સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: ઐતીક

અધ્યાત્મ

       હમણાં આ વીશય ગદ્યસુર પર ઠીક ઠીક ચર્ચાયો. આ વીશય ઉપર માનવજાતના દરેક પ્રદેશમાં હજારો વર્શોથી અસંખ્ય પુસ્તકો લખાયા છે; અનેક ભકતો, સંતો, કવીઓ, વીચારકો, દાર્શનીકોએ આ વીશયમાં અનેક દ્રશ્ટીબીંદુઓ રજુ કર્યા છે, ચર્ચ્યા છે. આ બાબતમાં આ નાનકડી પીઠીકા ઉપર કાંઈક લખવું તે અનધીકાર ચેશ્ટા છે.

      પણ મારા વીચારોની રજુઆત કરવી, એ મને મારો ધર્મ લાગ્યો માટે અહીં થોડીક મુદ્દાની વાતો પર મારા વીચારો સંક્ષીપ્ત રીતે રજુ કરવા છે. વાંચનારના એ સાથે સહમત કે અસહમત હોવાના અધીકારનો હું પુર્ણ રીતે આદર કરું છું. મુકત મને કોઈની પણ સાથે તે ચર્ચવા મારી પુર્ણ તૈયારી છે. મારી વીચાર પદ્ધતીમાં એનાથી નવો પ્રકાશ પડશે; તે માટે આ વીચારોની સાથે અસહમત થનારનો આગોતરો આભાર માની લઉં છું.

—————-

         માણસના મનના વીકાસ સાથે જ્યારે તેની વ્રુત્તીઓએ પ્રાણીજગતની વ્રુત્તીઓથી સહેજ ઉર્ધ્વગતી કરી હશે ત્યારથી જ કદાચ તેને આ પાયાના પ્રશ્નો થવા માંડ્યા હશે.

  1. હું કોણ છું ?

  2. જીવન અંત પામે પછી ‘હું’ નું શું થાય છે?

  3. આ વીશ્વની બધી ચીજો અને ખાસ તો સજીવ સ્રુશ્ટી કોણે બનાવી છે?

          આ પ્રશ્નોના અસ્તીત્વ વીશે કોઈ બેમત નથી. વીજ્ઞાન તેમ જ અધ્યાત્મ બન્ને માટે.  વીજ્ઞાન પાસે આ પ્રશ્નોનો કોઈ ઉકેલ હજુ નથી. અદ્યાત્મના ક્ષેત્રમાં આખા વીશ્વમાં અનેક વીચારકોએ આ બાબતમાં પોતાના વીચારો કે કલ્પનાઓ રજુ કર્યાં છે. સમસ્ત વીશ્વના ખુણેખાંચરે, એક બીજાથી સાવ અલગ રીતે આમ થયું છે. સંસ્ક્રુતીના આરંભકાળથી સુમેર પ્રજા, ઈજીપ્તની સંસ્ક્રુતી, સીંધુ નદીની સંસ્ક્રુતી, હીન્દુ, તાઓ, ઝેન,  જાપાની, યહુદી. ગ્રીક, રોમન, ખ્રીસ્તી, મુસ્લીમ, જૈન, બુધ્ધ, જરસ્થુસ્તી … અરે માઓરી, એસ્કીમો, આદીવાસી અને હબસી પ્રજાઓએ પણ આ બાબતમાં પોતપોતાની આગવી વીચાર ધારાઓ સર્જાવી છે. આના આધારે જાતજાતના ઈશ્વરોની કલ્પનાઓ, વીશ્વાસો , મુર્તીઓ, અમુર્તીઓ માણસજાતમાં અસ્તીત્વમાં આવ્યાં છે. દરેક માણસ તેની શ્રદ્ધા પ્રમાણે આમાંની કોઈ ને કોઈ માન્યતા સાથે સંકળાયેલો છે. કોઈક આ બાબતમાં સાવ નાસ્તીક પણ છે. લેખીત સાહીત્ય, શીલ્પ, ચીત્ર, સંગીત, ન્રુત્ય આ બધી લલીત કળાઓમાં વીશ્વભરમાં આ માન્યતાઓના આધાર પર ઘણું સર્જન થયું છે અને થતું રહેશે. કદાચ આ દરેક ક્ષેત્રમાં આ માન્યતાઓના આધાર પર સૌથી વધારે રચનાઓ થયેલી છે.

        આથી માત્ર તર્કના આધારે કોઈ એમ કદાપી કહી ન શકે કે, આમાંની કોઈ પણ માન્યતા ખોટી છે. આ વીશય તર્કથી પર છે, અને રહેશે જ; એ નીર્વીવાદ છે. એ શ્રધ્ધાનો વીશય વધુ છે. કોઈ એમ કહે કે આ માન્યતાઓ ખોટી છે અને તેમને દુર કરો, તો તેમ કદાપી થશે નહીં. કોઈ તે માનશે પણ નહીં.

