સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: Observations

બસની રાહ જોતાં – એક અવલોકન

     સવારના સાડા છ વાગ્યાનો સમય. ચા બનાવી, પીતાં પીતાં દીકરીના દીકરાની બસની રાહ જોવાનો સમય. સવારના ઉગતા પહોરની પ્રગલ્ભ શાંતિનો સમય.કામ પર જતા કોઈકની કારનો અવાજ એ શાંતિને  ક્ષણિક ખળભળાવી દે; બાકી એકધ્યાન થઈ જવાય, એવી શાંતિનો સમય. ચા બનાવતી વખતની ભરપૂર પ્રવૃત્તિ સમેટી લીધા પછીની નિરાંતનો સમય.  બસના આગમનની રાહ જોવાનો સમય.

     વીતી ગયેલી સવારની પ્રવૃત્તિઓના ખળભળાટમાં પ્રગટી ઉઠેલાં અવલોકનો આ રહ્યાં.- ( ‘ચા’). પણ એ બધો સમય તો હવે વીતી ગયો. હવે તો રાહ જોવાઈ રહી છે – મુસાફરીની શરૂઆત કરાવનારી એ બસની. પહેલાં એક વખત આવી જ રાહ જોઈ હતી – બસના પાછા આવવાની – બપોરના સમયે – વામકુક્ષીની વેળાએ – કમને. બેભાનવસ્થાની એ ઝપકીમાં બસ આવીને જતી પણ રહી હતી –  એનું ભાન પણ રહ્યું ન હતું!  એ ઘટનાની યાદ આ રહી. 

    પણ અત્યારના સમયે તો પૂર્ણ સતર્કતા છે. સાધના જેવી ગરમાગરમ ચાની તાજગીથી તરોતાજા થઈ ગયેલા મનની જાગૃતિ છે.

    અને એ નિસ્તબ્ધ શાંતિમાં પ્રગટે છે – એક આછો રવ. જાણે કે, અંતરના ઊંડાણમાંથી પ્રગટતી આછી શી એક લહરી. ધીમે ધીમે એ રવરવાટી વધતી જાય છે; અને બે એક સેકન્ડમાં એ ઘૂઘવાટી બની રહે છે. બારીમાંથી બસની ઉપરના લબુક ઝબુક થતા પીળા નારંગી રંગના દીવા દર્શન દે છે. અને તપ્ત સૂર્યના જેવા પીળા રંગની એ બસ પોતાના આગમનની આલબેલ પોકારી ઊઠે છે.

*****

     અનેક વિચારોના તુમુલ યુદ્ધોથી ખળભળેલું મન ધ્યાનની પ્રક્રિયા થકી શાંત પડી જાય અને શ્વાસની આવન જાવન સિવાય કશું ય અવલોકન ચિત્તમાં ચાલતું ન હોય; એવી અવસ્થામાં રોમે રોમમાં કોઈક અજાણ્યા અને છતાં સાવ પોતીકા હોવાપણાનો અહાલેક ઝીણી રવરવાટીથી ગાજી ઊઠે – એવી એ વ્હાલમના આગમનની આલબેલ. અદ્‍ભૂત આનંદ અને શાંતિમાં રમતા રહેવાની  સતત આરજૂની એ આલબેલ. સતત જાગૃતિની એ પ્રસન્ન આલબેલ.

અવર્ણનીય


આનંદછતાં કેવો


અનભિવ્યક્ત?

ચાર ચિત્રો – એક અવલોકન

આ ચાર ચિત્રો જુઓ…

તકવાદી

opportunist

ઉત્ક્રાન્તિ

opportunist_1

સુખ

opportunist_2

જૂની પેઢી

opportunist_3

આમ તો આ ચારેયનો વિષય અલગ અલગ છે- પણ મૂળમાં વાત એક જ છે. જે આ ઘડી સાથે તાલ મીલાવતું ના હોય ;એને ઠીક કરી નાંખો.

વાત રાજકારણની હોય,   ઉત્ક્રાન્તિની હોય, સુખની હોય કે જીવવાની રીતની … ચાવી એક જ.

જે બરાબર નથી એને ઠીક કરવું જ પડે.

વર્તમાનમાં જીવો;
અને
બધું ઠીક થાઈ જાશે!

આ પહેલાંના લેખની વાત હતી… સત્યનાં વિવિધ રૂપ. 

એ પણ વાત તો મૂળમાં તો આ જ. 

સાભાર – શ્રી. કિશોર શાસ્ત્રી

કેરીનો રસ કાઢતાં – એક અવલોકન

  ઘણા વખત પછી ફરી અવલોકન ચાળે !

