સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: geography

હાદઝા

વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં

વીશ્વ ઈતીહાસનું પુસ્તક વાંચવાની શરુઆત કરતાં, પહેલાં જ પ્રકરણમાં આદીમ માનવ – ખાસ કરીને પથ્થરયુગના માણસ વીશે જાણીને મને અત્યંત આશ્ચર્ય થયું હતું.  લગભગ પશુ કહી શકાય તેવી અવસ્થામાંથી માનવજાતે આ એકવીસમી સદી સુધીની યાત્રામાં કેટલી બધી હરણફાળો ભરી છે?  તે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે? અને પહોંચવા છતાં, બરાબર પહોંચ્યો છે ખરો?  અને આના પરથી જ પથ્થરયુગની નવલકથા ‘ પહેલો ગોવાળીયો’ લખવા પ્રેરણા મળી હતી.

આ નવલકથાનું આલેખન  છેલ્લા તબકામાંથી પસાર થઈ રહ્યું હતું; ત્યારે મને આ એકવીસમી સદીમાં પણ પથ્થરયુગના માનવીની જેમ જ, હજુ પણ જીવતી, શીકારી, ફળાહારી ( Hunter getherer ) જાતીના જીવન વીશે એક લેખ નેશનલ જ્યોગ્રોફીક મેગેઝીનમાં વાંચવા મળ્યો હતો. ( ડીસેમ્બર – 2009 નો અંક ) વાંચવામાં આવ્યો હતો.

આપણને વીચારતા કરી દે તેવા, એ લેખમાંથી મળેલી   માહીતી ગુજરાતી વાચકો સમક્ષ મુકવાની ઈચ્છા થઈ; એના પરીપાક રુપે આફ્રીકાના ટાન્ઝાનીયા દેશની હાદઝા જાતીના જીવનનું એ આંખે દેખ્યું વૃત્તાન્ત   આ સાથે રુપાંતરીત કરીને રજુ કરું છું : –

———————————————————————————————–

ટાન્ઝાનીયાના ઉત્તર  ભાગમાં આવેલા, વીશ્વવીખ્યાત, સરંગેટી પાર્ક ની દક્ષીણે એયાસી તળાવના કાંઠે વસેલી આ જાતી 10,000 વર્ષ પુર્વેના પથ્થરયુગમાં સ્થગીત થઈને, કશો વીકાસ કર્યા વીના થંભી ગયેલી છે. અહીંથી ઘણી નજીક, જગતમાં સૌથી પ્રાચીન માનવ હાડપીંજરો, (લ્યુસી – 32 લાખ વર્ષ પહેલાંનું માનવ હાડપીંજર ) – અશ્મીઓ અને પથ્થરનાં સૌથી પ્રાચીન હથીયારો  મળી આવ્યાં છે. ફ્લોરીડા રાજ્યની યુનીવર્સીટીના પ્રોફેસર ફ્રેન્ક માર્લો  પંદર વર્ષથી એમના જીવનનો અભ્યાસ કરતા રહ્યા છે. માનવવંશ શાસ્ત્રના  અભ્યાસુ તજજ્ઞો  આવી જાતીઓને જીવતાં અશ્મીઓ ( Living fossils) તરીકે ઓળખાવે છે. આજુબાજુ વસેલી, પશુપાલન અને ખેતી કરતી બીજી જાતીઓ સાથે સમ્પર્ક હોવા છતાં, તેમણે પોતાની જીવન પધ્ધતીમાં ખાસ કશો ફરક કર્યો નથી. તેમના જીવન વીશે આપણને વીચારતા કરી મુકે તેવી વીગતો હવે વાંચો –

