સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વૃક્ષમાતા – સાલુમરાદા થિમક્કા

 વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં   

       હા. આ માજી ૩૮૪ વડના ઝાડની મા છે ! ૧૯૧૦ કે ૧૯૧૧ માં કર્ણાટક રાજ્યના તુમ્કુર જિલ્લાના ગબ્બી તાલુકમાં જન્મેલ એ પણ વડની જેમ જ હજુ ખખડધજ છે. બન્ગ્લુરૂથી ૬૩ કિ. મિ. દૂર આવેલા કુડુર અને હલિકલ ગામ વચ્ચેના રસ્તાની બન્ને બાજુએ માજીએ એ વૃક્ષો જાતમહેનતથી રોપ્યાં છે. આમ તો એમનું નામ થિમક્કા છે. પણ સાલુમરાદા (વૃક્ષમાતા) કન્નડ ભાષામાં એમના બહુમાન રૂપે મળેલ લોકજીભનો ખિતાબ છે.

ચાળીસ વર્ષની ઉમરે બાળકને જન્મ ન આપી શકવાના કારણે હતાશ બની ગયેલ થિમક્કાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પણ એના સમજદાર પતિએ એને એ ઉણપના ઉકેલ તરીકે વૃક્ષના છોડ રોપવા પ્રેરણા આપી. બસ, ત્યારથી એ જ લગન એના દિલમાં ઘર કરી ગઈ. આમ તો એણે ૮,૦૦૦ થી પણ વધારે વૃક્ષો રોપ્યાં છે. પણ આ ૩૮૪ વૃક્ષો રોપી, એમની માવજત કરવાના કારણે માજી જગતભરમાં પ્રસિદ્ધ થઈ ગયાં છે.

      સાવ નાના ગામમાં જન્મેલી થિમક્કાને કશું શિક્ષણ મળ્યું ન હતું. સમજણી થઈ ત્યારથી જ ખેતરોમાં મજૂરીથી એના સક્રીય જીવનની શરૂઆત  થઈ હતી. લગ્ન કરવાની ઉમરે રામનગર જિલ્લાના માગડી તાલુકાના હલ્લિકલ ગામના બિકાલુ ચિક્કૈયા સાથે તેનાં લગ્ન થઈ ગયાં અને બાજુની ખાણમાં મજુરી ચાલુ થઈ ગઈ. આમ તો તેનું જીવન એમ જ પસાર થઈ ગયું હોત, પણ બાળકના અભાવે એની જિંદગીમાં આવેલ વળાંકે એ વૃક્ષમાતા બની ગઈ.

     જીવનનો બીજો આઘાત – ૧૯૯૧ માં પચીસ વરસના લગ્નજીવન બાદ તેણે પતિ ગુમાવ્યો. પણ હવે તેનું કુટુમ્બ લીલી હરિયાળીથી છવાયેલું હતું . આથી આ આઘાત તે જીરવી શકી. આમ તો તેને હવે ઘરમાં કોઈ વ્યક્તિની જરૂર સાલતી ન હતી; પણ એક દા’ડો પોતે ય વિદાય લેવી પડશે, અને ‘વૃક્ષો રોપવાનું કામ કોણ ઊપાડી લેશે?’ – એ  ખયાલે થિમક્કાએ ઉમેશ નામના યુવાનને દત્તક લીધો છે.

      આમ તો આવા નાનકડા ગ્રામ વિસ્તારમાં એણે કરેલ કામની કોને ખબર પડે? પણ ૧૯૯૬ માં એના આ  કામની જાણ ભારતના કેન્દ્ર સરકારને થઈ અને તેને રાષ્ટ્રીય નાગરિક સન્માન એવોર્ડ એનાયત થયો. પછી તો સાવ સામાન્ય થિમક્કા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી બની ગઈ અને એની પર એવોર્ડોનો રીતસર વરસાદ વરસવા લાગ્યો .

  • Nadoja Award,
  • Karnataka Kalpavalli Award
  • Godfrey Phillip Award
  • Vishwathama Award,

      અને બીજા ઘણા બધા. બીબીસીની ૧૦૦ સૌથી વધારે અસરકારક અને પ્રેરણાદાયી સ્રીઓના લિસ્ટમાં પણ થિમક્કાનું નામ છે. 

       પણ એની ચરમસીમા રૂપે ૨૦૧૯ માં તેને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો ત્યારે તેમનાથી ઉમરમાં ઘણા નાના,  ભારતના રાષ્ટ્રપતિ કોવિદે તેમને પ્રણામ કરેલા, ભલી ભોળી થિમક્કાએ એમને આશિર્વાદ પણ આપેલા! તેના હાથે રાષ્ટ્રપતિ ભવનમાં એક વૃક્ષ પણ તેણે રોપી આપ્યું છે.

      વુક્ષારોપણ ઉપરાંત તેણે હલ્લિકલમાં વરસાદના પાણીન એ સંઘરવાની ટાંકી પણ બનાવી છે. હવે તેની ઉમેદ ગામમાં હોસ્પિટલ બને તેવી છે.

      કોન્ક્રિટના જંગલમાં વસતા આપણે બે ચાર નાના કુંડામાં હરિયાળી વસાવીએ તો ?

૧૧૦ વર્ષના આ માજીની વાત વાંચીને આપણને જાપાનના ઓકિનાવા ટાપુ પર મજાની જિંદગી જીવતાં ૧૦૦ + ઉમરના વયસ્કોની અને એ સુખથી જીવવા માટેના પર્યાય જેવો જાપાની શબ્દ ‘ઈકિગાઈ’ યાદ આવી જાય.

   

સંદર્ભ –

https://changestarted.com/the-changeblazers-when-passion-meets-purpose/

https://en.wikipedia.org/wiki/Saalumarada_Thimmakka

https://bookofachievers.com/articles/saalumarada-thimmakka-the-mother-to-more-than-8000-trees

પાંચી

 વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં   

રશ્મિ સંપટ. ( મુંબઇ)

સત્યકથા આધારિત

કોઈ કારણસર હાઈવે ટ્રાફિક માટે બંધ હતો. ‘ડાયવર્ઝન’નું બોર્ડ મારેલું હતું. ડ્રાઇવરે ગાડી કાચા રસ્તે લીધી. રસ્તામાં ભરવાડ ઘેટાં-બકરા લઈને નીકળ્યો, સાંકડો રસ્તો ‌હોઈ ગાડી થોભાવવી પડી.

      માલવિકા મેડમની નજર નજીકના એક કાચા ગાર-માટીના ઘર પર પડી. એક યુવતી દિવાલ પર સુંદર મજાના મોર, પોપટ અને ફૂલવેલનું ચિતરામણ ગળીથી કરી રહી હતી. ચિતરામણ પૂરું થયું એટલે આંગણું સાફ કરી શાકભાજી વાવેલા તે ક્યારા સાફ કરવા લાગી.

    માલવિકા મેડમને તે છોકરી પોતાના એકનાએક, હાવર્ડ યુનિવર્સિટીમાંથી હમણાં જ એમબીએ થઈને આવેલા અને પિતાના ‘બિઝનેસ’માં લાગેલ યુવાન પુત્ર મૌલિક માટે ગમી ગઈ.  તેની પારખું નજરે જોયું કે આ છોકરી પાસા પાડ્યાં વગરનો હીરો છે.  રસ્તો ખાલી થતાં ડ્રાઈવરે ગાડી આગળ લીધી.  સાંજે કામ પતાવી પાછા ફરતાં પણ, તે ઘર આગળથી નીકળ્યા ત્યારે પણ તે છોકરી કંઈક ભરત ભરી રહી હતી અને લોકગીત ગાઈ રહી હતી.

   ઘરે આવીને તેમણે બધી વાત તેમના પુત્ર અને પતિને કરી. આપણા મૌલિક માટે મને તે છોકરી ગમી ગઈ છે. તે છોકરી આપણો બિઝનેસ અને ઘર બંને સંભાળી લેશે.

