સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: Self Experience

પાણીની ટાંકી

“આ પાણી આટલું ધીમું કેમ આવે છે?” – બાથરુમમાંથી મારી ઓફીસમાં આવી મેં મારા પટાવાળાને પુછ્યું.

“ સાહેબ! આપણા બીલ્ડીંગનો બોર ફેલ ગયો છે. આ તો સામેના જુબીલી હાઉસની ટાંકીનું પાણી આવે છે.”

વાત જાણે એમ છે કે, હું તે વખતે શાહપુર ખાતે આવેલી સીટી ઝોનની ઓફીસમાં મેનેજર હતો. અમારું મકાન આઠ માળનું હતું; અને તેના ભોંયરામાં પાણી માટે જે બોરવેલ હતો; તે એ દીવસે ખોટકાઈ ગયેલો હતો. સામે કમ્પનીના મેઈન્સ  ડીપાર્ટમેન્ટની ઓફીસ હતી. બે ઓફીસો વચ્ચે પાણીની લાઈનોને જોડતું કનેક્શન હતું; જે આ આપત્તીને પહોંચી વળવા ચાલુ કર્યું હતું.

ખાતાના અધીકારી તરીકે આની જાતમાહીતી લેવા હું ભોંયરામાં પહોંચી ગયો. બોરને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી. વધારે તપાસ કરતાં ખબર પડી કે, બોરમાંથી મળતું પાણી, ભોંયરાની પણ નીચે આવેલી મોટી ટાંકીમાં ઠલવાતું હતું; જ્યાંથી પાણીના બે પમ્પ વડે મકાનની છેક ઉપર  આવેલી ઓવરહેડ ટાંકીમાં પાણી ચઢાવવાની વ્યવસ્થા હતી. ખોટકાયેલો બોર કાઢીને નવો નાંખવાની કામગીરીને કમ સે કમ બે દીવસ તો લાગી જશે, તેવો અંદાજ હતો.

મેં આનું કામ સંભાળતા એન્જીનીયરને પુછ્યું,” આ ટાંકીઓ કદી સાફ થાય છે ખરી?”

તેણે કહ્યું,” ઓવરહેડ ટાંકી તો વરસે એક વાર સાફ થાય છે. પણ આ નીચેની ટાંકી તો બની ત્યારથી કદી સાફ થઈ નથી. એ તો બહુ મોટી છે. એને ખાલી કરતાં બહુ સમય લાગે અને છેક નીચે હોવાથી ખાસ પમ્પ લગાડીએ તો જ એ ખાલી કરાયને? “

હું ચોંકી ગયો. મકાન બન્યે સાત વર્ષ થયાં હતાં; અને અમે એ ટાંકીમાં ભરેલું પાણી જ – પીવા માટે પણ – વાપરતા હતા! એ ટાંકીમાં પેંસવા માટેનું દ્વાર મેં ખોલાવડાવ્યું. વાત સાચી હતી. એ ટાંકી અત્યંત લાંબી , પહોળી અને ઉંડી હતી. એમાં પાણી ત્રણેક ફુટ જેટલું ભરેલું દેખાતું હતું. મેં એક મજુરને એમાં ઉતરવા કહ્યું અને પાણીની  ઉંડાઈ મપાવી. નકશા સાથે સરખામણી કરી. બીજું આશ્ચર્ય. પાણીની નીચે એક ફુટ જેટલો કાદવ   જમા થયેલો હતો. અને એ પાણી અમે વાપરતા હતા!

મેં તરત હુકમ કર્યો,” ગમે તેમ થાય, આ ટાંકી ખાલી કરીને સફાઈ કરવી જ પડશે. “ અમારી પાસે એક નાનો ડીવોટરીંગ પમ્પ હતો; તેને કામે લગાડ્યો. જે ઝડપથી તે પાણી ખાલી કરતો હતો, તે જોતાં બે ત્રણ દીવસ તો તેને ખાલી કરતાં જ નીકળી જાય તેમ હતું. અને પછી કાદવ કાઢતાં?

મેં અમારા સાબરમતી પાવર સ્ટેશનમાંથી ડીઝલ પમ્પ મંગાવ્યો. સાંજ સુધીમાં ટાંકીમાં માત્ર કાદવ જ રહ્યો. એ દરમીયાન અમે કાદવ કાઢવા માટે મજુરોની વ્યવસ્થા ગોઠવી દીધી હતી. તમે નહીં માનો પણ એ વીશાળ ટાંકીને સાવ ખાલી કરી સફાઈ કરતાં, ચોવીસે કલાક કામ ચાલુ રાખ્યા છતાં, પુરા ત્રણ દીવસ થયા.  ચારેક ખટારા ભરાય એટલો  કાદવ નીકળ્યો હતો!

મને થયું,’દર વરસે આમ કરવાનું શી રીતે શક્ય બને?’

અને બીજો સદવીચાર સુઝ્યો. જો ટાંકીને ત્રણ ભાગમાં વહેંચી નાંખી હોય તો, પાણીની વ્યવસ્થા ચાલુ રાખીને પણ વારાફરતી એકે એક ભાગ સાફ કરી શકાય.

તાત્કાલીક એ ટાંકીના તળીયામાં ઈંટની બે દીવાલો ચણાવી; અને બનેલા ત્રણ ભાગોને એકમેકથી છુટા પાડવાની વ્યવસ્થા પણ તાબડતોબ કરાવી દીધી.

આમ ચાર દીવસે આ ભગીરથ કામ પુરું થયું; ત્યારે નવો બોર ધમધમતો થઈ ગયો હતો અને, આ સમસ્યાનો કાયમી ઉકેલ પણ ભેગાભેગો થઈ ગયો હતો.

ઉભી થયેલી એક સમસ્યાના ઉકેલની સાથે બીજી એક સમસ્યા પણ ઉકલી ગઈ હતી.

—————————-

સીટી ઝોનની એ ઓફીસનો બીજો દીલ ધડકાવી દે તેવો અનુભવ વાંચો :   સ્લમમાં સફર

પાણીનું ટીપું

સાબરમતી પાવર સ્ટેશન
1999 – ઓગસ્ટ

12.5 મીટર ઉંચે આવેલા પાવરસ્ટેશનના કન્ટ્રોલ રુમ તરફ હું દાદરા ઉપર ચઢી રહ્યો હતો. લોખંડની જાળીવાળા દાદરા. આટલે ઉંચે ચઢવાનું; એટલે છ એક તબક્કામાં તો એ દાદરા ખરા જ. પહેલા દાદરાની ટોચ ઉપર પહોંચ્યો અને ત્યાં એ મારા માથા પર પડ્યું.

ઠીક ઠીક ગરમ પાણીનું ટીપું. દઝાયો તો નહીં, પણ ચમકી જરુર ગયો. બીજો દાદરા પર વળીને જવાનું હતું. પછી ત્રીજો તબક્કો – ફરી એક વાર પહેલા દાદરાની દીશામાં જ. અને ફરી એ મારા માથાને ગરમ કરી ગયું. આમ જ પાંચમો દાદરો અને ત્રીજી વાર માથા પર અમી વર્ષા( કે ગરમી વર્ષા?) ! હવે મારું માથું અંદરથી ગરમ થઈ ગયું!

એ જગ્યાએ ઘણે ઉંચે આવેલી એક સ્ટીમ પાઈપમાં ક્યાંક ગળતર (લીકેજ) હતું. પાવર હાઉસના કોઈક સાધનમાં ક્યાંક, કશુંક ગરમ કરવા માટેની ઓક્ઝીલીયરી  સ્ટીમની પાઈપ. અને એ પાણી? – શુધ્ધ આસવેલું પાણી – ડીસ્ટીલ્ડ વોટર.

કંટ્રોલ રુમના બારણામાં મને ‘ક’ મળી ગયો – આસીસ્ટન્ટ ઓપરેશન એન્જીનીયર. મારે માટે એનો ચહેરો નવો હતો. મેં એનું નામ અને કેટલા વખતથી કમ્પનીમાં કામ કરે છે; તે પુછ્યું. તે ત્રણ વરસથી આ પોસ્ટ પર હતો. મેં પહેલી વખત જ એને જોયો હતો.

મેં પુછ્યું – “આ દાદરા પર શેનો લીકેજ છે?”

‘ક’ – “ સાહેબ, મને ખ્યાલ નથી.”

મેં કહ્યું ,” તમને તો આની ખબર હોવી જોઈએ.”

‘ક’ – “હું તપાસ કરીને તમને રીપોર્ટ આપું.”

હું કન્ટ્રોલ રુમમાં પ્રવેશ્યો. થોડીવારે ‘ક’ મારી પાસે આવ્યો અને એ ગળતરની વીગતે માહીતી આપી.

મેં કહ્યું,” આ ગળતર એક મહીનો ચાલુ રહે તો કેટલું નુકશાન થાય?“

‘ક’ – “ સાહેબ, મને ખ્યાલ નથી.”

મેં કહ્યું ,” તમે મીકેનીકલ  એન્જીનીયર છો. આનો તો તરત અંદાજ તમને આવી જવો જોઈએ.”

‘ક’ –  “ સાહેબ! એવી ગણતરી તો મને નથી આવડતી.”

હવે મારો પીત્તો ગયો. મેં ગરમ થઈને કહ્યું,” તો તમે ભણ્યા શું? જો ‘ક’ – એક અઠવાડીયા પછી તારે મારી ઓફીસમાં આવવાનું; અને આ નુકશાનનો વીગતે  અંદાજ કાઢી, મને રીપોર્ટ બતાવી જવાનો. ઓ.કે?”

વીલે મોંઢે ‘ક’ એ હા ભણી.

મારો  રાઉન્ડ પતાવી, હું મારી ઓફીસમાં પરત આવ્યો. બીજી જંજાળમાં આ વાત તો વીસરાઈ ગઈ.

બરાબર અઠવાડીયા પછી ‘ક’ બીતાં બીતાં મારી ઓફીસમાં પ્રવેશ્યો અને મને બે પાનાંમાં, હાથે લખેલી ગણતરી આપી. મહીને ત્રણ લાખ રુપીયાનું નુકશાન બતાવ્યું હતું. એમાં વેડફાતી ગરમીના અંદાજ સાથે ડીસ્ટીલ્ડ વોટરના બગાડના કારણે થતા, નુકશાનની ગણતરી પણ કરી હતી. મેં તેને કહ્યું,” હું ચકાસીને ફરી તને બોલાવીશ.”

મારો આ વીષય નહીં  એટલે મારી ઓફીસના એફીશીયન્સી વીભાગમાં કામ કરતા, અને આવી ગણતરીઓમાં નીષ્ણાત ડી.ડી. શાહને આ રીપોર્ટ ચકાસી જોવા કહ્યું. બીજે દીવસે તેણે આવીને મને કહ્યું  કે, ગણતરીમાં કશી ભુલ ન હતી.

આ ત્રણ લાખનો આંકડો સાચો છે; તે જાણી  મારી આંખો તો પહોળી થઈ ગઈ. મેં ‘ક’ ને ફરી બોલાવ્યો. અને પુછ્યું,”તારી ચોપડીઓ તેં સાચવી રાખી હતી , તે આ ગણતરી તું કરી શક્યો?”