   કેરીનો રસ કાઢવા માટે આ જણને કાન સોંપવામાં આવ્યું- કેરીના ટુકડા કરવાનું. પછી એ ટુકડા મિક્સરમાં પીલીને રસ નીકળશે.

    જુનો   જમાનો યાદ આવી ગયો. સીઝનમાં કેરીઓના ટોપલે ટોપલા ઘરના ઉપલા માળે ભરેલા રહેતા – ઘાસથી વિંટળાયેલ અને શિયાળામાં આવેલા ઘઉંના કોથળા ઓઢાડેલ કેરીઓ. છાનામાના ઉપર જઈ મઝેથી પાકેલી કેરીઓ ચૂસવાની એ મજા જ ગઈ. આખા કુટુમ્બ માટે રસ કાઢવાનું કામ પણ આ જણનું જ. કેરીઓ ગોળી ગોળીને તપેલી પર મુકેલી ચાળણામાં રસ કાઢવાનો. કેરીનાં છોંતરાં અને ગોટલા ધોઈને એનો બાફલો બને. અને ગોટલા પણ ફેંકી શેના દેવાય? એ તો ઉનાળાની ગરમીમાં છાપરે સુકાય અને પછી એને ભાંગીને નીકળેલી ગોટલીઓનો મુખવાસ બને; અને બાકીના ગોટલા પાણી ગરમ કરવાના બંબા માટે શિયાળા સુધી કોથળાવાસી!

     અરે, પણએ અમદાવાદી રીતની સ્મૃતિઓ તાજી કરવા થોડું જ આ અવલોકન હાથ ધર્યું છે?

     વાત છે – છાલ કાઢી નાંખેલી કેરીના ટુકડા કરતી વખતની અને ગોટલા પર વધેલા માલના અવશેષો ઉશેટી લેવા વખતની. બન્ને  વખતે કેરીના ડિંટા આગળથી વાઢ શરૂ કરીએ તો સરળતાથી કપાય. ઉંધી દિશામાં રેસા નડે નડે ને નડે જ. એક દિશામાં રેસા અવરોધ ન કરે.

    આમ જ બને,  લાકડાના પાટિયાંને વ્હેરતાં. એક દિશામાં એના રેસા પણઅવરોધ ન કરે.

     બે દિ’ પહેલાં બેક યાર્ડમાંથી ઉતારેલા ફુદિનાનાં પાનાં ચૂંટતાં પણ આવો જ અનુભવ. એક એક પાનું ચૂંટવા કરતાં છેક ટોચના ભાગથી ડાળી પકડી, બે આંગળી સરકાવીએ તો, ફટાફટ બધાં પાંદડાં કપાઈ જાય અને કામ સરળ બની જાય. અહીં પણ એક દિશામાં પાનનાં છેડા અવરોધ ન કરે.

    અને હવે અવલોકન કાળ…

     જીવનના અનુભવો સાથે કેવી સામ્યતા? પ્રવાહની સામી દિશામાં તરી તો જોઈએ? એની સાથે તરતા રહેવાનો અનુભવ જ સુખદ હોય ને?

જે પ્રવાહની સામે તરતા રહી શકે છે,
એમની શુરવીરતાને સલામ.

ટ્રોકોઇડ – એક અવલોકન

ત્રણ જાતના ટ્રોકોઇડ …( અહીં  એની વિગત…)

 • સાઈક્લોઇડ 
 • કર્ટેટ  સાઈક્લોઇ
 • પ્રોલેટ સાઈક્લોઇડ

બિંદુ અને જીવની સરખામણી – ‘વલયો – અવલોકન’  –  આગળ હાલી….

      જો બિંદુ પરીઘની બહાર નીકળી જાય તો પ્રોલેટ સાઈક્લોઈડ પછડાતો ખાતો, આગળ પાછળ લથડિયાં ખાતો દારૂડિયાની જેમ પછડાટો ખાધા જ કરે. પરીઘ પર રહે તો પણ ચઢાવ ઉતરાવ તો રહે જ.

    જેમ જેમ  બિંદુ કેન્દ્રની  નજીક આવતું જાય, તેમ તેમ ચડાવ ઉતરાવ હળવા થતા જાય –કર્ટેટ  સાઈક્લોઇ

  પણ જો બિંદુ વર્તુળના કેન્દ્ર પર જ સવારી કરે તો?

કોઈ સાઈક્લોઈડ કે ટ્રોકોઈડ જ નહીં! 

No_Trochoid

    એકદમ સ્થીર – ગીતાના સ્થીતપ્રજ્ઞ જેવું એ બની જાય. પોતાના મૂળ હોવાપણાની સાથે એકરૂપ. બિંદુ શું અને કેન્દ્ર શું? – કોઈ ભેદ જ નહીં. 