   બીજે દિવસે માલવિકા મેડમ તે છોકરી માટે પોતાના પુત્રનું માંગુ લઈને ગયા.  તેનું નામ પાંચી હતું. તે ગરીબ ખેતમજુરની દીકરી હતી અને ચાર ધોરણ જ ભણેલી હતી.  પાંચીના મા-બાપને થયું આટલા મોટા શેઠના એકનાએક દીકરાને તો છોકરીવાળા માથે પડે.  અમ ગરીબની ચાર ચોપડી ભણેલી પાંચી માટે સામું માગું લઈને આવ્યા છે.  દીકરીના મા-બાપ તરીકે ચિંતા થઈ.. કંઈ આડું અવળું તો નહીં હોયને?  માલવિકા મેડમે ધરપત આપી કે તમે અમારા વિશે તપાસ કરી લો પછી જવાબ આપજો.

     પાંચીના પિતાને કંઇ બનાવટ જેવું ન લાગ્યું. તેમણે આ સંબંધ માટે હા પાડી પણ શરત રાખી લગન તો મારા આંગણે મારી ત્રેવડ પ્રમાણે થશે. જાનમાં વીસ માણસો લઈને આવજો.  

     માલિકા મેડમે હા પાડી. દેશના અતિ ધનાઢ્યના દીકરાના લગ્ન એક ખેત મજુરની દીકરી સાથે તેના જ આંગણામાં સાવ સાદાઈથી થયાં.

   માલવિકા મેડમે પાંચીને ક્યારેય કોઈ જાતની રોકટોક ન કરી.  ત્રણ વર્ષમાં પાંચી એટલી તૈયાર થઈ ગઈ કે આજે ‘બોર્ડ ઓફ ડિરેક્ટર્સ’ની મિટિંગમાં ‘બિઝનેસ’ની, દેશ-વિદેશની ‘સ્ટ્રેટેજી’ વિશે, ભાવિ આયોજન, નવા પરિવર્તન, સરકારી નીતિનિયમો વિશે.. વિદેશી મહેમાનોની સામે જ્યારે પોતાની વાત વિદેશી ભાષામાં તથા ‘ફરાટેદાર’ અંગ્રેજીમાં કરી ત્યારે બધાએ ઊભા થઈને તાળીઓથી વધાવી. પાંચીમેડમની દૂરંદેશી અને કુનેહના ખૂબ વખાણ કર્યા.

  માલવિકા મેડમની પસંદગી માટે શેઠ અને મૌલિકને તો ક્યારેય કંઇ કહેવાપણું ન લાગ્યું.  રાત્રે ‘સેવનસ્ટાર હોટલ’ માં ‘ડિનર પાર્ટી’માં ચાંદીના ‘ડિનર સેટ’માં જમ્યા.  છુટા પડતી વખતે એક વિદેશી મહેમાને પાંચીના માતા-પિતાને મળવાની ઇચ્છા દર્શાવી. પાંચીએ કહ્યું: “ભલે, કાલે ચાર વાગ્યે જઇશું.”

   બીજે દિવસે પાંચીએ, તેમની માતાએ આપેલા સાવ સાદાં કપડાં પહેર્યાં, હાથમાં બંગડીઓ પહેરી, કપાળમાં મોટો ચાંદલો કર્યો.  ‘બી એમ ડબલ્યુ’ ગાડી ‘ડ્રાઇવ’ કરીને પોતાના પિતાના ઘરે વિદેશી મહેમાનને લઈ ગઈ.

    એક કાચા ઘર આગળ ગાડી ઉભી રહી.  પાંચીના માતા-પિતા વેવાઈને સામા આવ્યા, બે હાથ પકડી રામરામ કર્યા.  ખાટલો ઢાળી માથે ગોદડું પાથરી બેસાડ્યાં, ખબર-અંતર પૂછ્યાં.  એક ગરીબ ખેતમજૂર પાસે દુનિયાની કઈ વાત હોય?!   તે, ઉમળકાથી ખેતરની, પોતાની ગાયની, વાડામાં વાવેલ ચીભડાં વગેરેની વાતો કરી.  એક ‘એલ્યુમિનીયમ’ની કિટલીમાં ચા લાવી હાથમાં રકાબી આપી તેમાં ચા રેડી.  લીંબુના પાંદડાં અને લીલી ચા ઉકાળીને ચા  બનાવેલ.  ગાયતો વસુકી ગયેલ હોઈ, દૂધતો ઘરમાં ક્યાંથી હોય?

વાતો કરતાં હતાં ત્યાં ગાય સુરાવા મંડી.  ગાય વિંયાણી.  પાંચીએ કછોટો વાળ્યો અને ગાયને દોહી. બાજરાની ઘઉંરી ખવડાવી.  ઓર ઉકરડે નાંખી આવી.  ગમાણ સાફ કરી.  ગાયને ધુમાળી કરી પછી પોતે નાહીધોઇને તૈયાર થઈ ગઈ.  મહેમાન તો જોતાં જ રહી ગયા.  તેને થયું ક્યાં કાલની પાંચી મેડમ અને કયા આજની!   તેમને અહીં કશો નવો જ આધ્યાત્મિક અહેસાસ થતો હતો.  તેમને પોતાના વૈભવ  સુખ વામણા લાગવા મંડ્યા.

  પાંચીના પિતાએ કહ્યું, “વાળુંનો ટેમ થઈ ગયો છે તો વાળું કરીને જજો.”   કોઈ કાંઈ બોલે તે પહેલાં જ મહેમાને કહ્યું, “હા… હા.. જમીને જઈશું.”  જમવામાં બાજરીના રોટલા, તુરિયાનું શાક અને ડુંગળી જ હતાં.

  જમીન ઉપર બેસીને પતરાવળીમાં જમ્યાં.  મહેમાને જમવાનો આવો અમૃતનો સ્વાદ તેની જિંદગીમાં ક્યારેય નો’તો ચાખ્યો.  જવા સમયે પાંચીના પિતાએ મહેમાન અને વેવાઈને ‘ધડકી’ ભેટ આપી.  પાંચીને ફાળિયાના છેડેથી 10ની નોટ કાઢીને આપી.

વિદેશી મહેમાને પાંચીના નાના ભાઈને બે હજારની પાંચ ‘નોટ’ કાઢીને મોકલાણી આપવા ગયા તો પાંચીના પિતા કહે: “દીકરીના ઘરનું ન લેવાય, અમારામાં અગરજ હોય.”   ત્યારે વિદેશી મહેમાનને થયું.. સાચા શ્રીમંત તો આ લોકો છે. જ્યારે મારા વેવાઈને ૫૦૦ કરોડની સહાય કરી, બેન્કમાંથી ૩૦૦ કરોડની ‘લોન’ મારી શાખે અપાવી દીધી તોય વેવાઈને વાકું પડ્યું. જ્યારે અહીં દીકરીના ઘરનું અગરજ હોય.

   એક વિદેશી મહેમાન જે અરબપતિ હતો તે, જતી વખતે, એક સાવ ગરીબ ખેતમજુર એવા પાંચીના પિતાને ભેટીને રડી પડ્યાં અને બોલ્યા: “સાચા સુખી તો તમે જ છો.”

ચેન્નાઈનો પક્ષીજણ

 વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં   

      કેમ નવાઈ લાગીને આ શબ્દ વાંચીને? પક્ષીગણ તો જીવશાસ્ત્રનો શબ્દ. પણ આ તો જણ છે, જણ – જીવતો જાગતો જણ. પણ અફસોસ! એ સ્પાઈડરમેનની જેમ ઊડી નથી શકતો – એ ઊડતા પક્ષીઓના પ્રેમમાં ગળાડૂબ બની ગયેલો, માણસ’ કહેવાય એવો એક જણ છે!

