સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: social

લગ્નોત્સુક યુવાન યુવતીઓ માટે

‘ તું જ મારું સર્વસ્વ છે. તારા વીના હું કેમ જીવી શકું?’

વાગ્દત્તા કે વાગદત્તો(!)  ઘેર આવ્યો હોય; ત્યારે એનો અવાજ દુરથી સાંભળીને જ હૈયામાં ઘંટડીઓ વાગવા માંડે.  ગઝલો અને કવીતાની ચોપડીઓ શોધાવા માંડે. કવી સમ્મેલનોની રંગત મીઠી મધ જેવી લાગતી થઈ જાય.

આ બધું  પ્રેમી અને પ્રેમીકા વચ્ચે જ હોય. પતી પત્ની વચ્ચે? હોય તો કદાચ એક બે વરસ.

અને પછી? રોજના ઝગડા. બધી લીલોતરી સુકાઈને સુકો ભંઠ રણ પ્રદેશ.

અવશ્ય અપવાદ રુપ યુગલો હશે કે, જેમના જીવનમાં વાર્ધક્યની સંધ્યા સુધી પણ એ જ મુગ્ધ પ્રેમ અવીચલીત રહ્યો હોય. પણ મોટા ભાગનાં જીવન રગશીયા ગાડામાં જોડાયેલા ધોરીની જેમ – હાંફતા, કણસતાં – એકમેકને લાતંલાતીથી નવાજતાં. એ જ ઘંટડી જેવો અવાજ, હવે કર્કશ લાગતો થઈ જાય છે.

અને હવે તો એકવીસમી સદીનો વાયરો ચોગરદમ ફુંકાયો છે – પશ્ચીમની હવા – સ્વતંત્રતા કે સ્વચ્છંદ્તાનો વાયરો.

‘ ચટ મંગની, પટ બ્યાહ’ ની જગ્યાએ…..

‘ તુ નહીં, ઓર સહી.’

ચટ લગન, પટ છુટાછેડા.

આમ કેમ?

 • વધતા જતા શીક્ષણનો પ્રભાવ?
 • ઉભય પક્ષે અસહીષ્ણુતાની અસર?
 • જમાનાજુના પુરુષ પ્રધાન સમાજનો, બદલાવ ન સ્વીકારવાનો અભીગમ?

જે હોય તે, પણ એ હકીકત એ છે કે, પ્રેમલગ્નોના અને સ્વેચ્છાએ થતી પસંદગીના આ જમાનામાં પણ,  શારીરીક આકર્ષણમાં અંધ બનેલાં પુખ્ત યુવક યુવતીને જીવનમાં આવનાર પ્રશ્નોનો ખ્યાલ હોતો નથી. એમાંનું લગભગ કશું   જ, જીવનના એ મહત્વના વળાંક પર ચર્ચાતું નથી. એ ચર્ચવાની હીમ્મતનો પણ મોટે ભાગે અભાવ વર્તાય છે.

આ લેખમાં જીવનના આ અત્યંત અગત્યના તબક્કે, લગ્નોત્સુક યુવક યુવતીએ શું ચર્ચવું જોઈએ; તે અંગે સુચનો આપેલાં છે. આમાં મારું પોતાનું ચીંતન કશું જ નથી. અંગ્રેજીમાં અને પશ્ચીમી સમાજને અનુલક્ષીને એ સુચવાયેલાં છે.

પણ ભારતીય અને ગુજરાતી સમાજમાં વધતી જતી પશ્ચીમની ઘેલછાના પ્રતાપે આપણે માટે પણ એ પ્રસ્તુત છે; એમ મને લાગે છે.

મુળ અંગ્રેજી લેખ પરથી ભાવાનુવાદ

મુળ લેખ વાંચવા અહીં ‘ ક્લીક ‘ કરો.

 1. આપણા કુટુમ્બમાં બાળકો હોવા જોઈએ કે નહીં? જો જવાબ ‘હા’ હોય તો, તેમને ઉછેરવાની મુખ્ય જવાબદારી કોણ લેશે?
 2. આપણને એકબીજાની નાણાંકીય જવાબદારીઓ અને ધ્યેયોનો બરાબર ખ્યાલ છે ખરો? ખર્ચ અને બચત વીશે આપણા વીચાર શું છે?
 3. ઘર શી રીતે ચાલશે, તે વીશે આપણી શું અપેક્ષાઓ છે? તેની આપણે મુક્ત મને ચર્ચા કરી છે? ઘરનાં રોજીંદા કામ કોણ કરશે?
 4. આપણા શારીરીક અને માનસીક આરોગ્ય અંગેની વીગતો અને ઈતીહાસ અંગેની પુરેપુરી માહીતી આપણે એકબીજાને આપી છે?
 5. મને અપેક્ષા છે, એટલી મારી જીવનસાથી વ્યક્તી પ્રેમાળ અને ઉષ્માપુર્ણ છે?
 6. આપણે યૌન સંબંધો, તે અંગે આપણી જરુરીયાતો, અપેક્ષાઓ, ભયો  વીશે મુક્ત મને અને સ્વસ્થતાથી ચર્ચા કરવા તૈયાર છીએ?
 7. બેડરુમમાં આપણે ટેલીવીઝન રાખીશું?
 8. આપણે એકબીજાને ધ્યાનથી સાંભળીએ છીએ? એકબીજાના વીચારો અને ફરીયાદોને ન્યાયી રીતે મુલવીએ છીએ?
 9. આપણા આધ્યાત્મીક વીચારો, માન્યતાઓ અને જરુરીયાતો વીશે આપણે સ્પષ્ટ સમજુતી સાધી શક્યા છીએ? આપણા ભાવી બાળકોને આપણે શી રીતની ધાર્મીક/ નૈતીક કેળવણી આપીશું? તે અંગે  આપણે ચર્ચા વીચારણા કરી સમ્મતી સાધી છે?
 10. આપણને એક્બીજાના મીત્રો/ સંબંધીઓ ગમે છે? આપણે તેમને જરુરી સન્માન આપીએ છીએ?
 11. આપણે એકબીજાનાં માબાપને અમુલ્ય સમજીએ છીએ? તેમને જરુરી માન આપીએ છીએ? આપણા સંબંધોમાં એ લોકો આડખીલીરુપ બનશે એવું આપણને લાગે છે?
 12. તને ન ગમતું હોય તેવું મારા કુટુમ્બમાં કાંઈક છે?
 13. લગ્ન બાદ કાંઈક ચીજ મારે ત્યજી દેવી પડે; તો તે માટે હું તૈયાર છું?
 14. જો આપણામાંથી એકને રહેઠાણની જ્ગ્યાએ કામ કરવાની બહુ સરસ તક મળે, તો ત્યાં રહેવા જવાની મારી તૈયારી છે?
 15. લગ્નજીવનને ટકાવી રાખવા માટે આપણે પુર્ણ રીતે સંકલ્પબદ્ધ છીએ? આપણે પ્રામાણીક રીતે માનીએ છીએ કે, આપણું જોડાણ   જીવનમાં અચુક આવતા સંઘર્ષોનો મુકાબલો કરી શકે તેટલું મજબુત છે?