સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: america

અમેરીકન જુસ્સો ભાગ -6 : આફ્રીકન ગુલામો

    આફ્રીકન, કાળા ગુલામો – બાઈબલમાં જંગલી (હીથન) ગણાયેલી પ્રજા.

    અમેરીકાના ઈતીહાસનો અછડતો પણ સ્પર્શ કરીએ, અને એ દુખીયારા લોકોનો ઉલ્લેખ ન કરીએ તો કેમ ચાલે? અમેરીકાના ઈતીહાસનું એ સૌથી કાળું પ્રકરણ.

    1619ની સાલમાં 20 આફ્રીકન ગુલામોને લઈને એક ડચ વહાણ જેમ્સટાઉન નામની વસાહતમાં લાંગર્યું હતું, અમેરીકામાં આફ્રીકન ગુલામોને પકડી લાવવાની વેપારી પ્રથાની એ શરુઆત હતી. જો કે, અમેરીકાના ઉત્તર અને દક્ષીણ ખંડોમાં તો આ કલંક સ્પેન અને પોર્ટુગાલે ઘણા વખતથી શરુ કરી દીધું હતું. અરે! અમેરીકા દેશમાં પણ છેક 1607થી આ પ્રથા જારી હતી.

    આપણને જાણીને નવાઈ લાગે કે, પહેલા ગુલામો યુરોપની ધોળી પ્રજાના ગરીબ લોકો હતા! છેક 1607માં વહાણોમાં યુરોપથી વખાના માર્યા લોકો આવતા. તેમની પાસેથી મફત દરીયાઈ સફરની અવેજીમાં વેઠ કરાવાતી. પણ ત્રણથી સાત વરસ બાદ એ લોકો સ્વતંત્ર બની શકતા; અને પોતાનો ગુજારો અને વીકાસ કરવા સ્વતંત્ર હતા. સ્થાનીક આદીવાસી પ્રજાને પણ ગુલામીની ધુંસરીમાં જોતરવા પ્રયાઓ કરાયા હતા; પણ એ ખુંખાર, લડાયક અને જંગલમાં રહેતી પ્રજાને આ કામ માટે નાથવી બહુ મુશ્કેલ હતું.

     જેમ જેમ અમેરીકન સંસ્થાનો ઠરીઠામ થતા ગયા; તેમ તેમ તેમની સમૃધ્ધી અને જમીનની લાલસા અમર્યાદીત રીતે વધવા લાગી. જંગલો કાપી, ખેતી શરુ કરવાનું અને વસવાટો બાંધવાનું કામ અત્યંત પરીશ્રમવાળું હતું. આથી મહેનત કરનારા વેઠીયાઓની સતત જરુર રહેતી. 1619 માં પકડી લવાયેલા એ પહેલા ગુલામો પછી, આફ્રીકન ગુલામોનો વેપાર એ સૌથી સસ્તો વીકલ્પ પુરવાર થયો.

     અને ત્યારથી કાળા, અસહાય લોકોનાં લાલચોળ લોહીથી નીતરતી, કરુણ ગાથાની શરુઆત થઈ હતી. આ લોકોને મોટે ભાગે આફ્રીકાની જ બીજી જાતીઓ પકડી લાવતી, અને ગોરા વેપારીઓને વેચતી. કોઈ જાતની સગવડ વીના, વહાણોમાં થોકે થોક ભરીને, આ દુખીયારા લોકોનાં ટોળે ટોળાં અમેરીકાના ગુલામ બજારોમાં ખડકાતા. મીસીસીપી નદી એટલેન્ટીક મહાસાગરને મળે છે – તે જગ્યાએ આવેલ ન્યુ ઓર્લીયન્સ બંદરમાં આ ગુલામોની લેવેચ માટેનું સૌથી મોટું બજાર હતું. ત્યાંથી આ બદનસીબ લોકો બધી વસાહતોમાં લઈ જવાતા અને કામની ધુંસરીએ જોતરાતા.

     આ ગુલામોને કોઈ જ હક્કો ન હતા. અમેરીકન સ્વાતંત્ર્યની, જગપ્રસીધ્ધ અને મહાન ઘોષણામાં એમનો સમાવેશ થતો ન હતો! અરે! એમને કુટુમ્બના માનવીય હક્કો પણ ન હતા. પોતાની નજર સામે એમનાં જીવનસાથીઓ અને બાળકો વેચાતાં. એમની રોકકળને સાટકા મારી શાંત કરી દેવાતી. એમને ખ્રીસ્તી બનાવ્યા છતાં એમને માટે આ દોજખમાંથી કોઈ ઉગારો ન હતો.

    કાળી સ્ત્રીઓ ઉપર બેરહમ અત્યાચારો થતા, અને તે માલીકોના હક્કો ગણાતા. એ વ્યભીચારથી પેદા થયેલી મીશ્રીત પ્રજાને પણ કોઈ હક્ક કે સામાજીક દરજ્જો ન હતા. આવા બળાત્કારોથી પેદા થયેલી ત્રીજી કે ચોથી પેઢી, ન ઓળખી શકાય તેટલી સફેદ હોવા છતાં; એ ગુલામોની જમાતમાં જ ગણાતી.

     ધોળા અમેરીકન જમીનદારોના રસોડાઓમાં આ જ ગુલામો સ્વાદીષ્ટ વાનગીઓ બનાવતા પણ એનો એક કણ પણ એમને ચાખવા ન મળતો. ખેતરમાં કાળી મજુરી કર્યા બાદ એમણે પોતાનું રેશન જાતે દળી ખાવાનું પકવવું પડતું – મોટે ભાગે તો મકાઈની રાબ જ. પૌષ્ટીક માંસાહારી ખોરાક કે દુધ તો વાર તહેવારે જ તેમને નસીબ થતો. ખેતરમાં એમના કામ પર ધ્યાન રાખતા નીરીક્ષકો તેમને બીનજરુરી રીતે સાટકા મારી, ક્રુર આનંદ માણતા. અને આ કામ માટે માલીકના માનીતા કાળા સુપરવાઈઝરો ઔથી વધુ દયાહીન વર્તાવ કરતા.

    શીસ્તનો નાનકડો ભંગ કરનાર કે એક પણ શબ્દ સામો બોલનાર ગુલામને સીધો દોર કરવા, કદાવર અને તાકાતવાળા જુલ્મગારો ચામડાની અનેક વાધરીઓના બનેલા સાટકા વાપરતા. એના મારથી લોહી નીગળતા કાળા ગુલામોના બરડા અને સોળનાં આવાં ચીત્રો આ અમર્યાદ જુલમની સાક્ષી પુરે છે. કેટલાય ગુલામો આ ત્રાસમાંથી ઉગરવા આત્મહત્યા કરતા. ઘણા ભાગી જવાનો પ્રયત્ન કરતા. એમને ઢોરની જેમ પકડી લવાતા અને જુલમના અતીરેકથી એમના જુસ્સાને મારી નંખાતો.

     આ ક્રુર અને અન્યાયી પ્રથામાં કોઈને કાંઈ ખોટું લાગતું નહીં. મોટા ભાગના ખ્રીસ્તી પાદરીઓ પણ બાઈબલમાંથી પોતાને ગમતો અર્થ તારવી આ પ્રથાનું પ્રતીપાદન કરતા. ખાસ કરીને દક્ષીણના ખેતીપ્રધાન રાજ્યોમાં આ ગુલામોની બહુ જરુર હતી. એમની અર્થવ્યવસ્થાના સાતત્ય માટે એ બહુ જરુરી હતા.

     ધોળા અમેરીકનોનાં આ કાળાં કરતુતોની એક માત્ર ઉજળી બાજુ એ છે કે, અમેરીકન ઈતીહાસમાં આમાંની કોઈ બાબત પર ઢાંકપીછોડો કરવામાં નથી આવ્યો. બધાં નગ્ન સત્યોની કબુલાત કરવામાં આવી છે. વોશીંગ્ટન ડી.સી. ખાતે આવેલ સ્મીથ્સોનીયન સંસ્થાનું આફ્રીકન અમેરીકનો અંગેના મ્યુઝીયમનું એક ખાસ અને અલાયદું મકાન છે, જેમાં આ દુષ્કૃત્યોની સીલસીલાબંધ તવારીખ સચવાઈને રખાયેલી છે.

આફ્રિકન અમેરિકન ઈતિહાસ અને કળા’ વિશે વધુ વાંચો 

    એલેક્સ હેઈલી નામના એક આફ્રીકન અમેરીકનની, છેક આફ્રીકા સુધી જઈને પોતાનું મુળ શોધી કાઢવાની, હૈયું વલોવી નાંખે તેવી એક સત્યકથા પ્રગટ કરી હતી. ‘ Roots’ નામના આ પુસ્તકને બહુ જ પ્રસીધ્ધી મળી હતી, અને પુલીત્ઝર ઈનામ મળ્યું હતું. ગુલામીની આ તવારીખમાં તારાજી ભોગવેલા એક કુટુમ્બની આમા6 સીલસીલાબંધ સત્ય હકીકતો આપેલી છે.

એ ઈ-પુસ્તક વાંચો 

આને આપણે
અમેરીકન જુસ્સો કહીશુ
કે અમેરીકન શરમ?

    આ લખું છું ત્યારે મારી આંખોમાં ઝળઝળીયાં જ આવવાના બાકી છે. અને છતાં હું આ કરુણ તવારીખને અમેરીકન જુસ્સાની આ લેખમાળાનો એક ન ઉવેખી શકાય તેવો ભાગ ગણું છં. કારણકે..

