સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: Add new tag

પાનખર અને અભીપ્સા – એક અવલોકન

     પાછી પાનખર આવી ગઈ છે. વસંતમાં મ્હાલેલું અને ઉનાળાની ગરમીમાં તપેલું એ ઝાડ હવે સાવ બોડું બની ગયું છે. તેની સુક્કી ડાળીઓ પર હવે એક પણ પાન કે અંકુર નથી. તેની ચેતના સુષુપ્ત બનીને, ઠીંગરાઈને, ટુંટીયું વાળીને સુતી છે.

    સુસવાટા મારતા પવનમાં સુસવાતી;   ઠંડીની તીખી તલવારના જલ્લાદી ઘા જીરવતી;  ઠંડાગાર વરસાદની ઝાપટોમાં ઝપટાતી; કદીક સ્નો, બરફ અને હીમકણોમાં થથરાતી; અને આ ઘડી મોત આવશે કે, આની પછીની ઘડીમાં – તે ક્ષણો ગણતી; તેની ચેતના બધી જ આશા બાજુએ મુકીને, એક જ અભીપ્સા દીલમાં સમાવીને બેસી છે. સુર્યના પહેલા કીરણથી ઢંઢોળાઈ, આળસ મરડીને ઉઠવા માટેની.

     વસંતની ઉષ્માનું પહેલું કીરણ એની ઢબુરાઈ ગયેલી ચેતનાને ઢંઢોળીને જગાડશે. એના કણકણ ધીમે ધીમે જાગતા જશે. એક અને બીજો અને ત્રીજો અને પછી અનેક અંકુરો ફટાફટ ફુટવા માંડશે. વસંતનો હુંફાળો વાયરો અને સુર્યકીરણોની વ્હાલભરી આળપંપાળ એ ઝાડને ફરી નવપલ્લવીત કરી દેશે. નવાં પર્ણો ફુટશે; નવાં પુષ્પાંકુર ફુટશે; કુસુમો ખીલશે, ફળો નવા જીવનનાં બી ધારણ કરી નવી શક્યતાઓ સર્જવા તલપાપડ બનીને અધુકડાં બેસી જશે.

     બસ એ જ અભીપ્સા એના જીવતરને, એના સમગ્ર હોવાપણાને જીવીત રાખી રહી છે.

     આપણા મનની નહીં પણ આપણા હોવાપણાની અભીપ્સા શું હશે?

ગેંડો – ઓરીગામી

rhino

      ઘણા વખત પછી ઓરીગામી મોડલ મારા બ્લોગ પર મુકું છું. આમ તો દરરોજ એક બે  મોડલ બનાવવાનો મ્હાવરો રાખ્યો છે. પણ બ્લોગ પર મુકવાનું ઘણા વખતથી બંધ હતું.

     આજનું આ મોડલ બે સ્ટાન્ડર્ડ ઓરીગામી કાગળમાંથી બને છે. 

    જો કોઈને એ બનાવવાની રીતમાં રસ હોય તો મને જણાવે.

આજનો સુવીચાર

શરીરને ચીંતા જેટલી કોરી ખાય છે,
એટલું બીજું કશું કોરી ખાતું નથી.

જેને પરમ તત્વમાં સહેજ પણ શ્રધ્ધા હોય;
તેણે કશાયની ચીંતા કરવી શરમજનક છે. 

આજનો સુવીચાર

અજ્ઞાન અને ખોટી સમજ
એ જ એક માત્ર
સાવ પ્રકાશવીહીન
અને
અંધકારથી ભરેલી
રાત્રી છે. 

– હેલન કેલર

15 ઓગસ્ટ – 1947

    એ સપ્પરમો દીવસ મને એકદમ યાદ છે.

