સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ગદ્ય/ અછાંદસ

પુનર્જન્મ

     આજે  ‘ પુનર્જન્મ’ અથવા મ્રુત્યુ પછીની જીવની અવસ્થા વીશે કાંઈક કહેવું છે.

     ખ્રીસ્તી માન્યતા છે ‘ડે ઓફ જજમેન્ટ ‘ ; મુસ્લીમ માન્યતા છે ‘ક્યામત ‘. —-  એ દીવસે પાપ પુણ્યનો હીસાબ પરમાત્મા કરશે અને પુણ્યશાળી સ્વર્ગમાં અને પાપી નર્કમાં જશે.

     હીન્દુ / બૌધ્ધ માન્યતા છે ‘પુનર્જન્મ’ , – મ્રુત્યુ બાદ સારાં કર્મો કરેલાને ઉચ્ચતર યોનીમાં જન્મ મળશે અને ખરાબ કામ કરનારને નીમ્ન યોનીમાં જન્મ મળશે. જેણે પરમાત્માની જીવનભર સાધના કરી હોય તેનો મોક્ષ પણ થાય અને તે દેવલોકમાં કે સ્વર્ગમાં જાય.  

       ઈજીપ્તની સંસ્ક્રુતીની વળી પોતાની માન્યતા હતી.

      આમ અહીં પણ શું સાચું અને શું નહીં તે વીશે જાતજાતની માન્યતાઓ અસ્તીત્વ ધરાવે છે. આમાંની  કોઈની પણ સત્યતા પુરવાર કરવી લગભગ અશક્ય છે. હું જે સમાજમાં ઉછર્યો છું તે હીન્દુ સમાજમાં પુનર્જન્મનો ખ્યાલ દ્રઢીભુત થયેલો છે અને આથી મારા મનમાં પણ તે ઘણા વર્શ રમતો રહ્યો છે. આપણા સંસ્કાર  આવતો જન્મ સુધારવાની તાલાવેલી જગાડે છે. અને આ જન્મમાં સત્કાર્ય કરવા પ્રેરે છે.

      પણ મારે એક અગત્યની વાત કરવી છે તે સાવ જુદી જ છે. હીન્દુ માન્યતા પ્રમાણે ધારો કે, આપણે એક વાર સ્વીકારી લઈએ કે , પુનર્જન્મ સાચી અને અસ્તીત્વ ધરાવતી પ્રક્રીયા છે. જેણે આ માન્યતા શરુ કરી હશે તેનો એક બહુ જ શુભ આશય એ હશે કે, માણસ ‘ બીજા જન્મમાં આ જન્મમાં કરેલા કર્મોનું ફળ ભોગવવું પડશે’ ; તે કારણે આ જન્મમાં સમાજમાં સ્વીકાર્ય નીતીનીયમો પાળે અને નીતીમય, શીલમય જીવન જીવે.  સામાજીક વ્યવસ્થાના સ્વાસ્થ્ય માટે આ વીચાર બહુ જ ઉપયોગી છે અને સદાચારને પુશ્ટી આપે છે, માટે તે અવશ્ય શુભ છે.

        પણ દરેક બાબતમાં બને છે , તેમ અહીં પણ આને કારણે બહુ મોટી વીક્રુતીઓ આપણા સમાજમાં, આપણા માનસમાં ઘર કરી ગઈ છે. કોઈ માણસ દુખી હોય તો આપણે તરત સમાધાન કરી લઈએ છીએ, કે એ તો એના ગયા જન્મના દુશ્ક્રુત્યોને કારણે હશે. આપણે એમાં કશું કરી ન શકીએ. આવા વીચારોથી આપણી કરુણા અને દયાભાવનાને બહુ ચાલાકીભરી રીતે આપણે તીલાંજલી આપી દઈએ છીએ.

