સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: story

ત્રિવાયુ – ભાગ ૩; ઓક્સિજન

શ્રી. વિપૂલ કલ્યાણી ( યુ.કે. )દ્વારા સંચાલિત ‘ ઓપિનિયન’ પર આ કલ્પના પ્રસિદ્ધ થઈ હતી.

ત્યાં પહોંચવા આ ચિત્ર પર 'ક્લિક' કરો.

ત્યાં પહોંચવા આ ચિત્ર પર ‘ક્લિક’ કરો.

ત્રણ ભાગમાં વહેંચાયેલી આ વાર્તા આમ તો એક કલ્પના જ છે; પણ એ એક રૂપક પણ છે. ્માનવ સ્વભાવના ત્રણ પાસાં આ ત્રણ વાયુથી અભિપ્રેત છે –

trivayu

નાઈટ્રોજન –  ગુરૂતા ભાવ; ( એ વાંચવા અહીં ‘ક્લિક’ કરો ) 
હાઈડ્રોજન –  લઘુતા ભાવ; ( એ વાંચવા અહીં ‘ક્લિક’ કરો ) 
ઓક્સિજન –  સમતા ભાવ; આ રહ્યો એ છેલ્લો ભાગ

   ઓક્સિજન, આમ તો તું બહુમતિ ધરાવતો જણ નથી. એ બહુમાનના અધિકારી તો નાઈટ્રોજન મહાશય છે. એમનો વ્યાપ વાતાવરણના ૭૮%  જેટલો ફેલાયેલો; એમના વજનની કની જ તો! પણ એમનો કોઈને સીધો ખપ ન પડે. એ તો ભારેખમ જણ.

   પણ તારા  વિના તો કોઈને ક્ષણ ભર પણ ના ચાલે. નજરે ન દેખાય તેવા બેક્ટેરિયાથી માંડીને મદમસ્ત પહાડ જેવા હાથી અને ગંદી ગોબરી શેવાળ થી માંડીને એની ઉપર મલપતા અમે મ્હાલતા કમળના ફૂલ કે એ જળાશયને કાંઠે આસમાનને આંબતા નાળિયેરીના મહાકાય પાન – સૌને તારી પનાહ લેવી જ પડે. એટલે જ તો ભલે ને, તારું  વિલાયતી નામ ભલે ને ઓક્સિજન હોય; અમે તો તને પ્રાણવાયુ જ કહેવાના!

   અને ઘરની રસોઈ પકાવવાના ચૂલા પણ તારા વિના તો ઠંડા જ પડી જાય. કોઈક ગર્વ લઈને ઈલેક્ટ્રિક સ્ટવ વાપરતા હોય; તો પણ શું? એમનો વીજ પૂરવઠો પૂરો પાડનાર પાવર સ્ટેશનનાં બોઈલરો પણ તારા  વિના શેં ભખભખ કરવાના? અને કારો, સ્ટીમરો, પ્લેનો, ટ્રેનોમાં મ્હાલવાના ધખારા પણ તારા વિના ઠંડાગાર જ ને?

        વિજળીનો ચાબખો વાગે અને ઓલ્યા ભારેખમ જનાબ નાઈટ્રોજનને પણ તારી હારે જોડાવું જ પડે.અને પછી તો એ ભાઈ વાઈરસ, બેક્ટેરિયા, અને બધા જીવ માત્રની સેવામાં લાગી પડે – બધું માન બાજુએ મેલીને!

   બધા જીવતરની પાયાની ઈંટ જેવા કાર્બનલાલા પણ તારા વિના તો ગ્રેફાઈટની ખાણમાં જ સડતા રહેવાના ને? ભાઈલા! તું તો  ખરો બળૂકો નીકળ્યો  હોં!

   પણ એમ બહુ અભિમાનમાં ના રાચીએ હોં. લીલીછમ વનરાઈ ના હોત ને; તો તારો વસ્તાર ક્યાંથી એમનો એમ રહેવાનો? એ તો શેરને માથે સવાશેર હોય, હોય ને હોય જ! એમને તારા વિના ના હાલે અને તારે એમના વિના નો હાલે!

   હેં ભાઈલા? મને એક વાત ખાનગીમાં કહી દે ને – ઓલ્યો હજાર હાથ વાળો, આખી દુનિયા ચલાવનારો અને બધી માતાઓ અને યમરાજા – એ બધાંને તારા વિના ચાલે છે ખરું કે, એમને ય તું સપાટામાં લઈ નાંખ છ?! એ કાઠિયાવાડી બાપુના હુક્કા પણ તારા વિના ગુડ ગુડ ક્યાંથી કરવાના?

   લે! તારી આટલી બધી ખુશામત કરી; હવે થોડોક પોરો ખાઈ લઉં; અને બે ચાર ઊંડા શ્વાસ લઈ લઉં.

   પણ આ શું?  એ શ્વાસ/ ઉચ્છ્વાસની સાથે જ આ શેનો નાદ ચાલુ થઈ ગયો?

सोsहम्‍…….
सोsहम्‍…….
सोsहम्‍…….
सोsहम्‍…….

    રોમે રોમમાં આ શેની ઝણઝણાટી? શરીરનો એકે એક કોશ રૂમઝુમ નાંચતો શીદ ભાળું?

હા! હવે ગેડ બેસી.તારો વાયરો બધેય ફરી વળ્યો. કોશે કોશને તેં તો ભાઈલા નવપલ્લવિત કરી દીધો. મારો હજાર હાથ વાળો બેલી તો ભાઈલા તું જ. તું જ આ ઘડીનો મારો પરમેશ્વર.

ઝફરનો ખજાનો – રશ્મિકાન્ત દેસાઈ

ગુજરાતના એક મોટા શહેરમાં કેંદ્ર સરકારની કર્મચારી વસાહતમાં રમેશભાઈ રહેતા હતા. તેમના પડોશી રહીમભાઈ સાથે તેમને ઘણો સારો સંબંધ થઈ ગયો હતો. રમેશભાઈને પિંકી નામની એક પુત્રી અને ચિરાગ નામે એક પુત્ર હતા. પિંકી આશરે પંદર વર્ષની હતી જ્યારે ચિરાગ ત્રણેક વર્ષનો હતો. રહીમભાઈને એક જ પુત્રી સલમા લગભગ ચૌદ વર્ષની હતી. પિંકી અને સલમા ગાઢ મિત્રો બની ગયા હતા.

રજાના એક દિવસની સાંજે બંને કુટુંબો તેમના આંગણામાં ખુરશીઓ નાંખી વાતો કરતા બેઠા હતા. થોડું થોડું અંધારૂં થવા આવ્યુ હતું. ચિરાગને બાથરૂમ જવાનું થયું. પણ એકલા ઘરમાં જવાની તેની હિંમત ચાલતી નહોતી. તેણે પિંકીને સાથે જવા કહ્યું. પણ રમેશભાઈએ ના પાડી. પૂછ્યું, ‘કેમ ચિરાગ તને શાની બીક લાગે છે?’. ચિરાગ કહે ‘ભૂતની’. રમેશભાઈ કહે, ‘જો, ભૂતબૂત કશું હોતું નથી. તું તારે ભગવાનનું નામ લઈ જઈ આવ.’ ચિરાગ તો ગયો.

ચિરાગના ગયા બાદ રહીમભાઈ કહે, ‘રમેશભાઈ, ભૂત હોય છે. અમારા દિલ્હીના ઘરમાં ભૂત આવે છે એટલું જ નહીં પણ તે ગુજરાતી રામાયણ વાંચે છે અને ન્હાય પણ છે.’ આ સાંભળીને પિંકીનું કૂતુહલ જાગી ગયું. આમેય તેને રહસ્યકથાઓ વાંચવાનો શોખ હતો. તેથી તેને આ રહસ્ય ઉકેલવાનું ખૂબ મન થયું. રહીમભાઈ કહે, ‘અમે દીવાળીની રજાઓમાં દિલ્હી જવાના છીએ તો તું પણ સાથે આવજે.’

થોડી રકઝક અને આનાકાની બાદ પિંકીને પરવાનગી મળી. ને દીવાળીની રજાઓમાં રહીમચાચાના પરિવાર સાથે તે પહોંચી ગઈ દિલ્હી. પહેલે દિવસે તો આરામ કર્યો. બીજે દિવસે સવારના રહીમચાચાએ દિલ્હી જોવા જવા તૈયાર થવા કહ્યું પણ પિંકી કહે, ‘ના ચાચા, મારે તો તમારા ભૂત વિશે જ જાણવું છે. મને પૂરેપૂરી માહિતી આપો.’ રહીમચાચાએ તે આપવી જ પડી. તેમના ઘરમાં નીચે ભોંયરામાં લાયબ્રેરી હતી. તેમાં ગુજરાતી રામાયણની હસ્તપ્રત પણ હતી. આમ તો તેને આલમારીમાં રાખતા હતા તો યે કોઈ કોઈ વાર તે વચ્ચેના ટેબલ પર ખુલ્લી પડેલી જોવા મળતી હતી. નજીકમાં તાજો ઓલવાયેલો દીવો પણ મળતો. તે રાતે વહેતા પાણીનો ખળખળ અવાજ જાણે કોઈ ન્હાતું હોય તેવો સંભળાતો હતો. આના પરથી મનાતું હતું કે રાતના ભૂત આવીને આ બધી હરકતો કરતું હતું. રાતના નીચે જઈને તપાસ કરવાની કોઈની હિંમત ચાલતી નહોતી.

ચાચાની પરવાનગી લઈને પિંકી તે રામાયણની હસ્તપ્રત પોતાના ઓરડામાં લઈ આવી. આખી બપોર તેનો અભ્યાસ કરવામાં ગાળી. સાંજે બહાર નીકળી ઘરની આજુબાજુના વિસ્તારનું અવલોકન કર્યું. ઘર તો ખાસ્સી મોટી હવેલી હતી. જુના જમાનાની જાહોજલાલી જણાઈ આવતી હતી. હવેલીનો આકાર અંગ્રેજી એલ જેવો હતો. તેની બે પાંખો જ્યાં મળે ત્યાં વચ્ચે મોટો હૉલ હતો. તેની નીચે લાયબ્રેરી હતી. નીચેના ઓરડાઓમાં એક બાજુ રસોડું, ભોજનખંડ, ભંડાર વગેરે હતા, બીજી બાજુ નોકરોના ઓરડાઓ હતા. કુટુંબના સભ્યો તથા મહેમાનોના બેડરૂમ બધા બીજા માળ પર બંને પાંખમાં હતા. હવેલીની ચારેય બાજુઓ પર વિશાળ ખુલ્લી જગ્યામાં બાગ બનાવેલા હતા.

