સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કહો કોણે મારા આતમજીને ઘડીયો

સ્વ-શ્રી અભિલાષ કાંતિલાલ શાહ

કહો કોણે મારા આતમજીને ઘડીયો

કે ભાગ્ય લખ્યું કોણે રે, કલમ લઈ ખડિયો.

દિન રાત જાવે ને દિન રાત આવે,

કહો કાળને રે! કોણે પકડિયો…..…..કહો કોણે

રાતું ગુલાબ ખીલે કાંટાની આડમાં

દૂધ ભર્યું થોર તોય કાંટાળી વાડમાં

કાદવના ઢગલામાં ખીલતું કમળ

તેનો ભેદ નવ જનને રે! જડીયો………..કહો કોણે

કાલે માસૂમ કળી આજે જવાની

કાલે છોડીને જશે દુનિયા આ ફાની

જનમ મરણની ચાલી ઘટમાળ,

એનો ભેદ નવ જનને રે! જડિયો …..…..કહો કોણે

સત્ય બધું એક તોય રંગરૂપ જૂજવાં

ઈશ્વર છે એક તોય લોક લડે પુજવા

જનમો જનમની ચાલી ઘટમાળ

તેનો ભેદ નવ જનને રે! જડીયો…..…..કહો કોણે

લાડુ અને ભૌતિકશાસ્ત્ર!

દસમા ધોરણની પહેલા સત્રની પરીક્ષા ઢૂંકડી હતી અને આ હરીશભાઈને બધા વિષયોમાં ઉત્તીર્ણ થવાની પણ આશા ન હતી. નોન મેટ્રિક થઈ મજૂરી અથવા બહુ બહુ તો ફીટર કે મિકેનિક બનવા સિવાય કશા ઉજળા ભાવિની એનાં માવતરને આશા ન હતી. સાવ રખડેલ અને અભ્યાસ તરફ ઉદાસીન જીવ. એની મા રામવતીનું હૈયું તો ડૂસકાં ભરે.

એ માહોલમાં છઠના દિવસે ભગવાનને ધરાવવા તે લાડુ બનાવતી હતી ત્યારે એને એક ફળદ્રૂપ  વિચાર સૂઝ્યો. તરત એણે બાબલાને કહ્યું, “ જો તું એક કલાક ભણે તો તને એક લાડુડી મળશે.

લાડુ આરોવાનો શોખિન હરીશ તો મચી જ પડ્યો. ત્યારે એને ખ્યાલ આવી ગયો કે, પોતે માનતો હતો એટલો મંદબુદ્ધિ ન હતો. ધ્યાન દઈને વાંચેલું એને યાદ રહી શકતું હતું. ગણિતના દાખલાઓમાં તેની અક્કલ પણ બરાબર દોડી શકતી હતી.

૮, એપ્રિલ – ૧૯૫૨ના રોજ બિહારના દરભંગાના શિક્ષક ગણેશચંદ્ર વર્મા અને રામવતીના ઘેર જન્મેલ હરીશની ગાડી તો પૂરપાટ પાટે ચઢી ગઈ. તે દસમા ધોરણની પરીક્ષામાં બધા વિષયમાં ઉત્તીર્ણ થયો એટલું જ નહીં, એસ.એસ.સી, ની પરીક્ષા સારા માર્કથી પસાર કરી અને પટણાની વિજ્ઞાન કોલેજમાં પ્રવેશ મેળવી યુનિ. ની ફાઈનલ પરીક્ષામાં ભૈતિકશાસ્ત્રના વિષયમાં ત્રીજા નંબરે બહાર પણ પડ્યો.

પટણામાં જીવનની શરૂઆત કરનાર હરીશે આઈ.આઈ.ટી.(કાનપુર)માં અનુસ્નાતક અને પી.એચ.ડી. ની પદવીઓ પણ હાંસલ કરી છે.

હરીશ યુવાન વયે

ડો. હરીશ્ચન્દ્ર બન્યા બાદ, તેણે પટણાની વિજ્ઞાન કોલેજમાં ભૌતિકશાસ્ત્રના વિષયમાં શિક્ષણ કાર્ય શરૂ કર્યું. વિદ્યાર્થીઓને ભણાવતાં તેને સમજાયું  કે, ભૌતિકશાસ્ત્રના પચાવવા માટે અઘરા સિદ્ધાંતો સમજાવવા સરળ રીતો અજમાવી  શકાય. આઠ  વર્ષના શિક્ષણકાર્યના અનુભવ બાદ તેણે બે ભાગમાં  ભૌતિકશાસ્ત્રના સિધ્ધાંતોનું પુસ્તક બહાર પાડ્યું છે.

૧૯૯૪ની સાલમાં તેની માનિતી સંસ્થા આઈ.આઈ.ટી.(કાનપુર) માં પ્રોફેસર તરીકે કામ કરવાની તક તેને મળી. ત્યાં તેણે શિક્ષણ ઉપરાંત ન્યુક્લિયર ફિઝિક્સના વિષયમાં સંશોધન  પણ કરવા માંડ્યું. આ ઉપરાંત બીજા સહકાર્યકરો અને વિદ્યાર્થીઓના સહકારથી તે ‘શિક્ષાસોપાન’ નામની સંસ્થાનું સંચાલન પણ કરે છે. આ સંસ્થા  આઈ.આઈ.ટી. ની આજુબાજુ રહેતા આર્થિક રીતે નબળા વિધ્યાર્થીઓને મદદ કરવાનું કામ પણ કરે છે.

આખા દેશના ભૈતિકશાસ્ત્રના પ્રોફેસરોની સંસ્થા IAPT ( Indian Association of Physics Teachers) ની સંચાલન સમિતિમાં પણ તે સક્રીય સભ્ય છે. આ અઘરા વિષયની સરળ સમજ માટે તેણે ૬૦૦ જેટલા પ્રયોગોની રીતો બનાવી છે. દેશના ૨૨ જેટલા શહેરોમાં આ અને  શિક્ષણની બીજી સરળ રીતોનો વ્યાપ થઈ રહ્યો છે. ભૌતિક શાસ્ત્રના શિક્ષકોની તાલીમ માટે પણ ઘણી શિબિરો આ સંસ્થાએ આયોજી છે. આ અભિયાન હેઠળ દેશના ૮,૦૦૦ શિક્ષકોને અદ્યતન તાલીમ આપવામાં આવી છે.

૨૦૧૭ની સાલમાં આ કાર્યની કદર રૂપે મૌલાના અબ્દુલ કલામ આઝાદ શિક્ષા પુરસ્કાર પણ તેને એનાયત થયો છે. ૨૦૧૦ની સાલમાં તેને ભારત સરકારની  પદ્મશ્રી પદવી પણ મળી છે.

આ ઉપરાંત તેને યોગ શિક્ષણમાં પણ અનહદ રસ છે. તેનો મોટો ભાઈ દેવીપ્રસાદ પણ પ્રોફેસર છે.

૩૮ વર્ષ શિક્ષણ કાર્ય કર્યા પછી, ૨૦૧૭ની સાલમાં તે નિવૃત્ત થયા છે.

સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/H._C._Verma

શીલા – ૩

શીલા -૧ ; શીલા – ૨

શીલાના બે અવતાર પછી, પર્વતની દિવાલ પરની એક જીવસૃષ્ટિ જોતાં ઊભરેલી આ કલ્પના આ શ્રેણીની કથાઓમાં એક નવો ફણગો છે !

શીલાની થોડેક નીચે પર્વતની કાળમીંઢ દિવાલ નિસાસા નાંખી રહી હતી. તળેટીમાં જઈ સંસ્કૃતિને મહેંકાવવાનું એના નસીબમાં ન હતું. નિર્જીવ, જડ એ દિવાલમાં કોઈ વિજપ્રપાત વડે તરાડ પડે અને કોઈક બીજ એમાં વૃક્ષ બનીને મહોરી ઊઠે એ પણ એના ભાગ્યમાં ન હતું.

એ હતી કાળમીંઢ જડ દિવાલ માત્ર જ –

કોઈ સંવેદનાની સંભાવના વિનાની જડ દિવાલ.

એક દિ’ વરસાદની ઝાપટોથી એ દિવાલ ભીંજાઈ. એની કશુંક કરવાની આરઝૂ પ્રદિપ્ત થઈ ઊઠી. એ સંવેદનાના પ્રતિઘોષમાં વાયરો એક સાવ નાનકડા લીલના કણને તાણી લાવ્યો. એ થોડું જ  કોઈ બીજ  હતું, જેની ખાનદાની રસમ કોઈ વૃક્ષ કે નાના છોડ કે કમ સે કમ ઘાસના તણખલાંની પ્રસૂતિ કરી શકે?  પણ એને ઘટાક ઘટાક પાણી પીતાં આવડતું હતું.

 એ તો માળો પાણીના સબડકાં લેતો એ કાળમીંઢ દિવાલને પોતાનું ઘર બનાવી ચોંટી ગયો. એકમાંથી બે અને બેમાંથી ચાર … એની વસ્તી તો વધવા માંડી. લીલી છમ વસાહત!

બીજા કોઈક દિવસે ફૂગનો નાનકડો કણ વાયરાની સવારી કરીને  વળી આ વસાહતનો મહેમાન બન્યો. એ જનાબની ખાનદાની રસમ વળી કાંઈક ઓર જ હતી. એ તો પૂરેપૂરો પરોપજીવી જીવ. જાતે કાંઈ પેદા કરવાની ન તો એની મજાલ કે ન તો કોઈ એવા ઓરતા! એ તો લીલબાઈના તૈયાર માલ આરોગવાના  નિષ્ણાત !

લીલબાઈને એની કાંઈ પડી ન હતી., હવે એની પ્રજા તો પૂરબહારમાં ખીલી રહી હતી.

અને જુઓ તો ખરા – લીલ બાઈ અને ફૂગની આ જુગલબંધીમાં કાળમીંઢ, જડ દિવાલ સોનેરી વાઘાથી ઝળહળી ઊઠી .

દૂરથી કોઈ માનવની એની પર નજર પડી અને એણે એ જડ દિવાલને નામ આપ્યું –

El Dorado – સોનાનો દેશ !

સંદર્ભ –

lichen

શીલા – ૨

શીલા -૧

શીલા -૧ લખ્યે ૧૪ વર્ષ વીતી ગયાં. રોકી પર્વતમાળાની તળેટીમાં આવેલ ડેનવરની આજુબાજુમાં આવેલા નાના પર્વતો પર ફરતાં ફરતાં આ બીજો ભાગ સૂઝ્યો છે. એ વાંચો અને માણો

શીલા- ૧ ની શરૂઆતમાં …

   ફરી વાદળ ઘેરાયાં અને ફરી વિજળી તાટકી. આ વખતે તેની ટોચના બીજા પડખે બીજી તરાડ ઊભરી આવી. કાળક્રમે તે પણ વધતી ચાલી. ચાર પાંચ વરસ વીતી ગયાં અને ઉત્તુંગ શીલાને પહેલી વાર ઘડપણ આવ્યું હોય તેમ લાગવા માંડ્યું. તેના દેહ પર પાંચ છ તરાડો હવે ઘર કરી બેઠી હતી અને દિન પ્રતિદિન તે વધતી જતી હતી. તેના દર્પને સ્થાને હવે એક અજ્ઞાત ભય ઘર ઘાલી બેઠો હતો.

હવે વાત સાવ અલગ દિશામાં આગળ વધે છે –

હજારો વર્ષ વીતી ગયાં. ધરતી પરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. હવે શીલાને મળતો ધવલ બરફનો શણગાર એ ભૂતકાળની બાબત બની ચૂકી હતી. વાયરાના વંટોળ ધરતી પરથી ક્ષુદ્ર ધૂળનાં રજકણોના જથ્થે જથ્થા શીલાના દેહને મલીન બનાવી રહ્યા હતા. તેની ચળકતી, લીસી દેહયષ્ટિ ધૂળધાણી બની ગઈ હતી. બધી તરાડો એ ધૂળમાંથી બનેલા સૂકાયેલા કાદવથી ખદબદતી હતી.

   શોકમગ્ન શીલા આ અધોગતિ પર પોશ પોશ આંસું સારી રહી હતી. ત્યાં એક દિ’ વાયરો એક સાવ નાનકડા પીળા રંગના કણને તાણી લાવ્યો. સાવ નિર્જીવ લાગતો એ કણ ધબાકા સાથે એ કાદવમાં ચોંટી ગયો. સાતેક દિવસ એ આમ સુષુપ્ત અવસ્થામાં પડી રહ્યો.

  પણ આ શું? એની ઉપરનું સૂકું આવરણ તોડીને એક સફેદ અંકુર ફૂટી આવ્યો હતો. શીલા આ નવતર ઘટનાને કુતૂહલથી નિહાળી રહી. દિન પ્રતિદિન એ કાદવમાં રહેલા પાણી અને આકાશમાંથી વરસી રહેલી સૂરજદાદાની ગરમીના સહારે ઓલ્યામાંથી લીલી છમ્મ પર્ણિકાઓ ફૂટવા લાગી અને હવામાંથી પોષણ મેળવવા લાગી. નાનકડો એ અંકુર પણ પુષ્ટ બનીને  બદામી, અને ઘેરો બદામી બનવા લાગ્યો. પર્ણિકાઓ અને નવા નવા બાલ અંકુરો એમાંથી ફૂટવા લાગ્યા.

