‘મેથીપાક’ લખ્યા બાદ અઠવાડીયામાં માત્ર બે જ દિવસ, સવારે નયણા કોઠે મેથી લેવાનું રાખ્યું. પણ આથી એ બે દિવસ સિવાય ઢીંચણનો દુખાવો ચાલુ જ રહ્યો. વળી મારા ફેમિલી ડોક્ટર પ્રેશરની ગોળી દર મહિને બદલ્યા કરતા હતા; પણ પ્રેશરમાં ખાસ ફરક પડતો ન હતો.
આથી ત્રણ અઠવાડીયા પહેલાં, અહીં અમારા સ્થાનિક ભજન ગ્રુપમાં જતાં પહેલાં નિર્ણય કર્યો કે, આ બધી જફાનો એક જ રામબાણ ઈલાજ અજમાવવા દે…..
અફલાતૂન તબીબ સદગત શ્રી. ગિદવાણીજીનો ઈલાજ.
જો કે, એ કતલની સાંજે તો આ બામણ ભાઈ બરાબર દાબીને જમ્યા! અને બીજા દિવસથી હું તો આદુ ખઈને મચી પડ્યો ! અરે! ભૂલ્યો … ઉપવાસથી શરૂઆત કરી.
પહેલે દિવસે ભીમભાઈએ કર્યો હતો, એવો નકોરડો અપવાસ. હા! એક ફરક; પાણી પ્યાલે પ્યાલા ભરીને પીધે રાખ્યા. માથું તો એવું દૂખે કે, ન પૂછો વાત. અશક્તિ તો રહે જ ને? અને થોડોક તાવ પણ ખરો. ભૂખ્યા પેટે, રાતે તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
અને બીજા દિવસથી ચાર દિવસ ફળાહાર. સવાર અને બપોરે એ જ મોસંબી. જો કે, અહીં મળતી મોસંબી દેશ જેવી ફિકી નથી હોતી. અને મોટી પણ વધારે. ત્રણ મોસંબીમાં તો પેટ ફાટ ફાટ થઈ જાય. બબે કલાકે જુદાં જુદાં ફળ તો ખરાં જ. હા! એક સાથે એક જ જાતનું ફળ – કોઈ ભેળસેળ નહીં.
અને પછી, ધીરે ધીરે રોજના ખોરાક પર ચઢવા માંડ્યો. એક મહાન ફરક સાથે – ખાંડ અને મીઠું બને તેટલાં ઓછાં કરી દીધાં. ચામાં અઢી ચમચી ખાંડ લેતો હતો; તેની એક જ કરી નાંખી.
અને આ શું?
પ્રેશરની ગોળી લીધા વિના ધીરે ધીરે પ્રેશર નીચું આવવા માંડ્યું. અને સાતમા દિવસે તો મેથી, બામ કે કોઈ પેઈન કીલર વિના ઘરડો ઢીંચણ જવાન થવા લાગ્યો! માંડ ૩૦ % જેટલો જ દુખાવો રહ્યો.
તમે નહીં માનો; સાવ બેઠાડુ થઈ ગયો હતો; એની જગ્યાએ રોજ વીસેક મિનિટ ચાલવાનું શરૂ કરી શક્યો.
જય હો!
અફલાતૂન તબીબનો
——————————————————-
અગાઉ લખેલી અફલાતૂની ……
અફલાતૂન તબીબ
ભાગ -1 : ઊંટાટીયો
ભાગ -2 : કમરનો દૂખાવો
ભાગ – 3 : પેશાબ બંધ
ભાગ – 4 : સૂકી ખાંસી
ભાગ – 5 : આંબોઈ
ભાગ – ૬ મેથીપાક
વાચકોના પ્રતિભાવ