સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: બ્રહ્મવેદાન્ત સ્વામી

જીવન દર્શન – ઈબુક

       અહીં  પૂજ્ય અને પ્રિય બ્રહ્મ વેદાંત સ્વામીના પ્રવચનોમાંથી શ્રી. શરદ ભાઈ શાહે સંકલિત કરેલાં, ટૂંક તારણો ૩૮ ભાગમાં રજૂ કર્યાં હતાં. હવે એની ઈ-બુક તરતી મુકતાં આનંદ થાય છે.

jd

આ ટાઈટલ પાના પર ક્લિક કરો

અલગ અલગ પ્રકરણ અહીં વાંચી શકશો.

ઈ-બુકમાં સ્વામીજીનાં વચનો તો છે જ. પણ સાથે તેમનો પરિચય, માધવપુર (ઘેડ) અંગે માહિતી અને ઓશો આશ્રમ અંગે પણ સચિત્ર માહિતી છે.

તપ – બ્રહ્મવેદાંતજી

       સાદા સીધા લોકોને બધાં હેરાન કેમ કરે છે ? ફળવાળા ઝાડ પર જ લોકો પથ્થર કેમ મારે છે ?

       એક સાદો નિયમ સમજો કે, સોનાને બધા તપાવે છે, પિત્તળને કોઇ તપાવતું નથી. નિશાળે બેસે તેને પ્રશ્નો પૂછાય, રખડે એને કોણ પૂછે? જીવનમાં જે રખડેલા છે, ભટકતા છે તેમને કોઇ પ્રોબ્લેમ આવતા નથી. અને પ્રોબ્લેમ આવે તો પણ એ શું કરી શકે ? હું બગીચામાં ઝાડ પાસે બેસું છું. ઝાડ ઉપર વાંદરો ડાળી તોડી નાખે છે. મને પીડા થાય છે કે, માંડ ઊછરતા ઝાડને વાંદરો તોડી નાખે છે. પણ પછી નિરીક્ષણમાં આવ્યુ કે, જ્યાં ડાળી તુટે છે, ત્યાં બીજી ત્રણ ડાળીઓ પ્રગટે છે ! અને રહસ્યમય નિયમ સમજમાં આવે છે. બચપણમાં જેને મુશ્કેલી પડે છે, તેને ખુબ મળે છે ! ગુર્જિએફ અને આપણા ઋષિમુનિઓ તપવાનું કહે છે – વોલન્ટરી સફરિંગ.

       પહેલા ગર્ભશ્રીમંતો અને રાજાઓ પોતાના સંતાનને ગુરુકૂળમાં મોકલતા. આપણે ઉલટું કરીએ છીએ. આશ્રમમાંથી છોકરાઓને પાછા બોલાવીએ છીએ ! આશ્રમમાં તપવાનું છે. રોટલા તપે તો સ્વાદ આવે. અને જીવનમાં આપણે જાતે તપતા નથી તો કુદરત આપણને તપાવે છે ! જ્યારે કુદરત તપાવે તો તેને મોજથી સ્વીકારીએ તો તે તપ થઈ જાય છે. નાના બાળકને ઉછેરવામાં મા-બાપે ઉજાગરા કરવા પડે છે. ભારે જવાબદારી છે, છતાં સમજપૂર્વક મોજથી ઉછેરીએ, તો પરિણામ અતિ શુભ આવે છે.

       કોઇ પણ પરિસ્થિતિ કાયમ ટકતી નથી. શ્રી રામદુલારે બાપુએ સાધના માટે બે સૂત્રો આપ્યા છે – પ્રતીક્ષા અને તિતિક્ષા. આપણે જ્યારે થાકી જઈએ છીએ, ત્યારે આવા પ્રશ્નો ઊઠે છે. પણ ચૂલા પર રોટલી ફુલકું ન બને ત્યાં સુધી તેને તપાવવી પડે. માખણ ન નીકળે ત્યાં સુધી છાશને વલોવવી પડે. અધુરિયો જીવ ઝાડ પર પથ્થર નાખીને ફળ તોડે છે, અને ખાય છે. પણ એ છોકરમત છે.

      ઝાડ પર ફળ પાકે તે સાથે આપોઆપ ખરી પડે છે. આ કુદરતનો નિયમ છે.

…..બ્રહ્મવેદાંતજી

કામના અને ભાવના – બ્રહ્મવેદાંતજી

    ઇન્વોલ્યુશન એટલે અધોગતિ. કામના હોય ત્યાં ચેતના નીચે તરફ પડી જાય છે. માણસ ભાવનાના જગતમાં રહે તો એની ઊર્ધ્વગતિ થાય છે. મનુષ્યમાં આજકાલ ભાવના ઓછી થતી જાય છે. મનુષ્ય કામનાગ્રસ્ત વધારે છે. સમસ્યા એ છે કે, ભાવનાના જગતમાં પણ કામના ઘૂસી જાય છે ! કોઇની સાથે હર્યા-ફર્યા, ખાધું-પીધું, ભાવ જાગ્યો અને તે સાથે તરત જ ભાવનામાં કામના આવે છે કે, આવી સ્થિતિ ફરી ક્યારે આવશે ? જેવી કામના થઈ કે, તરત જ ચેતના ભવિષ્યમાં જતી રહી ! ભાવના હંમેશા વર્તમાનમાં જ હોય; કામના હંમેશા ભવિષ્યમાં હોય.