એ બિંદુ પણ હોઈ શકે; અને જીવાત્મા પણ! 

सोsहम् 

વલયો – એક અવલોકન

‘હોબી વિશ્વ’ પર એક નવો વિભાગ આજે શરૂ કર્યો – ‘વલયો’  

       આ ટિપ્પણી સાથે…

એક બિંદુ જુદી જુદી રીતે ગતિ કરે;
તો કેવાં જાતજાતનાં વલયો સર્જી શકે છે –
તે આ વિભાગના લેખોમાં જુઓ
અને એની મજા માણો.

       અને આ રહ્યું એવું એક વલય – ‘ સાયક્લોઇડ’

        અને હવે અવલોકન વલય !

      એક નાનકડું અમથું બિંદુ; ગણિતની પરિભાષામાં જેનું કોઈ અસ્તિત્વ હોઈ જ ન શકે. કોઈ લંબાઈ નહીં કે નહીં કોઈ પહોળાઈ કે જાડાઈ કે ઊંડાઈ.

પણ એ કોઈક નિયમ અનુસાર ગતિ કરવા લાગે તો કેવી આકૃતિ સર્જી શકે છે – એનો આ એક નમૂનો છે.

x= a( t-sint)

y= a( 1-cost)

         આ તો ગણિતની ભાષામાં વાત થઈ; પણ સામાન્ય માણસની નજરે ચઢી જાય તે રીતે કહીએ તો. સાયકલની રીમ ઉપર એક ફુમતું બાંધી દીધું હોય તો રસ્તા પરના માણસને ઉપર બતાવેલી આકૃતિ નજરે પડે.

      એક જીવ – એ પણ અમાપ હદો સુધી વિસ્તરેલા બ્રહ્માંડની સરખામણીમાં આવું એક બિંદુ જેવડો જ.

      પણ એ કોઈક અનુશાસનથી જીવન ગુજારે તો?

      એ બ્રહ્માંડના રહસ્યોને પણ આત્મસાત્ કરી શકે- એવી એનામાં ગુંજાઈશ છે.

એ અનુશાસન એટલે?  

જીવન જીવવાની કળા

‘બની આઝાદ’

( એ કળા જાણવાની શરૂઆત અહીંથી કરો.)

હાદ શ્રેષ્ઠ – એક અવલોકન

      આમ તો આ ‘હાસ્ય દરબાર’ પરના સમાચાર છે.

‘ હાદ શ્રેષ્ઠ ‘ – લોક લાડીલો રાજકપુર

      એ સમાચારનું  અહીં પુનઃ પ્રસારણ કરવાનો કશો અર્થ નથી. હાદ પર રોજના ૧,૦૦૦ મુલાકાતીઓ પધારે જ છે !

       પણ આ એક જરૂર અવલોકનીય બાબત છે !

        કદાચ હજારેક ગુજરાતી બ્લોગ હશે – અમુક તો બહુ જ ઉચ્ચ કક્ષાના અને ખમતીધર સાહિત્યકારો કે સાહિત્ય રસિકો, સંશોધકો, અભ્યાસુ જણ વડે ચલાવતા પણ ખરા. આધારભૂત માહિતી આપતા પણ અમૂક બ્લોગ અને વેબ સાઈટો છે જ.

       પણ રોજના આટલા બધા મુલાકાતીઓને આકર્ષતા બ્લોગ/ વેબ સાઈટોનું લિસ્ટ બનાવો ; તો એમાં એ પ્રથમ કક્ષાની સામગ્રી વાળા કદાચ બહુ ઓછા મળશે. રોજના ૫૦૦ -૬૦૦ મુલાકાતીઓ તો સામાન્ય માણસોની રૂચિ વાળા જ હોવાના – હાસ્ય, સુગમ સંગીત વિ. અંગેના.

      અને એમાંય આ એક માત્ર સામગ્રી ઊડીને આંખે વળગે તેવી છે. ગુજરાતી નેટ જગતમાં હિન્દી ફિલ્મોનો સદાબહાર, ચમકતો અને દમકતો સીતારો. અત્યાર સુધીમાં કુલ ૫૫,૧૨૨ મુલાકાતીઓ અને ૭૫ પ્રતિભાવો !

લોકલાડીલો રાજકપુર

      કદાચ અમૂક બ્લોગોને તો આખા વર્ષ અથવા વર્ષોમાંય આ એક જ પોસ્ટને દોઢ જ વર્ષમાં મળ્યા એટલા  મુલાકાતીઓ મળતા નહીં હોય. કેટકેટલી મહેનત એ બ્લોગરોએ કરી હશે – પોતાના વિચારો પ્રદર્શિત કરવા? અને આ એક જ પોસ્ટ બનાવતાં આ જણને ૧૦ મિનીટથી વધારે સમય લાગ્યો ન હતો! અને એમાં કશું મૌલિક તો ન જ હતું!

