સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: nature cure

અફલાતૂન તબીબ : ભાગ – 4 : સૂકી ખાંસી

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

વાચકને આ શ્રેણીનો આ હપ્તો પણ જૂના ત્રણ અનુભવો જેવો જ આશ્ચર્યજનક લાગશે. અહીં દર્દ જૂનું જ છે. પણ અહીં ફલક બદલાયેલું છે, દેશ બદલાયેલો છે, અને તબીબ પણ અલગ છે. અમેરિકાની અતિ આધુનિક તબીબી સેવા આપતી હોસ્પિટલનો અમેરિકન તબીબ.

કેમ ચોંકી ગયા ને?

આમ તો આ નેચરોપથીની વાત નથી. પણ એને ઘણી મળતી આવે છે.

વાત જાણે એમ છે કે, છેલ્લા ત્રણેક વર્ષથી મને સૂકી ઉધરસ રહેતી હતી. ફફનો ગળફો તો નામેય નહીં. પણ કેમેય કરતાં એ ઉધરસ  જાય જ નહીં. ઉધરસની, એલર્જીની જાત જાતની દવાઓ લઈ જોઈ. મારો માનીતો મોસંબીનો રસ પણ અજમાવી જોયો. થોડોક વખત રાહત રહે; અને તરત તકલીફ ચાલૂ. કદીક ગળફામાં લોહીનાં ટીપાં પણ આવી ગયેલાં જોયાં.

ક્યાંક વાંચેલું કે, નિવડેલી એ  દવાઓ લેવા છતાં કોઈ દર્દ ન મટે – ખાસ કરીને ગળાની આવી ખાંસી – અને લોહી પડવા માંડે; તો એ કેન્સરના વાવડ છે. હું ઘરમાં કોઈને  કહેતો નહીં, પણ મનોમન ચિંતા રહ્યા કરે, ‘અરેરે ! જીવલેણ કેન્સર મારા ગળાને ભરડો તો નહીં લઈ લે ને?’

આથી તે દિવસે મારા ફેમિલી ડોક્ટર શ્રી. રેન્ડોલ વેગમેનની આગળ મારી ચિંતા વ્યક્ત કરી. તેમણે લાઈટ નાંખી , આ… આ… કરાવી મારું ગળું તપાસ્યું અને કહ્યું,” આમ તો  એવી ચિંતા થાય તેમ દેખાતું નથી,  પણ કાન, નાક, ગળાંના ( ઈ.એન.ટી.) નિષ્ણાતને બતાવી જુઓ. “

એમની ભલામણ મૂજબ,  હું ડો. લ્યુક શેલનબર્ગરને મળી આવ્યો. તેમણે નાકમાં કશીક દવા છાંટી, નાકની ચામડી બહેરી કરી;  લાઈટના નાના  દિવા વાળું કેથેટર, નાકમાંથી છેક મારા ગળા સુધી ઉતાર્યું અને ગળાની સપાટીની બરાબર  ચકાસણી કરી. મને અભિનંદન આપી કહ્યું ,” ચિંતા ન કરો. કેન્સરનાં કોઈ ચિહ્ન દેખાતાં નથી. કદાચ વિશિષ્ઠ જાતની એલર્જી હોય કે એલ.પી.આર. હોય.”

એલ.પી.આર. વિશે વાંચો. :    –  1  – :   –   2   –

મને તો ‘ આ એલ.પી.આર. શી બલા છે?‘ તેની કશી ખબર ન હતી. તેમણે એ તકલીફની મને વિગતે  માહિતી આપી, અને એની પ્રક્રિયા અને ઇલાજ  સમજાવતું  એક ફરફરિયું આપ્યું. એક દવા પણ આપી. રોજ સવારે નયણા કોઠે લેવાની. એ ફરફરિયામાં ખાવા અને સૂવાની ટેવોમાં ફેરફાર કરવાની વિગતે સૂચના પણ હતી.

આપણે તો બાપુ તે જ દિવસથી મચી પડ્યા. કેન્સરની બલા ટળ્યાની રાહતનો ઉમંગ પણ હતો જ ને?

ઘણાં વર્ષોથી મને બપોરના જમણ બાદ અડધોએક કલાક પથારીમાં સૂવાની આદત હતી.  એ બદલી નાંખી અને ‘પાવર નેપ’ લેવાનું શરુ કર્યું. –  ‘થ્રી ઈડીયટ્સ’ ના પ્રોફેસર વાઈરસ ને યાદ કરતાં કરતાં!  અન્નનળી વાંકી રહે તેમ સૂવાનું – જઠરનું ખાટું પ્રવાહી ઊપર ન આવી જાય તેમ. વળી ખાતી વખતે પ્યાલો ભરીને પાણી પી જતો હતો;  તેની જગ્યાએ મન પર કાબુ રાખી, માત્ર પાએક પ્યાલો પાણીજ પીવાનું રાખ્યું. બાકીના પાણીના કોગળા કરી મોં ચોક્ખું કરી નાંખવાનું. જમ્યા પછી કલાકે પ્યાલો ભરીને પાણી પી જવાનું.