   અમારાં બહેન, બાપુજી અને અમે ત્રણ ભાઈઓ રણછોડજીની પોળ, સારંગપુર, અમદાવાદમાં આવેલા અમારા મકાનમાં રહેતાં હતાં. અમારી બાને અમે બહેન કહેતાં હતાં. હું ત્યારે માંડ સાડા ચાર વરસનો હતો. એ દીવસે, અમને ત્રણ ભાઈઓને સાથે લઈને, અમારા બાપુજી અમદાવાદના ભદ્રના કીલ્લા પાસે લઈ ગયા. હતા. મારા બાપુજી મને તેડે એ મને બહુ ગમતું. પણ એ મને હવે ચાલવાનો જ આગ્રહ કરતા હતા. હું ચાલીને બહુ જ થાકી ગયો હતો. આટલા બધા રાક્ષસ જેવા ઉંચા માણસોની વચ્ચે ચાલતાં મને બીક પણ લાગતી હતી. સાંજનું અંધારું થઈ ગયું હતું. પણ રસ્તા પર માણસોની ભીડ પાર વીનાની હતી. કદાચ મારાથી નાની બહેનનો જન્મ હજુ બે ત્રણ અઠવાડીયા બાદ થવાનો હતો. એટલે અમારાં બહેન અમારી સાથે નહોતા આવ્યાં; એમ મારું માનવું છે.

    મને એટલું જ યાદ છે કે, હું સખત થાકેલો હોવા છતાં આજુબાજુ ટોળામાંના બધા માણસો અત્યંત ખુશ હતા; તે મને બહુ જ ગમતું હતું.  મોટેથી બરાડી બરાડીને કાંઈક બોલતા હતા. ( કદાચ ‘જયહીંદ’ અથવા ‘ભારતમાતાકી જય’ હશે.) અને મને એનાથી કોઈક અજાયબ લાગણી થતી હતી. કાંઈક હરખ થાય એવું બની ગયું હતું; કે બનવાનું હતું. ગુલામી શું? આઝાદી શું? એવા બધા અઘરા વીચારો મારા નાના ( કે મોટા !) મગજમાં હજુ પ્રવેશી શકે તેમ ન હતું. પણ એ થાક અને હર્ષની મીશ્રીત લાગણી એકસઠ વરસ પછી આજે પણ તરોતાજા છે.

   હવે ભીડને કારણે બાપુજીએ મને તેડી લીધેલો હતો. એ આનંદના અતીરેકમાં બેય મોટા ભાઈઓનું અનુકરણ કરીને હું પણ તાળીઓ પાડવા માંડ્યો હતો. ચારે બાજુ અપ્રતીમ ઉલ્લાસ છવાયેલો હતો. હરખના સરોવરમાંથી, આનંદના ઓઘ અને ધોધના ઢગલે ઢગલા, ઢળી ઢળીને છલકાઈ રહ્યા હતા.

    અને પાછા ઘેર જતાં અમારા બાપુજી કદી અમને લઈ જતા ન હતા; તે ‘ચન્દ્રવીલાસ’નાં ( એ વખતના રીચી રોડ, હાલના ગાંધી માર્ગ, પરની દેશી હોટલ) ફાફડા-જલેબી ખવડાવ્યાં હતાં. મારા મોટાભાઈને ડરતાં ડરતાં મેં કાનમાં પુછ્યું હતું કે, “સીનેમા કહે છે – તે આ છે?!”. અને બાપુજી આ સાંભળી; હોટલ કોને કહેવાય અને સીનેમા કોને, તે વીશે અમારાં અજ્ઞાન અને ભોળપણ જોઈ, પોતાના પુત્રોના સંસ્કાર માટે આનંદીત થયા હતા; એવું આછું આછું યાદ પણ છે.

    ઘેર આવ્યા ત્યારે ફાનસના આછા ઉજાસમાં હું ક્યારે પોઢી ગયો તે ખબર ન પડી. પણ અમારી બહેનના મોં ઉપર બધી વાતો સાંભળી; જે આનંદ અને ઉલ્લાસ જોયાં હતાં તે પણ હજુ યાદ છે.

    ત્યાર બાદ તો  સ્વાતંત્રતા દીનની અનેક ઉજવણીઓ જોઈ છે. ધ્વજવંદનો કર્યાં છે. શાળામાં ક્વાયત કરીને ધ્વજને છટાભરી સલામી આપી છે. બેન્ડના સુર સાથે ‘ જન ગણ મન’ ગાયું છે. ટીવી ઉપર લાલ કીલ્લા પરથી થતું ધ્વજવંદન અને પ્રધાનમંત્રીઓનાં પ્રવચનો પણ સાંભળ્યાં- જોયાં છે.

