સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: જય ગજ્જર

સ્વ. જય ગજજરને શ્રદ્ધાંજલિ

jay_gajjarjay_gajjar

તેમની જીવનઝાંખી વાંચો

         એ વડીલ મિત્રે કોઈ ઓળખાણ કે પીછાણ વિના, આ સાવ અનામી બ્લોગરને આમ પ્રોત્સાહન આપ્યું હતું- તે યાદ  આ અવસરે તાજી થઈ ગઈ. સાવ અલ્લડ અને ‘સૂંઠના ગાંગડે ગાંધી’ બની ગયેલા આ જણની બીજી ઈ-બુકની પ્રસ્તાવના તેમણે બહુ જ જહેમતથી લખી આપી હતી.

આ રહી – એ જૂની યાદ

એક સાહિત્યપ્રેમીનો પ્રશંસનીય સાહિત્યિક અભિગમ

        ‘ગદ્યસુર’ ઉપર માત્ર ‘ઉંઝા’ અથવા તે આધારીત ‘સરળ’ જોડણીમાં લેખો પ્રકાશીત કરવાની પાયાની નીતીને બાજુએ મુકીને; કેનેડાસ્થીત, જાણીતા સાક્ષર, માનનીય શ્રી. જય ગજ્જરે મારા બીજા ઈ-પુસ્તક ‘ સ્વૈરવીહાર’ માટે અત્યંત પ્રેમ અને સદ્ ભાવ પુર્વક લખી આપેલી પ્રસ્તાવના,  તેમણે જે રીતે લખી છે તે જ રીતે, અહીં પ્રકાશીત કરતાં મને અત્યંત આનંદ થાય છે. પોણા ભાગની જીંદગી જે ભાષાની લખાણ-પધ્ધતીમાં વીતાવી; જેમાં કક્કો અને બારાખડી ઘુંટ્યા તેનો વીરોધ કે દ્વેશ સંભવીત જ શેં હોય? માત્ર તેમાં લોકોપયોગી સુધાર થાય અંને તે સરળ બને તે ગમે અને તેનો પ્રસાર વધે  એનો ધખારો હોય – એટલું જ…..

હવે તેમણે લખેલી પ્રસ્તાવના અણીશુધ્ધ તેમના જ શબ્દોમાં વાંચો –

————————————————————-

‘સુરેશ જાની’નું નામ ગુજરાતી બ્લોગ જગતમાં હવે અજાણ્યું નથી. વ્યવસાયે નિવૃત્ત એન્જિનિયર/ મેનેજર હોવા છતાં; એક પ્રખર સાહિત્યિક જીવ બની, નિવૃત્તિ મોજશોખમાં કે આળસુ બની વેડફી દેવાને બદલે ગુજરાતી ભાષાના અપ્રતિમ પ્રેમને કારણે; ગુજરાતી સાહિત્યના વિકાસ અને પ્રસાર માટે સાચા અર્થમાં ભેખ ધારણ કરી આ પ્રયોગશીલ ડોસાએ અમેરિકામાં આવી ચાર વર્ષના બનવાનું વેણ લીધું છે. (એમની એક કવિતામાં વર્ણવ્યા પ્રમાણે) એમની બ્લોગીંગની યાત્રા નિજાનંદ માટે ‘ગમતાંનો ગુલાલ’ છે.

કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ આવતાં, ‘જયાં ન પહોંચે રવિ; ત્યાં પહોંચે અદનો માનવી’ની જેમ; જેમને કદી મળ્યા ન હોઇએ, એવા કેટલાય લોકો સમયના વહેણ સાથે આત્મીય સ્વજન બની જાય છે. ઈ-મેઈલને કારણે ઘણા સાથે સંબંધોના તંતુ ગાઢ બંધાયા છે. શ્રી. જુગલકિશોર વ્યાસની જેમ જ સુરેશભાઈ મારે મન એમાંના એક સ્વજન બન્યા છે. એમની સાથે એમના બ્લોગ જગતને કારણે જ આત્મીય સંબંધ બંધાઈ ગયો અને મને એમણે એમના આ નવા ઈ-પુસ્તક “સ્વૈરવીહાર” માટે પ્રસ્તાવના લખવા, અચકાતાં અચકાતાં, વિનંતી કરી. એમના પ્રદાનથી અને ભેખથી પરિચિત હોઈ; હું એમને ના ન પાડી શકયો. મારે મન એમની સાહિત્યિક સેવાના એક પૂરક બની રહેવાનું આ અહોભાગ્ય કહો, કે સદભાગ્ય છે.

