જગતનો દરેક ધર્મ સારા થવાની વાત કરે છે અને સત્ય પર ભાર મુકે છે. એટલે સારાઈ અને સત્યનો એક અતુટ, બુનીયાદી સંબંધ હોવો જોઈએ. પણ સારું શું છે એ આપણને સમજાય છે, સત્ય અસ્પશ્ટ રહે છે. ધર્મ સત્યને સમજવા માટે કે સ્થાપવા માટે મનુશ્યદીમાગનું એક સર્જન છે?
ધર્મ ન હોય તો પણ, એટલે કે નાસ્તીકને પણ સત્ય શોધવું પડે છે. ઉંદર પકડવાના માઉસટ્રેપનું રુપક વાપરીને બૌધ્ધીક એ પ્રશ્ન પુછે છે :” ધર્મ એ ઈશ્વરનું માણસને પકડવાનું માઉસટ્રેપ છે, કે ધર્મ એ માણસે ઈશ્વરને પકડવા માટેનું માઉસટ્રેપ છે?” કદાચ આ નાસ્તીકનું સત્ય હશે. સત્ય નામની વસ્તુ જીવનમાં જરુર છે, પણ સત્ય એક જ છે?
ફીલસુફી શબ્દ મુળ ગ્રીક શબ્દ ફીલોસોફસ પરથી આવે છે. ફીલીન એટલે પ્રેમ કરવો, અને સોફીયા એટલે ડહાપણ. જ્ઞાન માટે, બુધ્ધી માટે પ્રેમ હોવો તે ‘ફીલસુફી’ છે. સત્યને શ્રધ્ધાવાનની જેમ, વૈજ્ઞાનીકની જેમ, કળાકારની જેમ, વેપારીની જેમ પણ જુદી જુદી રીતે જોઈ શકાય છે. અને બૌધ્ધીકની જેમ, જ્ઞાનના પ્રેમીની જેમ, ફીલસુફની જેમ પણ જોઈ શકાય છે. સત્યનો ધર્મ છે માણસને ફીલસુફ બનાવવાનો!
અને સત્ય, એક રહસ્યની જેમ સમજાતું નથી. રણભુમી પર જીતેલા સૈનીકનો ઈશ્વર અને રણભુમી પર હારેલા સૈનીકનો ઈશ્વર એક નથી. આ બે સૈનીકોના જુદા ઈશ્વરો છે. ‘ઈશ્વર અલાહ મેરે નામ’ એ સત્ય નથી. એ મને જુઠ લાગે છે. હીન્દુ નેતા મરે છે ત્યારે, એની વરસી આવે છે ત્યારે, સર્વ ધર્મગ્રંથોમાંથી પાઠ થાય છે. પણ ક્યારેય કોઈ મુસ્લીમ નેતાની કબર પર, વરસી પર, સ્મ્રુતીમીલન પર કુર્રાન સીવાય કોઈ ધર્મોચ્ચાર સાંભળ્યો છે?
‘સેક્યુલર’ કોન્ગ્રેસી મુસ્લીમ નેતા મરે છે ત્યારે એ અંત્યેશ્ટી વીધી વખતે બીજો કોઈ ધર્મ ઘુસવા પામતો નથી. કારણ કે ઈસ્લામ સર્વધર્મમાં માનતો નથી. કારણકે ઈસ્લામનું સત્ય અન્ય ધર્મોના સત્ય કરતાં ભીન્ન છે. અને સત્ય હંમેશાં કડવું હોય છે. આંખોને ચકાચૌંધ કરી નાંખે છે.
ડો. રાધાકૃષ્ણને મજાકમાં કહ્યું હતું કે તમે દ્વૈત અને અદ્વૈત બન્નેમાં એક સાથે માની ન શકો. અને એમણે દ્રશ્ટાંત આપ્યું હતું કે એક ચીકનને અડધું ખાઈ જાઓ અને અડધું ઈંડાં માટે રાખી મુકો , એ બને નહીં. ધર્મનું સત્ય વધારે સ્પશ્ટ હોવું જોઈએ, પણ એ વીચીત્ર કુવીકલ્પો ઉત્પન્ન કરતું રહે છે.
ખ્રીસ્તી ક્રીસ્ટમસને દીવસે વાઈન પીએ છે. મુસ્લીમ ઈદની નમાજ પઢીને બકરાને હલાલ કરે છે. જૈન ઉપવાસમાં ઉકાળેલું પાણી પીએ છે. બૌધ્ધ સત્યમાં મહાયાન પણ છે અને હીનયાન પણ. જીસસ ક્રાઈસ્ટને શયતાને ત્રણ પ્રલોભનો આપ્યાં હતાં. પહેલી વાત હતી: ‘આ પથ્થરોને રોટી બનાવી દે.’ અને જીસસે પ્રખ્યાત ઉત્તર આપ્યો : “ મનુશ્ય માત્ર બ્રેડ ખાઈને જીવી નહીં શકે. “ અને બીજું પ્રલોભન શયતાનનું,” તારી શક્તીથી તું મનુશ્યને પ્રક્રુતીના નીયમની વીરુધ્ધ કરાવ.( એટલે કે, માણસ નીચે ન પડે, પણ ઉપર ઉડે.) “ જીસસે અદ્ ભુત ઉત્તર આપ્યો: “ તો જુઠને એના ગર્ભમાં રહેલા વીક્રુત સત્યની શક્તી મળી જાય.”
