સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: essay

માતા – શરદ શાહ

માતાના ગુણગાન ભલે ગવાતા હોય, પણ ભારતિયો જેને જેને માતાનુ બિરુદ આપે છે તેને સૌથી વધૂ પીડે છે.

આપણે ગાયને માતા કહીએ છીએ અને ભારતિય ગાયોની દુર્દશા જેવી ભારતમાં છે તેવી કદાચ બીજે ક્યાંય નહી હોય. ભારતિય ગાયો ઉકરડા, પ્લાસ્ટીકની થેલીઓ, કાગળના ડુચા અને ગંદકી આરોગી શેરીઓમાં ભટકી જીવન પૂરું કરે છે. હિન્દુઓ કહે છે કે ગાયમાતામાં સોલ કરોડ દેવતાઓનો વાસ છે, પણ ભારતિય ગાયને જોઈને કોઈપણ કહી શકે કે સોલ સત્તર રોગોનુ ઘર છે ભારતિય ગાય. અને સૌથી વધારે ગૌરક્ષક મંડળો પણ ભારતમા જ છે. હિન્દુઓને એની સહેજ પણ શેહશરમ પણ નથી.

બીજુ માતાનુ બિરુદ આપણે નદીને આપીએ છીએ અને દુનિયાભરનો કચરો નદીમાં ઠાલવીએ છીએ. પહેલાં તો ધરમના નામે ફૂલહાર કે અસ્તિ કે લાશ વિસરજન નદીમાં થતું પણ હવે તો ઝેરી કેમિકલ અને તમામ પ્રકારનો ઔદ્યોગિક કચરો નદીઓમાં ઠલવાવા માંડ્યો છે. એકપણ ભારતિય નદીનુ પાણી પીવા લાયક રહ્યું નથી. હિન્દુઓ મરતા માણસના મોમાં પવિત્ર ગંગાજળ મૂકતાં. પણ હવે ગંગાનુ જળ એટલું દુષિત થઈ ગયું છે કે મરનાર ગંગાજળ મૂકતા વેંત જ દેહ છોડી દે. મને નથી લાગતું કે વિશ્વમાં ક્યાંય પણ નદીઓ આટલી દુષિત હશે.

ત્રીજું આપણે ભારત આપણી જન્મભૂમીને પણ માતાનું બિરુદ આપીએ છીએ. અને આ દેશની દુર્દશા કરવામાં આપણને વૈશ્વિક ખિતાબ મળવો જોઈએ તેટલી હદે આપણે ભારતની દુર્દશા કરી ચૂક્યા છીએ. તમામ કુદરતી ભંડારોથી સમૃધ્ધ દેશ વિશ્વ કલક પર હાંસીપાત્ર છે અને ભિખારીઓનો કે મદારીઓનો દેશ તરીકે ઓળખાય છે. અને આપણને કોઈ છોછ નથી. મેરા ભારતના ગાણા ગાવાથી દેશ સમૃધ્ધ નથી થતાં, પણ પરિશ્રમથી અને બુધ્ધિના સદઊપયોગથી થાય છે તેવી સાદી વાત પણ આપણે સમજી નથી શકતાં.

ચોથું આપણે ધરતીને પણ માતાનુ બિરુદ આપીએ છીએ અને એ ધરતીમાતા ના સ્તન લોહીની ધારાઓ વહેવા માંડે ત્યાં સુધી ચૂસી રહ્યા છીએ વસ્તી વધારીને. પાત્રીસ કરોડની વસ્તી આજે સાઈઠ વર્ષમાં ૧૨૦ કરોડે પહોંચી ગઈ છે અને ૨૦૩૦ સુધી મા આપણે ૧૫૦ કરોડનો આંકડો વટાવી જઈશું. આ ધરતી કેટલું ખમશે તેવો વિચાર પણ આપણને આવતો નથી.

ભારતિય માતાઓને તેમના લાડલા પ્રસુતિ ઉપરાંત બીજી કેવી પીડાઓ આપે છે તે ભારતિય માતાઓ જ કહી શકે.

શરદ શાહ

ગુગમ- એક શક્યતા

કેમ ટાઇપ કરવામાં કાંઈ ભૂલ થઈ લાગે છે?
ના, નેટ સર્ફરને બહુ જાણીતા ગૂગલ મહારાજની આ વાત નથી! કે પછી ગુવાર ગમની પણ આ વાત નથી.
આ એક નવી સંસ્થાના, એક બાળકના, જન્મની કલ્પનાના સમાચાર છે.

॥ ગુજરાતી ગરિમા મંચ  ॥

      આ કાલ્પનિક  બાળક આજે તારીખ ૫, માર્ચ – ૨૦૧૦ ના રોજ જન્મેલું જાહેર થયું છે. બરાબર મારી જ જન્મ તારીખે. આ એનું  પ્રારંભિક નામ છે. શાળાએ જતાં, ઊછરવાની શરૂઆત કરતાં પહેલાં,  ગુજરાતી સમાજને તેનું નામ બદલવાની છૂટ છે!

     આ નવી સંસ્થા મારા મનની પેદાશ છે. તે મારી માનસપુત્રી છે. ‘માતૃભાષાની ચિંતા વિશે ચિંતા’ – એ લેખને મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદની ( 1084 મુલાકાતીઓ, 136 પ્રતિભાવ ) આ નિપજ છે.

તે ભણી ગણીને પુખ્ત ઉમ્મરે નામ કાઢે તેવી આશા મને સ્વાભાવિક છે.
એના ઉછેર માટે ૧.૦ લાખ રૂપિયાની જોગવાઈ આ સાથે હું કરું છું.

આ જોગવાઈ એટલા માટે કરી રાખી છે કે, વાચકોને ખાતરી થાય કે, આ ખાલી તુક્કો કે વાણીવિલાસ નથી. ગુજરાતી ભાષાની ગરિમા એક નવી ઊંચાઈ પર પહોંચે, તેવું નક્કર કામ થાય તે માટે અંતરની દાઝથી આ વિચાર નીપજયો છે. નેટ ઉપર અને અન્યત્ર વાંચેલી ‘ગુજરાતી બચાવો’ અંગેની ચર્ચાઓ વાંચ્યા બાદ, અને તેમાં સક્રિય ભાગ લીધા બાદ, અનેક મનોમંથન પછી, એક કલ્પનાએ આકાર લીધો  છે.

એ કલ્પનાનું નામ છે – ગુગમ

ગુજરાતી ભાષા મરવા પડી છે, લુપ્ત થવાની અણી પર છે : એ માન્યતા ખોટી છે.

કારણકે,

 • લાખોમાં ફેલાવો ધરાવતાં, ઘણી સારી સંખ્યામાં ગુજરાતી  દૈનિકો છે.
 • હજારોમાં ફેલાવો ધરાવતાં નામાંકિત ગુજરાતી સામાયિકો પણ ઘણી સારી સંખ્યામાં છે.
 • ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી ભાષા પરિષદ, ગુજરાતી વિશ્વકોષ સંસ્થા, ગુજરાતી લેક્સિકોન જેવી સંસ્થાઓ ગુજરાતી ભાષાની માવજત ઘણા વર્ષોથી કરી રહી છે.
 • સેંકડોની સંખ્યામાં ગુજરાતી વેબ સાઇટો અને બ્લોગો અસ્તિત્વ ધરાવતાં થયા છે.
 • અને સૌથી વધારે અગત્યની વાત – છ કરોડ લોકો ગુજરાતીમાં વિચારે છે; એમને ગુજરાતીમાં સપનાં આવે છે: દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો પણ.

જે ચિંતા સૌને છે તે,

 • બોલાતી ગુજરાતી બદલાઈ રહી છે; તે અગે છે.
 • તેનું લેખિત  સ્વરૂપ બદલાઈ રહ્યું છે; અરાકતા ફેલાયેલી છે – તે અગે છે.
 • અંગ્રેજી શબ્દોના, અંગ્રેજી શિક્ષણના વધતા જતા પ્રભાવને કારણે છે.
 • ગુજરાતમાં જ તેની કિમત  ‘શું શાં પૈસા ચાર’ થઈ ગઈ છે; તે માટે છે.

ઘણા મનોમથન બાદ હું એવા નિર્ણય પર પહોચ્યો છું કે,

આવી ચિંતા કરવાનો પણ કશો જ અર્થ નથી!

કારણકે, બદલાવની આ પ્રક્રિયા કુદરતી છે. સમયના બદલાતાં વહેણની સાથે; સતત બદલાતા જતા આર્થિક, રાજકીય અને સામાજિક મૂલ્યોના પરિબળે; અને જ્યારે આખું વિશ્વ એક ગામડાં જેવું બની ચૂક્યું છે – ત્યારે વૈશ્વિક ઘટનાઓ સાથે તાલ મિલાવતાં; બદલાવ તો થવાનો જ. તેને કોઈ અટકાવી ન શકે, કોઈ તે પ્રવાહને ફાંટી ન શકે – એ બદલાવ ગમતીલો હોય કે ન હોય તો પણ.

આદિમ માનવોની ચિચિયારીઓ, લોથલ અને ધોળા વીરામાં બોલાતી, લખાતી અને હજુ ન ઊકેલાઈ શકાયેલી  ભાષા, વૈદિક ભાષા, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, દલપત/ નર્મદના કાળની ગુજરાતી, પંડિત અને ગાંધી યુગની ગુજરાતી અને અત્યારે બોલાતી ગુજરાતી – આપણી ભાષા સતત બદલાતી રહી છે.

અરે, બોસ! ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, સૌરાષ્ટ્ર, ચરોતર, મહેસાણા કે સૂરતમાં; આદિવાસીઓમાં, ખારવાઓમાં, વણકરોમાં, હરિજનોમાં, અમેરિકા, આફ્રિકા કે અખાતી દેશોમાં – એ જુદી  જુદી રીતે બોલાય છે! આવતીકાલે કદાચ એનું સ્વરૂપ સાવ કાંઈક જુદું જ હોઈ શકે છે.

આર્થિક વિકાસના રસ્તે અભૂતપૂર્વ પ્રગતિ કરેલ દેશના અને આર્થિક દોડમાં આગળ રહેલા આપણા રાજયના લોકો અંગ્રેજીનો બિનવિકલ્પ સહારો લઈ રહ્યા છે. મધ્યમ વર્ગનો એક સામાન્ય ગુજરાતી તેના જાગૃત સમયના મોટા ભાગમાં અંગ્રેજી વાપરે છે. અરે! રસ્તા પરનો, રેકડી હાંકતો મજૂર પણ ચા, બીડીની દુકાને જઈ, બે ફૂંક મારવા ‘માચિસનું બાકસ’ માંગે છે – દિવાસળીનું ખોખું નહીં !

તો પછી ગુગમ શા માટે?

કારણકે, કશું કર્યા વિના, ખાલી ચર્ચાઓ કર્યે રાખવાનું ઠીક નથી લાગતું. ખાલી લાગણીવેડા કે, ઝનૂનનો પણ કશો અર્થ નથી. વળી સરકાર કશું કરતી નથી; શિક્ષણપ્રથા ખાડે ગઈ છે; શિક્ષણશાસ્ત્રીઓ, સાહિત્યકારો, ભાષા શાસ્ત્રીઓ કશું કરતા નથી – એમ બળાપો કાઢવાથી પરિસ્થિતી લગીરે બદલાવાની નથી.