     આમ તો જોસેફ સેકર સાવ સામાન્ય માણસ છે. ચેન્નાઈના રોયાપેટ્ટા વિસ્તારમાં ભાડાના મકાનમાં ૨૭ વર્ષથી  તે રહે છે. મકાન પણ પચાસ વર્ષ જૂનું છે અને પાંચ ભાડવાત એમાં રહે છે. વ્યવસાયે તે ઇલેક્ટ્રિશિયન છે અને  કેમેરા પણ  રિપેર કરે છે. ઘણી વાત ઘરાક ન મળતાં તેને બે ટંક ભેગા કરતાં ફાંફાં પણ પડતા હતા. પણ જોસેફનું દિલ અમીર છે. ૬૩ વર્ષના જોસેફે ૨૦૦૫ ની સાલમાં આવેલ ત્સુનામી વખતે જોયું કે, બે ચાર પોપટ તેની અગાસી પર ચકલીઓએ ન ખાધેલા થોડાક ચોખા શોધવા આમ તેમ ઘૂમી રહ્યા હતા. આમ તો ત્યાં ચકલીઓ અને કબૂતર જ ચણ માટે આવતાં હતાં. તે ઘરમાં પાછો ફર્યો અને થોડાક ચણા લઈ આવ્યો અને અગાસી પર વેરી દીધા. બીજા આઠ દસ પોપટ પણ થોડીક જ વારમાં ત્યાં ભેગા થઈ ગયા અને આનંદની કિકલારીઓ કરવા લાગ્યા. 

      બસ , ત્યારથી જોસેફને આ નિર્દોષ પક્ષીઓની ભુખ શમાવવાનું ઘેલું લાગ્યું છે. વધારે પક્ષીઓ ચણી શકે અને ચણનો બગાડ ઓછો થાય  એ માટે અગાસી પર લાકડાના પાટિયા પર તે રોજ સવારે ૬ વાગે અને બપોરે ચાર વાગે આ પક્ષી વીશી ચાલુ કરે છે! 

       એક અંદાજ મુજબ, રોજના ૧,૦૦૦ પક્ષીઓ આ લોજમાં પધારે છે. શિયાળામાં તો આ આંકડો ૮,૦૦૦ સુધી પહોંચી જાય છે. આગંતુકોમાં  મોટા ભાગે પોપટ હોય છે. પણ કબૂતર અને ચકલી પણ ખરાં  જ. એ બે જાતનાં ચણ નીરે છે. પાણીમાં પલાળેલા અને વિટામિન પાવડર ઊમેરેલા ચોખા અને ચણા. પોતાની આવકનો ૪૦ % એ જીવદયાના આ કામમાં વાપરી નાંખે છે. સવારે ચાર વાગે જોસેફ ઊઠી જાય છે અને ૭૫ કિલોગ્રામ ચોખા પલાળી દે છે. કલાક બાદ પાંચ છ ફેરા કરી અગાસી પર ચોખા પીરસે છે.

      આ કામ પતી જાય પછી તે મકાનના ભોંયતળિયે આવેલી દુકાન ચાલુ કરે છે. બિમાર હોય અને માંડ ઊડી શકતાં હોય તેવાં  પક્ષીઓને તે પોતાના ઘરની હોસ્પિટલમાં સારવાર પણ આપે છે, અને તંદુરસ્ત બની જાય પછી એમને છોડી મૂકે છે. આવાં પક્ષીઓ તો તેનાં મિત્ર બની જાય છે. કોઈક વખત તેને બહારગામ જવાનું હોય, ત્યારે એના કુટુમ્બના સભ્યો આ કામ ચાલુ રાખે છે. આમ ૩૬૫ દિવસ આ અભિયાન પંદર વર્ષથી અટક્યા વિના ચાલુ જ છે.

     જોસેફનું આ સત્કાર્ય એટલું તો બધું જાણીતું બની ગયું છે કે,એની આ વીશી ચેન્નાઈના ઘણા પ્રવાસીઓ માટે યાદગાર મુલાકાત લેવાનું સ્થળ બની ગઈ છે!

સંદર્ભ –

‘Birdman’ of Chennai Donates 40% of His Salary to Feed 8,000+ Parakeets!

https://www.newindianexpress.com/cities/chennai/2020/jun/22/chennais-birdman-c-sekar-makes-ends-meet-for-birds-amid-covid-19-lockdown-2159641.html

નરેન્દ્ર સાંઢ

 વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં   

         નરેન્દ્ર નામથી કયો ભારતીય નાગરિક અજાણ હશે? પણ આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નથી; અને નરેન્દ્રનાથ ( વિવેકાનંદ) ની પણ નથી! એટલે જ એ વિશિષ્ઠ પ્રતિભાને યોગ્ય રીતે ગુજરાતી વાચકોને જ્ઞાત કરવા આ શિર્ષક વાપર્યું છે. હા! સ્વ. નરેન્દ્રકુમાર શર્મા સાંઢ (Bull)  તરીકે વધારે જાણીતા હતા.

    ૨૦૨૦ ની ૩૧ ડિસેમ્બરે દિલ્હીમાં અવસાન પામેલ એ સાંઢ  ૧૯૩૩ ની સાલની ૮ મી ડિસેમ્બરે રાવલપિંડીમાં જન્મ્યો હતો. એમની જીવન કથની માનવ શરીરમાં સાંઢની તાકાતનું આપણને નિદર્શન કરાવે છે. એમની એ જીવનશૈલીની શરૂઆત કિશોરાવસ્થાથી જ શરૂ થઈ ગઈ હતી. માત્ર તેર જ વર્ષની ઉમરે એણે  પેરીસ ખાતે યોજાયેલ વિશ્વ સ્કાઉટ જમ્બોરીમાં એ વખતના સંયુક્ત પંજાબ રાજ્યના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. જીવનભર એણે એ ખમીર જાળવી રાખ્યું હતું. 

      પેરીસથી પાછો ફર્યો ત્યારે નરેન્દ્રને સ્ટીમરમાંથી મુંબઈ ઉતારવામાં આવ્યો હતો અને એની સાથેના મુસ્લીમ કિશોરોને કરાંચીમાં. કારણ? એ વખતે અખંડ ભારત દેશ બે ભાગમાં વિભાજિત થઈ ગયો હતો. એનું કુટુંબ તો ઘણા સમય પછી શિમલામાં સ્થાયી થયું હતું. ૧૯૫૦ની સાલમાં નરેન્દ્ર ભારતીય લશ્કરમાં ભરતી થઈ ગયો. લશ્કરની બોક્સિંગની એક સ્પર્ધામાં એનું લડાયક ખમીર ઝળકી ઊઠ્યું અને ઘણા પ્રતિસ્પર્ધીઓને એણે ચીત કરી દીધા. ત્યારથી એના નામ સાથે  ‘સાંઢ’નું ઉપનામ વળગી ગયું! ત્યાર બાદ ભાગ્યે જ એ નરેન્દ્ર શર્મા તરીકે ઓળખાતો હતો!

     ૧૯૫૪માં  દહેરાદૂનની લશ્કરી સંસ્થામાંથી ઉત્તીર્ણ થઈ તે કુમાઉં રાઈફલ્સમાં ભરતી થયો હતો. ત્યારથી જ ઊંચાઈવાળા પ્રદેશોમાં જીવન પસાર કરવાની એની તવારીખ ચાલુ થઈ, જે જીવન ભેર ચાલુ રહીઅને પહાડીઓ માટેનો એનો પ્રેમ જાગી ઊઠ્યો. ૧૯૫૮માં દાર્જિલિંગમાં હિમાલયન માઉન્ટેનિયરિંગ સંસ્થામાં તાલીમ લેવા પ્રવેશ મળે તે માટે નરેન્દ્રે  પોતાની શિયાળુ વેકેશનને પણ તિલાંજલી આપી દીધી હતી. એવરેસ્ટ વિજેતા તેનસિંગ નોર્ગેનો તે માનીતો વિદ્યાર્થી હતો. જીવનભર બન્ને ખાસ મિત્રો બની રહ્યા હતા.

    આ જ લાયકાતના કારણે લશ્કરના અધિકારીઓને પર્વતખેડુ તાલીમ આપવા માટે તેની નિમણૂંક થઈ હતી.  તેનસિંગની સૂચનાથી તેની ટીમે ૨૩,૩૬૦ ફૂટ ઊંચાઈ વાળા ત્રિશૂલ શિખરને સર કરવાનું બીડું ઝડપ્યું હતું  અને બહુ ટાંચા સાધનોથી એ કામ પાર ઉતાર્યું હતું.