તે રાતે પણ પિંકી મોડી રાત સુધી રામાયણ વાંચતી રહી. બીજે દિવસે તેને ઊઠતાં મોડું થઈ ગયું. તે ઊઠી ત્યારે ચાચાના સૌ કુટુંબીજનો વચ્ચેના હૉલમાં ભેગા થયા હતા. બધા બારી બારણા બંધ હતા. નોકર આવીને તેને ભોજનખંડમાં ચ્હાનાસ્તો આપી ગયો. તે પતાવે ત્યાં સુધીમાં બધા બહાર નીકળી ડાઈનીંગ ટેબલ પર આવી ગયા. ચાચાના કાકાઓ, ભાઈઓ, ભત્રીજાઓ પણ આવેલા હતા.

મોડા ઊઠવા બદલ પિંકીએ ચાચાની માફી માંગી. તો ચાચા કહે, ‘પિંકી બેટા, સારૂં જ થયું કે તું મોડી ઊઠી. વહેલી ઊઠી હોત તો પણ તારાથી હૉલમાં આવી ન શકાત. અમારા કુટુંબમાં એક રિવાજ છે કે દરેક દીવાળી ને દિવસે સવારના પોરમાં અમે સૌ ભેગા થઈને એક ખાનગી વિધિ કરીએ છીએ. આમ તો અમને કોઈને તેમાં સમજણ પડતી નથી પણ વડીલોની આજ્ઞા હોવાથી તેનું પાલન કરીએ છીએ. તે દરમ્યાન બહારની કોઈ વ્યક્તિને હાજર રાખી શકતા નથી. બધા જ કુટુંબીઓ જ્યાં હોય ત્યાંથી અહીં આવીને ભેગા થઈએ છીએ. એ બહાને અમારો સંપ ટકી રહે છે..’

પિંકી કહે,’ તો ચાચા મને એ કહો કે આપણે ત્યાં ખજૂરીનું ઝાડ ક્યાં હતું?’ ચાચાને નવાઈ લાગી, પૂછ્યું, ‘તને ક્યાંથી ખબર કે આપણે ત્યાં એવું ઝાડ હતું? મેં તો કોઈ દિવસ જોયું નથી.’ પણ નજીક ઊભેલા એક વયોવૃધ્ધ કાકાએ આ સંવાદ સાંભળ્યો અને બોલ્યા, ‘રહીમ બેટા, તારા જનમ પહેલાં એક ખજૂરી હતી ખરી.’ તેમણે પછી તે ક્યાં હતી તે સ્થળ પણ બતાવ્યું. બપોરે બધાના ગયા પછી રહીમચાચા બધાને ફરવા લઈ ગયા. ફરતાં ફરતાં પણ પિંકીને તો રામાયણવાળા ભૂતના જ વિચારો આવ્યા કરતા હતા.

ત્રીજે દિવસે સવારે ચાચાનો વિચાર બધાને કુતુબમિનાર જોવા લઈ જવાનો હતો. પણ પિંકીએ ના પાડી, કહે, ‘ચાચા મને મદદ કરો.’ પિંકીના આગ્રહને વશ થઈ ચાચા તેના કહેવાથી ખજૂરી હતી તે સ્થળથી પૂર્વમાં ૨૫ પગલા અને ત્યાંથી ઉત્તરમાં ૨૦ પગલા ચાલ્યા. છેલ્લા બે પગલા તેઓ ચાલી ન શક્યા કારણ કે તેમનું ઘર નડે તેમ હતું. હવેલીની એક પાંખના છેવાડાના રૂમમાં જવું પડે તેમ હતું. તે રૂમ ઘણા સમયથી બંધ રહેતો હતો અને તેને તાળું મારેલું હતું. ચાવી પણ હાથવગી નહોતી. રહીમભાઈને આ રમત નિરર્થક લાગી અને તે પડતી મૂકી ફરવા જવા કહ્યું. પણ પિંકીએ આગ્રહ કરતાં થોડી શોધાશોધ બાદ ચાવી જડતાં તાળું ખોલી રૂમમાં ગયા. રૂમ લગભગ ખાલી જેવો જ હતો, બહુ જ થોડી વસ્તુઓ તેમાં હતી. પિંકીએ આખા રૂમની ઝીણવટથી તપાસ કરી. બધી દિવાલો તેમ જ ફરસમાં કશેથી પણ ખુલી શકે તેવું કશું જ મળ્યું નહીં. ચાચા કહે ‘છોડ માથાકૂટ, આપણે લાલ કિલ્લો જોવા જઈએ.’ ત્યાં પણ પિંકીનું મન તો ભૂતની વાતમાં જ હતું.

તે રાતે પણ પિંકીએ મોડે સુધી રામાયણનો અભ્યાસ કર્યો. સવારે ફરી એક વાર ચાચાએ કુતુબમિનાર જવા કહ્યું પણ પિંકીએ ના પાડી. ‘મારે તો આ ખજાનો શોધી કાઢવો છે’ એમ કહીને ચાચાના હાથમાં એક કાગળ આપ્યો. તેમાં પિંકીના હસ્તાક્ષરમાં પ્રશ્નોત્તર હતા.

“પતંગ ક્યાંથી ચગાવશો?” “ખજૂરી પરથી.”

“કઈ બાજુ ઉડાડશો?’ “પૂર્વમાં ૨૫ ઉત્તરમાં ૨૦”

“ગોથ કેટલી મારશો? “૧૫”.

ચાચાના મોં પર આશ્ચર્યનો ભાવ અડધી સેકંડ માટે આવી ગયો પણ પોતાની જાતને સંભાળી લીધી. “અરે આ તો ” એટલું બોલી ને અટકી ગયા. પછી કહે, “આવી રમત શું કામની?”.

પિંકી કહે, “ચાચા, આ રમત નથી. શેરલોક હોમ્સની (Sherlok Holmes) ધ મસ્ગ્રેવ રીચ્યુઅલ (The Musgrave Ritual) નામની એક વાર્તામાં પણ આવી એક પ્રશ્નોત્તરી આવે છે. તે પણ ઉપલક નજરે નકામી લાગતી હતી પણ તેનો હેતુ છુપાવેલા ખજાનાનું સ્થળ બતાવવાનો હતો.”. “અરે બેટા, આપણા ઘરમાં ખજાનો હોત તો નોકરી કરવા મારે ગુજરાત સુધી શીદ આવવું પડે?” રહીમભાઈ કહે. “ચાચા, ખજાનો જડે તો પણ તમારે મારે ખાતર પણ ગુજરાત તો આવવું પડશે, પણ પહેલાં પ્રયત્ન તો કરીએ!”

પિંકી તેમને હૉલની નીચેની લાયબ્રેરીમાં લઈ ગઈ. એક પાવરફૂલ બેટરી (ફ્લેશલાઈટ) વડે ખૂબ જ બારીકીથી તળિયાની અને ભીંતોની તપાસ કરી. કશું ન મળ્યું. તો યે તપાસ ચાલુ રાખી. ચોપડીઓના એક કબાટની બાજુમાં તેને એક ફાટ દેખાઈ. ચાચાની મદદથી કબાટ ખસેડ્યું તો પાછળ એક સાંકડું બારણું જડયું. તેની પાછળ એક સાંકડી ગલી જેવું બોગદું (ટનલ) હતું. હવે તેમાં જવું થોડું જોખમી હતું. બેટરી ના પ્રકાશથી જોયું તો તેના તળિયાની ધૂળમાં કોઈના પગલા પડેલા હતા. પગલા બંને દિશામાં હતા. કોઈ ત્રણ ચાર વાર આગળ જઈને પાછું આવ્યું હતું. વળી નાની સરખી હવાની લહેરખી આવી ગઈ જેમાં ફૂલની આછેરી સુગંધ પણ હતી. તેથી થોડી હિંમત આવી.

ચાચીને લાયબ્રેરીમાં જ રોકાવા કહી ને ચાચા, પિંકી અને સલમા સાવધાનીપૂર્વક આગળ વધ્યા. પંદરેક ડગલા ગયા હશે ત્યાં તો એક રૂમ હતો. બે દિવાલમાં બે નાના નાના જાળિયા (હવાબારી) હતા જેમાંથી ખૂબ ધીમી હવા આવતી હતી. બહાર ફૂલછોડ હશે તેથી ખાસ અજવાળું આવતું નહોતું. બેટરીના પ્રકાશમાં જોયું તો દૂરના ખૂણામાં એક કૂવો હતો જેનો વ્યાસ લગભગ સાડા ત્રણ ફૂટ (એક મીટર જેટલો) હશે. નજીકમાં પ્લાસ્ટિકની એક ડોલ તથા દોરડું પડેલા હતા. એક કાગળમાં કશુંક લખાણ ઉર્દુ લિપિમાં હતું. તે વાંચી ચાચા કહે, “પિંકી, તારી વાત સાચી લાગે છે. તેં જે પ્રશ્નો ગુજરાતીમાં લખ્યા છે તે જ પ્રશ્નો અહીં ઉર્દુમાં લખ્યા છે.”

પિંકી કશું કહે તે પહેલાં તો ચાચીએ ચાચાને બોલાવ્યા કારણ કે તેમનો ફોન આવ્યો હતો. બધા ઉપર હૉલમાં ગયા. ફોન નજીકની પોલિસ ચોકી પરથી હતો. તેમણે જણાવ્યું કે કોઈ શકમંદ માણસ પાસેથી એક ગુજરાતી રામાયણ મળ્યું હતુ. તેના પર રહીમભાઈનું નામ તથા સરનામું હોવાથી પોલિસે તેમને જાણ કરી. પિંકીએ કહ્યું, “ચાચા, એ માણસને રોકી રાખવા કહેશો. તેણે હજુ સુધી કોઇ મોટો ગુનો કર્યો હોય તેમ લાગતું તો નથી પણ કર્યો હોય તો છટકી ન જવો જોઈએ.” રહીમભાઈની સામાજિક અને ઉચ્ચ સરકારી અધિકારી તરીકે ઘણી આબરૂ હોવાથી પોલિસે તેમની વિનંતિ સ્વીકારી.

હવે તો રહીમભાઈની પણ ઇંતેજારી વધી ગઈ હતી તેથી તેમને પાછા નીચે કૂવા પાસે જવું હતું. પિંકીના કહેવાથી એક મોટું જાડું પ્લાયવુડ સાથે લઈને બધા નીચે ગયા. ચાચી ને લાયબ્રેરીમાં રોકાવા કહીને ત્રણે જણા કૂવા પાસે ગયા. કૂવા પર પ્લાયવુડ મૂકી બંધ કરી દીધો. પ્લાયવુડ પર ભારે વજન મૂકી ને ખાતરી કરી લીધી કે તેના પર ઊભા રહેવામાં કશું જોખમ નહોતું.

છતાં પિંકીની કેડે દોરડું બાંધી તેના છેડા ચાચા તથા સલમાએ પકડી રાખ્યા. હળવે હળવે પિંકી પ્લાયવુડ પર ચાલીને તે ખૂણામાં ગઈ ત્યાંની ભીંતોનું બારીકાઈથી અવલોકન કરવા લાગી. થોડી મથામણ બાદ તેને એક છૂપું બારણું જડ્યું. તે ખોલી ને અંદર ગઈ. બેટરીના પ્રકાશમાં જોયું તો સ્તબ્ધ થઈ ગઈ. તે તો એક ખાસ્સો મોટો રૂમ હતો અને કિંમતી જરઝવેરાતથી ભરપૂર હતો. તેણે બહાર આવી ચાચાને વાત કરી, “ચાચા, હવે તમારે નોકરી નહીં કરવી પડે એટલું ધન અંદર છે.”