પણ ગુજરાતની જનતા ખમીરવાન છે. ગુજરાતી ભાયડો અને ગુણિયયલ ગુજરાતણ કશેથી પાછા પડે તેવાં નથી. એમણે સદીઓથી દરિયો ખેડેલો છે; અને આખી દુનિયામાં વસેલાં છે. આ મારો સામાન્ય ગુજરાતી માણસમાં અતૂટ વિશ્વાસ છે.

આ જોઈ લો –
ગુજરાતી ગીતોનો ‘રણકાર’ ક્યાં ક્યાં સંભળાય છે ?
તે જોવા અહીં ‘ ક્લિક’ કરો

આપણને સૌને આપણી ભાષા વહાલી છે. તળ ગુજરાતમાં તો આ અંગે ઘણી જાગૃતિ આવી છે. પરદેશમાં રહેતા અમારા જેવા લોકોને પણ આ બદલાવ ગમતો તો નથી જ. વતન ઝુરાપો વેઠતા ગુજરાતીઓ ઘણી મોટી સંખ્યામાં વિશ્વમાં ઠેર ઠેર પથરાયેલા છે. એમને ગુજરાતી ભાષા માટે પેટમાં બળે છે. એમનાં સંતાનો કમ સે કમ ગુજરાતી સમજે, એના સાંસ્કૃતિક વારસાને જીવતો રાખે એવી એમની આરજૂ છે. ગુજરાતીની ગરિમા ન વિસારાય; એની ઉપેક્ષા ન થાય તો બસ! આ જ અંતરની ભાવનાથી ગુગમનો વિચાર જન્મ્યો છે.

ચાલો લાગણીવેડા છોડી, કામની વાત કરું –

જે કોઈ સંસ્થા કે સંસ્થાઓ
ભેગાં મળીને આ વિચારને ઊપાડી લે;
નક્કર યોજના બનાવે;
તે માટે જરૂરી તંત્ર ઊભું કરે;

તેમને ઉપરોક્ત ચેક સુપ્રત કરવામાં આવશે.

એટલું જ નહીં.

મારા મિત્રો, સંબંધીઓની પાસેથી
આવું અનુદાન મેળવવા પણ હું તૈયાર રહીશ.

શરત એટલી કે,

ગુગમના છત્ર નીચે, નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે; એ માટે નક્કર આયોજન કરવામાં આવે –

  1. ગુજરાતી ભાષા પ્રવીણતા પરીક્ષા –  ત્રણ સ્તરમાં
   – ૧) પ્રારંભિક( ચોથા ધોરણની સમકક્ષ ) ,  ૨) માધ્યમિક ( આઠમાં ધોરણની સમકક્ષ) ૨) વિશારદ( બારમા ધોરણની સમકક્ષ)- ત્રણેમાં અભ્યાસક્રમ સરકારી ધારાધોરણ કરતાં ઠીક ઠીક ઊંચો હોવો જોઈએ.

 

  1. ગુજરાતી શિક્ષક પ્રવીણતા પરીક્ષા-  ગુજરાતી શિક્ષણનું સ્તર સુધરે તે માટે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા ( સાહિત્ય, ભાષા શાસ્ત્ર અને શિક્ષણ અગે જાણકારીની કસોટી) –  બે સ્તરમાં. આમાં પણ અભ્યાસક્રમ તેની સમકક્ષ સરકારી ધોરણ કરતાં ઘણો ઊંચો હોવો જોઈએ.
   1) પ્રાથમિક 2) માધ્યમિક

 

  1. ગુજરાતી સાહિત્ય સર્જન માટેના પારિતોષિકો ( માત્ર સામાન્ય માણસ માટે) : વાર્ષિક હરીફાઇ, અને વિજેતાઓનું  જાહેર સન્માન-
   ૧) વાર્તા ૨) કવિતા ૩) નિબંધ

 

 1. ગુજરાતી વારસા જતન
  – ગુજરાતમાં ઠેર ઠેર જીવી ગયેલી ગુજરાતી પ્રતિભાઓની યાદનો સંગ્રહ અને જતન – ગુજરાતના દરેક મોટા શહેરમાં, તેની આજુબાજુના વિસ્તારમાં જીવી ગયેલી નામી, અનામી વ્યક્તિઓ, જેમણે ગુજરાતનું કે સ્થાનિક જગ્યામાં ઉલ્લેખનીય પ્રદાન કર્યું હોય;  તેમની યાદ તાજી કરી આપતાં, અને પ્રજાને એવા જીવન જીવી જવાની પ્રેરણા આપતાં સ્મારકો, માહિતી વિ. – દરેક શહેરમાં આવું એક સ્થળ વિકસાવવામાં આવે જ્યા સામૂહિક રીતે આવા સંગ્રહ પ્રદર્શિત કરી શકાય.
  –  ગુજરાતમાં ઠેર ઠેર, જાહેર સ્થળોએ,  વિના મૂલ્યે, ધાર્મિક કથાઓના મોડલ પર, લોકપ્રિય લેખકોનાં પ્રવચનોનું  ( ખાસ કરીને હાસ્યલેખકોનાં) આયોજન.

મારો નાનકડો ફાળો આ પુણ્યકાર્યમાં પાશેરામાં પહેલી પૂણી બરાબર પણ નથી. પણ દેશ વિદેશમાં હરણફાળ ભરી રહેલી, ‘ ગુજરાતી મહાજાતિ’ માટે દસ કરોડ રૂપિયા કે, તેથી વધારે રકમ આ કામ માટે ભેગી કરવી; એ બહુ મોટી વાત નથી. મને શ્રદ્ધા છે કે, ગુજરાતની નામી સંસ્થાઓ, ખમતીધર વ્યક્તિઓ, અમીરો, સાહિત્ય અને કલા રસિકો, આ બીડું જરૂર ઝડપી લેશે; અને આ કલ્પનાના બાળકનો વાસ્તવિક પ્રસવ કરાવશે. જો પ્રજા ઉમળકાથી આ કામ ઊપાડી લે તો, ગુજરાત સરકાર પણ હુંફાળો અને મજબૂત હાથ લાંબો કરવા સક્ષમ અને વ્યવહારુ છે જ – કરશે જ.

મારા કુટુમ્બ, મિત્રો અને મારા પોતાના માટે શુભ એવા આજના દિવસે આ સંકલ્પ જાહેર કર્યો છે. એને પૂરો પાડવાની આ ટહેલમાં સાથ પૂરાવશો તો આનંદ થશે જ; પણ વધારે અગત્યની વાત એ છે કે,

ગુજરાતી ગરિમા જરૂર પોરસાશે.

માતૃભાષાની ચિંતા વિશેની ચિંતા

છેલ્લા બે એક વર્ષમાં ‘ ગુજરાતી ભાષા મરવા પડી છે?’ તે વિષય અંગે ઘણી બધી ચર્ચાઓ વાંચવા મળી. ઉમળકાભેર તેમાં ભાગ પણ લીધો. ( નેટ ઉપર સૌથી લાંબી ચાલેલી ચર્ચા વાંચવા અહીં ‘ ક્લિક’ કરો. )

પણ જાણીતા પત્રકાર અને નિડર વિચારક શ્રી.ઉર્વીશ કોઠારીના લેખનાં નીચેનાં ટાંચણો મનને ભાવી ગયાં :-

ભાષા સોનાની લગડી છે અને સાહિત્યકારો સોની છે. એ લોકો ભાષામાંથી પોતાની આવડત-વૃત્તિ (કે બજારની માગ) પ્રમાણે ઘરેણાં બનાવે છે. પણ જેમની પાસે ઘરેણાં બનાવવાની આવડત નથી, એમની પાસે સોનાની લગડી તો છે જ અને એની કિંમત જરાય ઓછી નથી. બલ્કે, ઘરેણાંમાંથી લગડી નહીં, લગડીમાંથી ઘરેણાં બને છે.

અંગ્રેજીનો વિકલ્પ નથી એ ખરૂં છે. પણ ગુજરાતમાં કૌટુંબિક અને અંગત વ્યવહારમાં ગુજરાતી ભાષાનો સન્માનજનક વિકલ્પ છે ખરો?

આઘુનિક દેખાવા કે યુવા પેઢી સાથે તાલ મિલાવવા માટે શહેરી બોલચાલની ભાષાના અંગ્રેજી શબ્દો કે શબ્દઝુમખાં ઠપકારવાં, એ ભાષાનો વિસ્તાર નથી. ભાષાની વિકૃતિ છે.

વાત ફક્ત પ્રભાવશાળી અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા લેખકથી ભાષાનું ગૌરવ અનુભવવાની વાત હોય તો ગુજરાતી ભાષા પાસે સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર મહાત્મા ગાંધી છે.

ગુજરાતી ભાષા બોલનારા ગુજરાતીઓનો આંકડો કરોડમાં છે. છતાં, ભાષા લુપ્ત થવાની બૂમો શા માટે?

..

ઈંગ્લીશ મિડીયમમાં ભણતા બાળક માટે ઈંગ્લીશને અપનાવવા જેટલું જ ગુજરાતીને તરછોડવું જરૂરી ગણવામાં આવે છે, એ સૌથી કમનસીબ બાબત છે. આ કાવતરામાં સૌની સહિયારી જવાબદારી છે.

જે ભાષા કરોડની સંખ્યામાં લોકો બોલતા હોય, તે એમ કંઇ લુપ્ત થઇ જવાની નથી અને ભાષાની બ્રીફ લઇને ફરનારા અણઘડ વકીલોથી બચવાની પણ નથી. ગુજરાતીને બચાવવાનો દાવો મોટો અને ગેરરસ્તે દોરનારો છે. અત્યારે ખરી જરૂર ગુજરાતીને બચાવવાની નહીં, તેનો મહિમા કરવાની છે. તેનું ગૌરવ સ્થાપવાની છે.

બિનગુજરાતી અભિનેત્રીઓ બે લીટી ગુજરાતીમાં બોલી જાય, તો લોકો કેવા અડધા અડધા થઇ જાય છે! તો ખરેખર ગુજરાતી જાણતા-ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે પોતાની લાગણી જાહેર ન કરી શકે?

ગુજરાતીનો મહિમા કરવાના તમામ પ્રયત્નો આવકાર્ય છે, પરંતુ ભાષાને ગૌરવ અપાવવાનું આખરે સૌ ગુજરાતીઓના હાથમાં છે. ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરાંમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી- અંગ્રેજીમાં બોલવાને બદલે, છટાથી ગુજરાતીમાં બોલીને પણ ગુજરાતીનો મહિમા વધારી શકાય. સાહિત્યકારોની ઝુંબેશો કરતાં સામાન્ય લોકોનાં આવાં નાનાં પગલાં લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે. ૨૧ ફેબ્રુઆરીને (વિશ્વ માતૃભાષા દિન ઉર્ફે માતૃભાષા મહિમા દિનને) આ પાઠ યાદ કરવા માટે નિમિત્ત બનાવી શકાય.

