સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ગદ્ય/ અછાંદસ

ધર્મ અને વીજ્ઞાન

     માણસના મનમાં કુદરતે મુકેલી વીચારશક્તીના પ્રતાપે, માણસે કેવળ પશુવ્રુત્તીમાંથી અનેરી પ્રગતી સાધી છે. આ પ્રગતીનાં બે મુળભુત પાસાં તે ધર્મ અને વીજ્ઞાન. આ વીચારશક્તીના કારણે જીવન સુખ અને સગવડથી ભરેલું બન્યું છે; અને સારાસારનો વીવેક પણ નીપજ્યો છે. પણ સાથે સાથે અનેક અનીષ્ટોને પણ તેણે જન્મ આપ્યો છે.

    મારા મતે આમાંનું એક સૌથી પ્રધાન અનીષ્ટ છે – ધર્મ અને વીજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ. વીજ્ઞાને ધર્મ અને નીતીની ઘોર ઉપેક્ષા કરી છે. વીજ્ઞાનની મદદથી સર્જાયેલા સાધન અને સમ્પત્તીના કારણે માણસ ભોગવાદી બન્યો છે; કેવળ સ્વાર્થમાં જ રાચતો થયો છે.

    તો સામે પક્ષે ધર્મે વીજ્ઞાનને હમ્મેશ પરમ તત્વથી વીમુખ માન્યું છે; અને તેને દબાવવા, કચડવા પ્રયત્નો કર્યા છે. સોક્રેટીસને ઝેર આપી મારી નાંખ્યો છે; બ્રુનોને જીવતો જલાવી દીધો છે. ગેલીલીયોને કેદમાં રીબાવી, તેની માન્યતાઓને બળાત્કારથી ઉલટાવવા મજબુર કર્યો છે. પોતાની ધાર્મીક માન્યતાઓ અન્ય પર ઠોકી બેસાડવા અનેક યુધ્ધો લડાયાં છે; રકતપાત થયો છે; સંસ્ક્રુતીઓ તારાજ થઈ ગઈ છે.

    અને કરુણાજનક વાત તો એ છે કે, ધર્મ અને વીજ્ઞાન એક જ સત્યના બે પાસાં છે !

    વીજ્ઞાન સત્યનું અવલોકન કરે છે, એ અવલોકનમાંથી તર્ક અને પ્રયોગોના સહારે નવી શોધખોળો કરે છે અને નવાં સાધનો, શાસ્ત્રો, વીચારધારાઓને જન્મ આપે છે. ધર્મ સત્યની સર્વોપરીતાની ભક્તી કરે છે અને ભાવ અને શ્રધ્ધાના સહારે અંતરની વાણીને ઉજાગર કરે છે; સજીવની અંદર રહેલા જીવંત તત્વ સાથે ગોઠડી સાધે છે.

    અને આવી જ કો’ક અંતરની વાણી કો’ક ન્યુટનને ગુરુત્વાકર્ષણનો નીયમ રજુ કરવા પ્રેરે છે. આવી જ કો’ક વાણી જ્યોર્જ વોશીંગ્ટન કાર્વર જેવા વીજ્ઞાનના માણસને કુદરતમાં રહેલી સંવાદીતા નીહાળવા પ્રેરે છે , તો ક્યાં’ક ગૌતમ બુધ્ધને કેવળ વીવેક બુધ્ધી જગવવા પ્રોત્સાહીત કરે છે.

   મારા મતે, માનવમનના વીકાસના પ્રારંભીક તબક્કામાં ધર્મ અને વીજ્ઞાન વચ્ચે કોઈ સંઘર્ષ ન હતો. પ્રાગૈતીહાસીક કાળના એ અબુધ માનવીઓ, એ જંગલના જીવો સત્યની ઘણી વધુ નજીક હતા. અનેક જીવનસંઘર્ષોની વચ્ચે, ધર્મ અને વીજ્ઞાન બન્ને એમના જીવનમાં એક રુપ બનીને વીલસતા, પાંગરતા હતા. આવી જ પરીકલ્પના મારી નવલકથાના આજના પ્રકરણની પાર્શ્વભુમીમાં છે. એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

        પણ આપણી કહેવાતી સંસ્ક્રુતીએ આ પાયાની સંવાદીતાનો દાટ વાળી દીધો છે. ધર્મ અને વીજ્ઞાન એકમેકના વીરોધી બનીને બેઠા છે. શ્રધ્ધા અને તર્ક તાલબધ્ધ બનીને એક સાથે કેમ ન ચાલી શકે? શ્રધ્ધા શું અંધ થવા જ સર્જાઈ છે? તર્ક શું કેવળ ભોગવાદીપણાને ઉત્તેજન આપવા જ સર્જાયો છે? આના એક ઉકેલ તરીકે, વીવેકબુધ્ધી કેળવવાનો મત પણ પ્રવર્તે છે. પણ આ વીવેક માત્ર વીજ્ઞાનને જ મહત્વ આપે છે. શ્રધ્ધાનો છેદ જ ઉડાવી દે છે.

   માનવ જાગરુકતા જે તબક્કે આવીને ઉભી છે, તેમાં આ સંવાદીતા ફરીથી ઉજાગર થશે; તો માનવજાત સર્વનાશ તરફની આંધળી દોટમાંથી કોઈક ઉજાસવાળો માર્ગ કાઢી શકશે.   આ દોટ વીષેની એક પરીકલ્પના અહીં વાંચો  . નહીં તો આ હજારો વર્ષોમાં થયેલો  વીકાસ, એક વર્તુળ પુરું કરીને માનવજાતને એ પથ્થરયુગમાં ફરી પાછી લાવી દેશે. 

———

   આ વીચાર ધારાને ઉદ્દીપીત કરવા પાછળ મારા પુત્રવત ચીરાગ પટેલ્નો મ્રુત્યુ પરનો લેખ છે. એ વાંચવા અહીં ક્લીક કરો.

   આશા રાખું કે, આ વીષય ઉપર વીશદ ચર્ચા થશે. મારા મતે આ આપણી પાયાની એક જરુરીયાત છે.

ગુજરાતી રેનેસાં – એક શક્યતા

 ” હું એવા માતાપિતાના દર્દ અને મનઃસ્થિતિની કલ્પના નથી કરી શક્તો. અને એ બાળક જે આ મતલબી સ્વાર્થી દુનિયામાં ખોવાઈ ગયુ છે, જેને હજી દુનિયાની રીત રસમોનો કોઈ પરિચય નથી….કોઈના બદ ઈરાદા જે પારખી શક્તુ નથી એ બાળકની આ દુનિયા શું વલે કરશે?”

એક ખોવાયેલુ બાળક – આપણી જવાબદારી  –  અક્ષરનાદ

      આ વાત વાંચી હું એક જુદા જ વીચારે ચઢી ગયો. આપણેય આ બાળક જેવા નથી? આપણને કેવા રુપકડા, નીર્દોશ, રુના ગાભલા જેવા અને વ્હાલસોયા લાગે તેવા બનાવી આપણા એ પરમ પીતાએ મોકલ્યા હતા? અને આપણે સમજદાર, સમ્પતીવાન, શક્તીશાળી થવાની  દોડમાં કેવા બની ગયા? કેવા ખોવાઈ ગયા?

     આપણા એ પરમ પીતાની આંતરડી કેવી કકળતી હશે? એને ઉંઘ પણ નહીં આવતી હોય.

     ચાલો આપણે એની વ્યથાનું શમન કરીએ.

——————

   મને આટલું સુઝ્યું – અંતરમાંથી આ પોકાર આવ્યો. અને અહીં લખું છું – ખાસ ગુજરાતી બ્લોગર મીત્રો અને વાચકો માટે.

   મોટા ભાગના મારી જેમ નવરા ધુપ નથી; સાંસારીક, સામાજીક અને વ્યવસાયની જળોજથામાં બહુ જ વ્યસ્ત છે. એમ હોવા છતાં, એ બધા વીશ્વગુર્જરીની જે નીસ્વાર્થ સેવા કરે છે; તે બેમીસાલ છે. જે વાંચે છે અને બ્લોગરોને ઉત્સાહ મળે તેવા પ્રતીભાવ આપે છે;  તે પણ આદરણીય છે.

   પણ હવે ‘નીજાનંદ’ અને ‘ગમતાંનો ગુલાલ’ કરવાની આ સ્તુત્ય પ્રવ્રુત્તીથી એક ડગલું આગળ વધીએ તો?  આપણે સૌ સામાન્ય જન કરતાં વધુ સુશીક્ષીત  અને ઠીક ઠીક સમ્રુદ્ધ છીએ. શું આપણું એ નૈતીક ઉત્તરદાયીત્વ નથી કે, આપણા જીવનનો એક હીસ્સો સમાજને કાંઈક  પ્રદાન કરવામાં વાપરીએ? ગાંધીયુગમાં આમ થયું હતું. પણ એ પ્રક્રીયા સ્થુળ પ્રગતીની દોટમાં લગભગ સ્થગીત થઈ ગઈ છે.

