ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
———————————————————–
આ માટે મારે નિવાસી શાળામાં રહેવાનું હતું. ઘરની બહાર નીકળવાનો મારો આ પહેલો અનુભવ હતો; અને મારા જીવનમાં એક બહુ મોટો ફેરફાર પણ. ત્યાં સુધી ઘર અને શાળાની આજુબાજુ જ મારું જીવન ગુજરતું હતું. મારાં માબાપ અને બહેન મારી બધી જરૂરિયાતોનો ખ્યાલ રાખતા. સમાજ સાથે આપલે કરવાનો મારે માટે એ પહેલો અનુભવ હતો. આ જીવન સાથે યાલમેલ સાધતાં મને એક વરસ થયું. કે.કે.ભાસ્કર નામનો એક છોકરો મારી પ્રેરણામૂર્તિ હતો. તે આ સ્પર્ધાત્મક પરિક્ષામાં પહેલા દસમાં આવ્યો હતો અને અમારી કોલેજમાં આવી બધાંને દોરવણી આપતો હતો. મારાં માવતરને તો આ પરિક્ષા વિશે કશી માહિતી ન હતી. પણ તેઓ મને આ માટે હમ્મેશ ઉત્તેજન આપતાં; અને મારે જે કરવું હોય તે માટે કદી ના ન પાડતા. જો મારાં પરિણામ સારાં આવે તો તે મને આકાશે ચઢાવતાં અને ખરાબ આવે તો, મારી નિરાશા ઓછી કરવા કોશિષ કરતાં. મને સતત પ્રોત્સાહન આપનાર મારાં માવતર ખરેખર મહાન છે.
આ પરિક્ષામાં જો કે. મારો સ્કોર બહુ સારો ન હતો ( 992) પણ શારીરિક તકલીફવાળાઓની કક્ષામાં મારો ચોથો નમ્બર આવ્યો હતો. આથી હું આઇ.આઇ.ટી. – મદ્રાસમાં કોમ્પ્યુટર વિજ્ઞાન ભણવા જોડાઇ શક્યો.
અહીં મારી પ્રેરણામૂર્તિ હતો – શાળામાં મારાથી આગળનો વિદ્યાર્થી – કાર્તિક. મદ્રાસમાં એ હમ્મેશ મને મદદ કરતો અને પ્રોત્સાહન આપતો. તહું મદ્રાસ પહોંચું તે પહેલાં જ તેણે મારા જેવાને બાથરુમ સાથેની રુમ આપવી જોઈએ તેવી રજૂઆત કરી હતી. આના કારણે, જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે પહેલેથી જ મને આવી રુમ મળી ગઈ હતી. એ ચાર વર્ષોમાં વ્યક્તિ તરીકે અને શૈક્ષણિક રીતે મારું ઘડતર થયું. ત્યાં ભણવું એ મારે માટે અત્યંત મહાન અનુભવ હતો. હું જે બધાંની સાથે કામ કરતો હતો , એ બધાં ઘણા6 જ હોંશિયાર હતાં. એમની સાથે ક્લાસમાં બેસવું એ પણ મારે માટે મોટા ગૌરવની વાત હતી. લેબોરેટરીમાં મારા સહાધ્યાયીઓ સાથે વાતચીત કરીને પણ હું ઘણું શીખ્યો.
અમારા પ્રોફેસત પાંડુરંગન અને મારા લેબોરેટરી સાથીઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. .પ્રો. પાંડુરંગનની ભલામણના , ચાર સાથીઓ સાથે તાલીમ માટે મને બોસ્ટન પણ મોકલવામાં આવ્યો હતો. આ પણ ગામડામાંથી આવેલા મારા જેવા માટે અદ્વિતીય અનુભવ હતો.
મારે આગળ ભણીને પી.એચ.ડી. કરવું ન હતું; કારણકે, મારાં માબાપને હવે આરામ મળે તેવી મને બહુ ઇચ્છા હતી. આથી મેં નોકરી કરવાનું નક્કી કર્યું. પહેલાં તો મોર્ગન સ્ટેનલી કમ્પનીમાં મને નોકરીની ઓફર મળી; પણ મેં ‘ ગુગલ’માં જોડાવાનું નક્કી કર્યું; કારણ કે, મારે મૂળ કોમ્પ્યુટર વિજ્ઞાન, એલ્ગોરીધમ અને ગેમ થીયરીમાં કામ કરવું હતું.
તમને ખબર છે, હું શા માટે મારી જાતને નસીબદાર સમજું છું? મને કોઈ જાતની મદદની માંગણી કર્યા વિના , સાવ અજાણ્યા લોકોની મદદ મળી છે. આઇ.આઇ.ટી.માં મારા બીજા વરસ બાદ, હું મારા અમૂક મિત્રો સાથે ગાડીમાં એક કોન્ફરન્સ માટે જઈ રહ્યો હતો. તે વખતે ‘ સુંદર’ નામના એક સદગૃહસ્થ સાથે મારી મુલાકાત થઈ. ત્યારથી મારે માટે તેઓ હોસ્ટેલની ફી આપતા રહ્યા છે.
જયપુર પગ અંગે વાત કરું. હું ત્રીજા ધોરણમાં હતો ત્યારે હું તે વાપરતો હતો. પણ બે વરસ બાદ મેં તે વાપરવાના બંધ કર્યા, કારણકે, મારા બન્ને પગ થાપાની તરત નીચે સાવ કપાયેલા છે. આથી જયપુર પગને મારા શરીર સાથે બાંધવાનું બહુ મુશ્કેલ છે. આથી જયપુર પગ પહેરીને ચાલવાનું મારા માટે બહુ જ મુશ્કેલ છે. મને બેસવાની પણ તકલીફ પડતી હતી. મને ટ્રાઈસીકલ વધારે ફાવી ગઈ છે , કારણકે, તેનાથી હું ઝડપી ગતિ કરી શકું છું.
પણ આ જયપુર પગ બનાવી આપતી ઈસ્પીતાલની એક વિશીષ્ઠતા એ છે કે, તેઓ માત્ર પગ બનાવી આપી અટકી જતા નથી; પણ તેઓ સૌને માટે જીવન નિર્વાહની વ્યવસ્થા પણ કરી આપે છે. તેમણે મને પણ મદદ માટે પૂછ્યું હતું. મેં તેમને કહ્યું હતું કે. આઈ.આઈ.ટી. માં મને પ્રવેશ મળે ત્યાર બાદ મારે નાણાંકીય સહાયની જરૂર પડશે. આથી હું ત્યાં જોડાયો ત્યારથી મારી ફીની રકમ મને તેમના તરફથી મળતી રહી છે.
આના કારણે મારા આઈ.આઈ.ટી.ના અભ્યાસનો સહેજ પણ બોજો મારાં માબાપ પર પડ્યો નથી અને તેઓ મારી બહેનના નર્સીંગના અભ્યાસનો ખર્ચ ઉઠાવી શક્યા છે.
હું પહેલા વરસ પછી ઘેર ગયો ત્યારે બે સંસ્થામાં , મારી જાણ બહાર બે ઘટના ઘટી. ઘેર ગયા બાદ તરત મને કાગળ મળ્યો કે, ‘ખાસ મારે માટે લીફ્ટની અને રસ્તા પરથી ઢાળની વ્યવસ્થા એ લોકો કરવાના છે. આથી હું થોડોક વહેલો પરત આવી શકું તો એ વ્યવસ્થા મારી જરૂરિયાત પ્રમાણેની બનાવી શકાય. બીજી આશ્ચર્યની વાત એ હતી કે, સંસ્થાના ડીન, પ્રો. ઈડીચન્ડી, અને સ્ટુડન્ટ સેક્રેટરી પ્રસાદે ભેગા મળી બેટરીથી ચાલતી વ્હીલ ચેર બનાવનાર કમ્પની શોધી કાઢી હતી. તેની કિમત 55,000 રૂ. હતી. તે લોકોએ મને વ્હીલ ચેર ન આપી , પણ આ રકમ જ આપી દીધી ; જેથી હું મારા ખર્ચે તે ખરીદી શકું અને તે મારી મિલ્કત બની જાય.