    પણ સ્વતંત્રતાના જન્મ વખતની એ સાદગી, એ ઉત્સાહ અને માતૃભુમી માટેનું એ વખતના લોકોનું ગૌરવ – એ બધાં; આજે અમેરીકન બની ગયો છું; છતાં પણ ભુલ્યાં ભુલાતાં નથી.

પરીચય  –     બાપુજીબહેન 

પ્રકરણ – 12 : તરાપા પ્રયોગ – 2

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
જમણી બાજુથી બીજા ‘નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

————————————————————-    

      બીજા દીવસે સવારે, જોગમાયાનું સ્મરણ કરીને, મજબુત વેલાથી બાંધેલું થડ નદીમાં વહેતું થયું. સૌથી પહેલાં, પ્રયોગવીર પાંચો એની ઉપર સવાર થયો. તેણે હવે આ થડ નદીના પ્રવાહમાં વધુ પડતું વહી ન જાય, અને સામે કાંઠે પહોંચે; એ માટેની યુક્તી શોધી કાઢવાની હતી. તેણે હાથમાં એક લાંબી અને મજબુત લાઠી રાખી હતી, જેથી તેને નદીના પટમાં નીચે નાંખી, થડને હડસેલો મારી શકાય.

      પહેલો જ હડસેલો, અને થડ તો ગોળ ફરી ગયું; અને પાંચારામ નદીના પાણીમાં. તે તરતા શીખ્યો હતો અને શીખવાડ્યું હતું; પણ ડુબકી મારતાં નહીં! તે કીનારાની બહુ જ નજીક હતો એટલે બીજા મીત્રો તરત નદીમાં ખાબક્યા અને પાંચાને ઉગારી લીધો. ઉંધો કરીને પી ગયો હતો, તે પાણી કાઢ્યું.

      બધા નીરાશ બનીને, માથે હાથ દઈ બેઠા. આ સંઘ કાશીએ પહોંચે તેમ લાગતું ન હતું. સસ્તો શીકાર લાવવા માટે, રોજ તરીને, ડુબી જવાના ભયના ઓથારમાં ફડફડતા રહેવા કરતાં જંગલોના ધોડા શા ખોટા હતા? ત્યાં તો ભયોના મુકાબલા માટે અણીદાર પથ્થરો હતા. ત્યાં શ્વાસ ગુંગળાવી નાંખે તેવું પાણી ન હતું. બાપદાદાઓએ અનેક સદીઓના અનુભવ પરથી સ્થાપીત કરેલી પરંપરા ખોટી ન હતી. એના વગર કોઈ ઉગાર ન હતો.

     હવે શું કરવું? પાંચાને થોડી કળ વળતાં, તેનું મન વીચારે ચઢ્યું. થડને ગોળ ફરતું રોકવું હોય તો, તેને પકડી રાખવું પડે. નદીમાં તરતાં તરતાં આ કામ તો શેં થાય? નીરાશાથી તેનું મન ઘેરાઈ ગયું. આ વાત તેને અશક્ય લાગવા માંડી. પોતે તરવું એક વાત હતી, અને આટલા મોટા થડને તરતું રાખવું એ બીજી.

     પણ તેની વીચારશક્તી અનેક દીશામાં કામ કરતી હતી. ગોવો પહેલી વખત નદી પાર થયો હતો; તે ઘટના ઉપર તેનું મન તરત કેન્દ્રીત થયું. એ વખતે તો નદીમાં પુર આવેલું હતું; અને તેનો પ્રવાહ ધસમસતો હતો. અને છતાં શા માટે ગોવો ડુબી ગયો ન હતો? આ થડમાં અને જે ઝાડ ઉપર ગોવો ચઢી ગયો હતો, તેમાં શું ફરક હતો? તરત તેને ખબર પડી ગઈ કે, ઝાડ કોઈ માણસે કાપેલું ન હતું. એ તો વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલું હતું. એની ઘણી બધી ડાળીઓ મોજુદ હતી. ઝાડ ગોળ ફરી શકે તેમ જ ન હતું.