    શું ફલિત થાય છે- આ પરથી?

 1. ફિલ્મ એ બહુ જ શક્તિશાળી અને લોકમાનસ પર ગજબની પકડ ધરાવતું માધ્યમ છે, એ?
 2. સામાન્ય માણસના જીવનને સ્પર્શતી, એની વ્યથાઓને, આશાઓને, આદર્શોને વાચા આપતા એ લોક્લાડીલા અદાકાર અને દિગ્દર્શક માટેની બેમિસાલ લોક ચાહના?
 3. ઝૂમી ઊઠીએ એવા સંગીત અને ગીતોની સદાબહાર અસર?
 4. જેને કોઈ સીમા, ભાષા, જાતિ, સમાજની મર્યાદાઓ નડતી નથી – એવા શ્રેષ્ઠ સર્જનોની કમાલ?
 5. સામા – સામાન્ય માણસની સામાન્ય જરૂરિયાતો અને એ માટેની સૂઝ?

જે હોય તે…

એ મહાન કલાકરને અવલોકની સલામ …

યોગ સાદડી – એક અવલોકન

      ‘અલાઉદ્દીન અને જાદુઈ દીવો’ની વાર્તામાં આવતી જાદુઈ સાદડીની આ વાત નથી!

       છેલ્લા બે વર્ષથી લગભગ(!) રોજ સવારે યોગાસન, પ્રાણાયમ, ૐ કાર , સુદર્શન ક્રિયા, અને છેલ્લે શબાસનમાં વિપશ્યના. આ ક્રમ ‘યોગા મૅટ ‘ પર કરવાનો સિલસિલો જારી છે. એ પતે પછી એ સાદડી વિંટાળી લેવાની અને દિવાલ સરસી ગોઠવી દેવાની.

આમ….

Yoga_mat_1

પણ ગઈકાલે એ આખીયે પ્રક્રિયા દરમિયાન, મારા માનીતા લેખક અને કદાચ હવે એકપક્ષીય  મિત્ર શ્રી. નસીર ઈસ્માઈલીના સૌથી શ્રેષ્ઠ સર્જન જેવી નવલકથા ‘ એક ટૂટેલો દિવસ’ નો નાયક નીલાંગ ત્રિવેદી મનમાં છવાયેલો જ રહ્યો.

અને એ બેધ્યાનપણાના કારણે એ સાદડી બરાબર વિંટાળાઈ નહીં.

આમ…..

Yoga_mat_2

વર્તમાનમાં ન જીવાયું !

——————

      આપણે ‘વર્તમાનમાં જીવવા’ નો અર્થ બરાબર સમજ્યા જ નથી. આભાર ‘ઓશો આશ્રમ’ વાળા બ્રહ્મ વેદાન્ત સ્વામીનો, અને એમના અનુયાયી કલ્યાણમિત્ર શરદ ભાઈનો કે, જીવન જીવવાની આ રીતનો સાચો અર્થ શીરાની જેમ ગળે ઊતારી દીધો!

     ભૂતકાળનાં કોઈ હાડપિંજરો સાથે વળગાડીને કે સાકાર ન થયેલા સ્વપ્નોના ભંગારને વાગોળ્યા વિના કે અવનવાં દીવાસ્વનોની માયાજાળમાં ઊંઘતા રહ્યા વિના…

     જે પણ કાંઈ કામ કરતાં હોઈએ – એ સાદડી  વિંટાળવા જેવું સાવ મામૂલી કામ હોય કે, કોઈ મહાન અને ગંભીર પ્રોજેક્ટના એક પગથીયા ઉપર કાર્યરત હોઈએ.

    સતત ….સતત ….સતત …. એક ધ્યાન .. એમાં જ. બીજે ક્યાંય નહીં.

સતત જાગૃતિ જ જાગૃતિ.

ધ્યાનને
પ્રવૃત્તિ બનાવવાની નથી.
જીવનની દરેક પ્રવૃત્તિને
ધ્યાનમય બનાવવાની છે.

 આ જ છે હવે ……

 ‘અલાઉદ્દીનનો જાદુઈ દીવો’ અને એ ‘જાદુઈ સાદડી’. 

પિરામિડ અને લીલાં રણ

આકાશને આંબવા મથતો પિરામિડ જોયો. ૨૦૧૨- નવેમ્બરની ૧૮મી તારીખે.

આશરે બે મહિના વીતી ગયા.

અને એક નવો પિરામિડ બનતો જોયો – આજની વહેલી સવારના સપનામાં….