‘ક’ – “ના સાહેબ. ટેક્સ્ટબુકમાં થોડી જ આની રીત આપી હોય? મારો મીત્ર એન્જીનીયરીંગ કોલેજમાં ભણે છે, તેની પાસેથી ચોપડી મંગાવી આ શીખ્યો,”

હવે તો મારો ગુસ્સો ક્યારનોય ઓગળી ગયો હતો. મેં તેને પ્રેમથી આ કામ કરવા માટે શાબાશી આપી અને ચા પીવડાવી.

પછી મેં કહ્યુંં,” હવે તારે બીજો રીપોર્ટ બનાવવાનો છે. આપણા ત્રણેય પાવર સ્ટેશનમાં આવા જેટલા જેટલા ગળતર હોય, તે બધાનું લીસ્ટ બનાવી મને બે દીવસમાં પહોંચતું  કરવાનું. સાથે નુકશાનનો અંદાજ પણ.”

‘ક’ ના મોં પર થયેલી ખુશાલી ઓલ્યા પાણીનાં ટીપાં જેટલી ગરમાગરમ હતી.

બે દીવસે બીજો રીપોર્ટ પણ મળી ગયો. કુલ નુકશાનીનો અંદાજ – મહીને સાઠ લાખ રુપીયા!

મેં તરત અમારા ત્રણે પાવર સ્ટેશનમાં થતા આવા નુકશાનનો રીપોર્ટ બનાવવા માટે, ‘ક’ના નેતૃત્વ નીચે ઓપરેશન અને મેન્ટેનન્સ  એન્જીનીયરોની એક કમીટી બનાવી અને તેનો એક સર્ક્યુલર કઢાવ્યો. પંદર દીવસમાં આ કમીટીએ બધાં ગળતર દુર કરવાનો માસ્ટર પ્લાન બનાવી કાઢવાનો.

છેવટે અમુક ગળતર મહીનામાં દુર થઈ ગયા અને અમુક એક વર્ષમાં. આ આખા અભીયાનના કારણે અમારી કમ્પનીને  કરોડો રુપીયાનો ફાયદો થઈ ગયો.

પાણીના એક ટીપાંની અને એક સાવ નાના ઓફીસરની કરામત.

ચા તૈયાર છે – ત્રણ અવલોકન

શ્રીમતિ પન્ના રાજાનું વાચિકં –
સાભાર – શ્રીમતિ પ્રજ્ઞા દાદભાવાળા

2009

ચા તૈયાર છે. ટેબલ પર તાજી, ખુશબોદાર ચાથી ભરેલા, પ્લાસ્ટીકનાં ઢાંકણથી ઢંકાયેલા ત્રણ પ્યાલા પડ્યા છે. ચા તો નજરેય પડતી નથી. ચા જેમાં બનાવી હતી, તે વાસણ, ગળણી, સાંડસી, ચમચી વી. રસોડાના સીન્કમાં ઉટકાવાની રાહ જોઈને પડેલાં છે. ગેસનો સ્ટવ કામ પતાવી, ઠંડો પડી રહ્યો છે. ચા-ખાંડના ડબા એમના યથાસ્થાને ગોઠવાઈને પડ્યા છે. વોલ માર્ટમાંથી લાવેલો, એક ગેલનનો, 2% ફેટવાળા દુધનો કેરબો ફ્રીજમાં એના સ્થાને, થોડો ખાલી થઈને, પાછો ગોઠવાઈ ગયો છે. કાચની ડીશમાં બ્રેડના ટોસ્ટ શેકાઈને તૈયાર પડ્યા છે. બાજુમાં માખણના સ્પ્રેડનો ડબો અને માખણ ચોપડવાની છરી પણ હાજર જ છે. રસોડાની ઓલી’પા લીવીંગ રુમના ટેબલ પર,  મારું વહાલું નોટબુક કોમ્પ્યુટર મને લોગ ઈન કરવા આમંત્રી રહ્યું છે.

બધું સમેસુતર જણાય છે. માત્ર ચા પીનારા આવે એની રાહ જોવાઈ રહી છે. મારી પત્ની આરામથી સુઈ રહી છે. દીકરી અને જમાઈ નોકરીએ જવા માટે તૈયારી કરી રહ્યાં છે. બાળકો એમના અલગ અલગ રુમમાં વેકેશની નીંદર માણી રહ્યાં છે.

પણ બે જ મીનીટ પહેલાં? બધું રમણ-ભમણ હતું. તપેલીમાં ચા ખદબદી રહી હતી. ઉભરો આવવાની રાહ જોવાઈ રહી હતી. તપેલીને સ્ટવ પરથી ઉતારી, ચા ગળવા, સાંડસી અને ગળણી હાથમાં તૈયાર રાખેલાં હતાં. ચા-ખાંડના ડબા, દુધનો કેરબો, આદુ ભરવાની રકાબી, આદુ છીણવાની છીણી, ચાના ખાલી પ્યાલા- રકાબી એ બધાંથી રસોડાંનું કુકીંગ પ્લેટફોર્મ ( ગુજરાતી પર્યાય?) ભરચક ભરેલું હતું. ડાઈનીંગ ટેબલની બાજુમાં ગરમ લ્હાય જેવા ટોસ્ટરમાં પાંઉ શેકાઈ રહ્યા હતા. રસોડું આ બધી ચહલપહલથી ધમધમતું હતું.

અને એના કલાકે’ક પહેલાં? રસોડામાં સ્મશાન શાંતી છવાયેલી હતી. આ બધી ચીજો એમના યોગ્ય સ્થાને સોડ વાળીને સુતી હતી. અરે! ચામાં નાંખેલાં ફુદીનાનાં પાન પણ બેક યાર્ડમાં સ્વપ્રયત્ને વાવેલા છોડની ડાળે, સવારના મંદ પવનમાં ઝુલી રહ્યાં હતાં. એ નાનકડું જગત સાવ સ્થીર અને સુષુપ્ત અવસ્થામાં, ગુપચુપ ઘોરતું હતું. ચા બનાવનાર અને પીનાર સૌ પણ ટુંટીયું વાળીને સુતેલાં હતાં.

અને હું આમ ને આમ સમયમાં, પાછો ને પાછો… પાછો ને પાછો… પાછો ને પાછો… સરતો જાઉં છું.

1979

ત્રીસ વરસ પહેલાંની સવાર… અહીંથી હજારો માઈલ દુર, દેશમાં કમ્પનીએ આપેલા, બગીચા અને કીચન ગાર્ડનથી ઘેરાયેલા, વૈભવશાળી બંગલાના ડાઈનીંગ રુમના ટેબલ પર, નાહી ધોઈને તૈયાર થઈ, હું ચા બની ગયાની આલબેલ સાંભળવા આતુર, ગુજરાતી છાપાંની ઉપરછલ્લી મુલાકાત લઈ રહ્યો છું. મારી પત્ની ભમભમાટ અવાજ કરતા, પ્રાયમસ સ્ટવની પાસે, ચા બનાવવાની સવારી ફરજ નીભાવી રહી છે. ચોવીસ કલાક મદદ કરતી કામવાળી બાઈ રસોડામાં શાક સમારી રહી છે. કલાક પહેલાં જ નજીકના ગામડેથી એક સાઈકલ-સવાર 10 થીય વધારે ફેટવાળું, શેઢકડું, તાજું દોહેલું દુધ આપી ગયો હતો; અને કામવાળી બાઈએ અમારા જાગતાં પહેલાં તે લઈ રાખ્યું હતું. તે દુધ ઉકાળ્યા બાદ, ઠંડું થઈને ફ્રીજમાં મુકાઈ જવાની રાહ જોઈ રહ્યું છે. ગઈકાલના દુધ પર તરતી, રોટલા જેવી મલાઈ નીતારીને કાઢેલું સેપરેટ(!) દુધ ચામાં પધરાવાઈ ગયું છે! દસ દીવસમાં ભેગી થયેલી એ મલાઈનું ઘી બનાવવાની સુચના મારી પત્ની કામવાળી બાઈને આપી રહી છે. કામવાળી બાઈએ ખાંડી આપેલા ચાના મસાલાની ડબી ચા–ખાંડના ડબાની બાજુમાં ચમકી રહી છે. ડાઈનીંગ ટેબલ પર હમણાં જ બનાવેલા ગરમાગરમ બટાકાપૌઆં પણ તૈયાર છે.

હાલ ચાલીસ માઈલ દુર ગાડી ચલાવી, નોકરી માટે જતી, દીકરી માત્ર નવ જ વરસની છે; અને ઘરની પાછળ જ આવેલી, પાવર હાઉસની શાળામાં જવા માટે, હજુ ઘણે મોડેથી ઉઠવાની છે. એ એની પરીકથાઓના ખ્વાબોમાં મશગુલ છે. ચાર વરસના, બે જોડીયા દીકરા એમના રુમમાં, આયાની સાથે આરામમાં પોઢી રહ્યા છે.

બાકી ચા તો એવી ને એવી જ બનવાની છે !!

1949

પોળમાં આવેલા ત્રણ માળના મકાનના ભોંય તળીયે, પેટમાં પાંચમું બાળક લઈને ફરતી મારી બહેને ( અમારી બાને અમે બહેન કહેતા ) વહેલાં ઉઠીને, ધુમાડાના ગોટે ગોટથી બળતી આંખો સાથે કોલસાનો ચુલો, માંડ માંડ પેટાવ્યો છે. રેલવે વાયરલેસ ઓફીસમાંથી રાતપાળી કરીને આવેલા બાપુજી છાપામાં ડોકું ઘાલી ચાની રાહ જોઈ રહ્યા છે. અમે ચાર ભાંડુ વચલા માળે, લાઈનમાં પાથરેલી પથારીઓમાં મીઠી નીંદર માણી રહ્યાં છીએ.

હમણાં જ બાજુની પોળમાં રહેતી રબારણ બાઈ, પીત્તળના બોઘરણામાં તાજું જ દોહીને કાઢેલું, પણ દીલ દઈને પાણી મેળવેલું (!) દુધ આપી ગઈ છે. માપ-પ્યાલી કરતાં અડધી પ્યાલી વધારાની નાંખીને ઉપકારનો ભાર ચઢાવી, તે હમણાં જ વીદાય થઈ છે. અહીં કોઈ કુકીંગ પ્લેટફોર્મ નથી. ચા બનાવવાની બધી સામગ્રી બહેને ઉભા થઈને પાછલા રુમમાંથી લાવી, પોતાની ડાબી બાજુએ ગોઠવેલી છે. સામેની ભીંતના લાકડાના ટોડલા  પર, મોંસુઝણું થતાં હમણાં જ બુઝાવેલું ફાનસ લટકી રહ્યું છે; જેના સહારે ગઈકાલે સાંજે પાટી પેન પર મેં એક્ડૉ અને બગડો ઘુંટ્યા હતા.

પણ એ ચા અમારે માટે નથી. પેટે પાટા બાંધીને, બેય ટંક છોકરાંવને દુધ જ પીવડાવવું, અને પીવડાવવું જ – એવો નીયમ બહેન , બાપુજીએ રાખેલો છે. થોડે દુર પીત્તળના, જાતે કલાઈ કરેલા ડબામાં ગઈકાલની વધેલી રોટલીમાંથી બનાવેલા ખાખરાનો નાસ્તો ગઈકાલ સાંજથી તૈયાર થઈને સંઘરી રાખેલો છે : અમ ચાર ભાંડુ માટે, દુધ સાથે ખાવા માટે.