     એક અમેરીકન કેવળ ગોરો આદમી નથી જ. એ કાળો પણ છે. જુલ્મોથી કચડાયેલી આ કાળી પ્રજામાંથી જ, મોતને ખભે રાખીને છટકી ગયેલા અને સ્વતંત્ર બનેલા જવાંમર્દોએ આઝાદી માટે ઝુંબેશ ચલાવી હતી. એ વીરલાઓની તવારીખનું એક જ્વલંત ઉદાગરણ છે – ફ્રેડરીક ડગ્લાસ.

     ગુલામ તરીકે સાટકાનો બેરહમ માર ખાવા સમેત,  બધી જ વ્યથાઓ  ભોગવેલા આ મહાન પુરુષે ખેડેલી –  ગુલામીની જંજીરથી વ્હાઈટ હાઉસમાં અબ્રાહમ લીન્કનના સલાહકાર તરીકેની –  અમર યાત્રા, અમેરીકન જુસ્સાનું ઓછું જાણીતું,  પણ ન ભુલી શકાય તેવું પ્રતીક છે.

વધુ જાણો

    આવા બીજા પણ અનેક નામી અનામી બહાદુરોએ અને દયાભાવવાળા ધોળા વીચારકોએ સળગતી રાખેલી વૈચારીક મશાલના કારણે અમેરીકામાં ગુલામી દુર કરવા માટેની જાગરુકતા આવી હતી.

   વધુ  વાંચન માટે   :   –  1  –    :   –   2  – 

અમેરીકન જુસ્સો : ભાગ – ૫ ; આઝાદીનો જંગ

     કાયમી વસવાટો સ્થાપવાની અનેક વીટંબણાઓને અતીક્રમીને 13 વસાહતો ઠરીઠામ થઈ હતી, બ્રીટનના રાજા અને પાર્લામેન્ટને કર ઉઘરાવી, રોકડી કરી લેવા માટે આ વસાહતો કેળાંની લુમ જેવી લાગી હતી! જેમ જેમ આ વસાહતો ધમધોકાર ચાલવા માંડી, તેમ તેમ કર ઉઘરાવવા માટેની બ્રીટનની ધોંસ વધવા માંડી હતી. 1763માં,  બ્રીટન અને ફ્રાન્સની વચ્ચેના યુધ્ધના અંતે,  ઉત્તર અમેરીકામાંથી ફ્રાન્સના વળતાં પાણી થયાં ; ત્યાર બાદ બ્રીટને અમેરીકી વસાહતોનો મહત્તમ ફાયદો ઉઠાવવો શરુ કર્યો હતો. અમેરીકન ક્રાન્તીના યુગના ત્યાર બાદ શ્રીગણેશ થયા હતા.

   સખત પરીશ્રમ અને જાતમહેનતથી ઉપજાવેલી સંપદા આમ મફતમાં બ્રીટન પડાવી લે; તે દેખીતી રીતે વસાહતીઓને આંખમાં કણાની જેમ ખુંચવા લાગ્યું હતું. આથી ધીરે ધીરે બ્રીટીશ શાસનની જોહુકમી સામે વીરોધ જાગવા માંડ્યો હતો.’ બોસ્ટન ટી પાર્ટી’ તરીકે જાણીતી થયેલી ઘટનામાં,  ચા પરના અન્યાયી કર સામે વીરોધ વ્યક્ત કરવા, અમેરીકન યુવાનોએ ચાની પેટીઓથી ભરેલા વહાણમાંથી  એ પેટીઓ દરીયામાં ફેંકી દીધી હતી. આ કર અમેરીકાના કોઈ પ્રતીનીધીની હાજરી વીના બ્રીટનની પાર્લામેન્ટે  લાદ્યો હતો.

   ‘ પ્રતીનીધી નહીં તો કર નહીં.’ એવું સુત્ર ઠેર ઠેર બોલાવા લાગ્યું હતું. અમેરીકન સ્વાતંત્ર્ય સંગ્રામની શરુઆતનું આ બ્રહ્મવાક્ય હતું; જે પછીથી સમ્પુર્ણ સ્વતંત્રતા માટેની પ્રતીબધ્ધતામાં પરીણમ્યું હતું. ફીલાડેલ્ફીયામાં દેવળનો ઘંટ વગાડીને લોકોને વીદ્રોહ માટે ઉત્તેજવા બોલાવાયા હતા. એ ‘લીબર્ટી બેલ’( સાતંત્ર્ય ઘંટ) આ અમેરીકન જુસ્સાનું પુજ્ય પ્રતીક ગણાય છે.

વધુ વાંચો )

        આના પરીપાક રુપે 1774માં 13 રાજ્યોની કોન્ટીનન્ટલ કોન્ગ્રેસ અસ્તીત્વમાં આવી હતી. 4 જુલાઈ- 1776 ના દીવસે થોમસ જેફરસને તૈયાર કરેલ ‘સ્વાતંત્ર્યની ઘોષણા’ આ કોન્ગ્રેસે જાહેર કરી હતી. ( એ વીષે વાંચો )  આથી આ દીવસ અમેરીકાના સ્વાતંત્ર્ય દીવસ તરીકે ઉજવાય છે. અમેરીકન વસાહતીઓના માત્ર 15 થી 20% લોકો બ્રીટનને વફાદાર હતા. બાકીની બધી વસ્તીએ, પોતાના યુરોપીયન મુળને ભુલી જઈ, આ સ્વતંત્રતા સંગ્રામને એકી અવાજે ટેકો આપ્યો હતો.

    સાવ લઘરવઘર, પાંખી સાધન સામગ્રી ધરાવતા અને મોટે ભાગે ખેતી કામ કરતા સૈનીકો જ્યોર્જ વોશીંગ્ટનની નેતાગીરી નીચે લડ્યા હતા. એમના માટે, શાહીવાદી અંગ્રેજ ફોજનો પ્રતીકાર કરવો એ લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. યુધ્ધના શરુઆતના વર્ષોમાં અમેરીકન સૈનીકોને ઘણી ખુવારી અને હાડમારી વેઠવી પડી હતી. ઘરનું અને ખેતરનું કામ રેઢું મુકીને આ મુફલીસ જેવા સ્વતંત્રતા સેનાનીઓ લડ્યા હતા. એમના હથીયારો પણ બહુ જુના હતા. સામે પક્ષે બ્રીટનની સેના આધુનીક સાધન સામગ્રી વાળી અને શીસ્તબધ્ધ હતી. એ યુરોપના સૌથી શક્તીશાળી દેશમાંથી આવેલી હતી. વીશ્વમાં બીજે બધે એવી સેનાઓ વીજેતા બની ચુકેલી હતી.

      પણ દેશભક્તીના અદમ્ય ઉત્સાહ અને સામાન્ય લોકોના એકી અવાજના ટેકાથી, અનેક હાર અને તારાજી સહન કરવા છતાં, આ સેના ઝઝુમી હતી; અને બ્રીટનની સેનાને મહાત કરી હતી. જે લોકો બ્રીટનના શાસનને સહાય કરતા હતા; એમની ભુંડી વલે પણ સ્થાનીક લોકો કરતા. અનેક લોકોએ આ માટે વીરોચીત બલીદાનો આપ્યાં હતાં. આ ઉપરાંત યુરોપમાં ફ્રાન્સ અને બ્રીટન વચ્ચેના સદીઓ જુના વેર અને અમેરીકામાં 1763માં થયેલી હારનું વેર વાળવા, ફ્રાન્સે આ લડતમાં મદદ કરી હતી.

    લોકોનો આ જુસ્સો સમજવા, પહેલા અમેરીકન જાસુસ અંગે એક દીલ ધડકાવે તેવી દાસ્તાન વાંચો.  –  1  –   :  –  2  –

    આ જુસ્સા, ઝનુન અને જાનફેસાનીના પ્રતાપે, 1777માં સરટોગા અને 1781માં યોર્કટાઉન ખાતે બ્રીટનની બે મોટી સેનાઓને શરણાગતી સ્વીકારવી પડી હતી. આના પરીપાકરુપે 1783માં પેરીસમાં બન્ને પક્ષો વચ્ચે સંધી થઈ હતી અને ‘અમેરીકાના સંયુક્ત રાજ્યો’ નામનો નવો દેશ અસ્તીત્વમાં આવ્યો હતો.

    સામાન્ય પ્રજાની આ જીતના પડઘા યુરોપમાં પણ પડ્યા હતા, અને રાજાઓના ‘ઈશ્વરદત્ત અને અબાધીત હક્કો’ ની માન્યતા કડડભુસ બનીને તુટી પડી હતી. ફ્રેન્ચ ક્રાન્તી આની એક આડપેદાશ હતી; અને અવધ્ય ગણાતા ફ્રાન્સના રાજા લુઈ અને તેની રાણીનું ડોકું ગીલોટીન નીચે વધેરાયું હતું.

    ન્યુયોર્કના બારામાં, એલીસ ટાપુ ઉપર, ફ્રાન્સના નવા પ્રજાસતાક દેશે અમેરીકાને આપેલી અમર ભેટ – ‘સ્વતંત્રતા દેવીનું પુતળું’ એ અમેરીકાના સ્વતંત્રતાના મહાન સીધ્ધાંતનું યથોચીત પ્રતીક છે.

વધુ વાંચો )

We hold these truths to be self-evident,
that all men are created equal,
that they are endowed by their Creator
with certain unalienable Rights,
that among these are
Life,
Liberty
and
the pursuit of Happiness.