          ઉલટાનું વીજ્ઞાન પણ એ ધીમે ધીમે સ્વીકારવા લાગ્યું છે કે, કોઈક આધીભૌતીક તત્વ કે સીસ્ટમ છે. થોડા વખત પર ‘ રીડર્સ ડાયજેસ્ટ’  માં એક લેખ વાંચ્યો હતો, ‘ Are we wired for divinity?’ એમાં ઈ.ઈ.જી. ના આધારે એમ પ્રતીપાદન કરેલું હતું કે, જ્યારે માણસ બહુ તાણમાં હોય, ત્યારે તેના મગજનું એક કેન્દ્ર અત્યંત ઉત્તેજીત થાય છે. ધ્યાન કે પ્રાર્થના કરવાથી તેની ઉત્તેજના ઘણી ઓછી થાય છે. આમ કેમ થાય છે તેનો કોઈ જવાબ હજુ મળ્યો નથી. પણ કાંઈક કારણ તો હશે જ , તેમ માનવું સાવ તાર્કીક છે. વીજ્ઞાન એ તો હમ્મેશ સ્વીકારે છે કે, કોઈ પણ ઘટના કારણ વીના ઘટતી નથી. દરેકની પાછળ એક કે વધુ પરીબળો કામ કરતાં હોય છે.

           આ જ રીતે અમુક એક માન્યતા જ સાચી છે; એમ માનવું પણ બહુ ભુલભરેલું છે. આવી ભુલભરેલી માન્યતાઓને કારણે  વીશ્વમાં સૌથી વધારે અનર્થો, ગેરસમજુતીઓ, યુધ્ધો, વ્યથાઓ, અન્યાયો સર્જાયા છે. અને આવી જ માન્યતાઓના આધાર પર વીવીધ ધર્મો અસ્તીત્વમાં આવ્યા છે. કદાચ આને કારણે ધર્મો અને ધાર્મીક સંસ્થાઓ વગોવાયાં પણ છે.

          આથી મારા પોતાના માટે મેં એમ વીચાર્યું છે કે, આ બધી તરખડમાં શા માટે પડવું? જીવન કેટલું ટુંકું અને અમુલ્ય છે? તેની એક પણ ક્ષણ આવા વીવાદ માટે શા માટે ખર્ચું? મારા જીવનનો એક નાનકડો ટુકડો – આજનો દીવસ, આ ક્ષણ જો સભર રીતે જીવું, કોઈને મદદરુપ બની જીવું; આનંદનો, સમજદારીનો, ભાઈચારાનો વ્યાપ થાય તેમ જીવું તો ય ઘણું છે. આત્મા અને પરમાત્મા તેમનું સંભાળી લેશે. મારે તેમની કોઈ ચીંતા કરવાની જરુર નથી. અને એ કહેવાતો પરમાત્મા એટલો તો  મોટો છે કે તે મારી બાથમાં ક્યાંથી આવે? એ સર્વશક્તીમાનને લાયક હું હોઈશ કે બનીશ , તો તે સમજદાર જણ જરુર કાંઈક સારું જ કરશે. હું કોઈ માન્યતામાં વીશ્વાસ રાખું, પણ તેના પાયાના સીધ્ધાંતોનું પાલન ન કરું, એ તો અપ્રામાણીકતા છે. માટે પ્રામાણીક રીતે આવી કોઈ પણ વીચારધારાથી દુર રહેવાનું મને વધુ યોગ્ય લાગે છે.

   અને મોટા પરીપ્રેક્ષ્યમાં, સામાજીક ક્ષેત્રે વીચાર અને વર્તન વચ્ચે આભ જમીનનું અંતર જોઈ મન કકળી ઉઠે છે. લોકો સાવ સામાન્ય તર્કને પણ બાજુએ મુકી કેવળ અંધશ્રધ્ધામાં સબડે છે અને હાથે કરીને દુખી થાય છે ત્યારે અંગત રીતે મને બહુ જ દુખ થાય છે. પ્રત્યેક જાતી, ધર્મ અને પ્રદેશમાં,  જે લોકો અને સંસ્થાઓ સમાજને આ બાબતમાં દોરવાનો, માર્ગદર્શન આપવાનો દાવો કરે છે;  તે જ વ્યક્તીઓ અને સંસ્થાઓને જ્યારે  લોકોની શ્રધ્ધાનો આ બાબતોમાં પોતાના સ્વાર્થી લાભ માટે દુરુપયોગ કરતાં જોઉં છું; ત્યારે તેની સામે ચુપ બેસી રહેવું તે મને મારી નૈતીક નબળાઈ, અપ્રામાણીકતા લાગે છે.  આની  સામે મારો આક્રોશ વ્યક્ત ન કરું અને મારું સંભાળીને બેસી રહું તે મને મારી કેવળ કાયરતા લાગે છે. એ કાયરતામાંથી ઉભા થઈ મારી તતુડી વગાડવાના મારા અધીકારનો ઉપયોગ કરવાનો આ  એક પ્રયાસ છે.

       ઉપર જણાવેલા પાયાના બે ત્રણ મુદ્દાઓ પર મારા વીચારો … આવતા અંકોમાં ….