    પાંચો તરત બરાડ્યો,” આને હવે ડાળીઓ લગાવવી પડશે.”

    બધાને થયું કે, ‘પાંચાને વીચારવાયુ થયો લાગે છે.’ ગોવાએ એને પુછ્યું પણ ખરું,” તારી સુધબુધ તો ઠેકાણે છે ને? પાણી પીધું છે, તે મગજ ચસકી ગયું તો નથી ને? ”

    પાંચાએ પોતાનું અવલોકન સમજાવ્યું. બધા તેની તર્કશક્તી પર વારી ગયા. લાખારામ કહે: “હેંડો લ્યા! બીજું ઝાડ કાપી લાવીએ. હવે ડાળીઓ નહીં કાપીએ.”

    પાંચાએ કહ્યું,”ના, ના. આની ઉપર ડાળીઓ ઉગાડી દઈશું.” બધા વીસ્મયથી તેની સામે જોઈ રહ્યા. પાંચો નદીના કીનારા પર પડેલો ડાળીનો એક ગોળવો ઉપાડી લાવ્યો; જેનો ઉપયોગ થડને રગડાવવા કર્યો હતો. તેણે વેલા લઈ આ ગોળવાને થડની સાથે કસીને બાંધી દીધો. સલામતી ખાતર થડની બીજી બાજુ બીજો એક ગોળવો પણ બાંધી દીધો. પછી તેણે ગોવાને અખતરો કરવા કહ્યું. તે પોતે ડુબવાના કારણે ડરી ગયેલો હતો.

    ગોવો માનવજાતના આ પહેલા તરાપા ઉપર આરુઢ થયો. લાઠી વડે એણે હડસેલો માર્યો અને થડ તો હાલ્યું. બીજા ત્રણ પણ તરીને આ પહેલા તરાપા ઉપર ચઢી ગયા. દરેકના હાથમાં લાઠીઓ હતી. બધાએ સાગમટે લાઠીઓથી હડસેલા મારવાનું શરુ કર્યું. હવે તરાપો ઠીક ઠીક આગળ નીકળી ગયો હતો.

    પણ આગળ જતાં નવી મુશ્કેલી ઉભી થઈ. હવે લાઠીઓ ટુંકી પડતી હતી. તરાપો તો નદીના વહેણમાં, કોતરોથી દુર તણાવા લાગ્યો. લાઠીઓ વડે આકસ્મીક જ બધા પાણી કાપવા લાગ્યા. અને સૌના આશ્ચર્ય વચ્ચે તરાપો થોડો સામા કીનારા તરફ ખસ્યો. હવે બધા હડસેલવામાંથી હલેસવામાં પ્રવૃત્ત થયા અને દમ દઈને મચી પડ્યા.

     તરાપાની શોધ પછી, હલેસાંની આ નવી શોધ આકસ્મીક જ થઈ ગઈ હતી.

     સામે કાંઠે પહોંચી, શીકાર પતાવી, બધી મતા થડ સાથે બાંધી દેવામાં આવી. આવ્યા હતા તેમ બધા પાછા કોતરો ભેગા થયા. આ વખતે તો તેમણે વીસેક બકરાં માર્યાં હતાં. બધી બાનુઓ માટે નવી ફેશનનાં, ધોળાં બખ્ખ જેવાં, ચામડાં હાજર હતાં!

      દસેક દીવસ આ પ્રવૃત્તી એકધારી ચાલી. દરેક વખતે નવા આવીષ્કારો થતા રહ્યા. પાંચાએ બીજી વીસેક ડાળીઓ આ થડ સાથે બાંધી દીધી હતી.થડ હવે આ ડાળીઓની નીચે રાખવામાં આવ્યું હતું. હવે થડ ઉપર વળગીને બેસવાનું ન હતું. આરામથી પલાંઠી વાળીને, તરાપા ઉપર બેસવાની, સરસ સગવડ થઈ ગઈ હતી. અનુભવે, પહોળાં ફણાવાળાં હલેસાં પણ બનાવી દીધાં હતાં. આનાથી હવે તરાપો તીવ્ર વેગે સામે પાર જઈ શકતો હતો.