  1. એમની વસ્તી આશરે 1,000 વ્યક્તીઓ પુરતી મર્યાદીત છે. દરેક કબીલામાં ત્રીસેક વધારે સભ્યો હોતાં નથી.
  2. એમના પ્રદેશની બહારની દુનીયાની કશી માહીતી એમને નથી – મેળવવા માંગતા પણ નથી. એમના ઘણા સભ્યો એમનો સમાજ છોડીને, બહારની દુનીયામાં જતા રહ્યા છે. પણ એનો એમને કશો ખેદ નથી.
  3. એમનું રહેણાંક પણ સ્થાયી નથી. કોઈ ઝુંપડી, તંબુ કે ઘર પણ નહીં. સાવ ખુલ્લા મેદાનમાં જ આખી જીંદગી પસાર થઈ જાય છે. વરસાદ આવે ત્યારે ઝાડની ડાળીઓ, પાંદડાં અને ઘાસથી કામચલાઉ આશરો એક કલાકમાં બનાવી લે છે.
  4. શીકાર કરવો અને ફળો વીણીને ખાવાં, આ સીવાય કશી પ્રવૃત્તી એ લોકો કરતા નથી – કરવા માંગતા નથી.
  5. અને છતાં, તેમનો ખોરાક વીશ્વના ઘણા લોકોની સરખામણીમાં વૈવીધ્ય વાળો છે.
  6. જંગલી ગુલાબને પીસીને મળતું ઝેર તીરની અણી પર ચોપડવામાં આવે છે. આથી આ તીર વાગે તે જાનવર છટકી શકતું નથી.જીરાફ જેવા મોટાં પ્રાણીને પણ ધરાશાયી કરવા તે સક્ષમ હોય છે.
  7. અત્યંત ચપળ અને લાંબી છલાંગ ભરી શકતા, બબુન નામના વાંદરાનો શીકાર કરી શકે તેની પ્રતીષ્ઠા ઘણી  વધી જાય છે. પાંચ બબુનનો શીકાર કર્યો હોય તેને જ  સ્ત્રીના સંગનો લ્હાવો મળી શકે છે.
  8. પુરુષો શીકાર કરી લાવે અને મધ લઈ આવે; ત્યાં સુધીમાં સ્ત્રીઓ ફળો વીણી, તોડી લાવે  અને પાણી માટે વીરડો ખોદી તૈયાર રાખે.
  9. બબુન કે જીરાફ જેવા પ્રાણીનો શીકાર જ સામુહીક પ્રવૃતી હોય છે. બાકી દરેક જણ પોતાના કુટુમ્બ પુરતો નાનકડો શીકાર મળી રહે, તેનાથી સંતોષ માની લે છે. આવતીકાલે શું મળશે તેની કશી ચીંતા તેમને કદી રહેતી નથી.
  10. મોટો શીકાર કર્યો હોય તો આખી વસ્તી તે જગ્યાએ પડાવ નાંખી દે છે. કોઈ એક વ્યક્તીએ મોટો શીકાર કર્યો હોય તો પોતાનો અંગત પ્રયત્ન છોડી, બધા એમાં જોડાઈ જાય છે. અલબત્ત ખાણનો મોટો ભાગ શીકાર કરનારનો રહે છે.
  11. કોઈ પણ જાનવર કે પક્ષીનો શીકાર એમનો ભક્ષ્ય હોય છે – સીવાય કે, સાપ, જેનાથી એ લોકો દુર રહેવાનું પસંદ` કરે છે.
  12. ઝાડની ડાળીને અનુકુળ રીતે છોલીને, અડધાથી ઓછી મીનીટમાં, હથેળીમાં જોરથી ઘુમાવી, આગ પેદા કરી શકે છે. એમને હજુ દીવાસળીની જરુર જણાઈ નથી !
  13. એમને ખેતી, પશુપાલન, કોઈ જાતની ચીજ વસ્તુ કે  વાહનના ઉપયોગમાં રસ નથી.