        વળી આપણા પોતાના આ જન્મમાં પણ નસીબને કે ગયા જન્મને દોશ દઈએ છીએ અને આપણા દુર્ભાગ્ય માટે આંસુ સારી, હાથ જોડીને બેસી રહીએ છીએ. આપણે આપણા કર્તવ્ય કે પુરુશાર્થથી વીમુખ બનવા માંડીએ છીએ. આ બધું સામાજીક અને વ્યક્તીગત અહીત કરનારું છે. અલબત્ત સમજદાર લોકો આ સીદ્ધાંતને બરાબર સમજી પોતાના આચાર નીતીમય બનાવવા પ્રયત્ન જરુર કરે છે , પણ બહુધા તો આ સીદ્ધાંતનો દુરુપયોગ જ થતો જોઈ શકાય છે. આવતા ભવને સુધારવા આ ભવમાં જીવવાનું કઠણ બનાવવું , દુશ્કર બનાવવું , કર્મણ્યતાથી વીમુખ રહેવું – આવું બધું ઘણું નકારાત્મક બની રહ્યું છે.

         આથી મારા પોતાના અંગત ઉપયોગ માટે મેં એમ નક્કી કર્યું છે કે, મારો પુનર્જન્મ થાય કે ન થાય; અને થાય તો કયા રુપે થાય છે તે વીચારવાનું છોડી, આ જન્મમાં જ નીતીપુર્વક જીવું તે વધુ જરુરી છે. આજનો દીવસ હું કોઈને મદદરુપ થાઉં તો તો ઉત્તમ; પણ કમસે કમ કોઈને હાની ન પહોંચાડું તો પણ ઠીક. મ્રુત્યુ બાદ જેને હું ‘હું’ કહું છું તેનું શું થશે તે મારા નીયમન બહારની વાત છે અને માટે તેનો વીચાર કરવો વ્યર્થ છે. જો મારો  જીવ સ્વર્ગમાં કે નર્કમાં જવાનો હોય કે તેનો મોક્ષ થવાનો હોય તો તે માટે મારે બહુ ચીંતા કરી આ જીવનને, આ ભવને દુર્બળ બનાવી મડદાલની માફક જીવવું મને સાવ અયોગ્ય લાગે છે.   

         મને લાગે છે કે, આ ભાવ પુનર્જન્મની માન્યતા કે અમાન્યતા બન્નેની વચ્ચેનો મધ્યમ માર્ગ છે. અને  માન્યતાના નકારાત્મક ભાવ   કરતાં વધુ શ્રેયસ્કર છે – અલબત્ત મારા માટે.

          જો તમને આ ઠીક લાગે તો આવી તરખડમાં પડ્યા કરતાં સુખ, આનંદ , ભાઈચારો, સહકાર, સાહસ વી, સમાજને બે ડગલાં આગળ લઈ જતી પ્રવ્રુત્તીઓમાં મન પરોવજો.

અધ્યાત્મ

       હમણાં આ વીશય ગદ્યસુર પર ઠીક ઠીક ચર્ચાયો. આ વીશય ઉપર માનવજાતના દરેક પ્રદેશમાં હજારો વર્શોથી અસંખ્ય પુસ્તકો લખાયા છે; અનેક ભકતો, સંતો, કવીઓ, વીચારકો, દાર્શનીકોએ આ વીશયમાં અનેક દ્રશ્ટીબીંદુઓ રજુ કર્યા છે, ચર્ચ્યા છે. આ બાબતમાં આ નાનકડી પીઠીકા ઉપર કાંઈક લખવું તે અનધીકાર ચેશ્ટા છે.

      પણ મારા વીચારોની રજુઆત કરવી, એ મને મારો ધર્મ લાગ્યો માટે અહીં થોડીક મુદ્દાની વાતો પર મારા વીચારો સંક્ષીપ્ત રીતે રજુ કરવા છે. વાંચનારના એ સાથે સહમત કે અસહમત હોવાના અધીકારનો હું પુર્ણ રીતે આદર કરું છું. મુકત મને કોઈની પણ સાથે તે ચર્ચવા મારી પુર્ણ તૈયારી છે. મારી વીચાર પદ્ધતીમાં એનાથી નવો પ્રકાશ પડશે; તે માટે આ વીચારોની સાથે અસહમત થનારનો આગોતરો આભાર માની લઉં છું.

