સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: રામજીભાઈ

ગુજરાતી જોડણી વ્યવસ્થા – રામજીભાઈ પટેલ

ગુજરાત વિદ્યાપીઠ પ્રકાશિત 

‘ સાર્થ જોડણીકોશ’

મુજબની જોડણીમાં

————————————————————————————————– 

તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૦૯ને શુક્રવારના સંદેશમાં પ્રકાશીત થયેલ શ્રી. રામજીભાઈ પટેલનો લેખ..‘સંદેશ’ દૈનીકના સ્નેહથી સાભાર..

અક્ષરાંકન – ઉત્તમ ગજ્જર સુરત..
સમ્પર્ક – uttamgajjar@hotmail.com

      કવિ અચલ અમરેલિયા કહે છે કે, પત્રો લખવાનું ટાળું છું, કેમ કે જોડણીભૂલો-ભાષાભૂલો રહી જાય છે જેની ટીકા સાંભળવી પડે છે ને વિચાર બાજુ પર રહી જાય છે. આથી લઘુતાગ્રંથિ-અપરાધભાવ અનુભવાય છે.

     પરિણામે લેખનકાર્ય પ્રત્યે એક પ્રકારનો અણગમો થઈ ગયો છે. અમરેલિયા જેવા બીજાયે ઘણા મિત્રો પણ લખતી વેળા સતત મૂંઝવણ અનુભવે છે. ક્યાંક ભૂલ રહી જાય તો ! કંઈક કહેવાનું, અભિવ્યક્ત કરવાનું તો છે, પણ લખવા બેસવાનો ઉત્સાહ નથી થતો. ગુજરાતી લખવાની પ્રક્રિયા એમને સહુ આનંદપ્રદ પ્રવૃત્તિ બનતી નથી.માન્ય જોડણી વ્યવસ્થા એમનો ઉત્સાહ વધારતી નથી.

     વડનગરના સેવાભાવી દાક્તર વસંત પરીખ (૧૯૨૯-૨૦૦૭) લખે છે, “કબરમાં એક પગ લટકે છે મારો તોય જોડણી મારી લૂલી. હજી તો બે માસ પહેલાં મારા મિત્ર પૂછે છે : વસંતભાઈ ! ‘પ્રવિણ’માં હ્રસ્વ કેમ કરો છો ? મને થયું : ‘હોસ્પિટલ’માં દીર્ઘ કેમ નહીં ? ‘સારથી’ નહીં ને ‘સારથિ’ કેમ ? ‘બહેન’ જ જોઈએ ‘બેન’ ન ચાલે ! ભારે મૂંઝવણો, જાતને સૂંઠને ગાંગડે ગાંધીમાં ખપાવનારો હું લેખક તરીકે ‘ઓલવાઈ’ ‘હવાઈ’ ગયો.

      અમારા વિજ્ઞાનના ૩-૫ કિલો વજનનાં પુસ્તકો રસથી વાંચું. ક્યાંય જોડણીની ભૂલ નહીં. હજારો દવાઓનાં નામ અંગ્રેજીમાં સડસડાટ, આજે પણ ચૂક વિના લખું- ને ગુજરાતીમાં જાત થોથવાય કાં ? મારી જોડણી ચોખ્ખી કેમ નથી ? દૈનિક છાપાં તો રોજ નનામી કાઢે છે- જોડણીની. ગુજરાતી ભાષાનું શ્રાદ્ધ નિત ઊજવે છે. છે કોઈ ટોકનારું ? રોકનારું ?પડકારનારું ?

     અમરેલિયા ને પરીખની જેમ આપણે સૌએ ગુજરાતી લખાણ સારુ કાયમ મૂંઝવણો અનુભવ્યા કરવાની ? ગુજરાતી જોડાણી વ્યવસ્થા શું અફર છે ? આ પ્રશ્નોનો જવાબ ‘હા’હોય તો આપણે કંઈ કરવાનું રહેતું નથી. ગુજરાતી લેખનની જે કંઈ સ્થિતિ છે તે બરાબર છે એમ ગણી સહી લેવાનું રહે છે. ભાષાશુદ્ધિ કે ભાષા સ્વાસ્થ્ય સારુ કોઈ અપેક્ષા રાખવાની નથી. કહો કે, માયકાંગલું શરીર હોય તેમ માયકાંગલી ભાષા પણ હોય.

      પરંતુ પ્રશ્નોનો જવાબ જો ‘ના’ હોય તો ? માયકાંગલા શરીરવાળા પણ બેઠા થઈ શકે છે તેમ માયકાંગલી ભાષા પણ ભાષારોગો ઘટાડીને સ્વસ્થ ભાષા બની શકે છે.આ સારુ કેટલાક સભાન પ્રયત્નો કરવા પડે. સ્થિતિ પલટવા જાગૃત પ્રયત્નો કરાય તો સમય પાક્યે ફળ મળે જ. બધા ભાષારોગો નહીં,પરંતુ ભાષારોગનો ઇલાજ અખિલ ગુજરાત જોડણી પરિષદે શોધી બતાવ્યો છે.