     ભાવના દિલમાં હોય છે, જ્યારે કામના દિમાગમાં હોય છે. ભાવના શુદ્ધ હોય છે, જ્યારે કામના વિકારગ્રસ્ત હોય છે. કામનામાં મમત્વ અને માલિકીભાવના ખતરનાક  જીવાણુ હોય છે. આપણે એક સુંદર ફૂલને જોઇએ છીએ, તે સાથે જ અંદર વિચાર પકડાઈ જાય છે કે, આ ફૂલને ઘેર કેવી રીતે લાવવું ? જોવાની સાથે જ આસક્તિ જાગે છે. આ ક્ષણે સાવધાન થઈ જવું. ફૂલને માત્ર જોવાનું છે. વસ્તુને ખરીદી શકાય છે, પણ તે સાથે માલિકીભાવ જોડાઈ જાય છે ! મારી પત્નિ, મારો પતિ, મારો ગુરુ, મારો ધર્મ. આ ‘મારું – મારું’ ના બંધનમાં જીવ ફસાઈ જાય છે.

       ભાવના અને કામનાની પોતપોતાની જગ્યા છે. આપણે માત્ર જોવાનું છે. સંસારમાં સંબંધથી જીવીએ છીએ. પતિ, પત્નિ, પ્રેમિકા, મિત્ર…જે કોઇ સંબંધ હોય તેમાંભાવ અને કામનાના ક્ષેત્ર જુદા જુદા છે. સંસારી સંબંધ એક વાત છે, અને ભાવનાત્મક સંબંધ બીજી વાત છે. ભાવનાત્મક સંબંધમાં માલિકીભાવ હોતો નથી. મિત્ર સાથે માલિકીભાવ નહીં હોય પરંતુ ભાઈની સાથે માલિકીભાવ આવે છે. જ્યાં સમર્પણ હોય ત્યાં માલિકીભાવ જતો રહે છે. છોકરા-છોકરીમાં પ્રેમ થાય તે એક વાત છે, પણ લગ્ન કરતાની સાથે જ બંધન બની જાય છે. પછી ભાવના જતી રહે છે. માત્ર કામના બાકી રહે છે. સંબંધમાં ઊતરતાંની સાથે પ્રેમની જગ્યાએ સામ-સામે આરોપ મુકવાનું ચાલુ થઈ જાય છે! પ્રેમ, મોહ, આસક્તિ એ બધું અલગ છે. જેને પ્રેમ માનીએ છીએ એ પ્રેમ હોતો જ નથી. પ્રેમમાં તો આહૂતિ આપવાની હોય છે. પ્રેમ એ હોવાપણાની ઊંચી અવસ્થા છે.

       પ્રેમમાં અપેક્ષા ન હોય. ત્યાં માત્ર આપવાનું જ છે. આમ થાય ત્યારે કામનાનું  રૂપાંતર ભાવનામાં થાય. શુદ્ધ ભાવના અપેક્ષા રહિત હોય છે. શિબિરમાં બધા ભાવનાથી ભેગા થાય છે. ત્યાં અનુગ્રહના ભાવ સાથે સહયાત્રા થાય છે. અહીં કંઇ લેવા કે આપવાનો વિચાર આવે તો સાવધાન થઈ જવું. મનની જાળમાં ફસાઇ ન જવાય તે માટે જાગ્રત રહેવું, વર્તમાનમાં રહેવું.

      મન હંમેશા કામનાની પાછળ ભાગે છે. આ મનને કેળવીને ભાવનાના ક્ષેત્રમાં વાળવા સભાન રહેવું.

…..બ્રહ્મવેદાંતજી

કામના – બ્રહ્મવેદાંતજી

    આપણામાં જાતજાતની કામનાઓ પડેલી છે. પાંચ કેન્દ્રો છે. વિચાર કેન્દ્રમા કંઇ સમજવાની, આયોજન કરવાની અને મગજમારી કરવાની કામના હોય. ભાવકેન્દ્રમાં લાગણીના સંબંધો અંગેની કામના હોય. કામકેન્દ્રમાં શરીરની અવસ્થા પ્રમાણે કામના હોય. આ કેન્દ્રમાં વિષય તરફ ચિત્ત જાય તો તરત જ એની સાથે ચોંટી જાય છે.