ચા બની ગયા બાદ, ગેસનો સ્ટવ કે પ્રાયમસ ટાઢા પડી ગયા; તેમ કોલસાનો ચુલો ટાઢો પડવાનો નથી. એને તો બધી રસોઈ બની જશે પછી જ આરામ મળવાનો છે.

બાકી અહીં પણ ચા તો એવી જ બનવાની છે.

ત્રણ ચા ..
એક માની બનાવેલી,
એક પત્નીએ બનાવેલી
અને…..
એક જાત મહેનતની.

સાચું કહું?
આજની ચા વધારે મીઠી લાગે છે!

મારી બનાવેલી છે, માટે નહીં-

આજની છે માટે! 

હું ચાના પ્યાલા પર ઢાંકેલી પ્લાસ્ટીકની ડીશ બાજુએ મુકું છું. એની પર ચાની વરાળ ઠરીને બાઝેલાં પાણીનાં બીંદુઓમાં મને બહેનની આંખમાંથી સરતાં, ધુમાડો સહેવાના કારણે નીકળેલાં, અશ્રુઓ દેખાય છે.

કોન્ક્રીટીન્ગ

સાઈટ કામથી ધમધમતી હતી. નવા પાવર સ્ટેશનનું બાંધકામ પુર જોશમાં ચાલુ હતું.

ક્યાંક ક્રેન વડે ભારે સામાન ઉંચે ચઢાવાતો હતો. બોઈલરના સ્ટીલના માળખા ઉપર બહુ ઉંચે ચાર માણસો ક્રેન વડે ટીંગોળાઈને રહેલા ભારે ગર્ડરને તેના યથા યોગ્ય સ્થાન પર ગોઠવવા પ્રયત્ન કરી રહ્યા હતા. આ કામ અત્યંત જોખમી હતું.  ક્યાંક  ગેસ વડે લોખંડના એન્ગલ  કપાઈ  રહ્યા હતા; તો ક્યાંક મોટા ગર્ડરના વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું; અને આંખો આંજી નાંખે તેવી ઝળહળતી જ્યોત દુરથી પોતાના નજારા તરફ ધ્યાન ખેંચી રહી હતી.

ક્યાંક ખટારામાં ભરાઈને આવેલો સામાન નીચે ઉતારવામાં આવી રહ્યો હતો. ક્યાંક લાકડાંના ખોખાં ખોલીને મશીનરીના ભાગ બહાર કઢાતા હતા. ક્યાંક વીજળીનાં દોરડાં નંખાઈ રહ્યાં હતાં. ક્યાંક ખટારામાંથી રેતી તો ક્યાંક પથ્થરની કપચી જમીન પર ઠલવાઈ રહ્યાં હતાં. ક્યાંક  માપપટ્ટી વડે જમીન પર અથવા લોખંડના ગર્ડર પર માપ લઈ નીશાન કરવામાં આવી રહ્યાં હતાં,

ક્યાંક નાનકડી સાઈટ ઓફીસોમાં કામચલાઉ ટેબલ પર ડ્રોઈંગ પાથરી એન્જીનીયરો, ગંભીરતાથી નકશાઓનો ઉંડો અભ્યાસ કરી રહ્યા હતા. ક્યાંક ટેબલ ખુરશી પર બેસી, સુપરવાઈઝરો થયેલા કામનો હીસાબ ડાયરીઓ અને રજીસ્ટરોમાં નોંધી રહ્યા હતા. ક્યાંક માથે ટોપા પહેરી સાહેબ લોકો થઈ રહેલા કામનું નીરીક્ષણ કરી રહ્યા હતા.

ક્યાંક થાકેલા મજુરો ઘડીક પો’રો ખાવા ધોમ ધખતા તડકામાં ચાંદનીની શીતળતાનો અનુભવ કરતાં પાણી પી રહ્યા હતા. એક છેડે ઘોડીયાઘરમાં નાનાં બાળ કીલ્લોલ કરી રહ્યાં હતાં; અને એક ખુણામાં બે માતાઓ પોતાનાં નાનકડાં ભુલકાંઓને સ્તનપાન   કરાવી રહી હતી.

સવારના દસ વાગ્યાના સુમારે આખી સાઈટ પર,  ભારતના વીધ વીધ રાજ્યોમાંથી આવેલા, આશરે સાતસો માણસો કામ કરી રહ્યાં હતાં.

અહીં એક મોટા ફાઉન્ડેશનનું કોન્ક્રીટીન્ગ ચાલી રહ્યું છે. તૈયાર થશે પછી, એની ઉપર આઈ.ડી.ફેન ગોઠવાશે અને બોઈલરમાંથી બહાર નીકળતા ગરમાગરમ ધુમાડાને ઉંચી ચીમની તરફ ધકેલશે.  પાવર સ્ટેશનની મશીનરીનાં ફાઉન્ડેશનમાં આ ત્રીજા નમ્બરનું મોટું ફાઉન્ડેશન છે. ત્રણ કોન્ક્રીટ મીક્સર મશીનો મોટા અવાજે અંદર નાંખેલા, કપચી રેતી, સીમેન્ટ અને પાણીના મીશ્રણને એકરસ કરી રહ્યાં છે. બાજુમાં આ બધા સામાનના મોટા ઢગલા પડેલા છે. થોડી થોડી વારે આ મશીનો પોતાના મહાકાય અને ગોળ ફરતા પેટને આડું કરીને સીમેન્ટના રસથી ખદબદેલા મુખમાંથી તૈયાર થયેલો કોન્ક્રીટ ઓકી કાઢે છે. તરત તગારાંઓમાં ભરાઈને, આ કોન્ક્રીટ લોખંડના પાંજરાઓથી  ભરચક,  ફેનના ફાઉન્ડેશનના લાકડાના માળખામાં ઠલવાઈ રહ્યો છે. ત્રીસેક માણસો આ અગત્યના કામમાં  પરોવાયેલા છે. આખી સાઈટ ઉપર, આજની તારીખમાં સૌથી અગત્યનું આ કામ પુર જોશમાં ચાલી રહ્યું છે.અને તેના આખરી તબક્કામાં છે. .

અને ત્યાંજ એક ધડાકો થાય છે. બોઈલરના મહાકાય માળખાની ઉપર, 45 મીટર ઉંચે, ગર્ડર ગોઠવી રહેલો, એક મદ્રાસી ફીટર નીચે પડી ગયો છે. લોહીના ખાબોચીયામાં લથપથ તેની કાયા લગભગ નીશ્ચેતન બનીને પડી છે. થોડીક જ વારમાં આજુબાજુ એક ટોળું ભેગું થઈ જાય છે. શું થયું છે તે જાણવા ઉત્સુક કામદારોને દુર રાખવામાં, સાઈટ પરનો સીક્યોરીટી સ્ટાફ માંડ માંડ સફળ થાય છે. તાબડતોબ ઝબુકતી લાલ લાઈટ વાળી અને સાયરનનો તીવ્ર અવાજ કરતી એમ્બ્યુલન્સ વાન સ્થળ પર આવી પહોંચે છે. આ દુર્ભાગી ફીટરને હોસ્પીટલ લઈ જવા તરત તે નીકળી પડે છે.

સાઈટ પરનો આ ચોથો અકસ્માત છે. સૌને ખાતરી છે કે, આગલા ત્રણ અકસ્માતોની જેમ આ પણ પ્રાણઘાતક જ નીવડવાનો છે. આટલે ઉંચેથી પડેલ આ જણ બચી જાય; તેવી શક્યતા નહીંવત છે. તરત બધે કામ બંધ પડી જાય છે, રોષે ભરાયેલા કારીગરો અને મજુરોનાં ટોળે ટોળાં ઠેર ઠેર એકઠાં થઈ ગયાં છે. બધાં કામ ઠરીને ઠપ્પ થઈ ગયાં છે. આવા પ્રાણઘાતક અકસ્માતો વીશે બધે ગુસ્સો અને આક્રોશ વ્યક્ત થઈ રહ્યાં છે. લાલચોળ આંખોવાળો,  અને પરસેવે રેબ ઝેબ એક કામદાર ઉભરાતા ગુસ્સામાં, હાથમાં પકડેલા લોખંડના સાધનને હથીયાર તરીકે વાપરવાની ચેષ્ટા કરી રહ્યો છે.

સાઈટનો પ્રોજેક્ટ મેનેજર સુધીર તાબડતોબ અકસ્માતના સ્થળ પર આવી પહોંચ્યો છે. પરીસ્થીતીનો તાગ કાઢીને એની આજુબાજુ એકઠા થયેલા વીવીધ કામોના ઈન ચાર્જ  એંજીનીયરો અને મેનેજરોને આજના દીવસ પુરતું, કામ બંધ રાખવા  સુચના આપે છે.સમો વરતીને ડાહ્યા ઈન ચાર્જ સાહેબોએ રજા જાહેર કરી દે છે.

પણ સીવીલ કામનો મેનેજર નયન કહે છે,” સાહેબ! આઈ.ડી. ફેન ફાઉન્ડેશનનું કોન્ક્રીટીન્ગ કામ બંધ કરી દઈએ તો, પોણું પુરું થયેલું કામ નકામું જાય. આખું ફાઉન્ડેશન તોડી નાંખી નવેસરથી બનાવવું પડે. લોખંડના સળીયાથી ખીચોખીચ એને તોડતાં જ એક અઠવાડીયું નીકળી જાય અને ફરીથી ભરવામાં બીજા પંદર દીવસ. જો આ કામ ચાલુ રાખી શકાય તો આ નુકશાન અને સમયનો બગાડ અટકાવી શકાય. “

બાહોશ સુધીરને નયનની આ વાત તરત સમજાઈ ગઈ છે. પણ ઉશ્કેરાયેલા કામદારોને ફરીથી કામે લગાડવા, એ બહુ જ મુશ્કેલ કામ છે. ક્યાંક કોઈક થોડીક ઉશ્કેરણી કરે; તો કામદારોનું આખું  ટોળું હીંસક બની શકે તેમ છે.

સુધીર અને નયન ફેનના એ ફાઉન્ડેશનના કામ તરફ  પ્રયાણ કરે છે. બધા કામદારો અને મજુરો વકાસેલાં મોંઢે  ટોળે વળીને ઉભાં છે. એક પ્રચંડ આવેગ સાથે, સુધીર બાજુમાં પડેલા, લોખંડના એક પીપને ચતું કરાવી, તેની ઉપર ચઢી જાય છે. તેના મુખ પર શોકની કાલીમા છવાયેલી છે; પણ મનમાં એક મક્કમ નીર્ધાર સવાર થયેલો છે.

સુધીરના મોંમાંથી બુલંદ અવાજે વાણી સરવા માંડે છે.

“ ભાઈઓ અને બહેનો! આજે આપણે બોઈલરના સ્ટ્રક્ચર પરથી થયેલા અકસ્માતના કારણે બહુ જ દુખી છીએ. ભાઈ શંકર અન્ના આપણી સાઈટ પર ગભીર રીતે ઘવાયા છે. આપણને બધાંને આ માટે બહુ જ દુખ થયું છે. જાણે કે, આપણો સગો ભાઈ રામજીનો પ્યારો થઈ જવાનો હોય; તેવી લાગણી તમને અને મને થઈ આવી છે. આ બહુ જ સ્વાભાવીક છે. આજના દીવસ માટે આપણે સાઈટ પરનાં બધાં કામ બંધ રાખવાની જાહેરાત કરી જ છે.

