વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
-——————————————
“પધારો ! ક્યારનીય હું તમારી રાહ જોઈ રહી છું.” – ગોવાની ભાષામાં જુન્નો બોલી. ગોવો એકદમ ચમકી ગયો.
પ્રવાસના ચોથા દીવસની સાંજે ખાનના પ્રદેશમાં પહોંચ્યા બાદ, ગોવાને જે તંબુમાં ઉતારો આપવામાં આવ્યો હતો; તેમાં પ્રવેશતાં, તેમાં ઉભેલી રુપ રુપના અંબાર જેવી જુન્નોએ ગોવાની ભાષામાં ગોવાનું સ્વાગત કર્યું; ત્યારે ગોવો ચમકી જાય, તે સાવ સ્વાભાવીક હતું. આ ચાર દીવસમાં તે ખાનના પ્રદેશની ભાષાના થોડાક શબ્દો જાણતો થયો હતો, પણ એ પ્રદેશમાં જ રહેતી એક સ્ત્રી આટલી સારી રીતે પોતાની સાથે વાતચીત કરી શકે, તે અકલ્પનીય હતું.
ખાને દુરંદેશી વાપરી, એક ઝડપી સંદેશવાહકને મોકલી સ્વદેશાગમન બાદની તૈયારીઓની વીગતે સુચનાઓ પોતાની રાણીને આપી હતી. એમાંની એક સુચના ગોવાને અતીથીવીશેષ તરીકે રાખવાની હતી; અને આ કામ જુન્નોને સોંપવામાં આવ્યું હતું. મલ્લકુસ્તીમાં વીજય બાદ ભુલાને પણ જુન્નોની આવી જ પરોણાગત મળી હતી. અને ચાર વરસના સહવાસે તે ભુલાની ભાષા શીખી ગઈ હતી.
જુન્નો ..,, ખાનના પ્રદેશના રીવાજોનું એક અવનવું પાત્ર. બધી સ્ત્રીઓમાં ખાનની રાણી બાદ તેનું સૌથી વધારે માન હતું. તે વારાંગનાઓમાં શ્રેષ્ઠ હતી. ખાન, તેના સરદારો અને આવા વીશેષ અતીથીઓની કામતૃપ્તીનું એકમાત્ર કામ તે કરતી હતી. બધી સ્ત્રીઓ તેની ઈર્ષ્યા કરતી. તેને સૌથી સારી સગવડો અને ભેટો મળતાં. એને કશું જ કામ કરવું પડતું ન હતું. તે વીશીષ્ઠ દરજ્જાના પુરુષોનું મનોરંજન કરવામાં પાવરધી હતી; એટલું જ નહીં – તે અત્યંત બુધ્ધીશાળી પણ હતી. ગોવાને વશ કરવા માટે ખાને આ અમોઘ શસ્ત્ર વાપરવાનું નક્કી કર્યું હતું.
ગોવો બોલી ઉઠ્યો,” તમને મારી ભાષા શી રીતે આવડી?”
જુન્નો ,”તમારા પ્રદેશના ભુલા પાસેથી જ સ્તો. ચાલો તમે પ્રવાસથી થાકેલા છો. સ્નાન કરી તાજા માજા થઈ જાઓ.”
જુન્નોનો તંબુ અત્યંત વૈભવશાળી હતો.વચ્ચે લાકડાના ઓટલા પર ઘાસના ઢગલા ઉપર કુમાશવાળા પંખીઓના પીંછા અને ગાભલા જેવા ચામડાંથી સજાવેલ મોટો પલંગ હતો. થોડે દુર એક તાપણું સળગતું હતું, અને તંબુને ગરમાગરમ રાખતું હતું. તંબુના એક છેડે પથ્થરની ચોકડી હતી, જેમાં જાડા ચામડાંનું બનાવેલું મોટું તગારું હતું. જુન્નો ગોવાને તેની તરફ દોરી ગઈ. ગોવો જુન્નોની હાજરીમાં સ્નાન કરતાં શરમાયો. જુન્નોએ ઝડપથી ગોવાએ પહેરેલ ચામડું ખેંચી કાઢ્યું અને તેની ઉપર ગરમ પાણી રેડવા લાગી.
ગોવો નીચા મસ્તકે બેસી પડ્યો. હવે જુન્નો તેના શરીર પર કશીક વનસ્પતી ઘસવા માંડી અને કશાક સુગંધી મલમનો લેપ કરવા માંડી. થોડીક વારે પોતાના શરીર પરનું ચામડું પણ તેણે સીફતથી ફગાવી દીધું. તાપણાના ભડભડતા અજવાળામાં અત્યંત સ્વરુપવાન સ્ત્રીનાં હલન ચલન કરતાં સુડોળ અંગોને આટલી નજીક્થી જોઈ; અને સુંવાળા અને ભીના હાથોથી પ્રત્યેક અંગ પ્રત્યંગને સ્પર્શ અને મર્દન થતાં ગોવો ઉત્તેજીત થવા માંડ્યો.
