સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Tag Archives: True Story

અગ્નિવર્ષા, ભાગ – ૨

[મુળ અંગ્રેજી ઉપરથી ભાવાનુવાદ]

ભાગ -1 

      શતાબ્દીના ડબ્બામાં દાખલ થતી વખતની, સતીશના ચિત્તની બધી કડવાશ હવે ઊભરાઈ આવી. તેણે જુસ્સાથી પ્રતિભાવ આપ્યો,

    “ લો! શું વાત કરો છો? તમે જેમ સીડીની ઉપર ચઢતા જાઓ તેમ, થોડું જ જીવન સરળ બનતું જાય છે? ઊલટાની જવાબદારી અને કામના કલાકો અનેક ગણાં વધી જતાં હોય છે. જુઓને , અત્યારે આ મુસાફરીમાંય ક્યાં કામ છોડે છે? ડિઝાઈન અને કોડિંગ?  એ તો આખી પ્રક્રિયાના સાવ સરળ હિસ્સા હોય છે. હું તો આખાય પ્રોજેક્ટ માટે જવાબદાર છું. તમે નહીં માનો – આ કેટલું જવાબદારી ભરેલું કામ હોય છે? એમાં તો ઘણી વધારે તાણ પડતી હોય છે. મારી જવાબદારી છે – આ કામ સૌથી ઊંચી ગુણવતા ભર્યું હોવું જોઈએ અને વળી સમયસર પતવું પણ જોઈએ. લો! હવે અમારે કેટલા દબાણ નીચે કામ કરવું પડે છે; તેની વાત કરું. એક બાજુએ અમારો ઘરાક હોય. એની જરૂરિયાતો અને માંગણીઓ છાશવારે બદલાતી જતી હોય. બીજી બાજુએ છેવટનો વપરાશ કરનાર હોય. એના મગજમાં તો કાંઈ બીજું જ હોય! અને તમારો બોસ? એને તો ‘આ બધું તૈયાર કરીને તમે ગઈકાલે કેમ આપી દેતા નથી?’ – તેનો ધખારો હોય!”

     હવે સતીશ શ્વાસ ખાવા થંભ્યો. તેના ગુસ્સાની માત્રા થોડી હળવી બની હતી. એના હૈયાની વરાળ નીકળી જવાને કારણે તેને થોડી રાહત લાગી. તેણે જે કહ્યું હતું, તે એક બહુ જ મુશ્કેલ સંજોગોમાં કામ કરતા, અને સમયની સાથે હોડ બકતા, અને જેની વ્યથાઓને કોઈ સમજી જ શકતું નથી; એવા એક સાચા દિલના જણની રોજની મોંકાણ હતી. જો કે, આ સાવ સાચી હકીકત જણાવવામાં તેણે આટલા બધા ઉશ્કેરાઈ જવાની જરુર ન હતી.

     તેણે પોતાની વાત સમાપ્ત કરતાં વિજયી મુદ્રાથી ઉમેર્યું,

  ” ભાઈ! અગ્નિવર્ષાની જેમ ગોળા વરસતા હોય; તેની સામે ઊભા રહેવું; તેની તમને શી ખબર પડે?“

     પેલાએ આંખો બંધ કરી દીધી અને પોતાની સીટ ઉપર બેસી રહ્યો. જાણે કે, એને સતીશની વ્યથાની પ્રતીતિ થઈ રહી હતી. થોડીક વાર પછી તેણે આંખો ઉઘાડી. તેણે બોલવાની શરૂઆત જે શાંતિ ભરેલી ચોક્કસતાથી કરી; તે જોતાં સતીશને નવાઈ લાગવા માંડી.

    “ મને ખબર છે, સાહેબ! મને ચોક્કસ ખબર છે. અગ્નિવર્ષાની સામે ઊભા રહેવું તે શું છે; તેની મને બરાબર જાણ છે.”

      તે જાણે કે, અતીતમાં સરકી ગયો હતો. જાણે કે, આ ટ્રેન, સતીશ, આજુબાજુના કોઈ મુસાફરો, બારીમાંથી પસાર થતું દ્રશ્ય – કશું જ હવે તેની સામે ન હતું. તે કોઈક જુદી જ ભોમકામાં ગરકી ગયો હોય તેમ, સતીશને લાગ્યું. તે જાણે કે સમયના કોઈ જુદા જ પરિમાણમાં ભમી રહ્યો હતો.

     “ તે ઘનઘોર રાતના અંધકારમાં અમને ‘પોઈન્ટ – ૪૮૭૫’ સર કરી લેવા હુકમ મળ્યો; ત્યારે અમે ત્રીસ જણા હતા. ઉપર, એ પોઈન્ટની ઊંચી ટેકરી પરથી દુશ્મનોની ગોળીઓ સતત વરસી રહી હતી. હવે પછીની ગોળી કોની ઉપર અને ક્યારે વરસશે? તેની અમને કશી જાણ થઈ શકે તેમ જ ન હતું. સવારે જ્યારે અમે એ પોઈન્ટ ઉપર તિરંગો લહેરાવ્યો ત્યારે અમે માત્ર ચાર જણા જ બચ્યા હતા. બીજા બધા કામ આવી ગયા હતા. “

     સતીશે થોથરાતા અવાજે બોલવા પ્રયત્ન કર્યો,”ત.. ત.. ત.. તમે..?”

     “હું કારગીલના પોઈન્ટ – ૪૮૭૫ ઉપર ફરજ બજાવતી ૧૩મી જમ્મુ અને કાશ્મીર રાઈફલનો સુબેદાર સુશાન્ત છું. હવે મને કહેવામાં આવ્યું છે કે, મારી મુદત પુરી થઈ છે; અને હું કોઈ હળવું (સોફ્ટ) કામ કરી શકું છું. પણ સાહેબ! તમે મને કહો, કોઈ મને એવી નોકરી આપે કે, જેનાથી જીવન થોડું સરળ બની જાય? તે વિજયની વહેલી સવારે, મારો એક સાથીદાર સ્નોમાં દુશ્મનની ગોળીથી ઘવાયેલો પડ્યો હતો. અમે એક બન્કરની આડશે સંતાયેલા હતા. એ સૈનિકની નજીક જઈ એને સુરક્ષાવાળી જગ્યાએ લઈ જવાની મારી જવાબદારી હતી. મારા કેપ્ટન સાહેબે મને તેમ કરવાની પરવાનગી ન આપી; અને તે જાતે એ કામ કરવા ગયા.”

       તેમણે મને કહ્યુ.” એક સારા સિપાહી તરીકે, દેશની સલામતી અને સુખાકારીને એક નંબરની ગણવાના મેં કસમ ખાધેલા છે. બીજા નંબરે મારા માણસોની સલામતી આવે છે. મારી પોતાની સલામતી હમ્મેશાં અને દરેક વખતે, સૌથી છેલ્લી આવે છે.”

     સુશાન્તે શોકના ઓથારથી ભરેલા સ્વરે ઉમેર્યું, ”તેમણે એ ઘવાયેલા સૈનિકને પોતાની આડશમાં રાખીને સલામત બન્કર સુધી પહોંચાડ્યો ત્યારે પોતાના પ્રાણની તે આહૂતિ આપી ચુક્યા હતા. ત્યાર બાદ દરેક સવારે, અમે જ્યારે ચોકી કરવાની અમારી ફરજ બજાવતા હતા ત્યારે એ ગોળીઓ ઝીલતા કેપ્ટનની યાદ મને હમ્મેશ આવે છે. એ ગોળીઓ તો સાહેબ! ખરેખર અમારે માટે હતી; અને કેપ્ટને પોતે તે ઝીલી લીધી હતી. એ તો શહીદ બની ગયા. અગ્નિવર્ષા કોને કહેવાય તે મને બરાબર ખબર છે, સાહેબ! “

      એના ગળામાંથી એક ડૂસકું જ આવવાનું બાકી હતું.

     સતીશને અસમંજસમાં સમજણ ન પડી કે, આનો શો જવાબ આપવો. તેણે એક નૈસર્ગિક અને સ્વયંભૂ આવેગમાં પોતાનું લેપટોપ બંધ કરીને બાજુએ મુકી દીધું. પોતાના કલ્પનાના મનોરાજ્યમાં, વાંચેલાં મહાકાવ્યો અને ભુતકાળની ગૌરવ ગાથાઓમાં, જેમને વીર અને સુભટ ગણ્યા હતા; તેવા એક આદમીની હાજરીમાં એને પોતાનો ‘વર્ડ’ ડોક્યુમેન્ટ, કે જેને તે એડિટ કરી (મઠારી) રહ્યો હતો; તે સાવ ફાલતુ લાગવા માંડ્યો. એને આગળ મઠારવાનુ પણ હવે તેને ક્ષુદ્ર લાગવા લાગ્યું. આ માણસની નિષ્ઠા આગળ તેની પોતાની સમગ્ર કામગીરી અને વ્યથાઓ સાવ વામણી લાગવા માંડી.   શૂરવીરતા, જાનફેસાની અને જવાબદારી માટેની સભાનતા જેના જીવનનો એક અંતરંગ ભાગ હતો; એવા એક આદમીની બાજુમાં સતીશને પોતાની જાત એક ક્ષુદ્ર જંતુ જેવી બની ગઈ હોય, તેવી અનુભૂતિ થવા લાગી.

     શતાબ્દી ધીમી પડી અને સ્ટેશનની હદમાં પ્રવેશી. સુબેદાર સુશાન્તે ઉતરવા માટે પોતાનો સામાન ભેગો કર્યો. સતીશે તેની સાથે હાથ મીલાવતાં કહ્યું,” તમને મળીને મને બહુ આનંદ થયો.” તેના હાથમાં જે હાથ હતો તે હાથે દેશની સરહદ ઉપર બંદુકની ગોળીઓ છોડી હતી. એ હાથે કારગીલની એ ટેકરી ઉપર, કરોડો દેશવાસીઓની સલામતીના પ્રતીક જેવો તિરંગો લહેરાવ્યો હતો.

