વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’ ટેબ ઉપર ‘ક્લીક’ કરો.
-——————————————
બીજા દીવસની સવાર…
ગોવાના નેસમાં એક નાનકડું મેદાન હતું, જ્યાં સામાજીક પ્રસંગો ઉજવાતા. આખું મેદાન હકડેઠઠ ભરેલું હતું. વચ્ચે સ્થાનીક, બંદીવાન વસ્તી ઉભેલી હતી અને તેમની ત્રણ બાજુએ ખાનની સેનાના સૈનીકો કીલ્લેબંધી કરીને ખડા હતા. સામે ઝાડના થડોનો ખડકલો કરીને, રાતોરાત એક મંચ બનાવવામાં આવ્યો હતો. મંચને હરણના ચામડાંથી મઢી દીધો હતો. એની આજુબાજુ ઝાડનાં થડ ઉભા કરી, થાંભલા બનાવ્યા હતા. દરેક થાંભલા પર મોતી, ચમકતા પથ્થર, પક્ષીઓનાં પીંછાં અને જનાવરોનાં હાડકાંની પાંસળીઓ લટકાવી સુશોભન કરવામાં આવ્યાં હતાં. વચ્ચે વાઘનાં ચામડાં બીછાવી, ખાન અને તેના સરદારો માટે આસન તૈયાર કર્યાં હતાં.
આવો અને આટલો વૈભવ અને રુઆબ, ગોવાના નેસે કદી ભાળ્યાં ન હતાં. બધા સ્થાનીક રહેવાસીઓ ફાટેલી આંખે આ નવો નજારો નીહાળી રહ્યા હતા. તેમના સામાજીક અને ધાર્મીક પ્રસંગોએ કદી આટલો ભપકો થતો ન હતો. ખાનના બે ત્રણ સૈનીકો ઢોલ અને વાંસની શરણાઈ વગાડી, કોઈ નવા જ તાલનું સંગીત ફેલાવી રહ્યા હતા. આ સંગીતના તાલે દસ બાર સૈનીકો અવનવી અંગભંગી સાથે નૃત્ય કરી રહ્યા હતા. બીજા વીસેક સૈનીકો કાળા બખ્તર અને શીરસ્ત્રાણ પહેરી ખડે પગે મંચની ચોકી કરવાના કામમાં પુતળાની જેમ સતર્ક ઉભા હતા. તેમના હાથમાં ડર પહોંચાડે તેવાં, પથ્થરની ગદાઓ કે ભાલા હતાં. કોઈની તાકાત ન હતી કે, આ જડબેસલાક વ્યવસ્થાને મીનમેખ અસર કરી શકે.
સ્વાભાવીક રીતે મહાનુભાવોના આગમનની રાહ જોવાઈ રહી હતી. સ્થાનીક લોકો ભયભીત અને ચીંતાગ્રસ્ત મુદ્રામાં ‘હવે શું થશે?’ તેની અટકળો મનોમન કરી રહ્યા હતા. કાળુ અને લાખો તો યુધ્ધમાં મરણ શરણ થયા હતા. ગોવાનો એક માત્ર નીકટનો સાથી, પાંચો મ્લાન વદને, આ વસ્તીમાં અલગ તરી આવતો હતો. તેને ગોવાની ચીતા બહુ સતાવતી હતી. બંદી બન્યા બાદ, ગોવાને બધાથી અલગ રાખવામાં આવ્યો હતો. પાંચાને ડર હતો કે, કદાચ તેની હત્યા કરી નાંખવામાં આવી હોય.