     રુપલી અને બીજી સ્ત્રીઓએ સરસ મજાનાં, લીલા ચટ્ટક, વેલા અને ફુલોથી વસ્તીના આ પહેલા વાહનને શણગાર્યું. હવે તો આ નવા તરાપાની સહેલ બીજા બધાંએ પણ માણી. યુવતીઓ અને ઘરડેરાં પણ નદીની સહેલ લઈ આવ્યાં. તરાપા વીદ્યામાં બરાબર ફાવટ આવી જતાં બાળકોની વાનરસેના અને કુતરાં પણ આ લહાવો લઈ ચુક્યાં હતાં. હવે કામ પણ બહુ ઓછું થઈ ગયું હતું. મોજમજાના કરવાના દીવસો આવ્યા હતા. નદીના પ્રવાહને કાળા માથાના માનવીએ નાથ્યો હતો. હવે તે નાવીક બન્યો હતો.

      તેની જીવનનાવ હવે અનેક અણજાણ્યા પ્રદેશોમાં સ્વૈરવીહાર કરવાની હતી. નહીં કલ્પેલાં, નવાં સ્વપ્નો આકાર લેવાનાં હતાં. નવી સમ્પત્તી અને નવા ભયો. નવી સગવડો અને નવી વ્યથાઓ. નવાં સુખ અને નવાં દુખ. એક પ્રચંડ ભવીતવ્યનાં કમાડ આ ગોળવા, આ તરાપા, આ હલેસાંએ ખોલી દીધાં હતાં. બધી જુની વ્યવસ્થા કડડભુસ્સ થઈને તુટી પડવાની હતી. એક નવો જ સમાજ બહુ જ નજીકના ક્ષીતીજમાં ઉગી રહેવા તલપાપડ બનીને તૈયાર ઉભો હતો.

    આ પ્રક્રીયા અપરીવર્તનશીલ હતી. મોજમજાની જ નહીં પણ મુશકદોડની પણ આ પ્રથમ શરુઆત હતી. હવે અટકવાનું ન હતું. અને હવે છટકવાનું પણ ન હતું. નદીનું ધસમસતું પુર તો એક જ દીવસમાં ઓસરી ગયું હતું; પણ આ પ્રવાહ તો બીન-બ-દીન બળવત્તર થવાનો હતો.

     એ પ્રવાહ માનવીને ક્યાંથી ક્યાં લઈ જવાનો હતો; તેની તો માત્ર જોગમાયાને જ ખબર હતી. કે તેને પણ નહીં?!

– વધુ આવતા શનીવારે

આજનો સુવીચાર

તમારી વીચારશક્તીનું
સંવાદીતામય ‘અંતરની વાણી’માં
રુપાંતર કરો.

તમારું સમગ્ર હોવાપણું
પ્રકાશમય હો.

આ જ તમારું જીવનધ્યેય હો.

– શ્રી. અરવિંદ ઘોષ

———————————–

Transform reasoning
into an ordered intuition.

Let all thyself be light.

This is thy goal

– Shri Arvind Ghosh

 

 

 

 

 

 

આજનો સુવીચાર

કલાને કોઈ ધર્મ નથી હોતો;
ખરેખર તો કલા જ એક ધર્મ છે.

– મુશિદ નૂર
(અમદાવાદના એક કલાકાર)

મેન્સફીલ્ડ આઈ.એસ.ડી. – ટ્રાન્સ્પોર્ટેશન; અમેરીકા

    ગુજરાતી બ્લોગ પરના ગુજરાતી લેખનું પાટીયું અંગ્રેજીમાં?