    એકાએક કોઈ અનેરી આંતરિક અનુભૂતિથી સતીશે પોતાનો જમણો હાથ એ હસ્તધૂનનમાંથી છોડાવ્યો. સતીશે શરીર કડક કરી, ‘હોંશિયાર’ની સ્થિતિ ( Attention) ધારણ કરી અને જમણા હાથ વડે તેણે સુબેદાર સુશાન્તને સલામી આપી. તેને લાગ્યું કે દેશની અદબમાં તેણે આટલું તો કરવું જ રહ્યું.

य!  मेरे वतनके लोगों,
जरा आंखमें भर लो पानी

जो शहीद हुए हं उनकी,
जरा याद करो कुरबानी } 

————————————–

નોંધ –

    નીચે દર્શાવેલ ઘટના એક સત્યકથા છે.

clip_image002_thumb-2

   ૯ સપ્ટેમ્બર – ૧૯૭૪ ના દિવસે જન્મેલા, કેપ્ટન વિક્રમ બત્રાએ કારગિલના એ વ્યૂહાત્મક મહત્વવાળા પોઈન્ટ – ૪૮૭૫ સર કરતી વખતે, અને વિજય હાથવેંતમાં હતો ત્યારે, પોતાના જવાનોની રક્ષા કરવામાં પોતાના જાનનું બલિદાન આપ્યું હતું. આ અને આવા બીજા અનેક વીરોચિત કાર્યો માટે કેપ્ટન બત્રાને દેશનો સૌથી મોટો લશ્કરી એવોર્ડ ‘પરમ વીર ચક્ર’ એનાયત કરવામાં આવ્યો હતો.


સંદર્ભ

કેપ્ટન બત્રા


      આપણે નમ્રતાથી જીવીએ. આપણી સાવ અજાણતામાં આજુબાજુમાં એવા મહાન, ઉદાત્ત ધ્યેયવાળા અને વિજેતા માણસો હોઈ શકે છે ..

  • જેમની પાસે ગમગીન થવા માટે, નવરાશ હોતી નથી.
  • જે શંકાશીલ થઈ જ ન શકાય, એટલી હદ સુધી હકારાત્મક હોય છે,
  • જે ભયભીત બની જ ન શકાય, એટલા આશાવાદી હોય છે.
  • જે કદી હાર ન માને એટલું, સંકલ્પબળ ધરાવતા હોય છે.

આ વાર્તા પહેલી વખત પ્રકાશિત થઈ ત્યારે તેની ઉપર કેપ્ટન નરેન્દ્ર ફણસેનો પ્રતિભાવ –

       સુબેદાર સુશાન્તની વાત અગાઉ અંગ્રેજીમાં વાંચી હતી, તેમ છતાં તમે કરેલો ભાવાનુવાદ ફરી ફરી વાંચી ગયો અને તે સીધો હૃદયમાં ઉતરી ગયો. એક ભૂતપૂર્વ સૈનિકને ભાવવિવશ કરી નિ:શબ્દ કર્યો. વધુ કંઇ પણ કહેવા અશક્તિમાન છું. આ લખ્યું તે કેવળ તમને જણાવવા કે તમે અને તમારા વાચકોએ વ્યક્ત કરેલી ભાવનાઓને કારણે ભારતની સેનાનું મનોબળ ઉન્નત છે.


આવા જ એક બીજા કારગિલ વીર, મહાવીર ચક્ર ધારક, સુબેદાર ઇમ્લિયાખાનની આવી જ પ્રેરક સત્યકથા અહીં વાંચો –

 

અગ્નિવર્ષા : ભાગ -1

[મુળ અંગ્રેજી ઉપરથી ભાવાનુવાદ]

પ્રવેશક

      આ વાર્તા સત્યકથા છે કે, નહીં એની ખબર નથી ; પણ દસેક વર્ષ પહેલાં અંગ્રેજીમાં એક ઈમેલ બહુ જ વાઈરલ થયો હતો. એનો આ ભાવાનુવાદ છે. એ કથાની સત્યતા કે અસત્યતાને બાજુએ મુકીએ તો એક વાત નિર્વિવાદ છે કે, એની પાછળનું મૂળ એક નક્કર હકીકત છે. એક સન્નિષ્ઠ સૈનિકના જીવન અને તેના સમર્પણને ઊજાગર કરતી આ વાર્તા ગુજરાતી નેટ જગતના એક માત્ર સૈનિક, અને ‘વેબ ગુર્જરી’ના સંપાદક મંડળના સભ્ય કેપ્ટન નરેન્દ્ર ફણસેને ભાવપૂર્વક સમર્પિત કરતાં, સૌના વતી આ રૂપાંતરકારની નરેન્દ્રભાઈ અને સૌ નિષ્ઠાવાન સૈનિકોને લશ્કરી સલામ.

captain-narendra-2

    સતીશ યાદવ કડવાશભર્યા ચિત્તે, શતાબ્દી એકસપ્રેસના ડબ્બામાં દાખલ થયો. વા­­­­તાનુકુલિત ડબ્બાની, પોચી ગાદી વાળી અને પહેલેથી આરક્ષિત એ સીટ પણ તેની કડવાશને મીઠી બનાવી શકતી ન હતી. હમણાં જ તે શહેરની એક મોંઘીદાટ હોટલમાં જમણ પતાવીને, ટેક્સીમાં રેલ્વે સ્ટેશન આવ્યો હતો અને આ ગાડી પકડી હતી.

    સતીશ એક નાની સોફ્ટવેર કમ્પનીમાં પ્રોજેક્ટ મેનેજર હતો; અને છતાં તેની કમ્પનીના, જમાનાજૂના નિયમો પ્રમાણે હવાઈ મુસાફરી માટે અધિકારપાત્ર ન હતો. ‘મને ક્યાં હવાઈ મુસાફરીનો શોખ કે એ પ્રતિષ્ઠાભર્યા હવાઈ પ્રવાસની કોઈ લાલસા છે? પણ કામની અગત્યના સબબે ટ્રેનની આ મુસાફરી સમયનો અક્ષમ્ય બગાડ જ છે ને?

    આમ તો સતીશ સાવ મધ્યમ વર્ગમાંથી આવેલો મહેનતુ જણ હતો. પણ કેવળ પોતાની આવડત, મહેનત અને સત્યનિષ્ઠાના બળે, આટલી નાની ઉમ્મરે, આવી જવાબદારી સંભાળતો મેનજર બની શક્યો હતો. તેણે પ્લેનની ટિકિટ કઢાવી આપવા માટે કમ્પનીના વહીવટી અધિકારીને કેટકેટલી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો હતો? તેને પ્લેનમાં જવા દીધો હોત, તો કેટલો બધો સમય બચી જાત? દિલ્હીમાં કામ કરતા બીજા મદદનીશો અને સમકક્ષ અધિકારીઓ સાથે તેણે કેટલી બધી ચર્ચા કરવાની હતી? કેટલા બધા જટિલ પ્રશ્નોનું નિવારણ લાવવાનું હતું? એક પ્રોજેક્ટ મેનેજર તરીકે કેટલી મોટી જવાબદારીનું એ કામ હતું? અને પ્રોજેક્ટની ડેડ લાઈન તો સાવ ઠૂંકડી આવી ગઈ છે ને?

     ‘પ્રતિસ્પર્ધી વિદેશી કમ્પનીના, એનાથી સાવ હલકું કામ કરતા, સાવ છોકરડા જેવા, સાવ પ્રારંભિક આવડત વાળા, અને મહાપરાણે ભણેલા, એનાથી પાછળ સ્નાતક થયેલા, કોલેજ કાળના સાથી પંકજને વિમાની સફર ક્યારનીય મળતી હતી. એ વિદેશી લોકો સમયની કિમ્મત વધારે સારી રીતે સમજે છે.’

    સતીશે એની બ્રિફકેસ ખોલી અને અંદરથી લેપટોપ કાઢ્યું. કડવાવખ દિલે એ આ કડવો ઘૂંટડો અનેકમી વાર ગળી ગયો. ‘કામ કર્યા વિના થોડો જ છૂટકો છે?’ તેણે આ બધા નકારાત્મક વિચારો દૂર કરી, સમયનો સદુપયોગ કરવાનું નક્કી કર્યું.

     “ તમે સોફ્ટવેરનું કામ કરો છો? “

    એની બાજુવાળા જડસુ જેવા, કદાવર બાંધાના અને રૂક્ષ દેખાવવાળા સહપ્રવાસીએ પુછ્યું. તેની નજર આ લેપટોપ જોઈ, અહોભાવથી પહોળી થયેલી જણાતી હતી. સતીશે લેપેટોપમાં જ ડોકું ઘાલેલું રાખીને, હકારમાં ધૂણાવ્યું. હવે તે ગૌરવભરી રીતે, કોઈ મહામૂલી લક્ઝરી કાર ચલાવતો હોય તેમ, પોતાના લેપેટોપને પકડી રહ્યો. કોઈ મહાન કામ તે કરી રહ્યો છે; તેવો ભાવ પણ દર્શાવી રહ્યો. એ જડસુના આ અહોભાવવાળા પ્રતિભાવે તેના ગર્વને પોષ્યો હતો.

     “ તમે લોકોએ દેશમાં કેટલી બધી પ્રગતિ લાવી દીધી છે? અરે! બધે કોમ્યુટર વપરાતાં થઈ ગયાં છે.”

     “આભાર.” – સ્મિત કરીને સતીશે કહ્યું.