—————-

         માણસના મનના વીકાસ સાથે જ્યારે તેની વ્રુત્તીઓએ પ્રાણીજગતની વ્રુત્તીઓથી સહેજ ઉર્ધ્વગતી કરી હશે ત્યારથી જ કદાચ તેને આ પાયાના પ્રશ્નો થવા માંડ્યા હશે.

  1. હું કોણ છું ?

  2. જીવન અંત પામે પછી ‘હું’ નું શું થાય છે?

  3. આ વીશ્વની બધી ચીજો અને ખાસ તો સજીવ સ્રુશ્ટી કોણે બનાવી છે?

          આ પ્રશ્નોના અસ્તીત્વ વીશે કોઈ બેમત નથી. વીજ્ઞાન તેમ જ અધ્યાત્મ બન્ને માટે.  વીજ્ઞાન પાસે આ પ્રશ્નોનો કોઈ ઉકેલ હજુ નથી. અદ્યાત્મના ક્ષેત્રમાં આખા વીશ્વમાં અનેક વીચારકોએ આ બાબતમાં પોતાના વીચારો કે કલ્પનાઓ રજુ કર્યાં છે. સમસ્ત વીશ્વના ખુણેખાંચરે, એક બીજાથી સાવ અલગ રીતે આમ થયું છે. સંસ્ક્રુતીના આરંભકાળથી સુમેર પ્રજા, ઈજીપ્તની સંસ્ક્રુતી, સીંધુ નદીની સંસ્ક્રુતી, હીન્દુ, તાઓ, ઝેન,  જાપાની, યહુદી. ગ્રીક, રોમન, ખ્રીસ્તી, મુસ્લીમ, જૈન, બુધ્ધ, જરસ્થુસ્તી … અરે માઓરી, એસ્કીમો, આદીવાસી અને હબસી પ્રજાઓએ પણ આ બાબતમાં પોતપોતાની આગવી વીચાર ધારાઓ સર્જાવી છે. આના આધારે જાતજાતના ઈશ્વરોની કલ્પનાઓ, વીશ્વાસો , મુર્તીઓ, અમુર્તીઓ માણસજાતમાં અસ્તીત્વમાં આવ્યાં છે. દરેક માણસ તેની શ્રદ્ધા પ્રમાણે આમાંની કોઈ ને કોઈ માન્યતા સાથે સંકળાયેલો છે. કોઈક આ બાબતમાં સાવ નાસ્તીક પણ છે. લેખીત સાહીત્ય, શીલ્પ, ચીત્ર, સંગીત, ન્રુત્ય આ બધી લલીત કળાઓમાં વીશ્વભરમાં આ માન્યતાઓના આધાર પર ઘણું સર્જન થયું છે અને થતું રહેશે. કદાચ આ દરેક ક્ષેત્રમાં આ માન્યતાઓના આધાર પર સૌથી વધારે રચનાઓ થયેલી છે.

        આથી માત્ર તર્કના આધારે કોઈ એમ કદાપી કહી ન શકે કે, આમાંની કોઈ પણ માન્યતા ખોટી છે. આ વીશય તર્કથી પર છે, અને રહેશે જ; એ નીર્વીવાદ છે. એ શ્રધ્ધાનો વીશય વધુ છે. કોઈ એમ કહે કે આ માન્યતાઓ ખોટી છે અને તેમને દુર કરો, તો તેમ કદાપી થશે નહીં. કોઈ તે માનશે પણ નહીં.