( આખો લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો. )

આ વિષય પર ઘણા સાહિત્યકારો, ભાષાશાસ્ત્રના જાણકાર વિદ્વાનો અને સાહિત્ય રસિક વ્યક્તિઓનાં વિચારો વાંચવાની તક પણ મળી છે. ઉર્વીશભાઈ ગુજરાતમાં રહે છે; અને પત્રકાર/ કટાર લેખક/ જાગૃત વિચારક હોવાના સબબે બહોળો અનુભવ અને પાકટતા ધરાવે છે. આથી એમના વિધાનોની પાછળ રહેલી પાયાની સચ્ચાઈ અસર કરી ગઈ. તેમનાં ઉપરોક્ત વિધાનોએ સાવ નવા જ વિચારો મનમાં ઉભરાવ્યા. આખી વ્યવસાયી જિંદગીમાં કેવળ અંગ્રેજીમાં જ વ્યવહાર કરનાર, આ જણ ગુજરાતી ભાષા વિશે કશુંક લખે; તે કેટલે અંશે ઉચિત છે, તે તો ખબર નથી. પણ એક ગુજરાતી તરીકે પેટમાં બળે; અને આ બ્લોગ જેવી પીઠિકા ( પ્લેટફોર્મ વધારે સમજાશે? ) પર હૈયા વરાળ કાઢે; તેને વાચકો દરગુજર કરે તેવી વિનંતી.

…………………………………

આખી જિંદગી અંગ્રેજીમાં જ કામ કર્યા છતાં, ગુજરાતીમાં લખતી વખતે અભિવ્યક્તિની જે મોકળાશ જણાઈ છે; તે અંગ્રેજીમાં લેખ લખતી વખતે કે ગુજરાતીમાંથી અનુવાદ કરતી વખતે નથી જણાઈ. વારે ઘડીએ એક શબ્દ લખી, યોગ્ય શબ્દ ગોતવા થિસોરસ વાપરવો પડ્યો છે. ગુજરાતીમાં તો ટપાક દઈને બરાબર બંધ બેસતો શબ્દ અંતરમાંથી ઊભરાઈ આવતો અનુભવ્યો છે.

પહેલી વખત ટ્રાન્સલીટરેશનની ટેક્નોલોજીથી કોમ્પ્યુટરના સ્ક્રીન પર ઊપસી આવતા ગુજરાતી અક્ષરો જોઈ નાચી ઊઠેલા આ ગુજરાતીનો અનેરો આનંદ એ એના કોશે કોશમાં વ્યાપી ગયેલી ગુજરાતીતા છે.   આ ઉન્માદ બીજા અનેકોએ પણ અનુભવેલો છે.

જ્યાં સુધી ઠેર ઠેર આવી ગુજરાતીતા અસ્તિત્વ ધરાવે છે; ત્યાં સુધી, ગુજરાતીમાં વિચારતા છ કરોડ લોકોની ભાષા લુપ્ત થઈ જશે; એ માન્યતા સ્વીકારવા મન માનતું નથી.

બીજી વાત…..

છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ઇન્ટરનેટ અને બ્લોગના સાધનો વિના મૂલ્યે હાથવગાં થવાનાં કારણે, ગુજરાતી બ્લોગ જગત જેવી એક સાવ નવી જ હસ્તિએ/ ઘટનાએ આકાર લીધો છે. એકદમ સ્વયંભૂ આવેલો આ જુવાળ વેપારી અને પૈસાના પૂજારી તરીકે બદનામ ગુજરાતીઓ માટે અદ્ભુત છે.  ચોકસાઈથી ગણી ન શકાય એટલી મોટી સંખ્યામાં, બિલાડીના ટોપની જેમ, ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટો અસ્તિત્વમાં આવ્યાં છે; ઉમેરાતાં જ જાય છે. લખાતા ગુજરાતી સાહિત્યની તવારીખમાં આ એક સાવ નવું નક્કોર અને તરોતાજા પ્રકરણ ખૂલી ચૂક્યું છે. પ્રકાશકોની તાતી તલવાર, જોહુકમી અને  વ્યાપારી ગણતરીઓથી  મુક્ત અને ખર્ચની ચિંતાથી મુક્ત આ માધ્યમના અનેક ફાયદા આ જણે જાતે અનુભવ્યા છે. ( આ અંગેના બે લેખ વાંચવા વાચકોને ભલામણ :       બ્લોગર : અક્ષયપાત્ર )

સામાન્ય જનતામાં વધતા જતા નેટ અને અને સેલ ફોનના ઉપયોગને નજરમાં રાખતાં આ માધ્યમ વધારે ને વધારે વિસ્તરતું જશે; એમ દેખાઈ રહ્યું છે. ન ઉવેખી શકાય તેવી આ એક ઘટના છે. પ્રજામાં આવેલ આમૂલ ક્રાંતિ જેવી આ ઘટના છે. એક નવો જ યુગ સ્થપાવાના એંધાણ આપતી આ ઘટના છે.

કામની ભાગાદોડીમાં, મુષક દોડમાં ફસાયેલ, વ્યસ્ત યુવા પેઢી આમાં સામેલ છે;  તો મારા જેવા નિવૃત્ત અને ઘરકામ કરતી ગૃહિણી પણ છે; અને ઉર્વીશભાઈ જેવી  સાહિત્ય સાથે સંકળાયેલી જાણીતી વ્યક્તિઓ પણ છે. અરે! ગુજરાતના મુખ્ય પ્રધાન પણ આ હરણફાળમાં સામેલ છે. આને પ્રતાપે ગુજરાતી ભાષાનું ગૌરવ વધવાનું જ છે એમ કહું; તો એ આ બ્લોગરનો મિથ્યા આશાવાદ કે તુક્કો ન ગણતા. ભાષાની સેવા આ માધ્યમ દ્વારા નિઃશંક થઈ રહી છે/ થવાની છે ; તે હકીકત છે.

જે ભય સૌને છે; તે

 • ગુજરાતીની ઘટતી જતી પ્રતિષ્ઠાનો છે.
 • બોલાતી ગુજરાતીમાં વધતા જતા અંગ્રેજી શબ્દોના પ્રદૂષણનો છે.
 • લખાતી ભાષાની અશુદ્ધતાનો છે.
 • અંગ્રેજી માધ્યમની વધતી જતી ઘેલછાનો છે.

આ ભય અકારણ નથી. પણ તેનો ઉકેલ સરકારી રાહે આવશે કે માત્ર સાહિત્યકારો, ભાષાશાસ્ત્રીઓ કે સાહિત્ય રસિકો જ લાવી શકે તે માન્યતા ભૂલ ભરેલી છે. કારણકે, આ વિકૃતિઓનું મૂળ બદલાતા સામાજિક મૂલ્યોમાં છે. સમાજ જો આ બાબત જાગૃત બનશે તો આપોઆપ ગુમાતી જતી પ્રતિષ્ઠા ફરીથી હાંસલ કરી શકાશે.

ઉર્વીશભાઈના લખાણનો આ પ્રાણ છે; આ એનો ધબકાર છે. અને આથી જ એ લખાણ આ સામાન્ય માણસના અંતરના તારને ઝણઝણાવી ગયું. પણ કામની વાત એ છે કે,

આપણે સહુએ  – સાહિત્યકારો, ભાષાશાસ્ત્રીઓ કે સાહિત્ય રસિકો  સમેત સહુએ –  આ બાબત શું કરી શકાય તે વિચારવાનું છે.

બ્લોગીંગ ઉપરાંત મને એક બે બાબત સૂઝી છે, જે નીચે રજૂ કરું છું –

 • નાનાં નાનાં જૂથો ‘પુસ્તક વાંચન ક્લબો’ બનાવી શકે; જેમાં અનુકૂળતા મુજબ, મહીને એક, બે કે ચાર વખત ગમેલાં વાંચનનું આદાન પ્રદાન કરી શકાય. મિત્રો અને સગાં સંબંધીઓને એમાં સામેલ થવા    ઉત્તેજિત કરી શકાય.
 • સાહિત્ય રસિક જનતા દીન-બ-દીન વધતી જાય છે. ભરચક હોલોમાં યોજાતા ગુજરાતી ગીતોના અને કાવ્યપઠન/ મુશાયરાના કાર્યક્રમો હવે વાસ્તવિકતા બની ગયા છે. આવા સૌ સજ્જનો અને સન્નારીઓ  સામાન્ય જનતા માટે ‘સાહિત્ય પર્વ’ યોજી શકે. સોસાયટીઓના  ઓપન પ્લોટોમાં ભજન /કીર્તન/ કથાની જેમ લોકપ્રિય લેખકોનાં (હાસ્ય લેખકોથી શરૂઆત કરીને) વ્યાખ્યાનો યોજી શકાય. સો સો રૂપિયાની ટિકિટો ખર્ચી, નિજાનંદ મેળવતો વર્ગ હવે નાનો સૂનો નથી જ. આ વર્ગ ધારે તો જનતામાં વાચન રસ કેળવી શકે; બને તેટલી ‘ ગુજરાતી’ ગુજરાતી બોલાતી કરી શકે.

વાચકોને વિનંતી કે આવાં બીજાં શાં પગલાં આપણે  ભરી શકીએ તે વિચારી અહીં સૂચવે.

આપણા સહુના પ્રયત્નોથી ‘ બોસ! જરા આમાં લૂક ઇન્ટુ કરી લે જે ને.’ બોલનાર જણને ,‘ભાઇ, જરા આટલું જોઇ જજે ને.’ બોલતો કરી શકીએ, તો ગુજરાતીની મોટી સેવા થશે.

અરે! આપણે પોતે જ પોતાનાથી આવી શુભ શરૂઆત કરીએ તો?

અક્ષયપાત્ર

અક્ષયપાત્ર

[ અક્ષયપાત્ર મેળવવા ઉપર ‘ક્લીક’ કરો ! ]

માનનીય શ્રીમતી રેખાબેન સિંધલના બ્લોગનું નામ – ‘અક્ષયપાત્ર’. જ્યારે જ્યારે એમની કોઈ નવી રચના વાંચવા આ બ્લોગની મુલાકાત લઉં ત્યારે,અચુક વીચાર આવે ,” એમણે બ્લોગ માટે શીદ આ નામ પસંદ કર્યું હશે?’ કદીક વીચાર થાય, ‘એમને પુછી તો જોઉં.’ પણ પછી એમ પુછવાનું ભુલી જવાય. કદીક થાય, ‘નામમાં શું? કામ મહત્વનું છે!’

પણ આજની સોમવારી સવારે આ વીચાર મનમાં ઘુમરાયા જ કર્યો. અને એમાં મારા તુક્કાઓ ઉમેરાતા ગયા!

તો એ તુક્કાઓનું  અવતરણ આ લેખ મારફત કરી રહ્યો છું. રેખાબેનને વીનંતી કે એમના મુળ વીચાર પ્રતીભાવ રુપે જરુર વ્યક્ત કરે.

બ્લોગ એટલે મનના વીચારોની જાહેર અભીવ્યક્તી માટેની, એકવીસમી સદીની પીઠીકા, પ્લેટફોર્મ. આપણા વીચારો, આપણા સંગ્રહો હવે ખાનગી ન રાખવા હોય તો; ‘મફત(!)‘ મળતી સગવડ. અલબત્ત ટાઈપ કરવાની થોડીક અગવડ સાથે જ સ્તો.

પણ એના ફાયદા?

“ ગણ્યા ગણાય નહીં,
વીણ્યાં વીણાય નહીં,
તો ય મારા કોમ્યુટરમાં માય!”

અરે મારા જ નહીં, જગતના કોઈ પણ કોમ્યુટરમાં એક જ ક્લીકે હાજર !

