સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: language

વૈશ્વીકરણ: પ્રાદેશિક ભાષાઓ માટે મૃત્યુઘંટ – મારો પ્રતિભાવ

નેટ મિત્ર શ્રી. દિપક ધોળકિયાના બ્લોગ પર મૂકાયેલ , માનનીય ભાષા શાસ્ત્રી શ્રી. બાબુભાઈ સુથારના લેખમાંથી નાનકડું ટાંચણ…

      આજે વૈશ્વીકરણનો વાયરો વાય છે તેની પ્રાદેશિક ભાષાઓના ભવિષ્ય પર શી અસર પડશે તે સાંસ્કૃતિક ભાષાવિજ્ઞાની માટે, સ્વાભાવિક રીતે જ, ચિંતાનો વિષય છે. આજના જમાનામાં વૈશ્વીકરણને સતેજ બનાવે એવાં ઘણાં ઘટકો સક્રિય છે, એ જોતાં, પ્રાદેશિક ભાષાઓનું શું થશે એનો વિચાર કરવાની જરૂર છે. હું માનું છું છે કે, એક આંતરરાષ્ટ્રીય ભાષા આજે બેલગામ આખા વિશ્વની ભાષા બનવા લાગી છે તેમાં પ્રાદેશિક ભાષાઓના વિકાસની દૃષ્ટિએ રાજી થવા જેવું કઈં નથી. સ્થાનિક ભાષાઓ માટે આ વૈશ્વીકરણ જબ્બર ખતરા જેવું છે. આજે ગુજરાતમાં અંગ્રેજીમાં વધારે રસ લેવાય છે તેની ગુજરાતી પર પડતી અસરો જોતાં ગુજરાતીની જે સ્થિતિ છે તેની મને ચિંતા થાય છે. 

શ્રી. બાબુભાઈ સુથાર

આખો લેખ અહીં …

      આ તો મારી મા જેવી વ્હાલી મારી ભાષાની ચિંતાની વાત – બહુ મનભાવન. આથી હાલની ‘ ગદ્યસૂરી’ પ્રણાલિકા – ‘ફિલસૂફીમાં સ્વૈરવિહાર’  અને ‘કોમેન્ટ બંધ’ ને કામચલાઉ બાજૂએ મૂકીને, ત્યાં આપેલ મારો પ્રતિભાવ અહીં રજુ કરું છું ; અને કોમેન્ટોના દ્વાર ખોલી નાંખું છું !

      ભાષાના તજજ્ઞો વચ્ચે કાંઈ લખવું , એ સામાન્ય માણસ માટે અનધિકાર ચેષ્ઠા છે ; તે સમજું છું ; અને છતાં ફરીથી આ અત્યંત રસિક ચર્ચામાં ભાગ લેવાના મોહને જતો નથી કરી શકતો.
અહીં આવ્યા બાદ જ ભાષાનું વ્યક્તિના વિકાસમાં શું મહત્વ છે- તે સમજાયું. સૌથી સારામાં સારું અને સૌને જાણીતું ઉદાહરણ – હેલન કેલર .
અને અહીંની પ્રાથમિક શિક્ષણની પ્રથામાં ભાષા શિક્ષણને અપાતું મહત્વ. અંગ્રેજી જેવી , અપવાદો અને અનેક પ્રદેશોની પરંપરામાંથી ઊતરી આવેલી જોડણીની ગેર વ્યવસ્થા છતાં , બાળકોને જે રીતે પદ્ધતિસર ભાષા શીખવાય છે – તે કાબિલે દાદ છે.

      અને સામાન્ય બાળકોને અપાતી એ વ્યવસ્થા તો કાંઈ નથી – જો વિશેષ જરૂરિયાતવાળા બાળકોનો ભાષા વડે કરાતો વિકાસ નજરમાં રાખીએ તો. જેમની પાસેથી કશી અપેક્ષા ન રાખી શકીએ, તેવા ઓટિસ્ટિક બાળકોની જે માવજત – મ્યુનિ. સ્કુલોમાં થાય છે – અને એ બાળકોનો વિકાસ જોઈએ – તો ભાષા શું કમાલ કરી શકે છે – તે જોઈ આપણે મોંમાં આંગળાં નાખી દઈએ.

       પણ અત્યંત મહત્વની વાત એ છે કે, ભાષા વિજ્ઞાન પણ માનવ વિકાસની/ સમાજ વિકાસની પાયાની જરૂરિયાતનું એક સાધન માત્ર જ છે – જેમ વિજ્ઞાન અને ટેક્નોલોજી છે.
—–

        ગુજરાતી ભાષાના સંદર્ભે – એ મરી જશે કે, વપરાતી બંધ થઈ જશે – એવો હાઉ રાખવાનું જરૂરી નથી લાગતું . લાખોમાં ફેલાવો ધરાવતા દૈનિકો, માતબર સામયિકો, બબ્બે સાહિત્ય સંસ્થાઓ અને હવે અનેક ગુજરાતી ટીવી ચેનલો, સેંકડો બ્લોગો, ગુજરાતી વેબ સાઈટો , ગુજરાતી વિકી, લેક્સિકોન વિ. આંતરરાષ્ટ્રીય સવલતો નજરમાં રાખીએ તો ગુજરાતીનો વ્યાપ ઘટ્વાનો તો નથી , નથી ને નથી જ.

       મહત્વની જરૂર માત્ર એક જ છે – સામાન્ય ગુજરાતી માણસને એની ભાષા માટે ગૌરવ ધારણ કરતો કરવો – ભલે ગુજરાતી એને માટે માત્ર શોખ કે મનોરંજનનું માધ્યમ રહે. ગુજરાતમાં, ગુજરાતીઓને ગુજરાતી ‘ શું શાં પૈસે ચાર’ જેવી થવા માંડી છે – તેની જગ્યાએ …

 • અમદાવાદમાં દર સાલ યોજાયા ‘સમન્વ્ય’ જેવા કાર્યક્રમો ગુજરાતના શહેરે શહેરમાં અવાર નવાર યોજાય
 • ધાર્મિક કથાઓની જેમ કાવ્ય / હાસ્ય મુશાયરા માં માનવ મેદની ઊભરાય.
 • ગામે ગામ ગુજરાતી પ્રતિભાઓ માટેના હોલ ઓફ ફેઈમ સર્જાય અને ગુજરાતી બાળકો અને યુવાનો એમાંથી પ્રેરણા લઈ; ગુજરાતી ભાષાના માધુર્યને માણતા થાય.

—–
     ભાષા શાસ્ત્રીઓએ આ બાબત કમર કસવાની પહેલ કરવાની છે – અને એમની પડખે સાહિત્યકારોએ, સાહિત્ય રસિકોએ અને જેના પેટમાં ગુજરાતી માટે બળે છે – તેવા સામાન્ય માણસોએ ઊભા રહેવાનું છે – નજીવી બાબતો માટેના બધા વિવાદોને બાજૂએ મૂકીને.
આ ભાવનામાં કશી ઉગ્રતા નથી. માત્ર મંગળ ભાવ જ છે – માની ભાષા માટેનો પ્રેમ છે – એક અદના આદમીની અંતરની આરજૂ છે.
પણ…
બાબુભાઈ યથાર્થ કહે છે તેમ – આ બાબતમાં પરિણામલક્ષી માર્કેટિંગની ચુસ્તી લાવવી જ પડશે. જો કોઈને એ શબ્દ ગંદો લાગતો હોય તો ; કોક રૂપાળો શબદ ગોતી કાઢે.

આ જ વિષયમાં મારા બીજા લેખો  ..

