સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ભગવતી કુમાર શર્મા

પહોંચવું છે – ભગવતીકુમાર શર્મા

અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે,
તળેટીથી યે શિખરે પહોંચવું છે.

– ભગવતીકુમાર શર્મા

     અંતર યાત્રાની વાત છે, એટલે ગમી ગઈ. પણ નીચેની કડી જરાક જુદી પડી જાય છે

કોઈ તારાને ખરતો રોકવાને,
મળે જો પાંખ આભે પહોંચવું છે.

     અહીં કોઈક ખરતા , ડૂબતા, અથડાતા જણને મદદ કરવાની મહત્વાકાંક્ષા/ આરજૂ ભલે અંતરયાત્રાના પલાયનવાદ કરતાં સાવ નિરાળી લાગે – પણ ગમી ગઈ.

આખી કવિતા આ રહી.

હરિરસનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા, Bhagwatikumar Sharma

હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર…..

ફૂંક હરિએ હળવી મારી, ગાયબ ખળભળ લૂ,
શ્વાસ હરિના પ્રસર્યા, માટી સ્વયં બની ખુશબૂ ,
ખોંખારો હરિએ ખાધો ને વાદળ ગરજ્યાં ઘોર;
સ્હેજ વાંસળી હોઠ અડાડી, ટહૂક્યા મનભર મોર.

ત્રિભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ-ચમકાર;
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

વાદળમાં ઘોળાયો હરિનો રંગ સભર ઘનશ્યામ;
હરિ-પગલે આ ગલી બની શ્રાવણનું ગોકુળગામ.
પ્રેમઅમલરસ હરિને હૈયે તેનું આ ચોમાસું
નામસ્મરણને શબ્દે શબ્દે નભ ને નેણથી વહેતાં આંસુ.

મેઘધનુષમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર ;
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

ભગવતીકુમાર શર્મા

કવિ પરિચય

           આ ગીત અત્યંત સુંદર સ્વરરચનામાં સુરતના નયના ભટ્ટ અને હરીશ ઉમરાવના મધુર કંઠે ગવાયેલું છે. આ સ્તુતિ ગીત સાંભળીએ ત્યારે પ્રતીતિ થાય છે કે, આવા શબ્દો પરાવાણીમાંથી જ નીપજે. આવી સ્તુતિ હૃદયના પૂર્ણ ભાવથી ગવાય તો જ તેને પ્રાર્થના કહેવાય. આ ગીત ગવાતું સાંભળી વેદકાળના બહુ પૂજ્ય દેવ – વરૂણનું આવાહન થતું આપણે અનુભવી શકીએ છીએ.
             અંતરની વાણીને ઉજાગર કરતા શબ્દો, ગરજતા અને વરસતા મેઘને અનુરૂપ સંગીત અને તેવા જ મિજાજથી સભર, ઝમકદાર સ્વર આ ગીતને     ગુજરાતી સુગમ સંગીતનું એક અમૂલ્ય નજરાણું બનાવી દે છે.

હરિવરને કાગળ- ભગવતીકુમાર શર્મા

હરિવરને કાગળ લખીએ રે.
લઇને જમુનાજળ લખિયે રે.

જત લખવાનું કે કરવી છે થોડી ઝાઝી રાવ,
વ્હાલા હાર્યે વઢવાને યે લેવો લીલો લ્હાવ.
અમે તમારા ચરણ કમળને પખાળવા આતૂર,
હવે નેણમાં વરસો થઇ ચોમાસું ગાંડુતૂર.
કઇ ભીની ઝળહળ લખીયે રે.
– હરિવરને …..

શ્વાસમાં વરસે નામરટણના કેમ ન પારિજાત ?
ઝટ બોલો હરિ! ક્યારે થાશું રોમ રોમ રળિયાત?
કાં રુદિયામાં ફરતી મેલો ટપટપ તુલસીમાળ;
કાં આવીને શ્વાસ સમેટો મારા અંતરિયાળ.
શું હાવાં આગળ લખીયે રે.
– હરિવરને …..

ભગવતીકુમાર શર્મા 

  ( કવિ પરિચય )        :         સાંભળો   ….   

               આ અદ્ ભૂત ગીતને સ્તુતિ કહેવાનું મન નથી થતું , અને છતાં પરમ તત્વ સાથે એકરૂપ થવાની આવી તાલાવેલી આપણને ભક્તિ રસમાં એકરસ કરી નાંખે છે. રોમે રોમમાં એ પરમ તત્વ સાથે તાદાત્મ્યની આરતવાળા આ ગીતને સોલી કાપડીયાના સ્વરમાં સાંભળવું એ પણ એક લ્હાવો છે.

હરિ, મારા રુદિયે રહેજો રે- ભગવતી કુમાર શર્મા, Bhagwatikumar Sharma

હરિ, મારા રુદિયે રહેજો રે,
દઃખ જે હું દઉં તે સહેજો રે.

વારે વારે કરીશ કાલાવાલા,
માગું તે દેવું જોશે વ્હાલા!
તમે વેદમંત્રોના સુણનારા,
વેણ મારા વેઠી લેજો કાલા.
હરિ મુને કાંઇ ન કહેજો રે.
 હરિ મારી આંખથી વહેજો રે….