[ અમે આ સત્યને સ્વયંસીધ્ધ માનીએ છીએ કે,
સૌ માનવોને સરખા બનાવવામાં આવ્યા છે,
અને તેમના મહાન સર્જકે
તેમને ન ઉથાપી શકાય તેવા,અમુક હક્કો આપેલા છે
જેવાકે- 
જીવવું,  
સ્વતંત્રતા
અને
સુખની શોધ]

     વીશ્વભરમાં આ મહાન વાક્ય લોકશાહીના સીધ્ધાંતોના પાયાની ઈંટ ગણાય છે. જો કે આ સ્વતંત્રતા માત્ર અમેરીકી વસાહતીઓ પુરતી જ મર્યાદીત હતી – એ હક્કો હબસી ગુલામો અને આદીવાસી અમેરીકનોના નસીબમાં ન હતા – એ જુદી વાત છે !

    સ્વાતંત્ર્ય સંગ્રામની એ તવારીખ અમેરીકાના સ્વતંત્રતા માટેના જુસ્સાના મુળમાં છે.

વધુ વાંચન માટે  :   –  1  –  :  –  2  –  :  –  3  –

અમેરીકન જુસ્સો : ભાગ – ૪, વસાહતીઓ

    અમેરીકા ખંડમાં યુરોપીયનોનો ( મોટે ભાગે સ્પેન અને બ્રાઝીલમાં પોર્ટુગાલ) પગપેસારો કોલમ્બસની યાત્રા પછી ચાલુ થઈ ગયો હતો. પણ તે વધુ સમૃધ્ધ વીસ્તારો પુરતો જ મર્યાદીત હતો. ઉત્તર અમેરીકાના સાવ જંગલી વીસ્તારોમાં સોનું મળવાની કોઈ શક્યતા ન જણાતાં એ વીસ્તારો વણબોટાયેલાં રહ્યાં હતાં. છેક 1620 ની સાલમાં ઈન્ગ્લીશ ચર્ચની સતામણીથી વાજ આવીને રોમન કેથોલીક અંગ્રેજો પહેલાં નેધરલેન્ડ અને પછી બહુ પ્રખ્યાત ‘મે ફ્લાવર’ જહાજમાં, એટલેન્ટીક મહાસાગર ઓળંગીને હાલના પ્લીમથ, મેસેચ્યુસેટ્સ આગળ આવીને વસ્યા હતા.
( વધુ માહીતી )

     એ અગાઉ 1586માં રોનોક પાસે પણ અંગ્રેજ વસાહત સ્થાપવાનો નીષ્ફળ અને કરુણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
( વધુ માહીતી )

      એ વખતે અમેરીકન આદીવાસીઓએ આ નવાગંતુકોને ઘણો જ પ્રશંસનીય સહકાર આપ્યો હતો અને વસાહત સ્થાપવામાં મદદ કરી હતી. એ મુળ વસાહતીઓએ વેઠેલી યાતનાઓ અને મુશ્કેલ પરીસ્થીતીનો મર્દાનગીથી સામનો કરવાની પ્રતીબધ્ધતા અમેરીકન જુસ્સાનું એક અગત્યનું પ્રતીક છે.

      સુવીકસીત અને સ્પેનીશ આર્મેડાને દરીયાઈ યુધ્ધમાં હરાવીને ઈન્ગ્લેન્ડ યુરોપની મહાસત્તા બની ચુક્યું હતું.  ( વધુ માહીતી ) ઈન્ગ્લેન્ડના ઈતીહાસના સુવર્ણકાળની એ શરુઆત હતી. રાણી, ઈલીઝાબેથ, મહાન વૈજ્ઞાનીક આઈઝેક ન્યુટન, મહાન સાહીત્યકાર શેકસ્પીયર વી. નો એ સમય હતો. પરંતુ એવા સુવીકસીત પ્રદેશમાંથી આવીને, આ વસાહતીઓને સાવ આદીમ કક્ષાના જીવન સાથે તાલમેલ મીલાવવો પડ્યો હતો. કેવળ હાથમજુરીથી નરદમ જંગલોના લાકડાં ફાડીને બનાવેલી લોગ કેબીનમાં એ લોકો રહેતા હતા.

      જંગલો સાફ કરીને જીવન નીર્વાહ માટે ખેતી અને પશુપાલનની આદીમ રીત તેમને અપનાવવી પડી હતી. આદીવાસી અમેરીકનો સાથેની શરુઆતની દોસ્તી પણ લાંબી ટકી શકી ન હતી. આથી એ પ્રજાનાં આક્રમણો અને જંગલી જાનવરોના ત્રાસ વચ્ચે આ વસાહતીઓએ જીવવાનું હતું. સાવ અજાણી ભોમકામાં પગપેસારો કરી સ્થાયી વસાહતો સ્થાપવી એ લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. લોગ કેબીનોમાંનું એ ખેડુ જીવન અત્યારના અત્યાધુનીક ઘરો જોઈને આપણે કલ્પી પણ ન શકીએ.

       જોકે, શરુઆતની આ કઠણાઈઓ બાદ સમૃધ્ધ બનેલા આ ખેડુતોનાં લોભ અને લાલસા પણ પછી અમર્યાદીત બની ગયાં હતાં. એમની સફળતાથી પ્રેરાઈને સમસ્ત યુરોપમાંથી , પણ ખાસ કરીને ઈન્ગ્લેન્ડમાંથી વહાણોમાં ભરાઈને વસાહતીઓનાં ધાડેધાડાં અમેરીકાના પુર્વ કીનારા પર ઠલવાવાં લાગ્યાં હતાં. મુળ ધાર્મીક પ્રકૃતીવાળા લોકોના સ્થાને બદમાશ લોકો વધારે હતા. અમેરીકાના આદીવાસી લોકો અને તેની વન્ય સમ્પત્તી અને આફ્રીકાથી પકડી લવાયેલા હબસી ગુલામોનું નીર્મમ શોષણ –  સાવ કાયદાવીહીન સમયગાળાનાં અક્ષમ્ય પાપ છે. વસાહતીઓનો આ  ગાળાનો ઈતીહાસ નરદમ સ્વાર્થ અને અનેક કાળાં કરતુતોથી ભરપુર છે.

     કદાચ  અમેરીકાની હાલમાં ઉડીને આંખે વળગે તેવી ધન અને સત્તા  માટેની  લાલસાના મુળમાં  આ ઈતીહાસ છે. દુખની વાત  એ છે  કે, સમસ્ત વીશ્વે અમેરીકાની ઉજળી બાબતોનું અનુકરણ કરવાને સ્થાને આ લાલસાનો સીલસીલો  જ,  આ એકવીસમી સદીમાં પણ મહદ અંશે અપનાવ્યો છે.

      જેમ જેમ વસ્તી વધતી ગઈ તેમ તેમ આ વસાહતીઓ વધુ ને વધુ વીસ્તારો કબજે કરતા ગયા. માત્ર 150 વર્ષમાં (1775 ની સાલ સુધીમાં) તો તેર મુળ કોલોનીઓ ધમધોકાર ધબકતી હતી. અમેરીકન ઈતીહાસનો આ કોલોનીયલ ગાળો ગણાય છે.

( વધુ માહીતી )   :    –   1   –     :    –   2   –

    મુળે ખેતીપ્રધાન આ પ્રજાના જીવનનું બીજું પ્રશંસનીય પાસું નવા અને વણખેડાયેલા પ્રદેશોની શોધખોળ હતું. અનેક નામી અનામી સાહસીકો જાનના જોખમે છેક મીસીસીપી નદી સુધીનો પ્રદેશ ખુંદી વળ્યા હતા. જ્હોન સ્મીથ જ્યોર્જ બુન, વીલીયમ પેન, લોર્ડ બાલ્ટીમોર, રોજર વીલીયમ્સ, ડી સોટો, લા સેલ, અને બીજા અનેક સાહસીકોએ આ વીસ્તરણના પાયા નાંખ્યા હતા.

      આ તબક્કે એ નોંધવું પણ જરુરી છે કે, પેન્સીલ્વેનીયામાં છેક 1688માં ધાર્મીક અને દયાળુ વૃત્તી ધરાવતા ક્વેકરોએ ગુલામી પ્રથાનો વીરોધ કર્યો હતો. વળી 1693માં વર્જીનીયાના વીલીયમ્સબર્ગમાં અમેરીકાની પહેલી ઉચ્ચ શીક્ષણની યુનીવર્સીટી પણ સ્થપાઈ હતી. શીક્ષણ, સંશોધન અને ધાર્મીક સહીષ્ણુતાના પાયા પણ ભોગવાદી અને ક્રુર સંસ્કૃતીની સાથે જ નંખાયા હતા.

       ઈતીહાસનાં એ પ્રકરણોની કાળી કોરને એક બાજુએ મુકી દઈએ તો; સાવ અજાણ્યા અને જોખમકારક પ્રદેશમાં માત્ર ટકવું જ નહીં; પણ સામર્થ્ય અને સત્તા પ્રાપ્ત કરવાં એ નાનીસુની વાત નથી.

     તદ્દન નવી જ જીવનશૈલી અપનાવવાની તૈયારી, હરદમ પરીવર્તન માટેની તાલાવેલી અને પથ્થર ફાડીને સમૃધ્ધી પેદા કરવાની એ જીંદાદીલી અને જવાંમર્દી ‘અમેરીકન જુસ્સા’ ની એક મહત્વની અને પાયાની ઈંટ છે.