અને બધાંની આતુરતાનો છેવટે અંત આવ્યો. ખાનના તંબુમાંથી એક રસાલો મેદાન તરફ મંદ ગતીએ બહાર નીકળ્યો. વીસેક અંગરક્ષકોની વચ્ચે જગ્ગો, ભુલો અને બીજા ચારેક સરદારો આંખો ચાર થઈ જાય તેવા ભભકાદાર દેખાવમાં, ગૌરવથી મસ્તક ઉંચું કરીને ચાલતા હતા. એ બધાની વચ્ચે માથે પીંછા અને મોતીથી સજાવેલો મુગટ પહેરેલો ખાન તરત જુદો તરી આવતો હતો. આ બધાંની પાછળ ગરીબડા દેખાવવાળો અને સાવ સામાન્ય દેખાતો, ગોવો માથું નીચું કરી ઘસડાઈ રહ્યો હતો. પણ, બધાના આશ્ચર્ય વચ્ચે, ગોવાને કોઈ દોરડાં બાંધેલાં ન હતાં. ગોવાને સાજો સમો જોઈ; બધાના મનની આશંકાઓ નીર્મુળ થઈ. ખાસ તો પાંચાને ટાઢક વળી. એનો જીગરી દોસ્ત સહીસલામત હતો.
આ હાઉસન જાઉસનને આવતું જોઈ, ખાનના સૈનીકોએ વીજયઘોષ કરી, ખાનની સવારીને આવકારી. સંગીતનો તાલ ઝડપી બન્યો. લશ્કરની આગેકુચ થતી હોય, તેવા તાલેતાલે, નૃત્યકારોના લયે પણ વેગ પકડ્યો. ખાનના સૈનીકોનો ઉમંગ અને હર્ષોલ્લાસ ચરમસીમાએ પહોંચી ગયા.
આવો મહાન ઉત્સવ ગોવાના નેસમાં કદી ઉજવાયો ન હતો. પણ સ્થાનીક વાસીઓના મનમાં આ બધો ઠઠારો કશો ઉત્સાહ જન્માવી શકે તેમ ક્યાં હતું? ઉલટાંના નીરાશા અને હતાશા વધારે ઘેરાં બન્યાં હતાં. બન્નો અને નદીની ઓલીપારના વાસીઓ પણ આનાથી પર ન હતાં. ખાનને સાથ આપવાના માઠાં પરીણામ હવે તેમને સમજાયાં હતાં. સમગ્ર વસ્તીને માથે ત્રાટકી પડેલ ગુલામીનો અહેસાસ સૌ અનુભવી રહ્યાં હતાં.
છેવટે ખાનના રસાલાએ મંચ પર સ્થાન ગ્રહણ કર્યાં. બધાના આશ્ચર્ય વચ્ચે, ગોવાને પણ મંચ પર બેસવાનું કહેવામાં આવ્યું. નદીપારના કોતરમાં રહેતા બન્નોને મોટાં પાનનો એક વીંઝણો આપી; ખાનની ઉપર સતત શીતળ હવા પ્રસરાવતા રહેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. મને કમને તેણે આ દાસકર્મ શરુ કર્યું. તેણે કરેલા દગાની આ સજા તે કડવા દીલથી ભોગવી રહ્યો હતો.
હવે બાઈસનના શીકારનો નાચ શરુ થયો. મેદાનવાસીઓ માટે આ અવનવું કરતુક હતું. જોગમાયાની સ્તુતીમાં કરાતાં નાચ કરતાં આ જુદો જ તાસીરો હતો. બાઈસન સાથેની ઝપાઝપીમાં છેવટે બાઇસનનો ભોગ લેવાનો અભીનય થયો. બાઈસનના રુપમાં ગોવાની પ્રજાને પોતાની કમનસીબીનાં દર્શન થઈ રહ્યાં.