માતૃભાષાની ચિંતા વિશેની ચિંતા

ગુગમ- એક શક્યતા

માતૃભાષાની ચિંતા વિશેની ચિંતા

છેલ્લા બે એક વર્ષમાં ‘ ગુજરાતી ભાષા મરવા પડી છે?’ તે વિષય અંગે ઘણી બધી ચર્ચાઓ વાંચવા મળી. ઉમળકાભેર તેમાં ભાગ પણ લીધો. ( નેટ ઉપર સૌથી લાંબી ચાલેલી ચર્ચા વાંચવા અહીં ‘ ક્લિક’ કરો. )

પણ જાણીતા પત્રકાર અને નિડર વિચારક શ્રી.ઉર્વીશ કોઠારીના લેખનાં નીચેનાં ટાંચણો મનને ભાવી ગયાં :-

ભાષા સોનાની લગડી છે અને સાહિત્યકારો સોની છે. એ લોકો ભાષામાંથી પોતાની આવડત-વૃત્તિ (કે બજારની માગ) પ્રમાણે ઘરેણાં બનાવે છે. પણ જેમની પાસે ઘરેણાં બનાવવાની આવડત નથી, એમની પાસે સોનાની લગડી તો છે જ અને એની કિંમત જરાય ઓછી નથી. બલ્કે, ઘરેણાંમાંથી લગડી નહીં, લગડીમાંથી ઘરેણાં બને છે.

અંગ્રેજીનો વિકલ્પ નથી એ ખરૂં છે. પણ ગુજરાતમાં કૌટુંબિક અને અંગત વ્યવહારમાં ગુજરાતી ભાષાનો સન્માનજનક વિકલ્પ છે ખરો?

આઘુનિક દેખાવા કે યુવા પેઢી સાથે તાલ મિલાવવા માટે શહેરી બોલચાલની ભાષાના અંગ્રેજી શબ્દો કે શબ્દઝુમખાં ઠપકારવાં, એ ભાષાનો વિસ્તાર નથી. ભાષાની વિકૃતિ છે.

વાત ફક્ત પ્રભાવશાળી અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા લેખકથી ભાષાનું ગૌરવ અનુભવવાની વાત હોય તો ગુજરાતી ભાષા પાસે સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર મહાત્મા ગાંધી છે.

ગુજરાતી ભાષા બોલનારા ગુજરાતીઓનો આંકડો કરોડમાં છે. છતાં, ભાષા લુપ્ત થવાની બૂમો શા માટે?

..

ઈંગ્લીશ મિડીયમમાં ભણતા બાળક માટે ઈંગ્લીશને અપનાવવા જેટલું જ ગુજરાતીને તરછોડવું જરૂરી ગણવામાં આવે છે, એ સૌથી કમનસીબ બાબત છે. આ કાવતરામાં સૌની સહિયારી જવાબદારી છે.

જે ભાષા કરોડની સંખ્યામાં લોકો બોલતા હોય, તે એમ કંઇ લુપ્ત થઇ જવાની નથી અને ભાષાની બ્રીફ લઇને ફરનારા અણઘડ વકીલોથી બચવાની પણ નથી. ગુજરાતીને બચાવવાનો દાવો મોટો અને ગેરરસ્તે દોરનારો છે. અત્યારે ખરી જરૂર ગુજરાતીને બચાવવાની નહીં, તેનો મહિમા કરવાની છે. તેનું ગૌરવ સ્થાપવાની છે.

બિનગુજરાતી અભિનેત્રીઓ બે લીટી ગુજરાતીમાં બોલી જાય, તો લોકો કેવા અડધા અડધા થઇ જાય છે! તો ખરેખર ગુજરાતી જાણતા-ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે પોતાની લાગણી જાહેર ન કરી શકે?

ગુજરાતીનો મહિમા કરવાના તમામ પ્રયત્નો આવકાર્ય છે, પરંતુ ભાષાને ગૌરવ અપાવવાનું આખરે સૌ ગુજરાતીઓના હાથમાં છે. ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરાંમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી- અંગ્રેજીમાં બોલવાને બદલે, છટાથી ગુજરાતીમાં બોલીને પણ ગુજરાતીનો મહિમા વધારી શકાય. સાહિત્યકારોની ઝુંબેશો કરતાં સામાન્ય લોકોનાં આવાં નાનાં પગલાં લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે. ૨૧ ફેબ્રુઆરીને (વિશ્વ માતૃભાષા દિન ઉર્ફે માતૃભાષા મહિમા દિનને) આ પાઠ યાદ કરવા માટે નિમિત્ત બનાવી શકાય.

( આખો લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો. )

આ વિષય પર ઘણા સાહિત્યકારો, ભાષાશાસ્ત્રના જાણકાર વિદ્વાનો અને સાહિત્ય રસિક વ્યક્તિઓનાં વિચારો વાંચવાની તક પણ મળી છે. ઉર્વીશભાઈ ગુજરાતમાં રહે છે; અને પત્રકાર/ કટાર લેખક/ જાગૃત વિચારક હોવાના સબબે બહોળો અનુભવ અને પાકટતા ધરાવે છે. આથી એમના વિધાનોની પાછળ રહેલી પાયાની સચ્ચાઈ અસર કરી ગઈ. તેમનાં ઉપરોક્ત વિધાનોએ સાવ નવા જ વિચારો મનમાં ઉભરાવ્યા. આખી વ્યવસાયી જિંદગીમાં કેવળ અંગ્રેજીમાં જ વ્યવહાર કરનાર, આ જણ ગુજરાતી ભાષા વિશે કશુંક લખે; તે કેટલે અંશે ઉચિત છે, તે તો ખબર નથી. પણ એક ગુજરાતી તરીકે પેટમાં બળે; અને આ બ્લોગ જેવી પીઠિકા ( પ્લેટફોર્મ વધારે સમજાશે? ) પર હૈયા વરાળ કાઢે; તેને વાચકો દરગુજર કરે તેવી વિનંતી.

…………………………………

આખી જિંદગી અંગ્રેજીમાં જ કામ કર્યા છતાં, ગુજરાતીમાં લખતી વખતે અભિવ્યક્તિની જે મોકળાશ જણાઈ છે; તે અંગ્રેજીમાં લેખ લખતી વખતે કે ગુજરાતીમાંથી અનુવાદ કરતી વખતે નથી જણાઈ. વારે ઘડીએ એક શબ્દ લખી, યોગ્ય શબ્દ ગોતવા થિસોરસ વાપરવો પડ્યો છે. ગુજરાતીમાં તો ટપાક દઈને બરાબર બંધ બેસતો શબ્દ અંતરમાંથી ઊભરાઈ આવતો અનુભવ્યો છે.

પહેલી વખત ટ્રાન્સલીટરેશનની ટેક્નોલોજીથી કોમ્પ્યુટરના સ્ક્રીન પર ઊપસી આવતા ગુજરાતી અક્ષરો જોઈ નાચી ઊઠેલા આ ગુજરાતીનો અનેરો આનંદ એ એના કોશે કોશમાં વ્યાપી ગયેલી ગુજરાતીતા છે.   આ ઉન્માદ બીજા અનેકોએ પણ અનુભવેલો છે.

જ્યાં સુધી ઠેર ઠેર આવી ગુજરાતીતા અસ્તિત્વ ધરાવે છે; ત્યાં સુધી, ગુજરાતીમાં વિચારતા છ કરોડ લોકોની ભાષા લુપ્ત થઈ જશે; એ માન્યતા સ્વીકારવા મન માનતું નથી.