          ઉલટાનું વીજ્ઞાન પણ એ ધીમે ધીમે સ્વીકારવા લાગ્યું છે કે, કોઈક આધીભૌતીક તત્વ કે સીસ્ટમ છે. થોડા વખત પર ‘ રીડર્સ ડાયજેસ્ટ’  માં એક લેખ વાંચ્યો હતો, ‘ Are we wired for divinity?’ એમાં ઈ.ઈ.જી. ના આધારે એમ પ્રતીપાદન કરેલું હતું કે, જ્યારે માણસ બહુ તાણમાં હોય, ત્યારે તેના મગજનું એક કેન્દ્ર અત્યંત ઉત્તેજીત થાય છે. ધ્યાન કે પ્રાર્થના કરવાથી તેની ઉત્તેજના ઘણી ઓછી થાય છે. આમ કેમ થાય છે તેનો કોઈ જવાબ હજુ મળ્યો નથી. પણ કાંઈક કારણ તો હશે જ , તેમ માનવું સાવ તાર્કીક છે. વીજ્ઞાન એ તો હમ્મેશ સ્વીકારે છે કે, કોઈ પણ ઘટના કારણ વીના ઘટતી નથી. દરેકની પાછળ એક કે વધુ પરીબળો કામ કરતાં હોય છે.

           આ જ રીતે અમુક એક માન્યતા જ સાચી છે; એમ માનવું પણ બહુ ભુલભરેલું છે. આવી ભુલભરેલી માન્યતાઓને કારણે  વીશ્વમાં સૌથી વધારે અનર્થો, ગેરસમજુતીઓ, યુધ્ધો, વ્યથાઓ, અન્યાયો સર્જાયા છે. અને આવી જ માન્યતાઓના આધાર પર વીવીધ ધર્મો અસ્તીત્વમાં આવ્યા છે. કદાચ આને કારણે ધર્મો અને ધાર્મીક સંસ્થાઓ વગોવાયાં પણ છે.

          આથી મારા પોતાના માટે મેં એમ વીચાર્યું છે કે, આ બધી તરખડમાં શા માટે પડવું? જીવન કેટલું ટુંકું અને અમુલ્ય છે? તેની એક પણ ક્ષણ આવા વીવાદ માટે શા માટે ખર્ચું? મારા જીવનનો એક નાનકડો ટુકડો – આજનો દીવસ, આ ક્ષણ જો સભર રીતે જીવું, કોઈને મદદરુપ બની જીવું; આનંદનો, સમજદારીનો, ભાઈચારાનો વ્યાપ થાય તેમ જીવું તો ય ઘણું છે. આત્મા અને પરમાત્મા તેમનું સંભાળી લેશે. મારે તેમની કોઈ ચીંતા કરવાની જરુર નથી. અને એ કહેવાતો પરમાત્મા એટલો તો  મોટો છે કે તે મારી બાથમાં ક્યાંથી આવે? એ સર્વશક્તીમાનને લાયક હું હોઈશ કે બનીશ , તો તે સમજદાર જણ જરુર કાંઈક સારું જ કરશે. હું કોઈ માન્યતામાં વીશ્વાસ રાખું, પણ તેના પાયાના સીધ્ધાંતોનું પાલન ન કરું, એ તો અપ્રામાણીકતા છે. માટે પ્રામાણીક રીતે આવી કોઈ પણ વીચારધારાથી દુર રહેવાનું મને વધુ યોગ્ય લાગે છે.

   અને મોટા પરીપ્રેક્ષ્યમાં, સામાજીક ક્ષેત્રે વીચાર અને વર્તન વચ્ચે આભ જમીનનું અંતર જોઈ મન કકળી ઉઠે છે. લોકો સાવ સામાન્ય તર્કને પણ બાજુએ મુકી કેવળ અંધશ્રધ્ધામાં સબડે છે અને હાથે કરીને દુખી થાય છે ત્યારે અંગત રીતે મને બહુ જ દુખ થાય છે. પ્રત્યેક જાતી, ધર્મ અને પ્રદેશમાં,  જે લોકો અને સંસ્થાઓ સમાજને આ બાબતમાં દોરવાનો, માર્ગદર્શન આપવાનો દાવો કરે છે;  તે જ વ્યક્તીઓ અને સંસ્થાઓને જ્યારે  લોકોની શ્રધ્ધાનો આ બાબતોમાં પોતાના સ્વાર્થી લાભ માટે દુરુપયોગ કરતાં જોઉં છું; ત્યારે તેની સામે ચુપ બેસી રહેવું તે મને મારી નૈતીક નબળાઈ, અપ્રામાણીકતા લાગે છે.  આની  સામે મારો આક્રોશ વ્યક્ત ન કરું અને મારું સંભાળીને બેસી રહું તે મને મારી કેવળ કાયરતા લાગે છે. એ કાયરતામાંથી ઉભા થઈ મારી તતુડી વગાડવાના મારા અધીકારનો ઉપયોગ કરવાનો આ  એક પ્રયાસ છે.