આ ઘટનાઓ બાદ મારું જીવન પૂરેપૂરું બદલાઈ ગયું. હું સાવ સ્વતંત્ર બની ગયો.
આથી જ હું કહું છું કે, હું બહુ નસીબદાર છું. ઈશ્વરે મારે માટે દરેક તબક્કે યોજના ઘડી રાખી હતી.
મને એમ પણ લાગે છે કે, જો તમે એક લક્ષીતા ધરાવતા હો અને થોડોક તરવરાટ રાખો તો, તમારી આજુબાજુના લોકો જરૂર તમને મદદ કરશે. મને એમ પણ લાગે છે કે, સમાજમાં ખરાબ માણસો કરતાં સારાં માણસો વધારે છે. “
……………………
જો આટલી અપંગતા હોવા છતાં નરેશ આટલી બધી સિદ્ધિ હાંસલ કરી શક્યો તો તમે પણ જરૂર કરી શકશો. બીજું એ કે, સમયસર મદદ મળી જાય તો સમાજમાં આવા કેટલાં જ રત્નો ઝળહળી ઊઠે. આપણે આ બાબત સભાન બની જરૂરિયાતવાળા માટે આપણાથી બને તેટલું કરી છૂટીએ.
———————————
આ લેખ સુરતથી પ્રસિદ્ધ થતા દૈનિક ‘ગુજરાત મિત્ર’ માં તા. 22 – સપ્ટેમ્બર -2009 ના રોજ ‘ શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’કટારમાં માં પ્રસિદ્ધ થયો છે. આ માટે ડો. શશિકાન્ત શાહનો * (એકલવ્ય) અને ‘ગુજરાત મિત્ર’ ના તંત્રીનો હૃદયપૂર્વક આભાર.
ઇન્ટરનેટ પર ખાંખા ખોળાં કરી, ધારી માહિતી મેળવી આપનાર વિશ્વવિખ્યાત કમ્પનીની બેન્ગ્લોર ખાતેની ઓફિસના પર્સોનેલ ડીપાર્ટમેન્ટમાં તે દિવસે અજીબોગરીબ કુતૂહલથી ભરેલી ચૂપકિદી છવાયેલી હતી. 21 વરસનો એક છોકરડો તે દિવસે કમ્પનીમાં જોડાવાનો હતો. તે ઈન્ટરવ્યુ માટે આવ્યો, ત્યારે પણ આવું કુતૂહલ હતું જ; પણ હવે તો તે બધાંની સાથે દરરોજ કામ કરવાનો હતો.
એવું તો શું વિશેષ હતું આ છોકરડામાં?
નાગ નરેશ કરુતુરા આઇ. આઇ. ટી. – ચેન્નાઇમાંથી કોમ્પ્યુટર વિજ્ઞાનમાં હમણાં જ સ્નાતક બની બહાર પડ્યો હતો. આવા તો સેંકડો સ્નાતકો દર વર્ષે પોતાની કારકિર્દી શરૂ કરતા હોય છે. પણ નાગ નરેશ એક વિશીષ્ઠ વ્યક્તિ છે. સાવ નિરક્ષર માબાપના આ સુપુત્રના બન્ને પગ કપાઇ ચૂકેલા છે. તે બેટરીથી ચાલતી, વ્હીલચેરમાં જ હરીફરી શકે છે.
લો! એના પોતાના જ શબ્દોમાં એની જીવનકથા વાંચો –
……………
” ઈશ્વર મને હમ્મેશ સહાય કરતો રહ્યો છે; મારે માટે બધું ગોઠવતો રહ્યો છે. હું બહુ જ નસીબદાર છું.
મારા જીવનનાં પહેલાં સાત વરસ મેં આન્ધ્ર પ્રદેશમાં , ગોદાવરી નદીના કાંઠે આવેલા એક નાનકડા ગામ – તીપારુમાં વિતાવ્યાં હતાં. મારા પિતા ‘પ્રસાદ’ એક ટ્રક ડ્રાઇવર હતા અને મારી મા ‘કુમારી’ એક સામાન્ય ગૃહિણી હતી. બન્ને સાવ નિરક્ષર હોવા છતાં, મારી મોટી બહેન શ્રીષા અને મને સારું ભણતર અપાવવા હમ્મેશ આતૂર રહેતાં. મને ખબર નથી કે કઇ રીતે પણ, પહેલાં બે ધોરણ તો મારા પિતાજી મને લેસન પણ કરાવતા! નાનપણમાં નદીના પૂરમાથી હું ડૂબતાં ડૂબતાં બચ્યો હતો. મારા કાકાએ એક ભેંસ પર બેસાડી મને બચાવી લીધો હતો. હું બહુ જ તોફાની હતો. બપોરે રમતમાં અમે બાળકો બહુ જ અવાજ કરતા અને વડિલોની ઊંઘમાં ખલેલ કરતા. આ માટે અમને વઢવામાં આવે તો અમે ખેતરોમાં ભાગી જતા. મારી નિશાળમાં હું બધા કરતાં પહેલું લેસન પતાવી દેતો.
પણ 1993ના જાન્યુઆરીની એ અગિયારમી અને ગોઝારી તારીખ મને બરાબર યાદ છે. મકર સંક્રાન્તિના તહેવારના એ દિવસોમાં મારી મા, મને અને મારી બહેનને એક નજીકના ગામમાં કોઇક સામાજિક પ્રસંગે લઇ ગઇ હતી. એ જમાનામાં જાહેર બસો ન હતી એટલે, મારા પિતાજીના એક મિત્રની ટ્રકમાં અનેક માણસોની સાથે અમે ખડકાયેલાં હતાં. હું નાનો હોવાને કારણે, તેમણે મને પોતાની બાજુમાં આગલી સીટ પર, બારણાંની બાજુમાં બેસાડ્યો હતો.
અળવીતરો હોવાને કારણે હું ચાલુ ગાડીએ બારણું ખોલી નાંખતો હતો. અને આમ જ ટ્રક પૂરઝડપે ચાલતી હતી, ત્યારે એક વળાંક આગળ મેં આમ જ બારણું ખોલી નાંખ્યું. હું બહાર ફેંકાઈ ગયો. ટ્રકમાં ભરેલા અને આગળ સુધી ખેંચાયેલા લોખંડના સળિયાઓથી મારા બન્ને પગ કપાયા. આમ તો એ સખત રીતે છોલાયા જ હતા, એ જગ્યાની સાવ નજીક એક મોટી અને ખાનગી ઇસ્પીતાલ આવેલી હતી. પણ પોલિસ લફરામાથી બચવા એ લોકોએ મને સારવાર આપવાની ના પાડી. મને એક સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યો. મારું નાનું આંતરડું આંટી ખાઈ ગયું હતું , એટલે એને માટે ઓપરેશન કરવામાં આવ્યું અને પગે સામાન્ય પાટો બાંધવામાં આવ્યો. એક અઠવાડીયું મને ત્યાં રાખવામાં આવ્યો. પણ એ ગાળામાં બન્ને પગ સડવા માંડ્યા હતા.( ગેન્ગેરીન). જિલ્લા કક્ષાની મોટી ઈસ્પીતાલમાં મને લઈ જવામાં આવ્યો. ત્યાંના સર્જન બેદરકારી રાખવા માટે મારાં માબાપને ખૂબ વઢ્યા. પણ સડો છેક ઢીંચણની ઉપર સુધી ફેલાઈ ગયો હતો. મારા બન્ને પગને થાપા સુધી કાપી નાંખવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો. આમ મેં મારા બન્ને પગ ગુમાવ્યા.હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મેં પૂછ્યું કે ‘ મારા પગ ક્યાં ગયા?” અને મારી મા ખૂબ રડી. ત્રણ મહિના બાદ મને ત્યાંથી ઘેર જવા રજા આપવામાં આવી.