      ૯-૧૦ જાન્યુઆરી, ૧૯૯૯ના ઊંઝામાં ભરાયેલી આ બેનમૂન પરિષદનો મુખ્ય ઠરાવ આ પ્રમાણે છે : ‘ગુજરાતીમાં ઈ-ઉની જોડણીના વિદ્યાપીઠના કોશના નીયમો અતાર્કીક અને ઘણી અસંગતીઓથી ભરેલા છે, તેમ જ ગુજજાતી ભાષામાં ઈ-ઉનું હ્રષ્વત્વ-દીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવિક પણ છે. તેથી એ નીયમો હવે પછી છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક ‘ઈ’ અને એક ‘ઉ’ યોજવા ‘ઈ માટે દીર્ઘ (ી)નું ચિહ્ન અને ‘ઉ’ માટે હ્રસ્વ ( ુ )નું ચિહ્ન રાખવું.”

      ઊંઝા ઠરાવની વાત તદ્દન નવી નથી. ગોવર્ધનરામ ત્રિપાઠી, પ્રબોધ પંડિતથી માંડીને ઘણા બધાએ એક ઈ-ઉની હિમાયત વખતોવખત કરેલી, પણ પછી એ વાત હાંસિયામાં ધકેલાઈ જતી. દયાશંદર શેલત, યોગેન્દ્ર વ્યાસ, ઊર્િમ દેસાઈ, પિંકી શાહ, કનુભાઈ જાની, અરવિંદ ભંડારી, સોમાભાઈ પટેલ, જયંત કોઠારી વગેરે ભાષાવિજ્ઞાનીઓની હાજરી ને માર્ગદર્શન હેઠળ ઊંઝા-ઠરાવનું ઘડતર થયું ને તા. ૧૦-૦૧-૧૯૯૯થી તેનો અમલ પણ શરૃ થયો.

  •  અત્યાર સુધીમાં ૮૦ જેટલા લેખકોનાં ૧૨૦ જેટલાં પુસ્તકો આ નવી જોડણી વ્યવસ્થામાં બહાર પડી ગયાં છે. 
  • (૪૨ પુસ્તકો આપનાર ડો. વસંત પરીખનાં ૨ આંશિક ને ૯ પૂરેપૂરાં પુસ્તકો ઊંઝા જોડણીમાં બહાર પડયાં છે. 
  • બે ગીત ગઝલ સંગ્રહ જૂની જોડણીમાં આપનાર કવિ અમરેલિયા ત્રીજો સંગ્રહ નવી જોડણીમાં આપનાર છે. 
  • ઊંઝા જોડણીમાં વીસેક સામયિકો પણ બહાર પડે છે. 
  • ‘નયા માર્ગ’ પાક્ષિકે દસ વર્ષથી યાને ઊંઝા પરિષદ પછી તરતથી તેનો અમલ શરૃ કર્યો છે.
  • એપ્રિલ, ૨૦૦૯થી શરૃ થનાર રાજકોટનું ‘વિજ્ઞાનજાથા’ પ્રથમ અંકથી જ ઊંઝા જોડણી અપનાવનાર છે. 
  • હરુભાઈ મહેતા ને જયંત કોઠારીએ પોતાના લેટરહેડમાં જ ઊંઝા ઠરાવ હાંસિયાની જગ્યાએ છપાવેલો.

      લગ્નની કંકોતરીઓ-નિમંત્રણપત્રો, જાહેરાતો વગેરેમાં પણ એક જ ઈ-ઉવાળી ઊંઝા જોડાણી પ્રચલિત બની રહી છે. વળી દાયકા અગાઉનો ઊંઝા ઠરાવ ધીમી ગતિએ પણ લોકમાન્યતા પામતો જાય છે. એક જ ઈ-ઉના વપરાશને કારણે કોઈ અર્થભ્રમ થતો નથી. સરળતા સધાય છે ને ૭૦% જોડણીભૂલો ઘટી જાય છે.

      ડો. વસંત પરીખે મને કહેલું કે, આ ઇલાજથી વિચારને અવરોધ થતો નથી. વિચાર સડસડાટ ચાલ્યા આવે છે ને લેખન નિવિઘ્ને આગળ ચાલે છે. અગાઉ વારંવાર જોડણીકોશ જોવો પડતો ને તેથી અભિવ્યક્તિને મુશ્કેલી આવતી. આવો અનુભવ અન્ય લેખકોનો પણ છે. ઙ, ઞ જેવા કેટલાક વર્ણો આપણા કક્કામાં છે છતાં તેનો વપરાશ ભાગ્યે જ થાય છે એ જ રીતે ઈ, ઊ કક્કામાં ભલે હોય, આપણે તેની જગ્યાએ ઇ અને ઉ વાપરવા લાગી, સિસ્ટમ સુધારીએ તો અનુભવ કહે છે કે, ભાષા સુધારથી પણ ભાષાશુદ્ધિ વધી શકે છે.