       ઉપર જણાવેલા પાયાના બે ત્રણ મુદ્દાઓ પર મારા વીચારો … આવતા અંકોમાં ….

બાળકની પ્રાર્થના

     આ નાનકડા બીજમાં તાકાત છે અને મારામાં પણ.

     આ નાનકડાં બીજમાંથી ફણગો ફુટશે;  ડાળીઓ અને પાંદડાં ફુટશે. અને જોતજોતામાં એ  મોટું વ્રુક્ષ બની જશે. એની ડાળીઓ આભને અડશે અને આખું જગત એની હરીયાળી જોઈને હરખાશે.

    મ્હારા વ્હાલા પ્રભુ! હું ય આ બીજની જેમ મોટો થઈશ અને તને પહોંચીશ અને જે બનવા માટે તેં મારું નીર્માણ કર્યું છે, તે બનીને જ હું રહીશ.

કેરોલીન વાર્વેલ ના મુળ અંગ્રેજી સંદેશા પરથી.

 

 

કોણ કોનો હાથ પકડે?

      એક માણસ તેની દીકરીને લઈને નદી પરનો એક નાનકડો લક્કડીયો પુલ ઓળંગી રહ્યો હતો.

     તેણે દીકરીને કહ્યું ” બેટી! તું મારો હાથ પકડી લે.”

    દીકરી – ” ના, તમે મારો હાથ પકડો.”

    બાપ – ” કેમ?”

    દીકરી – ” હું તમારો હાથ પકડું અને કાંઈક અકસ્માત થાય,  તો  કદાચ હું તમારો હાથ છોડી દઉં. પણ તમે મારો હાથ પકડ્યો હોય તો મને વીશ્વાસ છે કે, તમે મારો હાથ કદી નહીં છોડો.

 ——————————

   ભક્તીમાં આ ભાવ અને વીશ્વાસ આવે, ત્યારે ઉપરવાળો આપણો હાથ ઝાલે. વંદનીય શ્રી. પુનીત મહારાજનું ભજન યાદ આવી ગયું –

” જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો. “  

– અંગ્રેજી ઉપરથી

હરદમ તને જ યાદ કરું

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે.
એવું દરદ ન આપ કે, જેની દવા મળે.
–  ‘શુન્ય’ પાલનપુરી

         ‘શુન્ય’ મારા બહુ જ પ્રીય શાયર. તેમની આ રચનાય મારી બહુ જ પ્રીય રચના. સામાન્ય રીતે લોકો સુખની માંગણી કરે. અહીં શુન્ય દરદની, દુખની માંગણી કરે છે. દરદ હોય તો જ ‘એ’ યાદ આવે. હરદમ એ યાદ આવ્યા જ કરે એવી અહીં આરત છે. જેની કોઈ દવા જ ન હોય, તેવા દર્દની કવીને ખ્વાહીશ છે. એવું પાગલપન કે જેનો કોઈ ઈલાજ જ ન હોય. એ વેંઢારે જ છુટકો. આવું શુન્ય જેવા અલગારી જ માંગી શકે.

          પણ અહીં, આજે જે વાત કરવી છે તે આ ભાવથી થોડી વીપરીત છે. અંગત જીવનમાં આપણે આવી દશાની ક્વાહીશ રાખીએ, સમગ્ર જીવન કોઈ એક જુસ્સા કે પેશન માટે ખરચી નાંખીએ એ તો બહુ ઉમદા વાત જરુર છે.

