“હું તમારો સાચો મીત્ર છું.
હું કહીશ તેમ જ તમે કરશો.
મારાં એકે એક સલાહ અને સુચનનો
તમે પુરી રીતે અમલ કરશો.
હું કહીશ કે ગરમી છે, તો તમે ગરમી અનુભવશો;
અને ઠંડી કહીશ તો ઠંડી… “
કોઈ એમ.ડી. થયેલો ડોક્ટર પણ આમ કહે, તો તમે માની જશો?
હા! કે ના?
હા હતી …. એમ જ હતું.
———–
1975ના શીયાળાની સાંજની ગુલાબી ઠંડીમાં અમારી કોલોનીના ક્લબના મેદાન પર આબાલવૃદ્ધ બસોએક માણસો ભેગા થયા હતા. અમદાવાદની વી. એસ. હોસ્પીટલના ડો. વૈષ્ણવ અને તેમના ત્રણેક મદદનીશો અમારી ક્લબનું આમંત્રણ સ્વીકારી, વીનામુલ્યે (!) હીપ્નોટીઝમના પ્રયોગો બતાવવા આવ્યા હતા. અમારી કમ્પનીના ડોક્ટર શ્રી. લલીતભાઈ દોશીએ આ ગોઠવણ કરી આપી હતી.
હીપ્નોટીઝમ વીશે પ્રારંભીક જાણકારી આપી, તેમણે પ્રેક્ષકોમાંથી સ્વયંસેવકોને મંચ પર સમ્મોહીત થવા બોલાવ્યા. લગભગ પંદરેક ઉત્સાહી ભાઈ બહેનો મંચ પર આવી ગયા. એમાં એક કીશોર અને કીશોરી પણ હતાં.
ડોક્ટરે પ્રારંભીક પુછપરછ કરી; નીચેની માહીતી મેળવી લીધી –
ક – ઠંડીની બહુ અસર થાય છે.
ખ – ગરમીની બહુ અસર થાય છે.
ગ – ખમીસ કાઢવું પડે, તે ડરથી કમ્પનીના પુલમાં તરવા નથી જતો.
ઘ – હમણાં થોડાક સમયથી સીગરેટ પીવાનું શરુ કર્યું છે.
—-
ત્યાર બાદ તેમણે જણાવ્યું કે. “તમે મારાથી સમ્મોહીત થવા પુર્ણ રીતે તૈયાર હો, તો જ હું તમને સમ્મોહીત કરી શકીશ. તમારા પુરેપુરા સહકાર વગર આ પ્રયોગ સફળ ન જ થઈ શકે. સાથે એટલું પણ કહીશ કે, આ પ્રયોગથી તમને કશું જ નુકશાન થવાનું નથી. ઉલટાનું તમારું મગજ વધુ શીસ્તબધ્ધ બનશે.
પણ કોઈ અજાણી વ્યક્તી, જેમનામાં તમે વીશ્વાસ ન ધરાવતા હો, તેને આવો સહકાર આપવો તમને અત્યંત હાનીકારક બની શકે છે. આવી વ્યક્તીને તમે તમારા મન પર સમ્પુર્ણ નીયંત્રણ કરવાની છુટ આપશો; તો તેનો તે ગેરઉપયોગ કરી શકે છે. અને તે કેટલી હદ સુધી; તેનો આછો પાતળો ખ્યાલ આ પ્રયોગો બાદ તમારા વાલી કે સગાંઓને આવી જશે. સમ્મોહીત બન્યા બાદ તમે શું શું કર્યું , તે તેમની પાસેથી જાણશો તો તમે અવાચક બની જશો. જો તમારામાંથી કોઈ આ વાત જાણી મને સહકાર આપવા તૈયાર ન હોય; તો પાછા પ્રેક્ષકોની વચ્ચે જઈ શકે છે.”