     આપણું અચેતન મન આપણી જાણ બહાર આપણને છેતરતું હોય છે. જાગૃતિપૂર્વક નિરીક્ષણ કરવાથી ખબર પડે. ચેતન મન અને અચેતન મન વચ્ચે વિરોધ હોય. ઉપરથી લક્ષ્ય સાધનાનું હોય અને અંદર કામનાઓ હોય. આપણુ ચિત્ત જ્યાં જોડાયેલું હોય છે, ત્યાંથી કામનાની માંગ ઊઠે છે. આ માંગ પૂરી ન થાય ત્યારે ક્રોધ આવે છે. જ્યારે જ્યારે ક્રોધ આવે છે ત્યારે સમજવુ કે કોઇ ને કોઇ સ્વરૂપે કામના  હોય છે જ. આ એક નિયમ છે. અંદર નેગેટિવિટી આવે તો સમાધાન કરી નાખવું અને જોઇ લેવું કે તેના કારણમાં કામના તો નથી ને ? આ કામના પકડાઇ જાય તો અંદરથી છૂટકારો મળે; અથવા કામનાને જોઇ લેવી અને રાહ જોવી. અંદર સકલ્પશક્તિ હોય તો કામનાને કન્ટ્રોલ કરી શકાય, અન્યથા એ કામના આપણને હેરાન કર્યા કરે છે. બાકી સામાન્ય રીતે કોઇ કામના થતી હોય તો પૂરી કરી લેવી. જાગૃતિપૂર્વક
એમાંથી પસાર થઈ જવું.

       બીજી નાજૂક વાત એ છે કે, કામનાને ક્યારેય અંતરાય કે અવરોધરૂપ ન ગણવી. તે એક ઊર્જા છે. આપણે જાગ્યા નથી તેથી તે અંતરાયરૂપ લાગે છે. જીવમાં જાતજાતની કામનાઓ જાગે છે. કામના જાગે એ સાથે જીવ જાગે એવું આયોજન કરી લેવું. કામના જાગે એ સાથે જીવ જાગે તો યાત્રામાં સહયોગી થાય. જીવ જેમ જાગતો જાય એમ જાગૃતિની શક્તિ વધતી જાય છે. જાગૃતિ વધવાની સાથે અંદર વિલ-પાવર, સંકલ્પશક્તિમાં વૃદ્ધિ થાય છે; અને એ સંકલ્પશક્તિના કારણે જીવને ચોંટાડવો કે ન ચોંટાડવો એનો વિવેક આવી જાય છે. કોન્શીયસ એનર્જિ – સભાનતાની ઊર્જા આવતાં જીવનમાં રસ આવે છે. પછી જીવ ગમે ત્યાં જાય નહી.

       જીવનમાં એવુ સભાન આયોજન કરી લેવું કે…

કામના જાગે અને તે સાથે જીવ જાગે
કામના જાગે અને જીવ જાગે !

…..બ્રહ્મવેદાંતજી

જીવન એક રહસ્ય – બ્રહ્મવેદાંતજી

    અસ્તિત્વમાં બધે જીવન ધબકતું છે. પશુ-પક્ષી, કિટકો અને બધી યોનિ જીવે છે. મનુષ્યયોનિને અંતઃકરણ સાથે સૂક્ષ્મ શરીર મળ્યું છે. સૂક્ષ્મ શરીર  જીવનને સમજવા માટે આપેલ છે, પણ અહંકારનો એટલો બધો પ્રભાવ છે કે, તે જીવવાનુ ભુલી જાય છે. પ્રકૃતિના નિયમો સમજવા માનવજાત મથામણ કરે છે. બ્રહ્માંડના રહસ્યો ઊકેલવા માટે તે જરૂરી છે. પણ બુદ્ધિના આગ્રહમાં મનુષ્ય જીવન જીવવાનું ભુલી
જાય છે. સમજવાના રસ્તે જાય તે જ્ઞાન અને જીવવાના રસ્તે જાય તે ધ્યાન.  ઓશો કહે છે ….

‘સેલીબ્રેટ ધ લાઇફ’
જીવનને ઉત્સવ બનાવો.

     જ્યાં સુધી આપણે કોણ છીએ?  શા માટે છીએ?  શું  શા માટે કરીએ છીએ? – એની સમજ ન પડે ત્યાં સુધી ઉત્સવ થઈ શક્તો નથી. આ દુનિયા કોણે બનાવી ? શા માટે બનાવી ? – આવા પ્રશ્નો થતા હોય છે. આપણું ચિત્ત કુદરત તરફ ન જતાં પડોશી તરફ જાય છે – અધર ઓરીએન્ટેડ.  પારકી પંચાતને કારણે આપણે ભટકી ગયા છીએ. પહેલાં તો આપણે જીવવાનું છે અને સમજીને જીવવાનું છે. નાનું બાળક સમજ્યા વગર મોજમાં જીવે છે. અને એક અવધૂત સમજણની પાર બોધ સાથે જીવે છે ! જીવન એક રહસ્ય છે. જીવ સમજવાની કોશિષ કરે છે. પણ સમજાતું નથી. પછી ખોજવાની કોશિષ કરે છે.  છતાં મળતું નથી.