‘ઈ-પુસ્તક’ રૂપે તેઓ ગુજરાતી સાહિત્યમાં એક નવી દિશા ચીંધી રહ્યા છે. લેખકના કહેવા પ્રમાણે, એમણે આજસુધીમાં લખાયેલ સ્વાનુભવકથાઓ અને કાલ્પનિક વાર્તાઓ આ સંગ્રહમાં સમાવી લીધી છે. મનોરંજન સાથે પ્રેરણા પૂરી પાડવાનો લેખકનો આશય છે. લેખકે સમગ્ર સમગ્રી ત્રણ વિભાગમાં વહેચી છે.

  1. પ્રાસ્તાવિક

  2. સ્વાનુભવ કથાઓ

  3. વાર્તાઓ

સત્ય ઘટનાઓને સરળ અને રસપ્રદ શૈલીમાં રજૂ કરવાની લેખકની કુશળતા એમના પ્રત્યેક લેખમાં દષ્ટિગોચર થાય છે. રોજબરોજના પ્રસંગોને લેખકે આબેહૂબ રીતે આ પુસ્તકમાં વણી લીધા છે. સહૃદયી વાચકને લેખકની આત્મકથા વાંચતા હોય એવો આભાસ થાય તો નવાઈ નહિ. લેખકના બહોળા વાચનના પણ દર્શન થાય છે.

કનોઈન્ગ’માં હલેસાં મારતા હોય ત્યારે શૂન્ય પાલનપૂરીના શબ્દો યાદ કરે અને લલકારે-

‘અમારી અદાથી સફર કોણ કરશે’

ત્યારે લેખકનું કવિહૈયું ડોલતું હોય એવો સાક્ષાત્કાર થયા વિના રહેતો નથી. વળી ‘બેફામ’ની પંકિત –

‘સાથી વિના, સંગી વિના એકલા જવાના’

ટાંકી જીવનની ફિલસુફી રજૂ કરે છે.

‘કારની ચાવી’ ની વાતના અંતે મેકિસકન ભાઈની સલાહના શબ્દો ટાંકી લેખક બહુ સરળ રીતે જીવનમાં ઉતારવા જેવા શબ્દો ટાંકી; સાવ સામાન્ય ઘટનાને કેવું મહાન સ્વરૂપ આપે છે!

પરદેશમાં આવ્યા પછી પણ લેખક પત્નીનું નામ બોલતાં અચકાય છે એમ માની લેવાની જરૂર નથી. ‘મારી એ’ શબ્દો વાપરી ભારતીય પરંપરાના આગ્રહી હોવાની છાપ ઊભી કરે છે. ‘ ચાલુ દીવસની સવાર કેનેડામાં એ લેખમાં આધુનિક યુવાનની જેમ સાઠ વર્ષની મહીલામાં સોળ વર્ષની સુંદરીનાં દર્શન જોઈ હૈયાના પ્રેમનું ડોકિયું કરાવે છે! કેનેડાની વાસ્તવિકતા રમૂજભરી રીતે આલેખી અહીંની રહેણીકરણીનો સારો ચિતાર આપ્યો છે.