તરત જ ૧૯૫૯માં એવરેસ્ટ શિખર સર કરવા માટેની પહેલી ટૂકડીનો તે નેતા બન્યો હતો પણ ૨૮,૭૦૦ ફૂટની ઊંચાઈએથી એમને પાછા વળી જવું પડ્યું હતું. પણ આટલી ઊંચાઈએ સ્વદેશી અભિયાનથી પહોંચનાર પહેલો ભારતીય નરેન્દ્ર સાંઢ હતો.

       અને આમ ને આમ જ નરેન્દ્રની પર્વત પ્રીત વધતી રહી. ૧૯૬૧માં નીલકંઠ શિખર સર કરવાના અભિયાનમાં કાતિલ ઠંડીના કારણે તેના પગની ચાર આંગળીઓ થીજીને ખરી પડી હતી. પણ એવી હરકતોથી હિમ્મત હારે તો એ સાંઢ શેનો ? નંદાદેવી શિખર સર પહેલી વાર સર કરવાના ભારતીય અભિયાનને તેણે  નેતૃત્વ આપ્યું હતું . આની ચરમસીમા રૂપે ૧૯૬૫માં તેણે એવરેસ્ટ સર કરનાર પહેલી ભારતીયને નેત્રુત્વ આપ્યું હતું.

      આવી તો અનેક સિદ્ધિઓથી આ સાંઢની આખી જીવનગાથા ભરપૂર છે. એમાં એન્ટાર્કટિકાની  યાત્રા પણ સામેલ છે! લડાખમાં સિયાચીન હીમનદી વિસ્તારની એની કામગીરીના કારણે જ  ભારતીય લશ્કર ત્યાં પોતાનો કાયદેસરનો કબજો અમલમાં મૂકી શક્યું હતું. 

      ૧૯૮૪ માં નિવૃત્ત થયો  ત્યાં સુધી આ સાંઢને સતત પહાડીઓનો સાદ પ્રેરતો જ રહ્યો છે .  Indian Army’s High Altitude Warfare School. ના કમાન્ડિન્ગ ઓફિસર તરીકે તેણે આપેલી સેવાઓ કાબિલે દાદ છે. નરેન્દ્રે સિયાચીન વિસ્તારની એકઠી કરેલી સામગ્રીના આધાર પર જ ભારત સરકાર એ વિસ્તાર પર અધિકૃત કબજો જમાવવા માટેનું ઓપરેશન મેઘદૂત શરૂ કરી શકી હતી.

  અંગત જીવનની વાત કરીએ તો ૧૯૬૬ માં નરેન્દ્રે મૃદુલા સદાશિવ સાથે પ્રભુતામાં પગલાં ભર્યાં હતાં. તેમની દીકરી શૈલજા પણ પિતાના પગલે શિયાળુ ઓલમ્પિક રમતોની ખેલાડી છે. તેમનો દીકરો અક્ષયકુમાર પણ પર્વત ખેડવાના પ્રવાસનની કમ્પની ચલાવી રહ્યો છે.

  ભારત સરકારના પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ અને બીજા એવોર્ડો નરેન્દ્રને ઉચિત રીતે જ મળેલા છે. પણ સિયાચીનમાં ભારતીય લશ્કરના મુખ્ય થાણાને કુમાર બેઝ નામ આપવામાં આવ્યું છે – એ એની કામગીરીની સૌથી વધારે શાનદાર કદર છે.  

સંદર્ભ –

https://timesofindia.indiatimes.com/india/the-bull-who-secured-siachen-for-india-dead/articleshow/80061218.cms

https://en.wikipedia.org/wiki/Narendra_Kumar_(mountaineer)

પૂજારીમાંથી અબજોપતિ

 વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં   

     ૧૯૭૪ ના તે દિવસે   ૧૩ વર્ષના નરેન્દ્રે જનમંગલ સ્તોત્રનું રટણ ૫૦૦મી વખત પૂરું કર્યું. આમ તો આ સ્તોત્રના રટણથી જીવનની વિટંબણાઓ દૂર થઈ જાય છે, એમ માનવામાં આવે છે, પણ નરેન્દ્ર માટે તો તે જરૂર કલ્યાણકારી હતું. ભૂજના સ્વામીનારાયણ ગુરૂકૂળમાં ૧૦૦ રૂ. ની ફી માંડ  ભરી શકતા નરેન્દ્ર માટે ભાવિક ભક્તો માટે આ સ્તોત્ર વારંવાર ગાઈ, એમાંથી મળતી દક્ષિણાની રકમ   ગાડાનાં પૈડાં જેવડી મોટી હતી.  એ વખતે નરેન્દ્ર પાસે પહેરવાના જોડા પણ ન હતા. એક વખત તો વૈશાખના તાપથી તપેલી જમીન પર ચાલવાના ત્રાસથી છૂટકારો મેળવવા નરેન્દ્રે  મંદિરના આંગણામાંથી જોડા પણ કમને ચોરવા પડ્યા હતા.

    ૧૯૬૧ માં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામમાં જન્મેલા નરેન્દ્રને જીવનના દસ વર્ષ તો કાંઈ તકલીફ પડી ન હતી. પણ કુટુમ્બ આર્થિક ભીંસમાં આવી જતાં તે દારૂણ ગરીબીમાં ફંગોળાઈ ગયો હતો. ભણતાં ભણતાં બ્રાહ્મણ સંસ્કારોને કારણે તેને મંદિરમાં પૂજારીને મદદ કરવાનું કામ મળી ગયું હતું. એમાંથી મળતા પગારના બળથી એનો ગુજારો થઈ જતો અને ઘેર ગામડે પણ તે નાની રકમ મોકલી શકતો હતો.

     ૧૯૭૮ની સાલમાં ત્યાંથી જ તો તેને કેન્યામાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં કામ કરવાની તક મળી ગઈ. નરેન્દ્ર નૈરોબી પહોંચી ગયો અને મહિને ૫૦/- $ ના માતબર પગારના જોર પર અડધા પાંદડે થયો! બે ત્રણ વર્ષે વતનની યાદ આવતાં તે દેશ પાછો ફર્યો, પણ મંદિરની નોકરી તો છૂટી જ ગઈ. ૧૯૮૧ની સાલમાં  નસીબ અજમાવવા તેણે ફરીથી આફ્રિકા ગમન કર્યું અને નૈરોબીની નજીક આવેલ નકૂરુ ગામમાં સ્વામીનારાયણ મંદિરમાં  પૂજા અને જ્યોતિષના સહારે રોજની ભૂખ ભાંગતો થયો. આ જ અરસામાં તેને કાશ્મિરી બ્રાહ્મણ કન્યા નીતા પંડિત સાથે પરિચય થયો જે પ્રણય અને ૧૯૮૨ માં  લગ્નમાં પાંગર્યો.

પરિણિત વ્યક્તિ સ્વામીનારાયણ મંદિરમાં પૂજાનું કામ ન કરી શકે, આથી નરેન્દ્રને મંદિર છોડવું પડ્યું . પણ એક ગ્રાહકની સહાયથી એને લોખંડના હાર્ડવેર વેચતી એક દુકાનમાં નોકરી મળી ગઈ. એમાંથી હવે એને બચત પણ થવા લાગી.

     ધીમે ધીમે નરેન્દ્રના નસીબ આડેનું પાંડડું હટવા માંડ્યું. થોડાક વખત બાદ નૈરોબીના ગિકોમ્બા વિસ્તારમાં તેણે ‘સ્ટીલ સેંટર’ નામની  હાર્ડવેર  વેચવાની પોતાની નાની દુકાન શરૂ કરી. હવે એના ફળદ્રૂપ મગજમાં લોખંડના ધંધાની ગેડ બેસવા લાગી. વ્યાજબી ભાવ અને પ્રામાણિકતાના સબબે એની આવક વધવા માંડી. તેની નજર વધારે મોટા સાહસમાં ઝંપલાવવા દોડવા લાગી. આજુબાજુ રહેતી ગરીબ વસ્તીની દારૂણ હાલત જોઈ તેને થયું કે, લોખંડનાં પતરાં જો સસ્તાં બનાવી શકાય તો એ ગરીબ લોકો ઓછા ખર્ચમાં પોતાનાં ઝૂંપડાં બાંધી શકે.