અમે ઘેર પાછાં પહોંચ્યા ત્યારે આખું ગામ પગ વગરના આ છોકરાને જોવા આવ્યું હતું. મને તો થયેલા નુકશાનની કાંઈ સમજણ જ ન હતી. મને મળતાં માન, ધ્યાન અને સહાનુભૂતિથી હું તો ખૂબ મજામાં હતો! મને કેટલાં બધાં ફળો અને બિસ્કીટ મળતાં હતાં!
હવે હું મારા મિત્રો સાથે રમી શકતો ન હતો; પણ એ બધા મને ઊંચકીને બધે લઈ જતા; અને હું તેમને રમતા જોઈ શકતો.
પણ આ ગોઝારી ઘટના થયા છતાં, ઈશ્વર મને સહાય કરતો રહ્યો. આના કારણે જ અમારાં માબાપે એ ગામડામાંથી તનુકૂ નામના, નજીકના એક નાના શહેરમાં સ્થળાંતર કર્યું. હું એક મિશનરી શાળામાં જોડાયો અને મારા પિતાજીએ તેની બાજુમાં એક નવું મકાન બાંધી રહેવા માંડ્યું. દસ ધોરણ સુધી હું ત્યાં જ ભણ્યો. જો અમે તિપારુમાં જ રહ્યાં હોત તો, હું કદી ભણી શક્યો ન હોત : અપંગ અને અસહાય ખેડૂત જ બન્યો હોત. પણ મારે માટે પરમકૃપાળુ પરમાત્માની કાંઇક અલગ જ યોજના હતી. તનુકુમાં મારા કરતાં બે વરસ મોટી હોવા છતાં મારી બહેનને મારી સાથે જ વર્ગમાં દાખલ કરવામાં આવી, જેથી તે મારી સંભાળ લઈ શકે. તેને પણ પાછા પડી ગયાનું દુખ ન્હોતું કારણકે, તેને તેના વ્હાલા ભાઈની કાળજી રાખવાનું બહુ જ ગમતું હતું. મારા બધા મિત્રો પણ કહેતા કે, ‘ તું નસીબદાર છે કે, આવી પ્રેમાળ બહેન તને મળી છે. બીજાં કેટલાંય એવાં છે કે, જેમના ભાઇ ભાંડુ તેમની દરકાર નથી કરતા હોતા. ” થોડાક વર્ષો તે મને તેડીને બધે લઈ જતી. પછી મારા મિત્રોએ એ કામ ઉપાડી લીધું. પછી તો મને હાથથી ચલાવવાની ટ્રાઈસિકલ મળી; અને મારી બહેન તેને પાછળથી હડસેલો મારી આપતી. મારું જીવન સામાન્ય બાળકની જેમ જ ગુજરતું હતું; અને બધાં પણ મને સામાન્ય બાળક જેવો જ ગણતા. આને કારણે મને કદી ઓશીયાળા હોવાનો ભાવ આવ્યો નથી. હું બહુ જ સુખી હતો અને બધાંની સાથે સ્પર્ધા કરી ક્લાસમાં અવ્વલ નમ્બર રાખતો.
શાળામાં મારા ગણિતના શિક્ષક શ્રી. પ્રમોદ લાલ મને ઘણી બધી વિશેષ યોગ્યતાની કસોટીઓમાં ભાગ લેવા પ્રેરતા. આ ઉપરાંત મારા કરતાં મોટો, અને હોંશિયાર ચૌધરી નામનો વિદ્યાર્થી પણ મને ઉત્સાહ આપતો. જ્યારે મને ખબર પડી કે ગૈથામ જુનીયર કોલેજમાં જોડાઇને, તે આઇ.આઇ.ટી./જે.ઇ.ઇ પરિક્ષા માટે તૈયારી કરી રહ્યો છે; ત્યારે મને પણ એમ કરવાનું સપનું જાગ્યું. દસમા ધોરણમાં 600 માંથી 542 માર્ક મેળવી મારી શાળામાં હું પહેલો આવ્યો હતો. રાજ્યની પરિક્ષામાં આવો સારો દેખાવ કરવા માટે ગૌથામ જુનીયર કોલેજે વર્ષે 50,000/- રૂ. ની ફી પણ માફ કરી દીધી હતી. પ્રમોદ લાલ સાહેબે પણ આ માટે ભલામણ કરી હતી. મજુરી કરી જીવન ગુજારતાં મારાં માબાપ માટે તો આ ખર્ચ અશક્ય જ હતો.
ભાગ -2 : આવતીકાલે
———————————
આ લેખ સુરતથી પ્રસિદ્ધ થતા દૈનિક ‘ગુજરાત મિત્ર’ માં તા. 22 – સપ્ટેમ્બર -2009 ના રોજ ‘ શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ કટારમાં માં પ્રસિદ્ધ થયો છે. આ માટે ડો. શશિકાન્ત શાહનો * (એકલવ્ય) અને ‘ગુજરાત મિત્ર’ ના તંત્રીનો હૃદયપૂર્વક આભાર.
ચા તૈયાર છે. ટેબલ પર તાજી, ખુશબોદાર ચાથી ભરેલા, પ્લાસ્ટીકનાં ઢાંકણથી ઢંકાયેલા ત્રણ પ્યાલા પડ્યા છે. ચા તો નજરેય પડતી નથી. ચા જેમાં બનાવી હતી, તે વાસણ, ગળણી, સાંડસી, ચમચી વી. રસોડાના સીન્કમાં ઉટકાવાની રાહ જોઈને પડેલાં છે. ગેસનો સ્ટવ કામ પતાવી, ઠંડો પડી રહ્યો છે. ચા-ખાંડના ડબા એમના યથાસ્થાને ગોઠવાઈને પડ્યા છે. વોલ માર્ટમાંથી લાવેલો, એક ગેલનનો, 2% ફેટવાળા દુધનો કેરબો ફ્રીજમાં એના સ્થાને, થોડો ખાલી થઈને, પાછો ગોઠવાઈ ગયો છે. કાચની ડીશમાં બ્રેડના ટોસ્ટ શેકાઈને તૈયાર પડ્યા છે. બાજુમાં માખણના સ્પ્રેડનો ડબો અને માખણ ચોપડવાની છરી પણ હાજર જ છે. રસોડાની ઓલી’પા લીવીંગ રુમના ટેબલ પર, મારું વહાલું નોટબુક કોમ્પ્યુટર મને લોગ ઈન કરવા આમંત્રી રહ્યું છે.
બધું સમેસુતર જણાય છે. માત્ર ચા પીનારા આવે એની રાહ જોવાઈ રહી છે. મારી પત્ની આરામથી સુઈ રહી છે. દીકરી અને જમાઈ નોકરીએ જવા માટે તૈયારી કરી રહ્યાં છે. બાળકો એમના અલગ અલગ રુમમાં વેકેશની નીંદર માણી રહ્યાં છે.
પણ બે જ મીનીટ પહેલાં? બધું રમણ-ભમણ હતું. તપેલીમાં ચા ખદબદી રહી હતી. ઉભરો આવવાની રાહ જોવાઈ રહી હતી. તપેલીને સ્ટવ પરથી ઉતારી, ચા ગળવા, સાંડસી અને ગળણી હાથમાં તૈયાર રાખેલાં હતાં. ચા-ખાંડના ડબા, દુધનો કેરબો, આદુ ભરવાની રકાબી, આદુ છીણવાની છીણી, ચાના ખાલી પ્યાલા- રકાબી એ બધાંથી રસોડાંનું કુકીંગ પ્લેટફોર્મ ( ગુજરાતી પર્યાય?) ભરચક ભરેલું હતું. ડાઈનીંગ ટેબલની બાજુમાં ગરમ લ્હાય જેવા ટોસ્ટરમાં પાંઉ શેકાઈ રહ્યા હતા. રસોડું આ બધી ચહલપહલથી ધમધમતું હતું.
