આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો
ચિત્ત વૃત્તિ વિશે ગંભીર અવલોકન કરી લીધું. હવે આપણે આઝાદ બનવાનો અભ્યાસ આગળ ધપાવીએ…
અપેક્ષાઓ આપણા બધા દુઃખોના મૂળમાં છે અને અપેક્ષાઓ વિનાનું જીવન લગભગ અશક્ય છે. કેવી વિડંબના? કેવી જેલ? કેવી લાચારી?
કદાચ કોઇ વીરલાએ બધી અપેક્ષા ત્યાગી હોય છે. ‘એ તો સંત છે.’ – એમ કોઇ કહે તો પણ; તેવી વ્યક્તિને કો’ક નવા પ્રકારની અપેક્ષા પોતાના જીવન પાસે રહે કે, ‘એવું કાંઇક કરું જેથી મારા બધા બાંધવો પણ અપેક્ષા રહિત થતા જાય!’. એટલે તો ઇસુને શૂળી પર ચઢવું પડ્યું; અને ગાંધીને ગોળી ખાવી પડી. આમ અપેક્ષાઓ તો રહેવાની જ.
(આ લખનાર જણની અપેક્ષા ઊડીને આંખે વળગે એવી જ છે ને?! )
આપણે જોયું કે, અપેક્ષાઓનો મૂળ સ્રોત છે,’ જિજિવિષા’ – જેમાંથી તે ઉદ્ભવે છે. પણ તેમાંથી નિપજતી આદપેદાશ છે- એક શોધ
જીવનમાં જે ખુટે છે તેની શોધ.
સુખની શોધ.
આ જ તો જીવનનું પ્રાથમિક ધ્યેય છે. સુખની આ શોધમાંથી જ નવી નવી અપેક્ષાઓ સર્જાતી જાય છે, અને પેલું કાલ્પનિક સુખ આગળ ને આગળ જ હડસેલાતું જાય છે.
પોતાની પાસે લખોટી નથી અને મિત્ર પાસે છે. એવી લખોટી મેળવવાનું બાળકને ધ્યેય રહે છે. વિદ્યાર્થીને પરીક્ષામાં પહેલા નંબરે પાસ થવાનું સુખ જોઇએ છે. યુવાન કે યુવતિને શરીરના કોષે કોષમાં ઉન્માદ ભરી દે; તેવા સુખની શોધ હોય છે. કાણી કોડી પણ પોતાની પાસે ન હોય તેને સાંજનો રોટલો મળી જાય તે જ સુખની કલ્પના હોય છે. કરોડપતિને અબજપતિ બનવામાં સુખ દેખાય છે. રાજાને ચક્રવર્તિ થવાના કોડ રહે છે. કોઇ સંતને યુગપરિવર્તક થવાની અભિલાષા છે.
પ્રાપ્તિ…પ્રાપ્તિ…પ્રાપ્તિ…
અને જેવા આ કોડ પુરા થયા; કે પાછું કાંઇક ફરી ખૂટતું લાગે છે.
- ફરી ‘તે’ નવા કાલ્પનિક સુખની પરિકલ્પના
- નવી શોધ
- નવી અપેક્ષાઓ
- નવા સંઘર્ષો
- નવી વ્યથાઓ
બસ આ જ ચક્કર, જે જીવનભર આપણને દોડતા રાખે છે. એ ઝાંઝવાના જળ પર કેટલી ય કવિતાઓ રચાઇ અને રચાશે.
જો કે, એ કદી ન ભૂલાય કે વિકાસ અને નવસર્જન માટે ચીલાચાલુ, વર્તમાન પરિસ્થિતી અંગે અસંતોષ બહુ જ જરૂરી છે.
‘જે છે, તે બરાબર છે.’- એ મનોવૃત્તિ સ્થગિતતા જ સર્જે – બેશક.
અને એ પાયાની હકિકત છે કે,
“આ જ તો જીવન છે. તેમાં ખોટું શું છે?”
સાવ સાચી વાત.
પણ સામાન્ય અનુભવ કહે છે કે, વિકાસની અને પ્રાપ્તિની આ દોડની ઉપ પેદાશ ‘તાણ’ છે. અસંતોષની આગ શાતા તો શી રીતે આપી શકે? બધું બરાબર હોવા છતાં કશુંક ખુટે છે. સત્તા અને સમૃદ્ધિના શિખરે બેસેલ ચક્રવર્તિને પણ પોતાનું સામ્રાજ્ય હજુ વધારે દૂરની ક્ષિતીજોને આંબે એવા ઓરતા હોય છે. વૈરાગ્ય અને રાગ દ્વેષથી વિમુક્ત થવાનો શાણો ઉપદેશ આપતા ધર્મોપદેશકને પોતાના અનુયાયીઓની ફોજ હજારોમાંથી લાખો કરવાની મહત્વાકાંક્ષા હોય છે.