   સતીશે હાથી કોઈ જંતુ સામે ચૂંચી આંખે નજર કરે; એવી રીતે અભિમાન અને અસૂયાની નજરે, એની સામે તિરછી આંખે જોયું. જોકે, અંતરમાં પોતાના કામની આ કદરદાની તેને ગમી તો હતી જ ! એ માણસ કદાવર બાંધાવાળો અને સાવ સામાન્ય જણાતો હતો. શતાબ્દીની, પ્રથમ વર્ગની, આ વૈભવશાળી મુસાફરીમાં તે સાવ ગામડેથી આવેલા ગમાર જેવો દેખાતો હતો. જાણે ગામઠી નિશાળમાંથી પબ્લિક સ્કૂલમાં ઘૂસી ન ગતો હોય? કદાચ એ મફત રેલ્વે પાસ પર મુસાફરી કરતો, રેલ્વેનો જ કોઈ કર્મચારી જેવો લાગતો હતો.

     “ તમને લોકોને જોઈને મને હમ્મેશ આશ્ચર્ય અને આનંદ થાય છે.” પેલાએ ચાલુ રાખ્યું.  “તમે એરકન્ડિશન ઓફિસમાં બેસી, ચાર પાંચ લાઈનો આમાં પાડો અને કોમ્પ્યુટર હેરતભરી કામગીરી કરતું થઈ જાય. બહારની દુનિયામાં એની કેટલી મોટી અસર થઈ જાય?“

     સતીશે કટાક્ષભર્યું સ્મિત કર્યું. ઓલ્યાની આ ગમાર જેવી પણ ભલીભોળી વાત પર તેને ગુસ્સો તો આવ્યો, પણ થોડી સમજ પાડવી તેને જરુરી લાગી. “એ એટલું બધું સીધું નથી. એ બે ચાર લાઈનોની સાથે કોમ્પ્યુટરમાં કેટલી બધી પ્રોસેસ થતી હોય છે, તેની તમને શી ખબર પડે?“

    કમ્પનીના નવા શિખાઉઓને આપતો હતો તેમ, એક ક્ષણ સતીશને ‘સોફ્ટવેર ડેવલપમેન્ટ’ની આખી પધ્ધતિનો ચિતાર આપતું પ્રવચન આપવાનું મન થઈ ગયું. પણ સતીશે ટૂંકમાં પતાવ્યું, “ એ બહુ જટિલ હોય છે – કોમ્પ્લેક્સ, બહુ કોમ્પ્લેક્સ!”

    “એ તો એમ હશે જ ને? એટલે તો તમને લોકોને આટલા મોટા પગાર મળતા હોય છે ને? ” –પેલાએ તો બાપુ! આગળ ચલાવ્યું.

    હવે સતીશને ખરેખર ગુસ્સો ચઢી આવ્યો. આ વાતચીત તેણે ધાર્યા હતા તેવા, તેના ગર્વને પોષતા રસ્તે આગળ વધતી ન હતી. એ તો કોઈ જુદો જ વળાંક લઈ રહી હતી. તેને આ ઉત્તર કટાક્ષ અને કડવાશથી ભરેલો લાગ્યો. સતીશના વિવેકી વર્તનમાં હવે બધી કડવાશ ઉભરાઈ આવી.

      તેણે સમજાવટભર્યા અને મિલનસાર અવાજને બદલીને તીવ્ર અવાજમાં કહ્યું,

     “ બધાંને અમને મળતો પગાર જ દેખાય છે. કોઈને એની પાછળ કેટલો પસીનો પાડવો પડતો હોય છે, એની ક્યાં ખબર હોય છે? આપણા દેશી લોકની સંકુચિત નજરમાં આ સખત મહેનતની ક્યાં કશી કિમ્મત જ હોય છે? અમે એરકન્ડિશન ઓફિસમાં બેઠેલા રહીએ છીએ; એનો અર્થ એમ નહીં કે અમારે પસીનો પાડવો નથી પડતો. તમે લોકો તાકાત વાપરો છો; અમે મગજ. તમે એમ ન માનતા કે એમાં શ્રમ નથી પડતો. ભેજાનું દહીં થઈ જાય છે, દહીં.“

    સતીશને લાગ્યું કે, ‘તેણે એ જડસુની સાન બરાબર ઠેકાણે લાવી દીધી છે, અને પોતાની જળોજથા બરાબર સમજાવી દીધી છે.’

     પેલાને નિરુત્તર થયેલો જોઈ, સતીશને હવે વધારે શૂર ચઢ્યું.

    “ જુઓ, હું તમને એક દાખલો આપું. આ ગાડીનો દાખલો જ લો ને. રેલ્વેની આખી આરક્ષણ પધ્ધતિ હવે કોમ્પ્યુટરથી ચાલે છે. તમે આખા દેશમાં પથરાયેલી સેંકડો આરક્ષણ ઓફિસોમાંથી, કોઈ પણ બે સ્ટેશન વચ્ચેની મુસાફરી માટે સીટ આરક્ષિત કરી શકો છો. આખા દેશના એક જ ડેટાબેઝનો આવા હજારો વપરાશોનો (Transactions) એકદમ સલામતી ભરી રીતે, લોકીંગ અને ડેટા સીક્યોરીટી સાથે અને કોઈ ભુલ ચુક કે નુકશાન વગર, એક સાથે હિસાબ કરી લે છે. આ માટેની જટિલ ડિઝાઈન અને તેનાથીય વધારે જટિલ કોડિંગની તમને સમજ પડે છે?”

   જાણે કોઈ પ્લેનેટેરિયમ સામે એક બાળક જોઈ રહે; તેમ પેલા ભાઈ તો હેરતભરી આંખે સતીશની સામે જોઈ રહ્યા.

    “ તમે આ બધા માટે કોડ લખો છો? “

     “ હું લખતો હતો – મારી કારકિર્દીની શરૂઆતમાં. પણ હવે તો હું વધારે મુશ્કેલ કામ કરું છું. હું પ્રોજેક્ટ મેનેજર છું.” – સતીશે ગર્વથી જણાવ્યું.

     “વાહ! “ જાણે કે એક વાવાઝોડું પસાર થઈ ગયું હોય, તેવા ભાવથી પેલાએ ઉદ્ ગાર કાઢ્યો. “તો તો હવે તમારી જિંદગી મેનેજરો જેવી સરળ થઈ ગઈ હશે.”

      હવે તો હદ થઈ ગઈ. સતીશની દુખતી નસ દબાઈ ગઈ હતી.


‘શતાબ્દી’ના આગળ વધવાની સાથે આપણી આ કહાની પણ  અહીં આગળ વધે છે.

અફલાતૂન તબીબ, ભાગ -૭ – ઢીંચણનો દુખાવો

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

‘મેથીપાક’  લખ્યા બાદ અઠવાડીયામાં માત્ર બે જ દિવસ, સવારે નયણા કોઠે મેથી લેવાનું રાખ્યું. પણ આથી એ બે દિવસ સિવાય ઢીંચણનો દુખાવો ચાલુ જ રહ્યો. વળી મારા ફેમિલી ડોક્ટર  પ્રેશરની ગોળી દર મહિને બદલ્યા કરતા હતા; પણ પ્રેશરમાં ખાસ ફરક પડતો ન હતો.

આથી ત્રણ અઠવાડીયા પહેલાં, અહીં અમારા સ્થાનિક ભજન ગ્રુપમાં જતાં પહેલાં નિર્ણય કર્યો કે, આ બધી જફાનો એક જ રામબાણ ઈલાજ અજમાવવા દે…..

અફલાતૂન તબીબ સદગત શ્રી. ગિદવાણીજીનો ઈલાજ.

જો કે, એ કતલની સાંજે તો આ બામણ ભાઈ બરાબર દાબીને જમ્યા!  અને બીજા દિવસથી હું તો આદુ ખઈને મચી પડ્યો ! અરે! ભૂલ્યો … ઉપવાસથી શરૂઆત કરી.

પહેલે દિવસે ભીમભાઈએ કર્યો હતો, એવો નકોરડો અપવાસ. હા! એક ફરક; પાણી પ્યાલે પ્યાલા ભરીને પીધે રાખ્યા. માથું તો એવું દૂખે કે, ન પૂછો વાત. અશક્તિ તો રહે જ ને? અને થોડોક તાવ પણ ખરો. ભૂખ્યા પેટે, રાતે તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

અને બીજા દિવસથી ચાર દિવસ ફળાહાર. સવાર અને બપોરે એ જ મોસંબી. જો કે, અહીં મળતી મોસંબી દેશ જેવી ફિકી નથી હોતી. અને મોટી પણ વધારે. ત્રણ મોસંબીમાં તો પેટ ફાટ ફાટ થઈ જાય. બબે કલાકે જુદાં જુદાં ફળ તો ખરાં જ. હા! એક સાથે એક જ જાતનું ફળ – કોઈ ભેળસેળ નહીં.

અને પછી, ધીરે ધીરે રોજના ખોરાક પર ચઢવા માંડ્યો. એક મહાન ફરક સાથે – ખાંડ અને મીઠું બને તેટલાં ઓછાં કરી દીધાં. ચામાં અઢી ચમચી ખાંડ લેતો હતો; તેની એક જ કરી નાંખી.

અને આ શું?

પ્રેશરની ગોળી લીધા વિના ધીરે ધીરે પ્રેશર નીચું આવવા માંડ્યું. અને સાતમા દિવસે તો મેથી, બામ કે કોઈ પેઈન કીલર વિના ઘરડો ઢીંચણ જવાન થવા લાગ્યો!  માંડ ૩૦ % જેટલો જ દુખાવો રહ્યો.

તમે નહીં માનો; સાવ બેઠાડુ થઈ ગયો હતો; એની જગ્યાએ રોજ વીસેક મિનિટ ચાલવાનું શરૂ કરી શક્યો.