    મોટા ભાગના બ્લોગરો સાહીત્યરસીક છે; જ્ઞાન અને નીર્દોશ ગમ્મતના ચાહક છે. પણ સમાજનો મોટો  ભાગ આ બધાથી વીમુખ છે. માત્ર સમ્પત્તીની પાછળ આંધળી દોડમાં અને ધાર્મીક અંધશ્રદ્ધામાં વ્યસ્ત છે. આપણે ગુજરાતી સમાજની આ છાપ દુર કરવા,  ‘ જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે.’ ત્યાં ત્યાં એક નવો રેનેસાં ( સાંસ્ક્રુતીક પુનર્જન્મ) પ્રગટાવી ન શકીએ?

     આપણા વાડાઓ, આપણી માન્યતાઓ, આપણા પુરવગ્રહોને  બાજુએ મુકીને આ જ્ઞાનયજ્ઞમાં જોડાઈએ તો કેવું ?  આદરણીય શ્રી. મહેન્દ્ર મેઘાણીની વાંચન/ સમ્પાદન યાત્રા;  ગાંધીનગરની શાળાની બાળકો માટેની વાંચન શીબીર;  ડો. પ્રફુલ્લ અને ઈંદીરા શાહ ની લાયબ્રેરી પ્રવ્રુત્તી (સાવરકુંડલા);  શ્રી. ગોપાલ પારેખની વાંચન ઉત્તેજન પ્રવ્રત્તી વી. પરથી પ્રેરણા લઈ આપણે આવું કે બીજું કાંઈ પ્રદાન કરીએ તો?

   આ માટે આપ સૌ બ્લોગરો/ વાચકો પાસેથી ઉત્કટ ઉત્સાહવાળા પ્રતીભાવ અને સુચનો મળશે તો આનંદ થશે.

 

મધર ટેરેસા

      ઈશ્વર હ્રદયના મૌનમાંથી બોલે છે; અને આપણે સાંભળીએ છીએ. જે વ્યક્તીને જીસસે પોતાના કાર્ય માટે પસંદ કરી હોય તેને ખબર છે કે, ઈશ્વરે કહ્યું છે,

      ” મેં તને તારા નામથી સાદ દીધો છે. તું મારી છે. તને પાણી ડુબાડી નહીં શકે. તને આગ બાળી નહીં શકે. હું તને દેશોના દેશો આપી દઈશ. તું મારે માટે અમુલ્ય છે. હું તને પ્રેમ કરું છું. એક મા કદાચ પોતાના બાળકને ભુલી જાય; પણ હું તને નહીં ભુલું. મેં તારું નામ મારી હથેળીમાં કોતરી રાખ્યું છે. “

10, સપ્ટેમ્બર- 1946

મધર ટેરેસાને વેકેશનના દીવસોમાં દાર્જીલીંગ જતાં ટ્રેનમાં સંભળાયેલ ‘અંતરની વાણી’

————————————————————————

          આ વાણી સાંભળી મધરે શીક્ષણનું ક્ષેત્ર છોડી ગરીબોઓની સેવામાં પોતાનું જીવન સમર્પણ કરી દીધું. કલકત્તાની મીશન સ્કુલના પ્રીન્સીપાલની નોકરીની સાથે શાળાની પાછળ આવેલી ‘મોતી ઝીલ’ ની ગંદી ગોબરી ઝુંપડપટ્ટીમાં એકલે હાથે બાળકોને ભણાવવાનું શરુ કર્યું.  આ સેવાયાત્રા મરણ સુધી ચાલુ રહી.  ( 5, સપ્ટેમ્બર- 1997)

         જે રણવાહીની પર ગાંધીજી અને જવાહરલાલ નહેરુની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી તેની ઉપર તેમની સ્મશાનયાત્રા કાઢીને તેમને અભુતપુર્વ સન્માન આપવામાં આવ્યું હતું.  યુગોસ્લાવીયાના મેસેડોનીયા રાજ્યના સ્કોપ્યે ગામના સાવ સામાન્ય કુટુમ્બમાં 26, ઓગસ્ટ- 1910 માં જન્મેલ ‘એગ્નસ ગોન્ક્સા બોહાક્સીયુ ‘ ની, એક સાચી ‘મા’ની , આ અંતીમ યાત્રામાં નાત, જાત, ધર્મ, રંગ બધાંને બાજુએ મુકીને લાખો લોકો જોડાયાં હતાં.

         આવું અભુતપુર્વ માન અને પ્રેમ મેળવનાર આ બાઈના કણ કણમાં જીસસની કરુણા સમાયેલી હતી. આખું જગત તેને માટે જીસસ હતું. ભારતનું એ સૌભાગ્ય છે કે, વીસમી સદીની આ મીરાંની સેવા અદનામાં અદના અને તરછોડાયેલા દરીદ્રનારાયણને મળી હતી. એની ‘અંતરની વાણી’ થી પ્રગટેલ કર્મયજ્ઞની પાવક જ્યોત આખી દુનીયામાં ફેલાઈ હતી. તેમના મરણ વખતે 4500 બહેનો, 500 ભાઈઓ, અને અગણીત દૈવીભાવવાળા કાર્યકરો અને સ્વયંસેવકો આ યજ્ઞકાર્યમાં જોડાયેલા હતા.

તેમના જીવન વીશે જાણવા અહીં ‘ક્લીક’ કરો.    :     –   1   –   :   –   2   –

ધર્મ વીશે મધરના વીચારો ( ખાસ વાંચવા લાયક )

મુર્તીપુજા

      “2500 વર્શ જુના પવીત્ર યાત્રાધામ દ્વારકામાં આવેલ પૌરાણીક દ્વારકાધીશ મંદીરનો રુ. સાડા સાત કરોડના ખર્ચે જીર્ણોધ્ધાર કરી તેની કાયાપલટ કરવાનું આયોજન ગુજરાત સરકારના પ્રવાસન વીભાગે કર્યું છે…… દરરોજ દસ હજાર ભાવીક યાત્રીકો આ ધામની મુલાકાત લે છે. જન્માશ્ટમી સહીતના ખાસ તહેવાર પ્રસંગોએ આ આંકડો લાખો ઉપર પહોંચે છે. આ મંદીરની 2007-2008માં રોકડ આવક રુ. ત્રણ કરોડ, પંદર લાખ હતી. આ ઉપરાંત સાડા છ લાખ જેટલાં સોનાચાંદીના દાગીનાની આવક પણ નોંધાઈ છે. મંદીરની આવકમાંથી 2 ટકા રકમ ચેરીટી કમીશ્નરની કચેરીમાં જાય છે; 15 ટકા દેવસ્થાન સમીતીને મળે છે અને બાકીના 83 ટકા હીસ્સાને પુજારી પરીવારો વચ્ચે વહેંચી દેવામાં આવે છે.”
– એક સમાચાર ( ગુજરાત ટાઈમ્સ – ન્યુયોર્ક : 18 – એપ્રીલ – 2008 )

————————————————————————
      આ છે મુર્તીપુજાની એક ઝલક. હું જન્મે માનવ પણ કુટુમ્બ અને સામાજીક સંસ્કારે હીન્દુ છું. મને જીવનની હીન્દુ ફીલસુફી માટે અનહદ માન છે. પણ મુર્તીપુજાનો આ નગ્ન ચીતાર મને કઠે છે.

      આ માત્ર એક મંદીર કે હીન્દુ ધર્મ પુરતું મર્યાદીત નથી. દરેક પ્રજા, દરેક ધર્મ, દરેક જાતી, દરેક દેશમાં, કોઈ ને કોઈ પ્રકારે અને સ્વરુપે; કોઈક દેવ કે દેવદુત કે પથ્થર માટે આમ જ બનતું આવ્યું છે. આ ‘અંતરની વાણી’ ની બીભત્સ અભીવ્યક્તી છે. અંતરના, ગંગાજળ જેવા પવીત્ર ભાવનો ચીતરી પમાડે તેવો દેખાડો અને વ્યાપારીકરણ છે. સામાન્ય માણસ માટે એ પોતાની ધાર્મીકતાનું પ્રદર્શન છે; અનેક પુજારી કુટુમ્બો માટે એ આજીવીકાનું સાધન માત્ર છે. સરકાર માટે એ આવકનો સ્રોત છે. એ શહેર કે ગામના વેપારીઓ માટે રળવાનું એક બહાનું છે. આ એક ધર્મના ઓઠા હેઠળ વકરેલી, કેવળ આર્થીક અને સામાજીક પ્રવ્રુત્તી છે. એમાં ક્યાંય ભક્તી નજરે પડતી નથી.