હું નાનો હતો, ત્યારે કાવ્ય/ ગીત રસીક મારા મોટા ભાઈ, ભરતભાઈએ ગમતાં ગીતો/કાવ્યો સંઘરવા એક નાનકડી નોટ બનાવેલી. એમાં કોઈ નવી રચના ઉમેરાઈ હોય તો તે બધાં ભાંડુ રસપુર્વક વાંચી નાંખતા. ઘણી કવીતાઓ અને ગીતો તો મોંઢે પણ  કરી નાંખતા. એ નોટ ભરતભાઈની પોતીકી નહીં, પણ આખા કુટુમ્બની મજીયારી મીલ્કત, અમુલ્ય ઘરેણું બની ગઈ હતી. એ ભરાવા માંડી એટલે ભાઈ બહુ મોટા ખર્ચે(!) , પાકા પુંઠાની , કદાચ 360 પાનાંની, જાડી, પાડી, તગડી નોટ લઈ આવ્યા. ભેગો થયેલો સંગ્રહ એમાં સહીયારી મહેનત કરી, તબદીલ પણ કરેલો.

હું અને મારું કુટુમ્બ જુદા રહેવા ગયાં (પહેલાં  ક્યાં એવી કશી ભાવના જ હતી?); પછી મેં પણ મારી બે આગવી નોટો શરુ કરી હતી – એક ગુજરાતી માટે અને એક અંગ્રેજી માટે.

ભરતભાઈની નોટ હજુ અસ્તીત્વ ધરાવે છે કે કેમ, એ ખબર નથી; પણ મારી બેય નોટો તો કામના ભારણમાં અને વીસરાયેલી સાહીત્યરસીકતામાં ક્યાં ગુમ થઈ ગઈ; તે  ખબર જ ન રહી. એક મીત્રે ગાંધીજીના ચીત્ર વાળી એક ડાયરી ભેટ આપી હતી, તેમાં ફરીથી ઘણાં ગીતો, ભજનો , કવીતાઓ ભેગાં   કરવાં માંડ્યાં – તે મારાં દીકરી / દીકરાઓ હજુ કદીક વાંચે છે. પણ એ ડાયરીનો ઉપયોગ હવે બહુ ઓછો થઈ ગયો છે. કાળક્રમે એ પણ અસ્તીત્વ ગુમાવી દે, તો નવાઈ નહીં.

પણ આ બ્લોગોએ આવી નોટોને, ડાયરીઓને બાય બાય કરી દીધી છે.

હવે એ નોટો જાહેર બની ગઈ છે. જાત , કુટુમ્બ કે અંગત મીત્રો જ નહીં , આખા જગતની કોઈ પણ વ્યક્તી એ  રોક ટોક વીના, વાંચી, માણી શકે છે. ખાલી ગીતો, કવીતા કે લેખ જ નહીં – આખાંને આખાં મલ્ટી મીડીયા- ચીત્રો, ફોટા, ગવાયેલાં ગીતો, વાંચન પાઠ અરે આખી ને આખી વીડીયો ક્લીપો – આ નવા જમાનાની ડાયરીમાં મુકી દો ને. બીજા ગમતા લેખો કે આનુષંગીક વેબ સાઈટો કે આપણી પોતાની કોઈ સામગ્રીની લીન્કો   ( લો ! અહીં જ ‘ક્લીક’ કરી દ્યો બાપુ!) પણ આપી દો ને. પોતાની રચનાઓની કે સંકલનોનાં ઈ-પુસ્તક બનાવી ‘ડાઉન લોડ’ કરવાની સવલત પણ આપી દ્યો ને.

બસ, સ્કાય ઈઝ ધ લીમીટ !!

અને આ તો ખોવાય નહીં; એને ઉધાઈ ન લાગે; એને આગની કે પાણીની કશી અસર ન થાય. અને  કોને કેટલી ગમી, ના ગમી; તેના પ્રતીભાવો પણ એમાં ઉમેરાતા જાય. કદીક એમ લાગે કે, લેખ લખ્યા બાદ , સુધારાને અવકાશ છે, તો તે પણ કરી દો – નવા રુપ, રંગ અને સામગ્રી સાથે.

અને આ હંધુંય હાવ અમદાવાદી – મફત !! ઈવડી એ 360 પાનાંની નોટ માટે કરેલા ગંજાવર ખર્ચ તો શું ? એક નવો પૈસો કે સેન્ટ પણ નહીં !!

છે ને અદ્દલ   અક્ષયપાત્ર?

હાદઝા

વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં

વીશ્વ ઈતીહાસનું પુસ્તક વાંચવાની શરુઆત કરતાં, પહેલાં જ પ્રકરણમાં આદીમ માનવ – ખાસ કરીને પથ્થરયુગના માણસ વીશે જાણીને મને અત્યંત આશ્ચર્ય થયું હતું.  લગભગ પશુ કહી શકાય તેવી અવસ્થામાંથી માનવજાતે આ એકવીસમી સદી સુધીની યાત્રામાં કેટલી બધી હરણફાળો ભરી છે?  તે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે? અને પહોંચવા છતાં, બરાબર પહોંચ્યો છે ખરો?  અને આના પરથી જ પથ્થરયુગની નવલકથા ‘ પહેલો ગોવાળીયો’ લખવા પ્રેરણા મળી હતી.

આ નવલકથાનું આલેખન  છેલ્લા તબકામાંથી પસાર થઈ રહ્યું હતું; ત્યારે મને આ એકવીસમી સદીમાં પણ પથ્થરયુગના માનવીની જેમ જ, હજુ પણ જીવતી, શીકારી, ફળાહારી ( Hunter getherer ) જાતીના જીવન વીશે એક લેખ નેશનલ જ્યોગ્રોફીક મેગેઝીનમાં વાંચવા મળ્યો હતો. ( ડીસેમ્બર – 2009 નો અંક ) વાંચવામાં આવ્યો હતો.

આપણને વીચારતા કરી દે તેવા, એ લેખમાંથી મળેલી   માહીતી ગુજરાતી વાચકો સમક્ષ મુકવાની ઈચ્છા થઈ; એના પરીપાક રુપે આફ્રીકાના ટાન્ઝાનીયા દેશની હાદઝા જાતીના જીવનનું એ આંખે દેખ્યું વૃત્તાન્ત   આ સાથે રુપાંતરીત કરીને રજુ કરું છું : –

———————————————————————————————–

ટાન્ઝાનીયાના ઉત્તર  ભાગમાં આવેલા, વીશ્વવીખ્યાત, સરંગેટી પાર્ક ની દક્ષીણે એયાસી તળાવના કાંઠે વસેલી આ જાતી 10,000 વર્ષ પુર્વેના પથ્થરયુગમાં સ્થગીત થઈને, કશો વીકાસ કર્યા વીના થંભી ગયેલી છે. અહીંથી ઘણી નજીક, જગતમાં સૌથી પ્રાચીન માનવ હાડપીંજરો, (લ્યુસી – 32 લાખ વર્ષ પહેલાંનું માનવ હાડપીંજર ) – અશ્મીઓ અને પથ્થરનાં સૌથી પ્રાચીન હથીયારો  મળી આવ્યાં છે. ફ્લોરીડા રાજ્યની યુનીવર્સીટીના પ્રોફેસર ફ્રેન્ક માર્લો  પંદર વર્ષથી એમના જીવનનો અભ્યાસ કરતા રહ્યા છે. માનવવંશ શાસ્ત્રના  અભ્યાસુ તજજ્ઞો  આવી જાતીઓને જીવતાં અશ્મીઓ ( Living fossils) તરીકે ઓળખાવે છે. આજુબાજુ વસેલી, પશુપાલન અને ખેતી કરતી બીજી જાતીઓ સાથે સમ્પર્ક હોવા છતાં, તેમણે પોતાની જીવન પધ્ધતીમાં ખાસ કશો ફરક કર્યો નથી. તેમના જીવન વીશે આપણને વીચારતા કરી મુકે તેવી વીગતો હવે વાંચો –

