સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: સુંદરમ

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી પરમે

અરવિંદ આશ્રમ, પુડિચેરી ખાતે સ્વ. ‘સુંદરમ’ રચિત, પરમપૂજ્ય માતાજી અને પરમતત્વની આ સ્તૂતિ ગુજરાતના અરવિંદ – માતાજીના ચાહકોની માનિતી સ્તૂતિ છે. પણ, એથી વિશેષ – અમારા કુટુમ્બના પૂજ્ય વડીલો સ્વ. ભીખાભાઈ અને શારદાગૌરી જાનીની પણ આ માનિતી સ્તૂતિ હતી. અમારા કુટુમ્બમાં એ નિયમિત ગવાતી. આજે જ્યારે કુટુમ્બના સભ્યો વિશ્વભરમાં ફેલાઈ સ્થાયી થયા છે, ત્યારે એમને તેમ જ અરવિંદ, માતાજીના સૌ ગુજરાતી ચાહકોને આ સ્તૂતિ – વિડિયો અમૃતના ઓડકાર સીંચશે – એવી અભ્યર્થના છે.

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….આનંદમયી, આનંદમયી, આનંદમયી….

તવ મહામુદાના ધામ ત્યહીં.
અમ અલ્પમુદાના ધામ,ઠામ,મુકામ અહીં.
તવ પરમ હર્ષના સાગર કેરી છોળ.
અમ ક્લેશ દુઃખના ઘોર અહીં વંટોળ.
તું આવ લઈ (3), તવ ધસમસ, નંદ-પ્રચંડ તણા રસપૂર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….

ચૈતન્યમયી, ચૈતન્યમયી, ચૈતન્યમયી
તવ ઊર્ધ્વચિતિના ગગન ત્યહીં,
અમ ચિતિધરાના તમસ ઘોરમાં મગન અહીં.
તવ પ્રખર ચૈત્યના ઝળહળતા રવિરાજ
અમ ટમટમ દીપક દીન તણાં અહીં કાજ
તું આવ લઈ (3), તવ છલછલ ચેતન તણા સભર અંબાર
તું આવ અહો.(3)\ આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….

સત્યમયી, સત્યમયી, સત્યમયી
તવ સ્વર્ણજ્યોતિની સૃષ્ટિ ત્યહીં
અમ તમસ છાયી લઘુ દ્રષ્ટિ અહીં.
તવ પ્રખર તેજના દીશ દીશ ભરતાં નીર
અમ મનમનના આ પંક સહુ મલીન સહુ તીર
તું આવ લઈ (3), તવ ઉજ્જવળ ઝળહળ, ભર્ગ તણા ભંડાર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….

પરમે, પરમે, પરમે, પરમે,
તવ વિશ્વપારના પવન ત્યહીં
અમ ભૂમીજડિત સહુ ક્રમણ અહીં,
તવ સૃષ્ટિ સર્વને ક્રમી જતા નિત, નૂતનતમ સંચાર
અમ ડગમગ પડતા કદમોનો આ શોક,મોહ, સંસાર
તું આવ લઈ (3), તવ દિવ્ય જગતના ભવ્ય મધૂર ઝંકાર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે
….

– સુંદરમ

અને… એ સ્તૂતિ પર મારા વિચારો અહીં –

સુંદરમ સાથે એક સાંજ

વેષ્ટન- સુંદરમ્, Sundaram

આ વાસના- વેષ્ટિત કેવું જીવન !
જાણે અરે કંટકનું મહાવન.

હા, આ અમે જંગલમાંહી મંગલ
રચ્યું સજ્યું તો ય અરે બિછાતનાં
પુષ્પો થકી કંટક શા ફૂટી ઊઠે,
ને પુષ્પમાળા અમ રંગરાગની
શી સર્પ થૈને અમ પ્રાણ ભીંસે.
ને બુધ્ધિનો દીપ ઝગે તગે છતાં
અંધારનો માત્ર હિસાબ દાખવે,
સશક્ત બાહુ બહુ ઝૂઝતાં છતાં
સંધ્યા સમે વિષ્લથ ક્લાન્ત થૈ ઢળે.

કાલિન્દી આ કાલિયથી વસેલી,
ભર્યાં ભર્યાં વારિ, તથાપિ કાળાં
હલાહલે દૂષિત, એવું જીવન
હે કૃષ્ણ, ક્યારે દડૂલો ઉડાવીને
ઝંપલાવશો આ વિષ-સૃષ્ટિ જીતવા?

સુંદરમ્

વેષ્ટન – ઓછાડ, ગલેફ, આવરણ ;  વિષ્લથ – થાકી ગયેલું (?)   ;  ક્લાન્ત  –  કરમાયેલું

એ આવશે – સુંદરમ્

એ આવશે અંતરનો અવાજ થઇ,
કે તોપગોળો થઇને ધણેણતો.
એ આપશે સ્વર્ગ તણું સુખાસન,
કે વેદનાના નરકાગ્નિઓ બધા :
એ સર્વ એનાં વરદાન મંગલ –
કૃતાર્થ થઇ તૃપ્ત બની વધાવીએ.

સુંદરમ્ Read more of this post

વૃત્તિઓની લીલા – સુંદરમ્

       ખાવું નથી હોતું, અને એક કોળિયો વધુ મોંમાં મૂકી દેવાય છે. બોલવું નથી હોતું અને કંઇક બોલી જવાય છે – અણધાર્યું, અણચિંત્યું, અણમાંગ્યું. કરવું નથી હોતું અને કંઇક કરી બેસાય છે… ખવાઇ જાય છે, બોલાઇ જાય છે, કરી બેસાય છે.
      આપણી જાગૃત સંકલ્પશક્તિ જાણે કે, એકાદ ક્ષણ માટે ગુમ થઇ જાય છે. અંને કો’ક બીજું તત્વ આપણા પર સવાર થઇ જાય છે. Read more of this post

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે – સુંદરમ

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે…. Read more of this post