  શીલામાં ધરબાઈને રહેલું પ્રછ્છન્ન માતૃત્વ સળવળી ઊઠ્યું. તે આ નવજાત શિશુ પર ઓવારી ગઈ અને તેના ઊંડાણમાંથી જલ ધાવણના ઓઘ પ્રસરવા લાગ્યા. ઓલ્યો પણ સતત ચસચસ એ વ્હાલ ભર્યા ધાવણને ધાવવા લાગ્યો.

વરસ, બે વરસ અને  હવે એ અંકુર નવયુવાન બની ગયો હતો.

એની મોહક હરિયાળી શીલાનો નૂતનતમ શણગાર બની રહી. જગતની સઘળી દુષિતતાઓને નીલકંઠની જેમ ગટગટાવી જઈ એ જીવન વર્ધક પ્રાણવાયુ પ્રસારતી રહી.  

——————–

આવતીકાલે – શીલા – ૩

શીલા – ૧

અધઃ પતન અને પુનરુત્થાનની ગાથા

પ્રારંભ 

  પર્વતના ઉત્તુંગ શિખર ઉપર તે પોતાના ગર્વમાં મુસ્તાક મલકી રહી હતી. ભૂમિ પરનાં બધાં તત્વો દૂર તળેટીમાં સાવ વામણા લાગતાં હતાં. સૌથી નજીકના લીલાં શંકુદ્રુમ વ્રુક્ષો પણ નાના છોડવા જેવા ઘણે દૂર , નીચે મગતરાં જેવાં લાગતાં હતાં. એ કાળમીંઢ ચટ્ટાન આખા જગતના છત્રપતિ જેવો ભાવ ધારણ કરી પોતાની એકલતાના સામ્રાજ્યમાં રમમાણ હતી. તેને કશાનો ડર ન હતો. કોઈ તેની પાસે ઢુંકી શકે તેમ ન હતું. એક મહાન ઈશ્વર જેવા તેના હોવાપણાના ગર્વમાં તે શીલા મહાલી રહી હતી. કોની મગદુર છે તેના એક કણને પણ ચળાવી શકે? ઓતરાદા પવન હોય કે દખણાદા; હમ્મેશ ધવલ બરફના વાઘા તે હમ્મેશ ધારણ કરી રાખતી.   કોઈ ઉષ્માની, સુર્યના કોઈ કિરણની મગદૂર ન હતી, તેના આ વાઘાને લવલેશ ઊતારી શકે. ધવલગિરિનું આ સૌથી ઉંચું  શિખર સંસારનું સર્વોચ્ચ બિન્દુ હતું તેવો તેને દર્પ હતો.

        એક કાજળકાળી, ઘનઘોર રાતે નભોમંડળમાં કાળાંડિબાંગ વાદળો આ શિખરથી ઘણે ઊંચે ઘેરાયેલાં હતાં. શીલા તેની એકલતામાં એક નાનો શો ભય દિલમાં ધારણ કરીને બેઠી હતી. કાંઈક છુપો અણસાર તેના દર્પને પડકારી રહ્યો હતો. આ પોચાં ગાભાં જેવાં વાદળ  તેનાથી ઘણે ઉપર જાણે તેની હાંસી ઉડાવી રહ્યાં હોય તેવો તેને આભાસ થતો હતો. તે ઘણે ઉંચે હતાં અને તેનાથી ઘણાં મોટાં હતાં. પણ વાયરો તેમને હમણાં તાણી જશે તેની તેને ખાતરી હતી. હમ્મેશ આમ જ બનતું આવ્યું હતું. વાદળો વિખેરાઈ જતાં, અને શીલા પોતાની મગરુરીમાં પાછી મહાલવા માંડતી. પણ આજની રાત વિલક્ષણ હતી. કાંઈક અણધાર્યું બનવાનું છે તેવા ભયનો ઓથાર તેના ચિત્તને કોરી રહ્યો હતો.

અધઃ પતન

         અને એ વાદળાં ટકરાયાં. વિદ્યુતનો એક કડાકો થયો. પહેલાં પણ આમ ઘણી વાર બનતું હતું અને શીલા થરથરી ઉઠતી. એ વિજળીની ક્રોધભરી નજર અચુક પેલાં વામણાં વ્રુક્ષો  ઉપર પડતી અને તે સળગી ઉઠતાં. બસ એવા સમયે શીલાને તેમના માટે ઘડી બે ઘડી કરુણા ઉપજતી. પણ આજે આ વિજળીબાઈના મગજમાં શું થયું કે, તેણે પોતાનો ગુસ્સો ઠાલવવા આ શીલાને લક્ષ્ય બનાવી. આજે એ કડાકો શીલાના મસ્તક ઉપર તાટક્યો. પણ એ કાંઈ થોડી જ પેલાં નિર્માલ્ય વ્રુક્ષો જેવી હતી? એક ક્ષણ એ થથરી અને પછી બધું હતું તેમનું તેમ.

        બધાં તોફાન શાંત થઈ ગયાં. બીજા દિવસના સવારના ઉજાસમાં શીલાએ પોતાના દેહ પર નજર કરી. એક નાનીશી તરડ તેના ઉત્તુંગ શિખરની   એક કિનારી ઉપર સર્જાઈ હતી. ક્ષણ  બે ક્ષણ માટે પોતાની અજેયતા ઉપર શીલાને શંકા પેદા થઈ. પણ તેણે તે વિચાર ખંખેરી નાંખ્યો. પણ ગઈ રાતના તોફાની વરસાદે એ તરડમાં થોડું પાણી જમા કરી દીધું હતું.

      ‘ ઠીક , હશે! આ ક્ષુદ્ર જીવડાં જેવું પાણી મારું શું બગાડી દેવાનું હતું?’ – શીલાએ વિચાર્યું.

       હવે દિવસમાં પાછું ઠંડીનું મોજું આવ્યું અને બરફ વર્ષા શરુ થઈ ગઈ. પાણીનાં એ થોડાં ટીપાં પણ બરફ બની ગયાં. શીલાને અકળામણ થઈ. આ ક્ષુદ્ર જંતુઓ તેને દબાવી રહ્યાં હતાં. છટ્. આવાની તો એસી તેસી. પણ તેણે જોયું કે પેલી તરડ તો થોડી લાંબી બની હતી. બીજો વરસાદ અને થોડું વધારે પાણી ‘માન ન માન પણ હું તારો મહેમાન ‘ કરીને આ તરડમાં ઘૂસી ગયું. ફરી બરફ અને ફરી એ અકળામણ.

      તરડ તો મોટી ને મોટી થતી જતી હતી.   અજેય, અવિચળ એ શીલાના  દર્પભંગનો  પ્રારંભ થઈ ચૂક્યો હતો.

        ફરી વાદળ ઘેરાયાં અને ફરી વિજળી તાટકી. આ વખતે તેની ટોચના બીજા પડખે બીજી તરાડ ઊભરી આવી. કાળક્રમે તે પણ વધતી ચાલી. ચાર પાંચ વરસ વીતી ગયાં અને ઉત્તુંગ શીલાને પહેલી વાર ઘડપણ આવ્યું હોય તેમ લાગવા માંડ્યું. તેના દેહ પર પાંચ છ તરાડો હવે ઘર કરી બેઠી હતી અને દિન પ્રતિદિન તે વધતી જતી હતી. તેના દર્પને સ્થાને હવે એક અજ્ઞાત ભય ઘર ઘાલી બેઠો હતો. કશુંક અમંગળ બનવાનું છે તેવી ધાસ્તિ તેને લાગી રહી હતી.

      અને એવા જ એક અમંગળ દિવસે ધવલગિરિ ધણહણી ઉઠ્યો. આખી ધરતી કંપી રહી હતી. એ કંપનો એક ઉલાળો અને શીલા તહસ નહસ થઈને ધવલગિરિથી છૂટી પડી ગઈ. પર્વતના ઢોળાવ પર તે ગબડવા લાગી. કોઈ તેને બચાવી શકે તેમ ન હતું.  પર્વતની કોર આગળ આવીને તે ઉભી.પેલાં ક્ષુદ્ર  વ્રુક્ષોએ તેને ટેકો આપ્યો. તેની અધઃપતનની ગતિ રોકાણી. તે વ્રુક્ષોને ચગદી શીલા અટકી ગઈ હતી.

    તેની ભયમાં બંધ થયેલી આંખો ખુલી. અને એક પ્રચંડ ભય તેના સમગ્ર હોવાપણાને થરથરાવી ગયો. જેનું ઊંડાણ કળી ન શકાય તેવી ભયાનક ખીણની ઉપર, પર્વતની એક કોર ઉપર તેનો નવો મુકામ હવે થયો હતો. જે તળેટીઓની તે હાંસી ઉડાવતી આવી હતી, તે તળેટીઓ તેને નીચે આવવા આમંત્રણ આપી રહી હતી.

      પોતાના વિતેલી ઉત્તુંગતાના મહાન દિવસો યાદ કરી, શીલા પોશ પોશ આંસુડાં સારી રહી હતી.

    કંઈ કેટલાય વર્ષ  વીતી ગયા – આમ પર્વતની કોરે લટકતા રહીને. શીલાને આધાર આપી પોતાના પ્રાણની આહૂતિ આપનાર વ્રુક્ષો તો ક્યારનાય નામશેશ થઈ ગયા હતા. પર્વતની જે કોરને શિખર પર બિરાજેલી શીલા તુચ્છકારથી મગતરા જેવી ગણતી હતી; તે જ કોર આજે તેના અસ્તિત્વનો આધાર બની રહી હતી. પણ તેની નીચેની ધરતી દર સાલ વરસાદને કારણે ધોવાતી રહી. જે આધાર પર શીલા ટેકવાઈને બેઠી હતી, તે આધાર પણ હવે નિર્બળ થવા માંડ્યો. કોક દુર્ભાગી પળે એ ધરતીના કણ સરકવા માંડ્યા. મોટું પોલાણ થઈ ગયું. શીલાના વજનને ટેકો આપી રહેલી માટી જ ન રહી. રહીસહી માટી સાગમટે ધસી પડી. શીલાએ પોતાનું સમતુલન ગુમાવ્યું. એક પ્રચંડ ધડાકા સાથે શીલા હજારો ફુટ ઊંડી ખીણમાં ફંગોળાઈ ગઈ. હર ક્ષણે તેના પતનનો, વિનિપાતનો વેગ વધવા માંડ્યો. છેવટે જ્યારે તે ખીણના દુર્ગમ પાતાળ સાથે  અફળાઈ, ત્યારે તેના સહસ્ત્ર ટુકડા થઈ ગયા. એક ટુકડો આમ પડ્યો તો બીજો તેમ.

તેનું શિખર પરના ભુતકાળનું ગૌરવ નામશેષ થઈ ગયું.
એ સલ્તનત સંકેલાઈ ગઈ.
એ દર્પ સમયના વહેણમાં ક્યાંય ઓગળી ગયો.
એ ઉન્મત્તતાનો કોઈ અવશેષ ન બચ્યો.
તેનો કોઈ ઈતિહાસ ન લખાયો. 

        હવે તો તેના વારસ જેવી ભેખડો પરથી પર્વતનાં ઝરણાંથી પુષ્ટ બનેલી જલધારાઓ પ્રચંડ પ્રપાત બનીને અફળાતી રહી. શીલાના ફરજંદ નાના મોટા પથ્થરો આ પ્રપાતમાં ઘસાતા રહ્યા, આમથી તેમ અફળાતા રહ્યા. જે કોઈ નાના ટૂકડાઓ હતા તે, પાણીના પ્રવેગમાં ખેંચાઈ આગળ ધકેલાતા ગયા, હડસેલા ખાઈ ખાઈને તેમની તિવ્ર ધારો ઘસાતી રહી. તેના મૂળ પ્રતાપના બધા અવશેષ નામશેશ થતા રહ્યા. લાખો વરસની આ સતત પ્રક્રિયાએ મોટાભાગના ટુકડાઓનું રુપ જ જાણે બદલી નાંખ્યુ. એ સૌ ધવલગિરિના શિખરે બેઠા હતા તે યાદો પણ ભુલાવા માંડી. પવનના સુસવાટા સિવાય જ્યાં કોઈ અવાજ શીલાને સંભળાતો ન હતો; ત્યાં સતત જલપ્રપાતનો ઘોર રવ દિન રાત તેના શ્રવણને બધીર બનાવતો રહ્યો. ક્રૂર વર્તમાનની થાપટો ખાતાં ખાતાં દુર્દશા જ તેમની દશા બનતી રહી.