——————————

      પેલો પિરામિડ હતો – સામર્થ્યવાન ફેરોની મરણ પછીય ભોગ ભોગવવાની કામનાઓ, એષણાઓ, વ્યર્થ જિજીવિષાઓનું – સમથળ ધરતી પરથી આકાશને આંબવા મથતી ક્ષુલ્લક મહત્વાકાંક્ષાઓનું પ્રતિક. હજારો વર્ષોથી એના પાયામાં કણસતી માનવતાની વેદનાઓ અને યાતનાઓને નીચે ધરબાતી રાખી, ક્રૂર, ગગન ગૂંજતું પાશવી બળનું અટ્ટહાસ્ય.

IMG_2697

 •   એની ટોચ ઉપર?
  • ઘાસનું એક તણખલું પણ જીવી ન શકે – કદાચ બેક્ટેરિયા પણ નહીં. કેવળ મોતનાં ડાકલાં જ હજારો વર્ષોથી વાગ્યા કરે.  
 • એની અંદરની અંધારકોટડીમાં?
  • કોરી નાંખે તેવી બાદશાહી એકલતા પર, સોનેરી સમૃદ્ધિથી લથબથ, અંધકારમાં ગુંગળાતા મમીના ચામાચિડીયા જેવા વિકૃત અંગો પર, બિહામણા મોતનું અટ્ટહાસ્ય.

     એક અઠવાડિયા પછી જોયો – એકવીસમી સદીનો પિરામિડ, ‘બુર્જ ખલિફા’ – દુનિયાની સર્વોચ્ચ ઈમારત. કદાચ એની ટોચની મંજ઼િલ પર કોઈક આધુનિક ફેરો સમૃદ્ધિ અને તાકાતથી લથબથ અત્તરથી મઘમઘતા જેકુઝીમાં સ્વરૂપવાન લલનાઓ સાથે ઐયાશીમાં આળોટતો હશે; ૮૨૮ મીટરની ઊંચાઈએ, ૧૬૦ મજલા નીચે કણસતી માનવતા પર પાશવી અટ્ટ હાસ્ય કરતો.

પણ…

એ પણ નહીં રહે – પિરામિડમાં પોઢેલા એ ‘ખુફૂ’  ફેરોની  કની.

બધી મૂશકદોડો – એવા પિરામીડના પાયાથી ટોચ સુધી પહોંચવાની લાલસાઓ. સતત તાણ; અને ઉપર પહોંચીને?

કોરી નાંખે તેવી એકલતા. સાત શું, સત્તર પેઢીય જેકુઝીમાં સ્નાન કરતી રહે એટલી સમ્પત્તિ હડપ કરતા રહેવાની, અનેક ‘બુર્જ ખલિફા’ઓ બનાવવાની, ન સંતોષાય એવી બળબળતી પ્યાસ.

અને નીચે?

સહરાઓનાં સેંકડો માઈલ ફેલાતાં રણોની વણઝાર.  દોઝખ જેવાં દુઃખોમાં સબડતાં, કણસતાં માનવજીવનની વેદનાઓ, યાતનાઓ.

અને બીજી બાજુએ છે –
મોક્ષ પિપાસુ અંતરયાત્રીઓ
– આ બધી માયા અને જળોજથાથી
નિર્વાણ પામવાની લાલસાઓ !

———————

      એમ ન બને કે એ પિરામીડો, એ ‘બુર્જ ખલિફા’ ઓના ફેરોની સમૃદ્ધિનો એક નાનકડો અંશ સહરાના દરિયાની નજીકના એક ખૂણે લીલી કુંજાર વાવવા વપરાય  અને એ બુર્જની ટોચ પર પહોંચવા મથતા મૂષકો એના માળી બને?  એમનો એક નાનો માળો એ લીલી કુંજારની વચ્ચે ચહચહતો કરે?

    અસ્તિત્વ માટે એકમેકનાં ગળાં કાપતા સોમાલિયનો, પેલિસ્ટિનિયનો, બોસ્નિયનો, મહાનગરોમાં રૌરવ નર્કની યાતનાઓમાં ખદબદતી માનવ જીવાતો માટે નવી આશાનાં કિરણો જેવા    લાખો, કરોડો માળાઓ .

      અને લીલાં રણો વિસ્તરતાં રહે – લીલાં કુંજાર રણો – ઝાંઝવાં વિનાનાં રણો. સ્વીસ બેન્કોની અઢળક પણ શુષ્ક સમ્પત્તિની એક નાનકડી સિકરથી રોપાયેલી નાનકડી કૂંપળોનાં સતત વિસ્તરતાં જતાં લીલાં રણો?

પિરામીડો ભલે બનતા રહે; પણ આવાં લીલાં રણોને પોષતાં રહે તો?