           પણ …

           મોટા ભાગના ધર્મોએ આ જ ભાવથી ઈશ્વરને આરાધ્યો છે. સંસારનાં બધાં દુખોનું ઓસડ એટલે તેનો સહારો. દીન દુખીયાંનો બેલી. એ કદી ન ભુલાવો જોઈએ. એના શરણે જાઓ, એને આરાધો એટલે જીવનની પરીત્રુપ્તી આવી ગઈ. મારા મતે આ ‘એ’ના પરમ સામર્થ્યની વીડંબના છે. આપણે ઈશ્વરમાં માનતા હોઈએ, તો એણે આપણને આપેલ અદ્ ભુત સમૃદ્ધી – આપણા શરીર અને મન માટે ગૌરવ અનુભવવાં જોઈએ. એણે આપણને આપેલ સામર્થ્ય છતાં આપણે આવો દીન ભાવ અનુભવીએ, હમ્મેશ તેના શરણની જ ખેવના કરતાં રહીએ; તેવું એણે કદાપી ઝંખ્યું નહીં હોય.

              ઈશ્વરીય કાયદો છે – યોગ્યતમની ચીરંજીવીતા ‘Survival of the fittest’ . આપણને આ કુદરતી કાયદો ગમે કે ન ગમે; તો પણ એ જ અમલમાં છે. આ શેર કે કોઈ પણ ધર્મનો ભાવ આપણને નીર્બળ બનાવે તો એ શેર અને એ ધર્મ વ્યર્થ છે. આ શેરથી તો એવો સંદેશ અભીપ્રેત છે કે, આપણે બધાં દર્દોને આત્મસાત કરી, અતીક્રમી એક મસ્તીમાં ઝુમતા રહીએ. કદી તેની પ્રીતી ગુમાવીએ નહીં. બધા ધર્મોનો પ્રાથમીક ઉદ્દેશ માણસની અંદર રહેલી શક્તીને જગાવવાનો હોય છે. તેને દુર્બળ બનાવવાનો નહીં.

              પણ મોટા ભાગની સ્તુતી અને ભક્તી દીનભાવને જ પ્રેરે છે. ‘હું દીન છું, રજકણથીય ક્ષુદ્ર છું. મારી રક્ષા કર.” એમ જ આપણને પ્રાર્થના કરવાનું શીખવવામાં આવ્યું છે. સદાય તેના જ સહારે જ આપણે હાથ જોડીને બેઠા રહીએ, તેવો ભાવ આવી સ્તુતીમાંથી પ્રગટે છે. શા માટે? કદાપી નહીં   ‘બસ! એના સીવાય બીજું કાંઈ મને ન ખપે.’ એ ભાવ જો આપણને વેવલાઈમાં બેસાડી જ રાખવાનો હોય તો તે નકારાત્મક છે. શક્તીપ્રદાયક નથી જ.

              આથી આપણે આ શેરને આ સંદર્ભમાં સમજીએ.

મીત્રતા

એક બહુ જ ગમેલો વીચાર –

મીત્રતા એક સુવાસીત લ્હેરખી જેવી હોય છે.  તમે તેને પકડી, સુંઘી કે ચાખી નથી શકતા. એ ક્યાંથી આવે છે, તે પણ તમે જાણી નથી શકતા. પણ તમે હમ્મેશ તેને અનુભવી શકો છો. એ હોય તો તમને તરત ખબર પડી જતી હોય છે કે, તે છે.

એ તો આવે અને જતી પણ રહે. પણ એ જરુર પાછી આવશે. 

કોઈ પાછા વળીને નવેસરથી શરુઆત કરી શકતું નથી.

પણ…

આજની આ પળથી શરુ કરીને તમે એક સાવ નવી શરુઆત કરી શકો છો.

નાસ્તીકતા

        ‘અંતરની વાણી’ માં નાસ્તીકતાને સ્થાન છે ખરું? બહુ જ ચર્ચાસ્પદ બાબત છે.

        મારા વીચાર જણાવું તો …  હોઈ શકે.  જરુર હોઈ શકે.