‘સગાં દીઠાં મેં શાહઆલમનાં,
ભીખ માંગતાં શેરીએ.. ‘

પુનરૂત્થાન 

       જ્યારે શીલાના આ સંતાનો નદીના પ્રવાહની સાથે તણાતા મેદાનો સુધી આવી પહોંચ્યા, ત્યારે તે સૌ માંહોમાંહે બાખડીને ચળકતી રેતીના સાવ નાનાં કણ જ બની ગયા હતા. હવે તેનો પ્રતાપ ઓસરી ગયો હતો, જે શીલાની ઉપર એક તરણું પણ ઉગવાની હેસિયત કરી શકતું ન હતું, તેની અંદર ભાતભાતની વનસ્પતિ ઊગવા લાગી. વિવિધ કિટકો તેમાં પોતાનો આવાસ બનાવી રહ્યા. તેમના રેશમ જેવા નાજુક પોતમાં પશુ પંખીઓ કિલ્લોલ કરવા માંડ્યા. બાળકો રેતીના કિલ્લા બનાવી મોજ માણવા લાગ્યા. તેના ઢગલાઓમાં માટી કે ચુનો ભેળવી માણસો પોતાના નિવાસો બનાવવા લાગ્યા. જે શીલા ઉત્તુંગ શિખરે પોતાના એકલવાયા, એક્દંડીયા મહેલમાં મદમાં ચકચૂર બની મહાલતી હતી, તેના વારસોની વચ્ચે માનવજીવન ધબકવા લાગ્યું. સંસ્કૃતિના પાયાની ઈંટો શીલાના આ શત શત વિન્યાસ પર ચણાવા લાગી.

        કોઈ સુભગ પળે, નદીના ઉપરવાસમાં રખડતા કોઈ માનવને હાથે હજુ મેદાન સુધી ન પહોંચેલો શીલાનો એક ટુકડો આવી ગયો. તેની હેરતભરી આંખો આ ચળકતા, લિસ્સા પથ્થરને જોઈ રહી. તેણે એ ટુકડાને ઊઠાવ્યો અને વસ્તીમાં પોતાના મિત્રોને બતાવવા લઈ ગયો. અણીશુધ્ધ અંડાકાર અને ચમકતા નખશીષ કાળા આ પથ્થર માટે સૌને અહોભાવ ઉપજ્યો. કદી કોઈએ આટલો મોટો અને અણીશુધ્ધ ગોળાકાર અને ચળકતા રંગનો પથ્થર જોયો ન હતો.

       વસ્તીના મુખીયા જેવા વયોવૃધ્ધ વ્યક્તિએ કહ્યું, ‘અરે , આ તો ઊપરવાળાની મહેરબાની છે. આ તો સાક્ષાત પ્રભુ સ્વયંભુ પ્રગટ્યા. ચલો આપણે તેમનું  સન્માન અને અભિવાદન કરીએ.’

     એ ગોળમટોળ પથ્થર દેવ બનીને ગામના મંદિરમાં બિરાજ્યો. મંગળ ગીત ગવાણાં અને આબાલ વૃધ્ધ સૌ અહોભાવથી ઈશ્વરના આ અવતારને નમી રહ્યા.

      શીલાનો આ નવો અવતાર મનોમન વિચારી રહ્યો,

 કયું ગૌરવ સત્ય?
પર્વતની ટોચ પરનું,
રેતીમાંનું
કે
આ સિંહાસને બિરાજેલા
કહેવાતા દેવનું? ‘

      અને ઊપરવાળો શીલાની, આ ગોળ પથ્થરની, રેતીના કણોની અને માણસોની આ બાલિશતા પર મંદ મંદ  સ્મિત  કરી રહ્યો.

ચિત્રકાર દાદીમા

વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં   

૧૯૩૮ ના માર્ચ મહિનાની બપોર થવા આવી હતી. ન્યુયોર્ક રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ આલ્બનીથી ત્રીસેક માઈલ ઉત્તરમાં આવેલ હૂસિક ફોલ્સ નામના ગામડા પાસેથી લુઈ કેલ્ડર પસાર થઈ રહ્યો હતો. તેના પેટમાં બિલાડાં બોલતાં હતાં. તેણે એક નાનકડા, ગામડિયા સ્ટોર પાસે, થોડીક પેટપૂજા કરવા ગાડી થોભાવી. તેની પેટપૂજા તો પતી ગઈ; પણ સાથે અમેરિકાના ચિત્રકળાના ઈતિહાસમાં એક મહાન શોધ પણ તેણે કરી નાંખી!

તેણે એ ચિત્રકાર દાદીમાનાં દસ ચિત્રો – એક એક ડોલરના ભાવે વેચાવા માટે સ્ટોરની દિવાલ પર ટિંગાયેલાં જોયાં. કેલ્ડર આમ તો એક ઈજનેર હતો; પણ કલાકારીની ચીજવસ્તુઓ એકઠી કરવાનો શોખ પણ એને હતો. આ ચિત્રો એને અદ્‍ભૂત લાગ્યાં. એ દોરનાર બાઈને મળવા તે આતુર બની ગયો. સરનામું પુછીને એ તો એન્ના મેરી મોઝિસના ઘેર પહોંચી ગયો. પણ ૭૮ વર્ષનાં એ માજી ક્યાંક ગયેલાં હતાં; એમ એમના દીકરાની વહુએ જણાવ્યું. કેલ્ડર તો એ નાનકડા ગામની એકમાત્ર વીશીમાં રોકાઈ પડ્યો; અને બીજા દિવસની સવારે માજીને મળીને જ જંપ્યો. સાથે બીજાં વીસ ચિત્રો પણ એણે ખરીદી લીધાં.

અને એક સપ્પરમા દિવસે અમેરિકાની એક મહાન ચિત્રકાર હસ્તીની જાણ આખા જગતને થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ!

*********************

કોણ હતી આ મહાન ચિત્રકાર? કેમ અત્યાર સુધી એને કોઇ ઓળખતું નહોતું? શું હીરાને એનો સાચો ઝવેરી ના મળે તો એણે પોતાની ચમક ખોઇ નાંખવી?

ચાલો, એક નજર કરીએ આ ચિત્રકાળ બાળાના ઉછેર અને જીવનસંઘર્ષ પર.

*********************

    ૧૮૬૦ ના સપ્ટેમ્બરની ૭મી તારીખે એક ખેડુતના ઘેર જન્મેલ એ દીકરી. મૂળ આઈરીશ કૂળની વંશજ. અને એક વડવા તરફથી નેટિવ અમેરિકન લોહી પણ એની નસોમાં વહેતું હતું. એની મા માર્ગારેટ અને બાપ રસેલ રોબર્ટસનના દસ બાળકોમાં એન્ના ત્રીજા નમ્બરે હતી. વસાહતી અમેરિકન ખેડુતના ઘરમાં નાનાં મોટાં બધાં કામ કરવા એ છ વર્ષની ઉંમરથી જ પલોટાયેલી હતી. સાથે સાથે કાગળના ટુકડા અને સીવણ કામમાંથી વધેલાં ચીંથરાંમાંથી એ ઢીંગલીઓ પણ બનાવતી અને ઘેર જ બનાવેલા દ્રાક્ષ અને બ્લેક બેરીના રસથી એમને રંગતી. કદીક રસેલ ખેતીની ફસલ વેચીને પાછો આવે ત્યારે;બાળકો માટે ન્યુઝ પ્રિન્ટ માટે નકામા કાગળોનો થોકડો મફતમાં લઈ આવતો. બધાં બાળકો એ કરકસરથી વાપરતાં અને નાના નાના ટુકડાઓની બન્ને બાજુ, સહેજ પણ જગ્યા બાકી ન રહે તેમ, પેન્સિલ અને ચાક વડે ચિત્રો દોરતાં. ૮૦ વર્ષની ઉંમર પછી દેશ પરદેશમાં વિખ્યાત બનનાર ચિત્રકાર દાદીમાની આ બુનિયાદી તાલીમ હતી!

એન્ના બાર વર્ષની થઈ; ત્યારે કુટુમ્બ પરનું ભારણ ઓછું કરવા નજીકના એક ગામમાં ઘરકામમાં મદદ કરવા કામે લાગી. થોમસ વ્હાઈટ સાઈડ નામના ખેડુતની પત્ની અપંગ હતી; અને તેમને આવી મદદની જરૂર હતી. એમની પાસે ઠીક ઠીક મત્તા પણ હતી; અને બંન્ને જણ બહુ માયાળુ સ્વભાવનાં હતાં. એની માલિક બાઈએ ઘણું બધું ઘરકામ, ચિત્રકામ અને સીવણકામ એન્નાને શીખવ્યું. એન્નાનાં ચિત્રો એમના જિલ્લાના મેળામાં દર વર્ષે પ્રદર્શન માટે પણ મુકાતાં. એન્નાની કળાની આ શાળા હતી!

એન્નાએ પાંચ વર્ષ વ્હાઈટ સાઈડ કુટુબં સાથે ગાળ્યા; અને બન્નેનાં મરણ બાદ બીજાં દસ વરસ આવી જ છુટી છવાઈ નોકરીઓ કરી. પણ એ પહેલા પાંચ વર્ષમાં ભેગો કરેલો ઘરકામનો અનુભવ એને આખી જિંદગી કામ લાગ્યો. સ્વાદિષ્ટ રસોઈ બનાવવી, સરસ મજાનું સીલાઈકામ કરવું, ફળોના રસ અને મુરબ્બા બનાવવા, આંગળાં કરડી ખાઈ જાય એવાં કૂકી બનાવવા એ બધા કામોમાં એ પાવરધી બની ગઈ હતી. પણ વ્હાઈટ સાઈડના ઘરમાં સરસ ચિત્રો સાથેની એની પ્રીત કાયમ માટે એના અંતરમાં વણાઈ ગઈ.

અને છેવટે ૧૮૮૬ ની સાલમાં આમ જ કામ કરતાં એને એના મનનો મિત પણ મળી ગયો. ૧૮૮૭ ના નવેમ્બર મહિનામાં થોમસ મોઝિસ સાથે, એના ગામ હૂસિક ફોલ્સમાં તેનાં લગ્ન થયાં.

લગ્ન પછી તરત મોઝિસ દંપતી દક્ષિણના રાજ્યઓમાં નસીબ અપનાવવા ઉપડી ગયું. એમનો વિચાર તો જ્યોર્જિયા કે એવા કોઈ રાજ્યમાં જવાનો હતો; પણ એક રાત વર્જિનિયાના સ્ટોન્ટન ખાતે રોકાયા ત્યારે તેમને શનન્ડો ખીણનો એ પ્રદેશ ગમી ગયો. સો એકરનું એક ખેતર પણ એમને ઢોર, ઢાંખર અને રહેવાના મકાન સાથે ભાડે મળી ગયું. જીવનના આ નવા તબક્કામાં બન્ને જણ અથાક મજુરી કરવામાં લાગી ગયા. થોડાક સમય પછી થોમસની બહેન મેટ્ટી અને બનેવી પણ એમની સાથે આવી લાગ્યા

એન્નાને ખેડૂતો સાથે ઘરકામ કરવાની તાલીમ હવે બરાબર કામે લાગી. એણે બનાવેલું શુદ્ધ માખણ બહુ વેચાવા લાગ્યું. ચારે જણની મહેનતથી એમની સમૃદ્ધિ વધવા લાગી. ૧૮૯૬માં તો થોમસે પોતાની માલિકીનું, વીસ એકરનું ખેતર પણ ખરીદી લીધું. એન્નાએ પોટેટો ચીપ બનાવવાનો ધંધો પણ શરૂ કર્યો. પણ વતનની યાદ થોમસને બહુ સતાવ્યા કરતી. ૧૯૦૫ની સાલમાં એમણે વતન પાછા ફરવાનું નક્કી કર્યું; અને સારા ભાવે એ ખેતર વેચી, એન્નાના વતન હૂસિક ફોલ્સની નજીક ન્યુયોર્ક પાસે ઈગલ બ્રીજ ગામમાં એક ખેતર ખરીદી ત્યાં વસવાટ શરૂ કર્યો.

આ આખાયે સમય દરમિયાન એમને સંતાનો થવા લાગ્યા, ઉછરવા લાગ્યા અને પોતપોતાના વિકાસ માટે દૂર પણ જવા લાગ્યા. ૧૮૯૧માં એમની પહેલી દિકરી ઓના જન્મી અને ત્યાર બાદ એન્નાને બીજાં નવ  બાળકોને જન્મ આપ્યો. પણ એમાંથી પાંચ જ જીવતાં રહ્યાં.

આ બધી સાંસારિક જફાની સાથે સાથે એન્ના સમય ફાજલ કાઢીને પણ એની મનગમતી ચિત્રકામ અને ભરત ગુંથણની પ્રવૃત્તિ તો કરી જ લેતી! પણ એ બધું કેવળ પોતાના આનંદ માટે જ.  સ્થાનિક મેળાઓમાં એ પોતાની બનાવટો – મુરબ્બા, જેલી વિ. ની સાથે ભરત ગુંથણના નમૂના પણ વેચવા મૂકતી; પણ ગામડાં ગામમાં એ કોણ ખરીદે કે એમને કોઈ ઈનામ મળે?!