અમેરીકન જુસ્સો : ભાગ -3 ( નેટીવ અમેરીકનો)

 ભાગ – ૧  ;  ભાગ -૨ 

અમેરીકાના મુળ વતનીઓ – નેટીવ અમેરીકન વીશે થોડી વધારે વાત.

    માનવ ઈતીહાસમાં શોષણ, અત્યાચાર અને નીર્મમ હત્યાની તવારીખ આલેખવામાં આવે; તો એક ઘણું મોટું પ્રકરણ અમેરીકા ખંડ વીશે લખાય. સ્પેન અને થોડે અંશે પોર્ટુગાલના ચાંચીયાઓએ ઉત્તર અમેરીકાના મધ્ય ભાગ અને દક્ષીણ અમેરીકાના ઉત્તર ભાગમાં આરંભેલી આ ક્રુર પ્રક્રીયા ઉત્તરના પ્રદેશોમાં અંગ્રેજો, ફ્રેન્ચો અને યુરોપના બીજા દેશોમાંથી પાછળથી આવેલી પ્રજાઓએ ચાલુ રાખી હતી.

     પણ આ ઉત્તરના પ્રદેશોની વાત અલગ હતી. અહીં સ્પેન અને પોર્ટુગાલની જેમ સુવીકસીત સંસ્કૃતીઓનો સામનો કરવાનો ન હતો. અહીં તો અભેદ્ય જંગલો હતાં. જુના કે નવા પથ્થર યુગને સમકક્ષ કહી શકાય એવી સંસ્કૃતીના ઉંબરા પર અટકીને આવેલી અબુધ પ્રજા હતી.

      જેમ જેમ નવા વસાહતીઓ યુરોપથી આવતા ગયા, અને વસ્તી વધતી ગઈ, તેમ આ આદીવાસી પ્રજા વધુ ને વધુ પશ્ચીમના પ્રદેશોમાં હડસેલાતી ગઈ. લડાઈઓ અને છેતરામણીથી તેમની વસ્તી ઘટતી ગઈ. એનાથી પણ વધારે લુચ્ચી અને ઘાતકી રીત તો એ હતી કે, જાનના જોખમે શીકાર કરીને એમણે મેળવેલા ચામડાના બદલામાં; યુરોપની હોસ્પીટલોમાંથી નીકાલ કરાયેલા, ચેપી રોગોના દરદીઓએ વાપરેલા, ઉનના, કુમાશવાળા પણ કાળઝાળ ધાબળાઓ એમને આપવામાં આવ્યા. એમ કહેવાય છે કે 80% મુળ વસ્તી તો આનાથી ફેલાયેલા ચેપી રોગચાળામાં જ નાશ પામી. એ ક્રુર ઈતીહાસની ગાથા અમેરીકાના ઈતીહાસના કાળાં પ્રકરણોમાંનું એક છે.

      એક જ દાખલો ‘ચરોકી’ પ્રજાનો આપું. 19મી સદીમાં વીકાસ અને પરીવર્તનની પ્રક્રીયામાં કદાચ આ જાતી સૌથી આગળ હતી. પણ દક્ષીણના રાજ્યોમાંથી અત્યંત ક્રુરતાપુર્વક તેમને છેક મધ્ય ભાગમાં આવેલા, ઓક્લોહામા સુધી હટાવવામાં આવ્યા. એ હીજરતની અત્યંત કરુણ ઘટના  ‘આંસુથી ખરડાયેલી કેડી’ (Trail of tears) તરીકે અમેરીકન ઈતીહાસમાં જાણીતી છે. આઠેક હજારની વસ્તીને બળપુર્વક આ હીજરત કરવા મજબુર કરવામાં આવી. શસ્ત્રો અને જીવન જરુરીયાતની બીજી ચીજોની સહાય પુરી પાડવાનાં બધાં વચનો અભરાઈએ મુકી દેવામાં આવ્યાં. છેવટે તેમને ફાળવવામાં આવેલા પ્રદેશોમાં માત્ર 4000 વ્યક્તીઓ જ બચ્યા. અને ત્યાં પણ તેમણે ત્યાં રહેતી, પશ્ચીમની બીજી જાતીઓ સાથે સંઘર્ષ કરીને જીવવાનું હતું. માંડ એ લોકો સ્થાયી થયા; ત્યાં રેલરોડ આવ્યા અને ફરી એમને હટાવાયા. વળી પાછું પેટ્રોલીયમ મળી આવ્યું અને ફરી હીજરત. આ પ્રજાની કરુણ ગાથા વાંચતાં આપણી આંખો આંસુથી છલકાઈ જાય.

     આનાથી પણ વધુ જટીલ આક્રમણ તો સાંસ્કૃતીક હતું. એ કામ ખ્રીસ્તી પાદરીઓએ કર્યું. શીક્ષણ, સવલત, પ્રલોભનો, દયા, ધાકધમકી, બધી રીતો અજમાવી એમનું ધર્મ પરીવર્તન કરાવાયું. એ બધા અમેરીકાના નવા મુખ્ય પ્રવાહમાં ભળી ગયા. છતાં હજુ એમના સાંસ્કૃતીક વર્તુળો છે, જે જુનો વારસો સાચવી રાખે છે.

      પણ ધીમે ધીમે અમેરીકાની આ આદીમ પ્રજા સમજતી ગઈ કે, તેમણે ટકવું હશે તો બદલાવું પડશે. આ પ્રજામાંથી જેમણે યુરોપીયન જીવન પધ્ધતી અપનાવી તે કાળના થપાટા સામે ટકી શક્યા. જેમણે વેરભાવના ટકાવી, પોતાની રીતરસમ ન બદલી; તે સાચા હોવા છતાં પાછળ પડી ગયા. આજે જ્યાં આવી વસ્તી માટે રીઝર્વેશનો છે; ત્યાં પછાત અને ગરીબ હોવાના કારણે પ્રવર્તમાન બધાં જ દુષણો દ્રષ્ટીગોચર થાય છે. મુળ કરોડોની વસ્તીમાંથી અત્યારે મુળ રીત રસમના અંશ જાળવી રાખ્યા હોય તેવી વસ્તી, આંગળીના વેઢે ગણી શકાય એટલી જ બાકી રહી છે.

      પણ એ વાસ્તવીકતા છે કે, જે લોકો આ અનીવાર્ય પરીવર્તનની પ્રક્રીયા સાથે તાલમેલ સાધી બદલાયા; એ અમેરીકન બની રહ્યા; અમેરીકન જુસ્સાનો એક ભાગ બની રહ્યા. દા.ત. અમારા સાખ પડોશી કુટુમ્બનો દાખલો આપું. એમાં પુરુષ ‘ શોની’ ઈન્ડીયન છે અને સ્ત્રી મુળ આઈરીશ મુળની છે. બન્ને ખ્રીસ્તી ધર્મ પાળે છે, પણ જુની પ્રણાલીકાઓનો પણ આદર કરે છે. એમના અત્યંત આધુનીક ઘરમાં મુળ ‘શોની’ સંસ્કૃતીના પ્રતીકો શોભા માટે હાજર છે! પણ એમની જીવન પધ્ધતી પુર્ણ રીતે અમેરીકન છે. અમારી કોમ્યુનીટીમાં ચીત્તાકર્ષક ઘરોમાંનુ એક એમનું ઘર છે.

      એક અમેરીકન સતત પરીવર્તનશીલ રહ્યો છે. અમેરીકન જુસ્સાનું આ એક પાસું છે.

      પરીવર્તનની પ્રક્રીયા બહુ ક્રુર અને વ્યથાજનક હોય છે. એમાં દયા, માયા અને સુજનતાને બહુ સ્થાન હોતું નથી. એમાં તો કેવળ જંગલનો કાયદો જ હોય છે – ‘બળીયાના બે ભાગ’. આપણને ન ગમતી હોવા છતાં; અવગણી ન શકીએ એવી આ ક્રુર વાસ્તવીકતા છે. દુનીયાના દરેક પ્રદેશમાં આમ જ તો બનતું આવ્યું છે ને? ભારત પણ એમાંથી બાકાત નથી.

     અને સંસ્કૃતીની આગેકુચનો આખોય ઈતીહાસ પરીવર્તનની લોહીયાળ ગાથા જ તો છે ને?

આઠ અમેરિકન માતાઓ

ગઈકાલે પાર્કમાં એક અજાયબ દૃષ્ય જોવા મળ્યું.

આઠ અમેરિકન મહિલાઓ ગોળાકારે કેલેસ્થિનિક્સના દાવ જેવી કસરત કરતી હતી. અલબત્ત ગરબા ગાતી ન હતી(!) દરેકની આગળ એકેક સ્ટ્રોલર હતું અને તેમાં સાવ નાનકડું ગરગુડીયું ખિલખિલાટ હસી રહ્યું હતું. હું તો નજીક જઈને આ નવતર ખેલ જોવા પહોંચી ગયો. એક બે મહિલાઓએ સ્મિત કરી મને આવકાર્યો પણ ખરો. ત્યારે મને ધ્યાનથી જોતાં ખબર પડી કે, દરેક મહિલાનું બાળક એની આગળ નહીં , પણ તેની બરાબર સામેની બાજુએ હતું. ઓલ્યાં ભૂલકાં  અલબત્ત પોતાની માને આમ નાચતી જોઈ, મજા માણતાં હતાં. બે સ્ટ્રોલરમાં તો જોડીયાં બાળકો પણ હતાં.