પોતાનાં ક્ષુલ્લક જીવનો પછીના
સમૃદ્ધ જીવન માટેની
માલેતુજારોની  વાંઝણી આકાંક્ષોમાં
એક નાનકડો વળાંક આવે તો?

      બીજી બાજુએ …..મોક્ષ માટેના મુમુક્ષુઓ ચિત્તની વૃત્તિઓ પર નિગ્રહ લાવવાની વૃત્તિઓને એક નાનકડો વળાંક આપી ‘ ધ્યાનને પ્રવૃત્તિ બનાવવાને સ્થાને, જીવનની દરેક પ્રવૃત્તિને ધ્યાનમાં રૂપાંતરિત કરતા બને તો?

आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं
पूजा तॆ विषयॊपभॊग-रचना निद्रा समाधिस्थितिः ।
सञ्चारः पदयॊः प्रदक्षिणविधिः स्तॊत्राणि सर्वा गिरॊ
यद्यत्कर्म करॊमि तत्तदखिलं शम्भॊ तवाराधनम् ॥ 4 ॥

[ શિવ માનસપૂજા ]

Let us work as pray 
for  Work indeed  is
body’s best prayer to The Divine.

-Mother

    દરેક માનવજીવમાં આ ભાવ પ્રગટે તો? દરેક ‘મૂષક’ની સ્પર્ધાત્મક દોડ સહકારાત્મક દોડ બનવા માંડે તો?

નવા પિરામિડો
સપાટ પિરામિડો
સહરા, કલઘરી, થર પારકર, ઓસ્ટ્રેલિયન, એરિઝોના … માં
સતત વિસ્તરવા માંડેલાં લીલાં રણો.
માનવ ચેતનાની
ક નવી હરણફાળ.

રજવાડી સિરિયલ – એક અવલોકન

      આ કોઇ રાજવી ઘરાનાની ઝમકદાર ટીવી સિરિયલની વાત નથી!

      ‘સવારની ચા’ટાણે તો ઢગલાબંધ અવલોકનો કર્યાં અને આ છાપે ચઢાવી દીધાં; પણ એ ચાની બહેનપણી, રજવાડી સિરિયલ ( અને મારી વધારે માનિતી પણ ખરી હોં! ) સાવ વિસરાઈ જ જતી હતી. ઘણી વખત એની ઉપર અવલોકન લખવા વિચાર કર્યો હતો.

     પણ એમ કાંઈ લખવા ખાતર થોડું જ લખાય? એ તો લખાઈ જવું – પ્રગટવું જોઈએ ને? અને આજે એ શુભ પ્રાગટ્ય ઉદ્‍ભવી ગયું! આ રહ્યું….

       અમેરિકા નિવાસ દરમિયાન ધીરે ધીરે, મારો સવારી નાસ્તો( બ્રેકફાસ્ટ), મારી સિરિયલ ઉત્ક્રાન્તિ પામતી રહી છે. રેઝિન બ્રાનથી શરૂ થયેલું એનું સ્વરૂપ કાળાંતરે વધારે ને વધારે જટિલ બનતું હાલ્યું છે – માનવ જીવની કની જ તો !

લો આ રહી એની રેસિપી..

 • ત્રણ જાતની સિરિયલો – ઓટ, ઘઉં, અને મકાઈ( કોર્ન)ના પાયા વાળી
 • બદામ – ૮ નંગ
 • ચપટીક પીકન
 • ચપટીક અખરોટ ( વોલનટ)
 • ચપટીક કાળી દરાખ ( રેઝિન)
 • ચપટીક  સુકાવેલી ક્રેનબેરી
 • કદીક ચોકલેટ પાવડર
 • એક કેળું
 • દૂધ

      cereal_1 cereal_2 કદાચ સમતોલ ખોરાકનાં બધાં ઘટકો આમાં આવી જતાં હશે! એ તો આહાર શાસ્ત્રીઓએ સંશોધન કરવાનો વિષય છે!

અહીં તો અવલોકન શાસ્ત્રીનું મેદાન હવે ખુલી ગયું…

….

     દરેક ઘટકનો પોતાનો સ્વભાવ, પાયાનાં તત્વો, સ્વાદ અને ગુણ હોય છે. પણ ભેગાં થાય ત્યારે દરેક ઘટક પોતાનો સ્વાદ/ પોતાની આગવી ઓળખ ગુમાવી દે છે; અને આખી સંસ્થિતિનું એક આગવું અસ્તિત્વ આકાર લે છે.

     આમ જ સૂર્યપ્રકાશનું પણ છે. સાત સાત રંગોમાંનો એક પણ નરી આંખે આપણે જોઈ નથી શકતા.

    આમ જ ગુજરાતી ભેળ અને ઊંધિયું, ઇજિપ્તની કશેરી વિ. ખાદ્ય પદાર્થોનું પણ છે.

