સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ગઝલ

તું – લક્ષ્મીકાન્ત ઠક્કર

ઘણી ચર્ચા કરી લીધી ,પણ ઉત્તર ના મળ્યો !
તારી સુગંધ ભરી લીધી, ઉત્તર ઝીલી ના શક્યો 

દર્પણમાં નઝર કરી લીધી,અક્સ પામી ના શક્યો
તું તો હતો હાજર,ફરીથી મરમ તાગી ના શક્યો 

તું તો ઉત્તર આપતો રહ્યો ,હું કળી ના શક્યો,
રીત અલગ તારી,હું એ દૃષ્ટી સમજી ના શક્યો॰ 

હવાની રૂખ બદલાતી રહી, ફરીફરીને “ કઇંક ”
મરમ એની ચાલ-રવાનીના સમજી ના શક્યો 

સીધી લીટીનો માણસ,દિશા અવળી પકડી લીધી,
એ અવળી સમજણ મારી,મને હમેશાં નડતી રહી 

નઝર ઉત્તર તરફ રાખી દક્ષિણે ચાલતો રહ્યો “કઇંક”
કાશ! પાછું ફરીને જોઈ લેત, તો તુંજ ઊભો હતો॰ 

ઉત્તર-દક્ષિણનોજ માત્ર વિરોધાભાસ રહ્યો,’’કઇંક’’
બાકી, ગતિ તો વર્તુળાકારે હોતી હોય છે હવાની

————————————-

લક્ષ્મીકાન્ત ઠક્કર

મસ્તી અને ગુલાલ – શ્રી. શરદ શાહ

      મને બહુ જ ગમતીલા, માનનીય શાયર શ્રી. જવાહર બક્ષીનો – મારા જીવનમંત્ર જેવો – શેર…..
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. 
     કલ્યાણમિત્ર શ્રી. શરદ શાહને જણાવ્યો; અને એમનામાં પ્રચ્છન્ન રહેલી સર્જકશક્તિએ પ્રતિ-શેર બનાવી; ટેબલ ટેનિસની રમતની જેમ સામો બીજો શેર મોકલી દીધો…
હસ્તી મટી ગઈ તો,  વિરાટ થઈ ગઈ;
ઘેરાવ જો ગયો તો, આકાશ થઈ ગયો.
      માશાલ્લા, શરદભાઈ, ચાલો આમ શેર- ટેનિસ રમતા રહીએ. ગુલાલ, મસ્તી, વિરક્તિ, હસ્તી, મુક્તિની રમત રમતા રહીએ.
      એવી જ એક રમતની અદભૂત ગઝલ – બીજા એવા જ એક ગમતીલા શાયર, શ્રી. કૃષ્ણ દવેની ..
મારી પાસે ઢગલો રેતી,
તારી પાસે ખોબો જળ,

ચાલને રમીએ પળ બે પળ.

ખરી લાગણી -પ્રવિણ કે.શ્રીમાળી

જિસ્મ અલગ ને રુહ એક લાગે, તે ખરી લાગણી
વલોવાઈએ અમે અને વિહવળ બનો તમે, તે ખરી લાગણી

ઘણાં સોપાનો સર કરી પહોંચ્યાં છીએ ઊંચાઈએ
ત્યાંથી પણ નજર અમારા સુધી પહોંચે , તે ખરી લાગણી

પ્રેમ છે ઘણો તમ પર, પણ અવળ ચંડાઈ તમારી નડે
હજાર અવગુણો ભૂલી એક ગુણે ઓવારી જઈએ, તે ખરી લાગણી

નજીક હોઈએ ને પરસ્પર ઘુરકીયાં કરીએ
દૂર હોઈએ ને યાદ સતત સતાવે, તે ખરી લાગણી

કદીક યાદો ના ખંડેરમાં આંટો મારી આવો
ને કરો વહાલ પ્રસંગ ના અવશેષો ને , તે ખરી લાગણી

પ્રિયજન ને બંધન નાં પિંજર માં પૂરવું શાંને?
મુકત આકાશ માં ઉડવાની મુકિત એ, તે ખરી લાગણી