બીજી વાત…..

છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ઇન્ટરનેટ અને બ્લોગના સાધનો વિના મૂલ્યે હાથવગાં થવાનાં કારણે, ગુજરાતી બ્લોગ જગત જેવી એક સાવ નવી જ હસ્તિએ/ ઘટનાએ આકાર લીધો છે. એકદમ સ્વયંભૂ આવેલો આ જુવાળ વેપારી અને પૈસાના પૂજારી તરીકે બદનામ ગુજરાતીઓ માટે અદ્ભુત છે.  ચોકસાઈથી ગણી ન શકાય એટલી મોટી સંખ્યામાં, બિલાડીના ટોપની જેમ, ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટો અસ્તિત્વમાં આવ્યાં છે; ઉમેરાતાં જ જાય છે. લખાતા ગુજરાતી સાહિત્યની તવારીખમાં આ એક સાવ નવું નક્કોર અને તરોતાજા પ્રકરણ ખૂલી ચૂક્યું છે. પ્રકાશકોની તાતી તલવાર, જોહુકમી અને  વ્યાપારી ગણતરીઓથી  મુક્ત અને ખર્ચની ચિંતાથી મુક્ત આ માધ્યમના અનેક ફાયદા આ જણે જાતે અનુભવ્યા છે. ( આ અંગેના બે લેખ વાંચવા વાચકોને ભલામણ :       બ્લોગર : અક્ષયપાત્ર )

સામાન્ય જનતામાં વધતા જતા નેટ અને અને સેલ ફોનના ઉપયોગને નજરમાં રાખતાં આ માધ્યમ વધારે ને વધારે વિસ્તરતું જશે; એમ દેખાઈ રહ્યું છે. ન ઉવેખી શકાય તેવી આ એક ઘટના છે. પ્રજામાં આવેલ આમૂલ ક્રાંતિ જેવી આ ઘટના છે. એક નવો જ યુગ સ્થપાવાના એંધાણ આપતી આ ઘટના છે.

કામની ભાગાદોડીમાં, મુષક દોડમાં ફસાયેલ, વ્યસ્ત યુવા પેઢી આમાં સામેલ છે;  તો મારા જેવા નિવૃત્ત અને ઘરકામ કરતી ગૃહિણી પણ છે; અને ઉર્વીશભાઈ જેવી  સાહિત્ય સાથે સંકળાયેલી જાણીતી વ્યક્તિઓ પણ છે. અરે! ગુજરાતના મુખ્ય પ્રધાન પણ આ હરણફાળમાં સામેલ છે. આને પ્રતાપે ગુજરાતી ભાષાનું ગૌરવ વધવાનું જ છે એમ કહું; તો એ આ બ્લોગરનો મિથ્યા આશાવાદ કે તુક્કો ન ગણતા. ભાષાની સેવા આ માધ્યમ દ્વારા નિઃશંક થઈ રહી છે/ થવાની છે ; તે હકીકત છે.

જે ભય સૌને છે; તે

 • ગુજરાતીની ઘટતી જતી પ્રતિષ્ઠાનો છે.
 • બોલાતી ગુજરાતીમાં વધતા જતા અંગ્રેજી શબ્દોના પ્રદૂષણનો છે.
 • લખાતી ભાષાની અશુદ્ધતાનો છે.
 • અંગ્રેજી માધ્યમની વધતી જતી ઘેલછાનો છે.

આ ભય અકારણ નથી. પણ તેનો ઉકેલ સરકારી રાહે આવશે કે માત્ર સાહિત્યકારો, ભાષાશાસ્ત્રીઓ કે સાહિત્ય રસિકો જ લાવી શકે તે માન્યતા ભૂલ ભરેલી છે. કારણકે, આ વિકૃતિઓનું મૂળ બદલાતા સામાજિક મૂલ્યોમાં છે. સમાજ જો આ બાબત જાગૃત બનશે તો આપોઆપ ગુમાતી જતી પ્રતિષ્ઠા ફરીથી હાંસલ કરી શકાશે.

ઉર્વીશભાઈના લખાણનો આ પ્રાણ છે; આ એનો ધબકાર છે. અને આથી જ એ લખાણ આ સામાન્ય માણસના અંતરના તારને ઝણઝણાવી ગયું. પણ કામની વાત એ છે કે,

આપણે સહુએ  – સાહિત્યકારો, ભાષાશાસ્ત્રીઓ કે સાહિત્ય રસિકો  સમેત સહુએ –  આ બાબત શું કરી શકાય તે વિચારવાનું છે.

બ્લોગીંગ ઉપરાંત મને એક બે બાબત સૂઝી છે, જે નીચે રજૂ કરું છું –

 • નાનાં નાનાં જૂથો ‘પુસ્તક વાંચન ક્લબો’ બનાવી શકે; જેમાં અનુકૂળતા મુજબ, મહીને એક, બે કે ચાર વખત ગમેલાં વાંચનનું આદાન પ્રદાન કરી શકાય. મિત્રો અને સગાં સંબંધીઓને એમાં સામેલ થવા    ઉત્તેજિત કરી શકાય.
 • સાહિત્ય રસિક જનતા દીન-બ-દીન વધતી જાય છે. ભરચક હોલોમાં યોજાતા ગુજરાતી ગીતોના અને કાવ્યપઠન/ મુશાયરાના કાર્યક્રમો હવે વાસ્તવિકતા બની ગયા છે. આવા સૌ સજ્જનો અને સન્નારીઓ  સામાન્ય જનતા માટે ‘સાહિત્ય પર્વ’ યોજી શકે. સોસાયટીઓના  ઓપન પ્લોટોમાં ભજન /કીર્તન/ કથાની જેમ લોકપ્રિય લેખકોનાં (હાસ્ય લેખકોથી શરૂઆત કરીને) વ્યાખ્યાનો યોજી શકાય. સો સો રૂપિયાની ટિકિટો ખર્ચી, નિજાનંદ મેળવતો વર્ગ હવે નાનો સૂનો નથી જ. આ વર્ગ ધારે તો જનતામાં વાચન રસ કેળવી શકે; બને તેટલી ‘ ગુજરાતી’ ગુજરાતી બોલાતી કરી શકે.

વાચકોને વિનંતી કે આવાં બીજાં શાં પગલાં આપણે  ભરી શકીએ તે વિચારી અહીં સૂચવે.

આપણા સહુના પ્રયત્નોથી ‘ બોસ! જરા આમાં લૂક ઇન્ટુ કરી લે જે ને.’ બોલનાર જણને ,‘ભાઇ, જરા આટલું જોઇ જજે ને.’ બોલતો કરી શકીએ, તો ગુજરાતીની મોટી સેવા થશે.

અરે! આપણે પોતે જ પોતાનાથી આવી શુભ શરૂઆત કરીએ તો?

લોકકોશ – શબ્દશોધ સ્પર્ધા

લોકો માટે,
લોકો વડે બોલાતા શબ્દોનો,
લોકો વડે બનાવાયેલો
કોશ.

એકદમ તરોતાજા વીચાર.

શબ્દકોશ બનાવનારા સાહીત્યકાર નથી હોતા. શબ્દકોશ બનાવવો એ બહુ અરસીક અને કઠણ કામ છે. શબ્દકોશ બનાવનાર  વપરાતા તમામ શબ્દો, એકલે હાથે એકઠા ન જ કરી શકે. પણ એ કામ સહીયારી મુડીની જેમ લોકોના સહકારથી  થાય એવી પીઠીકા ઉભી કરવી; એ એક નવો જ વીચાર છે. ગુજરાતી લેક્સીકોને આ કામની શરુઆત કરીને એક વીશીષ્ટ અને સાચી દીશામાં કદમ ઉઠાવ્યું છે.