    અનેક પરિમાણોથી ભરેલા માનવ જીવનનું પણ આમ જ છે. આપણા મનના અનેક રંગો હોય છે. જાતજાતના અને ભાતભાતના. પણ એ બધાં ભેગાં મળીને માનવ સ્વભાવ ઘડાય છે. અને એ એક સાવ જૂદી જ માયા બની રહે છે!

     સિરિયલ આરોગતી વખતે એના ઘટક સ્વાદો ભૂલાઈ જાય છે. એક નવી રેસિપીનો આસ્વાદ માણવા મળે છે.

    માનવ મનના શંભુમેળાને આપણે આમ સાવ અળગી રીતે આરોગતાં/ માણતાં શીખીએ તો? જેમ જેમ મૂળ તત્વ , જાતને, પાયાના હોવાપણાને ઓળખતાં થઈએ, તેમ તેમ બધા રંગ ઓસરતાં જાય છે; અને એક નવી જ સંસ્થિતિની અનુભૂતિ થતી જાય છે.

જાતની નવી ઓળખ…
નવો સ્વાદ.
નવો રંગ.
નવો સાવ નિર્ભેળ આનંદ.
રજવાડી હોવાપણું.
સૌથી મોટા સાહેબનો સંગાથ.

…………………

લો… જૂની બહેનપણી ( ચા)ના આસ્વાદો / અવલોકનો  આ રહ્યાં ……….

–ચા–

 ઉભરો

 કુકિન્ગ પ્લેટફોર્મ

 ચા

 ચાનું ઉકળવું 

 ચાનો ઉભરો

 ચા તૈયાર છે

 ચા બનાવતાં 

 દુધનું ટીપું

 સવારનો ઓડકાર

આદુ કચરતાં 

 ચાની સામગ્રી

 પોલીસે ચા પીવડાવી

 કડક મીઠી ચા

 ઉભરો -૨

 

ટ્રાફિક સિગ્નલ, ભાગ : ૨ – એક અવલોકન

      ન ગણી શકાય એટલી વખત ટ્રાફિક સિગ્નલ આગળથી પસાર થયો છું –  દેશમાં તેમ જ અહીં. પણ તે દિવસે સાવ અવનવા વિચારોનો વંટોળ ફૂંકાવા લાગ્યો. અગાઉ પણ બીજા જ વિચાર આવ્યા હતા; અને આ અવલોકન સર્જાયું હતું. પણ આ વખતે એ વંટોળ સાવ નવી જ દિશામાં ફંટાઈ ગયો.

    ( ‘અવલોકન’ કરવાની આ જ તો મજા છે – મગજની કેમિસ્ટ્રીમાં રસાયણો કેવાં સંયોજનો બનાવે છે; એની ઉપર જાતજાતના  અને ભાતભાતના વિચારો પેદા થયા કરે; અને અવનવાં અવલોકનોના સાથિયા પૂરાયા કરે.)

     હવે આ નવો વંટોળ- આ રહ્યો….

……..

       એની ત્રણ જ અવસ્થા – લાલ, પીળી અને લીલી. , એકસરખી ચાલે એ બદલાયા કરે; અને ચારે બાજુનો ટ્રાફિક એને અનુસરતો      થંભે, ચાલુ થાય અને એમ નિયંત્રિત થતો જાય. નિશાળ ભૂલવાના, બંધ થવાના અને રશ અવરના વખતે એની ચાલ બદલાય – જે બાજુ વધારે ટ્રાફિક થવાનો હોય , એને વધારે સમય ફાળવવામાં આવે. રાતે વળી જુદો જ પ્રોગ્રામ હોય. કદિક કાં’ક યાંત્રિક ખરાબી ઊભી થાય, તો ચારે બાજુ પીળી લાઈટ ઝબકારા મારતી થઈ જાય. એ ખરાબીની ખબર પડતાં એનો રિપેર કરનારો આવીને ખામીવાળા ભાગ રિપેર કરીને કે બદલીને પાછી પૂર્વવત્  વ્યવસ્થા કરી દે.

      કોઈક નવી શોધ થઈ હોય; તો આખી વ્યવસ્થા નવી સિસ્ટમ પ્રમાણે સત્તાવાળાઓ બદલી નાંખે. દા.ત. પહેલાં ચાર રસ્તાની વચ્ચે નૃત્ય કરતો પોલિસમેન રહેતો. પછી ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ આવી ; અને હવે ડિજિટલ કન્ટ્રોલ આવી ગયા. ભવિષ્યમાં વળી કશુંક નવું આવશે.