પછી તો હું બાંકડે આવી બેઠો અને હાલોકનમાં ગરકાવ થઈ ગયો.

થોડી વારે મારી એ સમાધિ એક નવી જ હિલચાલથી તૂટી. આખું હાઉસન જાઉસન હવે તળાવ તરફ ધસી રહ્યું હતું. ધસી રહ્યું હતું – એમ જ કહેવાય; કારણકે, મોટા ભાગની મહિલાઓ સ્ટ્રોલર આગળ રાખીને દોડી રહી હતી. બે ત્રણ જ ચાલતી ચાલતી પાછળ લંઘાતી હતી. સ્પષ્ટ રીતે ચારેક મહિલાઓ સગર્ભા પણ હતી.

છોકરાંને ફેરવતી આવે અને જાતે કસરત પણ થઈ જાય.

આને અમેરિકન જુસ્સો નિઃશંક કહી ન શકાય?

અમેરીકન જુસ્સો : ભાગ -2

    પહેલા ભાગને બહુ સરસ પ્રતીભાવો મળ્યા- જાતજાતના અને ભાતભાતના પ્રતીભાવો. અમુક નનામા પણ મળ્યા. એ તો કાઢી જ નાંખ્યા!

    પણ એક વાત નીશ્ચીત છે, કે આ દેશને માટે આખી દુનીયામાં લોકોને આકર્ષણ છે. સાચું કે ખોટું, પણ એ છે તો ખરું જ. જુઓ ને, મારું આખું કુટુમ્બ અહીં આવી ગયું જ છે ને?! આપણા લાખો ગુજરાતી લોકો અહીં આવીને વસ્યા છે; અને નવા આવતા જ જાય છે. વળી. આખી દુનીયાની પ્રજાઓને આ નવી દુનીયાનું અજબનું ઘેલું છે જ. આખી દુનીયાના દરેક દેશમાંથી લોકો અહીં આવીને વસેલા છે.

       તો આમ કેમ બન્યું, અને બની રહ્યું છે? 1492 થી 1600ની સાલ સુધી યુરોપથી અહીં ખાસ કોઈ વસાહતી આવ્યા ન હતા. પણ એ બાદ, આ 400 વર્ષમાં, નકર્યા જંગલોથી ભરેલો આ પ્રદેશ કેમ આટલો બધો સમૃધ્ધ બન્યો?

      આ પ્રક્રીયા સમજવી હોય તો અમેરીકાના ઈતીહાસને ફંફોસવો પડશે,

      આજે એની મુળ પ્રજાની વાત કરવી છે; જેને પહેલાં રેડ ઈન્ડીયન કહેતા હતા. હવે એ લોકો નેટીવ અમેરીકન કહેવાય છે. એ મુળ, સાવ જંગલી, અસલી અમેરીકન! અને એ પ્રજા પણ અહીંની મુળ તો નથી જ. રશીયાના સાઈબીરીયા પ્રદેશ અને અમેરીકાના અત્યારના અલાસ્કા રાજ્યને એ વખતે જોડતી જમીનપટ્ટી પરથી, હજારો વર્ષ પહેલાં મુળ મોન્ગોલીયન જાતીના, એસ્કીમો લોકો અહીં ઉતરી આવ્યા હશે; એમ મનાય છે. પછી કાળક્રમે એ પટ્ટી દરીયાની નીચે ગરકાવ થઈ ગઈ, અને આ લોકો વધુ અને વધુ દક્ષીણમાં વસતા ગયા; અને છેક દક્ષીણ અમેરાકાની દક્ષીણ ટોચ, ટેરા ડેલ ફુએગો સુધી પહોંચી ગયા. આમ આ પ્રદેશ મુળે વસાહતીઓનો પ્રદેશ છે.

   આ પ્રજાનો જુસ્સો, એ મુળ અમેરીકન જુસ્સો. એમના માટે અનેક ચોપડીઓ લખાઈ છે. અને હજુ સંશોધનો ચાલુ જ છે. માટે એમના વીશે મારા અલ્પ જ્ઞાન થકી શું લખું? આપણે ભારત પર થયેલા યુરોપીયન આક્રમણ સામે આ પ્રજા પર થયેલા આક્રમણની તુલના જ કરીએ તો? ભારતમાં વાસ્કો ડી ગામા પહેલી વાર આવ્યો ત્યારે ભારતમાં હજારો વર્ષ જુની, બહુ જ વીકસીત સંસ્કૃતી પ્રવર્તમાન હતી. તોપગોળા, ઘોડેસ્વારો અને હાથીદળો પણ હતાં. અને છતાં બહુ ઓછા સંઘર્ષો વીના બધી યુરોપીયન પ્રજાઓ ભારતનો પુર્ણ કબજો લઈ શકી.

     જ્યારે અહીંની અબુધ પ્રજા પાસે સાવ સાદાં શસ્ત્રો હતાં. ઘોડા કે પૈડાં પણ એ વાપરતા ન હતા. અને છતાં એ પ્રજાએ પોતાની સ્વતંત્રતા માટે જે સંઘર્ષ કર્યો છે; એ વીશ્વના ઈતીહાસમાં લાજવાબ છે. ભલે એ લોકો સફળ ન રહ્યા. એમની વસ્તીનો 90 ટકાથી વધુ ભાગ યુરોપીયન વસાહતીઓના પાપે નષ્ટ થઈ ગયો. પણ એ પ્રજાએ ઘોડેસ્વારી, બંદુકો, ગાડાં અપનાવ્યાં અને બહુ જ થોડા વખતમાં એમાં કુશળતા મેળવી. એમાંની ‘ચરોકી’ નામની જાતીઓએ તો પોતાની લેખીત ભાષા અને છાપખાનાં પણ વીકસાવ્યાં. પણ ક્રુર, લુચ્ચા અને આધુનીક યુરોપીયન વસાહતીઓ સામે એ ન ટકી શક્યા. પોતાનાજ પ્રદેશમાં એ સૌ સાવ પાતળી લઘુમતી બની ગયા. અમુક જાતીઓ તો લુપ્ત પણ થઈ ગઈ.

    પણ એ પ્રજાની જીવનશૈલી, હાલના અમેરીકન જુસ્સા અને જીવનશૈલીના પાયાની એક નાનકડી ઈંટ જરુર છે. સાવ પ્રકૃતીના આધાર પર પાંગરતું, અથાક શ્રમના પાયા પર રચાયેલું, એમનું જીવન હાલના અમેરીકન લોકોના પ્રકૃતીપ્રેમ અને અપ્રતીમ શ્રમના જુસ્સાના તાણેતાણામાં વણાઈ ગયું છે. એમનું પુજ્ય ગરુડ પક્ષી આજના અમેરીકાનું રાજચીહ્ન બન્યું છે. બીજી કોઈ પણ સંસ્કૃતી સાથે સમ્પર્ક વીના એ પ્રજાએ પોતાની આગવી રીતે વીકાસ કર્યો હતો.

     આધુનીક અમેરીકાએ સાધેલો અપ્રતીમ વીકાસ પણ એનો આગવો જ છે. 1903માં ગણતરીની સેકન્ડો માટે ‘કીટ્ટી હોક’ ખાતે વીશ્વનું પહેલું વીમાન ઉડાવનાર અમેરીકને, માત્ર 65 વરસમાં ચન્દ્રની ધરતી ઉપર પહેલા માનવીનું પગલું પાડ્યું હતું. આ છે અમેરીકન જુસ્સો. હું એના પાયામાં અહીંની કુદરતની વીષમતાઓ સામે મર્દાનગીથી ઝઝુમવાની એ મુળ અબુધ પ્રજાની તાકાત નીહાળું છું.

      જ્યારે સ્પેનના ચાંચીયાઓએ મેક્સીકો કબજે કર્યું ત્યારે હાલના મેક્સીકો શહેરની જગ્યાએ લાખોની વસ્તીવાળું ‘અઝટેક’ પ્રજાનું એક મોટું નગર ધબકતું હતું. એમના અને ‘માયા’ પ્રજાના મોટાં મોટાં મંદીરોનાં ખંડેરો ઉત્તર અમેરીકાના આ પ્રદેશોમાં આજે પણ એ સંસ્કૃતીની ગાથા ગાતાં ઉભાં છે. અલબત્ત એ મંદીરો ક્રુરતાની પરાકાષ્ટા જેવા હતા. ત્યાં જીતાયેલા લોકોના માનવબલી ચઢતા અને આરોગાતા.

     કદાચ નવા વસાહતીઓ એમનાથી પણ વધારે ક્રુર સાબીત થવાના હતા! મારા મતે આ પ્રદેશની આ પાયાની રુક્ષતા (Ruthlessness) છે. હાલનો અમેરીકન આ ક્રુર, જવાંમર્દ પણ ભોળી પ્રજાનું જાલીમ શોષણ અને નીકંદન કરીને પાંગર્યો છે. અમેરીકન રુક્ષતા પાછળનુ કદાચ આ પણ એક પરીબળ છે. મુળ પ્રજા દ્વ્રારા કરાતા અમેરીકન બાઈસનના શીકારની વાત આ અગાઉ કરેલી છે.

     એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો    ……….     અને અહીં પણ    …

    એ ઝનુન અત્યારના ક્રેઝી અમેરીકનનું એક પ્રતીક છે એમ હું માનું છું.