     ૧૯૯૨માં  જૂના ઘરાકો અને મિત્રો પાસેથી ઉછીની મૂડી અને બેંકમાંથી લોન લઈ નરેન્દ્રે એક ઔદ્યિગિક શેડ ભાડે રાખ્યો અને પતરાં રોલ કરવાનું એક સેકન્ડ હેન્ડ મશીન લોન પર લઈ આવ્યો. એ જ શેડના એક નાના રૂમમાં પતિ પત્ની રહેવા લાગ્યાં અને થોડાક કારીગરો રાખી પતરાં રોલ કરવાનું શરૂ કર્યું. શરૂઆતના છ મહિના તો તેમને પગાર પણ આપી શકાતો ન હતો, પણ એક પ્રામાણિક માણસ અને ગુરૂ તરીકે તેની શાખના કારણે માણસો ટકી રહ્યા. નીતા ટ્રક ચલાવીને પેદા થયેલો માલ વેપારીઓના ગોદામમાં પહોંચાડવાનું અને હિસાબ કિતાબ રાખવાનું કામ કરતી હતી. પહેલા છ મહિના તો મોટી કંપનીઓ સાથે હરીફાઈમાં ઊતરવું સહેલું ન હતું . માલ ખાસ વેચાતો જ ન હતો અને ગોદામમાં માલનો ભરાવો થતો જતો હતો.

         પણ એકાએક લોખંડના ભાવમાં અભૂતપૂર્વ તેજી આવી અને એનો માલ બહુ બહોળા નફા સાથે વેચાવા લાગ્યો. બધું દેવું ચૂકવાઈ ગયું, અને ધંધો હવે પૂરઝડપે પ્રગતિ કરવા લાગ્યો.

       બસ … એ ઘડી અને નરેન્દ્રે પાછું વાળીને જોયું નથી. દેવકી સ્ટીલ ઇન્ડસ્ત્રી અત્યારે કેન્યામાં સિમેન્ટ અને સ્ટીલનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની ગણાય છે. યુગાન્ડા,  ઇથિયોપિયા અને કોન્ગોમાં પણ એનાં કારખાનાં ધમધમે છે. એના આ ઔદ્યોગિક સામ્રાજ્યમાં ૪,૦૦૦ લોકો કામ કરે છે. નિવૃત્ત થયેલા એના એક સાથીએ એની સહાયથી સ્ટીલનો વેપાર પણ શરૂ કર્યો છે. સામાજિક સેવાના કામોમાં નરેન્દ્રે લાખો ડોલરનાં દાન કર્યાં છે. નરેન્દ્ર એના જૂના સાથીઓને ભૂલી ગયો નથી. એમાંના ઘણા પણ હજુ એની સાથે છે. એમનાં બાળકોને નરેન્દ્રે શિક્ષણ અપાવ્યું છે. એ બધા એના કુટુંબીજનો જેવા બની ગયા છે.

૨૦૧૮ ની સાલમાં તેમના મિત્ર અને સાથી કૈલાશ મોટાના સૂચન અને સહકારથી નરેન્દ્રે ‘ગુરૂ’ નામની પોતાની આત્મકથા પણ લખી છે.

 સંદર્ભ –

https://en.everybodywiki.com/Narendra_Raval

http://www.coastweek.com/3837-Kul-Bhushan-Narendra-Raval-From-Priest-Palmist-and-Astrologer-to-Kenyan-Tycoon.htmhttps://www.forbes.com/sites/mfonobongnsehe/2015/01/16/the-400-million-man-of-steel-who-said-no-to-africas-richest-man/#114054b25418

પાઈલોટ નં. # ૧

      વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં   

વિમાન ચલાવવાની તાલીમ લીધા પછી મોટર વેહિકલની જેમ પાઈલોટ તરીકેનું  લાયસન્સ આપવામાં આવે છે. ભારતના પાઈલોટ નં.૧ કોણ હતા? આ રહ્યા –

જહાંગીર રૂસ્તમજી ટાટા

       ૧૦. ફેબ્રુઆરી – ૧૯૨૯ ના દિવસે ભારતના એ પ્રથમ પાયલોટ બન્યા હતા. અલબત્ત એમના જીવનમાં વિમાન ઊડાવવા કરતાં ઘણી મોટી ઘટનાઓ બની હતી અને ઘણી મોટી સિદ્ધિઓ તેમણે પ્રાપ્ત કરી હતી. એર ઇંડિયાની સ્થાપના તો તેમના કાર્યકાળની એક સાવ નાની બાબત રહી છે.  પણ એમના જીવનની આ ઓછી જાણીતી ઘટનાની જાણ વાચકોને કરવી છે.

       ઇસ્માઈલી ખોજા સમાજના વડા નામદાર આગાખાને વિમાન ચલાવવાની કુશળતાનો ભારતમાં વ્યાપ થાય એ ઈરાદાથી ૫૦૦ પાઉન્ડના એક ઈનામની જાહેરાત કરી હતી. ભારત અને ઇન્ગ્લેન્ડ  વચ્ચે એકલા હાથે વિમાન ઊડાવી સૌથી પહેલાં સફર પૂરી કરનાર  પાયલોટને તે ઈનામ એનાયત કરવામાં આવનાર હતું. ૧ જાન્યુઆરી -૧૯૩૧ સુધીમાં આ સ્પર્ધા જારી રહેવાની હતી. 

      પચીસ  વર્ષની ઉમરના જહાંગીરે આ બીડું ઝડપી લીધું. એ વખતના અખંડ ભારતમાંથી ત્રણ જણે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઝંપલાવ્યું હતું. જહાંગીર ઉપરાંત રાવલપિંડીના સિવિલ એન્જિનિયર મનમોહનસિંહ અને કરાંચીના એસ્પી મેરવાન એન્જિનિયર પણ  આ સ્પર્ધાના ઉમેદવાર હતા. જહાંગીર કરાંચીથી લન્ડન ઊડવાના હતા; જ્યારે બાકીના બે લન્ડનની ભારત. મનમોહન સિંહે આ માટે બે પ્રયત્નો કર્યા હતા. પણ બન્નેમાં એમના વિમાનને અકસ્માત ઊતરાણ કરવું પડ્યું હતું અને તેઓ સફર પૂરી કરી શક્યા ન હતા. 

        પણ ૧૭ જ વર્ષના  એસ્પી વધારે નસીબવાન હતા. ૨૫ એપ્રિલ ૧૯૩૦ ના રોજ એ લન્ડનથી  ઊડ્યા હતા. લિબિયાના બેન ગાઝીમાં એમના પ્લેનને તકલીફ નડી હતી. છતાં એ બેળે બેળે ઇજિપ્તના અલેક્ઝાન્ડ્રિયા તો પહોંચી જ ગયા હતા. પણ એમના વિમાનને જરૂરી સ્પાર્ક પ્લગ ત્યાં મળે તેમ ન હતું. ઘણા બધા દિવસો સુધી પ્રયત્નો કર્યા છતાં એમને જરૂરી સ્પાર્ક પ્લગ ઇજિપ્તમાંથી મળી શકયા ન હતા અને તે નિરાશ થઈ ગયા હતા.  

    આ જ ગાળામાં જહાંગીર કરાંચીથી ૩ જી મે – ૧૯૩૦ના રોજ નીકળ્યા હતા. એમને પણ માર્ગમાં ઘણી તકલીફો પડી હતી. પણ એ બધી પાર કરતાં  તેઓ પણ અલેક્ઝાન્ડ્રિયાના એરપોર્ટ પર પહોંચી ગયા. એમના આશ્ચર્ય વચ્ચે એમને બીજું વિમાન ત્યાં પાર્ક કરેલું જોવા મળ્યું. નિરાશ વદનના એસ્પીએ જહાંગીરને પોતાની સમસ્યા જણાવી. વિમાન ચલાવવા ઉપરાંત આવી તકલીફો માટે જહાંગીરની તૈયારી વધારે આયોજનપૂર્વકની હતી. એમની પાસે આવી તકલીફો માટે ઘણી બધી પૂર્વ તૈયારી હતી. તેમણે ખેલદિલીપૂર્વક પોતાની પાસેના આઠ સ્પાર્ક પ્લગમાંથી ચાર એસ્પીને આપ્યા. બન્ને હસ્તધૂનન કરીને છૂટા પડ્યા.  એસ્પીએ ભારત તરફ અને જહાંગીરે લન્ડન તરફ પોતપોતાની સફર શરૂ કરી.