છાને ખુણે ઝીણું-ઝીણું કંઈક બહાર આવવા મથે
હોઠે આવે, તે પહેલાં આંખો જ જતાવે, તે ખરી લાગણી

તરફડાટ જળ વિના મીન નો, વિલાપ મુરઝતી વેલનો
ને ઝુરાપો સારસનો, થાય બે હાલ એકબીજા વિને, તે        ખરી લાગણી

દેહ તો રોજ ગુંથાઈ અરસ-પરસ
મનનાં મણકાં ગુંથાય એકતારે , તે ખરી લાગણી

તન-મન-ધન વારીએ તમ પર એવાકે
કદીક મોત આવે એમનૂં ને જાત ધરીએ આપણે, તે ખરી લાગણી

-પ્રવિણ કે.શ્રીમાળી

બેસતા કરી દીઘા!- ચીમન પટેલ ‘ચમન’

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુએા વઘતો જાય છે આજે, ‘
સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સ્ંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!

‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેા ફરો છો તમે,
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે? ‘
ઇલેક્ટી્રક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!

———————————————————–

– ચીમન પટેલ ‘ચમન

૧૯ સપ્ટે ’૦૯


પીળું – સુરેશ જાની

પીળું છે જે પીળું રહેતું, લીલું છે તે પીળું બનતું,
પીળાં ચશમાં પહેરો તો, બધું ધોળું પીળું બનતું.

પીળાને સાથ આપીને, બને પાગલ પીળા લોકો
નીહાળી એ તમાશો, શોકમાં ભરપુર મન બનતું.

પીવાડે ઝેર જો કોઈ, સુનહરા પાત્રમાં રેડી
અરે! પાગલ સમજ; એ ઝેરનું અમૃત નથી બનતું.

પીળા રંગે રમેલા, એ પીતાંબરધારી મનવંતર
લુંટાયા આખરે કાબા વડે, લો! એમ પણ બનતું.

પીળાં પાનાં, શબદ પીળાં, પીળા નેતા, પીળા લોકો
પીળા માહોલમાં સાચું કહું તો સૌ પીળું બનતું.

——————-

– સુરેશ જાની

20, મે- 2009 , અરવીન

તરસ – જયેશ ઉપાધ્યાય

એક ચાંગળુ આપણો સમય
ને જીદંગી બેહીસાબ તરસ.

યાદોં,  સ્મૃતી, અતીત સાવ નકામું
ફાટેલી આંખોમાં ખ્વાબ તરસ.

તને મોકલી અનરાધાર હેલી
ને આવે તારો જવાબ તરસ.

જીવાતા શ્વાસોનો આ દબદબો
ને આપણો અસબાબ તરસ.

– જયેશ ઉપાધ્યાય

સાથ લઈને બેઠો છું – રાજેન્દ્ર ત્રીવેદી

શબ્દોનો આ કોશ લઈને ખાલી ખાલી બેઠો છું.
ભાશાની ભરમાળ નીરખવા, અમથો આમ જ બેઠો છું.

ભાશાની ભરમાળ મહીં હું ગીતો, ગઝલો પેશ કરું છું.
નીસ્પ્રુહ બનવાની વાતો સૌ વાગોળીને બેઠો છું. 

તર્ક, વીતર્ક, કોઇ કારણ વીણ હું નીજાનંદને માણું છું.
શરુઆત છે સમાધીની, આ શ્વાસ – પ્રાણમાં બેઠો છું. 

પ્રભુ પ્રાર્થના પ્રાણ છે મારો, તુજ ઈમેલમાં જાન છે મારો,
જુગલ, દીનેશ,  સુરેશ સહુને સાથે રાખી બેઠો છું. 

શુઁ કહું, નીશ દીન આપ સહુનો સાથ હમેશાં ચાહું છું
પ્રેમ, પ્રભુ ને રાજ, ગીતાનો સાથ લઈને બેઠો છું.

