સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: સ્વાનુભવ

અફલાતૂન તબીબ, ભાગ -૧૪; કિરોપ્રેક્ટિક( હાડવૈદ?)

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

      પાંચેક મહિના પહેલાં વસંત ઋતુની શરૂઆત સાથે દિકરા સાથે ચાલવા ગયો હતો. લોન્ગ વીકેન્ડ હતું; એટલે અમે સ્થાનિક પાર્કમાં રોજ ચાલવા જતા. જુવાનજોધ દિકરો તો ચારેક રાઉન્ડ અટક્યા વગર, રમતાં રમતાં કાપી નાંખે. પણ આ ટાયડાને તો  એક રાઉન્ડમાં પણ ત્રણ બાંકડાનો આશરો લેવો પડે. ‘અઢી વરસથી આદરેલી સાધના બધી શા કામની?’ – એવો નિર્વેદ સતત ઊભરાતો જ રહે.

    વીકેન્ડ પત્યે, દિકરો તો પાછો ગયો; પણ આ નિર્વેદ કેડો જ ના મેલે. એકલા પાર્ક સુધી જવાનો પણ કંટાળો આવે. છેવટે એક સદ્‍વિચાર સૂઝ્યો. અમારા ઘરની સામે જ ઠીક ઠીક લાંબો રસ્તો છે. એની પર જ ચાલવાનું રાખું તો? આ અઈડ માણસનો એક દુર્ગુણ ગણો તો દુર્ગુણ અને સદ્‍ગુણ ગણો તો સદ્‍ગુણ- તે એ કે, મગજમાં એક કીડો ઘર ઘાલે; પછી એનો નિવેડો લાવ્યા વિના ચેન જ ન પડે. એ જ દિવસની સાંજથી આ રસ્તે ચાલવાની શરૂઆત કરી દીધી. રસ્તાની લંબાઈ માત્ર ૦.૫ માઈલ – આવતા જતાના એક રાઉન્ડમાં પૂરો એક માઈલ થઈ જાય.

Dover_Park_walk

          ‘શામળશાહના વિવાહ’ વખતે નરસિંહ મહેતાએ કાઢી હતી; એ જાનના ગાડા જેવી આ ઠચરાની હાલત; સાંધે સાંધો  ચિચિયારીઓ પાડે!  ખાસ કરીને બન્ને થાપા તો ફાટફાટ થાય. ‘ક્યારે બેસી પડું?’

વળી, આ મહાન રસ્તાનું નામ ભલે ને, ‘ડોવર પાર્ક’ હોય?
ન્યાં કણે બાંકડા ચ્યોંથી લાવવા?!

         આપણે તો બાપુ! આજુબાજુના બંગલાઓની આગળની લીલોતરીનો આસ્વાદ માણતા(અહીં એને હાઉસ કહે છે.); બાદશાહીથી ઊભા રહી જઈએ હોં! પહેલા દિવસનો રેકોર્ડ કહું ? આખો રસ્તો પાર તો કર્યો; પણ ચર્ચગેટથી દાદર લગણ મુંબાઈની લોકલ ટ્રેન સાત મુકામ કરે ; એમ આપણે પણ સાત સ્ટેશનના ઝંડા રોપી દીધેલા!

         પણ બે વાતની મનમાં ગાંઠ વાળી દીધી

  1. ‘હવે સીઝન જામી છે તો, રોજ આ લોકલ ગાડી ચાલુ રાખવાની. ભલે ને સાત ટેહણ કરવા પડે!’
  2. ‘રોજ દરેક સ્ટેશન વચ્ચે અંતર ચપટીક વધારતા જવાનું.’

        અઠવાડિયા પછી સાત સ્ટેશનમાંનું એક તો બાકાત કરી શક્યો! આમ ને આમ બે મહિના નીકળી ગયા. પણ છેવટનો સ્કોર પાંચ સ્ટેશન તો રહ્યો, રહ્યો ને રહ્યો જ. કોઈ દિ’ છ સ્ટેશન પણ કરવા પડે. એમ થાય કે, બસ આપડી આ ‘મેક્સ-લિમિટ’ આવી ગઈ.

      અને ત્યાં જ એ ‘અફલાતૂન તબીબ’ યાદ આવી ગયા. વાત જાણે એમ છે કે, બે વરસ પહેલાં ડાબા ખભાનો દુખાવો વકરેલો; માઈનોર સર્જરી ( Manipulation) પણ કરાવવી પડી હતી. પછી એ સર્જનની સલાહ મુજબ આ તબીબ પાસે ગયેલો. આમ તો મૂળ ગુજરાતી ‘ભક્તા’ સાહેબ; પણ નામે ગુજરાતી એમને ના આવડે. અહીં જન્મેલ જુવાન માણસ ખરા ને? એમની પાસે અઠવાડિયાના ત્રણ દિવસ ફિઝિયોથેરાપીની તાલીમ લેતો હતો. બે મહિના ચાલેલી તાલીમ દરમિયાન એમની સાથે ઠીક ઠીક મિત્રતા જામેલી. એમને મારી ચાલવાની તકલીફની વાત કરેલી. એમણે એ વખતે ખુરશી કે કોફી ટેબલ જેવા રચીલા પર પગ ટેકવીને, ઘુંટણથી વાળી કસરત કરવાનું શીખવાડેલું. થોડાક દિવસ એમ કસરત કરેલી પણ ખરી. પણ મૂળ ખભાના દુખાવા પર મારો હતો; એટલે પગની આ કસરત ખાસ લાંબી ચાલી ન હતી.

        પણ ચાલવાના અભિયાનના આ મધ્ધમ મુકામે એ ભક્તા સાહેબ યાદ આવી ગયા. સવારની કસરતની સાથે પગની આ કસરત શરૂ કરી દીધી. બે ત્રણ દિવસમાં જ જાણકાર તજજ્ઞ પાસેથી મળેલી આ સલાહ અને તાલીમનું ફળ દેખાવા લાગ્યું. એકેક અઠવાડિયે એક એક સ્ટેશન કમ થતું ચાલ્યું.

    અને મિત્રો… આ છેલ્લા મહિનાથી એ એક માઈલનું આખું યે અંતર, આ ૭૧ વરસની એકસપ્રેસ ટ્રેન  કોઈ સ્ટેશન વિના કાપી નાંખે છે; અને એ પણ ડલાસની બળબળતી બપોરના ચાર વાગે. ઘેર આવી પસીને રેબઝેબ, ઠંડું પાણી પીવાની જે લિજ્જત હોય છે?

