સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: info

ગુફાઓ : ભાગ -1

ગુફામાંથી મેદાનમાં વસતા થયેલા લોકોની કથા લખતાં ગુફાઓ વીશેની ચોપડી હાથમાં આવી ગઈ. વાંચતાં જ ગમી પણ ગઈ. આથી ગુફાઓ વીશેનો આ માહીતી લેખ લખવા પ્રેરાયો છું.  આશા રાખું કે, ગદ્યસુરના વાચકોને આ માહીતીપ્રધાન લેખ ગમશે.

————————-

વીશ્વમાં જાતજાતની ગુફાઓ  મળી આવે છે. આખી દુનીયામાં હજારોની સંખ્યામાં ગુફાઓ અસ્તીત્વ ધરાવે છે. કોઈક ગુફા એક નાનકડા ટેલીફોન બુથ જેવડી પણ હોઈ શકે છે, તો કોઈક એક મોટા ઘર કે હોટલ જેવી મોટી પણ હોઈ શકે છે. અમુક ગુફાઓ તો લાંબી લચક હોય છે. અમેરીકાના કેન્ટકી રાજ્યમાં આવેલી મમુથ ગુફા 300  માઈલ લાંબી છે ! અમુક ગુફાઓ બહુ ઉંડી હોય છે. ફ્રાન્સની જીન બર્નાર્ડ ગુફા 5256 ફુટ ઉંડી છે! ખાલી યુ.એસ.ની જ વાત કરીએ; તો તેમાં 17,000 ગુફાઓ આવેલી છે.

રઝળતા આદીમાનવો રક્ષણ માટે આવી ગુફાઓઅમાં વસતા હતા. એમની સંસ્કૃતીના વીકાસ સાથે ગુફાઓ એમના માટે રહેઠાણ ઉપરાંત ઈશ્વરની પુજાના સ્થાન તરીકે, કે અંતીમ ક્રીયા માટે કે ચીત્રકામ માટે પણ વપરાતી હતી. આવી પણ ઘણી ગુફાઓ આદીમ સંસ્કૃતીની સાક્ષી પુરે છે.

અલ્ટા મીરા ગુફા, સ્પેનમાં બાઈસનનું ચીત્ર

અલ્ટા મીરા ગુફા, સ્પેનમાં બાઈસનનું ચીત્ર - ઈ.સ. પુર્વે 16,000 વર્ષ

પ્રાથમીક રીતે ગુફાઓ ચાર પ્રકારની હોય છે.

લાવા ટ્યુબ ગુફા ,  દરીયાઈ ગુફા,  રેતાળ પથ્થરની ગુફા ( સેન્ડ સ્ટોન),  સોલ્યુશન ગુફા

લાવા ટ્યુબ ગુફાઓ

લાવા ટ્યુબ ગુફા

લાવા ટ્યુબ ગુફા

રેલ્વેના બોગદા જેવી આ ગુફાઓ જ્વાળામુખી ફાટતાં બહાર નીકળતી લાવાની નદીને કારણે બનતી હોય છે. લાવા બહાર વહી જતાં બાકી રહી ગયેલો ખડક ઠંડો પડી જતાં તે બનતી હોય છે. ઉંડી ગુફાઓ લાવાના ઉભા પ્રવાહને કારણે બનેલી હોય છે. પણ પર્વતના ઢોળાવ અથવા સપાટ મેદાનમાંથી વહેલા લાવાને કારણે મમુથ ગુફા જેવી ગુફા બનતી હોય છે. આવી ગુફાઓ ત્રીસેક ફુટ જેટલા વ્યાસની અને માઈલોના માઈલો લંબાઈની પણ હોઈ શકે છે.

