સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: હાલોકન

પાર્કમાં હાલોકન – પહેલું અને છેલ્લું

એ જ પાર્કમાં હું આવ્યો છું , અલબત્ત બાળકોની સાથે. એ જ પાર્ક જ્યાં અનેક ‘ અવલોકનો’ સૂઝ્યાં હતાં.

બાળકો રમવામાં તલ્લીન છે; અને હું બધા વિચારો બાજૂએ મૂકીને માત્ર મારા શ્વાસને આવતો જતો જોઈ રહ્યો છું. શરીરની નસોમાં વહેતા લોહીના પ્રવાહને પણ અનુભવી શકું છું. સામે લીલાંછમ ઝાડની ડાળીઓ મંદ મંદ પવનમાં હળુ હળુ ઝૂલી રહી છે. એમના હોવાપણા સાથે મને પણ ઝૂલનની અનુભૂતિ થઈ રહી છે.

અરે! પણ આ તો અવલોકન છે, વર્ણન છે! દરેક શબ્દ જાણીતો, ભૂતકાળમાં મળેલા જ્ઞાનમાંથી ઉપજેલો છે. દરેક ક્રિયા મનની જાણીતી છે.

બાળકો પાર્કમાં આમ જ રમે, ઝાડની ડાળીઓ આમ જ ઝૂલે. આને ઝાડ કહેવાય; આને બાંકડો કહેવાય; આને રસ્તો કહેવાય. બાજુમાં બેસેલ મેક્સિકન યુગલના મનમાં પણ આમ જ વિચારો ચાલતા હશે. એમના શબ્દો સાવ અલગ હશે – મને સમજ ન પડે તેવા.

અને આ બધા વિચારોમાં ‘વર્તમાનમાં જીવવાનો સંકલ્પ’ ક્યાં સરી ગયો તે તો ખબર જ ન પડી!

————-

અમે આગળ ચાલવા જઈએ છીએ. એક નાનકડા તળાવની પાળે, કોઈ ફિશિંગ કરી રહ્યું છે. બાળકો એમની જાળમાં માછલી પકડાઈ કે નહીં ; તે જોવાના  કુતૂહલમાં તલ્લીન ઊભા છે. હું બાંકડે બેસી આ બધી લીલા નિહાળું છું .

ઘડી બે ઘડી ધ્યાન અને ફરી ‘હાલોકન’નું મેટર મેળવવાનો ચાળો ઊપડે છે. અને ફરી એ જ વિચારોની હારમાળા.. એ જ જંજાળ ફરી પાછી મોજૂદ.

અને ફરી વર્તમાનમાંથી વિચારોમાં અવગતિ!

ન લખાય,
ન લખાય,
ન લખાય,

કદી હાલોકન ન લખી શકાય.
એ તો અનુભવી જ શકાય,
એની અભિવ્યક્તિ કદી ન હોય.

    પણ એ હકીકત છે કે, એ ઘડી બે ઘડીમાં મારું અને આજુબાજુનું અસ્તિત્વ, સઘળી ચીજોનું હોવાપણું  એકરૂપ થયેલું અલપ ઝલપ ભાસી ગયું હતું. કેવો અદ્‍ભૂત આનંદ; કેવી સુખદ પળો!

આ લખું છું ત્યારે પણ લખવાના આનંદની અનુભૂતિ થઈ રહી છે. આંગળીઓનો કિબોર્ડ પરનો થપકારો, શ્વાસની આવન જાવન, લોહી ફરવાની મધુર ઝણઝણાટી…..

અવર્ણનીય
આનંદ, છતાં કેવો
અનભિવ્યક્ત?

————

બસ! આ છેલ્લું હાલોકન છે. હાલમાં જીવી શકાય, હાલોકન કદી લખી ન શકાય. એનું ચિત્ર,  શિલ્પ કે નાટક ન હોઈ શકે.

અલવિદા હાલોકન…

વર્તમાનમાં જીવતાં રહીશું અને સરી ગયેલી પળોને સ્મરતા રહીશું. પણ માત્ર સ્મરણ જ. કશો બોજો નહીં; કોઈ વળગણ નહીં. કોઈ ગમો કે અણગમો નહીં.

હવે અવલોકનોની મઝા જ મઝા માણીશું.

ભલે એ ભૂત અને ભાવિ પર અવલંબિત  હોય.

હાલોકન

આ એક સાવ નવો નક્કોર પ્રયત્ન છે.

અત્યાર સુધીમાં ઘણાં અવલોકનો કર્યાં અને છાપ્યાં! પણ સઘળામાં અમૂક વાતો સામાન્ય હતી.

  • કશુંક દેખાય અને એની ઉપર મારું અર્થઘટન હોય
  • અનુભવો
  • જાણકારી
  • અધૂરું જ્ઞાન
  • આઘાતો
  • પ્રત્યાઘાતો
  • મૂલ્યાંકનો
  • સાર ગ્રહણ
  • ઉપદેશ.

………… એવું બધું; પણ બધું જ ભૂતકાળના આધાર પર. કદીક ભવિષ્યની કલ્પના પણ હોય.

માટે જ એનું નામ હતું  ‘અવલોકન’ –  પાછળ, નીચે જોવું તે.

પણ જેમ જેમ વર્તમાનમાં જીવવાની રીત પર મહાવરો વધતો જાય છે; તેમ તેમ આ બધું અર્થહીન અથવા સીમિત અર્થવાળું લાગ્યા કરે છે – લાગ્યા કરતું હતું .

આવી જ વાત સ્વાભાવિક રીતે ‘સ્વાનુભવો’ની હતી. ‘સુવિચારો’ પણ મોટે ભાગે ભૂતકાળ કે ભવિષ્ય પર આધારિત હતા.

સાવ વર્તમાનમાં જીવવાની અભિવ્યક્તિ કેવી હોય?

કશું જ ન સૂઝ્યું; લખવાનું જ બંધ કરવાનું વિચાર્યું. પણ મૂંઝારો થવા લાગ્યો; મિત્રો પણ પ્રેમથી પાછળ લાગી ગયા –‘ આમ ન કરો’ .  અને  ચાર વરસની લખવાની તલપ એમ છૂટે પણ શી રીતે?

એટલે સાવ નવું નક્કોર સર્જન 

બીજો કોઈ શબ્દ  ન  જડવાને કારણે હાલમાં જોવાની અને એને અભિવ્યક્ત કરવાની રીતને આ નામ આપ્યું  -આ  સ્વયંફોઈએ ! 

અને પહેલું હાલોકન આ રહ્યું     ( તમને કોઈ યોગ્ય શબ્દ જડે , તો જણાવજો.)

કોઈ શબ્દ નહીં, ચિત્ર પણ નહીં … અને શિર્ષક પણ નહીં !

પણ .. આમ તો લાંબું નો હાલે ને! કેટલાં ખાલી માટલાં ચીતરવાં?

આવતીકાલે પહેલું શબ્દ- હાલોકન …