પણ તમે લોકો જે કામ કરી રહ્યાં હતાં, એ એવું કામ છે , જેને બંધ રાખી શકાય તેમ નથી. એમ કરીએ તો મોટું નુકશાન થાય તે તો ઠીક; પણ લગભગ પતવામાં આવેલા આ ફાઉન્ડેશનને  તોડીને નવેસરથી બનાવવું પડે. મારી તમને હાથ જોડીને વીનંતી છે કે, અડધો જ કલાક આ કામ ચાલુ  રાખીએ, તો આ બધી જફા ટાળી શકાય. તમારા સૌનાં દુખમાં હું સહભાગી છું.

ભાઈ શંકર અન્ના બહુ જ ઈમાનદાર અને કર્તવ્યનીષ્ઠ કારીગર હતો. એને આવું થાય તે હરગીજ પસંદ ન પડ્યું હોત. એના સાચા કામદારી જુસ્સાને માન આપીને, આપણે આ કામ ચાલુ રાખીએ તેવી મારી આપ સૌને આગ્રહ ભરી વીનંતી છે. આપણે બધા એક મીનીટ મૌન પાળીને આ કામ ફરીથી શરુ કરીશું?”

અંતરમાંથી નીકળેલ આ વાણીની ધારી અસર થાય છે. એક મીનીટ મૌન પાળીને આઈ.ડી ફેનના ફાઉન્ડેશનનું એ કામ ફરીથી શરુ થાય છે અને અડધો જ કલાકમાં પુરું કરવામાં આવે છે.

……………..

સત્યકથા પર આધારીત

ડાકોર પદયાત્રા : ભાગ – 2

ભાગ –  1

ચાર દીવસની યાત્રા, રોજના વીસ કીલોમીટર. દરરોજ દસ મીનીટ પણ ન ચાલનાર આ મેનેજર સાહેબ માટે કોલમ્બસના એટલાન્ટીક ખેડાણ જેવી એ સફર હતી.  બપોરે ઉતારે પહોંચીએ ત્યારે તો ટાંટીયા ટાઈટ થઈ ગયા હોય; ગોટલા ચઢી ગયા હોય અને પગની પાની પર ઠેર ઠેર આંટણ તો ખરા જ. બપોરે જમીને, નામકે વાસ્તે ચાદર પાથરી હોય કે ન હોય તો પણ; લીમડાના કોઈ ઝાડની નીચે; એવી મધ જેવી મેંઠી નીંદર આવી જાય કે, સો મણની તળાઈ પર અને એર કન્ડીશનમાં પણ નો’ આવે બાપુ, હોં!

આવા જ એક દીવસે દસેક વાગે અડધા ચઢેલા ગોટલે, અમે વાતો કરતા કરતા, મંદ ગતીએ આગળ ધપી રહ્યા હતા; ત્યાં અમારા સંઘની જ એક ટોળી અમને ઓવરટેક કરીને, ‘જય રણછોડ , માખણ ચોર’ના નારા જોરશોરથી લગાવતી, અમારાથી આગળ નીકળી ગઈ.  પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધું મળીને પંદરેક જણ હતાં. બધા ગુલાલથી પણ ખેલેલા  હતા; અને બરાબર મસ્તીમાં અને ભક્તીરસમાં તરબોળ હતા. મારા જેવા એક બે જણ સીવાય, લગભગ બધા ઉછળતા અને કુદતા હતા. એમની વચ્ચે બે હાથથી એમના જુથની ધજા પકડી, આધેડ વયની એક સ્ત્રી મસ્તીમાં ઉછળી રહી હતી. એનો ઉત્સાહ અને કૃષ્ણભક્તી દાદ માંગી લે તેવાં હતાં. અમે તો વીસ્ફારીત નેણે એની છટાઓ નીહાળી રહ્યા. સફરનો થાક એના કોઈ પણ અંગમાં વર્તાતો ન હતો.

મારા કાકા સ્વભાવ પ્રમાણે, એ જુથમાં સૌથી પાછળ ચાલતા, મારી ઉમ્મરના એક દાદાને  મારાથી પુછ્યા વીના ન રહેવાયું.

“ કાકા! આ બહેનનો ઉત્સાહ  તો ગજબનો છે.”

“મારા દીકરાની વહુ છે.”

“ આ ઉમ્મરે એમની તાકાત અદભુત છે.” – મેં અભીપ્રાય આપ્યો.

“ તમે એની શું ઉમ્મર ધારો છો?”

“ સ્ત્રીઓની ઉમ્મરની વાત ન કરાય.” – મેં મારું ડહાપણ દર્શાવ્યું.

“ અરે! આપણા જેવા કાકાઓને તો બધી છુટ. બોલો કેવડી હશે?“

મેં બીજા કોઈ સાંભળી ન જાય તેમ, ડરતાં ડરતાં પીસ્તાળીસ કહ્યા.

“ અરે પચાસ વરહની છે. એને ત્રણ દીકરા અને એક દીકરી પણ છે. અને દીકરીય પરણેલી અને બચરવાળ છે.”

“ શું વાત કરો છો? ના હોય.” – હું આશ્ચર્યમાં  બોલી ઉઠ્યો.

કાકાએ ઉમેર્યું ,” એટલું જ નહીં. એને તો તઈણ વાર હાર્ટ એટેક પણ આવી ગયેલા છે.”

મારી સાથેના બીજા ત્રણ મીત્રો પણ, આ વાત સાંભળી આશ્ચર્યચકીત થઈ ગયા.

એક ડોક્ટર ભાઈ તો બોલ્યા પણ ખરા. “ એમણે આટલું બધું જોખમ ન લેવું જોઈએ.” મેં પણ આ વાતમાં ટાપશી પુરાવી.

થોડી વારે એ બહેન પાસેથી ધજા એમના સંબંધી,  બીજા  કોઈ ભાઈએ ઉઠાવી લીધી, અને બહેન થોડાં ધીમાં પડ્યાં.

મેં તો અહોભાવથી તેમની સાથે ચાલવા માંડ્યું અને વાત માંડી. “ બહેન, મને ખબર પડી કે, તમને તો ત્રણ વખત હૃદયરોગનો  હુમલો થયેલો છે. આટલી બધી તકલીફ ન વહોરતાં હો તો? “

અને એમણે ઉચ્ચારેલું એ વાક્ય સ્મરણ પટ પર આટલા વર્ષે પણ કોતરાયેલું રહ્યું છે, ”રણછોડરાયની મે’રબાની! એની મરજી થાય અને ઉઠાવી લે, સંઘમાં ટીકીટ ફાટી જાય તો કેટલું બધું પુન મળે?”

આ મસ્તી અને આ શ્રધ્ધા જોઇ ભગવાનને કે કોઈને પગે ન લાગનાર આ જણ  એ બહેનને મનોમન વંદી રહ્યો.

,

https://gadyasoor.wordpress.com/2009/02/28/dakor_jorney/

मेरा गाना

હીન્દીમાં શીર્ષક, વીષય ગાવાનો  અને તેય ગદ્યસુર ઉપર?

હા વાત એમ જ છે. છેલ્લે ખબર પડશે કે એમ કેમ?!

  • કોઈ કવીતા વાંચતા હોઈએ, લય પકડાય અને મન ગણગણવા લાગે. કેવી મઝા?
  • ભાવવીભોર બનીને કવીતાનો પાઠ કવી પોતે કરતા હોય, અને આપણે એમની ઉપર ઝુમી ઉઠીએ અને માશાલ્લાહ બોલી ઉઠીએ. કેવી મઝા?
  • વળી શોભિત દેસાઈ જેવા કોઈ કવી પોતાની કવીતા તરન્નુમમાં ગાતા હોય અને આપણા મુખમાંથી ‘દુબારા.. દુબારા..’ ની ફરમાઈશ સરી પડે. કેવી મઝા?
  • ગમતું ગીત રેડીયો, પ્લેયર કે ટીવી ઉપર ઉચ્ચ કક્ષાના સંગીત સાથે આપણા માનીતા કોઈ ગાયક કે ગાયીકા ગાતા હોય અને આપણા પગ અને હાથ તાલ દેવા માંડે અથવા આપણે નાચવા લાગીએ. કેવી મઝા?

      પણ એ બધાયથી મોટી મજા કઈ – ખબર છે? આવું કાંઈક થયું હોય અને બીજા દીવસે સવારે બાથરુમની  એકલતામાં આપણે એ ગીતનું ગુંજન કરવા લાગી જઈએ. કોણ એવો અભાગી હશે જે, બાથરુમ  સીંગનહીં હોય?

સાવ સાચી વાત લાગી ને? તો જુઓ આ એકવીસમી સદીમાં આ આનંદને ચરમસીમા પર લઈ જવાનાં સાધનો ઉપલબ્ધ છે.  પાંચેક વરસ પહેલાં મારા દીકરાને ત્યાં શીકાગો એકાદ મહીનો રહેવા ગયો હતો ત્યારે એક કરોકી પાર્ટીમાં ઘણાને સીડી પર વાગતા સંગીતની સાથે ગાતા સાંભળ્યા હતા. અને બહુ નવાઈ લાગી હતી. એક ગીત પર સાથે ગાવાનો નીષ્ફળ પ્રયત્ન પણ કર્યો હતો.

હમણાં ફોર્ટવર્થમાં રહેતા શ્રી. ગીરીશ અને ઉષા પટેલ અને તેમની દીકરી સ્નેહલના ઘેર નવા ખરીદેલા ઘરની ઉજવણીની પાર્ટીમાં એક નવો  જ લહાવો માણવા મળ્યો. (કેલીફોર્નીયાથી આવેલો એમનો દીકરો જીગર અને બીજી દીકરી  સોનલ અને જમાઈ મુકેશ પણ ત્યાં હાજર હતા.) બીજા એક સ્થાનીક મીત્ર શ્રી. કમલેશ કુરાનીએ એક નવું નજરાણું રજુ કર્યુ.

એ છે .

मेरा गाना ( એ વેબ સાઈટ જોવા અહીં ‘ક્લીક’ કરો.)

MeraGana

ઉપરના ચીત્રમાં બતાવ્યા પ્રમાણે જે ગીત તમારે ગાવું હોય તે ચાલુ કરીએ એટલે એ ગીતનું સંગીત તો વાગવા માંડે જ. પણ સાથે એના શબ્દો પણ મોનીટરના સ્ક્રીન પર લખાવા માંડે. ડાબી બાજુએ નીચેથી ધીરે ધીરે પરપોટા ઉપર તરફ ગતી કરવા માંડે અને લક્ષ્યસ્થાન પર પહોંચે એટલે એક ફુદડી શબ્દોના અક્ષર પર રમતી રમતી આપણને ગાવા માટે સુચન આપતી રહે. ક્યાં અટકવું, ક્યાં લંબાવવું, ક્યાં ખાલી સંગીત જ વાગવા દેવું, ક્યાં ગીતની આગળની લીટીઓ  આત્મસાત કરી લેવી. આ બધી સુચના આવતી રહે. અને તે પણ બહુ જ સરળતાથી સમજી શકાય તે રીતે. દ્વંદ્વગીત હોય તો પુરુષે ગાવું કે સ્ત્રીએ એ માટે જુદા રંગમાં શબ્દો પ્રગટ થાય.