     હું મુર્તીપુજાનો વીરોધી નથી. અમારા એક જાણીતા સંબંધી કુટુમ્બમાં નસીબસંજોગે બાળક થયું ન હતું. બહેને બજારમાંથી એક લાલજી ખરીદ્યા હતા. એ લાલજીનું નાનકડું મંદીર, નાનકડું પારણું અને નાનકડી શય્યા પણ રાખ્યાં હતાં. પોતાનું જણેલું સંતાન હોય, એવા ભાવથી એ બહેન પોતાના એ લાડીલા લાલજીનું લાલન-પાલન કરતાં હતાં. લાલજીને જમાડે, રમાડે, ન્હવડાવે, વસ્ત્ર પહેરાવે, હીંચોળે, સુવાડે. એનાં ગીતો અને ભજનો ગાય. એની સાથે કાલી ઘેલી વાતો કરે. માતાના અધુરા રહેલા, અવ્યક્ત પ્રેમની એ અભીવ્યક્તી હતી. ઘરના એકાંત, ભાવભર્યા અને હુંફાળા વાતાવરણમાં પાંગરેલી એ ભાવ-નીતરતી, પ્રેમથી સભર ભક્તી હતી. મને એ બહેનની એ પુજા, એ વાત્સલ્ય, એ ભાવવીભોર અવસ્થા બહુ જ ગમતાં. કોઈ પણ ભક્તી કે પુજા કેવળ ‘અંતરની વાણી’ ની અભીવ્યક્તી હોવી ઘટે. આ બહેનની ભક્તી આવી અભીવ્યક્તીનું નીતાંત, સર્વાંગ સંપુર્ણ,પ્રશંસનીય સ્વરુપ હતું.

      ભક્તી તો સાવ અંગત વાર્તાલાપ હોવો જોઈએ. આપણા હોવાપણાના પાયામાં રહેલા પરમ તત્વ સાથેનો સંવાદ; ભાશા કે કોઈ પણ માધ્યમ વીનાની કેવળ આંતરીક ગોઠડી. બહુ બહુ તો એ સ્વગત પ્રાર્થના હોઈ શકે કે; પેલાં બહેન જેવી સાવ અંગત, નીર્મળ, પ્રેમલક્ષણા ભક્તી.

      પણ ઉપરોક્ત સમાચારમાં એ ભાવ, એ ભક્તી, એ પુજા બજારમાં બીકાઉ ચીજ બની ગયાં છે; એ મને કઠે છે.

       જ્યારે માનવજાતે વૈચારીક ક્ષેત્રમાં મહાભીનીશ્ક્રમણ કહી શકાય તેવી સફરના અનેક જોજનો કાપી નાંખ્યા છે; જ્યારે જ્ઞાન અને જાગ્રુતીના અનેક સ્તરો ઉકેલાઈ ચુક્યા છે; જ્યારે અજ્ઞાનનો અંધકાર ક્યારનોય ભેદાઈ ચુક્યો છે – ત્યારે માનવજાતની પથ્થરયુગી પ્રાથમીકતાના આ આદીમ સ્વરુપનું વરવું પુનરાવર્તન મને કઠે છે.

       અને ખાસ કરીને ભારત દેશમાં : જ્યાં કરોડો ભુખ્યાં બાળકો સુકા રોટલા માટે ટળવળે છે; જ્યાં ચાંગળું પાણી અને રોટલો ઘડવાનું બળતણ મેળવવા રોજ લાંબી સફર આદરવી પડે છે; જ્યાં કુદરતી હાજત માટે છેક ગામને છેવાડે પુગવું પડે છે; જ્યાં કોઈ અજાણી પ્રતીભા નાણાં, તક અને સવલતોના અભાવે પાંગરતાં પહેલાં જ કરમાઈ જાય છે; જ્યાં કેટલાંયને માટે આકાશની છત જ સહારો છે; જ્યાં ગરીબીના કારણે રુપ સરેઆમ વેચાય છે – એવી મારી જન્મભુમીમાં છપ્પન છપ્પન ભોગ ભોગવતો એ કાનુડો મને કઠે છે.

       અને પેલાં બહેનની લાલજીસેવાનું ચીત્ર ભલે ભાવ અને ઉર્મીથી સભર હોય; પણ તેમણે પોતાની મુર્તીપુજાની માન્યતાને કોરાણે મુકીને કો’ક અનાથ, અબુધ, પ્રેમના ભુખ્યા, ધુલકા ફુલ, લાલજીની જીવંત સેવા અપનાવી હોત તો એ નીરર્થક પ્રવ્રુત્તી કેટલી સાર્થક બનત? તેમના જીવનનો ખાલીપો પણ કેટલો ભરાયો હોત?

અંતરના ઉંડાણની વાત – અખિલ સુતરીયા

મને જે થયું તે તમને થાય,
મને જે લાગ્યું તે તમને લાગે, 
મને જે ગમ્યું તે તમને ગમે, 

એનો અર્થ એ તો ન જ થાય કે – 

તમને જે થાય એ મને થાય, 
તમને જે લાગે એ મને લાગે, 
તમને જે ગમે એ મને ગમે !!
 
પણ … ધારોકે … એવું થાય.. તો …
 
હું તમે બની જાઉ કે તમે હું બની જાઓ
 
– કે પછી :
 
હું,  હું નથી અને તમે, તમે નથી
 
– તો પછી કોણ, કોણ છે એ જાણવાની કોઇ જરૂર ખરી ?? 
બે જણના અંતર વચ્ચે કોઇ અંતર રહે ખરું ?
 
– આ તો અંતરના ઉંડાણમાંથી આજની વાત.

અખિલ સુતરીયા

તેમનો બ્લોગ

તેમની વેબ સાઈટ     ગુજરાતનું જીવન દર્શન કરાવતી વીડીયો વેબ સાઈટ

       મારો અખિલભાઈ સાથે પરીચય હજુ નવો નવો જ છે; પણ આ વાત  મને સ્પર્શી ગઈ. આમાં ‘હું’ કોણ છે; તે કળવું બહુ જ કઠણ છે!

       મને તો આ ‘હું” અખિલભાઈ નહીં પણ પરમ તત્વ હોય તેમ લાગ્યું. અને માટે જ ‘ અંતરની વાણી ‘ માં ટપકાવી દીધું.

વીપશ્યના – અનુભવો : 3

       અમદાવાદમાં બીજી શીબીરમાં ભાગ લીધા પછી બે એક વર્શનો સમય વીતી ગયો. વળી પાછું આ અભ્યાસનું પુનરાવર્તન કરવાનું મન થયું. આથી ગુજરાતના વીપશ્યનાના સૌથી મોટા અને કાયમી કેન્દ્ર એવા ‘ બાડા’ ખાતે મેં વીપશ્યનાની ત્રીજી શીબીરમાં ભાગ લીધો. કચ્છમાં માંડવીથી આગળ દરીયાકીનારે આવેલું આ રમણીય સ્થળ છે. અહીં કાયમી ધોરણે સાધના માટેની સવલતો ઉભી કરવામાં આવી છે. સમુહ સાધના ખંડ ઉપરાંત ઈગતપુરીમાં છે તેવી એકાંતમાં સાધના કરવાની કુટીરો પણ છે.

     અહીં પણ હું માનસીક અને શારીરીક પુર્વ તૈયારી કરીને ગયો હતો. આગળના બે અનુભવો કરતાં અહીં સાધના વધારે વ્યવસ્થીત ચાલી. અલબત્ત રોલર કોસ્ટરની જેમ એકાગ્રતાનો આલેખ પણ ઉંચો નીચો જતો હતો. પણ હવે તેનાથી વીચલીત ન થવાની સમતા અને પુખ્તતા આવી હતી. આમ કરતાં કરતાં એક જ દીવસ બાકી રહ્યો હતો. ખાસ કોઈ ઘટના કે નવી અનુભુતીની અપેક્ષા પણ ન હતી.

      આવા સમયે ધ્યાનના એક તાસમાં ટેપ પરથી સાધનાની આગલી મંજીલોની ઝલક અપાઈ રહી હતી. આ પથમાં આગળ વધેલા સાધકો માત્ર શરીરના બાહ્ય અવયવો જ નહીં પણ શરીરને સોંસરું કોરીને છેક અંદર થતી સંવેદનાઓનું પ્રેક્ષણ પણ કરી શકતા હોય છે, તેવી વાત સાંભળવા મળી. મેં આમ કરવા સભાન પ્રયત્ન કરી જોયો, ‘પણ અંદર સ્નાયુઓમાં, હાડકાંમાં, ફેફસામાં, આંતરડામાં શું થઈ રહ્યું છે, તે તો શી રીતે ખબર પડે? ત્યાં ક્યાં ચેતા તંત્ર ફેલાયેલું હોય છે?’ આવા વીચાર મનમાં ચાલી રહ્યા હતા.