     અને ‘કંઈક’ મુકામ હાંસલ કરી શકવાના ગૌરવ અને સંતોષની વિરાસત તો ખરી  જ ને વારૂ?

અફલાતૂન તબીબ, ભાગ-૧૪ ; બ્લડ પ્રેશર

   ખજૂર વાળી વાત આગળ ચલાવીએ ; અને વધારે ઉત્સાહ સાથે.
  એ વાત વાળી તકલિફ શરૂ થઈ તેને વિત્યે દોઢ મહિનો વીતી ગયો. એ ડોક્ટરને ફોલો અપ માટે આજે સવારે મળવા જવાનું હતું.
    પહેલાં કમ્પાઉન્ડર બહેને પ્રેશર માપ્યું. જો વધી ગયું હશે તો બીપીની ગોળી બંધ કરવા માટે ડોક્ટરનો ઠપકો સાંભળવો પડશે; એ ડર મનમાં ઘુમરાયા જ કરતો હતો. એ ડરના ઓથાર હેઠળ, એ બહેનને ધીમા અવાજે પૂછ્યું,” કેટલું પ્રેશર આવ્યું?’
  અને ફટ જવાબ મળ્યો ,” ૧૨૨/ ૭૫ “
  થોડીક ઠંડક વળી!
  થોડીક વારે ડોક્ટર મેડમ પધાર્યાં.
  તેમણે પણ પ્રેશર માપ્યું. ફરી એજ ડર સાથે પ્રશ્ન ,” કેટલું પ્રેશર આવ્યું?’
 અને જવાબ ,” સરસ છે . ૧૧૮/ ૭૭ “
 અને પછી તો બાપુ આપણે હિમ્મત ભેર મેડમને ખબર આપી જ દીધી ,
” એક મહિનાથી બીપીની ગોળી બંધ છે.”
    અને સાથે એમની પરવાનગી લઈ એ આખો અનુભવ અને ૧૯૭૬ ની સાલનો ‘ અફલાતૂન તબીબ , ભાગ -૧ ‘  વાળો અનુભવ પણ ટૂંકમાં બહેનને વર્ણવ્યો.
    ભય તો હતો જ કે, એ ડોક્ટર બહેન મોં મચકોડી આખી વાતને હસી નાંખશે.  પણ…  આજની સવાર તો આશ્ચર્યોની પરમ્પરા ઊભી કરવા જ સર્જાઈ હતી.
   તેમણે સસ્મિત જણાવ્યું,” અમને દરદીનું સ્વાસ્થ્ય સારૂં થાય, એમાં જ રસ હોય છે. મેંતો તમને ખાંડ ઓછી કરવા ક્યારનુંય કહેલું જ હતું ને? તમે આ અમલ કર્યો તે સારૂં  જ કર્યું. તમે યોગાસન અને પ્રાણાયમ કરો છો, એમ હું પણ કરું છું. હવે ત્રણ મહિના આ પ્રયોગ ચાલુ જ રાખો. પછી તમારો લેબ ટેસ્ટ લેવડાવીશ; અને તમારી ગોળી હમ્મેશ માટે બંધ કરવી કે નહીં; તેનો આખરી નિર્ણય લઈશું.”
    એ આખરી  નિર્ણય તો જે આવે તે પણ, એ દિવંગત અફલાતૂન તબીબ ગીદવાણીજીને મનોમન વંદન કરી જ દેવાયા. 
————–
   અને ખજૂરથી આ જણને થયેલ  ફાયદાઓને શાસ્ત્રીય સમર્થન આરહ્યું –
They are moderate sources of vitamin-A (contains 149 IU per 100 g), which is known to have antioxidant properties and essential for vision. Additionally, it is also required maintaining healthy mucus membranes and skin. Consumption of natural fruits rich in vitamin A is known to help to protect from lung and oral cavity cancers.
હવે વાચક મિત્રો…
આ બામણની બે હાથ જોડીને વિનંતી માનશો?
ખાંડ કાલથી મળતી બંધ થઈ જવાની છે; એવી કલ્પના કરી, એની ઉપર સખત નિયંત્રણ લાવી દેશો ને? ( એવો સમય આવવાનો જ છે; એનું અવલોકન આ રહ્યું! )

અફલાતૂન તબીબ, ભાગ-૧૩ ; ખજુર

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

      એકાદ મહિના પહેલાં સખત ઉધરસ થઈ હતી. ત્રણેક દિવસ પછી કશો ફરક ન પડતાં ડોક્ટર પાસે જવું પડ્યું. એમણે ત્રણ દિવસની એાન્ટિ બાયોટિક દવા લખી આપી. એ ત્રણ દિવસ પત્યે છાતીમાં કફ એટલો બધો જડાઈ ગયો કે, ગમે તેટલું ખાંસું; પણ ગળફો  નીકળે જ નહીં. આખી રાત ઊંઘ ન આવે.
       એક દિવસ ઉપવાસ,ત્રણ દિવસ ફળાહાર અને પછી ફળ , સૂકી રોટલી અને બાફેલું શાક. ચા, દવા બિલકુલ બંધ . બીપીની ગોળી પણ બંધ. ત્રીજા દિવસથી કફ છૂટવા લાગ્યો. ઉધરસના દરેક ઠમકા સાથે ગળફા નીકળવા લાગે.
     અઠવાડિયામાં તો બધી દવાઓ બંધ  કરવા છતાં એકદમ રાહત થઈ ગઈ. ડરતાં ડરતાં બંધ કરવા પડેલાં યોગાસન, પ્રાણાયમ અને સુદર્શન ક્રિયા શરૂ કરવા ગયો; અને આશ્ચર્ય વચ્ચે વધારે સારી રીતે સ્ટ્રેચ થઈ શક્યા. પ્રાણયમ પણ વધારે ઊંડા અને સુદર્શન ક્રિયામાં એકદમ ધ્યાનસ્થ . રાતે એવી ઊંઘ આવે કે, સવાર ક્યાં , એ ખબર જ ન પડે.
     અત્યાર સુધી બામણ સ્વભાવ મુજબ ગળ્યું ખુબ ભાવે. આ બધું કર્યા પછી ખાંડ ૯૦ % ઓછી કરી દીધી. ચા તો બંધ જ.
અને હવે મુખ્ય વાત …..
      રોજ બે વખત  કૂકી કે સ્નેક બાર  ખાવા જોઈએ, એની જગ્યાએ ચાર ખજૂર ખાવાનું રાખ્યું છે. અને નહીં માનો આંખો સૂકી રહેતી રહેવાના કારણે થતો દુખાવો ગાયબ ! રોજ ત્રણ ચાર વખત રડતા રે’વા ( એનો હાસ્ય લેખ વળી આ રહ્યો !) ટીપાં નાંખવા પડતા’તા, એ બંધ થઈ ગયા.
 પ્રેશરની ગોળી બંધ છે તો પણ પ્રેશર ૧૨૦ – ૧૨૫ ની આજુબાજુ જ રહે છે.
———–
      આજે આ વાત એટલા માટે બ્લોગિત કરી કારણકે, સુ શ્રી. પ્રજ્ઞાબેનનો ‘ખજુરના ફાયદા’ સંબંધી ઈમેલ મળ્યો. એ સમાચારને આ સ્વાનુભવ પીઠબળ આપશે; એમ લાગવાથી જનહિતાર્થે આ અનુભવ રજુ કર્યો છે – ખાસ આ લખનાર જેવા ‘ગળ્યા દાંત ( Sweet tooth )’ વાળાઓ માટે !!