જય હો!
અફલાતૂન તબીબનો

——————————————————-

અગાઉ લખેલી અફલાતૂની ……

અફલાતૂન તબીબ

ભાગ -1 : ઊંટાટીયો

ભાગ -2 : કમરનો દૂખાવો

ભાગ – 3 : પેશાબ બંધ

ભાગ – 4 : સૂકી ખાંસી

ભાગ – 5 : આંબોઈ

ભાગ – ૬ મેથીપાક

ગાંધીવાદી ચતુરભાઈ

( સત્યકથા પર આધારીત )

—–1939—–

આઝાદીના જંગમાં સત્યાગ્રહ માટે જેલવાસ ભોગવતા, ચતુરભાઈ બીમાર પડ્યા. બીમારી પણ સખત. એમની નાજુક તબીયતને જેલનો ખોરાક, પાણી, માહોલ શી રીતે માફક આવે?

ચતુરભાઈ ચુસ્ત ગાંધીવાદી હતા. ઉપવાસો કરવા, ગાંધીજીના વીચારોનું કડક પાલન કરવું; આ બધું તેમના સ્વભાવમાં વણાઈ ગયું હતું. દેશી રજવાડાની જેલના ડોકટર દલપતભાઈ તેમને દવાઓ આપતા હતા; પણ કશો ફરક પડતો ન હતો. બીજા કોઈ જડભરતને  તો  રાજદ્વારી કેદીને અપાતી, આવી વીશીષ્ઠ સેવા મળી હોય તો; બીજા જ દીવસે ઉભો થઈ ગયો હોય. પણ આ તો એકવડીયા બાંધાના, રુની પુણીમાંથી કંતાયેલા સુતરના તાર જેવા, નરમ ઘેંશ અને પુરા આદર્શવાદી ચતુરભાઈ હતા.

છેવટે કંટાળીને તેમણે ડોકટરને કહ્યું,” ડોકટર મને મારો સાદો ખોરાક મળે તેવું ના કરી શકો?”

ડોકટર ,” બોલો ! શું ખોરાક લેવો છે? “

ચતુરભાઈ, “ ઢીલી, રાબ જેવી ખીચડી અને તાંદળજાની ભાજી.”

ડોકટર, “ અંગ્રેજ સરકારના નીયમ પ્રમાણે,  જેલરને અને બીજા અધીકારીઓને મળે છે તેવાં, દુધ, ઈંડા, ઓવલ્ટાઈન વીગેરેની વ્યવસ્થા હું તબીબી કારણોસર કરી શકું. પણ આ તો જેલમાં મળે જ નહીં . એની વ્યવસ્થા કરવાનું મારાથી ન કહેવાય.”

ચતુરભાઈ  ચુપ થઈ ગયા.

દલપતભાઈ  ઘેર ગયા. સરકારી નોકર હતા; એટલે  મજબુર હતા. પણ દેશને માટે સત્યાગ્રહીઓ  જે કષ્ટ ભોગવતા હતા; તેને માટે તેમને અંગત રીતે સહાનુભુતી હતી. તેમને વ્યગ્ર જોઈ તેમનાં પત્નીએ કારણ પુછ્યું.

કારણ જાણી કમળાબેન બોલ્યાં, ”આ તો સાવ સહેલું છે. એ તો અમારું બૈરાંનું કામ,  હું રોજ બે ટાઈમ એ રાંધીશ.  તમે એ ચતુરભાઈને મળે તેવી ગોઠવણ કરજો.”

બીજા દીવસથી, જેલરને વાત કરીને ચતુરભાઈને દલપતભાઈના ઘરમાંથી  આ અમીરી જમણની(!) વ્યવસ્થા ચાલુ થઈ ગઈ.

અને બે ચાર દીવસમાં તો ચતુરભાઈ ઓલરાઈટ થઈ ગયા.

—- 1953 —–

આઝાદી મળ્યા બાદ, ચતુરભાઈનાં નસીબ ખુલી ગયાં. એ જમાનામાં ચુસ્ત ગાંધીવાદી અને આદર્શવાદી નેતાઓની  બોલબોલા હતી. ચતુરભાઈ તો રાજ્યના મુખ્ય પ્રધાન બની ગયા. અને દલપતભાઈ નીવૃતીને આરે.

દેશી રજવાડામાં ડોકટર તરીકે જોડાતાં પહેલાં એમણે ઘણાં વર્ષો ખાનગી પ્રેક્ટીસ કરેલી. આથી પુરું પેન્શન મેળવવા માટે એમને નોકરીની લંબાઈની ગણતરીમાં બે વરસ ખુટતાં હતાં. કાયદા પ્રમાણે કોઈ પ્રધાન આ ગાળો કોન્ડોન ( ગુજરાતી શબ્દ?) કરી આપે તો તેમને પુરું પેન્શન મળે.

કમળાબેને કહ્યું,” તમે રાજની આટલી પ્રમાણીકતાથી નોકરી કરી છે; અને ચતુરભાઈને  આપણે મોતના મોંમાંથી પાછા આણ્યા હતા. તો તેમની આગળ રાવ કરો તો? ચતુરભાઈ તમારું માન જરુર રાખશે.”

આશા સાથે દલપતભાઈ સી.એમ. પાસે  ગયા. વાત સમજાવી. પણ ચતુરભાઈ તો શુધ્ધ ગાંધીવાદી ખરાને? તેમણે ઘસીને ના પાડી દીધી. “ હું મારી વગનો ઉપયોગ તમારા અંગત સ્વાર્થ માટે કરું , તે બરાબર નહીં .”

દલપતભાઈ,” મેં મારા ઘરમાંથી તમને ખીચડી અને  તાંદળજાની  ભાજી મોકલ્યાં હતાં; તે તો તમને યાદ છે ને? “

ચતુરભાઈ ,”તમે સરકારી નીયમનો ભંગ કર્યો હતો; તેમ મારાથી ન થાય.”

દલપતભાઈ માથું નીચું નમાવીને ઘર ભેગા થઈ ગયા. મનમાં તુમુલ યુધ્ધ ચાલતું હતું.

‘ ખીચડી અને તાંદળજો  માંગતાં અને ખાતાં જેલના નીયમોનો ભંગ થતો ન હતો? ‘

———————

હવે તમે જ કહો –

‘ ચતુરભાઈએ  દલપતભાઈની વીનંતી માન્ય ન રાખી તેને તમે યોગ્ય ગણો છો? ‘

પાણીની ટાંકી

“આ પાણી આટલું ધીમું કેમ આવે છે?” – બાથરુમમાંથી મારી ઓફીસમાં આવી મેં મારા પટાવાળાને પુછ્યું.

“ સાહેબ! આપણા બીલ્ડીંગનો બોર ફેલ ગયો છે. આ તો સામેના જુબીલી હાઉસની ટાંકીનું પાણી આવે છે.”

વાત જાણે એમ છે કે, હું તે વખતે શાહપુર ખાતે આવેલી સીટી ઝોનની ઓફીસમાં મેનેજર હતો. અમારું મકાન આઠ માળનું હતું; અને તેના ભોંયરામાં પાણી માટે જે બોરવેલ હતો; તે એ દીવસે ખોટકાઈ ગયેલો હતો. સામે કમ્પનીના મેઈન્સ  ડીપાર્ટમેન્ટની ઓફીસ હતી. બે ઓફીસો વચ્ચે પાણીની લાઈનોને જોડતું કનેક્શન હતું; જે આ આપત્તીને પહોંચી વળવા ચાલુ કર્યું હતું.

ખાતાના અધીકારી તરીકે આની જાતમાહીતી લેવા હું ભોંયરામાં પહોંચી ગયો. બોરને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી. વધારે તપાસ કરતાં ખબર પડી કે, બોરમાંથી મળતું પાણી, ભોંયરાની પણ નીચે આવેલી મોટી ટાંકીમાં ઠલવાતું હતું; જ્યાંથી પાણીના બે પમ્પ વડે મકાનની છેક ઉપર  આવેલી ઓવરહેડ ટાંકીમાં પાણી ચઢાવવાની વ્યવસ્થા હતી. ખોટકાયેલો બોર કાઢીને નવો નાંખવાની કામગીરીને કમ સે કમ બે દીવસ તો લાગી જશે, તેવો અંદાજ હતો.

મેં આનું કામ સંભાળતા એન્જીનીયરને પુછ્યું,” આ ટાંકીઓ કદી સાફ થાય છે ખરી?”

તેણે કહ્યું,” ઓવરહેડ ટાંકી તો વરસે એક વાર સાફ થાય છે. પણ આ નીચેની ટાંકી તો બની ત્યારથી કદી સાફ થઈ નથી. એ તો બહુ મોટી છે. એને ખાલી કરતાં બહુ સમય લાગે અને છેક નીચે હોવાથી ખાસ પમ્પ લગાડીએ તો જ એ ખાલી કરાયને? “

હું ચોંકી ગયો. મકાન બન્યે સાત વર્ષ થયાં હતાં; અને અમે એ ટાંકીમાં ભરેલું પાણી જ – પીવા માટે પણ – વાપરતા હતા! એ ટાંકીમાં પેંસવા માટેનું દ્વાર મેં ખોલાવડાવ્યું. વાત સાચી હતી. એ ટાંકી અત્યંત લાંબી , પહોળી અને ઉંડી હતી. એમાં પાણી ત્રણેક ફુટ જેટલું ભરેલું દેખાતું હતું. મેં એક મજુરને એમાં ઉતરવા કહ્યું અને પાણીની  ઉંડાઈ મપાવી. નકશા સાથે સરખામણી કરી. બીજું આશ્ચર્ય. પાણીની નીચે એક ફુટ જેટલો કાદવ   જમા થયેલો હતો. અને એ પાણી અમે વાપરતા હતા!