      ત્યાં જ અચાનક, કોઈ આયોજન કે સભાન વીચાર વીના મસ્તીશ્કમાં એક પ્રાર્થના જાગી.

      ‘ બોધી જાગો! કરુણા જાગો! અંતરતમમાં સ્પંદન જાગો!‘

      આ રટણ સતત અને આપોઆપ થતું જ રહ્યું. જાણે કે મારી અંદરથી કોઈ બીજું જણ આવા આદેશો આપી રહ્યું હતું. એવો અણસાર લાગી રહ્યો હતો. મારી જાત ઉપર, મારા વીચારો ઉપર મારું કોઈ નીયંત્રણ જાણે રહ્યું જ ન હતું. હું સાવ સમર્પીત બનીને આ વહેણમાં ખેંચાતો હોઉં, તેમ લાગવા માંડ્યું. અને એકાએક કોઈક અજાણી ચેતનાનો ધોધ ધસમસતો મારા માથાની ટોચ પરથી આખા શરીરમાં ઉતરી આવ્યો. આ ધારામાં તરબોળ મારા શરીરના અણુએ અણુમાં બુદબુદા જ બુદબુદા ખદબદી રહ્યા હોય, આખું શરીર સાવ તરલ બની ગયું હોય, તેવી એક સાવ નવી જ અનુભુતી થઈ. આ ધોધ ઉપરથી નીચે, નીચેથી ઉપર,આગળથી પાછળ, એક બાજુએથી બીજી બાજુએ, તીવ્ર વેગથી, ગતી કરી રહ્યો હતો. ધારાપ્રવાહોનો જાણે કે એક સાગર ઉમટ્યો હતો.

      બહુ જ સારું લાગ્યું. આ સ્થીતી કાયમ રહે તેવી કામના પણ ન રહી. બસ હું આ અસીમ આનંદમાં નહાતો જ રહ્યો, ભીંજાતો જ રહ્યો. અને ત્યાં સાધનાના એ તાસની સમાપ્તીનો સંદેશો આવ્યો. લાઈટો ચાલુ થઈ ગઈ, અને  મારું ધ્યાન કમને તુટ્યું. હું ઉભો થયો. પણ આ શું ? એ પ્રવાહ, એ અનુભુતી કોઈ સાધના વગર, કે કોઈ પ્રેક્ષણ વીના સભાન સ્થીતીમાં પણ ચાલુ જ રહ્યાં. મારા ડગલે ને ડગલે ઝણઝણાટી થતી હતી; જાણે કે પગની નીચે અનેક સ્પ્રીંગો લાગી ગઈ હતી. સાધનાખંડની બહાર આવ્યો. થોડેક દુર આવેલા, પણ દેખાતા ન હતા, એવા દરીયાકીનારેથી મંદ મંદ પવનની સતત લહેરખી વાઈ રહી હતી. એનો સ્પર્શ મારા હાથ અને ચહેરા ઉપર એક જુદો જ રોમાંચ પેદા કરી રહ્યો હતો. આ સ્થીતી લગભગ પંદરેક મીનીટ ચાલુ રહી. અને પછી ધીમે ધીમે તે ઓસરી ગઈ. એ પણ અનીત્ય હતી. તરત જ મનમાં આ અનીત્યભાવ જાગી ગયો. અને સામાન્ય વીચારોની વણઝાર પાછી ચાલુ થઈ ગઈ.  પણ ચેતનાના એક નવા પ્રદેશની મુલાકાત આકસ્મીક યોજાઈ ગઈ હતી.

      બીજા દીવસે મંગલમૈત્રીમીલનના કાર્યક્રમમાં આ ભાવ થોડીક જ માત્રામાં ફરીથી જાગ્યો. આંખો એ મૈત્રીભાવથી સજળ બની ગઈ. પછી તો સામાન્ય વ્યવહારમાં હું પરોવાઈ ગયો, પણ એક વીશ્વાસ થઈ ગયો કે,  આપણને ખબર ન હોય તેવા ચેતનાના અનેક સ્તરો હોઈ શકે છે.

      પણ આપણા રામ તો પાછા હતા એના એ જ.  બસ એક ચમકારો મળી ગયો હતો એટલું જ.

=============================

– આવતા અંકે ….   મારા વીચારો

વીપશ્યના : અનુભવો – 1

      મેં વીપશ્યનાની ત્રણ શીબીરોમાં ભાગ લીધો હતો. અહીં તેનું વીગતે વર્ણન નહીં, પણ માત્ર વીશીશ્ઠ અનુભવો જ વર્ણવું છું. આમ તો આવા અનુભવો કોઈને નહીં કહેવાની સુચના આપવામાં આવે છે. પણ મને તે માટે કોઈ સબળ કારણ જણાયું નથી. આથી અહીં આવા અનુભવો ટુંકાણમાં વર્ણવ્યા છે. વીપશ્યનાના કોઈ કોપી રાઈટનો ભંગ આનાથી થતો હોય તેવું મારા ધ્યાનમાં નથી. છતાં વીપશ્યના સંસ્થાના કોઈ હોદ્દાધારી વ્યક્તી આ અંગે જણાવશે તો ઘટીત કરવામાં આવશે.

—————————

       મારી પહેલી શીબીર કચ્છમાં માંડવી નજીક દુર્ગાપુર નામના એક નાનકડા સ્થળની શાળામાં હતી. મારા મોટાભાઈની સાથે હું તેમાં જોડાયો હતો. અમને આ અંગે કશી જ પુર્વ માહીતી ન હતી. આથી નવું જાણવાનું બહુ કુતુહલ હતું. પહેલા બે કે ત્રણ દીવસો તો માત્ર શ્વાસ અને ઉચ્છ્વાસ પર જ ધ્યાન રાખવાનું હતું . એ તો સરળ લાગ્યું. પણ વીચારો બંધ થતા જ ન હતા. બહુ મોડા સમજાયું કે મનની ઉપર કોઈ જબરદસ્તી કરવાની હોતી જ નથી. વીચારો તરફ કેવળ દુર્લક્ષ્ય જ સેવવા પ્રયત્ન કરવાનો. અને થયું પણ એમ જ. એમને કોઈ અગત્ય આપવાનું બંધ કર્યું અને ધીમે ધીમે તેમનો પ્રવાહ ઓસરતો ગયો.

      ત્રીજા દીવસે આખા શરીરમાં વીપશ્યના કેમ કરવી તેનું માર્ગદર્શન મળ્યું. આ થોડું મુશ્કેલ લાગ્યું, કારણકે પહેલા દીવસે તો કોઈ ખાસ સંવેદના થતી જણાઈ જ નહીં. પણ એવી સુચના તરત જ મળી કે, “ કોઈ સંવેદના ન થાય તો તેનો શોક પણ ન કરો. શરીરના વીવીધ ભાગોમાં માત્ર મનથી અવલોકન જ કરો. આ ઘડીએ શું વાસ્તવીકતા છે, તેના માત્ર સાક્ષી જ થાઓ.” આમ આ શોક નીકળી ગયો. પછી ધીમે ધીમે એકાગ્રતા વધવા માંડી અને ક્યાંક ક્યાંક કંઈક સળવળાટ, સંચાર થવા માંડ્યો. આ કાંઈ મોટી ઉપલબ્ધી ન હતી; પણ આંતરમનની પ્રક્રીયાનો શરીર પર કદાચ પડઘો પડતો હોય એમ લાગવા માંડ્યું.

      જેમ જેમ સાધનાના દીવસો આગળ વધતા ગયા, તેમ તેમ આ પ્રક્રીયાની સમજણ પડતી ગઈ. પણ બહુ જ કંટાળો તો આવતો જ હતો. ના પાડી હતી છતાં અમે છાને છપને વાત પણ કરી લેતા હતા! સાવ મુંગા રહેવાનોય અનુભવ લેવા જેવો હોય છે!  કીશોરાવસ્થા માંડ વીતાવીને યુવાનીમાં હમણાં જ પ્રવેશેલા ઘણા જણ પણ આવ્યા હતા. તેમની દશા તો બહુ કરુણ હતી.

     ખાનગીમાં આવા એક યુવાનને મેં પુછ્યું,” કેમ લાગે છે?”

    તેનો શુધ્ધ કાઠીયાવાડી ભાશામાં ચીરસ્મરણીય જવાબ હતો,” હલવાણા ! “

    પણ ધીરે ધીરે આ પ્રક્રીયાની ગંભીરતા સમજાતી ગઈ. ત્રીજા કે ચોથા દીવસે એકાગ્રતા આવવા માંડી. મારી ઉમ્મર એ વખતે લગભગ 48- 49 વરસની હશે. શરીરમાં કોઈ તકલીફ ન હતી. પીઠ પણ કદી દુખતી નહીં. પણ તે દીવસે પીઠની મધ્યમાં સખત દુખાવો ઉપડ્યો. એક પછી એક, વારાફરતી અમારા શીક્ષક અમને બોલાવીને અનુભુતીઓ અંગે પ્રુચ્છા કરે. મારો વારો આવ્યો, ત્યારે મેં આ તકલીફ જણાવી અને ભય પણ વ્યક્ત કર્યો કે, કોઈ ડોકટરને બતાવી શકાય, અથવા કોઈ સારવાર મળી શકે તો સારું.