લીલી રેતીનો દેશ

રણમાં ઉગ્યો છોડ
પી જઈ તરસ આખી
વહાવે
લીલી રેતનો દરિયો

-શ્રીમતિ  રેખા સિંધલ

(  તેમના બ્લોગ  ‘ અક્ષયપાત્ર’  પર )

       રેખાબેને આ સુંદર કલ્પના ‘ રણછોડ’ માટે કરી છે પણ મને એ બહુ જ ગમી ગઈ; અને એ ઉપમા આપી દીધી આ વખતની ભારતયાત્રા પહેલાં નજર અંદાજ઼ કરેલા એક દેશ માટે.

    દુબાઈના એરપોર્ટ પર પગ મૂકતાં જ મારી પત્નીએ અને મિત્રોએ કરેલી એની પ્રશંસા યથાયોગ્ય લાગી. જોઈ લો અમેરિકાના કોઈ પણ એરપોર્ટને ટક્કર મારી દે તેવા એના એરપોર્ટનો આ નજ઼ારો… અને હજુ વધારે ભવ્ય નવું ટર્મિનલ તો જાન્યુઆરીમાં ખુલ્લું મુકાવાનું છે.

IMG_20121124_095203 IMG_20121124_095455
IMG_20121124_101402 IMG_20121124_101406 IMG_20121124_101415 IMG_20121124_101738 IMG_20121124_101744

મધરાતે તો એની આટલી જ ‘લીલાશ’ નજરે ચઢી હતી. પણ બીજા દિવસે વલીદાના જમાઈ નૌશાદ શાહુએ પ્રેમપૂર્વક ફરીને મને અના ખૂણે ખૂણાનું વિહંગાવલોકન કરાવ્યું.

દુબાઈના મોલમાં શ્રી. નૌશાદ શાહુ

દુબાઈના મોલમાં શ્રી. નૌશાદ શાહુ

IMG_3142

આ હતું…. એ દેશનું આજથી ૩૦ વર્ષ પહેલાંનું દૃષ્ય…

ગલ્ફના દેશોના કાળા સોના ‘પેટ્રોલિયમ’નું એક ટીપું પણ દુબાઈમાં નથી; કે નથી એક ટીપું વરસાદ પણ ત્યાં વરસતો. પણ જોઈ લો આ લીલોતરી…

અદભૂત ‘ વોટર મેનેજમેન્ટ’ની કમાલ…

IMG_3074 IMG_3104 IMG_3121

      ઝનૂની મનાતી આરબ જાતિના એક અદના શેખનાં સ્વપ્ન, લગન, ધર્મસહિષ્ણુતા, ચાણક્ય બુદ્ધિ , વેપારી કુશળતા અને વહીવટી સૂઝે આ ચમત્કાર સર્જી દીધો છે. માત્ર વેપાર અને પાવર જનરેશનને આનુશંગિક ડિસેલિનેશન ( દરિયાના ખારા પાણીને મીઠું કરવાની ટેક્નિક) ની આ બધી માયાજાળ છે.

આ રહી વિકી ઉપર ઢગલાબંધ માહિતી ….

અને આ રહી… મારા કેમેરાની આંખે ઝડપેલ વૈભવ….

સલામ દુબાઈના મહમ્મદ શેખને

અને ફેબ્રુઆરી- ૨૦૧૩ માં ખુલ્લો મુકાયેલો આ વિશ્વનો આ સૌથી મોટો ફૂલોનો બગીચો

( સાભાર – ડો. રાજેન્દ્ર ત્રિવેદી )

This slideshow requires JavaScript.

ચૂકેલો રસ્તો – એક અનુભવ

       મહેશ! આમ તો તમે  મોડા નથી. પત્ની સાથે ખરીદીનું કામ આટોપી તમારા પૌત્રને લેવા તમારે જવાનું છે. સમયની પાબંદી માટે કુટુમ્બ અને મિત્રમંડળમાં તમે મશહૂર છો; અને આજે પણ તમારી ગણતરી મુજબ તમે દસ મિનીટ વહેલા જ પહોંચી જવાના છો.

       પણ રસ્તામાં ચાલતા સમારકામના સબબે તમારો જાણીતો રસ્તો એક જગ્યાએ  બંધ થઈ ગયો છે. તમે બીજો રસ્તો પકડો છો; જેની પરથી તમે કદી મુસાફરી કરી નથી.  મોડી સાંજના અંધારામાં તમે દિશાભાન ચૂકી જાઓ છો. એક વળાંક લેવાને બદલે તમે ગાડી સીધી ચલાવે રાખો છો. અને પછી તો સાવ અજાણ્યા વિસ્તારો આવવા લાગે છે. કોઈક નવી જ ભોમકામાં તમે આવી ગયા હો; તેવી લાગણી તમને ઘેરી વળે છે.

      શ્રીમતિજીનો કકળાટ ચાલુ થઈ જાય છે. ” દર વખતે આવતું હતું ; તે ‘ક્રોગર'( એક દુકાનનું નામ) તો આવ્યું જ નહીં. આ તમને અજાણ્યા રસ્તાઓ પર ડાફરિયા મારવાનો શોખ ક્યારે જશે? કેટલી વાર કહ્યું કે, જીપીએસ સાથે રાખતા હો તો. પણ આ માણસ કોઈનું કહ્યું માને જ નહીં ને.”

     ભુતકાળમાં પણ આમ ઘણી વાર બનેલું છે. આજે પણ તમારો શ્વાસ ઝડપી બની જાય છે.વફાદાર કૂતરાની જેમ, તમારો શ્વાસ મનમાં ઘેરાયેલી ચિંતાઓની અભિવ્યક્તિ  કરી રહ્યો છે. તમારી પત્નીની ઉપર તમને દાઝ ચઢી જાય છે – ‘આ મુશ્કેલીના વખતમાં આવો સપોર્ટ?’