‘જયની એકલ મુસાફરી’ની વાત હોય કે ‘ટિકિટ મળી’ એ વાત હોય કે ‘નવ્વાણુ માર્ક’ની વાત હોય; પણ એ સૌમાં કયારેક આપણા પોતાના અનુભવો પણ યાદ આવી જાય છે. નવ્વાણુ માર્કના પ્રસંગ જેવો જ પ્રસંગ મારા જીવનમાં પણ બનેલો. અમદાવાદની સરસ્વતી હાઈસ્કૂલની મારી એસ.એસ.સી.ની પ્રિલિમિનરી પરીક્ષામાં મારા ગણિત શિક્ષકે મને નવ્વાણુ માર્ક આપેલા. મને આશ્ચર્ય થયેલું. પરિણામ આવતાં હું એમને મળવા ગયો. મેં સવાલ કર્યો, “સર, મેં આઠને બદલે બાર સવાલો કર્યા છે. પહેલા પાને મેં લખ્યું છે કે ‘ગમે તે આઠ તપાસો.’ પછી તમે એક માર્ક કયાં કાપ્યો એ બતાવશો?’ એ વખતે મારા શિક્ષકે મને જવાબ આપેલો, “તારે બોર્ડની પરીક્ષામાં બસોમાંથી બસો નહિ આવે એમ વિચારી મેં એક માર્ક કાપ્યો છે.” મેં મકકમતાથી જવાબ આપ્યો, “એવું કલ્પી તમે એક માર્ક કાપી ન શકો.” એમણે જરા ઉભરો કાઢી સો પૂરા માર્ક આપ્યા. જયારે એસ. એસ.સી. બોર્ડમાં ગણિતશાસ્ત્રમાં બસોમાંથી બસો માર્ક આવ્યા; ત્યારે માર્કશીટ લઈ હું એમને મળવા ગયો. એ ખુશ થઈ ગયા અને બરડો થાબડી સલાહ આપી, “જીવનમાં સદા આવી મકકમતા રાખજો અને ધ્યેય ઊંચું રાખજો.”મારી આ ઘટના ૧૯૫૩ની સાલની છે. એમાં કોઈ અભિમાનનો સવાલ નહોતો. આપણી હોંશિયારીના ગર્વનો સવાલ હતો.

જીવનમાં વાટે ને ઘાટે કેવા કપરા અનુભવો થાય છે એ ‘પ્લમ્બીગ કામ કરતાં‘ એ લેખમાં સરસ આલેખાયું છે. ખરેખર તો લેખક ‘પ્લેગ્રાઉન્ડ’માં કહે છે તેમ આ પુસ્તકમાં ‘મારા આખાય જીવનની વિવિધ અવસ્થાઓની એક નાની શી ઝાંખી એક આડછેદ ખડાં થઈ જાય છે. આખાયે આયખાની બધીય યાદદાસ્તો સાગમટે ઉભરી આવે છે.” આ કે કયાંક કોઈના મુખે સાંભળેલી વાત લેખકે આલેખી છે. કયાંક જાત અનુભવની વાત છે, કયાંક હાસ્યાસ્પદ ઘટના છે, કયાંક દર્દભરી ઘટના છે, કયાંક શિખામણની વાત છે, કયાંક માર્ગદર્શનની વાત છે, કયાંક સલાહરૂપે છે, તો કયાંક પ્રેરણારૂપે છે,

વોટર પાર્કમાં એ લેખમાં કડવા અનુભવો વાગોળવા કોઈ કવિની પંકિતઓ ટાંકી જાણે એમનું કવિ હૈયું ઠાલવે છે, જુઓ કવિશ્રી કૃષ્ણ દવે ના આ શબ્દો –

મારી પાસે ઢગલો રેતી,
તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.

તો કવિ શ્રી. ભગવતીકુમાર શર્માના શબ્દોમાં એ પરમ તત્વ સાથે કેવા લીન થઈ જાય છે? –

“હરિ, હવે આપણે સરખે સરખા,
હરિ તમે મેહ તો હું યે બરખા.”

આમ જ પ્રેરણાના સ્ત્રોતના આ આગ્રહી કોઇ મહાત્માના કે ફિલસૂફના શબ્દો ટાંકી એમના મનની કે હૈયાની વાત કહી જાય છે. દા.ત. સાઈકલ ચલાવતાં’ માં સ્વામી વિવેકાનંદના આ શબ્દો કેટલા હૃદયંગમ બની જાય છે,

“જગતનો ઈતિહાસ એટલે જે થોડા મનુષ્યોને પોતાની જાતમાં શ્રધ્ધા હતી એવા મનુષ્યોનો ઇતિહાસ.. એવી શ્રધ્ધા મનુષ્યની અંદર રહેલી દિવ્યતાને પ્રગટ કરે છે. એવી શ્રધ્ધા વડે તમે ઈચ્છો તે કરી શકો.”