    તે હસીને બોલ્યા, “ આ સંવેદનાને નકારી તો જુઓ. મોટાભાગે તે જતી રહેશે. છતાં તકલીફ ચાલુ રહેશે તો કાંઈક કરીશું.”

     ત્યાર પછીના ધ્યાનસત્રમાં મેં આ દુખાવો પણ અનીત્ય છે, એવો ભાવ સતત સેવ્યા કર્યો. અને મારા આશ્ચર્ય વચ્ચે દસેક મીનીટ બાદ એ ગાયબ થઈ ગયો. આથી મને એ બરાબર સમજાઈ ગયું કે, “ કોઈ જુનો સંસ્કાર ગયો કે ન ગયો, તે તો રામ જાણે; પણ આ દુખાવો માનસીક જ હતો. કદાચ કંટાળાના ભાવની અભીવ્યક્તી હશે.”  જે હોય તે, પણ બાકીના દીવસોમાં એ દુખાવો ફરી દેખાણો ન હતો!

     પાંચમા કે છઠ્ઠા દીવસે એકાદ બે સેકન્ડ માટે ધારાપ્રવાહ પણ અનુભવાયો. આપણે તો મોટી મતા મળી ગઈ હોય, તેમ હરખાણા. આ પહેલી જ સુખદ સંવેદનાની અનુભુતી હતી. પણ ત્યાં જ માઈક પરથી સુચના સંભળાઈ,” ધારાપ્રવાહ અનુભવાય, તો તેને પણ અનીત્ય ગણી, શરીરના બીજા ભાગોમાં થતી સંવેદના તરફ ધ્યાન કેન્દ્રીત કરો.” અને એ ધારાપ્રવાહ તો અદ્રશ્ય થઈ ગયો. પછી તો એ આવે ને જાય. પણ એની તરફ પણ દુર્લક્ષ્ય સેવવાની ટેવ પડવા માંડી.

      છેલ્લા દીવસે, મૌન તોડવાનો વીધી બહુ આનંદદાયી લાગ્યો ; છુટકારા થવાનો છે તેનો હરખ તો હતોજ; પણ એ મંગળમૈત્રીમીલનનો ભાવ બહુ જ સરસ અનુભવાયો પણ ખરો. બધાંને મળવાનો આવો આનંદ પહેલાં કદી અનુભવાયો ન હતો. પણ બોલતાં બહુ જ તકલીફ પડી! મુંગા રહેવાનીય જાણે ટેવ પડી ગઈ હતી.

     સારાંશમાં આ પહેલા અનુભવ પરથી આ ધ્યાન પ્રક્રીયામાં થોડો ઘણો વીશ્વાસ બેઠો.

   –   વધુ આવતા અંકે

વીપશ્યના

      વીપશ્યના કે વીપસ્સણાનું નામ આવે અને ગૌતમ બુધ્ધ યાદ આવી જાય. તે જમાનામાં ભારતીય સમાજ એક બાજુ હીન્દુ ધર્મના હીંસાત્મક કર્મકાંડો અને મંદીરોમાં પ્રવર્તેલા ભ્રશ્ટાચારોથી ખદબદતો હતો; અને બીજી બાજુ વર્ધમાન મહાવીરે પ્રચલીત કરેલા અને અત્યંત કઠોર શીસ્ત માંગી લેતા જૈન ધર્મના આકરા નીયમપાલનથી મુંઝાતો હતો. ત્યારે ગૌતમ બુધ્ધે મધ્યમ માર્ગ સુચવ્યો હતો. કાળક્રમે તે ભારતમાંથી તો લુપ્ત થઈ ગયો પણ પુર્વ એશીયાના દેશોમાં બહુ પ્રચાર પામ્યો.

     બુધ્ધના સીધ્ધાંતોમાં વ્યવહારમાં પંચશીલ અને પધ્ધતીમાં વીપશ્યના પ્રધાન સ્થાને છે. અહીં વીપશ્યના પધ્ધતી વીશે ટુંકમાં માહીતી આપું છું. બુધ્ધની પણ આ પોતાની આગવી  શોધ ન હતી. આ તો વેદકાળમાં સુચવેલી એક રીત હતી. પણ તેમણે તેને સાધનાના સાધન તરીકે અપનાવી, અને તેને શાસ્ત્રીય રુપ આપ્યું. પોતાના જીવનમાં તેનો સફળ ઉપયોગ કરીને પોતે બોધીજ્ઞાન અને મુક્તી પામ્યા;  સીધ્ધાર્થમાંથી ગૌતમ બુધ્ધ – શાક્યમુની બન્યા.

      આ ધ્યાનની એક રીત છે. પણ બીજા પ્રકારોની જેમ કોઈ ઈશ્ટદેવ, ઈશ્વર કે પરમ તત્વને સ્મરવામાં નથી આવતા. બુધ્ધનું દર્શન એ રીતે નાસ્તીક દર્શન છે. આની પાછળ મુળ સીધ્ધાંત એ છે કે, આપણું આંતર મન હજારો વર્શોની જીવનની અનુભુતીઓ અને કર્મોના આધારે ઘડાયેલું હોય છે. જ્યારે આ મનને રાગ કે દ્વેશ થાય છે, ત્યારે તે તેની અભીવ્યક્તી કરવા પ્રયત્ન કરે છે. પણ તેની પાસે આ માટે કોઈ માધ્યમ હોતું નથી. બાહ્ય મનની જેમ વીચાર પણ નહીં. આથી તે શરીરના અંગોમાં સંવેદના મારફત આવી અભીવ્યક્તી કરે છે.

      આથી વીપશ્યના કરતી વખતે માત્ર આ ક્ષણે શરીરના વીવીધ અવયવોમાં શી સંવેદના ઉભરી રહી છે તેનું કેવળ નીરીક્ષણ કરવામાં આવે છે. ક્યાંક ખુજલી આવતી હોય; ક્યાંક ભારેપણું લાગતું હોય; ક્યાંક રુંવાડું ફરકતું હોય તેમ લાગતું હોય; આંખ ફરકતી લાગતી હોય;  આંતરીક ઠંડક કે ગરમી લાગતાં હોય. આ બધી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.

        શરુઆતમાં એકાગ્રતા માટે નાકમાં જઈ રહેલ અને બહાર આવતા શ્વાસ પર નજર રાખવામાં આવે છે. પછી ધીરે ધીરે માથાના ઉપરના ભાગથી શરુ કરી છેક પગના તળીયાં સુધી, દરેક અવયવમાં શી સંવેદના વ્યક્ત થઈ રહી છે, તેનું નીરીક્ષણ કરવામાં આવે છે. વીચારો આવે તે પ્રત્યે સહજભાવ કેળવવામાં આવે છે. જે પણ વીચારો આવે તેમને આવવા દેવાના, પણ તરત ધ્યાન તો શરીરમાં થતી આવી સંવેદના પ્રત્યે જ કેળવવાનું. શરુઆતમાં આવું કાંઈ નજરે ન ચઢે.  પણ શ્વાસ પર તો ધ્યાન રાખી જ શકાય, માટે ત્યાંથી શરુઆત કરવામાં આવે છે.

        એક બે દીવસ આ મહાવરો પડ્યા પછી, ધીરે ધીરે નાનકડી સંવેદનાઓ નજરે ચઢતી જાય છે. આવી દરેક સંવેદના અનુભવાય ત્યારે મનથી સભાન રીતે વીચારવાનું હોય છે કે, આ સંવેદના ક્ષણીક છે ; શાશ્વત નથી; અને તે જતી રહેવાની છે. અને આપણે આમ અનુભવવા પણ માંડીએ છીએ, કારણ કે, આ સંવેદનાઓ બદલાતી જ રહેતી હોય છે. આ ક્ષણે ક્યાંક દબાણ કે ખુજલી લાગે, પણ થોડી વાર પછી તે તે જગાએ તે ગાયબ થઈ ગયેલી આપણે અનુભવી શકીએ છીએ.