ચાચાએ પણ અંદર જઈને જોયું તો તેઓ પણ અવાચક્ થઈ ગયા. પણ કહે, “ના બેટા, આ કંઇ મારૂં ધન નથી, દેશનું છે.” તરત ઉપર આવી સત્તવાળાઓને જાણ કરી. સંબંધિત ખાતાઓના અધિકારીઓ અને કર્મચારીઓ આવી પહોંચ્યા અને બધી દોલતની યાદી બનાવી લઈ ગયા. આ બધી ધમાલ દરમ્યાન પણ પિંકી પેલા ‘રામાયણચોર’ને ભૂલી નહોતી. તેના કહેવાથી રહીમભાઈએ તેને છોડાવી ઘેર બોલાવી લીધો.

બપોર બાદ ઉચ્ચ અધિકારીઓ રહીમભાઈને ત્યાં ભેગા થયા. સૌએ તેમને અભિનંદન આપ્યા તો તેમણે બધાને પિંકીની ઓળખાણ કરાવી કહ્યું કે બધો જશ તેને મળવો જોઈએ. બધાએ તેને અભિનંદન આપ્યા, પૂછ્યું કે તેણે કેવી રીતે આ કોયડો ઉકેલ્યો.

પિંકી કહે, “ગુજરાતમાં જ્યારે રહીમચાચાએ કહ્યું કે તેમને ત્યાં ભૂત આવતું હતું, રામાયણ વાંચતું હતું અને ન્હાતું પણ હતું ત્યારે જ મને થયું હતું કે કશો ભેદ હતો કારણ કે ભૂત હોતા જ નથી. પણ ધારો કે હોય તો પણ તે ન તો ચોપડી ઉંચકી શકે, કે ન તો દીવો પેટાવી શકે. અહીં આવીને રામાયણ જોયું તો તેના પર હાથની આંગળીઓના ડાઘા હતા જે ભૂતના ન હોઈ શકે. ચાચા પાસેથી પરવાનગી લઈને તેને મારા ઓરડામાં લઈ જઈ ધ્યાનપૂર્વક તપાસ્યું તો શરૂઆતના પાના પર જ એક અક્ષર પર ખાસ નિશાની જોઈ. તેવી નિશાનીવાળા બધા અક્ષરો એક કાગળ પર લખ્યા તો તેમાંથી સવાલજવાબ નીકળ્યા. તેવા સવાલજવાબ શેરલોક (Sherlok Holmes) હોમ્સની મસ્ગ્રેવ રિચ્યુઅલ (Musgrave Ritual) નામની વાર્તામાં આવે છે જેને હેતુ કિંગ ચાર્લ્સ ધ ફર્સ્ટ (King Chrlaes the First) ના છૂપાવેલા ખજાનાનું સ્થળ બતાવવાનો હતો. મને થયું કે અહીં પણ કદાચ તેવો હેતુ હોય તો શું?

“પહેલા પ્રશ્નના જવાબમાં ખજૂરીનો ઉલ્લેખ હતો. પણ અહીં તો કોઈ ખજૂરી જ નથી તેથી મને થયું કે હું વધારે પડતી કલ્પના કરતી હતી. તો પણ ચાચાને પૂછ્યું અને તેમના વયોવૃધ્ધ કાકાએ ખજૂરીની જગ્યા બતાવી ત્યારે મારો ઉત્સાહ વધ્યો. પણ જ્યારે ઉપરના ખાલી રૂમમાથી કશું જ ન મળ્યું ત્યારે ફરી ઢીલી પડી ગઈ.

“તે રાતે મને ખૂબ વિચાર આવ્યા. આખરે મારૂં ધ્યાન ત્રીજા સવાલ પર ગયું. ગોથ મારવાની શા માટે? કદાચ તેનો હેતુ એમ દર્શાવવાનો હશે કે શોધવાની વસ્તુ ખજૂરીની ઉપર નહીં પણ નીચે છે? નીચે હોય તો ક્યાં હોય? અને ત્યાં પહોંચવું કેવી રીતે? ‘ભૂત’ લાયબ્રેરીમાં આવતું તે પરથી મને લાગ્યું કે ત્યાંથી જવાતું હશે. તેથી બીજે દિવસે લાયબ્રેરીમાંથી શરૂઆત કરી.

“કૂવો જડ્યો તે જ વખતે ચાચા માટે ફોન આવી ગયો તે પણ સારૂં થયું. તેઓ વાત કરતા હતા ત્યારે મારી નજર બહાર પડી અને મેં જોયું કે અગાઉ જે ખાલી રૂમ જોયો હતો તેનું હૉલથી અંતર કૂવા કરતાં વધારે હતું. કૂવો કદાચ એક અંતરાય તરીકે અને અજાણી વ્યક્તિને ગૂંચવવા માટે મૂક્યો હશે કે જેથી ફક્ત તે જ વ્યક્તિ જઈ શકે કે જેને માટે આ વસ્તુ છૂપાવી હતી. હવે આપણે જાણીએ છીએ કે તે હેતુ બર આવ્યો હતો કારણ કે ‘ભૂતે’ કૂવામાંથી ખજાનો શોધવાનો પ્રયત્ન કર્યો હતો. જો તેણે ચોરી કરી હોત તો રામાયણ સાથે રાખ્યું ન હોત. પણ તે સમયે બનવાજોગ હતું કે ખજાનો ચોરાઈ ગયો હોય. તેથી ‘રામાયણચોર’ને કસ્ટડીમાં રાખવો જરૂરી હતું.

“હવે એક બીજો મુદ્દો ધ્યાનમાં આવ્યો. ગોથ ૧૫ માપ જેટલી જ મારવાની હતી. એક માપ આશરે એક પગલા જેટલું એટલે લગભગ અઢી ફૂટ જેટલું થાય એવું અનુમાન કરીએ તો કુલ ૩૭ ફીટ થાય. માપ ખજૂરી પાસેથી નહીં પણ તેના ‘પરથી’ લેવાનું હતું. ખજૂરી જો ૨૫ ફીટ ઊંચી હોય તો આપણે જમીનથી ૧૨ જ ફીટ નીચે જવાનું રહે. તો પછી કૂવાની અંદર તપાસ કરવા કરતાં તેની પાસે શોધખોળ કરવી યોગ્ય લાગી. આમે ય કૂવાથી આગળ જવાની જરૂર જણાતી જ હતી. તેથી પ્લાયવુડ મૂકી ને ભીંતમાં તપાસ કરી. પરિણામ આપ સૌની સમક્ષ છે.”

પિંકીનો ખુલાસો પૂરો થયો એટલે રહીમભાઈએ તેમની વાત કહી.

“અમારા કુટુંબમાં એક રિવાજ પેઢીઓથી ચાલ્યો આવે છે કે દર દીવાળીને દિવસે અમે સૌ ભેગા થઈને એક પ્રશ્નોત્તરી વાંચીએ છીએ. પિંકીએ વાંચ્યા તેના પછી પણ બીજા થોડા સવાલજવાબ છે. અમને તો આ રિવાજ નકામો લાગતો હતો પણ હવે તેનું રહસ્ય સમજાયું પણ હજુ અધુરૂં છે. બાકી રહેલા સવાલજવાબ હવે જણાવું છું.

આ બધું કોનું હતું? જેને લઈ ગયા છે તેનું.

કોને આપવાનું છે. જેને પાછો લાવીશું તેને.

આનો શો અર્થ થાય તે વિચારવા જેવું છે.”

પિંકી કહે, “કદાચ ‘રામાયણચોર’ને ખબર હોય. તેને પૂછી શકાય?.”

અધિકારીઓએ હા પાડી. તેને અભયવચન આપી ખુલાસો કરવા કહ્યું. તેણે વિગતે વાત કરી.

“મારૂં નામ ફરીદ છે. મારા બાપ તમારા દાદાના વખતમાં આ ઘરમાં નોકરી કરતા હતા. એક વાર તે આ બધા સવાલજવાબ સાંભળી ગયા. તેથી તમારા દાદાએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. કશેકથી તેમને જાણવા મળ્યું કે તે સવાલજવાબનું રહસ્ય ગુજરાતી રામાયણમાં હતું. મારા બાપ તો બહુ જીવ્યા નહીં પણ મરતા પહેલા મને કહી ગયા કે તને રામાયણમાંથી ખજાનાનો ભેદ જડશે. મેં ગુજરાતી શીખી લીધું. તક મળે ત્યારે લાયબ્રેરીમાં જઈને વાંચતો. તમને બધાને ભૂતની બીક લાગતી એટલે હું પકડાઈ ન ગયો. કૂવો જડ્યો પછી તેના પાણીમાંથી ખજાનો કાઢવા કોશિશ કરતો. પાણી પાછું ઢોળી દેતો તે સાંભળી તમે માનતા કે ‘ભૂત’ ન્હાય છે.

મેં બીજી પણ થોડી તપાસ કરી હતી. ૧૮૫૭ ના બળવા વખતે તમારા વડવા હિંદુ હતા અને શહેનશાહ બહાદૂરશાહ ઝફરના વિશ્વાસુ ખજાનચી હતા. અંગ્રેજો જીતી જશે એવું લાગ્યું ત્યારે તેમણે શાહી ખજાનો તમારા ઘરમાં સંતાડી દીધો. અંગ્રેજોએ તેને શોધવા બહુ પ્રયત્નો કર્યા હતા પણ તે હિંદુઓના ઘરોની જ ઝડતી લેતા હતા કારણ કે તેમની માહિતી પ્રમાણે ખજાનો હિંદુ ખજાનચીના ઘરમાં હતો. તેથી અંગ્રેજોથી બચવા માટે તમારા કુટુંબે ઇસ્લામ અપનાવી લીધો. પણ ખજાનાનું રહસ્ય તો રામાયણમાં જ રહ્યુ.

કૂવામાંથી તો ખજાનો ન મળ્યો તેથી રામાયણની બીજી નકલ લઈ તેમાંથી ભેદ જાણવા કોશિશ કરતો હતો. પણ તમને માપ લેતા જોયા એટલે પરગામ જતો હતો ત્યારે પોલિસે મને પકડી લીધો. લો આ તમારું રામાયણ પાછું.