અને એના કલાકે’ક પહેલાં? રસોડામાં સ્મશાન શાંતી છવાયેલી હતી. આ બધી ચીજો એમના યોગ્ય સ્થાને સોડ વાળીને સુતી હતી. અરે! ચામાં નાંખેલાં ફુદીનાનાં પાન પણ બેક યાર્ડમાં સ્વપ્રયત્ને વાવેલા છોડની ડાળે, સવારના મંદ પવનમાં ઝુલી રહ્યાં હતાં. એ નાનકડું જગત સાવ સ્થીર અને સુષુપ્ત અવસ્થામાં, ગુપચુપ ઘોરતું હતું. ચા બનાવનાર અને પીનાર સૌ પણ ટુંટીયું વાળીને સુતેલાં હતાં.
અને હું આમ ને આમ સમયમાં, પાછો ને પાછો… પાછો ને પાછો… પાછો ને પાછો… સરતો જાઉં છું.
ત્રીસ વરસ પહેલાંની સવાર… અહીંથી હજારો માઈલ દુર, દેશમાં કમ્પનીએ આપેલા, બગીચા અને કીચન ગાર્ડનથી ઘેરાયેલા, વૈભવશાળી બંગલાના ડાઈનીંગ રુમના ટેબલ પર, નાહી ધોઈને તૈયાર થઈ, હું ચા બની ગયાની આલબેલ સાંભળવા આતુર, ગુજરાતી છાપાંની ઉપરછલ્લી મુલાકાત લઈ રહ્યો છું. મારી પત્ની ભમભમાટ અવાજ કરતા, પ્રાયમસ સ્ટવની પાસે, ચા બનાવવાની સવારી ફરજ નીભાવી રહી છે. ચોવીસ કલાક મદદ કરતી કામવાળી બાઈ રસોડામાં શાક સમારી રહી છે. કલાક પહેલાં જ નજીકના ગામડેથી એક સાઈકલ-સવાર 10 થીય વધારે ફેટવાળું, શેઢકડું, તાજું દોહેલું દુધ આપી ગયો હતો; અને કામવાળી બાઈએ અમારા જાગતાં પહેલાં તે લઈ રાખ્યું હતું. તે દુધ ઉકાળ્યા બાદ, ઠંડું થઈને ફ્રીજમાં મુકાઈ જવાની રાહ જોઈ રહ્યું છે. ગઈકાલના દુધ પર તરતી, રોટલા જેવી મલાઈ નીતારીને કાઢેલું સેપરેટ(!) દુધ ચામાં પધરાવાઈ ગયું છે! દસ દીવસમાં ભેગી થયેલી એ મલાઈનું ઘી બનાવવાની સુચના મારી પત્ની કામવાળી બાઈને આપી રહી છે. કામવાળી બાઈએ ખાંડી આપેલા ચાના મસાલાની ડબી ચા–ખાંડના ડબાની બાજુમાં ચમકી રહી છે. ડાઈનીંગ ટેબલ પર હમણાં જ બનાવેલા ગરમાગરમ બટાકાપૌઆં પણ તૈયાર છે.
હાલ ચાલીસ માઈલ દુર ગાડી ચલાવી, નોકરી માટે જતી, દીકરી માત્ર નવ જ વરસની છે; અને ઘરની પાછળ જ આવેલી, પાવર હાઉસની શાળામાં જવા માટે, હજુ ઘણે મોડેથી ઉઠવાની છે. એ એની પરીકથાઓના ખ્વાબોમાં મશગુલ છે. ચાર વરસના, બે જોડીયા દીકરા એમના રુમમાં, આયાની સાથે આરામમાં પોઢી રહ્યા છે.
બાકી ચા તો એવી ને એવી જ બનવાની છે !!
પોળમાં આવેલા ત્રણ માળના મકાનના ભોંય તળીયે, પેટમાં પાંચમું બાળક લઈને ફરતી મારી બહેને ( અમારી બાને અમે બહેન કહેતા ) વહેલાં ઉઠીને, ધુમાડાના ગોટે ગોટથી બળતી આંખો સાથે કોલસાનો ચુલો, માંડ માંડ પેટાવ્યો છે. રેલવે વાયરલેસ ઓફીસમાંથી રાતપાળી કરીને આવેલા બાપુજી છાપામાં ડોકું ઘાલી ચાની રાહ જોઈ રહ્યા છે. અમે ચાર ભાંડુ વચલા માળે, લાઈનમાં પાથરેલી પથારીઓમાં મીઠી નીંદર માણી રહ્યાં છીએ.
હમણાં જ બાજુની પોળમાં રહેતી રબારણ બાઈ, પીત્તળના બોઘરણામાં તાજું જ દોહીને કાઢેલું, પણ દીલ દઈને પાણી મેળવેલું (!) દુધ આપી ગઈ છે. માપ-પ્યાલી કરતાં અડધી પ્યાલી વધારાની નાંખીને ઉપકારનો ભાર ચઢાવી, તે હમણાં જ વીદાય થઈ છે. અહીં કોઈ કુકીંગ પ્લેટફોર્મ નથી. ચા બનાવવાની બધી સામગ્રી બહેને ઉભા થઈને પાછલા રુમમાંથી લાવી, પોતાની ડાબી બાજુએ ગોઠવેલી છે. સામેની ભીંતના લાકડાના ટોડલા પર, મોંસુઝણું થતાં હમણાં જ બુઝાવેલું ફાનસ લટકી રહ્યું છે; જેના સહારે ગઈકાલે સાંજે પાટી પેન પર મેં એક્ડૉ અને બગડો ઘુંટ્યા હતા.
પણ એ ચા અમારે માટે નથી. પેટે પાટા બાંધીને, બેય ટંક છોકરાંવને દુધ જ પીવડાવવું, અને પીવડાવવું જ – એવો નીયમ બહેન , બાપુજીએ રાખેલો છે. થોડે દુર પીત્તળના, જાતે કલાઈ કરેલા ડબામાં ગઈકાલની વધેલી રોટલીમાંથી બનાવેલા ખાખરાનો નાસ્તો ગઈકાલ સાંજથી તૈયાર થઈને સંઘરી રાખેલો છે : અમ ચાર ભાંડુ માટે, દુધ સાથે ખાવા માટે.
ચા બની ગયા બાદ, ગેસનો સ્ટવ કે પ્રાયમસ ટાઢા પડી ગયા; તેમ કોલસાનો ચુલો ટાઢો પડવાનો નથી. એને તો બધી રસોઈ બની જશે પછી જ આરામ મળવાનો છે.
બાકી અહીં પણ ચા તો એવી જ બનવાની છે.
ત્રણ ચા ..
એક માની બનાવેલી,
એક પત્નીએ બનાવેલી
અને…..
એક જાત મહેનતની.સાચું કહું?
આજની ચા વધારે મીઠી લાગે છે!મારી બનાવેલી છે, માટે નહીં-
આજની છે માટે!
હું ચાના પ્યાલા પર ઢાંકેલી પ્લાસ્ટીકની ડીશ બાજુએ મુકું છું. એની પર ચાની વરાળ ઠરીને બાઝેલાં પાણીનાં બીંદુઓમાં મને બહેનની આંખમાંથી સરતાં, ધુમાડો સહેવાના કારણે નીકળેલાં, અશ્રુઓ દેખાય છે.
સુધીરભાઈ પોતાના દીકરા વીક્રમ અને પુત્રવધુ જાગૃતીના ઘેર, બે દીવસ માટે મદદ કરાવવા આવ્યા હતા.
આમ તો દીકરો અને વહુ પહેલાં નાનકડા ફ્લેટમાં ભાડે રહેતાં હતાં. દીકરો પેટે પાટા બાંધીને, સ્વમહેનતે, અમેરીકામાં ભણ્યો હતો. ઉચ્ચ શીક્ષણ મેળવ્યું હતું. સારી અમેરીકન કમ્પનીમાં, સારા પગારે, ઓફીસરની પદવી પર, નવ વર્ષથી નોકરી કરતો હતો. પણ જવાબદાર પદવી પર હોવાના કારણે તેને રોજ આઠ દસ કલાક અને કદીક તો બાર બાર કલાક કામ કરવું પડતું. જાગૃતી નાનીશી, સાવ સામાન્ય, કારકુનની નોકરી કરતી હતી.