અને આ બંદાને આ વાત ગમી ગઈ. હોબી અને રમતની જેમ નીજાનંદની આ નવી તક તરત ઝડપી લીધી. અને ક્રમે ક્રમે,  535 જેટલા શબ્દો ગોતી કાઢ્યા. એમાંથી નીર્ણાયકોને 109 શબ્દો લોકકોશમાં સમાવવા યોગ્ય  લાગ્યા.

એ બધા શબ્દો જોવા અહીં ‘ ક્લીક’ કરો.

અને લો ! આને ઈડરીયો ગઢ જીત્યો હોય, તેમ ગણી નીર્ણાયકોએ પહેલું ઈનામ આપી દીધું !!. મારું ઈન બોક્સ અભીનંદનના ઈમેલોથી ફાટફાટ છલકાવા લાગ્યું. બરાબર 345 ઈમેલ સંદેશાઓ મળ્યા !!! સૌનો ખુબ ખુબ આભાર. ગુજરાતી લેક્સીકોન અને લોકકોશના વ્યવસ્થાપકોનો તો ખાસ.

વાહ રે મેં વાહ ! ભારે કરી; ધાડ મારી !  મારો અહમ્ સંતોષાયો.

પણ આ તો ભાષાના સમુદ્રતટ પર કોઈ બાળક બેચાર છીપલાં વીણી કાઢે તેવી બાલીશ ચેષ્ઠા જ થઈ ને ? ભાષાના મહાસાગરને ખેડવો એ કાંઈ બચ્ચાંના ખેલ નથી – સેંકડો, હજારો વર્ષોના માનવ–પ્રયત્નોથી આકાર પામેલી, વીકસેલી, સદા સમૃદ્ધ થતી ભાષાનો, ગરવી ગુજરાતીનો  આ તો મહાસાગર છે !

આ ભાવને વાચા આપવા, આ બાબત આ નાનકડા પ્રયત્નના અનુભવ બાદ, ઉદભવેલા વીચારો રજુ કરવા અહીં પ્રયત્ન કરું છું.

લોકકોશના વીચાર બાદ કદાચ ગુજરાતી શબ્દકોશની વ્યાખ્યા અને પહોંચ બદલવાં પડશે. અંબાજીથી દહાણું અને બેટ દ્વારકાથી દાહોદ વચ્ચે બોલાતી ભાષા; એ જ શું ગુજરાતી ? કે પછી વીશ્વમાં એક ગુજરાતી ગમે ત્યાં  હોય; પણ એ બોલતો હોય તે ગુજરાતી ? અરે ! ઓલ્યા સીમીત ગુજરાતમાં પણ બોલાતા બધા શબ્દો, બધી બોલીઓના શબ્દો શબ્દકોશમાં છે ખરા ? સાદો દાખલો આપું. મેં એક શબ્દ ‘પેંત’ (- સદ્ય પ્રસુતા માતાઓએ શીયાળામાં ખાવાનું વસાણું.) સુચવ્યો હતો. અમદાવાદની  ગઈ પેઢીની મહીલાઓ વાપરતી હતી તે શબ્દ –  સુરતમાં કદાચ આ શબ્દ જાણીતો નથી. આ શબ્દ સ્વીકારાયો નહીં.  પણ એ શબ્દનો સીમીત ઉપયોગ તો છે જ. આવા તો ઘણા શબ્દો હશે કે, જેનો બહુ સીમીત ઉપયોગ થતો હશે. એમ તો વીદ્વાનો વાપરે છે, તેવા કેટલાય શબ્દો સામાન્ય માણસ જાણતો પણ નથી. દા.ત. ‘ પ્રત્યાયન’. આ માટે ‘કોમ્યુનીકેશન’  વધારે જાણીતો અને વપરાતો શબ્દ નથી ?

અંગ્રેજી શબ્દો અંગ્રેજી રાજ હતું તેના કરતાં હવે વધારે વપરાય છે. અને એ સ્વાભાવીક છે. મધ્યમ અને ઉચ્ચ વર્ગનો માણસ તેના દૈનીક જીવનમાં ઘણા મોટા સમય માટે અંગ્રેજી વાપરે છે. ઓફીસો, સરકારી કચેરીઓ, વેપાર, ઉદ્યોગ બધે અંગ્રેજી વપરાય છે; વપરાવાનું જ છે. સતત વીસ્તરતા જતા વીજ્ઞાન અને આધુનીક ઉપકરણોને કારણે, સામાન્ય વ્યવહારમાં પણ આમ બનવાનું જ. દા.ત. ‘સેલ ફોન’  આથી અંગ્રેજી શબ્દો લોકપ્રીય થવાના જ – જેમ ‘મુબારક’  અને ‘સલામ’ જેવા ફારસી શબ્દો થયા છે તેમ. આનો કશો છોછ ન હોવો જોઈએ.  આનાથી તો ભાષા સમૃદ્ધ થાય છે.

બીજી વાત છે, એવા શબ્દો જે ગુજરાતી કુટુમ્બોમાં ગુજરાત બહાર વપરાય છે. દા.ત. ‘ક્લોઝેટ’ આ શબ્દો ગુજરાતમાં જાણીતા ન હોય તો પણ વૈશ્વીક ગુજરાતીઓ વાપરે જ છે. એ વીના સંકોચે શા માટે કોશમાં ન સમાવાય ?

ત્રીજી વાત છે – ‘સુચી’ જેવા શબ્દો. આવા ઘણા શબ્દો મેં સુચવ્યા હતા; જે સ્વીકારાયા નથી. દા.ત. વીશ્વના દેશો, કમ્યુટરની ભાષાઓ, ખાદ્ય વાનગીઓ,  વીશેષ નામો, નદીઓ, તારાઓ, વીદ્યાઓ, વગેરે. – આ શબ્દો શબ્દકોશમાં નહીં તો તેના પરીશીષ્ટો તરીકે સમાવવા જોઈએ તેમ હું માનું છું.

અને છેલ્લે… શબ્દકોશ બનાવવો એ કોઈ એક જ સંસ્થાનો વીશેષાધીકાર નથી; તે લોકકોશે અને લેક્સીકોને સીદ્ધ કરી દીધું છે. કદાચ એવી સંસ્થાઓએ શ્રેયસ્કારી પરીવર્તન માટે જુનાં વલણોનો ત્યાગ કરવો જરુરી છે; એમ મને લાગે છે.

અમે છેલ્લે આ નાનકડું કામ અર્પણ …

હમ્મેશ મારી પ્રેરણામુર્તી રહેલા,
સદા યુવાન,
ગુજરાતી લેક્સીકોનના જનક ..

શ્રી. રતીલાલ ચન્દરયાને

તેમની જીવનઝાંખી વાંચવા અહીં   ‘ક્લીક’  કરો

બાર ગાઉએ બોલી બદલાય

કયા ગુજરાતીએ આ કહેવત નહીં સાંભળી હોય?

લ્યો તાણીં ઈની પ્રતીતી કરી લો !!

—————————————————-

પ્રશ્ન : ખરચું એટલે શું ?

રુપીયા ખરચું?

 • ના!

સમય ખરચું?

 • ના!

પ્રયત્ન ખરચું?

 • ના!