    પણ…

    અઢી વર્ષના અભ્યાસના પ્રતાપે, તમારા બદલાઈ ગયેલા શ્વાસની ગતિ તરફ તરત તમારું ધ્યાન જાય છે. તમે ઊંડો શ્વાસ ભરતાંકને સોહમ્ મંત્રોચ્ચાર શરૂ કરી દો છો. ચાર કે પાંચ જ શ્વાસ અને એની ગતિ સામાન્ય બની જાય છે. બધી તાણ, પોતાની અને પત્ની ઉપરની રીસ અને ચિંતા ગાયબ થઈ જાય છે.

  તમને યાદ આવે છે કે, તમે દક્ષિણ દિશામાં જઈ રહ્યા હતા; અને ભલે હવે સૂર્ય આથમી ગયો છે; પણ જમણી બાજુ વળાંક લીધાના હિસાબે તમારી કાર પશ્ચિમ તરફ જઈ રહી છે. હવે તમારે ડાબી બાજુનો કોઈક રસ્તો પકડવો જોઈએ. પણ ડાબી બાજુએ  તો રેલ્વે લાઈન આવેલી છે. બહુ દૂર એક ફાટક હોય , તેમ લાગે છે. પણ ત્યાં પહોંચતાં તો એ બહુ જ નાનો રસ્તો જણાય છે. ભુતકાળમાં તો તમે આવો ગમે તેવો રસ્તો પકડીને વધારે ને વધારે ભુલભુલામણીમાં ફસાઈ ચૂક્યા હતા; તે તમને યાદ આવી જાય છે.

    તમે ઝડપથી ઉકેલ મેળવવાના મોહમાં ફસાયા વિના વધારે પશ્ચિમ તરફ ધસતા રહો છો. પણ બીજું ફાટક તો ક્યાંય સુધી આવતું નથી. ખાસા આગળ જતાં, બે માઈલ દૂર તમારો જાણીતો એક્સપ્રેસ વે આવશે , તેવી સાઈન વંચાય છે. મોડા પડવાની ચિંતા કર્યા વિના તમે ત્યાં પહોંચી, સાચી દિશાના એક્ઝિટ પર ગાડી વાળો છો. એ રસ્તો તમને ફરી દક્ષિણાભિમુખ કરે છે.

   પણ એ રસ્તો તમારે લેવાના મૂળ રસ્તા કરતાં નાનો છે. ઠેકઠેકાણે સિગ્નલ લેમ્પ તમારી ચાલ ધીમી પાડે છે. તમને અટકવા મજબૂર કરે છે. શ્રીમતિજીના મગજનો પારો સતત વર્ધમાન છે. પણ હવે એનું ઉષ્ણતામાન તમારા શીતળ બનેલા દિમાગને તપાવી શકવામાં અસફળ નીવડે છે.!

    અને ફરીથી બીજો ડાબી બાજુનો વળાંક લઈ; તમે પૌત્રને પીક અપ કરવાની જગ્યા તરફ ગમન કરો છો. પહોંચવાના સમય કરતાં તમે પાંચ મિનિટ મોડા છિ; પણ ‘હવે શું  થશે?’ – એવી તમારી સ્વભાવગત ચિંતા પોઢી ચૂકી છે. ‘ જે થશે, તે થશે. આસમાન ટૂટી પડવાનું નથી.’ – એવી હૈયાધારણ તમે આત્મસાત્ કરી શક્યા છો.

    મહેશ! સતત ચાલી રહેલો ધીમો, ઊંડો  શ્વાસ અને અંદરથી પ્રગટી રહેલો ‘સોહમ્’નાદ આ કટોકટીની વેળાએ પણ, શાંતિકાળની એ જ સ્વસ્થતા અને રોમે રોમમાં દિવ્ય આનંદની અનુભૂતિ તમને કરાવી રહ્યો છે.

અવર્ણનીય
આનંદછતાં કેવો
અનભિવ્યક્ત?

[ એ અવલોકન યાદ આવી ગયું. અહીં ‘ક્લિક’ કરો.]

 

    આ ઘરને  ખાલી કરવાની વાત છે – તનાવ રહિત જીવન બનાવવાની વાત . 

છેવટે તમે આખરી મુકામ પર પહોંચી જાઓ છો. અને આ શું? પૌત્ર તો હજી નિશાળની અંદર જ છે. છેક પાંચેક મિનિટ પછી, તે બહાર આવે છે. એનો કાર્યક્રમ લંબાયો હતો.

‘બધું વ્યવસ્થિત હોય છે.’-
એ સંદેશ તમને યાદ આવી જાય છે.
અને સોહમ- રોમાંચ બમણો ! 

વોલમાર્ટમાં શોપિંગ કાર્ટ – એક અનુભવ

       આજ  સવારની જ વાત છે. વોલ માર્ટમાં રોજબરોજની ચીજો ખરીદવા ગયો હતો. ઘણી ચીજો લેવાની હતી; એટલે દરવાજા પાસેથી શોપિંગ કાર્ટ લીધું. પહેલી જરૂરી ચીજ એમાં મૂકવા એક ગલીમાં ( એઈલ?) ગયો. પણ મારે કામની મળી નહીં. શોધતાં શોધતાં બીજી ગલીમાં હશે , એમ માની કાર્ટ ત્યાં જ મુકી તે ગોતવા ગયો.

        એ ચીજ તો તરત મળી ગઈ; પણ એ લઈને પાછો આવ્યો, ત્યારે કાર્ટ ગાયબ! ગલીના બીજા છેડે એક માણસ કાર્ટ લઈને દૂર જતો દેખાયો. હું બીજી ગલીમાં ગયો, ત્યારે તો માત્ર મારું કાર્ટ જ ત્યાં હતું. ‘ચોક્કસ આ માણસને એની જરૂર પડી હશે; અને છેક દરવાજા સુધી જવાને બદલે એ નધણિયાતું કાર્ટ તેણે લઈ લીધું હશે.’

       મારા સ્વભાવ મૂજબ , હું એ કાર્ટની માંગણી કરવા એના તરફ પ્રયાણ કરવા જતો જ હતો; અને અટકી ગયો. ‘ હશે! એને ઊતાવળ હશે.  ભલે એ લઈ જાય. હું તો નવરો ધૂપ છું; અને આમેય ચાલવાનો મહાવરો પાડવાની મને જરૂર છે.’ – એ વિચારે મેં જોયું ન જોયું કર્યું, અને બીજું કાર્ટ લેવા દરવાજા તરફ વળ્યો.

