સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ભજન/ સ્તુતિ

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી પરમે

અરવિંદ આશ્રમ, પુડિચેરી ખાતે સ્વ. ‘સુંદરમ’ રચિત, પરમપૂજ્ય માતાજી અને પરમતત્વની આ સ્તૂતિ ગુજરાતના અરવિંદ – માતાજીના ચાહકોની માનિતી સ્તૂતિ છે. પણ, એથી વિશેષ – અમારા કુટુમ્બના પૂજ્ય વડીલો સ્વ. ભીખાભાઈ અને શારદાગૌરી જાનીની પણ આ માનિતી સ્તૂતિ હતી. અમારા કુટુમ્બમાં એ નિયમિત ગવાતી. આજે જ્યારે કુટુમ્બના સભ્યો વિશ્વભરમાં ફેલાઈ સ્થાયી થયા છે, ત્યારે એમને તેમ જ અરવિંદ, માતાજીના સૌ ગુજરાતી ચાહકોને આ સ્તૂતિ – વિડિયો અમૃતના ઓડકાર સીંચશે – એવી અભ્યર્થના છે.

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….આનંદમયી, આનંદમયી, આનંદમયી….

તવ મહામુદાના ધામ ત્યહીં.
અમ અલ્પમુદાના ધામ,ઠામ,મુકામ અહીં.
તવ પરમ હર્ષના સાગર કેરી છોળ.
અમ ક્લેશ દુઃખના ઘોર અહીં વંટોળ.
તું આવ લઈ (3), તવ ધસમસ, નંદ-પ્રચંડ તણા રસપૂર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….

ચૈતન્યમયી, ચૈતન્યમયી, ચૈતન્યમયી
તવ ઊર્ધ્વચિતિના ગગન ત્યહીં,
અમ ચિતિધરાના તમસ ઘોરમાં મગન અહીં.
તવ પ્રખર ચૈત્યના ઝળહળતા રવિરાજ
અમ ટમટમ દીપક દીન તણાં અહીં કાજ
તું આવ લઈ (3), તવ છલછલ ચેતન તણા સભર અંબાર
તું આવ અહો.(3)\ આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….

સત્યમયી, સત્યમયી, સત્યમયી
તવ સ્વર્ણજ્યોતિની સૃષ્ટિ ત્યહીં
અમ તમસ છાયી લઘુ દ્રષ્ટિ અહીં.
તવ પ્રખર તેજના દીશ દીશ ભરતાં નીર
અમ મનમનના આ પંક સહુ મલીન સહુ તીર
તું આવ લઈ (3), તવ ઉજ્જવળ ઝળહળ, ભર્ગ તણા ભંડાર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે….

પરમે, પરમે, પરમે, પરમે,
તવ વિશ્વપારના પવન ત્યહીં
અમ ભૂમીજડિત સહુ ક્રમણ અહીં,
તવ સૃષ્ટિ સર્વને ક્રમી જતા નિત, નૂતનતમ સંચાર
અમ ડગમગ પડતા કદમોનો આ શોક,મોહ, સંસાર
તું આવ લઈ (3), તવ દિવ્ય જગતના ભવ્ય મધૂર ઝંકાર
તું આવ અહો.(3) આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે
….

– સુંદરમ

અને… એ સ્તૂતિ પર મારા વિચારો અહીં –

સુંદરમ સાથે એક સાંજ

પ્રભુને સર્વ સોંપીને – સ્વામી જગદીશતીર્થ, Swami Jagdishtirth

પ્રભુને સર્વ સોંપીને, પ્રભુનું ધાર્યું થાવા દે,
પ્રભુની આ બદનબંસી, પ્રભુને તું બજાવા દે.

પ્રભુના સૂરથી ન્યારો, કરે તું સૂર મમતાનો,
પ્રભુના સૂરમાં તારો, હૃદયનો સૂર મિલાવી દે.

પ્રભુ શિરસ્વામી છે મોટો, પછી શો છે તેને તોટો,
પ્રભુના અંકમાં બેસી, પ્રભુનું ધાર્યું થાવા દે.

પ્રભુના જગતબાજારે, બન્યો સેવક તું વ્યવહારે,
પ્રભુના નામ પર ત્યારે, નફો નુકસાન થાવા દે.

પ્રભુની નાટ્યશાળામાં, બન્યો નરદેહ આ જ્યારે,
રમાડે ખેલ ખેલાડી, વૃથા શું તું કૂટે ત્યારે ?

બન્યો તું દોઢ-ડહાપણિયો, મધુરા વાક્ય તું બોલે,
કરે વ્યવહાર તું સઘળો, મમત ને હું તણા બોલે.

ચરાચર દેહની બંસી, બજાવનહાર સાચો છે,
નથી તે પારખ્યો પ્રેમે, કસોટીમાં તું કાચો છે.

કહે પ્રારબ્ધિની સત્તા, નથી પ્રારબ્ધ તેં જોયું,
રમે ઈન્દ્રિય ભોગોમાં, અચળમાં ચિત્ત ના પરોવ્યું.

નચાવે ભ્રાંતિઓ તુંને, થયો અભ્યાસનો કેદી,
શરણ જગદીશમાં વૃત્તિ, પછી થાનાર થાવા દે.

–  સ્વામી જગદીશતીર્થ

હરિ, મારા રુદિયે રહેજો રે- ભગવતી કુમાર શર્મા, Bhagwatikumar Sharma

હરિ, મારા રુદિયે રહેજો રે,
દઃખ જે હું દઉં તે સહેજો રે.

વારે વારે કરીશ કાલાવાલા,
માગું તે દેવું જોશે વ્હાલા!
તમે વેદમંત્રોના સુણનારા,
વેણ મારા વેઠી લેજો કાલા.
હરિ મુને કાંઇ ન કહેજો રે.
 હરિ મારી આંખથી વહેજો રે….

હરિ, હવે આપણે સરખે સરખા,
હરિ, તમે મેહ તો હું યે બરખા!
હરિ. તમે સૂરજ તો હું સોમ,
હરિ, તમે અક્ષર તો હું ૐ !
હરિ, મને જીરવી લેજો રે,
હરિ, મુને દરશન દેજો રે. …

–   ભગવતી કુમાર શર્મા

તમે દિલમાં દીવો કરો- ભક્તકવિ રણછોડ

દિલમાં દીવો કરો રે તમે
દિલમાં દીવો કરો.

કૂડા કાન ક્રોધને પરહરો રે,
તમે દિલમાં દીવો કરો… Read more of this post

એવા જો સંત રે મળે – સતી લોયણ

જી રે લાખા, એવા જો સંત રે મળે
તો એને ધોડી ધોડીને મળજો રે… Read more of this post

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે – સુંદરમ

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે…. Read more of this post