કોઈને અંતરે જંપ નથી … નથી … ને નથી … હમેશ માટે કશાકનો ખાલીપો. આ જોઈએ અને પેલું જોઈએ…
બસ એ ખુટતું મેળવવા માટે જ તો આ બધો વાર્તાલાપ છે!
વાત સાવ સાદી છે. ‘તે’ સુખ જ્યાં સુધી ‘તે’ રહે છે; ત્યાં સુધી જ આ ખાલીપો છે.
“જે છે તે જ ‘તે’ છે.” , એવો ભાવ આવે એટલે ખાલીપો ખતમ!
જે છે તે આ છે. ભલે નવી ઉપલબ્ધિની દોડ જારી રહે !
એ ફુલ હોય કે કાંટા. તેમાંથી જ આપણે ગજરો બનાવવાનો છે. આ ગજરો બનાવતાં આવડ્યો એટલે બધી વ્યથાઓનો અંત. આ ક્ષણમાં જીવ્યા તો જીવ્યા; નહીં તો આપણામાં અને મડદામાં કોઇ ફરક નહીં.
જે ફૂલ છે તેમાંથી ગજરો બનાવવાની કળા આવડી; એટલે આપણે આઝાદ થઇ ગયા. અને એક વાર આઝાદ થયા એટલે બધી વિટંબણાઓને હડસેલીને મુક્ત ગગનમાં વિહાર. અપેક્ષાઓનું ઉર્ધ્વીકરણ –
- સુખ નહીં પણ આનંદની શોધ
- આનંદમાંથી પ્રગટે ચૈતન્ય
- ચૈતન્ય આવે એટલે સત્ય સમજાય
- અને ત્યારે થાય પરમ તત્વની અનુભૂતિ
‘આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી’નું રસ દર્શન અહીં વાંચો…
જેમ જેમ ‘અંતરની વાણી’ને સાંભળતા થઇએ, તેમ તેમ જીવનનાં પડળો ભેદાવા માંડે. ઝાંઝવાનાં જળની પાછળ દોડવાને બદલે ખબર પડે, કે આપણી અંદર જ નિર્મળ જળની ગંગા વહે છે. આપણે જે કાંઇ પણ કરીએ તેમાં કોઇ તાત્વિક ફેર ન પડ્યો હોય, છતાં ય બધુ જ બદલાઇ જાય.
ધ્યેય પણ રહે.
એ માટેનું આયોજન પણ રહે.
એ માટે સતત, વણથંભ્યો પ્રયત્ન પણ રહે.
– બધું છે એમનું એમ જ.
પણ….
અપેક્ષાઓ જાય નહીં પણ બદલાય, પેલી ચિરંતન શોધ તો રહે, પણ તેની દીશા બદલાય. લેવાની નહીં, વ્હેંચવાની ઇચ્છા થવા માંડે. ગજરો જરૂર બનાવતા જ રહીએ; પણ એનો આનંદ બધાંને વ્હેંચવા માટે. સંત ભલે ના થઇએ, પણ નરસૈંયાના ‘વૈષ્ણવજન’ થવા માંડીએ.
આ ક્ષણે ‘મરીઝ’ યાદ આવી ગયા
‘જીવન કે મરણ હો! એ બન્ને સ્થિતીમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે;
જીવન તો ગયું છે સહારે સહારે.’
– મરીઝ
આમાં જે લાચારી કહી છે – તે આપણી લાચારીનું વર્ણન તો છે જ; પણ એનું બેમિસાલ ઉર્ધ્વીકરણ છે. ‘હુ’, ‘મારું’ નો આપણો સતત આંતરિક સંવાદ અહીં સાવ અલગ જ વળાંક લે છે. આપણું સમસ્ત અસ્તિત્વ – જીવનથી મરણ લગ; સમાજના આધારે છે; એ કૃતજ્ઞતાનો ભાવ આવવા લાગે. અને જેમ જેમ આ ભાવ પ્રદિપ્ત બનતો જાય, તેમ તેમ આપણું સમગ્ર કાર્યક્ષેત્ર પ્રાપ્તિ માટે નહીં પણ પ્રદાન માટે સમર્પિત થઈ જાય. સમગ્ર જીવન એક યજ્ઞ – ધ્યેય, આયોજન, પ્રવૃત્તિ, સંઘર્ષ ….સઘળું અન્યને માટે..
હું કાંઈ નથી.
મારું કશું જ નથી.
મારે કાંઈ જોઈતું નથી.
આપણને જન્મ આપનાર આપણી ‘મા’ ની જેમ
‘ तेरा तुझको अर्पण, हे मां !’
‘બધું મારે જોઈએ’ ના સ્થાને ‘ગમતાંનો ગુલાલ’ કરવા માંડીએ.
———————–
– વધુ આવતા અંકે ….
વાચકોના પ્રતિભાવ