       આપણે જીવવાનું છે અને સમાજમાં રોલ ભજવવાનો છે. દેહ છે તો સંબંધો છે. સંબંધને કારણે પિતા, પુત્ર, મા, બહેનની પ્રતીતિ થાય છે. દેહમાં ‘હું’ની પ્રતીતિ થાય છે. હું પુરુષ છું યા હું સ્ત્રી છું – આ પ્રતીતિ દેહાધ્યાસને કારણે થાય છે. એક પ્રતીતિ દેહના ‘હું’ની થાય છે, બીજી પ્રતીતિ એસ્ટ્રલ બોડી – મનોમય કોષની થાય છે. વિજ્ઞાનમય કોષમાં અહંકાર રસ લે છે. તે લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિમાં બંધાઇ જાય છે. પણ અસલી વિજ્ઞાનમય કોષમાં ‘અમુક ખબર પડે છે અને અમુક ખબર પડતી નથી’ – તેની ખબર પડે છે. અજ્ઞાનનું જ્ઞાન થાય છે. એ સાચું છે કે, જ્યારે જીવ અંદર ઊતરતો જાય અને બહાર જોતો થાય, ત્યારે અસલી – નકલીની ખબર પડે. બધા જીવે છે એની ખબર કોને પડે છે ? જેને એની ખબર પડે છે તે રહસ્યમય છે. આ રહસ્યની ખોજ તે સાધના છે. પણ એ સહેલાઇથી શોધ્યુ જડે તેમ નથી.

     સાચો દ્રષ્ટા ક્યારેય દ્રશ્ય બની ન શકે. દ્રષ્ટાને સાક્ષીની ખબર પડે. સાક્ષી પાછળ જતો જાય. શંકરાચાર્ય જેને કહે છે ‘નેતિ..નેતિ…’- એ શોધતાં  શોધતાં ગુમ થઈ જવાય તો સાચો રસ્તો સમજવો. અને શોધતાં શોધતાં અટવાઇ જવાય તો સમજવું કે તે અહમ્ નુ બીજું, નકલી રૂપ છે. પોતાની જાતને જાણવી એ અહમ્ નું અસલી રૂપ છે. આ બન્ને ને ઓળખવાની શક્તિને વિવેક કહે છે.

      અહંકારનો રસ માદક છે. એમાથી છુંટવુ સહેલુ નથી. છતા જોતાં જોતાં એમાથી છુટી શકાય છે…”

……બ્રહ્મવેદાંતજી

ભક્તિ અને આસક્તિ – બ્રહ્મવેદાંતજી

      જીવનમાં ઘણા આઘાતો આવવા છતાં પણ જીવ કેમ જાગતો નથી ?

    કારણમાં વિવેકનો અભાવ છે. આપણી ભક્તિ સાપેક્ષ છે, આસક્તિયુક્ત છે. ભક્તિ અને આસક્તિ બન્નેમાં અહમ્ છે. છતા ભક્તિમાં અહમ્ ઓગળી જવા માંગે છે, જ્યારે આસક્તિ પકડી લેવા માંગે છે. ભક્તિમાં પ્રતીક્ષા હોય છે, જ્યારે આસક્તિમાં આગ્રહ અને અધીરાઇ હોય છે.

      મીરાં અને કૃષ્ણ સાથે ન હતાં તેથી મીરાં માટે કૃષ્ણને મેળવવા પ્રતીક્ષા, તિતિક્ષા (*) સિવાય બીજો આશરો ન હતો. જો આ સ્થૂળ દેહનું સાન્નિધ્ય હોત તો જુદી વાત હોત. મીરાંમાં બાળપણથી કૃષ્ણ-પ્રેમ હતો. બાલ્યાવસ્થામાં કૃષ્ણની મૂર્તિ સાથે આસક્તિ હતી. આધાર પૂરતી આસક્તિ રાખેલ, પછી એ આસક્તિ પણ છુટી જાય છે.

     આપણે સદગુરુ યા ઇશ્વરનો આધાર લઈએ છીએ, પણ પછી એ આધાર કામનામાં પરિણમે છે. શરુઆતમાં સેવા પૂજા કરીએ પણ પછી ક્યારે વ્યક્તિગત માંગણી મુકીએ તેની ખબર જ નથી પડતી!

 દરેક આઘાત ભક્તને ઉપર ચડાવે છે.
આસક્તને આઘાત નીચે ઉતારે છે.

     વેદના અને આઘાત તો દરેકના જીવનમાં આવે છે, પણ તેનો કેવો ઉપયોગ લેવો તેનો વિવેક આવવો જોઇએ. ગટરના પાણી અને ગંગાના પાણીની પરખ શક્તિ આવવી જોઇએ. આશ્રમજીવન સ્વીકારીએ એટલે ભક્તિ આવતી નથી. ભક્તિ માટે જીવ અંદરથી જાગવો જોઇએ.