       આમ સંવેદના તરફ જાગરુકતા અને તેના તરફ અનીત્યભાવ બન્ને ધીમે ધીમે કેળવાતા જાય છે. બુધ્ધ દર્શન એમ કહે છે કે, આ સંવેદનાઓ જે ગુહ્ય આંતરમનના સંસ્કારને કારણે થઈ હોય તે સંસ્કાર આવો અનીત્યભાવ કેળવવાથી નશ્ટ થાય છે. જેમ જેમ આપણા માનસમાં એકઠા થયેલા સંસ્કારો દુર થતા જાય છે, તેમ તેમ ધ્યાન વધારે ગાઢ થતું જાય છે. સંવેદનાઓ હવે ઉભરવા માંડે છે , અથવા આપણે તેમના પ્રત્યે સજાગ બની ગયેલા હોઈએ છીએ. પછી તો આ એક ચેઈન રીએકશન બની જાય છે. જ્યાં કશી અનુભુતી પહેલાં ન થઈ હોય, ત્યાં પણ કોઈને કોઈ સંવેદના ઉભરતી આપણે અનુભવી શકીએ છીએ.

         આની ચરમસીમારુપે, એક એવી સ્થીતીનું નીર્માણ થાય છે કે, આખા શરીરમાં ઈંચે ઈંચ જગ્યાએ સંવેદનાનો પ્રવાહ વહેતો હોય તેવી સુખદ લાગણી થવા માંડે છે. વીપશ્યનાના સંદર્ભમાં આને ‘ ધારાપ્રવાહ’  કહે છે. આ બહુ સુખદ લાગણી હોય છે અને છતાં આ પણ ‘અનીત્ય’ છે એવો વીચારભાવ કેળવવામાં આવે છે.

          સતત અનીત્યભાવનો આ વીચાર આંતરમનને વધુ ને વધુ સંવેદનશીલ બનાવતું જાય છે. સંવેદનાઓનો ધોધ છુટતો હોય તેવી અનુભુતી થવા માંડે છે. અને જમાનાજુના, આપણા જીવનમાં ઉભા થયેલા,  આપણા વડીલો/ જનકો પાસેથી વારસામાં મળેલા; અરે ! ઉત્ક્રાંતીકાળથી આપણા હોવાપણામાં ઘર કરી ગયેલા સંસ્કારો ઓગળવા માંડે છે. આંતર મન વધુ અને વધુ આવરણ રહીત થવા માંડે છે. આંતરીક પ્રજ્ઞા જાગવા માંડે છે. 

       ‘બુધ્ધ’ થવાની પ્રક્રીયાની આ શરુઆત છે.

      વીપશ્યનાની શીબીરની શીસ્ત આ પ્રક્રીયાને ઉત્તેજન મળે તે રીતે ગોઠવેલી હોય છે. દસ દીવસની શીબીરમાં કોઈની પણ સાથે વાતચીત બંધ. કોઈ પણ વાંચન, સંગીત શ્રવણ, ભજન, કીર્તન, નામસ્મરણ, જાપ કશું જ નહીં કરવાનું. કોઈ દવા પણ નહીં લેવાની. સવારે સાદો નાસ્તો, બપોરે સાદું જમણ અને સાંજે ફળાહારની વ્યવસ્થા કરેલી હોય છે. છેલ્લા દીવસે મૌન તોડતી વખતે સમસ્ત જગત તરફ મંગળભાવનો, મૈત્રીભાવનો સંદેશ ફેલાવવામાં આવે છે. એ દીવસે સાધકોના મનમાં ફેલાતો કેવળ અને નીર્મળ આનંદભાવ અવર્ણનીય હોય છે.

     આ શીબીરોની બહુ જ પ્રશંસનીય બાબત એ હોય છે કે, કદી કોઈ રકમની માંગણી કરવામાં આવતી હોતી નથી. છેલ્લા દીવસે કોઈની ઈચ્છા થાય તો દાન આપી શકે, તે માટે માત્ર સુચન કરવામાં આવે છે.પણ કોઈ જાતનું દબાણ કરવામાં આવતું નથી. કોઈ પણ ધર્મ, રંગ કે જાતીની વ્યક્તી આમાં જોડાઈ શકે છે. પણ કોઈ પણ ધર્મનો કે ઈશ્વરના નામનો આધાર લેવાની મનાઈ હોય છે. કેવળ વર્તમાનમાં આપણા શરીરમાં આ જ ક્ષણે શું બની રહ્યું છે , તે પ્રત્યેની સભાનતા અને તે પ્રત્યે અનીત્યભાવની કેળવણી વીપશ્યનાના હાર્દમાં હોય છે.

    સતત અભ્યાસથી  જેમ જેમ આપણી સાધના પુખ્ત થતી જાય છે; તેમ તેમ ઘટનાઓ તરફ આપણે ઉદાસીન થતા જઈએ છીએ. પ્રતીક્રીયા કરવાનો આપણો અભીગમ બદલાતો જાય છે.  સમતા કેળવાતી જાય છે. રાગ-દ્વેશ ની માત્રા ધીરે ધીરે ઓછી થતી જાય છે. જીવતાં જીવ નીર્વાણ તરફ, મુક્તી તરફ આપણી ગતી થતી થાય છે. સમશ્ટી તરફ મીત્રતા અને મંગળ ભાવ કેળવતા જાય છે.      અલબત્ત , સાધનાના સતત અભ્યાસ અને સામાન્ય જીવન દરમ્યાન પણ આવી સ્થીતી પ્રાપ્ત કરવા માટેની તૈયારી તો હોવાં જ જોઈએ.

 –   વીશેશ માહીતી   –   1   –     :   –   2   –     :   –   3   –      :   –   4   –

–   મારા પોતાના અનુભવો આવતા અંકે…

—————————————————————————

હે, લોકો !
હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.
તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.
આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.
તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.
લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં.
તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.
હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું, એવું જાણી સાચું માનશો નહીં.
પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો,”

–ગૌતમ બુદ્ધ

ઈશ્વર

     તેને કદી કોઈએ જોયો નથી, તેના વીશે જગતમાં સૌથી વધું લખાયું છે, તેના અનેક ચીત્રો અને શીલ્પો પણ બન્યાં છે. અને તે પણ વીશ્વના દરેકે દરેક દેશમાં, વીશ્વની દરેકે દરેક જાતીમાં.

      એ છે – ઈશ્વર.

     આવું કેમ છે? બહુ જ સાદાં અને સરળ કારણો છે. મનવાળા માનવીને હમ્મેશ જીવનની ક્ષણભંગુરતા, અનીશ્ચીતતા, અને ભયો સતાવતા રહ્યા છે. આ સતામણીના એક ઉકેલ તરીકે તેણે એક સર્વશક્તીશાળા અસ્તીત્વની હમ્મેશ ખેવના કરી છે, જે તેને આ વીદારી નાંખે તેવી વીટંબણાઓમાં સધીયારો આપે, રક્ષણ આપે, ઉગારે. વળી તેની તર્કસંગત વીચારસરણી વડે તે એ પણ જોઈ શકે છે કે, કોઈ ઘટના કારણ વીના ઘટતી નથી. તો આટલું જટીલ જગત અને જીવન એની મેળે તો ન જ બન્યું હોય ને? આથી એણે એવા અસ્તીતવની પરીકલ્પના કરી કે જે બધા સર્જનનો સર્જક હોય. તેણે એવી મહાન શક્તી પણ ઈશ્વરમાં કલ્પી કે જે નકારાત્મક તત્વોને સંહારી, સત્ય અને શુભની સ્થાપના કરે.

        આમ માણસ ઈશ્વરની કલ્પના કરતો રહ્યો છે. તેના ચીત્રો, તેનાં શીલ્પો બનાવતો રહ્યો છે. કોઈ તેને સાકાર કલ્પે છે – કોઈ નીરાકાર. પણ માણસને ઈશ્વર વીના ચાલ્યું નથી. અને આમાં કશું ખોટું પણ નથી. નાસ્તીકો આ વાતને નહીં સ્વીકારે. પણ જીવનના સંઘર્શોને પહોંચી વળવા આ માન્યતા થકી માણસને અસીમ બળ મળતું હોય તો તે ઘટીત છે જ. કોઈ પણ માન્યતા આપણને સક્રીય બનાવતી હોય, શક્તીમાન બનાવતી હોય, આપણને દોડતા રાખી શકતી હોય, બેસી પડેલાને છલાંગ ભરાવી શકતી હોય,  એકબીજાની સાથે પ્રેમભાવના અને ભ્રાત્રુભાવ પ્રગટાવતી હોય તો તે ઈચ્છવા યોગ્ય જ ગણાવી જોઈએ.

         માત્ર આટલે સુધી જ આ માન્યતા ટકી હોત તો તો ઠીક. પણ આને કારણે ઘણી ખરાબીઓ પણ ઉભી થઈ. મેં ઈશ્વરની જે કલ્પના કરી હોય તે બીજા કોઈની કલ્પના કરતાં જુદી હોય તો તેનો ઈશ્વર અને મારો ઈશ્વર ટકરાય, બાખડે – અથવા તે ઈશ્વરો વતી અમે બે બાખડીએ! લોહી રેડાય, અને શક્તીમાન થવાની લાહ્યમાં હું અવલમંજીલ પણ પહોંચી જઉં! હજારો વર્શોથી આવા લોહીયાળ સંઘર્શો થતા આવ્યા છે – કરુણાના સાગર સમા ઈશ્વરના નામ પર.