‘જેને લઈ ગયા છે’ તે ઝફર માટે હતું. શરૂમાં તો બધાને એવી આશા હતી કે ઝફરને છોડાવી લવાશે અને ખજાનો તેને સોંપી શકાશે. પછી તેના વારસદારને સત્તા પર લાવવાની આશા હતી. તેથી ‘જેને પાછો લાવીશું તેને’ એવો જવાબ રાખ્યો. તમારા વડીલોની ઈચ્છા હતી કે આ બધો ખજાનો ઝફરને અથવા તેના વારસદારને સોંપવામાં આવે. આ જવાબદારી યાદ કરાવવા ખાતર દર દીવાળી પર આ સવાલજવાબ વાંચવાને રિવાજ પાડ્યો.”

ફરીદનું બયાન પૂરૂં થતાં ફરી એક વાર બધાએ પિંકીને શાબાશી આપવા માડી. પણ પિંકી કહે, “આનું શ્રેય ફરીદને પણ આપવું જોઈએ. તેમણે જો ખજાનો શોધવાનો પ્રયત્ન ન કર્યો હોત તો ભૂતની ભ્રમણા ઊભી ન થઈ હોત અને હું ગુજરાતથી અહીં આવી ન હોત. મેં તો ફક્ત પિંકી (આંગળી) જ ચીંધી ને?”

સાંભળી સલમા કહે, “પણ ચિરાગ જો ભૂતથી બીતો ન હોત તો મારા પપ્પા તમને કહેત પણ નહીં કે અમારા ઘરમાં ભૂત થતું હતું. તેથી ખરો જશ તો ચિરાગને મળવો જોઈએ,”

બધા ખૂબ હસ્યા. પણ રહીમભાઈએ ફરીદને છોડી મૂકવા પોલિસને ભલામણ કરી એટલું જ નહીં પણ સારી એવી રકમ આપી ખુશ કર્યો.

પિંકી કહે, “ચાચા, હવે તો રજાના બહુ થોડા દિવસ રહ્યા છે, ચાલો દિલ્હી બતાવો.”

સરકારી કાયદા પ્રમાણે રહીમભાઈને યોગ્ય પુરસ્કાર મળ્યો. તે તેમણે પિંકીને આપવા પ્રયત્ન કર્યો પણ તેણે કે રમેશભાઈએ ન લીધો.

સી.એમ. ચતુરભાઈ – એક કલ્પના

‘ ગાંધીવાદી ચતુરભાઈ ‘ ની સત્યકથા આધારીત વાતને મળેલ પ્રતીસાદ જોઈ, બહુમતી વાચકોની લાગણીને વાચા આપતી, આ કલ્પના રજુ કરું છું.

આશા રાખું કે ભારતની જનતાને આવા અનેક સી.એમ. ( કોમન મેન ચીફ મીનીસ્ટર ) મળે.

અમુક વાચકોએ , તે સત્યકથા આધારીત વાર્તાના કાલ્પનીક પાત્ર શ્રી. ચતુરભાઈ કોણ હોઈ શકે, તે અંગે જે કલ્પના કરી હતી; તે સાચી નથી.
આટલી સ્પષ્ટતા આ તબક્કે કરવી જરુરી છે.
કોઈને આ અંગે કશો મત ન બાંધી લેવા કે, બીનજરુરી કલ્પના ન કરવા નમ્ર વીનંતી છે.
આશય છે, વાચકો અને જનતામાં એવી જાગૃતી લાવવાનો કે જેથી , આવા સી.એમ . વધારે ને વધારે મળતા રહે; અને ભારતને વીશ્વનો નમુનારુપ દેશ બનાવવાનું સ્વપ્ન સાકાર કરવાની નેતાગીરી લે.
અલબત્ત, માનનીય શ્રી. રશ્મીકાન્ત ભાઈએ યોગ્ય જ કહ્યું છે તેમ; ‘ પ્રજાને તેને યોગ્ય નેતા જ મળતો હોય છે.’

—- 1953 —–

આઝાદી મળ્યા બાદ, ચતુરભાઈનાં નસીબ ખુલી ગયાં. એ જમાનામાં ચુસ્ત ગાંધીવાદી અને આદર્શવાદી નેતાઓની  બોલબોલા હતી. ચતુરભાઈ તો રાજ્યના મુખ્ય પ્રધાન બની ગયા. અને દલપતભાઈ નીવૃતીને આરે.

દેશી રજવાડામાં ડોકટર તરીકે જોડાતાં પહેલાં એમણે ઘણાં વર્ષો ખાનગી પ્રેક્ટીસ કરેલી. આથી પુરું પેન્શન મેળવવા માટે એમને નોકરીની લંબાઈની ગણતરીમાં બે વરસ ખુટતાં હતાં. કાયદા પ્રમાણે કોઈ પ્રધાન આ ગાળો કોન્ડોન ( ગુજરાતી શબ્દ?) કરી આપે તો તેમને પુરું પેન્શન મળે.

કમળાબેને કહ્યું,” તમે રાજની આટલી પ્રમાણીકતાથી નોકરી કરી છે; અને ચતુરભાઈને  આપણે મોતના મોંમાંથી પાછા આણ્યા હતા. તો તેમની આગળ રાવ કરો તો? ચતુરભાઈ તમારું માન જરુર રાખશે.”

આશા સાથે દલપતભાઈ સી.એમ. પાસે  ગયા. વાત સમજાવી.

——-

ચતુરભાઈ કેવળ ચુસ્ત ગાંધીવાદી ન હતા.

તેમણે ઉંડો શ્વાસ લઈ  કહ્યું , “એમ કરો ને, દલપતભાઈ! તમે એક અઠવાડીયા પછી મને મળો ને?”

દલપતભાઈએ વીદાય લીધા બાદ, ચતુરભાઈએ ચીફ સેક્રેટરીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા, અને દલપતભાઈની વીનંતી સમજાવી.

તેમણે ઉમેર્યું ,”  આ બાબત સરકારી નીયમાનુસાર શું થઈ શકે? “

સેક્રેટરીએ કહ્યું , “તમારી સત્તા છે. એમની સેવાઓને ધ્યાનમાં રાખી, તમે એમની નોકરીની લંબાઈના નીયમની ઉપરવટ જઈ, આવી છુટ આપી શકો. પણ પછી , આવા ઘણા બધા કીસ્સા આવશે; અને તેમાં તમારી પર અને તમારી પછી આવનાર સી.એમ. પર જાતજાતના દબાણો  પણ આવશે જ. “

સી.એમ. ” પેન્શન મેળવવા પાત્ર થવા  માટે એમની નોકરીમાં કેટલો સમય ખુટે છે? “

સેક્રેટરીએ કહ્યું ,” હું રેકર્ડમાં તપાસ કરીને કહું.”

એક કલાક રહીને સેક્રેટરીએ ખબર આપી, ” બે વર્ષ ખુટે છે.”

ઘેર જઈ ચતુરભાઈ વીચારે ચઢ્યા, ” આમાંથી કાંઈક રસ્તો મળે તો સારું.”

બીજા દીવસની વહેલી સવારે એમના આત્માના અવાજે આવો રસ્તો ખોળી આપ્યો.

અઠવાડીયા પછી ચતુરભાઈની ચેમ્બરમાં દલપતભાઈ આવી ગયા.

ચતુરભાઈએ એમનું સ્વાગત કર્યું અને ચીફ સેક્રેટરીની હાજરીમાં એક કાગળ  એમના હાથમાં ધર્યો.

કાગળમાં લખ્યું હતું :

આદરણીય દલપતભાઈ,

અંગ્રેજી રાજ્ય દરમીયાન, તમે કરેલાં ઉમદા કામોને નજરમાં રાખતાં, તમારા નીવૃત્ત થયા બાદ, તમારા બહોળા અનુભવનો લાભ સરકારને મળતો રહે – તે આશયથી,  ત્રણ વર્ષના ગાળા માટે ‘ ખાસ સલાહકાર ‘ તરીકે તમારી નીમણુંક કરવામાં આવે છે. તમે ચીફ સેક્રેટરીને રીપોર્ટ કરશો. તમારે સરકારી ખાતાંઓમાં તબીબી સેવા માટે શું સુધારાને અવકાશ છે; અને તે અંગે સરકારે શાં પગલાં લેવાં જોઈએ, તેની સરકારને સલાહ આપતો શ્વેત પત્ર તૈયાર કરવાનો રહેશે.

આ માટે જરુરી સ્ટાફ તમને આપવામાં આવશે અને આ સમયનો ગાળો તમારી નોકરીની લંબાઈમાં ઉમેરવામાં આવશે. “

– ચીફ સેક્રેટરી ….

સી.એમ.ની હાજરીમાં ચીફ સેક્રેટરીએ આ કાગળ પર સહી કરી અને કાગળ દલપતભાઈને સુપ્રત કર્યો.

શું એ કહેવાની જરુર છે ? કે,

‘ ત્રણ વર્ષ પછી, દલપતભાઈને પુરું પેન્શન  મળવા ઉપરાંત,  સરકારની તબીબી નીતીઓમાં આવેલું આમુલ પરીવર્તન એનાથી અનેકગણું વધારે મુલ્યવાન હતું. ‘

ઈશ્વર સંતાઈ ગયો!

મુળ અંગ્રેજી પરથી ભાવાનુવાદ

જ્યારે ઈશ્વરે દુનીયાનું સર્જન કર્યું ત્યારે શરુઆતમાં લોકો તેમના જીવન, જરુરીયાતો, સામાન્ય બાબતો વી. અંગે ઈશ્વરને ઘણા સવાલો પુછતા. શરુઆતમાં તો ઈશ્વર બધાને જવાબ આપતો. પણ થોડાં એક વર્ષો વીતતાં, તે આ બધા સવાલોના જવાબ આપતાં થાકી  જતો.

આ પરીસ્થીતીમાંથી તેને છટકી જવું હતું.  એ જ્યાં પણ જતો ત્યાં લોકો એને પકડી પાડતા અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે તેને મજબુર કરતા.

એક દીવસ તેણે પોતાની આ સમસ્યાના ઉકેલ માટે એક મહાત્માની સલાહ લીધી.

મહાત્માએ કહ્યું, “ તારે ક્શે જતા રહેવાની જરુર નથી. તું લોકોના હૃદયમાં સંતાઈ જા; અને તારો પ્રશ્ન ઉકલી જશે.

તે ઘડીથી ઈશ્વરે તેમ જ કર્યું અને લોકોના હૃદયમાં સંતાઈ ગયો. અને આજની ઘડી સુધી લોકો તેને મંદીરોમાં, મસ્જીદોમાં, દેવળોમાં , સાયનેગોગમાં, અગીયારીઓમાં એમ વીવીધ જગ્યાઓએ તેમના પ્રશ્નો લઈને શોધતા રહે છે. પોતાની અંદર શોધ કરવાની તસ્દી જ તેઓ લેતા નથી.