    હા, કારણકે, આ શીર્ષક(!) અરે! ફરી ભુલ્યો..,પાટીયું, 58,000ની વસ્તીવાળા અમારા ગામ મેન્સફીલ્ડની મ્યુનીસીપલ સ્કુલ(!)ના તંત્રનું છે. આઈ.એસ.ડી. એટલે ઇન્ટર સ્કુલ ડીસ્ટ્રીક્ટ. અહીં અમેરીકામાં અમુક ભૌગોલીક વીસ્તારને આવરી લેતા આવા શૈક્ષણીક તાલુકા હોય છે. એમાં બે કે ત્રણ શહેરો પણ આવી જાય. એમનું તંત્ર અલગ. એ કોઈની હકુમતમાં ના આવે. એમની હદમાં જે ગામ કે શહેર આવતાં હોય; એમના મકાન પરના કર(ટેક્સ) ની રકમના 30 થી 40% રકમ આ તાલુકાને મળે. રાજ્ય સરકાર પણ એને ગ્રાન્ટ ( અનુદાન?) આપે. પણ કોઈની હકુમત એના ઉપર ન ચાલે. હા! એનું સંસ્થાકીય માળખું તો લોકશાહી જ હોય; અને તેમાં એ ગામ કે શહેરના તંત્રના પ્રતીનીધી જરુર હોય. પણ એનું તંત્ર સાવ સ્વાયત્ત. આટલી બધી અગત્ય આ અતી આધુનીક, અને જગતનો સૌથી વધુ શક્તીશાળી દેશ પ્રાથમીક શીક્ષણને આપે છે.

   પણ અહીં વાત કરવાની છે એના વાહન વ્યવહાર વીભાગની. એક માઈલની અંદર રહેતાં હોય તેવાં બાળકોને વાલીઓએ લેવા લઈ જવાની વ્યવસ્થા જાતે કરવી પડે. પણ એનાથી વધારે દુર રહેતાં હોય; તેવાં બાળકો માટે સ્કુલબસની વ્યવસ્થા બધે જ હોય છે. અને આ બસની સગવડ સાવ કાના માતર વગરની – એકદમ મફત. એ સ્કુલ બસના વટની વાત તો અગાઉ કરી છે. ( એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો. ) તમે એના ગંજાવર ડેપો જોઈને એ તંત્ર કેટલું મોટું અને ગંજાવર હોય છે . તેનો અંદાજ કાઢી શકો.

    પણ અહીં એક નવા અનુભવની વાત કરવાની છે.

—————–

    હું મારી દીકરીના દીકરાને ઘેર પાછો મુકી જનાર બસની રાહ જોઈ રહ્યો છું. બપોરના બારનો સમય છે. હમણાં જ મેં મારું જમણ પતાવ્યું છે, અને મહામુલી વામકુક્ષી આંખોમાં સુસ્તી ભરી રહી છે. મને ચીમકી દઈને કહેવામાં આવ્યું છે કે, ‘ઝોકું ન ખાતા.’ પણ એ અમૃતસમ ઝોકું ખાળી શકાતું નથી. રાતે થોડીક જ મળતી ઉંઘનો વીકલ્પ તો શરીર માંગે જ ને? અને કદીક ધોળે દી’ પણ નસકોરાંનો નાદધ્વની થવા માંડે તો નવાઈ નહીં! ( નસકોરાં વીશે હસી લેવા અહીં ‘ક્લીક’ કરો. )

    અને એજ કમભાગી પળે, સ્કુલ બસ ઘર આગળ આવી જાય છે. મારી કાર તો ગેરેજમાં પડી છે. ઘરમાં કોઈ નથી એમ માની ડ્રાઈવર બસને પાછી લઈ જાય છે – દીકરાને લઈને સ્તો! આ જ તો અમેરીકન રસમ છે. એને ઘરની ઘંટડી વગાડવાની ફુરસદ કે વીવેક નથી.

    એક જ મીનીટ… અને હું  રણની વીરડી જેવી એ મારી મધ મીઠી ઝપકીમાંથી સફાળો જાગી જાઉં છું અને ફરી બસની રાહ જોવાની શરુ કરું છું. અડધો કલાક વીતી જાય છે. મારી પત્ની અને હું, બન્ને જણા ચીંતા કરવાનું શરુ કરી દઈએ છીએ. ‘બસ હજુ કેમ ન આવી?’

    પોણો કલાકે ફોનની ઘંટડી રણકે છે. અમારા જમાઈનો ફોન છે – ‘બસ અડ્ડા પર પાછી ગઈ છે અને ‘નીલ’ને ત્યાંથી લઈ આવવાનો છે.’