છોકરાંવને ભણાવવા ગણાવવા અને પરણાવવાની જવાબદારીઓ અદા કરતાં કરતાં, ૫૮વર્ષની ઉમ્મરે એન્નાને એના ઘરને વોલ પેપરથી સજાવવાનું મન થયું. કામ પતતાં, રસોડાની એક દિવાલ બાકી રહી ગઈ. નવો વોલ પેપર લાવવાને બદલે એક જાડો મોટો કાગળ તેણે લાકડાના બોર્ડની એ દિવાલ પર ચીપકાવી દીધો; અને તેની ઉપર ઘર રંગવાના રંગોથી એને ચિત્રકામ કરી દીધું. એન્નાની ત્યાર સુધીની જિંદગીનું આ મોટામાં મોટું ચિત્ર હતું! બે બાજુએ બે ઝાડ અને ઘાસની વચ્ચે તળાવ વાળું એ ચિત્ર આજે પણ મોઝિસ દાદીમાના ચિત્રસંગ્રહમાં સંઘરાયેલું છે.

હવે તો ઘરનું અને ખેતરનું કામ એમનો દીકરો કરતો હતો. પણ એન્ના થોડીક જ નવરી બેસે એવો જીવ હતી? રસોડામાં અવનવી વાનગીઓ બનાવવી, ને ભરત ગુંથણ કામ કર્યે રાખવું – એમાંથી એ નવરી જ ન પડતી. ૧૯૨૭ ની સાલમાં થોમસે આખરી વિદાય લીધી; અને એન્નાના જીવનમાં નીરાશા છવાઈ ગઈ. એની ઉમ્મર હવે ૬૬ વર્ષની થઈ હતી. એને સંધિવા( Arthritis)ની તકલિફ પણ શરૂ થઈ હતી. ભરત ગુંથણની સોયો પરોવતાં એની આંગળીઓ દુખવા લાગતી. એના એક સંબંધીએ એન્નાને એ છોડી ચિત્રો દોરવાનું શરૂ કરવા કહ્યું;અને ડોશીમા તો મચી પડ્યાં! એનો ચિત્રકામનો જૂનો શોખ સજીવન થયો. ખેતરના કામમાં ઉપણી માટે વપરાતા જાડા કાપડમાંથી એ કેન્વાસ બનાવતી અને જૂની ફ્રેમો ગુજરીમાંથી ખરીદી લાવી; સુતારીકામનાં સાધનોથી એમને રિપેર કરી ચિત્રો એ જાતે જ મઢતી! એનું કામ કરવાનું ટેબલ પણ તેણે જાતે  સજાવ્યું હતું!

અલબત્ત એનાં એણે આખી જિંદગી જ્યાં ગુજારી હતી તે ખેતરો, ગામડાં અને અતિશય રળિયામણી શનન્ડો ખીણમાથી એને પોતાના ચિત્રોના વિષયો મળી જતા. એનાં મોટા ભાગના ચિત્રોમાં અમેરિકાના ગામડાંઓની ધરતીનો એ ધબકાર ગુંજતો રહે છે. અન્નાએ બનાવેલાં એ બધાં ચિત્રોમાં કોઈ વ્યાપારી વૃત્તિ ન હતી. ખાલી પોતાને અને મિત્રો/ સગાં સંબંધીઓને ખુશ કરવા તે ચિત્રો દોર્યે રાખતી.

૧૯૩૯માં હૂસિક ફોલના સ્ટોર વાળી બાઈ કેરોલિન થોમસે એના સ્ટોરની શોભા વધારવા થોડાંક ચિત્રો માંગી લીધાં, અને એક ડોલરના ભાવે વેચવા પણ રાખ્યાં.

જો કેરોલિનને આ વિચાર ન સૂઝ્યો હોત તો, લૂઈ કેલ્ડરને આ ચિત્રો જોવા મળ્યાં ન હોત; અને આ ચિત્રકાર દાદીમા અમેરિકાને અને જગતને અંધારામાં રાખીને જ પોઢી ગયાં હોત!

,,,,,,,,

લુઇ કેલ્ડરે એન્નાની પ્રતિભા પારખી; એ એક વાત હતી; પણ એને અમેરિકાના કલાક્ષેત્રના રસિયા અને માધાતાઓ પાસે કબુલાવવી એ બીજી. એક વર્ષ સુધી તેણે અનેક આર્ટ ગેલરીઓને આ ચિત્રો પ્રદર્શિત કરવા વ્યર્થ ફાંફાં માર્યા. છેક એક વર્ષ પછી- ૧૯૩૯ના ઓક્ટોબર મહિનામાં ન્યુયોર્કના મેનહટનમાં આવેલ મોડર્ન આર્ટની એક આર્ટ ગેલરીએ એન્નાનાં ત્રણ ચિત્રો પ્રદર્શિત કર્યા. એક મહિના પછી; એ પ્રદર્શન બંધ થતાં એ ચિત્રો, વેચાયા વિના પરત પણ આવી ગયાં. છતાં હિમ્મત હાર્યા વિના લુઈએ ચિત્રો બીજી આર્ટ ગેલરીઓને મોકલવાનું ચાલુ રાખ્યું.

અને છેવટે ઓસ્ટ્રિયાથી હિજરત કરીને આવેલ ઓટો કેલિર નામના કળાકારીની ચીજોના વેપારીને ‘મેપલ સ્યુગર લાવતાં ( Bringing in Maple sugar) ચિત્ર બહુ જ ગમી ગયું. આ ચિત્રે એન્નાને માટે પ્રસિદ્ધિનું બારણું ફટ્ટાક દઈને ખોલી દીધું. એણે માત્ર એન્નાનાં જ ચિત્રોનો ‘વન મેન શો’ રાખવાનું નક્કી કર્યું.

Bringing in the Maple Sugar by Grandma Moses (1939)

અને બીજા એક વર્ષ પછી ૧૯૪૦ ના ઓક્ટોબર મહિનામાં એની આર્ટ ગેલરીમાં એન્નાનો શો યોજાયો. આમ તો માત્ર ત્રણ ચિત્રો જ વેચાયાં હતાં; પણ ૮૦ વર્ષની આ ડોસીમાનાં ચિત્રોએ સારો એવો રસ કલારસિકોમાં પેદા કર્યો. આ જ સમય દરમિયાન મેનહટનમાં ગિમબ્લ બ્રધર્સ નામના પ્રસિદ્ધ વિક્રેતાઓ પોતાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલવાના હતા. એમને આ ડોસીમાના રંગબેરંગી ચિત્રો સારી શોભા ઊભી કરશે; એમ લાગતાં એમણે એ સ્ટોરના ઉદઘાટન વખતે આ ચિત્રો પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું ; અને એન્નાને પોતાના ખર્ચે ન્યુયોર્ક પધારવા આમંત્રણ આપ્યું. ‘ ધોળા વાળ વાળી છોકરીનાં ચિત્રો’ ની સારી એવી જાહેરાત પણ તેમણે કરી!

અને એ શોમાં એન્ના એની ગામઠી નિખાલસતાથી દર્શકોની માનિતી બની ગઈ. તેને ન્યુયોર્ક રાજ્યનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો. આ તેનો સૌથી પહેલો એવોર્ડ હતો. અને ત્યાર પછી એન્નાની પ્રસિદ્ધિ વધતી જ ચાલી.

Credit LineCollection of the Fenimore Art Museum. Gift of Mrs Stephen C. Clark
Image Copyright Holders: Grandma Moses Properties, Co. & Galerie St. Etien Photograph by Richard Walker.

એન્નાને ઢગલાબંધ પત્રો મળવા લાગ્યા, અને એના ગામમાં એની મુલાકાત લેવા પત્રકારો અને કલારસિકો ઉમટવા લાગ્યા. એનાં બહુ પ્રસિદ્ધિ પામેલાં ચિત્રોની નકલોના ઓર્ડર પણ આવવા માંડ્યા. ત્રણ ચાર વર્ષ આમ નીકળી ગયાં. એ ગાળા દરમિયાન વિશ્વના તખ્તા પર હાહાકાર જન્માવેલ બીજા વિશ્વ યુદ્ધનો અંત આવ્યો. ત્રાસ અને વેદનામાંથી હાશકારો કરેલા લોકોને એન્નાના ચિત્રોમાંની ગામઠી સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યથી રાહત આપતી લાગવા માંડી. હવે તો આખા અમેરિકામાં એન્નાનાં ચિત્રોની માંગ થવા લાગી. લોકોને એન્નાના જીવન વિશે જાણવાનો પણ રસ જાગવા લાગ્યો. એની જીવન કથાનું પહેલું પુસ્તક ૧૯૪૬માં બહાર પડ્યું ; અને અમેરિકા અને યુરોપમાં એ બહુ જ વખણાયું. તરત જ એની બીજી આવૃત્તિ બહાર પાડવી પડી. રેડિયો ઉપર પણ એન્નાનો ઈન્ટરવ્યુ લેવાયો અને આખા અમેરિકા અને યુરોપમાં લોકોએ તે રસથી સાંભળ્યો.

જ્યારે એના વેચાતાં ચિત્રોની મોટી કિમ્મત આવવા લાગી; ત્યારે રોયલ્ટીની મોટી રકમનો ચેક ઓટો કેલિરે એન્નાને મોકલ્યો. અને એ ભલી બાઈએ એ ચેક પાછો વાળ્યો કે, એ ચિત્રો તો તેણે લુઈ કેલ્ડરની વેચી જ દીધેલાં હતાં; અને ફરીથી એની કિમ્મત તે શી રીતે લઈ શકે? ઓટોએ એને એ ચેક લેવા બહુ સમજાવવી પડી!

જો કે, ત્યાર બાદ એન્નાને કળાના બજારનું ભાન થયું. તેણે વકીલ અને નાણાંકીય સલાહકાર રાખ્યા; અને એની આવક ધુમ ધડાકા સાથે વધવા લાગી.

૧૯૪૯માં એન્નાની સાથે રહેતા હગનું અવસાન થયું. એનો શોક એન્નાએ માંડ જીરવ્યો; ત્યાં ત્રણ મહિના પછી; ૧૯૪૮ના વર્ષની છ ખ્યાતનામ સ્ત્રીઓને એવોર્ડમાં એનો સમાવેશ કરવામાં આવ્યો; અને મહાન માનવતાવાદી અને સદગત અમેરિકી પ્રમુખની પત્ની એલિનોર રૂઝવેલ્ટના હસ્તે એન્નાને આ એવોર્ડ આપવામાં આવ્યો. વોશિંગ્ટન ડી.સી.માં યોજાયેલ એ સમારંભ બાદ તે વખતના અમેરિકી પ્રમુખે એન્નાને વ્હાઈટ હાઉસમાં બોલાવી એનું સન્માન કર્યું. પણ એન્ના જેનું નામ; એ તો સહેજ પણ ગલવાયા વિના; એમની સાથે પણ એવી વાતોએ વળગી; કે પ્રમુખ આ ગામઠી બાઈના મિલનસાર સ્વભાવના આશક બની ગયા!

૧૯૫૦માં એન્નાનાં ચિત્રોનો શો યુરોપનાં છ શહેરોમાં યોજાયો અને એન્નાની પ્રસિદ્ધિ એટલાન્ટિક મહાસાગરને પણ આંબી ગઈ. ૧૯૫૨માં એન્નાએ લખેલી પોતાની આત્મકથા પ્રસિદ્ધ થઈ; અને એની સાદી સીધી અને હૈયાં સોંસરવી ઉતરી જાય એવી જીવનકથનીથી લોકો એની ઉપર ઓવારી જ ગયા. એ ચોપડીની અનેક આવૃત્તિઓ થઈ ચુકી છે; અને અનેક ભાષાઓમાં તેનું ભાષાંતર થયું છે. ૧૯૫૨માં એ આત્મકથાના આધાર પર એક ટીવી  નાટક પણ બન્યું અને બહુ વખણાયું હતું.

આટલી બધી પ્રસિદ્ધિ છતાં ૯૦ વર્ષની ઉમ્મરે એન્નાએ ચીનાઈ માટીનાં વાસણો પર ચિત્રકામ કરવાનો નવો શોખ શરૂ કર્યો!

૧૯૫૫ માં અમેરિકનોની બહુ માનિતી બની ગયેલી આ ડોસીમા શી રીતે જીવે છે; અને એ કેવી રીતે કામ કરે છે; એ જણાવવા એના ઘરમાં જ એનો ઈન્ટરવ્યુ લેતો ટીવી શો યોજાયો.

૧૯૬૦માં આ ડોસીમાની ૧૦૦મી જન્મજયંતિ આખા અમેરિકાએ ઉજવી અને તે વખતના અમેરિકી પ્રમુખ આઈઝનહોવરે પણ એમને ખાસ મુબારકબાદી આપી. એન્નાના ગામમાં તો એ મોટો ઉત્સવ બની રહ્યો.