પછી તેમણે પ્રેક્ષકોને સંબોધીને કહ્યું,” આ સુચના તમારે પણ ધ્યાનમાં રાખવાની છે. આ પ્રયોગો એકદમ વૈજ્ઞાનીક ધોરણે કરવામાં આવશે. એનાથી માનસશાસ્ત્રના આ અમોઘ શસ્ત્રનો તમને પ્રારંભીક ખ્યાલ આપશે. અમે આનો ઉપયોગ માદક દવાઓ અને નશાકારક ચીજોની ચુંગાલમાં સપડાયેલ વ્યક્તીઓને તે છોડાવવા માટે કરીએ છીએ. પણ આ વીદ્યા ગુનાના હેતુ માટે પણ વાપરી શકાય છે. આ જાણ તમને થાય; તે પણ અમારો હેતુ છે. આ પંદર જણ સમ્મોહીત ન થાય ત્યાં સુધી પ્રેક્ષકોને વીનંતી છે કે, સમ્પુર્ણ શાંતી જાળવવાની છે – મંચ પર ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય, એટલી શાંતી. “
બધાંએ તાળીઓના ગડગડાટથી ડો વૈષ્ણવને વધાવી લીધા.
ત્યાર બાદ તેમણે મંચ પરના સ્વયંસેવકોને સુચનાઓ આપવી શરુ કરી.
“ તમે સખત થાકી ગયા છો. તમારા અંગે અંગ આરામ માંગી રહ્યાં છે. ચલો હું તમને મીઠી ઉંઘ અપાવી દઉં.
મીઠી ઉંઘ.. સરસ મજાની મીઠી ઉંઘ..
મીઠી ઉંઘ.. મીઠી ઉંઘ..
હવે તમારી આંખો ઘેરાવા લાગી છે. પોપચાં પડું પડું થઈ રહ્યાં છે.
મીઠી ઉંઘ.. મીઠી ઉંઘ.. સરસ મજાની મીઠી ઉંઘ..
તમારી આંખો ખુલ્લી હશે તો પણ તમે સુઈ શકશો.
મીઠી ઉંઘ.. સરસ મજાની મીઠી ઉંઘ..”
અને આમ ને આમ દસેક મીનીટ સુધી ઘેરા, માદક અને મીઠા અવાજમાં સુચનાઓ ચાલુ જ રહી. ધીમે ધીમે અવાજ ઉંડો ઉતરતો ગયો. આછો થતો ગયો. સ્ટેજ પરની ડીમર કન્ટ્રોલવાળી લાઈટ (તે જમાના માટે તો તે પણ નવાઈ હતી.) ઝાંખી ને ઝાંખી થતી ગઈ.
એક પછી એક બધાં ડોલવા લાગ્યાં. જેમ જેમ તેઓ સાંજના સમયની આ બનાવટી નીંદરમાં પોઢવા લાગ્યાં; તેમ તેમ ડોક્ટર વૈષ્ણવના મદદનીશો તેમને મંચ પર પાથરેલી ગાદીઓમાં સુવાડવા લાગ્યા.
પંદરમાંથી એક બે જણ જ એવા નીકળ્યા કે, જેમની ઉપર આ કશું કારગત ન નીવડ્યું. તેમને મંચની નીચે ઉતારી દીધા.
બે એક મીનીટ સાવ મૌન અને સાવ અંધારું. પછી ફુલ લાઈટ ચાલુ થઈ ગઈ.
ડોક્ટર વૈષ્ણવ બોલ્યા.” હું તમારો સૌથી સાચો અને જીગરી મીત્ર છું. ચાલો હવે હું કહીશ તેમ જ તમે કરશો. હું કહીશ કે તમે ઉભા થાઓ , તો તમે ઉભા થઈ જશો. હું કહીશ કે તમે બધા બેસી જાઓ , તો તમે બેસી જશો. ચાલો બધાએ ઉભા થઈ જવાનું છે – સહેજ પણ પડ્યા વગર. એકદમ ટટ્ટાર. “
અને બધા સફાળા બેઠા થઈ, ઉભા થઈ ગયા.
અને પછી તો જાતજાતના ખેલ આ સરકસ પાસે તેમણે કરાવ્યા.
‘ક’ નો વારો આવ્યો.
ડોક્ટર વૈષ્ણવ – “ અહીં સખત ઠંડી પડે છે. ઉત્તર ધ્રુવ પર પડે તેટલી ઠંડી. તમે સખત કાંપી રહ્યા છો. તમારાથી આ ઠંડી સહન થઈ શકતી નથી.“
અને અમદાવાદની એ આછી પાતળી ઠંડી સાંજમાં એ ભાઈ થરથર કાંપવા માંડ્યા. ગાદી પર સુવાડી, બીજી ગાદી ઓઢાડી , છતાં પણ તેમને ટાઢ ઓછી થતી ન હતી.