કરકસરથી રહેવામાં માનનાર વીક્રમે પોતાની બચતમાંથી ઠીક ઠીક ડોલર બચાવ્યા હતા. જાગૃતીને આવી કરકસર બીલકુલ પસંદ ન હતી. એને તો ફુલફટાક થઈ, ટાપટીપ કરી, મોજમાં મ્હાલવાનું અને પાર્ટીઓમાં જવાનું બહુ ગમતું. બન્ને દર વર્ષ અચુક એક બે અઠવાડીયા માટે જુદી જુદી જગ્યાએ ફરવા પણ જતાં. અલબત્ત આ બધા ખર્ચા વીક્રમની બચતમાંથી જ નીકળતા. જાગૃતી એની આવકમાંથી ઘર ખર્ચ માટે રાબેતા મુજબની રકમ આપતી. પણ એની બચતનું એ શું કરે છે, તે અંગે વીક્રમ કદી પુછતો ન હતો.
છતાં વીક્રમે પોતે કરેલી બચતમાંથી અને બાકીની રકમની લોન લઈ, એક મકાન ખરીદ્યું હતું. થોડા ઝીણા સ્વભાવવાળો એટલે વીક્રમે ઓછી કીમ્મતનું, થોડું જુનું, મકાન પસંદ કર્યું હતું. આથી મકાનમાં ઘણું બધું સમારકામ જરુરી હતું. અમેરીકાના કારીગરોની મસ મોંઘી મજુરી; એટલે ઘણું બધું કામ વીક્રમ જાતે કરતો. નોકરીમાં રોજના દસ બાર કલાક કામ કરવાનું હોવાથી; શની, રવી અને રજાના દીવસે જ આવું કામ થઈ શકતું. જાગૃતીના ખ્વાબ તો મહેલ જેવા સુંદર મકાનમાં મ્હાલવાના હતા. એને વીક્રમનો આ કરકસરીયો સ્વભાવ સહેજ પણ પસંદ ન હતો. ફરવા હરવાનું હોય; તો એનો ઉત્સાહ માય નહીં. પણ આવાં વૈતરાં એને જરાયે પસંદ ન હતાં
છેલ્લા એક વરસથી વીક્રમ માટે બધા શની રવી અને રજાના દીવસો ઘરના મરામતકામમાં આમ જ નીકળી જતા. ઘણી વાર સુધીરભાઈ આમાં મદદ કરવા આવી જતા; અને એમની ઉમ્મર પ્રમાણે, થાય એટલી મદદ કરતા.
તે દીવસે સાંજે બાપ દીકરો સખત થાકીને બેઠા હતા. બે દીવસ સતત કામ ચાલ્યું હતું. જાગૃતીએ એના નીયમ પ્રમાણે લોન્ડ્રીમાં કપડાં ધોયાં હતાં; અને બે ટાઈમ ખાવાનું બનાવ્યું હતું. જમીને જાગૃતીએ ટીવી પ્રોગ્રામ જોયા અને વીડીયો ગેમ પણ રમી. રાત્રે સુતાં પહેલાં સુધીરભાઈએ જોયું કે, એંઠાં વાસણ સીન્કમાં એમનાં એમ પડેલાં હતાં. સામાન્ય રીતે વાસણ માંજવાનું કામ અમેરીકામાં પુરુષોને ફાળે હોય છે; આથી વીક્રમ કે સુધીરભાઈનું આ કામ હતું. પણ સખત મજુરીના થાકના કારણે બન્ને સુઈ ગયા.
બીજા દીવસની સવાર પડી. રોજની આદત પ્રમાણે સુધીરભાઈ વહેલા ઉઠી ગયા. ચા બનાવવા રસોડામાં ગયા. એંઠા વાસણ એમના એમ સીન્કમાં પડેલાં હતાં. જાગૃતી તો પરવારીને નોકરીએ જવા રવાના થઈ ગઈ હતી.
તેમણે વાસણ ધોઈ, ડીશ વોશરમાં મુકવાની શરુઆત કરી ન કરી; અને વીક્રમ ધસમસતો દોડી આવ્યો. એના ગુસ્સાનો પાર ન હતો. તેણે સુધીરભાઈના હાથમાંથી વાસણ લઈ લીધાં; સીન્કમાં પછાડ્યાં અને કહ્યું,” તમારે આ નથી ધોવાનાં. એ સાંજે ઘણીયે ધોશે.”
સુધીરભાઈ,” અરે! એમાં શું? મારો થાક તો ઉતરી ગયો છે. હું ધોઈશ તો મને કોઈ તકલીફ નથી.”
વીક્રમ ,” પપ્પા! આ તો હમ્મેશનું થઈ ગયું છે. એ માંદી પડે કે એને વધારે કામ હોય તો અમે પીઝા કે મેક્સીકન ખાવાનું લઈ આવીએ. પણ મારે ઓફીસમાં વધારાનું કામ હોય, શરીરે ઠીક ન હોય કે આમ શની રવી સખત મજુરીનું કામ ઘેર કરું; તો જાગૃતીને એમ ન થાય કે, એક દીવસ વાસણનું કામ એ કરી નાંખે. કો’ક વાર તો ત્રણ ત્રણ દીવસ એંઠાં વાસણ એમના એમ પડેલાં રહે. એ નોકરી કરે છે ને? એટલે સહેજ પણ વધારાનું કામ એનાથી ન કરાય. મારી જેમ એને નોકરીમાં ઓવરટાઈમ પણ કામ કરવાનું હોતું નથી. અને કોઈ જાતની જવાબદારીની ધોંસ પણ નહીં. ખાલી કારકુનીનું જ કામ. પણ એ સહેજ પણ વધારાનું કામ ન કરે. હું તો એની આ કામચોરીની આદતથી કંટાળી ગયો છું.”
સુધીરભાઈ એમના જમાનામાં, એમની પત્નીએ વેંઢારેલા સંયુક્ત કુટુમ્બના બોજને યાદ કરતા, લમણે હાથ દઈ, ધબ્બ દઈ સોફામાં બેસી પડ્યા. પોતાની માનો જમાનો કેવો હતો? ‘સાત પગલાં આકાશમાં’ની વસુધા એમને યાદ આવી ગઈ.
પોતાની જીંદગીમાં નજરે નીહાળેલી, ત્રણ પેઢીઓની સ્ત્રીઓની, જાણે અજાણે સરખામણી થઈ ગઈ. આ ત્રીજી પેઢીની, ભણેલી, ગણેલી( કે ગણતરીબાજ!), કમાતી, પુરુષ સમોવડી, નારી કે નારાયણી ? કે પછી એના માટે ત્રીજું કોઈ યોગ્ય નામ હશે?
હવે તમે જ કહો? આ પરીસ્થીતીમાં વીક્રમે શું કરવું જોઈએ?
—————————
સત્યકથા પર આધારીત
કહેવાય છે, તક એકજ વાર દરવાજો ખટખટાવે છે. તમે ચુક્યા તો મોકો હાથમાથી સરી જાય છે. ફરી પાછો તે મોકો તો આવતો જ નથી.
એક્વાર ઓફીસના કામે આણંદથી અમદાવાદ જઇ રહ્યો હતો. ખેડાનો માથુ ફાડી નાખે તેવો તડકો, આભમાથી આગ વરસી રહી હતી હું તો જે ઘરાક્નુ કામ હતું, તેની એરકંડીશન મોટરમા બેઠો હતો . રસ્તામા ડ્રાઇવરને કાંઈક જોઈતુ હતુ તે ગાડી ઉભી રાખી. હું પણ સીગરેટ પીવા નીચે ઉતર્યો.
એક મોટા ઝાડ નીચે કેબીન હતી. પાસે એક બુટ ચંપલ રીપેર કરવાવાળો બેઠો હતો. એની પાસે ચાર પાંચ જોડી, ટાયરના સોલવાળા, સસ્તા ચંપલ હતા. હું ઉભો ઉભો સીગરેટ પીતો હતો. ત્યાં એક મજુર જેવો માણસ આવી ચંપલ જોવા માંડયો. તેણે આ ધોમ ધખતા તડકામા પણ ચંપલ પહેર્યા ન હતા, ઉઘાડે પગે હતો.