  14. એમને કોઈ અગત મીલ્કત હોતી નથી. કોઈની પાસે વધારે મીલ્કત હોય, એમ હોતું નથી. એમની ઘરવખરી, ચામડાના એક ચોરસામાં સમેટી લેવાય એટલી જ હોય છે – રાંધવાનું એક પાત્ર, પાણી માટે એક પાત્ર, એક કુહાડી અને એક છરો. કપડાંની માત્ર એક જ જોડ.
  15. આ હથીયારો અને કપડાં બાજુમાં વસેલાં ગામવાસીઓ પાસેથી મધના બદલામાં એ લોકો મેળવી લે છે. આ માટે જરુર પુરતા સ્વાહીલી ભાષાના શબ્દો જ એ શીખ્યા છે.
  16. ગંદા તળાવમાં પુરુષો નગ્નાવસ્થામાં સાથે નાહી લે છે અને કપડાં, ધોઈ, સુકાવી ફરીથી પહેરી લે  છે.
  17. આશ્રર્યજનક રીતે સ્ત્રીઓ મહીનાઓ સુધી નહાતી નથી. પુરુષોને પણ સ્ત્રીઓ આમ ગંદી રહે, તે વધારે ગમે છે!
  18. એમની પોતાની ભાષામાં પણ, એમના સીમીત જીવન વ્યવહાર પુરતા, બહુ જ મર્યાદીત શબ્દો છે.
  19. ત્રણ કે ચાર થી વધારે આંકડા એમની ભાષામાં નથી.
  20. સમયના માપમાં કલાક કે મીનીટ નહીં પણ દીવસો પણ અગત્યના નથી. કોઈની રાહ જોવાની હોય તો; તે ન આવે  ત્યાં સુધી રાહ જોવામાં એમને કશો કંટાળો નથી હોતો.
  21. તેમને કશો ડર હોય તો તે છે – ઠંડા પાણીનો.  ઠંડા પાણીમાં ખાબકી શકે; તે  ખરો વીર એમ તે લોકો માને છે.
  22. લડાઈ અને ટંટાથી તેઓ દુર ભાગે છે. એમણે કદી બીજી જાતીઓ પર આક્રમણ કર્યું નથી. એમની 90 ટકા જમીન બીજી જાતીઓએ  હડપ કરી લીધી હોવા છતાં; તેઓએ જાતે જ ખસી જવાનું પસંદ કર્યું છે. શેષ વીસ્તાર હવે બીજાઓ માટે સાવ અનાકર્ષક છે.
  23. એમના પ્રદેશમાં કદી દુષ્કાળ પડ્યો નથી; કે રોગચાળો ફાટી નીકળ્યો નથી – જેથી સ્થળાંતર કરવા તેઓ લાલાયીત બને. આની વીરુધ્ધ બાજુની જાતીઓ તેમના દુષ્કાળના વખતમાં તેમની સાથે આવીને રહેલી છે; અને તેમનો તેમણે અતીથી સત્કાર કરેલો છે.
  24. તેમના જીવનની શૈલી બારે મહીના અને સૈકાંઓથી એકધારી રહેલી છે. તેમના દીવસનો માત્ર ચાર કે છ કલાકનો સમય જ ખોરાક શોધવામાં જાય છે. બાકીનો સમય એ લોકો આરામ અને આનંદ`પ્રમોદમાં ગાળે છે. કંટાળા જેવી કોઈ અવસ્થાની તેમને ખબર જ નથી ! વધારાના સમયમાં તીર બનાવવાનું કે કામઠાંની તુટેલી દોરીની જગ્યાએ શીકારના આંતરડાંમાંથી બનાવેલી દોરી બાંધવામાં કે એક્બીજાનાં શરીરમાંથી કાંટા કાઢી આપવામાં જાય છે.
  25. કદીક બાજુની વસ્તીમાં જઈ, મધની અવેજીમાં કપડાં, ચંપલ કે પ્લાસ્ટીકના મણકા ખરીદી લાવતા હોય છે.