પુર્વાશ્રમમાં પાવર એન્જીનીયર હોવાના સબબે લેખક ‘એનર્જી ક્રાઈસીસ’ના સંદર્ભમાં સ્વાનુભવની વાત લખતાં એક મૂઠી ઉંચેરા ચાલતા હોવાનો અનુભવ કરે છે. ‘અમેરિકન હાઈવે પરની ત્રણ ઘટનાઓ’ માં એમને બહુજ પ્રિય વિષયની સ્વપ્નકથા તેમણે આપી છે. પરિણામે એમનું કવિ હૈયું ઝબકી ઉઠે છે; અને એ બાબતમાં છંદોબધ્ધ, હૃદયસ્પર્શી, ઊર્મિસભર કવિતા પણ જન્માવે છે. આ બાબતમાં ‘શાર્દૂલવિક્રિડિત’ છંદમાં લખેલ કાવ્યના કેટલાક શબ્દો માણો,

લાખો જાનવરો દબાઇ, ખડકો વચ્ચે બન્યાં ઇંધણો.
ચાલે ચક્ર બધાંય વાહન અને ઉદ્યોગના તે થકી.

ક્યા સુધી ટકશે બધાંય ઝરણાં શક્તી તણાં આ અરે!
સંસ્કૃતી અતીવેગમાં સરકતી, વીનાશના માર્ગમાં.

આશા એક જ એ રહી જગતને અસ્તીત્વની દોટમાં.
વ્હાલા સુરજ દેવ! આજ જગવો વીસ્ફોટ નાના કણે
.

        લેખક પાસે બહોળા અનુભવોનો એક મોટો પટારો છે. પછી પહેલી મુસાફરીની વાત હોય કે એક વિદેશી પ્રોફેસરની ભારતની મૂલાકાતની વાત હોય કે સંગ્રહની કોઈ પણ કૃતિ હોય; એ હકિકત સર્વત્ર દષ્ટિગોચર થાય છે. ‘સ્લમમાં સફર’ના અનોખા અને સામાજિક, વિષાદમય અનુભવોની વાત પછી ‘સુંદરમની સાથે મુલાકાત’માં રજૂ કરેલ એક અનોખા અને દિવ્ય અનુભવની વાત કહી; વિચારધારાના બે વિપરીત ધ્રુવો વચ્ચે સુભગ સુયોગ સાધ્યો છે.

        લેખકે આખા સંગ્રહને ત્રણ ભાગમાં વહેંચી નાખેલ છે. મને આવી કોઈ જરૂરિયાત જણાતી નથી. કારણ કે, વિભાગ ત્રણ ને ‘વાર્તાઓ’ શીર્ષક આપ્યું છે; તે કઠે એમ છે. પ્રસંગકથાઓ કે રૂપકકથાઓ વધુ યોગ્ય લેખાય. લેખકને ટૂંકી વાર્તાનાં લક્ષણનો ઝાઝો પરિચય ન હોવાથી, ટૂંકી વાર્તાના ઢાંચામાં આ બધી વાર્તાઓ બેસે તેમ નથી, લેખકે ચીની કથાનો ઉલ્લેખ કર્યા વિના ન્યુ જર્સીમાં એક લલી કે લીલા રહેતી હતી એમ કહી એ વાર્તા લખી હોત તો ‘ઝેર તો પીવડાવ્યાં જાણી જાણી’ એક સરસ લઘુકથા બની હોત. એક બે વાર્તાઓમાં ટૂંકી વાર્તાનાં લક્ષણો દષ્ટિગોચર થાય છે. પણ આમ અલગ વિભાગ પાડવાની જરૂર નથી. આમ છતાં ‘શીલા’, ‘સરીતા’, ‘સૂર્યમૂખી’ , ‘નાઈટ્રોજન’ વિ. વિશિષ્ટ પ્રકારની, અનોખી વાર્તાઓ બને છે; જેમાં જીવન વીશે અનેક પાસાંઓને લેખકે સ્પર્શ્યાં છે. આ વાર્તાઓમાં કલ્પનાશકિત, ભાષા, શૈલી અને કલાગૂંથણી છતી થયા વિના રહેતાં નથી.