   પણ જહાંગીરના વિમાનમાં ઇટાલીના નેપલ્સ  નજીક તકલીફ   ઊભી થઈ અને તેમણે ત્યાં ઊતરાણ કરવું પડ્યું. એ મિલિટરીનું એરપોર્ટ હતું અને ત્યાં એમને ઊતરાણ કરવા અને ફરી ઊડવા પરવાનગી મેળવવામાં ચાર કલાક વીતી ગયા. આના કારણે એસ્પી એમના કરતાં વહેલાં ભારત પહોંચી ગયા અને વિજયી જાહેર થયા! માત્ર અઢી કલાક મોડા પહોંચવાના કારણે જહાંગીરે એ તક ગુમાવી. પણ જે આર.ડી.ની  ખાનદાનીની આ ગાથા અમર બની ગઈ. 

        એ દિલાવરીની વાત હજી પૂરી નથી થઈ. આ ઘટનાના ૨૭ વર્ષ બાદ –  ૧૯૫૭માં   જહાંગીરે સ્થાપેલી એર ઇંડિયાની રજત જયંતિના ટાણે એસ્પીએ જહાંગીરને મુબારકબાદીનો સંદેશ મોકલ્યો હતો. એ  વખતે જહાંગીર તો ટાટા ગ્રુપના ચેરમેન પદે  હતા અને એસ્પી પણ ભારતના હવાઈ દળના એર વાઈસ માર્શલ પદે વિરાજમાન હતા.

       એ સંદેશાના જવાબમાં જહાંગીરે પણ એ યાદ કર્યું હતું કે, સ્પર્ધા પત્યા બાદ જહાંગીર પાછા ભારત આવ્યા અને કરાંચીમાં ઊતરાણ કર્યું ત્યારે એર ફોર્સમાં જોડાયેલા એસ્પીએ એમના કેડેટો સાથે એમનું સ્વાગત કરી બહુમાન કર્યું હતું.

     આવી  ખેલદીલી અને દિલાવરી જ મહાન માણસોની ખરેખરી મહાનતા નથી વારુ?

પ્રતિકૂળમાંથી અનુકૂળ

વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં    

         બાળપણથી જ  તેની કેટલી બધી યશસ્વી કારકિર્દી હતી? કેટકેટલાં સપનાં હતાં? હા! ભુપેન્દ્ર ત્રિપાઠી બહુ તેજસ્વી વિદ્યાર્થી હતો. સુરતમાંથી એનું ભણતર શરૂ થયું પણ પિતાને  મુખ્ય ઇન્કમ ટેક્સ કમિશ્નર તરીકે બઢતી મળતાં કુટુંબ સાથે એ કલકત્તા પહોંચી ગયો. ફરીથી મેટ્રિક વખતે તે ગુજરાત પાછો આવ્યો અને CBSE ની પરીક્ષા  ઉચ્ચ કક્ષાએ પસાર કરી.  અમદાવાદની નિર્મા યુનિ.માંથી આઈ.ટી. નિષ્ણાત તરીકે તે બહાર પડ્યો, ત્યારે નામાંકિત  ટાટા કન્સલ્ટન્સી સર્વિસમાં તરત નોકરી પણ મળી ગઈ. ત્યાં પણ એનું હીર ઝળકી ઊઠ્યું. ફિંન્લેન્ડની નોકિયા કંપનીમાં બહુ જટિલ પ્રોજેક્ટ માટે તેની નિમણૂંક પણ થઈ ગઈ.

       પણ વિધાતાનો એક જ ફટકો અને એનાં બધાં સપનાં ચકનાચૂર બની ગયાં. ફિંન્લેન્ડનો વિસા તો હજુ આવ્યો પણ ન હતો  અને ભુપેન્દ્રને ચક્કર આવવાં શરૂ થઈ ગયાં. આખા શરીરમાં અશક્તિ જ અશક્તિ.  એક દિવસ તે બાથરૂમમાં પડી ગયો. પથારીમાં તે  પગનો અંગૂઠો પણ હલાવી શકતો ન હતો. તબીબી પરિક્ષણ પછી ખબર પડી કે, તેની કરોડરજ્જુમાં તકલીફ છે.  બાયોપ્સીના પરિક્ષણ પછી એ પણ ખબર પડી કે, તેમાં કેન્સરની ગાંઠ છે અને તે પણ છેલ્લા તબક્કાની. તે દોઢ મહિનાથી વધારે જીવી નહીં શકે! જીવલેણ કેન્સરના ભયાનક અજગરનો ભરડો તેની આખી કરોડરજ્જુ, પેન્ક્રિયાસ, લીવર અને આંતરડાંમાં ફેલાઈ ચૂક્યો હતો.

        આખા કુટુંબ પર આભ જ ટૂટી પડ્યું.

       મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં કેન્સરની ગાંઠ કાઢી નાંખવાનું નક્કી થયું. પણ તે અમદાવાદ છોડે એ પહેલાં જે તેને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. જીવન બચાવવા માટેની અને સ્ટેરોઇડ દવાઓના મારા સાથે આશ્ચર્ય જનક રીતે તેના પગના અંગૂઠામાં જાન આવવા માંડ્યો. ડોક્ટરો પણ આ ફેરફાર જોઈ સ્તબ્ધ બની ગયા. થોડાક દિવસ માટે તેની સ્થિતિ પર નજર રાખવાનું નક્કી થયું.

       અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં તેની સારવાર શરૂ થઈ; જે એક વર્ષ ચાલુ રહી. ત્યાં સારવાર દરમિયાન કોઈ તેને દર્દી કહે, તો તે પસંદ કરતો ન હતો . પોતાની જાતને એક અડગ યોદ્ધો જ તે માનતો હતો. એની આ ખુમારી આગળ જીવલેણ કેન્સરને પણ ઝૂકી જવું પડ્યું.  હવે એને કેન્સરથી વિમુક્ત જાહેર કરવામાં આવ્યો . જાણે કે, વિધાતા ફરીથી એને માટે સોનાના દરવાજા ખોલી રહી હતી. માતાની પ્રાર્થનાઓ જાણે કે, કશુંક અદભૂત  કામ કરી રહી હતી.

        પણ આ શું? કેમો થેરાપીના કારણે ધીમે ધીમે તેની આંખોનું તેજ હણાવા માંડ્યું હતું.  સૌથી ઊંચા નંબરના ચશ્માં પહેરવા છતાં, તેને બધું ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું. વિધાતાનો એક ઓર ફટકો અને ભુપેન્દ્ર  પૂર્ણ રીતે અંધ બની ગયો.  કેન્સરની સારવાર દરમિયાન યોધ્ધાની જેમ ઝઝૂમેલા ભુપેન્દ્ર માટે આ અસહ્ય આઘાત હતો. તે બચી ગયો હતો, પણ આખી જિંદગી અંધાપામાં  શી રીતે પસાર થશે? ઘેરી  નિરાશાના ગર્તામાં તે સરી પડ્યો. તેણે તેની સારવાર કરતા ડો. આલાપ ગઢવીને બધી સારવાર બંધ કરી દેવા કહ્યું.

       પણ ડો. આલાપ તેને પોતાના પિતા કૈલાસ ગઢવી પાસે લઈ ગયા. તે સંગીતના શિક્ષક હતા અને બ્રેઈલની તાલીમ પણ આપતા હતા. હવે  ભુપેન્દ્રની બ્રેઈલ તાલીમ શરૂ થઈ. તેની જીજીવિષા પણ ફરી જાગી ઊઠી. એક  ભાષામાં બ્રેઈલ શીખતાં સામાન્ય અંધજનને એક વર્ષ લાગી જાય. પણ આંતરિક જાગૃતિથી ફરી બળવાન બનેલો ભુપેન્દ્ર   પાંચ જ મહિનામાં ગુજરાતી,  હિન્દી અને અંગ્રેજી બ્રેઈલ શીખી ગયો!