    પણ આ બધું યંત્રની જેમ ચાલ્યા જ કરે – વર્ષોનાં વર્ષો લગી. આખરે તો એ નિર્જીવ યંત્ર જ ને?

…………………..

      પણ આમ જુઓ તો સજીવ સૃષ્ટિમાં પણ આવું જ કશુંક નથી હોતું? થોડીક વધારે જટિલતા હોય એ જ ને?

  વનસ્પતિની વાત કરીએ તો- બીજમાંથી અંકુર થવું અને મોટું ઝાડ બનવું, એની ઉપર પાંદડાંનું ઊગવું, ફાલવું અને ખરી જવું. વસંત આવે એટલે પુષ્પ વિન્યાસ અને ફળોનું બેસવું – અને ફરી નવા બીજ અને નવા અંકુર ….. અને એની એ જ ઘટનાનું સતત ચાલુ રહેવું.

    પ્રાણીજગતમાં ઘણી બધી વધારે જટિલતા – વનસ્પતિ આરોગીને કે બીજા પ્રાણીને મારીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની હિંસકતા; પ્રજનન પણ વધારે ક્રિયા/ ક્રીડાથી ભરપૂર. શિકાર થઈ જવાની વેળા આવે, ખોરાક ખૂટે કે હવામાન બદલાય એટલે રહેવાની જગ્યા પરથી યાયાવરી સ્થળાંતર. પણ એની રીતિ અને નિયતિ પણ આખરે તો યંત્રવત્ જ ને?

       અને ઉત્ક્રાન્તિના કોઈક વંટોળમાં બન્નેમાં નવી પ્રજાતિનું નિર્માણ. અને ફરી એની એ જ ઘટમાળ ચપટીક ફેર સાથે યંત્રવત્ ચાલુ.

     માનવ જીવન એનાથીય વધારે જટિલ. જાતજાતના વિચારો અને જટિલ મગજમાં ઊભા થતા અવનવા તરંગો અને આવેગોના પ્રતાપે જડ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ પર સ્વામીત્વ ભોગવવાની મહાન ક્ષમતા. પણ બહુધા એ પણ યંત્રવત જ. જન્મથી મરણ  લગણ – બીબાંઢાળ નિયતી. અલબત્ત બીબાં હજારો અને લાખો હોય; પણ જે બીબામાં જીવન અંકુર ઘડાયો હોય; એનાથી બહાર એ માનવજંતુ ન જ આવી શકે. એની લક્ષ્મણ રેખા બંધાયેલી જ.

‘બેફામ’ તોય કેટ્લું થાકી જવું ં પડ્યું. 

નહીંતર જીવનનો માર્ગ છે – ઘરથી કબર સુધી.

      કો’ક જ વીરલા – લાખોમાં એક જેવા પાકે કે સાવ નવો રસ્તો કંડારે. એમના મગજની કેમિસ્ટ્રીમાં કોઈનેય ન થયા હોય એવા,  વંટોળિયા ફૂંકાય.  અવનવાં સર્જનો એ પેદા કરી દે, અથવા સમસ્ત સમાજને ખળભળાવી દે એવા પ્રભંજનો, ખાના ખરાબી અને      પરિવર્તનો એ વાયરા ઊભા કરી દે. એમના જીવનકાળ દરમિયાન પાગલપણાંનો એ વાયરો એના યંત્રની કળો  સતત બદલતો જ રહે. એ જાતે સરતાજ કરી દીધેલી વેદનામાં જ આખુંયે આયખું ખપાવી દે.

નથી કોઈ પણ માર્ગદર્શક અમારો,
નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી
મુસીબત ઊઠાવી, ફકત મોજ ખાતર,
અમારી અદાથી સફર કોણ કરશે?

‘શૂન્ય’ પાલનપુરી

————————————

ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું? 
ભાગ્યેશ જહા

     એવી યુગપરિવર્તક કે પ્રભંજક પ્રતિભાઓને ટ્રાફિક સિગ્નલ શેં કહેવાય? કદાચ દીવાદાંડી જેવા, કદીક ખરતી ઉલ્કા જેવાં, તો કદીક વડવાનળ જેવાં એ જીવનો સમયની રેતી ઉપર એવાં પગલાં માંડીને વિદાય લે , કે જેને કાળની થપાટો પણ ખેરવી, ફૂંકી ન દઈ શકે. એ જીવનો પથ્થરમાં કંડારાઈ ગયેલી પ્રતિમાનોની કની યુગોના યુગો સુધી જીવંત રહી જાય -પ્રખ્યાત કે કુખ્યાત!

    આ રહ્યા એવી પ્રખ્યાત પ્રતિભાઓના અમર દીવડા..

–     ૧     –  ;    –    ૨      –

અને કો’ક આવી કુખ્યાત પણ હોય…