મેં તરત હુકમ કર્યો,” ગમે તેમ થાય, આ ટાંકી ખાલી કરીને સફાઈ કરવી જ પડશે. “ અમારી પાસે એક નાનો ડીવોટરીંગ પમ્પ હતો; તેને કામે લગાડ્યો. જે ઝડપથી તે પાણી ખાલી કરતો હતો, તે જોતાં બે ત્રણ દીવસ તો તેને ખાલી કરતાં જ નીકળી જાય તેમ હતું. અને પછી કાદવ કાઢતાં?

મેં અમારા સાબરમતી પાવર સ્ટેશનમાંથી ડીઝલ પમ્પ મંગાવ્યો. સાંજ સુધીમાં ટાંકીમાં માત્ર કાદવ જ રહ્યો. એ દરમીયાન અમે કાદવ કાઢવા માટે મજુરોની વ્યવસ્થા ગોઠવી દીધી હતી. તમે નહીં માનો પણ એ વીશાળ ટાંકીને સાવ ખાલી કરી સફાઈ કરતાં, ચોવીસે કલાક કામ ચાલુ રાખ્યા છતાં, પુરા ત્રણ દીવસ થયા.  ચારેક ખટારા ભરાય એટલો  કાદવ નીકળ્યો હતો!

મને થયું,’દર વરસે આમ કરવાનું શી રીતે શક્ય બને?’

અને બીજો સદવીચાર સુઝ્યો. જો ટાંકીને ત્રણ ભાગમાં વહેંચી નાંખી હોય તો, પાણીની વ્યવસ્થા ચાલુ રાખીને પણ વારાફરતી એકે એક ભાગ સાફ કરી શકાય.

તાત્કાલીક એ ટાંકીના તળીયામાં ઈંટની બે દીવાલો ચણાવી; અને બનેલા ત્રણ ભાગોને એકમેકથી છુટા પાડવાની વ્યવસ્થા પણ તાબડતોબ કરાવી દીધી.

આમ ચાર દીવસે આ ભગીરથ કામ પુરું થયું; ત્યારે નવો બોર ધમધમતો થઈ ગયો હતો અને, આ સમસ્યાનો કાયમી ઉકેલ પણ ભેગાભેગો થઈ ગયો હતો.

ઉભી થયેલી એક સમસ્યાના ઉકેલની સાથે બીજી એક સમસ્યા પણ ઉકલી ગઈ હતી.

—————————-

સીટી ઝોનની એ ઓફીસનો બીજો દીલ ધડકાવી દે તેવો અનુભવ વાંચો :   સ્લમમાં સફર

પાણીનું ટીપું

સાબરમતી પાવર સ્ટેશન
1999 – ઓગસ્ટ

12.5 મીટર ઉંચે આવેલા પાવરસ્ટેશનના કન્ટ્રોલ રુમ તરફ હું દાદરા ઉપર ચઢી રહ્યો હતો. લોખંડની જાળીવાળા દાદરા. આટલે ઉંચે ચઢવાનું; એટલે છ એક તબક્કામાં તો એ દાદરા ખરા જ. પહેલા દાદરાની ટોચ ઉપર પહોંચ્યો અને ત્યાં એ મારા માથા પર પડ્યું.

ઠીક ઠીક ગરમ પાણીનું ટીપું. દઝાયો તો નહીં, પણ ચમકી જરુર ગયો. બીજો દાદરા પર વળીને જવાનું હતું. પછી ત્રીજો તબક્કો – ફરી એક વાર પહેલા દાદરાની દીશામાં જ. અને ફરી એ મારા માથાને ગરમ કરી ગયું. આમ જ પાંચમો દાદરો અને ત્રીજી વાર માથા પર અમી વર્ષા( કે ગરમી વર્ષા?) ! હવે મારું માથું અંદરથી ગરમ થઈ ગયું!

એ જગ્યાએ ઘણે ઉંચે આવેલી એક સ્ટીમ પાઈપમાં ક્યાંક ગળતર (લીકેજ) હતું. પાવર હાઉસના કોઈક સાધનમાં ક્યાંક, કશુંક ગરમ કરવા માટેની ઓક્ઝીલીયરી  સ્ટીમની પાઈપ. અને એ પાણી? – શુધ્ધ આસવેલું પાણી – ડીસ્ટીલ્ડ વોટર.

કંટ્રોલ રુમના બારણામાં મને ‘ક’ મળી ગયો – આસીસ્ટન્ટ ઓપરેશન એન્જીનીયર. મારે માટે એનો ચહેરો નવો હતો. મેં એનું નામ અને કેટલા વખતથી કમ્પનીમાં કામ કરે છે; તે પુછ્યું. તે ત્રણ વરસથી આ પોસ્ટ પર હતો. મેં પહેલી વખત જ એને જોયો હતો.

મેં પુછ્યું – “આ દાદરા પર શેનો લીકેજ છે?”

‘ક’ – “ સાહેબ, મને ખ્યાલ નથી.”

મેં કહ્યું ,” તમને તો આની ખબર હોવી જોઈએ.”

‘ક’ – “હું તપાસ કરીને તમને રીપોર્ટ આપું.”

હું કન્ટ્રોલ રુમમાં પ્રવેશ્યો. થોડીવારે ‘ક’ મારી પાસે આવ્યો અને એ ગળતરની વીગતે માહીતી આપી.

મેં કહ્યું,” આ ગળતર એક મહીનો ચાલુ રહે તો કેટલું નુકશાન થાય?“

‘ક’ – “ સાહેબ, મને ખ્યાલ નથી.”

મેં કહ્યું ,” તમે મીકેનીકલ  એન્જીનીયર છો. આનો તો તરત અંદાજ તમને આવી જવો જોઈએ.”

‘ક’ –  “ સાહેબ! એવી ગણતરી તો મને નથી આવડતી.”

હવે મારો પીત્તો ગયો. મેં ગરમ થઈને કહ્યું,” તો તમે ભણ્યા શું? જો ‘ક’ – એક અઠવાડીયા પછી તારે મારી ઓફીસમાં આવવાનું; અને આ નુકશાનનો વીગતે  અંદાજ કાઢી, મને રીપોર્ટ બતાવી જવાનો. ઓ.કે?”

વીલે મોંઢે ‘ક’ એ હા ભણી.

મારો  રાઉન્ડ પતાવી, હું મારી ઓફીસમાં પરત આવ્યો. બીજી જંજાળમાં આ વાત તો વીસરાઈ ગઈ.

બરાબર અઠવાડીયા પછી ‘ક’ બીતાં બીતાં મારી ઓફીસમાં પ્રવેશ્યો અને મને બે પાનાંમાં, હાથે લખેલી ગણતરી આપી. મહીને ત્રણ લાખ રુપીયાનું નુકશાન બતાવ્યું હતું. એમાં વેડફાતી ગરમીના અંદાજ સાથે ડીસ્ટીલ્ડ વોટરના બગાડના કારણે થતા, નુકશાનની ગણતરી પણ કરી હતી. મેં તેને કહ્યું,” હું ચકાસીને ફરી તને બોલાવીશ.”

મારો આ વીષય નહીં  એટલે મારી ઓફીસના એફીશીયન્સી વીભાગમાં કામ કરતા, અને આવી ગણતરીઓમાં નીષ્ણાત ડી.ડી. શાહને આ રીપોર્ટ ચકાસી જોવા કહ્યું. બીજે દીવસે તેણે આવીને મને કહ્યું  કે, ગણતરીમાં કશી ભુલ ન હતી.

આ ત્રણ લાખનો આંકડો સાચો છે; તે જાણી  મારી આંખો તો પહોળી થઈ ગઈ. મેં ‘ક’ ને ફરી બોલાવ્યો. અને પુછ્યું,”તારી ચોપડીઓ તેં સાચવી રાખી હતી , તે આ ગણતરી તું કરી શક્યો?”

‘ક’ – “ના સાહેબ. ટેક્સ્ટબુકમાં થોડી જ આની રીત આપી હોય? મારો મીત્ર એન્જીનીયરીંગ કોલેજમાં ભણે છે, તેની પાસેથી ચોપડી મંગાવી આ શીખ્યો,”

હવે તો મારો ગુસ્સો ક્યારનોય ઓગળી ગયો હતો. મેં તેને પ્રેમથી આ કામ કરવા માટે શાબાશી આપી અને ચા પીવડાવી.

પછી મેં કહ્યુંં,” હવે તારે બીજો રીપોર્ટ બનાવવાનો છે. આપણા ત્રણેય પાવર સ્ટેશનમાં આવા જેટલા જેટલા ગળતર હોય, તે બધાનું લીસ્ટ બનાવી મને બે દીવસમાં પહોંચતું  કરવાનું. સાથે નુકશાનનો અંદાજ પણ.”

‘ક’ ના મોં પર થયેલી ખુશાલી ઓલ્યા પાણીનાં ટીપાં જેટલી ગરમાગરમ હતી.

બે દીવસે બીજો રીપોર્ટ પણ મળી ગયો. કુલ નુકશાનીનો અંદાજ – મહીને સાઠ લાખ રુપીયા!

મેં તરત અમારા ત્રણે પાવર સ્ટેશનમાં થતા આવા નુકશાનનો રીપોર્ટ બનાવવા માટે, ‘ક’ના નેતૃત્વ નીચે ઓપરેશન અને મેન્ટેનન્સ  એન્જીનીયરોની એક કમીટી બનાવી અને તેનો એક સર્ક્યુલર કઢાવ્યો. પંદર દીવસમાં આ કમીટીએ બધાં ગળતર દુર કરવાનો માસ્ટર પ્લાન બનાવી કાઢવાનો.

છેવટે અમુક ગળતર મહીનામાં દુર થઈ ગયા અને અમુક એક વર્ષમાં. આ આખા અભીયાનના કારણે અમારી કમ્પનીને  કરોડો રુપીયાનો ફાયદો થઈ ગયો.

પાણીના એક ટીપાંની અને એક સાવ નાના ઓફીસરની કરામત.