ગીરીશભાઈના ઘરની પાર્ટીમાં બધાં ગાવાં લાગ્યાં. અરે! મારા જેવા ગર્દભસેને પણ ગાયું અને દાદ મેળવી! મારી બાજુમાં બેઠેલા  એક તોંતેર વરસના દાદા પણ ઝુમી ઉઠ્યા.

બોલો મઝા પડીને?

મઝા કોઈ પણ પ્રકારની હોય. ગણગણવાની, મુશાયરાની, તરન્નુમની, સુમધુર ગીત અને સંગીતની, બાથરુમમાં ગાવાની કે કરોકીની .. જીવન અનેક વીષમતાઓથી ભરેલું છે. એમાંથી મન મહોરી ઉઠે એવું ગાવા માટે એક બે ક્ષણ ચોરી લઈએ તો?

ફાર્મ હાઉસ, ભાગ -1 : એક સ્વાનુભવ

    એક બાજુ સાવ નાનકડી લેમ્પ્રી નદી છે. બીજી બાજુએ નકામા થઈ ગયેલા, જુના રેલરોડને હટાવી બનાવેલો કાચો રસ્તો છે. અને ત્રીજી બાજુએ રેમન્ડ ગામનો એક સ્થાનીક રસ્તો છે. આ ત્રણ સીમાઓની વચ્ચે રાજેન્દ્રનું અગીયાર એકરનું વીશાળ ફાર્મ હાઉસ આવેલું છે. અમે અહીં દીવસનો એક ટુકડો ગાળવા આવ્યા છીએ.

  

રાજેન્દ્ર ત્રીવેદીનું ફાર્મ હાઉસ, રેમન્ડ, ન્યુ હેમશાયર

રાજેન્દ્ર ત્રીવેદીનું ફાર્મ હાઉસ, રેમન્ડ, ન્યુ હેમશાયર

ગામના રસ્તામાંથી  અંદર પ્રવેશતાં બે માળનું,  બધી સગવડોથી સુસજ્જ, ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ તો નામનું જ. શહેરમાં હોય તેવી બધી સગવડો અહીં હાજર છે. જાણે કોઈ હમ્મેશ અહીં  રહેતું ન હોય? નીચલા માળે બે દીવાનખંડ, રસોડું અને એક વધારાનો ઓરડો છે. ઉપરના માળે બે બેડરુમ અને એક મોટો હોલ છે. રસોડાનું એક બારણું બહાર એક ખુલ્લી અગાશીમાં ખુલે છે, જેમાંથી બે નાનકડી સીડી વડે ઉતરી ગેરેજ તરફ જઈ શકાય છે.

 

     ગેરેજ આ ઘરથી થોડેક દુર છે. ગેરેજ તો કહેવાનું જ. જાતજાતની સામગ્રીઓ અને સાધનો એમાં ભરેલા છે. પણ ચાર કનો ( બે જણ બેસી શકે તેવી હોડી) પર તરત જ  કોઈનું પણ ધ્યાન ખેંચાય છે.  ગેરેજના પ્રવેશદ્વારની એક બાજુએ એક મોટું ટ્રેલર અને એક નાનું ટ્રેલર પડેલાં છે. ઘર અને ગેરેજની વચ્ચે બે ક્વાર્ટ પડેલાં છે – ચાર પૈડાં વાળી, મોટર સાઈકલ. રાજેન્દ્રના  દીકરા ધવલ અને તેની વાગ્દત્તા ‘જોડી’ એમની ટ્રકમાં ચઢાવી એ ક્વાર્ટ લાવીને, અમારી પહેલાં, ક્યારનાંય આવી ગયેલાં છે. નમણી અને નાજુક જોડી કોલસાની સગડીના આધુનીક અવતાર જેવી, ગોળમટોળ ગ્રીલમાં મકાઈ શેકવાની તજવીજમાં મશગુલ છે. ધવલ આઉટડોર જેકુઝીને કાર્યરત કરવાની લમણાંઝીક કરી રહ્યો છે.

    આ ઉપરાંત બીજા બે નાનકડા, એક ઓરડાના મકાનો કાટમાળથી ભરેલા છે. કદાચ એક જમાનામાં એ આઉટહાઉસ તરીકે અથવા ખેતરનો સામાન ભરવા વપરાતા હશે.          

    પણ ક્યાં કોઈ ખેતર કશેય દેખાય છે? અહીં કાંઈ ઉગાડવામાં આવતું હોય; તેવાં કોઈ ચીહ્ન દૃષ્ટીગોચર થતાં   નથી. બે પ્લોટમાંથી જંગલી ઝાડ કાપી નાંખી ખુલ્લાશ કરવામાં આવેલી છે. અને એ ખુલ્લાશ પણ કેવી? સાવ ઉબડખાબડ. એક પ્લોટમા ઢોળાવોવાળી હરીયાળી છવાયેલી છે; જ્યારે બીજામાં માટી વાપરી બનાવટી ઢોળાવ બનાવેલો છે – તરવરતા તોખારની જેમ હણહણતા રાજેન્દ્રના ત્રણ જવાંમર્દ,  સુપુત્રો અને તેમના મીત્રોને મોટરસાઈકલની દીલધડક સફર કરવા માટે. અલ્યા ભાઈ! એ તોખાર એટલે રાજેન્દ્ર સમજી ન લેતા. એ તો ભાષાના અધુરા જ્ઞાનને કારણે ખોટી રીતે મુકાયેલ વીશેષણનો પ્રતાપ છે!

     પણ એ કહેવાતા ફાર્મ હાઉસનો અત્યંત મોટો ભાગ તો ઉંચા, જંગલી વૃક્ષોથી ભરચક ભરેલો છે. મકાન અને ખુલ્લા પ્લોટોને સાંકળતો, એક ક્વાર્ટ જ હંકારી શકાય તેવો, વાંકો ચુકો, કાચો રસ્તો આ જંગલને ચીરી, લપાતો છુપાતો, રમતીયાળ બાળકની જેમ ઘુમરીઓ ખાતો ખાતો, આ એસ્ટેટના એક છેડેથી બીજે છેડે સફર કરે છે – કરાવે છે. એ રસ્તાને ઢબુરીને, મે મહીનાની હુંફાળી ગરમીથી શેકાયેલાં, તોતીંગ વૃક્ષો લીલીછમ્મ હરીયાળીથી છવાયેલાં છે.

   થોડોઘણો નાસ્તો કરી, ગપસપ કરતાં, અમે અગાશીમાં હુંફાળા અને ગુલાબી ઠંડીની મજા માણતા બેઠા છીએ. રાજેન્દ્રનો એક મીત્ર છેક હોનોલુલુ હવાઈથી આવેલો છે. એની હરેકૃષ્ણ ભક્તી છાની નથી રહેતી. એની સાથે વાત કરતાં એની નમ્રતા, ભારતીય પ્રણાલીઓ અને વીચાધારાનું જ્ઞાન કોઈ જાતના ભાર વીના ઉઘડતું જાય છે. બોસ્ટનની એક ગ્રીક રેસ્ટોરન્ટના માલીકની પોલીશ ( મુળ પોલેન્ડની)  પત્ની રાજેન્દ્રની પત્ની ગીતાને ઈડલી બનાવવામાં મદદ  કરી રહી છે. બીજું એક અમેરીકન કુટુમ્બ પણ તરત મારું ધ્યાન ખેંચે છે. એમનું દોઢેક વરસનું ભટુરીયું દીવાનખંડમાં નીદર માણી રહ્યું છે. એમનાં બીજાં બે બાળકો વીણી લાવેલાં ઝાડની છાલને પ્લેનની ઉપમા આપી કીલ્લોલ કરી રહ્યા છે. ત્યાં જ જોડી અને તેની બહેનપણી શેકેલા અને માખણ ચોપડેલા, ગરમાગરમ મકાઈ લઈને આવી પહોંચે છે. એની અદભુત મીઠાશ વાગોળવામાં બધા પરોવાય છે. અમે ત્રણ અમદાવાદીઓ લીંબુનો રસ, મીઠું, મરી અને મરચાંનો ભુકો લગાવી આ મીઠાશને ચટપટીલા સ્વાદનો લેપ લગાવીએ છીએ.    

 

ક્વાર્ટ પર ધવલ

ક્વાર્ટ પર ધવલ

    અને ત્યાં ધવલના બે મીત્રો આવી પહોંચે છે. એ પોતપોતાના ક્વાર્ટ લઈને આવેલા છે. આ સૌને નાસ્તા કે ગપસપમાં રસ નથી. ચાર ચાર ક્વાર્ટોનો ધમધમાટ શરુ થઈ જાય છે. બધા હડીઓ કાઢતા જંગલમાં ખોવાઈ જાય છે અને પુરઝડપે, ઓલ્યા માટીના ઢોળાવોને ધમરોળવા માંડે છે. કદીક ઘાસના હરીયાળા ઢોળાવો પર પુર ઝડપે આવીને ક્વાર્ટને છલાંગ મરાવી, સરકસમાં જોયેલા મોતના કુદકાની યાદ તાજી કરાવી જાય છે.

      આ જવાનીયાઓને જોઈ મારી ગધાપચીસીના સંસ્મરણોમાં હું ખોવાઈ જાઉં છું. એ દીવાસ્વપ્નમાંથી જાગૃત થતાં ચપટીક પોરો ખાવા આવેલા ધવલને મારી બડાશો સંભળાવું છું. સાડા ત્રણ હોર્સપાવરની ‘રોયલ એન્ફીલ્ડ બુલેટ’  મોટર સાયકલ પર અમદાવાદના માનવમેદનીથી છલકાતા રસ્તાઓ પરની એ સફરનાં વર્ણનો સંભળાવી, બેળે બેળે હું એના ક્વાર્ટ ઉપર હાથ અજમાવી જોવાની પરવાનગી આપવા, હું એને પટાવી લઉં છું.  એ મને બે જ મીનીટમાં ક્વાર્ટ ચાલન કળા શીખવી દે છે.

   અને મારી છાસઠ વરહની કાયાને હું એ નવતર અને કદરુપા વાહન પર માંડ માંડ ચઢાવું છું. બે ત્રણ પ્રયત્ને એની ધમધમાટી ચાલુ થઈ જાય છે. ક્લચ છોડતાં ધમાકા સાથે ક્વાર્ટ ઉછળે છે. થોડેક આગળ જઈ એક ઢોળાવ પર એ ચઢી જાય છે; પણ હું એને વાળી શકતો નથી (સ્ટીયર). બાપજન્મારે કદી ત્રણ પૈડાંની રીક્ષા ચલાવી હોય તો ને? ગભરાટમાં હું મશીન બંધ કરી દઉં છું; અને એક અકસ્માત થતો રોકાઈ જાય છે!

  પણ ખરી મુસીબત તો સીટ પરથી ઉતરવામાં થાય છે.  બુલેટ પરથી ટપાક લઈને ઉતરી શકવાની પચીસીની એ આવડત હવે ક્યાં? ક્યાંક ઢીંચણ ચીસ પાડે છે; તો ક્યાંક થાપા દુખમાં બરાડી ઉઠે છે. વળી ‘પેન્ટ વચ્ચેથી ચીરાઈ તો નહીં જાયને? ‘ એની ચીંતા મનને કોરી ખાય છે! જાતે વહોરેલી આ કેદમાંથી હું માંડ માંડ મુક્ત થાઉં છું; અને કદી ક્વાર્ટ ન ચલાવવાની ‘તીસરી કસમ’ જાહેર કરું છું. રાજેન્દ્ર મારી હરકત અને વ્યથા જોઈ મુછમાં મલકાય છે. 