સાંજે પણ જમવાની આ જ રીત. જમ્યા બાદ બે કલાક સૂધી આડા પણ નહીં પડવાનું અને રાત્રે સૂતા પહેલાં પ્યાલો ભરીને પાણી પી જવાનું.

પહેલે દિવસે ઉધરસની   માત્રા ઘટેલી લાગી. એલ.પી.આર. ( જઠરનું ખાટું પ્રવાહી ઊપર આવવાની પ્રક્રિયા) ઘટ્યો હતો.

આ વાતને એક મહિનો થઈ ગયો છે. ઉધરસ ગાયબ થઈ ગઈ છે. ગળાની ખિચખિચાટ ભાગી ગઈ છે.

છે ને અફલાતૂન તબીબ? – અમેરિકન હોય કે, સિંધી!

——————————————————————————

[ ‘ સરસ સ્પેલ ચેકર’ પર સુધારીને પ્રકાશિત કર્યું છે. ]

અફલાતુન તબીબ : ભાગ -1 : ઊંટાટીયો

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

1976 ની સાલનો શીયાળો

અમારી લાંબી લચક ઓફીસના એક છેડે મારા ઉપરી અધીકારી શ્રી. હર્ષવાલનું અને મારું ટેબલ છે. ઉપરી હોવા છતાં, મારી ઉપર તે બહુ જ પ્રેમભાવ રાખે છે – એક મીત્ર કે સગા ભાઈ જેવો.  સામે લાઈનમાં અમારી હાથ નીચેના અધીકારીઓ બેસે છે.

મને ઉધરસ ચઢે છે અને છેક છેવાડેનો અધીકારી હલી ઉઠે છે. આખી ઓફીસ મારી આ ખાંસીથી વાજ આવી ગઈ છે. હર્ષવાલ તો મારાથી બહુ જ કંટાળી ગયા છે. મારી ખાંસીથી સૌથી વધારે તકલીફ એમને છે. છેલ્લા પંદર દીવસથી આ જ હાલ છે. ડોક્ટરે મને દમની દવા આપેલી છે; જે હું ઓફીસમાં પણ સાથે રાખું છું. દવાનો ડોઝ પણ ડોક્ટરે વધારે લેવાનો કહ્યો છે – દીવસમાં ત્રણ વખત, અને તે પણ એક ચમચી નહીં પણ ચમચો ભરીને. ( દવાનું નામ પણ મને હજુ યાદ છે – ફેન્સેડીલ)

જમવાની રીસેસ પડવાની તૈયારી છે. છેવટે અકળાઈને હર્ષવાલ મને કહે છે, “ચાલ, મારી સાથે. આનો કાંઈક ઈલાજ કરાવવો જ પડશે.”

તેમના પ્રેમપુર્વકના આ આગ્રહને હું વશ થાઉં  છું. આમેય હું પણ મારી ખાંસીથી કંટાળી ગયો છું. કશોક નવો ઈલાજ મળી જાય, એની મને પણ ઉત્કટ ઈચ્છા છે.

અમે બન્ને એકાદ માઈલ દુર આવેલા શ્રી. ગીડવાણીજીના ઘેર  પહોંચી જઈએ છીએ. રુપેરી વાળવાળા અને સોનેરી અને ચમકતી ચામડીવાળા  ગીડવાણીજી એક ઋષી જેવા લાગે છે. સાવ શાંતીથી એ મારી કેફીયત સાંભળે છે – મારી ખાંસીને પણ!

અને છેવટે નીર્મળ અને રણકતા અવાજે મને હીન્દીમાં કહે છે,” ऐसा ही चालु रहा , तो आप जींदा नहीं रह सकोगे । “

હું લગભગ રડી પડું તેવા અવાજે કહું છું,” તો હું શું કરું?”

ગીડવાણીજી,” દવા આજથી બંધ. અને હું કહું તેમ ખાવાનું. ”

અને તેઓ મને વીગતે સુચના આપે છે. હર્ષવાલ તરત જ સાત દીવસની  રજા પર મને ઉતારી દે છે.

હું ઘેર પહોંચીને પથારીમાં સુઈ જાઉં છું. મારી પત્નીને કશી સમજ પડતી નથી. તે ચીંતાતુર બની મારા પલંગ પર બેસી જાય છે. હું તેને ગીડવાણીજીની આખી પધ્ધતી સમજાવું છું.

અને દવા વીના દર્દ નાબુદીનું મારું એ યાદગાર અભીયાન ચાલુ થઈ જાય છે.

બે દીવસના ઉપવાસ બાદ ત્રણ દીવસ સુધી, દીવસમાં ચાર વખત મારે મોસંબીનો રસ લેવાનો છે.  મારી પત્ની ગાડીમાં ઉપડી જાય છે; અને અમદાવાદ સ્ટેશન પાસે આવેલા ફળ બજારમાંથી પાવલી છાપ મોસંબીનો આખો કરંડીયો ખરીદી  લાવે છે.