૧૯૬૧ના જુનમાં એન્નાએ એનું છેલ્લું ચિત્ર પુરું કર્યું’ પણ તેની તબિયત કથળતી જતી હતી. એક વાર તે પડી ગઈ; પણ ઊભી ન થઈ શકી. છેવટે ૧૩મી ડિસેમ્બરે તેણે આખરી શ્વાસ લીધા;અને તેના વ્હાલા પતિ થોમસની કબરની બાજુમાં તેને દફનાવવામાં આવી; ત્યારે અમેરિકા અને યુરોપમાં તેના અસંખ્ય ચાહકોએ આંસું સાર્યાં હતાં.

સાવ સામાન્ય ખેડુતના ઘેર જન્મેલી અને શરૂઆતની જિંદગીમાં ખેડુતોના ઘેર નોકરડી તરીકે કામ કરતી આ ગામઠી સ્ત્રી એના અવસાન વખતે લાખો લોકોને રડાવી ગઈ.  એનાં ચિત્રોમાં પ્રગટ થતી ખુશાલી, સુંદરતા અને તાજગી હજુ પણ લોકોના મનમાં આનંદની લહેરીઓ ફેલાવી દે છે.

સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/Grandma_Moses

ઝંવરથી નાનજિંગ

વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં   

આશા ગોન્ડ –  મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના નાનકડા ઝંવર ગામની આદિવાસી કન્યા; માંડ બે ટંકનું પેટિયુ રળતા, ગરીબીની રેખાની નીચે આયખું ગુજારતા કુટુમ્બની કન્યા. પણ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? છેક ચીનના નાનજિંગમાં – વાયા દિલ્હી અને ઇન્ગ્લેન્ડના ઓક્સફર્ડ શાયરનું વોન્ટેજ ગામ!

લો. એની વાત માંડીને –

ઝંવર ગામના ધર્મજ અને કમલા ગોન્ડની એ પુત્ર.  માંડ ૧૨૦૦ માણસની વસ્તીવાળું એ ગામ. આવા પછાત વિસ્તારમાં એનું જીવન ચીલાચાલુ રીતે વીતી રહ્યું હતું. પણ ૨૦૧૫ની સાલમાં ઉલરિક રાઈનહાર્ડના દિમાગમાં એના ગામમાં સ્કેટ પાર્ક બનાવવાનો ધખારાએ જન્મ લીધો, અને આશા અને એના જેવાં ઘણાં બાળકોની જિંદગીમાં એક નવી શક્યતાની ઉષા પ્રગટી.

ઉલરિક ૧૯૬૦માં જર્મનીના હીડલબર્ગમાં જન્મી હતી. ટેલીવિઝન અને મિડિયાના વ્યવસાયમાં પાંગરેલી એની કારકિર્દીમાંથી કોઈક અનોખી પળે એને વિશ્વસમાજના છેવાડાના માનવીઓમાં રસ પેદા થયો. એના પ્રતાપે ૨૦૧૨ ની સાલમાં તે ભારત આવી.  ઉલરિકને શરૂઆતમાં તો ભારતના કોઈક પછાત વિસ્તારમાં એક નવી રસમની બુનિયાદી શાળા સ્થાપવી હતી. પણ ભારતના શિક્ષણ ક્ષેત્રની આગવી પરંપરાઓ અને મર્યાદાઓએ એના મગજમાં કાંઈક અવનવું કરવા વિચાર આવ્યો. આ જ ગાળામાં સ્કેટિંગ દ્વારા બાળકો અને યુવાનોમાં જાગૃતિ આણવાનો પ્રયાસ કરતી ‘સ્કેલિસ્ટન’ નામની સંસ્થાનો તેને પરિચય થયો. આમ તો ભારતના શહેરોમાં પણ આ રમત ખાસ પાંગરેલી નથી. પણ સાવ નાના અને છેવાડાના કોઈક ગામમાં  આવી સવલત ઊભી કરવાનો નવતર પ્રયોગ કરવાનું ઉલરિકને સૂઝ્યું.

આ ધખારાના પરિણામે ઉલરિકે  ઝંવર ગામમાં અદ્યતન સ્કેટ પાર્ક બનાવવાનું નક્કી કર્યું. સ્કેલિસ્ટન અને થોડાક સ્થાનિક નેતાઓના સહકારથી તેનો આ વિચાર અમલમાં મૂકી શકાયો. વિશ્વભરમાંથી આવેલી બાર ઉત્સાહી વ્યક્તિઓ અને સ્થાનિક પ્રજાના પરિશ્રમ અને સહકારથી એ સ્કેટ પાર્ક  સ્થપાયો. બાળકોના અભ્યાસને વાંધો ન આવે તેમ અને કોઈ પણ જાતના જાતિભેદ વિના, આની તાલીમ આપવાનું શરૂ થયું. ખાસ કરીને છોકરીઓ આમાં જોડાય તેનો આગ્રહ રાખવામાં આવ્યો હતો.  બીજી નોંધવા જેવી વાત તો એ છે કે, ઉલરિકને પોતાને તો આ રમતની ખાસ આવડત ન હતી પણ આ તાલીમ માટે તેણે યુ -ટ્યુબના વિડિયોનો ભરપેટ ઉપયોગ કર્યો છે!

ઝંવરગામનાં આદિવાસી બાળકો કદી એમનાથી ઉચ્ચ વર્ણનાં બાળકો સાથે ભળી શકતાં ન હતાં.  વર્ણાશ્રમ વ્યવસ્થા પર આધારિત મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં ગોન્ડ આદિવાસી પ્રજા સમાજના સાવ તળિયે છે. એમનાથી સહેજ ઊંચેની યાદવ જાતિ પણ એમને હલકા ગણે છે. શરૂઆતમાં તો ઉલરિકને ગામના ઉચ્ચ વર્ણના લોકોના ઉપહાસ અને અસહકારનો ઘણો   સામનો કરવો પડ્યો. પણ છેવટે એ પાર્ક ધમધમતો બની ગયો અને નાતજાતના  વાડાઓ તહસ નહસ થઈ ગયા.

આશાની જ વાત કરીએ તો તેની માતાને ધમકીઓ મળતી અને ‘આ પરદેશી લોકો તેની દીકરીને ઊઠાવી જશે.’-  તેવી ચેતવણીઓ પણ મળ્યા કરતી. પણ દિકરીમાં પ્રગટેલો ઉત્સાહ જોઈ તેણે આશાની પ્રગતિમાં સહકાર આપવા માંડ્યો. પડી જઈને માથું ભાંગવાની દહેશત ધીમે ધીમે ઓસરતી ગઈ અને આશા અવનવી તરકીબો શીખવા લાગી. બધા બાળકોમાં તેની આવડત સૌથી વધારે વિકસવા લાગી. આના પ્રતાપે તે સ્કેટબોર્ડિંગની સ્પર્ધાઓમાં ભાગ લેવા લાગી.

દેશના સીમાડાઓ ઓળંગી શકે તેટલો આત્મવિશ્વાસ તેનાં પ્રગટે, તે માટે  આશાને તાલીમ આપવા ઉલરિકે તેને ઇન્ગ્લેન્ડના ઓક્સફર્ડ શાયરના વોન્ટેજ ગામના બટલર સેન્ટરમાં (વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિ.થી  ૨૪ કિ. મિ. દૂર)  ટૂં કા ગાળા માટે જવાની વ્યવસ્થા પણ કરી આપી.

૨૦૧૮ ની સાલમાં તો આશા ચીનના નાનજિંગમાં વિશ્વસ્પ્રર્ધામાં ભાગ લેવા પહોંચી ગઈ!

બીજા ઉત્સાહીઓના સહકારથી હવે તો આશાએ ‘Barefoot Skateboarders’ નામની સંસ્થા સ્થાપી છે, અને ઝંવર ગામના બાળકોમાં જાગૃતિ આણી છે.

અને…… આશા ન્યુ યોર્કના ટાઈમ સ્ક્વેરમાં !

આવા જ કથા વસ્તુ વાળી આ હિન્દી ફિલ્મ ‘સ્કેટર ગર્લ‘  જોઈ ત્યારે આશાની વાત જાણવા મળી હતી. આશા ગોન્ડની વાત સૌ શહેરીજનોએ સમજવા જેવી છે.  ભારત દેશની  મહત્તમ વસ્તીના જીવનનો એમાં વાસ્તવિક ચિતાર છે. પણ સાથે સાથે એમાં ધરબાઈને રહેલી અદભૂત શક્યતાઓ અને ઊજળા ભાવિ માટેની અભિપ્સાઓ પણ એટલી જ પ્રસ્તુત છે.

——–

આ લખનારે જ્યારે આ વાત જાણી ત્યારે યુગાન્ડાના કમ્પાલા શહેરની કોટવે નામની  ઝૂંપડપટ્ટીમાંથી આમ જ ચેસની રમતના સહારે ન્યુયોર્કના મેનહટન માં પહોંચી ગયેલી ફિયોના મુતેસી યાદ આવી ગઈ. વેબ ગુર્જરી પર એ સત્યકથા  ધારાવાહિક  રૂપે પ્રકાશિત થઈ હતી. અકસ્માતે એ હવે અહીં નથી . પણ એની અદભૂત અને પ્રેરક જીવન કહાણી આ ઈ-બુકમાં જરૂર વાંચજો –

સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/Asha_Gond

https://en.wikipedia.org/wiki/Skater_Girl

http://thevibe.asia/high-rollers-little-hearts-meet-the-indian-teens-who-are-all-set-to-star-at-the-world-skatepark-world-championship-in-china/

https://www.npr.org/sections/goatsandsoda/2021/06/11/1005499252/skateboarding-gives-freedom-to-rural-indian-teen-in-netflix-film-and-in-real-lif

નદીની રેતમાં રમતું નગર – ગઝલાવલોકન

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

–  આદિલ મન્સુરી

બહુ ઓછા ગુજરાતી હશે, જેમણે આ ગઝલ વાંચી કે સાંભળી નહીં હોય. અમેરિકામાં વસાહતી બનતા પહેલાં, અમદાવાદ છોડતી વખતે આદિલ ભાઈએ લખેલ આ ગઝલ માત્ર અમદાવાદી જ નહીં પણ વતન ઝૂરાપો વેઠેલ પ્રત્યેક ભારતીયના દિલની વાત છે. સાત કે તેથી વધારે પેઢીથી અમદાવાદી, એવો  આ લખનાર વીસ વરસથી આ અમેરિકન ધરતી પર ગુડાણો છે! એના ઘણા મિત્રો કે સંબંધીઓ તો છેક ૧૯૫૦ ની સાલથી અહીં કે ઇન્ગ્લેન્ડ કે બીજા દેશોમાં સ્થાયી થયા છે. એ સૌના દિલની ધડકન આ ગઝલમાં પડઘાય છે.

પણ ‘દિલસે હિંદુસ્તાની’ હોવું, એ માત્ર ગુજરાતી જ નહીં – સૌ ભારતીયના જિન્સમાં હોય છે. એથી પણ આગળ વધીએ તો, વતનની આ લગન એ માત્ર ભારતીય લાગણી જ નથી – એ એક વૈશ્વિક માનવ સ્વભાવ છે. આ અમર રચના યાદ આવી ગઈ –

Breathes there the man, with soul so dead,
Who never to himself hath said,
This is my own, my native land!
Whose heart hath ne’er within him burn’d,
As home his footsteps he hath turn’d,
From wandering on a foreign strand!

– Sir Walter Scott

       વતનમાં જ આખું જીવન વીત્યું હોય તેવી પ્રવાસ પ્રેમી ગુજરાતી વ્યક્તિને પણ માંડ એક બે અઠવાડિયા વીત્યાં હોય કે, તરત વતનની યાદ આવી જતી હોય છે. અરે! ગુજરાતમાં જ બીજા ગામે ગયા હોઈએ તો પણ બહુ જલદી ઘર યાદ આવી જાય છે! કદાચ આ વિષય પર ગુજરાતી સાહિત્યમાં ખાંખાં ખોળાં કરીએ તો આદિલ ભાઈની આ આરઝૂના ઘણા બધા પડધા સંભળાઈ આવે. વતન ઝૂરાપાની વેદના તો, જેણે વેઠી હોય તે જ જાણે.

એ દિલની લાગણીને સલામ સાથે – અહીં વાત એની નથી કરવાની! એ તો હોય જ.

આપણે દિલ બહેલાવવા આમ ગાઈએ, વાંચીએ, લખીએ, સાંભળીએ એ યોગ્ય જ છે-  જરૂર એમ કરીએ. પણ જીવનની બીજી અને એનાથી વધારે પ્રબળ વૃત્તિ survival  હોય છે. લેક્સિકોનમાં એને માટે ગુજરાતી પર્યાય શોધવા કોશિશ કરી, પણ મજા ન આવી! માનવ જાતને કદી વતનમાં રહેવાનું ગમ્યું નથી, અથવા એના નસીબમાં એ નથી હોતું. એમ મનાય છે કે, ટાન્ઝાનિયાના સરન્ગેટી પાર્ક વાળી જગ્યાએ આદિ માનવ રહેતો હતો, પણ એ વતન છોડીને એ આખા વિશ્વમાં પથરાઈ ગયો. એ વાતની એક વાત અહીં લખી હતી.