અફલાતુન તબીબ – ભાગ : 3 : પેશાબ બંધ

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

 

ભાગ – 1 :  ભાગ -2

કમરના દુખાવાને કમરતોડ વીદાય આપ્યા પછી એક વર્ષ વીતી ગયું હતું. પણ હવે મારી પત્નીને પેશાબ થવાની નવી તકલીફ ઉભી થઈ. એક આખો દીવસ પેશાબ થયો જ નહીં, અને  અસહ્ય દુખાવો ચાલુ થઈ ગયો. અમારા ફેમીલી ડોક્ટરે (મારા સાઢુભાઈ ડો. કમલકાન્ત વ્યાસ) ‘લેસીક્સ’ નામની દવા લેવાનું કહ્યું; અને ફાયદો પણ થયો. પછી આમ બે ત્રણ વખત થયું અને દવા ઘરમાં હાથવગી  હોવાને કારણે તકલીફ દુર તો થઈ ગઈ.

પણ ત્યાર બાદ ત્રણેક મહીના બાદ, દવા લીધા છતાં બે દીવસ સુધી કશી રાહત ન થઈ.

આથી અમે તો એક સ્પેશીયાલીસ્ટ પાસે પહોંચી ગયા. તેમણે તેને ઈમર્જન્સીમાં દાખલ કરી; અને લોકલ એનેસ્થેટીક આપી  પેશાબની નળી સાફ કરી આપી. ઘેર જતી વખતે તેમણે કહ્યું કે,

‘આ તકલીફ ફરી વખત અને વારંવાર ઉભી થઈ શકે છે; અને ફરી આ  સફાઈ કરાવવી પડશે.’

અમે તો ચીંતીત થઈ ગયા. ‘આ નવી બબાલને શી રીતે પહોંચી વળવું?’

અને અમને અમારા તારણહાર ‘અફલાતુન તબીબ’ ફરી યાદ આવી ગયા! અમે તો તેમના  ગાંધી આશ્રમની સામેના કેન્દ્રમાં, સાંજ પડતાં પહોંચી ગયા.

ગીદવાણીજીએ  હસીને અમને આવકાર્યાં. જ્યોતિના કમરના દુખાવાની  અને મારી ખાંસીની ખબર પુછી. તેમની સ્મરણ શક્તી અદભુત હતી. સારી ખબર જાણી તે ખુશ થયા અને પુછ્યું ,

” क्यों क्यों आज कौनसी मुसीबत लेके आये हैं?”

અમે આ નવી આપદા તેમને જણાવી. તરત ચપટી વગાડીને કહ્યું ,

” એ ‘લેસીક્સ’ લેવાનું આજથી બંધ. અહીંથી સીધા ફળબજારમાં પહોંચી જાઓ, પાવલી છાપ મોસંબીનો કરંડીયો ખરીદી લાવો અને માત્ર જ્યુસ પીવાનું શરુ કરી દો. અને એક બે દીવસ નહીં – એક આખું અઠવાડીયું !“

અમે ત્યાંથી નીકળ્યા અને રસ્તામાં ફળના રસની દુકાનેથી ( જ્યુસ સેન્ટર) કશી ભેળસેળ વગરનો, બરફ પણ નહીં ઉમેરેલા રસનો આખો પ્યાલો પી લીધો. (બરફ ન ઉમેરવા માટે વધારાની રકમ આપીને સ્તો ! )

અમે અમદાવાદ રેલ્વે સ્ટેશન પાસેના ફળોના બજારમાં પહોંચ્યા પણ  ન હતા અને જ્યોતિને બાથરુમ જવું પડ્યું. અમદાવાદમાં સ્ત્રીઓ માટે જાહેર બાથરુમની અગવડ તે વખતે અમને બહુ સાલી!  સ્ટેશન પાસેની  એક હોટલનો સહારો લેવો પડ્યો. પણ કરંડીયો ખરીદતાં પહેલાં જ રાહત થઈ ગઈ.

જડબેસલાક બેસી ગયેલી શ્રદ્ધાના કારણે, પુરા સાત દીવસ, દરરોજ ત્રણ વખત, મોસંબીના રસનું સેવન ચાલુ રહ્યું.

અને આ વીસ વર્ષ વીતી ગયા . ફરી આવી હરકત ઉભી થઈ નથી.

વળી દસેક વર્ષ વીત્યા અને જ્યોતિને માસીક ધર્મની તકલીફો થવા માંડી. બધાંની સલાહ માનીને અમે તેની બન્ને પ્રસુતી કરાવી આપનાર ડો. વિશાખાબેન પાસે ગયા. તેમની સલાહ અનુસાર અમે કાયમી છુટકારા માટે તેનું ગર્ભાશય અને અંડપીંડો કઢાવી નંખવાનું નક્કી કર્યું.

ઓપરેશનના દીવસે અગાઉથી  જ મોસંબીનો કરંડીયો અને જ્યુસર અમારા રુમમાં હાજર હતાં. ઓપરેશન પહેલાં અને પછી; દીવસમાં ત્રણ ત્રણ વખત રસના પ્યાલાની રફ્તાર શરુ થઈ ગઈ.

જ્યારે ટાંકા તોડવાનો વખત આવ્યો ત્યારે ખુદ વિશાખાબેનને પણ આટલી સરસ રુઝ આવી ગયાથી બહુ આશ્ચર્ય થયું. અમારા રસ પ્રયોગની તેમણે પણ મુક્ત મને પ્રશંસા કરી; અને ઉમેર્યું,

” અમે પણ દરદીઓને  માત્ર ફળો ઉપર રહેવાનું કહીએ જ છીએ; પણ ચા દેવીની માયા છોડવા કોઈ તૈયાર થતું નથી!“

આ બન્યું ત્યારે તો ગીદવાણીજી હયાત ન હતા; પણ અમે તેમને મનોમન નમસ્કાર કરીને હરખાયાં હતાં.

—————————

( આગળનો હપ્તો જ્યોતિને વંચાવ્યો; ત્યારે તેણે આ ઘટના યાદ કરીને આ લેખ લખવા મને કહ્યું છે.)

સમ્મોહન (હીપ્નોટીઝમ) – ભાગ : 2

ભાગ : 1 વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

ડો. વૈષ્ણવે બીજા થોડાક પ્રયોગો પણ કરાવ્યા. સમ્મોહીત સ્વયંસેવકોએ તે ધારે તેવી સુવાસ અથવા દુર્ગંધ, કોઈ પણ જાતની વાસ વગરની ચીજોમાં અનુભવી બતાવી. સમ્મોહીતો  પાસેથી ડોક્ટરે દીવસ, સમય, સ્થળ  વીગેરેની માહીતી પણ મન ફાવે તેવી કઢાવી આપી.

પછી ‘ઘ’નો વારો આવ્યો. તેને ઘણો સમય વ્યતીત થયા બાદ, રપેટીમાં  લીધો હતો. તે એકદમ ઉંડી તંદ્રામાં પડેલો હતો.

ડો. વૈષ્ણવે કહ્યું,” આદત છોડાવવી એ બહુ મુશ્કેલ કામ હોય છે. આ માટે દરદીની સમ્પુર્ણ તૈયારી અને સઘન સમ્મોહન જરુરી હોય છે. નશાની બહુ જુની આદતવાળાને તેની  ટેવ છોડાવવા ઘણા બધા સીટીંગ કરવા પડે છે. વળી બીજા નશાખોરોની સોબતની  બલા તો ઉભી જ હોય! પણ  ‘ઘ’ ને સીગારેટ પીવાની ટેવ હમણાં જ પડેલી હોવાને કારણે, મને વીશ્વાસ છે કે, તેને ટેવમાંથી મુક્ત કરવામાં મને સફળતા મળશે.”

આમ કહી તેમને સીગારેટ ચેતાવીને ‘ઘ’ને પીવા આપી; અને પુછ્યું, ” કેમ સીગારેટ પીવાની મજા આવે છે ને?”

‘ઘ’એ બરાબર કશ લઈને કહ્યું,”: હા! મજા આવી ગઈ.”

ડોક્ટર બોલ્યા,” તમને ખબર નથી, પણ હવે સીગારેટ બનાવનારા એમાં છાણાંનો ભુકો  નાંખે છે. હવે ફરી વાર તમે કશ લગાવશો તો તમને છાણની દુર્ગંધ જરુર આવશે.”

‘ઘ’એ બીજો કશ લેતાંની સાથે જ સીગારેટ ફેંકી દીધી અને થુ થુ કરવા માંડ્યો. આમ ત્રણ ચાર કશ તેની પાસે ડોકટરે લેવડાવ્યા.. દરેક વખતે એ દુર્ગંધની વાત તો ફરી ફરીને કહેતા જ રહ્યા.

પાંચમી વખતે ‘ઘ’ એ સીગારેટ પીવાની ઘસીને ના પાડી દીધી.

ડોક્ટરે કહ્યું ,” કેમ આ તો તારી પ્રીય બ્રાન્ડ છે.”

‘ઘ’ – “ એમાં છાણાંનો ભુકો નાંખેલો છે.”

આખું ઓડીયન્સ ખડખડાટ હસી પડ્યું.

પછી મંચ પર વચ્ચે ત્રણ ખુરશીઓ ગોઠવાઈ. સમ્મોહીત થયેલા, એક મજબુત બાંધાના ભાઈને ડોક્ટરે તેની ઉપર સુવાડ્યા. અને કહ્યું ,”તમારું આખું શરીર જડ બની ગયું છે. એકે એક સાંધો સખત રીતે જકડાઈ ગયો છે.”