તમે કહેશો , ” ત્યારે બોલોને મારા બાપલીયા, શું ખરચું? ”

અલ્યા ભાઈ! સવાલ તો સમજો … પુછ્યું છે  – ‘ ખરચું એટલે શું? ‘

જવાબ જાણવા ડો. મૌલિક શાહના બ્લોગ પર જવા અહીં ‘ક્લીક’ કરો

આ હાસ્યલેખ વાંચ્યા પછી, આ અદકપાંસળી જીવને થ્યું કે. હાલ્ય! આ કાઠીયાવાડી શબદ જોડણીકોશમાં છે કે નહીં, તેની ચકાસણી કરું. રતીકાકાના લેક્સીકોનમાં તો ન મળ્યો પણ સાર્થ જોડણીકોશમાં એ મળી ગયો. અને અર્થ પણ ડો. મુકુલ પરીખે સમજીને સમજાવ્યો એ જ તો !!

( અહીં નહીં કહું , નહીં તો ડોકટરના કોપીરાઈટનો ભંગ થાય તો?! )

પણ તેની વ્યુત્પત્તી ડોક્ટર સાહ્યેબને હું સમજાવું !!

એનું મુળ છે ફારસી શબ્દ – આપણને   … સોરી! મારા જેવા અમદાવાદીને ન ગમે તેવો  ….  ખર્ચ…

અને ભારતમાં કુલ કેટલી ભાષાઓ બોલાય છે તે ખબર છે?

325 !!

( અને સ્થાનીક બોલીઓ તો અલગ!)

આ લીસ્ટ પણ જોઈ લો .

ગુજરાતી જોડણી વ્યવસ્થા – રામજીભાઈ પટેલ

ગુજરાત વિદ્યાપીઠ પ્રકાશિત 

‘ સાર્થ જોડણીકોશ’

મુજબની જોડણીમાં

————————————————————————————————– 

તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૦૯ને શુક્રવારના સંદેશમાં પ્રકાશીત થયેલ શ્રી. રામજીભાઈ પટેલનો લેખ..‘સંદેશ’ દૈનીકના સ્નેહથી સાભાર..

અક્ષરાંકન – ઉત્તમ ગજ્જર સુરત..
સમ્પર્ક – uttamgajjar@hotmail.com

      કવિ અચલ અમરેલિયા કહે છે કે, પત્રો લખવાનું ટાળું છું, કેમ કે જોડણીભૂલો-ભાષાભૂલો રહી જાય છે જેની ટીકા સાંભળવી પડે છે ને વિચાર બાજુ પર રહી જાય છે. આથી લઘુતાગ્રંથિ-અપરાધભાવ અનુભવાય છે.

     પરિણામે લેખનકાર્ય પ્રત્યે એક પ્રકારનો અણગમો થઈ ગયો છે. અમરેલિયા જેવા બીજાયે ઘણા મિત્રો પણ લખતી વેળા સતત મૂંઝવણ અનુભવે છે. ક્યાંક ભૂલ રહી જાય તો ! કંઈક કહેવાનું, અભિવ્યક્ત કરવાનું તો છે, પણ લખવા બેસવાનો ઉત્સાહ નથી થતો. ગુજરાતી લખવાની પ્રક્રિયા એમને સહુ આનંદપ્રદ પ્રવૃત્તિ બનતી નથી.માન્ય જોડણી વ્યવસ્થા એમનો ઉત્સાહ વધારતી નથી.

     વડનગરના સેવાભાવી દાક્તર વસંત પરીખ (૧૯૨૯-૨૦૦૭) લખે છે, “કબરમાં એક પગ લટકે છે મારો તોય જોડણી મારી લૂલી. હજી તો બે માસ પહેલાં મારા મિત્ર પૂછે છે : વસંતભાઈ ! ‘પ્રવિણ’માં હ્રસ્વ કેમ કરો છો ? મને થયું : ‘હોસ્પિટલ’માં દીર્ઘ કેમ નહીં ? ‘સારથી’ નહીં ને ‘સારથિ’ કેમ ? ‘બહેન’ જ જોઈએ ‘બેન’ ન ચાલે ! ભારે મૂંઝવણો, જાતને સૂંઠને ગાંગડે ગાંધીમાં ખપાવનારો હું લેખક તરીકે ‘ઓલવાઈ’ ‘હવાઈ’ ગયો.

      અમારા વિજ્ઞાનના ૩-૫ કિલો વજનનાં પુસ્તકો રસથી વાંચું. ક્યાંય જોડણીની ભૂલ નહીં. હજારો દવાઓનાં નામ અંગ્રેજીમાં સડસડાટ, આજે પણ ચૂક વિના લખું- ને ગુજરાતીમાં જાત થોથવાય કાં ? મારી જોડણી ચોખ્ખી કેમ નથી ? દૈનિક છાપાં તો રોજ નનામી કાઢે છે- જોડણીની. ગુજરાતી ભાષાનું શ્રાદ્ધ નિત ઊજવે છે. છે કોઈ ટોકનારું ? રોકનારું ?પડકારનારું ?

     અમરેલિયા ને પરીખની જેમ આપણે સૌએ ગુજરાતી લખાણ સારુ કાયમ મૂંઝવણો અનુભવ્યા કરવાની ? ગુજરાતી જોડાણી વ્યવસ્થા શું અફર છે ? આ પ્રશ્નોનો જવાબ ‘હા’હોય તો આપણે કંઈ કરવાનું રહેતું નથી. ગુજરાતી લેખનની જે કંઈ સ્થિતિ છે તે બરાબર છે એમ ગણી સહી લેવાનું રહે છે. ભાષાશુદ્ધિ કે ભાષા સ્વાસ્થ્ય સારુ કોઈ અપેક્ષા રાખવાની નથી. કહો કે, માયકાંગલું શરીર હોય તેમ માયકાંગલી ભાષા પણ હોય.

      પરંતુ પ્રશ્નોનો જવાબ જો ‘ના’ હોય તો ? માયકાંગલા શરીરવાળા પણ બેઠા થઈ શકે છે તેમ માયકાંગલી ભાષા પણ ભાષારોગો ઘટાડીને સ્વસ્થ ભાષા બની શકે છે.આ સારુ કેટલાક સભાન પ્રયત્નો કરવા પડે. સ્થિતિ પલટવા જાગૃત પ્રયત્નો કરાય તો સમય પાક્યે ફળ મળે જ. બધા ભાષારોગો નહીં,પરંતુ ભાષારોગનો ઇલાજ અખિલ ગુજરાત જોડણી પરિષદે શોધી બતાવ્યો છે.

      ૯-૧૦ જાન્યુઆરી, ૧૯૯૯ના ઊંઝામાં ભરાયેલી આ બેનમૂન પરિષદનો મુખ્ય ઠરાવ આ પ્રમાણે છે : ‘ગુજરાતીમાં ઈ-ઉની જોડણીના વિદ્યાપીઠના કોશના નીયમો અતાર્કીક અને ઘણી અસંગતીઓથી ભરેલા છે, તેમ જ ગુજજાતી ભાષામાં ઈ-ઉનું હ્રષ્વત્વ-દીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવિક પણ છે. તેથી એ નીયમો હવે પછી છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક ‘ઈ’ અને એક ‘ઉ’ યોજવા ‘ઈ માટે દીર્ઘ (ી)નું ચિહ્ન અને ‘ઉ’ માટે હ્રસ્વ ( ુ )નું ચિહ્ન રાખવું.”