      પણ આખા રસ્તે, એ માણસ તરફ થોડોક અણગમો, અને મારે ચાલવું પડ્યું , તે માટે નાનકડી હતાશા મનમાં ઘેરાયેલાં હતાં.

      દસેક સેકન્ડ  મન આમ વિક્ષુબ્દ્ધ રહ્યું. પણ પછી  ‘દાદા ભગવાન’ નો ઉપદેશ  યાદ આવી ગયો. “એ માણસ પણ મારા જેવો જ શુદ્ધાત્મા છે. એને માટે મેં ભાવ ખરાબ કર્યો, એ ઠીક ન થયું. ભૂલ તો મારી જ હતી ને? એમ કાર્ટ નધણિયાતું મેલીને જઈએ;  તો કોઈક લઈ જ જાય ને? મેં દ્વેશ ભોગવ્યો, એટલે ‘ભોગવે એની ભૂલ’ એ ન્યાયે ભૂલ મારી જ. એ માણસ માટે ભાવ બગાડ્યો , એ માટે એની માફી માંગું છું.”

     અને એ સાથે જ મનની બધી વ્યગ્રતા ગાયબ થઈ ગઈ. સુ.જા. હળવો ફૂલ, અને એનો શુદ્ધાત્મા પ્રસન્ન!

——–

       આમ તો આ સાવ નાનો પ્રસંગ છે. પણ આવા અનેક  – અને અમૂક તો ઘણા ગંભીર કહી શકાય તેવા – પ્રસંગોએ પણ આમ જ તત્ક્ષણ  ક્ષમાયાચના માંગતા રહેવાની વૃત્તિ વધતી જાય છે.

ભૂતકાળની તલવારબાજીઓને અલવિદા!

નામ સ્મરણ – એક અનુભવ

        ત્રણેક વર્ષ પહેલાંની આ વાત છે…..

        એ વખતે ઘણા બધા માનસિક પરિતાપોથી ચિત્ત ઘેરાયેલું હતું – એમાંથી શાતા મેળવવા કશોક માર્ગ શોધતું હતું. ‘ડૂબતો તરણું શોધે.’ – એ ન્યાયે એક દિ આ નાસ્તિક વિચાર સરણી વાળા,  પણ અવનવા પ્રયોગ કરવામાં ઉત્સાહી,  જણને જપ કરવાનું સૂઝ્યું.

       એ વખતે સૌથી ટૂંકો જણાયેલો મંત્ર ‘ॐ नमः शिवाय ।’  પકડ્યો; અને આપણે  તો બાપુ! બાબરા ભૂતની જેમ એ વાંસ પર ચઢ ઊતર કરવા માંડી. ધીમે ધીમે રોજના મંત્રોની સંખ્યા વધવા માંડી. રોજ કરેલા મંત્રોની નોંધ પણ કરવા માંડી. શાતા તો ખાસ ન મળી;  પણ વધી રહેલા મંત્રોની સંખ્યાથી, રેસના ઘોડાને તાળીઓથી ચઢે, એવો પોરસ ચડવા લાગ્યો!

       આમ અને આમ બે એક મહિના વીતી ગયા. કંઈક પ્રયત્ન કરી રહ્યાના ભાવ સિવાય,  માનસિક ખળભળાટમાં ખાસ કાંઈ રાહત મળતી ન દેખાઈ. એક દિવસ, નિત્યક્રમ મુજબ, દીકરીના દીકરાને નિશાળેથી ઘેર પાછો લાવવા એની નિશાળે પહોંચી ગયો હતો.  થોડોક વહેલો હતો; અને  ટકટકિયા પર મંત્રોચ્ચાર કરતો એક ખૂણામાં બેઠો હતો.

counter

       રોજ કરતાં આ સાવ જુદી જગ્યા પરનો  અભ્યાસ હતો.  વહેલો આવ્યા હોવાના કારણે સમય પણ ઘણો હતો. સદભાગ્યે વિચારોનાં વાવાઝોડાં ક્યાક વિહાર કરવા ગયાં હતાં; અને સાવ હળવીફૂલ વિચાર- લહેરખીઓની આવન જાવન જ જારી હતી.

      થોડીક વાર પછી,  હાથમાં ચાલતું ટકટકિયું બંધ પડી ગયું; અને જપ અવિરત ચાલુ રહ્યા. એક લય બંધાઈ ગયો. ડાકોરની એ પહેલી પદયાત્રા જેવો. (એ અનુભવ અહીં વાંચો.)   ‘ॐ नमः शिवाय ।’  ને બદલે  ‘ શ્રી.રામ જય રામ જય જય રામ’ નો મંત્ર ક્યારે શરૂ થઈ ગયો; તેની ખબર જ ન રહી. શરીરના પ્રાણ અને નાકમાંથી થતી શ્વાસ /ઉચ્છ્વાસની અવનજાવન આ સુમધુર બની ગયેલા લયની સાથે તાલ પૂરાવવા લાગ્યાં. થોડીક વારે એ મંત્ર પણ બદલાયો અને ‘જય માતાદી’  નિનાદે એનું સ્થાન લઈ લીધું. કોણ જાણે કેમ, થોડીક  વારે એ મંત્ર બદલાઈને  ‘જય જિસસ’ શબ્દ  જીભ પર ચઢી ગયા અને પછી તો ‘યા અલ્લા’ પણ આવી ગયા!  વચ્ચે  ‘જય જિનેન્દ્ર ‘  પણ જીભે ચઢી ગયા.  છેલ્લે તો ‘ सोsहम् …  ‘ सोsहम् ‘  નો રણકાર, ભમરાની જેમ ગૂંજતો જ  રહ્યો;  ગૂંજતો જ  રહ્યો.

       અને ત્યારે એ સત્ય ઊડીને મન પર સવાર થઈ ગયું કે…..

બોલાઈ રહેલા મંત્રના શબ્દાર્થનો કશો જ અર્થ ન હતો.
કેવળ લય અને નાદની મીઠાશની જ
એ એક અનેરી અનુભૂતિ હતી. 

      લયની એ ભાવ સમાધિનો મીઠો આનંદ એ જ એક અનુભૂતિ સતત બની રહી. રોમે રોમ આ લયમાં ગાંડાતૂર બનીને નાચતા હોય; એવો અનુભવ આશરે પાંચેક મિનિટ રહ્યો.