દરીયાઈ ગુફાઓ

દરીયા કે મોટા સરોવરના કીનારે મળી આવતી આ ગુફાઓ લાખો વર્ષોથી પાણીના મોજાં વડે કીનારાના થતા ઘસારા અને ધોવાણના કારણે બનતી હોય છે. નબળા ખડકો આમ તુટી જતાં પોલાણો પેદા થાય છે. પાણીના મોજાંની સાથે આવતા પથ્થરના નાના ટુકડા અને રેતી ઘસારાની આ પ્રક્રીયાને વેગ આપે છે – જાણે કે અનેક નાનકડી હથોડીઓ ન હોય! યુ.એસ.ના ઓરેગોન  રાજ્યમાં આવેલી સી લાયન ગુફાઓ વીસ માળના મકાન જેટલી ઉચી અને ફુટબોલના મેદાન જેટલી લાંબી છે!

રેતાળ પથ્થરની ગુફાઓ

અનાસાઝી ક્લીફ પેલેસ ગુફા

અનાસાઝી ક્લીફ પેલેસ ગુફા

ટેકરીઓની તળેટીમાં પોચા ખડકો ઝરા અને નદીના પ્રવાહને કારણે ધોવાતાં આવી ગુફાઓ બને છે. હજારો વર્ષો આમ બનતું રહેવાના કારણે મોટી ગુફાઓ આકાર લે છે. આદીમાનવો સમાન્ય રીતે આવી ગુફાઓમાં રહેતા હતા કારણકે, જીવવા માટે જરુરી પાણીનો પુરવઠો ત્યાં હાથવગો રહેતો. કોલોરાડોની મેસા વર્દ ગુફા ક્લીફ પેલેસ તરીકે જાણીતી છે, જેમાં ઈ.સ. 1200 ની આસપાસ આનાસાઝી નેટીવ અમેરીકનોએ ભવ્ય રહેઠાણો બનાવ્યાં હતાં.

સોલ્યુશન ગુફાઓ

કાર્લ્સ બાડ ગુફા, ન્યુ મેક્સીકો, યુ.એસ.

કાર્લ્સ બાડ ગુફા, ન્યુ મેક્સીકો, યુ.એસ.

સૌથી વધારે સંખ્યામાં અને ભવ્યતા માટે જાણીતી ગુફાઓ આ પ્રકારની હોય છે. ચુનો, ડોલોમાઈટ, જીપ્સમ, આરસ જેવા પથ્થરોમાંથી આવી ગુફાઓ બનતી હોય છે. આ ગુફાઓ બનવાની પ્રક્રીયા બહુ જટીલ હોય છે અને તેના કારણે અદભુત પ્રાકૃતીક શીલ્પ આકાર લેતું હોય છે.

….  પણ એની વાત આવતા અંકે.

मेरा गाना

હીન્દીમાં શીર્ષક, વીષય ગાવાનો  અને તેય ગદ્યસુર ઉપર?

હા વાત એમ જ છે. છેલ્લે ખબર પડશે કે એમ કેમ?!

  • કોઈ કવીતા વાંચતા હોઈએ, લય પકડાય અને મન ગણગણવા લાગે. કેવી મઝા?
  • ભાવવીભોર બનીને કવીતાનો પાઠ કવી પોતે કરતા હોય, અને આપણે એમની ઉપર ઝુમી ઉઠીએ અને માશાલ્લાહ બોલી ઉઠીએ. કેવી મઝા?
  • વળી શોભિત દેસાઈ જેવા કોઈ કવી પોતાની કવીતા તરન્નુમમાં ગાતા હોય અને આપણા મુખમાંથી ‘દુબારા.. દુબારા..’ ની ફરમાઈશ સરી પડે. કેવી મઝા?
  • ગમતું ગીત રેડીયો, પ્લેયર કે ટીવી ઉપર ઉચ્ચ કક્ષાના સંગીત સાથે આપણા માનીતા કોઈ ગાયક કે ગાયીકા ગાતા હોય અને આપણા પગ અને હાથ તાલ દેવા માંડે અથવા આપણે નાચવા લાગીએ. કેવી મઝા?

