ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
મને પેલો પ્રસંગ યાદ છે.
આપણા પ્રથમ મિલનની પળે ભૂત, વર્તમાન અને ભવિષ્ય- ત્રણે કાળ મને કાંઇક વ્યાવહારિક સલાહ દેવા આવ્યા હતા.
શ્વેતકેશી ભૂતકાળે ભવ્યતાથી કહ્યું , “ તું મને છોડીને ન જા. મેં તારાં મધુર સંસ્મરણો સાચવી રાખ્યાં છે. મેં તને પાળીને મોટો કર્યો છે. પાછો ફર, પાછો ફર. “
વર્તમાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું:” તું મહાન છો. સારાય જગતમાં તારી કીર્તિની સુવાસ ફેલાવી રહ્યો છે. પાછો ફર. પાછો ફર.”
ભવિષ્યકાળે ઘણી જ આકર્ષક મુખમુદ્રાથી કહ્યું : “પુત્ર! ભાવિ પ્રજાનો આધાર તારા ઉપર છે. હું તને અમરપટો લખી આપીશ અને જગતમાં તારી પ્રતિમાની પૂજા થશે. પાછો ફર. પાછો ફર.”
પછી ત્રણે ય બોલી ઊઠ્યા,” શું વિચાર કરે છે? ચાલ અમારી સાથે .”
આ સાંભળીને હું મૂંઝાયો. મેં તમને પ્રાર્થના કરી: ”પ્રિય દર્શન, મારી રક્ષા કરો, રક્ષા કરો. હું મહા મહેનતે આ લોકોના પ્રબળ પ્રલોભનમાંથી મુક્ત બનીને આવ્યો છું.”
જરા ક્રોધભરી વાણીમાં તમે એ લોકોને કહ્યું, “ મારે શરણે આવેલાઓની બાબતમાં માથું મારવાનો તમારો અધિકાર નથી.” અને શંકરનાં ત્રીજા લોચનથી જેમ કામદેવ ભસ્મ થઇ ગયો તેમ તમારી ક્રોધ ભરી દ્રષ્ટિથી આ ત્રણે જણા બળીને ભસ્મ થઇ ગયા.
આ પ્રસંગ પછી મને એમ લાગે છે કે હું કોઇ નૂતન જ કાળમાં જીવી રહ્યો છું. નથી રહ્યો વર્તમાન, નથી ભવિષ્ય કે નથી ભૂતકાળ.
મારે તમને હવે તો એક જ પ્રશ્ન પૂછવાનો રહે છે અને તે એ કે, હું જે ચોથા કાળમાં જીવું છું એ કાળનું નામ શું?
– વજુ કોટક
—————————-
વર્તમાનમાં જ આપણે જીવતા થઇએ, તે પછીની માનસીક ભુમીકાની અવસ્થાની આ વાત છે. આ અવસ્થા પછી જ શબ્દ બંધ થાય છે અને અંતરની વાણી – નીશબ્દતાની ભુમીકામાં આપણે પ્રવેશી શકીએ છીએ.
શ્રી. અરવિંદ ઘોષ આને અતીમનસ કહેતા હતા.
તમે ફરિયાદ કરો છો કે તમારી અને મારી મુલાકાત થતી નથી. પણ હું તમને કેવી રીતે સમજાવું કે અનેક રીતે હું તમારી મુલાકાત લઉં છું.
વહેલી સવારે પંખીઓનાં કંઠમાં સંગીત બનીને હું તમને જગાડું છું અને સૂર્યનાં કિરણોનો પોષાક ધારણ કરીને હું તમારા દર્શન કરવા આવું છું. મંદિર તરફ જ્યારે તમે પગલાં માંડો છો ત્યારે ઘંટનાદમાં છૂપાઇને હું તમારું સ્વાગત કરું છું અને તમે એમને પુષ્પો ધરો છો ત્યારે પ્રભાતનાં પુષ્પો બનીને હું જ તમારા હાથમાં શોભું છું.
વિયોગથી તમે ઝૂરો છો ત્યારે રાત્રે ચન્દ્ર બનીને તમને શાંતિ આપવા હું બહાર નીકળું છું. કદી હવા બનીને હું વસ્ત્રો સાથે સાગર કિનારે ગેલ કરું છું, તો કદી મોજાં બનીને તમારા પગ પણ હું સાફ કરું છું.
અરે, ખરું કહું તો તમારા હૃદયમાં જે ધબકારા છે એમાં પણ હું જ તમારા નામનું રટણ કરું છું. આમ છતાં તમે ફરિયાદ કરો છો કે તમારું અને મારું મિલન થતું નથી. ખરેખર તમારી દશા પેલા કસ્તુરીમૃગ જેવી છે કે જેની પાસે સુગંધ હોવા છતાં પણ તે સુગંધને પકડવા દૂર ને દૂર દોડ્યા કરે છે !