    ઘરવાળીની ‘સ્વસ્તી’ ઝટપટ સાંભળી લીધા બાદ, હું સફાળો દોટ મેલું છું. મીલીટરી કમાન્ડોની સ્ફુર્તી મારા મન અને અંગ-પ્રત્યંગમાં આવી જાય છે. બસ અડ્ડો શાળાની સામે જ છે; પણ એને તો બહારથી જ જોયેલો છે. હું ત્યાં ડાફોળીયાં મારતો પહોંચું છું. સો, બસો બસો ત્યાં પાર્ક કરેલી પડી છે, પરંતુ ક્યાંય એક પણ માણસ દ્રષ્ટીગોચર થતું નથી.

    બાજુમાં એક મોટો શેડ દેખાય છે. હું ત્યાં વખાનો માર્યો પહોંચું છું. આ બસની સાર સંભાળ માટેની જગ્યા છે. રોજના ક્રમ મુજબ અહીં બસોની સંભાળ લેવાય છે. બધી બસો ચકચકાટ અને સાફસુધરી રાખવામાં આવે છે. જરુરી હોય તેવી નાની મરામત કરવાની સગવડ પણ અહીં છે. બાજુમાં જ ડેપોનો પોતાનો, ડીઝલ પમ્પ પણ છે.

    એક મેક્સીકન પુરુષ અને સ્ત્રી ત્યાં એક બસની સફાઈ કરી રહ્યાં છે. એમને આ ડેપોની ઓફીસ બાબતમાં પુછું છું. મને કહેવામાં આવે છે કે, હું ખોટી જગ્યાએ આવ્યો છું. કમ્પાઉન્ડમાં થોડેક દુર, એક મોટું મકાન છે. મને ત્યાં જવાનું કહેવામાં આવે છે.

     ત્યાં પહોંચતાં જ રડું રડું થઈ રહેલો દીકરો દ્રષ્ટીગોચર થાય છે! ઓફીસના કાઉન્ટરની અંદર બે કારકુન બહેનોની બાજુમાં તેને બેસાડેલો છે. હું મારું ડ્રાઈવીંગ લાયસન્સ એક બહેનને બતાવું છું. મારી સહી લઈને; હું જ અધીકૃત વ્યક્તી છું, તેની ચકાસણી કરીને; મને દીકરો સોંપવામાં આવે છે.

     હું સ્વધામ પાછો આવું છું! ત્યાર બાદ મારી જે ધોલાઈ થઈ છે, તે ધ્યાનમાં રાખીને આ ‘શબ્દ’ યથાયોગ્ય વાપર્યો છે! પણ આગળની વાત મારી એ ધોલાઈની નથી કરવાની. એ કામ તમારા કલ્પના પ્રદેશમાં, તમને જ સ્વૈરવીહાર કરવા સોંપ્યું.

   પણ..

   બાળ-શીક્ષણની, અહીં જે દરકાર લેવાય છે, તેનું સ્કુલ બસ એક નાનું સરખું પ્રતીક છે. અમેરીકાની પ્રગતીના પાયામાં જે ઠોસ ઈંટો ધરબાયેલી પડેલી છે, તેમાંની એક શીક્ષણ છે.

    પોતાની સાત નહીં પણ સીત્યાશી પેઢી, સાત મણની તળાઈમાં સુઈને જલસા કરે; તેવા અથાગ પ્રયત્નો કરી રહેલા ભારતના રાજકારણીઓ અહીં અનેક વાર ‘વીઝીટ’ લઈ ચુક્યા છે, તેમની કને આવા બસ ડેપોમાં એકાદ બસ સાફ સુધરી કરાવી હોય તો? અને ટીવી પ્રોડ્યુસરોને ખાસ ‘ પ્રવેશ બંધ’ !! અને આપણી મહાન પરંપરાઓના ગુણગાન ગાનારા આપણે થોડીક સંભાળ આપણી શીક્ષણ વ્યવસ્થાની પણ લેતાં થઈએ તો?     

આજનો સુવીચાર

પુરુષના કરતાં સ્ત્રીમાં વધુ શાણપણ હોય છે
કારણકે,
એ જાણે છે ઓછું
ને સમજે છે વધારે.