     હવે જમવાનો સમય થઈ ગયો છે. ગ્રીક, અમેરીકન અને  ભારતીય વાનગીઓના શંભુમેળાને   પેટમાં પધરાવી, હું તો બધાંની નજર ચુકાવી, વામકુક્ષી માટે બીજા માળના બેડરુમ તરફ પ્રયાણ કરું છું.

…..  સફરનો દીલ ધડકાવી દે તેવો બીજો ભાગ આવતા અંકે  … 

હોટલ ગુલશન – એક સ્વાનુભવ

     એસ.એસ.સી. નું પરિણામ આવવાની થોડીક ઘડીઓ જ બાકી હોય તેમ, વાતાવરણ એકદમ તંગ છે.  જાણે કે, શહેરના રસ્તાઓ પર હુલ્લડ બાદ લાદવામાં આવેલો કરફ્યૂ ! ર.વ. દેસાઈ વાળો ‘ભારેલો અગ્નિ’ જ જોઈ લો!

      વાતાવરણ એકદમ તંગ છે. સુરેશ! તમે … વીસ્તારમાં આવેલી હોટલ ગુલશનના રીસેપ્શન કાઉન્ટરની સામે અસહાય બનીને ઉભા છો. તમારા બધા સાથીદારો, મદદનીશો, સશસ્ત્ર સહાયક સુરક્ષા કર્મચારીઓમાંનું કોઈ તમારી સાથે નથી. તમારી સામે હોટલનો માલીક અહમદ લાલઘુમ આંખો કરી ઝેર ઓકી રહ્યો છે. તેની એક બાજુમાં મજબુત બાંધાના, મવાલી જેવા લાગતા,  તેના ચાર મદદનીશો આંખના એક જ ઈશારે તમારી પર ત્રાટકી પડવા તૈયાર ઉભેલા છે. નીચે મખમલી ફર્શ ઉપર તેનો એક નોકર બે ચાર જગ્યાએ નજીવા ઘા થયેલી હાલતમાં,દેખીતી રીતે તરફડીયાં મારવાનો  ડોળ કરીને પડ્યો છે. બીજી બાજુએ લુચ્ચી આંખો વાળો, સ્પષ્ટ રીતે બેઈમાનદાર, પોલીસ ખાતાનો સબ ઈન્સ્પેક્ટર પરમાર તમને સમાજના દુશ્મન માનીને, તમારી તરફ કરડાકીથી જોઈ રહ્યો છે.

      અહમદ– “ સાહેબ! જુઓ આ મારા નોકરને જાની સાહેબના માણસોએ કશી ઉશ્કેરણી વગર કેટલો માર્યો છે?હું અને મારા આ મદદનીશો વચ્ચે ન પડ્યા હોત તો એ ખુદાનો પ્યારો થઈ ગયો હોત.“ પેલાએ બરાબર સમયસર દર્દનો ઉંહકારો ભરવાનો ડોળ કર્યો.

     પરમાર – “ મીસ્ટર જાની ! તમે વીજળી કમ્પનીમાં આવી ગુંડાગીરી કરો છો? અહમદ  જેવા પ્રતીષ્ઠીત સજજનને આમ હેરાન કરો છો? અહમદ ભાઈ, હું તમારી જગ્યાએ હોત તો અત્યારે આ નોકરની જગ્યાએ આ કમબખ્ત સુરેશ જાની નીચે પડેલા હોત.”

     સાચું કહો ને, તમારી જાતને હીન્દી ફીલ્મના કોઈ દૃષ્યના એક અસહાય પાત્ર તરીકે તમે નીહાળી રહ્યા ન હતા? કઈ કવેળાએ તમને આ હોટલ પર વીજ ચોરી માટે દરોડો પાડવાની કમત સુઝી હતી.

      વાત જાણે એમ છે કે, બીજા ઝોનલ મેનેજરો સાથે તમે કમ્પનીના અત્યાર સુધીના ઈતીહાસમાં ન થયા હોય તેવા, વીજ ચોરી પકડવાના અભીયાનમાં સવારથી આખો દીવસ વ્યસ્ત હતા. ચારેય ઝોનના આ કામ કરતા બધા કર્મચારીઓ અને કમ્પનીના સુરક્ષા અધીકારીની મોટી સશસ્ત્ર સેના સાથે, વીજ ઉપયોગના રેકર્ડની સઘન ચકાસણી અને અન્વેષણ કર્યા બાદ, સો જગ્યાઓએ વીજચોરી પકડવા મરણીયાની જેમ, યુધ્ધના ધોરણે આખો દીવસ કામગીરી ચાલી હતી. પણ ‘ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર’ એ ન્યાયે ખાસ કાંઈ ચોરી પકડાણી ન હતી. છ સાત સાવ નાના કીસ્સા પકડાયા હતા; જેની વીજચોરીની આકારણીની રકમ આ ઓપરેશનના ખર્ચ જેટલી પણ ન હતી. વાઈસ પ્રેસીડેન્ટ સાહેબને શું રીપોર્ટ આપીશું તેની ચીંતા ચારે મેનેજરોને કોરી ખાતી હતી.

      ત્યાં જ એક ઓફીસરે બાતમી આપી હતી કે, શહેરના …… વીસ્તારમાં આવેલી ગુલશન હોટલમાં ઘણા વખતથી ચોરી થાય છે. એનો માલીક કોઈને મીટર ચકાસવા દેતો નથી અને સામાન્ય રીતે આ કક્ષાની ત્રણ તારક હોટલને વીજળીનું જેટલું બીલ આવે, તેના દસમા ભાગનું બીલ પણ બનતું ન હતું. તે ઓફીસરે પોતાની અંગત ડાયરીમાંથી બધી માહીતી સૌ મેનેજરોને બતાવી હતી.

    આથી તમારી બાકીની સેનાને વીખેરી, માત્ર જરુરી સ્ટાફ સાથે ગુલશન હોટલમાં તમે ચારે મેનેજરો ગયા હતા. એક ઓફીસર ચકાસણી કરવાની વીનંતી સાથે હોટલની અંદર ગયો હતો. તમે બધા પરવાનગી મળે તેની રાહ જોઈને બહાર ઉભા હતા. થોડી જ વારમાં એ ઓફીસર ભયભીત ચહેરે દોડતા બહાર આવ્યો હતો. કોઈએ તેના ગાલ પર કચકચાવીને લાફો માર્યો હતો.

    લાલઘુમ ચહેરે અને લગભગ રડમસ અવાજમાં એ બોલી ઉઠ્યો હતો,” જલદી ભાગો . નહીં તો એ લોકો હથીયારો લઈને આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે.” હજુ એ બોલવાનું પુરું કરે એ પહેલાં જ મવાલી જેવા દેખાતા આઠ માણસો લાકડીઓ, પાઈપો અને સાઈકલની ચેનો લઈને તમારા સ્ટાફ તરફ ધસી ગયા હતા. લાકડીઓનો માર પડતાંની સાથે જ તમારો નીશસ્ત્ર સ્ટાફ ભાગમ દોડ કરવા માંડ્યો હતો. સુરક્ષા અધીકારી અધીકારી શ્રી. શેઠ અને તેમના સ્ટાફે વીરતાપુર્વક, મુકાબલો કરવા કોશીશ કરી હતી. પણ આ અચાનક થયેલા હુમલાના કારણે એ બરાબર સભાન ન હતા. આથી માર ખાઈ એ પાછા પડ્યા હતા. શ્રી શેઠ બહાદુરીથી લાકડી લઈ અને એક હાથમાં રીવોલ્વર રાખી, તેનો ઉપયોગ કરવાની ધમકી સાથે ઝઝુમ્યા હતા. પણ એકાએક એક મવાલીએ તેમના માથામાં સાઈકલની ચેન ફટકારી હતી. લોહી નીગળતા, તમ્મર ખાઈને તે રસ્તા પર પડી ગયા હતા. આ ભયંકર દૃષ્ય જોઈ બધો  સ્ટાફ દુર રાખેલી જીપોમાં બેસી પલાયમાન થઈ ગયો હતો.

     તમે અને તમારા એક સાથી મેનેજર થોડીક બાજુમાં અને ગભરાઈ ગયેલા રાહદારીઓની વચ્ચે ઉભેલા હોવાને કારણે, આ તોફાનીઓની નજરે ચઢ્યા ન હતા. હોટલનો સ્ટાફ પાછો ગયો કે તરત જ તમે લોકોએ શેઠને બેઠા કરી એક કારમાં બેસાડ્યા હતા. તમારા મેનેજર સાથી સાથે મસલત કરી એમ નક્કી કર્યું હતું કે, તેઓ શેઠને સીવીલ ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જશે અને બીજી કારમાં તમે નજીક આવેલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવા જશો.

    આમ … વીસ્તારના થાણામાંથી પોલીસ જીપમાં બેસી, સબ ઈન્સ્પેક્ટર પરમાર સાથે, ગુલશન હોટલમાં તમે એકલા પ્રવેશ્યા હતા. તમારી વીનંતીથી એ ભ્રષ્ટ પોલીસ ઈન્સ્પેક્ટરે ચકાસણી કરવા તમારા સ્ટાફને બોલાવવા તમને બહાર જવા દીધા હતા.પણ આવી ગંભીર પરીસ્થીતીનો આગોતરો કોઈ અનુભવ ન હોવાને કારણે, ભાગી જવાને બદલે વાઈસ પ્રેસીડેન્ટ સાહેબને આ કટોકટીની ખબર આપી, હોટલના રીસેપ્શન આગળ તમે પાછા ફર્યા હતા. ત્યાર બાદ હોટલમાં ભજવાયેલા, જુઠ્ઠા અને બેહુદા નાટકની ચરમસીમા જેવા ભાગમાં તમે સાવ અસહાય બનીને ઉપર વર્ણવ્યા પ્રમાણે, તમારી જીંદગીની, કદી ન ભુલાય તેવી, ઘટનામાં ગળાડુબ સંડોવાઈ ગયા હતા. પેલા નોકરને દેખીતી રીતે, હોટલના જ સ્ટાફે, પરમાર સાહેબની સહાનુભુતી મેળવવા, નજીવો માર મારી તરફડીયાં મારવાનો અભીનય કરતો રજુ કર્યો હતો.

     અહમદના એક સાથીએ તો હાથમાંની લાકડી પણ તમારી તરફ ધરી હતી, અને બીજાઓ આક્રમક સળવળાટ કરી રહ્યા હતા. અહમદ તમને મરણતોલ ઘાયલ કરી દેવાનો સ્પષ્ટ ઈરાદો સેવી રહ્યો હતો. એના બધાં જ ચીહ્નો તેના લાલઘુમ ચહેરા પર તરવરતા હતા. પરમાર સાહેબ તમને ફસાવ્યાના આનંદના અતીરેકમાં મુછમાં મલકાતા હતા. તેમના ચહેરા પર ફરકી રહેલુ, લુચ્ચું સ્મીત આ બદઈરાદાની ચાડી ખાતું હતું.