તેમણે ખભાથી છેક પગ સુધી એક એક સાંધા આગળ હાથ ફેરવી “આ સાંધો જકડાઈ ગયો છે.” – એમ સુચના આપ્યે રાખી. છેવટે આખા શરીર પર હાથ ફેરવી તેમણે કહ્યું,”તમારું આખું શરીર લાકડાના બીમ જેવું બની ગયું છે. તેની પર ગમે તેટલું જોર કરું કે વજન મુકું તો પણ તે હવે વળી નહીં જાય.”

આમ કહી તેમણે  બે મદદનીશોને વચ્ચેની ખુરશી ખેંચી લેવા જણાવ્યું. અને બધાના આશ્ચર્ય વચ્ચે, માત્ર ખભા અને પગની પાનીની નીચે, બે જ ટેકા પર એનું શરીર સહેજ પણ ઝુક્યા વગર ટેકવાઈ રહ્યું. પછી એક જાડા ભાઈને તેની ઉપર ઉભા પણ રખાવ્યા. કોઈ પણ અલમસ્ત પહેલવાન પણ ન કરી શકે, તેવી અદભુત તાકાત તે ભાઈના શરીરમાં આવી ગઈ હતી.

પ્રેક્ષકો તાળીઓના ગડગડાટ સાથે આ અદભુત દ્રશ્ય જોઈ રહ્યા.

ત્યાર બાદ તેમણે બધાંને ફરીથી જાગૃત અવસ્થામાં આવવા માટેની સુચનાઓ આપવા માંડી.

“હવે તમારી ઉંઘ પુરી થઈ છે. તમે હવે એકદમ  તાજા બની રહ્યા છો. સવારે ઉઠો છો; તેમ આળસ મરડીને તમે ઉભા થઈ જશો. હવે મેં આપેલી સુચનાઓ  નહીં પણ તમે જેમ કરવા ધારશો તેમ કરી શકશો. “

અને ધીરે ધીરે બધાં જાગવા માંડ્યા.

‘ઘ’ હજુ ઉંઘરેટો હતો. તેને તેમણે ખાસ સુચના આપી ,”તમે હવે જાગી રહ્યા છો. પણ મને કહો કે, સીગારેટમાં શું હોય અને તેમાંથી કેવી વાસ આવે”

‘ઘ’ – “છાણની.”

ડો. વૈષ્ણવ ,” તમારા મીત્ર તમને આગ્રહ કરીને સીગારેટ પીવાનું કહેશે તો તમે શું કહેશો.”

‘ઘ’ – “ઘસીને ના જ પાડવાની હોય ને?”

ડો. “ તમે હવે બરાબર જાગી જવાના છો. પણ આ વાત તમે કદી નહીં ભુલો”

અને ‘ઘ’ પણ જાગી ગયો.

પછી પેલી કીશોરી કે,  જેને સમ્મોહનની સૌથી વધારે અસર થયેલી હતી; તેને ડોક્ટરે કહ્યું,” તું હવે જાગી રહી છું.  પણ આજથી બરાબર એક મહીના બાદ, બપોરના બાર વાગે તારા પપ્પા ઘેર જમવા આવે; ત્યારે તું કહીશ કે. ‘મારે ડોક્ટર વૈષ્ણવ પાસે   જવું છે. મને જલદી તેમની પાસે લઈ જાઓ.”

અને  છેવટે તે કીશોરી પણ જાગી ગઈ. આભાર વીધી સાથે સભા બરખાસ્ત થઈ.

————————-

પણ ‘ઘ’ એ ત્યાર બાદ કદી સીગારેટને હાથ   અડાડ્યો નથી. અને પેલી કીશોરીને બરાબર એક મહીના બાદ, ડો. વૈષ્ણવ પાસે લઈ જ જવી પડી હતી.

આ છે સાવ સામાન્ય માણસના મનની શક્તી – જે આપણે જાણતા જ નથી હોતા.

——————————–

સમ્મોહન વીશેના મારા વીચારો હવે પછી કદીક…

અફલાતુન તબીબ : ભાગ -2 : કમરનો દૂખાવો

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

1985ની સાલનો શીયાળો…

ખાંસીને ફાંસી (!) આપ્યાંને દસેક વરસ વીતી ગયાં હતાં. મારી એ કાળઝાળ શરદી તો ગઈ, તે ગઈ જ.       એ અફલાતુન અનુભવ વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

પણ મારી પત્નીને બે સીઝેરીયન પ્રસુતી  વખતે ( 1970 અને 1975) પેટની નીચેના  ભાગને બેભાન કરવા, કરોડરજ્જુમાં અપાયેલા, ઈન્જેક્શનના કારણે ( local anesthetic) દરેક શીયાળામાં કમરનો સખત દુખાવો ઉપડતો. સમય જતાં આ દુખાવો વરસના કોઈ પણ સમયે, અને વધુ પીડાકારી રીતે થવા માંડ્યો. બે ત્રણ દીવસ તો તે પથારીવશ જ પડી રહે.  દર્દશામક (pain killer) દવાઓના સતત મારા પછી જ કાંઈક રાહત થાય. તે ગાળા દરમીયાન ઘરનું તમામ કામ ઠપ્પ થઈ જતું. એમાં જ તો પથારીમાં સુતાં સુતાં, અમારી કામવાળીને રસોઈ બનાવવાની તાલીમ તેણે આપેલી. એના પ્રતાપે આજે તે કામવાળી બહેન વાસણ – કપડાં – કચરાં – પોતાંનાં કામ કરતાં, રસોઈ બનાવી આપવાના કામમાં, ઘણી વધારે કમાણી કરી લે છે.

દરેક વખતે ડોકટર પાસે જઈએ, ત્યારે ડોક્ટર તો એમ જ કહે કે, ‘કરોડરજ્જુમાં એ દવાના કારણે લોહીની ગડબ બાઝી ગઈ છે. તમારે આખી જીંદગી આ દુખાવા સાથે સમજુતી કરીને જીવતાં શીખવું જ પડશે.’ આવી સલાહ આપવી   બહુ સહેલી છે, પણ એ બરદાસ્ત કરવી કેટલી કઠણ હોય છે; તે તો જેણે સહન  કર્યું હોય, તે જ જાણે.

મારી ખાંસીને વીદાયમાન આપવાના સ્વાનુભવને પ્રતાપે, દર વખતે હું તેને પ્રાકૃતીક ઈલાજ (નેચરોપથી) કરવા સલાહ આપતો. પણ ઘરમાં બધાં એ સુચનને હસી કાઢી કહેતાં,” એમ ફળ ખાધે અને ઉપવાસ કરીને દરદ મટતાં હોત તો ડોક્ટરો ભુખે મરત.” અમારાં સગાંમાં જ બે ડોકટરો તો છે!

પણ આશરે 1985ની સાલમાં તો આ દુખાવો અસહ્ય રીતે ઉપડી આવ્યો. નછુટકે મારી પત્નીએ ગીદવાણીજી પાસે જવાનું કબુલ્યું. અમે બેળે બેળે તેને એમની પાસે લઈ ગયા. હવે તેઓ ગાંધી આશ્રમ, સાબરમતીની સામે, તેમને આપેલ એક કુટીરમાં  સાંજે મુલાકાત આપતા હતા. તેમણે હસીને અમને આવકાર આપ્યો. મેં તેમને મારી ‘ખાંસીને ફાંસી’ ની વાત કહી. તે બહુ ખુશ થઈ ગયા; અને અમારા આવવાનું પ્રયોજન પુછ્યું.

અમે વીગતે બધી માહીતી આપી.

ગીદવાણીજીએ બાળક જેવા એ જ સ્મીતથી કહ્યું કે, ‘ यह सब चला जायगा। पर, मेरी सुचना पुरी माननी पडेगी।“

ખાનપાન માટે તો એમની સુચના એમની એમ જ હતી. પણ એમણે વધારામાં એમની ચોપડી કાઢી કરોડનું ચીત્ર બતાવ્યું. તેઓ આ રસ્તે શી રીતે ચઢ્યા, તેની માહીતી પણ તેમણે આપી. ઘણાં વર્ષો પહેલાં તેમને રાંઝણ (સાયેટીકા)નું અસાધ્ય ગણાતું દર્દ થયું હતું. મારી પત્નીને થતો દુખાવો તો તેની સરખામણીમાં કાંઈ જ ન હતો. પણ કુદરતી ઉપચારથી તે હમ્મેશ માટે ગયો હતો. આ વાતની તો અમને ખબર જ નહોતી. અમે તો આશ્ચર્યચકીત બની ગયા.

તેમણે સમજાવ્યું કે, “ આપણી બેસવાની, ચાલવાની ટેવોને કારણે આપણી કરોડ વાંકી વળેલી રહેવા ટેવાયેલી હોય છે. આથી બે મણકા વચ્ચેની ગાદી ( કુર્ચા – Cartilage) અકુદરતી રીતે, એક બાજુ દબાય છે. આથી સામાન્ય માણસને પણ કમર દુખવા લાગી જાય છે. તમને આપેલા ઈન્જેકશનના કારણે, એ બાજુ દબાણ આવી જતાં – ખાસ કરીને ઠંડી ઋતુમાં – આ દુખાવો તમને અસહ્ય રીતે વધી જાય છે.”

મારી પત્નીએ પુછ્યું,” એનો ઈલાજ શો?” તેમણે સુતી વખતે પડખાંભેર સુવાની સલાહ આપી. એક પગ લાંબો રાખીને અને બીજો થાપા અને ઘુંટણથી વાળીને સુવાનું, જેથી કમરનો વળાંક કુદરતી રીતે પાછળની  બાજુ ઝુકતો રહે. તેમની ઓફીસમાં રાખેલ  પલંગ પર આ માટે તેમણે જાતે સુઈને આમ સુવાની રીત પણ બતાવી.

ઘેર જઈ, મારી પત્નીએ આમ પડખાંભેર, પલંગ પર લંબાવ્યું. તેના આશ્ચર્ય વચ્ચે, તેને કમરમાં બહુ જ રાહત લાગી. બધી દવાઓ બંધ કરી, ખાનપાનની  પરહેજીનો સીલસીલો પણ ચુસ્ત રીતે અમલી કરી દીધો.

