ચિત્ત વ્યગ્ર હોય તો પહેલાં તેને એકાગ્ર કરવાનો અભ્યાસ. એકાગ્ર ચિત્તને ભીતર વાળવાનો અભ્યાસ. ભીતર જવા સક્ષમ બનેલા ચિત્તને ભીતર ઠહેરાવવાનો અભ્યાસ. ભીતર ઠહેરતા ચિત્તને નિરોધનો અનુભવ કરાવવાનો અભ્યાસ. નિરોધના અનુભવમાં મસ્ત રહેવા ચિત્તને શૂન્યમાં લય કરાવવાનો અભ્યાસ. પછી પ્રતીક્ષા અને તિતિક્ષા.
ચિત્ત આમ પોતાના મૂળ સ્વરુપ, ચૈતન્યમાં લય પામે છે – નિર્વાણ, રિટર્ન ટુ ધ સોર્સ.
વિધિ ગમે તે હોય, માર્ગ ગમે તે હોય; લક્ષ્ય એક.
ચિત્તને કેળવતાં પહેલાં તો તે જ્યાં ચોંટતું હોય, ભટકતું હોય, અટકતું હોય, તેના કારણો જોઇ લેવાં પડે. કારણો પકડાય તો તે પ્રમાણે ઉપચાર થાય. ચિત્ત મુક્ત રહેવું જોઇએ, ફ્રી –
એટેન્શન, વૈરાગ્ય
વૈરાગ્યના નામે નીરસતા, જડતા, નિર્માલ્યપણું આદર્શ ન બની જાય તેની તકેદારી રાખવી ખૂબ જરુરી. સામે પ્રસંગો આવશે, નિમિત્તો આવશે, ભાગવાનું નથી. છૂટા રહેવાની કળા હાંસલ કરવાની છે.
ઓશો કહે છે – ‘ભાગો મત, જાગો’
દાદા ભગવાન કહે છે – ‘નિમિત્તને બટકું ન ભરો, જુઓ અને ચૈતન્ય સત્તાને જાણો’.
ચિત્ત સરળતાથી છુટું રહેતું થશે, સરળતાથી મુક્ત થઈ શક્તું હશે, સરળતાથી પાછું ફરતું હશે, પછી જ તેને ભીતર જવાનો અભ્યાસ કરાવી શકાય. અભ્યાસ અને વૈરાગ્ય; ભીતરની યાત્રામાં દરેક તબક્કે સતત જોઇશે. જળ સમુદ્ર તરફ સહેજે વહે છે, અગ્નિ ઉપરની તરફ સહેજે ઉઠે છે, એમ ચિત્ત ચૈતન્ય તરફ સહેજે ઊર્ધ્વમુખી બનવું જોઇએ.
અત્યારે ચિત્ત વ્યગ્ર છે, ભટકે છે, અધોગામી છે. ચિત્તને ઊર્ધ્વમુખી થવાના સંસ્કાર આપવા પડે. સૌ પ્રથમ ‘એજ્યુકેશન ફોર એટેન્શન’. આ માટે વિધિ-નિષેધ આપવામાં આવે છે. પણ વિધિ-નિષેધમાં જ જીવન ખર્ચાઈ જાય, તો નવી ઉપાધિ. ધર્મના નામે એક વધુ બોજો ! ચિત્ત વર્તમાન ક્ષણમાં ઠહેરતું નથી, જલ્દી ડ્રિફ્ટિંગ થઈ જાય છે, ભટકવા ચાલી જાય છે – આનું ભાન તો પહેલાં આવવું જોઇએ ! પૂર્ણ ભાનની વાત પછી.
શરીરના સ્તરે પદ્માસન અને સૂક્ષ્મશરીરના સ્તરે ભટકન. કંઇ વળશે નહીં. હોશ રાખવો હોય તો તે કામ બેહોશીમાં કઈ રીતે થઈ શકે ? જાગવું છે તો સૌ પ્રથમ તમે તો હોવા જોઇએ ને ? શરીર અહીં બેઠું હોય, સાધનાની વિધિ કરાતી હોય અને જીવ ક્યાંય ભટકતો હોય તે કેમ ચાલે ? પોતાની ભીતર જોઇ લો.
….બ્રહ્મવેદાંતજી
વાચકોના પ્રતિભાવ