન તબીબ, જેણે આ ચમત્કાર કર્યો?

અરવિન ખાતે મારા દીકરાની કોલોનીમાં

રહેતા ખાસ મિત્ર – મોહન મોઘે

સલામ – મોહન

એમની સલાહથી ગ્લુટન ન હોય, તેવા આહાર પર છું – એના પ્રતાપે

ફુલણજી પડીકું!

દેડકો ફુલણજી હોય કે, કોઈ અભિમાની જણ ફુલણજી હોય. પણ … કાલે ફુલણજી પડીકું જોવા મળ્યું !

વાત જાણે એમ છે કે, અમે ગઈકાલે ડેનવર – કોલોરાડોની નજીક ૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલી એક જગ્યાએ ગયા હતા. ત્યાં નાસ્તો કરવા થેલીમાંથી આ પડીકુ કાઢ્યું , તો એ ફૂલીને ફાળકા જેવું થઈ ગયું હતું!

કારણ ?

આટલી ઊંચાઈને એમાં સાચવણી માટે ભરેલો નાઈટ્રોજન વાયુ, બહારની હવાના નીચા દબાણને કારણે ફૂલ્યો હતો!

આપણા મગજની અંદર પણ ‘હવા ભરાય’ અને આપણે ફુલણજી બની જઈએ – એમ જ તો !

ગુજરાત બહાર દિવાળી

૨૦૦૮ ના ઓક્ટોબરમાં આ સ્વાનુભવ અહીં લખ્યો હતો

આનંદની વાત એ છે કે, સુરેંદ્રનગરથી પ્રસિદ્ધ થતા ‘વતનની વાત’ દૈનિકમાં તે છપાયો છે. એના તંત્રીમંડળનો અને ત્યાં સુધી પહોંચાડનાર પ્રીતિ બહેન ભટટનો ખુબ ખુબ આભાર .