 – વધુ આવતા અંકે

અમેરીકન જુસ્સો : ભાગ -1

    આ વાત સાચી છે કે, ખોટી એ મને ખબર નથી, પણ એક અમેરીકન હોવાના નાતે, અને મારા મુળ ભારતીય સંસ્કારને પણ ગમે તેવી છે માટે અહીં રજુ કરું છું. આ લેખમાં વ્યક્ત કરેલા વીચારો મારા આગવા નથી. મુળ અંગ્રેજી લખાણને વફાદાર રહી અનુવાદ કરવાનો આ પ્રયત્ન માત્ર છે. અમુક મુદ્દાઓ સાથે હું પણ સહમત નથી. જ્યાં મને યોગ્ય લાગ્યું ત્યાં મેં કૌંસમાં મારો અભીપ્રાય વ્યક્ત કર્યો છે.

    કદાચ ‘અમેરીકન’ શબ્દ સામે ઘણાને સુગ ચઢશે. પણ અમુક ફેરફારો  કરી એની જગ્યાએ ‘ વીશ્વ-માનવી’ શબ્દ મુકી દઈએ, તો વીશ્વભરમાં વકરી રહેલા ત્રાસવાદ સામે ભાવનાત્મક રીતે આ  વીચાર મને વ્યાજબી લાગ્યા છે.

   વાચકનો પ્રતીભાવ જાણવો ગમશે.

——————————————-

     પાકીસ્તાનના એક છાપામાં આવેલી જાહેરખબર –

    ” જે કોઈ એક અમેરીકનને મારશે તેને યોગ્ય ઈનામ આપવામાં આવશે.”

      આના જવાબ તરીકે, ઓસ્ટ્રેલીયાના એક છાપામાં ત્યાંના એક ડેન્ટીસ્ટે નીચે મુજબ ચર્ચાપત્ર આપ્યું હતું –

     જેણે આ ઈનામ મેળવવા એક અમેરીકનને શોધવો હોય;  તેની જાણ સારુ કે, અમેરીકન કોણ અને કેવો હોય છે –

 • એક અમેરીકન મુળમાં અંગ્રેજ, ફ્રેન્ચ, ઈટાલીયન, આઈરીશ, જર્મન, સ્પેનીશ, પોલીશ, રશીયન, ગ્રીક, અથવા વીશ્વના કોઈ પણ દેશનો હોઈ શકે છે. એ કેનેડીયન, આફ્રીકન, મેક્સીકન, ચાઈનીઝ, ઈન્ડીયન, આરબ, જાપાનીઝ, કોરીયન ઓસ્ટ્રેલીયન, ઈરાની, એશીયન, પાકીસ્તાની કે અફઘાન હોઈ શકે છે. ( અમેરીકા વસાહતીઓનો દેશ છે.)
 • એક અમેરીકન કોમેન્ચ, ચરોકી, ઓસેજ, બ્લેકફુટ, નવાહો, એપેચ, સેમીનોલ પણ હોઈ શકે છે. (એના મુળ વતનીઓ – જે નેટીવ અમેરીકન તરીકે ઓળખાય છે; અને એ પણ મુળે મોંગોલ વંશના હતા. આધુનીક શસ્ત્રો વગરની એ અબુધ પ્રજાની નીર્મમ હત્યા કરવામાં આવી ન હતી? )
 • એક અમેરીકન ખ્રીસ્તી, યહુદી, બૌધ્ધ, મુસ્લીમ કે હીન્દુ હોઈ શકે છે. ખરેખર તો અફઘાનીસ્તાનમાં મુસ્લીમો છે તેના કરતાં ઘણા વધારે મુસ્લીમો અમેરીકામાં છે. વળી અમેરીકામાં શીયા, સુન્ની એવા કોઈ ભેદભાવ વગર મુસ્લીમો પોતાને મનગમતો ધર્મ પાળી શકે છે.
 • અમેરીકામાં કોઈ ધર્મ ન પાળવો હોય, તો તેની પણ છુટ છે. કોઈ નામ વગરના ઈશ્વરમાં માનવાની પણ ત્યાં છુટ છે. સરકાર અને અલ્લાના નામે હથીયારધારી ગુંડાઓની બળજબરીને તાબે થવાની કોઈ જરુર નથી.
 • એક અમેરીકન વીશ્વના ઈતીહાસમાં સૌથી વધુ સમૃધ્ધ દેશમાં રહે છે. તેને, ખાદ્ય સામગ્રી, સ્વચ્છ પાણી, પુસ્તકો, સંગીત, નાગરીક સેવાઓ જેવી, જીવન જરુરીયાતની સૌથી શ્રેષ્ઠ ચીજો મળી શકે છે. તેની આ સમૃધ્ધીનું મુળ તેની સ્વાતંત્ર્ય-ઘોષણાના શ્વેતપત્રમાં છે – જે દરેક માણસને ઈશ્વરે બક્ષેલા, સુખની પ્રાપ્તીની શોધના મુળભુત હકકને સ્વીકારે છે.
 • એક અમેરીકન ઉદાર છે. તેણે વીશ્વના લગભગ પ્રત્યેક દેશને તેની જરુરીયાતના દીવસોમાં, કોઈ બદલાની આશા વીના મદદ કરી છે. જ્યારે અફઘાનીસ્તાન ઉપર વીસ વરસ પહેલાં રશીયન લશ્કરે પાશવી આક્રમણ કર્યું હતું ત્યારે, તેના લોકોને પોતાનો દેશ પાછો મેળવવા સહાય કરવા એ અમેરીકન શસ્ત્રો અને સામગ્રી લઈને દોડી આવ્યો હતો. ( કદાચ આપણે આની સાથે પુર્ણ રીતે સહમત ન પણ થઈએ!) અફઘાનીસ્તાનની ગરીબ જનતાને વીશ્વના કોઈ પણ દેશ કરતાં વધુ મદદ તેણે કરી હતી.
 • 2001 ની 11, સપ્ટેમ્બરની સવારે, ધરાશાયી થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવરમાં મૃત્યુ પામેલ અમેરીકનો, વીશ્વના ત્રીસ અલગ અલગ દેશોમાંથી આવેલા હતા; અને પોતાના કુટુમ્બનું ભરણપોષણ કરતા હતા. એમાંના અમુક તો એ દુષ્ટ અને ક્રુર કૃત્ય કરનારા ત્રાસવાદીઓની જ દેશી ભાષા બોલતા હતા.
 • અમેરીકાનું રાષ્ટ્રીય પ્રતીક – સ્વતંત્રતા દેવીની મુર્તી – વસ્તીથી ઉભરાતા વીશ્વના અનેક કીનારાઓએથી આવેલા, થાકેલા, ગરીબ, ઘર વગરના, રાષ્ટ્રીય, ધાર્મીક અને સામાજીક જુલ્મ અને ત્રાસના વાવાઝોડાથી ત્રસ્ત અને પોતાના દેશમાં કચરા જેવા ગણાતા જણનું સ્વાગત કરે છે. ખરેખર તો આવા લોકોએ જ આજે અમેરીકા જેવું છે તેનું સર્જન કર્યું છે. ( એ માટે થયેલું અનેક જાતીઓનું અને કુદરતી સજીવ સૃષ્ટીનું ક્રુર શોષણ ભુલાઈ ગયું?!)
 • જો તમે આવા એક અમેરીકનની હત્યા કરવા માંગતા હો તો જરુર કરો. હીટલર, જનરલ ટોજો, સ્ટેલીન, માઓ-ત્સે-તુંગ અને વીશ્વના બીજા લોહીતરસ્યા જુલમગારોએ આ જ કર્યું છે.
 • પણ એમ કરવામાં તમે તમારી જાતની પણ હત્યા કરશો, એ ન ભુલતા. કારણકે, એક અમેરીકન એ કોઈ એક જગ્યાનો કે જાતીનો જણ નથી. માનવજાતના સ્વતંત્રતાના જુસ્સાનો એ પ્રતીક છે.
 • દરેક જગ્યાએ, દરેક જણ જે આ જુસ્સો ધરાવે છે; તે અમેરીકન છે

ટોમ થમ્બ – અમેરીકા

28 ઓગસ્ટ – 1830

   આજથી  બરોબર 178 વર્ષ પહેલાં, આ દીવસે બાલ્ટીમોર, મેરીલેન્ડ, યુ.એસ.એ. ખાતે, ગામના ગોંદરે, હકડેઠઠ્ઠ ભીડ ભરાયેલી છે. આજુબાજુના ગામડાંઓમાંથી ખેડુતો પણ ભેગા થયા છે. નવી નવાઈનો ન્યુયોર્કનો આ વેપારી, પીટર કુપર ઈન્ગ્લેન્ડ જઈ આવ્યો છે; અને કોલસા ખાતો, આગ ઓકતો અને ભખ-ભખ વરાળ કાઢતો લોખંડનો ઘોડો બનાવી લાવ્યો છે. એને ચાલવા માટે કદી ન દીઠા હોય એવા, લોખંડના પાટા પણ બે માઈલ સુધી પાથર્યા છે. અને કહે છે કે, એનો આ નવી નવાઈનો ઘોડો અરબી ઘોડા જેવા આપણા મસ્તાંગની ( અમેરીકી ઘોડાની એક જાત) સાથે હોડ બકવાનો છે !