બે દીવસ ઉપવાસ અને ત્રણ દીવસ કેવળ મોસંબીના  રસ બાદ મારું શરીર ઘણું ઉતરી ગયેલું છે ; પણ ઉધરસનો એ પ્રકોપ શાંત પડી ગયો છે. કદીક એક સુકું ઠમકું આવી જાય એટલું જ.ચાલું ત્યારે કુદવાનું મન થઈ જાય એટલી બધી સ્ફુર્તી શરીરમાં વર્તાય છે.

અમને બન્નેને ગીડવાણીજી તો દેવદુત જેવા લાગે છે. અમે તેમને યાદ જ કરતા હતા; ત્યાં શ્રી. હર્ષવાલ સાથે તેઓ અમારે ઘેર આવી પહોંચે છે. મારી તબીયતમાં થયેલા સુધારાથી એમના મુખ પર નીર્મળ , બાળક જેવું સ્મીત છવાઈ જાય છે.

અને નવો પ્રયોગ શરુ થાય છે. બધાં બારી બારણાં બંધ કરી, છાતી ખુલ્લી કરી; ગરમ અને ઠંડા પાણીના  પોતાં મુકવાની સુચના આપે છે. હું તો થરથરી  ઉઠું છું. ઉંટાટીયા જેવી ખાંસીવાળાને ખુલ્લી છાતી પર પાણીનાં પોતાં!  જાણે શત્રુ જનોઈવઢ તલવારનો ઘા કરવાનો હોય તેવો ભય મને વ્યાપી જાય છે.

ગીડવાણીજી મારો ભય પામી જઈને, હસીને કહે છે ,” फीकर मत कीजीये , कुछ नुकसान नहीं होगा; आप झींदा ही रहेंगे!”

અને તેમની  હાજરીમાં જ આ ખતરનાક પ્રયોગ  શરુ કરવામાં આવે છે. મારા આશ્ચર્ય વચ્ચે પાંચ જ મીનીટ બાદ, ખાંસી ખાંસીને ભારે બની ગયેલું ગળું અને છાતી હળવા ફુલ જેવા બની  ગયા હોય, તેવો અનુભવ મને થાય છે.

દીવસમાં ત્રણ વખત આમ ગરમ ઠંડા પાણીનાં પોતાં મુકવાની અને પછી તરત ધાબળો ઓઢી લેવાની સુચના આપી, ગીડવાણીજી વીદાય લે છે. સાથે સાથે ખોરાક શરુ કરવાની સુચના પણ આપે છે. પાંચ દીવસનો ભુખ્યો હું હરખાઈ જાઉં છું.

અને ખોરાક કેવો? સવારે ઉઠીને મોસંબીનો રસ. કલાકે કલાકે એક જાતનું ફળ. સવારના જમવામાં તાજી કાચી ભાજી, સુકી રોટલી અને બાફેલું શાક! આ સ્વાદીષ્ટ વાનગી ગળાની નીચે શેં ઉતરશે એ ભયથી, મારું મોં ઉતરેલી કઢી જેવું બની જાય છે.

પણ જમવાના સમયે પાંચ દીવસના ઉપવાસ બાદ આ મહાન ભોજન બત્રીસ પકવાન કરતાં પણ મીઠું લાગે છે. બપોરે અને સાંજે મોસંબીનો રસ અને ફળ તો ખરાં જ. અને રાત્રે જમવામાં આ જ  દીવ્ય ભોજન.

અને આ ક્રમ એક અઠવાડીયા સુધી ચાલુ રાખવાનો.

હું આજ્ઞાંકીત નીશાળીયાની જેમ અભીમન્યુના આ બધા કોઠા પાર કરું છું.

અને મીત્રો ! પંદર દીવસના અભીયાન  બાદ શીયાળાની કડકડતી ઠંડીમાં, સવારના પહોરમાં, સ્વેટર પહેર્યા વગર,  સ્કુટર ચલાવી શકું; એટલી ક્ષમતા મારા દમીયલ કોઠામાં  આવી ગઈ છે. નજીક આવેલા મ્યુનીસીપલ સ્વીમીંગ પુલમાં તરવાનું પણ હું ચાલુ કરી દઉં છું.

અને એ યાદગાર બીમારી અને એ યાદગાર ઈલાજ બાદ આ ત્રીસ વરસમાં સામાન્ય સરદી થઈ હશે પણ; આંકશીયા ઉંચા આવી જાય તેવી એ કાળઝાળ ખાંસી ફરી કદી થઈ નથી.

——————

નોંધ :

આ સત્યકથા વાંચી, ઉત્સાહમાં આવી જઈ, જાતે આવા પ્રયોગો શરુ ન કરતાં સારા અને પ્રામાણીક પ્રાકૃતીક ચીકીત્સાના જાણકારની સલાહ મુજબ ઉપચાર કરવો.