         આત્માનો અવાજ.  અંતરની વાણી. એને આસ્તીકતા સાથે શો સંબંધ? જ્યારે અંતરનો  અવાજ સાંભળી પરમ તત્વ સાથે ગોઠડી સાધીએ ત્યારે એ જરુરી નથી કે આપણે ઈશ્વરની પરીકલ્પનામાં માનતા  થઈ જઈએ.  જે કશુંક આપણી અંદર હોય છે, તેની સાથે ભાવાત્મક એકતા સધાય એટલું જ.  તેને નામ કે રુપ આપવું, કે તેનાં ગુણગાન ગાવાં, કે તેની પુજા કે સ્તુતી કરવી તે તો બધી બાહ્ય બાબત છે. આચાર છે. પદ્ધતી છે.

       આવું કશું ન કરીએ તે પણ એક પદ્ધતી હોઈ શકે. માત્ર સંવાદની પ્રામાણીકતા હોવી ઘટે.

       નાસ્તીક એટલે ભૌતીકતામાં રાચતી વ્યક્તી; તે ચીલાચાલુ માન્યતા ખોટી છે. તે જ રીતે નાસ્તીક વ્યક્તી શ્રદ્ધા કે અંધશ્રદ્ધાથી પર હોય તે માન્યતા પણ એટલીજ ભુલભરેલી છે!   આદરણીય શ્રી, ગુણવંત શાહનો લેખ  આ વાતને પુશ્ટી આપે છે. ખરું કહું તો એ લેખ વાંચીને જ આ વીચારો વ્યક્ત કરવાની પ્રેરણા મળી.  

       ઈશ્વરના અસ્તીત્વને માનવું કે ન માનવું તે તો એક બહુ જ ગૌણ બાબત છે. મુખ્ય વાત તો એ છે કે, આપણે આપણા અંતરની સાથે પ્રમાણીક છીએ ખરા? શું આપણે તે અવાજને સાંભળવા તૈયાર છીએ ખરા?

      જો નાસ્તીક વ્યક્તી આ અવાજને સાંભળવા સક્ષમ હોય; અથવા તેની તે માટે તૈયારી હોય તો તે સાચો વૈશ્ણવજન છે.

ત્રણ પાત્રો, ત્રણ ચીજ

       તમારી સામે પાણીથી ભરેલાં ત્રણ પાત્રો પડ્યાં છે. એકમાં તમે થોડાં ગાજર નાંખો છો, બીજામાં થોડાં ઈંડાં અને ત્રીજામાં થોડી કોફી. આ ત્રણે   પાત્રોને તમે પંદર મીનીટ ઉકાળો છો.

      પહેલા પાત્રનાં ગાજર સાવ પોચાં પડી જાય છે, બીજા પાત્રનાં ઈંડાં કઠણ બની જાય છે. ત્રીજા પાત્રમાંની કોફી પાણી સાથે ભળી જાય છે; તેનું નામોનીશાન રહેતું નથી. પણ સરસ મજાની સોડમ તે પાત્રમાંથી  આવવા લાગે છે.

———————————————————

     આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ આ ઉકળતા પાણી જેવી હોય છે. તેની સાથે કેવો વ્યવહાર કરવો તેના આપણી પાસે ત્રણ વીકલ્પો છે .

  • ગાજરની જેમ મુશ્કેલી સામે આપણે સાવ ઢીલા પડી જઈએ.
  • ઈંડાંની જેમ સાવ શુશ્ક, કઠણ અને રસવીહીન થઈ જઈએ.
  • કોફીની જેમ મુશ્કેલીની સાથે આત્મસાત્  થઈ સુંદર મજાની સોડમ ફેલાવીએ.

     કયો વીકલ્પ સ્વીકારવો તે આપણા ઉપર આધાર રાખે છે.