     આપણા વ્યવહારના સંબંધોમાં પણ શુદ્ધિ નથી. વાતવાતમાં ખોટુ લાગી જાય, ઇર્ષ્યા આવી જાય, સંબંધોમાં સ્વાર્થપરાયણતા આવી જાય, કોઇ પ્રકારનો નકારાત્મક ભાવ આવી જાય, તો એ આસક્તિનુ પરિણામ છે. ભક્તિમાં તો હમેશા શુદ્ધ અને હકારાત્મક ભાવ જ હોય.

     અત્યારે આપણે ખોટું જીવન જીવીએ છીએ અને સાચાની અપેક્ષા રાખીએ છીએ ! ખોટો ચેક કેટલો ચાલે ? સત્યને માટે, ભક્તિને માટે બલિદાન આપવુ પડે. મીરાંએ બલિદાન આપ્યું. આપણે તો જે સમજીએ છીએ, માનીએ છીએ તેને જ સત્ય માનીએ છીએ, અને આપણી માન્યતાઓને યોગ્ય ઠેરવીએ છીએ! જ્યાં સુધી આવા જસ્ટિફિકેશન્સ છે ત્યાં સુધી જીવનમાં પરિવર્તનનો કોઇ અવકાશ નથી. ભક્તિ એ ગંગાનુ પાણી છે, ભક્તિ એ શુદ્ધ સોનું છે.

     જીવન તો નિર્ભાર છે; ભાર લાગે તો સમજવું કે રસ્તો ચુકાઇ ગયો છે.

…બ્રહ્મવેદાંતજી


*   તિતિક્ષા –  સુખ, દુ:ખ વગેરે દ્વંદ્વો સહન કરવાની વૃત્તિ, સહિષ્ણુતા, ખામોશી

વર્તમાનમાં જીવન – બ્રહ્મવેદાંતજી

     ઓશોએ સરસ ઉપાય બતાવ્યો છે. શરીરમાં લોહી દોડે છે તેને આપણે દોડવા દઈએ છીએ. એવી રીતે વિચાર ચાલે છે, તો ચાલવા દો. વિચાર જિદ્દી છે. જેમ જેમ કાઢવા જઈએ તેમ તેમ ફરી ફરીને પાછા આવ્યા કરે છે. આપણે જે કરવાનું છે તે – તેને ચાલવા દઈએ. તેનાથી દૂર ચાલ્યા જવાનું છે. ઓશો કહે છે

 ‘તૈરો મત; બહો’.

      વિચારનો પ્રવાહ ચાલતો હોય તો સાથે વહેવું, કરવું કશું નહીં. તટ ઉપર ઊભા રહીને નદીના પ્રવાહને જોઇએ છીએ, એમ જોતા રહેવું. સારા કે ખરાબ – જે કંઇ વિચાર આવે તેને જોઇ લો. આવતા વિચાર સાથે રાગ કે દ્વેષ ન રાખવો. ખરાબ કે ભયના વિચારથી ભયભીત થઈ જવાય છે; તેથી જે વિચાર આવે તે ભલે આવે, તેને માણવા. જે કંઇ વિચાર આવે તેની સાથે વહેતાં જવું. પ્રયોગ કરવાથી ખ્યાલ આવશે કે વિચારપ્રક્રિયા સાથે કેવો વ્યવહાર કરવો. જીવવા માટે વિચાર પ્રક્રિયાને કેળવવી પડે.

     વિચાર મોટે ભાગે ભુત કે ભવિષ્યકાળના આવે છે. વર્તમાનમાં રહેવાનું શરુ કરીએ, એટલે વિચારનું જોર ઓછું થઈ જશે. વર્તમાનમાં રહેવું એ એક કળા છે. વર્તમાનમાં જે કંઇ સામે આવે તેનો સ્વીકાર કરવો. ગમે તે આવે, પણ તેનું ભાન હોવું જોઇએ. આ ભાન રહે તેને ‘અવેરનેસ’ કહે છે. પસંદગી પ્રત્યે સભાન રહેવાનું છે. જોવું.. પણ કંઇ પસંદગી ન કરવી. ધ્યાનમાં પસંદગી ન હોય.

       ભીતરમાં એક સત્તા પ્રકાશમાન છે. તેમાં જે કંઇ વિચાર આવે, જે કંઇ થાય, કરવાનું કશું નથી. કૃષ્ણમૂર્તિ તેને ‘ચોઇસલેસ અવેરનેસ’ – પસંદગી વગરનું અવધાન કહે છે. શ્રી કૃષ્ણ તેને સાક્ષી કહે છે – જે કંઇ છે તેને માત્ર જોયા કરવાનું.