     આ લોખંડના ઘોડાની બાજુમાં મદમસ્ત અને ધીંગા મસ્તાંગથી ચાલતી બગી હાંકવા ગામનો શ્રેષ્ઠ કોચવાન તૈયાર ખડો છે. ગામનો શેરીફ થોડી જ વારમાં સીસોટી વગાડીને, કોલસા/ વરાળથી ચાલતા લોકોમોટીવ  એન્જીન અને મસ્તાંગ વચ્ચેની  આ અભુતપુર્વ રેસ  ચાલુ કરવાનો છે. 

    અને છેવટે શેરીફ સીસોટી વગાડે છે. પેલો કાળો ઘોડો પણ તીણી, ભયંકર અવાજવાળી અને કદી ન સાંભળી હોય તેવી સીસોટી વગાડે છે. આ ઘોંઘાટથી બેબાકળી થયેલી,  બે નાજુક મહીલાઓ બેભાન બની જાય છે. છોકરાંવ ચીસાચીસ કરી મુકે છે. અને બધાની આતુર આંખોની સામે આ રેસ શરુ થાય છે. ઓલ્યું ભખ-ભખ તો હડી કાઢીને દોટ મેલે છે. આપડો બચારો મસ્તાંગ તો એની આગળ સાવ ટાયડા જેવો લાગે છે. ઓલ્યું  તો જે જાય ભાગ્યું. મસ્તાંગના પ્રેમીઓ વધુમતીમાં છે. બધા નીરાશ વદને આ નવી નવાઈનો તાયફો જોઈ અકળાય છે.

   અને ત્યાં જ એ ભખ ભખ ઠપ્પાક દઈને બંધ પડી જાય છે. એનો એક બેલ્ટ ગરગડી પરથી ઉતરી ગયો છે અને ધીંગો મસ્તાંગ મેદાન મારી જાય છે. બધાં તાળીઓના ગડગડાટથી એને અને  એના કોચવાનને વધાવી લે છે. પીટર માથે હાથ દઈને બેસી જાય છે.

   આમ અમેરીકાની ધરતી પર ચાલેલું પહેલું એન્જીન ‘ ટોમ થમ્બ ‘  હાર્યું હતું અને જાતવાન મસ્તાંગ ઘોડો રેસ જીતી ગયો હતો !

    બાલ્ટીમોરની સીમમાં, લોખંડના પાટા પર ચાલેલું આ સૌથી પહેલું  એન્જીન હતું. ‘બાલ્ટીમોર અંને ઓહાયો રેલ્વે કમ્પની’નો આ પહેલો પ્રયોગ હતો. આ હારથી પ્રયત્ન બાજુએ મુકી દેવો, એ તો અમેરીકન કમ્પનીના માલીકોના સ્વભાવમાં જ ન હતું. એમણે હીમ્મત હાર્યા વીના, પીટરને છુટ્ટો દોર આપ્યો.  બીજા વરસે સુધારા વધારા સાથેના  એન્જીન વડે ચાલતી પહેલી  ટ્રેન શરુ થઈ ગઈ.  ધીમે ધીમે લોકો એનાથી ટેવાવા માંડ્યા. એના ફાયદા તરત સહુને સમજાયા. અને થોડાંક જ વર્ષોમાં અમેરીકામાં ઠેર ઠેર રેલરોડ બનવા માંડ્યા.

     એની સાથે અમેરીકાની અઢળક વન્ય-સમ્પત્તી,  ખેતીવીષયક પેદાશો અને કાચા માલના સસ્તા અને ઝડપી પરીવહનનો એક નવો  યુગ શરુ થયો હતો. ઔદ્યોગીક ક્રાન્તીના આ શરુઆતના વર્ષો હતા. આના કારણે અમેરીકાએ એક પછાત, જંગાલીયત અને ક્રુરતાથી ભરેલા અને કાયદાવીહીન દેશમાંથી સુસંસ્કૃત દેશ બનવાની ધીમી શરુઆત થઈ હતી. 

વધુ વીગત જાણવા અહીં ‘ ક્લીક ‘  કરો.

ન્યુયોર્કમાં ટેકસી – અમેરીકા

ન્યુયોર્ક – સાંજના પાંચ વાગે, નવેમ્બર – 1988

    મારાં પત્ની અને હું ન્યુયોર્ક શહેર જોવાની એક ટુર પતાવીને, સબવે( લોકલ ટ્રેન)માં બ્રેન્ટવુડ સ્ટેશને ઉતરીએ છીએ. આખા દીવસના રઝળપાટથી અમે થાકી ગયેલાં છીએ. સ્ટેશનથી સાવ જ નજીક, મારા મામાની દીકરી ચેતના અને એના વર અશોકભાઈની ફાર્મસી/ સ્ટોર છે. એમણે અમને કહેલું છે કે, ‘પાછા વળીને સ્ટોર પર આવજો.’ પણ અમને ખબર છે કે, આ ખાસ ઘરાકીનો સમય છે. અમને મુકવા કોઈ ઘેર આવી શકે તેમ નથી. રાતના નવ વાગે સ્ટોર બંધ થાય; ત્યારે જ ઘેર જઈ જમવાનું મળે અને આરામ કરાય.

     અને મારા મગજમાં ફળદ્રુપ વીચાર આવે છે.‘ ટેક્સી કરીને એમને ઘેર પહોંચી જઈએ તો? ઘેર મામા-મામી અને બહેનનાં બાળકો તો છે જ.’

    મારી પત્ની મારા આ અસ્સલ, અને કોક જ વાર આવતા(!) શુધ્ધ સુવીચારને થાકેલા સ્વરે અનુમોદન આપે છે. અમે સ્ટેશનની બહાર નીકળીએ છીએ. મારી પત્ની એક બાંકડા પર બેસી પડે છે. હું આવતી જતી બધી ટેક્સીઓને હાથ લાંબા કરી, રોકવા પ્રયત્ન કરું છું. પણ મારી વાળી એકેય રોકાતી નથી. હું બાઘાની જેમ આમથી તેમ આંટા મારું છું. પણ અંતે નીરાશ બની મારી પત્નીની પાસે આવીને થાકીને બેસી પડું છું.

    બીજો વીકલ્પ બહેનના સ્ટોર પર જવાનો છે; પણ એ બહુ ગમતો નથી. અમે શું કરવું તેના અસમંજસમાં ગરકાવ છીએ. ત્યાં બાજુના બાંકડા પર બેઠેલો એક ગોરો માણસ મને કાંઈક કહેવા જાય છે. થોડાક ભયની લાગણીથી હું તેની પાસે જાઉં છું. અમેરીકન ઉચ્ચારોથી નહીં ટેવાયેલા, મારા કાનને અને મગજને થોડી ઘણી સમજણ પડે છે. તે મને કહી રહ્યો છે,’બાજુની દીવાલ પર રાખેલા ટેક્સી કમ્પનીના ફોન બુથ પરથી ટેક્સી બોલાવ.’

    ફોન ઉપર લખેલી સુચના ‘મફત’ મારા અમદાવાદી ચીત્તને ગળી ચટ્ટાક જેવી લાગે છે. હું ફોન ઉઠાવું છું.ટોલ ફ્રી 1-800- **** નંબર જોડું છું. સામે રણકતી ઘંટડી જેવો, કોઈક મડમનો અવાજ સંભળાય છે. તે મારું નામ અને અમે ક્યાં છીએ; તેની માહીતી માંગે છે. હું જેવો ફોન કરીને પાછો વળું છું , ત્યાં જ એક ટેક્સી રમરમાટ આવી પહોંચે છે, અને ડ્રાઈવર-બાનુ મીસ્ટર જાનીના નામની અહાલેક બજાવે છે.

    હું તો અજાયબ બનીને ‘આ મારી ઓળખીતી વળી ક્યાંથી નીકળી?’ એમ વીચારતો થાઉં છુ;

   ત્યાં જ ટેક્સી ઉપરના અને ફોન બુથ પરના એક જ કમ્પનીના નામથી મને કેવળજ્ઞાન લાધે છે કે, ફોન ઉપર સંભળાયેલા, ટેક્સી કમ્પનીની કોઈ અજાણી બાનુના, ઘંટડી જેવા  અવાજ દ્વારા, આ બાનુને અમારો અતીથીસત્કાર કરવા ડીસ્પેચ કરાઈ છે! (એને સુચના મળેલી છે.)

    અમે આ અમેરીકન સીસ્ટમથી અંજાઈ જઈ, ટેક્સીમાં બીરાજમાન બનીએ છીએ. ઓલી અમારે ક્યાં જવું છે તે સરનામું મારી પાસેથી મેળવી લે છે. ટેક્સી ચાલુ કરે છે. અને વાયરલેસ ફોન ઉપર ગોટપીટ ગોટપીટ કરે છે. અમને એકેય રસ્તાની કોઈ માહીતી નથી. અમને તો અંદરથી ફડફડ થતું રહે છે કે, ‘આવી આ કોઈ મોટા રેકેટની માયા તો નથી ને? ઘેર સલામત પહોંચ્યા ત્યારે સાચા.’

     ઓલી તો ડાબા અને જમણા વળાંકો લેતી બીન્ધાસ્ત આગળ ધપે છે. અમારું રસ્તાઓ વીશેનું અજ્ઞાન એ જાણી જાય નહીં; એની સતત ફીકર અમને થતી રહે છે. એ રસ્તા વીશે મને કાંઈક પુછશે; તો હું શું જવાબ આપીશ, તેની ઘડભાંગ મારા મનમાં થતી રહે છે.

     પણ મારી વાળી એ તો અમને કાંઈ પુછતી જ નથી; અને ધમ્મ દઈને એક ઘર આગળ ગાડી ઉભી રાખે છે. અમારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે બહેનનું ઘર આવી ગયું છે.