      નિશાળ છૂટી ગઈ હતી; અને બાળકોનાં ધાડાંઓની આવન જાવન શરૂ થઈ ગઈ હતી.પણ આ રામ તો એનાથી અક્ષુણ્ણ બનીને આ ભાવસમાધિમાં લીન બની,  એની  મજા માણી રહ્યા હતા. અને ત્યાંતો બાબલો આવી ગયો. સમાધિ ટૂટી. ટકટકિયાનું   સ્થાન કારના સ્ટિયરિંગે લીધું; અને ગાડી ચાલુ થઈને રસ્તા પર સરકવા લાગી.

    પણ એ લય – કોઈ શબ્દ વિનાનો લય – તો ઘેર પહોંચવા સુધી અવિરત જારી જ રહ્યો.

કેવો એ  નિર્ભેળ આનંદ?
એને શી ઉપમા આપવી?

પિરામીડોના દેશમાં, ભાગ -૭ : છેલ્લા બે દિવસ

ભાગ – ૧ કેરોમાં ઉતરાણ ઃ      ભાગ – ૨ પિરામીડ પ્લાઝા  ઃ    ભાગ – ૩ ઇજિપ્શિયન મ્યુઝિયમ   

ભાગ – ૪ કોપ્ટિક મ્યુઝિયમ  ઃ    ભાગ – ૫ મેમ્ફિસ, સક્કારા  ઃ    ભાગ – ૬, રોઝેટા શીલાલેખ    

 ચાર દિવસોમાં કેરો ખાતે અને તેની નજીક જે જે જગ્યાઓ જોવા ધાર્યું હતું; તે બધી જોવાઈ ગઈ. પાંચમા દિવસે આમ તો એલેક્ઝાન્ડ્રિયા જઈ શક્યો હોત; પણ કેરોથી ઘણે દૂર આવેલ હોવાથી, મારા ટૂર આયોજક પુત્ર વિહંગની ત્યાં જવા મનાઈ હતી. એ આજ્ઞા પિતાવત્  પાળી !! બાકી ઇજિપ્ત પર ગ્રીક સંસ્કૃતિના પ્રભાવની ઝલક મેળવવા અને ક્લિયોપેટ્રા, જુલિયસ સીઝર અને એન્થનીને યાદ કરી લેવા માટે ત્યાં જવું પડે! કેરોમાં એ બધાનું નામોનિશાન જોવા ન મળ્યું.   

લો………અહીં જાતે એનો અભ્યાસ કરી લો.   અને…….. આ તો ખાસ….

File:The Burning of the Library at Alexandria in 391 AD.jpg

જુલિયસ સીઝરની ચઢાઈ વખતે બાળી મૂકેલી લાયબ્રેરી

ખેર, ઇજિપ્તની આવતી મુલાકાતમાં એનો અને  ‘અબુ સિમ્બલ’ નો વારો !

File:Nefertari Temple Abu Simbel May 30 2007.jpg

    ‘નેફરેતી’નું મંદિર

   આમ પાંચમો દિવસ આરામનો દિવસ હતો. બપોરના અગિયારેક વાગે નીચે આવી, સ્વિમિંગની મોજ માણી.

IMG_2741 IMG_2637

        અહીં એક અવનવો અનુભવ થયો. દૂર બે યુવાનો પૂલમાં મસ્તી કરી રહ્યા હતા. ‘કાકા’-ઈસ્ટાઈલે એમની   સાથે સંગત કરવા મન થયું. અને થોડાક જ પ્રયત્ને બરફ સાવ ઓગળી ગયો.

      કેવી હતી, એ સંગતની રંગત?

      એમાંના એક જણને સાવ ભાંગ્યું ટુટ્યું અંગ્રેજી આવડે. એ અલેક્ઝાન્ડ્રિયાથી ફ્રાન્સના માર્સેલ્સ જઈને સ્થાયી થયેલો.  તળ માર્સેલ્સના બીજાને તો અંગ્રેજીનો એક શબ્દ પણ ન આવડે. પૂરેપૂરો ફ્રેન્ચ બચ્ચો.

     અને છતાં અડધો કલાક એમની સાથે દીલ ભરીને સંગત હાલી. તેમણે  ગાંધીજી, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન વિ.ને યાદ કર્યા. મેં ‘કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો’ના એડમન્ડ દાંતે અને ‘લા મિઝરેબલ’ના જ્યાં વાલજ્યાં ને. અને મારી બહુ જ માનીતી થ્રીલર નવલકથા – ‘જેકલ ઇઝ આઉટ’ ને!

      ભાષાની અડચણ છતાં, અમે માંડ માંડ છૂટા પડ્યા. આંતરરાષ્ટ્રીય સંગતનો કદાચ આ પહેલો અને છેલ્લો અનુભવ હતો.

    સાંજે એક સાહસ કર્યું. મુખ્ય રસ્તા પરથી એરપોર્ટ જતી એક બસમાં ચઢી બેઠો અને બસની અંદર અને બહાર, કેરોના જન જીવનને પેટ ભરીને નીહાળ્યું.

  • આપણા જેવા  જ સામાન્ય માણસોની, રોજબરોજની ઓફિસથી પોતાના માળામાં પાછા જવાની વ્યથાઓ, કથાઓ.
  • બસમાં અરબ ભાષામાં ન સમજાય છતાં પણ ભાવનું અનુમાન કરી શકાય એવી ગોઠડીઓ
  • બસમાં ચઢવા/ ઊતરવાની/ ઊભા રહેવાની હાલાકીઓ.
  • રસ્તા પરની દુકાનોમાં થતી ચહલ પહલ

…………..

      અને છેલ્લા દિવસની સવાર આવી પહોંચી. છેક સાંજનું પ્લેન પકડવાનું હોવા છતાં, શુક્રવાર હોવાના કારણે ૧૨ વાગે એરપોર્ટ પર પહોંચી જવાનું નક્કી કર્યું હતું. દસેક વાગે અલીને કહ્યું, “ફલાફલ તો બે વખત આરોગ્યું. પણ બીજી કોઈ શાકાહારી વાનગી ન મળે?”

      અને અલી એક હોટલમાં લઈ ગયો અને ત્યાં ‘કશેરી’ નો આસ્વાદ કરાવ્યો- ઇજિપ્શીયન ભેળ !

      અહીં વાંચીને જાતે બનાવી લો!

      અને છેલ્લો મુકામ.. દુબાઈ જવા એરપોર્ટ તરફ પ્રયાણ. એરપોર્ટ પર આડે ધડે પાર્ક કરેલી કારોની વણજાર વચ્ચેથી  દૂર રાખેલાં કાર્ટ  લઈ આવવાની પળોજણ. ઝડપભેર સામાન એમાં મૂકી દેવાની ઉતાવળ…

     અને એરપોર્ટના દરવાજે પહોંચતાં જ અલીનું ભરેલા શ્વાસે મારી તરફ ધસમસતા  દોડી આવવું!