 1. એમની વસ્તી આશરે 1,000 વ્યક્તીઓ પુરતી મર્યાદીત છે. દરેક કબીલામાં ત્રીસેક વધારે સભ્યો હોતાં નથી.
 2. એમના પ્રદેશની બહારની દુનીયાની કશી માહીતી એમને નથી – મેળવવા માંગતા પણ નથી. એમના ઘણા સભ્યો એમનો સમાજ છોડીને, બહારની દુનીયામાં જતા રહ્યા છે. પણ એનો એમને કશો ખેદ નથી.
 3. એમનું રહેણાંક પણ સ્થાયી નથી. કોઈ ઝુંપડી, તંબુ કે ઘર પણ નહીં. સાવ ખુલ્લા મેદાનમાં જ આખી જીંદગી પસાર થઈ જાય છે. વરસાદ આવે ત્યારે ઝાડની ડાળીઓ, પાંદડાં અને ઘાસથી કામચલાઉ આશરો એક કલાકમાં બનાવી લે છે.
 4. શીકાર કરવો અને ફળો વીણીને ખાવાં, આ સીવાય કશી પ્રવૃત્તી એ લોકો કરતા નથી – કરવા માંગતા નથી.
 5. અને છતાં, તેમનો ખોરાક વીશ્વના ઘણા લોકોની સરખામણીમાં વૈવીધ્ય વાળો છે.
 6. જંગલી ગુલાબને પીસીને મળતું ઝેર તીરની અણી પર ચોપડવામાં આવે છે. આથી આ તીર વાગે તે જાનવર છટકી શકતું નથી.જીરાફ જેવા મોટાં પ્રાણીને પણ ધરાશાયી કરવા તે સક્ષમ હોય છે.
 7. અત્યંત ચપળ અને લાંબી છલાંગ ભરી શકતા, બબુન નામના વાંદરાનો શીકાર કરી શકે તેની પ્રતીષ્ઠા ઘણી  વધી જાય છે. પાંચ બબુનનો શીકાર કર્યો હોય તેને જ  સ્ત્રીના સંગનો લ્હાવો મળી શકે છે.
 8. પુરુષો શીકાર કરી લાવે અને મધ લઈ આવે; ત્યાં સુધીમાં સ્ત્રીઓ ફળો વીણી, તોડી લાવે  અને પાણી માટે વીરડો ખોદી તૈયાર રાખે.
 9. બબુન કે જીરાફ જેવા પ્રાણીનો શીકાર જ સામુહીક પ્રવૃતી હોય છે. બાકી દરેક જણ પોતાના કુટુમ્બ પુરતો નાનકડો શીકાર મળી રહે, તેનાથી સંતોષ માની લે છે. આવતીકાલે શું મળશે તેની કશી ચીંતા તેમને કદી રહેતી નથી.
 10. મોટો શીકાર કર્યો હોય તો આખી વસ્તી તે જગ્યાએ પડાવ નાંખી દે છે. કોઈ એક વ્યક્તીએ મોટો શીકાર કર્યો હોય તો પોતાનો અંગત પ્રયત્ન છોડી, બધા એમાં જોડાઈ જાય છે. અલબત્ત ખાણનો મોટો ભાગ શીકાર કરનારનો રહે છે.
 11. કોઈ પણ જાનવર કે પક્ષીનો શીકાર એમનો ભક્ષ્ય હોય છે – સીવાય કે, સાપ, જેનાથી એ લોકો દુર રહેવાનું પસંદ` કરે છે.
 12. ઝાડની ડાળીને અનુકુળ રીતે છોલીને, અડધાથી ઓછી મીનીટમાં, હથેળીમાં જોરથી ઘુમાવી, આગ પેદા કરી શકે છે. એમને હજુ દીવાસળીની જરુર જણાઈ નથી !
 13. એમને ખેતી, પશુપાલન, કોઈ જાતની ચીજ વસ્તુ કે  વાહનના ઉપયોગમાં રસ નથી.
 14. એમને કોઈ અગત મીલ્કત હોતી નથી. કોઈની પાસે વધારે મીલ્કત હોય, એમ હોતું નથી. એમની ઘરવખરી, ચામડાના એક ચોરસામાં સમેટી લેવાય એટલી જ હોય છે – રાંધવાનું એક પાત્ર, પાણી માટે એક પાત્ર, એક કુહાડી અને એક છરો. કપડાંની માત્ર એક જ જોડ.
 15. આ હથીયારો અને કપડાં બાજુમાં વસેલાં ગામવાસીઓ પાસેથી મધના બદલામાં એ લોકો મેળવી લે છે. આ માટે જરુર પુરતા સ્વાહીલી ભાષાના શબ્દો જ એ શીખ્યા છે.
 16. ગંદા તળાવમાં પુરુષો નગ્નાવસ્થામાં સાથે નાહી લે છે અને કપડાં, ધોઈ, સુકાવી ફરીથી પહેરી લે  છે.
 17. આશ્રર્યજનક રીતે સ્ત્રીઓ મહીનાઓ સુધી નહાતી નથી. પુરુષોને પણ સ્ત્રીઓ આમ ગંદી રહે, તે વધારે ગમે છે!
 18. એમની પોતાની ભાષામાં પણ, એમના સીમીત જીવન વ્યવહાર પુરતા, બહુ જ મર્યાદીત શબ્દો છે.
 19. ત્રણ કે ચાર થી વધારે આંકડા એમની ભાષામાં નથી.
 20. સમયના માપમાં કલાક કે મીનીટ નહીં પણ દીવસો પણ અગત્યના નથી. કોઈની રાહ જોવાની હોય તો; તે ન આવે  ત્યાં સુધી રાહ જોવામાં એમને કશો કંટાળો નથી હોતો.
 21. તેમને કશો ડર હોય તો તે છે – ઠંડા પાણીનો.  ઠંડા પાણીમાં ખાબકી શકે; તે  ખરો વીર એમ તે લોકો માને છે.
 22. લડાઈ અને ટંટાથી તેઓ દુર ભાગે છે. એમણે કદી બીજી જાતીઓ પર આક્રમણ કર્યું નથી. એમની 90 ટકા જમીન બીજી જાતીઓએ  હડપ કરી લીધી હોવા છતાં; તેઓએ જાતે જ ખસી જવાનું પસંદ કર્યું છે. શેષ વીસ્તાર હવે બીજાઓ માટે સાવ અનાકર્ષક છે.
 23. એમના પ્રદેશમાં કદી દુષ્કાળ પડ્યો નથી; કે રોગચાળો ફાટી નીકળ્યો નથી – જેથી સ્થળાંતર કરવા તેઓ લાલાયીત બને. આની વીરુધ્ધ બાજુની જાતીઓ તેમના દુષ્કાળના વખતમાં તેમની સાથે આવીને રહેલી છે; અને તેમનો તેમણે અતીથી સત્કાર કરેલો છે.
 24. તેમના જીવનની શૈલી બારે મહીના અને સૈકાંઓથી એકધારી રહેલી છે. તેમના દીવસનો માત્ર ચાર કે છ કલાકનો સમય જ ખોરાક શોધવામાં જાય છે. બાકીનો સમય એ લોકો આરામ અને આનંદ`પ્રમોદમાં ગાળે છે. કંટાળા જેવી કોઈ અવસ્થાની તેમને ખબર જ નથી ! વધારાના સમયમાં તીર બનાવવાનું કે કામઠાંની તુટેલી દોરીની જગ્યાએ શીકારના આંતરડાંમાંથી બનાવેલી દોરી બાંધવામાં કે એક્બીજાનાં શરીરમાંથી કાંટા કાઢી આપવામાં જાય છે.
 25. કદીક બાજુની વસ્તીમાં જઈ, મધની અવેજીમાં કપડાં, ચંપલ કે પ્લાસ્ટીકના મણકા ખરીદી લાવતા હોય છે.
 26. આજુબાજુની જાતીઓ ( ડટોગા, ઈર્ક્વા, ઈસાઝુ, સુકુમા, ઈરામ્બ્વા વી.) એમને પછાત, અછુત અને હલકા ગણે છે. કદીક કોઈ હાદઝા તેમના તળાવમંથી પાણી પીવા માંગે, તો. પોતાનાં ઢોર પી લે, પછી જ આવી વ્યક્તીને પાણી પીવા દેવાની છુટ આપવામાં આવે છે.
 27. હજારો વર્ષોમાં એમણે કોઈ સ્મારક કે યાદગીરી સર્જી નથી. એમને એવી ફાલતુ ચીજની કશી જરુર લાગી નથી. રહેવાની જગ્યા પણ સ્થાયી નથી હોતી. રાત્રે જ્યાં પડાવ નાંખે, તે ખુલ્લી જગ્યા, એ એમનું ઘર!
 28. દરેક કબીલો તેના સૌથી વૃધ્ધ માણસના નામથી જાણીતો હોય છે. એમાં ભાઈઓ, બહેનો , જમાઈઓ પણ સામેલ હોય છે. વડીલને માન આપવા છતાં , એની કે કોઈ નેતાની જોહુકમી હોતી નથી.
 29. સ્ત્રીઓનું સ્થાન પુર્ણ રીતે પુરુષની સમકક્ષ હોય છે. બીજી જાતીના પુરુષ સાથે લગ્ન કરેલી સ્ત્રી મોટે ભાગે એ સમાજની પુરુષ પ્રધાનતાથી વાજ આવી જઈ, થોડા જ વખતમાં પાછી આવી જવાના ઘણા દાખલા છે. .
 30. એક જ સ્ત્રી અને પુરુષ સહજીવન કરતાં હોવાં છતાં; એકેબીજાને છોડી દેવા સ્વતંત્ર હોય છે. આમ છતાં  બહુપત્નીત્વ કે બહુપતીત્વનો ચાલ કદી રહ્યો નથી. જ્યાં સુધી સાથે રહે ત્યાં સુધી બન્ને એકમેકને જાતીય રીતે વફાદાર રહે છે. મોટે ભાગે ન ફાવવાના કારણે છુટાછેડાની પહેલ સ્ત્રી જ કરતી હોય છે!
 31. વીસેક કબીલાઓમાં વહેંચાયેલા સમાજમાં સભ્યો સતત બદલાતાં રહે છે. જ્યાં સુધી મનમેળ રહે ત્યાં સુધી કોઈ વ્યક્તી કબીલામાં રહે છે; નહીં તો બીજા જાણીતા કબીલામાં સ્થળાંતર કરે છે. આમ ભળનાર નવી વ્યક્તીને મોટે ભાગે પ્રેમપુર્વક આવકારવામાં આવે છે.
 32. બાળકો દુધ પીતાં હોય, ત્યાં સુધી જ માને વળગેલાં રહે છે. બાકી મોટાં થયેલાં બાળકો અલગ જુથમાં રમ્યાં કરતાં હોય છે. સ્ત્રીઓ અને પુરુષો ખોરાકની શોધમાં દુર ગયાં હોય ત્યારે કબીલાની ઘરડી સ્ત્રીઓ બાળકો પર ધ્યાન રાખે છે.
 33. જન્મ, લગ્ન કે મરણની ખાસ કશી વીધી હોતી નથી. પહેલાં તો મરેલી વ્યક્તીને ઝાડીઓમાં જ છોડી દેવાતી. પણ  હવે દાટી દેવાય છે. એની યાદગીરીનું કોઈ ચીહ્ન પણ કબર પર છોડવામાં આવતું નથી. ગમે તેટલી પ્રીય તે વ્યક્તી ન હોય; તેને વીના સંકોચ વીસારી દેવામાં આવે છે.
 34. ઈશ્વર જેવી કોઈ માન્યતા તેઓ ધરાવતા નથી. કોઈ પણ ધાર્મીક વીધી કે પ્રાર્થના તેઓ કરતા નથી. માત્ર સુર્ય માટે તેમને ઘણું માન હોય છે.
 35. બીજા લોકોને એમના ભવીષ્યની વધારે ચીંતા રહે છે! ખાસ કરીને તાન્ઝાનીયાની સરકાર. એમને વીકસીત કરવા, શીક્ષીત કરવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમનાં ઘણાં બાળકો શીક્ષણ લઈ, બહારની દુનીયામાં સ્થાયી થયાં છે; પણ ભેદભાવની બીજી જાતીઓની નીતીને કારણે આવી વ્યક્તીઓ સાવ હલકાં કામો જ કરી શકે છે અને નવા સમાજમાં દલીત જ બની રહે છે. આથી મોટા ભાગે હાદઝા પોતે જ આવો કોઈ અનર્થકારી વીકાસ કરવા માંગતા નથી! એમને માટે તો પ્રાકૃતીક જીવન જ પુર્ણ સુખ અને આનંદથી ભરેલું  છે.
 36. રીચાર્ડ `બાલો નામનો એક સાઠ વર્ષનો હાદઝા આગળ પડતો, વીકસીત સમાજમાં ભળેલો નેતા છે અને હાદઝાને બદલાવા માટે, વીકાસશીલ કરવા માટે આંદોલન, અભીયાન ચલાવે છે. પણ હાદઝા સમાજની બહુ ઓછી વ્યક્તીઓ આ માટે તૈયાર છે.
 37. મંગોલા નામના હાદઝાનો કબીલો થોડો જુદો પડીને, આ પ્રદેશની મુલાકાત લેતાં સહેલાણીઓને હાદઝાના જીવન, શીકાર પધ્ધતી વીગેરેની  માહીતી આપવામાં ; પ્રવાસન ઉદ્યોગમાં જોટાયો છે. પણ એમનામાં વીકસીત સમાજની બદીઓ – મદ્યપાન, જુગાર, ગુનાખોરી, ખુન, સમ્પતી માટેની લાલસા, ચોરી, છેતરપીંડી, ચેપી રોગો, માંદગી, વેશ્યાપ્રથા વીગેરે પ્રવેશી ગયાં છે.
 38. આ દાખલો જોઈ, હજુ બીજા હાદઝા કબીલા આવા પરીવર્તનંથી દુર રહેવાનું પસંદ` કરે છે. પણ કદાચ થોડાંક જ દાયકાઓમાં હાદઝા સમાજ બહારની દુનીયાની ચમક ધમક જોઈ, આ નીતીનાશમાં જોડાઈ જાય અને તેમની જીવન પધ્ધતીનો અંત આણે, તેવી પુરી સંભાવના છે.    .

માઈકલ ફીન્કલ કે જેણે ‘ઓનવાસ’ નામના હાદઝાના કબીલા સાથે પંદર` દીવસ ગાળ્યા હતા; તેના કહેવા પ્રમાણે આમ હમ્મેશ જીવવાનું તે પસંદ તો ન કરે. એમના જીવનની હાલાકીઓ, પ્રાથમીક સગવડોનો અભાવ વીગેરે બહારની દુનીયામાં રહેવા ટેવાયેલાને કદાપી અનુકુળ ન જ આવે . પણ હાદઝાના જીવનની સરળતા, તાણ, ચીંતા, માનસીક વ્યથાઓનો સદંતર અભાવ – આ બધાં પાસાં તેને સ્પર્શી ગયાં હતાં. આ પંદર દીવસ તેણે અપ્રતીમ સુખમાં ગાળ્યા હતા; અને જીવનને બને તેટલી સરળતાથી જીવવાના ફાયદા સમજાયા હતા.