————————–

સાભાર – શ્રી. દિગંત જાની

ઈશ્વરનો જન્મ

ગીચ જંગલમાં, ઝાડની એક ડાળી પર, સાંજના ધુંધળા ઉજાસમાં મનુ ફસાયેલો પડ્યો હતો. આખી બપોર તે એક હરણના શીકાર માટે તેની પાછળ દોડતો રહ્યો હતો. આમ તો જો કે તે નીશાન  તરફ પથ્થર ફેંકવામાં પાવરધો હતો; પણ આ હરણ તેનાથી વધારે ચપળ હતું. મનુનાં બધાં નીશાન તેણે ચુકવી દીધાં હતાં અને મનુની કમર પરની ચામડાની કોથળીમાં સંઘરેલા બધા પથ્થર પણ ખલાસ થઈ ગયા હતા. ઘાસ અને ઝાડીથી ભરેલી જંગલની જમીન પરથી તે બીજા પથ્થર વીણી લે એટલી વારમાં તો એ ચાલાક હરણું ગીચ ઝાડીઓની  પાછળ રફુચક્કર થઈ ગયું હતું.

મનુ ગુફાવાસી હતો. તેની બે પત્નીઓ અને પાંચ બાળકો સાથે જંગલના એક કોરાણે આવેલા પર્વતની ગુફામાં એ રહેતો હતો. બીજાં કુટુમ્બો પણ આજુબાજુની ગુફાઓમાં રહેતાં હતાં. શીકાર કરવો અને ઝાડ પરથી ફળો અને સુકા મેવા પાડવા; આ બે પર જ એમનો ગુજારો થતો. આમ તો બધા પુરુષો સાથે જ  શીકાર માટે સવારે નીકળી પડતા. પણ તે દીવસે મનુ તેમનાથી અનાયાસ વીખુટો પડી ગયો હતો. આ કમબખ્ત હરણનો પીછો એકધ્યાનથી કરવામાં આમ બન્યું હતું.

ઝાડીઓમાં તે હરણની ભાળ મેળવતાં મેળવતાં, તેને બે લીલી ચળકતી આંખો દેખાણી. તેની ચાલાક આંખોને સમજતાં વાર ન લાગી કે કોઈક જંગલી અને માંસાહારી જાનવર તેની તરફ ધ્યાનથી તાકી રહ્યું હતું. અને મનુ ભાગવાનો વીચાર કરે તે પહેલાં જ એક જોરાવર વાઘ ઝાડીમાંથી તેની તરફ લપક્યો. અને લો ! શીકારીનો જ શીકાર થઈ જવાની નોબત બજી !

બીજી તરફની ખુલ્લી જમીન પર મનુ એની બધી તાકાત ભેગી કરી, મુઠીઓ વાળીને ભાગ્યો. એ વાઘે તેનો પુર ઝડપે પીછો કર્યો. મનુને ખબર પડી ગઈ કે, તેનાથી એ વાઘ કરતાં વધારે ઝડપથી દોડી શકાય તેમ ન હતું અને થોડીક જ વારમાં વાઘ તેનો કોળીયો કરી જશે.

મનુને તરત જ સુઝ્યું કે, પોતે ઝાડ પર ચઢી જાય, તો જ મોતના આ સાક્ષાત પીછામાંથી બચી શકે. તે નજીકના એક ઝાડ તરફ ગાંડાની માફક દોડ્યો અને ઠીક ઠીક ઉંચે પણ ચઢી ગયો. પણ વાઘે ઉંચા થઈને એક થપાટ તો મારી જ લીધી અને તેના ઘુંટણને ચીરી નાંખ્યો. મનુ અત્યંત પીડામાં ચીસ પાડી ઉઠ્યો. તેના ડાબા પગમાંથી દડ, દડ, દડ લોહી નીતરતું હોવા છતાં; બધી તાકાત ભેગી કરીને વાઘ તેને પકડી ન શકે એટલી ઉંચાઈએ તો તે ચઢી જ ગયો. તેને લાગ્યું કે તે બેભાન થઈ જશે. પણ તેણે ઉંડો શ્વાસ લઈ, દાંત ભીડી, તેના બન્ને હાથે ઝાડની એક ડાળી સાથે બાથ ભીડેલી રાખી.

અને આ જ સ્થીતીમાં તે સખત હાંફતો પડ્યો રહ્યો. વાઘ તેના નીચે પડી જવાની રાહ જોતો, ઝાડની નીચે જ ઉભો રહ્યો. લાગ જોઈને અને થોડીક કળ વળતાં, તે થોડોક વધારે ઉંચે, સલામત જગ્યાએ ચઢી ગયો. વાઘને બદલે દીપડો હોત તો તો તે ક્યારનોય મરણ શરણ થઈ ગયો હોત, તે વીચારે તેને પોતાનું નસીબ કાંઈક સારું લાગ્યું.

આમ ને આમ કલાકેક વીતી ગયો.  સુરજ  ક્ષીતીજની પાર જવા માંડ્યો અને અંધારું ઘેરાવા લાગ્યું. નીચે વાઘ પણ દેખાતો બંધ થઈ ગયો. અને આ જ સમે તેને ક્યાંક બાજુમાંથી એક સીસકારો સંભળાયો. સાવ આછા પ્રકાશમાં તેને બાજુમાંથી કાંઈક સળવળાટ થતો જણાયો. કશુંક લીસ્સું તેને સ્પર્શીને સરકી રહ્યું હતું. કાળોતરો નાગ તો નથી ને ?  ભયનું એક લખલખું તેના શરીરમાં ફરી વળ્યું. તેણે ચુંચી નજર કરીને આજુબાજુ જોઈ લીધું. સદભાગ્યે એક વેલો  તેની સાવ નજીકમાં લબડતો હતો.  તેણે બધું બળ એકઠું કરી તેને પકડી, ગાંડા વાંદરાની જેમ હીંચ્યો. જુની આવડતથી તે ઝાડની બીજી ડાળી પર આવી પહોંચ્યો અને મરજીવાની જેમ, વેલો છોડી તે ડાળી તેણે પકડી લીધી. તે માંડ માંડ નીચે પડવામાંથી બચ્યો. તેના ડાબા પગમાં જબરદસ્ત સણકારો  તો થયો જ , પણ એની તરફ લક્ષ્ય આપવાનું તેને પોસાય તેમ ક્યાં હતું ?

અને આ ડાળી ઉપર જ મનુ અમાસની એ કાજળ કાળી રાતમાં પડેલો રહ્યો. આખા દીવસનાં ભુખ અને સખત પરીશ્રમને કારણે તેના પેટમાં તો વીણાંચુટાં થતાં હતાં. દુર ક્ષીતીજમાં કાળાં ડીબાંગ વાદળો ઘેરાયેલાં હતાં. તે વધારે ને વધારે ઘનઘોર થવાં લાગ્યાં અને છેવટે ઝરમર ઝરમર ટીપાં પડવાની શરુઆત પણ થઈ ગઈ. થોડી વારમાં જ તો હળવી બુંદો અને પછી તો બારે મેઘ મુશળધાર તુટી પડ્યા. તે બરાબર લથપથ થઈ ગયો હતો અને અશક્તીમાં કણસતો હતો. શીયાળાની તે નીષ્ઠુર રાતે ઠંડો, જલ્લાદ જેવો પવન પણ તીણા સુસવાટા મારતો, તેના શરીરને આરપાર વીંધી નાંખતો હતો.  તેની કાયા ઠંડી અને ભયના કારણે થરથર ધ્રુજતી હતી. આટલું અધુરું હોય તેમ, તેને બીજા ભયની કલ્પના થવા લાગી કે આ દુશ્મન વરસાદે ગુફામાં સલામત પાછા ફરવાના જંગલમાં રસ્તે છોડેલાં બધાં જ સગડ ધોઈ નાંખ્યાં હશે.  અને વળી સાંજની આ ભયાવહ ઘટનામાં ગુફા તરફની દીશાનો અંદાજો તો તે ક્યારનોય ગુમાવી ચુક્યો હતો !

મનુને લાગ્યું કે, તેનું મરણ હવે નીશ્ચીત છે. તે શબની જેમ ડાળી પર જેમ તેમ લટકેલી દશામાં પડ્યો રહ્યો. આ અવસ્થામાં તેની આંખો ક્યારે મીંચાઈ ગઈ, તેની તેને ખબર જ ન પડી.  તેની આ દયામણી નીયતીમાં, પોતાના  જીવનના કરુણ અંતના સપનાની ભયાવહ દુનીયામાં તે ખોવાઈ ગયો. મોંમાંથી ભયાનક આગ અને ઝેર ઓકતા, ઉડતા ડ્રેગનોએ તેને ચારે  તરફથી ઘેરી લીધો હતો. ભયની પરાકાષ્ઠાની તીવ્ર લાગણી સીવાય કશું જ તેના હોવાપણામાં બાકી રહ્યું ન હતું.

તેની આવી અવસ્થા કંઈ કેટલાય સમય માટે ચાલુ રહી. એવી જાગ્રત–અજાગ્રત અવસ્થામાં જ ક્યાંકથી વહેલી સવાર સળવળવાટ કરવા  લાગી. ઘેરાં વાદળો તો ક્યારનાંય સમેટાઈ ગયાં હતાં. રહ્યાં સહ્યાં  વાદળોની આડશમાંથી, દુર દુરથી સુર્યનાં પહેલાં કીરણો અંધકારનાં અંચળાને હળુ હળુ સમેટવાં લાગ્યાં.  ઉષાના એ ઝાંખા ઉજાસમાં તેના શબવત શરીરમાંથી તેની પાંપણો, જીવનના રહ્યા સહ્યા અસ્તીત્વને ઝંકૃત કરતી ખુલી. ન કશો  વીચાર, ભય કે મૃત્યુની કોઈ લાગણી પણ હવે બચી હતી. જીવન અને મૃત્યુની વચ્ચેની એ કોઈક અણજાણ અવસ્થા હતી. તેની ખુલ્લી આંખો શુન્યવત્ બનીને આકાશના ઝાંખા ઉજાસને તાકી રહી અને એમાં ધીમે ધીમે વધુ ને વધુ પ્રકાશ પ્રવેશતો રહ્યો.

ઝાડની ડાળીઓની આડશમાંથી તેણે દુર દુર કાળા આકાશમાં વાદળો આકાર લેતાં જોયાં. ધીમે ધીમે તેને તેનો આકાર દેખાવા માંડ્યો. એનો રંગ પણ ધીમે ધીમે બદલાવા માંડ્યો. પહેલાં થોડોક રાખોડી, પછી આછો પીળો, પછી હળવો કેસરી, પછી ઘેરો કેસરી, પછી લાલાશ પડતો અને છેવટે અંગાર જેવા લાલ રંગોમાં   વાદળો રંગાયાં. આ લાલચોળ વાદળોને વીંધીને એમની વચ્ચેથી સુર્યનાં પ્રથમ કીરણો તેની સમક્ષ આવી ઉભાં. કોઈ મહાન અસ્તીત્વની વીશાળ અને લાલચોળ આંખ ઉભરવા માંડી. તેનું સમગ્ર હોવાપણું એક ઉંડી એકલતામાંથી આળસ મરડીને અંગડાવા લાગ્યું. હળુ–હળુ તેના શરીરમાં જીવનનો આછો–પાતળો સંચાર થવા લાગ્યો. કશાય આકાર કે રુપ વીનાનું, અજાણ્યું અને અતીવીશાળ હોવાપણું તેના સમસ્ત હોવાપણાને ઘેરી વળ્યું હોય તેવી અનુભુતી તેને થવા માંડી. એ લાલચોળ આંખમાંથી સુર્યનાં સોનેરી કીરણો રેલાવા માંડ્યાં. તે જાણે કે, એને કાંઈક કહી રહ્યાં હતાં. એનો એ ગુપ્ત સંદેશ તેનું જાગૃત મન ઝીલી શકે તેવા કોઈ જાણીતા શબ્દ કે ઈશારા વીનાનો હતો. એ સંદેશની તો તેનું હોવાપણું માત્ર અનુભુતી જ કરી શકે તેમ હતું – કોઈ સમજણ તો નહીં જ.