          ખરું પૂછો તો આ આખાય પુસ્તકમાં લેખકે એમના રોજિંદા જીવનની વિવિધ ઘટનાઓને અલગ અલગ માહોલમાં નિરૂપણ કરવા પ્રયાસ કર્યો છે અને એ બધામાં જીવનના વિવિધ અનુભવોનું ઊંડાણ ઉલેચી એમાંથી સરળ માર્ગ કાઢી સાચી સમજ કેળવવાની રસભરી મથામણ છે, લેખકના બહોળા અનુભવનું આબેહૂબ દર્શન ઠેર ઠેર જોવા મળે છે.

             એકે એક વાર્તા લઈ એની વિશિષ્ટતાની અલગ છણાવટ કરી મારી પ્રસ્તાવના લાંબી કરવાને બદલે વાચકોને એક જ વિનંતિ છે કે, ખૂબ ધ્યાનથી એ વાર્તાઓ વાંચી, એનો મર્મ અને એનું હાર્દ સમજવા પ્રયત્ન કરજો. મને ખાત્રી છે કે જીવન વિશે એક સાવ તરોતાજા દર્શન અને દૃષ્ટિબિંદુ મળશે, અને તમારું મનડું મલકીને નાચી ઉઠી પોકારશે, ‘વાહ સુરેશભાઈ, વાહ!’.

        લેખકને પ્રસંગગૂંથણી પર સારી ફાવટ છે, સરસ ચિત્રો ખડાં કરવાની આવડત અને કળા છે. પળે પળે એમનો સાહિત્યપ્રેમ અને લોકાભિમુખ થવાની ઉત્કંઠા છતી થાય છે. વાચકના મનને હરી એને વાચન તરફ દોરવાની એક અનોખી કળા એમને સાધ્ય છે. આ પુસ્તકમાં સહૃદયી વાચક એમના કથનમાં શ્રધ્ધા અને ઉત્કંઠા કેળવે છે. પરિણામે સૌ કોઈ સાહિત્યપ્રેમી શ્રી સુરેશભાઈ જાનીના પ્રશંસક બની, સાહિત્યિક અભિગમના પ્રેરક બની જાય છે.

           દુનિયાના ખૂણે ખૂણે તમારા બ્લોગ પહોંચી; ‘જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’ એ ઘોષણાનો ઝંડો ફરકાવવામાં તમને સારી સફળતા મળે, અને તમે જીવનની ધન્યતા અનુભવી કૃતાર્થ થાઓ. તમારા આ પુસ્તક માટે તમને મારા ખૂબ ખૂબ અભિનંદન અને તમારા બ્લોગ સાહિત્યને વધુ વિકસાવો એ મારા અંતરની પ્રાર્થના અને અનેક શુભેચ્છાઓ સાથે સાથે શિવાસ્તુ પંથાઃ

          નોંધ : શ્રી સુરેશભાઈ ઊંઝા જોડણીના આગ્રહી છે. હું એના વિરોધમાં નથી કે, એનો પક્ષકાર નથી. ‘ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર.’ ભાવસૃષ્ટિ જ સર્વોચ્ચ છે. ભાષાનું બંધારણ નહીં.

જય ગજજર, C.M.; M.A.
41 Palomino Drive, Mississauga,
Ontario, Canada, L4Z 3H6

ઉપરોક્ત ઈ-બુક ‘સ્વૈર વિહાર …..

swair_vihar

 

ગૂઢ રહસ્ય – જય ગજજર

અમદાવાદથી કેનેડા આવીને વસેલા શ્રી. જય ગજ્જર મારા મોટા ભાઈની ઉમ્મરના છે. તેઓ કેનેડાના વ્યવસાય, સમાજ અને ગુજરાતી સાહીત્યના ક્ષેત્રે પ્રતીષ્ઠાનું સ્થાન ધરાવે છે. વળી તેઓ જોડણી બાબત ઉદારમતવાદી પણ છે.