અને એકાએક શાંતી ફેલાઈ ગઈ. ખાનના મુખ્ય સરદારે સમારંભની શરુઆત કરતાં કહ્યું ,”નામદાર ખાન બહાદુરને ઘણી ખમ્મા! આજના આ વીજયોત્સવમાં ખાન બહાદુર વતી હું સૌનું સ્વાગત કરું છું; અને આપણા લાડીલા, મહાન રાજવી ખાન બહાદુરને હવે પછી આ પ્રદેશના વહીવટ માટેની જાહેરાતો કરવા વીનંતી કરું છું. “
અલબત્ત સભાની સમગ્ર કાર્યવાહીનું ભાષાંતર કરી, સ્થાનીક લોકોને જણાવવાની જવાબદારી ભુલાની હતી. સ્થાનીક લોકો મનમાં દબાવેલા તીરસ્કારથી તેમના આ દગાખોર સાથીને કમને સાંભળી રહ્યા. પોતાના જ એક જુના સાથીના મોંમાંથી આ વચનો સૌને કડવાં ઝેર જેવાં લાગતાં હતાં. તે સરદારે ઉમેર્યું ,” ગોવાના સાથી પાંચાને હું મંચ ઉપર આવવા આમંત્રણ આપું છું.” આ આદેશે બે સૈનીકો પાંચાને મંચ ઉપર લઈ ગયા.
હવે ખાન ઉભો થયો અને તેણે જણાવ્યું ,” અમે તમારી વસ્તી પર કબજો જમાવ્યો છે, તે અલબત્ત તમને કોઈને પસંદ નહીં જ હોય. પણ અમારી તાકાત તમે નજરે નીહાળી છે. અત્યારે, અહીં જે હયાત છે; તે તો અમારી તાકાતનો એક નાનકડો હીસ્સો માત્ર જ છે. અમારી ઘોડેસ્વાર સેના પણ થોડા વખતમાં આવી પહોંચશે. આથી કોઈના મનમાં વળતો પ્રહાર કરી અમને હંફાવવાની, ચીત કરવાની છુપી મહેચ્છા હોય; તો તેને સાવ અર્થહીન માનજો.
પણ અમારી નીતી હમ્મેશ માટે રહી છે કે, અમારી રૈયતના અમે રક્ષક છીએ. અમારું શાસન સ્વીકારે , તે સૌ કોઈ અમારા મીત્ર છે. આથી આપણી વચ્ચે એક નવો મીઠો સંબંધ આજથી શરુ થાય છે. તમારા લાડીલા નેતા ગોવાએ અમારી વતી આ પ્રદેશનું શાસન કરવા તૈયારી બતાવી નથી. આથી આ સમગ્ર પ્રદેશનું શાસન જગ્ગો કરશે, તેની સહાયમાં ભુલો પ્રધાન હશે. આ બન્ને જે હુકમો અને નીયમો કરે; તે અહીં રહેનાર સૌ કોઈને બંધનકર્તા રહેશે. બન્ને અહીં ઉભા કરવામાં આવેલા તંબુમાં રહેશે; અને તેમની સાથે અમારા સો સશસ્ત્ર સૈનીકો પણ હશે. આ બધાંનું ગુજરાન અને સગવડની જવાબદારી નેસવાસીઓએ નીભાવવાની છે. દર વર્ષે આ વહીવટદારોએ અમારા પ્રદેશમાં અમને નજરાણું અને નવા સૈનીકો પેશ કરવાના રહ્શે. ”
હવે પાંચા તરફ ફરીને ખાને ઉદબોધન કર્યું,” ભાઈ, પાંચા! આપણી વચ્ચે થયેલ મુઠભેડમાં તમે જે વ્યુહરચના અને ટુંકા ગાળામાં નવાં શસ્ત્રો વીકસાવવાનું કૌશલ્ય પ્રદર્શીત કર્યાં છે ; એની હું સરાહના કરું છું. આ આવડતનો અમારા સમગ્ર સામ્રાજ્યને લાભ મળે, તેવી અમારી ઈચ્છા છે.
છ મહીનાથી અમે અમારા પ્રદેશથી દુર છીએ. આથી આવતીકાલે જ અમારી વળતી સફર શરુ થશે. ગોવો અને પાંચો બન્ને અમારી સાથે, અમારા પ્રદેશમાં અમને સાથ આપશે “
આ સાંભળી ગોવો અને પાંચો તો અવાચક જ થઈ ગયા. આવી ભયાનક સજાની તેમને સ્વપ્ને પણ કલ્પના ન હતી. .