આ સાવ નવા નક્કોર અનુભવથી તેના રોમેરોમમાં કોઈક અજાણી ઝણઝણાટી થઈ આવી. અને આ નુતન અનુભુતીના આવીર્ભાવે તેની જીવંતતા પણ ધીમેથી સંચાર કરતી સળવળવા લાગતી હોય તેમ તેને લાગવા માંડ્યું. તે અ–હોવાપણામાંથી હોવાપણામાં ધીમા પગરવ પાડી રહ્યો હતો. તેનાં અંગ–પ્રત્યંગ ધીમે ધીમે જાગૃત થવાં માંડ્યાં અને  નુતન જીવનના પગરણ તે અનુભવી રહ્યો. તેના પગનો દુખાવો અને પીડા આશ્ચર્યજનક રીતે ઓછાં થઈ ગયાં હતાં. મનુ ધીમે ધીમે ડાળ પરથી નીચે ઉતરવા લાગ્યો. છેવટે થડ પરથી સરકીને જમીન પર આવીને ઉભો અને કોઈ ઈચ્છા વગર, દીશાના કોઈ ભાન વગર કે તે શોધવાની કોઈ આકાંક્ષા વગર ચાલવા લાગ્યો.

કોઈક અજાણી તાકાત તેને ચાલવા અને ચાલતા જ રહેવા માટે   લાલાયીત કરી રહી હતી. હવે સુર્ય તો ઉંચો આવી ગયો હતો અને પેલા અજ્ઞાત હોવાપણાની મહાકાય આંખ પણ અદૃશ્ય થઈ ગઈ હતી. બધાં વાદળોને વાયરો વાળી ગયો હતો. પ્રગલ્ભ અને તરોતાજા સવારમાં તે ક્યાં જઈ રહ્યો હતો : તેના કોઈ ભાન વગર, કેવળ આનંદની પરાકાષ્ઠાના અપ્રતીમ ભાવમાં તે બસ ખેંચાઈ રહ્યો હતો. અપાર શાંતી અને સમાધીની અનુભુતીમાં  કોઈ અજાણ બળ વડે તે દોરાઈ રહ્યો હતો. તેની આજુબાજુની સૃષ્ટીનું તેને કશું જ ભાન ન હતું, અથવા એનો એને માટે કોઈ અર્થ ન હતો.

ધીમે ધીમે તેની સમાધી–સ્થીતી ઓસરવા માંડી. તેને આજુબાજુનું પર્યાવરણ પરીચીત લાગવા માંડ્યું. ઝાડ, પાન, ઘાસ, પાષાણ, ધીમે ધીમે તેને જાણીતાં લાગવા માંડ્યાં. તેને હવે સમજાયું કે તે પોતાના જુના અને જાણીતા નીવાસસ્થાનની નજીક સરકી રહ્યો છે. તેની ગુફા દુરથી દેખાઈ રહી હતી. ડાબો પગ સહેજ લંગડાતો હોવા છતાં, આનંદના અતીરેકમાં હવે તે દોડવા લાગ્યો.

થોડા જ વખતમાં મનુ તેના આપ્તજનો વચ્ચે ઘેરાઈ ગયો. તેની વહાલી પત્નીઓ અને તેનાં બાળકો; તેના સાથીઓ અને પાડોશીઓ વીંટળાઈ વળ્યાં. આનંદની કીલકારીઓ, વહાલની બાથો, ખોરાક અને પાણીની વચ્ચે તે પોતાના ગઈ બપોર પછીના અનુભવો વર્ણવવા લાગ્યો. ભાવી સાથેની તેની મુઠભેડ અને તેમાંથી તેના ચમત્કારીક ઉગારાની અજાયબ વાતો તેના મુખેથી ઉતરવા લાગી. પણ મનુના માનસમાં એ પ્રલયકારી પળોની વીશાળ અને લાલચોળ આંખ સતત  ડોકાતી રહી.

તે ઘટના આકારહીન, રુપહીન, અજાણી હોવા છતાં મનુએ તેનો આભાર માન્યો. તે જ દીવ્ય અને સોનેરી આંખે તેને નવજીવન  બક્ષ્યું હતું અને તેને હેમ–ખેમ ઉગારી, સ્વજનો વચ્ચે ગુફા ભેગો કર્યો હતો. મનુએ તેને ‘ઈશ્વર’ કહ્યો.

ત્યારે જ ઈશ્વરનો જન્મ થયો અને ત્યારથી જ માનવમનમાં તે હરહમેશ વસતો રહ્યો છે.

———————–

મારી જ મુળ અંગ્રેજી રચનાનો  ભાવાનુવાદ

ગૂઢ રહસ્ય – જય ગજજર

અમદાવાદથી કેનેડા આવીને વસેલા શ્રી. જય ગજ્જર મારા મોટા ભાઈની ઉમ્મરના છે. તેઓ કેનેડાના વ્યવસાય, સમાજ અને ગુજરાતી સાહીત્યના ક્ષેત્રે પ્રતીષ્ઠાનું સ્થાન ધરાવે છે. વળી તેઓ જોડણી બાબત ઉદારમતવાદી પણ છે.

આ વાર્તા ઉંઝા જોડણીમાં પરીવર્તીત કરીને પ્રગટ કરી હોત; તો પણ તે માટે તેમણે રાજીખુશીથી પરવાનગી આપી હોત. પણ એમના સૌજન્ય અને મારા માટેના સ્નેહને વશ થઈ; આવી કોઈ તરખડ કર્યા વીના, આ વાર્તા તેમણે જે રીતે મોકલી છે; તે જ રીતે રજુ કરી છે.

——

વાચકોને નમ્રતા ભરી વીનંતી કે, આપણે આ વાર્તામાં આવતાં પાત્રોના નામ, જાતી અને ધર્મને ગૌણ ગણી; આવા વાડાઓ કેવા ભયાવહ  અનીષ્ટો સરજે છે, તેની તરફ અણગમો વ્યક્ત કરી; આવા સંકુચીત અને જમાના જુના ખયાલોને તીલાંજલી આપી;  સમાજમાં એખલાસ અને ભાઈચારાના ઉમદા વીચારોને કાર્યાન્વીત કરીએ.

——————————–

દશ દિવસથી ઘરમાં કલ્પાંત કરતો મહમદ દશમા દિવસે હિંમત કરી ઘર બહાર નીકળી નમાઝ પઢવા મસ્જિદે ગયો. દસ દિવસ પહેલાં ગુમ થયેલ એની વહાલસોયી દીકરીનો પત્તો લગાડવા સહાય કરવા માટે અલ્લાહને પ્રાર્થના કરી. નમાઝ પઢી પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં કાળકામાનું મંદિર આવ્યું. બહાર એક બોર્ડ હતું, ‘આજની પૂનમના દિવસે જે શ્રધ્ધાથી કાળકામાની પૂજા કરી સંકલ્પ કરે એની મનોકામના પૂર્ણ થાય છે.’

એ પાકો મુસલમાન હતો પણ હિંદુ મંદિરમાં જઈ એણે પ્રાર્થના કરી, “હે મહાકાળી મા, મને મારી દીકરી પાછી મેળવી આપશો તો હું સવાસો રૂપિયાના પેંડા ધરાવીશ અને તમને ચૂંદડી ચઢાવીશ.”

સંકલ્પ કરી એ પાછો ફરતો હતો ત્યાં એના કાને શબ્દો પડયા, “હે માડીના ભકત, એકાદ સારું કામ કરીશ તો તારી મનોકામના પૂર્ણ થશે.”

એણે ખિસામાંથી પાંચ રૂપિયા કાઢી એની સામે પડેલી ચાદરમાં નાખ્યા.

ઘેર પહોંચી ઉદ્વિગ્ન મને ખાટલામાં આડો પડયો. વિચારે ચઢયો, “મારી પંદર વર્ષની દીકરીને કોણ ઉપાડી ગયું હશે? હે અલ્લાહ, એના વિના હું જીવી નહિ શકું.” અને કલ્પાંત કરવા લાગ્યો.

વીશ વર્ષ પહેલાંનો એ દિવસ એને યાદ આવ્યો.

ભૂતકાળ યાદ આવતાં એ બબડયો, “મારી દીકરીને કોઈએ એવા નાલાયક એજન્ટ પાસે તો નહિ પહોંચાડી હોય?”

એ વિચાર મનમાં ઝબૂકતાં એ ધ્રૂજી ઉઠયો. વધુ વિચાર્યા વિના પહેલી ટ્રેઈન પકડી મુંબઈ પેલા એજન્ટને ઘેર પહોંચી ગયો. એના ઘેર  તાળું  હતું. પૂંઠ ફેરવી તો એક પાડોશીએ કહ્યું, “રાજારામનું કામ છે? એ તમને  ફોકલેન્ડના એમના હડ્ડા પર મળશે.”

એ તરત જ ફોકલેન્ડ પહોંચી ગયો. પાનના એક ગલ્લાવાળાને રાજારામ વિષે પૂછતાં એણે એક વિશાળ કંપાઉન્ડ તરફ આંગળી ચીંધી.

કંપાઉન્ડમાં દોડી જઈ અંદરના એક ઘરના બારણે બેલ મારતાં એક ત્રીસેક વર્ષની યુવતીએ દરવાજો ખોલી પૂછયું, “કોનું કામ છે?” સામે મહમદને જોતાં રંભા પળભરતો એને નખશીખ નિરખી રહી. સ્મૃતિપટ પર ઝબકારો થતાં એણે પૂછયું,  “રાજારામને શોધો છો? કેમ કોઈ નવી છોકરીને ઉપાડી લાવ્યા છો?”

“ના બહેન, મારે જાણવું છે કે મારી વહાલી દીકરીને કોઈ અહીં તો નથી લાવ્યું?”

“તમે કયાંથી આવો છો?” મનની ખાત્રી કરવા એણે પૂછયું.

“અમદાવાદથી.”

“વીશ વર્ષ પહેલાં માંડવીની પોળની એક છોકરીને તમે તો અહીં નહોતા લાવ્યા?”