      ઉપનિષદમાં એક કથા છે. એક ઝાડની ડાળી ઉપર બે પંખી બેઠાં છે. એક પંખી ઊડાઊડ કરે છે, અને બીજું તે જોયા કરે છે. રૂપક છે. આપણું ચિત્ત ભટક્યા કરે તે વ્યવહારિક છે.  અંદર એક સત્તા છે, એક સ્વરુપ છે જે માત્ર જોયા કરે છે. જે જોયા કરે છે, તે આપણું અસલ સ્વરૂપ છે.

     ઓશોને કોઇએ પ્રશ્ન પુછ્યો કે, “તમારો ટેસ્ટ શું છે ?”

     ઓશોએ કહ્યુ ‘સાદગી મને ગમે છે, પણ પસંદ હું ઉત્તમ કરું છું’.

      આપણને વર્તમાનમાં જે ક્ષણ મળી છે, તેમાંથી મોજ લઈ લેવી. હું વર્તમાનમાં જે સામે આવે તેની સાથે દિલથી વાતો કરી લઉં છું. તમે પણ જાગૃતિ સાથે વર્તમાનની મોજ લઈ લો.

…. બ્રહ્મવેદાંતજી

જીવન વ્યવહાર – બ્રહ્મવેદાંતજી

    મારી મુશ્કેલી એ છે કે, જે વસ્તુ જીવવાની છે, એને કહેવી પડે છે ! બરફીનો ટુકડો ખાવાનો હોય અને એને સમજાવવા જઈએ તો ગોટે ચઢી જવાય. જીવન જીવવા માટે છે. અમુક વાત નથી સમજાતી, માટે તેનુ મૂલ્ય નથી,  તેની કિંમત નથી. આપણે જે રીતે જીવીએ છીએ તે જોતાં જીવનનુ મૂલ્ય નથી સમજતા. જીવનનું મૂલ્ય સમજાવવા માટે પ્રવચનો, ઉદાહરણો આપવા પડે છે. સવારથી સાંજ સુધી વ્યવહારો ચાલે છે. ધાર્યું બધું થતુ નથી. બહાર ગમે તેવી પરિસ્થિતિ હોય, એમાં જીવ બાળવો કે મોજમાં રાખવો એ આપણા હાથમાં છે. બજારમાં દાગીનાથી લઈને દાળીયા સુધી બધું મળે છે. પૈસા ક્યાં વાપરવા; બજારમાંથી શું લેવું તે આપણા હાથમાં છે !

       જીવનમાં જે કંઇ પ્રસંગ બને, એમાં જીવ બાળવો ન જોઇએ. આ આપણા હાથમાં છે. જીવનું મૂલ્ય છે. જીવ ન બળે એ માટે સાવધાની રાખવાની છે. ગેસ બળતો હોય તો ઠારી નાંખવાનો છે. આપણને ‘ભાન’ નથી રહેતું એટલે નાની-મોટી વાતોમાં જીવ બાળ્યા કરીએ છીએ. આપણે પગે ચાલતા હોઇએ અને કોઇ ગાડીમાં બેસી પસાર થાય તે જોઇને ઇર્ષ્યા-અદેખાઇ આવે અને જીવ બળે – એ આપણું અજ્ઞાન છે. બીજાના ભાણામાં લાડુ જોઇને જીવ બળે છે. શીખવાનું એટલું જ છે કે આપણા ભાણામાં રોટલી-શાક હોય તેનો અનુગ્રહ માનીને મોજથી ખાઇ લેવું જોઇએ..આ મન થાય અને ખીજ ચડે તો માનવું કે રસ્તો ચૂકાઇ ગયો !

         અંદર જ્યારે ઇર્ષ્યા હોય ત્યારે ભાન નથી રહેતું કે, શું બોલાઇ જાય છે?  જીવનમાં સરળતા આવે ત્યારે જીવવાની મજા આવે છે. જીવ શા માટે બાળવો ?  પરિસ્થિતિઓ સ્થિર નથી, તે બદલાયે જાય છે. જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓ તો આવે. ચીજવસ્તુઓના ભાવ વધે, સારી રીતે રહેવા ન મળે, કોઇ અપમાન કરે…આવું બધું તો થયા કરે.  પણ આપણે દ્રષ્ટાભાવથી જોયા કરવાનું છે. જીવ બળ્યા વિના ન રહે, તો સાવધાનીથી ત્યાંથી દૂર હટી જવું. અદેખાઇ કે ઇર્ષ્યા ન આવે એવી સ્થિતિ તો ધ્યાનની અમુક અવસ્થા પછી જ આવે છે.

        વારંવાર મોજ લેવાનો અભ્યાસ કરવો. એકલા હોઇએ તો એકલાનો અને સાથે હોઇએ તો સાથેનો આનંદ લઈ લેવો. આનંદ લેતાં ન આવડે તો જીવ તો બાળવો જ નહી. ન ગમે તેની ઉપેક્ષા કરવી. બીજાના સુખમાં આપણું સુખ છે, એની પ્રતીતિ કરીને મૈત્રીભાવ કેળવવો. દુલા કાગે  કહ્યું છે;

‘તારા આંગણે કોઇ આશાભર્યો આવે તો આવકારો મીઠો આપજે’.