દિલદાર દોસ્ત વલીદાની યાદ અપાવી ગયેલો 'અલી'

દિલદાર દોસ્ત વલીદાની યાદ અપાવી ગયેલો ‘અલી’

      મારી હાથમાં રાખવાની થેલી હું એની ટેક્સીમાં ભૂલી ગયો હતો!

     મારું સમસ્ત અસ્તિત્વ (!) એમાં હતું – અલબત્ત ટૂરિસ્ટ તરીકેનું જ તો. પાસપોર્ટ, ઇન્ડિયન વિસા, ટિકીટ, ડોલરો, ક્રેડિટ કાર્ડ… બધું જ.

     અલીને એ ખબર હતી; અને છતાં એ ખાનદાન આરબે  હું ખોવાઈ જાઉં એ પહેલાં એ બધું મને સુપ્રત કરી દીધું. હું રીતસર અલીને ભેટી જ પડ્યો.

માનવતા મરી પરવારી નથી.

      ‘રામસેસ’ અને ‘નેફરેટી’ તો ક્યારનાય ભુલાઈ ગયા છે; પણ ‘અલી’ અને આ અનુભવ મરણ લગણ યાદ રહી જશે.

આર્ટ ઓફ લિવિન્ગ આશ્રમ – વાસદ

        ૨૦૧૦-૨૦૧૧ની અમદાવાદ મુલાકાત દરમિયાન ‘આર્ટ ઓફ લિવિન્ગ’ વિશે જાણવાના કુતૂહલ માત્રથી એનો કોર્સ મારી ભત્રીજી કૌમુદી જાનીની દોરવણી હેઠળ કર્યો હતો. પણ એ વખતે એનું અમલીકરણ કરવા જેટલી જાગૃતિ આવી ન હતી.

      ત્યાર બાદ છ એક મહિને ઇરવિન્ગ, ટેક્સાસમાં આર્ટ ઓફ લિવિન્ગ સેન્ટરમાં શ્રી. વેન્કટની દોરવણી હેઠળ રિપિટર કોર્સ કર્યો અને ત્યારે નક્કી કર્યું કે, એ કોર્સના છેલ્લા દિવસે અપાતી સૂચના અનુસાર કમ સે કમ ૪૦ દિવસ એનું અટક્યા વગર પાલન કરીશ.

     અને હવે એ સાધના આ જણના જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બની રહી છે. એનાથી થયેલ ફાયદા – જનહિતાય અહીં રજુ કર્યા હતા.

    આ રહ્યા…

    આ ફાયદાઓનો અનુભવ કર્યા પછી, આર્ટ ઓફ લિવિન્ગનો એડવાન્સ કોર્સ કરવા બહુ જ મન હતું. ૨૦૧૨ની દેશ યાત્રામાં એ ઇચ્છા પૂરી થઈ. ફરીથી કૌમુદીએ એ માટે આરક્ષણ કરી આપ્યું, અને આ બંદાની સવારી મહી નદીના કાંઠે આવેલ ‘શ્રી. શ્રી.આશ્રમ’ – વાસદ ખાતે આવી પહોંચી.

Vasad_10 Vasad_9 Vasad_8 Vasad_7 Vasad_5 Vasad_6 Vasad_4 Vasad_3 Vasad_2 Vasad_1

   અને એ ચાર દિવસ ગુરૂશ્રી મેઘલભાઈની દોરવણી હેઠળ એ કોર્સ કર્યો. એ અંગે વિશેષ માહિતી આપવાની નથી. એ તો જાતે અનુભવ લઈને જ આત્મસાત્  કરી શકાય.

   પણ એટલું જ ટૂંકમાં કહીશ કે, ધ્યાન અંગેની ઘણી બધી ગેરસમજૂતિ દૂર થઈ ગઈ. ધ્યાન, તપ, સાધના જીવનથી અળગા બનીને કરવાની ચીજ નથી; એ તો જીવનને સભર, સરસ, કલ્યાણકારી, મંગળ, આનંદમય અને પૂર્ણ રીતે હકારાત્મક બનાવવાની કળાનો એક ભાગ છે – એની પ્રતીતિ થઈ ગઈ. આ સત્યની ગંભીરતા સમજવા ત્રણ દિવસનું આર્ય મૌન જરૂરી હોય છે. એના પાઠ લેતી વખતે કોઈ ચર્ચા કરવાની મનાઈ હોય છે.

     જાતજાતની રીતે ધ્યાન કરવાની રીતોમાં બરાબર ધ્યાન રાખવાનું બહુ જ જરૂરી હોય છે!

    અને જ્યારે આ બધી રીતોથી માહેર થઈએ ત્યારે બધા જ આત્મજ્ઞાનીઓ કહેતા આવ્યા છે – તેની યથાર્થતા સમજાય છે –

ધ્યાનને પ્રવૃત્તિ બનાવવાની નથી.
જીવનની દરેક પ્રવૃત્તિને ધ્યાનમય બનાવવાની છે.

    અને ત્યારે જ …
સતત વર્તમાનમાં
જાગૃત રહેવાની કળા
ધીમે ધીમે આવડતી જાય છે.

    અને નોંધી લો કે…સન્યાસ લેનાર માટે આ કળા શીખવાની જરૂર છે; એનાથી વધારે સંસાર સાગરમાં અટવાયેલા મારા, તમારા, સૌને માટે

.………  છે, છે અને છે જ.

એ આશ્રમના ફોટાઓ અહીં જોઈ શકશો.

———————-

બસ આનાથી વિશેષ કશું કહેવાનું નથી. બધી જાતની ચર્ચાઓ પણ આ લેખ અંગે બંધ છે !!

વાચકને કોઈ પ્રશ્ન જરૂરી લાગે તો ઈમેલથી જાણ કરવા વિનંતી છે.

એક સવાર અતુલનાં બાળકોની સાથે

       આમ તો અતુલ અને જ્યોતિકા બહેનને પોતાનાં બે પુત્રો જ છે; અને બન્ને પુખ્ત ઉમ્મરના અને વ્યવસ્થિત રીતે પોતપોતાના વ્યવસાયમાં સ્થાયી થયેલા છે. એમાંથી એકેય દીકરાને હું કદી મળ્યો પણ નથી!

       તો પછી આ કોની વાત છે? કયાં બાળકો અને કેટલાં?