સૂર્યથી તેજ છૂટું પડી શકતું નથી. સાગરથી મોજાં વિખૂટાં પડતાં નથી અને વસ્તુમાંથી છાયા દૂર થઇ શકતી નથી તો પછી તમે જ કહો કે તમે અને હું જુદા કેવી રીતે છીએ?
– વજુ કોટક ( પ્રભાતનાં પુષ્પોમાંથી)
બહાર ધોધમાર વરસાદ પડે છે અને હું તારા મંદિરમાં ભરાઇને બેઠો છું, કારણકે, બહાર જઇશ તો કપડાં ભીંજાઇ જશે અને બદલવા માટે હવે એક પણ વસ્ત્ર મારી પાસે રહ્યું નથી.
Read more of this post
ભૂતકાળને કાયમ યાદ કરવાથી માણસને ભવિષ્યનું ઘડતર કેમ કરવું તે સૂઝતું નથી. પોતાના ભૂતકાળની જાહોજલાલીના ગુણગાન ગાઇને બેસી રહેનારાઓને આગળ વધવાનો કોઇ માર્ગ દેખાતો નથી. બાપદાદાની મહત્તાની માળા ફેરવનારાઓ પોતાનું ભાગ્ય ભાગ્યેજ ફેરવી શકે છે. જીવનના અરીસા ઉપર ભૂતકાળના સુખદુઃખની જે ધૂળ ઊડી છે એને જો સાફ કરવામાં આવે તો જ વર્તમાનમાં આપણે કેવા છીએ એનું ચોખ્ખું દર્શન થાય છે. સંસારમાં બાળક જે પળે પ્રવેશ કરે છે, કે તરત તે પોતાનો પૂર્વ જન્મ ભૂલી જાય છે. કુદરતનો આ ક્રમ એ જ આજ્ઞા આપે છે કે, ભૂતકાળને ભૂલીને જે પોતાનો કાગળ કોરો રાખે છે એ જ એની ઉપર જીવનના નવા નકશાઓ દોરી શકે છે.
વડલાનો ટેટો જમીન પર પડ્યા પછી એવી ચિંતા કદી નથી કરતો કે પોતે એક વિરાટ વૃક્ષમાંથી ઊતરી આવ્યો છે. વડલાનું આ નાનકડું ફળ પોતે જ પરિશ્રમ કરીને ફરી પોતાનામાંથી એક વિરાટ વડલો ખડો કરે છે. જે જગ્યાએથી અમે આવીએ છીએ એ પર્વતમાળા અતિ અદ્ ભૂત હતી એવા વિચાર કરીને ગંગાનાં જળ કદી હિમાલય તરફ પાછાં વળતાં નથી.
– વજુ કોટક ( ‘પ્રભાતનાં પુષ્પો’ માંથી)
લાકડામાંથી અગ્નિ ત્યારે જ પ્રગટ થાય છે કે જ્યારે લાકડું પોતાની જાતને બાળી
નાખે છે ! અગરબત્તીમાંથી સુવાસ ત્યારે જ પ્રગટે છે કે જ્યારે પોતાપણું ભૂલવાનું શરૂ કરે છે.
‘પ્રેમ આંધળો છે’ એવું સૂત્ર રચનારા માનવીની ખરેખર મને દયા આવે છે, કારણ કે તારા સંસર્ગમાં આવ્યા પછી તો મને પ્રકાશનાં દર્શન થયાં છે. અને તેથી જ કહું છું કે પ્રેમ આંધળો નથી, પણ અદભુત અપાર્થિવ પ્રકાશ છે. એ પ્રકાશને જીરવવાની તાકાત ન હોય તો જરૂર માનવી આંધળો બને છે. મને લાગે છે કે પ્રેમના પ્રકાશને ન જીરવી શકનાર, અંધ બનેલા કોઇ અશક્ત પ્રેમીએ જ ઉપરનું સૂત્ર ઘડ્યું હોવુ જોઇએ.
સાગરે એક વખત ચાંદનીને પૂછ્યું :
‘ઓ ચાંદની, સારીય સૃષ્ટિમાં વિધાતાએ સૌન્દર્ય ભર્યું છે. હું કોઇ પ્રત્યે આકર્ષાયો નથી, પણ તારામાં એવું શું ભર્યું છે કે તને જોઇને મારું હૈયું હિલોળે ચઢે છે. હું મસ્ત બનીને તને ભેટવા માટે તલપાપડ બનું છું અને જેમ જેમ તું ખીલતી જાય છે તેમ હું વધુ ને વધુ ગાંડોતૂર બનતો જાઉં છું’
ચાંદનીએ શું જવાબ આપ્યો એ હું જાણતો નથી, પણ સાગરે જે શબ્દ ચાંદનીને પૂછ્યો એ પ્રશ્ન તો આજ હું તને આદિકાળથી પૂછી રહ્યો છું.
***
વાચકોના પ્રતિભાવ