  26. આજુબાજુની જાતીઓ ( ડટોગા, ઈર્ક્વા, ઈસાઝુ, સુકુમા, ઈરામ્બ્વા વી.) એમને પછાત, અછુત અને હલકા ગણે છે. કદીક કોઈ હાદઝા તેમના તળાવમંથી પાણી પીવા માંગે, તો. પોતાનાં ઢોર પી લે, પછી જ આવી વ્યક્તીને પાણી પીવા દેવાની છુટ આપવામાં આવે છે.
  27. હજારો વર્ષોમાં એમણે કોઈ સ્મારક કે યાદગીરી સર્જી નથી. એમને એવી ફાલતુ ચીજની કશી જરુર લાગી નથી. રહેવાની જગ્યા પણ સ્થાયી નથી હોતી. રાત્રે જ્યાં પડાવ નાંખે, તે ખુલ્લી જગ્યા, એ એમનું ઘર!
  28. દરેક કબીલો તેના સૌથી વૃધ્ધ માણસના નામથી જાણીતો હોય છે. એમાં ભાઈઓ, બહેનો , જમાઈઓ પણ સામેલ હોય છે. વડીલને માન આપવા છતાં , એની કે કોઈ નેતાની જોહુકમી હોતી નથી.
  29. સ્ત્રીઓનું સ્થાન પુર્ણ રીતે પુરુષની સમકક્ષ હોય છે. બીજી જાતીના પુરુષ સાથે લગ્ન કરેલી સ્ત્રી મોટે ભાગે એ સમાજની પુરુષ પ્રધાનતાથી વાજ આવી જઈ, થોડા જ વખતમાં પાછી આવી જવાના ઘણા દાખલા છે. .
  30. એક જ સ્ત્રી અને પુરુષ સહજીવન કરતાં હોવાં છતાં; એકેબીજાને છોડી દેવા સ્વતંત્ર હોય છે. આમ છતાં  બહુપત્નીત્વ કે બહુપતીત્વનો ચાલ કદી રહ્યો નથી. જ્યાં સુધી સાથે રહે ત્યાં સુધી બન્ને એકમેકને જાતીય રીતે વફાદાર રહે છે. મોટે ભાગે ન ફાવવાના કારણે છુટાછેડાની પહેલ સ્ત્રી જ કરતી હોય છે!
  31. વીસેક કબીલાઓમાં વહેંચાયેલા સમાજમાં સભ્યો સતત બદલાતાં રહે છે. જ્યાં સુધી મનમેળ રહે ત્યાં સુધી કોઈ વ્યક્તી કબીલામાં રહે છે; નહીં તો બીજા જાણીતા કબીલામાં સ્થળાંતર કરે છે. આમ ભળનાર નવી વ્યક્તીને મોટે ભાગે પ્રેમપુર્વક આવકારવામાં આવે છે.
  32. બાળકો દુધ પીતાં હોય, ત્યાં સુધી જ માને વળગેલાં રહે છે. બાકી મોટાં થયેલાં બાળકો અલગ જુથમાં રમ્યાં કરતાં હોય છે. સ્ત્રીઓ અને પુરુષો ખોરાકની શોધમાં દુર ગયાં હોય ત્યારે કબીલાની ઘરડી સ્ત્રીઓ બાળકો પર ધ્યાન રાખે છે.
  33. જન્મ, લગ્ન કે મરણની ખાસ કશી વીધી હોતી નથી. પહેલાં તો મરેલી વ્યક્તીને ઝાડીઓમાં જ છોડી દેવાતી. પણ  હવે દાટી દેવાય છે. એની યાદગીરીનું કોઈ ચીહ્ન પણ કબર પર છોડવામાં આવતું નથી. ગમે તેટલી પ્રીય તે વ્યક્તી ન હોય; તેને વીના સંકોચ વીસારી દેવામાં આવે છે.
  34. ઈશ્વર જેવી કોઈ માન્યતા તેઓ ધરાવતા નથી. કોઈ પણ ધાર્મીક વીધી કે પ્રાર્થના તેઓ કરતા નથી. માત્ર સુર્ય માટે તેમને ઘણું માન હોય છે.