બહુ જ બીતાં બીતાં એણે પુછ્યું ” કેમ આપ્યા ભાઇ ?”
વેચવાવાળાએ કહ્યું, ” આઠ રુપીયા.”
પેલાએ કહ્યું ” મારી પાંહે ચાર રુપીયા છે. “
“તો એક ચંપલ લઇ જા”
મજુર આ ઉપાલંભ સમજે તેમ ન હતું.
” એક પગે થોડુ હલાય છે ભાઇ ?” એ બોલ્યો.
ચંપલવાળો કહે, ” ઓછામા ઓછા પાંચ રુપીયા લઇશ. “
પેલાને એ કાંઇ પોસાતુ ન્હોતુ. એ તો ચાલવા માંડ્યો. ડ્રાઇવરનુ કામ અને મારી સીગરેટ પતી ગયાં હતાં. હું ગાડીમા ગોઠવાણો અને ગાડી આગળ ચાલી. કામ પતાવી હું ઘેર પાછો આવ્યો.
રાત્રે જમતાં જમતાં ઘરની વાતો ચાલી.
પત્ની કહે “મોંઘવારીએ તો માઝા મુકી છે, બોલો! બેબીના સેન્ડલના અઢીસો રુપીયા. “.
રેડીયો પર કોઇ સંત પ્રવચન આપી રહ્યા હતા -“ક્યાં અને ક્યારે પ્રભુ તમને સેવાનો મોકો આપે છે તે ખબર નથી પડતી.” વી.વી.
તે રાત્રે મને ઉંઘ ન આવી , સવાલ માત્ર પાંચ રુપીયાનો હતો અને આમ જુવો તો માત્ર એક રુપીયાનો જ. ચારતો તે મજુર પાસે હતા .
મને સમજાણુ કે, મેં મોકો ગુમાવ્યો હતો. અને હવે આ મોકો કદી નહી આવે. ક્યાં હું ને ક્યાં એ મજુર! એની જરુરીયાત કેટલી નાનકડી હતી? ત્યારબાદ દરેક વરસે લગભગ પાંચ્-દસ હજારનુ દાન કરું છું; પણ પેલા મજુરનો ઉતરી ગયેલો ચહેરો નજર સમક્ષ તરે છે; અને થાય છે : –
– ભરત પંડ્યા – ભાવનગર
( સ્વાનુભવની વાત – સત્ય કથા)
——————–
ભરતભાઈને તો આટલો પણ વસવસો રહી ગયો; તે તેમની માનવતા. ઘણાને તો આવો વીચાર પણ નહીં આવતો હોય !
નયન સહગલ, તમે તમારા ઘરથી ત્રીસેક માઈલ દુર આવેલી એક જગ્યાએ જવા બસમાં બેઠા છો. તમારે જવાની જગ્યા હાઈવેથી થોડેક દુર છે. ત્યાં જવા માટેના આડા રસ્તા પાસે બસ ધીમી પડે છે અને એ રસ્તા પાસે અટકે છે. તમે બસમાંથી ઉતરી પડો છો અને તમારા એ નાનકડા રસ્તા પર માંડ કદમ માંડો છો; ત્યાં જ એક ભયાનક ધડાકો હાઈવે પરથી સંભળાય છે.
તમે પાછા વળીને હાઈવે પર નજર માંડો છો. તમારા એ રસ્તા પરથી સ્કુટર પર એક યુવતી પુર ઝડપે હાઈવે પર પ્રવેશ કરતી હતી; ત્યાં જ . હાઈવે પરથી વેગમાં આવી રહેલી વાન સાથે તે અથડાઈ પડી હતી. તેનું માથું લોહીલુહાણ થઈ ગયું હતું. કારવાળા મહાશય ઉદ્વીગ્ન ચહેરે નીચે ઉતરીને તેણીને મદદ કરવા જઈ રહ્યા છે. તમે પણ આ આઘાતમાં અટકી પડો છો. થોડીક જ મીનીટોમાં હાઈવે પર એક ટોળું ભેગું થઈ જાય છે; અને કશું સમજ્યા કર્યા વીના કારચાલકને પીટવા માંડે છે. એનું ખમીસ ફાટી જાય છે અને તે પણ લોહી લુહાણ થવાની તૈયારીમાં છે.
તમારા વાસ્તવદર્શી સ્વભાવના કારણે તમે આ ટોળાંશાહી સહન નથી કરી શકતા. તમે પણ ઝડપભેર ઘટના સ્થળે પહોંચી જાઓ છો. આંખે દેખેલા આ અકસ્માતની પુરી જવાબદારી એ યુવતીની જ હતી ; તે તમે સામાન્ય સમજથી સમજી ગયા છો. એ તો ઠીક પણ વધારે અગત્યની વાત એ છે કે, એ યુવતીને તત્ક્ષણ સારવારની જરુર છે. એ પણ તમારા દીમાગમાં ઝબકી જાય છે.
તમારી નજર બાજુમાં પડેલા પાઈપના એક ટુકડા પર પડે છે. અને ટોળાંશાહીનો .ઉન્માદ તમને પણ ઘેરી વળે છે. તમે એ પાઈપ ઉઠાવી એ ટોળાંની વચ્ચે પહોંચી જાઓ છો અને પાઈપ ઉગામી મોટેથી બરાડી ઉઠો છો ,” અરે અક્કલના ઓથમીરો ! આ છોકરીની તરફ તો નજર કરો. એને સીધી હોસ્પીટલ ભેગી કરવાને બદલે આ બધું શું માંડી બેઠા છો? “
તમારા બોલવાથી નહીં પણ, તમારા હાથમાં રહેલા અમોઘ શસ્ત્રના પ્રતાપે મારઝુડ બંધ પડે છે! ત્રણ હરોળ વાળી એ મોટી કારમાં વચ્ચેની સીટ પર એ યુવતીને સુવાડી, બીજા ત્રણ વટેમાર્ગુ અને તમને સાથે બેસાડી પેલા મહાશય નજીકની હોસ્પીટલ તરફ તેમની કાર હંકારી મુકે છે. રસ્તામાં પણ તેમની ઉપર આક્ષેપોની વર્ષા તો ચાલુ જ છે. તે તો ચુપચાપ બેઠેલા છે. એમના માથે કોઈ મોટી અંગત ચીંતા સવાર છે, એમ તમને ચોક્કસપણે લાગે છે. તમે એટલી જ ખબર પડે છે કે. તેમનું નામ મહેશ ગુપ્તા છે.
હોસ્પીટલમાં સ્ટાફ સદભાગ્યે સારો છે. એ પોલીસ તપાસની તરખડમાં પડ્યા વીના, યુવતીને ઈમર્જન્સી રુમમાં લઈ જાય છે. .ડોક્ટર કહે છે,” આ બહુ જ મુશ્કેલ કેસ છે. તેનું બહુ જ લોહી વહી ગયું છે. મને સહેજ પણ આશા નથી કે, તેને હું બચાવી શકીશ. પણ મારાથી બનતા બધા પ્રયત્ન હું કરીશ. પણ કોઈકે તત્કાળ લોહી આપવું પડશે.”
આ વાત સાંભળી મહેશ અને તમારા સીવાયના બીજા સજ્જનો રફુ ચક્કર થઈ જાય છે. તમારું લોહી , એ યુવતીને માટે યોગ્ય નથી એમ ખબર પડે છે. મહેશ ગુપ્તાના લોહીનો બાટલો ભરી એ યુવતીને ચઢાવવામાં આવે છે. તેની પર્સમાંથી મળેલી માહીતી મુજબ ફોન કરતાં તેનાં સગાંવહાલાં પણ એટલામાં ત્યાં આવી પહોંચે છે. મહેશ એમને પોતાનો સમ્પર્ક કરવાની પુરી માહીતી અને પ્રારંભીક જોગવાઈ માટે 10,000/- રુપીયા એક વડીલને પકડાવી દે છે. તમે અને મહેશ હોસ્પીટલની બહાર નીકળો છો.