–  માર્ચ ૧૪ ૨૦૦૮, બોસ્ટન , રાજેન્દ્ર ત્રીવેદી

હુંમાં હું રહ્યો નથી- અરુણ દેસાઈ

પામ્યો સ્થાન તુજ હ્રદયે જેવો, પછી હું ગયો નથી,
તારા મનથી ઉતરીને માનજે, કદી હું રહ્યો નથી.

પામવા તને જ મુજ મહીં, બહાર હું ગયો નથી,
તારા તલસાટ વગરની એક્કેય ક્ષણ હું રહ્યો નથી.

શોધવા ચંદ્ર કે સુર્યને વળી કદી હું ગયો નથી,
તો એ તેઓની કૃપા વગર કદીય હું રહ્યો નથી.

સ્થળ પર જ સ્થીર થવા કાજે બીજે હું ગયો નથી,
પ્રેમ વર્ષાના અંગીમ એ જળ વગર હું રહ્યો નથી.

જાણવા તારી આ અનોખી લીલા કદી હું ગયો નથી,
સહજ ભાવે સૌ તે લીલા માણ્યા વગર હું રહ્યો નથી.

ચંચળ મનને સ્થીર કરવા બીજે હું ગયો નથી,
તુજમાં સ્થીર થયા પછી હવે હુંમાં હું રહ્યો નથી.

(૧૬–૦૧–૧૯૮૭)

અરુણ દેસાઈ

હોમી દઈ – અરુણ દેસાઈ

યાદ છે એ પહેલી નજરની,
જયારે તે પાંપણો ઢળી ગઈ.

ઘણીયે મળી એ નજરો અને
નજર આગળથી જ સરી ગઈ.

કહી ગઈ ઘણીયે વાતો
જે યાદો બનીને જ રહી ગઈ.

રહી ગઈ સૌ મનની મુરાદો
મનની મનમાં જ રહી ગઈ.

લખવી હતી બધીયે વાતો,
ને ખડીયેથી શાહી જ ઢળી ગઈ.

બંધ આંખોની તે મુક કહાની
સૌ બંધ ઘડામાં જ રહી ગઈ.

ઉમ્રભર કરી પ્રતીક્ષા અને
હવે તે ઉંમર પણ વહી ગઈ.

સમજ જે હવે પાકી થઈ તે
બધી યાદોમાંથી જ થઈ ગઈ.

સ્વીકારજે છેલ્લું હવે આ આલીંગન
અર્પું જે મુજ અસ્તીત્વ હોમી દઈ.

(સુરતથી વડોદરા ટ્રેન સફરમાં–૨૮–૦૯–૧૯૮૬)

–  અરુણ દેસાઈ

        સુરતના એક નીવૃત્ત ઈજનેર શ્રી અરુણ દેસાઈ હાલ ૮૪ વર્ષના છે. તેમની અંગત ડાયરીમાં ૨૨૩ જેટલાં કાવ્યો જોવા મળ્યા. જુદા જુદા અંગત પ્રસંગોએ, પ્રવાસ દરમ્યાન ટ્રેન, બસ કે રીક્ષામાં બેસીને ઝીણાંઝીણાં અવલોકનો પરથી લખાયેલા આ કાવ્યોમાં છંદ ક્યાંય નથી, બસ છે અનુભવો અને લાગણીઓનો નીચોડ. ભાવપુર્વક લખાયેલા કાવ્યો તેમણે કશે પ્રગટ કરવાની તમન્ના રાખી નથી. છતાં મીત્ર શ્રી કાર્તીક દેસાઈના સૌજન્યથી મને ગમ્યાં તે કાવ્યોને મોકલું છું.

–  સુનીલ શાહ

એક તું મળી – સુનીલ શાહ

ગાગાલગા
—————————
એક તું મળી,
નજરો ઢળી.

હર મોડ પર
ઈચ્છા ફળી.

દીલને ફરી
કળ તો વળી.

‘શુન્ય’ બની
‘એક’ પર ઢળી.

છેવટ સુધી
દઢ નીકળી!

સુનીલ શાહ