      ઊંઝા ઠરાવની વાત તદ્દન નવી નથી. ગોવર્ધનરામ ત્રિપાઠી, પ્રબોધ પંડિતથી માંડીને ઘણા બધાએ એક ઈ-ઉની હિમાયત વખતોવખત કરેલી, પણ પછી એ વાત હાંસિયામાં ધકેલાઈ જતી. દયાશંદર શેલત, યોગેન્દ્ર વ્યાસ, ઊર્િમ દેસાઈ, પિંકી શાહ, કનુભાઈ જાની, અરવિંદ ભંડારી, સોમાભાઈ પટેલ, જયંત કોઠારી વગેરે ભાષાવિજ્ઞાનીઓની હાજરી ને માર્ગદર્શન હેઠળ ઊંઝા-ઠરાવનું ઘડતર થયું ને તા. ૧૦-૦૧-૧૯૯૯થી તેનો અમલ પણ શરૃ થયો.

 •  અત્યાર સુધીમાં ૮૦ જેટલા લેખકોનાં ૧૨૦ જેટલાં પુસ્તકો આ નવી જોડણી વ્યવસ્થામાં બહાર પડી ગયાં છે. 
 • (૪૨ પુસ્તકો આપનાર ડો. વસંત પરીખનાં ૨ આંશિક ને ૯ પૂરેપૂરાં પુસ્તકો ઊંઝા જોડણીમાં બહાર પડયાં છે. 
 • બે ગીત ગઝલ સંગ્રહ જૂની જોડણીમાં આપનાર કવિ અમરેલિયા ત્રીજો સંગ્રહ નવી જોડણીમાં આપનાર છે. 
 • ઊંઝા જોડણીમાં વીસેક સામયિકો પણ બહાર પડે છે. 
 • ‘નયા માર્ગ’ પાક્ષિકે દસ વર્ષથી યાને ઊંઝા પરિષદ પછી તરતથી તેનો અમલ શરૃ કર્યો છે.
 • એપ્રિલ, ૨૦૦૯થી શરૃ થનાર રાજકોટનું ‘વિજ્ઞાનજાથા’ પ્રથમ અંકથી જ ઊંઝા જોડણી અપનાવનાર છે. 
 • હરુભાઈ મહેતા ને જયંત કોઠારીએ પોતાના લેટરહેડમાં જ ઊંઝા ઠરાવ હાંસિયાની જગ્યાએ છપાવેલો.

      લગ્નની કંકોતરીઓ-નિમંત્રણપત્રો, જાહેરાતો વગેરેમાં પણ એક જ ઈ-ઉવાળી ઊંઝા જોડાણી પ્રચલિત બની રહી છે. વળી દાયકા અગાઉનો ઊંઝા ઠરાવ ધીમી ગતિએ પણ લોકમાન્યતા પામતો જાય છે. એક જ ઈ-ઉના વપરાશને કારણે કોઈ અર્થભ્રમ થતો નથી. સરળતા સધાય છે ને ૭૦% જોડણીભૂલો ઘટી જાય છે.

      ડો. વસંત પરીખે મને કહેલું કે, આ ઇલાજથી વિચારને અવરોધ થતો નથી. વિચાર સડસડાટ ચાલ્યા આવે છે ને લેખન નિવિઘ્ને આગળ ચાલે છે. અગાઉ વારંવાર જોડણીકોશ જોવો પડતો ને તેથી અભિવ્યક્તિને મુશ્કેલી આવતી. આવો અનુભવ અન્ય લેખકોનો પણ છે. ઙ, ઞ જેવા કેટલાક વર્ણો આપણા કક્કામાં છે છતાં તેનો વપરાશ ભાગ્યે જ થાય છે એ જ રીતે ઈ, ઊ કક્કામાં ભલે હોય, આપણે તેની જગ્યાએ ઇ અને ઉ વાપરવા લાગી, સિસ્ટમ સુધારીએ તો અનુભવ કહે છે કે, ભાષા સુધારથી પણ ભાષાશુદ્ધિ વધી શકે છે.

હેલન કેલરની ભાષા

     આ સાઈન લેન્ગ્વેજ (સંજ્ઞા ચીહ્નોની ભાષા ) કે બ્રેઈલ લીપીની વાત નથી. એ માટે કશું કહેવાની મારી શક્તી કે ઉમેદ પણ નથી. 

    આ વાત છે. જુન, 27 – 1880માં અમેરીકાના અલબામા રાજ્યના, માંડ બે હજારની વસ્તી ધરાવતા, નાનકડા ગામ – ટસ્કમ્બીયામાં જન્મેલ હેલન કેલરની ભાષાની- તેની છ વરસ પહેલાંની ઉમ્મર વખતની ભાષાની.

      [ હેલન કેલર વીશે વીશેશ જાણવા અહીં ‘ક્લીક ‘ કરો :  
             –   1   –   :  –   2    – :  –   3   –   ]

    ફેબ્રુઆરી-1882માં તેને અકળ બીમારી લાગુ પડી તે પહેલાં બીજા કોઈ પણ બાળક જેવી, કાલી કાલી ભાષા બોલતી, ગોરી, રુપાળી, પોચા ગાભલા જેવી, સોનેરી વાળવાળી અને દુશ્મનને પણ પરાણે વહાલી લાગે તેવી, હેલન 600 એકરની તેના માબાપની એસ્ટેટને પોતાના બાલસુલભ કીલ્લોલથી ગજવતી હતી.

     પણ એ અકળ બીમારીએ બધું બદલી નાંખ્યું. એ બીમારીનો એ જમાનામાં કોઈ ઈલાજ ન હ્તો. અરે! કોઈને એને શું દર્દ હતું તેની પણ માહીતી ન   હતી. ઘરગથ્થુ અને સ્થાનીક, ગામડીયા ડોકટરોને આવડે તેવા ઈલાજો બાદ તે સાજી થઈ ત્યારે; તેણે સાંભળવાની શક્તી સમ્પુર્ણ રીતે ગુમાવી દીધી હતી.થોડાક જ દીવસો બાદ તેની આંખે ઝાંખ આવવા માંડી અને તે સાવ આંધળી પણ બની ગઈ. તેનાં માબાપ માટે તો આ આભ તુટી પડવા જેવી ઘટના હતી. જ્યાં ખબર પડે ત્યાં એ ઈલાજ માટે દોડી જતા. પણ કશીય મહેનત કામીયાબ ન નીવડી. 

     પણ હેલનની અબુધ ઉમ્મર માટે આ દારુણ ઘટનાની કોઈ અસર ન હતી. તેને તો કદાચ એમજ લાગતું હતું કે તે, સાવ શાંત અને અંધારા જગતમાં આવી ગઈ છે. કશીય અશક્તી કે હીનતાનો ભાવ તેના નાનકડા મગજમાં પ્રવેશી શકે તેમ જ ન હતું. પણ એ નાનકડું મગજ અત્યંત શક્તીશાળી હતું.હેલને કેવળ સ્પર્શ અને ગંધના સહારે, પોતાની આંતર સુઝથી, અને વાસ્તવીકતાની અનુભુતીથી  પોતાની આગવી ભાષા વીકસાવી.

     તેના હાથ જાતજાતની ચીજોને અડતા અને તે પરથી તે શીખતી જતી. દરેક વસ્તુની ગંધ તેને આત્મસાત્ થતી ગઈ. આંખ ને કાનનો સહારો ન હોવા છતાં, તેની જ્ઞાન મેળવવાની અદમ્ય ભુખ તે સંતોષી લેતી.