      તેણે ફિઝિયોથેરાપી શીખવા વિચાર્યું. પણ તેની માનસિક ક્ષમતા જોઈ એક પ્રોફેસરે તેને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા સૂચવ્યું . આ સૂચને ભુપેન્દ્રની જિંદગીને એક નવો જ વળાંક આપી દીધો. તેણે રોજના પંદર પંદર કલાક દિવ્યાંગો માટેના કોમ્પ્યુટર પર તાલીમ લેવા માંડી. એના પ્રતાપે,  એક પછી એક ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ તે ઉચ્ચ કક્ષામાં પસાર કરવા લાગ્યો.

   આના પ્રતાપે ૨૦૧૫ માં તેને રિઝર્વ બેન્કમાં મદદનીશ ઓફિસર તરીકે નોકરી પણ મળી ગઈ. નોકરીમાં હજુ એક મહિનો માંડ વીત્યો હશે અને તેને મેનેજરના સ્થાન માટે ઇન્ટરવ્યૂની તક સાંપડી.  અલબત્ત તેમાં તેને ઝળહળતી સફળતા મળી. ચેન્નાઈમાં ચાર મહિનાની તાલીમ અને ૨૦૧૬ માં અમદાવાદની રિઝર્વ બેન્કમાં પ્રજ્ઞાચક્ષુ ભુપેન્દ્ર   મેનેજર બની ગયો!

     વધારે ઉચ્ચ જવાબદારી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પસાર કરવાની ભુપેન્દ્રની આગેકૂચ તો હજુ પણ જારી જ છે.    તેની બેમિસાલ અને સફળ કારકિર્દી પર ઘણાંની નજર પડવા માંડી અને ઘણી જગ્યાએ તેને વ્યાખ્યાનો માટે બોલાવવાનું  શરૂ થઈ ગયું . એનો આ  એક જ વિડિયો જોઈ લો …

ભુપેન્દ્ર   કહે છે –

     ”પાયાની અશક્તિ માણસના મનમાં હોય છે. એ ઊંબરો અતિક્રમી જાય, એના માટે ભાવિનાં દ્વાર ફટાબાર ખુલ્લા થઈ શકે છે. તમારી અશક્તિઓ નહીં , પણ તમારી શક્તિઓ પર ધ્યાન કેંદ્રિત કરો.“

સંદર્ભ –
https://www.thebetterindia.com/60714/bhupendra-tripathi-cancer-ahmedabad/

ભારતીય એડિસન

વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં    

ભારતીય અને એડિસનની જ ધરતી અમેરિકામાં!

    હા! ગુરતેજ સાંધુએ અમેરિકામાં આલ્બર્ટ આલ્વા એડિસન કરતાં ૩૦% વધારે પેટન્ટો હાંસલ કરી છે – ૧૩૪૦ પેટન્ટ [ એડિસનની પેટન્ટો – ૧૦૯૩]

     ૨૪, ઓક્ટોબર – ૧૯૬૦ ના રોજ લન્ડનમાં ભારતીય માબાપ સરજિત અને ગુરમિત સાન્ધુના  ઘેર જન્મ લીધેલ ગુરતેજ ત્રણ વર્ષનો હતો ત્યારે માબાપની સાથે ભારત પાછો આવ્યો હતો. નાનપણથી જ તેને રમકડાં અને અન્ય સાધનો તોડીને એમની રચના જાણવાનો શોખ હતો. ઉમર વધતાં આ શોખ સાધનો રિપેર કરવામાં રૂપાંતર પામ્યો. આ તેના સંશોધન ક્ષેત્રમાં સફળતાનું મૂળ હતું. આમને આમ આગળ વધતાં  I.I.T. -New Delhi માંથી તેણે એમ.એસ.સી. ની ડીગ્રી મેળવી હતી.

     ૧૯૮૫ માં તે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા  આવ્યો અને ઉત્તર કેરોલિના રાજ્યની ચેપલ હીલ યુનિ. માંથી ભૌતિક શાસ્ત્રમાં પી.એચ.ડી. ની ડીગ્રી મેળવી લીધી.

    ૧૯૮૯ની સાલમાં ઇડાહો રાજ્યના બોઇસ શહેરમાં આવેલી માઇક્રોન સેમી કન્ડક્ટર કં. માં તે સંશોધન કરવા જોડાયો અને ત્યારથી એની સંશોધન યાત્રા શરૂ થઈ ગઈ. હવે તો તે માઇક્રોનની સંશોધન શાખાનો વાઈસ પ્રેસિડેન્ટ છે.

  ગુરજિતે મેળવેલી પેટન્ટો વિશે  અહીંથી જાણકારી મેળવી શકશો.

    આપણે રોજે રોજ વાપરીએ છીએ તે ડિજિટલ મિડિયાના મૂળમાં કામ કરતી માઇક્રો પ્રોસેસર ચીપ એ એના સંશોધનોની એરણ છે –  માઇક્રોસ્કોપમાંથી જ એની ડિઝાઇન જોઈ શકાય! એ બધાનાં  ટેક્નિકલ નામ છે-

Thin film processes and materials, VLSI and semiconductor device fabrication, DRAM and NAND chips

   ગુરતેજના એક ભાષણમાંથી …

      ૨૦૧૮ ની સાલમાં અમેરિકાની ઇલેક્ટ્રોનિક્સ એન્જિ.ની માનક  સંસ્થા તરફથી તેને બહુ પ્રતિષ્ઠિત એન્ડ્રુ ગ્રોવ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.   (IEEE Andrew S. Grove Award )

   તેણે સંશોધનની સાથે પોતાની માતૃ સંસ્થામાં પણ વિદ્યાર્થીઓ અને સંશોધન કરતા વૈજ્ઞાનિકોને ઉત્તેજન આપવાનું ચાલુ રાખ્યું છે.

સંદર્ભ
https://www.thebetterindia.com/194656/gurtej-sandhu-indian-origin-inventor-more-patents-than-edison-inspiring/

https://en.wikipedia.org/wiki/Gurtej_Sandhu

https://prabook.com/web/gurtej_singh.sandhu/3507570

ભુવન ભુવન માડી…

કવિ – શ્રી. અંબાલાલ પટેલ

ભુવન ભુવન માડી તારી જ્યોતિના ઝણકાર
દીલડે દીલડે તે માના દીવડા.
હાં રે માડી! દીલડે દીલડે તે તારા દીવડા.

માડી! મેઘનો માંડેલ તારો માંડવો
ઝબૂકે વીજળીની વેલ(2), રુમઝુમતા તારલાના ફુલડાં
ઇન્દુ સીંચે અમીની હેલ(2),
આભલે આભલે તે માના દીવડા – હાં રે માડી ……

માને આભલાની આછી આછી ચૂંદડી
માને ઉગતી ઉષાની લાલ ટીલડી,
માને વસુધાના વાસંતી શ્રુંગાર, સાતે સાગરની માને ઝાંઝરી,
ઝમકે યુગ યુગને દ્વાર, ઝમકે બ્રહ્માંડોની પાર,
યુગ યુગને ગોખ માના દીવડા. – હાં રે માડી….

બ્રહ્માંડ બ્રહ્માંડના ચોકમાં
માડીના ગરબા ગવાય, માડીની માંડવડી મંડાય,
ગરબે ઘૂમે છે ચોસઠ જોગણી
ઘૂમે સૃજનની વસંત(2), દીશા ને કાળ સૌ ઘૂમી સૌ ઘૂમી રહ્યા.
ગરબો ઘૂમ્યો છે અનંત(2)
ગરબે ગરબે તે માના દીવડા – હાં રે માડી….