ડોક્ટર વૈષ્ણવ – “ હવે તમને આગના બળબળતા તાપણા પાસે લઈ જાઉં છું. હવે કોઈ ઠંડી નથી. તમને ખમીસ કાઢવાનું મન થઈ જશે.“
આમ કહીને તેઓ એ ભાઈને એક પેડેસ્ટલ પંખા પાસે લઈ ગયા. પંખાની સામે ટેબલ પર બરફની લાદી મુકેલી હતી. અને ખરેખર એ ભાઈ પસીને રેબઝેબ હતા. પ્રેક્ષકોમાંથી એક જણને આની ખાતરી કરવા મંચ પર પણ બોલાવ્યા. પેલા ભાઈએ તો ખરેખર પોતાનું ખમીસ પણ કાઢી નાંખ્યું!
આનાથી ઉંધો પ્રયોગ ‘ખ’ પર કરવામાં આવ્યો અને તે બહેને બળબળતી સગડી સામે ઓઢવા માટે ગરમ ચોરસો માંગ્યો અને થરથરતાં ઓઢી પણ લીધો !
‘ગ’ નો વારો આવ્યો અને તેને કહ્યું ,”ચાલ દોસ્ત! તરવા જઈએ. બહુ મજા આવશે – ઠંડા પાણીમાં તરવાની મજા. ખરું ને! “
પેલાએ તરત ડોકું ધુણાવ્યું !
ડોક્ટર વૈષ્ણવવ – “ લે કર વાત ! આમ ખમીસ પહેરીને તો કાંઈ તરાતું હશે? ભીનું થઈ જશે . ચાલ ખમીસ કાઢી નાંખ.“
અને પુલમાં પણ ખમીસ ન કાઢનાર એ જણ મંચ પર ખુલ્લી છાતીએ ઉભો રહ્યો. અમારી તરફ ફરીને ડોક્ટર વૈષ્ણવ હસીને બોલ્યા,” જો આને ચડ્ડી કાઢી નાંખવાનું કહું , તો તેમ પણ તે કરે !”
અમે બધા તો સ્તબ્ધ બની ગયા.
આ દરમીયાન બીજા મીત્રો વધારે ગાઢી તંદ્રામાં પડવા માંડ્યા હતા.
એક ભાઈને આગળ કરીને ડોક્ટર વૈષ્ણવ બોલ્યા ,” તમારો ડાબો હાથ સાવ જુઠો પડી ગયો છે. કોણીએથી તે છેક આંગળીના ટેરવા સુધી.“ પોતાનો હાથ તેના હાથ પર પસારતા જાય અને આમ બોલતા જાય.
થોડીક વારે તેમણે ડોક્ટર દોશીને મંચ પર બોલાવ્યા અને તે ભાઈના કોણી ઉપરના ભાગમાં ઈન્જેકશનની સોય નાંખી થોડેક દુરથી બહાર કાઢવાનું કહ્યું. દોશી સાહેબ થોડા ખચકાયા; પણ પહેલેથી તેમને પેટી લાવવાનું કહેલું હતું; એટલે તેમણે આમ કર્યું. અને ઓલ્યા ભાઈ તો જડભરતની કાની ઉભા જ રહ્યા. એક પણ ઉંહકારો નહીં!
પછી એ ભાઈનો જમણો હાથ પોતાના હાથમાં લઈ, ડોક્ટર વૈષ્ણવ બોલ્યા,” અને તમારો આ હાથ એકદમ સંવેદનશીલ બની ગયો છે. જાણે કે. તેની ચામડી ઉતરડાઈ ગઈ હોય – તેટલો સંવેદનશીલ. હું તેને સહેજ અડીશ તો પણ તમારાથી નહીં ખમાય. તમે ચીસ પાડી ઉઠશો. “
આમ બે ત્રણ વાર કહી, તેમણે જમણા હાથ પર માઈકનો સહેજ જ સ્પર્શ કરાવ્યો. અને એ હાથ એકદમ ઝાટકા સાથે એ ભાઈએ દુર કરી દીધો.
આખું ઓડીયન્સ…તાળીઓના ગડગડાટ …
—————
બીજો અને આનાથી પણ વધારે હેરત પહોંચાડે તેવો ભાગ
– આવતા અઠવાડીયે…
વાચકોના પ્રતિભાવ