[  મુળ અગ્રેજીમાં અજ્ઞાત સ્રોત પરથી ભાવાનુવાદ ]

સફર

નથી કોઈ પણ માર્ગદર્શક અમારો,
નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર,
અમારી અદાથી સફર કોણ કરશે.
– ‘ શૂન્ય’ પાલનપુરી

      મને બહુ જ ગમતો આ શેર આજે યાદ આવ્યો. પ્રેમના પંથે સફર કરતા પ્રવાસીની સફરની આ વાત છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેના દૈહીક વાસનાથી ભરેલા પ્રેમની આ સફર નથી. આ તો સત્યશોધકની સફર છે. એમાં કોઈ ગુરુ કે માર્ગદર્શક ન હોય. કોઈ ધ્યેય પણ ન હોય. પ્રસીદ્ધીની, કીર્તીની કોઈ ખ્વાહેશ ન હોય. કોઈ સાથે ચાલનાર ન હોય; તો પણ એકલા ઝુમતા રહેવાનો અલગારી આનંદ જ આનંદ હોય.

      માત્ર સફર  કરવાની જ મસ્તી હોય. અલગારી મસ્તી. પળેપળનો આનંદ. મુસીબત ઉઠાવવાનો પણ આનંદ. તેની અદાની ખુમારી.

આજનો દીવસ

       શું આપણે ધન, સમ્પત્તી કે કીર્તી હાંસલ કરવા મથી રહ્યા છીએ?

       આપણે નહીં હોઈએ ત્યારે ધન, મીલકત, સત્તા – આપણું આ બધું તો કોઈના હાથમાં ચાલ્યું જશે. સમયની રેતીના ઢગલામાં જે કાંઈ બાકી રહેશે તે વધુ નહીં હોય. આપણે જેમને મદદ કરી હોય તેવા સૌના મનમાં આપણી માત્ર યાદગીરીઓ જ બાકી રહી જશે.

      તમે તમારી પાછળ શું મુકી જવા માંગો છો? વીતેલા સમયના સુખ અને આનંદની બેચાર યાદો ? કે પછી જીવનકીતાબનાં એવાં પાનાં, જે ફાડી નાખવાની તમને અત્યંત ઈચ્છા થાય?

      આજે તમને  એક તરોતાજા, ખુશનુમા અને સાવ નવું નક્કોર પાનું લખવાની મહાન તક સાંપડી છે.  તમારી પોતાની જ બનાવેલી એક ગાથા, એક દ્રશ્ય – તેમાં કેવા રંગો પુરવા તે તમારે જાતે જ નક્કી કરવાનું છે. અત્યંત પ્રતીકુળ સંજોગો વચ્ચે પણ તમે તેમાં સંવાદીતાનો મધુર અને શીતળ રંગ ભરી શકો છો. 

      જો તમને એમ ખબર પડે કે આ તમારા જીવનનો છેલ્લો જ દીવસ છે તો, તમે તે કેવી રીતે વીતાવશો? તમને સુર્યનાં આ સોનેરી કીરણોથી, સમીરની આ મંદ લ્હેરખીથી એ પાનાંને ભરી દેવાનું જ ગમશે ને ?

      તમે આજનો આ તરોતાજા દીવસ, આ ક્ષણ આનંદથી માણો. તમારા જીવનની બધી સારી ચીજોને યાદ કરી લો. તમારા જીવનમાં જે ખાસ માણસો આવ્યા હોય તેમને માટે વાત્સલ્ય અને ભાવથી તે ક્ષણને ભરી દો. તમે કરવા ધાર્યા હોય તેવા નાના નાના પણ સુખદ કાર્યો કરી નાંખો – વાર ન કરો . કદાચ આ ઘડી ચાલી જાય અને તમને વસવસો રહી જાય. કદાચ બહુ મોડું થઈ ગયું હોય તે બધું કરવા માટે.

          આપણે આપણા સ્વજનોને બહુ અવગણતા હોઈએ છીએ, તેમની ઉપેક્ષા કરતા હોઈએ છીએ. તેમને કહો, કે તમને તેમના માટે કેવો અને કેટલો સ્નેહ છે. કોઈ તપ્ત જીવને મદદનો હાથ લંબાવો.

        પ્રત્યેક દીવસ સભરતાથી જીવો, કાલ કોણે દીઠી?

         આનંદમાં જીવો .. આભાર માનો …

( અંગ્રેજી પરથી ભાવાનુવાદ)