      કોઇની સાથે વિચાર કે ભાવથી ન ફાવે તો ભલે ન ફાવે, પણ જીવ ન બાળવો. જમવામાં દૂધપાક અને ચટણી પીરસાય. ચટણી ન ફાવે તો એકબાજુ મુકી દેવી ! નકારાત્મક ભાવને વ્યક્ત ન કરવો. જીવનમાં જે કંઈ ઘટના બને તે ઘટનામાંથી મોજ લઈ લેવી.

     એક વાર જીવવાની નેક આવી જાય પછી તો કુદરત મદદ કરે છે !

…..બ્રહ્મવેદાંતજી

પીડા – બ્રહ્મવેદાંતજી

    અત્યારે આપણું હોવાપણું વ્યવહારમાં છે. વ્યવહારમાં પીડા હોય છે. જ્યાં ન ગમતું હોય ત્યાં રહેવું પડે.  એનાથી અંદર જે સંવેદના થાય તેને પીડા કહે છે. નોકરી નથી કરવી તો પણ કરવી પડે, ત્યારે પીડા થાય છે. નાના બાળકને ભુખ લાગે, પેટમાં દુખે અને રડે તે એની પીડા છે. વ્યક્તિત્વના જગતમાં વ્યક્તિત્વને ઠેસ લાગે, ત્યારે પીડા થાય છે. સંસારીને પોતાની પીડાની ખબર નથી પડતી ત્યારે રાડો નાંખે છે. વ્યવહારિક પીડાનો ઉપચાર વ્યવહારિક જગતમાં થાય. મંત્ર, જાપ કે ઠાકોર-સેવાથી એ પીડાનો ઉકેલ ન મળે.

     શરીરના સ્તર પર પણ પીડા થાય છે. શરીરની સિસ્ટમમાં કોઇ પણ ગરબડ થવાથી શારીરિક પીડા થતી હોય છે. ડોક્ટરી ઇલાજથી આ પીડામાંથી મુકત થવાય. એક પીડા  સૂક્ષ્મ શરીરમાં થતી હોય છે. કોઇ અપમાન કરે ત્યારે મનમાં પીડા થાય છે. અપેક્ષા કે કામના પૂરી ન થાય, ત્યારે પીડા થાય છે. સંસારી માણસ અનેક કામનાઓથી પીડાતો હોય છે.

    મોટે ભાગે પીડા થતી હોય છે બેહોશીના કારણે. કામનાની પૂર્તિ ન થાય અને જે નથી એની આકાંક્ષા – અપેક્ષા સેવીએ તે પુરી ન થાય તો અંદર જીવ બળે છે. જીવ બળે ત્યારે સમય અને શક્તિનો વ્યય થાય છે. પીડામાં વાસ્તવિકતા હોય છે; જ્યારે જીવ બળે છે એમાં મોટે ભાગે ભ્રાંતિ હોય છે. છોકરો હોસ્પિટલમાં હોય, દવા-દારૂ કે ઉપચારનું પરિણામ ન મળે ત્યારે બીજુ કશુ ન કરી શકવાથી જીવ બળે છે. આ જીવ બળવાનુ નિરર્થક છે.

     ગમે તે કારણસર જીવ બળે તો તરત ઉપચાર કરવો; અને જીવને ઠારી નાખવો. જીવ બળે ત્યારે દ્રષ્ટાભાવ કેળવવો, બળતા જીવને જોયા કરવો. જોવાથી જીવ નકામો બળતો નથી. બળતા જીવને જોવાથી આપણને કોન્શિયસ એનર્જિ મળી જાય છે. જે જાગે છે તેને પીડા થતી નથી, જીવ પણ બળતો નથી. શરીર કે મનમાં થતી પીડા અને નાની-મોટી બાબતોમાં બળતા જીવને ઠારવાનો સાચો ઉપચાર છે જાગરણનો.

જાગૃત વ્યક્તિ જુવે છે
અને
જે જુવે છે
એને પીડા થતી નથી.

      શરીરને કષ્ટ થાય છે, મનમાં સુખ-દુખ થાય છે; અને જીવ આ બધુ ભોગવે છે.

…..બ્રહ્મવેદાંતજી

સંસાર સુખ – બ્રહ્મવેદાંતજી

     ભીતરની જાગૃતિ વગર શાંતિની ઇચ્છા વાંઝણી છે. ભીતરની જાગૃતિ વગર સુખ અને કહેવાતી મસ્તી લાંબો સમય ટકતાં નથી, અંતે બધું ભાંગી પડે છે.