મહમદ એની સામે તાકી રહ્યો. ચહેરો કંઈક યાદ આવતાં ગભરાટને કારણે એનાં અંગે અંગ ધ્રૂજવા લાગ્યાં. એક હરફે ઉચ્ચારી ન શકયો. શું જવાબ આપવો એના વિચારમાંં સ્તબ્ધ બની ગયો. શરમથી એનું મસ્તક નીચે ઢળી ગયું.

એને ચૂપ જોઈ રંભા બોલી, ” છેલ્લા પંદર દિવસમાં પાંચ છોકરીઓ આવી છે.  ઉપર આવો,  તમારી દીકરી જો અહીં હોય તો લઈ જઈ શકો છો.”

પસ્તાવાનાં આંસુ છૂપાવી  આશાભર્યો મહમદ ઉપર ગયો. ચારે બાજુ દેવદેવીઓ અને વિશ્વની મહાન સન્નારીઓના ફોટાજોઈ એનું હૈયું અને મન નાચી ઉઠયાં. એણે ચારે બાજુ નજર ફેરવી. એ ખંડમાં પચાસેક યુવતીઓને એક આધેડ વયની બહેન સંસ્કારના પાઠ શીખવતાં હતાં. એકાએક વચ્ચેથી અક છોકરી દોડી આવી.

“ડેડી, તમે અહીં કયાંથી?” મહમદની દીકરી પાસે દોડી આવી એને ભેટી પડી.

મહમદનું હૈયું પીગળી ગયું. એના માથે હાથ ફેરવતાં એ બોલ્યો, “હા, બેટા હું તને લેવા આવ્યો છું. ચાલ, સંસ્કારની આ મહાદેવીને નમસ્કાર કરી એમના આશીર્વાદ લઈ ઘેર ચાલ. તારા વિના હું જીવી નહિ શકું.” અને પૂંઠ ફેરવી રંભાને બે હાથ જોડી વંદન કરી ઉમેર્યું, “આપના જેવી મહાન મહાદેવીને નરકવાડે લાવનાર કયો કાળમુખો અભાગી હશે? સાત ભવ એ નરકમાં સબડયા કરશે!”

રંભા અને મહમદની આંખો મળી પણ બેમાંથી એકેયે એ ગૂઢ રહસ્ય ન  ઉકેલવામાં ડહાપણ માન્યું.

————————————-

–  જય ગજ્જર ( એમની જીવન ઝાંખી વાંચવા અહીં ‘ક્લીક’ કરો.)

કુમાર મે, નવે

41 Palomino Drive, Mississauga, Ontario, Canada L4Z 3H6 Tel 905-568-8025 Email : gajjar@mail.com

“Neil”, Plot # 207, Sector 29, Gandhinagar, 382 029 Tel 23234273

મારા બીજા ઈ-પુસ્તક ‘ સ્વૈર વીહાર ‘ માટે તેમણે લખી આપેલી પ્રસ્તાવના વાંચો.

મારું મરણ

મુળ અંગ્રેજી પરથી ભાવાનુવાદ

સ્રોત – અજ્ઞાત

સાભાર : પીયુષ પંચાલ

     રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી. છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘ હા! કાલે રાતે સુતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘

     હું ઘડીયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે? મારો બોસ મારી ઉપર ખીજાશે. અરે! બધાં ક્યાં જતા રહ્યાં? મારા આ રુમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’

   ‘ અરે ! આટલા બધા લોકો? ચોક્કસ  કાંઈક ગરબડ લાગે છે. અરે! કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’

    ‘ અરે ! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં  છું, એ શરીરમાં નથી.’

    ‘ક્યાં કોઈ મને સાંભળે જ છે?  અલ્યાઓ! હું મુઓ નથી, જુઓ આ રહ્યો.’

     મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું. બધા નીશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.

     મેં મારી જાતને પુછ્યું, ‘ શું હું ખરેખર મરી ગયો છું? અરે ! મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મીત્રો – બધાં ક્યાં છે?’

     હું બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.

     ‘ અરે ! મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વીના હું શી રીતે વીદાય લઈ શકું? અરે! મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું ? એક વાર તો એને હું કહી દઉં કે,  હું તેને અત્યંત ચાહું છું. અરે! માબાપને એક વાર તો કહી દઉં, કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો. મારા મીત્રો વીના મેં જીવનમાં ઘણી ભુલો કરી હોત; એમ એમને કહ્યા વીના, હું કઈ રીતે વીદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરુર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી;  એની દીલગીરી વ્યક્ત કર્યા વીના હું શી રીતે મરી શકું? જોને પેલા ખુણામાં કોઈક છાનાં આંસુ સારી રહ્યો છે. અરે! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાકકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમના કારણે કદી ભેળા જ ન થયા.’

     હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દીલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત!  મને માફ કરી દે.’ : એમ કહેવું હતું.

     ‘ અરેરે! એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નીષ્ઠુર છે? હું આટલી સરળતાથી  મારું હૈયું ઠાલવી રહ્યો છું; તો પણ એ હજી કેટલો અભીમાની છે? ખરેખર મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ. પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય? ભુલ્યો ! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને?ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું. ‘

     હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.

     ‘અરે! મારા ભલા ભગવાન! મને બસ થોડાક દીવસ જીવતો કરી નાંખ. હું મારી પત્ની, મારાં માબાપ. મારા મીત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે, કે એ બધાં મને કેટલાં વહાલાં છે? ‘

    એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?’

    હું બરાડી ઉઠું છું ,’અલી એ! તું ખરેખર સુંદર છે.”

    પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે?

    ’મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા? ‘

    હું મોટી ચીસ પાડી દઉં છું,” અરે ભગવાન! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!‘

    હું રડી પડું છું.

    ‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા!  હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મીત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા  મીત્રોને  મેં જે કાંઈ નથી આપ્યું, એ માટે એમની દીલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’

     અને મેં ઉંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મુકી. ‘અરે! પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે,મારા વહાલા!’

……………..

     અને મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું ,” તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યા છો? તમને કંઈ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે.”

   ‘ અરે ! હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે. ‘

    મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.   

————————————

    કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો?

————————————————————————————-

       મુળ કૃતી વાંચતાની સાથે જ અત્યંત ગમી જાય તેવી છે. એના લેખકનું નામ કોઈ વાચક  શોધી આપશે તો અહીં  પ્રગટ કરવાનું ગમશે,  

ભગવાનનો માણસ – શિરીષ દવે

   મગનભાઇ ઠીક ઠીક ભણ્યા, અને એક પ્રાઈવેટ કંપનીમાં મેનેજરની નોકરી પણ મળી ગઈ.  પહેલે દિવસે બધાની સાથે ઓળખાણ અને ચા પાણી થયાં. બીજે દિવસે કામની શરુઆત કરવાનું  નક્કી કર્યું.

    સેક્સન ક્લાર્ક રમેશને બોલાવ્યો અને પાવર કંપનીની ફાઈલ માંગી. લાવતાં ઘણી વાર લાગી. પણ મગનભાઇએ તેને કંઈ કહ્યું નહીં. પહેલો ગુનો તો ભગવાન પણ માફ કરે છે.  પણ તેઓએ તેમની સ્ટેનોને કહી નાખ્યું, ” હવે આ રમેશ જો બીજીવાર આવી વાર લગાડશે, તો તેની ખેર નથી.” 

    સ્ટેનો સ્વર્ણલતાએ કહ્યું “સાહેબ તેની વાત ન કરશો. રમેશ તો જનરલ મેનેજરનો માણસ છે.” 

   બીજે દીવસે લોકલ પરચેઝ સેક્સન ક્લાર્ક સુરેશને ક્વોટેશનની ફાઇલ લઈને આવવા કહ્યું. તેણે બે કલાક કર્યા. મગનભાઇએ તેને પણ કંઇ કહ્યું નહીં . પહેલો ગુનો હતો ને એટલે.    પણ તેઓએ તેમની સ્ટેનોને તો કહી જ નાખ્યું, ” હવે આ સુરેશ જો બીજી વાર આવી વાર લગાડશે, તો તેની ખેર નથી.” 

   સ્ટેનો સ્વર્ણલતાએ કહ્યું , “સાહેબ જો જો, એને કંઇ કરી બેસતા. સુરેશ તો ડીરેક્ટરનો માણસ છે.” 

   ત્રીજે દીવસે મગનભાઇએ એકાઉન્ટ ઓફીસર મીસ્ટર સુકેતુને બોલાવ્યા.સસ્પેન્સ એકાઉન્ટમાં પચાસ લાખ રુપીયા ઉધાર પડ્યા હતા. આ તો ગંભીર બેદરકારી કહેવાય.  વળી કોઈ કારણોની નોંધ પણ ન હતી. મીસ્ટર સુકેતુ ચોપડા મુકીને લંચ કરવા ગયા.

    મગનભાઇથી ન રહેવાયુ. મગનભાઈ માથું નીચું રાખીને શોકમાં ડુબી ગયા. સ્વર્ણલતાએ પુછ્યું, “શું થયું છે સાહેબ?”

    મગનભાઇએ બધી વાત કરી. અને ઉમેર્યું, ” હી શુડ બી સેક્ડ આઉટ. “

    સ્વર્ણલતાએ કહ્યું, ” જો જો સાહેબ, કશું લખતા! મીસ્ટર સુકેતુ તો શેઠનો માણસ છે.” 

    સાંજે સાઈટ એન્જીનીયર મીસ્ટર દેસાઈ આવ્યા. અને રુ. ૫૦,૦૦૦/- કેશ એડવાન્સ માંગ્યા. જુના એક લાખ એડવાન્સના વાઉચર આપ્યા ન હતા. અઠવાડીયું થઈ ગયું હતું, અને યાદ પણ કરતા ન હતા. ગડબડીયા અક્ષરમાં સમરી આપી. ‘નીટ અને ક્લીન હેબીટ ન હોવાનો’ અને ‘પંક્ચ્યુઅલ નહી હોવાનો’ ગુનો બનતો  હતો.

     આ તો કેમ ચાલે? એન્જીનીઅરોની ક્યાં ખોટ છે? મગનભાઈએ સ્વર્ણલતાને બોલાવી. “લખો, એક મેમો લખો. કે.જી.દેસાઈને એક મેમો આપવાનો છે.” 

     સ્વર્ણલતાએ કહ્યું, “સાહેબ જો જો , કંઈ એવું કરી બેસતા. દેસાઈ સાહેબ તો મીનીસ્ટરના માણસ છે.” 

      હવે મગનભાઈ અકળાયા. અને બોલી ઉઠ્યા, ” આ બધું શું છે? અને શું ચાલી રહ્યું છે? રમેશ તો જનરલ મેનેજરનો માણસ છે; સુરેશ તો ડીરેક્ટરનો માણસ છે; મીસ્ટર સુકેતુ તો શેઠનો માણસ છે; દેસાઈ મીનીસ્ટરનો માણસ છે.” 