કદાચ એ માન્યતા સાચી ન પણ હોય. કદાચ ઘણી બધી જગ્યાઓએ આદિ માનવની અલગ અલગ જાતિઓ રહેતી હતી – એમ પણ હોઈ શકે. પણ એ વિવાદની વાત પણ અહીં નથી કરવી!

અમદાવાદી મરાઠી કે તામિલ/ બંગાળી ગુજરાતી એકલ દોકલ નથી હોતા! એમ જ ફાધર વાલેસ જેવા સ્પેનિશ ગુજરાતી પણ હોય જ છે.  એના માટે survival ઉપરાંત પણ બીજી એક માનવ સહજ વૃત્તિ હોય છે – Human enetprise. એને માટે આપણે ‘માનવસાહસ’ શબ્દ વાપરી શકીએ. માનવેતર પશુ કે વનસ્પતિ પણ સ્થળાંતર કરતાં હોય છે. પણ એ માટેનું પરિબળ survival હોય છે. જીવનની એ અનિવાર્ય ઘટનાને અતિક્રમીને માનવે માત્ર રહેઠાણના સ્થળમાં જ અવનવી સફર આદરવા ઉપરાંત ઘણી પીઠિકાઓમાં અદકેરી સફર આદરી છે. માનવ ઈતિહાસ એની સાક્ષી પૂરે છે.  એટલું જ નહીં – જ્ઞાન/  વિજ્ઞાનના સીમાડા ઓળંગી તેણે દસે દિશાની ક્ષિતિજો આંબી છે. બ્રહ્માંડનું મૂળ શોધવા એણે નજર લંબાવી છે. અને એવું તો ઘણું બધું. એને માટે બે જ શબદ –

अलं अनेन ।

     અદકપાંસળી માણસ માટે બીજો શબ્દ, માનવ અને એ શબદનું મૂળ – મન. એનું માંકડા જેવું મન આ સાહસવૃત્તિ  માટે જવાબદાર પરિબળ હોય છે. પણ  મનની વાત કરવા બેસીએ  તો તો –  આ વતન ઝૂરાપા કરતાં મસ  મોટું શાસ્તર ખૂલી જાય!

ચાલો, એ શાસ્તર ઉખેળવા કરતાં વતન ઝૂરાપાના આદિલ ભાઈના  ગીતને ગણગણાવીને વીરમીએ.

માતૃભક્ત મન્જિરો

 વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં   

ત્રીજા દિવસે માછલીઓનું એક મોટું ટોળું હાથવગું થયું હતું. ઘણી બધી માછલીઓ પકડી શકાશે; અને દુઃખના દાડા ફરી નહીં જોવા પડે; એવી આશા બંધાઈ હતી. પણ કરમ બે ડગલાં આગળ હતું.  એકાએક દરિયાઈ વાવાઝોડું ધસી આવ્યું. અને મન્જિરોની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. વાવાઝોડાની સાથે એ લોકો સાત સાત દહાડા સુધી દિશાના કોઈ ભાન વિના ખેંચાતા રહ્યા. સાતમે દિવસે એક અજાણ્યા ટાપુની નજીક તો આવ્યા પણ એમની હોડી ખડકની સામે ખાબકી અને એને તોડી ફોડીને, એ દુશ્મન વાવાઝોડાએ  એમના ગામથી એમને એ સાવ નિર્જન ટાપુ પર ફંગોળી દીધા. ઉપર આકાશ અને નીચે ધરતી.

૧૮૨૭ની સાલમાં જાપાનના દરિયાકિનારે આવેલા સાવ નાનકડા ગામ ‘નાકાહામા’માં જન્મેલો મન્જિરો સાવ ગરીબ વિધવા માનો, સૌથી મોટો દિકરો હતો. બાપનું મરણ થતાં, એના માથે ઘર ચલાવવાની જવાબદારી માત્ર નવ વર્ષની ઉમરે આવી પડી હતી. પાંચ પાંચ વર્ષ કાળી મજુરી કરી માંડ ખાવા ભેગાં એ લોકો થતા. એની દશા પર દયા આવતાં, ડેન્ઝો નામના માછીમારે ભાડે લીધેલી હોડીમાં સહિયારી ભાગીદારીમાં માછલીઓ પકડી સ્વતંત્ર ધંધામાં બીજા ત્રણ એના જેવા જ વખાના માર્યા કિશોરો સાથે એને લીધો હતો.એની સાથે એણે પોતાના બે ભાઈઓ ગોમોન અને જુસુકેને અને એક દોસ્ત તોરેમોનને પણ લીધા હતા. કુલ પાંચ જણનો કાફલો. બધા સ્વતંત્ર ધંધાની કમાણીમાંથી ગરીબાઈની રેખાની ઉપર આવી જવાની આશામાં નાચતા અને કૂદતા હતા.

 અને પહેલી જ સફરમાં આ દુર્ભાગ્ય…

અને એ સાવ નિર્જન ટાપુ પર એમણે પાંચ મહિના માંડ માંડ કાઢ્યા. ચાર મહિના તો ત્યાં આવીને રહેલા યાયાવર આલ્બ્બેટ્રોસ પક્ષીઓનો શિકાર કરીને એમની ભુખ ભાંગતી; પણ પીવાના પાણીનાં ત્યાં સાંસાં હતાં. થીજેલા બરફમાંથી ટપકી ટપકીને માંડ પાણી ભેગું કરી શકાતું. મંજિરો સિવાયના બધા માંદા પડી ગયા હતા. કદાચ એમનો ઉગાર કરવા કોઈ વહાણ આવી જાય; તો પણ પાછા જાપાન પહોંચવાના વિચારે પણ એ સૌ કંપી જતા. સાવ સાદા કારણે કે, ૧૬૦૩ની સાલથી ૧૮૫૫ સુધી જાપાને બહારની દુનિયા સાથેનો સમ્પર્ક સમ્પૂર્ણ રીતે કાપી નાંખ્યો હતો. માત્ર ડચ જહાજોને જ નાગાસાકી નજીકના એક ટાપુ પર લાંગરવા દેવામાં આવતા; અને ડચ ખલાસીઓ ત્યાં લગભગ કેદીઓની જેમ જીવન ગુજારી શકતા. બીજા કોઈ પણ દેશનું વહાણ, તોપમારના ભયથી જાપાનના કિનારાની નજીક જવાની હિમ્મત કરી ન શકતું. જાપાનની કોઈ પણ વ્યક્તિ જાપાનની બહાર જઈને પાછી આવે; તો તેની સામે દેશ છોડવાના ગુના માટે કાયદેસર ખટલો માંડવામાં આવતો; અને મોટે ભાગે તો ફાંસીની સજા થતી.

આમ દુર્ભાગી જાપાનીઓ માટે જીવનમાં કોઈ જ આશા ન હતી.

અને ૧૮૪૧ ના જુન મહિનામાં એમનું ભાગ્ય જરીક ખુલ્યું. વ્હેલનો શિકાર કરતા, ‘જ્હોન હાઉલેન્ડ નામના અમેરિકન વહાણે એ ટાપુની નજીક લંગર નાંખ્યું અને બે હોડીઓમાં એના બાર ખલાસીઓ ટાપુ પરથી કાચબા પકડવા ઉતર્યા. આ કમનસીબોની કરમકહાણી હાથ અને મોંના હાવભાવ વડે એમણે જાણી અને વહાણ પર એમને આશરો આપ્યો. મંજીરો અને એના સાથીઓએ આવા ફિક્કા રંગના માણસો કદી જોયા ન હતા. પરદેશીઓને તો જાપાનમાં ભયાનક દેખાવ વાળા રાક્ષસો જ માનવામાં આવતા હતા. પણ આ વહાણના દયાળુ સ્વભાવવાળા કેપ્ટન વિલિયમ વ્હિટફિલ્ડની કૃપાથી વહાણ પર એમને આશરો મળ્યો અને એ સૌ પણ વ્હેલના શિકારના કામમાં જોતરાઈ ગયા.

મંજીરોના સાથીઓ તો હજી હતાશામાં જ ગરકાવ હતા; પણ માંડ ૧૪ વર્ષની ઉમરનો મંજિરો તરવરાટવાળો હતો. એને એ સમજાઈ ગયું કે, જાપાનના માછીમારો કરતાં આ અમેરિકનો ઘણા વધારે કાબેલ હતા. મધદરિયે વ્હેલનો પીછો કરીને એનો શિકાર કરી શકતા; અને ઘણા મોટા વહાણને હંકારી શકતા હતા. એના મિલનસાર સ્વભાવ અને નવું તરત શીખી લેવાની ધગશ અને આવડતના કારણે એ તો કેપ્ટનનો માનીતો બની ગયો; અને ફટાફટ શિકારની અને વહાણ ચલાવવાની કળા શીખવા લાગ્યો.

૧૮૪૧ના નવેમ્બર મહિનામાં ઓગણીસ વ્હેલોનો શિકાર કર્યા પછી હવાઈ ટાપુઓના સૌથી મોટા બંદર હોનોલુલુમાં વહાણ પહોંચી ગયું. મંજિરો સિવાયના ચારેય જણા તો ત્યાં રહી જ પડ્યા. એમને નોકરી અને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. પણ મંજિરોને કેપ્ટને પોતાની સાથે અમેરિકા આવવા કહ્યું. ચબરાક મંજિરોએ આ તક ઝડપી લીધી; અને એની જિંદગીનું એક નવું પ્રકરણ શરૂ થયું.

જાન્યુઆરી-૧૮૪૨માં વહાણે હોનોલુલુ છોડીને વહેલના શિકારની બીજી યાત્રા શરૂ કરી; ત્યારે મન્જિરો એની કામદારોમાંનો એક બની ગયો હતો. અને હવે તે વખાનો માર્યો નિરાશ્રિત ન હતો. હેલ્પર તરીકે એને ચોખ્ખા નફાનો ૧૪૦મો ભાગ પણ મળવાનો હતો. હવે તે અમેરિકન વહાણ પર કમાતો ધમાતો બન્યો હતો. પણ… એના અંતરમાં તો કાળી લ્હાય સતત બળ્યા કરતી. એની ગરીબડી માતા એની મદદ વિના બીજાં ભાંડવોને શી રીતે ખવડાવતી હશે; એની ચિંતા એના હૈયાને કોરી ખાતી.

      સોળ સોળ મહિના લગણ એ લોકો વ્હેલ માછલીઓને ગોતતા, પેસિફિક મહાસાગરના પટને ફંફોળતા રહ્યા. તાહિટી, ગુનામ અને કેપ હોર્ન( દક્ષિણ અમેરિકાનો દક્ષિણ છેડો) થઈને ‘જ્હોન હાઉલેન્ડ’ વહાણ ૧૮૪૩ના મેની સાતમી તારીખે મેસેચ્યુસેટ્સના ન્યુ બેડફર્ડ બન્દરે, સાડા ત્રણ વર્ષની લાંબી સફરના અંતે  પાછું ફર્યું. મન્જિરોને માદરે વતન છોડ્યાને અઢી વર્ષ પુરા થયા હતા.

અને…

   પહેલા જાપાનીઝે અમેરિકન ધરતી પર પગ મૂક્યો. આ નવી દુનિયાની અજીબો ગરીબ જીવન શૈલી જોઈને મન્જિરો તો હેરત પામી ગયો. થોડાક દિવસ પછી કેપ્ટન વ્હીટ્ફિલ્ડ મન્જિરોને પોતાની સાથે, ધંધાદારી કામ માટે ન્યુયોર્ક પણ લઈ ગયો. એને વ્હેલના તેલ અને હાડકાંનો સારો ફાયદો મળે એવો ઘરાક ગોતવાનો હતો. અને પોતાના જૂના મિત્ર એબન અકીનને મન્જિરોને રાખવાની અને ભણાવવાની જવાબદારી સોંપી. સોળ વર્ષની ઉમરનો મન્જિરો એના જીવનની પહેલી શાળમાં એકડો ઘૂંટવા લાગ્યો!

    બે મહિના પછી, કેપ્ટન વ્હિટ્ફિલ્ડે કમાણી તો રોકડી કરી જ લીધી; પણ આલ્બરટાઈન કીથ સાથે લગ્ન પણ કરી લીધાં. એની નવોઢાને પણ મન્જિરો બહુ ગમી ગયો; અને ત્રણે જણાં ન્યુ બેડફર્ડના સામા કિનારે ફેરહેવન પાછા વળ્યા. કેપ્ટને નવું ઘર ખરીદી લીધું; અને મન્જિરો એમના પાલક પુત્રની જેમ એમની સાથે રહેવા લાગ્યો. ત્યાંની બાર્ટલેટ એકેડેમીમાં વહાણવટા અને સર્વે ઈંગની તાલીમ પણ મન્જિરો લેવા લાગ્યો.