      પણ એ બધાયથી મોટી મજા કઈ – ખબર છે? આવું કાંઈક થયું હોય અને બીજા દીવસે સવારે બાથરુમની  એકલતામાં આપણે એ ગીતનું ગુંજન કરવા લાગી જઈએ. કોણ એવો અભાગી હશે જે, બાથરુમ  સીંગનહીં હોય?

સાવ સાચી વાત લાગી ને? તો જુઓ આ એકવીસમી સદીમાં આ આનંદને ચરમસીમા પર લઈ જવાનાં સાધનો ઉપલબ્ધ છે.  પાંચેક વરસ પહેલાં મારા દીકરાને ત્યાં શીકાગો એકાદ મહીનો રહેવા ગયો હતો ત્યારે એક કરોકી પાર્ટીમાં ઘણાને સીડી પર વાગતા સંગીતની સાથે ગાતા સાંભળ્યા હતા. અને બહુ નવાઈ લાગી હતી. એક ગીત પર સાથે ગાવાનો નીષ્ફળ પ્રયત્ન પણ કર્યો હતો.

હમણાં ફોર્ટવર્થમાં રહેતા શ્રી. ગીરીશ અને ઉષા પટેલ અને તેમની દીકરી સ્નેહલના ઘેર નવા ખરીદેલા ઘરની ઉજવણીની પાર્ટીમાં એક નવો  જ લહાવો માણવા મળ્યો. (કેલીફોર્નીયાથી આવેલો એમનો દીકરો જીગર અને બીજી દીકરી  સોનલ અને જમાઈ મુકેશ પણ ત્યાં હાજર હતા.) બીજા એક સ્થાનીક મીત્ર શ્રી. કમલેશ કુરાનીએ એક નવું નજરાણું રજુ કર્યુ.

એ છે .

मेरा गाना ( એ વેબ સાઈટ જોવા અહીં ‘ક્લીક’ કરો.)

MeraGana

ઉપરના ચીત્રમાં બતાવ્યા પ્રમાણે જે ગીત તમારે ગાવું હોય તે ચાલુ કરીએ એટલે એ ગીતનું સંગીત તો વાગવા માંડે જ. પણ સાથે એના શબ્દો પણ મોનીટરના સ્ક્રીન પર લખાવા માંડે. ડાબી બાજુએ નીચેથી ધીરે ધીરે પરપોટા ઉપર તરફ ગતી કરવા માંડે અને લક્ષ્યસ્થાન પર પહોંચે એટલે એક ફુદડી શબ્દોના અક્ષર પર રમતી રમતી આપણને ગાવા માટે સુચન આપતી રહે. ક્યાં અટકવું, ક્યાં લંબાવવું, ક્યાં ખાલી સંગીત જ વાગવા દેવું, ક્યાં ગીતની આગળની લીટીઓ  આત્મસાત કરી લેવી. આ બધી સુચના આવતી રહે. અને તે પણ બહુ જ સરળતાથી સમજી શકાય તે રીતે. દ્વંદ્વગીત હોય તો પુરુષે ગાવું કે સ્ત્રીએ એ માટે જુદા રંગમાં શબ્દો પ્રગટ થાય.

ગીરીશભાઈના ઘરની પાર્ટીમાં બધાં ગાવાં લાગ્યાં. અરે! મારા જેવા ગર્દભસેને પણ ગાયું અને દાદ મેળવી! મારી બાજુમાં બેઠેલા  એક તોંતેર વરસના દાદા પણ ઝુમી ઉઠ્યા.

બોલો મઝા પડીને?

મઝા કોઈ પણ પ્રકારની હોય. ગણગણવાની, મુશાયરાની, તરન્નુમની, સુમધુર ગીત અને સંગીતની, બાથરુમમાં ગાવાની કે કરોકીની .. જીવન અનેક વીષમતાઓથી ભરેલું છે. એમાંથી મન મહોરી ઉઠે એવું ગાવા માટે એક બે ક્ષણ ચોરી લઈએ તો?