          અરે એક જ ધાર્મીક માન્યતામાં પણ ખટરાગ પેદા થયા. અને ફાંટા પડ્યા. જીસસ એક જ – પણ કેથોલીક, પ્રોટેસ્ટન્ટ, પ્રેસ્બીટેરીયન, બેપ્ટીસ્ટ, સીરીયન વી. ફાંટાઓ જુદા જુદા. વૈશ્ણવ, શૈવ, શાક્ત, સ્વામીનારાયણ, રાધાસ્વામી… અરે સ્વામીનારાયણમાંય અલગ અલગ ફીરકાઓ. ઈશ્વરને કેમ ભજવો તેના વીવાદ! મુળ મુદ્દે ઈશ્વરના નામે ભેગી થતી અઢળક સમ્રુધ્ધી, સત્તા, શક્તી અને અનુયાયીઓની ફોજ પર આધીપત્યની મુઠ્ઠીભર વ્યક્તીઓની સ્વાર્થી લાલસાઓ.

          બીજી એક આનાથી પણ વધુ હાનીકારક ખરાબી સર્જાઈ તે એ કે, હું ઈશ્વરની આરાધના કરું, એટલે મારું બધું ઉત્તરદાયીત્વ સમાપ્ત. હજાર હાથવાળો બાકીનું બધું સંભાળી લેશે! સાવ અકર્મણ્યતા. મહમ્મદ ગઝની સોમનાથ પર ચઢી આવ્યો ત્યારે તેનો સામનો કરવાને બદલે, ભગવાન શંકર એને જેર કરી નાંખશે તે આશામાં તેને પુજતા રહ્યા. સર્વ શક્તીમાન પ્રભુની કેટકેટલી મુર્તીઓ પામર યવનોના આક્રમણને ખાળી ન શકી.

         બીજા સંદર્ભમાં આ માન્યતાઓનો આગ્રહ એટલો બધો કે, તેના ગુરુઓ કહે તે સીવાય એક હરફ પણ ઉચ્ચારે તે પાપી. તેને માટે શીક્ષાઓ તૈયાર.  સહેજ વીરોધી સુર કાઢવા માટે ખ્રીસ્તી પાદરીઓએ ખ્રીસ્તી બ્રુનોને જીવતો સળગાવી દીધો. અને આ બધું એ પરમક્રુપાળુ , દીનદયાળ, કરુણાના સાગરના નામે.

         અને ભગવાનના પુજન અને અર્ચનમાં મગ્ન આપણે ભગવાનને છપ્પન ભોગ ધરાવતા રહ્યા, સામૈયાઓ કરતા રહ્યા, અન્નકુટો અને યજ્ઞો યોજતા રહ્યા અને એ દરીદ્રનારાયણના મહાલયની પાછલી ભીંતે દરીદ્રતા કણસતી રહી. ભુખ્યાંને રોટલો આપવાની માનવતા ભુલાઈ. નાગાં પુગાં માનવીઓનો તારણહાર મોંઘાદાટ રેશમી વાઘામાં મહાલી રહ્યો. જે મહેનતકશ માનવીઓ આખા સમાજની ગંદકી સાફ કરે, તેમને એ મહાલયમાં આવવાની પણ મનાઈ ફરમાવાઈ. ગરીબની ઝુંપડીનો દીવો બુઝાવી ગરીબોનો બેલી ઝાકમઝોળ રોશનીમાં ઝળહળી રહ્યો.

મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે?
– કૃષ્ણ દવે

      અને આ બધી અવઢવમાં ઈશ્વર પણ માનવસહજ નબળાઈઓની ઝપટમાં આવી ગયો. જે સર્વ શક્તીમાન મનાતો હતો તે અસહાય બનીને આ બધી જફા અને ઝગડાનો મુક પ્રેક્ષક બની ગયો.

માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો……

         શું આપણી ઈશ્વરની કલ્પના સાથે આ કુરુપતા સુસંગત છે? શું આપણો ઈશ્વર આવો?

         ક્યારે આપણે ખરા ઈશ્વરને જોતાં થઈશું? એ તો આપણી અંદર છે. આપણા હર એક શ્વાસમાં છે. અરે ઈલેક્ટ્રોન અને પ્રોટોનનીય અંદર એ તો મહાલે છે. ‘હું’ ને ઓળખીશું એટલે તે ઓળખાઈ જશે.

          મારે તો ‘એ’ ઈશ્વર જોઈએ, મારા હોવાપણામાં હાજરાહજુર બેઠલો ઈશ્વર.  પેલો કુરુપ ઈશ્વર નહીં જ. મારે એવા ઈશ્વરની પાસે ઢુંકવું પણ નથી. ભલે તેની ક્રુપા મારા પર ન વરસે. ભલે ને મારે ચોર્યાશી લાખ શું, ચોર્યાશી કરોડ જન્મ લેવા ન પડે…..  મહામુલું જીવન તેણે આપ્યું છે. તેને સાર્થક કરી હર ક્ષણ જીવી શકું તો પણ બસ.

          હું માનવી માનવ થાઉં તો ઘણું.

હું

         સૌથી વધારે વપરાતો, સૌથી અગત્યનો અને માત્ર એક જ અક્ષરનો શબ્દ !

         દુનીયામાં ગમે ત્યાં જાઓ, કેન્દ્રસ્થાને તો ‘હું’ જ હર હમ્મેશ રહેવાનો. આખી દુનીયા આપણી આજુબાજુ ફરતી જ રહે . માત્ર ’ હું’ જ એક જ સ્થાને , હર ઘડી અવીચળ રહ્યા કરવાનો.  સનાતન કાળથી આ જ પ્રશ્ન માણસને મુંઝવતો આવ્યો છે અને એનો જવાબ માણસ હજુ સુધી જાણી શક્યો નથી.

( આ વીચારની મારી કવીતા વાંચવા અહીં ‘ક્લીક ‘ કરો. )       

 “ આ ‘હું’ કોણ છે? ! ”

[   મારા પરમ મીત્ર શ્રી. પ્રફુલ્લ દવે ની, ‘હું’ વીશે મને બહુ જ ગમતી, એક રચના વાંચવા અહીં ‘ ક્લીક’ કરો.    ]

     હા! તેને જીવ, આત્મા, જીવાત્મા , સોલ વીગેરે ઘણા નામ આપવામાં આવ્યા છે. પણ તે અગોચર, ત્રણ પરીમાણોથી પર કાંઈક છે.  દરેકનો ‘હું’ અલગ સ્વભાવ, અલગ અભીગમ ધરાવે છે. અરે! આપણા પોતાના ‘હું’ માં પણ જન્મ પછી કેટકેટલાં પરીવર્તન આવ્યાં છે? હું હવે ક્યાં બાળક કે કીશોર કે યુવા ‘હું ‘ જેવો રહ્યો છું ? તેનાં કેટકેટલાં સ્વરુપો છે? કુટુમ્બમાં માતા, પીતા, ભાઈ બહેન, પત્ની, સંતાનો સાથેનું મારું વર્તન કેવું જુદું જુદું રહેતું હોય છે? કામની જગ્યાએ કે મીત્રો કે દુશ્મનો સાથે એ જ જણ જુદી જુદી પ્રતીક્રીયા કરતો હોય છે !

       આપણા મનમાં સતત વીચારોની હારમાળા ચાલતી રહેતી હોય છે. આ એક ‘હું છે. તે મહોરાં બદલતો  રહે છે. પરીસ્થીતી અને સામેની વ્યક્તી કે વ્યક્તીઓ બદલાય તેમ આ મહોરાં પણ બદલાતાં રહે છે. વીચારો આ મહોરાં પર આધાર રાખે છે.

      પણ આની સાથે આપણે સતત એક બીજા ‘ હું ‘ ની અનુભુતી પણ કરતા રહીએ છીએ, જે આ વીચારોની પાછળ રહી નીહાળતો રહે છે, મુલ્યાંકન કરતો રહે છે. વીજ્ઞાન  પણ આ બાબતને સ્વીકારે છે. સામાન્ય રીતે તે આંતરમન ( Sub-conscious Mind) તરીકે ઓળખાય છે. આપણે ઘણીવાર જોયું છે કે ક્વચીત, મનના વીચારોની હારમાળાની ઉપરવટ જઈ કોઈ સ્પાર્ક જેવો વીચાર આવી જતો હોય છે ; અને તે મનના નીર્ણયોને બદલવાની ક્ષમતા ધરાવતો હોય છે. સાવ અંધારામાં, નીરાશાના ગર્તામાં ડુબેલા માણસને એકાએક કોઈ પ્રકાશનું કીરણ મળી ગયું હોય તેમ તે છલાંગ મારીને આ નીરાશા ખંખેરી શકે છે. આવી ક્ષણે જીવનની દીશા જ બદલાઈ ગઈ હોય; તેવી અનુભુતી આપણને થાય છે. જીવનમાં આવો વળાંક આવેલો ઘણાએ અનુભવેલો છે. આના થકી સાવ સામાન્ય માણસ પણ અસામાન્ય સીધ્ધી હાંસલ કરી શકે છે.