એક વીદ્વાનના અભીપ્રાય મુજબ, ‘ ખેતીની શોધ  એ માનવ સમાજની સૌથી મોટી અને વીનાશકારી ભુલ હતી.’

———————

સાભાર – નેશનલ જ્યોગ્રોફીક મેગેઝીન

સમ્મોહન – એક વીચાર

સમ્મોહન વીશેના અનુભવો લખતાં લખતાં આ લેખ લખવાનું બીજ મનમાં રોપાયું. અહીં એવા કોઈ અનુભવોનું વર્ણન તમને નહીં મળે; પણ સમ્મોહનોના પ્રકારો વીશેના મારા વીચારો વ્યક્ત કરવાનો આ પ્રયાસ છે. આ કશા સંદર્ભ વીના, કેવળ મારા મનમાં ઉદભવેલા વીચારો છે. એમાં ક્ષતી હોવાની કે પુર્ણતા ન હોવાની પુરેપુરી શક્યતા છે. વાચકને એ જણાય તો મને ક્ષમા કરે; અને મુક્ત રીતે પ્રતીભાવ આપી, આવી મર્યાદાઓ તરફ અંગુલીનીર્દેશ કરે તેવી આગ્રહભરી વીનંતી છે; જેથી આ વીચારધારાને વધારે  પુર્ણ અને તાર્કીક બનાવી શકાય

….

સમ્મોહનના પ્રયોગો પરથી એ નીર્વીવાદ ફલીત થાય છે કે,  માનવમન અને ચેતાતંત્રમાં અબાધ શક્તીઓ ધરબાઈને પડેલી છે; જેને બાહ્ય સુચનો દ્વારા જાગૃત કરી શકાય છે. ( જુઓ  :    – 1 ––  2  – )

આવી  જ શક્તી વીપશ્યના અથવા પ્રેક્ષાધ્યાનની છે, એના અનુભવો પરથી પણ ફલીત થાય છે કે, પોતાના સજાગ પ્રયત્નોથી આપણે આપણા મન પર કાબુ મેળવવા, મુળભુત રીતે  સક્ષમ છીએ. એ માટેના અથાક પ્રયત્નો કરવામાં આવે તો વીમુક્ત અવસ્થાએ પહોંચી શકવાની માનવ મનની ગુંજાઈશ છે. ( જુઓ :   – 1 ––  2  – :  – 3   – :  –  4  – )

તદુપરાંત ભૌતીક સ્તર પર પણ અનેક દાખલાઓ મોજુદ છે જેમાં પ્રબળ ઈચ્છાશક્તી વડે અનેક વીરલાઓએ  અપ્રતીમ સીદ્ધીઓ હાંસલ કરી છે. દા.ત. તેનસીંગ/ હીલારીનું એવરેસ્ટ આરોહણ,  નેપોલીયનનો યુરોપ વીજય, ઉત્તર અને દક્ષીણ ધ્રુવ તરફની મુસાફરીઓ,  આઈન્સ્ટાઈનની સાપેક્ષતાના સીધ્ધાંતોની શોધ, ચન્દ્ર ઉપર નીલ આર્મસ્ટ્રોન્ગનું પદારોપણ, બ્રેલ લીપીની શોધ, હેલન કેલરનું શીક્ષણ, ઓલીમ્પીક રમતોના વીશ્વ વીક્રમો, ગીનેસ બુકના વીક્રમો વી. વી. અનેક અને વીવીધ જાતના આવા દાખલા આપણને મળી આવશે; જેમાં આવા વીશીષ્ઠ માનવો પ્રબળ ઈચ્છાશક્તી  વડે અસાધ્ય સીધ્ધીઓ મેળવી શક્યા છે.

મારી માન્યતા અનુસાર આ બધા સમ્મોહનોના વીશીષ્ઠ પ્રકાર છે –  એક જ દીશામાં સતત મનને જોતરવાથી હાંસલ થઈ શકતી સીધ્ધીઓ.

પણ એક બીજી જાતનું સમ્મોહન છે; જેનાથી આપણે સાવ અભાન અને અજાણ હોઈએ છીએ; અથવા એ એટલું તો સહજ છે કે, આપણે તેને સ્વાભાવીક (Taken for granted ) ગણી લીધેલું છે. આ છે વીચારો, માન્યતાઓ, પુર્વગ્રહો, ટેવોનું, વીશ્વાસોનું સમ્મોહન – ખાસ કરીને બહુજન સમાજમાં.

માન્યતાઓ – ધાર્મીક, સામાજીક, નૈતીક, રાજકીય… અનેક જાતની માન્યતાઓ. આ બધાં આપણા ઘડતરમાં એટલા સહજ રીતે વણાઈ ગયાં છે કે, એને આપણે સનાતન સત્ય માની લીધાં છે.

પુર્વગ્રહો – વ્યક્તીઓ, સમાજો, વ્યવસ્થાઓ વીશેના પુર્વગ્રહો. એ આપણા સ્વભાવમાં એટલા બધા આરુઢ થઈને પડેલા છે; જેને કારણે આપણે એનાથી વીપરીત રીતે, મુક્ત મનથી વીચારી જ શકતા નથી.

ટેવો – અંગત, કૌટુમ્બીક, સામાજીક, જુથગત, રાષ્ટ્રીય ટેવો. આપણે જે પણ કરતાં હોઈએ છીએ; તે બેસી ગયેલી રઢણના આધારે કરતાં હોઈએ છીએ.  નાનામાં નાની ક્રીયાઓથી માંડીને વીશીષ્ઠ કાર્યો માટે આપણે આપણી જાતને શીક્ષણ આપેલું છે – એની ટેવ પાડેલી  છે. એનાથી જુદી રીતે કરવા , નવી ટેવ પાડવી પડે છે !

આ દરેકની ઉપર પુરક માહીતી અને દાખલાઓ આપી; અનેક લેખો લખી શકાય. પણ અહીં સ્થળ અને સમય સંકોચને કારણે આ તરફ માત્ર અંગુલીનીર્દેશ જ કર્યો છે. પણ આ બધી મર્યાદાઓ આપણે બહુ સારી રીતે સમજી શકીએ તેમ છીએ જ.

આ સાવ સાવ સહજ સમ્મોહન છે. આપણું અંગત, સમાજોનું, રાષ્ટ્રોનું સમગ્ર માનવ જાતનું સૈકાંઓથી, પેઢી દર પેઢી, જન્મથી મરણ સુધી થતું રહેલું સમ્મોહન છે= એમ મારું માનવું છે. અને દુખની વાત એ છે કે, આપણે એનાથી એટલા બધા ટેવાયેલા છીએ કે, એનાથી મુક્તી કો’ક વીરલા જ મેળવી શકે છે – ઉપર દર્શાવેલાં ત્રણ  વીશીષ્ઠ સમ્મોહનોનો પ્રયોગ કરનાર વ્યક્તીઓ – એવા બીજા ખાસ પ્રયત્નો કરી શકનારી વીશીષ્ઠ વ્યક્તીઓ.

આમ કેમ? શા માટે માનવીનું પાયાનું ઘડતર મુક્ત મનને ઉછેરી ન શકે?

માનવ ઈતીહાસમાં અનેક શકવર્તી અને ક્રાન્તીકારી   બદ્લાવ આવ્યા છે . દા.ત.

 • આગ અને પૈડાંની શોધ
 • પશુપાલન અને ખેતીની શોધ
 • છાપકામની શોધ અને આનુષંગીક શૈક્ષણીક ક્રાન્તી
 • પુનરુથ્થાન – રેનેસાં
 • વૈજ્ઞાનીક ક્રાન્તી
 • ઔદ્યોગીક ક્રાન્તી
 • પ્રજાકીય શાસનની ક્રાન્તી
 • વૈચારીક ક્રાન્તી
 • સંચાર/ પ્રત્યાયનની ક્રાન્તી( IT revolution)

….

પશુ જીવનમાંથી આધુનીક માનવ સંસ્કૃતી સુધીની ઉત્ક્રાંતીનો શું અંત આવી ગયો છે?

મારો વીશ્વાસ છે –  ના !

ઉત્ક્રાંતી સાહજીક પ્રક્રીયા છે. જો માનવ જાતી મહામાનવ બને – તે એની નીયતી હોય; તો માન્યતાઓ, પુર્વગ્રહો અને ટેવોનાં સમ્મોહનોથી મુક્ત માનવ સમાજ – એ શક્ય, યુગવર્તી અને જરુર આવનાર ક્રાન્તી હશે.

બધી મર્યાદાઓથી મુક્ત, અનંત શક્યતાઓના આકાશમાં મુક્ત ઉડ્ડયન કરી શકે તેવો, વૈશ્વીક માનવસમાજ જરુર આકાર લેશે.

આપણે આ વીશ્વાસને દૃઢ બનાવીએ – આ વીચારધારાનું સંવર્ધન કરીએ તો?

પહેલો ગોવાળીયો – લેખકનું નીવેદન

બ્લોગીંગનું બીજું વર્ષ પત્યે એક મહીનો વીતી ગયો હતો; ત્યારે 24. મે – 2009ના દીવસે પ્રાગૈતીહાસીક કાળની કાલ્પનીક ઘટનાઓ પર આધારીત નવલકથા લખવાની અને મારા ગુજરાતી બ્લોગ ‘ગદ્યસુર’ પર ધારાવાહીક રીતે પ્રકાશીત કરવાની શરુઆત કરી હતી. તે દીવસે વહેલી સવારે આની આકસ્મીક શરુઆત થઈ હતી; પણ તેની પરીકલ્પના તો ઘણા વખતથી મારા ચીત્તમાં ઘુમરાઈ રહી હતી.

નીવૃત્તીકાળમાં ઈતીહાસ મારા રસનો વીષય રહ્યો છે. પ્રેરક જીવનચરીત્રો વાંચતાં, આ રસ કેળવાયો છે. ઘરમાં જ રહેલા, વીશ્વ ઈતીહાસના પુસ્તકના પહેલાં બે એક પાનાંઓમાં વાનરમુળમાંથી માનવ જાતનો વીકાસ શી રીતે થયો; તે વાંચી હું હેરત પામી ગયો હતો. માણસ ક્યાં હતો? અને ક્યાં પહોંચી ગયો છે? અત્યંત આશ્ચર્ય પમાડી દે, તેવી આ હકીકત છે. જો કે, પ્રારંભકાળના બહુ ઓછા પુરાતત્વકીય પુરાવાઓ મળેલા છે. પણ ત્યાર પછીના સમયના જે આધારભુત પુરાવા મળ્યા છે; તે પરથી પણ એમ ફલીત થાય છે કે, માનવ સમાજ અને સંસ્કૃતીએ સાધેલ પ્રગતી અદભુત છે.

આ નવલકથા તમને પથ્થરયુગના એ સમયની સફર કરાવશે; જેમાં માણસ કેવળ શીકાર કરીને અને ફળો વીણીને જીવન ગુજારતો હતો. આ કથા તે કાળના એક સાવ અજાણ્યા પ્રદેશ, સમય અને સમાજમાં દોરી જશે. પણ એમાંથી ઉજાગર થતાં પાયાનાં માનવમુલ્યો અને લાગણીઓ તો  એકવીસમી સદીના આ ઈન્ટરનેટ યુગમાં પણ એટલાં જ પ્રસ્તુત લાગતાં તમે જોઈ શકશો.  પાયાના માનવ મુલ્યો, શક્તીઓ, મર્યાદાઓ, વીવશતાઓ, લાગણીઓ, સીમાઓ વીગેરેમાં ખાસ કશો ફરક પડ્યો નથી; એ વાતની ઈતીહાસ સાક્ષી પુરે છે. આ મુળ પરીકલ્પના આ નવલકથાનું હાર્દ છે.