      સ્વર્ણલતા મગનભાઇની અકળામણ પામી ગઈ. તેણે ચપરાસી પોપટને બોલાવ્યો, અને ઠંડું પાણી લાવવા કહ્યું. પોપટભાઇ ટ્રેમાં બે ગ્લાસ ઠંડા પાણીના લાવ્યા.

      પણ ટ્રે ખાસ ચોક્ખી ન હતી. મગનભાઈનો પીત્તો જવાની તૈયારીમાં હતો. પણ એ ગમ ખાઈ ગયા. કદાચ આ પણ કોઈ મંત્રી કે કદાચ મુખ્ય મંત્રીનો માણસ હોય તો?!

    સ્વર્ણલતા મગનભાઈની વાત પામી ગઈ અને બોલી, “સાહેબ! પોપટને તો તમે વઢી શકો છો. એ તો ભગવાનનો માણસ છે! “

શિરીષ દવે

—————————————-

  શિરીષભાઈનો ખુબ ખુબ આભાર .. આ લઘુકથા અહીં પ્રકાશીત કરવા પ્રેમપુર્વક મોકલવા માટે. 

અસ્પૃશ્યતા અને ગ્રાહક સંભાળ, ભાગ -2 – એક કલ્પના

     તાળીઓનો ગડગડાટ શમી ગયો.

     ગોરી મહીલાના અંતરમાં એક તુમુલ યુધ્ધ ચાલી રહ્યું હતું. તેની નજર સમક્ષ પ્લેનમાં બેસતા પહેલાં, એરપોર્ટની લુન્જમાં બેસી વાંચેલા ‘નેશનલ જીયોગ્રાફી મેગેઝીન’ની લ્યુસી તરવરી રહી હતી. ઉત્તર પુર્વ આફ્રીકામાંથી પુરાતત્વશાસ્ત્રીઓને માંડ સાડા ચાર ફુટ ઉંચી સ્ત્રીનું હાડપીંજર મળી આવ્યું હતું. તેને એ લોકોએ લ્યુસી નામ આપ્યું હતું. અત્યાર સુધીમાં મળી આવેલ માનવ કંકાલમાં આ સૌથી જુનું હાડપીંજર હતું. એ રીપોર્ટ મુજબ, માનવજાતીનો પ્રાદુર્ભાવ આફ્રીકામાંથી થયો હતો; અને લ્યુસી આખા જગતની બધી માનવજાતીઓની ‘દાદી’ હતી! ધોળીયાઓની સર્વોપરીતાના ખયાલોથી ઘેરાયેલું તેનું મન આ પરીકલ્પના માનવા તૈયાર ન હતું.

લ્યુસી વીશે વધુ માહીતી 

     પણ કેપ્ટનના નીર્ણયે તેની આવી બધી માન્યતાઓને જબરજસ્ત હડસેલો આપ્યો હતો. સૈકાઓની, પેઢીઓની વીચારધારા કડડભુસ્સ થઈને તુટી રહી હતી. પુર્વગ્રહોના વાડા તુટી રહ્યા હતા. આજુબાજુના પ્રવાસીઓની તાળીઓ તેના કાનમાં પડઘાઈ રહી હતી અને પ્રતીઘોષના પોકારો તેના માનસમાં કોઈ અજીબોગરીબ હલચલ મચાવી રહ્યા હતા. તેની આંખોમાંથી શ્રાવણ અને ભાદરવો વરસવા માંડ્યા.

 

હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
પાપી તેમાં ડુબકી દઈને, પુણ્ય શાળી બને છે.’

– કલાપી

      કાળા મહાશય પોતાની સીટ પરથી ઉભા થયા અને સીટોની વચ્ચેના ચાલવાના રસ્તા પર આવી બોલ્યા, “ મેડમ! તમારો હાથ સામાન કયો છે તે મને બતાવશો? હું તમને ઉતારી આપું, અને તમે ફર્સ્ટ ક્લાસની એ સીટ ઉપર તબદીલ થાઓ.” નરમાશ, માનવતા અને સૌજન્યથી ભરેલા આ શબ્દોએ તેના માનસની રહી સહી કુરુપતાને ઓગાળી દીધી. છેવટના એક હડસેલામાં બધો જ ડચુરો નીકળી ગયો. બધી જ કડવાશ ઓગળી ગઈ.

     ડુસકાંઓની વચ્ચેથી માંડ બહાર આવી રહેલા શબ્દોમાં ગોરી મહીલા બોલી ઉઠી,” મહાશય! હવે મને વધુ શરમીંદી ન કરો. તમારી માનહાની કરવા માટે મને માફ નહીં કરો? હું આજથી તમારી બહેન અને તમે મારા મોટા ભાઈ.” તેણે હાથ પકડીને એમને પાછા પોતાની બાજુમાં બેસાડી દીધા.

     અને પ્લેનના બધા પ્રવાસીઓની તાળીઓના ગડગડાટથી બીજી વાર પ્લેન ગાજી ઉઠ્યું.

———————–

મુળ સત્યકથા વાંચો..

    એ કથાને મળેલ પ્રતીભાવોથી અભીભુત મારા મનમાં આ કલ્પના ઉભરી આવી.

    આ કલ્પનાને સાકાર કરવી એ મારું, તમારું, આપણા સૌનું, સમગ્ર માનવજાતનું ઉત્તરદાયીત્વ બની રહો.

    અસ્તુ …

અસ્પૃશ્યતા અને ગ્રાહક સંભાળ – સત્યકથા

અંગ્રેજીમાં મળેલ ઈમેલ પરથી ભાવાનુવાદ
– સત્યકથા 

     બ્રીટીશ એરવેઝની જોહાનીસબર્ગથી લન્ડન જતી ફ્લાઈટ BA-1432 (*) ના પ્લેનનું બારણું બંધ થયું. એર હોસ્ટેસે સીક્યોરીટીની તાલીમની રોજીંદી સુચના પતાવી દીધી. પ્લેન આકાશમાં, ઉંચે અને ઉંચે જતું ગયું : વાદળોની પેલે પાર, સાવ મુક્ત ગગનમાં. પણ એક પ્રવાસીના ચીત્તમાં મલીનતા, સંકુચીતતા, અસહીષ્ણુતા અને પુર્વગ્રહનાં કાળાં ડીબાંગ અને કુરુપ વાદળો આકાર લઈ રહ્યાં હતાં. તેનું મન તો તલાતલ પાતાળમાં, છેક ઉંડે ગરકેલું હતું. (* – કાલ્પનીક) 

     હવે પ્લેન 35,000 ફુટની મહત્તમ ઉંચાઈએ પહોંચી ગયું હતું. સુરક્ષા સંકેતો દુર થઈ ગયા હતા. મુક્ત હલનચલનની પરવાનગી આપી દેવામાં આવી હતી. પણ એ તો મુક્ત જનો માટે; મલીનતાથી ભરેલી પેલી વ્યક્તીનું શું? 

     આખું પ્લેન ભરચક ભરેલું હતું. ત્યાં જ એર હોસ્ટેસને બોલાવતી ઘંટડી રણકી ઉઠી. ઈકોનોમી ક્લાસની જે બેઠક પરથી આ ઘંટડી વગાડવામાં આવી હતી ત્યાં તે પહોંચી ગઈ.

      એક  જાજરમાન ગોરી મહીલા મોં ચઢાવીને, દેખીતી રીતે ગુસ્સામાં ત્યાં બેઠેલી હતી.

      એર હોસ્ટેસ ,” યસ, મેડમ!”  

       મેડમ, ” મને શી હરકત છે તેની તને ખબર નથી પડતી કે, મારે તમે સમજાવવું પડશે?”

     એર હોસ્ટેસે તેના મોંઢાનું બરાબર નીરીક્ષણ કર્યું. પણ તે સન્નારીને કાંઈ ચક્કર આવતાં હોય, અથવા ઉલટી થતી હોય,  તેવાં કોઈ ચીહ્નો તેની નજરે ન ચઢ્યાં.      

    એર હોસ્ટેસ,” માફ કરજો, મેડમ. પણ મને ખબર નથી પડતી.  તમે મને કહો તો હું તમને મદદ કરવા જરુર પ્રયત્ન કરીશ.”

   નાક ફુંગરાવીને ગોરી બોલી,” આ કાળીયાની બાજુમાં મને બેસાડી છે તે? આવા લોકો સાથે બેસતાં મારો તો જીવ જાય છે. મને બીજી કોઈ સીટ જલદી આપી દો. “

   આજુબાજુના  બધા પ્રવાસીઓ આ વાત સાંભળી હેબતાઈ ગયા.  

   એર હોસ્ટેસ બોલી,” માફ કરજો , બાનુ! બધી જ સીટો ભરેલી છે. પણ હું બરાબર તપાસ કરીને પાછી આવું છું.” તે કોક્પીટમાં ગઈ. ગોરીની આજુબાજુ સાવ નીસ્તબ્ધ  શાંતી અને તંગદીલીનું વાદળ ઘેરાઈ રહ્યું. થોડી વાર રહીને તે પાછી આવી.

      તેણે કહ્યું, “ઈકોનોમી ક્લાસની બધી સીટો તો ભરેલી છે. બીઝનેસ ક્લાસની બધી સીટો પણ ભરેલી છે. માત્ર ફર્સ્ટક્લાસની એક સીટ ખાલી છે.”

     ગોરી,” મને તરત ત્યાં સીટ બદલી આપ. હું તફાવતની રકમ આપી દઈશ.”

     એર હોસ્ટેસ,” અમારા નીયમો મુજબ આ શક્ય નથી.”

    તેને આગળ બોલતી અટકાવી અને કશું સમજ્યા કર્યા વીના, ગોરી બરાડી ઉઠી,” આ ત્રાસજનક છે. હું તમારી કમ્પની સામે મને માનસીક ત્રાસ આપવા માટે કેસ કરીશ.”  

    એર હોસ્ટેસે આગળ ચલાવ્યું, ” મેં કેપ્ટનને આ અંગે પુછી જોયું. આવી બદનામી અને બેઈજ્જતી ભરેલી પરીસ્થીતીમાં કોઈ પ્રવાસી મુકાય, એ તેમને ઠીક નથી લાગતું. આથી  આ વીશીષ્ઠ સંજોગો જોતાં કેપ્ટને તેમની હકુમત વાપરી, મને સુચના આપી છે.”  

   હવે તેણે પેલા કાળા સજ્જન સામે નજર કરી અને કહ્યું,” ચાલો મહાશય!  તમારો હાથસામાન લઈ લો અને મારી સાથે ફર્સ્ટ ક્લાસની સીટ પર તબદીલ થવા પધારો. તમને થયેલ માનસીક ત્રાસ માટે અને આમ સીટ બદલવાનું કષ્ટ આપવા બદલ કેપ્ટને તમારી માફી માંગી છે.”

    અને આજુબાજુના બધા પ્રવાસીઓએ કેપ્ટનનો આ નીર્ણય તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.

————————————————–

સાભાર – શ્રી. દીપક પરીખ