   કેપ્ટન સાથે અઢી વર્ષ આમ ગાળ્યા બાદ; મન્જિરોને થયું કે, તેણે હવે જાતે કમાવું જોઈએ. આથી કેપ્ટનની પરવાનગી લઈને તે કેપ્ટન ઈરા ડેવિસના ‘ફ્રેન્કલિન’ નામના જહાજ પર રસોઈયાના મદદનીશ તરીકે જોડાઈ ગયો. ૧૮૪૬ના મેની ૧૫મી તારીખે ૨૪ સાથીઓ સાથે ફ્રેનક્લિન જહાજે સફર આદરી. એક વરસ પછી, વ્હેલની શોધમાં એટલાન્ટિક મહાસાગર ખુંદતાં ખુંદતાં; આફ્રિકાની દક્ષિણ ટોચ ‘કેપ ઓફ ગુડ હોપ’ થઈને જાપાનના દરિયાની નજીકથી પસાર થયું. જાપાનના માછીમારોની હોડીની નજીકથી એ લોકો પસાર થયા.

    આખી દુનિયાનો ચકરાવો ફરી ચૂકેલા મન્જિરોને આશા બંધાઈ કે, કેપ્ટન તેને જાપાનના કિનારે ઉતારી દેશે; અને પોતાની વ્હાલસોયી માતાની સાથે એનું પુનર્મિલન થશે. પણ એ આશા ઠગારી નીવડી. જાપાનની વિદેશીઓ માટેની નફરતની ડેવિસને પુરી ખબર હતી.  ખાલી ખાધસામગ્રીની આપલે કરીને જહાજ હોનોલુલુના અમેરિકન કિનારા તરફ ધસી ગયું.

અને ૧૮૪૮ના સપ્ટેમ્બર મહિનામાં મન્જિરો હોનોલુલુ પરના એના જાપાની સાથીઓને ફરી મળી શક્યો. એમાંનો એક જુસુકે તો ગુજરી પણ ગયો હતો.

એક મહિનો ત્યાં ગાળ્યા બાદ, જહાજ તો વધુ વ્હેલના શિકાર માટે આગળ ધપ્યું. પણ કશીક માંદગીના કારણે કેપ્ટન ડેવિસની હાલત ખરાબ થઈ ગઈ; અને તે લગભગ ગાંડા જેવો બની ગયો; અને ખલાસીઓ તરફ હિંસક બનવા લાગ્યો. બધાએ ભેગા મળીને એને કેદી બનાવી દીધો; અને એના મદદનીશને કેપ્ટન બનાવ્યો. મન્જિરોના વહાણ ચલાવવાના અને બીજા કામોની અદભૂત આવડત જાણીને બધાએ આ નવા કેપ્ટનના મદદનીશ તરીકે તેની નિમણૂંક એકમતે કરી દીધી.

ફિલિપાઈન્સના મનીલા બન્દર પર વહાણ લાંગર્યું ત્યારે ત્યાંના અમેરિકન કોન્સલે ડેવિસને જેલમાં પુરી દીધો; અને વહાણ ફરીથી આવ્યું હતું ; તે રસ્તે પા્છું વળ્યું. અને છેવટે ૧૮૪૯ના સપ્ટેમ્બર મહિનામાં વહાણ લગભગ સાડા ત્રણ વર્ષની સફરના અંતે ન્યુ બેડફર્ડ પાછું ફર્યું. તેમણે ૫૦૦થી વધારે વ્હેલોનો શિકાર કર્યો હતો. સફરના અંતે, ૩૫૦ ડોલર જેટલી માતબર રકમ મન્જિરોને મળી.

અને મન્જિરોએ ગાંઠ વાળી કે, અમેરિકાની ધરતી પર ખુબ કમાણી કરી; પોતાનું વહાણ ખરીદવું અને પોતાની તાકાત પર વ્હાલી માને મળવા જાપાન પાછું ફરવું.

**************************

મન્જિરો અમેરિકા પાછો ફર્યો, ત્યારે અમેરિકા એક ચેપી રોગમાં ઘેરાયેલું હતું; અને મન્જિરોને પણ એ રોગે ઘેરી લીધો. કયો હતો એ રોગ? એનું નામ હતું ‘ગોલ્ડ ફીવર’ – સોનેરી તાવ! ‘કેલિફોર્નિયામાં સોનું મળ્યું છે.’ – એ સમાચારે ઘણા અમેરિકનો પાગલ બની ગયા હતા; અને રાતોરાત લખપતિ બની જવાની લ્હ્યાયમાં પોતાની બધી મૂડી વેચી સાટીને કેલિફોર્નિયાના સેક્રેમેન્ટો ( હાલની રાજ્યધાની) નજીક સોનું ખોદી કાઢવાના કામમાં જોતરાઈ ગયા. હતા.

મન્જિરો પાંત્રીસ ડોલરની ટિકીટ ખર્ચીને અને વહાણમાં મદદનીશ તરીકે કામ કરીને તે આખા અમેરિકા ખંડની પરિક્રમા કરીને સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયો. ત્યાંથી સોનું મળતું હતું, એ વિસ્તારમાં જવા, એણે નવા શરૂ થયેલા સ્ટીમથી ચાલતા વહાણમાં મુસાફરી કરી. એક મહિનો તો તેણે મજુર તરીકે કામ કર્યું; પણ સોનું મેળવવાની કળા હસ્તગત કરીને જાતે એ કામમાં પરોવાઈ ગયો. બે જ મહિના આમ કામ કરીને તે ૬૦૦ ડોલર કમાયો. ભેગી થયેલી મુડી લઈને તે તો હોનોલુલુ લઈ જતા સ્ટીમ વહાણમાં બેસી ગયો. ત્યાં પહોંચીને એના જૂના સાથીઓને જાપાન પાછા ફરવાનો પોતાનો પ્લાન સમજાવ્યો. પણ ‘ત્યાં પાછા ફરીને ફાંસી જ મળવાની.’ –એ ભયથી ડેન્ઝો અને ગોમન સિવાય કોઈ તૈયાર ન થયું.

પણ પોતાનું નાનકડું વહાણ ખરીદવા મન્જિરો પાસે એકઠી થયેલી મૂડી પુરતી ન હતી. તેણે છાપામાં મદદ માટે જાહેરાત આપી; અને ત્યાં રહેતા હમદર્દ રહેવાસીઓની ઉદાર મદદનો ધોધ વહેવા લાગ્યો. ૧૬૦ ડોલર રોકડા, કપડાં, કમ્પાસ, વિ, સફરને માટે જરૂરી સામગ્રી તેને આમ મળી ગઈ. એણે ‘ એડવેન્ચરર’ નામની નાની હોડી ખરીદી.

     આ સમય દરમિયાન ૧૭, ડિસેમ્બર -૧૮૫૦ ના રોજ ‘સેરા બોઈડ’ નામનું વેપારી જહાજ હોનોલુલુના બંદરમાં લાંગર્યું. તે સાન ફ્રાન્સિસ્કોથી શાન્ઘાઈ જતાં રસ્તામાં વેપારી સામગ્રી લે વેચ કરવા હોનોલુલુ આવ્યું હતું. મન્જિરોએ એના કેપ્ટનને વિનંતી કરી કે, ત્રણે જણાને એની હોડી સાથે એની પર સફર કરવા દે; અને જાપાનના કિનારાથી થોડે દૂર એમને ઉતારી દે. મન્જિરો તો હોનોલુલુમાં ખાસો પ્રખ્યાત બની ચૂક્યો હતો. આથી એ જહાજના કેપ્ટનને પણ એને માટે સહાનુભૂતિ થઈ. જો કે, કેપ્ટનને પણ મહેનત કરી શકે તેવા ખલાસીઓની જરૂર પણ હતી જ. એના મોટા ભાગના સાથીઓ ઓલ્યા ‘સોનેરી તાવ’ લાગવાના કારણે ભાગી ગયા હતા! હોનોલુલુના ગવર્નરે તેને સરસ પ્રમાણ પત્ર પણ આપ્યું. હોનોલુલુના રહેવાસીઓએ પણ કેપ્ટન ‘જ્હોન મન્ગ’ને મુબારકબાદી આપી.

   અને છેવટે… મન્જિરો અને તેના સાથીઓની માદરે વતન તરફની સફર શરૂ થઈ.  ૭૦ દિવસની સફર બાદ ‘સેરા બોઈડ’ જાપાનના ‘લૂ ચૂ’ ટાપુના ‘ઓકીનાવા’ બંદરથી ચાર જ માઈલ નજીક આવી પહોંચ્યું.આ કથાની શરૂઆતમાં જણાવ્યું છે ; તેવી જ તોફાની હવા એ વખતે ચાલી રહી હતી. સખત પવન અને સ્નોનું અવિરત આક્રમણ જારી હતાં. કેપ્ટને મન્જિરોને ઉતરાણ કરવાના જોખમો અંગે ચેતવ્યો. પણ દસ દસ વરસની તપશ્ચર્યા અને વહાણવટાની તાલીમ અને સાધનાના પ્રતાપે, મન્જિરો હવે ઘણો વધારે કાબેલ અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો. ગરીબડી અને વ્હાલી માને મળવાની અને એને માટે ખરીદી રાખેલી ભેટોથી એને ઢાંકી દેવાની આતુરતા એના શરીરમાં નવા પ્રાણનો ધસમસતો સંચાર કરી રહી હતી.

  અને છેવટે એ બધાં તોફાની પવનોને અતિક્રમીને મન્જિરો અને તેના બે સાથીઓએ માદરે વતનની જમીન પર પગ મુક્યા.

કિનારા પરના ગ્રામવાસીઓ આ વિચિત્ર કપડાં પહેરેલા, પરદેશી જેવા લાગતા માણસોને જોઈને ગભરાઈ ગયા; અને એમને આવકારવાને બદલે ભાગીને દૂર જતા રહ્યા. માત્ર અડધા કલાકમાં જ સ્થાનિક પોલિસે એમને પકડી લીધા. એમની હોડી અને એમાંની બધી મતા સરકાર હસ્તક કરવામાં આવી. પણ એમને ફાંસીની સજા; એ વિસ્તારના ડેઈમ્યો( સ્થાનિક સૂબો) નારિયાકિરાની સંમતિ વિના ન આપી શકાય; એથી એમને ઓકિનાવાની જેલમાં પુરી દેવામાં આવ્યા; અને ઘનિષ્ઠ પૂછતાછ શરૂ થઈ. સાત મહિના સુધી પાંચ પોલિસ ઓફિસરોએ એમની સાથે માથાકૂટ કરીને એક લાંબો લચક હેવાલ બનાવ્યો અને ડેઈમ્યોની જાણ માટે મોકલી આપ્યો.

મન્જિરો, એના સાથીઓ અને જાપાનના સદભાગ્યે નારિયાકિરા ઉદારમતવાદી હતો; અને જાપાનની એ સદીઓની ‘બંધ બારણાં’ની નીતિનો વિરોધી હતો. એને આ હેવાલમાં બહુ જ રસ પડ્યો અને તેણે મન્જિરો અને તેના સાથીઓ સાથે રૂબરૂ જાતમાહિતી મેળવવાનું નક્કી કર્યુ. અને તેને પોતાની માન્યતા સાચી લાગી. એને પ્રતીતિ થઈ ગઈ કે, જાપાન વિશ્વમાં થઈ રહેલી પ્રગતિની સાથે તાલ નહીં મીલાવે તો, અત્યંત શક્તિશાળી અમેરિકાનું આક્રમણ હાથવેંતમાં જ છે.

નારિયાકિરાના હેવાલના આધારે જાપાનના સમ્રાટના જમણા હાથ જેવા શોગુને ૧૮૫૧ના ઓક્ટોબર મહિનામાં મન્જિરો અને એના સાથીઓને જાત તપાસ માટે નાગાસાકી બોલાવી લીધા.ફરી છ મહિના એ જ જેલની વ્યથા; અને ઘણી બધી સતામણીઓ, સવાલ, જવાબ. બીજું કોઈ હોય તો પાગલ જ બની જાય. પણ મન્જિરો જુદી માટીનો હતો. તેણે પોતાનું અને પોતાના સાથીઓનું ધૈર્ય ટકાવી રાખ્યું. તેણે શોગુન અને તેના અધિકારીઓને પોતાની વાતની સચ્ચાઈની પ્રતીતિ કરાવી દીધી. અમેરિકાના વહાણોને જાપાનમાં પૂરવઠા માટે આવવા દેવામાં કશું જોખમ નથી; અને જાપાનને એનાથી બહુ જ મોટો ફાયદો થઈ શકે એમ છે; એ વાત પણ મન્જિરો તેમને સમજાવી શક્યો.

છેવટે, ૧૮૫૨ના જૂનમાં એમનો છૂટકારો થયો; અને મન્જિરો એની માને મળવા નાગાસાકીથી નીકળ્યો. અનેક મુસીબતો વાળી એમની સફર બાદ, ૧૮૫૨ ની પાંચમી ઓક્ટોબરે, સોળ વરસ બાદ મન્જિરો એની મા, અને ભાંડવોને મળી શક્યો. એની મા, ભાઈ બહેનો અને ગ્રામવાસીઓને આમ બનશે, એની સ્વપ્નમાં પણ આશા ન હતી. બધાં આનંદમાં ઘેલા ઘેલા બની ગયા.