મહેશ તમને તમારા સ્થાને પહોંચાડવાની તૈયારી બતાવે છે. પણ તેની પત્નીને બીજી હોસ્પીટલમાં પહેલું જ બાળક આવવાની તૈયારી હોવાના કારણે પહેલાં ત્યાં થઈ તમને ઉતારી દેશે, એમ ક્હે છે. તમારું કામ એટલું અગત્યનું ન હોવાથી અને મહેશની સજ્જનતાથી પ્રભાવીત થઈ, તમે એની સાથે જવા કબુલ થાઓ છો.
બીજી હોસ્પીટલે પહોંચતાં સારા સમાચાર મળે છે કે, ઈશ્વર કૃપાએ પ્રસુતી સારી રીતે પતી ગઈ હતી, અને મા અને બાળક બન્નેની તબીયત સારી છે.
મહેશ ગુપ્તા તમને તમારી જગ્યાએ ઉતારી તો જાય જ છે; પણ આ સમગ્ર ઘટનાના કારણે દસ લાખની કાર વાપરનાર કરોડપતી મહેશ ગુપ્તા, અને એસ.ટી બસમાં મુસાફરી કરનાર તમે જીગરી દોસ્ત બની ગયા છો તમારી આ મીત્રતા ઘણી લાંબી ટકવાની છે.
પરંતુ, કોઈ પણ જાતની અને ઉંડી માહીતી વગર, કાયદો હાથમાં લઈ લેવાની ટોળાંની વૃત્તી, લઘુમતી પ્રત્યે કૃર આચરણ; વીચારવીહીંનતા અને પાગલપન વીશે તમે વીચારતા થઈ જાઓ છો.
……………………
દીલ્હીસ્થીત શ્રી. નીતિન નરેશના સ્વાનુભવ પર આધારીત સત્યકથા
મુળ ઘટના વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. .
.
….
….
—————————————————
આ સત્યકથા આપને સ્પર્શી ગઈ ને?
એમને માટે એ પહેલું જ બાળક હતું. હરખની હેલીઓ ઉભરાતી હતી. પેટે પાટા બાંધીને એને ઉછેરતાં હતાં. પણ છ જ મહીનાના એ બાળકને ખેંચ આવતી હતી. જામનગરની સીવીલ હોસ્પીટલમાં એનાં માબાપ એને સારવાર માટે લઈ આવ્યા હતા. નીદાન કરતાં ખબર પડી કે મગજમાં લોહી જમા થઈ જવાના કારણે એમ થઈ શકે.
સી.ટી. સ્કેન અને મગજનું ઓપરેશન કરવામાં આવે તો બાળક બચી જાય. પણ માબાપ પાસે આ ખર્ચાળ સારવારની રકમ ક્યાંથી હોય? એ તો રોજની મજુરી પર ગુજરાન ચલાવતાં હતાં. હોસ્પીટલમાંથી મફત ખાવાનું ન મળે તો પાણી પી સંતોષ માનવો પડે એવી એમની હાલત હતી.
અને બાળક બચી ગયું. કોઈ પૈસાપાત્ર દાનવીરની સખાવતથી નહીં , પણ મધ્યમ વર્ગની માનવતાના જોરે.
આખી વાત વાંચવી છે ને ?
લો! ડો. મૌલિક શાહના બ્લોગ પર જવા અહીં ‘ક્લીક’ કરો
પાડ જામનગરની એ સંજીવની સંસ્થાનો… આવાં તો કેટલાંય માનવતા સભર કામો તેમણે કર્યાં છે.
આ એકવીસમી સદીમાં, જ્યારે આખી દુનીયા સમૃધ્ધીની દોડમાં સ્વલક્ષી થઈ ગઈ છે; ત્યારે ‘ પુણ્ય પરવાર્યું નથી’ એની પ્રતીતી થઈ ગઈ ને?
ઝાંઝવાનાં જળ, મુષક દોડ, આપણી પાસે જે કાંઈ હોય, તેનાથી કાંઈક વીશેષ પ્રાપ્ત કરવાની આશા. તે વાંચીત ફળ પ્રાપ્ત થાય તો પણ, કદી ન ખુટે તેવી તરસ. સુખની સતત શોધ. અપેક્ષાથી હમ્મેશ ઉણી ઉતરતી ઉપલબ્ધી. ઢગલાબંધ લેખો, વાર્તાઓ, કવીતાઓ, નાટકો…
એમાં આ એક કથાનો વધારો કરી રહ્યો છું?
ના, છેક એમ તો નથી. આ એવી એક જીવનકથાની ટુંકી રજુઆત છે, જે આનાથી સાવ વીપરીત છે. જ્યારે તમારી પાસે કશું જ ન હોય; તમે સાવ ખાલીખમ કડકાબાલુસ હો; જ્યારે તમારી જીવનસંગીની તમારા મુફલીસ જીવનથી વાજ આવી જઈ, તમને છોડી ગઈ હોય; જ્યારે તમારા એકના એક વ્હાલસોયા પુત્રની સુખાકારી કાજે તમારે દોડતા રહ્યા સીવાય કોઈ આરો જ ન હોય; જ્યારે થાકવું પણ પાલવે તેમ ન હોય: ત્યારે જે અવસ્થા પેદા થાય એને આપણે શું કહીશું?
કરમની બલીહારી? જેવાં જેનાં નસીબ? પુર્વજન્મનાં પાપનું ફળ?
પણ આ કથા એક એવા જણની છે – જેણે પોતાના જીવનની આવી મુષક્દોડ પાર કરી હતી; અને વીજયી બન્યો હતો. આ કોઈ કપોલકલ્પીત કથા નથી – એ તો એક સત્ય અને પ્રેરક કથા છે.
લો ત્યારે, અત્યંત ટુંકાણમાં..
ક્રીસ ગાર્ડનર આર્થીક રીતે સાવ નીચલા વર્ગનો, પણ ભાવનાશીલ અને ઉચ્ચ નૈતીક મુલ્યો ધરાવતો કાળો અમેરીકન છે. તેની પત્નીની આવકથી ઘર ચાલે છે. એનો ચાર વર્ષનો પુત્ર એને બહુ જ વ્હાલો છે. કુટુમ્બને વધારે સારી આર્થીક સ્થીતી પર લઈ જવાની તેની કોઈ કારગત બર આવતી નથી. બધેથી સરીયામ નીષ્ફળતા જ નીષ્ફળતા તેની પત્ની તેની આ કરમ કઠણાઈથી વાજ આવી, બન્નેને છોડી જતી રહે છે. એની રહી સહી બચત પણ દેવામાં ખતમ થઈ જાય છે. ભાડાના ઘરમાંથી મોટલના રુમમાં અને ત્યાંથી છેવટે રેન બસેરામાં તેને આશરો લેવો પડે છે. આ બધી વ્યથાઓની લગોલગ, છ મહીના, વીના પગારે, તાલીમાર્થી તરીકે તે એક ફાઈનાન્સ ક્મ્પનીમાં તનતોડ મહેનત કરતો રહે છે. આપણને એમ જ લાગે કે, તે છેવટે તુટી જ જવાનો છે.
પણ છેવટે નસીબ તેને યારી આપે છે અથવા તેના અથાક પરીશ્રઁમનું તેને ફળ મળે છે. તાલીમના અંતે લેવાયેલ પરીક્ષામાં તે પ્રથમ નમ્બરે ઉત્તીર્ણ થાય છે, તેની જીવનયાત્રા ઉજળી કોર તરફ ગતી કરતી થાય છે. અમુક વર્ષો બાદ તે કરોડપતી બને છે; અને પોતાની સફળ જીવનકથનીનો સંદેશ અનેકોને આપી પ્રેરતો રહે છે.
આ જીવનકથા વર્ણવતી ફીલ્મ – ‘ Pursuit of Happiness’ – જોયા બાદ જે મનોભાવો પ્રગટ્યા; તે અવર્ણનીય છે.
‘ક્રીસ ગાર્ડનર’ ની જીવનગાથા વાંચવા અહીં ક્લીક કરો.