      અહીં આપણી ચર્ચા આ ‘ હું ‘ સાથે છે.  આ ‘હું ‘ ને કળવો , જાણવો બહુ  કઠણ છે. તે કદીક જ પાર્શ્વભુમીમાંથી બહાર આવે છે. કદાચ આ આપણો સાચો ‘ હું ‘ છે.  

     ધર્મગ્રંથો આપણને ઢોલ પીટી પીટીને કહે છે કે  ‘હું’ પણાનો ત્યાગ કરો. અહમ્ ને ઓગાળી દો. તેને ભુલાવી દો. પ્રતીક્રીયા ન કરો. સ્થીતપ્રજ્ઞ બનો. સીદ્ધાંત તરીકે આ બહુ જ આકર્શક લાગે તેવો સીદ્ધાંત છે. પણ તે બહુ જ મુશ્કેલ છે. સામાન્ય જન માટે તો ખાસ મુશ્કેલ છે. જ્યાં આપણે ‘હું’ને સમજ્યા જ નથી ત્યાં તેનો ત્યાગ શી રીતે કરી શકીએ?

    મારા અંગત મંતવ્ય પ્રમાણે ‘ હું ‘ ને સમજવાની પ્રક્રીયા છે – ‘અંતરની વાણી’ ને ઉજાગર કરવાની.  આપણા આંતરમન સાથે સંવાદ  વધારવાની. આપણે પોતાની જાત સાથે સંવાદ કરતાં બહુ જ ડરતા હોઈએ છીએ. મોટાભાગે એવો સંવાદ થતો જ નથી હોતો. જે કાંઈ વીચાર આપણા બાહ્ય મનમાં ઉદ્ ભવે છે તે બહુધા ઘટનાઓના સંદર્ભમાં જ હોય છે. માત્ર ભાવજગતમાં જ  અંતરમન સાથે સંવાદ સંભવીત છે – શબ્દોથી પર, વીચારોથી પર. આપણને કોક જ વાર અંતરનો અવાજ સંભળાઈ જતો હોય છે. જ્યારે આમ બને ત્યારે આપણે તે ‘હું’ સાથે આત્મસાત્ થતા હોઈએ છીએ.   

         મારા નમ્ર મંતવ્ય પ્રમાણે કોઈ ગુરુ કે ગ્રંથ આ સંવાદ જગાડી ન શકે. હા! તે સંબંધી માર્ગદર્શન કદાચ મળે. પણ તે સ્થીતીએ પહોંચવા પોતે જ પ્રયત્ન કરવો પડે. સ્વાનુભવે એમ ચોક્કસ જણાવું કે જ્યારે આપણે આ ‘હું’ સાથે પ્રામાણીક હોઈએ છીએ ત્યારે જ આપણું જાગ્રુત રુપ અને પ્રચ્છન્ન રુપ એકાકાર બને છે. આમ થાય તો જ આપણે આપણી જાતને વધુ ને વધુ જાણતા થઈ શકીએ છીએ.

          આ વાત બહુ જટીલ લાગે છે ને? હા ! તે જટીલ જ છે. પણ એટલી જ સરળ પણ છે! અંતર્મુખી બનવાનું જેટલું કઠણ છે તેટલું જ સરળ છે. કોઈ કહેશે ,’ આ બધી કડાકુટમાં પડવાની જ શી જરુર ? જીવન મોજથી જીવોને? શેં આવી જટીલ વ્યથાઓ વહોરવી?’
          સપાટી પરના જીવન માટે આ વીચારસરણી અયોગ્ય પણ નથી. ‘ જેમ ચાલે છે તેમ ચાલવા દો ને બાપલા !!! ‘     

           પણ જો જીવનને સંવેશનશીલ બનાવવું હોય, સર્જનાત્મક બનાવવું હોય, ન ખુટે તેવા આનંદથી, ચૈતન્યથી સભર બનાવવું હોય; તો આવા સંવાદનો કોઈ વીકલ્પ નથી. જ્યારે આપણી મનોચેતના આ સ્તરની વીચારસરણીને સ્વીકારે છે ત્યારે જ આવા વીકલ્પની અભીપ્સા જાગે છે. અને ત્યારે જ આપણું આંતરીક પરીવર્તન શક્ય બને છે.  એક વખત આ ‘અંતરની વાણી’ નો સ્પર્શ થાય પછી આપણે રોકાઈ ન શકીએ, તેવી ચેતના અનુભવવા માંડીએ છીએ. જગતની કોઈ તાકાત ન રોકી શકે તેવી ચેતના, તેવો આનંદ, તેવું સત્ય. આ સ્થીતી જેમણે પ્રાપ્ત કરી છે, તે લોકોત્તર મનુશ્યોએ તેમના જીવનમાં અકલ્પ્ય સીધ્ધીઓ  પ્રાપ્ત કરી છે. સામાન્ય માણસ ન કરી શકે તેવા અદ્ ભુત  કામો કર્યા છે.

    આંતરમન સાથેનો સંવાદ અથવા ભાવજગતમાં વીચરણ કરવાના અનેક રસ્તાઓ છે.  પ્રાર્થના, જપ, ધ્યાન, ભક્તી, વીપશ્યના વી. વી. આ ઉપરાંત પણ બીજા રસ્તા હોઈ શકે, અને છે. પણ ઉદ્દેશ છે વીચારોના સામાન્ય સ્તરથી અલગ, કોઈ અપેક્ષા વીના પોતાની જાત સાથે રહેતા થવું તે. કોઈ પણ રસ્તો અપનાવો; પાયાની શરત એ છે કે એમાં કોઈ દુન્યવી લાભ ખાટવાની, કામનાઓ સંતોશવાની એશણા ન હોઈ જોઈએ. અરે! પરમ તત્વને પામવાની, મોક્ષ મેળવવાની પણ અભીપ્સા ન હોવી જોઈએ. કેવળ નીર્ભેળ, નીસ્વાર્થ, નીર્વીકાર અને નીર્દોશ –  જાત સાથેની ગોઠડી.

     જ્યારે આમ બને છે ત્યારે જ અંતરનો નીઃશબ્દ અવાજ સંભળાય છે અથવા તેની અનુભુતી થવા માંડે છે. ત્યારે જ ‘હું’ ની ઓળખ શરુ થાય છે – કોઈ મહોરાં વગરનો ‘ હું’ .  વીજ્ઞાન આને ન સ્વીકારે પણ વીજ્ઞાનની અત્યંત મહાન શોધો વીજ્ઞાનીના મનમાં આવા કોઈ ઝબકાર કે ધબકાર થી થયેલી છે.

      આમ કેમ થાય છે તે જાણવાની  મને સહેજ પણ પડી નથી. આત્મશ્લાઘા ગણાવાના સંદેહની ઉપરવટ જઈને અહીં એક વાત જગજાહેર કરું છું કે, ચૈત્ય જગતનો એ સ્વાદ એક વાર ચાખ્યા પછી; એ શાંતી, એ આનંદ, એ ચૈતન્યનો અનુભવ એક વાર કર્યા પછી; મહોરાંની દુનીયામાં પાછા વળવા કોઈ કામના રહી નથી. એ સ્પર્શે આ બુઢ્ઢાને બાળક બનાવી દીધો છે.

    દુખ માત્ર એ જ વાતનું થાય છે કે આખા વીશ્વમાં આવા અનુભવથી હજારો ગણા બળવત્તર અનુભવ પામેલા અને ચેતનાના ઉચ્ચતમ શીખરે પહોંચેલા લોકોત્તેર વ્યક્તીઓના સેંકડો અનુયાયીઓએ આ કલ્યાણકારી અને શુભ જીવનપધ્ધતીને સ્વાર્થ સીધ્ધીનું એક સાધન માત્ર બનાવી દીધી છે.

   માટે જ એ ઉક્તી દોહરાવું છું કે

    પોતાના ‘હું ‘ ને સૌએ  સ્વપ્રયત્નથી ઓળખવાનો છે. આવા પ્રયત્નનો બીજો કોઈ વીકલ્પ નથી, નથી અને નથી જ ; અને આ પ્રયત્ન કરવા જેવો છે.