      અને અભીવ્યક્તી માટે તેણે પોતાની ઘરેલુ ભાષા પણ વીકસાવી હતી. તેને બ્રેડ ખાવી હોય તો બ્રેડ કાપવાની અને માખણ ચોપડવાની સંજ્ઞાથી તેનું કામ ચાલી જતું. આઈસક્રીમ જોઈતો હોય તો તે બનાવવાના સંચાનું હેન્ડલ ફેરવવાની ક્રીયાની તેના નાનકડા હાથ નકલ કરતા. એની માને બોલાવવા માટે તે ગાલે હાથ ફેરવતી. એના બાપને માટે પોતાની આંગળીઓ વડે આંખો પર ચશ્મા પહેર્યા હોય તેવો અભીનય એની સંજ્ઞા હતી.

     એના બાપ ખુરશીમાં બેસી છાપું વાંચતા શું કરે છે, તેની એને સમજ ન પડતી. એટલે એ પણ છાપું હાથમાં ઝાલી, એમ કરવાની નકલ કરતી. પાંચેક વરસ તો આમ એનું ગાડું ઠીક ઠીક ગબડ્યું. એ ગાળામાં શીખતા જ રહેવાની એની જન્મજાત વૃતી પુર્ણ રીતે વીકસીત થઈ ચુકી હતી. પણ હવે વધતા જતા વીચારોની અભીવ્યક્તી માટે તેને મુશ્કેલીઓ પડવા લાગી. બીજા લોકો હોઠ ફફડાવીને કાંઈક કરે છે, એમ તેને ખબર પડતાં તે પણ તેમ કરવા વ્યર્થ પ્રયત્ન કરતી. પણ સામાન્ય બાળક કાનની મદદથી જીભને ટ્રેનીંગ આપતું હોય છે, તે એની નીયતીમાં ન હતું.

     એને ખબર પડવા લાગી કે, તે બીજા બધાં કરતાં કાંઈક જુદી છે. એ અકળામણ તેના ગુસ્સામાં પરીણમતો. તેની વર્તણુંક વધારે ને વધારે આક્રમક, તોફાની અને વીનાશાત્મક બનતી ગઈ. સૌએ એના માબાપને સલાહ આપી કે, તેને 100 માઈલ દુર આવેલી, આવાં બાળકો માટેની, સંસ્થામાં ભરતી કરાવી દે. માત્ર તેની માનું મન માનતું ન હતું. તેની ફોઈને પણ તેની માનસીક ક્ષમતા માટે પુરો વીશ્વાસ હતો.

     અને એક સુભગ સંજોગે કેલર દંપતીને બોસ્ટનમાં આવેલી, અંધજનોને શીક્ષણ આપતી, પર્કીન્સ ઈન્સ્ટીટ્યુટ વીશે માહીતી મળી. એના બાપે એની મુલાકાત લીધી અને ત્યાં શીક્ષણ પામેલી એની સુલીવાનને એમણે પોતાના ઘેર જ, હેલનને શીખવવા રોકી લીધી. 

     ત્યાર પછી હેલને જે વીકાસ સાધ્યો એ એક જગવીખ્યાત ઘટના છે.

     પણ.. અહીં, આજે જે વાત કરવાની છે તે છે …

     એ છ વરસમાં હેલને પોતે વીકસાવેલી અભીવ્યક્તી માટેના જુસ્સાની.

    —————

    આજના આ સુભગ દીવસે મારી પોતાની અભીવ્યક્તીની તલાશમાં શરુ કરેલ બ્લોગ ગુજરાતી સારસ્વત પરીચય’  1 લાખ મુલાકાતોને આંબી ચુક્યો છે. આપણી ગરવી ગુજરાતી ભાષાની અભીવ્યક્તીનાં 330 રત્નોની ઉપરછલ્લી ઓળખ આપવા મેં પ્રયત્ન કર્યો છે. થોડાએક કાળ માટે, મારા અન્ય સહધર્મીઓએ પણ આ યજ્ઞકાર્યમાં મદદ કરી હતી. એ સૌનો આ પુણ્યકાર્યમાં યોગદાન દેવા માટે હું ઋણી છું.

     પણ અભીવ્યક્તીની આ યાત્રા નીજાનંદથી એક ડગલું આગળ છે. હું કોઈ સીધ્ધહસ્ત લેખક કે ભાષાશાસ્ત્રી નથી. પણ જ્યારથી આ પ્રવૃત્તી શરુ કરી ત્યારથી મારી એક મુંઝવણ મને કનડતી હતી. અને તે હતી – ભાષાની શુધ્ધીની. મારે માટે તે સાવ અશક્ય કામ હતું.

      જ્યારે મારા પરમ મીત્ર શ્રી, જુગલકીશોર વ્યાસનો નેટ ઉપર સમ્પર્ક થયો ત્યારે, મને ઉંઝા જોડણી વીશે માહીતી મળી. પ્રયોગશીલ હોવાના સબબે, પ્રાયોગીક ધોરણે, મારા બીજા બ્લોગ ‘ કાવ્યસુર’ ઉપર એનો અખતરો કર્યો. શરુઆતમાં તો ચોંસઠ વરસની આદતના જોરે ‘સાચી’ જોડણીમાં શબ્દો લખાઈ જતા, અને પ્રયત્ન કરીને એ ‘ સુધારવા’ પડતા (!). શરુઆતમાં તો વાંચવાનું પણ ન ગમતું. લખાણ પુર્ણ રીતે સમજાતું પણ ખોળીયામાં ધરબાઈને પડેલા સંસ્કાર બહુ જ સુગ પેદા કરતા.

    પણ જેમ જેમ વપરાશ વધતો ગયો, તેમ તેમ લખવાની ટેવ પડતી ગઈ; અને પ્રારંભની એ સુગે પણ વીદાય લઈ લીધી. અને બાપુ! આપણને તો આ સુધારો માફક આવી ગયો હોં ! સાવ બીન્ધાસ્ત રીતે લખવાની આ રીત મને તો બરાબરની જચી ગઈ. મને જણાયું કે, માત્ર ‘ઇ,ઈ,ઉ,ઊ’ પુરતી જ ભુલો થતી ન હતી, પણ ‘શ’ અને ‘ષ’ માં પણ ગોટા વળતા હતા. મેં ‘ષ’ ને પણ તીલાંજલી આપી દીધી.

     અને સાચું કહું?  એ 16 માસની હેલન કેલર જેવો આનંદ મારા સમગ્ર હોવાપણામાં વ્યાપી ગયો. હવે હું આ મર્યાદાથી મુક્ત બન્યો હતો. મારી અભીવ્યક્તી વધુ ને વધુ સર્જન તરફ વળી. કન્ટ્રોલ પેનલ અને સ્વીચગીયરની આગળ પાછળ કામ કરતો આ જણ અવનવા લેખ લખતો થઈ ગયો.

     આ કારણે મને ઘણો અપયશ મળ્યો છે; અને ઉપેક્ષા પણ થઈ છે. બ્લોગરોની નાતની બહાર પણ મુકાયો છું. અરે! ઉંઝા સમર્થકોને પણ ‘ષ’ને મેં આપેલી ફારગતી મંજુર નથી. જો કે એમના દીલમાં તો આવા અનેક સુધારા કરવાના અભરખા હશે; પણ એમની સતત ઉપેક્ષા અને અપમાન કરીને એમને ડરાવી દેવામાં આવ્યા છે. નરસીંહ મહેતા અને નર્મદની સમાજ દ્વારા કરાયેલી દુર્દશાની પ્રણાલીકાની તવારીખનું પુનરાવર્તન આપણા સમાજે અકબંધ જાળવી રાખ્યું છે. 400 શબ્દના, છાપેલા એક પાનાના, લખાણમાં પણ અસંખ્ય ભુલો કરતા લોકો, ભાષાના આ વીદ્વાનો અને સાચા સેવકોને   ભાષાના શત્રુ અને ભાષાનું વસ્ત્રહરણ કરનારા કહી વગોવે; ત્યારે તેમની બાલીશ ચેષ્ટા માટે દયા ઉપજે છે.