    કઈ ઘડીએ જમીન દોસ્ત થઈ, ખરેખર તરફડીયાં મારતા થઈ જશો તેવી ધાસ્તીથી, પસીને રેબઝેબ તમે અત્યંત મુશ્કેલીથી તમારો ભય છુપાવવા પ્રયત્ન કરી રહ્યા હતા.

     તમારા સદનસીબે, આ કટોકટીની ક્ષણે, ઈન્સ્પેક્ટર પરીખ હોટલમાં પ્રવેશ્યા. તેમને જોતાં જ પરમાર શીયાંવીયાં થઈ ગયો. પ્રભાવશાળી મુખવાળા અને દેખીતી રીતે પ્રામાણીક જણાતા, પરીખ સાહેબે જરુરી સવાલો પુછી, તમારું ઓળખપત્ર ચકાસી, તમને ધાસ્તી ન રાખવાની બાંહેધરી આપી દીધી. બની ગયેલ ઘટનાની આગળ પુછપરછ ચાલી રહી હતી ત્યાં જ; તમારા વાઈસ પ્રેસીડેન્ટ રામનાથન પણ ત્યાં આવી પહોંચ્યા.

     પછી તો તમારો જરુરી સ્ટાફ પણ પાછો આવી ગયો; મોડી સાંજ સુધી ચકાસણી ચાલી. પકડાયેલી ચોરીના સબબે હોટલનું વીજ જોડાણ કાપી નાંખવામાં આવ્યું. પણ અહમદે હોટલમાં રહેતા પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે કાકલુદી ભરી વીનંતી કરી. હોટલનો સપ્લાય ચાલુ કરવાની અવેજી રુપે દસ હજાર રુપીયાનો રોકડ દંડ વસુલ કરવામાં આવ્યો. ગુનાની કબુલાત સાથે, બાકીની એક લાખ રુપીયાની રકમનો ચેક બીજા દીવસે ભરવાનું લેખીત વચન અહમદે આપી દીધું. પાવર સપ્લાય ફરી ચાલુ કરવામાં આવ્યો, અને તમે સૌ રવાના થયા.

    હોસ્પીટલમાં માથે પાટો બાંધેલા શેઠની હાલતની જાત તપાસ કરી, એમની વીરતા માટે એમને નવાજી, તબીયતની કાળજી લેવાની સુચના આપી તમે ઘરભેગા થયા .

    પણ જીવનની આ અવીસ્મરણીય ઘટના તમારા માનસમાં અવનવી સંવેદના અને સમાજની વાસ્તવીક તાસીરની એક છબી કંડારતી ગઈ. સાથે સાથે આવી પરીસ્થીતીનો મુકાબલો કરવાની એક અનોખી સુઝને પણ પ્રગટાવતી ગઈ.
……………………….

[ સુરેશ જાની સીવાય, બધા પાત્રોના નામ બદલી નાંખવામાં આવ્યા છે. ]

ડાકોર પદયાત્રા

       આ વાત 1992 કે 1993ની સાલની છે. જમણા પગના ઢીંચણ પર કશોક ઝટકો આવવાના કારણે , સખત દુખાવો શરુ થયો હતો. કામ પર નીત્યક્રમ મુજબ ચક્કર લગાવવા જાઉં, તેમાં પણ ચાર ઠેકાણે વીસામો લેવો પડતો હતો. અમુક ઉપચાર કર્યા અને તે તો ગાયબ થઈ ગયો. એની વાત વળી ફરી કોઈક વખત.

      પણ, એ વીજય હાંસલ કર્યા બાદ, વીજ સમારકામ ખાતામાં બેઠો હતો , ત્યારે એક મદદનીશ શ્રી. નાયકે વાત વાતમાં , તે ડાકોર પદયાત્રા કરવા જવાનો હતો; તેમ કહ્યું. વીગતે જાણવા મળ્યું કે, 2400 માણસના સંઘમાં, ચાર દીવસની યાત્રા અને રોજ 20 કી.મી. ચાલવાનું.

     હવે માળું મને પણ શુરાતન ચઢ્યું. ‘લાવને, આ ઢીંચણ બરાબર થઈ ગયો છે કે નહીં, તેની ચકાસણી કરી લઉં.‘

     પણ, મનમાં ડર તો ખરો જ કે, ન કરે નારાયણ ને, ન ચલાયું તો? નાયકે હૈયાધારણ આપી કે, આખે રસ્તે, પાકી સડક પર જ ચાલવાનું હોય છે. એટલે વચ્ચેથી ફસકી જવાની છુટ. એસ. ટી. બસ પકડીને સીધા, સરળ રસ્તે ડાકોર ભેગા થઈ જવાય. માત્ર 75 રુપીયા ભરવાના અને ત્રણ ટંક ચા, નાસ્તા, જમણની વ્યવસ્થા સંઘ તરફથી. આપણો બીસ્તરો સાથે લઈ જવાનો; પણ સંઘવાળા એને એક મુકામથી બીજા મુકામે, ખટારામાં પહોંચાડી દે.

     મારા અમદાવાદી ભેજામાં આ યોજના મીઠી મધ જેવી લાગી. એટલે મેં પણ જનક મહારાજના એ સંઘમાં જોડાવા રુપીયા ભરી દીધા. છેવટે એ સપ્પરમો  દીવસ આવી પહોંચ્યો. અમે કાંકરીયા તળાવ પાસે આવેલા પુનીત આશ્રમમાં સવારનું ભજન અને નાસ્તો પતાવી એ મહાન યાત્રાએ નીકળી પડ્યા.

      અમદાવાદના સીમાડે વીંઝોલ ગામ પહોંચતામાં તો પગે ગોટલા ચઢવા માંડ્યા. મારા સાથીદારો તો ક્યાંય આગળ નીકળી ગયેલા. મારું રગશીયું ગાડું માંડ માંડ ગબડે. બીજા સંઘયાત્રીઓ પણ આગળ જવા માંડ્યા. મોટા રસ્તાથી ફંટાતો નાનો રસ્તો પકડ્યો. થોડેક આગળ ગયો અને એક ડગલું પણ ચલાય એમ ન રહ્યું. રસ્તાની બાજુમાં કોન્ક્રીટની એક પાળી હતી, તેની ઉપર બેસી ગયો. એક એક કરતા બધા યાત્રીઓ આગળ નીકળી ગયા. એમાંના એક બે જણને ભલામણ કરી કે, નાયકને ખબર આપે કે સુરેશભાઈએ તો બસનું શરણું લીધું! ડાકોરની બસની રાહ જોતો, ગાર્ડના ડબા જેવો, હું તો એ પાળી પર ગુડાયો.

    આ અવળી મતી મને શેં સુઝી એના વીચાર જ મનમાં ચાલે. ફરી કદી આવું દુસ્સાહસ ન કરવાનું પણ નક્કી કર્યું. ત્યાં દુરથી એક જાડાં બહેનને આવતાં જોયાં. શહેરી જ હતાં અને સાથે એક નાનકડી થેલી. મને ખાતરી થઈ ગઈ કે, એ પણ સંઘના યાત્રી જ છે. સાથે બીજું કોઈ જ ન હતું. ભારે શરીરને કારણે સાવ ધીમા ડગલાં ભરતાં ચાલે. એ પણ થોડો આરામ કરવા પાળી ઉપર બેઠાં.

    સ્વાભાવીક રીતે અમે વાતે વળગ્યાં.

     મેં કહ્યું ,” હું તો બસની રાહ જોઉં છું. તમે પણ સાથે હશો તો સાથ રહેશે.”

     બહેન, “ ના રે! હું તો ચાલતી મુકામે જ જઈશ.”

     “ પણ આ ઝડપે ક્યારે પહોંચશો?”

     “ બે વાગશે.”

      બીજા બધા તો બાર વાગે પહોંચી જવાનો અંદાજ  હતો. 

     “ તમારી ધીરજને ધન્ય છે. મારી જેમ પહેલી જ વાર આવ્યા લાગો છો. ”

     “ ના રે ! આ આઠમી વખત છે.”

       હું તો અચંબો જ પામી ગયો. વધારે વાત કરતાં એ પણ ખબર પડી કે, એ તો જૈન ધર્મ પાળતાં હતાં ! મને નવાઈ લાગી.

     મેં પુછ્યું, “ તો આ રણછોડરાયના સંઘમાં કેમ?”

    “ ભગવાન તો બધા એક જ છે ને? અમારા પાડોશી વૈષ્ણવ છે. એમનો સંગાથ સારો લાગે છે. અને હું ચાલતાં નવકાર મંત્ર ભણું છું.”

    “ તમને આમ એકલાં ચાલતાં કંટાળો નથી આવતો? “

    ” ના! બહુ શાંતી લાગે છે. મન એક ધ્યાન થઈ જાય છે.”

    શ્રધ્ધાનાં આ અપ્રતીમ દર્શન કરી હું તો ધન્ય બની ગયો. મારી હીમ્મત જાગી ઉઠી. અમે બન્ને સાથે ઉભાં થયાં. પણ એમની ગોકળગાયની ચાલે મારાથી ચલાય એમ ન હતું.  

    મેં વીવેક ખાતર કહ્યું.” હું આગળ ચાલતો થાઉં કે, તમને સાથ આપું?”

    “તમ તમારે જાઓ. હું તો મારી ચાલે પહોંચી જઈશ. “

    એ બહેનની પ્રેરણાએ મારા પગમાં કોણ જાણે ક્યાંથી જોર આવી ગયું.

   ‘‘જય રણછોડ, માખણ ચોર ‘ નો મનોમન જાપ કરતાં મેં તો પગ ઉપાડ્યા. અને ધીમે ધીમે ચાલ વધતી ગઈ. મીલીટરીના જવાન જેવો જુસ્સો પ્રગટવા માંડ્યો. ઝડપી ચાલે મેં આગળ ગયેલા યાત્રીઓને આંતરી, આગળ ધપ્યે રાખ્યું. બધા આ ‘કાકા’ ના નવા જાગેલા ઉત્સાહને પરોસાવતા જાય.  મેં નાયક અને બીજા સાથીદારોને પણ પકડી પાડ્યા એટલું જ નહીં; એમની આગળ નીકળી ગયો.

    પછી તો ચાર દીવસની એ મુસાફરીનો આનંદ ભરપુર માણ્યો. રાતે મોડા સુધી થતાં ભાવ વીભોર થઈ જવાય એવાં ભજનો અને ભોજનો તેમજ વહેલી સવારની ગ્રામ પ્રદેશની રમણીયતા ભરપેટે માણ્યાં.

    પણ એ જૈન બહેનની શ્રધ્ધા અને અંતરનો વૈભવ ભુલ્યાં ભુલાય એમ નથી.

હાઈવે ઉપર સફર

    રાતનું અંધારું શરુ થઈ ગયું હોય તેવી, શીયાળાની મોડી સાંજે, તમે મુસાફરીએ આવેલા સ્થળથી તમારા ઘેર પહોંચવા નીકળ્યા છો. નજીકના નાના અને જાણીતા રસ્તા છોડી, તમે સ્ટેટ હાઈવે પર આવી ગયા છો. આજુબાજુ, ચોગમ, કાળો ડીબાંગ અને ઝાડી ઝાંખરાથી ભરપુર વગડો માત્ર જ છે. મધુરું બાળપણ છોડીને જવાબદારી અને માથાકુટથી ભરેલા વીદ્યાર્થી કાળના જેવો જ તો.

