સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: મહમ્મદ માંકડ

સુખ એટલે – મહમ્મદ માંકડ

સુખની વ્યાખ્યા કોઇએ આ રીતે આપી છે :

” સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય

તેમાંથી ગજરો બનાવવાની કળા.”

         સુખ વિશે આવી માતબર, આવી સુંદર, આવી યોગ્ય વ્યાખ્યા બીજી ભાગ્યે જ હશે. માનવીના જીવનમાં જો સુખ જેવી કોઇ વસ્તુ હોય તો તે આવી જ કોઇક વસ્તુ હોઇ શકે. સુખ એક ધૂંધળી વસ્તુ છે. એ કોઇ નક્કર ચીજ નથી, કે જેને આપણે પકડી શકીએ, ખરીદી શકીએ કે બીજા કોઇને સ્પષ્ટ રીતે બતાવી શકીએ. એ તો માત્ર એક ભાવવાચક નામ છે. એને પામવા માટે માણસ જિંદગીભર વલખાં મારે છે, છતાં મોટે ભાગે તે સુવર્ણમૃગ જેમ આગળ ને આગળ જતું દેખાયા કરે છે. છતાં જીવનની કેટલીક પળોમાં માણસને સુખનો ઊંડો અનુભવ પણ થાય છે, અને એ અનુભવ એટલો બધો નક્કર હોય છે કે, એના માટે એ ફરી ફરીને ઝંખે છે.
           

    પરંતુ જેના માટે એ આટલું ઝંખે છે એ સુખ ખરેખર એને કોઇ રીતે પ્રાપ્ત થઇ શકે તેમ છે ખરું?

……………..
            

    ઉપરનું નાનકડું વાક્ય સુખ વિશે ઘણી મહત્વની વાતો કહે છે. પહેલું તો, સુખ એ પ્રાપ્ત થઇ શકે એવી વસ્તુ છે. પરંતુ, એ કોઇ તૈયાર વસ્તુ નથી. તમારે એનું સર્જન કરવું પડે છે. એનો કાચો માલ – રૉ મટિરિયલ – તમારી પાસે છે, પરંતુ એ ફૂલોમાંથી ગજરાનું સર્જન તમે કરો ત્યારે જ તમને સુખનો અનુભવ થાય છે, અને એ સર્જન તમારે કલાત્મક રીતે કરવાનું છે. જેટલી કલા તમે એમાં રેડી શકો એટલું વધુ સુખ, વધુ આનંદ તમે પામી શકો.
    

     જાપાનમાં છોકરીઓને ફૂલોની ગોઠવણી શીખવવામાં આવે છે. વિવિધ ગોઠવણી દ્વારા વિવિધ પ્રકારનું સૌંદર્ય ઉત્પન્ન કરવામાં આવે છે.  એ જ રીતે માણસ પણ પોતાની પાસે જે કાંઇ હોય તેને વિવિધ પ્રકારે ગોઠવીને તેમાંથી વિવિધ પ્રકારનો આનંદ માણી શકે છે.

મહમ્મદ માંકડ