પણ આ આનંદ ત્રણ દિવસ જ ટકવાનો હતો ને? મન્જિરોને પાછા એમના વિસ્તાર ટોસાના ડેઈમ્યો યામાનુચી સાથે ચર્ચા માટે જવું પડ્યું. પણ હવેની એની જીવનયાત્રા એને જાપાનના ઉચ્ચ વર્તુળોમાં ટોચે પહોંચાવવાની હતી. યામાનુચી મન્જિરોની વાતોથી અને શોગુન તરફથી મળેલી સૂચનાના કારણે એટલો તો પ્રભાવિત બની ગયો કે, તેણે મન્જિરોને અત્યંત માનભર્યો ‘સમુરાઈ’નો ખિતાબ આપ્યો. સાવ હલકી જાતના માછીમાર – માત્ર ‘મન્જિરો’ નામધારી – આ જવાંમર્દની ઓળખ હવે ‘મન્જિરો નાકાહામા’ બની. હવે એની કમરે બે તલવારો ચમકતી હતી. એક સમુરાઈની ૧૭ વર્ષની કન્યા ‘તેત્સુ’ સાથે એનાં લગ્ન પણ થયા.

મન્જિરોની આગલી જિંદગી એને ઉપર અને ઉપર ચઢાવવાની હતી; એટલું જ નહીં; પણ જાપાન પણ સમૃદ્ધિ અને તાકાતના પંથે, એક મહાન વિશ્વ સત્તા બનવાનું હતું.

અને ૧૮મી જૂન-૧૮૫૩માં એક અભૂતપૂર્વ ઘટના બની. કોમોડોર મેથ્યુ પેરીના નેત્રુત્વ વાળી, અમેરિકાના નૌકાદળની ચાર અત્યંત શતિશાળી સ્ટીમરો જાપાનના ઈડો અખાતમાં લાંગરી. શોગુને જાપાનની બધી તાકાત  એકઠી કરીને કોમોડોર પેરીને જાપાનનો દરિયામાંથી ભાગી જવા તાકીદ કરી. પણ પેરી પાસે શોગુનની તાકાત કરતાં ઘણી વધારે લડાયક સામગ્રી હતી. પેરીએ જાપાનના સમ્રાટ સાથે વાટાઘાટો કર્યા વિના પાછા વળવાની કોઈ તૈયારી ન બતાવી; અને જો એની આ માંગણી સ્વીકારવામાં ન આવે તો ઈડો બંદર પર તોપમારો શરૂ કરવાની ધમકી પણ આપી દીધી.

અસહાય બની ચુકેલા શોગુન માટે આ વાત સ્વીકાર્યા વિના કોઈ છૂટકો જ ન હતો. તેણે  અમેરિકા વિશે જાણકારી ધરાવતા એકમાત્ર જાપાનીઝ તરીકે મન્જિરોને સલાહ માટે બોલાવી લીધો. અનેક દિવસોની વાટાઘાટો પછી, જાપાન અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો થયા; અને જાપાનના માટે નવા યુગનું બારણું ખુલ્લું થઈ ગયું.

જાપાનના અમેરિકા જનાર યુવાનોને અંગ્રેજીનું શિક્ષણ આપવા માટે મન્જિરોની નિમણૂંક થઈ.

૧૮૫૯માં હોકોડાટે ખાતે, નવી ઢબના વહાણો બાંધવા માટેની સંસ્થા પણ તેણે સ્થાપી અને જાપાનના વ્હાણવટાનો નવો યુગ શરૂ થયો.

૧૮૬૦માં અમેરિકામાં જાપાનની પહેલી એલચીના દુભાષિયા તરીકે તેણે ફરી એકવાર અમેરિકાની ધરતી પર પગ મુક્યો. પણ રસ્તામાં નડેલ તોફાની ઝંઝાવાતમાં એની વહાણવટાની કુશળતાના પ્રતાપે વહાણ ડુબતું બચ્યું હતું. આ વાતની જાણ થતાં જાપાનના સમ્રાટે મન્જિરોનું ખાસ બહુમાન કર્યું હતું.

૧૮૭૦માં મન્જિરોને ફરી વખત અમેરિકા જવાની તક મળી. ત્યારે તે પોતાના પાલક પિતા જેવા કેપ્ટન વ્હીટ્ફિલ્ડને ફેરહેવનમાં મળ્યો અને ભેટી પડ્યો. પાછા વળતાં તેણે લન્ડન ખાતે ભરાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં જાપાનના પ્રતિનિધી તરીકે હાજરી પણ આપી. જાપાન પાછા વળ્યા બાદ ટોકિયો ખાતે અંગ્રેજી ભાષાના પ્રોફેસર તરીકે મન્જિરોએ એની શેષ જિંદગી પુરી કરી. આજે એ સંસ્થા યુનિવર્સિટી ઓફ ટોકિયો તરીકે ઓળખાય છે.

૧૮૯૮માં મન્જિરોનો દેહવિલય થયો ત્યારે તે જાપાનની એક અત્યંત સન્માનનીય વિભૂતિ બની ચુક્યો હતો.

શિકોકૂ ટાપુની અશિઝુરી ભૂશિર પર મંજિરોનું બાવલું

મન્જિરોએ ધાર્યું હોત તો, બાકીની જિંદગી અમેરિકન તરીકે ગાળી શક્યો હોત; અને ઘણું ધન અને કીર્તિ કમાઈ શક્યો હોત. પણ એના દિલમાં જલતી આગે એને એક જ દિશામાં હંકારે રાખ્યો- એની વ્હાલી માની સેવામાં. અને એ જ પ્રબળ પ્રેમ અને સંઘર્ષે એની એ આકાંક્ષા પુરી કરી એટલું જ નહીં; એના માદરે વતનની પણ એ અમૂલ્ય સેવા કરી શક્યો. જાપાન આજે જે છે; એમાં મન્જિરોનું પ્રદાન અજોડ છે; અને રહેશે.

સંદર્ભ

https://en.wikipedia.org/wiki/Nakahama_Manjir%C5%8D

સહિયારું ઘર

 વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં   

    હૈદ્રાબાદમાં આ ઘર આવેલું છે, એટલે તેલુગુમાં પેટા શિર્ષક! ( અંદરી ઇલ્લુ) . સહિયારું એટલે માત્ર એક બે કે ચાર કુટુંબોનું જ નહીં – આખો દિવસ ખુલ્લું રહે, એમાં કોઈ પણ વ્યક્તિ પરવાનગી વિના પ્રવેશી શકે, જાતે રસોઈ બનાવી જમી શકે, પુસ્તકો વાંચી શકે, એવું ઘર.

એક રૂપિયો પણ આપ્યા વિના!

      કેમ નવાઈ લાગી ને? પણ આ સત્ય હકીકત છે. અને એક બે નહીં – છેલ્લા ૧૪ વર્ષથી!

     એના સ્થાપક છે – ડો. સૂર્ય પ્રકાશ અને ડો. કામેશ્વરી વિન્જામુરી ૪૮ વર્ષના ડો. સત્યપ્રકાશ ઓસ્માનિયા યુનિ.માંથી ડોક્ટર થયા હતા અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સમાંથી(TISS) અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે હૈદ્રાબાદના કોઠાપેટ વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા કોલોનીમાં આવેલા પોતાના મકાનના ભોંયતળિયામાં આ ઘર ૨૦૦૬ની સાલની ૧૫ જૂને શરૂ કર્યું હતું. ગરીબીની રેખાની નીચે જીવતા લોકોની ભુખના દુઃખથી વ્યથિત સૂર્યપ્રકાશે એના ઉકેલ માટે ઘણા અવનવા નૂસખા અજમાવી જોયા હતા. એમાં કેળા વેચવાની અને વહેંચવાની લારી પણ એક નૂસખો હતો! જેની પાસે ખરીદવા રકમ ના હોય, તે ત્યાં જ કેળાં ખાઈ ‘રામ રામ’ કહી વિદાય થઈ શકે!

   પણ છેવટે એમને લાગ્યું  કે, આનો કોઈ કાયમી ઈલાજ હોવો જોઈએ. આથી પોતાના દવાખાનાને ઉપરના માળે ખસેડી તેમણે નીચે ‘અંદરી ઇલ્લુ’ – સહિયારું ઘર શરૂ કર્યું . અલબત્ત એમની પત્નીનો આમાં પૂર્ણ સહકાર હતો જ.

      આ સહિયારું ઘર સવારે પાંચ વાગે ખૂલે છે અને રાતે ૧ વાગે બંધ થાય છે. કોઈ પણ વ્યક્તિ એ સમય દરમિયાન અંદર પ્રવેશી, પોતાની રસોઈ બનાવી જમી શકે છે. એ માટે જરૂરી ગેસ સ્ટવ, રાંધવાના અને જમવાનાં વાસણો અને અનાજ / શાક / મસાલા વિ. સામગ્રી હાજર હોય છે. જમી કરી વાસણ સાફ કરી વ્યક્તિ વિદાય થઈ જાય છે. થોડોક સમય બેસી ત્યાં રાખેલ પુસ્તકો અને સામાયિકો વાંચી પણ શકે છે. જો કોઈને નહાવા માટે વ્યવસ્થા ન હોય તો અહીં નાહી ધોઈ તૈયાર પણ થઈ શકે છે. 

     જો કોઈને ઉતાવળ હોય અને વાસણ સાફ ન કરી શકે તો તે માટે અને અન્ય વ્યવસ્થા માટે આછો પાતળો સ્ટાફ પણ ત્યાં હાજર હોય છે. કોઈની પાસેથી કશી મદદની અપેક્ષા ડોક્ટર દંપતી રાખતાં નથી. પણ કોઈને મન થાય અને અનાજ કે બીજી રસોઈ સામગ્રી આપી જાય, તો તે સ્વીકારવામાં આવે છે.  

     અહીં મેસનો ખર્ચ ન પોસાતો હોય એવા વિદ્યાર્થીઓ કે હોટલનો ખર્ચ પોસાતો ન હોય તેવા કર્મચારીઓ આવતા હોય છે. અરે! જેમને રાંધતાં ના આવડતું હોય તેવી વ્યક્તિઓ પણ મિત્ર સાથે આવી જાય છે અને બધા સાથે રસોઈ બનાવીને ભુખ સંતોષે છે. પછી તો એ પણ રસોઈ બનાવતાં શીખી જાય છે, અને આત્મનિર્ભર બની જાય છે.

    અને આ બધું કોઈ જાતની જાહેરાત કે ફંડ ફાળાની જાહેરાત વિના જ – ગાંઠના ખર્ચે ગોપી ચંદન જ !

    રસ્તે પુસ્તકોની દુકાન ચલાવતી એક મહિલાને કામ પતે પછી પુસ્તકો મૂકવા જગ્યા ન હતી. તે કામ પતાવી સાંજે પુસ્તકો મૂકી જાય છે , અને સવારે લઈ જાય છે. જેટલો સમય પુસ્તકો અંદરી ઇલ્લુમાં રહે તેટલો સમય અને વધારાના સ્ટોકનાં પુસ્તકો  મુલાકાતીઓને  વાંચવા મળે છે.

   રોજ ૪૦ થી ૫૦ વ્યક્તિઓ આ સવલતનો લાભ લે છે . રવિવાર કે રજાના દિવસે તો ઘણા વધારે મહેમાનો આવી જાય છે.

     ઘરના બીજે માળે એમનું દવાખાનું છે. તેમાં પણ બન્ને દંપતી લોકોને સમતોલ અને નૈસર્ગિક આહાર માટે દોરવણી આપે છે, અને ‘યોગ્ય ખોરાક દવા કરતાં વધારે અસરકર્તા છે.’ એ સંદેશનો વ્યાપ કરતાં રહે છે.

       આ ઉપરાંત બન્ને દંપતી અવારનવાર આજુબાજુના ગામડાઓમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે જ્ઞાન પ્રસાર કરવા માટે શિબિરો યોજે છે. કોઈ જાતની માનવતા વિના અને  માત્ર તગડી આવક ઊભી કરવા માટે જ ડોક્ટરો જરૂર વિના ગર્ભાશય કાઢી નાંખવા સ્ત્રીઓને  મજબૂર કરતા હોય છે – એની સામે બન્નેને સખત ચીડ છે, યોગ્ય આહાર અને સ્વચ્છતાના પાઠ શીખવી ઘણી સ્ત્રીઓને એમણે આ દૂષણમાંથી બચાવી લીધી છે.

      દરેકે દરેક બાબત માટે સરકારની પાસે અપેક્ષા રાખતા અને માત્ર ટીકાઓ અને ચર્ચાઓ કરીને જ અટકી જતા સમાજને માટે આ ડોક્ટર દંપતી દિવાદાંડી સમાન છે.

સંદર્ભ –

https://telanganatoday.com/house-everyone

https://ummid.com/news/2020/december/11.12.2020/andari-illu-a-house-for-all-in-hyderabad.html

https://www.newindianexpress.com/thesundaystandard/2018/apr/15/doctor-couple-from-hyderabad-has-made-saving-the-womb-a-mission-1801678.html

https://www.deccanherald.com/content/173079/cook-eat-leave.html