  35. બીજા લોકોને એમના ભવીષ્યની વધારે ચીંતા રહે છે! ખાસ કરીને તાન્ઝાનીયાની સરકાર. એમને વીકસીત કરવા, શીક્ષીત કરવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમનાં ઘણાં બાળકો શીક્ષણ લઈ, બહારની દુનીયામાં સ્થાયી થયાં છે; પણ ભેદભાવની બીજી જાતીઓની નીતીને કારણે આવી વ્યક્તીઓ સાવ હલકાં કામો જ કરી શકે છે અને નવા સમાજમાં દલીત જ બની રહે છે. આથી મોટા ભાગે હાદઝા પોતે જ આવો કોઈ અનર્થકારી વીકાસ કરવા માંગતા નથી! એમને માટે તો પ્રાકૃતીક જીવન જ પુર્ણ સુખ અને આનંદથી ભરેલું  છે.
  36. રીચાર્ડ `બાલો નામનો એક સાઠ વર્ષનો હાદઝા આગળ પડતો, વીકસીત સમાજમાં ભળેલો નેતા છે અને હાદઝાને બદલાવા માટે, વીકાસશીલ કરવા માટે આંદોલન, અભીયાન ચલાવે છે. પણ હાદઝા સમાજની બહુ ઓછી વ્યક્તીઓ આ માટે તૈયાર છે.
  37. મંગોલા નામના હાદઝાનો કબીલો થોડો જુદો પડીને, આ પ્રદેશની મુલાકાત લેતાં સહેલાણીઓને હાદઝાના જીવન, શીકાર પધ્ધતી વીગેરેની  માહીતી આપવામાં ; પ્રવાસન ઉદ્યોગમાં જોટાયો છે. પણ એમનામાં વીકસીત સમાજની બદીઓ – મદ્યપાન, જુગાર, ગુનાખોરી, ખુન, સમ્પતી માટેની લાલસા, ચોરી, છેતરપીંડી, ચેપી રોગો, માંદગી, વેશ્યાપ્રથા વીગેરે પ્રવેશી ગયાં છે.
  38. આ દાખલો જોઈ, હજુ બીજા હાદઝા કબીલા આવા પરીવર્તનંથી દુર રહેવાનું પસંદ` કરે છે. પણ કદાચ થોડાંક જ દાયકાઓમાં હાદઝા સમાજ બહારની દુનીયાની ચમક ધમક જોઈ, આ નીતીનાશમાં જોડાઈ જાય અને તેમની જીવન પધ્ધતીનો અંત આણે, તેવી પુરી સંભાવના છે.    .

માઈકલ ફીન્કલ કે જેણે ‘ઓનવાસ’ નામના હાદઝાના કબીલા સાથે પંદર` દીવસ ગાળ્યા હતા; તેના કહેવા પ્રમાણે આમ હમ્મેશ જીવવાનું તે પસંદ તો ન કરે. એમના જીવનની હાલાકીઓ, પ્રાથમીક સગવડોનો અભાવ વીગેરે બહારની દુનીયામાં રહેવા ટેવાયેલાને કદાપી અનુકુળ ન જ આવે . પણ હાદઝાના જીવનની સરળતા, તાણ, ચીંતા, માનસીક વ્યથાઓનો સદંતર અભાવ – આ બધાં પાસાં તેને સ્પર્શી ગયાં હતાં. આ પંદર દીવસ તેણે અપ્રતીમ સુખમાં ગાળ્યા હતા; અને જીવનને બને તેટલી સરળતાથી જીવવાના ફાયદા સમજાયા હતા.

એક વીદ્વાનના અભીપ્રાય મુજબ, ‘ ખેતીની શોધ  એ માનવ સમાજની સૌથી મોટી અને વીનાશકારી ભુલ હતી.’

———————

સાભાર – નેશનલ જ્યોગ્રોફીક મેગેઝીન