ગમે તે કહો, બધે જ, મોટા ભાગની પ્રજાની આ જ નીયતી હોય છે ને? એનાથી હારેલા, કચડાયેલા, દઝાયેલા, દુણાયેલા, ઉપેક્ષીત લોકોથી જ તો નીચલો સમાજ બને છે ને? એમાંથી જ તો સમાજનાં ઘણાં બધાં દુષણો ઉદભવે છે ને?
એને સુફીયાણી ભાષામાં ઝાંઝવાનાં જળ અથવા મુષકદોડ કહીને બાજુએ મુકી દઈશું? ચોપડીનું પાનું ફેરવતા હોઈએ તેમ આપણા ક્ષુલ્લક પ્રશ્નો, આનંદો, વંચનાઓ, નીર્બળતાઓ તરફ પારોઠનાં પગલાં ભરીશું?
અમેરીકાની બ્રેટલબરો યુનીવર્સીટીના એ ક્લાસરુમમાં તંગદીલીભરી ચુપકીદી છવાયેલી હતી. એકત્રીસ વીદ્યાર્થીઓ આતુરતાથી નવા પ્રોફેસરની રાહ જોઈ રહ્યા હતા. દસ અમેરીકન, બે ઈટાલીયન, પાંચ ફ્રેન્ચ, બે રશીયન, ત્રણ જર્મન, ચાર મેક્સીકન, બે ચાઈનીઝ, બે જાપાનીઝ અને એક વીયેટનામી એમ કુલ એકત્રીસ જણ પાટલીઓ પર બેઠેલા હતા.
અને ત્યાં પીટરે બારણામાંથી ઓરડામાં પ્રવેશ કર્યો. એની સાથે ખાદીનો જભ્ભો અને પાયજામો પહેરેલા કનુભાઈ પણ પ્રવેશ્યા. બધા વીદ્યાર્થીઓએ ઉભા થઈને બન્નેનું અભીવાદન કર્યું. પીટરે એ સ્વાગતનો સ્મીત ભરેલા ચહેરે સ્વીકાર કર્યો; અને બધાંને બેસી જવા સુચના આપી.
હવે પીટરે બોલવાનું શરુ કર્યું. “વ્હાલા વીદ્યાર્થીઓ! તમે બધા શીક્ષણશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છો. શીક્ષણના પાયાના સીધ્ધાન્તો તેમ જ આધુનીક વીચાર ધારાઓ અને સંશોધનો તમને સમજાવવા, એ તમારા અભ્યાસનું પ્રધાન લક્ષ્ય છે. આજથી બે મહીના માટે આ બાબત તમે બધા એક અભુતપુર્વ પ્રયોગમાં સહભાગી થવાના છો. આ પ્રયોગ માટે આપણી યુનીવર્સીટીનું આમંત્રણ સ્વીકારી અમદાવાદ, ભારતથી શ્રી. કનુભાઈ જાની ખાસ પધારેલા છે. મને બહુ જ આનંદ છે કે, તમે સૌએ સ્વેચ્છાએ આ પ્રયોગમાં સ્વયંસેવક થવા તૈયારી બતાવી છે. આપણી યુનીવર્સીટી આ માટે તઁમારા સૌની ઋણી છે. હવે હું તમારી અને કનુભાઈની વચ્ચેથી રજા લઉં છું. મને આશા છે કે, આ પ્રયોગ સફળ નીવડે. હું તમને અને કનુભાઈને આ માટે યુનીવર્સીટી વતી શુભેચ્છા પાઠવું છું. “
આટલું કહી, પીટરે ક્લાસરુમમાંથી વીદાય લીધી.
હવે કનુભાઈએ પોતાનું સંભાષણ શરુ કર્યું. “ મીત્રો, મારું કામ તમને મારી માતૃભાષા ગુજરાતીનું પ્રારંભીક જ્ઞાન આપવાનું છે. મને અને ત્તમને બરાબર ખબર છે કે, આ ભાષા જાણીને તમને કશો ફાયદો થવાનો નથી. એ તમે કદી વાપરવાના નથી; સીવાય કે, તમારામાંના કોઈ ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવે. પણ મને જરુર વીશ્વાસ છે કે, ભાષા શીક્ષણનો એક બહુ જ મહત્વનો સીધ્ધાન્ત, કદી ન ભુલાય એ રીતે તમે જાણી લેશો. ભાષાશીક્ષણની તમારી ભવીષ્યની કારકીર્દી માટે આ સીધ્ધાન્ત તમને અવશ્ય કામ લાગશે, એની પણ મને શ્રધ્ધા છે. અંગ્રેજીમાં બોલાયેલું આ મારું છેલ્લું સંભાષણ છે. હવે પછી હું માત્ર ગુજરાતી ભાષા જ બોલીશ અને તમે પણ અંગ્રેજી કે બીજી કોઈ ભાષા નહીં બોલો. હું જે શબ્દ બોલું, તેનું તમે પુનરાવર્તન કરશો. આપણે દરરોજ એક કલાક માટે બે મહીના સુધી મળવાના છીએ. હું તમને ખાતરી સાથે જણાવું છું કે, એ સમય બાદ તમે સૌ વીશ્વાસ સાથે, સામાન્ય વ્યવહાર માટે જરુરી ગુજરાતી બોલતા થઈ જશો અને તમારામાંના મોટાભાગના ગુજરાતી લખાણ પણ વાંચી શકશે. કદાચ લખી પણ શકશે. ”
એકત્રીસે એકત્રીસ જણ અંગ્રેજીમાં બોલાયેલ આ સંભાષણ હેરતપુર્વક સાંભળી રહ્યા.
હવે કનુભાઈએ પોતાના ડાબા હાથની આંગળી જમણા હાથ પર મુકી અને બોલ્યા. “ હાથ “
એકત્રીસ જણાએ ‘હાથ’ નો પ્રતીઘોષ કર્યો. આમ જ કનુભાઈ શરીરના વીવીધ ભાગ પર આંગળી મુકતા ગયા અને તેમના ગુજરાતી નામ બોલતા ગયા. આખી પ્રક્રીયાનું પાંચ વખત પુનરાવર્તન કરવામાં આવ્યું.
અલબત્ત ઘણા વીદ્યાર્થીઓ આ હરકતથી કંટાળવા માંડ્યા હતા. એના પ્રતીબીંબ સ્વરુપે એક વીદ્યાર્થીનીએ બગાસું ખાધું! કનુભાઈની ચકોર આંખોએ આ સ્વાભાવીકતા પારખી લીધી; અને તરત જ બોલી ઉઠ્યા, “ બગાસું!” તેમણે પોતે પણ બગાસું ખાવાનો ડોળ કર્યો અને બોલ્યા, “ બગાસું.”
આખા ક્લાસે પુનર્જીવીત થયેલા ઉત્સાહથી બગાસાં ખાવાનો આનંદ માણ્યો અને ‘ બગાસું’ શબ્દને આત્મસાત કર્યો.
આ શીક્ષણયાત્રા આમ જ ચાલતી રહી, એક પછી એક દીવસ બાદ, સતત અને સતત બગાસા જેવા મનોરંજનોની સાથે ! પહેલા અઠવાડીયા બાદ , રોજના વીસ – પચીસ શબ્દોના દરે, 150 શબ્દો બધા શીખી ગયા હતા. ક્રીયાપદો, વીશેષણો વી. પણ પછી તો ઉમેરાતા ગયા અને લીપીનું જ્ઞાન પણ.
બે મહીનાના અંતે બધા વીદ્યાર્થીઓ ગુજરાતી બોલતા થઈ ગયા હતા. અમુક તો ગુજરાતી લખી પણ શકતા હતા. કનુભાઈ જાનીએ યુનીવર્સીટીને એ સાબીત કરી આપ્યું હતું કે,
———————-
આ સત્યકથા આ લેખના લેખકે શ્રી. કનુભાઈ જાની પાસેથી સ્વમુખે સાંભળેલી છે.
વાચકોના પ્રતિભાવ