આ ઉપરાંત, ઉત્ક્રાન્તીની હરણફાળમાં માનવ જાતે જે ઉંચા કુદકા માર્યા છે; તેમાં હજુ ઘણા વધારે પગથીયાંઓ પાર  કરવાની શક્યતાઓ, તેમ જ માનવ પ્રયત્નોની ગુંજાયેશ છે; એમ હું માનું છું. ખાસ કરીને પાયાની માનવચેતનાએ હજુ ઘણાં શીખરો સર કરવાનાં બાકી છે; એમ મને લાગે છે. આ વીશ્વાસ અને શ્રદ્ધાના આધાર પર આ કથાની ચરમસીમા ઘડી છે. સ્થુળ ચેતનાના પાયાના સ્તરથી સુક્ષ્મ ચેતનાના ઉચ્ચ શીખર સુધી, વાર્તાના નાયકની યાત્રાનો આ કાલ્પનીક આલેખ છે. માનવ ઈતીહાસમાં આવા જાણ્યા, અજાણ્યા અનેક ગોવાળીયા જીવી ગયા છે; એ નીશંક  વાત છે. તો જ માનવ સંસ્કૃતી શીકારી/ફળ વીણનાર ( Hunter – gatherer) માંથી ઉત્ક્રાંતી પામીને મંગળના ગ્રહ પર સંશોધન કરતી બની છે.

તદુપરાંત કથાના અંતમાં દર્શાવેલ છે તેમ., એ જગતનો એકલદોકલ માનવી પણ આ શીખરો સર કરી શક્યો હતો; એમ હું દૃઢપણે માનું છું. કદાચ એવા પુણ્યશાળી આત્માઓના પ્રતાપે જ માનવતા સત્ય, શીવ અને સુંદરના રાહે ટકી રહી છે.

માનવમનમાં ઈશ્વરના અસ્તીત્વ વીશેની માન્યતા શી રીતે ઉદભવી તે અંગેની આવી જ એક પરીકલ્પના પરીશીષ્ઠ વીભાગમાં ‘ઈશ્વરનો જન્મ’ નામની એક વાર્તાના સ્વરુપે મુકેલી છે. કદાચ આવા જ સંજોગોમાં પશુસમ જીવન જીવતા, માનવીના વીચારશીલ મનમાં કોઈ પરમ તત્વના હોવા વીશે શ્રદ્ધા જાહી હશે.

ઈતીહાસના ઉપરછલ્લા જ્ઞાનમાં કલ્પનાના રંગો અને માન્યતાઓ ભેળવી, આ શબ્દચીત્ર તૈયાર કર્યું છે. એમાં ઐતીહાસીક અને પુરાતત્વની દ્રષ્ટીએ ખામીઓ હોવાની પુરી સંભાવના છે જ. આશા રાખું કે સુજ્ઞ વાચક મારી આ મર્યાદાઓને દરગુજર કરશે.

મારા બહુ સીમીત વાંચનમાંથી મળેલ માહીતી આ કથાના પાયામાં છે. એ બધા સાહીત્યનો ભાવસભર ઋણ સ્વીકાર કરુંંછું. ડ્રેગન સાથેની મુઠભેડના પ્રસંગમાં બાઈબલની ‘ ડેવીડ અને ગોલીઆથ’ ની વાર્તાએ મને પ્રેરણા .આપી છે. કથાના પાંચમા વીભાગ ‘ સંઘર્ષ’ માં યુધ્ધના જે વર્ણનો છે; તે માટે ખરેખર યુધ્ધ લડેલા મારા નેટ મીત્ર કેપ્ટન નરેન્દ્ર ફણસેના બ્લોગ ‘જીપ્સીની ડાયરી’ પરથી મળેલ સામગ્રીએ બહુ જ પ્રેરણા આપી છે. કેપ્ટને તો બહુ ઉદારતાથી આખી નવલકથા રસ પુર્વક વાંચી, પ્રસ્તાવના પણ લખી આપી છે. આ માટે કેપ્ટનનો જેટલો આભાર માનું તે ઓછો જ છે.

જે વાચકોએ રસપુર્વક અને ધીરજની સાથે ધારાવાહીક હપ્તાઓ વાંચી અને પ્રતીભાવ આપી, મારા લેખન ઉત્સાહને વધાર્યો છે; તે સૌનો હું આભાર માનું છું. આ પુસ્તક માટે ખાસ પ્રતીભાવ લખી મોકલનાર સર્વે ભાઈ બહેનોનો ખુબ ખુબ આભાર,

વાચકને ગુજરાતી વાન્ગમયમાં એક નવી અનુભુતી કરાવવાનો મારો હરખ છે. આશા રાખું છું કે, પરમ તત્વ મારી આ ભાવનાને, આ આરતને બળ આપશે.

– સુરેશ જાની
મેન્સફીલ્ડ, ટેક્સાસ

પહેલો ગોવાળીયો : પ્રસ્તાવના – કેપ્ટન નરેન્દ્ર ફણસે

પહેલો ગોવાળીયો” વાંચવા લીધી ત્યારે તેના પહેલા પ્રકરણના શીર્ષક ‘પહેલો નાવીક’ અને ‘ઇ.સ. ૧૦,૦૦૦ વર્ષ પહેલાં’ વાંચીને મનમાં એક ઉત્સુકતા તથા અચરજની ભાવના ઉદ્ભવી. ભલા, પ્રાગૈતીહાસીક સમયમાં, વનમાં વીચરતી જનજાતીઓ – ફળ-ફૂલ ભેગાં કરીને કે પાષાણનાં હથિયારો વડે શીકાર કરી જીવનારા લોકોના જીવનમાં ખાસ કહેવા જેવું શું હોઇ શકે? તે યુગનાં લોકોના મનમાં સ્વરક્ષણ, ભૂખ અને દૈહીક જરૂરિયાતો પૂરી પાડવાની અને જીવનનો પ્રવાહ ચાલુ રાખવા ઉપરાંત બીજી કઇ ભાવના હોય? તેમના જીવન પર નવલકથા કેવી રીતે રચી શકાય?

પહેલું પાનું વાંચતાં જ લેખકની પ્રવાહી શૈલી, તેમાંથી ઉભરતી પ્રભાવશાળી વ્યક્તીઓનું ઉંડાણપૂર્વક આલેખાયેલ ચીત્રરેખન અને પ્રસંગોની ગતીમાં ખોવાતો ગયો. જીવ-વીજ્ઞાનીઓએ મનુષ્યને બુદ્ધીશાળી પ્રાણી કહ્યા છે, પણ તેમની હૃદયની ભાવનાઓ, સંવેદનાઓ તેમના અસ્તીત્વ સાથે, અત્યારે જેટલી ઘનીષ્ટતાથી જોડાયેલી છે, તે પાષાણયુગમાં પણ એટલી જ તેમના વ્યક્તીત્વનું અવીભાજ્ય અંગ હતી; તે આ કથામાં સ્પષ્ટ થાય છે.  માનવ જીવનના પ્રારંભથી જ તેના DNA -જીવ કોષમાં આ ઉદાત્ત અને ઉદાત્ત ન કહી શકાય તેવી ભાવનાઓ અને વૃત્તીઓ પણ સંકળાયેલી હોય છે. તેની અભીવ્યક્તી કોઇ ને કોઇ રીતે થતી જ હોય છે. નીસર્ગે માનવને વૃત્તીઓના તમસની પેલે પાર જવાની શક્તી આપી છે તે લેખકે સુંદર રીતે વર્ણવ્યું છે.

પુસ્તકની શરૂઆતમાં આપણી મુલાકાત થાય છે પહેલા ગોવાળીયા સાથે, પહેલા તરવૈયા સાથે, પહેલા નાવીક સાથે, અને સૌથી વધુ અગત્ય કહી શકાય તેવા પ્રથમ લોકનાયક સાથે. પોતાની અંગત સુરક્ષા અને લાભનો ખ્યાલ રાખ્યા વગર  અજાણી ધરતીમાં જઇ સમગ્ર કબીલાના ઉત્કર્ષનો ખ્યાલ એક નાયક જ કરી શકે. આવા નાયકના જીવનની યાત્રામાં સમાયેલ છે : આ નવલકથાનું હાર્દ. જેમ જેમ કથા આગળ વધતી જાય છે; તેમ તેમ વાચક આ કથાનું પાત્ર બની, કથાનાયક ગોવામાં એકરૂપ થઇ જાય છે. “ હું જો ગોવો હોઉં તો શું કરૂં? ” – એવો વિચાર કરતો થઇ જાય છે. ગોવો, પાંચો, રૂપલી  આપણા પરીવારના સદસ્ય બની જાય છે. તેમણે લીધેલાં પગલાં, કટોકટીના સમયે તર્ક પર આધારીત તેમણે કરેલ આવિષ્કાર એટલા સહજ લાગે છે કે  તેમાં અશક્ય એવું કશું લાગતું નથી.

એક તરફ આપણે પાષાણયુગમાંથી બહાર નીકળી પશુપાલન યુગમાં સહજતાથી આગળ વધીએ; ત્યાં  આપણો સામનો થાય છે આક્રમણકાર સાથે. યુદ્ધ, સંચાર વ્યવસ્થા, યાતાયાતના નવા રસ્તાઓની શોધ, દુશ્મનની હીલચાલ પર નજર રાખવાનો ઉપક્રમ અને અંતે યુદ્ધ – આ બધાંનું વર્ણન વાંચતા ક્યાંયે અતીશયોક્તી લાગતી નથી. પાંચ હજાર વર્ષ પહેલાં યુદ્ધકલા કેવી વીકસી હતી; તે આપણે જાણીએ છીએ. આ કલા રાતોરાત ઉપજી નહોતી, અને તે કથાનાયકના નેતૃત્વમાં trial and error પદ્ધતીથી દસ હજાર વર્ષ પહેલાં કેવી રીતે જન્મી તે આ નવલમાં જોવા મળે છે.

પહેલા ગોવાળીયાની કથાનું વૈશિષ્ઠ્ય તો તે યુગના લોકનાયકના ચરીત્રદર્શનમાં છે. પહેલા ગોપાલક અને પહેલા નાવીકની ઉત્ક્રાંતી પહેલા દૃષ્ટામાં કેવી રીતે થઇ તેનું આલેખન હૃદયસ્પર્શી લાગ્યા વગર ન રહે. કેદમાં રહીને પણ કથાનો નાયક કેવી રીતે આત્મદર્શન કરી શક્યો, સામાન્ય પંચેદ્રીય પ્રેરીત ભાવોદ્રેકતા પર તેણે સ્વત્વના સાક્ષાત્કારથી કેવી રીતે વીજય પ્રાપ્ત કર્યો તેમાં આ કથાની પરીપૂર્ણતા સમાઇ છે. અંતરમાં ડુબકી લેવાની આ પ્રક્રીયા, નાયકનું મનોમંથન અને પરમ સત્યની પ્રાપ્તી માટે સમગ્ર રાત્રીભર ચાલી રહેલા માર સાથેના બુદ્ધના વૈચારીક યુદ્ધ જેવી પ્રક્રીયા કદાચ અધુરી લાગે! જો કે તેનું કારણ જાણી શકાય.