     કાળા ઘોર વગડાની વચ્ચે એક પ્રકાશનો પુંજ કલાકના સાઠ માઈલની ઝડપે સરકી રહ્યો છે. આગળનો રસ્તો બરાબર દેખાય તે માટેની ઝળાંહળાં થતી હેડ લાઈટ અને પાછળ આવનાર વાહનને તમે પણ રસ્તા પર છો; તેની જાણ કરવા માટેની લાલ ચટ્ટાક ટેઈલલાઈટ : આ બે પ્રકાશના સ્રોત થકી આ પુંજ બનેલો છે. જીવન સંગ્રામમાં ઝઝુમવા માટે જરુરી, પ્રજ્ઞા, શાણપણ અને સુરક્ષાની પાયાની વૃત્તી જેવા,  તમારાં આ એક માત્ર સાધનો છે. અલબત્ત શરીરનાં મહત્વના અંગો અને ઉપાંગો જેવું એન્જીન તો એની મેળે ચાલતું જ રહ્યું છે – પ્રાણતત્વ જેવું ઈંધણ ભરેલું છે ત્યાં સુધી.

     તમે જે દીશામાં જઈ રહ્યા છો , તે જ દીશામાં રડ્યાં ખડ્યાં વાહનો તમારી આગળ અને પાછળ મુસાફરી કરી રહ્યાં છે. પણ એ તમારા કશા ખપનાં નથી. કોઈક તેજ ચાલનારાં તમારી કારને ઓવરટેક કરીને આગળ નીકળી જાય છે; તો કો’ક મંદગતીવાળાને તમારી કાર ઓવરટેક કરી દે છે.

     પણ જો આવા કોઈ વાહનની વધુ નજીક તમે આવી ગયા તો? અને તેય કોઈ માતેલા સાંઢ જેવો કે, કોઈ બળીયા પ્રતીસ્પર્ધી જેવો ખટારો હોય તો? શું વલે થાય? બરાબર જીવન સંગ્રામની જેમ જ તો!

     સામેની દીશામાંથી પણ તમારી કાર જેવા કોઈક પ્રકાશના પુંજ ધસમસતા જઈ રહ્યા છે. સદભાગ્યે, એમની અને તમારી વચ્ચે ભેદી ન શકાય તેવી આડશ છે. પણ જો એમની સાથે મુઠભેડ થઈ ગઈ તો? બન્નેનો ખુડદો જ બોલી જાય ને – હાથોહાથની અથડામણની જેમ? તમારી જીવનદ્રષ્ટીથી સાવ વીપરીત દ્રષ્ટી ધરાવતા લોકોથી આમ સાવ છેટા રહો તો જ ગનીમત! 

    ક્યાંક ક્યાંક એ કાળા ડીબાંગ ફલકમાં દુર કોઈક તગમગતા તારલા જેવા ગામ કે એકલદોકલ ફાર્મ હાઉસના અણસાર પણ દ્રષ્ટીગોચર થઈ જતા હોય છે. પણ આ કાળઝાળ રાત્રીમાં તમે એકલા નથી એટલો સધીયારો પુરવા સીવાય એમની કશી ઉપયોગીતા નથી. તમારે તો ગાતાં જ રહેવાનું છે –

એકલા જ આવ્યા મનવા, એકલા જવાના
સાથી વીના, સંગી વીના, એકલા જવાના.‘

– બેફામ

     પણ છેક એમ તો નથી. તમારી સાથે ગાડીમા જીવનભર સાથ આપનાર તમારી જીવનસંગીની તો છે જ; પણ આગલી સીટમાં તમારા બન્નેનો અંશ તમારો પુત્ર સારથી બનીને તમારી જીવનસફરમાં – ભુલ્યો, તમારી આ મુસાફરીમાં – તમને દોરી રહ્યો છે. એની બાજુમાં એની જીવનસંગીની છે. જીવનના અંતીમ તબક્કામાં તમારા કુટુમ્બની આ એકવાક્યતાથી તમે જીવન – સાફલ્યના પરીતોષના ભાવમાં રમમાણ છો.

    અંધારીયાની એ રાતના આકાશમાં ટમટમતા તારલા ચમકી રહ્યા છે. એમનો નજારો આકર્ષક છે; પણ એ કશા ઉપયોગનો નથી; સીવાય કે, બ્રહ્માંડની વીશાળતાની સાક્ષી પુરતા એ તમારી ક્ષુદ્રતાની વારંવાર યાદ આપતા રહે છે.

     પુરાણા કાળમાં સાચી દીશાની એંધાણી આપવાનું એમનું મહત્વ કારના ડેશબોર્ડની ઉપર ટીંગાડેલા જી.પી.એસ. સાધને લઈ લીધું છે. એમને માનવ પ્રજ્ઞાની સીમા જેવા ત્રણ ત્રણ સેટેલાઈટો એક એક માઈલની માહીતી આપી રહ્યા છે. હવે એ જી.પી.એસ. જ તમારો ધ્રુવતારક છે.

    તમારો વક્રદ્રષ્ટી સ્વભાવ આ સાધનોને તુચ્છાકારી રહ્યો છે. ‘તમારા યુવાની કાળની સફરની, બધી સનસનાટી અને આવેગો તમારો પુત્ર એના થકી ખોઈ બેઠો છે.’ એવો મીથ્યા વીચાર તમારા અહંકાર અને નવી પેઢી પ્રત્યેની તમારી ઈર્ષ્યા અને અણગમાને પોષી રહ્યો છે!

     અને લો ! દુરથી પ્રકાશીત દીવાઓનો સમુહ તમારી નજીક આવી રહ્યો છે. થોડીક જ વારમાં તમે ઝળહળતા કોઈક નાના નગરના સીમાડે પહોંચી ગયા છો. તમારી સફરનો એક માઈલ સ્ટોન તમે સર કર્યો છે. પણ શહેરની લાલ લીલી લાઈટો તમારી સફરને અટકાવી દે છે – જેમ સમૃધ્ધી મળતાં જીવન સફરનો વેગ ધીમો બની જાય તેમ. આ સીધ્ધીનો લાભ લઈ, પગ છુટો કરવા થોડા રોકાઓ છો. પણ ક્ષણીક રાહત સીવાય, આ મુકામ તમારા કશા કામનો નથી. તમે અહીં અટકી નથી શકતા. આગળ અને આગળ અંતીમ મુકામ સુધી તમારે સફર જારી રાખતા જ રહેવાનું છે.

    આવાં અનેક નગરો આવે છે; અને પાછળ વીદાય લે છે. એમાંનો કોઈ ઝળહળાટ તમારી સફરના ધ્યેય સાથે સુસંગત નથી. એને તમારે અલવીદા કહેવી જ પડે છે.

     અને એક મોટું જન્ક્શન આવી ગયું. હવે તમારી જીવનકાર સ્ટેટ હાઈવે પરથી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવી ગઈ છે. તમારી જીવનભુમીકાનો હાઈવે તમને લબ્ધ થઈ ચુક્યો છે.

    તમારી કારની ઝડપ હવે વધી ગઈ છે. હવે રસ્તે આવતા નગરોની કોઈ લાલલીલી બત્તી તમારી સફરને રોકી શકે તેમ નથી. તમારી પ્રગતી હવે તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે. હવે રસ્તો બહુ ઝડપથી કપાવા માંડે છે. સંવાદીતાથી ચાલતી કારના બધા નાદ અને આઈપોડમાંથી રેલાતું સુરીલું સંગીત તમને નીદ્રાધીન/ સમાધીસ્થ કરી દે છે.

    અને આ શું?

    તમારી કાર રસ્તાની બાજુના શોલ્ડર ઉપર, ખોટકાઈને ખડી થઈ ગઈ છે. તમે ચારે જણ હાંફળા ફાંફળા બનીને મદદ માટે હાથ લાંબા કરી સનસનાઈને પસાર થઈ જતાં વાહનોને રોકવાનો મીથ્યા પ્રયત્ન કરો છો. પણ જીવનની જેમ, કોઈ કોઈના માટે રોકાતું નથી. તમે નીરાશ વદને, આ ઘનઘોર રાત્રીમાં, આ કાળા ડીબાંગ, અવાવરુ અને ભયજનક વગડામાં બેબસ, બેસહારા, નીરાધાર બની ગયાની હતાશામાં માથે હાથ દઈ બેસી પડો છો. આકાશમાંથી બે ચાર છાંટા પડ્યાનો તમને અહેસાસ થાય છે. દુકાળમાં અધીક માસ જેવી આવી પડેલી આ આપત્તીને સ્વીકાર્યા સીવાય બીજો કોઈ વીકલ્પ તમારી પાસે નથી. તમે ચારે જણ કારનું શરણું લેવા પારોઠનાં પગલાં ભરો છો.

    અને ત્યાં કોઈ હાથ તમારી ગરદન ઉપર ફરતો તમે અનુભવો છો. તમારા સમગ્ર શરીરમાં ભયનું એક લખલખું ફરી વળે છે. શીયાળાની આ કડકડતી ઠંડીમાંય તમે પસીને રેબઝેબ થઈ જાઓ છો.

    અને ત્યાં જ તમારી પત્નીનો સ્નેહાળ અને રણકતી ઘંટડી જેવો અવાજ તમને સંભળાય છે.

   “ હું કહું છું; તમને કંઈ થાય છે? શરીરે ઠીક તો છે ને?”

    અને તમે પાછા સ્વપ્નજગતની એ ભયાનક અનુભુતીમાંથી પાછા, કારની સવલત ભરેલી દુનીયામાં પુનરાગમન કરો છો. તમારી જીવનસંગીની જ તમારી એક માત્ર સાચી મીત્ર છે; એની સ્વાનુભવી પ્રતીતી તમને થઈ જાય છે.

   જીવનમાં આવતી કસોટીઓની જેમ આ દુઃસ્વપ્ન પણ પસાર થઈ જાય છે.

   તમને હવે ખબર પડે છે કે, એક લાલ લીલી સીગ્નલ લાઈટ આગળ કાર થંભેલી છે. તમારી નજર રસ્તાની બાજુએ આવેલા તમારાં જાણીતાં ગેસ સ્ટેશન, હોટલ અને બેન્કના મકાન તરફ જાય છે.

    તમે ધન્યતા અનુભવો છો કે, છેવટનો મુકામ આવી ગયો છે. તમારું કાયમનું ઘર હવે ઢુંકડું છે. ત્યાં જઈ તમે આરામની ઉંઘમાં ગરકાવ થઈ જવાના છો. એમાંથી જ્યારે ઉઠાય ત્યારે ખરું. એ તમારી આ સફરની ચીંતા, વ્યથા, થાક, હતાશા, અસલામતી – બધાંનો છેવટનો ઉકેલ છે. તમારી ગાડી અહીં ગતી કરતી અટકી જવાની છે. પણ તમને એનું કોઈ દુખ નથી.

    તમારી મુસાફરી થોડી ઘણી અગવડ અને પેલા દુઃસ્વપ્ન સીવાય નીર્વીઘ્ને પુરી થયાનો સંતોષ માણી તમે ‘સ્વધામ’માં થાકેલા તને, પણ પ્રફુલ્લ મને પ્રવેશ કરો છો.