     માત્ર નવ ડોલરના ચાર્જની સામે હું દસની નોટ હોંશથી એને પકડાવી દઉં છું – આ મહાન, ધર્મસંકટમાંથી છુટવા માટે.

——————-

     આજથી વીસ વરસ પહેલાં,  છેક 1988માં, ટેક્સીઓ આવી આધુનીક સુવીધાથી સજ્જ હતી. એ તો જાણે ઠીક પણ, સાવ અજાણ્યા અને પરદેશી જેવા લાગતા અમારી સાથે તેણે કોઈ છેતરપીંડી કરી ન હતી, તે પણ એક સુખદ સંભારણું રહી ગયું છે.

મેન્સફીલ્ડ આઈ.એસ.ડી. – ટ્રાન્સ્પોર્ટેશન; અમેરીકા

    ગુજરાતી બ્લોગ પરના ગુજરાતી લેખનું પાટીયું અંગ્રેજીમાં?

    હા, કારણકે, આ શીર્ષક(!) અરે! ફરી ભુલ્યો..,પાટીયું, 58,000ની વસ્તીવાળા અમારા ગામ મેન્સફીલ્ડની મ્યુનીસીપલ સ્કુલ(!)ના તંત્રનું છે. આઈ.એસ.ડી. એટલે ઇન્ટર સ્કુલ ડીસ્ટ્રીક્ટ. અહીં અમેરીકામાં અમુક ભૌગોલીક વીસ્તારને આવરી લેતા આવા શૈક્ષણીક તાલુકા હોય છે. એમાં બે કે ત્રણ શહેરો પણ આવી જાય. એમનું તંત્ર અલગ. એ કોઈની હકુમતમાં ના આવે. એમની હદમાં જે ગામ કે શહેર આવતાં હોય; એમના મકાન પરના કર(ટેક્સ) ની રકમના 30 થી 40% રકમ આ તાલુકાને મળે. રાજ્ય સરકાર પણ એને ગ્રાન્ટ ( અનુદાન?) આપે. પણ કોઈની હકુમત એના ઉપર ન ચાલે. હા! એનું સંસ્થાકીય માળખું તો લોકશાહી જ હોય; અને તેમાં એ ગામ કે શહેરના તંત્રના પ્રતીનીધી જરુર હોય. પણ એનું તંત્ર સાવ સ્વાયત્ત. આટલી બધી અગત્ય આ અતી આધુનીક, અને જગતનો સૌથી વધુ શક્તીશાળી દેશ પ્રાથમીક શીક્ષણને આપે છે.

   પણ અહીં વાત કરવાની છે એના વાહન વ્યવહાર વીભાગની. એક માઈલની અંદર રહેતાં હોય તેવાં બાળકોને વાલીઓએ લેવા લઈ જવાની વ્યવસ્થા જાતે કરવી પડે. પણ એનાથી વધારે દુર રહેતાં હોય; તેવાં બાળકો માટે સ્કુલબસની વ્યવસ્થા બધે જ હોય છે. અને આ બસની સગવડ સાવ કાના માતર વગરની – એકદમ મફત. એ સ્કુલ બસના વટની વાત તો અગાઉ કરી છે. ( એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો. ) તમે એના ગંજાવર ડેપો જોઈને એ તંત્ર કેટલું મોટું અને ગંજાવર હોય છે . તેનો અંદાજ કાઢી શકો.

    પણ અહીં એક નવા અનુભવની વાત કરવાની છે.

—————–

    હું મારી દીકરીના દીકરાને ઘેર પાછો મુકી જનાર બસની રાહ જોઈ રહ્યો છું. બપોરના બારનો સમય છે. હમણાં જ મેં મારું જમણ પતાવ્યું છે, અને મહામુલી વામકુક્ષી આંખોમાં સુસ્તી ભરી રહી છે. મને ચીમકી દઈને કહેવામાં આવ્યું છે કે, ‘ઝોકું ન ખાતા.’ પણ એ અમૃતસમ ઝોકું ખાળી શકાતું નથી. રાતે થોડીક જ મળતી ઉંઘનો વીકલ્પ તો શરીર માંગે જ ને? અને કદીક ધોળે દી’ પણ નસકોરાંનો નાદધ્વની થવા માંડે તો નવાઈ નહીં! ( નસકોરાં વીશે હસી લેવા અહીં ‘ક્લીક’ કરો. )

    અને એજ કમભાગી પળે, સ્કુલ બસ ઘર આગળ આવી જાય છે. મારી કાર તો ગેરેજમાં પડી છે. ઘરમાં કોઈ નથી એમ માની ડ્રાઈવર બસને પાછી લઈ જાય છે – દીકરાને લઈને સ્તો! આ જ તો અમેરીકન રસમ છે. એને ઘરની ઘંટડી વગાડવાની ફુરસદ કે વીવેક નથી.

    એક જ મીનીટ… અને હું  રણની વીરડી જેવી એ મારી મધ મીઠી ઝપકીમાંથી સફાળો જાગી જાઉં છું અને ફરી બસની રાહ જોવાની શરુ કરું છું. અડધો કલાક વીતી જાય છે. મારી પત્ની અને હું, બન્ને જણા ચીંતા કરવાનું શરુ કરી દઈએ છીએ. ‘બસ હજુ કેમ ન આવી?’

    પોણો કલાકે ફોનની ઘંટડી રણકે છે. અમારા જમાઈનો ફોન છે – ‘બસ અડ્ડા પર પાછી ગઈ છે અને ‘નીલ’ને ત્યાંથી લઈ આવવાનો છે.’

    ઘરવાળીની ‘સ્વસ્તી’ ઝટપટ સાંભળી લીધા બાદ, હું સફાળો દોટ મેલું છું. મીલીટરી કમાન્ડોની સ્ફુર્તી મારા મન અને અંગ-પ્રત્યંગમાં આવી જાય છે. બસ અડ્ડો શાળાની સામે જ છે; પણ એને તો બહારથી જ જોયેલો છે. હું ત્યાં ડાફોળીયાં મારતો પહોંચું છું. સો, બસો બસો ત્યાં પાર્ક કરેલી પડી છે, પરંતુ ક્યાંય એક પણ માણસ દ્રષ્ટીગોચર થતું નથી.

    બાજુમાં એક મોટો શેડ દેખાય છે. હું ત્યાં વખાનો માર્યો પહોંચું છું. આ બસની સાર સંભાળ માટેની જગ્યા છે. રોજના ક્રમ મુજબ અહીં બસોની સંભાળ લેવાય છે. બધી બસો ચકચકાટ અને સાફસુધરી રાખવામાં આવે છે. જરુરી હોય તેવી નાની મરામત કરવાની સગવડ પણ અહીં છે. બાજુમાં જ ડેપોનો પોતાનો, ડીઝલ પમ્પ પણ છે.

    એક મેક્સીકન પુરુષ અને સ્ત્રી ત્યાં એક બસની સફાઈ કરી રહ્યાં છે. એમને આ ડેપોની ઓફીસ બાબતમાં પુછું છું. મને કહેવામાં આવે છે કે, હું ખોટી જગ્યાએ આવ્યો છું. કમ્પાઉન્ડમાં થોડેક દુર, એક મોટું મકાન છે. મને ત્યાં જવાનું કહેવામાં આવે છે.

     ત્યાં પહોંચતાં જ રડું રડું થઈ રહેલો દીકરો દ્રષ્ટીગોચર થાય છે! ઓફીસના કાઉન્ટરની અંદર બે કારકુન બહેનોની બાજુમાં તેને બેસાડેલો છે. હું મારું ડ્રાઈવીંગ લાયસન્સ એક બહેનને બતાવું છું. મારી સહી લઈને; હું જ અધીકૃત વ્યક્તી છું, તેની ચકાસણી કરીને; મને દીકરો સોંપવામાં આવે છે.

     હું સ્વધામ પાછો આવું છું! ત્યાર બાદ મારી જે ધોલાઈ થઈ છે, તે ધ્યાનમાં રાખીને આ ‘શબ્દ’ યથાયોગ્ય વાપર્યો છે! પણ આગળની વાત મારી એ ધોલાઈની નથી કરવાની. એ કામ તમારા કલ્પના પ્રદેશમાં, તમને જ સ્વૈરવીહાર કરવા સોંપ્યું.

   પણ..

   બાળ-શીક્ષણની, અહીં જે દરકાર લેવાય છે, તેનું સ્કુલ બસ એક નાનું સરખું પ્રતીક છે. અમેરીકાની પ્રગતીના પાયામાં જે ઠોસ ઈંટો ધરબાયેલી પડેલી છે, તેમાંની એક શીક્ષણ છે.

    પોતાની સાત નહીં પણ સીત્યાશી પેઢી, સાત મણની તળાઈમાં સુઈને જલસા કરે; તેવા અથાગ પ્રયત્નો કરી રહેલા ભારતના રાજકારણીઓ અહીં અનેક વાર ‘વીઝીટ’ લઈ ચુક્યા છે, તેમની કને આવા બસ ડેપોમાં એકાદ બસ સાફ સુધરી કરાવી હોય તો? અને ટીવી પ્રોડ્યુસરોને ખાસ ‘ પ્રવેશ બંધ’ !! અને આપણી મહાન પરંપરાઓના ગુણગાન ગાનારા આપણે થોડીક સંભાળ આપણી શીક્ષણ વ્યવસ્થાની પણ લેતાં થઈએ તો?