લેખકના ‘ગદ્યસુર” બ્લૉગમાં આ નવલકથા ક્રમવાર પ્રસીદ્ધ થતી હતી; ત્યારે તેમાં વાચકોના પ્રતિભાવ પરથી સ્પષ્ટ થતું હતું કે, નવલકથાના વાચકોનું બૌદ્ધીક સ્તર ઘણું ઉંચું છે. તેમણે ભગવાન બુદ્ધ તથા તીર્થંકર મહાવીરના ચરીત્રો વાંચ્યા હતા; તેથી તેમને આ પ્રક્રીયાનો ખ્યાલ હતો. જો કે બ્લૉગ-જગતની બહારના વાચકોના લાભાર્થે નવલકથાની બીજી આવૃત્તીમાં લોકનાયકના આધીભૌતીક સ્તર પરથી થતા ઉર્ધ્વીકરણનું વર્ણન વધુ વિશદ થાય તો પુસ્તકના મૂળ ઉદ્દેશ – માનવીની આધ્યાત્મીક યાત્રા – પર વધુ ઓપ ચઢશે.

નવલકથાની પૃષ્ઠભુમી જગતનો કોઇ પણ ભાગ હોઇ શકે છે! લેખકે તેને નામ ન આપીને એક મોટા વિવાદને ટાળ્યો છે. આર્યો ભારતમાં આક્રમણકાર થઇને આવ્યા અને ભારતમાં વસતા મૂળ ભારતીયોની કતલ કરી એવી મૅક્સમુલર જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ રૂઢ કરેલી માન્યતાનો આધુનીક પુરાવાઓના આધારે તીવ્ર વીરોધ થયો છે. આર્યો મૂળ ભારતના જ રહેવાસી હતા અને ખૈબરઘાટના માર્ગે ઇરાન, રશિયા, મધ્યપૂર્વના અન્ય દેશોમાં ગયા અને સંસ્કૃત તથા સંસ્કૃતીનો વીસ્તાર કર્યો તેના પુરાવા પણ આપ્યા છે.

“પહેલા ગોવાળીયા”માં જે સ્થળનો આવીષ્કાર કરાયો છે, આક્રમણકાર ખાન ક્યા પ્રદેશમાંથી ગોવાના દેશમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા આવ્યો હતો તેને નામ ન આપીને કથાને સૌંદર્યપૂર્ણ નાવીન્ય આપ્યું છે. આ જગતનો કોઇ પણ ભાગ હોઇ શકે છે. માનવતાવાદી ગોવો પોતાની અને આસમંતની ધરાને વસુધૈવ કુટુમ્બકમ્ માને છે, જ્યારે અશ્વ પર કાબુ કરનાર, દૂરક્ષેપી હથિયારનો આવિષ્કાર કરનાર ખાન વીશ્વવીજય પર નીકળ્યો છે. એક વીજેતા પોતાના પ્રતીસ્પર્ધીને કેદ કરી, તે પોતે જ પોતાની મહત્વાકાંક્ષાનો બંદી બની ગયો છે. નવલકથાના અંત સુધી પહોંચતાં વાચકના મનમાં કેટલાય પ્રશ્નો નીર્માણ થશે, કેટલાક પાત્રો કુતુહલ નીર્માણ કરશે – આ છે નવલકથાની ખુબી!

આપણા સાહિત્યમાં પ્રાગૈતીહાસીક પૃષ્ઠભુમી પર હજી સુધી કોઇ નવલકથા લખાઇ નથી. શ્રી. સુરેશભાઇ જાનીએ આ કમીને અત્યંત સુંદર શૈલી અને આધારભૂત સંશોધનને આધારે દૂર કરી છે.

–  કેપ્ટન નરેન્દ્ર ફણસે
એલીસો વીહો, કેલીફોર્નીયા

વિચારક

તે વિચારક છે.

કોણ ગુણવંત શાહ?

ના.

સચ્ચિદાનંદ સ્વામી?

ના.

ઉર્વીશ કોઠારી?

ના?

અરે! તો પછી, વિનોદ  ભટ્ટ?

ના.

તો પછી કોની વાત કરો છો?

શહેરના રસ્તા પર ગાડું ચલાવતા એક શ્રમજીવીની.

શું નાખી દીધા જેવી વાત કરો છો? પીધો તો નથી ને?

એ શું? તમે, હું, કોઇ પણ સામાન્ય માણસ વિચારક છે. અરે! જેના મગજમાં કશુંક ખોટકાઇ ગયું હોય, તે પણ વિચારક છે.

………………….

સાવ નવી વાત લાગી ને?

વિચારક…

વિચાર …… જેના થકી વિશેષ ફરી શકાય તે વિચાર.

વિચાર કરે છે તે… એટલે વિચારક.

આપણે કશેક ફરવા જઇએ; તો આપણી નજર સામે જે દૃષ્ય હોય, તે જ આપણે જોઇ શકીએ.  આપણી પાછળ આવેલું દૃષ્ય જોવા માટે, આપણે માથું ફેરવવું પડે.

પણ, મનની આંખ વડે? વિચાર આવ્યો અને તે ચીજ, જગ્યા કે વ્યક્તિનું ચિત્ર મનની સામે ખડુ થઇ જાય. મન હોય તો માળવે જવાય. જેના મગજમાં કશીક ખરાબી હોય, તે પણ વિચાર તો કરે જ. તેના વિચાર અસંબધ્ધ હોય, બરાબર ગોઠવાયેલા ન હોય – એટલું જ.

અરે! આપણે સૂતા હોઇએ ત્યારે પણ, બહુ થોડીક ક્ષણો, ગાઢ નિદ્રામાં હોઇએ એટલી જ – વિચાર અટકી જતા હોય છે. અને પછી? સ્વપ્નોની સૃષ્ટિની વણજાર ચાલુ થઇ જાય. અને એમ કહે છે કે, આખાયે દિવસનો થાક એ થોડીક વિચાર વિહીન ક્ષણોમાં ઊતરી જતો હોય છે.

આપણે સૌ સતત વિચાર કરતા રહેતાં મશીનો છીએ! ઓલ્યો અબૂધ ગાડાવાળો હોય કે, આદરણીય શ્રી. ગુણવંત શાહ હોય; એ બન્ને વિચારક છે – વિચાર કરતાં યંત્ર છે. આપણે સૌ વિચારક છીએ! આપણી મોટા ભાગની પ્રવૃત્તિ, પ્રગતિ, અધોગતિ, જીવનયાત્રા, સર્જનો, વિસર્જનો, વિનાશો, યુધ્ધો, હાર અને જીત, વિચારોને કારણે આકાર લેતાં હોય છે.

એક પ્રયોગ કરી જુઓ. મનમાં સંકલ્પ કરો કે,

‘હવે પછી શો વિચાર આવશે, તે હું જોઇશ’

– અને મોટા ભાગે, વિચાર નહીં આવે! તમારું મન વિક્ષુબ્ધ બનેલું હોય; કશીક આપદા મનને કોરી ખાતી હોય; તે વખતે આ સંકલ્પ કરી જુઓ. મોટે ભાગે તે આપત્તિનો ખ્યાલ ક્ષણભર માટે ક્યાંક છુપાઇ જશે! સતત ભૂત અને ભવિષ્યની ભૂતાવળોમાં રાચતા, આપણે એ ક્ષણમાં જીવતા થઈ જઈશું.

આ છે ક્ષણમાં જીવવાની વાત. વિચારકપણામાંથી મટી જવાની, બચી જવાની વાત.

વિચારને અવલોકવાની આવી ટેવ પાડીએ; તો હાલતાં, ચાલતાં, સાવ જાગૃત અવસ્થામાં પણ થોડીક ક્ષણો વિચાર વિનાની માણી શકીએ. વિચારોની વણઝારને અટકાવી તો નહીં શકીએ; પણ તેની ઉપર એક નાનકડું નિયંત્રણ લાદવાની ક્ષમતા આપણી પાસે છે; તેની સ્વાનુભૂતિ થઈ જશે. એક ખાતરી ઉત્પન્ન થશે કે, વિચારનાં વાવાંઝોડાંને પણ અટકાવી શકાય છે. આ ક્ષમતા કેટલી ટકાવી રાખી શકીએ; તે આપણી વિચાર કરવાની શક્તિ પર, આપણા સંકલ્પબળ પર આધાર રાખે છે.  અને જેમ જેમ આવી ક્ષણો વધતી જાય; તેમ તેમ એ ક્ષમતા પણ વધતી જશે;

આપણે ક્ષણમાં જીવતાં થવા માંડીશું.

આ હું નથી કહેતો; અનુભવીઓ કહે છે.

આ બાબત વિશેષ વાંચન કરવા આ પુસ્તકનો અભ્યાસ કરવા ભલામણ છે.

Power of Now – Eckhart Tollle

અનુકુળ રસ્તો

શોર્ટ કટ અને      લોન્ગ કટ

( એ લેખ વાંચવા ઉપર ‘ક્લીક’ કરો.)

બે અનુભવ પર આધારીત આ બે લેખ લખ્યા. એક સરસ પ્રતીભાવ મળ્યો કે,

…… અનુકુળ રસ્તો લેવો. સ્થળ, સમય, સંજોગને આધીન – જેવી જરુર હોય તેવો રસ્તો લેવો.

એકદમ વ્યવહારીક વાત. સીધા સટ રસ્તે ચાલવું. લાંબા રસ્તે સ્વૈરવીહાર કરી ઠામુકાનો શ્રમ અને સમય ન બગાડવો. અને શોર્ટ કટનું જોખમ પણ ન લેવું. નો રીસ્ક ફેક્ટર!

સમય વર્તે સાવધાન. જેવો વટ, તેવો વહેવાર. જે આંગળીએ ઘી નીકળે, તે વાપરવી. આ જ તો જીવનને સરળ રીતે જીવવાની રીત. મધ્યમ માર્ગ. સફળ થવાની રીત. સામાન્ય અને સર્વમાન્ય રસ્તો. કોઈ વીવાદ વીનાની, ગળે શીરાની જેમ ઉતરી જાય તેવી વાત.

પણ …

 • કશુંક નવું કરવું હોય તો?
 • નવી કેડી પાડવી હોય તો?
 • નવું સંશોધન કરવું હોય તો?
 • પનામાની કે સુએઝની નહેર બનાવવી હોય તો?
 • ચન્દ્ર અને મંગળ સર કરવા હોય તો?
 • અજાણ્યા રાહે ચાલી, નવા પ્રદેશો શોધી કાઢવા હોય તો?
 • જીવનને સરળ બનાવે તેવા શોર્ટ કટ શોધવા હોય તો?
 • પર્વતના શીખર પર ચઢવું હોય તો?
 • જુની રસમો તોડી, નવી પ્રથાઓ સ્થાપવી હોય તો?

એ તો વીરલાનું કામ. બહાદુર બંકાનું કામ. પાગલનું, નશામાં મસ્ત મસ્તાનાનું કામ. પથ પ્રદર્શકનું કામ. સામાન્યતાને વીસારી પાડનારનું કામ.

અનુકુળતા જ શોધનારનું એ કામ નહીં. વ્યવહારીક બુધ્ધી ધરાવનાર, ગાડરીયા પ્રવાહમાં ચાલનાર, વધારે પડતા હુંશીયાર જણનું એ કામ નહીં.