       એ વાત કરું, એપહેલાં અતુલ વિશે બે’ક વાત.

Atul_Bhatt

       આમ તો અતુલ મારી સાથે એક વર્ષ એન્જિ. કોલેજમાં ભણેલો, એટલું જ. તે વખતે પણ અમારી ઓળખ સાવ અછડતી જ. સહેજ પણ ઘનિષ્ઠ નહીં. અમે બન્ને પોતપોતાના વ્યવસાયમાં સ્થાયી થયેલા; ત્યારે પણ કદિક કદિક મળવાનું થાય; પણ કદી એ મુલાકાતમાં અમે ખાસ નજીક આવેલા નહીં. શિષ્ઠાચાર પૂરતો જ – ‘લટકતી સલામ’ જેવો સંબંધ!

    ૨૦૧૦-૨૦૧૧ની મુલાકાત વખતે જ દૈવે કરીને ‘રામભાઈ’ના દીકરાને ઘેર રામભાઈની ભાળ મેળવવા જતાં; અતુલનો ઉલ્લેખ થયેલો, અને ફોન પર વાત થયેલી.

    ‘ રામભાઈ’ની સાથેની આ વખતની મુલાકાત આ રહી…

     ત્યાર બાદ એક સાંજે ઘોડાસરથી પાછા વળતાં કોઈક અજાણ્યા તત્વે આ જણને અટકચાળું કરાવ્યું કે, ‘લાવને, સમય છે; અને એના ઘરની નજીકથી પસાર થઈ રહ્યો છું, તો એ ઘેર હોય તો બે’ક મિનીટ ‘જયશ્રી કૃષ્ણ’ કરી લઉં – એક ‘લટકતી સલામ!’

    અને તમે નહીં માનો… એ સલામ કરવા જતાં હું લટકી પડ્યો – અતુલ સાથે ભરપુર પ્રેમમાં ‘પડ્યો નહીં … પણ લટક્યો!’

    આપણે કોઈના પ્રેમમાં કદી પડતા નથી હોતા – લટકી જતા હોઈએ છીએ. એ વ્યક્તિ સાથેના નિર્વ્યાજ પ્રેમના તાંતણે આપણે એવા બંધાઈ જતા હોઈએ છીએ કે, એ તાંતણો આપણને બંધાયેલા જ રાખી દે છે. ગમે તેટલા દૂર હોઈએ, એ પ્રેમતંતુ મજબૂત રીતે આપણને એકમેક સાથે બાંધેલા રાખે છે – લટકાવી દે છે! એ સંબંધ જમીન પરનો નહીં –સૂક્ષ્મ ભાવજગતનો,  નાજૂક, બારીક અને મજબૂત કરોળિયાના તાંતણે બંધાયા હોઈએ એવો સંબંધ હોય છે – એમાંથી છૂટી જ ન શકાય! ફરક એટલો જ કે, એ કરોળિયો કે કરોળિયણ આપણને ભક્ષ્ય નથી બનાવી દેતાં!

     ખેર .. અતુલ સાથેના એ પ્રેમ પ્રકરણની વાત બાજુએ મૂકી, અતુલનાં બાળકોની મૂળ વાત પર આવું.

    બે વરસ પહેલાંની અતુલ સાથેની એ મુલાકાત અંગે તો અહીં લખેલું જ હતું – આ રહ્યું.. (‘મિત્રો મળ્યા’ શ્રેણીની શરૂઆત એનાથી જ તો થયેલી ને?) એમાં જણાવ્યું છે તેમ, તેણે નિવૃત્ત જીવનમાં આદરેલી સેવા પ્રવૃત્તિના એક ભાગ રૂપે એને ઘણાં બાળકો મળ્યાં છે!

ખાસ જરૂરિયાતવાળાં બાળકો.

     આ વખતે ભારત જવાનો કાર્યક્રમ ઘડાવા લાગ્યો; ત્યારે અતુલ અને જ્યોતિકાબેન અમેરિકામાં હતાં.  ફોન પર ઘણી વાર વાત થયેલી. ત્યારે મેં એનાં આ બાળકોને મળવાની ઇચ્છા વ્યક્ત કરેલી. કાળબળે, આ વખતે એમને દેશમાં ન મળી શક્યો; પણ એનાં બાળકોને તો એ રવિવારી સવારે મળાયું – એ જ રવિવાર જ્યારે સાંજે સાહિત્ય રસિક મિત્રોની વલીદા અને જુ’ભાઈએ સભા યોજી હતી તે.

     બાળકો એમનાં વાલીઓ સાથે આવી ગયાં. ડો. ધીરેન ગંજવાળા, નિવૃત્તિબેન અને હીનાબેનની નિશ્રામાં એ મુલાકાત ચાલુ થઈ. આવા એક બાળક અંગેનો મારો અનુભવ અને એના અદ઼ભૂત અને ન માની શકાય એવા વિકાસની કથની મેં એ બાળકોને – ખાસ તો એમનાં અતિ ચિંતીત માવતરને કરી. એમનાં ચહેરા પર ફરી વળેલી નવી આશાનાં કિરણોથી મને એ સવાર સોનેરી બની ગયેલી લાગી.

કોઈ પણ ફોટા પર ક્લિક કરી એને મોટો જોઈ શકશો….

    પણ……. બાળકોને તો ખરી મજા આવી – ‘ઓરીગામી’ના એમને માટે ખાસ બનાવી લાવેલાં મોડલોથી. એક બે મોડલ એમની સામે બનાવીને બતાવ્યા પણ ખરા. બધાં મોડલો એ બાળકોને લૂંટાવી દીધાં.

લો.. એવાં મોડલોના ઢગલાબંધ સ્લાઈડ શો અહીં જોઈ લો…     

       ડો. ધીરેન ગંજવાળા, નિવૃત્તિબેન,  હીનાબેન અને બીજા મિત્રો અતુલભાઈની સાથે આ બાળકોને અવારનવાર મળે છે; અને એમનાં અને એમનાં વાલીઓનાં જીવનમાં આશાનાં કિરણો ચમકાવતાં રહે છે – એ જાણીને મને અત્યંત આનંદ થયો. આવું જ સેવાકાર્ય કરતા ભરતભાઈ પણ અતિથીવિશેષ તરીકે આવેલા, એમને પણ આ સંજોગે મળાયું.

       આપણે સૌ આવાં તમામ બાળકો માટે દુઆ, અને અતુલ અને એના સાથીઓના આ ઉમદા કાર્યમાં એમને ખૂબ ખૂબ સફળતા મળે એવી શુભેચ્છા પાઠવીએ.