ત્રીજા જ દીવસથી સ્ફુર્તી આવવા માંડી. કદાચ દવાથી બાઝેલી, લોહીની ગડબ રક્તશુધ્ધીના કારણે ઓગળવા માંડી હતી. એક અઠવાડીયું, અને તેનું ફરજીયાત પથારી-શયન ગયું. તેણે ઉત્સાહમાં આવી, ખાનપાનની ચુસ્તી બીજા અઠવાડીયે પણ ચાલુ રાખી.

… અને કમરના એ જાલીમ દુખાવાને એના જીવનમાંથી કાયમી રુખસદ મળી ગઈ. આજે એ વાતને ચોવીસ વરસ વીતી ગયાં છે; પણ એ દુખાવાએ ફરી દેખા દીધી નથી.

ગીદવાણીજી તો આ દુનીયામાં હયાત નથી; પણ મારી પત્નીનાં કાયમી આશીષ તેમને અવારનવાર મળતાં રહે છે.

અફલાતુન તબીબ : ભાગ -1 : ઊંટાટીયો

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

1976 ની સાલનો શીયાળો

અમારી લાંબી લચક ઓફીસના એક છેડે મારા ઉપરી અધીકારી શ્રી. હર્ષવાલનું અને મારું ટેબલ છે. ઉપરી હોવા છતાં, મારી ઉપર તે બહુ જ પ્રેમભાવ રાખે છે – એક મીત્ર કે સગા ભાઈ જેવો.  સામે લાઈનમાં અમારી હાથ નીચેના અધીકારીઓ બેસે છે.

મને ઉધરસ ચઢે છે અને છેક છેવાડેનો અધીકારી હલી ઉઠે છે. આખી ઓફીસ મારી આ ખાંસીથી વાજ આવી ગઈ છે. હર્ષવાલ તો મારાથી બહુ જ કંટાળી ગયા છે. મારી ખાંસીથી સૌથી વધારે તકલીફ એમને છે. છેલ્લા પંદર દીવસથી આ જ હાલ છે. ડોક્ટરે મને દમની દવા આપેલી છે; જે હું ઓફીસમાં પણ સાથે રાખું છું. દવાનો ડોઝ પણ ડોક્ટરે વધારે લેવાનો કહ્યો છે – દીવસમાં ત્રણ વખત, અને તે પણ એક ચમચી નહીં પણ ચમચો ભરીને. ( દવાનું નામ પણ મને હજુ યાદ છે – ફેન્સેડીલ)

જમવાની રીસેસ પડવાની તૈયારી છે. છેવટે અકળાઈને હર્ષવાલ મને કહે છે, “ચાલ, મારી સાથે. આનો કાંઈક ઈલાજ કરાવવો જ પડશે.”

તેમના પ્રેમપુર્વકના આ આગ્રહને હું વશ થાઉં  છું. આમેય હું પણ મારી ખાંસીથી કંટાળી ગયો છું. કશોક નવો ઈલાજ મળી જાય, એની મને પણ ઉત્કટ ઈચ્છા છે.

અમે બન્ને એકાદ માઈલ દુર આવેલા શ્રી. ગીડવાણીજીના ઘેર  પહોંચી જઈએ છીએ. રુપેરી વાળવાળા અને સોનેરી અને ચમકતી ચામડીવાળા  ગીડવાણીજી એક ઋષી જેવા લાગે છે. સાવ શાંતીથી એ મારી કેફીયત સાંભળે છે – મારી ખાંસીને પણ!

અને છેવટે નીર્મળ અને રણકતા અવાજે મને હીન્દીમાં કહે છે,” ऐसा ही चालु रहा , तो आप जींदा नहीं रह सकोगे । “

હું લગભગ રડી પડું તેવા અવાજે કહું છું,” તો હું શું કરું?”

ગીડવાણીજી,” દવા આજથી બંધ. અને હું કહું તેમ ખાવાનું. ”

અને તેઓ મને વીગતે સુચના આપે છે. હર્ષવાલ તરત જ સાત દીવસની  રજા પર મને ઉતારી દે છે.

હું ઘેર પહોંચીને પથારીમાં સુઈ જાઉં છું. મારી પત્નીને કશી સમજ પડતી નથી. તે ચીંતાતુર બની મારા પલંગ પર બેસી જાય છે. હું તેને ગીડવાણીજીની આખી પધ્ધતી સમજાવું છું.

અને દવા વીના દર્દ નાબુદીનું મારું એ યાદગાર અભીયાન ચાલુ થઈ જાય છે.

બે દીવસના ઉપવાસ બાદ ત્રણ દીવસ સુધી, દીવસમાં ચાર વખત મારે મોસંબીનો રસ લેવાનો છે.  મારી પત્ની ગાડીમાં ઉપડી જાય છે; અને અમદાવાદ સ્ટેશન પાસે આવેલા ફળ બજારમાંથી પાવલી છાપ મોસંબીનો આખો કરંડીયો ખરીદી  લાવે છે.

બે દીવસ ઉપવાસ અને ત્રણ દીવસ કેવળ મોસંબીના  રસ બાદ મારું શરીર ઘણું ઉતરી ગયેલું છે ; પણ ઉધરસનો એ પ્રકોપ શાંત પડી ગયો છે. કદીક એક સુકું ઠમકું આવી જાય એટલું જ.ચાલું ત્યારે કુદવાનું મન થઈ જાય એટલી બધી સ્ફુર્તી શરીરમાં વર્તાય છે.

અમને બન્નેને ગીડવાણીજી તો દેવદુત જેવા લાગે છે. અમે તેમને યાદ જ કરતા હતા; ત્યાં શ્રી. હર્ષવાલ સાથે તેઓ અમારે ઘેર આવી પહોંચે છે. મારી તબીયતમાં થયેલા સુધારાથી એમના મુખ પર નીર્મળ , બાળક જેવું સ્મીત છવાઈ જાય છે.

અને નવો પ્રયોગ શરુ થાય છે. બધાં બારી બારણાં બંધ કરી, છાતી ખુલ્લી કરી; ગરમ અને ઠંડા પાણીના  પોતાં મુકવાની સુચના આપે છે. હું તો થરથરી  ઉઠું છું. ઉંટાટીયા જેવી ખાંસીવાળાને ખુલ્લી છાતી પર પાણીનાં પોતાં!  જાણે શત્રુ જનોઈવઢ તલવારનો ઘા કરવાનો હોય તેવો ભય મને વ્યાપી જાય છે.

ગીડવાણીજી મારો ભય પામી જઈને, હસીને કહે છે ,” फीकर मत कीजीये , कुछ नुकसान नहीं होगा; आप झींदा ही रहेंगे!”

અને તેમની  હાજરીમાં જ આ ખતરનાક પ્રયોગ  શરુ કરવામાં આવે છે. મારા આશ્ચર્ય વચ્ચે પાંચ જ મીનીટ બાદ, ખાંસી ખાંસીને ભારે બની ગયેલું ગળું અને છાતી હળવા ફુલ જેવા બની  ગયા હોય, તેવો અનુભવ મને થાય છે.

દીવસમાં ત્રણ વખત આમ ગરમ ઠંડા પાણીનાં પોતાં મુકવાની અને પછી તરત ધાબળો ઓઢી લેવાની સુચના આપી, ગીડવાણીજી વીદાય લે છે. સાથે સાથે ખોરાક શરુ કરવાની સુચના પણ આપે છે. પાંચ દીવસનો ભુખ્યો હું હરખાઈ જાઉં છું.

અને ખોરાક કેવો? સવારે ઉઠીને મોસંબીનો રસ. કલાકે કલાકે એક જાતનું ફળ. સવારના જમવામાં તાજી કાચી ભાજી, સુકી રોટલી અને બાફેલું શાક! આ સ્વાદીષ્ટ વાનગી ગળાની નીચે શેં ઉતરશે એ ભયથી, મારું મોં ઉતરેલી કઢી જેવું બની જાય છે.

પણ જમવાના સમયે પાંચ દીવસના ઉપવાસ બાદ આ મહાન ભોજન બત્રીસ પકવાન કરતાં પણ મીઠું લાગે છે. બપોરે અને સાંજે મોસંબીનો રસ અને ફળ તો ખરાં જ. અને રાત્રે જમવામાં આ જ  દીવ્ય ભોજન.

અને આ ક્રમ એક અઠવાડીયા સુધી ચાલુ રાખવાનો.

હું આજ્ઞાંકીત નીશાળીયાની જેમ અભીમન્યુના આ બધા કોઠા પાર કરું છું.

અને મીત્રો ! પંદર દીવસના અભીયાન  બાદ શીયાળાની કડકડતી ઠંડીમાં, સવારના પહોરમાં, સ્વેટર પહેર્યા વગર,  સ્કુટર ચલાવી શકું; એટલી ક્ષમતા મારા દમીયલ કોઠામાં  આવી ગઈ છે. નજીક આવેલા મ્યુનીસીપલ સ્વીમીંગ પુલમાં તરવાનું પણ હું ચાલુ કરી દઉં છું.

અને એ યાદગાર બીમારી અને એ યાદગાર ઈલાજ બાદ આ ત્રીસ વરસમાં સામાન્ય સરદી થઈ હશે પણ; આંકશીયા ઉંચા આવી જાય તેવી એ કાળઝાળ ખાંસી ફરી કદી થઈ નથી.

——————

નોંધ :

આ સત્યકથા વાંચી, ઉત્સાહમાં આવી જઈ, જાતે આવા પ્રયોગો શરુ ન કરતાં સારા અને પ્રામાણીક પ્રાકૃતીક ચીકીત્સાના જાણકારની સલાહ મુજબ ઉપચાર કરવો.