           સદ્  ગત શ્રી. અંબાલાલ પટેલ મારા બાપુજીના વડીલ મિત્ર હતા.  યોગસાધક અને કવિ એવા મહાન આ વ્યક્તિ કોઇ પ્રસિધ્ધિમાં માનતા ન હતા. ખાસ મિત્રોએ  ભેગા મળી તેમના ગરબાઓ અને સ્તુતિઓનું એક પુસ્તક ‘  વેણુના નાદ ‘  છપાવ્યું હતું , અને મિત્રો વચ્ચે જ વહેંચ્યું હતું. સરસ સોનેરી પુંઠાવાળું તે પુસ્તક અમારા ઘરની લાયબ્રેરીમાં એક મૂલ્યવાન ઘરેણું હતું. ગાંધીયુગના અનેક કવિઓની જેમ તેમની રચનાઓમાં ગુજરાતના મહાકવિ ન્હાનાલાલની શૈલીનો બહુ જ મોટો પ્રભાવ હતો. ઉપરની સ્તુતિ મારા બા -બાપુજી ઘરની સાયમ્ પ્રાર્થનામાં અમને ઘણી વાર ગવડાવતા. ઇશ્વરના રૂપની આ કલ્પના કેટલી રોચક અને મહાન લાગે છે?

         તેમની એક બીજી રચના ‘લીપી’ તો બહુ જ મોટું કાવ્ય હતું – ચાર ચાર લીટીનો એક એવા લગભગ 100 શ્લોકો જેટલું લાંબું. શુધ્ધ ‘ વસંત તિલકા’ છંદમાં લખાયેલ એ કાવ્યમાં સૃષ્ટિની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિનું બહુ જ વિદ્વત્તાથી પ્રચૂર વર્ણન હતું. મને તેની પહેલી આઠ લીટીઓ હજુ યાદ છે તેના સહારે તે લીટીઓ નીચે લખું છું –

વિરંચિએ વિપુલ વેલ વિરાટ વાવી
વેર્યું વરેણ્ય વિભુ વર્ચસ વ્હેણ વ્હેતું
એ વ્હેણના અમીત ભર્ગની જ્યોતિ જાગી
ને પૃથ્વીને પ્રથમ પ્રાણ પીયૂષ પાયાં.

સત્કારીએ પીયૂષને નિજ સત્વ સત્વે,
વિકસી વિલોલવતી વેલ વસુંધરાની.
વિશ્વે સજી સુભગ સુંદર કોઇ ગાથા,
લીપી લખાણી નભના નિધિનીરમાં જ્યાં.

       સૃષ્ટિના આરંભકાળની આ પરિકલ્પના એક ઊંડાણથી ભરેલા દર્શન જેવી છે.

       અત્યંત માન અને ગૌરવની ભાવનાથી મને જણાવતાં આનંદ થાય છે કે, ચાર ચોપડી ભણેલી મારી માને એ સો યે સો શ્લોક કંઠસ્થ હતા – તેના અર્થની પૂરી સમજ સાથે.  એવી મારી માની યાદમાં નતમસ્તક હું આ રચના તેને અર્પણ કરું છું.

દિવ્યાંગ દિવ્યાની પ્રતિભા

વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં

     સુજલે પતિ રવીન્દ્રને કહ્યું ,”ચોક્કસ દિવ્યા જોઈ શકતી નથી.”  ડો. રવીન્દ્ર આ વાત માની ન શક્યા. સુજલ પણ ડોક્ટર જ હતી – એનેસ્થેટિસ્ટ. અને રવીન્દ્ર? – આંખનો જ સર્જન! મુંબઈ નજીક વસાઈમાં બન્નેની ધીકતી પ્રેક્ટિસ ચાલતી હતી. પણ એમને માથે આભ ટૂટી પડ્યું. દિવ્યા – માત્ર એક જ મહિનાની, પરાણે વ્હાલી લાગે એવી ઊગી રહેલી કળી અને જીવન ભરનો કારમો અંધાપો.

      બીજા જ દિવસે ડો. રવીન્દ્રે જાતે દિવ્યાની આંખ તપાસી જોઈ. તેના જ્ઞાન મુજબ તેને ખાતરી થઈ ગઈ કે, આંખને મગજ સાથે જોડતા જ્ઞાનતંતુમાં જન્મજાત ખામીના કારણે દિવ્યા જિંદગીમાં કદી જોઈ નહીં શકે. ડો. રવીન્દ્ર દિવ્યાને મુંબઈના શ્રેષ્ઠ સર્જનો પાસે લઈ ગયા. પણ આશાનું કોઈ જ કિરણ દિવ્યાની અંધાર કોટડીને અજવાળી શકે તેમ ન હતું. અઠવાડિયા સુધી સુજલ અને રવીન્દ્ર માટે ઊંઘ હરામ થઈ ગઈ. શી રીતે દિવ્યાની આખી જિંદગી પસાર થશે? શી રીતે?

      પણ આ આપત્તિ સામે  ઝૂકે એવા એ દમ્પતિ ન હતાં. આ દુઃસહ્ય આઘાતને એમણે જીરવી લીધો અને નિર્ધાર કર્યો કે, દિવ્યાના વિકાસમાં સહેજ પણ પાછી પાની કરવાની નથી.

૨૦૦૨

  વસાઈની સેન્ટ પિટર હાઈસ્કૂલમાંથી દિવ્યાએ ૮૭ % માર્ક સાથે એસ.એસ.સી.ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે અને અંધજનો માટેની રાષ્ટ્રીય સંસ્થાએ (NAB) તેનું બહુમાન કર્યું છે. શાળાના બધાં વર્ષોમાં દિવ્યા અવ્વલ નંબર જાળવતી આવી છે.  કે.જી. માં દાખલ પણ નહોતી થઈ ત્યારથી સુજલ મોટી દીકરી અદિતિને  ભણાવતી હોય ત્યારે દિવ્યા તેની લગોલગ બેસીને નવું નવું જાતે શીખી લેતી. આ કારણે એને સીધો પહેલા ધોરણમાં પ્રવેશ મળી ગયો હતો. ભલે કુદરતે એને દૃષ્ટિનું સૌભાગ્ય આપ્યું નથી, પણ તેને  અંતરની ચબરાક આંખ આપી છે.

     ભણતરની સાથે સાથે એને સંગીત માટે પણ ગજબની લગની છે. અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી તે કંઠ્ય સંગીતની પાંચ પરીક્ષાઓ પણ પસાર કરી ચૂકી છે, અને હાર્મોનિયમ સરસ રીતે બજાવી શકે છે.

   સુખી માબાપની સાથે દિવ્યા માથેરાન, મહાબળેશ્વર, કોડાઈકેનાલ અને સિંગાપુર પણ ફરી આવી છે. દરેક સ્થળના અવાજો અને સુગંધો પંદર વર્ષની આ કિશોરીના દિલો દિમાગમાં તરબતર છે. પૂણેમાં ડોકટર થવાની ખ્વાહેશ રાખી ભણતી બહેન અદિતિની જેમ દિવ્યાને પણ લોકોની સેવા કરવાના અભરખા છે. આ માટે તેણે ફિઝિયોથેરાપીની તાલીમ આપતી અંધ જન સંસ્થામાં પ્રવેશ મેળવી લીધો છે. બે વર્ષમાં તેને એનો ડિપ્લોમા મળી જવાનો છે.

૨૦૨૦   

      દિવ્યાની ગાયકી પણ મરાઠી ફિલ્મમાં ઝળકી ઊઠી છે. શરીરનાં અંગોનાં દાન બાબત સર્જાયેલી મરાઠી ફિલ્મ ‘વિકુન તાક’ ફિલ્મ માટે તેણે ‘ ચંદવા…’ શબ્દ વાળું  એક સુમધુર ગીત ગાયું છે. એન જ પ્રતાપે દિવ્યાનો ડંકો મિડિયામાં ગાજતો થયો છે.   

      અલબત્ત તકલીફમાં હોય એવા લોકોની સુશ્રુસા કરવાનું તેનું સ્વપ્ન પણ સાકાર થયું જ છે. વસાઈમાં જ તેનું પોતાનું ફિઝિયોથેરાપી ક્લિનિક છે.

દિવ્યાની દિવ્ય દૃષ્ટિને સો સલામ

સંદર્ભ –

http://timesofindia.indiatimes.com/articleshow/21588201.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

https://www.outlookindia.com/newsscroll/visuallychallenged-singer-records-for-marathi-film/1707290