હરિ, હવે આપણે સરખે સરખા,
હરિ, તમે મેહ તો હું યે બરખા!
હરિ. તમે સૂરજ તો હું સોમ,
હરિ, તમે અક્ષર તો હું ૐ !
હરિ, મને જીરવી લેજો રે,
હરિ, મુને દરશન દેજો રે. …

–   ભગવતી કુમાર શર્મા

હેલી – ભગવતી કુમાર શર્મા, Bhagawatikumar Sharma

હેલી હેલી હેલી રે !
આ તો હરિનામની હેલી રે!

ઘેલી, ઘેલી, ઘેલી રે !
મારી રગ રગ પલળે ઘેલી રે!
સનન સનન આ હરિરસ ચોગમ વરસે અનરાધાર,
જલ ત્યાં થલ ને થલ ત્યાં જલ, સહુ ભીંજે આરંપાર.
મેલી, મેલી, મેલી રે!
અમે માંહ્યલી મરજાદ મેલી રે!
ઠેલી, ઠેલી, ઠેલી રે !
અમે ઠામુકી દુનિયા ઠેલી રે! – હેલી…..

સાત જનમના તૂટે તાંતણા, વીજળીને ઝબકારે,
ભવભવ કેરી તરસ બુઝાતી હરિરસ મૂશળધારે.
વેલી, વેલી, વેલી રે!
ખીલી હરિ-વ્હાલની વેલી રે!
ડેલી, ડેલી, ડેલી રે!
મારી સુગંધ લથબથ ડેલી રે! – હેલી ….

આ તો હરિનામની હેલી રે !

ભગવતી કુમાર શર્મા

અંતરની વાણી જાગે અને તે સતત ચાલુ રહે તે સ્થિતિને કવિએ અહીં વરસાદની હેલી સાથે સરખાવી છે. આ સરસ  લયવાળા ગીતને સોલી કાપડીયાના મધુર સ્વરમાં સાંભળીએ ત્યારે આપણને પણ આ હેલીમાં લથબથ થઇ જવાનું મન થઇ જાય છે.
હરિનામ અને સાત જનમ આ બે શબ્દોને બાદ કરો,  તો આ સ્તુતિ વૈશ્વિક સ્તુતિ બનવાનું સામર્થ્ય ધરાવે છે.  

હરિને સ્મરીએ તે શુભ ઘડી જાણવી – ભગવતીકુમાર શર્મા, Bhagwatikumar Sharma

હરિને સ્મરીએ તે શુભ ઘડી જાણવી;
મંગળ વેળા વરતી પૂરણ માણવી.

હરિને સ્મરવાનું મહુરત ના નીકળે;
રુદિયે હરિ સાંભર્યા એ પળ ઝળહળે.
હોઠે હોય ભલે વજ્જર સાંકળો;
આતમ બોલે, આતમરામ સાંભળે.
હરિની પદ્મ અંકિત પગલી પરમાણવી
હરિને સ્મરીએ તે શુભ ઘડી જાણવી

ચન્દન મ્હોર્યાનું હોય નહીં ટીપણું;
તત્વ ગ્રહીને ત્યજી દેવું ટૂંપણું.
રાતના અંધારાની કરવી શું રાવ રે?
પાંદડું સળવળ્યે સમજવું મોંસૂંઝણું.
વ્હાલોજી આવ્યાની ઢૂંકડી વધામણી;
હરિને સ્મરીએ તે શુભ ઘડી જાણવી.

–  ભગવતી કુમાર શર્મા

     જીવનના બહુ ઓછા આનંદના પ્રસંગોમાંનો એક તે લગ્ન પ્રસંગ છે. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેના વિજાતીય સંબંધને સમાજની સ્વીકૃતિની મહોર મારવામાં આવે છે ત્યારે એક નવું જીવન,  એક નવો વેલો સાકાર થાય છે.  હરિને સ્મરીએ કે અંતરની વાણી પ્રગટે તે માટે અભિપ્સા રાખીએ તે આવો પ્રસંગ છે. બ્રહ્મ સંબંધ બાંધવાનો તે પ્રસંગ છે. આ ઘડીએ અંતરમાં રહેલો આપણો સાજન આપણા જીવનમાં નવ ચેતનાનું બીજ રોપે છે. અંતરની વાણીના વેલાની કૂંપળો ફૂટે તેવી ઘડીને કવિ અહીં લગ્નમાંગલ્ય જેવી ઘડી ગણે છે.  
     લગ્નગીતના ઢાળમાં સોલી કાપડીયાના મધુર સ્વરે ગવાયેલું  આ ગીત ( સ્તુતિ? ) આપણને આવા પ્રસંગના માહોલમાં ખેંચી જાય છે.’મંગળ વેળા’ અને ‘મંગળ ફેરા’ વચ્ચેનું મધુર સામ્ય તરત કાન પર ચઢી જાય છે. વજ્જર સાંકળો,  ચન્દન મ્હોર્યા, મહુરત, ટીપણું, પદ્મ અંકિત પગલી, વ્હાલોજી આવ્યાની વધામણી આ બધા લગ્ન સમયના પ્રતીકો કવિએ કેવા સરસ સાયુજ્યમાં વાપર્યા છે?  

      જ્યારે આપણે કોઇ સ્તુતિ ગાઇએ ત્યારે આવો માંગલ્ય-ભાવ પ્રગટે તો તે સ્તુતિ કહેવાય, નહીં તો વ્યર્થ પ્રલાપ.