સ્નાન પુરું થયું અને તાપણાંની ગરમીમાં શરીર સુકાતાં; જુન્નો ગોવાને પલંગ તરફ દોરી ગઈ. ગોવાને સુવાડી, પોતે ગોવા પર ચઢી બેઠી. મઘમઘાટ સુગંધી અને તાપણાંના ફરકતા. કેસરી ઉજાસમાં રુપરુપના અંબાર જેવી આ લલનાના આલીંગનની ઉત્તેજના જીરવવી ગોવા માટે શક્ય ન હતું. તે જુન્નોને બાહુપાશમાં ભીંસી લેવા તત્પર થઈ ગયો.
પણ અચાનક તેને નદીની પેલે પારથી પહેલી વાર પાછા આવતાં થયેલ અનુભવ યાદ આવી ગયો. રુપલી આમ જ તેના મડા જેવા થઈ ગયેલા દેહ પર ચઢી ગઈ હતી; અને પોતાના શરીરની ગરમીથી તેણે ગોવાના લગભગ મરણોન્મુખ થઈ ગયેલા શરીરમાં પ્રાણ સીંચ્યા હતા. સાવ બેભાન થઈ ગયેલા ગોવાને જ્યારે ભાન આવ્યું ત્યારે તેણે પહેલી વાર નગ્ન સ્ત્રીદેહની સાથે આલીંગન અનુભવ્યું હતું.
ગોવાને યાદ આવ્યું કે, તેની જાગૃતીની પહેલી થોડીક ક્ષણોમાં તેને રુપલી જીવનદાતા જોગમાયા જેવી લાગી હતી. તેની માવજતથી જ ગોવો મૃત અવસ્થામાંથી પાછો જીવીત બન્યો હતો. જાતીય સંવેદના તો ત્યાર પછી ઉજાગર થઈ હતી.
પણ આજે જુન્નો સાથેના આલીંગમમાં એ ક્રમ ઉલટાયો. જાતીય ઉત્તેજના એકદમ ઠંડી પડી ગઈ. રુપલીની યાદ આ માટે જવાબદાર હતી કે કેમ તે ગોવો કળી ન શક્યો. અત્યંત હતાશા બાદ એક ઉંડી ખાઈમાં ગબડી વીચારશુન્યતા આવી હતી; તેવી જ કોક અજાણી અનુભુતી ગોવાના ચીત્તમાં ઉભરી આવી. બધી જીન્સી સંવેદનાઓ અંત પામી ગઈ; અને એ જ અદભુત સમાધી અવસ્થામાં ગોવો જઈ ચઢ્યો. તેણે આંખો બંધ કરી દીધી, તેનાં બધાં ગાત્રો શીથીલ થઈ ગયાં.
જુન્નો ગોવામાં આવેલ આ પરીવર્તન જોઈ ચોંકી ગઈ. જીન્સી ઉત્તેજનાની ચરમસીમા આટલી બધી હાથવગી હોય ત્યારે કોઈ પુરુષને તેણે આમ ઠંડો પડતો જોયો ન હતો. મૃદુ શબ્દોથી અને મર્દનથી ગોવાને ઉત્તેજીત કરવાનો તેણે પ્રયાસ કર્યો.
ગોવાએ આંખ ખોલી અને પ્રચંડ તાકાતથી તેણે જુન્નોને હડસેલી નીચે ઉતારી દીધી અને ઉભો થઈ ગયો. જુન્નોના પગમાં પડી ગોવો બોલી ઉઠ્યો, ”માતા! હું તો તમારો બાળ છું. મને આમ શરમાવો નહીં ”
જુન્નો સ્તબ્ધ બનીને ચોંકી ઉઠી. તેના ચીત્તના એક સાવ અજ્ઞાત ખુણાને ગોવાએ ફંફોળીને ખુલ્લો કરી નાંખ્યો હતો. વારાંગના તરીકેની તેની ઝળકતી કારકીર્દીમાં મા બનવાનું તેના નસીબમાં ન હતું. કોઈ પુરુષે તેને આટલા વાત્સલ્યથી ‘મા’ કહી ન હતી. અઢળક સાહ્યબી, એશો આરામ, વૈભવ અને વીલાસ વચ્ચે ખાલી ગોદની એકલતામાં તે હમ્મેશ સોરાતી હતી. તેનું અતૃપ્ત માતૃત્વ પોકારી ઉઠ્યું. જુન્નો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તેણે ગોવાને કાકલુદી કરી ,”મને મા નહીં બનાવો?”
ગોવાએ તરત પ્રતાપી પણ માર્દવ ભરેલા અવાજમાં કહ્યું ,” મા! એ માટે તમે બીજા કોઈ પુરુષનો સંગ કરજો. તમારા આવનાર બાળકનો હું મોટો ભાઈ બનીને તેની રક્ષા કરવા વચન આપું છું.”
જુન્નો આ અભુતપુર્વ પુરુષત્વને નમી પડી. ગોવાએ મોટાભાઈના વાત્સલ્યથી જુન્નોનો બરડો પસવાર્યો. જુન્નોને શાંત પાડી , તેને પલંગ પર સુવાડી અને પોતે ચામડાની ફર્શ પર લેટી ગયો.
કંદર્પના બાણથી ગોવો મુક્ત થયો હતો. સૌથી વધારે મુશ્કેલ આ રાગમુક્તીએ ગોવાને ચેતનાના એક નવા શીખરે સ્થાપીત કર્યો હતો. અંતરયાત્રામાં ગોવો એકસાથે અનેક ડગલાં આગળ વધી ગયો હતો.
વાચકોના પ્રતિભાવ