      મનુષ્યે બુદ્ધિનો વિકાસ ખૂબ કર્યો. હવે તેણે ભીતરની જાગૃતિ વધારવાની છે. પુરી મનુષ્યજાતિ માટે આ તબક્કો હવે બહુ મહત્વનો છે. જાગૃતિ વગર ધંધાધાપામાં રઝળપાટ, માની લીધેલા માનપાન, સુખવૈભવ; છેવટે એકડા વગરનાં મીંડાં સાબિત થાય છે. માણસ જ્યારે આવી સ્થિતિમાં આવી પડે છે. ત્યારે કારણો શોધે છે. અન્યને દોષિત માને છે.

       સંસાર પૂરેપૂરો માણવાનો છે. ભાગવાનું નથી. ભીતર જાગૃતિ વધે, તે માટે પ્રયત્નો પણ કરવાના છે. જાગૃતિ વધે તેમ તેમ બેહોશી દૂર થાય. અંદર અંધારું ઓછું થાય. પ્રકાશિત બુદ્ધિને બધું સાફ-સાફ દેખાય. પ્રકાશિત બુદ્ધિને વિવેક કહે છે. પ્રકાશ જેમ જેમ વધતો જાય તેમ તેમ બુદ્ધિ નિખરતી જાય. ઉત્તરોત્તર નવાં નવાં દર્શનો થતાં જાય. બિનજરૂરી આપાધાપી ઓછી થાય. સ્વદર્શનનો માર્ગ ખુલ્લો થાય.

     બુદ્ધિ પ્રકાશિત થતી જાય તેને શાસ્ત્રીય નામો આપ્યા છે – વિવેક, મતિ, ધી, પ્રજ્ઞા, મેધા; પ્રકાશનો ઉત્તરોત્તર વધારો.

      ભીતરની અતૃપ્તિ ‘સ્વ’ના દર્શન સુધી કોઈ ને કોઈ સ્વરૂપે રહેવાની. જીવન ઊર્જા પ્રયાસ માટે વાપરવી પડશે. અત્યારે તો પુરેપુરી જીવન ઉર્જા સંસારમાં કંઇક મેળવવા, કંઇક બની જવાના પ્રયાસમાં વપરાઈ રહી છે.

      સમજીએ-

     જેમ પૈસા કાં તો વપરાય, વેડફાય, કાં ઇન્વેસ્ટ થાય. આવુ જીવન ઊર્જા બારામાં છે. જીવન ઊર્જા સરપ્લસ હશે તો ઇન્વેસ્ટમેન્ટ થઈ શકશે.

       જીવન ઊર્જાનો ઉપયોગ વધુ ને વધુ સજગતાથી જીવનમાં કરવો પડે. જીવન ઊર્જાનો ઉપયોગ વધુ ને વધુ વર્તમાન ક્ષણમાં રહેવા કરવો પડે. વર્તમાન ક્ષણમાં ઠહેરાવ વધશે તો ચિત્તની ભટકન ઓછી થશે. આ સાધનાની ચાવી છે.  ઉત્ક્રાંતિનુ પગથિયું છે.  મનુષ્યની ઉર્ધ્વગામી સંભાવનાઓનું દ્વાર છે. સૌ પ્રથમ તો જીવન ઊર્જાના બિનજરુરી વ્યયને અટકાવવો પડે.

      રસોઇમાં સપ્રમાણ મીઠું જરૂરી. વધુ પણ નહીં અને ઓછું પણ નહીં. આમ થાય તો રસોઇ સ-રસ થાય. સંગીતમાં સપ્રમાણ સૂર જરૂરી. કમ પણ નહીં અને તીવ્ર પણ નહીં. આમ થાય તો સંગીત ગમે. આવું જ  જીવનના બારામાં છે. જીવન એવું ગોઠવતાં રહો કે આવો ‘સમ’ ઉપલબ્ધ થાય. જીવન મધુર બને.

     સાધનાની ગહેરાઇ પછી સમજાશે. પહેલાં જીવનને મધુરું તો બનાવો.  જીવનમાં હાર્મની, બેલેન્સ તો પ્રગટાવો.

      બે પેંગડામાં સ્થિર ઉભા ન રહેવાના કારણે કેટલાય રાજાઓ દ્રૌપદીના સ્વયંવરમાં નીચે પછડાયા હતા. અર્જુનની જેમ ‘સમ’ પકડાય, બન્ને પલ્લાં સમતોલ થાય તો મત્સ્યવેધ થઈ શકે. સાધનાની ગહેરી વાતો ઋષિમુનીઓ કહી ગયા છે.  દ્રૌપદી સેક્સ-એનર્જિનું પ્રતિક છે. એ એનર્જિ અત્યારે આપણા ઇન્સ્ટિન્ક્ટ, મુવિંગ, સેક્સ, ફિલિંગ અને થિંકિંગ; એમ પાંચ કેન્દ્રો સાથે જોડાયેલી છે. આ એનર્જિના ચેનલાઈઝીંગ દ્વારા કૃષ્ણદર્શન શક્ય બને છે.

    ગહેરી વાતો છે,   વિસ્તારથી સમજીશું.

…..બ્રહ્મવેદાંતજી