આ વાર્તા ઉંઝા જોડણીમાં પરીવર્તીત કરીને પ્રગટ કરી હોત; તો પણ તે માટે તેમણે રાજીખુશીથી પરવાનગી આપી હોત. પણ એમના સૌજન્ય અને મારા માટેના સ્નેહને વશ થઈ; આવી કોઈ તરખડ કર્યા વીના, આ વાર્તા તેમણે જે રીતે મોકલી છે; તે જ રીતે રજુ કરી છે.

——

વાચકોને નમ્રતા ભરી વીનંતી કે, આપણે આ વાર્તામાં આવતાં પાત્રોના નામ, જાતી અને ધર્મને ગૌણ ગણી; આવા વાડાઓ કેવા ભયાવહ  અનીષ્ટો સરજે છે, તેની તરફ અણગમો વ્યક્ત કરી; આવા સંકુચીત અને જમાના જુના ખયાલોને તીલાંજલી આપી;  સમાજમાં એખલાસ અને ભાઈચારાના ઉમદા વીચારોને કાર્યાન્વીત કરીએ.

——————————–

દશ દિવસથી ઘરમાં કલ્પાંત કરતો મહમદ દશમા દિવસે હિંમત કરી ઘર બહાર નીકળી નમાઝ પઢવા મસ્જિદે ગયો. દસ દિવસ પહેલાં ગુમ થયેલ એની વહાલસોયી દીકરીનો પત્તો લગાડવા સહાય કરવા માટે અલ્લાહને પ્રાર્થના કરી. નમાઝ પઢી પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં કાળકામાનું મંદિર આવ્યું. બહાર એક બોર્ડ હતું, ‘આજની પૂનમના દિવસે જે શ્રધ્ધાથી કાળકામાની પૂજા કરી સંકલ્પ કરે એની મનોકામના પૂર્ણ થાય છે.’

એ પાકો મુસલમાન હતો પણ હિંદુ મંદિરમાં જઈ એણે પ્રાર્થના કરી, “હે મહાકાળી મા, મને મારી દીકરી પાછી મેળવી આપશો તો હું સવાસો રૂપિયાના પેંડા ધરાવીશ અને તમને ચૂંદડી ચઢાવીશ.”

સંકલ્પ કરી એ પાછો ફરતો હતો ત્યાં એના કાને શબ્દો પડયા, “હે માડીના ભકત, એકાદ સારું કામ કરીશ તો તારી મનોકામના પૂર્ણ થશે.”

એણે ખિસામાંથી પાંચ રૂપિયા કાઢી એની સામે પડેલી ચાદરમાં નાખ્યા.

ઘેર પહોંચી ઉદ્વિગ્ન મને ખાટલામાં આડો પડયો. વિચારે ચઢયો, “મારી પંદર વર્ષની દીકરીને કોણ ઉપાડી ગયું હશે? હે અલ્લાહ, એના વિના હું જીવી નહિ શકું.” અને કલ્પાંત કરવા લાગ્યો.

વીશ વર્ષ પહેલાંનો એ દિવસ એને યાદ આવ્યો.

ભૂતકાળ યાદ આવતાં એ બબડયો, “મારી દીકરીને કોઈએ એવા નાલાયક એજન્ટ પાસે તો નહિ પહોંચાડી હોય?”

એ વિચાર મનમાં ઝબૂકતાં એ ધ્રૂજી ઉઠયો. વધુ વિચાર્યા વિના પહેલી ટ્રેઈન પકડી મુંબઈ પેલા એજન્ટને ઘેર પહોંચી ગયો. એના ઘેર  તાળું  હતું. પૂંઠ ફેરવી તો એક પાડોશીએ કહ્યું, “રાજારામનું કામ છે? એ તમને  ફોકલેન્ડના એમના હડ્ડા પર મળશે.”