ખાને એક આશ્ચર્યકારક જાહેરાત પણ કરી, “અમારા સૈનીકો આટલા લાંબા વખતથી સ્ત્રીસંગના ભુખ્યા છે. તમે તમારી સ્ત્રીઓને અહીંથી દુર ખસેડી દીધી છે; તે અમને પસંદ પડ્યું નથી. પણ ગોવા સાથેની વાતચીત પરથી અમને એમ માલુમ થયું છે કે, અહીં સ્ત્રીઓને માતા ગણવામાં આવે છે; અને તેમનું સન્માન કરવામાં આવે છે. અમારી જીવનશૈલી આનાથી સાવ અલગ હોવા છતાં, અમે આ ભાવનાને સ્વીકારીએ છીએ.
આથી મારું ફરમાન છે કે, મારા કોઈ સૈનીકો કે સરદારો અહીંની સ્ત્રીઓના સન્માનને આંચ આવવા નહીં દે ” .
હવે ખાનના સૈનીકોને અને સરદારોને કડવો ઘુંટડો ગળવાનો વારો હતો. સરદારો સાથે આગલા દીવસે થયેલી મંત્રણામાં આ વાત બહુ ઉગ્રતાથી ચર્ચાઈ હતી; અને ખાને દેખીતી રીતે સૌની સલાહને અતીક્રમી આ નીર્ણય લીધો હતો. પણ ખાનની દુર્જેય સત્તા અને અતીશય લાંબા હાથ આગળ સૌ લાચાર હતા.
જગ્ગાએ ભુલાના કાનમાં હળવેકથી કહ્યું,” હું નહોતો કહેતો, કે ખાન જેવો રાજા આખી દુનીયામાં નહીં હોય? “ ભુલાએ હકારમાં ડોકું ધુણાવ્યું.
પોતાના વક્તવ્યનું સમાપન કરતાં ખાને કહ્યું,” અહીંના આચાર અને વીચાર મુજબ તમે સૌ જોગમાયાની પુજા કરો છો. અમારે માટે પણ તે પુજ્ય રહેશે. જોગમાયાની ગુફાને નવેસરથી સજાવવામાં આવશે. “
સૌ સ્થાનીકવાસીઓના ઉદાસ મનમાં આ ઉદારતાથી થોડીક શાતા વળી. નવો શાસક ધાર્યો હતો; એટલો જુલમી ન હતો. પણ ગોવો અને પાંચો સ્તબ્ધ બનીને તેમના નવા, અણગમતા ભવીષ્યને દોષ દઈ રહ્યા. સ્વદેશથી દેશનીકાલની આ આકરી સજા, તેમને મોત કરતાં પણ વધારે દુષ્કર જણાઈ. પણ પોતાની મરજી મુજબ કરવાની સ્વતંત્રતા તો સૌ ગુમાવી જ બેઠા હતા.
ખાને પોતાનું વક્તવ્ય પુરું કર્યું. ઢોલ અને શરણાઈના નાદે આ જાહેરાતને વધાવી લીધી.
છેલ્લે, ખાનના સરદારે સભા બરખાસ્ત થયેલી જાહેર કરી.
એક વર્ગવીહીન સમાજમાં શાસક અને શાસીત વર્ગો – કદી ન ભુંસાય એવી રીતે – અસ્તીત્વમાં આવી ગયા હતા. ગુલામીની બેડીઓ ઘડાઈ ચુકી હતી; જે કાળના પસાર થવા સાથે વધારે ને વધારે જડબેસલાક અને જટીલ બનવાની હતી. તેનાં અનેક અવનવાં અને ભયાનક રુપો ભાવીના ગર્ભમાં સાકાર થવાનાં હતાં. સંસ્કૃતીમાં ન રોકાઈ શકે તેવી હરણફાળની સાથે, આ કુરુપતા અને એને આનુષંગીક અનેક દુષણોનાં વરવાં અને કડવાં બીજ પણ રોપાઈ ચુક્યાં હતાં.
વાચકોના પ્રતિભાવ