જુઠમાં પણ સત્યની એક વીક્રુત શક્તી હોય છે! જુઠના ગર્ભમાં પણ સત્યનો વાસ હોવો જોઈએ. જુઠું બોલનાર માણસને 100 ટકા સત્યની ખબર હોવી જોઈએ. અસત્યના પેટમાં ‘ સત્ય’ શબ્દ નીહીત છે, ગર્ભીત છે.
મુંબઈમાં જૈનોની પર્યુશણ વ્યાખ્યાનમાળાઓમાં નવ-દસ દીવસ સુધી ડઝનભર જગ્યાઓ પર જઈ જઈને રોજ સત્ય બોલ, બોલ બોલ કરતા રહેતા જૈન અને જૈનેતર વ્યાખ્યાતાઓ વીશે સાંભળીને મને હંમેશાં વીચીત્ર પ્રશ્નો થતા રહે છે : રોજ કેટલું સત્ય બોલી શકાય? અને કેટલા દીવસ સુધી રોજ રોજ સત્ય બોલી શકાય? ફીલસુફ ફ્રેડરીક નીત્શે કહી ગયો છે કે, માણસનું પેટ એજ સૌથી મોટું કારણ છે, માનસ શા માટે ઈશ્વર બની શકતો નથી.
યુધીશ્ઠીર અને દુર્યોધન પ્રુથ્વીની પ્રદક્ષીણા કરવા નીકળે છે. યુધીશ્ઠીરને માત્ર પવીત્ર માણસો જ દેખાય છે. દુર્યોધનને એક પણ પવીત્ર માણસ દેખાતો નથી. પોતાનું વ્યક્તીગત સત્ય દુનીયાની આંખમાં જુઠ હોઈ શકે છે. પણ સત્ય જોનારની આંખોમાં દ્વન્દને સ્થાન નથી. ‘હીરો’ શબ્દ પશ્ચીમનો છે. આપણે જેને નાયક કહીએ છીએ એ હીરો નથી. હીન્દુઓનો અર્જુન અને ગ્રીકોનો એચીલીસ બે સમાનકક્ષ પાત્રો છે. અર્જુન પ્રાર્થના કરે છે કે, એનો પક્ષ જીતે. એચીલીસ પ્રાર્થના કરે છે કે, એનો પક્ષ હારી જાય! કારણ? કે જેથી એના વ્યક્તીગત શૌર્યનું ઉંચું મુલ્યાંકન થાય. એ હીરો ગણાય. અર્જુનનું સત્ય અને એચીલીસનું સત્ય જુદાં છે કે એક જ છે?
જ્યોર્ડાનો બ્રુનો સત્યવાદી હતો. માટે ઇન્ક્વીઝીશનના ધર્મનેતાઓને ગમ્યો ન હોતો. એમણે એને મારી નાખવાની સજા ફરમાવી હતી, પણ દયા ધર્મનું મુળ છે એટલે એ સજા વીશે ખાસ સુચના આપી: ‘ શક્ય એટલી દયાથી, અને રક્તનું એક પણ ટીપું પાડ્યા વીના!’ સત્યવાદી જ્યોર્ડાનો બ્રુનોને જીવતો સળગાવી દેવામાં આવ્યો …
ધર્મગુરુઓ જેમ જુલ્મગારોમાં પણ દયા હોય છે. આલ્બેર કામ્યુએ ‘ ધ રેબેલ’માં એક પ્રસંગ લખ્યો છે. દ્વીતીય વીશ્વયુધ્ધ દરમીયાન ગ્રીસમાં એક જર્મન સૈનીકે એક ખેડુત ગ્રીક માતાને કહ્યું,’ માજી! તમારા ત્રણ પુત્રોમાંથી એકને મારી નાખવાનો મને હુકમ છે. પણ હું બીજા નાઝીઓ જેવો ક્રુર નથી. માજી! તમે જ પસંદ કરી લો, અને કહો… મારે તમારા કયા પુત્રને શુટ કરવાનો છે?” … કવીએ કહ્યું છે એમ, તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમેં પ્રાણ…. !
ન્યાય, નીયમ, નય સત્ય છે અથવા સત્યાંશ છે. ઓઈસ્ટર અથવા છીપમાં મોતી બંધાવાનો પ્રક્રુતીનો એક નીયમ છે, બહારથી ધુળનો એક કણ અંદર પ્રવેશવો જોઈએ. બાહ્ય અશુધ્ધી આવે તોજ મોતીનો જન્મ થાય છે. પણ મનુશ્યમાદાના ગર્ભાશયમાં કોઈ બાહ્ય વસ્તુ પ્રવેશ કરે તો ગર્ભસ્રાવ થઈ જાય છે, પીંડ બંધાતો નથી, ગર્ભનો નાશ થઈ જાય છે.
સર્જન ઈશ્વરનું પ્રથમ રહસ્ય છે કે અંતીમ? સત્ય નીયમબધ્ધ છે? ઈશ્વરના બાહ્ય સત્યને પણ અપવાદો છે? તો મનુશ્યનું ઈન્દ્રીયગમ્ય સત્ય કે અનુભવસીધ્ધ સત્ય કેટલું અપુર્ણ હોઈ શકે છે?
માયા છે બધી, ફીલસુફો કહે છે. જે બાળકને રમાડ્યું હતું, જે પત્નીને પ્રેમ કર્યો હતો, જે માતાના પગ પકડીને રાતભર જાગતા બેઠા હતા, જે જીંદગીને બહલવા દીધી હતી, જે રોટીને માટે ફેફસાં ફાડી નાંખ્યા હતાં…. એ બધી જ માયા હતી? જુઠું હતું? કે માયા જ અંતીમ સત્ય છે? ..
– ગુણવંત શાહ
વાચકોના પ્રતિભાવ