એ તરત જ ફોકલેન્ડ પહોંચી ગયો. પાનના એક ગલ્લાવાળાને રાજારામ વિષે પૂછતાં એણે એક વિશાળ કંપાઉન્ડ તરફ આંગળી ચીંધી.

કંપાઉન્ડમાં દોડી જઈ અંદરના એક ઘરના બારણે બેલ મારતાં એક ત્રીસેક વર્ષની યુવતીએ દરવાજો ખોલી પૂછયું, “કોનું કામ છે?” સામે મહમદને જોતાં રંભા પળભરતો એને નખશીખ નિરખી રહી. સ્મૃતિપટ પર ઝબકારો થતાં એણે પૂછયું,  “રાજારામને શોધો છો? કેમ કોઈ નવી છોકરીને ઉપાડી લાવ્યા છો?”

“ના બહેન, મારે જાણવું છે કે મારી વહાલી દીકરીને કોઈ અહીં તો નથી લાવ્યું?”

“તમે કયાંથી આવો છો?” મનની ખાત્રી કરવા એણે પૂછયું.

“અમદાવાદથી.”

“વીશ વર્ષ પહેલાં માંડવીની પોળની એક છોકરીને તમે તો અહીં નહોતા લાવ્યા?”

મહમદ એની સામે તાકી રહ્યો. ચહેરો કંઈક યાદ આવતાં ગભરાટને કારણે એનાં અંગે અંગ ધ્રૂજવા લાગ્યાં. એક હરફે ઉચ્ચારી ન શકયો. શું જવાબ આપવો એના વિચારમાંં સ્તબ્ધ બની ગયો. શરમથી એનું મસ્તક નીચે ઢળી ગયું.

એને ચૂપ જોઈ રંભા બોલી, ” છેલ્લા પંદર દિવસમાં પાંચ છોકરીઓ આવી છે.  ઉપર આવો,  તમારી દીકરી જો અહીં હોય તો લઈ જઈ શકો છો.”

પસ્તાવાનાં આંસુ છૂપાવી  આશાભર્યો મહમદ ઉપર ગયો. ચારે બાજુ દેવદેવીઓ અને વિશ્વની મહાન સન્નારીઓના ફોટાજોઈ એનું હૈયું અને મન નાચી ઉઠયાં. એણે ચારે બાજુ નજર ફેરવી. એ ખંડમાં પચાસેક યુવતીઓને એક આધેડ વયની બહેન સંસ્કારના પાઠ શીખવતાં હતાં. એકાએક વચ્ચેથી અક છોકરી દોડી આવી.

“ડેડી, તમે અહીં કયાંથી?” મહમદની દીકરી પાસે દોડી આવી એને ભેટી પડી.

મહમદનું હૈયું પીગળી ગયું. એના માથે હાથ ફેરવતાં એ બોલ્યો, “હા, બેટા હું તને લેવા આવ્યો છું. ચાલ, સંસ્કારની આ મહાદેવીને નમસ્કાર કરી એમના આશીર્વાદ લઈ ઘેર ચાલ. તારા વિના હું જીવી નહિ શકું.” અને પૂંઠ ફેરવી રંભાને બે હાથ જોડી વંદન કરી ઉમેર્યું, “આપના જેવી મહાન મહાદેવીને નરકવાડે લાવનાર કયો કાળમુખો અભાગી હશે? સાત ભવ એ નરકમાં સબડયા કરશે!”

રંભા અને મહમદની આંખો મળી પણ બેમાંથી એકેયે એ ગૂઢ રહસ્ય ન  ઉકેલવામાં ડહાપણ માન્યું.

————————————-

–  જય ગજ્જર ( એમની જીવન ઝાંખી વાંચવા અહીં ‘ક્લીક’ કરો.)

કુમાર મે, નવે

41 Palomino Drive, Mississauga, Ontario, Canada L4Z 3H6 Tel 905-568-8025 Email : gajjar@mail.com

“Neil”, Plot # 207, Sector 29, Gandhinagar, 382 029 Tel 23234273

મારા બીજા ઈ-પુસ્તક ‘ સ્વૈર વીહાર ‘ માટે તેમણે લખી આપેલી પ્રસ્તાવના વાંચો.