   છતાં ’ ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ તે ન્યાયે પ્રાપ્ત થયેલી આ સ્વતંત્રતા છોડવા મન નથી કરતું. પ્રશસ્તી અને પ્રસીધ્ધી ન થાય અને અપમાન અને ગાળો સહન કરવાં પડે તેમ છતાં, આ આઝાદી મહામુલી લાગે છે.

     આ દોઢ વરસના ઉંઝા પ્રયોગ પરથી મને એમ હમ્મેશ આશ્ચર્ય થયા કરે છે કે, શા માટે લેખકો, પત્રકારો અને બ્લોગરો માટે ખાસ સુચવાયેલો આ સુધારો પ્રચલીત થતો નથી? સામાન્ય વાચકને તો આ ફેરફાર ધ્યાનમાં પણ આવતો નથી. એના વીરોધમાં જે મુદ્દા મારા ધ્યાનમાં આવ્યા છે તે છે…

 • માન્ય અને સંસ્કૃતમાંથી ઉતરી આવેલી પ્રણાલીકાનો આ સુધારો હ્રાસ કરે છે.
 • આ સુધારો ભલે શ્રેય હોય પણ પ્રેય નથી. 
 • ગુજરાત વીધાપીઠ અને ગુજરાતી સાહીત્ય પરીષદ માન્ય જોડણીકોશથી અલગ રીતે લખવું; તે અક્ષમ્ય ગુનો છે – પહેલે જ પાને પુજ્ય ગાંધીજીએ એ અંગે નોટીસ આપેલી છે! 
 • અંગ્રેજી કે હીન્દીમાં પ્રણાલીકા જાળવવામાં આવતી હોય; તો આપણે શા માટે પહેલ કરવી જોઈએ?
 • દરેક જણ પોતાને ફાવે તેમ લખે તો અરાજકતા ફેલાય.
 • હવે તો ગુજરાતી સ્પેલ ચેકર પણ વીકસાવવામાં આવી રહ્યું છે , એટલે કોઈ  ગમે તેટલી ભુલો કરે તો પણ તે સ્વયંસંચાલીત રીતે  સુધારી  શકાશે !  

    મારે આ બાબતો વીશે અહીં કોઈ જ ખુલાસો કરવો નથી. ઘણું બધું આ બાબત ચર્ચાઈ ચુક્યું છે. લેખકો, પત્રકારો અને સાહીત્ય રસીક જનતાની બહુમતી આ સુધારાની વીરુધ્ધમાં છે, તે અવગણી ન શકાય તેવી વાસ્તવીકતા છે જ.

     પણ એટલું જરુર કહીશ કે બધી જાતના સુધારાઓને માથે ઝીંકવામાં આવતો, આ સર્વકાલીન અને પ્રત્યાઘાતી પ્રતીસાદ માત્ર જ છે. એમાંના એક પણ મુદ્દામાં તાર્કીકતા નથી. કેવળ સ્થીરતાને વળગી રહેવાનું, પરીવર્તનનો પ્રતીકાર કરવાનું, જમાના જુનું ઝનુન માત્ર જ છે. એ જનહીતાય તો નથી નથી ને નથી જ.

     આ દોઢ વરસના અનુભવનું ભાથું વહેંચું; તો એ વાત નીર્વીવાદ છે કે, છ કરોડની, આખા વીશ્વમાં પથરાયેલી જનતામાંના મોટાભાગનાંને આ સુધારા તરફ  કોઈ સુગ નથી. એ બધા મારા જેવા, સાવ સામાન્ય માણસો છે. મારી એ સાવ સામાન્યતા માટે મને ગર્વ અને સ્વમાન છે. ભાષાના બહુ જાણકાર લોકો મારાં લખાણ ન વાંચે અથવા પ્રતીભાવ ન આપે – એના થકી પેદા થતા નીર્વેદ, નીરાશા, વીરોધ, ઉપેક્ષા, અવજ્ઞા વી. ના સીમીત બંધનોથી હું પર થઈ ચુક્યો છું. મુક્ત ગગનમાં ઉડતા પંખી જેવી અને એ બાળ હેલન કેલરે પોતે વીકસાવેલી ભાષા થકી મળતા,  અભીવ્યક્તીના આનંદ જેવો, આ મહામુલો સ્વાનુભવ, એ મારી મહામુલી મુડી છે.

    દુખ માત્ર એ જ વાતનું છે કે, જે આદરણીય લોકોને અડધી રાતે પણ ઉઠાડીને કાંઈક લાંબું લખાણ લખવાનું કહેવામાં આવે; તો પણ, માન્ય જોડણીકોશ પ્રમાણે એમની એક પણ ભુલ ન પડે – એવા ભાષાના જાણકારોએ ( 200થી વધારે) આ સુધારો સુચવેલો છે. તેમની સામે ભાષાશાસ્ત્ર વીશે સાવ અજ્ઞાન લોકો દ્વારા કાદવ ઉછાળાય છે; તેમની હલકી હાંસી કરવામાં આવે છે. અને માન્ય સાહીત્યકારો આ તમાશો હળવાશથી અને રસપુર્વક નીહાળી રહ્યા છે. આ આપણા સંસ્કારને ખચીત શોભતું નથી.

     પરમ પુજ્ય ગાંધીજી સાથે બાળપણથી માંડીને દસકાઓના ગાઢ સહવાસ વચ્ચે, ગળથુથીમાં એમણે આપેલું શીક્ષણ અને જીવન પધ્ધતી જેમણે આત્મસાત્ કર્યાં છે; તેવા આદરણીય શ્રી, નારાયણ દેસાઈએ બન્ને પક્ષોને વીચાર-વીમર્શ કરવા બોલાવ્યા; ત્યારે ચર્ચાને આગળ જ ન વધવા દઈ ગળે ટુંપો દેનારા પંડીતોને મારે એટલું જ કહેવાનું છે કે, તમે એ હેલન કેલર જેવી અબુધ અને ભોળી પ્રજાના ગળે ટુંપો દઈ રહ્યા છો. સાવ સામાન્ય સમજને બાજુએ મુકી – મારા જેવા અદના માણસને માટે આશીર્વાદરુપ, આ જનહીતકારી સુધારાની ભૃણહત્યા કરવાની ચેષ્ઠા, કદાચ બહુમતી માન્યતા ધરાવતી હશે – પણ મને સ્વીકાર્ય નથી જ. એ સુશીક્ષીત અને વીનય વીવેકથી સભર, સાહીત્યકારોની, સાચા પંડીતોની રીત નથી.

    330 સાહીત્યકારોની જીવન ઝાંખી વીશ્વગુર્જરીને ભેટ ધરનાર આ અદના આદમીની અરજ છે કે, ખુલ્લા દીલની અભીવ્યક્તીને આમ તરછોડો નહીં. હું પત્રકારોને અરજ કરું છું કે આ સુધારાને જનતાની સમક્ષ, મુક્ત મનથી રજુ કરે. છ કરોડની જનતાને એ જાણવા દો કે ‘ શું શ્રેય છે અને શું પ્રેય છે? ‘.

    બાળ હેલન કેલરના અભીવ્યક્તીના એ આનંદને જનસમુદાય સુધી  વીસ્તરવા દો.  

    મારા જેવા સામાન્ય જણની આ અરજ – આ ‘ અંતરની વાણી’ આપ સૌ સાંભળશો ને?